સફરના સાથી/ગની દહીંવાલા
‘કારવાં’ માસિકના તંત્રી અને શાયર ‘વહશી’ રાંદેરીને ત્યાં ‘શાદીખાના સાબાદી’નો અવસર. એમણે મુંબઈથી માંડીને સૌરાષ્ટ્ર સુધીના ગુજરાતી શાયરોને આમંત્ર્યા. બધા આવ્યા. શાદીના અવસરે મુશાયરો યોજાયો. ખૂબ સફળ રહ્યો. શાયરોનો ખાસ્સો મેળો જ મળ્યો છે તો સુરતમાંયે મુશાયરો યોજીએ એવો વિચાર મૂર્તિમંત થયો અને એકવાર જે હૉલમાં ગાંધીજી ભાષણ આપી ગયેલા, તાપી કાંઠાથી બહુ છેટે નહીં એવા આર્યસમાજ હોલમાં મુશાયરો યોજાયો અને હિંદુની ભજનમંડળી જેવી મુસ્લિમોની મોસૂદી મંડળીમાં મધુરકંઠી ગાયક ગનીભાઈ દહીંવાલા પંક્તિ પરની ગઝલ રચી ત્યાં પહોંચ્યો અને પ્રથમ વાર ગઝલ ગાઈ. સારો પ્રભાવ પડયો. શયદાએ થાબડ્યા : ‘દીકરા, લખતો રહેજે.’ એ મુશાયરાની સફળતાથી પ્રેરાઈને રાંદેરના અને હાજર શાયરોને વિચાર આવ્યો: આ રાંદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળને સમાપ્ત કરી ગુજરાત વ્યાપી મંડળ સ્થાપીએ, અને મુશાયરાનો અમીર ઇતિહાસ રચનાર મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના થઈ. પ્રમુખ બેકાર, મહામંત્રી અમીન આઝાદ. અને ખાસ્સી પાકટ વયે ગઝલ લખનાર ગનીભાઈ મારા જેવા ઘણા શાયરોની જેમ એક અગ્રણી ગઝલકાર પુરવાર પણ થયા. ધાર્મિક શાયરી શુદ્ધ પરંપરાએ ગાવાના મહાવરાને કારણે તેમ ઉર્દૂના આછાઘેરા સંસ્કારને કારણે મારી જેમ એમને ફઉલ્ ફઉલૂનના અજાણ્યા ખંડોમાં ભટકવા મૂંઝાવા, ખાસ્સી લાંબી મથામણમાં ઊતરવાનું નહોતું. એમને ગઝલના છંદો સંસ્કાર, મહાવરાને કારણે સહજસાધ્ય હતા. અમારી જેમ અમીન આઝાદ એમના ઉસ્તાદ હતા, પણ શરૂના થોડા સમય પૂરતા, અમારી પાગલટોળીમાં એ એક જ શાયર વ્યવહારડાહ્યો, ગણતરીનાં જ પગલાં ભરી પ્રાપ્તિ સાથે ઠાવકાસ્થિર. પોતાનું સ્થાન ધીમે ધીમે આગળ વધારતા દેખાયા. અંતરમુખી તો શાયરી પૂરતા, પણ પૂરેપૂરા સ્વગ્રહી, એટલે તો પોતાના ફળિયા સામે રહેતા ગોપીપરાના ઝવેરીબજારમાં દુકાન ધરાવતા ધોબીની સાથે મેળ પાડી ત્યાં દરજીનો પાટલો બાંધી ઊંચી છતે એક માણસ સંચે બેસી સીવી શકે એવું કાતરિયું બનાવી દીધેલું. અને ટોપીમાં કે પહેરણે લટકતી દોરીની સોયનાં સુશોભને દેખાતા. ગનીભાઈ મરણ પહેલાં એક દિવસ ‘ગુજરાત મિત્ર’ તંત્રીમંડળના મારા ટેબલ પાસે આવી મને મર્મીલા સ્મિતે કહે તારા નાના દીકરાના સસરાની પાવરલૂમ્સની ફેકટરી એક લાખ રૂપિયામાં વેચાતી લીધી.. ને ધીમા પગલે તંત્રીની કેબિન પાસેના ‘શેઠના માણસ’ પાસે જઈને નિરાંતે બેઠા. મને તો ત્યારે જ ખ્યાલ આવ્યો કે વેવાઈની ફૅક્ટરી હતી. લોબાનિયા ફકીરોની અમારી મંડળીમાં એ ‘વ્યવહારપટુ’ જ ‘લાખ્ખોપતિ’ બની શક્યા! છેવટે વિસ્તરેલા એ વૃક્ષની છાયામાં ગઝલ શીખતું એકાદ તરણુંયે ઊગ્યું નહીં એવા એ આપમુખા કે પછી અંતર્યામી! પેલી દુકાન પણ, મારા કરતાં એક વધારે, ત્રીજી ચોપડી ભણેલા ગનીભાઈ વિકસ્યા પહેલાં જ અજાણ્યા પ્રશંસકને પરિચય આપતાં ગોપીપરા ઝવેરીબજારમાં મારી ટેલરિંગની ‘ફર્મ’ છે એવું કહેતા સાંભળવાનો લહાવો મને ઘણી વાર મળ્યો. એ જાણીને સૌને આશ્ચર્ય થશે કે ‘સુરતી શાયર’ કહેવાતા ગનીભાઈ દહીંવાલાનો જન્મ અમદાવાદમાં છીપા કોમના પિતાના ઘરે થયો હતો! અબ્બા કાળુપુરમાં રહે. છીપા કાપડ પર લાકડાના બીબાથી ભાત છાપવાનું કામ મુખ્યત્વે કરે અટલે કારીગરની કુશળતાના સંસ્કાર દૃઢ, કારીગરની કોઠાસૂઝ ને ચોકસાઈ, ચીવટના સંસ્કાર મૂળે જ પડેલા. એમની ગઝલમાં પણ એ ત્રેવડ કરવાની સૂઝ કારીગીરી ઝીણી નજરે જોનારને દેખાશે. કાળુપુરની જમીનમાં ત્યારે કાળા વીંછી બહુ. શેરીમાં કોઈ ઘરને ઓટલે વીંછીના કાળોતરા ડંખે પોક મૂકી રડતો માણસ— રોજનું દૃશ્ય. શેરી, વિસ્તાર બદલવાને બદલે એમના અબ્બાએ શહેર જ બદલ્યું. ગોપીપરાના મુમનાવાડમાં આવી વસ્યા. હવે એ ‘ગનીભાઈ દહીંવાલા માર્ગ’ પર આવેલું છે. સુરત વિવિધ પ્રકારનાં જરીકામોનું ધામ. ગોટા, લેસ, બોર્ડર, સલમા સિતારા તે માટેનો કાચો જરીમાલ અને જરીભરતની વિવિધતા. અહીં કુટુંબે જરદોશ થઈ જરીભરતનું કામ સ્વીકાર્યું, પણ સાવ જુદું. એક ચોરસ ફ્રેમ પર સાડી કે ભરતનું મૂલ્યવાન કપડું હોય, તે ઘોડી જમીનથી દોઢેક ફૂટ ઊંચી તેની બંને બાજુએ બબ્બે કારીગરો બેસી ચાંદીના તારને જરીના કસબથી ડિઝાઇન, ભાત ભરે, પણ એમના અબ્બાએ જરદોશરૂપે સાવ જુદી લાઈન લીધી. સાધુઓના દરેક અખાડાને પોતાનો વાવટો હોય અને તેના પર પોતાના ઇષ્ટદેવનું નિશાનચિત્ર હોય, પણ એ છાપેલું કે ચીતરેલું ન હોય, જરીથી ભરેલું હોય. સૂર્ય જરીભરતનો હોય અને હનુમાન પણ જરીભરતના હોય. આ સાવ વિશિષ્ટ કામનું જરીભરત કામ કરવા માંડયું. એટલે અમદાવાદના જગદીશ મંદિરથી માંડીને લગભગ બધા અખાડાના પોતીકા પ્રતીકવાળા વાવટા પર કુટુંબ જરીભરત કરે! એમના ઘરે જુદાં જુદાં અખાડાના સાધુબાવાઓની આવ-જા અને અબ્બા સાથે ગનીભાઈની પણ જુદાં જુદાં મંદિરે અને અખાડે આવ-જા અને ગનીભાઈ અબ્બા સાથે કુંભમેળામાં પણ ફરેલા, રહેલા. કંભમેળામાં તમામ અખાડા, રાવટી તંબૂ નાખી પડેલા હોય. દરેક અખાડા પાસે નીકળતું લેણું એકસાથે ઉઘરાવવા તથા નવું કામ મેળવવાનો અવસર. અખાડાની રાવટી-તંબૂએ જ એમનો હિસાબ પતે, ઓર્ડર મળે ત્યાં સુધી ત્યાં જ ઉતારો અને બાવા ‘પ્રસાદ’ લેતા હોય તે જ તેમને જમવાનું. એની વાત કરતાં ગનીભાઈની જીભે રસ છૂટે. માલપૂઆ, દૂધપાક, બાટી, શુદ્ધ ઘીએ બનેલી વાનગી. એના રુદ્ર, રમ્ય અનુભવોનો એક આખો વિસ્તૃત લેખ મેં મુલાકાતરૂપે લખેલો તેમાંનું આટલું જ સાંભરે છે. ‘મારું કુટુંબ મૂળે સંખ્યાબંધ - કરીગરો પાસે જરીની લેસ, બોર્ડર વણાવે. તે અખાડેદાર કહેવાય. મોટાભાઈના અકાળ અવસાને અમારો અખાડો વિખેરાયો, આગોતરાં ધીરેલાં બધાં નાણાં ગયાં અને અમે પોતે કારીગર બન્યા તેમ સાધુના અખાડાના વાવટા પર જરીભરતનું કામ ઓછું થયું. ત્યારે ગનીભાઈ પણ ઘરે કરતાં એ કામ કારીગર તરીકે બીજાને ત્યાં કરવા જવા લાગ્યા અને અબ્બાએ ઝાંપાબજારમાં વહોરવાડને નાકે દહીંની દુકાન ખોલી તે એમની અટક, સરનેઈમ બની. સુરતીની જમણની રુચિ આગ્રહી અને ઊંચી, તેમાં સુરતી વહોરાઓની પરંપરા તો મોગલાઈ જેવી. ઉચ્ચ ધોરણ અને શુદ્ધતાને પરિણામે આવતા વિશિષ્ટ સ્વાદને કારણે દહીંવાલા નામે ગ્રાહકો ઓળખે અને રમજાન માસે તો દહીં ખૂટી પડે એટલી માગ. ગનીભાઈ તો જરદોશનું કામ કરે. એક કામ ચાર જણ સામસામે બેસી કરતા હોય, નજર તો ભરાતી ભાતમાં હોય, પણ તે દરમિયાન વાર્તાલાપ ચાલતા હોય. મેં અન્યત્ર જરદોશ-કામ થતું વિસ્મય અને કુતૂહલથી જોયું છે, પણ એ કાર્યના નહીં પણ કારખાનામાલિકના એક અનુભવે જ એમના જીવનમાં પલટો આણ્યો. એ સમયમાં સામાન્ય મધ્યમ સ્થિતિ કુટુંબમાં આખાં વર્ષનું અનાજ ભરાય તે સાથે ઘર પાછળના વિશાળ વાડા ને મકાનના કાતરિયે આખા વર્ષનું બળતણ પણ ભરાય. ગામડેથી તો ઝાડનાં થડ, ડાળીઓના આખાં લાકડાં આવે, તે ખરીદાય, ઘરના ઓટલા પાસે જ તે ખડકાય. ખભે કુહાડા, કરવત અને છીણા લઈને મજબૂત બાંધાના સુબદ્ધ શરીરના મરાઠા લક્કડફોડા આવે, આંગણે લાકડાં જોઈ થોભે અને ‘લકડા ફડાના હૈ? એવો ઘાંટો પાડે, ભાવ નક્કી થયે લાકડાં વહેરવાં, ફાડવાનું કામ ચાલે. આંગણે સાંજટાણે ફાડેલાં લાકડાના મોટા ઢગલા. મેં એવા લાકડાં બે હાથ લંબાવી તેના પર લાકડાં મુકાવી વહેવાનું કામ કર્યું છે. હાથની ચામડી છોલાયેલી હોય તે રાતે ઊંઘમાં પણ બળે. એ કામનું ઇનામ એક રોકડો પૈસો મળે ગનીભાઈએ એ દિવસે નવી પડેલી ફિલ્મ જોવાનું સવારે જ નક્કી કરેલું પણ જે કારખાને કામ કરે તે જ દિવસે કારખાનેદારે મણબંધી લાકડા ફડાવેલાં તે બધા કારીગરોએ વહીને વાડે પહોંચવાનાં સવારે નક્કી કરેલો ફિલ્મ જોવાનો કાર્યક્રમ રદ થયો અને લાકડાં વહેવાં પડ્યાં. કામ પત્યે એવા થાકેલા કે છેલ્લા શોમાં ફિલ્મ જોવાના હોશ નહીં! બસ, આ અનુભવે કામ બદલવાનો નિશ્ચય કર્યો અને દરજીકામ તે પણ સ્વતંત્રપણે શરૂ કર્યું - પણ શાયરોમાં પ્રવેશ પછી અમે તો કામ બદલાયા છતાં મજૂર-કારીગર જ રહ્યા, પણ ગનીભાઈ તો કપડા સીવવાના મોટા કોન્ટ્રાક્ટર ને છેલ્લે કાપડ ફૅક્ટરીવાળા, લાખોપતિ બની ગયા. ગનીભાઈની ‘ટેલરિંગ ફર્મ’ સામે તો સર કિલાચંદ દેવચંદની ત્રણ ગાળાની હવેલી. એ મહાજન તો મુંબઈ રહે. બંધ ઘરની દેખરેખ રાખનાર માણસ ખરા. એની હરોળમાં એક ઝવેરી, તેનો જુવાન દીકરો વહોરવાડમાં ઝવેરાત આપવા, ઑર્ડર લેવા જાય, તે અમીન આઝાદનો ખાસ, આશક જેવો. મિત્ર વહોરવાડે જતાં કે પાછા ફરતાં અમીનની દુકાને આવે, બેસે. શાયરીની ગતાગમ નહીં, પણ પેલાને અમીનભાઈ સાથે મયપાન કરવામાં જ મજા આવે. ચા પણ સાથે પીએ. એટલે હું ને અમીન આઝાદ અઠવાડિયે એકવાર તો ગનીભાઈની દુકાને જઈએ. અમીનભાઈ આઝાદને ત્યાં કલાક બેઠકમાં, આપણે દુકાને. એક પ્રોફેસર, એક આજે દવાની ફૅક્ટરીનો કરોડપતિ માલિક, એક દિલેર ઝવેરી. આ મિત્રટોળી ગનીભાઈની દુકાને બેઠક જમાવે. એક દિવસ રાત્રે ખા-ચીજની લારી જાય. તેને રોકી, ખાલી કરાવી અને ‘બધા ઉડાવો’ એવો જલસો! અમીન આઝાદ સુરત છોડી મુંબઈ ગયા, ‘છાયા’ અઠવાડિકના તંત્રી થયા—રહ્યા હું ને ગનીભાઈ. તેમાં પેલી દિલેરટોળીએ મારામાં રહેલી હાસ્યમૂર્તિને સ્વીકારેલી એટલે એમણે બંધારણ વગરનું હાસ્યમંડળ સ્થાપ્યું. અને પડોશના સાવ ભોળા, કુંવારા યુવાન તેલની દુકાનવાળાને તેનો પ્રમુખ બનાવ્યો. અને હઝલની પંક્તિ પર નાનકડા મુશાયરા યોજાય. મુખ્ય પાત્ર હું ને ગનીભાઈ. પ્રમુખને અમે લખી આપીએ. ‘સુરતી મિજાજ’ શું કરે એની બિનસુરતીને કલ્પનાયે ન આવે! પણ કુંવારા પ્રમુખને વિક્ટોરિયામાં બેસાડી, ૧૫મી ઑગસ્ટે સફર કરાવી. તેમના ‘શુભહસ્તે’ ઝંડાવંદન પણ કરાવેલું! અમારા જીવનમાં આવી કેટલીક આડપેદાશો હતી, પણ ગનીભાઈ હેતુલક્ષી હતા હું તો સાવ અલગારી. બીજું વિશ્વયુદ્ધ તો ચાર વર્ષ ચાલ્યું. એ દરમિયાન વિમાનમાંથી જમીન પર કૂદનાર માટે કાચના રેસાના કાપડની છત્રી બની. પૂનાની લશ્કરી છાવણીમાંથી એના ખાસ્સા મોટા પીસ કોઈ કોન્ટ્રાક્ટર લાવ્યો. એક ઝવેરીએ એનો ઝભ્ભો ગનીભાઈ પાસે સિવડાવ્યો અને હું કંઈક છું એવા ભાવે બજારમાં ફરે. ટીખળી મંડળીને થયું કે કંઈક કરવું જોઈએ. પેલો બીજો ઝભ્ભો સિવડાવવા આવ્યો. સિવાયો પણ ખરો. પણ ગનીભાઈએ કુશળતાથી થોડું કપડું બચાવ્યું. ટીખળી મંડળીના એક સભ્ય પાસે પેલું શરીરે વાળ છે કે વીંઝણો એવો સંશય થાય એવું સરસ પાળેલું સોહામણું શ્વેત, ઠીંગણું કૂતરું. બસ, ગનીભાઈએ એ કૂતરાનો સરસ ડ્રેસ માપસર સીવ્યો ને શ્વેત કુરકરિયાને પહેરાવ્યો એવો કે તે પણ કંઈ ઓર લાગે. પેલા કાચકાપડના ઝભ્ભાવાળા ભાઈ બજારમાં આંટો મારે તેની સાથે કૂતરું પાળનાર ભાઈ કૂતરાને રોફભેર દોરતો ચાલે, અમે બે જણ કલાકાર અને દિલેરમંડળી કોઈણ બટ્ટો ઊપડે તો તેને પાર પાડે. આ પણ અમારા જીવનની સુરતી દિલેરીની એક બાજુ હતી. મારે તો માત્ર હળવાશ,પણ ગનીભાઈ તો પોતાના ક્ષેત્રમાં નામી એવી વ્યક્તિઓની મૈત્રીનો આનંદ સિવાય પણ યશવિસ્તાર અને પ્રભાવવિસ્તાર સાધી લેતા. એમનીય દિલેર મંડળી રમૂજ કરે, પણ નિર્દેશ. ઉ. જો કહે છે : ‘કવિને જાણવા એની ભૂમિએ જવું પડે’ ગનીભાઈએ ને છેલ્લે ‘ગુજરાત મિત્ર’માં હઝલ, હાસ્યકટાક્ષ કવિતાની કૉલમ પણ અવસાન સુધી ચલાવેલી. ગનીભાઈ ‘હેતુલક્ષી દૃષ્ટિવાળા. મુંબઈ કટપીસ, કપડું ખરીદવા જાય તો સૈફ પાલનપુરી અને શયદાને મળે જ મળે. સૈફના પિતાની કાપડની દુકાન. સૈફ દિલેર. પહેરો તો મોભાદાર ગૃહસ્થ લાગે એવું, શેરવાનીનું કપડું પણ ભેટ આપેલું. વહોરા સમાજમાં ક્લબનું ખાસ સ્થાન છે. ત્યાં મળે વાતો કરે, બેઠાડુ રમત રમે, કોઈ કળાકાર મિત્ર હોય તો બેઠક પણ રાખે અને મોડું થાય તો ક્લબમાં જ શરીરે લંબાવે. અમીન આઝાદના દીકરાએ મુંબઈમાં ઘર કર્યું ત્યાં સુધી અમીન આઝાદનો એવી ક્લબે જ ‘રેન બસેરા!’ સૈફના મિત્રો અમીન, ગનીના મિત્રો બની ગયેલા. બધા ‘ગજાવાળા’, ‘ગજવેદાર’ ગનીભાઈની દૃષ્ટિવંત કોઈપણ પ્રવૃત્તિ પોતાની ભૂમિકા રચવાની હોય. ગઝલ સામે પણ અહેતુક દૃષ્ટિએ જોયું હોય એવું મને નિખાલસ થઈને કહું તો, લાગ્યું નથી. મહાગુજરાત મંડળના મુશાયરા ઉન્નતભ્રૂને, ઈર્ષ્યા, વિરોધ કરવા ઉશ્કેરે એટલા સફળ અને લોકપ્રિય. સંસ્કારી મધ્યમ વર્ગમાં પણ. મૂળે સુરતી. અમીન આઝાદ પહેલેથી મંત્રી, બીજા વર્ષે હું સહમંત્રી ને અમીન આઝાદ મુંબઈ ગયા પછી હું એકલોઅટૂલો મંત્રી. મંડળના ત્રીજા વર્ષે હોદ્દેદારોની ચૂંટણીવરણી જાહેર મુશાયરાની રાત્રે જ રાખેલી તે પણ મુશાયરાના ઉતારે. ગનીભાઈ દર વખતે સાંજના પાંચેક વાગ્યે જ ઉતારે સૌને મળવા ને બને તો શયદાની સાથે જ હોલ પર જવા આવે, પણ તે દિવસે સવારના દસથી ઉતારે આવેલા અને મહેમાન શાયરોને ચા-નાસ્તો આપે. અમારા પર બધી બાજુની જવાબદારી, ઉતારા પર ઓછું અને બહારના કામ પર વધારે ધ્યાન આપવાનું બન્યું. હું તો બપોરે, રાત્રે ઘરે જ લૂસ લૂસ જમી ઉતારે પાછો ફરતો. મુશાયરો સારો ગયો. બધાથી પરવાર્યા પછી મંડળના હોદ્દેદારોની વિરણીનું કામ ‘બેકારે’ હાથ ધર્યું. પ્રમુખ તો એ જ. પછી શયદાએ મહામંત્રી તરીકે ગનીભાઈનું નામ સૂચવ્યું. અમારા કાર્યમાં કશો વાંધોવચકો કોઈ કાઢી શકે નહીં. અમીન આઝાદની લોકપ્રિયતા તો સુરત ખાતે મંડળની જમાપૂંજી હતી, અને હું તો માત્ર વૈતરો હતો. બધા વિચારમાં પડી ગયા. શયદા તો મંડળના માત્ર મહેમાન પણ સમ્રાટનું કહેવુ કોણ ટાળે! ગનીભાઈ મંત્રી અને એમનો જુવાન મિત્ર મહેન્દ્ર ‘અચલ’ સહમંત્રી બની ગયા. બાકીના હોદ્દેદારો તો, હતા તે જ રહ્યા. પ્રથમ વાર મંડળ કોઈ ને કોઈ કારણે તે વર્ષે છાપે ચઢ્યું. મંત્રીની હેસિયતે ગનીભાઈએ એવો વગવિસ્તાર કર્યો કે એમનો ગઝલસંગ્રહ પ્રગટ થવો જોઈએ. એક સરકારી વડા મહેન્દ્ર ‘અચલ’ના નાનપણના મિત્ર. થેલી માટે ઉઘરાણું ચાલ્યું અને ગનીભાઈને જાહેરમાં થેલી આપવા માટે મુશાયરો યોજાયો. અમે તો સમજવા છતાં સહજતાથી સ્વીકારી લીધું. મુશાયરો યોજાયો, ગઝલ સંગ્રહ માટે થેલીય અર્પણ થઈ. સંગ્રહની પ્રેસકોપી તો મારે જ કરવાની હતી, પણ એ વખતે સાવ સહજપણે મેં કહ્યું કે સંગ્રહ પ્રગટ કરવાનું લંબાવો અને થઈ શકે તો બીજી ગઝલો કે જે કંઈ રચી શકો તે રચો. તમારો સંગ્રહ ગઝલના નવા દોરનો પ્રથમ હશે, ચારે તરફ ગુજરાતી સાહિત્માં સાહિત્યિક સ્તરે, સાહિત્યકારોના સ્તરે ગઝલ પ્રત્યે અણગમો અને તુચ્છભાવનું વાતાવરણ છે. એમણે ખરેખર એકધારી મથામણ કરી, કેટલીક નવી, સારી ગઝલો લખી. છ માસ સુધી અમે દરરોજ ચાર ચાર કલાક ચર્ચા કરતા. ઘણી વાતે સહમત થતા. એમણે ‘ભિખારણ” ગીત લખ્યું તે જોતાં જ મેં કહ્યું, હવે તો સંગ્રહ પ્રેસમાં આપી શકાય. નવેસરથી પ્રેસકૉપી કરી. એમણે તાપીતટે માંડવીમાં થોડા દિવસ રહેલા ઉ. જો. પર પ્રસ્તાવના માટે મોકલી આપી અને સુરતમાં કનુ મુનશીની સાહિત્ય પરિષદના સમાન્તરે પ્રગટેલા લેખકમિલનનો કાર્યક્રમ યોજાયો તેમાં ભાગ લેવા ઉ. જો. હસ્તપ્રત અને પ્રસ્તાવના લઈ આવેલા. હું ને ગનીભાઈ મળ્યા. ઉ. જો.એ પ્રસન્નતા વ્યક્ત કરી. પ્રસ્તાવના ને પ્રેસકૉપી આપતાં પૂછયું, ‘પ્રેસકોપી કોણે કરી છે? ગનીભાઈએ મારી તરફ ઇશારો કર્યો. ઉ. જો. મારી સામે જોઈ રહ્યા. મેં એમને કહ્યું કે અક્ષર થડકાય છે ત્યાં મેં ખોડાનાં ચિહ્ન કર્યાં છે તે કાઢી નાખવા ગનીભાઈ કહે છે, તે સાથે ઉ. જો.ની મુખમુદ્રા બદલાઈ. ગનીભાઈને કહ્યું: ‘બધું છે તેમ જ રાખવાનું’ ગનીભાઈએ હકારમાં માથું નમાવ્યું. ઉ. જો. એ બીજા દિવસે મને પૂછેલું: ‘પ્રસ્તાવના કેવી લાગી?” મેં નમ્રપણે, આભારદર્શક પ્રસન્નતા વ્યક્ત કરી. સંગ્રહનું ‘ગાતાં ઝરણાં’ નામકરણ પણ મારું અને ગાંડિવમાં એ છપાઈને પૂર્ણ થઈ ત્યાં સુધીની પ્રૂફ, ગોઠવણીની કામગીરી મારે જ કરવાની રહી. ગઝલમાત્ર મંચની, સાંભળવાની કવિતા નથી, તમે પુસ્તકમાં છાપેલા સ્વરૂપે પણ માણી શકો એવી કવિતા છે. એ પુરવાર થાય એ જ મારો આશય હતો, તે સિદ્ધ થયો. ઘાયલનો ‘રંગ’ ગઝલસંગ્રહ એ જ અરસામાં પ્રગટ થયેલો. ‘રંગ’ અને ‘ગાતાં ઝરણાં’ સંગ્રહ બંને સમાન્તરે આવ્યા તે પછી મારો ‘ડમરો અને તુલસી’ ઉ. જો. જેને ‘નવી ગઝલ’ કહે છે – તેનો સ્વીકારનો પાયો આ ત્રણ ગઝલસંગ્રહ છે. મારી કરુણતા એ રહી કે સંજોગવશાત્ બીજાઓના સંગ્રહો માટે જીવ રેડનારના પોતાના સંગ્રહ તેની સંપૂર્ણ ગેરહાજરીમાં બારોબાર છપાયા ને પ્રગટ થયા ત્યારે આંતરિક ઉદાસીનતાએ જોયા. સામાન્યપણે બીજી આવૃત્તિ વખતે પહેલી આવૃત્તિમાં કર્તાનું નિવેદન જેમનું તેમ રહે છે, પણ પહેલી આવૃત્તિમાં મારો સામાન્ય ઉલ્લેખ ‘ગાતાં ઝરણાં’ની બીજી આવૃત્તિમાંથી નીકળી ગયેલો જોયો. દર વર્ષે મંડળ યોજાયેલા મુશાયરાની કવિતાનો સંગ્રહ પ્રગટ કરે, તે ગનીભાઈના મંત્રીપદના વર્ષનો એવો સંગ્રહ ઉદાસ કરે એવો ઢંગધડા વગરનો હતો... તો એ પણ નિખાલસપણે કહું છું કે દિવસ આખો પાવરલૂમ્સ પર, ઘોંઘાટમાં જાય અને મધરાત સુધી ગજા વગરની પાગલ માથાઝીંકને કારણે મને ક્રોનિક હેડેક અને અનિદ્રા મળ્યાં. એક માસ સુરત સિવિલ હૉસ્પિટલના ઉપચારેય કશો સુધારો ન થયો ત્યારે સિવિલના ડૉક્ટરે મુંબઈની કે. ઈ. એમ. હૉસ્પિટલમાં દાખલ કરવા કેસની વિગત સાથે ભલામણપત્ર લખી આપ્યો. ગનીભાઈ પોતાનું ગાડીભાડું પોતે ખર્ચી મને સેન્ટ્રલ મારા એક મિત્રને સ્ટેશને સોંપી વળતી ટ્રેને પાછા ફરી ગયા. કે. ઈ. એમ.માં ત્રણ મહિના પછી હતાં એ જ હેડેક અને એ જ અનિદ્રા સાથે આપઘાતના વિચાર સાથે પાછો ફર્યો ને અનાયાસ નવી દિશા શરૂ થઈ. ‘બહાર’ માસિકનું સંપાદન, તે છ અંકે બંધ પડ્યે બેકાર… એ જ આપઘાતના વિચાર, પણ ઘાયલ પાસે જવાનું થયું, એણે ગિરનારના જંગલમાં જવાનો માર્ગ કર્યો ને ત્યાં વિના ઉપચારે ધીરે ધીરે ખબર ન પડે એ રીતે હેડેક ને અનિદ્રા છએક માસમાં ગયાં…. ગનીભાઈના પ્રથમ સંગ્રહ સાથે હું હતો, બીજો સંગ્રહ હરિહર પુસ્તકાલયે ઠાઠથી મોટી સાઈઝમાં પ્રગટ કર્યો ત્યારે હું હરિહર પુસ્તકાલયમાં નોકરીએ હતો ને સાહિત્યિક પ્રકાશનોની જવાબદારી મારી હતી. ત્રીજા સંગ્રહની કૃતિનો ક્રમ આદિ પણ તેઓ ઘરે આવતા ને અમે ગોઠવતા. મુંબઈના પ્રકાશકને ઘરે લઈ આવ્યા. મારા આગ્રહની વાત એ વેપારી પ્રકાશકને કંઈ ઠીક ન લાગી. ગનીભાઈ જયંત કોઠારી જેવા પ્રેસથી માંડી સાહિત્યપદાર્થ અને પુસ્તકના સ્વરૂપ સુધીના આગ્રહી પારંગત. તે એમની પ્રસ્તાવના સાથે સરસરૂપે પ્રગટ થયો ને છેલ્લા સંગ્રહના ચાર ફરમા રદ કરી, મને કહે, ‘શરૂથી તમે જુઓ’ બે ફરમા છપાઈને આવ્યા ત્યારે એમણે પ્રથમ જેવી જ પ્રસન્નતા પ્રગટ કરી, પણ એ માંદા પડ્યા અને અણધાર્યા ગુજરી ગયા. છેલ્લું પ્રકાશન એ જોઈ શક્યા નહીં. એક વખતે હરીન્દ્ર દવે ગુ. મિત્રમાં આવ્યા. મળ્યા. વાતો ચાલી. મેં એમને છપાયેલા બધા ફરમા આપી તેમને પ્રસ્તાવના માટે વિનંતી ને આગ્રહ કર્યાં. એ કહે, ‘તમે અહીં શું ઓછા છો? મનમાં બોલ્યો કે તમે મરમી સાથે પ્રતિષ્ઠિત પણ છો. એ આ સંગ્રહને મળે તો સારું જ હોય. એ પુસ્તકમાં ‘અનિલે’ પ્રૂફ જોયાં છે’ એટલો ઉલ્લેખ છે પણ હરીન્દ્રભાઈએ પ્રસ્તાવના જ માસ નામોલ્લેખ સાથે શરૂ કરી છે! ‘પ્યારા બાપુ’ ના સંપાદનને કારણે મારી છાપ ‘ગાંધીવાદી’ તરીકે પડી. મેઘાણીના દીકરા મહેન્દ્ર જંગલમાં, સંસ્થાની મુલાકાતે આવેલા. મને જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું ‘શાયર અને આ જોગીવાસમાં!’ માણસને તેના પર ચીટકેલાં લૅબલો ઉખેડીને કોણ જુએ ! સુરત સુધરાઈ ગાંધીજયંતી સપ્તાહ ઊજવે. બધા કાર્યક્રમો પરંપરિત તેમાં ઓફિસરો, સુધરાઈ સભ્યોની બહુમતી, બીજી હાજરી નહીં જેવી. એમણે મારા પ્રમુખ ગાંધીકાવ્યોનું સંમેલન જાહેર બાગમાં રાખ્યું. આખો કાર્યક્રમ સરળ અને શ્રોતાઓની હાજરી પણ ઘણી. યોજકોએ કહ્યું, ‘આજ એક કાર્યક્રમ સરસ રહ્યો. આવો બીજો કાર્યક્રમ યોજી શકાય?’ મેં કહ્યું કે ગુજરાતના નામી કવિઓનો કાર્યક્રમ રાખો તો સફળ થવા સાથે એ ખ્યાત પણ થશે. એમણે તરત સંમતિ દર્શાવી. આ વાત થઈ કવિસંમેલન સ્થળે ગનીભાઈ બીજા દિવસે સુધરાઈમાં પહોંચ્યા. અને આખા કવિસંમેલનની પોતાની યોજના, કવિઓની પસંદગી સહિતની યોજના કહી તે મંજૂર થઈ, પણ એક શરત કરાવી કે એમાં એકે સ્થાનિક કવિ નહીં બોલે! તેય મંજૂર. મને જાણ થઈ. મને કંઈ નવાઈ ન થઈ. એ સંમેલનમાં હું ગયો જ નહીં. બીજા દિવસે જાણ્યું કે એમાં ગનીભાઈ કવિતા બોલેલા. ભગવતીભાઈ કહે તમારે બોલવું જાઈએ, પણ માત્ર હસ્યો. સુરેશ જોષી પણ કાવ્યસંમેલનમાં આવેલા ને હું એમને મળ્યોય નહીં એનું એમને ભારે આશ્ચર્ય થયેલું. વ્યક્તયે કરેલું — પણ હું શું કહું? મદ્રાસ (ચેન્નાઈ)માં સાહિત્ય પરિષદના સંમેલનના મુશાયરાનાં ત્રણ આમંત્રણ ગનીભાઈ કે ભગવતીભાઈ પાસે એકસાથે પહોંચ્યાં. મને જાણ કરી, પણ બંને કન્સેશનની રેલવે ટિકિટ લઈ આવ્યા. વજુભાઈ ટાંક કહે, મારે ત્યાં ચાલતી વાત પરથી લાગે છે કે તમે સાથે હો એવી એમની રુચિ લાગતી નથી. અને બંને તમે આવવાના કે કેમ? એવું પૂછ્યા વિના ઊપડી ગયા હા, હું સુરતમાં જ છું એવું ટેલિફોન કરી જાણી—મારી હાજરીમાં જ ટેલિફોન આવેલો! મારી કન્સેશનની ટિકિટનો લાભ મુંબઈના જ કોઈને મળ્યો? મુંબઈ ને બીજે રેલવેમાં સાથે, ઉતારા સુધી સાથે પછી ગુમ, તે સ્ટેજ પર દેખાય, પણ પ્રમુખ કે સંચાલકની પાછળ! ઠેઠ ઉતારે જ મળે! મોટે ભાગે સ્વેચ્છાએ હું જ એકલો પાછો ફરું. માંડ ઊગતી યુવાન વયે મેં દયાનંદ સરસ્વતીનુ સત્યાર્થ પ્રકાશ વાંચેલું. ત્યારથી મારા કોઈ પ્રયત્ન વિના અજાણ્યે જ મારા મર્યાદિત જ્ઞાનની દિશા પ્રતિપ્રશ્નની દિશા બની ગયેલી અત્યારે, ભૂતકાળ પર નજર નાખું છું ત્યારે દેખાય છે. ૧૯૪૨માં જેલવાસમાં મોટા નેતાઓને પણ ઊભા થઈ પ્રશ્ન કરવાની અસભ્યતા અનાયાસ આવેલી જોઈને વિસ્મય પામતો, પણ ત્યાં ક્યાં જાહેર જીવન હતું? બધા સરખા અને બંધનમાં એટલે જ મુક્ત. પણ ‘સત્યાર્થ પ્રકાશ’ના સંસ્કારે તો અજાણ્યે મને બેધડક પ્રશ્નો કરતો કરી મૂકેલો. આજે જોઉં છું. કોઈ પ્રયત્ન અને હેસિયતનો વિચાર કર્યા વિના પ્રશ્ન કરી બેઠો હોઉં એવો. સુરતમાં સાહિત્ય વર્તુળ ચાલે. સાહિત્યકારો જ મુખ્યત્વે હોય એટલે સારા સ્તરે ચર્ચા ચાલે. મારે બોલવાનું ઘણુંખરું તો બીજી વાત કરી, પણ મને ગનીભાઈની એક ગઝલ વાંચતાં ઘણા પ્રશ્નો થયેલા તે પર તત્કાળ લખેલું. તેના બેત્રણ મુદ્દા પર થોડું બોલ્યો તે ચર્ચાસ્પદ જેવું. જ્યોતિષ જાનીએ એ કાગળો વાંચવા માટે માગ્યા, વાંચ્યા પછી સુરેશ જોષી પર મોકલી આપ્યા! ત્યારે બધા જ સુ. જો. નું સામયિક ઘરના ખૂણે જુએ, વાંચે. સુ. જો.એ પોતાને સાવ અજાણ્યા આ માણસનો લેખ એમના સામયિકમાં છાપ્યો. ગનીભાઈની ગઝલ રે મઠના કોઈ સંપાદન સંગ્રહમાં પ્રગટ થયેલી અને રે મઠ તો ત્યારે જાહેર ઍક્શન પોઝિશનમાં હતો. મને ખબર નહીં એવું કદાચ સુ. જો.ને બતાવી આપવા થયું, રે મઠ ઍક્શન સહિત બનતાં સુધી મુઠ્ઠી ઉગામીને જ બોલે. પ્રસંગે મારા એ લેખના પ્રત્યાઘાત અજાણ્યે પણ અનાયાસ પ્રસંગે પ્રસંગે જાણવા તેમ જોવા મળ્યા, પણ... એ તો નાનાને મહત્વ આપીને મહત્વ ઘટાડવાની વિચિત્ર ક્રીડા. પણ હસવા સાથે ઉદાસ થવા જેવો એક પ્રસંગ લખું? ગુજરાત સરકારે અમદાવાદના ટાગોરહૉલમાં મુશાયરો યોજેલો. ગનીભાઈ વચ્ચે, એક બાજુ આદિલ મન્સૂરી, બીજી બાજુએ ચિનુ મોદી. મને બોલવા ઊભો કર્યો અને હું માઇક પર શરૂઆત કરું છું ને સાથે આદિલ અને ચીનુએ ઊભડક ઊંચા થઈ ઊંચા અવાજે શોરબકોર કરી મૂક્યો, વાંધો તો સાવ ઉપજાવેલો જ હોય —હું તો માત્ર ગઝલ બોલવાની શરૂઆત કરતો હતો. સંચાલકે એમને ન રોક્યા એટલે બોલ્યા વિના પાછો ફરી કશા જ પ્રત્યાઘાત વિના બેસી ગયો. બીજા દોરમાં સંચાલકે મને માઇક પર આમંત્ર્યો અને જેવો બોલવાનું શરૂ કરું ત્યારે એ જ પેલો પૂર્વાનુભવ – પૂર્વનિર્ણીત કાર્યક્રમ તો પાર પાડવાનો જ હોય! ફરી બોલ્યા વિના પાછો ફરી બેસી ગયો. ગનીભાઈને કદાચ સંતાષ થયો હશે. પછીનાં વર્ષોમાં છેવટ સુધી સંબંધ રહ્યો તે એમના છેલ્લા ગઝલસંગ્રહ સુધી તેમાં અજાણતાંય કોઈ ક્ષતિ ન આવે એવી અનાયાસ વૃત્તિ અને વર્તાવ મારા તરફથી રહ્યાં. એમની સફળતાનો તટસ્થ મૂંગો નિરીક્ષક રહ્યો. અમીન આઝાદ મુંબઈ ગયા, છેવટે હું ગિરનાર ગયો ત્યારે એ એકલા ન પડ્યા. એ રાષ્ટ્રીય નાટ્યકળા કેન્દ્રમાં ભળ્યા અને ખાસ્સું મિત્રમંડળ, પ્રશંસક મિત્રો અને ખાસ તો નાટ્ય અને સાહિત્યનું તેય રોજિંદું વાતાવરણ મળી ગયું. તેમાં આવતા નાટયકારો, કલાકારો, સાહિત્યકારોનો ભર્યો ભર્યો રોજિંદો સંસર્ગ મળ્યો. એમને આર્થિક બાજુની ચિંતાનો ભાર તો પુત્ર કમાતો થયો અને પોતે પ્રાપ્ત કર્યું હતું એટલે રહ્યો નહોતો. જૂનાગઢથી સુરત આવ્યો ત્યારે મને પણ એ મંડળમાં લીધેલો, પણ હું અલગ, એકલો જ રહ્યો. કોઈ કારણ વિના, બસ, આંતરવૃત્તિ એવી. ગનીભાઈના પાછલા જીવનનો આનંદ નાટયકાર વજુભાઈ ટાંકને ત્યાં સાંજ પછી દરરોજ ભરાતા દરબારની રોજિંદી હાજરીમાં હતો. ગનીચાચા, ગનીચાચા સાંભળીને એમને પરિતોષ તો થાય. એ દરમ્યાન એમણે નહીં પ્રગટ થયેલા નાટક કે ગીતસ્પર્ધામાં ગવાય એવાં ગીતો, પ્રાચીન-અર્વાચીન ગરબાસ્પર્ધામાં ગવાય એવી રચનાયે કરેલી જાણી છે. એ સૌના સંસ્કાર એ ગાળાની એમની ગઝલોમાં સૂક્ષ્મ નજરે જોતાં જણાય. મહાગુજરાત ગઝલ મંડળમાં વાસ્તવમાં તેઓ પોતે જ પોતાની કોઈ આંતરિક સ્પૃહાના પ્રેર્યા સૌમાં દેખાવે ભળતા દેખાય છતાં એકલા જ રહ્યા…અહીં એમના બરોબરિયા અને ચઢિયાતા પણ હતા. અને શાસ્ત્રીય, સૂક્ષ્મ, તીખી ચર્ચામાં તો એ ઊતરી શકે નહીં, પણ વજુભાઈના દરબારમાં વજુભાઈ સિંહાસને ખરા, પણ એમના વડપણને સ્વીકાર્યા પછી એમની છાયામાં ક્રીડાકલ્લોલ, મસ્તી, મહેફિલ અને એ માહોલમાં એમણે ‘જશ્ને-શહાદત’ નાટક રચ્યું. એ મોગલાઇના અસ્ત સમયનું હતું. ગનીભાઈ પાસે ખૂટતાં કામો જાણકાર મિત્રો પાસે કરાવી લેવાની કળા હતી. એ નાટક સ્ટેજ પર ભજવાયું તે મેં જૂનાગઢથી આવી એમની પાસે થિયેટરમાં બેસી નીરખેલું. ગનીભાઈએ ઉર્દૂ ગઝલ પણ લખવા માંડેલી અને સ્થાનિક બુઝુર્ગ ઉર્દૂ કવિને ઉસ્તાદ બનાવેલા. એ વખતે વહેંચાયેલી મીઠાઈનો ‘પ્રસાદ’ ખાનાર હું પણ હતો, પણ એમણે જોઈ લીધું કે અહીં વિસ્તર્યે જતું વર્તુળ નથી અને એમાં કેન્દ્રસ્થાને પહોંચવા ન પહોંચવાનું મહત્વ નથી એટલે સહેજ પ્રવેશીને એ નાના ડાયરાની બહાર નીકળી ગયેલા. ‘જશ્ને-શહાદત’માં આવતી ઉર્દૂ ગઝલ તો એમની જ હોય એ સ્વાભાવિક હતું. જુવાની વીત્યા પછી ખાસ્સાં વર્ષો પછી ગઝલ લખનારમાં જીવનના અનુભવની, જેમાં રસ હોય એ કસબ, કારીગરી અને કળામાં પારંગતતા અને પોતાની વૈયક્તિક ઊંચાઈ જેટલી પરિપક્વતા હોય, નછોરવાપણાની એક અલ્લડ ઊડતી લટ જેવી, વૃક્ષટોચે ફરકતી નમણી ફૂંદગીની કોમળ નિર્દોષતા, ઘેરાતા, દોરાતા અને પોતે જ વિસ્તરીને વિખેરાઈ જતાં જળવર્તુળની મનમોજી લીલાનું કાવ્ય અંગતપણે મને તો આકર્ષે છે, સ્પર્શે છે. કંડારાયેલાં શિલ્પો જોઈ રહું છું પણ નાના શિશુમાં જે મનમોજી લીલાની ગતિ છે, તે જે દૃશ્યો, આકારો સર્જે છે, ગીતાનો ઉપદેશ બહાર રહી જાય છે અને કનૈયાની લીલાનાં કલ્પનાદૃશ્યો નિરાકાર આકાશમાં જોવાની અજબ અનાયાસપણે ઊગી તે જ મારો દૃષ્ટિન્યાય છે. ઋષિ નહીં શિકારી નહીં છતાં આરવક એવા મારા જીવને સ્પર્શે છે તે સભ્યતા, સંસ્કૃતિ અને શાસ્ત્રોની બહારનું છે - એ સ્વન્યાય. સામાજિક ન્યાય ના બેસી ન શકે એને ઠોકી બેસાડાય તો નહીં જ. છતાં એ મારા મને અસામાજિક નથી હોતી. મને ગોઠવી બેસાડેલી સ્વસ્થતા, તે મૂર્તિ હોય તોપણ તેને જોઈ રહું તોપણ એક આદિમ પરિબળ મને પ્રગટ કરે કે ખુલ્લો પાડે તેનો ક્ષોભ કે ભય અનાયાસ જ મારામાં રહેતો નથી, કોઈપણ મહાયુદ્ધ કરતાં વધારે મને માણસની ભુખ છે. પણ એ ભૂખ કોઈ કોઈ વાર કોઈ કોઈ વ્યક્તિ, પ્રવૃત્તિ, કૃતિ દ્વારા પ્રાપ્ત થઈ એ ક્ષણો જ જીવન બાકીનો સમય માત્ર વામણી રેતશીશી છે. આ ન તો ગૃહીત છે, સંકલ્પ કે વળગણ છે, એ અંગભૂત પણ નહીં, જીવાનુભૂત હોવાની બહારથી અલગ રહીને જોતાં નિરીક્ષક જેવા મને લાગે છે. ન તો એમાં એસિડ ટેસ્ટની જલદ માત્ર નિર્જીવ પદાર્થને તાગવાની કહેવાતી વૈજ્ઞાનિકતા છે. વ્યક્તિ પરીક્ષણ નહીં, નિરીક્ષણ પ્રતીતિ બની જે કોઈ અક્ષર પડાવે તે પાડું એ મારી અવશતા અને આ ન્યાય-અન્યાયથી પર છે. ‘ગુજરાત મિત્ર’ની ઓફિસમાં બેઠો છું. ત્રણેક મિનિટે પગલાં પહોંચે એટલા અંતરે આવેલા આંખના ક્લિનિકમાં હવે બેત્રણ દિવસમાં છૂટ્ટી મળશેની જાણકારી ને ફોન આવે છે: ગનીભાઈ વિદેહ… ટેબલ પર કલમ પટકીને દોડું છું અને ગનીભાઈના નિર્જીવ દેહને બસ સ્તબ્ધ નજરે જોઈ રહું છું.
સ્વજન સુધી
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી…
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકનાં મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લઈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી! કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના! ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકના છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી,
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ જીવન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
લાગણીવશ હૃદય
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય લાગણીવશ હૃદય,
છે મને રાત દિ’ એક તારો જ ભય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
જોતજોતામાં થઈ જાય તારું દહન, વાતવાતોમાં થઈ જાય અશ્રુવહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
કોઈ દુ:ખિયાનું દુ:ખ જોઈ ડૂબી જવું, હોય સૌંદર્ય સામે તો કહેવું જ શું!
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
એ ખરું છે કે દુ:ખ મુજથી સહેવાય ના, એય સાચું તને કાંઈ કહેવાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય? લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે!
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
મારી પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન ઉદ્ધતાઈ ન કર,
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
એક વાતાવરણ સર્જીએ હરપળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુ:ખનાં જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય.
ખોટ વર્તાયા કરે
જો અડગ રહેવાનો નિશ્ચય, ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા! મારાથી એ બનશે નહીં,
જીવતા મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઊંચું જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
વિશ્વસર્જક! ઘાટને ઘડતરની આ અવળી ક્રિયા
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે.
આપણે હે જીવ! કાંઠા સમ જશું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે.
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે
▭