શબ્દલોકના યાત્રીઓ – ૨/મનોજ ખંડરિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મનોજ ખંડેરિયા

અત્યારના ગુજરાતી કવિઓમાં મનોજ ખંડેરિયા ધ્યાન ખેંચે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અચાનક’ ૧૯૭૦માં પ્રગટ થયો ત્યારે વિવેચક અને સાહિત્યરસિકોએ એને આવકારેલો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીમાં તે પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો છે. હમણાં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘અટકળ’ પ્રગટ થયો છે. પ્રમાણમાં તે ઓછું લખે છે પણ જે લખે છે તે નક્કર. નગદ વસ્તુ સિવાય બીજામાં તે હાથ નાખતા નથી. આ બંને કાવ્યસંગ્રહો દ્વારા સાંપ્રત ગુજરાતી કવિતામાં તેમણે પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. ત્રણેક વર્ષ પહેલાં કવયિત્રી જયા મહેતાએ ‘કવિપ્રિય કવિતા’નો સંગ્રહ કર્યો ત્યારે કવિઓને એમને ગમતી કવિતા અને એ ગમવાનાં કારણો અને એ પ્રિય કાવ્ય ક્યારે અને કઈ પરિસ્થિતિમાં લખાયું એનો અહેવાલ આપવા જણાવેલું. મનોજ ખંડેરિયાએ ‘ક્ષણોને તોડવા બેસું’ એ ગઝલ મોકલાવી પણ કોઈ કારણો કે રચના પરિસ્થિતિ જણાવી નહિ. તેમણે માત્ર આટલું જ લખ્યું: ‘ગમવાનું કારણ મને ગમે છે એટલું જ બસ છે. શા માટે ગમે છે તે વિચારતો નથી એટલે પ્રિય કાવ્ય મોકલું છું. પ્રિયતાનાં કારણો તમને ઠીક લાગે તે શોધજો લખશો, તો ચાલશે.’ આ વલણ એમના કવિ—મિજાજને બરાબર પ્રગટ કરી આપે છે. તેમના આ પ્રિય કાવ્યમાં એક શેર આ પ્રમાણે છે.

મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

‘એને’ શબ્દથી પામવાની છે—એ વડે જ પામી શકાય એવી કવિ—મનીષા સૂચક અભિવ્યક્તિ પામી છે. મનોજ વ્રજલાલ ખંડેરિયા સૌરાષ્ટ્રના છે. વતન જૂનાગઢ. જૂનાગઢમાં છઠ્ઠી જુલાઈ ૧૯૪૩ના રોજ તેમનો જન્મ થયેલો. તેમના પિતાશ્રી મહેસૂલી અધિકારી હતા એટલે વારંવાર બદલીઓ થતાં અનેક ગામોમાં તેમણે શિક્ષણ લીધું. પ્રાથમિક શિક્ષણ ધોરાજી, વેરાવળ અને જૂનાગઢમાં લીધું. માધ્યમિક શિક્ષણ મોરબીની ગિબ્સન હાઈસ્કૂલ, રાજકોટની વીરાણી હાઈસ્કૂલ, જામનગરની નેશનલ હાઈસ્કૂલ, જામખંભાળિયાની જી. વી. જે. હાઈસ્કૂલમાં લીધા બાદ ૧૯૬૧માં જૂનાગઢ હાઈસ્કૂલમાંથી એસ. એસ. સી. થયા. તરત જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં દાખલ થયા અને ૧૯૬પમાં બી.એસસીની પરીક્ષા પસાર કરી. આ રીતે મનોજભાઈ વિજ્ઞાનના સ્નાતક છે. પણ તેમને કવિતામાં જીવંત રસ તે ભણતા હતા ત્યારથી હતો. સ્નાતક થયા પછી બીજે જ વર્ષે ૧૯૬૬માં ‘દીવાલો’ નામે એમનું કાવ્ય સ્વ. મણિલાલે ‘કુમાર’માં પ્રગટ કરાવેલું. એ પછી બીજી રચનાઓ આદિલ મનસૂરીના પ્રયત્નોથી ‘કૃતિ’માં પ્રગટ થઈ. બી.એસસી, થયા બાદ તેમણે ૧૯૬પથી ૧૯૬૭ સુધી જામનગરની એમ. પી. શાહ કૉમર્સ અને લૉ કૉલેજમાં એલએલ.બી.નો અભ્યાસ કર્યો. ૧૯૬૮થી તેમણે જૂનાગઢમાં જ વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો તે આજદિન સુધી ચાલુ છે. વકીલાતની સાથે જ તે અધ્યાપનકાર્ય પણ કરે છે. એમ. ડી. એસ. કૉમર્સ કૉલેજ જૂનાગઢમાં વાણિજ્ય-કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે તથા જૂનિયર ચેમ્બર્સ લૉ કૉલેજના કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે ૧૯૭૨થી તે સેવાઓ આપે છે. જામનગરમાં કાયદાના અભ્યાસ વેળાએ કવિ શ્રીકાન્ત શાહની મૈત્રી થઈ. એ દ્વારા ‘રે’ મઠના કવિમિત્રોનો પરિચય થયો. રાજેન્દ્ર શુક્લ એમના કૉલેજના સહાધ્યાયી હતા. આ બધા કવિઓ ઉપરાંત જૂનાગઢમાં કવિ ‘સરોદ’, અધ્યાપક તખ્તસિંહ પરમાર વગેરે સાથે ‘મિલન’ સંસ્થાની બેઠકોમાં હાજરી આપતા કૉલેજમાં ‘મંગળવારિયું’ સંસ્થા ચાલતી. આ રીતે એમની કવિતાને પોષક વાતાવરણ મળી ગયું. આ ઉપરાંત રમેશ પારેખ અને અનિલ જોષી જેવા કવિમિત્રોની મૈત્રીએ પણ મોટો ભાગ ભજવ્યો. આ બંને મિત્રો સૌરાષ્ટ્રના - સૌરાષ્ટ્રના સાહિત્યિક કાર્યક્રમોમાં મળવાહળવાનું થાય. કવિતા જ વાતનો વિષય બને. આ બધા મિત્રોના સંગ્રહો પણ સાથે થયા. ‘અચાનક’ને પણ ગુજરાત સરકારનું પારિતોષિક મળેલું. મનોજ ખંડેરિયાએ સુંદર લયહિલ્લોલવાળાં ગીતો, ચમત્કૃતિવાળી ‘નવી’ ગઝલો અને અદ્યતન ગદ્યકાવ્યો આપ્યાં છે. તેમની કવિતાની ભાષાની આખી ઈમારત જ વિશિષ્ટ કહી શકાય એવી છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષા નવા સ્વરૂપે પ્રયોજાયેલી લાગે. એમની કવિતાનું સુઘટ્ટ પોત તરત આપણું ધ્યાન ખેંચે છે. અત્યારના કવિઓમાં મનોજનો એક આગવો અવાજ છે. એક કાવ્યમાં તે કહે છે, અહીં આ અવાજોના ધસમસ પ્રવાહે/જશે આપણા શબ્દનો ક્યાં તરાપો. વિવિધ કવિતાના ધસમસતા અવાજોમાં મનોજના શબ્દનો તરાપો લક્ષ્યસ્થાને પહોંચવાની પ્રતીતિ આપણને તેમણે કરાવી જ છે. તેમની કવિતા સમગ્રતયા જોઈએ છીએ ત્યારે એમના જ શબ્દોમાં કહેવાનું મન થાય છે કે ‘તે જ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?’ આ વિસ્મયજન્ય આનંદ અકબંધ જાળવતી મનોજ ખંડેરિયાની કવિતા પુનઃપુનઃ આસ્વાદ લેવા પ્રેરે એવી છે.

૨૩-૯-૭૯