શબ્દલોકના યાત્રીઓ – ૨/સુવર્ણા રાય

સુવર્ણા રાય

થોડા વર્ષો પહેલાં ‘સુવર્ણા’ની સહીથી ‘સંસ્કૃતિ’માં ટૂંકી વાર્તાઓ પ્રગટ થતી. વાર્તાઓનું આંતરવિશ્વ રસ જગાડતું. પછી તો સુવર્ણાબહેન પ્રસિદ્ધ વાર્તાકાર મધુ રાય સાથે પરણીને ‘સુવર્ણા રાય’ બન્યાં ત્યારે મળવાનું બન્યું. ટૂંકી વાર્તા અને નવલકથામાં તેમને ખાસ રસ. વિચારનિબંધો પણ લખે. હમણાં ‘સંસ્કૃતિ’માં તેમણે ‘અસ્તિત્વવાદ’ વિશે લેખમાળા લખી. અસ્તિત્વવાદ એમના અભ્યાસનો ખાસ વિષય. ૧૯૭૪-૭૬માં અમેરિકા જઈ ફિલૉસૉફી સાથે એમ.એ. થયાં ત્યારે તેમણે ‘અસ્તિત્વવાદ’ ઉપર કામ કરેલું. આ વિષય પર અધિકારપૂર્વક તે બોલી શકે. શ્રી સુવર્ણાનો જન્મ ૧૬ ઑક્ટોબર ૧૯૪૨ના રોજ માલપુર (ગુજરાત)માં થયો હતો. તેમનું વતન ગોંડલ. એમના પિતાશ્રી ન્યાયાધીશ હોવાથી જુદા જુદા સ્થળે તેમની બદલી થતી એથી સુવર્ણાનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કોઈ એક ગામમાં થયું નહિ, અંકલેશ્વર, જલગાંવ, અમદાવાદ અને સુરતમાં તે ભણ્યાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને રાજકારણ વિષયો લઈને તેમણે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. અમદાવાદની ગુજરાત કૉલેજ અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેમણે અભ્યાસ કરેલો. એ પછી ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં તે એમ.એ.ના અભ્યાસ માટે દાખલ થયાં. ૧૯૨પમાં રાજ્યશાસ્ત્ર વિષય લઈને તેમણે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંશોધનનો પાંચ વર્ષનો અનુભવ તેમણે દિલ્હીમાં મેળવ્યો. પીએચ.ડી. માટે ‘પ્રિન્સ નોર્ડમ સિંહાનૂક અને આધુનિક કંબોડિયા -રાજકીય નેતૃત્વનો અભ્યાસ’ એ વિષય તેમણે રાખેલો. ૧૯૬૮-૬૯ દરમ્યાન તેમણે કંબોડિયા અને થાઈલૅન્ડમાં ફિલ્ડવર્ક પૂરું કર્યું છે. અભ્યાસકાળ દરમ્યાન તેમને ચંદ્રક અને મેરિટ સ્કોલરશિપ મળી હતી. તેમનું વિદ્યાર્થીજીવન અત્યંત તેજસ્વી હતું. વિદ્યાભ્યાસ ઉપરાંત ઈતર પ્રવૃત્તિઓમાં પણ તેમને જીવંત રસ હતો. ચાર વર્ષ સુધી તે એન.સી.સી. કેડેટ હતાં. ઉત્તમ કામગીરી માટે તેમને સર્ટિફિકેટો પણ મળેલાં. તેમણે નિબંધલેખન, વક્તૃત્વ, ડિબેટિંગ વગેરેની સ્પર્ધાઓમાં ભાગ લીધેલો. દિલ્હી યુનિવર્સિટીમાં જાનકીદેવી મહા વિદ્યાલયમાં તેમણે ત્રણેક વર્ષ લેક્ચરર તરીકે કાર્ય કર્યું. આ ઉપરાંત હૅરલ્ડ લૅસ્કી ઈન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિકલ સાયન્સમાં સભ્ય અને અધ્યયન મંડળનાં આવાહક હતાં. દિલ્હી હતાં ત્યારે કૉલેજના રાજ્યશાસ્ત્ર મંડળના ચાર્જમાં હતાં. ૧૯૬૦-૬૧ દરમ્યાન તેમણે અમદાવાદમાં યુવાનોની સંસ્થા ‘આરત’ની સ્થાપના કરેલી. તેમણે દેશ-પરદેશના સેમિનારમાં ભાગ લીધો છે અને નિબંધવાચન કર્યું છે. ગુજરાતી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત, હિંદી અને ફ્રેન્ચ પણ તે સારી રીતે જાણે છે. ગુજરાતીમાં ‘અભ્યાસ’, ‘સંસ્કૃતિ’, ‘નિરીક્ષક’, ‘વિશ્વમાનવ’ વગેરેમાં તેમના લેખો પ્રગટ થયા છે. અંગ્રેજીમાં પણ તેમણે લખ્યું છે. હિંદી ‘દિનમાન’માં તેમણે જુદા જુદા વિષયો પર લેખો લખ્યા છે. તેમની સૌ પ્રથમ વાર્તા ‘હું = વાર્તા/વાર્તા = હું’ ૧૯૬૬માં સ્વ. ચૂનીલાલ મડિયાના તંત્રીપદે પ્રગટ થતા ‘રુચિ’ માસિકમાં પ્રગટ થઈ હતી. તેમને માતાપિતાની હૂંફ મળી, ઘરના ઉદારમતવાદી વલણે મુક્ત કલમે લખવા માટે પ્રેર્યાં. વાર્તાઓ અને નવલકથાઓ તે વાંચતાં. તેમને થતું કે જીવનની અનેક ગૂંચવણોને ગૂંચવણ તરીકે સમજવા કે ભૂલવા માટે સાહિત્યલેખન અનિવાર્ય છે. તેમણે કલમ ઉપાડી. એક પછી એક વાર્તાઓ લખાવા માંડી. ૧૯૭૨માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘એક હતી દુનિયા’ પ્રગટ થયો. એને ગુજરાત સરકારનું પારિતોષિક પણ મળ્યું. બીજે વર્ષે ૧૯૭૩માં તેમણે શ્રી મધુ રાય સાથે લગ્ન કર્યા. ૧૯૭૪માં તે અમેરિકા ગયાં. ૧૯૭૬ સુધી ત્યાં રોકાયાં. ફિલૉસૉફી સાથે એમ.એ. થયાં. ૧૯૭૭ના ડિસેમ્બરમાં તે ભારત પાછાં આવ્યાં. ૧૯૭૮-૭૯ દરમ્યાન તેમણે ‘જનશક્તિ’માં ‘મારું વિશ્વ’ નામે સ્ત્રીઓનો વિભાગ ચલાવ્યો; સ્વતંત્ર લેખન કર્યું. તેમના પતિ મધુ રાય અમેરિકામાં ‘ગુજરાતી’ નામે સાપ્તાહિક ચલાવે છે, ભારતમાં એનું સંપાદનકાર્ય સુવર્ણાબહેને કર્યું. થોડો સમય તેમણે ગુજરાત ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસીઝના વર્ગો પણ લીધેલા. હવે ગણતરીના દિવસોમાં તે અમેરિકા-પ્રયાણ કરશે. ૧૯૭૨-૭૩ના ગુજરાતી સાહિત્ય વિશે સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘ઈન્ડિયન લિટરેચર’માં આ લખનારે ‘A Crop of Fresh Talents’ નામે લેખ લખેલો, ત્યારે સુવર્ણાની વાર્તાકલા વિશે નીચે પ્રમાણે નોંધેલું : “ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં સુરેશ જોષી, કિશોર જાદવ અને સુધીર દલાલ પછીથી કોઈ સીમાચિહ્ન રૂપ કૃતિ પ્રગટ થઈ નથી. આ પ્રકારમાં જાણે કે એક જાતનું stagnation–બંધિયારપણું આવી ગયું છે. જો કોઈ અપવાદરૂપ કૃતિ સૂચવવી હોય તો સુવર્ણાની ‘એક હતી દુનિયા’ સૂચવી શકાય. ચીલેચાલુ વાર્તાઓ કરતાં આ સંગ્રહ ટેકનીકની નવીનતા, તાજગી અને વિવિધ ભાવ-પરિસ્થિતિના રંગીન ચિત્રણને કારણે જુદો તરી આવે છે.” એ પછીની વાર્તાઓનો સંગ્રહ ‘બનિહાલ’ અને નવલકથા ‘હું અને હું’ પ્રકાશિત થશે. તેમના વિચારલેખો પણ ‘મારું વિશ્વ’ નામે પ્રગટ થશે. એમની અસ્તિત્વવાદ વિશેની લેખમાળા પણ ‘અસ્તિત્વવાદ : એક પુનર્વિચારણા’ નામે ગ્રંથસ્થ થશે. તેમનાં પુસ્તકોનાં શીર્ષકોમાં એમના પોતાના વિશ્વની વાત કોઈને કોઈ રૂપે ધ્વનિત થઈ છે. પ્રબળ વ્યક્તિમત્તા એ એમનાં લખાણોનું અને વ્યક્તિત્વનું વ્યાવર્તક લક્ષણ છે. વિદેશી સર્જકોમાં કામૂ, રૉબર્ટ ગ્રિયે, દૉસ્તોયેવ્સ્કી વગેરેનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો છે. એમના લેખન ઉપર એનો પ્રભાવ પડેલો છે. ટૂંકી વાર્તાની સ્વરૂપગત મર્યાદા વિશે એક વાર ચર્ચા થતાં તેમણે કહેલું કે, ‘એ સ્વરૂપ જ હવે કાલાતીત બનવા પર છે. એક તો એમાં કાવ્યત્વ, ઘટના–અઘટના, મનોવિશ્વનું પ્રાધાન્ય વગેરે એવાં વણાઈ ગયાં છે કે ટૂંકી વાર્તા હવે વાંચવાની વસ્તુ વધુ બની ગઈ છે અને કહેવાની ઓછી. માણવાની વધુ, સમજાવવાની ઓછી. આથી વાંચક-સર્જકનો વિશિષ્ટ સંબંધ એમાં અભિપ્રેત થયો છે. આ બદલાયેલા સંબંધનો ખ્યાલ ખૂબ ઓછા સર્જકોને આવ્યો હોય તેવું લાગે છે. તેથી વાચક-સર્જક વચ્ચેનું અંતર ઘટવા છતાં અમુક અંશે વધ્યું પણ છે!’ તેમની પાસે બે નવલકથાઓ અને નાટક લખેલાં પડ્યાં છે. ક્રમશઃ તે પ્રકાશિત થશે. સાહિત્ય-જીવન ને દર્શનને સાંકળી લેતી એક નવલકથા લખવાનું તેમને મન છે. જરાક મોટા ફલક પર કામ કરવાની તેમની ઈચ્છા છે, જેમાં વ્યક્તિ-સમષ્ટિના સાચામાં સાચાં સંઘર્ષ–સમાધાન–ખોજ ઝીલતાં પાત્ર હોય અને નાનામાં નાના પાત્રની એક ‘ફિલૉસૉફી’ હોય એવો ચિતાર તેમના મનમાં છે. તેમના ભાવિ લેખન કાર્યક્રમ વિશે વધુમાં તેમણે કહેલું કે ‘ભારતીય દર્શનમાં અમુક પાસાં ખૂબ જ આકર્ષક લાગ્યાં છે. પશ્ચિમના દર્શનમાં છેલ્લામાં છેલ્લી પરિપાટીઓ ફરી જોઈ જવી છે. અત્યારે એક તરફ સર્જનસાહિત્ય ને બીજી તરફ દર્શન-વિચાર એમ બંનેનું પ્રબળ આકર્ષણ અનુભવું છું.’ હવે અમેરિકા રહ્યાં રહ્યાં આ બધી ચીજો (અને બીજી ત્યાંના અનુભવોમાંથી સૂઝેલી ) તે આપણને આપે એની રાહ જોઈએ. છત્રીસ વર્ષનાં સુવર્ણાબહેન પાસેથી ઉત્તરોત્તર માતબર કૃતિઓ આપણને મળે અને ગુજરાતી ટૂંકી વાર્તા અને નવલકથાને તે સમૃદ્ધ કરે એવી અપેક્ષા વધુ પડતી નથી.

૨૦-૧-૮૦