સફરના સાથી/રૂસ્વા મઝલૂમી

રૂસ્વા મઝલૂમી

અમૃત ઘાયલ મુશાયરામાં ભાગ લેવા આવે. સુરત સ્ટેશને જાઉં ત્યારે ખેલાડી જેવા ચુસ્ત શરીરનો અને પેલી કવિતામાં કહે છે એવા પ્રેમવશ કરનારો પાતળિયો ટ્રેનના એક ડબ્બાના બારણે ઊભો હોય અને ભેટી પડું એ પહેલી ઓળખાણ, એ પાજોદથી આવે છે માત્ર સહજ, ઉપલક જાણ ને પછી તો જાણ અને પરિચય અનાયાસ વધતા રહ્યાં અને મુશાયરો યોજવાની મંડળની સભામાં ઘાયલને ‘ગઝલરત્ન’ અને રૂસ્વાને ‘ગઝલગૌરવ’ આપવાનો ઠરાવ થયો ત્યારે જોયું કે ગઝલક્ષેત્રમાં રહેનારે રૂસ્વાને જાણવો જોઈએ. એ મુશાયરામાં એમને ગૌરવ અપાયું ત્યારે એમને પ્રથમ વાર જોયા, સાંભળ્યા. એ તો દરબાર, મુશાયરાના ઉતારે શેના હોય કે નજીકનો પરિચય થાય! એ તો એમની હેડીના કોઈ એમના ગજાના યજમાનને ત્યાં ઊતરે, પણ વર્ષો પછી આણંદમાં મુશાયરો. રૂસ્વા પણ આવેલા ત્યારે મારાથી થોડે દૂર સૂતેલા એમને જોયા હતા. ત્યારે એ લુણાવાડાથી આવ્યા હતા. આ બે ઘટના વચ્ચે લાંબો ઇતિહાસ પડ્યો હતો. હવે એ પાજોદના દરબાર નહોતા, પણ બે દૃશ્યો વચ્ચેનું એક વચેટ દૃશ્ય ડોકિયું કરે છે. પ્રેમાભાઈ હૉલમાં ઉ.જો.ના પ્રમુખપદે મુશાયરો. મંચ પર રૂસ્વા, ઘાયલ અને શૂન્યની ત્રિપુટી, પણ ઘાયલ, શૂન્યના દમામદાર ડ્રેસ સરખા, એનો પ્રભાવશાળી ઠાઠ જુદો! એ દમામ, એ છબિ ઓર હતી. બંને પાજોદના દરબારમાં થોડા હતા? દરબારમાં એક ત્રિપુટી હતી. મુશાયરાનો યુગ સમાપ્ત થયો હતો. એમના પુત્ર મને પરિચિત. પાસેના કઠોર ગામમાં રહે તેની સાથે રૂસ્વા પણ રહેવા આવ્યા હતા. રાજકોટમાં મુશાયરો યોજાયો હતો. તે ભગવતીભાઈને ગુ. મિત્રની ઑફિસમાં મળવા આવ્યા, હું મારા કામમાં વ્યસ્ત હતો. તેઓ મારી પાસે આવ્યા અને કામનો વિષય એવો કે મેં થોડા શબ્દોમાં ઉત્સાહ બતાવ્યો તો એ બોલી ઊઠયા: ‘નારાજ છો ?’ ત્યારે ‘ના, ના! કહેતો સુપ્ત જેવો હું જાગી ગયો... અને નિકટનો છતા અછડતો પરિચય તો એ સુરત આવી વસ્યા, ત્યારે જ શૂન્ય સાથે હતા જ. બાર માસિક પ્રગટ થયું અને કોનિક હેડેક અને અનિદ્રાથી મારા પરંપરિત કામ માટે નકામો જ રહ્યો, ચાર ચાર માસ બબ્બે હૉસ્પિટલમાં રહ્યા છતાં ફેર ન પડ્યો અને આપઘાત સિવાય કોઈ બીજો માર્ગ ન હતો ત્યારે ‘બહાર’ માસિકમાં જોડાયો અને પત્રકારત્વમાં થયેલો એ પ્રવેશ આજીવન રહ્યો. આમ તો એ દિવસમાં એક વાર પોતાના જાજરમાન વિદેશી શ્વાન સાથે આવે, કલાક બેસે, શૂન્ય ઘર અને ઑફિસ વચ્ચે, ઑફિસમાં એકાદ વાર થોડો સમય આવે. સંપાદનથી પ્રેસમાં છપાય ત્યાં સુધીની જવાબદારી મારી. એકવાર એ પોતાના રોફીલા કૂતરા સાથે પ્રવેશ્યા અને ખુરસીમાંથી ઊભા થઈ જવાયું તે સાથે સાંભળ્યું : બેસો. સુરતમાં એમણે નાટયપ્રવૃત્તિમાં રસ, ભાગ લેવા માંડેલો રંગભૂમિનાં વિખ્યાત નટ, નટી આવે તેમની સાથે પરિચય, વાર્તાલાપ યોજે તેમાં કોઈવાર હાજર રહ્યો હોઈશ, પણ યાદ રહેતો પ્રસંગ એ કે એક ગાયિકાની મિત્રો પૂરતી મર્યાદિત મહેફિલ રાખેલી અને નાટ્યકાર વજુભાઈ ટાંક જેવા હાજર, મનેય કહેલ તે હાજર રહેલો, આમ પણ ઉત્તમ ઉર્દૂ ગઝલ સાંભળવાની તક ગમે. સવાર સુધ મહેફિલ ચાલી. ઘરે ગયો. નહાઈને સીધો બહારની ઑફિસે, તે બંધ. ચાવી લેવા- રૂસ્વાનો બંગલો સાવ નજીક ત્યાં લેવા ગયો. મારો સાદ સાંભળી રૂસ્વા બહાર આવ્યા મને જોઈને આશ્ચર્ય થયું. મેં ચાવી માગી તો કહે ‘ઘરે જાવ અને ઊંઘ પૂરી કરો’ હું ઘરે પાછો વળ્યો. એમનો કઠોરમાં રહેતો પુત્ર હવે સુરત રહે છે. રૂસ્વા થોડા દિવસ માટે આવ્યા હતા. ફોન આવ્યો. એક ભાઈના સથવારે મળવા ગયો. દિલી વાતો થઈ હવે અમે અવસ્થાના એવા આરે છીએ કે ફરી મિલન ન થાય. રૂસ્વા મૂળે ઉર્દૂ ગઝલ લખતા જ હતા. ‘મીના’ પછી ‘તિશ્નગી’ નામે એમનો ગઝલસંગ્રહ ઉર્દૂમાં તેમ હિન્દી લિપિમાં પ્રગટ થયો છે. હૉકીનો સમાન રસ રૂસ્વા અને અમૃત ઘાયલની મૈત્રીની શરૂઆત બને છે, પછી તો વર્ષો સુધી અમૃત ઘાયલ એમના રહસ્યમંત્રી રહે છે. શૂન્ય પણ એમના દરબારમાં ભળે છે એટલે ઉર્દૂના ગઝલકાર શૂન્ય ગુજરાતી ગઝલ લખવા માંડે છે અને ઘાયલ સુરત ને બીજે યોજાતા મુશાયરામાં ભાગ લે છે, શૂન્ય પણ. આ કારણે રૂસ્વા ગુજરાતી ગઝલ લખવી શરૂ કરે એ સહજ હતું. એમની ગઝલો પર એમના મિજાજની, વ્યક્તિત્વની મુદ્રા છે. એ જેટલા સરળ છે એટલી જ એમની ગઝલ સહજ છે. એમાં સ્વાભાવિક મિજાજ, સહજ ગતિ અને પ્રભાવ છે.

ક્યા તબસ્સુમ કિસી કા યાદ આયા
શામે - ફુરકત મેં રોશની કૈસી?

શું કોઈનું સ્મિત સાંભરી આવ્યું? વિરહની સાંજમાં આ પ્રકાશ કેવો? વિરહના શેરો તો ઉર્દૂ શાયરીમાં એક શોધો તો હજાર મળે, પણ સ્મિતને પ્રકાશની ઉપમા સહજ લાગે તોયે કેટલી સહજ અને એક આશ્ચર્યભર્યા પ્રશ્નેરૂપે અહીં મળે છે? સ્પષ્ટ સીધી એટલી વેગીલી અભિવ્યક્તિ એમની ગઝલોમાં અનુભવી શકાય છે.

યાત્રા કરી લે આવી અહીં, તીર્થધામની,
ઓ સંત! મયકદામાં બધાં તીર્થધામ છે.

✽ ✽ ✽

જુદાઈની એક પળ સદી સમ હતી,
ટળી એ જ પળ તો સદી પી ગયો.

અને આ તો એક રાજવીની આજના દિવસની મુખ્તેસર હકીકત જેવો સોંસરો શેર છે.

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારોય એક જમાનો હતો, કોણ માનશે?

અને હા.

ગાગાલ ગાલ, ગાલ લગા ગાલગા લગા

મધ્યમ કદના આ છંદે મારું એટલું તો લક્ષ્ય માગ્યું કે એની નિજી ક્ષમતા અને વિશિષ્ટ લય-તરંગે મને મુગ્ધ કરી દીધો કે મેં સહજપણે એમાં લાંબી રદીફના અનેક પ્રયોગો કર્યા. આ છંદમાં લઘુ પછી તરત બીજો લઘુ આવે છે. આવું બીજા છંદોમાં ખાસ બનતું નથી, એ ખરેખર શાયરની કસોટી પણ કરે છે. બે લઘુ અને વળી બબ્બે સ્થાને આવે તે નિભાવવાના. કદાચ આ વ્યવસ્થાને કારણે આ છંદનો લય-તરન્નુમ બીજા છંદો કરતાં સાવ વિશિષ્ટ બને છે. એ તરફ સૌથી પ્રથમ મારું ધ્યાન દોર્યું અમીન આઝાદનો આ સ્મરણીય શેરે :

જેને હું આમતેમ ફરી ખોળતો હતો,
દિલમાં જ બેઠો એ મને ઢંઢોળતો હતો!

કોણ માનશે? એ રૂઢપ્રયોગ છે, મને કંઈ ખબર નથી, તને યાદ તો હશે? હોય પણ ખરું! શું શું બની ગયું? હોય પણ ખરું જેવી રૂઢપ્રયોગની બોલચાલની ભાષામાં, કોણ માનશે ? રદીફ પર પણ મને ગઝલ લખવાની પ્રેરણા મળી! આ છંદની વિશિષ્ટતા વિશે બીજું ઘણું કહી શકાય. આ છંદ રૂસ્વાને પણ પ્રિય તેમ અભિવ્યક્તિને અનુકૂળ લાગ્યો જણાય છે. કલાપીયુગમાં ગણતરીના થોડા છંદોમાં ગઝલ લખાતી રંગ, ડમરો અને તુલસી, ગાતાં ઝરણાં — સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે. ગાતાં ઝરણાં – સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે. એમના ‘મદિરા’ ગઝલસંગ્રહની બીજી આવૃત્તિ થઈ છે અને એનો પરિચય અમૃત ઘાયલે જીવન, કવન બંનેના સામીપ્યની અનુભૂતિમાં લખ્યો છે તેમાં ક્યાંક ક્યાંક ઘાયલના ગદ્યનો વિશિષ્ટ પરિચય થાય છે, તેમાંથી પ્રશ્ન થાય છે ઘાયલે ગદ્યને પણ અજમાવી જોવું જોઈતું હતું. રૂસ્વાએ સાથે રહ્યાનું સુખ ઘાયલ સાથે રહ્યાનું સુખ - કૌતુક, આંખોની પાંખે, સ્મૃતિરેખાનાં પુસ્તકો પણ લખ્યાં છે તે એમના બહુવિધ અનુભવો-નિરીક્ષણો પ્રગટ કરે છે. પણ મૂળ પિછાણ તો રાજવી ઓગળીને શાયરની જ બને છે, પણ હૉકીના એ ખેલાડીની ખેલદિલી તો કવિતા ને ગદ્ય બંનેમાં અનુભવાય છે. એમનો દમામ પણ સ્વાભાવિક, સહજ અનુભવાય છે. દેખીતું છે કે એ પરંપરાના ગઝલકાર છે. તડકીછાંયડી શબ્દો જાણે રૂસ્વાનું જીવનચિત્ર બની જાય છે.

દુ:ખ જોયું નથી તેથી શું થયું. દુ:ખ જોવા નજર ટેવાઈ જશે,
દેખાશે દિવસના તારા તો, એ તારા પણ જોવાઈ જશે.

✽ ✽ ✽

ચિંતાઓ જીવનની કોણ કરે? ચિંતાઓ કરે છે મારી બલા!
જીવવું એ મોટી વાત નથી, મરતાં મરતાં જિવાઈ જશે!

✽ ✽ ✽

સાચે જ વાત આ બધી ‘રૂસ્વા’ની વાત છે,
અમને તો એમ કે આ સિકંદરની વાત છે!

અને એમની આ જીવનદૃષ્ટિ તો રાજવીકાળમાંય હતી :

નાનાની કરો ના અવગણના, નાનાથી મોટા શોભે છે,
જો ઊડી જશે ઝાકળબિંદુ તો ફૂલો પણ કરમાઈ જશે.

અને એમની જીવનરેખા એમના આ શબ્દોને સાર્થ કરે છે :

જીવનસિદ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો,
ફકીરી કે અમીરી – ફેર વર્તનમાં નથી હોતો,

✽ ✽ ✽

સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ રૂસ્વા,
ખરો વૈભવ તો મનમાં હોય છે. ધનમાં નથી હોતો.

✽ ✽ ✽

જેને વૈભવનું અભિમાન હો મિથ્યા જગમાં,
એને કહેજો કે ‘રૂસ્વા’ની મુલાકાત કરે.

બાબીવંશના રૂસ્વા એ વંશના જૂનાગઢના નવાબ સાથે પાકિસ્તાન, કરાંચી જઈ શક્યા હોત, પણ એ જન્મભૂમિમાં જ રહ્યા. એમનો વતનપ્રેમ સાચો ઠર્યો છે.

નથી આવ્યા અમે કેવળ અહીંયાં પર્યટન માટે,
વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે.

અત્યારે તેઓ મૂળ જે રાજકુમાર કૉલેજમાં ભણેલા એ કૉલેજના પ્રોફેસર પુત્ર સાથે રાજકોટમાં રહે છે — ઘાયલને મળતા રહેવાય એ ચાહના પણ એમાં ખરી!

ઉભય ગંગા ઝમઝમ છે મારી ગઝલમાં,
અનોખો જ સંગમ છે મારી ગઝલમાં.

મહોબ્બતની સરગમ છે મારી ગઝલમાં,
ઘણી વાત મોઘમ છે, મારી ગઝલમાં.

વિરહ તો વિરહ છે, મિલન તો મિલન છે.
અજાયબ સમાગમ છે મારી ગઝલમાં.

એ હસતા ચહેરા, એ આંખોય હસતી,
વિષય સૌ મુલાયમ છે મારી ગઝલમાં.

જવાનીની ઝરમર, મહોબ્બતની મસ્તી,
મદિરાની મોસમ છે મારી ગઝલમાં.

રુદનનું રુદન છે, ખુશીની ખુશી છે,
દીવાનાનું માતમ છે મારી ગઝલમાં.

સુણી, ઊંઘ મીઠી ન કેમ આવે ‘રૂસ્વાં’,
કે જુલ્ફોનું રેશમ છે મારી ગઝલમાં.

રંગ છું. રોશની છું. નૂર છું,
માનવીના રૂપમાં મનસૂર છું.

પાપ, પુણ્યોની સીમાથી દૂર છું.
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું.
 કોણ કે’ છે; હું નશામાં ચૂર છું.

 કૈં નથી તોયે જુઓ હું શું નથી,
હું સ્વયંસિંદુર છું, કુમકુમ છું.

ભીંત છે વચ્ચે ફક્ત અવકાશની
 કેમ માનું, તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું મારું છે જીવન,
આમ હું ખાલી છતાં ભરપૂર છું.

હું ઈમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી.
ખૂબ છું બદનામ પણ મશહૂર છું.

એ કાજળ ઘેરી આંખોમાં કંઈ જાદુમંતર લાગે છે,
જ્યાં દૃષ્ટિ પડે છે તેઓની, ત્યાં આગ બરાબર લાગે છે.

શું હું પણ સુંદર લાગું છું, શું મન પણ સુંદર લાગે છે,
આ કોણ પધાર્યું છે આજે કે સ્વર્ગ સમું ઘર લાગે છે!

નૌકા જો હતી તોફાન હતાં, નૌકા જો ડૂબી ગઈ છે તો હવે,
મોજાંય બરાબર લાગે છે, દરિયોય બરાબર લાગે છે.

હું વાત કહું શું અંતરની, જ્યાં મૂલ્ય નથી કૈં વચનોનું,
 દુનિયાની નજરમાં પણ જૂઠ બરાબર લાગે છે.

એ જોકે પધાર્યાં છે કિન્તુ કંઈ એવી રીતે બેઠા છે,
દેખાવ કરે છે એ દૂર થવા પણ પાસ બરાબર લાગે છે.

સૌંદર્ય તણી આ વાતો છે, સૌંદર્ય તણી આ વાતો છે,
 હા, હા, તો શું એના મુખમાં ના, ના, પણ સુંદર લાગે છે!

બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે ‘રૂસ્વા’
પણ આજ ખરું જો પૂછો તો, દુનિયાનો મને ડર લાગે છે.