શેક્‌સ્પિયર/મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી


મૃત્યુંજયની ચતુર્થ જન્મશતાબ્દી

(ખ્રિસ્તીઓનું એક ધર્મ વાક્ય છે કે જીવનદર્શન વિનાની પ્રજાનો હ્રાસ થાય છે.)

23મી એપ્રિલ 1964 અર્વાચીન માનવજાતને જીવનદર્શનનો વારસો આપી જનાર એક મૃત્યુંજય માનવીની ચતુર્થ જન્મશતાબ્દી છે. ઇશકૃપા માનવજાતને સન્માનિત રક્ષણ આપે છે તેનો પુરાવો 23મી એપ્રિલ 1964માં ઇંગ્લૅન્ડના સ્ટેટફર્ડ ગામમાં જન્મ લેનાર વિલિયમ શેક્‌સ્પિયર પૂરો પાડે છે. કુદરતની પ્રક્રિયા એવી તો ગહન હોય છે કે શ્રેષ્ઠ સિધ્ધિઓ પારખવી મુશ્કેલ બને છે. એક સાધારણ કુટુંબમાં અને નાનકડા ગામમાં જન્મેલો વિલિયમ શેક્‌સ્પિયર 400 વર્ષ પછી પણ માનવસંસ્કારિતાનો અમર ગાયક રહેશે એવું માનવા માટે એક પણ કારણ ન મળી રહે તેવા એના સંજોગો હતા. ઉલ્ટાનું એની વિષમ પરિસ્થિતિમાં નિષ્ફળતા અને અજ્ઞાત મૃત્યુ એ જ એનો અંજામ હોય તેવો એના કૌટુંબિક જીવનનો તાલ હતો. એનો પિતા સામાન્ય ખેતમજૂર હતો. એની માતા શ્રીમંત કુટુંબની પરંતુ સ્નેહલગ્ન કરી બેઠેલી સન્નારી હતી. શેક્‌સ્પિયરના બારમે વર્ષે કૌટુંબિક પરિસ્થિતિ એવી કથળી કે એને નિશાળેથી ઉઠાડી લેવામાં આવ્યો. નાના ગામમાં બેકાર બનેલો કિશોર ખોટી રવાડીએ ચઢે અને બરબાદીને વહોરે એવી પાકી શક્યતાઓ હતી. આવું ન બને અને કુટુંબમાં જ એ સ્થિર બને તો અર્ધશિક્ષિત તરીકે જન્મ અને મરણની વચ્ચે ઝાઝી સિધ્ધિ મેળવ્યા વિના એનું જીવન પૂરું થાય. 18મે વર્ષે શેક્‌સ્પિયરનું લગ્ન દફતરે નોંધાયું છે. એ લગ્ન પણ નિષ્ફળ જીવનની સામગ્રી દર્શાવી રહે છે. એનાથી વયમાં આઠેક વર્ષ મોટી એવી એન હાથાવે નામની યુવતી સાથે એણે લગ્ન કર્યું. લગ્નના છ માસમાં જ એને સંતાનપ્રાપ્તિ થાય છે. બે વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં કુદરત એને ત્યાં દુકાળમાં અધિક માસ જેવાં જોડકાં બાળકો આપે છે. આમ 21 વર્ષનો થયો ત્યાં સુધીમાં કવિ સંસારનાં બંધનોમાં અને કુટુંબની જવાબદારીમાં પૂરો જકડાયેલો છે. બેકારી તો હતી જ અને પૂરું શિક્ષણ પામ્યો ન હતો એટલે શેક્‌સ્પિયર તંગ મનોદશામાં 1585માં 21 વર્ષની વયે ગૃહત્યાગ કરે છે અને લંડનની વાટ પકડે છે. 1585ની આજુબાજુ લંડન આવી પહોંચેલો શેક્‌સ્પિયર જીવનની નિરાશાને યૌવનમાં જ અનુભવી ચૂકેલો આગંતુક હતો. 21 વર્ષે જ એનો સંસાર સમાપ્ત થયો હતો. ગૌરવથી યાદ કરવા જેવું કશુંયે એણે પાછળ મૂક્યું ન હતું. આવારા બનીને પત્ની, સંતાન, માતાપિતા, કુટુંબ, ગામ, સમાજ, ધર્મ અને ઇશ્વર બધાંને એ વિસરી જાય તોયે એનો વાંક કાઢી શકાય તેમ ન હતું. આ બધાંને અને પોતાના જીવનને એ શાપ આપી બેસે તોયે આડા હાથ ધરાય તેમ ન હતું.

પરમસિદ્ધિ

લંડનમાં એ પ્રવેશ્યો ત્યારે કેવળ પદદલિતનું જીવન, નિરાશા અને ભયનો ઓથાર અને કુદરતે ઘડેલું એનું અદ્ભુત મનોનિસર્ગદત, કાવ્યશકિત આટલું જ એનું ભાથું હતું. લંડનને ક્યારેક કોઈએ ભાવિદર્શન કરીને કહ્યું હોત કે રાણી એલિઝાબેથ અને એનું રાજ્ય અરે, તે પછી રચાયેલું બ્રિટીશ સામ્રાજ્ય અને વિશ્વભાષા બનેલી અંગ્રેજ ગિરા જ્યારે વિસરાશે ત્યારે પણ માનવ સંસ્કૃતિના દિપ્તીમાન નક્ષત્ર લેખે આ મામૂલી આગંતુક ઝળહળી રહેશે, તો એ ભવિષ્યવેત્તાનો ભયંકર ઉપહાસ થયો હોત. જીવનના આગમનો વિલિયમ શેક્‌સ્પિયર મહાન પરચો છે. કોઈ નજુમીએ તો નહોતું કહ્યું પણ શેક્‌સ્પિયરનો હરીફ ગણાતો હતો એવો કિવ નાટ્યકાર બેન જોન્સન શેક્સ્પિયરના મૃત્યુ પછી સાત વર્ષે ઇંગ્લેંડને કહી ગયો હતો કે ઇંગ્લેંડનો મોટામાં મોટો વિજય અને યુરોપનો મોટામાં મોટો ઉપકાર વિલિયમ શેક્‌સ્પિયર હતો. શેક્‌સ્પિયર કોઈ યુગનો નહીં, પરંતુ સર્વકાલીન હતો. આ ભવિષ્યવાણી ચારસો વર્ષ શબ્દશ: સાચી ઠરી છે. સ્ટ્રેટફર્ડ ગામના મામૂલી અને અર્ધશિક્ષિત યુવાને લંડનમાં હલકો મનાતો નટનો ધંધો સ્વીકારીને, ચાર-છ આના આર્પાને મનોરંજન માટે એકઠા થયેલા પ્રેક્ષકોનું સ્વામિત્વ સ્વીકારીને અને મનુષ્ય સ્વભાવમાં સહજ એવી આત્મપ્રસંશાના લોભને ટાળીને, અંગત જીવન વિષે મૌન ધારણ કરીને એના મનની સમૃદ્ધિનો બધોય વૈભવ અને ઐશ્વર્ય એવાં તો ઔદાર્યથી માનવજાતને ભેટમાં આપ્યાં છે કે તે પોતાના હિતમાં પણ સ્વાર્થી માનવ એના દાનને ઉવેખી શક્યો નથી. કલ્પનાનું સત્ય વાસ્તવિક જગતના બધાયે ભેદભાવોને, સત્તાના ગજગ્રાહના બધાયે સંગ્રામોને અને સ્થળ-સમયનાં બંધનોને દૂર કરીને સાર્વત્રિક સ્વીકાર પામે છે. એ વાત શેક્‌સ્પિયરની સિદ્ધિનું સત્ય છે. એટલે તો 1964માં શેક્‌સ્પિયર ઇંગ્લૅન્ડનો નથી રહ્યો. અંગ્રેજી ભાષા બોલનારનો નથી રહ્યો. બે છાવણીમાં વહેંચાયેલા જગતમાં એ કોઈ એક છાવણીનો નથી રહ્યો. એનું સત્ય મોસ્કો એટલું જ સ્વીકારે છે જેટલું ઇંગ્લૅન્ડ અને અમેરિકા સ્વીકારે છે. વીસમી સદીમાં એનાં નાટકોની શ્રેષ્ઠ રજૂઆત લંડન અને તે કરતાં વિશેષ મોસ્કોએ કરી છે. એ વિશ્વકવિ શેક્‌સ્પિયરની પરમસિદ્ધિ ગણાય.

નટ અને નાટ્યકાર

એક રીતે શેક્‌સ્પિયર વિવાદની શાળામાં ઘડાયો છે. પરિસ્થિતિ સામે લાચારીથી નિરાશા અનુભવતા સમાજને એનું ઉદાહરણ સધિયારો આપે તેવું છે. લંડન જેવા મહાનગરમાં કશીયે સિફારસ કે ખાસ લાયકાત વિના આવી પહોંચેલા ગામડાના એક યુવકે મળ્યું તે કામ સ્વીકારીને વિકાસનો પંથ એવી સરસ રીતે મેળવી લીધો કે પરવશ બન્યા વિના બાવન વર્ષની જીવનમર્યાદામાં અક્ષરયશદેહ એને પ્રાપ્ત થયો. એના જમાનામાં નટનો ધંધો હલકો ગણાતો પણ શેક્‌સ્પિયરે એ ધંધાની બધીયે નાનમ સ્વીકારીને આત્મવિશ્વાસનો માર્ગ એમાં જ મેળવી લીધો. સામાન્ય રીતે કલાકારનું માનસ આજુબાજુની ત્રુટિઓથી ત્રાસી ઊઠે છે. શેક્‌સ્પિયરે એવો ત્રાસ કે વેદના ટાળીને એલિઝાબેથના જમાનાના રંગમંચનો એવો તો સત્કાર કર્યો કે એની કૃતિઓમાં રંગમંચની સૂઝ નાટકોને જીવંત રાખનારું તત્ત્વ બની. પરિણામે જગતની કોઈપણ ભાષામાં એનાં નાટકો રૂપાંતર પામ્યાં ત્યારે ઘણું બધું ખોવા છતાં નાટ્યક્ષમ રહી શક્યાં. 1953 પછી નટ શેક્‌સ્પિયર નાટ્યકાર બન્યો, આઠેક વર્ષની રંગભૂમિની તાલીમ કેવી યારી આપી ગઈ કે એનાં શરૂઆતનાં નાટકો પણ તખ્તાલાયક નીવડ્યાં. નટ હોવાનો મોટો લાભ શેક્‌સ્પિયરે એવી રીતે મેળવ્યો કે એનું અજ્ઞાત મન પણ ભાષાના વૈભવથી, શબ્દોના જાદુથી, ભાષાના રેશમી સંસ્પર્શોથી તરબતર બન્યું. જે જમાનામાં એને જીવવાનું હતું અને સર્જન કરવાનું હતું તે જમાનો પણ મહા કલાકારોને જીરવી શકે અને દાદ આપી શકે તેવો હતો. એલિઝાબેથનું ઇંગ્લૅન્ડ અને તેમાંયે રાજધાની લંડન ક્રાંતિનાં કેંદ્ર હતાં. કેવળ રાજકીય ક્રાંતિ જ નહીં પરંતુ નવજીવનની અને સંસ્કૃતિની કાયાપલટનાં એ વર્ષો હતાં. મધ્યયુગનો સૂર્યાસ્ત હતો. અર્વાચીનયુગનું પ્રાગટ્ય હતું. જૂનાં બંધનોમાંથી મુકત બનેલો સમાજ વ્યક્તિકેંદ્રી બન્યો હતો. માનવી નવા જગતને ઝંખતો બન્યો હતો. ઇંગ્લૅન્ડ નગણ્ય દેશ મટીને 1587 પછી મહાસત્તા બની રહ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ચૂકી હતી. અત્યારનું યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા નવી વસાહત બન્યું હતું. અંગ્રેજ નાવિકો સાતેય સમંદર ખૂંદી વળ્યા હતા અને ધરતીનો છેડો લંડનમાં પથરાયો હતો. જીવનના ઉલ્લાસનાં, દેશાભિમાનનાં અને ગરવાં સાહસોનાં એ વર્ષોમાં અંગ્રેજી ભાષા નિર્બંધ વિકાસ પામતી હતી. લંડન ઇતિહાસ સર્જી રહ્યું હતું અને કલાકારોને એ ઇતિહાસના સાક્ષી બનવાનું નિમંત્રણ આપી રહ્યું હતું. યુવાન શેક્‌સ્પિયરે આ લંડનમાં વીસ વર્ષો ગાળીને જીવનનો એવો તો ઇશ્ક જાળવી જાણ્યો કે લંડનમાં જ એને માનવીના મનના બધાયે તાગ મળી રહ્યા.

બે કાવ્યો

શેક્‌સ્પિયરે વીસ વર્ષમાં 37 નાટકો આપ્યાં. નાટ્યસર્જનના પ્રારંભે એનું પોતાનું ગણી શકાય એવું ઘણું ઓછું એની પાસે હતું પણ અનન્ય નિષ્ઠાથી અને તેજસ્વી કલ્પનાથી, સદા જાગૃત કુતૂહલથી અને અપૂર્વ એવી સહાનુભૂતિથી એણે પ્રત્યેક નાટકમાં વિકાસની સોપાનપંક્તિ દૃઢતાથી ચઢી બતાવી. શરૂઆતનાં નાટકો સાથે જ એણે બે કાવ્યો પસંદ કર્યાં. (1) રતિ અને યુવા (વિનસ ઍન્ડ એડોનસ) (2) લ્યૂક્રીસનો શીલભંગ (ધ રેઇ: ઑફ લ્યૂક્રીસ), બન્ને કાવ્યો એના જમાનાની વાચા બોલે છે. પ્રેમની દેવી વિનસ એડોનસ નામના માનવના પ્રેમમાં પડે છે. પરંતુ યુવાન એડોનસ પ્રેમથી અજ્ઞાત અને શિકારનો શોખીન છે. શિકારમાં વરાહના હુમલાથી એનું મૃત્યુ થાય છે. પ્રેમની દેવી વિરહ અનુભવે છે. લ્યૂક્રીસના શીલભંગમાં વાસનાનું સ્વરૂપ ધારણ કરીને અત્યાચારમાં પરિણમતા પ્રેમની કથા છે. શીલવતી લ્યૂક્રીસ આપઘાત કરે છે અને અત્યાચારી રાજા નાશ પામે છે. યુવાન શેક્‌સ્પિયરના મન માનવજીવનના મૂલ્ય તરીકે પ્રેમનું તત્ત્વ પ્રતિષ્ઠા પામ્યું છે. જીવનના વાસ્તવમાં અને સમયના આક્રમણ સામે કે વિકૃત સમાજરચનામાં પ્રેમનું દિવ્ય તત્ત્વ મલિન વિકારો પામે છે. તેની અંગત અનુભૂતિ શેક્‌સ્પિયરે લખેલાં અને ખાનગીમાં મિત્રોને વંચાવેલાં એનાં 154 સૉનેટોમાં મળી આવે છે. શેક્‌સ્પિયરનાં નાટકો સમજવામાં અને કલાકારના માનસનો પરિચય મેળવવામાં એ સૉનેટો અત્યંત ઉપકારી નીવડ્યાં છે. ભદ્ર સમાજ ચોંકી ઊઠે એવા દેહસંબંધનાં અને સજાતીય પ્રેમનાં એ કાવ્યો છે. મુખ્યત્વે એક સોહામણા કિશોર પ્રત્યેના કવિના અસીમ પ્રેમનાં એ કાવ્યો છે. સાથે જ કોઈક શ્યામવદના નારી માટેની કવિની અમર્યાદ દેહભૂખનાં પણ કાવ્યો એમાં છે. પરંતુ એ બધાંયે કાવ્યો મારફત કવિ એવા પ્રણયને ઝંખે છે જે પૂર્ણ હોય અને જેને સમય લૂંટી શકે નહીં. બે જુદી વ્યક્તિઓ વચ્ચે તાદાત્મ્યને શોધતાં એ સૉનેટો શેક્‌સ્પિયરને સમજવાની કૂંચી જેવાં છે. એના હૈયાની કુમાશ, આદર્શ પ્રેમ માટેની એની રટણા અને તીવ્ર વેદનાનો એનો અનુભવ તથા વેદનામાંથી નિપજતી કરુણા એ સૉનેટોમાં સમાયાં છે. શેક્‌સ્પિયરનાં બન્ને કાવ્યો એના સમયના અત્યંત સોહામણા તરૂણ ઉમરાવ સાઉધમ્પટનને અર્પિત થયાં છે. સૉનેટોનો કિશોર પણ કેટલાકને મન સાઉધમ્પટન છે.

નાટ્યકૃતિઓ

યુવાન શેક્‌સ્પિયરનાં પ્રથમ નાટકો ઉલ્લાસનાં નાટકો હતાં. એણે આપેલાં પ્રહસનો અને સુખાંત નાટકો જીવનનાં ઉમંગને બહેકાવે તેવાં છે. જોડકા ભાઈઓના છબરડા રજૂ કરતું કૉમેડી ઑફ એરર્સ, બે દિલોજાન મિત્રોની દોસ્તીમાં એક જ નારીના પ્રેમથી ઉપજતા સંઘર્ષની કથા કહેતું ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, બ્રહ્મચર્યાશ્રમની દીક્ષા લઈ બેઠેલા યુવાનોના જીવનમાં પ્રવેશ પામતી સુંદરીઓની વાત કહેતું ‘લ્વઝ લેબર લૉસ્ટ’ શેક્‌સ્પિયરનાં પ્રારંભિક પ્રહસનો છે. તેવી જ રીતે મિજાજી યુવતી કેથેરીનને મળેલો માથાભારે વર ‘ટેમીંગ ઑફ ધી શ્રુ’ નાટકમાં સ્થાન પામે છે. શેક્‌સ્પિયરની મનમોજીલી કૃતિ તે પછી આવે છે. ‘વાસંતિ રાત્રિનું સ્વપ્ન’ (મીડ સમર નાઇટ્સ ડ્રીમ) કે ‘આપને પસંદ પડ્યું તેથી’ (એઝ યુ લાઇક ઇટ) અથવા ‘દ્વાદશી’ (ટ્વેલ્ફથ નાઇટ) શેક્ સ્પિયરનાં શ્રેષ્ઠ સુખાંત નાટકો છે. વ્યાખ્યામાં સમાવી શકાય એવી આ કૃતિઓ નથી. અનોખું એમનું વાતાવરણ છે. શેક્‌સ્પિયરની ખૂબી હાસ્ય અને ઉત્કટ પ્રેમ એકસાથે ઉપસાવવામાં વ્યક્ત થાય છે. પ્રથમ દૃષ્ટિએ પ્રેમનાં આ નાટકોમાં પ્રેમનું કાવ્ય અવશ્ય છે. તેમાંય એણે આપેલી યુવતીઓ તો સ્નેહ અને દાક્ષિણ્યનાં કાવ્યો જ છે. નારીનું રૂપ અને એનાં હૃદયની અણમોલ માનવતા શેક્‌સ્પિયરની આગવી સિદ્ધિ છે. યુવતીઓ જીવનનાં હાસ્ય અને ગૌરવની જીવંત પ્રતિમાઓ છે. એમની પડખે પુરુષ બિચારો ઝાંખો પડે છે. સ્નેહમાં પુરુષ ચંચળ અને હાસ્યાસ્પદ દેખાય છે અને સ્ત્રી સહાનુભૂતિનું ભાજન બને છે. પ્રેમના કામણનાં આ નાટકો છે. આ નાટકોમાં શેક્‌સ્પિયરે ઉલ્લાસથી આનંદ અનુભવ્યો હોય, તો તે ભદ્ર સમાજનાં નહીં તેવાં સામાન્ય જીવનનાં કોમીક પાત્રોમાં. એના વિદૂષકો, માંગણો, આયાઓ અને અનુચરો એમના હાસ્યના અધિકારથી અમર બન્યાં છે. ‘વાંસતિ સ્વપ્ન’નો બોટમ, ‘આપને ગમ્યું તેથી’નો ટચટોન, ‘મેઝર ફોર મેઝર’નો જમાદાર ડોગબેરી, `ટવેલ્ફથ નાઇટ’નો વિદૂષક ફેસ્ટ શેક્‌સ્પિયરની માનવતાનાં અને સહાનુભૂતિનાં ઉદાહરણો છે. ઐતિહાસિક નાટકોના એના હાસ્યના શ્રેષ્ઠ સર્જન ‘ફોલ સ્ટાફ’ને પ્રવેશ આપીને અને ભીષણ કરુણ નાટક ‘લીયર’માં ફુલનું પાત્ર સર્જીને શેક્‌સ્પિયરે નવું જ જીવનદર્શન આપ્યું છે. હાસ્યનું પરિણામ જીવનના સત્યને આપ્યું છે. કલ્પનાસભર યુવાન શેક્‌સ્પિયર કાવ્ય અફલાતુની પ્રેમ અને સૂક્ષ્મ હાસ્યવૃત્તિના સુમેળમાં યુવાનીના રંગીન ખ્વાબ જેવું ઉલ્લાસમય જીવન તખ્તા ઉપર અવિસ્મરણીય રીતે રજૂ કરી શક્યો છે.

શ્રેષ્ઠ કરૂણાંત નાટકો

શરૂઆતથી જ તવારીખી નાટકોમાં શેક્‌સ્પિયરને રસ પડ્યો છે. ઇંગ્લૅન્ડ અને રોમના ઇતિહાસમાંથી એણે અનેક નાટકો રચ્યાં છે. એ નાટકો રાજકારણ અને માનવ, સત્તા અને વિકાસ તેમજ વિનાશ એનાં નાટકોની પરિશોધ બન્યાં છે. વિદ્રોહ અને રાજ્યવધના એ નાટકોમાં શેક્‌સ્પિયરે સત્તાની નિષ્ફળતાના સત્યનું દર્શન કર્યું છે. શરૂઆતનાં નાટકોમાં શેક્‌સ્પિયર ઇતિહાસના જૂઠને સ્વીકારે છે અને સારા અને નઠારા એવા જ બે રંગોમાં નાટકને વ્યક્ત કરે છે. પરંતુ પછીનાં વર્ષોમાં વિકાસ પામતી એની સૂઝ રાજા કરતાં રાજામાં રહેલા માનવને શોધવામાં અને વ્યક્ત કરવામાં ધન્ય બને છે. જીવનને વધુ સૂક્ષ્મ રીતે એ સમજે છે. આભાસ અને સત્યનો ભેદ એ પામે છે. તે પછી ‘રિચર્ડ ત્રીજો’ કે ‘હેન્રી પાંચમો’ જેવાં નાટકોથી સંતોષ ન પામતાં જીવનના વધુ કરુણ દર્શનવાળાં નાટકો એ લખે છે. 1945માં હીરોશીમા ઉપર એટમબોમ્બ ફેંકાયો તે પછી બીજે જ દિવસે લાખોના સંહારનું એ દ્રશ્ય નજરે પડ્યું હોત તો કેવી ફાટી આંખે અને વલોવાતા હ્રદયે આપણે પાછાં ફર્યા હોત. તેવાં જ ભીષણ મનોમંથનો પામીને શેક્‌સ્પિયરે એનાં કરુણાંત નાટકો રચ્યાં છે. જેને આપણે માનવ કહીએ છીએ તે પદાર્થ વાસ્તવમાં શો છે તેની જીજ્ઞાસા આ નાટકોમાં પૂરી સંતોષાય છે. કદી ન ભૂલી શકાય તેવું માનવીની લાચારીનું, એના હૃદયમાં રહેલા સદ્ અને અસદ્-નું, એના અંતરમનના ધબકી રહેલા વેર અને નાશનું સાદ્યંતદર્શન આ મહાકૃતિઓમાં મળી આવે છે. નાટ્યકાર શેક્‌સ્પિયર જાણે કે આખી માનવજાતને ખભે ઊંચકીને વધ-સ્તંભે જઈ રહ્યા હોય તેવાં આ નાટકો છે. ભયભીત બનીને આપણો શ્વાસ અદ્ધર થાય કે રખેને પાગલ બની જઈશું એમ માનીને આંખો મીંચી દેવાય એવા ભીષણ દૃશ્યો આ નાટકોમાં મૂકવામા આવ્યાં છે. પ્રત્યેક નાટકમાં એકાદ મહામાનવ જીવનના સકંજામાં એવો તો એ સપડાય છે અને પોતાના ભીતરમાં રહેલી સુષુપ્ત વૃત્તિઓથી એવો તો ભરમાય છે કે એનો કોઈ ઉગાર નથી રહેતો. ડેન્માર્કનો રાજકુમાર હેમ્લેટ કે વેનીસનો સેનાપતિ ઓથેલો જીવનનાં અગમ્ય બળોનાં આવાં પવિત્ર બલિદાનો છે. ઉભયમાં એમના આત્માના ઉત્તમ અંશો દ્વારા જ એમનો નાશ નોતરાયો છે. ઓથેલોને ઘસડી જાય છે એના હૈયામાં ઘૂઘવતા સ્નેહના સાગર. બેવફા માતા અને જેનું ખૂન થયું છે તેવા પિતાના સ્નેહે બંધાયેલો હેમ્લેટ અંતરાત્માથી બંધાઈને વેર ચૂકે છે. પુત્રીઓને રાજ્ય આપી બેઠેલો 80 વર્ષનો રાજા લીયર વૃદ્ધ મનની નાની નિર્બળતાથી દોજખને નોતરી બેસે છે. એવી તો એની દુર્દશા થાય છે કે પોતે જ પુકારે છે અગ્નિના ચક્ર પર એને બાંધ્યો છે. ને મારા તો આંસુ પણ ધગધગતું સીસું બનીને વહે છે. લાડકી દીકરી કોડેલીયા જેને લીયરે ધુત્કારી હતી તે પિતાની કુમકે આવે છે. કોડેલીયાના સ્નેહથી વૃદ્ધ લીયર ભાનમાં આવે છે. શાતા પામે છે. પરંતુ વિદ્રોહી પુત્રીઓ સામે લીયર હાર પામે છે. કોડેલીયાની જોડે કેદમાં પુરાવું એને વૈકુંઠ જેવું વહાલું લાગે છે. રાજા હોવાનો, સત્તા મેળવવાનો, અરે સ્વાતંત્ર્યનો પણ એણે તો મોહ છેડ્યો છે. દીકરી કોડેલીયા સાથે નાના બાળકની નિર્દોષતાથી જીવવાનો એ નિર્ણય કરે છે. ત્યાં એની દુશ્મન દીકરીઓ મૃત્યુ પામે છે. અને એના તરફદારોને વિજય મળે છે. તે ક્ષણે જીવન જાણે પાગલ બન્યું હોય તેમ ઈશ્વર વેરી બન્યો હોય તેમ, કોડેલીયાને ગળે ફાંસો આપવામાં આવે છે. પછી પણ બેરહમ કુદરતે જેનું સુખ છીનવી લીધું તે લીયર લાડકી કોડેલીયાનો મૃતદેહ લઈને તખ્તા પર આવે છે. અને વેદનાથી પૂછે છે કે ‘કૂતરાને જીવવાનો હક, ઊંદરડા પણ જીવી શકે અને સદ્ગુણી મારી દીકરી મરણ પામે એમ કેમ?’ ત્યારે એનો જવાબ પ્રેક્ષકો પાસે તો નથી જ, જીવન પાસે પણ આનો કોઈ ખુલાસો નથી. આ મહાપાત્રોને સર્જીને, એના અંતરતમ મનોભાવોને વ્યક્ત કરીને, એમના બધાયે પછડાટને સમાવીને શેક્‌સ્પિયરે આ કરુણાંત નાટકોમાં વનમાં અને માનવમાં ભભૂકતા જ્વાળામુખીનું ભીષણ દર્શન કર્યું છે.

છેલ્લાં નાટકો

તે પછીનો શેક્‌સ્પિયર વિશ્રાંત છે. એનાં છેલ્લાં નાટકો મનનું વાર્ધક્ય પ્રગટાવે છે. ચારે નાટકોમાં (1) ‘પેરિક્લીસ’ (2) ‘સિમ્બેલીન’ (3) ‘વિન્ટર્સ ટેઇલ’ અને (4) ‘ટેમ્પેસ્ટ’ શેક્‌સ્પિયર ટ્રેજેડીની સ્મૃતિ વીસારીને શૈશવની નવી દુનિયા શોધે છે. મનના ને હૃદયના વ્રણોને રૂઝવવા. નિસર્ગની વસંતના અને માનવકુળની કળીઓ જેવી નિર્દોષ બાળાઓના દર્શનને ઝંખે છે. કોઈક જાદુઈ ટ્રીપ દૂર કશે સાગર કાંઠે પથરાયેલું બોહીમીયા કે પ્રાચીન બ્રિટનનું રળિયામણું બંદર મીલ્ફ્રેડ હેવન એની મંઝિલ બને છે. વીસ વર્ષની રંગભૂમિની માયાના વિસર્જનની વેળા આવી હોય તેમ જાદુગર શેક્‌સ્પિયર છેલ્લા નાટક ‘ટેમ્પેસ્ટ’માં જાદુગર પ્રીસ્પેરો પાસે વિદાયવચનો બોલાવે છે. ‘આપણા મહોત્સવો હવે પૂરા થયા’ પ્રીસ્પેરો પાસે જ શેક્‌સ્પિયરે શ્લોકાર્ધમાં માનવજીવનનો મર્મ ઉચ્ચારાવ્યો છે :

મૂલ્યવાન કલ્પનાધન

‘આપણું જીવન એટલે ખ્વાબનો અસબાબ, જીવનું મૂલ્ય એટલું જ કે એમ સ્વપ્નો મહોરી ઊઠે છે. આદર્શો ક્વચિત્ પાંખ ફફડાવી શકે છે. મહાપ્રજાઓ ક્વચિત્ દર્શન પામી શકે છે.’ આટલું કહી શેક્‌સ્પિયરે ફરી પાછું ગામડું સ્ટ્રેટસફર્ડ સ્વીકાર્યું 1613થી 16 સુધીનાં વર્ષો એણે ગામની શાંતિમાં અને કુટુંબની સ્વીકૃતિમાં ગાળ્યાં. 23મી એપ્રિલ 1616માં એનો નશ્વર દેહ નાશ પામ્યો. સ્ટ્રેટસફર્ડના આ મોજીલા અને આવેશભર્યા નટે સમુદ્ર જેવી અફાટ છતાંય કુસુમો જેવી સુકુમાર નાટ્યસૃષ્ટિ માનવજાતને વારસામાં આપી છે. એનું એ કલ્પનાધન આપણા વાસ્તવિક વૈભવથી અધિક મૂલ્યવાન છે. જાણે આપણા સહુનો એ નિરીક્ષક હોય અને આપણા બધાયે ગુણો, અવગુણોને એ પામી ગયો હોય એવો સંકેત એની કૃતિઓમાં વસ્યો છે. અભિજાતનું ગૌરવ, ફુદાં બનીને સમાજમાં ઊડતાં પતંગિયાંની ક્ષુદ્ર વાસના, નિર્દોષોનાં મૃત્યુ, સત્તાના હાથે મૂક બનતો કલાકાર, ઈર્ષામય પ્રેમથી સળગી જતો સંસાર, અન્યાયોથી પાગલ બનતી નરનારીઓ, ખુશામતની સોનેરી જાળમાં સપડાઈને વેચાતાં જીવનો, આ બધાંથી તેની કૃતિઓને આકાર મળ્યો છે. સ્થિર નયને સંસારના તમાશા નિહાળીને એણે તો તારવ્યું છે કે જીવનનું એકમાત્ર મહાસત્ય સમર્પણમાં અને સ્વીકૃતિમાં રહ્યું છે. જીવનમાં દૃઢતાથી પકડવા જેવું એક જ તત્ત્વ છે અને તે આત્માતત્ત્વ. પ્રેમ તે બીજાને જાત સમું દેખાડનારું આ સત્ય જીવનની આધારશિલા છે. નિસ્વાર્થ પ્રેમ સિવાયનાં બધાંયે તત્ત્વો જીવનમાં તૂફાન ઊભું કરનારાં તત્ત્વો છે. આવું સત્ય દર્શાવીને મૂક બનેલો શેક્‌સ્પિયર સહુની વંદનાનો અને સ્મરણનો અધિકારી બનીને મૃત્યુંજય રહ્યો છે.

23 એપ્રિલ 1964

એસ. આર. ભટ્ટ