સફરના સાથી/‘આસિમ' રાંદેરી

‘આસિમ’ રાંદેરી

નરસિંહરાવ દિવેટિયા તો એમની અનેકવિધ સાહિત્યસેવાને કારણે સાહિત્યજગતમાં જાણીતા, પણ ‘દયામય, મંગલ મંદિર ખોલો’ એ પ્રાર્થનાગીતથી જ હજી નિશાળના વિદ્યાર્થીઓ, આજની બાળપેઢી પણ એમને જાણે છે, એ પ્રાર્થનાનો અંશ એમને એક અંગ્રેજી કવિતામાં મળેલો એટલું જ, બાકી સંપૂર્ણ ગુજરાતી રચના એમની. તો ઝવેરચંદ મેઘાણીને ‘કોઈનો લાડકવાયો’ કવિતાની પ્રેરણા એક અંગ્રેજી કવિતામાંથી મળેલી, પણ એ ભાવદેહે, શબ્દદેહે સંપૂર્ણ મેઘાણીની છે. ઉપલા ઉદાહરણની બંને ગેયકવિતા આજે પણ જાણીતી છે. એવું ત્રીજું ઉદાહરણ છે આસિમ રાંદેરીના ‘આંધળી છોકરી’ કાવ્યનું. એની પ્રેરણાનું મૂળ બીજી ભાષાની કવિતામાં હતું, પણ એમાંનું ભાવબિન્દુ એમના હૃદયમાં એવું તો વસ્યું કે આ ગઝલકારે ‘આંધળી છોકરી’ કાવ્ય લખ્યું. ‘આસિમે’ પ્રત્યેક શેર સ્વતંત્ર એવી ગઝલથી ઠેઠ ૧૯૩૨ રાંદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળના મુશાયરાથી શરૂઆત કરેલી, પણ એમને સ્ટાંઝાવાળી ગીતકોટિની સળંગ રચનાઓ જ સહજસાધ્ય અને તે માટે ‘લીલા’ નામનું પાત્ર મળતાં વિવિધ ભાવસ્થિતિની સૌથી વધારે રચના કરી છે એ જોતાં એક જ વિષયની એવી રચના એમને અનુકૂળ અને સહજસાધ્ય હતી. એક કવિસંમેલન યોજાયું હતું. તેના પ્રમુખ આચાર્ય આનંદશંકર ધ્રુવ હતા. યુવાન આસિમ રાંદેરીએ કોઈ ગઝલ નહીં, એમને પ્રિય હોઈ મુસદ્દસ નહીં અને પંચપદી ‘આંધળી છોકરી’ કાવ્યનું એમને સહજ એવી પ્રભાવી રજૂઆત સાથે પઠન કર્યું. પ્રમુખ આચાર્ય આનંદશંકર ધ્રુવને એ કાવ્ય તો શું, એમાં રહેલી અંધ બાળાની આરત એટલી સ્પર્શી ગઈ કે આસિમે કાવ્ય પૂર્ણ કર્યું ત્યારે આચાર્યે એમને ફરીવાર આખું કાવ્યપઠન કરાવ્યું, અને એ કાવ્ય એમના સાહિત્ય માસિક ‘વસંત’માં પ્રગટ કર્યું. કોઈ ગુજરાતી શાયરને ‘વસંત’ માસિકમાં પ્રથમ સ્થાન મળ્યું હોય તો ‘આસિમ’ રાંદેરીને. એ કાવ્યનો ભાવ એવો છે કે મેં આ જગત, ચાંદ-સિતારા તો ભલે જોયા નથી, પણ મને જેની પ્રાણદાયી મમતા મળી છે. એમને સ્પર્શી શકું છુ. પણ અકથ્ય ઉત્કંઠા એ કે મારી માનું મુખડું જોઈ લઉં. ગુજરાતી પાઠયપુસ્તકોમાં પણ ચિત્ર સહિત એ કાવ્યને સ્થાન મળ્યું.

અમારા સમયના ચાર જ બુઝુર્ગ શાયર હવે હવાત છે. તેમાં સૌથી મોટા ૯૦ વર્ષનું આયુષ્ય વટાવી ગયેલા આસિમ રાંદેરી, અમૃત ઘાયલ, રૂસ્વા મઝલૂમી અને હું. રાંદેરના હાજી શેખ ઈમામ કુટુંબમાં ૧૯૦૪, બીજી ડિસેમ્બરે જન્મેલા મહેમૂદમિયાં તે જ ‘આસિમ’ શતાબ્દી ઊજવવાની નજીક જઈ રહ્યા છે. વિદ્યાર્થીકાળે ફારસી શિક્ષકના માર્ગદર્શને ઉર્દૂમાં ગઝલ લખવાની શરૂઆત કરેલી, પણ એમની ઊર્મિને માર્ગ મળ્યો ગુજરાતી શાયરીમાં. શાળામાં હસ્તલિખિત સામયિક શરૂ કરનાર ‘સાદિક’ અને ‘લીલા’ માસિકના તંત્રી પણ રહે છે. સફરી ખાનદાનના આ શાલીન માણસને પિતાના અવસાનને કારણે મૅટ્રિક સુધીના અભ્યાસ પછી પેઢીને સંભાળવા ઇસ્ટ આફ્રિકા નૈરોબી જવું પડયું ન હોત તો એમ.એ.સુધી પહોંચ્યા હોત. જોકે ગયા ત્યાં પણ તેમણે હસ્તલિખિત માસિક શરૂ કરેલું. મોમ્બાસાથી પ્રગટ થતા ‘કેન્યા ડેઈલી મેલ’ના તંત્રીમંડળમાં જોડાયેલા. ૧૯૩૨માં રાંદેર પાછા ફર્યા ત્યારે મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળ શરૂ થયું તેમાં જોડાયા અને તેણે મુશાયરાઓમાં વંચાયેલી ગઝલોના જે પાંચેક સંગ્રહો પ્રગટ કર્યા છે તેમાં આરંભકાળની ગઝલોમાં પણ જુદા તરી આવે છે અને એ જ રંગદર્શી શાયર પછી સતત વિકસતો રહેલો દેખાય છે. મૂળ કુટુંબ તો હજીયે રાંદેર રહે છે. પણ તેઓ ૧૯૩૬માં મુંબઈ જઈ વસ્યા પછી એમના લેખન સાથે મુશાયરાની પ્રવૃત્તિમાં પણ યોજક અને પ્રેરક રહે છે. મુંબઈમાં બે ગઝલમંડળ સ્થપાયાં, મુશાયરાપ્રવૃત્તિને જયોતીન્દ્ર હ. દવે, બાદરાયણ જેવા સાહિત્યકારોનો સાથ લઈ વેગ આપ્યો એમાં આસિમભાઈના સ્વયંભૂ શાલીન સ્વભાવ, મૈત્રીપૂર્ણ વર્તાવ અને સુયોગ્ય વ્યવસ્થાશક્તિએ મહત્વનો ભાગ ભજવ્યાનું જોઈ શકાય છે. આમ તો એ ગઝલપ્રેમીઓમાં એમનાં રંગદર્શી લીલાકાવ્યો અને ગઝલોથી સુપરિચિત થઈ જ ચૂક્યા હતા અને શાળા, કૉલેજ, અન્ય સંસ્થાઓમાંયે વ્યક્તિગત એક શાયર બરાબર એક મુશાયરો એવી સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા હતા. આ એક જ એવા ગુજરાતી શાયર છે, જે સંખ્યાબંધ દેશોમાં, ત્યાં વસતા ગુજરાતી સમાજમાં ગઝલ - સળંગ વિષયનાં કાવ્યો ત્યાં ગુજરાતી ભાષાથી અલ્પપરિચિત શ્રોતાઓના હૃદય સુધી પહોંચી શક્યા છે. એક તો એમનું શાલીન વ્યક્તિત્વ અને પ્રભાવ તથા શ્રોતા સુધી સહજપણે પહોંચતી રજૂઆત અને રંગદર્શી શાયરી ભારત બહાર વસતા ગુજરાતીઓ સુધી પહોંચી શકે એ એમની સફળતા. એમના ‘લીલા’ સંગ્રહની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે. સારી ગઝલ સારી રજૂઆતે ગઝલશ્રોતાઓ સુધી પહોંચી શકે છે, પણ સળંગ કાવ્યો રસભર હોય તો શ્રોતાઓને વર્ણનસહિત સળંગ એવી વાતરસ, વાર્તારસ પણ મળે એ પણ એમની મંચ પર મળતી સફળતાનાં કારણો કહી શકાય. એમણે ગઝલો કરતાં સળંગ વિષયનાં કાવ્યો જ વધારે લખ્યાં છે અને તેઓ વાત માંડીને અંત સુધ રસ જાળવી છેવટ સુધી પહોંચે છે તે દરમ્યાન શ્રોતાઓનો રસ અને આતુરતા પણ વિસ્તરતાં રહે છે. ટીવી પહેલાંનો યુગ ગ્રામોફોન અને રંગભૂમિનો હતો. હિઝ માસ્ટર્સ વોઇસે એમની ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ગીતોની રેકર્ડ પણ બહાર પાડી હતી તો કોઈ કોઈ નાટકમાં ગીત પણ આપ્યાં હતાં, પણ એ લોકપ્રિયતાએ પણ એમને શાહી અને મોભાદાર જ રાખ્યા એ ખાનદાની ગુણ જ કહી શકાય. ગુલાબદાસ બ્રોકરથી માંડી ઉમાશંકર જોશી એમને ‘ભાઈ’ અને અમે એમને ‘ભાઈજાન’ કહીએ એ એમના મૈત્રીપૂર્ણ શાલીન વ્યવહારનું જ સૂચક હોય. મુંબઈ ગયા પછી એક યુરોપીય કંપનીના ચીફ સેલ્સ ઓફિસર તરીકે જોડાયા અને નિવૃત્ત થયા ત્યાં સુધી એ પદે રહ્યા એ નિમિત્તે અખબારો, મોટાં છાપખાનાં તેમ બીજી સંસ્થાઓ સાથે સંપર્ક અને દેશભરમાં મહત્વનાં શહેરોમાં પ્રવાસ કરવા, સંપર્ક સાધવાની મોભાદાર તક પણ મળી. એ કદી સામાન્યતામાં સરે નહીં. તાળીઓના ગડગડાટ કે ‘દુબારા’ના પોકારો વખતે એ શાંત ઠાવકા પ્રભાવપૂર્ણ રહે, ઊભરાય નહીં. રંગદર્શી કાવ્યો અને તેના સહજ સ્પર્શને કારણે એમને મુશાયરામાં સફળતા મળે એમ કહેવું અપૂરતું છે. એમનાં મોભાદાર ગાંભીર્ય, શાલીનતા પણ કારણભૂત સમજું છું. બહારગામ મુશાયરો યોજાયો હોય, બધા શાયરો સમૂહઉતારે હોય, પણ આ આસિમભાઈ અને સાથે બદરી કાચવાળા હોય તો તેઓ સારી હોટલમાં પોતાના અલગ રૂમમાં જ રહે. મિત્રોને અને તેય મિજાજી શાયરોને સાચવવા એ પણ એમના સ્વભાવનો એક વિશેષ ગુણ અલગારી, શાયર તરીકે તો સાગરનાં મોજાં નહીં તો કિનારે પછડાતી છોળ જેવા ઘાયલ મુંબઈમાં આઈ.એન.ટી. જેવી સંસ્થાએ મુશાયરો યોજ્યો હોય, સારા ઉતારાની વ્યવસ્થા કરી હોય તોયે એ સ્ટેશનેથી સીધા આસિમના નિવાસે પહોંચે અને મુશાયરાના સમયે જ મંચ પર પહોંચે. સાત વર્ષ ‘લીલા’ માસિક ચલાવ્યું તે દરમ્યાન શૂન્ય પાલનપુરીને પણ એમની મૈત્રીનો સંબંધ અને મૈત્રીભાવ મળ્યો. મરીઝ તો સાવ અલગારી. પોતાના આસિમ સાથેના સારા અનુભવો કહેવાને જીવતા નથી, હોય તો આસિમભાઈની મૈત્રી વિશે ઘણું કહી શકે. એક પ્રસંગ સાંભરે છે. ડ્યૂટી અવર પૂરો થયો હતો. સાંજના છ પછીનો સમય. ‘ગુજરાત મિત્ર’ના તંત્રીમંડળનો હું એક જ સિલકમાં હતો અને સંકેલવાની તૈયારીમાં હતો. ત્યાં તંત્રીની કેબિનનું દ્વાર ખૂલ્યું. ઍરકન્ડિશનરે ફેલાવેલી થોડી ઠંડી બહાર આવે તે સાથે એક સૂટેડબૂટેડ માણસ બહાર આવ્યો. મારી નજર તો ટેબલ પર રહી જતી કોઈ ચીજ પર હતી. કૅબિન પાછળ બહાર આવેલો માણસ મારી પાસે આવ્યો. ઓહ આ તો આસિમભાઈ! એમણે ઔપચારિક વાત કરવાને બદલે બહાર નીકળો છો ને? મેં હા પાડી. શિયાળાની એ ઠંડી સાંજ હતી. મારા શરીરે માત્ર ખાદીનો પાયજામો અને કફની. અમે બંને બહાર નીકળ્યા. કંઈ ખાસ વાત થયાનું સાંભરતું નથી. મને કહે, જરા મારી સાથે ચાલો. શેરી વટાવો એટલે બજાર શરૂ થાય. રસ્તો ઓળંગી અમે સામે ગયા. એક કાપડના સ્ટોરમાં એ ગયા એટલે હું દોરાયો. એમણે વૂલન કાપડ જોવા માગ્યું, પણ કફનીના બરનું. મને આશ્ચર્ય થયું. પસંદ કરી કફનીના માપનું ફડાવી પૅકેટ બંધાવ્યું. અમે બહાર આવ્યા. ‘હું તો રાંદેર જાઉં છું, તમે ઘરે જવાના હશો’ એટલું કહી મને પૅકેટ આપી કહે : કફની સિવડાવી લેજો..… બસ, અમે છૂટા પડ્યા. ઓળખ ખરી, પણ એમનુંયે ગઝલમંડળ અને હું ગઝલમંડળનો મંત્રી. બંને જુદાં શહેરમાં રહીએ. ત્યારે ઘરોબો નહીં, પણ એ દૂરથી જોનારા અને કોણ શું છે, શું કામ કરે છે એ જોવા જેટલાય સજાગ અને ઉપલી ઘટના કહે છે કે એટલા જ સહૃદયી. એકવાર એ ઘરે આવેલા. મને તો ‘અહો!’ થાય જ, પણ હું તો બોઘો. એમનો ગઝલસંગ્રહ છપાવાનો હતો. મેં માત્ર આનંદ વ્યક્ત કર્યો, પણ આ બોઘો કઈ સાનમાં સમજે ખબરઅંતર પૂછી ચાલ્યા ગયા. એ તો પ્રવાસી એટલે સંગ્રહના પ્રેસનું કામ મને સોંપવા ઇચ્છતા હશે એની કલ્પના તો સંગ્રહ પ્રગટ થયો ત્યારે આવી. હવે તો દૂરતા ભારત, અમેરિકા જેટલી છે છતાં નજીક છીએ. રાંદેર આવે ત્યારે એમની ખાનદાની જબાનમાં કહું તો ‘મારું ગરીબખાનું પાવન કરે.’ મારે માટે માણસ પહેલો પછી તેનું કામ અને ખાનદાની ઉછેરના અભાવે લાગે તે બોલી નાખવા જેટલો મોંફાટ, આમેય ટોળા વચ્ચે ચર્ચા ચાલતી હોય તો મારું આખું મોઢું અને હૃદય સંપૂર્ણ ખૂલે. કોનો શું સામાજિક દરજ્જો—એ બાજુએ. હું અરૂઢ અને ભ. હ. શર્માના મારા વિષેના છપાયેલા શબ્દાભિપ્રાય અનુસાર વ્યવહારુ નહીં અને આ લખ્યું તે પણ અરૂઢ હોવા વિશે સભાન છું.

આપણે ગઝલ ગઝલ કરીએ છીએ. તે ઈરાનથી આવી એમ પણ કહીએ છીએ ત્યારે એટલો વિચાર આવવો જોઈએ કે કોઈપણ ભાષામાં કોઈ એક કાવ્યપ્રકાર ભલે લોકપ્રિય હોય, પરંતુ બીજા અનેક કાવ્યપ્રકારો હોય. ફિટ્રઝિરાલ્ડનો ખૈયામની રુભાઈનો અનુવાદ થયો ત્યારે નજીકના ઈરાનને બદલે દૂરના બ્રિટન તરફ વિવેચકો અને સર્જકોની નજર ગઈ તે પણ મોસમી કોઈએ રુબાઈનાં સ્વરૂપ, છંદો પર ધ્યાન આપ્યું નહીં કરનારાઓએ ઝડપભેર અનુવાદ કર્યા અને બહાર પાડ્યા! ગુજરાતમાં માત્ર ગઝલ જ કેમ જાણીતી થઈ? સૉનેટની જેમ એ કાવ્યપ્રકાર ગુજરાતીમાં નહોતો એટલે. વાસ્તવમાં જેટલા કાવ્યપ્રકારો ગુજરાતીમાં છે એટલા જ ફારસી કવિતામાં વધારામાં માત્ર ગઝલ. તે આપણે અપનાવી ગુજરાતીમાં સ્ટાંઝા સ્વરૂપનું ગીત છે, તો ફારસીમાં ત્રિપદીથી માંડી શત્પદી સુધીના સ્ટાંઝાના ગીતસ્વરૂપો છે. ગીત અને એ સ્વરૂપમાં ફેર એટલો કે ગીતના લયો વિવિધ હોય છે, છંદ નહીં તો દેશી ઢાળ, પણ પંચપદી કે શત્પદી લખાય ગઝલ માટેના જ છંદોમાં એટલો તફાવત! ગુજરાતીમાં ગીતો હતાં એટલે ઈરાની કવિતાના મુખમ્મસ, મુસદ્દસ પ્રચલિત થઈ નહીં, પણ કલાપીએ જેમ શોભનાને પાત્ર બનાવેલું તેમ આસિમભાઈએ ‘લીલા’ને કાવ્યપાત્ર બનાવ્યું. જ્યોતીન્દ્ર દવેએ ‘લીલા’ સંગ્રહની પહેલી કવિતાથી માંડી છેલ્લી કવિતા વિશે એક સળંગ વાત કરતા હોય એવો, ક્રમિક વિકાસનો પ્રવેશક લખ્યો છે તે દવે પંડિત સાથે વિલક્ષણ મર્મજ્ઞ. એટલે એ પ્રવેશક પણ અરૂઢ – પણ વાચકને માટે ઉદાહરણો સહિત શરૂથી તે અંત સુધીના પ્રવાસ જેવો. આસિમભાઈએ સરખામણીમાં ગઝલ ઓછી લખી છે પણ બસો પાના સુધી આ ગીત કોટિના સ્ટાંઝાવાળાં સળંગ વિષયનાં કાવ્યો જ છે. અને તેમની વિશેષ ખ્યાતિ ‘લીલા’ કાવ્યો માટે જ છે. મેં આમેય પ્રેમવિષયક—ગઝલો લખી જ નથી, પણ એકાદ એવી ગઝલ લખ્યા પછી એ વિષય સમાપ્ત પણ ઉર્દૂના ‘જિગર’ હુસ્ન-ઇશ્કના કવિ. એક જ પાત્રમાંથી એ પ્યાલા ભર્યે જાય છતાં પાત્ર છલોછલ. કોઈ રઢ, લગની, કવિ ઉચિત પાગલપન અને એ જ પૂર્ણ છતાં અપૂર્ણની તરસ એ વિના એવું શી રીતે બને? સ્ટાંઝાવાળી ગીતકોટિની એકધારી રચના ગુજરાતીમાં આસિમભાઈ અને મૂળ ભાવનગરના પણ કરાંચી જઈ વસેલા મરહૂમ ‘સાલિક પોપટિયા’એ જ કરી છે. બંને માટે પ્રેમ વિરહ જ મુખ્ય વિષય રહ્યા છે. ઉર્દૂમાં જેને ખુરસ્સા એટલે કે સંપૂર્ણ ગઝલ એક જ વિષયમાં આગળ વધી સમાપ્ત થતી ઘૂંટાયેલી ગઝલ વિરલ જ હોવાની શેર શેરે જુદા ભાવ એમાં એક શેર એવો નીપજે કે તે હાંસિલે—ગઝલ કહેવાય. ગઝલની પ્રાપ્તિ તે એ શેર. આમ તો ગઝલના તમામ છંદો સુગેય છે, છતાં પંચપદી કે શતપદીની રચનામાં વાતની માંડણી થાય છે, અને કુશળ કવિ વાતને, ભાવને આગળ વધારતો જાય અને છેલ્લા સ્ટાંઝાએ પરાકાષ્ઠાએ પહોંચાડે આ કળા આસિમભાઈને સાધ્ય છે. વળી એક જ પાત્ર અને પ્રેમનો વિષય અને આસિમભાઈની રજૂઆતની કળાને કારણે એ શ્રોતાઓમાં સુપ્રિય રહ્યા છે. વાચકોમાં પણ એક સળંગસૂત્રતા સ્વાભાવિકપણે કવિની એક પૂર્ણ મુદ્રા રચે છે એટલે આસિમ એટલે ‘લીલા’ના કવિ એમની એવી છાપ શરૂથી તે આજ સુધી રહી છે. ‘લીલા’ સંગ્રહ આ લખું છું તેના ચારેક દિવસ પહેલાં એક વિદ્યાર્થી મારી પાસેથી લઈ ગયો. એની તૈયારી તો આખા સંગ્રહની ઝેરોક્સ નકલ કરાવી લેવા સુધીની પણ મેં આપી દીધો. ઇન્ટરનેટ પર એમની જાણીતી કૃતિ કંકોતરી આવે છે તેના પરથી તેણે લીલા કાવ્યોની શોધ કરી. એક તો સરળ સહજ ભાષામાં રસળતી રજૂઆત અને પરાકાષ્ઠાએ પહોંચતો અંત રસિકતામાં, પણ સામાન્યતામાં સરી ન પડતી કથનકળા ઉલ્લેખપાત્ર ખરી જ. પ્રિયાનાં લગ્નની કંકોતરી આવે છે અને કવિ બોલી ઊઠે છે :

કંકોતરીથી એટલું પુરવાર થાય છે.
નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે.

આ પંક્તિ તો કહેવતરૂપ બની છે. લોકો મૃત્યુટાણે ભેગા થાય છે ત્યારે ‘મરીઝ’ કહે છે.

દુનિયાના લોકો કેવા સમજદાર હોય છે!

એનો પ્રાણ ‘સમજદાર’ શબ્દમાં છે તેમ ‘આસિમ’ની પંક્તિમાં ‘વ્યવહાર’ શબ્દ પ્રાણ બની જાય છે — અને બંનેમાં હૃદયને સ્પર્શી જતો કરુણ અને ન વીસરાય એવો ‘વ્યવહાર’નો કટાક્ષ પ્રગટ થાય છે. બંને શબ્દો શબ્દકોશના અર્થને આંતરીને વિશિષ્ટ અર્થઘટન-સાથે-પ્રગટ કરે છે. આસિમ એક પ્રેમકાવ્યમાં ‘વરસ ચોવીસમું હું લાવું ક્યાંથી’ એ શબ્દો તો પ્રૌઢ શ્રોતા વાચકોના હૃદયોદ્ગાર બની જાય છે. એમનો એક ગઝલસંગ્રહ ‘લીલા’ની સંવર્ધિત ત્રીજી આવૃત્તિ અને નવો સંગ્રહ ‘તાપી—તીરે’ પ્રગટ થવામાં છે. છેલ્લા સંગ્રહના નામ પરથી રહી જતી વાત સાંભરી. લીલા કાવ્યો એ રાંદેરના તાપીકાંઠે જન્મેલા, ઊછરેલા, આસિમભાઈએ લીલા કાવ્યોમાં તાપીનો કિનારો, બાગ અને કૉલેજને સ્મરણીય બનાવ્યાં તે સાથે સુરત શહેરનો એક ગઝલમાં એ પોતે આશ્ચર્ય વ્યક્ત કરવા સાથે ભાવકના આ આશ્ચર્યને વધારે પ્રદીપ્ત કરતાં કહે છે:

‘આસિમની ગઝલોમાં આવે છે, તાપીનો કિનારો શા માટે?

એમના પરિચિત જાણીતા પત્રકારે તો એમની પ્રભાવી શાલીનતા સંબંધો અને વાર્તાલાપમાં એમની જે છબિ રચાય છે તે જોઈને લખ્યું છે. ‘આસિમ’ એમ્બેસેડર કેમ ન થયા!’ એમ્બેસેડર થયા હોત તો તેઓ મેદની વચ્ચે લીલા-કાવ્યો કહી શક્યા ન હોત! હવે નિવૃત્ત વિમાનચાલક-પુત્ર સાથે અમેરિકા રહે છે પણ ઉત્કટ ઇચ્છા છે તાપીકાંઠેના ખાનદાની ઘરમાં રહેવાની.

મને યાદ તો કર્યો!

અણકથ્ય દાસ્તાને મને યાદ તો કર્યો.
વિધિએ પાને પાને મને યાદ તો કર્યો.

મૃત્યુ તણા બહાને મને યાદ તો કર્યો,
ઈશ્વરે છાને છાને મને યાદ તો કર્યો.

આવ્યા સ્વજન કબર પરે ફૂલહાર લઈને,
એ ખાકના બિછાને, મને યાદ તો કર્યો.

એમાં ભલે કટાક્ષ કે નિંદાભરી હો વાત,
પણ એમની જબાને મને યાદ તો કર્યો.

ઘાયલ જો દિલ થયું તો થયું, એનો શો વિવાદ?
વેધક તીરે, કમાને, મને યાદ તો કર્યો!

તીરછી નજર હો એની કે તાણેલ હો ભવાં
એ તીર ને કમાને, મને યાદ તો કર્યો!

અર્પી વિરહની રાત, સિતારાની રોશની,
ઘેરબેઠાં આસમાને મને યાદ તો કર્યો!

ક્ષણ વાર મારા પ્રેમનો એને થયો વિચાર,
ક્ષણ વાર એકધ્યાને, મને યાદ તો કર્યો!

સુરતમાં આજ લીલાએ નિજ વર્ષગાંઠ પર,
સખીઓને, સગાંને, મને યાદ તો કર્યો.

‘આસિમ’ ભલે ન બીજે, પણ આ કાવ્યક્ષેત્રમાં,
દુનિયાએ મારા સ્થાને મને યાદ તો કર્યો!

રસ્તો

હું દિશા ભૂલ્યો છતાં પડખે રહ્યો છે રસ્તો,
તારા ઘરનો બહુ મુશ્કિલથી મળ્યો છે રસ્તો.

કંટકો મારા પગે, પુષ્પ છે એના કરમાં,
કેવી સીમાએ મને મૂકી ગયો છે રસ્તો!

શહેરના સર્વ વળાંકોએ બતાવી એ દિશા,
 એના ઘરનો મને ત્યારે મળ્યો છે રસ્તો!

કોણ એ પુષ્પનો શણગાર સજી અહીંથી ગયું?
કેમ આ ચારે તરફ મહેકી રહ્યો છે રસ્તો!

કોની એ યાદના દીવાઓ પ્રગટ્યા નયને?
આ તિમિર-રાતે કાં ઝગમગતો થયો છે રસ્તો?

કેમ આંખોથી ના ચૂમીને કરું એને નમન?
એ જ તો એના ઘરે દોરી ગયો છે રસ્તો!

આવો, ખેંચકાઓ નહીં, ઠેસ કદી નહિ લાગે,
મારા ઘરનો તો બહુ સ્વચ્છ રહ્યો છે રસ્તો.

એની શેરીમાં છતાં પૂર્ણ સફર થૈ ન શકી,
ચાલનારાને તો આકાશે મળ્યો છે રસ્તો!

મૌન એને, મને એકાંત ગમે છે આજે,
બેઉનો આમ મહોબ્બતમાં જુદો છે રસ્તો!

આજ તો ‘લીલા!” હવે ચાલતાં સામે જઈએ,
જોને ત્યાં તાપીમાં રેતીનો થયો છે રસ્તો!

સત્ય છે શાયરી-દુનિયામાં તમારી ‘આસિમ’
 છે જુદી ચાલ બધાથી ને જુદો છે રસ્તો.

પાલવ મળે

હું નથી કહેતો કે સાકી, રસસભર આસવ મળે,
મારે મન અમૃત છે, તારા હાથથી જો દવ મળે.

ભીની ભીની સાંજનો મંજુલ મધુર પગરવ મળે,
એ જ તાપી, એ જ લીલા સહ પ્રણય ઉત્સવ મળે.

ઓઢણીના સૌ સિતારા રાતને ઉજ્જવળ કરે,
ને દુઆગો હાથને તુજ મહેકતો પાલવ મળે.

વીજળી પણ જાય થંભી, સાંભળી આકાશમાં,
મારા માળાને જો મારા પંખીનો કલરવ મળે.

તું જો છે તો છે બધું, ને જો નથી તો કંઈ નથી,
શૂન્યતાને તુજ થકી અસ્તિત્વનો વૈભવ મળે!

રાતદિન શોધું છું આ ખુશ્બો ભરેલા શહેરમાં,
એ પીરોજી રંગનો, ખોવાયેલો પાલવ મળે.

એ જ દૃષ્ટિએ થતું લીલા ને ‘આસિમ’નું મિલન,
રાધાને માધવ અને સીતાજીને રાઘવ મળે!