સફરના સાથી/નસીમ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નસીમ

એક જુવાન ઇસ્માઈલી એકબીજાને જોયા વિના દોસ્ત બની ગયેલો. મુંબઈ મુશાયરા પ્રસંગે ગયો ત્યારે તેની સાથે નસીમ અને સગીર જેવા પીઢ સૌજન્યશીલ વડીલ શાયરોને મળ્યો તે પહેલું મિલન અને છેલ્લું મિલન તે કે. ઈ. એમ. હૉસ્પિટલમાં ત્રણ માસ રહ્યો ત્યારે પાકી કેરી ભરેલી ઝોળી લઈ એ મળવા આવ્યા તે. નસીમભાઈની ઓળખ એમનાં વિવેચનો દ્વારા પરોક્ષપણે થયેલી તે એટલી ઊંડી છતાં શાલીન કે મારા મનમાં એક સૌજન્યમૂર્તિનો સ્વસ્થ આકાર અંકાઈ ગયેલો. મારો ઊંડો અફસોસ એ જ રહ્યો કે ગઝલ તેના શુદ્ધરૂપે અવતરી ચૂકી હતી પણ હજી તેના બાહ્ય અને આંતરસ્વરૂપ જાણે ઝાકળના પરદામાં હતાં, મુશાયરાની લોકપ્રિયતાએ કેટલાક વિવેચકોનાં રાતાં લોચન ઊઘડ્યાં ત્યારે શાંત પ્રભાવી પ્રકાશ પ્રતિકારના આવેશ વિના પ્રસારનારાઓમાં મારા જેવો લાકડાનું ઓજાર લઈ બાળકના નિર્દોષ જુસ્સાથી કૂદી પડતો ત્યારે એકલતા અનુભવતો. નસીમ હતા પણ મુંબઈમાં અને ઘીનો દીવો પોતાનો નાનકડો ગોખ છોડે નહીં એવી એમની સ્થિરતા. મારે માટે તો વિવેચક નસીમ પ્રથમ હતા અને રહ્યા. મૂળ અરબી તે પછી ફારસી છંદોમાં ગઝલો લખાય છે એમાં છંદશાસ્ત્રનું નામ ઉરૂઝ છે કહીને ગઝલનો નવો પંડિત ‘અરૂઝ’ શબ્દના ઉપયોગ કરનાર પર આ તો સાવ નાદાન છે સમજીને વરસી પડે છે. પરભાષાઓના કેટલા બધા શબ્દો ગુજરાતી ઉચ્ચારે પોતાનો મૂળ અર્થ સાચવીને બદલાયા છે એનો અભ્યાસ એમણે કરવો જોઈએ. મેં તો ગઝલના એ છંદશાસ્ત્રનો ઉલ્લેખ ઉર્દૂ ફારસી તેમ અરબી ભાષાથી પરિચિત વિદ્વાન ગઝલકારોના મુખે સાંભળ્યો છે, એટલું જ નહીં, એના નામે એનો ઉપયોગ લેખનમાંય થયો જોયો છે. સદ્દગત નસીમ ગઝલ અને ગઝલ છંદશાસ્ત્રના ઊંડા અભ્યાસી, સમર્થ વિવેચક હતા. એમની કક્ષાનો એકે ગઝલવિવેચક અત્યારે વિદ્યમાન નથી. મૂળ અરબી પિંગળ ઈરાનીઓએ અપનાવ્યું. એ અને એમાં ઉમેરણો કર્યાં લાગે છે. નસીમભાઈ લખે છે: ‘અરબી પિંગળને ‘ઈલ્મે-અરૂઝ’ કહેવામાં આવે છે. ‘અરૂઝ’ના અર્થ વિશે મતમતાંતરો છે. હઝરત ખલિલ બિન અહમદ બસરીએ આ ઇલ્મના સિદ્ધાંત અને રચના મક્કાના પોતાના નિવાસ દરમ્યાન કરી હતી અને મક્કાનું એક નામ ‘અરૂઝ’ છે. તે પરથી આ વિદ્યાનું નામ ‘ઇલ્મે અરૂઝ’ રાખવામાં આવ્યું. રૂપાંતર હવે આમ વાસ્તવમાં તો ગુજરાતી શબ્દ ‘અરૂઝ’ શુદ્ધ ઉચ્ચાર બને છે – રૂપાંતર કે સ્વરરૂપાંતર પામેલો શબ્દ નથી. ફારસી સુધી અટકેલા અરબી ઉચ્ચાર, શબ્દ- નામ સુધી શા માટે પહોંચતા નથી? ઊલટા પોતાનું વચગાળાનું પાંડિત્ય વધારે છે. શૂન્ય પાલનપુરી માત્ર ગઝલકાર નહોતા. ગઝલો લખાય છે એ છંદશાસ્ત્ર સહિત ગઝલરચનાના મર્મજ્ઞ હતા. એમણે ગઝલ અંગે સમયે સમયે વિવેચન પણ કર્યું હતું અને જીવનનાં છેલ્લાં વર્ષો ગઝલ, છંદશાસ્ત્ર અને તેના અભ્યાસ—લેખનમાં ગાળવાનાં હતાં, પણ તે પહેલાં તેઓ પ્રાણ છોડી ગયા. આમ છતાં એ પહેલાં ગઝલની શાસ્ત્રીયતાનું વિવેચન કરતું ‘અરૂઝ’ પુસ્તક ૧૯૬૮માં પ્રગટ કર્યું હતું. મેં ‘અરૂઝ’ શબ્દનો પ્રયોગ અરબી ભાષા બોલતા ને અનેકને ગઝલના પાઠ શિખવનાર અમીન આઝાદના મુખે સાંભળ્યો હતો. ગઝલશાસ્ત્રના તાજા પંડિત શબ્દના મૂળ સુધી પહોંચે એટલું જ નહીં, પરભાષાના શબ્દો ગુજરાતીમાં આવતાં કેવાં સ્વરરૂપાંતર થાય છે તેનો પણ અભ્યાસ કરે. મૂળ શબ્દ જ ‘અરૂઝ’ છે, પણ ધારો કે ઉરૂઝ શબ્દનું ‘અરૂઝ’માં રૂપાન્તર થયું હોય તો તે મૂળ અર્થ જાળવી રાખે છે, પરભાષાના થયેલા એવા ગુજરાતી શબ્દોનો અભ્યાસ કરવો ઘટે. શ્રી હરીન્દ્ર દવેએ પણ ગઝલ સંપાદનના સંગ્રહમાં ‘અરૂઝ’ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. નસીમ આગાખાની ઈસ્માઈલ કોમના અને તેમના અડધિયા પાક્ષિક ‘ઈસ્માઈલી’ના તંત્રી એટલે કે ગઝલ વિશેના એમના શાંત, ઊંડા અભ્યાસના વિવેચનલેખો એમાં પ્રગટતા. મારા માટે નસીમ, સગીર અને ફકીર એક જ હરોળના પીઢ શાયરો હતા, પણ કોણ જાણે કેમ મારી સરળતા ફકીર પાસે એમની ગઝલપાસે સહજ પહોંચી જતી. કવિતા એ કાનની કળા પણ છે, એમાં ઉમેર્યું કે છપાયેલી કવિતા ચાક્ષુષ કળાનીય અપેક્ષા રાખે છે. નસીમ, સગીર અને ફકીરની ગઝલો એકાંતમાં સ્વસ્થ ચિત્તે માણવાની—મંચ પર સાંભળવાની ઓછી. યુનિવર્સિટી આવી, યુનિવર્સિટી શિક્ષણ આવ્યું. લોકપરંપરા તેમ ગુજરાતી કવિતાની પરંપરા ગેય, સુગેય કવિતાની, પણ પંડિત સાક્ષરોએ સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી કવિતાનો જ મહિમા કર્યો. એની ઓળખપિછાણ માટે ગાંધીયુગ સુધી તંતોતંત વીરવત્તિસભર ખંત બતાવી. પણ ગેયકવિતા તો ભક્તિપ્રધાન રચનાઓ સુધી જ એમણે જોઈ. ‘બાપાની પીંપર’ દલપતરામ લખે છે ત્યારે બ. ક. ઠા.ને નવા વિષયોનું પ્રસ્થાન દેખાય છે. નસીમભાઈનું શીલ અને ચારિત્ર્ય એવું કે એમની ગઝલો સંસ્કૃત વૃત્તોમાં લખાતી કવિતાની અભિવ્યક્તિ જાણે ગઝલમાં થતી હોય એવી એટલે એ પાઠ્ય જ બને. એમણે મને એક પુસ્તક ભેંટ આપેલું તે નરસિંહરાવનું ભાષાશાસ્ત્ર વિષયનું હતું. એ પસંદગીમાં મારી નહીં એમની પાત્રતા જ જોઈ શકાય. એ તો સારું કે એમનો નાનો ભાઈ ‘તુરાબ’ વિચારકણિકા લખતો તે ‘નવચેતન’ જેવાં માસિકોમાં પ્રગટ થતી તે હું જોતો. ‘ચાંદરણાં’ નો લેખક જાણ્યે અજાણ્યે વિચારમૌક્તિક તરફ આકર્ષાતો હતો. તુરાબને કારણે જ નસીમભાઈનો ગઝલસંગ્રહ ‘ધૂપદાન’ પ્રગટ થવો અને શ્રી રામપ્રસાદ બક્ષી જેવાએ એની વિવેક, વિવેચનીય ગુણની પ્રસ્તાવના લખી. ગુજરાતી વિવેચકો એ જાણતા નથી કે ગઝલમાં પણ સોહરાબ રુસ્તમી ચાલી છે. — પણ મુસ્લિમ પત્રકારત્વમાં. એમાં ક્યાંક બ. ક. ઠાકોરશાહી દૃઢતા પ્રખરતા હતી, તો નસીમમાં અવિચળ એવું શાંત, ઊંડું સૌમ્ય શીલ હતું. ખબરદાર પોતાના વ્યાખ્યાનમાં ગઝલનું એક પ્રકરણ આપે છે, સંજાણા ‘કલાન્ત કવિ કે ક્લાન્ત કવિ?’ એ વિખ્યાત વિવેચનમાં ગ્રીષ્મના સૂર્યરૂપે પ્રકાશે છે તે ગઝલની વિવેચના બને છે, પણ નસીમ ને બીજાઓ એટલી જ અભ્યાસપરાયણતાપૂર્વક મુસ્લિમોનાં સામયિકોમાં લખે છે, લખતા રહે છે — જવાબદારીની સભાનતાપૂર્વક તે અજાણ્યું રહી જાય છે. ફિત્ઝેરાલ્ડે ખૈયામની રુબાઈ અંગ્રેજીમાં ઉતારી તે લોકપ્રિય બની અને યુનિવર્સિટીનું શિક્ષણ પામેલા કે એવા અભ્યાસમુખીઓએ ગુજરાતીમાં એનો ભાવાનુવાદ કર્યો. ગુજરાતીને જાણીતા છંદો કે લયગેયતામાં, એમાં ભાવ તો હોય તો પમાય પણ મૂળનો સાક્ષાત્કાર ન થાય. એનો સાચો આસ્વાદ તો શૂન્યે ગઝલીછંદોમાં કત્લ સ્વરૂપે રુબાઈ નામે કર્યો ત્યારે તે ‘કુમાર’ની બુધવારી કાવ્યસભાથી માંડી બચુભાઈ રાવત સુધી પહોંચ્યો, પણ મને લાગે છે કે ગઝલકારોની નવી પેઢી સુધી નથી પહોંચ્યો. રુબાઈ વિશે ગ્રન્થસ્થ થઈ શકે એવી ચર્ચા ચાલી તેમાં નસીમભાઈએ જે કંઈ લખ્યું તે ગ્રન્થસ્થ થવું જોઈતું હતું. રુબાઈ માટે સ્વતંત્ર એવા ચોવીસ છંદો છે એ ત્યારે જાણ્યું અને એ ચોવીસ છંદોમાં ગમે એટલાં સાહસ કરવા છતાં મારાથી બૌદ્ધિક કક્ષાએ ઠીક, પણ રચનાત્મક કક્ષાએ પ્રવેશી શકાયું નહીં. એ ચોવીસ છંદોમાં લખાયેલી રુબાઈ અમીન આઝાદ જેવો આરબ, આરબકંઠી સુગેય પાઠ કરે અને સાંભળું તો એનું આછું આછું બિમ્બ ચેતનામાં ઊતરે. ગઝલી છંદમાં લખેલી કતુઆતને નસીમભાઈ તાહિરી રુબાઈ કેમ કહે છે એ પૂછવાનું તો રહી જ ગયું. સંગીત, નૃત્યની જેમ શાયરીનું તો ઠીક, પણ છંદોનું જ્ઞાન અનુભૂતિ કે સાક્ષાત્કાર સુધી પહોંચતી પ્રત્યક્ષતા માગે છે એવું અંગતપણે મને લાગે છે.

‘ગુલો-બુલબુલને ત્યાગી ગા હવે તું બાજનું ગાણું’

નસીમનો ગઝલવિચાર આ પંક્તિમાં પ્રગટ થાય છે. તમે પુષ્પ, સૌંદર્યના પતંગિયા મટી આકાશે ઊડતા ગરુડ થાવ એ એમના ઉદ્દગાર છે, તે બીજાને અપાયેલો ઉપદેશ નથી, એમણે વૈચારિક કે ભાવોડ્ડયનમાં એવો વિહાર કરાવવાના પ્રયત્નો કર્યા જ છે. ગઝલની વાત આવે ત્યારે મિજાજ શબ્દ જોડાયા વિના રહેતો નથી અને તે ‘ઘાયલ’ની રચનામાં છે. નસીમ મિજાજી નથી. નર્યા નમાજી પણ નથી, એ પ્રશાંત, પોતીકા છે. એમના સમયની ગુજરાતી કવિતાના તેમ ગઝલના બેવડા સંસ્કારે જ એમની ગઝલો વાંચી શકાય. આમેય તેઓ હોય તો નાની રસિકમજલિસના, મંચના શાયર નહિ. એ પોતે કહે છે:

કરું શું શૃંખલા આવી પડી વિવેકની છે,
ના પ્રેમના તરંગો ના કલ્પનાનાં ઉડ્ડયન.
નસીમ વિનમ્ર, મળતાવડા છતાં ગોખના ઘીના દીવા જેવા…
ન હો સંવેદના જો દિલને દિલથી,
જગતથી તો ભલી જંગલની વસ્તી.
એવા વિચારના નસીમ પરિચિત, અપરિચિત હોય એમાં શી નવાઈ?

એક મૃગજળ અખિલ સૃષ્ટિ છે,
રજકણે રજકણે ફરી જોયું.

✽ ✽ ✽

જગત જોયું, જગતના રંગ જોયા,
હવે નવરંગ ધારીશું, અહાલેક!

નસીમના નિધન પછી એમનો ગઝલસંગ્રહ ‘ધૂપદાન’ પ્રગટ થયો. એમના ઊંચા વિચાર સાથે એમની શાલીન વિનમ્રતા એક શરત બની જતી મેં જોઈ છે. એમની ગઝલો કરતાં એમનાં મુક્તકો વધારે સહજતાથી આજે પણ માણી શકાય એવાં પ્રવાહી, ગતિશીલ અનુભવું છું.

કૂણાં કુસુમે કે પર્ણ હું જ છું,
જો! સુવાસે કે સુરંગે હું જ છું,
જો! વસંતે કે શિશિરે વાસ મારો.
સુકાયેલા તણખલે હું જ છું, જો!

✽ ✽ ✽

કુસુમ કે પાંદડું હું હોઉં તો શું?
સુવાસી હોઉં, લીલી હોઉં તો શું?
વસંતો કે શિશિરો હું ન જાણું!
સુકાયેલું તણખલું હોઉં તો શું?

✽ ✽ ✽

વસંત આવી, કુસુમ ખીલ્યો છે બાગે,
ભરી લે ઉરને તારા પરાગે,
ફરીને કાળ આવે કે ન આવે,
ફરી ઉરભાવ આ, જાગે ન જાગે!

રહે ઉપવન કે એમાં ગુલ રહે ના!
ન ડોલર, સેવતી, સુમ્બુલ રહે ના!
પણ એની ખાકથી રવ ઊઠતો રહે,
ભલેને કુંજમાં બુલબુલ રહે ના!

ઢળીને રંગદાની સૂઈ રહી છે,
મરણની ઓઢી લઈને એક ચાદર,
અહીં એક જિંદગાની સૂઈ રહી છે.

આંખડી ભરી જોયું!

ઝાકળ અશ્રુ બની ઝરી જોયું,
ફૂલના રૂપમાં ખરી જોયું.

એક મૃગજળ અખિલ સૃષ્ટિ છે;
રજકણે રજકણે ફરી જોયું!

રાખ થૈ, જ્યોતે જઈ, પતંગ સમે;
પ્રેમના પાવકે ઠરી જોયું.

હું જ તસવીર થૈ ગયો તેની,
ચિત્ર સ્નેહીનું ચીતરી જોયું.

ગુલપ્રભા અલ્પબિંદુઓની હતી;
બુલબુલે આંખડી ભરી જોયું.
રંગ-બૂથી ભરી બધી આલમ,
બાહ્યદર્શનને વીસરી જોયું.

જઈ શક્યો કર્યા દિગન્તને આગે?
લાખ સિન્ધુ મહીં તરી જોયું.

ચિંતને ખોળ નવ જગતને કદી,
આ જગતમાં તો વીચરી જોયું.

જુદો છે!

મધુ જુદું, જુદું પ્યાલું, મધુ પાનાર જુદો છે,
નશો જુદો, મઝા જુદી, મધુ પીનાર જુદો છે.

જુદાઈ છે બહિરંગે છતાં અંતર અભેદી છે,
જુદાઈ-એકતાઈનો એ કારોબાર જુદો છે.

કઈ રંગો બદલવાની કળા એ વાદળોમાં ક્યાં?
અનેરા રંગના એ ખેલ ખેલનહાર જુદો છે.

નદીના જળતરંગોમાં, સમીરનાં અંગેઅંગોમાં,
અનોખા એ રસીલા નૃત્યનો કરનાર જુદો છે.

કલાપી, કોકિલા, બુલબુલ મનોહર ગાન ગાયે છે,
અનેરી રાગણીનાં ગીતનો ગાનાર જુદો છે.

રડે છે બંસીના સૂરો, હસે છે ફૂલની કળીઓ,
ન એ રડનાર જુદો છે, ન એ હસનાર જુદો છે!

વસી ધૂલી કુટીરે હું હૃદયવીણા વગાડું છું,
ન નીકળે સૂર જુદો છે, જે ખેંચું તાર જુદો છે.

હૃદયની ધૂપદાનીમાં બળે જ્યોતિ, સુરભિ પ્રસરે,
કરું આતશ પરસ્તી હું, મગર અંગાર જુદો છે.

અદા ને ચાલમાં બેપર્દગીનું આવરણ ક્યાં છે?
પડ્યો પરદો નજર પર છે, એ પરદેદાર જુદો છે.

નથી પાસે કંઈ, હું તારું અપેલું તને આપું,
જીવનપુષ્પોથી ગૂંથેલો, એ જીવનહાર જુદો છે.

હૃદયનું પાત્ર જેવું હોય છે તેવું ભરી દે છે,
અહીં ભિક્ષા નિયમ જુદો, ને એ દરબાર જુદો છે.

મધુના જામમાં જીવનમધુ રેડી પીધું છે મેં,
અહીં તો જિંદગાનીનો ‘નસીમ’ અવતાર જુદો છે.

સુવાસી જિંદગાની હો

ભરી ઊર્મિ હૃદયમાં હો, ને ઊર્મિમાં જવાની હો;
જવાની રક્તઝરતી હો, સુવાસી જિંદગાની હો!

મરણ જીવનમહીં હો, મોતમાં જીવન છલકતું હો,
મટોડી દેહની ખાકી ભલે, રંગ આસમાની હો!

જીવન સિદ્ધાંતલક્ષી હો, મરણ કર્તવ્યલક્ષી હો,
કબર વિસ્મૃત કો’ જંગલ મહીં એક ફૂદ્દ્દાની હો!

અવર અર્પી સુવાસો ફૂલ, કરમી ફૂલ થાયે છે;
ખર્યું ક્યાં? ખીલ્યું ક્યાં? ઝંખતું ના, ક્યાં નિશાની હો!

જખમ તો લાગણીનો પ્રાણને ઝરણું અનંતાનું;
સદા જલતી રહે, બળતી રહે એ ધૂપદાની હો!

વિયોગીની બકા*ના રૂપને શૃંગાર ચમકાવ્યાં;
બલિદાનો વિરલ એનાં, બલિહારી ફનાની હો!

પરંતુ એ જીવન ત્યારે મળે, સાચું ‘નસીમ’ એ છે;
તમારી મહેર હો, મીઠી નજર હો. મહેરબાની હો!

* બકા= બાહ્યજીવન, ફના=બાહ્ય વિસર્જન