શેક્‌સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર


1. કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર

વિલિયમ શેક્‌સ્પિયરના અવસાન બાદ સાત વર્ષે સને 1623માં, હયાતીમાં એણે જે પ્રસિદ્ધ કરવાની ખેવના નહોતી રાખી, એ બધાંયે નાટ્યસર્જનોનું કીર્તિમંદિર એના સાથી નટો હેમિંગ[1] અને કૉન્ડેલેCite error: Invalid <ref> tag; name cannot be a simple integer. Use a descriptive title રચ્યું. શેક્ સ્પિયરનાં છત્રીસ નાટકોને એમાં સ્થાન મળ્યું. એક ગીનીના મૂલ્યે એની એક નકલ વેચાતી. નટ હતા, મિત્ર-પ્રેમી હતા, સાથે જ નટઘરના સંચાલકો હતા, એટલે હેમિંગ અને કૉન્ડેલે પોતાની ભાષામાં લખેલી પ્રસ્તાવનામાં સાથી શેક્‌સ્પિયરની સિદ્ધિને અને એની કૃતિઓના આનંદને બિરદાવ્યો ખરો, પણ વાચકને લલચાવવાનું એ ન ભૂલ્યા. એમણે લખ્યું કે ‘આ ગ્રંથ અવશ્ય વાંચજો; વાંચો નહિ તો પણ એને (એક ગીની આપીને) અવશ્ય ખરીદજો.’ બીજી કુનેહ આ સંપાદકોએ એ બતાવી કે શેક્‌સ્પિયરના પ્રતિસ્પર્ધી ગણાતા એ યુગના બહુશ્રુત વિદ્વાન નાટ્યકાર બેન જૉન્સન[2] પાસે તેઓ આમુખ લખાવી શક્યા. બે સારસ્વતો વચ્ચે વિરલ ગણાય એવું ઔદાર્ય બેન જૉન્સનની કલમે સરી પડ્યું. એણે લખ્યું : શેક્‌સ્પિયર માટેનો મારો પ્રેમ મારી પ્રભુભક્તિથી અંશમાત્ર જ ઊણો હતો.’ કવિપૂજાના તે પછીના ત્રણ સૈકામાં ઇંગ્લૅન્ડમાં અને જગતમાં અનેક વિભૂતિઓએ શેક્‌સ્પિયરનું ભાવભીનું સ્વાગત કર્યું છે, એનાં ઓવારણાં લીધાં છે, પરંતુ શેક્‌સ્પિયરને જેણે પડોશી અને પ્રતિસ્પર્ધી તરીકે નીરખ્યો હતો, સદેહે નીરખ્યો હતો, તેવા સમકાલીન સર્જકવિવેચક બેન જૉન્સને લખેલી પ્રશંસાને ભાગ્યે જ કોઈ આંબી શક્યું હોય. પ્રશંસા અને પ્રજ્ઞા કેવાં અવિભાજ્ય હોઈ શકે તેનો ખ્યાલ બેન જૉન્સનના મિતાક્ષરી આમુખમાં સ્પષ્ટ બન્યો છે. શેક્‌સ્પિયરના મિત્રો એ વાત ઉપર આફરીન હતા કે શેક્‌સ્પિયરનું વિપુલ સર્જન કોઈ ગિરિનિર્ઝરની સરળતાથી વહ્યું હતું. એમનો દાવો હતો કે શેક્‌સ્પિયરે કદીયે એક પંક્તિ, અરે એક શબ્દ સુદ્ધાં, છેક્યો ન હતો. આનો ઉલ્લેખ કરી બેન જૉન્સને લખ્યું : ‘ઈશ્વર કરે ને હજાર પંક્તિઓ છેકી નાખી હોત તો કેવું સારું!’ પ્રશંસાના ઉત્સાહમાં શેક્‌સ્પિયરના ચાહકોએ એવી ભ્રમણા ફેલાવી છે કે શેક્‌સ્પિયર નિસર્ગસિદ્ધ કવિ હતો, વિના પ્રયત્ને કાવ્ય એને સિદ્ધ હતું. આનો જવાબ પણ બેન જૉન્સને યોગ્ય જ આપ્યો છે કે ‘કવિ જન્મે પણ છે અને પ્રયત્નથી બને પણ છે.’ શેક્‌સ્પિયર વિશે આ સત્ય વીસરાયું છે અને પ્રશંસકોએ એને ‘એવૉનનો રાજહંસ’ કે ‘આર્ડનના અરણ્યનો કોકિલ’ કહીને બિરદાવ્યો છે. એ જ હકીકતનો ઉપયોગ શેક્‌સ્પિયરમાં કળાની સૂઝ ન હતી (Shakespeare lacked art) એવું પ્રતિપાદિત કરવામાં થયો છે. બેન જૉન્સને સ્પષ્ટ વિધાન તો એ કર્યું કે ‘શેક્‌સ્પિયર કેવળ એના જમાનાનો કવિ નથી ઠર્યો, એ તો યુગાન્તરનો કવિ (Not for an age but for all ages) ઠરશે.’ સને 1623માં હેમિંગ અને કૉન્ડેલના પ્રયત્નથી પ્રસિદ્ધ થયેલો શેક્‌સ્પિયરનો નાટ્યસંગ્રહ ‘ફૉલિયો આવૃત્તિ’ ગણાયો છે. નવ વર્ષમાં આ સંગ્રહની બધી નકલો ખપી જતાં સને 163રમાં બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી. બીજી આવૃત્તિના આ પ્રસિદ્ધિકાળ પહેલાં જ કૉન્ડેલ અને હેમિંગનું અવસાન થયું હતું. આ બીજી આવૃત્તિ આમ તો પુનર્મુદ્રણના રૂપમાં હતી. પરંતુ શેક્‌સ્પિયરની પ્રશસ્તિરૂપે એમાં કેટલાંક કાવ્યો ઉમેરવામાં આવ્યાં હતાં. અંગ્રેજી કાવ્યસાહિત્યમાં શેક્‌સ્પિયર પછી જેનું નામ મુકાય છે તે મહાકવિ મિલ્ટનની કાવ્યાંજલિ એ આ આવૃત્તિનું અર્પણ હતું. શેક્‌સ્પિયરને જેણે પ્રત્યક્ષ નહોતો જોયો તેવા બીજી પેઢીના યુવાન કવિ મિલ્ટને શેક્‌સ્પિયરની કવિતાને ‘અનવરુદ્ધ ટહુકા’ (Wood-notes wild) કહીને બિરદાવી. જીવંત શેક્‌સ્પિયરને બદલે દંતકથાના શેક્‌સ્પિયરની દિશામાં આમ એક પગલું ભરાયું. વર્ષો જતાં કીર્તિવિસ્તાર સાથે શેક્‌સ્પિયરની દંતકથા એવી તો દૃઢ બનવાની હતી કે ગોમટેશ્વરની પ્રતિમા પાસે જેમ નાનાંમોટાં સૌ ઉન્મુખ બનીને ઊભાં રહે તેમ શેક્‌સ્પિયરના કીર્તિમંદિરમાં બધાં જ યાત્રીઓ ઉન્મુખ બનીને પ્રવેશે. ફૉલિયોની બીજી આવૃત્તિમાં જોડણી અને છંદના સુધારા હતા, કેટલીક ભૂલો પણ સુધરી હતી, તો કેટલીક નવી ભૂલો વધી હતી. સને 1640 થી 1660ના ગાળામાં ઇંગ્લૅન્ડમાં રાજ્યક્રાંતિ થઈ. ચાર્લ્સ પહેલાનો શિરચ્છેદ થયો. ક્રોમવેલની સરદારી નીચે ઉદ્દામ ધાર્મિકતાનું શાસન આવ્યું. રંગરાગ અને મનોરંજનો સમૂળાં અદૃશ્ય થયાં, સંગીત, નાટ્ય અને ઇતર લલિત કળાઓને દેશવટો મળ્યો. સૌન્દર્યની સૃષ્ટિને સેતાનની મારીચજાળ લેખવામાં આવી. નટઘરો બધાંયે બંધ થયાં. એલિઝાબેથના યુગનું નટઘર અને રહ્યાસહ્યા નટો વિસ્મૃતિમાં ગરક થયા. સને 1660માં ફરીને રાજાશાહી પુનઃસ્થાપિત બની ત્યાં સુધીમાં નાટ્યપ્રવૃત્તિના બધાયે અવશેષો નામશૂન્ય થયા હતા. શેક્‌સ્પિયરનાં નાટકો તો ગ્રંથસ્થ બનીને સુરક્ષતિ હતાં, પરંતુ સમકાલીનોએ દીઠેલો શેક્‌સ્પિયર કશે સચવાયો નહોતો. એના જીવન વિશે હવે કુતૂહલ પ્રગટ્યું અને જિજ્ઞાસાને પોષનારી સામગ્રી ન મળતાં કલ્પનાને છૂટો દોર મળ્યો. નાનું સરખુંયે એનું રેખાચિત્ર, એના કેટલાક જીવનપ્રસંગોનું ચિત્રણ હવે હાથ ધરાયું. પરિણામે સને 1660 પછીનાં વર્ષોમાં અનેક દંતકથાઓ વહેતી બની. ચમત્કાર એ તો દંતકથાનો પ્રાણવાયુ ગણાય. એટલે શેક્‌સ્પિયર વિશેની દંતકથાઓમાં લોકવાર્તાના અંશો વિપુલ પ્રમાણમાં ભેળવાયા. સર્જક અને સર્જન વચ્ચેની ભેદરેખાનો આમ પ્રારંભ થયો. એક બાજુ એના મુદ્રિત સાહિત્યની કીર્તિ વિસ્તરતી આવી, બીજી બાજુ વિસ્મૃતિ અને કુતૂહલના પરિપાક જેવી શેક્‌સ્પિયરની અવિશ્વસ્ય લોકકથા રચાતી આવી. સને 1663માં અને પછી સને 1664માં, ત્રીજી ‘ફૉલિયો આવૃત્તિ’ પ્રસિદ્ધ થઈ. સને 1664ની આવૃત્તિમાં દંતકથાએ સ્વીકારેલાં સાત નાટકો ઉમેરાયાં. એ સાત નાટકોમાં એકમાત્ર ‘પેરિક્લિસ’(Pericles) એવું નાટક હતું જે શેક્‌સ્પિયરનું ગણાય, બાકીનાં છયે શેક્‌સ્પિયરને ઓટલે ત્યજેલાં અનાથ બાળકો હતાં. સને 168પમાં ‘ફૉલિયો’ની ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. પેલાં સાતે નાટકો એમાં સ્થાન પામ્યાં. સત્તરમી સદીના અંત સુધીમાં શેક્‌સ્પિયરના અક્ષરદેહની આમ સાચવણી થઈ. અઢારમી સદીએ જુદી જુદી નવ આવૃત્તિઓમાં શેક્‌સ્પિયરનાં નાટકોને જતનથી જાળવ્યાં. સને 1709માં તે વખતના રાજ્યકવિ નિકોલસ રો (Nicholas Rowe)એ શેક્‌સ્પિયરની નાટ્યકૃતિઓને ઑક્ટેવો કદના છ ભાગમાં મુદ્રિત કરાવીને પ્રથમ વાર આ નાટકો અર્વાચીન સટીક સંપાદનમાં આપ્યાં. સને 1725માં તે યુગના શ્રેષ્ઠ કવિ એલેકઝાંડર પોપે સાત ભાગમાં શેક્‌સ્પિયરનાં નાટકો અને કાવ્યો સમાવ્યાં. સને 1726માં લુઈ થિયોબોલ્ડે (Lweis Theobald) પોપની આવૃત્તિની ઝાટકણી કાઢતાં શેક્‌સ્પિયરનાં નાટકોની મરામત કરવાનું શાસ્ત્રીય પગલું ભર્યુ. સને 1765માં જગપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. જ્હૉન્સને શેક્‌સ્પિયરનાં નાટકોનું સંપાદન કર્યું અને એમનું મૂલ્યવાન વિવેચન પ્રસ્તાવનારૂપે મૂક્યું. આ બધીયે આવૃત્તિઓનું સંકલન ફૉલિયોની વાચનાને આધારે કરવામાં આવ્યું. અઢારમી સદીની શેક્‌સ્પિયરનાં નાટકોની શ્રેષ્ઠ આવૃત્તિ સને 1790માં એડમંડ મેલોને પ્રસિદ્ધ કરી. ફૉલિયોની ચોથી આવૃત્તિનાં શેક્‌સ્પિયરને નામે ખોટાં ચઢાવેલાં છ નાટકોને મેલોને દૂર કર્યાં, પરંતુ ‘પેરિક્લિસ’ સાડત્રીસમા નાટક તરીકે સ્થાન પામ્યું. મેલોનની આવૃત્તિની પ્રસિદ્ધિ સાથે શેક્‌સ્પિયરની કીર્તિનો નવો યુગ શરૂ થયો. શેક્‌સ્પિયરને એના જ કીર્તિમંદિરમાંથી બહાર નીકળવું પડે એવા વલણનો પ્રારંભ પણ તે ક્ષણથી જ શરૂ થયો. મેલોન જાતે અભ્યાસી અને મેધાવી સંપાદક હતો, પરંતુ શેક્‌સ્પિયરના મિત્ર અને પ્રથમ સંપાદક હેમિંગ અને કૉન્ડેલનો અધિકાર તેણે અવગણ્યો. ક્યાં શેક્‌સ્પિયરનાં અને ક્યાં બીજાનાં એની ચકાસણીનો પ્રયત્ન મેલોને કર્યો. એનો મત એવો પડ્યો કે ફૉલિયોની આવૃત્તિમાં સમાવેલાં ત્રણ નાટકો (રાજા હેન્રી છઠ્ઠા વિશેનાં) શેક્‌સ્પિયરનાં ન હોઈ શકે. એ ત્રણે નાટકોને એણે નાટ્યકાર ગ્રીનનાં ઠરાવ્યાં. એ જ રીતે ‘ટીટસ ઍન્ન્ડ્રોનિકસ’ (Titus Andronicus) નામનું નાટક પણ એણે શેક્‌સ્પિયરની આવૃત્તિમાંથી દૂર કર્યું. કાળનું કરવું તે મેલોન આટલું કરીને અવસાન પામ્યા અને યુરોપમાં ફ્રેન્ચ વિપ્લવનો તેમજ ઇંગ્લૅન્ડમાં સાહિત્યમાં ક્રાન્તિનો ઉદય થયો. ભાવાવેશી સાહિત્યના પુનરુત્થાનના એ યુગમાં શેક્‌સ્પિયરના અમર શબ્દદેહની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ રચાયો. અનેકવિધ સ્તોત્રો અને સ્તુતિવચનો એના સાહિત્યની આરાધના માટે સર્જાયાં. અવતારી પુરુષની લીલા એની કૃતિઓમાં સાકાર બની. કોઈ પ્રેતનો વાસનામોક્ષ કરવાનો હોય તેમ એ કૃતિઓને અનેક પિંડતર્પણ દ્વારા નટ, નટઘર અને દેશકાળથી મુક્ત બનાવીને શુદ્ધ સાહિત્યરૂપે ષોડશવિધ અર્ચનો થયાં. મુખ્ય વાત વીસરાઈ ગઈ કે આરાધ્ય એ કૃતિનો લેખક નટ હોઈ શકે. માનવને સહજ એવાં કાર્યો એણે કર્યાં હોય, કરવાં પડ્યાં હોય, એક નવો જ ભક્તિમાર્ગ સ્થપાયો જેના આચાર્યપદે કવિ કોલરિજ હતા. આરાધ્ય શેક્‌સ્પિયર નિમ્નકોટિનું કશું લખે જ નહિ એ સૂત્ર શાસ્ત્રવચન બન્યું. શેક્‌સ્પિયરની કૃતિઓમાં જ્યાં જ્યાં આપણી અપેક્ષા ન સંતોષાય ત્યાં ત્યાં દોષ એનો નહિ પણ બીજા કોઈ બજારુ લેખકનો એવું વલણ પરંપરિત બન્યું. ‘શેક્‌સ્પિયર એટલે શ્રેષ્ઠ’ આ ભક્તિસંપ્રદાયનો આવો બીજમંત્ર હતો. દુર્લક્ષ એ તરફ અપાયું કે લેખક શેક્‌સ્પિયર કીર્તિમંદિરમાં પ્રવેશ નહોતો પામી શકતો, કારણ દંતકથાના સમૂહમાં લોકભાઈઓ વચ્ચે સંતાયેલો અને અસ્પૃશ્ય બનેલો એ બહાર ભમતો હતો. જો શેક્‌સ્પિયર એટલે શ્રેષ્ઠ – ચિન્તનમાં, કલ્પનમાં, સર્જનમાં – તો દંતકથાના દેવાળિયા બાપનો થોડું ભણેલો પેલો ગ્રામજન આ કૃતિઓનો કર્તા શી રીતે હોઈ શકે એવો પ્રશ્ન સહજ ઊઠ્યો. લોકોત્તરો વિશે સંશય એટલે એમના વિનાશની પ્રારંભિક ક્ષણ. બસો વર્ષોએ રચેલા પેલા કીર્તિમંદિરના ગગનચુંબી ઘુમ્મટ અને ઝળાંઝળાં થતા કોટકાંગરા દંતકથાના ભિખારીને નજીક શાના ફૂંકવા દે? એટલે એ કીર્તિમંદિરના સાચા હક્કદારો અને એમના ટેકેદારોની કતાર રચાઈ. શેક્‌સ્પિયરના નાટકમાં ચિન્તનનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ નત્ત્વો સભર હોય તો એમ કાં ન બને કે એના યુગના સર્વશ્રેષ્ઠ ચિન્તક બેકને જ એ નાટકો લખ્યાં હોય? અઢારમી સદીના છેલ્લા દાયકાથી શરૂ કરીને ઓગણીસમી સદીના સાત દાયકા સુધીમાં શેક્‌સ્પિયર અને એની કૃતિઓનું દૈવત વધતું આવ્યું. કોરિજ, કીટ્સ, હૅઝલિટ અને લેમ્બ – પ્રતિભાશાળી આ સૌ સર્જકોએ શેક્‌સ્પિયરને કવિમાંથી દૃષ્ટા, એમાંથી ઋષિ અને ક્રમશઃ અવતારી પુરુષ સ્થાપિત કર્યો. એની કીર્તિ ઇંગ્લૅન્ડની સરહદો ઓળંગીને યુરોપના દેશોમાં વિસ્તરી. ક્રાન્તદર્શી કવિનો પર્યાય શેક્‌સ્પિયર ગણાયો. બેન જૉન્સને એને સર્વકાલીન કહ્યો હતો, ઓગણીસમી સદી પછી એ સર્વદેશીય બન્યો. જર્મન મહાકવિ ગીથે તથા શીલર, ફ્રેન્ચ સર્જક હ્યુગો, હોલૅન્ડના બ્રાન્ડીસ – આ સૌએ ઇંગ્લૅન્ડના શેક્‌સ્પિયરને યુરોપમાં કીર્તિ અપાવી. ઉદ્યોગીકરણથી સમૃદ્ધ બની રહેલું ઇંગ્લૅન્ડ એના સામ્રાજ્યવિસ્તાર સાથે એના સંસ્કૃતિના મર્મના પ્રતીકરૂપે જગત સમક્ષ શેક્‌સ્પિયરને આગળ કરી શક્યું. ઓગણીસમી સદીના અંત સુધીમાં જગતની મુખ્ય ભાષાઓમાં શેક્‌સ્પિયરની કૃતિઓ સ્થાન પામી. જર્મનીએ ટ્યુટન પ્રજાની પ્રતિભાના પૂર્ણ આવિષ્કાર જેવા શેક્‌સ્પિયરને પોતાનો રાષ્ટ્રકવિ માન્યો. આમ ઓગણીસમી સદીએ શેક્‌સ્પિયરના કીર્તિમંદિરને જગતમંદિરમાં ફેરવાતું દીઠું. સામાન્ય રીતે ઇંગ્લૅન્ડના ટીકાકાર મનાતા કાર્લાઇલે અત્યંત નાટ્યક્ષમ એવો પ્રશ્ન પૂછ્યો, ‘જો ઇંગ્લૅન્ડે એના સામ્રાજ્ય અને એના શેક્‌સ્પિયર વચ્ચે પસંદગી કરવાની હોય તો એ શેને રાખે? શેને છોડે?’ કાર્લાઇલને અને ઇંગ્લૅન્ડને આ પરત્વે જરાયે સંશય ન હતો કે સામ્રાજ્ય ભલે ને વિલીન થાય, શેક્‌સ્પિયર અમારો છે. કવિપૂજાને ચિંતનની ભૂમિકા પર આ રીતે ઇંગ્લૅન્ડમાં કાર્લાઇલે અને અમેરિકામાં ઇમર્સને ગોઠવી દીધી. ઓગણીસમી સદીમાં શેક્‌સ્પિયરની કૃતિઓનું સંપાદન વ્યક્તિગત ન રહેતાં વ્યવસ્થિત મંડળોએ ઉપાડી લીધું. મેલોનની આવૃત્તિ પછી શેક્‌સ્પિયરની વધુ પ્રસિદ્ધિ ‘વૅરિઓરમ (Variorum) આવૃત્તિ’નું સને 1803માં આઇઝેક રીડે સંપાદન કર્યું. એની ત્રીજી આવૃત્તિ એકવીસ ગ્રંથોમાં બહાર પડી. ઓગણીસમી સદીનું બીજું મહત્ત્વનું સંપાદન ફર્નિવલે ‘અભિનગ શેક્‌સ્પિયર મંડળ’ (New Shakespeare Society) દ્વારા પ્રસિદ્ધ કરેલાં ‘નવાં વૅરિઓરમ (New Variorum) પ્રકાશનો’ છે. શેક્‌સ્પિયરના પ્રત્યેક નાટક પર ‘નવી વૅરિઓરમ આવૃત્તિ’ સર્વસંગ્રહ જેટલી માહિતી પૂરી પાડે છે. એવી જ રીતે સને 1863 થી 1866 સુધીમાં પ્રસિદ્ધ થયેલી ‘કેમ્બ્રિજ આવૃત્તિ’ અને ટિપ્પણ વિનાની ‘ગ્લાબ આવૃત્તિ’ ઓગણીસમી સદીએ આપેલાં મહત્ત્વનાં સંપાદનો છે. આ સંપાદનોની સાથે જ વહેલી બીજી એક ધારા આ કૃતિઓનાં વિશ્લેષણ અને વિવેચનોને સમાવી લે છે. અઢારમી સદીની છેલ્લી પચીસીમાં મોર્ગન નામના લેખકે શેક્‌સ્પિયરના એક વિખ્યાત પાત્ર ફૉલ્સસ્ટાફ વિશે આખું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તે પછી તો શેક્‌સ્પિયરનાં પાત્રો વિશે ગ્રંથશ્રેણિઓ રચાઈ. શેક્‌સ્પિયરની પ્રત્યેક ખૂબી એટલા ઉત્સાહથી તપાસવામાં આવી અને પ્રશંસા પામી કે શેક્‌સ્પિયર શું ન હતો એ કળવું મુશ્કેલ બન્યું. એનાં ઐતિહાસિક નાટકો વિશે લશ્કરી અમલદારોએ અને નૌકાસેનાનીઓએ વીગતે લખ્યું. એની કાનૂની સૂઝ વિશે પ્રખર ધારાશાસ્ત્રીઓએ વિશ્લેષણ કરીને એને સન્માન્યો. નારીહૃદયના પ્રત્યેક ઉન્મેષના જ્ઞાતા તરીકે વિદુષી સન્નારીઓએ એને સ્વીકાર્યો. ધર્માચાર્યોએ અને ફિલસૂફોએ એના ધર્મજ્ઞાનને ક્ષતિરહિત દર્શાવ્યું. ભિષગ્-રત્નોએ એની કૃતિઓમાં સમાવેશ પામેલા વૈદકીય ઉલ્લેખ એકઠા કરીને અભિપ્રાય આપ્યો કે શેક્‌સ્પિયરનું વૈદકીય જ્ઞાન હરકોઈ નિષ્ણાતને જેબ આપે એવું હતું. એના ઇતિહાસના, ભૂગોળના અને સર્વદેશીય જ્ઞાનની મોજણી કરીને વિધિપૂર્વક એને સર્વજ્ઞ ઘોષિત કરાયો. ઇતિહાસથીયે પુરાણી કથાઓમાં સદેહે સ્વર્ગ મેળવતા ધર્મરાજની કથા કરતાં જુદી રીતે શેક્‌સ્પિયરનું આરોહણ રચાયું. પોતાના પુત્રો દ્વારા પ્રસિદ્ધિ પામતા કોઈ સાદા અને વિસારે પડેલા નરના જેવી દશા શેક્‌સ્પિયરની થઈ. શેક્‌સ્પિયરની સરજતને ઓગણીસમી સદીએ ચોદિશ ફેલાતી દીઠી અને સર્જકને વિસ્મૃતિના તમસમાં લોપ પામતો દીઠો. અનિવાર્ય રીતે સમયચક્ર ફર્યું. સામ્રાજ્યવાદી બ્રિટનનો શ્રેષ્ઠ કવિ, એની યશગાથાનો અમર ગાયક, એક અદનો ગ્રામજન કે મામૂલી અદાકાર હોય તે બ્રિટનનાં ગૌરવઘેલાં શાસક કુટુંબોને શે ગમે? એટલે ઓગણીસમી સદીમાં જ પ્રશ્નો ઊઠ્યા કે શેક્‌સ્પિયરના નામે ચઢેલી કૃતિઓમાં જણાય છે તેવો વૈભવ આપી શકે તેવા એલિઝાબેથના જમાનાના મહાપુરુષોને શોધી કાઢો અને નક્કી કરો કે એમાંના કયા મહાનુભાવે આ ચિરંજીવી કૃતિઓ આપી હશે? આના ઉત્તરરૂપે સાત નામો આગળ કરવામાં આવ્યાં અને ‘શેક્‌સ્પિયર વિશે સાત અટકળો’ (Seven Shakespeare Theory) રજૂ થઈ. ઓગણીસમી સદીની અંગ્રેજ પ્રજા ઊંડે ઊંડે ભદ્રપદવાંછું હતી. એટલે એણે સ્મરેલાં સાતે નામ ઉમરાવોના ખાનદાનનાં હતાં. અભિનવ તર્કશાસ્ત્રનો સ્થાપક અર્વાચીન ફિલસફ ફ્રાન્સિસ બેકન એમાં મોખરે હતો. શેક્‌સ્પિયરનું પ્રથમ કાવ્ય ‘રતિ અને ગોપ યુવા’(Venus and Adonais)નું સમર્પણ જેને થયું હતું તે લૉર્ડ સાઉધેમ્પ્ટન, શેક્‌સ્પિયરના તેવા જ આશ્રયદાતા લૉર્ડ પેમ્બ્રોક, ઉપરાંત લૉર્ડ સ્ટલેન્ડ, લૉર્ડ ડર્બી અને લૉર્ડ ઑકસફર્ડ – આ ઉમરાવોની ગ્રીવામાં શેક્‌સ્પિયરે લખેલી નાટ્યકૃતિઓ પહેરાવવાનો યત્ન થયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીનાં પહેલાં વીસ વર્ષોમાં સારી એવી વિવેચનશક્તિો હ્રાસ સાત શેક્‌સ્પિયરો શોધવામાં થયો. શેક્‌સ્પિયર જેવા સામાન્ય નટના ઓઠા નીચે આમાંના એકાદ સંભાવિત સજ્જને અમર સાહિત્ય રચ્યું એવો દાવો રજૂ કરવામાં આવ્યો. કુશળતાથી સંકેતોને શોધીને શેક્‌સ્પિયરનાં કાવ્યો અને નાટકોની પંક્તિ દ્વારા દર્શાવવામાં આવ્યું કે બેકને અથવા ઑક્સફર્ડે આ લખ્યું છે. કોઈ મહાપ્રજાના સંરક્ષણને જેબ આપે એવી જાસૂસકળા ખીલવીને સર એડવિન લૉરેન્સ નામના સજ્જને સને 1910માં ‘બેકન : સાચો શેક્‌સ્પિયર’ (Bacon is Shakespeare) નામનું પુસ્તક બહાર પાડ્યું. એમનું કથયિતવ્ય આ પ્રમાણે હતું : “પેલાં અમર નાટકોનો સર્જક માનવકુળમાં અવતરેલો સર્વોચ્ચ પ્રતિભાશાળી નર હતો. ગ્રીસ અને રોમના શિષ્ટ વાઙ્મયનો એનો અભ્યાસ અનન્ય હતો. કોઈ નામી ધારાશાસ્ત્રી પાસે માગ મુકાવે તેવું તલસ્પર્શી કાનૂની જ્ઞાન એનાં નાટકોમાં સ્થાન પામ્યું છે. એની સર્ગશક્તિ સર્વતોમુખી પુરવાર થઈ છે. સ્ટ્રેટફર્ડ ગામની શાળાના પાંચમા ધોરણમાં અટકી જનાર લેખકમાં આટલું જ્ઞાન સંભવે ખરું? દૈવી સત્યોનો આવિષ્કાર માનવજાતને કરાવવા પરમેશ્વરે એકાદ મૂરખને પસંદ કર્યો હશે? શેક્‌સ્પિયર વિશે જે થોડી માહિતી મળે છે તે સઘળી એની નાલાયકીનું પ્રદર્શન કરે છે. નિરક્ષર માતાપિતાનું એ સંતાન. પરણ્યા પહેલાં અને તે પછી પત્નીનો અને ત્રણ બાળકોનો એણે ત્યાગ કર્યો. લંડનમાં એ નટ બન્યો. ગામમાં ઘર ખરીદ્યું. લે-વેચના સોદા અને ધીરધારના ખટલામાં એણે અદાલતના ઉંબરા ઘસ્યા. એના મતલબી સ્વભાવના આ નમૂના ગણાય. મૃત્યુ સમયે એની મિલકતમાં સમ ખાવા પૂરતું એક પણ પુસ્તક ન હતું, કે ન હતા કોઈ મિત્ર. બેચાર નાટકિયા એને ઓળખતા હશે એટલું જ. એના અવસાનનું કોઈને દુઃખ ન હતું. મૃત્યુ પછી સાત વર્ષે સને 1623માં પહેલવહેલી વાર એને શ્રદ્ધાંજલિ મળી.” શેક્‌સ્પિયરનાં નાટકોમાં અને અન્ય સમકાલીન લેખકોનાં નાટકોમાં નટો વિશે જેટલા અછડતા અને અપમાનજનક ઉલ્લેખો છે તે બધા જ શેક્‌સ્પિયર વિશે છે એમ ઠરાવીને સર એડવિન લૉરેન્સ ‘ફૉલિયો આવૃત્તિ’માં છાપેલા શેક્‌સ્પિયરના ચિત્રની હાંસી ઉડાવે છે. એમના મતે એ ચિત્રની સામે મૂકેલા પરિચયકાવ્યનો અર્થ એવો થાય છે કે શેક્‌સ્પિયરને મનમાંથી કાઢી મૂકો. કામ એટલું સહેલું ન હતું. શેક્‌સ્પિયરનું કર્તૃત્વ નકાર્યાથી બેકનનો સ્વીકાર આપોઆપ ન થાય. બેકન કવિ હતો એની સાબિતી શી? સાજા હોઠને ઉત્તર શીઘ્ર જડે. સર એડવિન કશે પણ કોઈ કવિ વિશે એલિઝાબેથન યુગમાં લખાયું હોય તે બધું જ કેવળ બેકન પરત્વે સ્વીકારીને ચાલે છે. બેકને સ્વરચિત કૃતિઓ અજાણ્યાને નામે શા માટે બહાર પાડી? એવો શરમાળ હતો તો નિબંધો અને અન્ય ગ્રંથો શા માટે એણે પોતાને નામે છપાવ્યા? એના પક્ષકારો આ પ્રશ્નોમાં હાજરજવાબી બને છે. નાટકો અને નટઘરોનો પરિચય બેકન કે અન્ય ઉમરાવ કબૂલે તો સમાજમાં એમનું નીચાજોણું થાય. કલ્પનાને બળે કેટલાક એમ પણ સમજાવે છે કે બેકન ખરેખર તો રાણી એલિઝાબેથનો અસ્વીકૃત પુત્ર હતો. રાજકુમાર નાટકચેટકમાં પડે તો રાણીમાતાનો રોષ વહોરવો પડે. એટલે બેકને મુત્સદ્દી બનીને શેક્‌સ્પિયર નામના સામાન્ય નટને ઓઠું બનાવ્યો અને ધન આપી ન્યાલ કર્યો. રાણીના કાને વાત ન પહોંચે એટલા માટે આમ કર્યું. એમ કરવામાં બધા જ નટોને અને બધાં નટઘરોને, ઘણા કવિ-સાહિત્યકારોને અને બધાં મુદ્રણાલયોને વિશ્વાસમાં લેવાં પડ્યાં તેમાં વાંધો શો? બેકનની કંઠી બાંધીને વિદ્વાનો ન અટક્યા. સત્તરમી સદીના જ્યોતિષના એક પુસ્તકમાં સૂચવેલો નુસખો અજમાવીને એમણે શોધી કાઢ્યું કે ‘ફૉલિયો આવૃત્તિ’ના 136મા પૃષ્ઠનો 158મો શબ્દ પુરવાર કરે છે કે નાટકો બેકને લખ્યાં છે. આમ બેકનપંથે જયઘોષ ગજવ્યો. મહાકવિ સદૈવ મોટા કુળમાં જ જન્મે એ સત્ય દૃઢ બન્યું. આવા જડબેસલાક દાવાનો પ્રતિકાર શી રીતે કરાય? છતાંયે અળવીતરા સાહિત્યકાર ર્જ્યોર્જ બર્નાર્ડ શૉએ બેકને પ્રબોધેલા જ્યોતિષ અને અંકશાસ્ત્રના સિદ્ધાંતો યોજીને જ્યારે બતાવી આપ્યું કે અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ કવિ એલેકઝાન્ડર પોપનાં કાવ્યો ખરેખર તો સ્વયં ર્જ્યોર્જ બર્નાર્ડ શૉએ લખ્યાં હતાં ત્યારે બેકનપંથે કશો જવાબ ન વાળ્યો. વધુ ગંભીર વિદ્વાનોએ બેકનપંથનાં અંકરહસ્યોને આધારે પરિણામો આણી બતાવ્યાં કે એલિઝાબેથના યુગની બધી જ પ્રથિતયશ કૃતિઓ બેકને અથવા એના સાથી ઉમરાવોએ રચી હતી! શેક્‌સ્પિયરનાં નાટકોમાં એવું જીવનતત્ત્વ ધબકે છે કે પ્રકાશન પછીનાં ત્રણસો વર્ષોમાં દેશવિદેશમાં એ ફેલાવો પામ્યાં છે. સમર્થ કવિજનોને એની કૃતિઓએ વશ કર્યા છે. એ નાટકોની રજૂઆત કરીને યશસ્વી બનવાનો ઉમંગ તેજસ્વી નટનટીને ખચીત રહ્યો છે. એ સર્જનોમાં એવું કશુંક અધ્યાત્મતત્ત્વ વિલસે છે જેના થકી જમાને જમાને આ નાટકો નવો અર્થ ધારણ કરી શકે છે. ખોજ કરવી જ હોય તો એમાં સમાયેલા નાટ્યકારની થવી ઘટે. શેક્‌સ્પિયરના જીવન વિશે આધારભૂત માહિતીના અભાવે વિચક્ષણ પુરુષો એનાં નાટકોમાં મેળવે છે આત્મજ્ઞાન, પોતાનું પ્રતિબિંબ જોઈને. શેક્‌સ્પિયરને એના સર્જનથી પ્રીછવાના અખતરા એવા વ્યર્થ ઠર્યા છે કે સ્વસ્થ વિવેચક મેથ્યુ આર્નોલ્ડ કકળી ઊઠીને કહે છે : ‘બીજા કળાકારો સાથે પ્રશ્નોત્તરી થઈ શકે, તું (શેક્‌સ્પિયર) અતડો ઊભી નિરુત્તર રહ્યો છે.’ ઓગણીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં અને વીસમી સદીના પાંચ દાયકામાં હાડમાંસનો બનેલો માનવ શેક્‌સ્પિયર વિવેચનની ખોજ બન્યો. વિવિધ ક્ષેત્રના અનેક અભ્યાસીઓ પૃથક્ પૃથક્ અને અન્યોન્યના સહકારથી એનું પગેરું કાઢ્યું. એમનાં નિષ્ઠા અને પરિશ્રમ સફળતાને ખેંચી લાવ્યાં. મૂર્છિત લક્ષ્મણને ભાનમાં લાવવા ઔષધિની શોધમાં નીકળેલા હનુમાન જેમ આખો ડુંગર ઊંચકી લાવ્યા હતા તેમ શેક્‌સ્પિયરના અભ્યાસીઓ એના યુગનું સમકાલીન સાહિત્ય, એ સમયનો પ્રમાણિત ઇતિહાસ, ત્યારનું લોકજીવન, તત્કાલીન અદાલતોનાં તેમજ મંદિરોનાં તથા નગરપાલિકાનાં દફતરોમાં અભરાઈએ ચડેલા તુમારો, તે સમયનાં નટઘરોના બાંધકામના ખર્ચાની વીગતો, તે સમયનું અર્થકારણ, તે સમયની સામાજિક ચર્ચાઓ અને ઉપલબ્ધ બધુંયે મુદ્રિત સાહિત્ય – મતલબમાં તે સમયની પ્રજાજીવનની આખીયે તવારીખ એવી તો ઊંચકી લાવ્યા કે વિલિયમ શેક્‌સ્પિયર આપણો નિકટતમ પડોશી હોય તેવો સ્પષ્ટ રજૂ થયો. સાહિત્યપ્રેમીઓએ એક લેખકની શોધમાં આદરેલો પુરુષાર્થ એ કદાચ વીસમી સદીના સાહિત્યવિવેચનનો અનન્ય વિક્રમ ગણાશે. વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને કોઈ જાસૂસકથામાં બની શકે તેવો રહસ્યસ્ફોટ આ વિવેચકોએ શેક્‌સ્પિયર વિશે આણ્યો છે. કેવળ કલ્પના અને મનના ગમાઅણગમામાં ઉદ્ભવ પામેલા અપ્રતીતિકર ‘એવૉનના રાજહંસ’નું સ્થાન પૂરા સામાજિક સંદર્ભ સાથે વિરાજેલા વિલિયમ શેક્‌સ્પિયરને મળ્યું છે. એટલે કે શેક્‌સ્પિયરનો સાચો ઇતિહાસ લખાયો છે. ટ્યુડર અને સ્ટુઅર્ટ યુગ વિશેના નિષ્ણાત વિદ્વાનોએ ત્રણસો વર્ષ પહેલાંના દસ્તાવેજો ઉકેલ્યા છે. હકીકતોને ગપ્પાં અને ખોટી માહિતીના ગંજમાંથી તારવી કાઢી છે. ખંતથી એકેક રેખા ઉપસાવીને અને ઝાંખા પડેલા ભાગોમાં વાજબી અનુમાનોના રંગ ઉમેરીને, આ નિષ્ઠાવાન વિદ્વાનોએ શેક્‌સ્પિયર પાછો મેળવી આપ્યો છે. એમની ખોજના શેક્‌સ્પિયરમાં કવિની સ્મૃતિનાં અને એની કૃતિનાં સંભારણાં વ્યવસ્થિત સ્થાન પામ્યાં છે. નથી મળ્યું કેવળ એનું આંતરજીવન, એની સ્વપ્નસૃષ્ટિ, એની એષણાઓ. એના આંતરજીવનનું સત્ય એનાં કાવ્યોમાં, નાટકોમાં અને મિત્રોમાં ફેરવેલાં સૉનેટોમાં પ્રત્યેક સંવેદનશીલ વાચકે શોધવું રહ્યું. વીસમી સદીએ શોધેલું એનું જીવન અને એની કૃતિઓનો પૂરો પરિચય મેળવ્યાથી સાચા શેક્‌સ્પિયરનો સાક્ષાત્કાર સહૃદયી અભ્યાસીને હવે કદાચ શક્ય બને. શેક્‌સ્પિયરની ખોજના વ્રતધારી યાત્રીઓમાં આપણા જમાનાના સર એડમંડ ચેમ્બર્સ, બ્રિટિશ મ્યુઝિયમના ક્યુરેટર પોલાર્ડ, ધારાશાસ્ત્રી રૉબર્ટ્સન, કેમ્બ્રિજના પ્રાધ્યાપક ક્વીલર કૂચ, ઑક્સફર્ડના પ્રાધ્યાપક રાલે અને વિવેચક ડોવર વિલ્સન, ડૉક્ટર કેરોલીન સ્પર્જન અને નિર્માતા તથા નાટ્યકાર ગ્રેન્વીલ બાર્કર મુખ્ય છે. સર ચેમ્બર્સે તો ચાળીસેક વર્ષ આ કામમાં સમર્પીને શેક્‌સ્પિયર વિશે અને એના જમાનાની નાટ્યપ્રવૃત્તિ વિશે સર્વસ્વીકૃત સંદર્ભગ્રંથો રચ્યા છે અને પોતાની પત્નીને એ સમર્પિત કરતાં લખ્યું છે : ‘આટલાં વર્ષો આ ગ્રંથોએ તારાથી મને દૂર રાખ્યો એની યાદમાં.’ વિલિયમ શેક્‌સ્પિયરને શોધી કાઢવામાં મુખ્યત્વે ત્રણચાર માર્ગો કારગત નીવડ્યા છે. પહેલો માર્ગ એના સમકાલીનોએ એના વિશે કરેલા ઉલ્લેખોનો માર્ગ છે. બીજો માર્ગ એના સમયની અને તે પછીની એના વિશેની કર્ણોપકર્ણ સચવાયેલી અનુશ્રુતિએ સુઝાડ્યો છે. ત્રીજો માર્ગ ઐતિહાસિક સંશોધનનો હતો જે દ્વારા સરકારી દફતરો, તત્કાલીન પત્રવ્યવહાર અને તે જમાનાના સચવાયેલા દસ્તાવેજો મેળવી શકાયાં. ઓગણીસમી સદીના પ્રારંભથી આજપર્યંત આ માર્ગે મબલખ સામગ્રી આવી શકી. એ જ રીતે એલિઝાબેથના સમયનું સમગ્ર સાહિત્ય અર્થઘટનમાં ઉપકારક નીવડ્યું. ચોથો સાવચેતીથી ડગ માંડવા જેવો માર્ગ શેક્‌સ્પિયરની કૃતિઓમાં પથરાયો છે, પરંતુ સાક્ષાત્કારનો એ સાચો રાહ છે. ઈટાલીના સમર્થ વિવેચક ક્રોશેએ ચીંધેલો એ માર્ગ છે. એમણે કહ્યું હતું કે, છાપેલું ‘હૅમ્લેટ’ નાટક કળામૂર્તિ નથી, પૂજાપો છે. એ વાંચતાં કે ભજવતાં જ્યારે આપણી કલ્પનાને જાગ્રત કરી બેસે છે અને આપણા ચિત્તની રંગભૂમિ ઉપર સચિત્ર આલેખાય છે, ત્યારે તે કલાકૃતિ બને છે, કારણ આપણે નવોન્મેશી કલાકાર બનીએ છીએ. તે ક્ષણે સાચો શેક્‌સ્પિયર આપણી પડખે ઊભો છે.


નોંધ

  1. 1. હેમિંગ અને કૉન્ડેલ
    1616માં શેક્‌સ્પિયરનું અવસાન થયું. 1619માં રિચાર્ડ બરબેજનું અવસાન થયું. બરબેજના પિતાએ લંડનનું પહેલું નટઘર ‘થિયેટર’ 157પમાં નદીકાંઠે બાંધેલું. પુત્ર રિચાર્ડે પ્રસિદ્ધ નટઘર ‘ગ્લોબ’ બાંધ્યું. શેક્‌સ્પિયરનાં મહાન નાટકોમાં મુખ્ય અભિનેતા બરબેજ હતો. એમના નાટકમંડળનું નામ ‘ચેમ્બરલેન મંડળી’ હતું. પાછળથી રાજ્યાશ્રય પામીને તેઓ ‘રાજનટ મંડળી’ ગણાયા (King’s Men). હેન્રી કૉન્ડેલ એ મંડળીના જૂના જોગી હતા અને 1619થી એમણે વહીવટ સંભાળ્યો. 1619માં લંડનની બધી નટમંડળીઓ વતી હેમિંગે રાજ્ય જોડે વાટાઘાટો કરી કરાર કર્યો. હેમિંગ અને કૉન્ડેલના વહીવટમાં હજારો પાઉન્ડની વહેંચણી અને હિસાબ એવા ચોખ્ખા રાખવામાં આવ્યા કે એક પણ કજિયો અદાલતે નથી નોંધાયો. નાગરિકો તરીકે એમની પ્રતિષ્ઠા એવી હતી કે પોતાના વિસ્તારના દેવળનો વહીવટ તેઓ કરતા. અકાળે અવસાન પામેલા નટોનાં બાળબચ્ચાં એમને આશ્રયે ઉછેર પામતાં એવી ઉભયની શાખ હતી. શેક્‌સ્પિયરનાં દૈવી સંતાનો – એનાં નાટકો – હેમિંગ અને કૉન્ડેલનું રક્ષણ પામે એમાં શું આશ્ચર્ય? એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : “સદ્ગત મિત્રનાં અનાથ નાટકોને એકઠાં કરીને પાલકપિતાને સોંપવાનો મિત્રધર્મ અમે બજાવ્યો છે, અમે તર્પણ કર્યું છે.” આ ધર્મકાર્ય કેવળ નિષ્કામ ભાવે એમણે હાથ ધર્યું અને લખ્યું : “શેક્‌સ્પિયર જેવા અધિકારી મિત્ર અને સાથીના સ્મરણને ચિરંજીવ પદ આપવા આ કર્યું છે.”
    We have but collected them, and done an office to the dead, to procure his orphans guardians; without ambition either of self-profit or fame; only to keep the memory of so worthy a friend and fellow alive as was our Shakespeare,.....
    વર્ષોજૂના સાથીઓને હાથે શેક્‌સ્પિયરની કૃતિઓનું સંપાદન થયું એ સુભાગ્યની વાત હતી. સોળ વર્ષ સુધી શેક્‌સ્પિયરનાં નાટકોની ભજવણીમાં હેમિંગનો સાથ હતો. એ નાટકો પ્રતિવર્ષ વારંવાર ભજવાયાં હોવાથી હેમિંગનો સ્મૃતિદોષ થવાનો સંભવ ન હોય. 1603 પછી રાજા જેમ્સના શાસનમાં શેક્‌સ્પિયરના સાથીઓએ ભજવેલાં નાટકો વિના પરવાનગીએ છાપવાનું બંધ કરાયું હતું. એટલે પ્રકાશકોએ બીજે ભજવાયેલી અન્ય નાટ્યકારોની કૃતિઓ શેક્‌સ્પિયરને નામે છાપીને વેચવાનું શરૂ કર્યું હતું. આથી ઊપજેલો ગૂંચવાડો કેવળ હેમિંગ દૂર કરી શકે. પેવિયર નામના પુસ્તકવિક્રેતાએ જેગાર્ડ નામના મુદ્રકની સહાયથી 1619માં શેક્‌સ્પિયરના નામનું આકર્ષણ વટાવી ખાવા અનેક નાટકો પ્રસિદ્ધ કર્યાં હતાં, જેનો ઉલ્લેખ હેમિંગ અને કૉન્ડેલે એમની પ્રસ્તાવનામાં આ રીતે કર્યો છે : “છાનામાના ઉઠાંતરી કરેલી અને લેભાગુ જનોએ ચોરી કરીને, વણસાડીને, માથે મારેલી કૃતિઓ.”
    ..... stolen and surreptitious copies, maim’d and deform’d by the frauds and stealths of injurious impostors,...
    હેમિંગ અને કૉન્ડેલને નાટકો માટે મુદ્રણાલય શોધવામાં કેવી મુશ્કેલી નડી હશે તેનો ખ્યાલ એ હકીકતથી મળે છે કે જેગાર્ડ પાસે જ એમણે ફૉલિયો આવૃત્તિ છપાવી!
    સેલિસબરી કુટુંબની ફૉલિયો પ્રતમાં હેમિંગ અને કૉન્ડેલને ઉદ્દેશીને લખાયેલી આવી ચાર પંક્તિ મળી આવી છે :
    “તમે ભેગા મળીને કષ્ટ ઉઠાવ્યું અને અમને આ શિષ્ટ સૂરાવલિનું પ્રદાન કર્યું. આ કેવું પુણ્ય કર્તવ્ય હતું તે વ્યક્ત નહિ કરું. કહીશ આટલું જ – તમે જીવિતોને મુગ્ધ કર્યા છે, સદ્ગતને સ્નેહ અર્ધો છે.”
    To you that jointly with undaunted pains,
    Vouchsafed to chant to us these noble strains.
    How much you merit by it is not said,
    But you have pleased the living, loved the dead.....
  2. 2. બેન જૉન્સન
    શેક્‌સ્પિયરનો સમકાલીન બેન જૉન્સન કવિ, નાટ્યકાર અને સમર્થ વિવેચક હતો. ગ્રીક અને લૅટિન ભાષાનો ઊંડો અભ્યાસી બેન જૉન્સન શાસ્ત્રનિયત સિદ્ધાંતોનો પુરસ્કર્તા હતો. શેક્‌સ્પિયરની ‘અનિયંત્રિત પ્રતિભા’ વિષે એને સૈદ્ધાંતિક વિરોધ હતો. નિયમો કરતાંયે વિશેષ તો કળાકાર સ્વયંનિયંત્રણ સ્વીકારે એવો આગ્રહ બેન જૉન્સને સદૈવ રાખ્યો હતો. જો કળાકાર જ પોતાની કૃતિઓને વારંવાર તપાસીને ન સંસ્કારે તો વાચકે શા માટે એ કૃતિને સમય આપવો? – આવો પ્રશ્ન એણે પૂછ્યો હતો.
    “Hard is the Beautiful’ - સૌંદર્યો પામવાં સહેલાં નથી, એમ એણે સ્વીકાર્યું હતું, કવિ અને વિવેચક ઉભય પરત્વે. કાવ્યનું પરીક્ષણ એ તો કવિનું જ કામ, તેય મહાકવિનું, ઇતર જનોનું નહિ જ, આવો એનો મત હતો.
    એનું પ્રથમ યશસ્વી નાટક ‘સહુ સહુની ધૂન’ (Every Man In His Humour) શેક્‌સ્પિયરની મંડળીએ ભજવ્યું હતું અને તે નાટકમાં પિતાની ભૂમિકા શેક્‌સ્પિયરે સ્વીકારી હતી. અનુશ્રુતિ તો એવી પણ છે કે મંડળીએ શેક્‌સ્પિયરના આગ્રહથી આ નાટકને હાથ ધર્યું હતું. છતાં એ નાટકની પ્રસ્તાવનામાં (Prologue) બેન જૉન્સને ‘ત્રણ કટાયેલી તલવારો અને એક ઢચુપચુ સિંહાસન’વાળાં ઐતિહાસિક નાટકોનો ઉલ્લેખ કરી શેક્‌સ્પિયરની સફળ ઇતિહાસકથાની હાંસી કરી હતી. ઉપરાંત શેક્‌સ્પિયરની અન્ય ત્રણ યશસ્વી કૃતિઓ ‘વિન્ટર્સ ટેલ’, ‘પેરિક્લિસ’ અને ‘ટેમ્પેસ્ટ’ની એણે જાહેરમાં સખત ટીકા કરી હતી. નાટ્યકારોના ઝઘડા "Dramatists’ War" એ નામે પ્રખ્યાત બનેલી સ્પર્ધામાં બેન જૉન્સને અન્ય નાટ્યકારોની અને હેવુડ, ડેકર ઇત્યાદિએ બેન જૉન્સન અને માર્સ્ટનની બદનક્ષી કરતાં નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. ઉભય પક્ષે શેક્‌સ્પિયરને સાચવી લીધો હતો. આ ઝઘડાથી શેક્‌સ્પિયર દૂર રહ્યો હતો.
    1616માં બેન જૉન્સને પોતાનાં નાટકોની ફૉલિયો આવૃત્તિ પ્રસિદ્ધ કરી નવો ચીલો પાડ્યો ત્યાં સુધી નાટકો ગ્રન્થસ્થ સાહિત્ય લેખાતાં નહીં.
    1623માં શેક્‌સ્પિયરનાં નાટકોની ફૉલિયો આવૃત્તિ માટે બેન જૉન્સને એંશી પંક્તિનો આવકાર લખ્યો. રાણી એલિઝાબેથ અને રાજા જેમ્સને ‘એવૉનના રાજહંસ શેક્‌સ્પિયરનાં ઉડ્ડયનોનું વશીકરણ હતું, એવો ઉલ્લેખ કરીને એણે શેક્‌સ્પિયરને એના યુગના શ્રેષ્ઠ નાટ્યકાર તરીકે બિરદાવ્યો એટલું જ નહિ, પોતાને પ્રિય એવા ગ્રીક નાટ્યકારોને સ્મરીને બેન જૉન્સને શેક્‌સ્પિયરને એમના કદના અનન્ય નાટ્યકારરૂપે સત્કાર્યો. અંતમાં એણે હવે સ્વયંસિદ્ધ ઠરેલો અભિપ્રાય આપ્યો : “તું એકાદ યુગનો નહિ, કિન્તુ સર્વકાલીન કવિ હતો.”
    “કવિની પરખ કેવળ કવિને જ હોય” એ બેન જૉન્સને ઉચ્ચારેલો સિદ્ધાંત એણે સાચો ઠેરવ્યો.
    ઓગણીસમી સદી સુધી શેક્‌સ્પિયરનાં નાટકો ‘અરુદ્ધ ટહુકા’ – “Wood notes wild’ ગણાયાં હતાં. હેમિંગ અને કૉન્ડેલનું પ્રસ્તાવનામાં મૂકેલું વાક્ય હતું : His mind and hand went together; and what he thought, he utter’d with that easiness, that we have scarce received from him a blot in this papers. - “શેક્‌સ્પિયરના મનોવ્યાપાર અને હસ્તાક્ષર સાથે જ કામ કરતા; એના વિચારો એવી સહજ રીતે વ્યક્ત થતા કે અમને મળેલાં લખાણમાં કશેય છેકછાક નથી.”
    આને ધ્રુવપંક્તિ બનાવીને ત્રણસો વર્ષ પ્રકૃતિબાળ શેક્‌સ્પિયરનાં ગાણાં ગવાયાં. કલાકાર શેક્‌સ્પિયરનો ઉલ્લેખ જ ન થયો. બેન જૉન્સને આ ભ્રમણા કદી નો’તી સેવી. એણે તો શેક્‌સ્પિયર વિષે લખ્યું :
    Yet must I not give Nature all: Thy Art.
    My gentle Shakespeare must enjoy a part.
    “સમગ્ર યશ પ્રકૃતિને દેવો ન ઘટે. વિનમ્ર શેક્‌સ્પિયરની કલાનો પણ એમાં ભાગ છે.”