સફરના સાથી/સૈયદ સાબિરઅલી ‘સાબિર'
‘બેકાર’ની પ્રાથમિક શિક્ષણની શાળાઓના ડિપોર્ટી, નિરીક્ષક તરીકેની બદલી અમદાવાદમાં થઈ. રાંદેરમાં મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળના સમયથી વટવાના સંત સૂફી જેવા સાબિરઅલી ‘સાબિર’ સાથે એમને સંબંધ એટલે અમદાવાદ પાસેના વટવામાં આવેલા સાબિરસાહેબને ત્યાં જ — બીજે બદલી થઈ ત્યાં સુધી રહ્યા. એ દરમ્યાન ખુદ અમદાવાદ અને જિલ્લાના કસબામાં મુશાયરા થયા. વિનમ્ર એવા સાબિર પણ મંચ પર આવતા થયા અને ગઝલ ક્યારેક લખતા તે વાતાવરણના પ્રભાવે કે એની અનુભૂતિમાં ગઝલો લખતા ગયા, એટલું જ નહીં, કેટલાક જુવાનો પણ શાયરીના પ્રભાવમાં આવ્યા અને ‘સાબિર’સાહેબનું એક શિષ્યમંડળ શરૂ થયું. સાબિર ખેતી કરે, પણ અનાજની નહીં ગુલાબોની. છેલ્લે તો અમદાવાદમાં એમણે ગુલાબોના વિતરણની દુકાન કાઢેલી. બેકાર એટલે ધ્વનિઓ નહીં, ધડાકા. સાબિર એટલે મર્માળુ હાસ્ય. વિદ્વાન ખરા, પણ વિદ્યાનું પ્રદર્શન નહીં, ગોપન, પણ પ્રસંગ આવે શાંત, પણ દૃઢ પ્રતીતિના સાદે અવશ્ય બોલે. વટવા ખાતેનું ધર્મસ્થાન એમની વ્યવસ્થામાં હતું. ઉરૂઝનો અભ્યાસ એ વિષય પર બોલી, ચર્ચા કરી શકે એવો, પણ એ મેદાનમાં ન ઊતરે. બોલવાનું આવે ત્યારે શાંત સ્વરે અવશ્ય બોલે. એક પ્રસંગ સાંભરે છે. અમદાવાદમાં મુશાયરો, પણ અમદાવાદ પહોંચતાં પહેલાં અમારો પડાવ વટવામાં સાબિરસાહેબને ત્યાં. બીજાં શું જમ્યા તે મને યાદ નથી, પણ એમણે મને એમની ફૂલવાડીમાંથી મેળવેલું શુદ્ધ મધ અને રોટલો આપ્યાં હતાં. રશિયનો મધ અને રોટલાના પ્રતીક સાથે મહેમાનોને સત્કારે અને પોતે બીજા ગામે જાય તો તેમનોય મધ, રોટલાથી જ સત્કાર થાય એ પરંપરા મને સાંભર્યા વિના રહેતી નથી. સાબિરસાહેબ ‘વત્સલ બુઝુર્ગ’ હતા. ગુજરાતભરમાં થતા મુશાયરા વખતે ઉતારે તો એ સાથે હોય જ. ઉતારો કાવાઘર જ બની રહે. ગઝલ ઉરૂજની ચર્ચાનો, કોઈવાર અખાડો બની જાય ત્યારે સાબિરનો શાંત, ધીમો સાદ પણ એમાં ભળે. એમનો ગઝલ અને ગઝલશાસ્ત્રનો અભ્યાસ બોલકો નહોતો. વિદ્વાન શાયરોમાં નસીમ ખૂબ જ શાલીન, સુભદ્ર, ભાષા પણ ગુજરાતી વિદ્વાન જેવી, પરભાષાના ભેગ વગરની, સંજ્ઞા, પરિભાષા અનિવાર્ય બને ત્યારે મૂળ શાસ્ત્રીય ભાષાનો શબ્દ આવે. સાબિર વિદ્વાન ખરા, એમની ભાષા સરળ ગુજરાતી. બીજા શાયરો એમની સાથે ઉર્દૂમાં બોલે ત્યારે એ ગુજરાતીમાં વાત કરતા જાય. બંને ખૂબ વિવેકી, ઊછળતા છોકરા એમને ‘જુવાન’ લાગે. જે જુએ સાંભળે તે છોકરવાદ ન સમજવા જેટલા દૃષ્ટિવાન. નસીમભાઈ મુશાયરામાં ભાગ્યે જ ભાગ લેતા. એટલે એમનો પરિચય પત્રો દ્વારા, કોઈવાર મુંબઈની નાની મિજલસમાં અને મુંબઈમાં ત્રણ ત્રણ માસ કે. ઈ. એમ. હૉસ્પિટલમાં. ત્યાં તો મિત્રોનાં જૂથો હતાં પણ જે બે મળવા આવ્યા તે એક અમીન આઝાદ, બીજા નસીમભાઈ — કેરી લઈ આવેલા. આંખ સામે તાજાં થતાં આવી સરખામણી અનાયાસ થઈ જાય છે. સાબિર રાંદેર બેકારને મળવા જાય ત્યારે અમીનની દુકાને સુરત આવે—ત્યાં એકસાથે ઘણા જુવાન મિત્રોને મળવાની એમની ધારણા સાચી પડે. એ બુઝુર્ગ ‘વત્સલ’ હતા. બ્રાહ્મણોમાં શુક્લ તેમ તેઓ મુસ્લિમોમાં સૈયદ હતા.
સાબિરચાચાને જોઉં ત્યારે મીરાંના શબ્દો સાંભરે: ‘બાગ લગાશું. નિત ઊઠ દર્શન પાશું.’ એમની સાથે મેં ગઝલચર્ચા ઓછી, ગુલાબ, પુષ્પોના ઉછેર વિશે વધારે વાતો કરી હતી. એમની પાસે દૃષ્ટિ, પરીક્ષણ અને જાતઅનુભવ હતાં. ગુલાબને હાથમાં લેનાર મોગલ શહેનશાહ તો મળ્યા, પણ સાબિર જેવા કવિ, વત્સલ ઉછેરનાર નહીં મળ્યા હોય. ઉમાશંકર તો સંખ્યાબંધ મુશાયરાના પ્રમુખ થયા, અરે, સદ્દગત વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ અમદાવાદમાં પ્રાર્થનાસમાજ હૉલમાં બપોરે રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતાં જે પંડિતની કોટિનું પ્રવચન કરતાં ગઝલ અને મુશાયરા પર વજપ્રહાર કર્યો એ જ રાતે ઉમાશંકર જોશીના પ્રમુખપદે પ્રેમાભાઈ હૉલમાં મુશાયરો, તેમાં અમદાવાદના બધા જ જાણીતા કવિઓએ ભાગ લીધો એનું પ્રસન્નકર સંચાલન કરેલું. અમને તો બીજી સવારે અખબારો જોયાં ત્યારે ગઝલ અને ગઝલકારો પર શું વરસ્યું તેની જાણ થઈ. ઉમાશંકરભાઈની ભદ્રિક નાગરતાએ રાત્રીના મુશાયરામાં એનો અણસાર પણ આવવા ન દીધો. એમની નજીક કોઈ શાયર હોય તો તે સાબિરઅલી ‘સાબિર’, તેઓ વારંવાર પોતે ઊછરેલાં ગુલાબ લઈને એમને મળવા જતા! સાહિત્યિક ગોષ્ઠિ કરતા. ઉમાશંકરભાઈ પણ વટવા ગયેલા. અને એમણેય જીવનની સંધ્યાએ બરાબર મિત્રધર્મ બજાવ્યો. સાબિર તો હતા નહીં. ઉમાશંકરભાઈએ સાબિરની ગઝલો મેળવી. પ્રસ્તાવના લખી પ્રકાશન માટે ગુજરાતી સાહિત્ય પરિષદને આપી, તે સંગ્રહ ‘ધ્રૂજતી પ્યાલી’ નામે પ્રગટ થયો! સાબિરના સમયમાં એકમાત્ર ઉદયમાન શાયર શેખાદમ આબુવાલા એમનો વિદ્યાર્થી હોવાથી નજીક હતો. ઉમાશંકરભાઈના પ્રમુખપદે યોજાયેલા એક મુશાયરા વખતે સાબિરે પ્રેમાભાઈ હૉલના મંચને ગુલાબોની ઝાલરથી શણગાર્યો હતો. સાબિર અને નસીમ એવા શાયર છે, જેમની ગઝલો મંચ પરથી બોલાતી સાંભળવા કરતાં એકાંતે નરવા ચિત્તે વાંચવા જેવી. એમના સ્વભાવ વર્તન-વ્યવહારમાં જે ભદ્રિકતા હતી, અધિકારી હોવા છતાં વિવાદમાંય ધીમા સાદે બોલવાનું જે ધૈર્ય હતું —એમનું એ ચરિત્ર એમની રચનાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. કે. કા. શાસ્ત્રીએ ઉરૂઝ વિશે લખ્યું ત્યારે ઉરૂઝ વિશેના જ્ઞાનની નમ્રતા સાથે સાબિરસાહેબે એની શાંત ચર્ચા કરી હતી. ગઝલ વિશેની જાગૃતિ શાંત, ઉત્તેજનાવિહીન હતી. જાહેર મુશાયરાનો દોર દસેક વર્ષ સુધી તો એકધારો ચાલ્યો. ભરૂચ પાસેના એક ગામે મોટા મેળા જેવો, ખુલ્લા મેદાનમાં એમના પ્રમુખપદે મુશાયરો યોજાયેલો એ દૃશ્ય આંખ સામે તર્યા કરે છે. ગાલ્લાં જોડીને આવેલા શ્રોતાઓએ મધરાતે મુશાયરો પૂરો કરવાની જાહેરાત થઈ ત્યારે આગ્રહ કર્યો કે પરોઢિયા સુધી ચલાવો, અમે અત્યારે પાછા નહીં ફરીએ. આમેય સાબિરસાહેબ સૈયદ. તે દિવસે મેં એમને ખરેખરા ગંભીર સ્વરૂપમાં જોયા. એ ખાટલે એકલા બેઠેલા અને બાકી સૌ જમીન પર ભક્તિભાવે બેઠેલા. આદર વ્યક્ત કરે. પ્રશ્નો કરે. ટૂંકો ભાવભર્યો પ્રતિસાદ મળે. એ દૃશ્ય આખો દિવસ, મુશાયરાના સ્થાને જવા રાત્રે તેઓ ઊઠ્યા ત્યાં સુધી રહ્યું :
સંધ્યા શું સૂરજને પરણી?
કાયા કાં છે કંકુવરણી?
આ શેરની ભાષા જુઓ :
ઉચ્ચ ગગન પર રણક્યાં ઝાંઝર,
નાચી ઊઠી આખી ધરણી.
આકાશના તારામંડળ કે સુરગંગાના તેજમાં સ્નાન કરતાં, ખેતરમાં બેસી લખાયેલો આ શેર છે. સ્થળપ્રેમનો ભાવ નથી. ખેડૂત—માળીને તો ખેતર-વાડીનું રખોપું કરવું પડે. એવું જાગરણ સાબિર જેવાને કવિતા પણ આપે. સ્થૂળ પ્રેમ વિશે એ સંશય વ્યક્ત કર્યા વિના રહી શકતા નથી :
રૂપ થયું છે દૃષ્ટિ આગળ,
પાછળ પાછળ હોય ન મૃગજળ!
એવું જાગરણ એમની પાસે આવું જાગરણ લખાવે છે :
દિન પણ નમતું મૂકી ચાલ્યો,
કાળી કાળી રાતો આગળ.
આ કલ્પના અને આરોપણને સહજ માનીએ. કાળો કામળો અભિવ્યક્તિનું પ્રતીક છે. મીરાં કાળો કામળો ઓઢવાની વાત કરે છે, કોઈ ડાઘ ન લાગે એ માટે. એમાં જાતને ઓગાળી નાખવાનો ભાવ છે. સાબિર અંધકારમાં ઓગળવાની વાત આ રીતે કરે છે.
ઘોર તિમિરમાં ચાલો ‘સાબિર’
પડછાયો ના આવે પાછળ.
શું અમારા સમયની ગઝલ, કેવળ લોકપ્રિયતા પાછળ ગઈ હતી? સાબિરસાહેબની જીવનદૃષ્ટિને સમજવા એમની “દિલનું રૂપક’, ગઝલનો અભ્યાસ કરવા જેવો છે. ગઝલ પ્રત્યેક કડીએ સ્વતંત્ર છે છતાં એક જ ભાવ જુદી જુદી વાતે કેવું સાતત્ય સાધી શકે તેનું એ ઉદાહરણ છે. ફૂલવાડી ઉછેરનાર એ કવિ એ ગઝલના મક્તામાં કહે છે:
દિલનું એક રૂપક બનાવી વિશ્વને દેખાડવા,
ફૂલની ઉપર મહાપર્વત અમે રાખી રહ્યા.
▭
ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલે. આબુ પર્વત નજીકની સરહદના ગામે ગુજરાત સરકાર તરફથી મુશાયરો યોજાયો હતો. વિશાળ મેદની અંધકારમાં બેઠી હતી. માત્ર મંચ પર આછો પ્રકાશ અને કવિતા વાંચી શકે એટલું જ અજવાળું. મેઘાણી એના પ્રમુખ હોવા જોઈતા હતા, પણ તેઓ તો વિદેહ, પણ પ્રત્યેક કવિએ દેશપ્રેમની તાજી રચના જુસ્સામાં વ્યક્ત કરી. હું બેઠો, તો પીતાંબર પટેલ કહે, જાણે ચાલી રહેલા યુદ્ધની ભૂમિમાં આપણે છીએ. કવિતામાં વીરરસ હતો, બારોટબાજી કે ભાટાઈ નહોતી. બીજે દિવસે બધા પાછા ફરવા રેલવેસ્ટેશને ગયા. મને તો નજીક જ આબુ છે તો જઈએ. ટિકિટ કઢાવવા ગયા તો કહેવામાં આવ્યું કે, પોલીસ પાસેથી રજા લઈ આવો. ગનીભાઈએ મને વાર્યો, પણ રૂપે સાવ મૌલાના જેવા લાગતા સાબિર પોલીસથાણે બધી પૂછપરછના જવાબો આપી, અમે તો ખુદ સરકારે યોજેલા મુશાયરામાં ભાગ લેવા આવેલા શાયર છીએ એવી પ્રતીતિ કરાવી પોલીસચિઠ્ઠી લઈ આવી, ટિકિટ કઢાવી આબુ જવા ઊપડ્યા. કેવા હતા એ અદ્દ્ભૂત દિવસો અને બુઝુર્ગ સાથીઓ...
દિલનું રૂપક
વાસનામાં પણ ખચિત રંગત અમે રાખી રહ્યા.
પીઠામાં રહી પ્રાર્થનાની લત અમે રાખી રહ્યા.
રૂપ જગજાહેર થતાં ‘અંગત’ અમે રાખી રહ્યા
‘સ્થૂળ સાથે પણ સનાતન સત’ અમે રાખી રહ્યા.
મેઘલી રાતોના સોગંદ ઝૂંપડી ભીંજાઈ ગઈ,
જળપ્રલય પામીને પણ ધરપત અમે રાખી રહ્યા,
કલ્પના નિવૃત્તિ લઈ લે તો સરળતા થૈ જશે,
એકસાથે સેંકડો મૂરત અમે રાખી રહ્યા.
તેમની દૃષ્ટિને કહી દો, આ તમાશો ના કરે,
એકસાથે બેઉની ઈજ્જત અમે રાખી રહ્યા.
દિલનું રૂપક બનાવી વિશ્વને દેખાડવા,
ફૂલની ઉપર અમે મહાપર્વત રાખી રહ્યા.
ખાતાવહી
આંખડી સાકીની ફરતી જાય છે,
મસ્તને મસ્તીઓ વરતી જાય છે.
લાલ ચરણોમાં પડી છે એટલે,
ગાલો પર સુરખી પ્રસરતી જાય છે.
શિર ઉપર આકાશ તો ફરતું રહ્યું,
પગ તળેથી ધરતી ફરતી જાય છે.
એક મારું નથી, ફરતું નથી,
આખી દુનિયા મુજથી ફરતી જાય છે.
રંગ પાલવમાં ભરી સંધ્યા વહી,
કાલિમાઓ પણ નિખરતી જાય છે.
છેલ્લી ઘડીઓ પાસે આવી લાગી છે,
જિંદગી, તું ક્યાં ઊભરતી જાય છે?
હાથ હૈયા પર ધરી બોલો તમે,
વાત હૈયામાં ઊતરતી જાય છે.
આંસુઓનું મૂલ્ય પશ્ચાત્તાપ, ના!
ખાતાવહી ‘સાબિર’ સુધરતી જાય છે.
▭