સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/નળાખ્યાન – પ્રેમાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિભાગ ૩ ગ્રંથવિવેચન
૯. ‘નળાખ્યાન’

‘નળાખ્યાન’ પ્રેમાનંદના આખ્યાનસમૂહમાં નિઃશંક પ્રથમ હરોળનું અને લગભગ સર્વસંમતિથી તેનું શ્રેષ્ઠ સર્જન ગણાયેલું આખ્યાન છે. પ્રેમાનંદે એનું નામ ‘રણયજ્ઞ’, ‘મામેરું’, ‘ઓખાહરણ’ વગેરે આખ્યાનોની માફક એના કેન્દ્રવર્તી પ્રસંગ પરથી ન રાખતાં પોતાનાં ‘ચંદ્રહાસ-આખ્યાન’, ‘સુદામાચરિત્ર’ આદિ આખ્યાનોની અને ભાલણ, નાકર આદિનાં નળાખ્યાનોની માફક આખ્યાનના નાયક નામ પરથી પાડ્યું છે. કદાચ મહાભારતીય નલોપાખ્યાન નામ જ આ બધાને માર્ગદર્શક બન્યું હોય. દ્યૂતમાં રાજપાટ હારી ચાર ભાઈઓ અને દ્રૌપદી સાથે વનવાસ વેઠતા સંતપ્તચિત્ત યુધિષ્ઠિરના સાન્ત્વનાર્થે બૃહદશ્વ ઋષિએ નળરાજાને માથે પડેલાં એમનાથી ઘણાં વસમાં વીતકોની જે પુરાણકથા તેને કહી સંભળાવી તે આ આખ્યાનનો વિષય છે નળરાજાની એ કથા આ દેશમાં જમાનાઓથી ખૂબ લોકપ્રિય અને લોકપ્રચલિત હોવાનું નૈષધીય ચરિતથી નલાયન જેવાં કથાકાવ્યો, નલચંપૂ જેવી ચંપૂરચનાઓ તથા નલચરિત અને નલવિલાસ જેવાં નાટકોના સંસ્કૃત સાહિત્ય ઉપરથી, તેમ જ મધ્યકાલીન ગુજરાતનાં સંખ્યાબંધ જૈન સાધુ-કવિઓનાં નળદમયંતી (કેટલીક જૈન રચનાઓમાં ‘દવદંતી’) પરનાં ‘રાસ’ નામક કથાકાવ્યોથી અને ભાલણ, નાકર, વિષ્ણુદાસ, વૈકુંઠ આદિ જૈનેતર કવિઓનાં નળ ઉપરનાં આખ્યાનોથી સ્પષ્ટ સમજાય છે. પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ આવે છે તો જુદાજુદા સર્જકોને હાથે તેમની વાર્તાકળા અને કવિકલ્પના પ્રમાણે વિશિષ્ટ રીતે નિરૂપાતી આવેલી નળ-દમયંતીની સુખાન્ત કરુણકથાની સુદીર્ધ સમયપટ ઉપર વિસ્તીર્ણ એવી પરંપરાને છેક છેવાડે, પણ એના વાર્તારસને તથા સાહિત્યગુણને જોરે નળ ઉપરની બધી પુરોગામી ગુજરાતી રાસ-આખ્યાન-રચનાઓના પાછળ પાડી દઈ પ્રજાહૃદયમાં સ્થાન જમાવી ગુજરાતના સાહિત્યખજાનાનું એક ઝળકતું રત્ન તે બની ગયું છે.

ઉપલબ્ધ હસ્તપ્રતોમાં સં. ૧૭૫૬માં એટલે પ્રેમાનંદના જીવનકાળમાં લખાયેલી અને તેથી સૌથી જૂની પ્રત, જેને આધારભૂત માનીને પાછળનાં પૃષ્ઠોમાંની આખ્યાનની વાચના છાપી છે, તેનું સમાપન ‘નળાખ્યાન’નું રચનાવર્ષ સં. ૧૭૪૨ દેખાડે છે. પ્રાપ્ય હસ્તપ્રતોમાંની બીજી કેટલીક પણ એ જ વર્ષે દેખાડે છે. પરંતુ કેટલીક સં. ૧૭૩૩ અને કેટલીક સં. ૧૭૬૨ દેખાડે છે. ‘નળાખ્યાન’ પ્રથમ લખ્યા બાદ કેટલાંક વરસે પોતાના આશ્રયદાતા નંદરબારના રાજાને તેની રાણીના મૃત્યુના દુઃખમાં આશ્વાસન આપવા તેને પ્રેમાનંદે વધુ મઠારી વિસ્તારી તે સંભળાવ્યું હતું એમ કહેવાયું છે. એ વાયકા સાચી હોય, તો સં. ૧૭૩૩વાળી રચના એ ‘નળાખ્યાન’નો પ્રેમાનંદરચિત પહેલો પાઠ હોય અને સં. ૧૭૪૨ તથા ૧૭૬૨વાળા પાઠ તેનાં સંવર્ધિત સંસ્કરણો હોય, આટલું તો નિશ્ચિત કે ‘નળાખ્યાન’ પ્રેમાનંદે તેનાં ‘મામેરું’ અને ‘સુદામાચરિત્ર’ની રચનાના દશકામાં જ લખેલું છે. એ સમયે પ્રેમાનંદની લેખનપ્રવૃત્તિને દોઢેક દાયકો થઈ ગયો હતો અને તેની કલમ દેશીઓના વ્યાયામની ભૂમિકા ક્યારનીય વટાવી ખાસી કસાઈ ચૂકી હતી. એ ત્રણે આખ્યાનો, જેમ ત્યાર પછી નો ‘દશમસ્કંધ’ પણ, સિદ્ધહસ્ત આખ્યાન કવિની હથોટીને પ્રોઢિ દેખાડે છે, તે એ કારણે.

અનુવાદ નહિ, અનુસર્જન

જેમ નળરાજાની કથાને વસ્તુવિષય બનાવતાં સંસ્કૃત કાવ્યનાટકાદિનો તથા મધ્યકાલીન જૈન-જૈનેતર ગુજરાતી કવિઓનાં રાસ-આખ્યાનાદિનો, તેમ પ્રેમાનંદના ‘નળાખ્યાન’નોય મુખ્ય આધાર ‘મહાભારત’ના વનપર્વના અધ્યાય ૫૨-૭૯માં આવતું નાલોપાખ્યાન છે. પણ પોતાના ‘દશમસ્કંધ’માં ‘આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસા મારું પ્રાકૃત’ અને કથાપ્રસંગ એકુ નવ પડે, ચાલ્યો જાઉં સીધે સેરડે’ કહેતો પ્રેમાનંદ આ આખ્યાનમાં ખોંખારા સાતે એમ કહી શકે તેમ નથી. કારણ એ છે કે ‘નળાખ્યાન’ એ મહાભારતની મૂળ કથાનો અનુવાદ નથી, અનુસર્જન છે, ઘણા નાના-મોટા સુધારાવધારાવાળી સ્વતંત્ર કહેવાય એવી રચના છે. વેદોના ઉપબૃંહણમાં કામ લાગનાર પુરાણોનું ઉપબૃંહણ તેના કથાવસ્તુ પરથી રચાયેલાં અનુકાલીન કાવ્યનાટકાદિ સાહિત્યમાં ઘણું થયું છે. આ સંદર્ભમાં ઉપબૃંહણ એટલે રહસ્યપ્રકાશક વિસ્તરણ કે દાર્ષ્ટાન્તિક સમર્થન નહિ, પણ એની સાહિત્યિક શઅક્યતાઓનો સર્જનાત્મક ઉપયોગ કરીને થયેલું જુદાં જ સ્વાદ-સુગંધવાળું સ્વતંત્ર નિરૂપણ કે પ્રતિનિર્માણ. ‘અભિજ્ઞાન શાકુન્તલ,’ ‘ઉત્તરરામચરિત’ વગેરે નાટકો એના ઉત્કૃષ્ટ નમૂના છે. બૃહદશ્વ-યુધિષ્ઠિર-સંવાદ, હંસનું દૂતકાર્ય, નળનું દેવોનું દૂતકાર્ય દમયંતીસ્વયંવર, દ્યૂતમાં નળનો પરાજય, નળ-દમયંતીનું વનભ્રમણ, નળ વડે વનમાં થયો દમયંતીનો ત્યાગ, દવમાંથી ઉગારેલા કર્કોટકનાગના દંશથી નળનું બાહુકમાં પરિવર્તન અને ઋતુપર્ણને ત્યાં સારથિ તરીકે એનો ગુપ્તવાસ, અજગર, પારૂધી અને વણજારાને લગતાં દમયંતીનાં વીતકો અને માશીને ત્યાં તેનું દાસીપણું, ભીમકે કરાવેલી દમયંતીની અને પિયર પહોંચ્યે દમયંતીએ કરાવેલી નળની શોધ, કૃતક સ્વયંવરનો ઉપાય, બાહુકનું અભિજ્ઞાન અને મૂળ સૌંદર્યની પ્રાપ્તિ, નળદમયંતીનું સ્વપુરગમન અને રાજ્યપ્રાપ્તિ – આ બધા મૂળ નવલકથાના ખૂંટા જેવા પ્રસંગો તત્ત્વમાં આ ‘નળાખ્યાન’માં તેનો તે જ રહ્યા છે, તેમ છતાં એમનું નિરૂપણ મૂળથી ઠીક ઠીક જુદું થયું છે. ‘જુદું’ એટલે પ્રેમાનંદે પોતાની વિશિષ્ટ રીતે ખીલવેલું-વિકસાવેલું. આખ્યાનમાંનાજ તે તે પ્રસંગોના નિરૂપણને ‘વિવરણ’માં મૂળના પ્રસંગો સાથે સરખાવતા જઈને બે વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો છે તે આ દેખાડી આપશે.

પ્રેમાનંદે કરેલા ફેરફારોમાં, કામ્યક વનને દ્વૈત વન, અર્જુનહણ્યા કાલકેયપૌલોમને કાલકેતુ-પુલોમા, દમયંતીની માશીને ભાનુમતી અને તેની પુત્રી સુનંદાને ઇન્દુમતી એમ જુદાં નામ આપવાથી, વિખૂટાં પડેલાં નળ-દમયંતીનાં વીતકોની કથાનો મૂળનો ક્રમ ઉલટાવવાથી, તેમ જ દમયંતીની શોધની તથા તેની આગળ ને પાછળ દમયંતી-સોંપી ચાર ચાર કામગીરી એકલા સુદેવ ‘ગુરુજી’ પાસે જ કરાવવાથી આખ્યાનના વાર્તારસમાં તથા સાહિત્યગુણમાં ખાસ ફેર પડતો નથી. બીજા ફેરફારોનું એવું નથી. આખ્યાનની પ્રસ્તાવનાનો યુધિષ્ઠિરની દુઃખ ફરિયાદમાંનો વિનોદ પ્રેમાનંદે નારદ, દેવો, રાજાઓ અને બાહુકવેશી નળનાં પાત્રોને અવલંબીને આખ્યાનમાં ઉપજાવેલા હાસ્ય-રણકારના પૂર્વસંકેતરૂપ માની શકાય. પુષ્કરના પાત્રમાં આરંભમાં અદેખાઈ અને અંતમાં પસ્તાવો ઉમેરાયાથી એને નવું પરિમાણ મળ્યું છે, અને દાવમાં મૂકવા તે પોઠિયો લાવ્યાનો ખુલાસો મળી જાય છે. દેવોને દમયંતીના સ્વયંવરમાં જવા પ્રેરવાની એક જ કામગીરી બજાવતા મૂળ કથાના નારદ અહીં વિશેષ કામગીરી બજાવી હાસ્યનિષ્પત્તિમાં સહાયક બનવા ઉપરાંત નાયકનાયિકાના લગ્નમાં તથા વીતકકથામાંય નિમિત્ત બને છે. દમયંતીને અનેક બાબતમાં સહાયક બનતા સુદેવને આખ્યાનમાં નાયક-નાયિકાના પુનર્મિલનમાં મહત્ત્વનો ભાગ ભજવતા પાત્ર તરીકે વિશેષ ઉઠાવ મળ્યો છે. ‘મહાભારત’ કરતાં કળિની દુર્લીલા આ આખ્યાનમાં ઘણી વધારી મૂકીને પ્રેમાનંદે તેને પરપીડક દુષ્ટતા (malignity)નું પ્રતીક બનાવી તેના ખલત્વને ઘેરું બનાવ્યું છે. નળ અને હંસનું અપૂર્વ સખ્ય અને તેમની પૂર્વભવની કથા મૂળ કથાના હંસના દૂતકાર્યને કેવી સુંદર ભૂમિકા પૂરી પાડી પુષ્ટ કરે છે, અને હંસીના શાપથી તથા હસંના દમયંતીને સ્વયંવરના સૂચનથી તેમ જ દેવો સંભવિત ઉમેદવારી સામેની ચેતવણીથી નળને દ્યૂત ન રમવા અને નારીનો વિશ્વાસ ન કરવાની તેની સલાહથી આગામી બનાવો સાથે તેનો સંબંધ કેવો જોડી આપે છે! નળના જોગીવેશ અને દેવોના અનુચરના ઉમેરાથી તથા નળ-દમયંતી મિલનના રસિક નિરૂપણથી નળના દૂતકાર્યનો પ્રસંગ મૂળથી જુદી રસજમાવટ કરી, નળના પાત્રની ઉદાત્તતા અને ‘સત્યવાદી’પણું તથા દમયંતીના પ્રેમાકર્ષણનું ઊંડાણ પણ આ આખ્યાનમાં ઉપસાવી આપે છે. દમુયંતીલોલુપ રાજાઓની ચેષ્ટાઓ, દેવોના માંહોમાંહેના શાપ અને ‘વીરસેન પાંચેના બાપ‘ જેવા ઉદ્‌ગાર, નારદના ટીખળે સરજેલી તેમની પત્નીઓ આગળ ભોંઠા પડવાની તેમની સ્થિતિ વગેરેથી હાસ્યનો તથા પ્રત્યક્ષાલેખનનો લાભ પામતો સ્વયંવરનો પ્રસંગ પણ વધુ રંગીન બન્યો છે. દમયંતીના વીતકો તથા એના નળના પુનર્મિલન તરફ કથાને લઈ જતા બનાવો પણ. એ જ રીતે તત્ત્વમાં મૂળ વસ્તુને અનુસરતા છતાં ઉદ્દિષ્ટ અસર ઉપજાવતા પ્રેમાનંદને હાથે વિસ્તૃત ને ઉત્કટ તથા કેટલીક વાર નાટ્યાત્મક આલેખન ‘નળાખ્યાન’માં પામ્યાં છે.

‘મહાભારત’ના નાલોપાખ્યાનનો જેને આધાર નથી એવા બે મહત્ત્વના કથાપ્રસંગમાં એક દમયંતીના હાથમાંથિ તેને નળે સાચવવા સોંપેલાં ત્રણ માછલાં સજીવન થઈ જળમાં કૂદી પડ્યાનો, અને બીજો, ટોડલો ઇંદુમતીનો હાર ગળી ગયાનો છે. આ બેઉ ઉમેરામાં પહેલો આ આખ્યાનમાં નળના દમયંતીત્યાગનું નિમિત્ત બને છે. અને બીજો દમયંતીને માથે પડતાં દુઃખોને પરાકાષ્ઠાએ પહોંચાડે છે (મત્સ્યજીવનનું કારણ બનતું ‘અમૃતસ્રાવિયા કર’નું દેવોનું દમયંતીને તેના લગ્નવેળા મળતું વરદાન પણ પ્રેમાનંદની આ અર્થેની જ હિકમત છે.) બંને પ્રસંગ દમયંતીને અણઘટતાં ગાળ અને આળનો ભોગ બનાવે છે, પણ બીજો તેની વેદનાને ઘનીભૂત બનાવીને આહભરી વાચા આપી અને તે ‘નારાયણની દાસ’ના સત્ય અને શીલનું ગૌરવ કરે છે. પ્રેમાનંદે ઉમેરેલો બીજો એક પ્રસંગ દમયંતીના પાત્રને ઓર ઊજળું બનાવે છે. મૂળમાં વનમાં ભમતાં દમયંતી એક આશ્રમમાં વસિષ્ઠ, ભૃગુ આદિ ઋષિઓને જુએ છે જે ઋષિઓ એના વ્યાકુળ પ્રશ્નના ઉત્તરમાં હવે દશા પલટાય છે અને તું થોડા જ સમયમાં પતિને મળીશ એમ સાંત્વન આપી તરત અંતર્ધાન થઈ જાય છે. એમાં ફેરફાર કરી પ્રેમાનંદે માયાવી તાપસાશ્રમમાં કલિને નગ્ન મહંતના વેશમાં નળ બીજી સ્ત્રી શોધે છે એમ કહી દમયંતીને નળથી ચળાવવા પ્રયત્ન કરતો નિરૂપી, દમયંતી પાસે પરિરક્તા સતીને શોભતો ઉત્તર અપાવ્યો છે. છેલ્લી પુનર્મિલનની પૂર્વ ઘડીએ આખ્યાનની સૌથી વધુ નાટ્યપૂર્ણ પરિસ્થિતિમાંના બાહુક સાથેના સંવાદમાં દમયંતી પાસે ‘નથી રૂપનું કામ, રે ભૂપ મારા; થઈ કિંકરી અનુસરું ચર્ણ તાહારા’ એમ ઉચ્ચારાવીને એ પ્રસંગનું આલેખન પણ પ્રેમાનંદે દમયંતીની અને આખ્યાનની શોભા વધારે એવું કર્યું છે. માત્ર અણશોભતાં આપણને લાગે એ સંવાદ પૂર્વેનું બાહુકનું ‘માંડ્યા વિષયીનાં ચિહ્ન’ એવું વર્તન અને તેને અનુરૂપ ઉદ્‌ગારો. શ્રોતાઓને હસાવવા જ તાકતા આખ્યાનકારના આ કાર્યની નળનું પાત્ર ગ્રામ્ય બની જાય છે, જેવું તે બની જાય છે માછલાં જળમાં પડી ગયા પછી દમયંતીને કઠોર વાક્‌પ્રવાહથી તે ઝૂડે છે ત્યારે પણ. ઋતુપર્ણ સાથેનું બાહુકનું વર્તન પણ આ જ કારણે હાસ્યોત્પાદક વિલક્ષણતાવાળું બની ગયું છે. ઋતુપર્ણને અપાતું કન્યાદાન કાવ્યન્યાયની ભાવનાને સંતોષે એવું હોઈ સારો ઉમેરો ગણાશે.

મૂળ કરતાં બનાવોનું બહુધા આમ મોકળાશથી પોતાની રીતે આલેખન કરનાર પ્રેમાનંદે બે-ત્રણ બનાવની બાબતમાં મૂળ વસ્તુને ટૂંકામાં પતાવી નાખ્યું છે. નળ-પુષ્કરના ઘણા મહિના સુધી ચાલેલા દ્યૂતને પ્રેમાનંદે ત્રણ કડીઓમાં જ પતાવી દઈ, બાળકોને મોસાળ મોકલી દેવાનો દ્યૂતમાં થયેલા પરાજય પહેલાંનો પ્રસંગ એ પરાજય પછી મૂક્યો છે. કર્કોટક નાગનું દેવ-દહન નારદના શાપને બદલે સપ્તર્ષિના શાપને આભારી બતાવવાથી બહુ હાનિ નથી થઈ પણ કર્કોટક નળને પોતાનાં ડગલાં ગણતાં ચાલવા સૂચવી, તેટલામાં પોતાને બચાવ્યાના બદલામાં કંઈ સામો ઉપકાર કરવાનું જણાવી, નળ દશ બોલ્યો કે તેને ડંખ મારી કૂબડો બનાવી દઈ, તેના દેહમાં રહેલા કળીને જ પોતે એમ કરીને નિત્યના વિષદહનની શિક્ષા કરી છે પણ એ વિષ તને પીડશે નહિ એમ નળને કહી, તેને બાહુક નામ ધરી ઋતુપર્ણને ત્યાં જઈ તેના સારથિ તરીકે રહેવાની સૂચના કેરે છે અને અશ્વવિદ્યાના બદલામાં ઋતુપર્ણ પાસેથિ મળનાર અક્ષવિદ્યાના લાભનો ઇશારો કરે છે, એવું મહાભારતીય નિરૂપણ તથા નળ તેને દવામાંથિ સહેલાઈથી ઊંચકી બહાર લઈ જઈ શકે તે માટે કર્કોટકે પોતાની જાતને અંગુષ્ઠમાત્ર કરી નાખ્યાની વાત જતાં કરવાથી આખ્યાનને ફાયદો ન થતાં તેણે થોડુંક ગુમાવ્યાની છાપ પડે છે.

આવાં સંસ્કરણ કે નવ-નિરૂપણથી ‘મહાભારત’ની નળકથાને એકંદરે લાભ થયો કે હાનિ? એણે આખ્યાનનો વાર્તારસ વધારી આપ્યો છે. હાસ્યરસના તો ફુવારા મહીં ઉડાડાયા છે. નળ-દમયંતીનાં વીતકોની માત્રા એમાં વધારાઈ છે. કેટલાય પ્રસંગો એમાં નાટ્યપૂર્ણ આલેખન પામ્યા છે. કેટલાંક પાત્રોને એમાં વધુ ઉઠાવ મળ્યો છે. પ્રેમાનંદના કવિત્વનો પણ એને ઠીક લાભ મળ્યો છે. પણ બીજી બાજુ સમગ્ર કાવ્ય એકંદરે સત્તરમી સદીના ગુજરાતના રસ-રુચિની કક્ષાએ ઊતરી બેઠું છે. આખ્યાન સમગ્રમાં સૂક્ષ્મ રીતે વ્યાપ્ત સંસ્કાર-હવા મૂળ નાલોપખ્યાનની નથી રહી. નાયક-નાયિકાને એકમેકનાં રૂપની પ્રશંસાના શ્રવણ સાથે જ વિરહવહ્‌નિની ઝાળ લાગી જાય, નળ કેળને ચૂંબે-બાઝે,૧ અને દમયંતી હંસને પોતાને નળને પરણાવવાના કાલાવાલા કરવા મંડી જાય અને ‘દીકરી થઈ પરણનારી’ એમ એની માને સમજાઈ જાય એવી ઉઘાડી રીતે અને ‘ઘરડા માણસ ઢોર’ એવા મા-બાપને ઉલ્લેખતા શબ્દો સાથે લગ્નેચ્છા કરે, એવા નિરૂપણમાં એક પ્રકારનું જાડાપણું છે. નળ એકથી વધુ વખત અનેખાસ તો બાહુકવેશમાં તેનાં મૂળ બિંબની ગૌરવહાનિ વ્યક્ત કરે એવું સ્થૂળ, અભદ્ર કે ગ્રામ્ય વર્તન કરે છે. દમયંતીના સ્વયંવરમાં આવતા રાજાઓ તથા ઋતુપર્ણનું આલેખન પણ અવાસ્તવિક રીતે ઉપહાસમય થઈ ગયું છે. ઇંદ્રાદિ ચાર દેવો સાવ પ્રાકૃત માનવીઓ જેવા બની ગયા છે. દમયંતીની માતા,માશી, માશીની દીકરી આદિ પાત્રો પ્રેમાનંદકાલીન ગુજરાતણો જેવી બની ગઈ છે. દમયંતી બાળકોને મોસાળ વળાવતાં ‘સહેજો મામીની ગાળ’ કહે, ભાનુતી દમયંતી અને ઋતુપર્ણ નળ પોતાને ત્યાં પેટ ભરીને ખાવા ન પામ્યાનો અફસોસ વ્યક્ત કરે, ઋણપર્ણ ‘ધણીયાણી ધબોઈ’ એમ કહે : આવું નિરૂપણ વાસ્તવિકતા અર્થે પ્રેમાનંદે ભલે કર્યું હોય, પણ એમાં પાત્રો મહાભારતીય રહેતાં નથી. ‘નળાખ્યાન’ના બધા બનાવોને અને પાત્રોને તેમનું ‘લૉજિક’ (હેતુમયતા કે વિચારવ્યવસ્થા) છે તો ખરું, પણ એની હવામાં થોડી પ્રાકૃતતા વરતાય છે. સ્વ. રામનારાયણ પાઠકને ‘મહાભારતનું નલોપાખ્યાન અને વધારે પ્રતીતિકર છે અને મુખ્ય પાત્રો પણ મહાભારતમાં જ વધારે ઉન્નત અને તાદૃશ ચીતરાયાં છે.’૨ એમ શાથી લાગ્યું હશે તે આ ઉપરથી સમજાઈ જશે. આખરે વ્યાસ અને પ્રેમાનંદ વચ્ચેનો ફેર એમની કૃતિઓમાંય વરતાય, મૂળ વસ્તુમાં પ્રેમાનંદ કરેલા ફેરફાર એની આખ્યાનકાર તરીકેની વાર્તાસૂઝના અને કવિ તરીકેની સર્જકપ્રતિભાના, તો બીજી બાજુ એની દૃષ્ટિ તથા રુચિની મર્યાદાના દ્યોતક છે. આખ્યાનકાર તરીકેનાં એનાં શક્તિ તથા મર્યાદા, બેઉ એમાં એકસરખાં મૂર્ત થયા છે.

પુરોગામીઓનું ઋણ

મૂળ કથામાં કરેલા આવા બધા ફેરફાર માટે પ્રેમાનંદને મૌલિકતાનો જશ અપાય તેમ નથી. યુધિષ્ઠિરની ભાઈઓ વિશેની ફરિયાદ (કડવું ૧) તથા દેવોના દૂત તરીકે નળે દમયંતીને કરેલી સમજાવટ (કડવું ૨૨)ની ભાષા તથા દલીલોમાં નાકરના નળાખ્યાનની સ્પષ્ટ અસર પાછળ ‘વિવરણ’માં ટાંકેલા તેના ઉતારાઓથી સિદ્ધ થાય છે. દમયંતી-સૌંદર્યવર્ણનની પ્રેમાનંદની કેટલીક પંક્તિઓ નાકરના તેમ ભાલણના ‘નળાખ્યાનો’ની દમયંતી-રૂપપ્રશંસાની પંક્તિઓ જોડે શાબ્દિક તથા તર્કનું સામ્ય ધરાવે છે. દ્યૂત વેળા પુષ્કરે દાવામાં વૃષભ મૂક્યાનું પ્રેમાનંદનું નિરૂપણ નાકર તેમ જ ભાલણના તેવા નિરૂપણને જ આભારી છે.* પ્રેમાનંદના ‘નળાખ્યાન’ના કડવા ૧૫ની કડી ૨૬માંનો દમયંતીના કચસમૂહ સાથે વાદમાં ઊતરેલા મયૂરનો દાવો બ્રહ્માએ અર્ધચંદ્રથી કાઢી નાખ્યાનો તર્ક ભાલણ અને નાકરે પ્રયોજ્યો છે, પણ તેનું મૂળ નૈષધીયચરિત છે. ૧૬મા કડવાંની કડી ૪-૫માં ભાલણની તેવી જ પંક્તિઓનો પડઘો નહિ, સીધું શબ્દાંતર છે. માછલાંવાળા તથા હારચોરીના દમયંતી પર આવતા આળના પ્રસંગો માટે સૂચન નાકરની કૃતિમાંથી ઉપાડીને તેને પ્રેમાનંદે ઓર ખીલવ્યા છે. નળ વડે થતા એના ત્યાગ પૂર્વેનું દમયંતીનું ભાવસૂચક દુઃસ્વપ્ન તથા ‘મહાભારત’ના ક્રમથી ઊલટી રીતે નળના દમયંતીત્યાગ પછી તે ઋતુપર્ણને ત્યાં જઈને રહ્યો ત્યાં સુધીની નળની જ કથાની રજૂઆત, એ બે બાબતમાં પ્રેમાનંદ આંતરસૂઝથી, અથવા વ્યાસથી જુદી રીતે નિરૂપણ કરવાની હોંસથી પ્રેરાયો નહોય, તો મુનિ નયસુંદરના ‘નળદમયંતી રાસ’ને અનુસર્યો હોય એમ માનવાને અવકાશ છે દમયંતીત્યાગ વેળાના નળના મનોમંથનના પ્રેમાનંદના નિરૂપણમાં ભાલણના તે જ પ્રસંગના નિરૂપણમાંથી કોઈક પંક્તિઓ સાથેનું સામ્ય વાંચી શકાય છે. આ બધું જોતાં, નળ-કથાની પુરોગામી પરંપરાની સામાન્ય વાકેફગારીથી આગળ વધી, ભાલણનું નળાખ્યાન (સં. ૧૫૪૫ પહેલાનું) અને નાકરનું નળાખ્યાન (સં. ૧૫૫૧) અવશ્ય અને નૈષધીયચરિત અને નયનસુંદરકૃત ‘નળદમયંતી રાસ’ (સં. ૧૬૫૫) સંભવતઃ પ્રેમાનંદે જોયાં હોવાનું અને તેનો પોતાના આખ્યાનમાં થોડા ઉપયોગ પણ કર્યો હોવાનું અનુમાન આપણે વિનાસંકોચ બાંધી શકીએ. પણ આટલું સ્વીકાર્યે પ્રેમાનંદના કવિયશને કશી હાનિ પહોંચે તેમ નથી. મૂળ કથામાં તથા આવા પુરોગામીઓની રચનાઓમાં જેનું સૂદન ન હોય એવું જે એના ‘નળાખ્યાન’માં જોવા મળે છે, અને જેનું સૂચન ન હોય એવું જે એના ‘નળાખ્યાન’માં જોવા મળે છે, અને જેનું સૂચન કે નિરૂપણ તેમાં હોય તેનુંય ને ઓર આસ્વાદ્ય નિજ નિરૂપણ તે કરે છે, તે પ્રેમાનંદની આખ્યાનકાર તરીકેની વાર્તાસૂઝની અને તેની કવિ તરીકેની સર્જકપ્રતિભાની નીપજ છે, અને એ ઓછી માતબર નથી.

ભાલણ અને નાકર જેવા પુરોગામીઓનાં ‘નળાખ્યાન’ સાથે સરખાવતાં પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ તેના વાર્તારસમાં તથા સાહિત્યગુણમાં નિઃશંક ચડિયાતું ઠરે. ભાલણ સારો કવિ છે. એનું દમયંતીવર્ણન, દમયંતીત્યાગ વેળાનું નળનું મનોમંથન, દમયંતીનો વિલાપ, નળ-દમયંતીના પુનર્મિલનનો પ્રસંગ, એ સૌ એની સાબિતીમાં ઊભાં રહે તેમ છે. નાકર વિકસતો આખ્યાનકાર છે, એટલો મોટો કવિ નથી. એની પદ્યરચનાઓમાં અવારનવાર કવિતાના ચમકારા દેખાય છે એની ના નથિ, પણ બહુધા એ સીધી રીતે કથા કહી જતો લાગે. ભાલણનાં વૃત્તિ અને કાર્ય મોટે ભાગે મૂળ પુરાણકથાનો ગુજરાતી અનુવાદ કરવાનાં હોઈ તે મૂળને સીધે સેરડે ચાલ્યો જતો હોય છે. એને મુકાબલે નાકરમાં મૂલ કથાવસ્તુને સંકોરી-સંવર્ધી વાર્તારૂપે વિશેષ ખીલવી તેમાંથી સ્વતંત્ર રચના નિપજાવવાની પ્રવૃત્તિનાં પગરણ જોવા મળે છે. પ્રેમાનંદ ભાલણ કરતાં ચડિયાતો સર્જનપ્રતિભાવાળો કવિ છે, તો બીજી બાજુ નાકરના કરતાં ચડિયાતો વાર્તાકાર છે. ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલા પ્રમાણમાં જાળવી રાખી શકતો નથી. પણ પાત્રોનાં સ્વભાવલક્ષણો તથા મનઃસ્થિતિઓને વાર્તાપ્રસંગો દ્વારા પ્રકાશમાં આણવાની, રસક્ષમ પરિસ્થિતિઓના નાટ્યતત્વને ખીલવવાની, આખ્યાનને વિવિધ રસોની એકસરખી સફળ નિષ્પત્તિથી આસ્વાદ્ય બનાવવાની અને મહીં યથાવકાશ કવિતા રણકાવવાની તેની શક્તિ બેઉ પુરોગામી કરતાં તે વિશેષ પ્રમાણમાં દેખાડે છે. દેવોને, રાજાઓને, ઋતુપર્ણને ને બાહુકને પ્રાકૃત માનવીઓ બનાવી દેવાનો દોષ તેની આવી અન્ય સિદ્ધિ આગળ ઢંકાઈ જશે. એક બાજુ ભાલણના અને બીજી બાજુ નાકર-પ્રેમાનંદનાં ‘નળાખ્યાન’ને પુરાણાનુવાદ અને પુરાણકથાઓ ખપજોગો ટેકો લઈ તેને પોતાની રીતે વિકસાવનાર આખ્યાનકાર એ બે ભેદ અને બંનેનાં જમા-ઉધાર પાસાં કે વિશેષ્ટતાઓ અને મર્યાદાઓ દર્શાવી આપનારા સારા નમૂના તરીકે વિચારી શકાશે.

‘નળાખ્યાન’ની બાબતમાં પ્રેમાનંદના બીજા પુરોગામીઓમાં ઘણા જૈન કવિસાધુઓ છે. નળ-દમયંતીની કથા મધ્યકાળમાં ગુજરાતના જૈન-સમાજમાં ઘણી લોકપ્રિય હોવાનું એ બતાવે છે. હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિનું ‘નલવિલાસ’ નાટકક અને માણિક્યચંદ્રવિરચિત કાવ્ય ‘નલાયન’ જેવી સંસ્કૃત રચનાઓ પછી મધ્યકાલીન ગુજરાતીમાં પ્રેમાનંદના ઉદય પૂર્વે ઋષિવર્ધનકૃત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૫૧૨), એક અજ્ઞાત કવિનું ‘નલદમયંતી-ચરિત્ર,’ મહીરાજચરિત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૬૧૨), મેઘરાજનો ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૪૪), મુનિ નયસંદરવિરચિત ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૬૫), સમયસુંદર-કૃત ‘નલદવદંતી રાસ (સં. ૧૬૮૩), સેવક-કૃત ‘નલદવદંતી વિવાહલું’ અને ભીમનું ‘નળાખ્યાન’ (સં. ૧૭૨૭) રચાયેલાં જાણવા મળે છે. નળને લગતી જૈન રચનાઓમાં ઘણીમાં દમયંતીને ‘દવદંતી’ નામ આપવામાં આવ્યું છે અને બીજાં પાત્રોનાં નામ અને સંબંધો પણ થોડાં ફેરવી નખાયેલાં હોય છે. ‘રામાયણ’ની કથાને પ્રાકૃતમાં ઉતારતી વેળા પણ જૈન કવિઓએ આમ કરેલું છે એ જાણીતું છે જૈન કવિઓએ નળ-દમયંતીની કથાને કર્મસિદ્ધાંત તથા દાનમહિમાના દૃષ્ટાંત તરીકે અને જૈન ધર્મનો મહિમા ઉપસાવવાના માધ્યમ તરીકે બહુધા પ્રયોજી જણાય છે. જૈન નળ-કથાઓમાં નયસુંદરની કૃતિમાં સાહિત્યિક રસાત્મકતા સારી ઊતરી છે, પણ એ વધુ પડતી પ્રસ્તારી બની ગઈ છે. નળ-કથા ઉપરના આવા જૈન રાસ-સાહિત્યને એના રચનારાઓનો ધર્માભિનિવેશ ઇષ્ટ સાહિત્ય-સ્તર સિદ્ધ કરવામાં કેટલેક અંશે અંતરાયરૂપ નીવડ્યો હોવાની સરવાળે છાપ પડે. પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ આવી એતદ્‌વિષયક પુરોગામી જૈન રાસરચનાઓ કરતાં પણ સાહિત્યગુણમાં અને વાર્તારસમાં ચડે.

‘નળાખ્યાન’ : પ્રયોજન ને સિદ્ધિની દૃષ્ટિએ

‘મહાભારત’ના ‘નલોપાખ્યાન’નું પ્રયોજન દુઃખી યુધિષ્ઠિરને સાંત્વન આપવાનું છે. સાંત્વન એક તો એ દેખાડીને કે એને એકલાને જ શું, ભલભલા નળ જેવાને પણ આથીય કપરાં દુઃખ ભૂતકાળમાં પડ્યાં હતાં; અને બીજું એ કે એવાં દુઃખ કાયમી હોતાં નથી, એનો કાળ પૂરો થાય ત્યારે એ શમી જઈ પાછા સુખના દહાડા આવે જ છે, જેમ નળના સંબંધમાં બન્યું. નળની કથા આથી માનવીનેપડતાં દુઃખની દૃષ્ટાંતકથા બની છે. પણ નળ-કથા એકલી જ શું કામ? સમસ્ત ‘મહાભારત’ની પાંડવોની કથા પણ એવી જ કથા નથી? ‘રામાયણ’ રામ-સીતાની પણ એવી જ દુઃખકથા ક્યાં નથી બન્યું? વસ્તુતઃ માનવજીવન અને વિશ્વવ્યવસ્થાના રહસ્ય-દ્રષ્ટા મહર્ષિઓ વ્યાસ અને વાલ્મીકિએ પોતાની એ મહાકાય કૃતિઓમાં જાણે એ જ સૂચવવા માંગ્યું જણાય છે કે દુઃખ (જેમ દુષ્ટતા પણ) જીવનનું એની સાથે વણાયેલું એક અનિવાર્ય તત્ત્વ છે. પ્રકૃતિનાં વર્ચસ્વવાળાદ જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિનાં ત્રિવિધ તાપથી કોઈ જીવ સદંતર મુક્ત હોઈ – રહી શકતો નથી. જન્મ, મૃત્યુ, ને જરાની સાતે, દુઃખને પણ ગણાવતી ‘ગીતા’એ આ લોકને ‘અનિત્ય’ અને ‘અસુખ’ કહ્યો છે (૯-૩૩). જાણે જગતનું સંચાલન કરી રહેનારી શક્તિએ દુઃખને જીવનનું એક અવિયોજ્ય અંગ બનાવવાની તેના કોઈ અકાલિત હેતુસર યોજના કરી હોય, એમ તડકા અને છાયાની માફક દશાના વારાફેરા જો જગતનો ક્રમ ન હોય, તો સુજ્ઞ માનવીનું કર્તવ્ય ન પ્રહ્રણ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્‌ એમ એમાં સ્વસ્થતા-સમતા રાખી, ધૃતિથી દુઃખ વેઠી લઈ સચ્ચારિત્ર્યના જોરે એને તરી જઈ સુખની પ્રાપ્તિની આશા અને શ્રદ્ધા રાખવી, એવી જ જીવનશીખ નલ, રામ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર આદિની કથાઓની આ પુરાણોએ આપી ગણાય.

પ્રેમાનંદ પણ આ બાબતમાં ‘મહાભારત’ને અનુસર્યો છે. ‘વન વસવું ને વિજોગ પડિયો, હું સરખો કો દુઃખી?’ એમ પોતાનાં વીતકને રડતા યુધિષ્ઠિરને નળનો દાખલો આપી, ‘તેહનાં દુઃખ આગળ યુધિષ્ઠિર તાહરું દુઃખ કોણ માત્ર’ એ દેખાડવા બૃહદશ્વ ઋષિએ નળરાજાને પડેલાં દુઃખની કથા કહી સંભળાવી છે. સતિયાં જનનેય પડતાં દુઃખની અને તેના આવતા સુખદ અંતની આશ્વાસનદાયક દૃષ્ટાંતકથા બનતી નળ-કથા તત્ત્વમાં ઉપર-સૂચવી ભારતીય છાપની કરુણકથા છે એ તો ખરું જ, પણ એરિસ્ટોટલીય આદર્શની ‘ટ્રેજડી’ તરીકેય પોતાનો વિચાર કરવાની સગવડ આપે એવી કરુણકથા તે બની છે. આપણે તત્ત્વની વાત કરીએ છીએ. નાટક અને આખ્યાનનો ભેદ તો બાહ્ય સ્વરૂપનો છે. આવી કથા અસરકારક તો બને, જો રૂપ, શીલ, યશ, સત્તા, સમૃદ્ધિ ઇ.ની ટોચે બેઠેલાં માનવી-વિશેષોને માથે દુઃખના ડુંગર તૂટી પડતા બતાવાતા હોય. આ કથાનો નાયક નળ ઉદાત્તશીલ સુશાસક રાજવી અને જાત-ભાઈ મર્ત્ય રાજાઓ તો ખરા જ પણ દેવોય જેનું રૂપ જોઈ દમયંતીની આશા છોડી દે છે અનેદેવોનેય અવગણી દમયંતી જેને વરે છે એવો ‘ત્રિભુવનસુંદર’ નર આલેખાયો છે. નાયિકા દમયંતી પણ નારદ જેવા મુનિ પણ જેની રૂપ-પ્રશંસા કરતાં થાકતા નથી અને સ્વર્ગના દેવો પણ જેને વાંછવા લાગ્યા એવી ‘ત્ર્યૈલોક્યમોહન’ સુંદરી તરીકે આલેખાઈ છે. આવાં પુરુષવર અને નારીરત્ન પ્રીતિબળે એકમેક પ્રત્યે આકર્ષાઈ ઝંખનાની ભૂમિકા વટાવી દેવોના આશીર્વાદ પામેલા લગ્નથી જોડાઈ સુખની પરાકાષ્ઠાએ પહોંચ્યાં, તે સાથે જ કળિની કૂડી નજર અને દુર્ભાવ એમનો પીછો પકડે છે. ગ્રીક ‘ટ્રેજેડી’ઓ બતાવતી કે દેવો માનવીનું સુખ અને પ્રતાપોત્કર્ષ સહી શકતા નથી; માણસ ઉત્કર્ષના શિખરે પહોંચે કે તરત તેને ત્યાંથી પછાડવાનું કરે છે. આ આખ્યાનમાં એ કામ કળિ કરે છે. એની ખેધીલી કારવાઈને પ્રતાપે નળને દ્યૂતમાં રાજપાટ ગુમાવવું પડે છે, જે પછી એ દંપતીને ભૂખ્યાંતરસ્યાં વનમાં ભટકવું પડે છે, એકમાંથી અર્ધા વસ્ત્ર ઉપર રહેવું પડે છે, નળને કૂબડો બાહુક બની નાના રાજાને ત્યાં સારથિનું કામ કરવું પડે છે, અને પતિત્યક્તા દમયંતીને અજગર, પારધી, વણજારા આદિના પંજામાં ‘ઊલમાંથી ચૂલમાં’ની રીતે અનેક આફતોમાંથી પસાર થઈ માસીને ત્યાં દાસી તરીકે રહેવું પડે છે. જ્યાં તેના પર ચોરીનું આળ પણ આવે છે! નાયકનાયિકાને માથે ગુજરતાં વીતકો કરુણકથાની મુખ્ય શરત આમ પૂરી કરે છે.

પુનર્મિલનની ઘડીએ બાહુક-દમયંતી સંવાદમાં સામસામાં મિથ્યા દોષારોપણને બદલે ‘બુદ્ધિવાન પ્રાણી કર્મ સાંહામું જોશે’ એ નળના તથા ‘છે કર્મની વિષમ ગતિ, તે ભૂંસી ન જાયે રતિ’ એ દમયંતીના શબ્દો સાથે દુઃખદ ભૂતકાળ ઉપર પડદો પાડી દેવાય છે. અહીં ‘કર્મ’ એટલે ‘નિર્માણ’, ‘વિધાત્રીના લેખ’ કે નિયતિ (Fate કે Destiny) એમ સમજવું ઉચિત થશે. ગ્રીક ટ્રેજેડીઓમાં જેનું વર્ચસ આગળ કરાતું તે આ નિયતિ. ‘નળાખ્યાન’માં એને મૂર્તત્વ આપવામાં આવ્યું છે. કળિના માનવેતર પાત્ર દ્વારા. ‘જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગું પૂંઠે થઈ’ એ દુઃસંકલ્પ કરી તેનું કેવી નિષ્ઠુરતાથિ એ અક્ષરશઃ પાલન કરે છે, નળ-દમયંતીને ભેગું તથા છૂટુંછૂટું કારમું વિતાડે છે! પણ અસહાય નિર્દોષ માનવીઓને અકારણ દમતી નિયતિ તો વિશ્વતંત્ર ઉપર વૈષમ્ય અને નૈર્ઘૃણ્યનો દોષારોપ લાવે, અને એનું રહસ્ય સમજવા મથનાર મનબુદ્ધિને અસમાધાનથી અસ્વસ્થ કરી મૂકે. આમાંથી જ માણસને એના ‘કર્મનો’, એટલે કરેલાં કાર્યોનો, બદલો જ એને માથે વરસતી આપત્તિરૂપે મળે છે, એવું બુદ્ધિતોષક સમાધાનગાંઠે બંધાવતો હિંદુ અને જૈન કર્મસિદ્ધાંત ઉદ્‌ભવ્યો છે. નિયતિ, નસીબ કે પ્રારબ્ધના અર્થમાં વપરાતો શબ્દ ‘કર્મ’ એટલે કરેલાં કર્મોનું ફળ, અનેએ કર્મો આગળના જન્મોનાં પણ હોય. જૈન નળ-કથાઓ કર્મ-સિદ્ધાંતને આગળ કરતી હોય છે તે આ અર્થમાં.

માથે પડતાં દુઃખ માટે તેનો ભોગ બનનારી જવાબદારી શોધવા તથા સ્થાપવાના માનવીના મથને પશ્ચિમમાં Character is Destiny માણસનું ચારિત્ર્ય કે વર્તન જ એની નિયતિ બને છે – એ સમજ પ્રવર્તાવી છે. એની રૂએ, કરુણકથાના નાયકનો કોઈ દોષ, સ્ખલન, ખોટી ગણતરી, ભૂલ વગેરે એને માથે પેલી વિપત્તિનો વજ્રપાત નોતરી લાવતી ઘટાવાય છે. બીજી રીતે ઘણી ઉદાત્ત વ્યક્તિઓના નાના અમથા દોષને મુકાબલે એના પર ગુજરાતી આફત ગાંજાવર હોય એમ બને, અને એમ બને એ જ તો જીવનની કરુણતા છે. આ આખ્યાનમાંનાં નળ-દમયંતીનાં વીતકોના ખુલાસા માટે આ દૃષ્ટિને પ્રયોજી શકવાની પણ સગવડ એના કથાવસ્તુને પૂરી પાડી છે. નળ અને દમયંતીનાં બધાં દુઃખનું કારણ દ્યૂત છે. જેમ યુધિષ્ઠિરને તેના ભાઈઓ તથા પત્નીના વનવાસ-દુઃખ માટે, તેમ નળ તથા દમયંતીને પડતાં દુઃખ માટે દ્યૂત રમવાના તેના દોષને જવાબદાર લેખી શકાય એમ ન હોય કે ‘મહાભારત’કારે યુધિષ્ઠિર તથા નળ, બેઉના દાખલાથી દ્યૂતની અનિષ્ટતા જ દર્શાવવા માગ્યું હોય? આ બાબતમાં પણ કળિનું પાત્ર સાંકેતિક બને છે. દ્યૂત જ કળિ (=કલહ, દુઃખ)નું મૂળ છે એ સૂચવવા કળિને દ્યૂત રમવાનો મુખ્ય પાસો બનતો વ્યાસે (અને પ્રેમાનંદે પણ) વર્ણવ્યો છે એવું સ્વ. કેશવલાલ ધ્રુવનું મંતવ્ય આ સંબંધમાં નોંધપાત્ર છે.

પણ નળ દ્યૂત રમે છે તે સ્વેચ્છાથી નહિ, કળિપ્રેર્યો પુષ્કર આવીને એની પાસે દ્યૂતની માગણી મૂકે છે એટલે એને રમવું પડે છે. યુધિષ્ઠિરનેય એમ જ થયું હતું ને? એ વખતે રાજવીઓનો ક્ષાત્રાચાર દ્યૂતનું સામેથી કહેણ આવે તો ના પાડવામાં હીણપત માનતો હતો.+ ‘બાંધવ, દ્યૂત રમીએ, એ અનર્થનું મૂળ’ કહી નળ પુષ્કરને પ્રથમ તો એની દરખાસ્તમાંથી વારે છે, પણ થોડી જ વાર પછી આખ્યાનકાર બતાવે છેઃ

‘કલિને સંગે પુણ્યશ્લોકને પાપ તણી મત આવી;
દ્યૂત રમવું અપ્રમાણ છે, પણ વાત આગળ છે ભાવી;
ભાવી પદારથ ભૂપને વેઠવું છે બહુ કષ્ટ રે;
દ્યૂત રમવા બેઠો રાય, કીધો કલિએ ભ્રષ્ટ રે;’
(કડવું ૨૯, કડી ૧૪-૧૫)

કળિએ પુષ્કરમાં પેસી તેની બુદ્ધિને બગાડી તેને દ્યૂત માટે પ્રેર્યો તે પહેલાં તેણે નળમાં પ્રવેશ કરી લીધાનું આખ્યાન કહે છે. તેમ છતાં ‘દ્યૂત ન રમીએ, એ અનર્થનું મૂળ’ એમ નળ કહે તે હજુ તેની સદ્‌બુદ્ધિ સાવ હોલવાઈ ગઈ ન હતી એ બતાવે છે. પણ જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિઃની માનવીની સનાતન કરુણકથાની અલપઝલપ ઝાંખી કરાવી આખ્યાનકારે હિ્‌યન્ને હ્યવશોપિ સઃના જેવીદ તેની સ્થિતિ આલેખી આપણને જણાવી દીધું છે કે ‘સત્ય થયું સર્વ ફોક જી.’ ‘સત્ય’ એટલે નળનું સત્‌, સદ્‌બુદ્ધિ કે જ્ઞાનસમજણ. દમયંતીએ, નગરજનોએ અને પ્રધાને ઘણું વાર્યો પણ ‘કલિજુગે બુધ ભ્રષ્ટ જ કીધી, કહ્યું ન ધરે રાય કાન જી.’ પછી તો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ એ ગીતાવચનને જ સાચું પાડવાનું રહ્યું.

‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’નું દૃષ્ટાંત બને એવી ઘટનામાં દુર્નિવાર નિયતિનું પ્રાબલ્ય ન જોઈએ તો માનવજીવનમાંના એક બીજા કારુણ્યનું દર્શન થાય. ‘પુણ્યશ્લોક’ની, સમજુ જ્ઞાનવાન માણસની, બુદ્ધિમાં વિકાર પેદા થાય એ જ દુનિયાની એક મોટી કરુણ ઘટના નથી? ડૉ. ફાઉસ્ટ સાથે કરારસંબંધમાં આવી તેના અભ્યંતર ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા જેમ મેફોસ્ટોફિલિસ પ્રયાસ કરે છે, તેમ કળિએ નળની બુદ્ધિ ભ્રષ્ટ કરી એ હકીકતમાં અન્યથા સુશીલ અને સુજ્ઞ પુરુષની મતિમાં ક્યારેક ઉપજતા વિકાર કે દુર્વૃત્તિને વ્યાસે (અને આપણા કવિએ) કળિમાં મૂર્ત પાત્રરૂપ આપીને માનવજીવનના એક મોટા કારુણ્ય ઉપર આંગળી મૂકી છે. ભૂખતરસે અન દુઃખે વકારાવેલા એ બુદ્ધિવિકારથી કે ‘વિપરીત બુદ્ધિ’થી ધકેલાઈને જ નળ સતી-સાધ્વી દમયંતી, જે ‘જેમ છાયા દેહને વળગીજી’ કહી એની સાથે વનવાસમાં સંગાથિની બની હતી. તેને માટે મનમાં જે તે વિચારી, તેને જેમ જીભે આવ્યું તેમ ભાંડી, રાતમાં ભીષણ વનમાં ઊંઘતી સૂતી મૂકીને ચાલ્યો જાય છે, જે પછી દમયંતીની વિશેષ દારુણ દુઃખપરંપરા શરૂ થાય છે.

કરુણકથાની એક વધુ શરત દમયંતીની આ દુઃખપરંપરાથી સંતોષાય છે. દમયંતીને વેઠવું પડતું દુઃખ એક નિર્દોષ વ્યક્તિને વિના વાંકે વેઠવું પડતું દુઃખ છે. નિર્દોષને વેઠવું પડતું દુઃખ કરુણરસનો એક મોટો વિભાવ છે. આ આખ્યાનમાં નળ કરતાં વધુ સોસવાનું દમયંતીને જ આવે છે. કરુણકથાના નાયકને માથે આવી પડતાં દુઃખમાં તેનો કોઈ દોષ કારણભૂત હોય, પણ તેના પોર ફરી વળતું દુદૈવચક્ર તેના ઝપાટામાં નાયકનાં નિર્દોષ પ્રિયજનને પણ લેતું હોય એમ બનતું હોય છે. ઓફેલિયા અને ડેસ્ડિમોનાને માથે શેક્સપિયરની જગપ્રસિદ્ધ ટ્રેજેડીઓમાં ગુજરે છે, તે આ પ્રકારનું વિશ્વતંત્રમાં રહેલું આપણને સમસમાવી દે તેવું ખુલાસા વિનાનું જીવનકારુણ્ય છે. ‘નળાખ્યાન’માં એની અવદશા અને વીતકો માટે નળની આંશિક જવાબદારી, ઉપર જોયું તેમ, જોઈ શકાય છે; પણ દમયંતી તો કથાનું અદોષ-રમણીય પાત્ર છે. ‘સત્યસંઘાતી’ હરિને ‘હું કહીં યે નથી સમાતી’ કહી ‘હરિ, હું શા માટે સુખ પામું?’ એમ પૂછતી દમયંતીના પ્રશ્નમાં વાચકોનો એને મોટેનો સંકોપ કચવાટભર્યો પ્રશ્ન જ પડઘાતો નથી સંભળાતો? દ્રૌપદીએ તો ‘અંધના અંધ જ હોય ને?’ એ ઉદ્‌ગારથી પોતાની ઉપર અને પાંચે સ્વામીઓ ઉપર આફત નોતરી હતી. પણ સીતાને એના કયા દોષથી પ્રથમ રાવણની અને પછી ક્ષુદ્ર રજકની અકારણ દુષ્ટતાનો ભોગ બની પુરુષોત્તમ રામચંદ્રથી બે-બે વારના, અને બીજી વારના તો શાશ્વત, વિયોગનો ભોગ બનવું પડ્યું? હરિશ્ચંદ્રપત્ની તારામતીની એની વસમી વિપત્તિ માટે શી જવાબદારી હતી? દમયંતીનુંય એવું જ છે. એનો કોઈ દોષ હોય તો તે નળની પત્ની બનવાનો. એના સંબંધમાં કળિની કૂડી કારવાઈ ‘ઓથેલો’માં ઇયાગો પણ જન્મતા હોય છે ને ઘણાના દુઃખના નિમિત્ત બનતા હોય છે. જગત અને જીવનના એ કારુણ્યની વાનગી આપણું આખ્યાન આ રીતે ચખાડી રહે છે.

ગ્રીક અને શેક્સપિયરી ટ્રેજેડીઓનાં નાયક-નાયિકાનું એક લક્ષણ તેઓ આપત્તિમાં પોતાનું સત્ત્વ ઝાંખું પડવા દીધા વિના કે ગુમાવ્યા વિના એને વેઠીને એનો સામનો કરતાં હોય છે, એ રહ્યું છે. આ આખ્યાનમાં નળ અને દમયંતી વિપત્તિમાં પોતાની ઉદાત્તતા અને આત્મગૌરવ છોડતાં નથી. પ્રસંગને ઉત્કટ બનાવવા પ્રેમાનંદ માછલાંવાળા પ્રસંગમાં નળ પાસે દમયંતી પ્રત્યે અનુદાત્ત અને કઠોર વર્તન કરાવે છે અને શ્રોતાઓને હસાવવા તેની પાસે બાહુકવેશમાં ઋતુપર્ણ અને દમયંતી પ્રત્યે કેટલુંક સુરુચિભંજક આચરણ કરાવે છે, એટલા પૂરતું એનું મહાભારતીયક ગૌરવ ખંડિત થયું છે. તેમ છતાં, દમયંતીને તજતી વેળાનું એનું હૃદયમંથન, એને તજ્યાનો એનો પશ્ચાત્તાપ, કર્કોટક ઉપર એણે કરેલો ઉપકાર, ઋણપર્ણને ત્યાંના ગુપ્તવાસ વેળા, નિત્ય નિસાસા સાતે ઉચ્ચારાતા પેલો શ્લોક દ્વારા વ્યક્ત થતી એની વિજોગવેદના, પોતાનાં બાળકોને જોઈ ભરાતું એનું અંતઃકરણ, અને મૂળ રૂપે છતા થયા પછી એનું ઋતુપર્ણ અને પુષ્કર જોડેનું વર્તન એનું આંતર સત્ત્વ બરાબર પ્રગટ કરે છે. દમયંતીનું પાત્ર તો અંત લગી એકધારું ઉદાત્તશીલ સતીનું રહે છે. પોતાને છોડી જનાર પતિ માટે લેશ પણ રોષ ન દાખવતી, અજગરની દાઢમાંથી પોતાને ઉગારનાર પારધીને શાપ્યાનો પરિતાપ અનુભવતી, ‘લૌકિક લાંછન’ અને ‘લોકોના સંદેહ’ના મિથ્યા કલંકથી અકળાતી અને તેને ધોઈ નાખવા દેહ પાડવાનો નિર્ણય કરતી, નળની ક્ષેમકુશળતાના સમાચાર જાણ્યા પછી જ જળફળ લેતી, ચોરીના આક્ષેપથી ધગી ઊઠતી, પિતાને ત્યાં પહોંચી ગયા બાદ પળેપળ નળને ઝંખતી, તેની શોધ માટે પ્રયાસ કરતી અને કઠણ તપસ્યા કરતી દમયંતી સાદ્યન્ત ઊજળા રંગે આલેખાઈ છે. નળ પાસે ‘નહીં કરું બીજું નીચું કામ’ અને ‘રાયજી, હું નહીં તમને નમું’ અને દમયંતી પાસે ‘નહીં કરું હું નીચું કામ’ એમ બોલાવી-આચરાવી પ્રેમાનંદે બેઉનું ગૌરવ એમની દાસ-દશામાં પણ ઉન્નત અને અક્ષત રાખ્યું છે.

આ બેઉ પાત્રોની ખરી ભવ્યતા તો કળિને તેની મેલી મુરાદમાં પરાજય આપવામાં આખ્યાનકારે દેખાડી છે. કળિનો મનોરથ અને પુરુષાર્થ આ પ્રેમલગ્નનાં દંપતીને જુદાં પાડવાનો રહ્યો છે. બંનેને શરીરથી જુદાં પાડવામાં એ ફાવે છે, પણ મનથી છૂટાં પાડવામાં એને કઠોર શિકસ્ત મળે છે. એણે એમના ઉપર નાંખેલાં દુઃખો એમની પરસ્પરની પ્રીતિ અને વફાદારીને લેશ પણ ઓછી કરી શકતાં નથી. ઊલટાં વધારે છે અને તેને વજ્રલેપી તથા વિશુદ્ધ બનાવે છે. નળને પોતાને ઊંઘમાં છોડી ચાલી ગયેલો જોતી રડતી વલવલતી દમયંતી પાસે કશા અન્યથાભાવને અંતરમાં પ્રવેશવા ન દેતાં ‘હો નળ’ રટ્યા કરતી શાર્દૂલને, વૃક્ષને ‘નૈષધનાથ’ની ભાળ પૂછતી ભટકે છે, પોતાને ભેટવા ધસતા પારધીને સતીત્વપ્રભાવી શાપથી બાળી ભસ્મ કરે છે, અને આત્મહત્યાનો પ્રયાસ કરતી વેળાયે ‘નળની દાસી થઈ અવતરું’ એમ પ્રભુને પ્રાર્થે છે, એમાં કળિના આશયનો પરાજય જ છે. કળિને તમ્મર આવી જાય એવો પરાજય તો સાંપડે છે ત્યારે, જ્યારે તાપસવેશે તેણે ‘નળ છે ક્ષેમ, પણ ઉતાર્યો તુજથી પ્રેમ’ એમ કહી નળ બીજી નારી શોધે છે તો તું પણ મન ફાવે તે કરી શકે એવું સૂચન કર્યું ત્યારે ‘માહારા પ્રભુને છે કલ્યાણ એમ જાણી હરખાઈ દમયંતી ‘લક્ષ નારી કરો રાજન પણ માહારે તો નળનું ધ્યાન’ બોલી, ત્યારે વણજારા મંડળીને નૈષધપતિનાં રૂપ-શણગારનાં એંધાણ આપી તેને પત્તો પૂછતી, માર ખાઈ નાસતી વેળાયે પણ ‘નૈષધ રાજિયા’ને સંભારતી દમયંતીનું મનકડવા ૪૩ની કડી ૧૨-૧૩ પ્રમાણે નળથી ચળાવવા ને તેના મનમાં નળ પ્રત્યે દ્વેષ ઉપજાવવા કળિએ જે આખરી પ્રયત્ન હાર ગળવાનો કર્યો, તેનેય દમયંતીએ ‘લેનારું ફાટી પડજો’ની હાય-વાણીથી પરાસ્ત કર્યો. દેવો, રાજાઓ, પારધી, ઋતુપર્ણ સૌ દમયંતીના દેહસૌદર્યથી જ અંજાયા-આકર્ષાયા હતા. નળ અને તે પણ એકમેકનાં રૂપથી જ પ્રથમ પ્રીતિબદ્ધ બન્યાં હતાં. પણએ પ્રેમ શરીરસૌંદર્યની પ્રાથમિક ભૂમિકાને વટાવી વિજોગની ભઠ્ઠીમાં તવાઈ હૃદયનો સૂક્ષ્મ, નિર્મળ અને ઊંડો પ્રેમ બને છે. નળના સૌંદર્યનાં વખાણ સાંભળીને જ તેના પ્રત્યે આકર્ષાઈ જે તેને વરી હતી, તે દમયંતી જ્યારે ‘નથી રૂપનું કામ, એ ભૂપ મારા’ કહી તેના બાહુક સ્વરૂપની કિંકરી બનવામાં પોતાની કૃતાર્થતા જાહેર કરે છે, ત્યારે તો કળિ પૂરો જમીનદોસ્ત થયાનો અનુભવ આપણને થાય – જોકે પોતાના આવા ભૂંડા પરાજયની નામોશી સ્વીકારવા પહેલાં જ એની દુરાશયી લીલા સંકેલાઈ ગઈ હોય છે.

જોઈ શકાશે કે પ્રયોજનની દૃષ્ટિએ નળ-દમયંતીની કથા ભારતીય તેમ પાશ્ચાત્ય બેઉ આદર્શને સંતોષતી કરુણકથા બની છે, તો સિદ્ધિની દૃષ્ટિએ સ્થૂળથી સૂક્ષ્મ, દૈહિકથી આત્મિક, ભૂમિકામાં વિકાસગતિ કરતી સ્નેહલગ્ન અને લગ્નસ્નેહ કે દાંપત્યના ઊજળા આદર્શની ઊંચા સ્તરની પ્રેમ-કથા પણતે અનાયાસે બની ગઈ છે.* આવો બેવડો લાભ સર કરતી આ કથાએ યુધિષ્ઠિરને આશ્વાસન આપવાના એના મૂળ પ્રયોજનને કારણે સુખાન્ત બનવું રહ્યું હતું. તેથી, ત્રણ વરસના રઝળપાટ અને વિજોગ-દુઃખની અવધ પાકતાં નાયક અને નાયિકાના સુખદ પુનર્મિલન, વિખૂટાં પાડવામાં આવેલાં સંતાનો સાથે તેમના પનઃસંયોગ તથા વિના ઘર્ષણે પુષ્કરની જ પ્રેમભરી સોંપણીથી રાજ્યની તેમને થતી પુનઃપ્રાપ્તિ સાતે આખ્યાનની સમાપ્તિ થાય છે. ઋતુપર્ણે શીખવેલી ગણિતવિદ્યાથી બીજી વિદ્યાના પ્રવેશને લીધે કળીએ નળના તથા પછી પુષ્કરના દેહમાંથી વિદાય લેતાં આ શક્ય બને છે. પોતાના દેહમાંથી બહાર નીકળતા કળિને મારવા જતા નળને કળિએ પોતાનાં બધાં દુર્વુત્ત સામે ધ્યાન અને દાનની શીઘ્રફલદાયિતાના બે ગુણ દેખાડતાં નળે તેને જવા દીધાની વાતની આ મધ્યકાલીન ગુજરાતી આખ્યાને ધ્યાન-ભક્તિ અને દાનનો મહિમા સમજાવવાનું એક નવું આડ-પ્રયોજન પણ નળ-કથાને આપ્યું લાગે.

આમ થતાં, નળની કથા ભારતીય ‘છાપ’ (Brand)ની મંગલાન્ત કરુણકથા (Tragi-Comedy) બની છે. આમ ભારતીય સાહિત્યભાવનાને નકરી અમિશ્ર માનવ દુઃખકથા કદી રુચી નથિ. વિધિવક્રતા, અસતનું પરિબળ અને માનવીનાં વૃત્તિ-વર્તનના કોઈ દોષ કે ચૂકથી ઉદ્‌ભવી પડતાં દુઃખ અને વિષમતાના આલેખનથી માનવજગતમાં અંતર્હિત કરુણતાનું દર્શન ‘રામાયણ’, ‘મહાભારત’, ‘અભિજ્ઞાન’, ‘શાકુન્તલ’, ‘ઉત્તરરામચરિત’ જેવાં મહાન સર્જનોમાં ભારતના ઋષિ-કવિઓએ અને નાટકકારોએ નથી કરાવ્યું એમ નહિ; પણ અંતે તો આપણી ન્યાયભાવનાને સંતોષે એવો સમાધાનપ્રેરક મંગલ સુખાન્ત જ તેમણે ઇષ્ટ ગણ્યો છે. મધુરેણ સમાપયેત્‌ એ નાટ્યાચર્ચા ભરતની શીખ એમાંથી જ જન્મી છે. એ શીખે સર્જેલી પ્રણાલિકાએ આ દેશમાં પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય બંધાયો ત્યાં સુધી લોકરુચિને ‘ખાધું પીધું ને રાજ કર્યું’ શૈલીના સમાપનની ચાહક બનાવી મૂકી હતી. આખ્યાનનો અંત એ લોકરુચિને ભાવે એવો ઘાટ લે એ સ્વાભાવિક હતું. વળી, ‘મહાભારત’ વાળું મૂળ ઉપાખ્યાન પણ મંગલાન્ત જ હતું.

આખ્યાનસિદ્ધિ અને કાવ્યસિદ્ધિ

‘નળાખ્યાન’ આસ્વાદાય-મૂલવાય બે રીતે : એક, લોકસમાજ જ્યારે આખ્યાનમાં થોડાક મનોરંજનની અને થોડાક ધર્મસંસ્કારની અપેક્ષા રાખતો અને આખ્યાનકારો બહુધા એ સંતોષતા એવા મધ્યકાળના સમય સંદર્ભમાં, સાપેક્ષ ધોરણે બીજી, રસતત્ત્વ અને શુદ્ધ સર્જકતા કે સર્વકાલીન નિરપેક્ષ સાહિત્યિક ધોરણે. સાપેક્ષ અધ્યયન પ્રેમાનંદના આખ્યાનકાર તરીકેના અને નિરપેક્ષ તેના કવિ તરીકેના સામર્થ્યની તપાસ બની રહેવાના. બેઉ ધોરણે તપાસતાં ‘નળાખ્યાન’ હૃદય-સંતર્પક કૃતિ ઠરે તેમ છે. પ્રેમાનંદ એકમાં બેઉ છે – આખ્યાનકાર અને કવિ, અને બેઉ ઊંચી કોટિના બેઉ નોખા નોખા અને એકમેકને વિક્ષેપક રીતે કામ કરતા નથી, અજબ બિરાદરી સહકારમાં વર્તે છે. પ્રસંગ-ખિલવણીનો પોતાનો કસબ અજમાવી ધારી વાર્તા-રંગત જમાવતો આખ્યાનકાર યોગ્ય અવસરે મિત્ર કવિને આગળ કરી તેને બોલવા દે છે. આજની ભાષામાં કહીએ તો માઇક એટલો વખત તેને સોંપે છે. આખ્યાનકાર બોલકો બને છે ત્યારે તેની વાર્તાસૂઝ કામ કરતી હોય છે, કવિકર્મ વખતે તેની ચિત્રણશક્તિ, નાટ્યદૃષ્ટિ અને ભાવાભિવ્યક્તિ. પણ આમ તો વિચારવા-સમજાવવાની સગવડ સારું કહીએ છીએ. વસ્તુતઃ આખી કૃતિ તેના વાર્તાતત્ત્વમાં તથા કાવ્યતત્ત્વમાં એકીસાથે પ્રવર્તતો પ્રેમાનંદની સર્જકતાનો સંકલિત વ્યાપાર જ દેખાડી રહે છે. આથી એની ઉપર જ નજર રાખીને કારાતું આખ્યાનનું સમગ્ર-દર્શન તેના સર્જકની આખ્યાનસિદ્ધિ અને કાવ્યસિદ્ધિની મુલવણી બની રહેશે.

એવી સમગ્રાવલોકી દૃષ્ટિ સૌપ્રથમ જઈ ઠરશે આખ્યાનની ેતેને કલાકૃતિની એકતા આપતીક સુઘટિતતા ઉપર યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરરૂપે શરૂ થતું નળનું આખ્યાન અંતિમક કડવમાં બૃહદશ્વના પ્રશ્ન અને યુધિષ્ઠિરના ‘પરિતાપ ગયો માહારા મનનો’ એવા ઉત્તર અને ‘તોડે દિવસે અર્જુન આવ્યા રીઝ્યા ધર્મરાજાનજી’ એવા સુખદ અંત સાથે પુરું થાય, એ સાથે વૈશંપાયન-જનમેજ્ય સંવાદ આ આખ્યાન પૂરતો આટોપાય, અને દૃષ્ટાંતકથા તરીકે કહેવાયેલી નળ-દમયંતીની કથા પણ નળ રાજા અને પુષ્કર સેનાપતિ એ આરંભની પરિસ્થિતિના પુનઃસ્થાપનની તથા આરંભના જેવા જ નળરાજાના ધર્મરાજ્યના વર્ણનવાળા અંતથિ સમેટાય એવી યોજના આ આખ્યાનને એક સુશ્લિટ આકાર આપે છે. પણ ‘નલોપાખ્યાન’ની જ યોજના એવી હોઈ એને પ્રેમાનંદની પોતાની સિદ્ધિ કહી શકીએ તેમ નથી. એ થોડીક જોઈ શકાય ‘નળાખ્યાન’ના આંતરિક ઘડતરમાં. લોકોત્તર માનવીઓનેય પડેલાં દુઃખના એક ઉદાહરણ તરીકે કહેવાયેલી નળની કરુણકથા બીજાં દુઃખો સાથે તેના અને દમયંતીના વિજોગના દુઃખનીય કથા બની છે. એ વિજોગ દુઃખની તીવ્રતા ઉપસાવવા એમના એકમેક પ્રત્યેનાં આકર્ષણ, ઝંખના અને દેવો તરફથી આવતી નડતરને પાર કરી સ્વયંવરલગ્ન દ્વારા સધાતા સંયોગની કથા ‘મહાભારત’કારની પેઠે પ્રેમાનંદનેય આરંભમાં કહેવી જરૂરી લાગી છે. પ્રેમાનંદે નાયકનાયિકાના લગ્ન સુધીના બનાવોને આખ્યાનમાં ખાસો ૨૮ કડવાં જેટલો વિસ્તાર આપ્યો છે. નારદના દમયંતીવર્ણનમાં બે, હંસગ્રહણ અને હંસના દુતકાર્યમાં દસ, નળના દેવોના દૂતકાર્યમાં છ અને દમંયતીસ્વયંવરમાં પાંચ કડવાં રોકનાર અને પ્રત્યેક વાર્તાક્ષમ પરિસ્થિતિને પૂરું નિરૂપણ આપનાર આખ્યાનકાર મૂળ કથાપ્રયોજનને ભૂલી ગયો હશે કે શું એમ આજના વાચકને પ્રથમ લાગે. પણ પ્રેમાનંદ સમગ્રનો ખ્યાલ ભૂલી જતો નથી. વૃક્ષોમાં જંગલ ખોવાઈ જતું નથી. ૨૯મા કડવાની આખ્યાનનું કાર્ય વેગ પકડે છે. જોકે વૃત્તાન્તનો કાર્યપ્રવાહ તે પહેલાંના નિરાંતિયા નિરૂપણ વેળા પણ ધીમો ધીમો આગળ વધતો તો રહ્યો હતો. દ્રુત ગતિએ બે કડવામાં નાયક નાયિકાના વનગમન સુધી પહોંચી જઈ, બે કડવામાં મત્સ્ય-પ્રસંગ અને નળનો દમયંતીત્યાગ આલેખી, નળને બાહુક બનાવી ઋતુપર્ણને ત્યાં પહોંચાડી દઈ, ‘હરિ હું કહીયે નથિ સમાતી’ એ એની ધાને અક્ષરશઃ સાચી ઠરાવતાં દમયંતીના વીતકોને દશ કડવાં આપી, પછીનાં દશ કડવાં આ વિજોગી દંપતીના પુનર્મિલનની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં રોકતો પ્રેમાનંદ સમગ્રપણે આખ્યાનમાં નાયક-નાયિકાની સંયોગકથા જેટલો જ વિસ્તાર તેમની વિજોગદશાને આપી, એમની સુખકથા તથા દુઃખકથા ઉભયના આલેખનને વિસ્તારની દૃષ્ટિએ સમતોલ બનાવે છે.* એ હકીકતે અભ્યાસીનું ધ્યાન ખેંચવું જોઈએ. આવું પ્રમાણભાનજ છેલ્લા નવ કડવામાં નાયક-નાયિકાના પુનઃસંયોગ અને સંપૂણય દુઃખનિવૃત્તિને કથાવિષય બનાવી કાવ્યની પૂર્ણાહુતિ કરવામાં પણ પ્રેમાનંદ દેખાડે છે. આ બધું જેમ એનું સંવિધાનકૌશલ બતાવે છે, તેમ આખ્યાનનાં પ્રસ્તાવના તથા ઉપસંહારમાં દેખાતો અનાવશ્યક વિસ્તારનો અભાવ તેનો ગૌણમુખ્ય વિવેક સાબૂત હોવાની પ્રતીતિ કરાવે છે.

આખ્યાનના પૂર્વાર્ધની નળ-દમયંતી લગ્નકથા પ્રેમાનંદની સર્જકતાને સારો અવકાશ આપે છે. સ્વાભાવિક રીતે જ એનો મુખ્ય રસ શૃંગાર બને. પ્રથમ નળ અને પછી દમયંતીને એના આલંબન વિભાવ બનાવી, નારદ દ્વારા થતી દમયંતીની અને હંસ દ્વારા થતી નળની રૂપ-પ્રશંસાને ઉદ્દીપન વિભાવ બનાવાઈ છે. બે કડવાં (ક. ૪-૫)માં રેલાવાયેલી નારદની દમયંતી-રૂપપ્રશંસ બહુધા સંસ્કૃત કાવ્યપ્રણાલીની છે. અતિશયોક્તિ-અલંકારની મદદથી દમયંતીના અંગોપાંગોનું અને ઉત્પ્રેક્ષણાદિથી તેના વસ્ત્રાલંકારાદિથી દ્વિગુણિત બનેલા સૌંદર્યનું એક રીતે કહો તો પરોક્ષ પદ્ધતિએ વર્ણન કરવામાં આવ્યું છે. ‘મહાભારત’, ‘નૈષધીયચરિત’ તેમ ભાલણ ને નાકરને ચીલે ત્યાં પ્રેમાનંદ ચાલતો જણાય છે, છતાં એની કલ્પનાને આ રસિક વિષયે ઠીક ઉત્તેજી હોઈ સ્વકીચ ચમક પણ તે સારી બતાવે છે. નારદની કરતાં હંસની દમયંતીરૂપપ્રશંસા (ક. ૧૫)નો પ્રકાર મોટે ભાગે એ જ છે, પણ એમાંથી ઊભાં

‘કદલીસ્થંભા જુગ્મ સાહેલડી વચ્ચે વૈદર્ભી ક્નકની વેલડી.’
‘વેલ જાણે હેમની અવેલફૂલે ફુલી.’
‘સામસામી હવી શોભા વ્યોમભોમે સોમ.’
‘જ્યોતે જ્યોતે સ્તંભ પ્રગટ્યો, શું એથી રહ્યું આકાશ!’

જેવાં ઉપરાઉપર આવતાં ચિત્રો અને તેના ગર્ભમાં સ્ફુરતા અલંકારો કવિત્વનાં ઉલ્લાસ, ગતિ-સ્ફૂર્તિ અને માત્રા સવિશેષ બતાવે છે. ‘નવ રહેવાયું મહારી વતી.’ ‘શુધબુધ ન રહી માંહારી.’ ‘પડ્યો મોહમોરછા ખાઈ’ જેવી પંક્તિઓમાં વ્યક્ત થયેલી એ સૌંદર્યદર્શને થયેલી હંસની ભાવાનુભૂતિ એ સૌંદર્યવર્ણનને સાક્ષાત્કૃત કરી આપે છે. હંસે તો દમયંતી આગળ નળનું રૂપ વર્ણવવાનું હોય, પણ પોતાનું ‘મિશન’ પૂરું કરી પાછો આવતાં તે નલ આગળ દમયંતીનું આવું વર્ણન કરે એમ યોજીને પ્રેમાનંદમાંના કવિએ જ પોતાની સૌંદર્યતૃષા છિપાવી છે. આટલેથીય તૃપ્ત ન થયો હોય તેમ અને જાણે ‘નવ રહેવાયું માહારી વતી’નો ભાવ પોતેય અનુભવીને તેમ કરતો હોય એમ, તેણે સ્વયંવર મંડપમાં પધારતી દમયંતીના રૂપ-છાકનું ચારણી બાનીની છટા, ભભક અને નાદવૈભવમાં મઢેલું સજીવ ચિત્રાલેખન કડવા ૨૭માં કર્યું છે, તે આખ્યાનમાંનું ચોથું અને વધુ મૂર્ત દમયંતીરૂપવર્ણન બને છે! એની સર્જક કવિપ્રતિભાએ ઘડેલી આવી દમયંતીના સૌંદર્યમાં મુગ્ધ કવિ દમયંતી હંસને જે યુક્તિથી ઝાલે છે તેમાં પણ તે સૌંદર્યને જ આગળ કરે છે. દમયંતીનું આ સૌંદર્યવર્ણન ફીકું લાગવાનું. એનો પ્રકાર કડવા ૪-૫માંના દમયંતીરૂપવર્ણન જેવો રૂઢ શૈલીનો છે. કડવા ૨૬માંનું સ્વયંવરમંડપમાં આવતા નળનું વર્ણન એ જ શૈલીનું છતાં તેના આગમનથી થતી અસર બતાવતું હોઈ એ કારણે તથા તેની દેશીને લીધે સહૃદયના દિલમાં વિશેષ ચોં૦ટે તેવું થયું છે.

આ ઉદ્દીપને જન્માવેલા ‘રુધિર અવટાયું પળપળ’ અને ‘અનંગઅનલ નળને વ્યાપ્યો’ અને ‘રંભણ-ચુંબન કરે કેળને, થડથી મરડી પાડે’ જેવા નળના અને રોમરોમ તેને વહ્‌નિ પ્રગટ્યો લાગી તાલાવેલી’ જેવા દમયંતીના અનુભવનું ઉત્કટ આલેખન ‘કાદંબરી’ શાઈ અને મધ્યકાલીન વારતાઓની ઢબનું છે. નળના દૂતકાર્ય પ્રસંગના નિરૂપણ વેળા પ્રેમાનંદ આ શ્રવણજન્મી પ્રીતને રૂપ-મોહથી ઊંચેરી કોટિમાં લઈ જઈ સ્થાપે છે, તે સાથે નાયક-નાયિકાની અપૂર્વ રૂપમત્તાને વિરલ ગુણશ્રીથી વિભૂષિત બનાવેછે. ‘પ્રેમે પ્રેમ થયાં બે ભેળાં’ ત્યારે ‘મોહ્યો ભૂપતિ દેખીને મહિલા’ પણ દેવોનો વચનબદ્ધ હોઈ એ ‘સત્યવાદીએ સત્ય જ રાખ્યું’, અને ‘મનથી પર્ણવું કાઢી નાખ્યું.’ એને કરવી પડેલી સ્વનિંદા અને દેવોની વકીલાતનો જવાબ પ્રથમ વ્યગ્રતા અને ધરણીપાત પછી તરત મક્કમ સૂરે ઉચ્ચારાયેલા ‘નૈષધપતિને પિંડ સોંપ્યો અન્ય તણું કામ’ એ વાક્યથી તેમ જ દેવો બળજબરી કરે તો પ્રાણત્યાગ કરવાના પોતાના નિરાધારથી દમયંતી આપે છે. નાયક અને નાયિકા બેઉ તેમના નવજાત પ્રેમ ઊપર તરતમાં આવી પડતી કસોટીમાંથી સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય છે. મુખ્ય પાત્રોના ભાવાલેખનનો તકાદો ઊભો કરતી બે નાજુક પરિસ્થિતિમાંથી આપણો આખ્યાનકાર પણ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય છે. પછી સ્વયંવર મંડપમાં નળનું રૂપ ધરવાની દેવોની યુક્તિ આ સંકલ્પદૃઢ પ્રીતિને હંફાવી શકતી નથી. લગ્ને જોડેલાં નાયક-નાયિકાના સંભોગ-શૃંગારના નિરૂપણની સરસ તક એ પછી પ્રેમાનંદના હાથમાં જ હતી, પણએણે ગજબનોસંયમ પાળ્યો છે. એવા નિરૂપણની વાનગી ‘ઓખાહરણ’માં ચખાડી લીધા બાદ તેનો ‘વન્સમોર’ કરવાન માંગતો હોય તેમ, કે હજી અરધે રસ્તે જ પહોંચાયું અને એ દંપતીને માથે તૂટી પડતી દુઃખપરંપરાનો લાંબો પંથ કાપવો તો બાકી છે, એવું ભાન એનેએ અંતરમાં સહસા જાગ્યું હોય તેમ, એવા શૃંગારવિલાસ માટે થોભ્યા વિના આગળ જ વધી, એણે પેલા દુઃખના પંથકમાં પગ મેલ્યો છે. વિલાસ-શૃંગારની લાલચમાં એ લપેટાયો હોત તો કથાનું પ્રધાન પ્રયોજન જોતાં એ અનૌચિત્ય પણ ઠરત નહીં?

નાયક-નાયિકાનીદ આટલે સુધીનીદ પ્રેમકહાણીમાં વ્યાસ અને ભાલણને ન જણાયેલી હાસ્યવિનોદની શક્યતા આજન્મ હાસ્યકારની નજરથી પકડી સ્મિતલહરીથી અટ્ટહાસ્યની કક્ષા સુધીના હાસ્યરસ માટે આ આખ્યાનને મોકળું મેદાન પ્રેમાનંદે બનાવ્યું છે એ એની જ વિશિષ્ટતા છે. હંસે દમયંતી આગળ કરેલા નળના રૂપના પરોક્ષ પ્રભાવના વર્ણન (ક.૧૨)માંનો તથા નારદના ‘હું ન જાઉં તાહરે માગે... બ્રહ્મચર્યવ્રત માહારું ભાગે’ એ ઉદ્‌ગારનો સ્મિતપ્રેરક પ્રેમાનંદી વિનોદ દમયંતી-સ્વયંવર વેળા ઉમેદવાર રાજાઓનાં વૃત્તિવર્તનના તથા દેવોની પત્નીઓને તે જોવા અંતરિક્ષમાં તેડી લાવવાના નારદના કૃત્યના નિરૂપણમાં અટ્ટહાસ્યપ્રેરક બની જાય છે. આખ્યાનને હાસ્યરસના લાભ સાથે હાસ્યાવલંબનભૂત પાત્રોનાં સ્વભાવલક્ષણો તથા તેમના પ્રસંગગત વૃત્તિ, વર્તન, વાણી વગેરેનાં અતિશયોક્તિરંગ્યા પણ વાસ્તવાલંબી નિરૂપણનો તથા પ્રસંગના વાર્તાતત્ત્વની કે નાટ્યતત્ત્વની જમાવટનોય બેવડો લાભ એથી થાય છે. જોઈ શકાશે કે એમાં કવિ પ્રેમાનંદ કરતાં આખ્યાનકાર પ્રેમાનંદ વધુ સક્રિય બન્યો છે.

પ્રસંગજમાવટની કળામાં પાવરધો પ્રેમાનંદ નળે હંસને પકડ્યો ત્યારે ‘પાપી માણસાં રે’વાળા વિલાપ દ્વારા તથા હંસના ‘એક જ એક છું હું તેહને માતા કોહોને દેખીને ઠરશે?’ તથા ‘વહાલી સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો છે, મેં તેહેનું મુખ નથી જોયું’ જેવા કુટુંબવાત્સલ્યનું રોચક ચિત્ર ઊભું કરી, શ્રોતાઓનાં દિલને સ્પર્શે એવા ઉદ્‌ગાર દ્વારા પ્રસંગોચિત પણ આખ્યાનની હવામાં ફરકાવવાની તક ઝડપી લે છે. નળની સભામાંથી નારદ અંતર્ધાન થઈ જાય, સ્વર્ગમાં પણ તેની ગતિ હોય, હંસ માનવની વાણીમાં બોલે, દેવો માનવરૂપ ધારણ કરે અને દમયંતી સિવાય બીજાં એમને જોઈ નશકે, નળ દેવોની શક્તિથી બીજાથી અદૃશ્ય રહી દમયંતી માટે જ દૃશ્ય રહી શકે, દેવો માંહોમાંહેના શાપથી પશુમુખ બની પાછા હતા તેવા બની જાય વગેરે બનાવો દ્વારા અદ્‌ભુત રસની લહાણ પણ આખ્યાનને પૂર્વાર્ધ પૂરતી મળી છે.

આમ શૃંગાર, હાસ્ય કરુણ અને અદ્‌ભુત રસની યથાવકાશ નિષ્પત્તિ સાધતાં અને નારદ, હંસ દેવો અને રાજાઓ સાથે નાયક-નાયિકાનાં પાત્રોને યથેષ્ટ ઉઠાવ આપતાં આપતાં નારદની નળની, હંસની, દમયંતીની, દેવોની નળની, અને જોગીવેશે નળની દમયંતીની મુલાકાતોના પ્રસંગોને પોતાની સર્જકતાના સ્પર્શથી સજીવ બનાવનાર પ્રેમાનંદનિ ચિત્રણશક્તિ સ્વયંવરવર્ણનમાં બરાબરની ખીલી છે. ૨૩મા કડવાની છેલ્લી ચાર કડીમાં આગલી રાતના રાજાઓના શણગાર, ચાલ ઇ.ના પૂર્વાભ્યાસનો અને ૨૪મા કડવામાં પ્રભાતે સ્વયંવર-મંડપમાં થતા તેના ગમનનો, તથા મંડપની રચના તથા અંદરના બંદીજન, જતિ-મુનિઓ, નર્તકો અને નર્તિકાઓની પ્રવૃત્તિથી દૃશ્ય સાથે પેલા રાજાઓની હાસ્યોત્પાદક લાલચુ ચેષ્ટાઓનો તાદૃશ ચિતાર ખડો કરી, પ્રેમાનંદ રાજમહાલયમાં શણગાર સજતી દમયંતી અને તેને પ્રવેશતી જોવા રાજાઓની મંડપના બારણા પર ખોડાયેલી નજર સામે, પછી સ્વયંવરમાં પ્રવેશતા નળ સામે, પછી મંડપમાં પધારતી દમયંતી સામે પોતાનો કૅમેરા ધરી, છેલ્લે મંડપમાં બનતું બધું – દમયંતીનું ધ્યાન ખેંચવા વિવિધ ચેષ્ટાઓ કરતાં રાજાઓ, તેમને ઉવેખી આગળ ચાલતી દમયંતી તેની નજરે ચડતા પાંચ નળ, દેવોનાં ‘કન્યા કહે, વર રૂડા ચાર!’ એ પંક્તિ સ્ફુરાવતાં વિચિત્ર મુખો અને ફરી થઈ જતી પૂર્વવત્‌ સ્થિતિ, ‘હું હું નળ’ એમ બોલતા તેમને જોતી ઇન્દ્રાણી આદિ, અને છેલ્લે દમયંતીની પ્રાર્થનાથી સ્વ-સ્વરૂપે પ્રત્યક્ષ થતા દેવોનાં નળ-દમયંતીને વરદાન, નળ-દમયંતીનું લગ્ન – આપણી સમક્ષ ભજવાતું દેખાડે છે. આખ્યાન અને કાવ્યકૃતિ, બેઉ તરીકે એ ્‌પ્રસંગનું નિરૂપણ સંતર્પક બન્યું છે તે આ કારણે.

૨૯મા કડવા પછી શરૂ થતી નળ-દમયંતીની સંયોગાન્ત વિજોગકથાદ એમના પર પડતાં અણધાર્યાં દુઃખોની કથા હોઈ વિપ્રલંભ શૃંગાર અને કરુણ એના મુખ્ય રસ બની રહે છે. દ્યૂતપરાજય બાદ ‘મોસાળ પધારો રે બાડુઆં’વાળા પદનાં ડૂસકાંથી એની કરુણ-ગંભીર હવા જમાવી, પ્રેમાનંદ સંતાનવિજોગ પછી આ દંપતીને થતા એકમેકના વિજોગની ઘટના એમાં નિમિત્ત બનાવેલા મત્સ્ય-સંજીવનના પ્રસંગ સાથે વિગતે નિરૂપે છે જેનેજ વનભ્રમણનાં કષ્ટમાંથી બચાવવા નળે પિયેર જઈ રહેવા કહ્યું, પણ જે ‘જેમ છાયા છેહને વળગી જી’ એ રીતે તેનાથી વિખૂટી પડવાન ઇચ્છી તેની દુઃખભાગિની બની સાથે થઈ, તે દમયંતીને એનો પતિ અર્ધે વસ્ત્રે વનમાં અંધારિદ રાતે ઊંઘતી મુકીને ચાલ્યો જાય, એ પ્રસંગના નિરૂપણે પ્રેમાનંદે ‘વિચારે વિચારનિધિમાં પડ્યો, આવતજાવત હિંડોળે ચડ્યો’ અને ‘સાત વાર આવ્યો ફરી ફરી’ એવા નળના દમયંતી ત્યાંગ વેળાના ભાવમંથનની, કડવા ૩૪માંના નળના કરુણ વિલાપની અને કડવાં ૩૬-૩૮માંના દમયંતીના દુઃસ્વપ્ન અને વિલાપ તથા કરુણ દશાની કવિતાની સુંદર તક આપી છે. ‘વૈદર્ભી વન વલવલે, અંધારી રે રાત’માંનું અંધારી રાતના ભીષણ અરણ્યનું અને તેના સન્નિવેશ કે પરિવેશમાં પડતી-આખડતી વલવલતી દમયંતીનું સાક્ષાત્કારક ચિત્રણ સાહિત્યિક મૂલ્યવત્તાવાળું બન્યું છે. એ પછીનાં દમયંતીનાં વીતકોની કથામાં તથા કડવા ૪૨ના મોરપીડિત દમયંતીનાં ઊર્મિઘેરા (melodramatic) ચિત્રાલેખનમાં અને કડવા ૪૫માંની હારની ચોરીના આળના કરુણતમ પ્રસંગ વેળાની દમયંતીની આર્ત પ્રભુપ્રાર્થનામાં કરુણ રસનાં પૂર વહાવતા પ્રેમાનંદે નળને અંગે ‘હૃદે ભરાયું નળરાજાનું ઓળખી બંને દાસ’ (ક. ૫૭) ાને ‘બાહુકે દીઠાં બાલકાં ઊલટ્યું અંતઃકરણ’ (ક. ૫૮) એક એક લીટીમાં જે સંયમિત છતાં હૃદયસ્પર્શી નિષ્પત્તિ કરુણ રસની કરી છે તે સહૃદયોનાં હૃદયને વેધ્યા વિના નહીં રહે.

વિજોગદશાના વિપ્રલંભ-શૃંગારના નિરૂપણમાં પણ નળની બાબતમાં રોજ વિરહ વેદનાનો વ્યંજક શ્લોક બોલીને સૂવાની બાહુકની ટેવ સિવાય કવિ કંઈ વિશેષ બતાવતો નથી. પણ એ એક જ વાનું નળની વિરહદશાનું કારુણ્ય ચોટપૂર્વક પ્રગટ કરી રહે છે. દમયંતીના આલંબન-વિભાવ દ્વારા એનું નિરૂપણ આખ્યાનમાં વિશેષ અને વધુ અસરકારક થયું છે. ‘હો નળ, હો નળ’ રટ્યા કરતી, વનપશુઓને ને માર્ગમાં વૃક્ષોને નળની ભાળ પૂછતી, અજગર વડે ગ્રસાતી વેળાએ પણ ‘રસના રૂદે પુણ્યશ્લોક’ને ન મૂકતી, જોગી બનેલા કળિને નળના કુશળક્ષેમ વિસે પૂછતી, ‘હો નૈષધ દેશના રાજિયા અણચિંત્યું દો દરશન રે’ એમ ‘સ્વામીને’ ‘સાદ કરતી’, હીંડતી, વણજારા-સાથને નળનાં રૂપલક્ષણોની એંધાણીએ એની ભાળ પૂછતી, પિયર પહોંચીને ‘નામ નળનું ધ્યાન નળનું સખી શું નળની વાત રે’ અને ‘ઉગ્ર આખડી પાળે રે’ એમ (ક. ૫૧) વિજોગના દિવસો ગાળતી, વર્ષા અને શિયાળાની ‘વિરહ વધારણ’ ઋતુઓ વેળા વધુ વિરહસંતાપ વેઠતી (ક.૫૧), અને સુદેવે આપેલા બાહુક વિશેના સમાચારે અધીર ઉત્સુકતાથી એને બોલાવી લાવવા સ્વયંવરની યુક્તિ ગોઠવી સુદેવને અયોધ્યા મોકલતી (ક.૫૨) દમયંતીને પ્રેમાનંદે એવી આલેખી છે કે એને ભવભૂતિએ સીતાને માટે વાપરેલા ‘કરુણરસની મૂર્તિ અથવા શરીરિણી વિરહવ્યથા’ એ શબ્દો પૂરેપૂરા લાગુ પાડી દેવાનું આપણને મન થઈ જાય આ વિયોગવસ્થાએ તેના પ્રેમને કેવો ઊંડો, પાકો અને નિર્મળ બનાવ્યો છે એ આગળ બતાવ્યું જ છે.

પણ દમયંતી તથા નળ કાયમનાં વિજોગદુખિયાં રહેવા સર્જાયાં નથી વિજોગદશાનો અવધિ પૂરો થતાં એ સંજોગસુખિયાં બને છે. એ આનંદની ઘડીને કવિ પ્રેમાનંદે નીચેની પંક્તિઓમાં કેવી અમર બનાવી દીધી છે!–

અન્યોન્ય વાળી વાળી દીધાં આલિંગન :

પ્રવાહ ચાલ્યો પ્રેમરસનો, પ્રસ્વેદ થયો ઉત્પન્ન.
હર્ષભર્યાં હૈયાં ઊધરકે, ગદગદ કંઠ, જળ આંખે,
હર્ષ-આસુંએ વાંસાદ ભીના, અંગ ઉપર અંગ નાખે.
ફરી ફરી વદન નીરખે, નરનારી નિર્મળ ને વળી મળે
વનવેશ-પર-સેવા સંભારી, ઢળકે આંસુ ઢળે.

પૂર્વાર્ધમાં એમના પ્રણય અને પરિણયની કથામાં સંયોગ-શૃંગારની ગેરહાજરીની ખોટ આ આહ્‌લાદક ચિત્ર-વર્ણન પૂરી નથી દેતું?કલ એ ક્રિયાશીલ છે એટલું જ ભાવચિત્ર છે.

આખ્યાનના પૂર્વાર્ધની જેમ તેના ઉત્તરાર્ધમાં પણ કેટલીક ચમત્કારિક ઘટનાઓને લીધે અદ્‌ભુત રસને અવકાશ હતો. કળિ પાસા, સર્પ, પંખી, કાતું, માયાવી તાપસ આશ્રમનો દિગંબર્‌ મહંત, સિંહ અને જોષી બને અને ગોખલામાં પેસી હાર ગળી જાય, નળમાં બીજી વિદ્યાના પ્રવેશથી તેના શરીરમાંથી કળિને બહાર નીકળવું પડે, અને તે વેળા નળ જ એને જુએ – ઋતુપર્ણ એને જોઈ ન શકે, દમયંતીને વાસવના વરદાનથી અજગરનું વિષ ચડે નહીં, દમયંતીના શાપથી પારધી બળી ભસ્મ થાય અને ટોડલો ફાટી એમાંથી હાર નીકળે, કર્કોટક નાગના ક્રોડ દંશથી ‘કંદર્પકોડ’ નળ વરવો બાહુક બની જાય, અશ્વવિદ્યાના પ્રતાપે ટાયડાં ઘોડાંવાળા ઋતુપર્ણના રથને બાહુક એક જ દિવસમાં અયોધ્યાથી કુંદનપરુ લઈ જાય, બાહુકવેશે નળ દેવોનાં વરદાનથી ઠાલે કુંભે જળથી ન્હાય, અગ્નિ વિના કાષ્ઠ સળગાવી રસોઈ કરે ને દાઝ્‌યા વિના હાથનો કડછી તરીકે ઉપયોગ કરે (દાઝ્યા વિના તેણે દાવાગ્નિમાંથી કર્કોટકને ઉગાર્યો હતો જ), કર્કોટક દીધાં ત્રણ વસ્ત્રો પહેરતાં બાહુક પૂર્વવત્‌ રૂપ-કાન્તિમાન નળરાજા બની જાય – આવા બધા ચમત્કારકોટિના બનાવો આખ્યાનમાં અદ્‌ભુત રસની નિષ્પત્તિના સહાયક બન્યા છે. ચમત્કારોથી મુગ્ધ બનતી લોકવૃત્તિના જાણકાર પ્રેમાનંદે કળિની લીલા વધારી મૂકીને ‘મહાભારત’ કરતાં અદ્‌ભુત રસની માત્રા આથી આખ્યાનમાં વધારી દીધી છે. પારધીના અજગર ભક્ષણના પ્રસંગ દ્વારા બીભત્સ રસનું ચટકુંય તે આખ્યાનમાં લાવ્યો છે.

પણ આ બધા રસ મુલ કથાએ જ જરૂરી બનાવ્યા હતા. અનિવાર્ય નહીં તોય એને આખ્યાનમાં લાવી પ્રેમાનંદે મોકળાશથી નિષ્પન્ન કર્યો છે તે રસ છે હાસ્યરસ. પૂર્વાર્ધ જેવી એની રંગત ઉત્તરાર્ધમાંય પ્રેમાનંદે જમાવી છે. એમાં એણે લોકોને, શ્રોતાઓને, નજર સમક્ષ રાખી ત્રૈગુણ્યોદ્‌ભવ લોકચરિત્રનું દર્શન કરાવતાં ‘નાનારસ’ અને ભિન્નરુચિ લોકોના સમારાધનને વરેલા નાટકના જેવું કામ આખ્યાન દ્વારા બજાવી, તેમની રંજનાપેક્ષાને સંતોષવાનો પુરુષાર્થ કર્યો છે. અને પ્રેમાનંદમાં એવી નૈસર્ગિક હાસ્યપ્રવૃત્તિ છે કે પોતાનાં ઉત્તમ કોટિનાં બધાં આખ્યાનોમાં કોઈ ને કોઈ રીતે હાસ્યરસ લાવ્યા વિના તે રહ્યો નથી. એનાં ભક્તિપોષક ગણાય એવાં ‘મામેરું’ અને ‘સુદામાચરિત્ર’માં તો તેના નાયકોને ભોગેય એણે હાસ્ય રેલાવ્યું છે, જોકે અંતે તો એ દ્વારા એમનું ગૌરવ વધારાયું હોયછે. ‘નળાખ્યાન’માં તેનાં નાયક-નાયિકાની દુઃખકથામાં હાસ્યને માટે કશી શક્યતા કે અનુકૂળતા ન હતી, ત્યાં એણે પોતાનો આ કસબ અજમાવ્યો છે. પેલા પારધીજ પાસે ‘દેવે ન પામી ખપ કરતાં મુને વાર ન લાગી વરતાં’ એ સુયોગ પોતાને સંપડાવ્યા બદલ’ ધન્ય વિધાતા, તું મને દમયંતીનો દાતા’ અને ‘તરુણતાનો મેરુ, મેરુંનું તરણ, તાહારી લીલા અશરણશરણ’ એમ બોલાવી પ્રેમાનંદે કેવો માર્મિક વિનોદ ચમકાવ્યો છે! માર્મિક હાસ્ય માટે એણે વિશેષ પ્રમાણમાં નળના બાહુક રૂપ માટે વપરાતી તત્ત્વમાં નાટ્યહાસાત્મક વ્યંગોક્તિઓનો આશ્રય લીધો છે. ઋતુપર્ણ ‘આ તો રૂપે જાણે બીજો નળ’ (ક.૩૫).* કહી બાહુકને ‘સ્વરૂપના ધામ’ એમ સંબોધીને અને દમયંતીની દાસીઓ એને ‘કંદર્પક્રોડ’ને ‘ચંપાના છોડ’ (ક. ૫૭) કહીને એની મશ્કરી કરે, પણ એ સંબોધનો નળ માટે સાચા જ છે એ જાણનારા શ્રોતાઓ માટે તો એ હસવાનો સરસ મસાલો બને છે. દમયંતીના બનાવટી સ્વયંવરમાં જવાને સમયે ઋતુપર્ણની રાજસભાના સભ્યોના બાહુક માટેના ‘ આ રત્ન રથખેડન!’ બાહુકના ઋતુપર્ણ માટેના ‘આ ભિયા પરણશે દમયંતીને!’ અને ‘આપણ બંન્યો વર’ એવા ઉદ્‌ગારના જવાબમાં મશ્કરીના બાવે બોલાતા ઋતુપર્ણના ‘વર તમો પ્રથમ,’ અને એ પછીના પ્રવાસ વેળાના બાહુકના ‘તુજને હરખ પરણ્યા તણો તેમ હું યે ભર્યો છઉ કોડ’ ‘...ચેતા ઘણી છે માહરે દમયંતી વરવી’, ‘પરણવા જાઉં છું દમયંતી લેઉ તાહારી ભીખના ચૂંથા?’ એ શબ્દોનો હાસ્યરસ પણ આવી જ ચડિયાતી કોટિનો માર્મિક વિનોદ છે.

પણ શ્રોતાઓને હસાવવા છે તો એમાં કમીના શીદ રાખવી એવા ભાવથી, પણ વધુ તો દમયંતીનાં વીતકોની કરુણ-ગંભીર કહાણીથી ગમગીન થઈ ગયેલા શ્રોતાઓનાં ચિત્તને થોડી હળવાશ અનુભવાવવા અને આમેય હવે સુખદ અંત તરફ જ વાર્તાની સવારી જઈ રહી છે તો એને માટેની આનંદની હવા ઊભી કરવા, પ્રેમાનંદે ઋતુપર્ણ તથા બાહુક બેઉને તથા બાહુકે પસંદ કરેલા ઘોડાને હાસ્યનાં આલંબન બનાવી, કડવા ૫૩નો પૂર્વાર્ધ બેઉનાં ગ્રામ્ય ને સ્થૂલ કોટિનાં હસામણાં વર્તનથી ભરી દઈ શ્રોતાઓને ભરપેટ ખડખડક હસાવ્યા છે. ઋતુપર્ણને અંતે દમયંતીની ભત્રીજી પરણાવી તેનો બદલો વાળી દેવાનું યોજ્યું હતું એટલે, હોળીમાં જેમ સારી અને આદરણીય વ્યક્તિઓનેય રંગ કે ગુલાલની લહાણથી કોરી રાખવામાં આવતી નથી તેમ, નળના બાહુકરૂપના ગુપ્તવાસના એ ઉપકારીને આખ્યાનકારે ઉપહાસથી ખરડી નાખ્યો છે. સ્થૂલ હાસ્ય ઉપર ઊતરી જવાયું, એટલે પછી આપણા આખ્યાનકારે એટલા વખત પૂરતું લાંબી નજરનું ઔચિત્યભાન નેવે મૂકી, બાહુક પાસે ભીમકની સભામાંજ અને તે પછી દમયંતી પાસે જતાં પહેલાં કડવા ૫૮માં જે બોલાવ્યું-વર્તાવ્યું છે તેમાં નાયકની ગૌરવચ્યુતિને ભોગે હાસ્ય રેલાવ્યું છે. પણ શ્રોતાઓને હસાવવાની લેહમાં ‘સુદામાચરિત્ર’ના ભક્ત નાયક આવ્યો’ને ‘પાપિણી તમને પરમેશ્વર પૂછશે’ એમ બોલાવતાં આપણો આખ્યાનકાર ક્યાં અચકાયો હતો? પ્રસંગની નાટકી જમાવટમાં રાચતા જનમનરંજક આખ્યાનકારની લીલા જ અહીં દેખાય. કડવા ૫૩માં બાહુક ઋતુપર્ણની ગરજ વરતી પોતાનો ભાવ વધારતો જઈ ગાલિપ્રદાન સુધી તેનું અપમાન કરે, રાણી આગળ ડંફાશ મારી, તેને ઢીબીને આવેલો રાજા એક દિવસમાં કુંદનપુર પહોંચી જવાય તો દમયંતી પોતાની જ છે એમ માનતોદદ (એથી શ્રોતાઓમાં હાસ્ય પ્રેરતો) ગરજનો માર્યો બાહુકનું અપમાન વેઠી લઈ સામી તેની ખુશામત કરે, ‘દુર્બળ ઘોડા, દરિદ્રી બ્રાહ્મણ જોગ્ય સારથિનો જોડો’ એવો ઋતુપર્ણનો ‘વરઘોડો’ પ્રેક્ષક લોકટોળાનું (જાહેર નહિ, પણ આપસી) હાસ્ય પ્રેરતો આગળ વધે. આ બધું આખ્યાનકારે ભલી ભાતે ગોઠવ્યું છે, તે એવી મુક્ત હાસ્યની જમાવટ માટે જ ને?

પણ પ્રેમાનંદ હસાવવાની મળેલી તકનો કસ કાઢી લઈ તરત કેવી સિફતથી હાસ્યમાંથી અદ્‌ભુત રસમાં સરકી જાય છે! જેના દેખાવ ને વર્તનનું બે-બે કડીઓમાં ં હાસ્યોત્પાદક વર્ણન કર્યું છે એવા, ઋતુપર્ણમાં શંકા અને નિરાશા તથા જોનારાઓમાં હાસ્ય પ્રેરતા દૂબળા ઘોડા બાહુકના અશ્વમંત્રના પ્રતાપે પવનવેગે ઊપડ્યા એ વર્ણન અદ્‌ભુત રસને કેવો વધારી આપે છે! (મૂળ કથામાં ઘોડા દૂબળા નથી.) પ્રેમાનંદની રચનાઓમાં એક રસ બીજા રસને પોષક-સહાયક બનતો હોય છે તે આ રીતે એમ તો, બાહુકના ભીમકની સભામાંના તથા ત્યાર પછી દમયંતી પાસે જતી વેળાના અને દમયંતી સમક્ષનાદ હસામણા વર્તનમાંથી તરત નાયક-નાયિકના સકરુણ ભાવોત્કટ સંવાદનીદ ગંભીરતામાં થઈ તેમના ભાવાર્દ્ર પુનર્મિલનની ઉચ્ચતર પ્રસન્નતાની ગરવી ભૂમિકા પણ પ્રેમાનંદ કેવી કુશળતાથી સ્થાપી આપે છે!

વિવિધ રસોની આવી નિષ્પત્તિ પ્રેમાનંદને સહજસિદ્ધ છે તેનું કારણએ છે કે મધ્યકાળના ઘણા વાર્તાકારો અને આખ્યાનકારોની જેમ કથાના બનાવોને એક પછી એક કહી જવામાં જ તેને રસ નથી,ક પણ તેનાં અંગભૂત પાત્રોના તે તે બનાવોના માનવીય પ્રતિભાવો નિરૂપવામાં તેને વધુ રસ છે. દમયંતીત્યાગ વખતના નળના મનોમંથનને અને તે પછીના નળના તથા દમયંતીના શોક-સંવેદનને, પછીનાં વીતકો વેલા દમયંતીના મનોભાવોને, હારની ચોરીના આળ વેળા દમયંતી, ઇંદુમતી ને માશીના ભાવોને, સુદેવ-દમયંતી મિલન પ્રસંગે એ બેઉના હર્ષ-શોકના ગંગા-જમનાનાજેવા ભાવ-સંગમને, દમયંતીના અભિજ્ઞાન વેળા દમયંતીના ઔત્સુક્ય અને સ્મૃતિસંવેદનને, નળના અભિજ્ઞાને ઋતુપર્ણના પસ્તાવાને, નળના પ્રત્યાગમન વખતે પુષ્કરના હૃદયભાવને એમ પ્રત્યેક પ્રસંગે પ્રેમાનંદની નજર મુખ્ય અને ગૌણ પાત્રોમાં ભાવ-પ્રતિભા-સંવેદનોને જ આગળ કરવાની રહી છે, એ તરત જોઈ શકાશે.

ભાવનિરૂપણના આવા પ્રસંગોને પ્રેમાનંદ જેમ ‘મોસાળ પધારો એ બાડુઆં,’ ‘વૈદર્ભી વન વલવલે અંધારી રે રાત,’ ‘હો હરિ સત્યસંઘાતી, હરિ હું કહીંયે નથી સમાતી’ વગેરે જેવાં પદો પ્રયોજે છે. તેમ બે પાત્રો વચ્ચેના સંવાદનો કુશળ પ્રયોગ કરે છે. ‘નળાખ્યાન’માં પ્રેમાનંદના કવિત્વે જેમ પૂર્વાર્ધમાં તેમ ઉત્તરાર્ધમાં સંવાદોનો સારા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. એમાં કડવા ૨૨ની જેવો એક-એક કડીમાં થતાં બે પાત્રોના સવાલ-જવાબનો ૪૪મા કડવાનો ઇંદુમતી અને દમયંતી વચ્ચેનો અને કડવા૪૮ના એક-એક પંક્તિમાં ચાલતો દમયંતી અને સુદેવનો સંવાદ, કડવા ૫૦નો દમયંતી અને સુદેવનો રથની ગતિ સાથે ચાલતો સંવાદ, દમયંતીનાં સ્વજનોના હર્ષોત્સૌક્યભર્યા ‘કહાં દમયંતી?’ના ધ્રુવપદી ઉદ્‌ગારનાં અવર્તનનો પ્રયોગ, તથા કડવા ૫૪નો પ્રતિપળ નળના આગમનને ઝંખતી અને વીતેલા દિવસોને યાદ કરી હૈયાના ભાવોને વાચા આપતી દમયંતીનો ‘મહિલા માધવી’ને સંબોધાયેલો એકપાત્રી સંવાદ પદ્યકૌશલ અને કાવ્યત્વની દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર છે. એવો જ નોંધપાત્ર છે નળ-દમયંતીની પુનઃસંયોગની ઘડી પહેલાંનો એક કડવા (કડવા ૫૯)માં દમયંતીની માર્મિક પ્રશ્નધારા અને બીજા (કડવા ૬૦)માં બાહુકના ઉત્તરવાળો તથા પાછળથી ઉમેરાયેલા કડવા ૬૧માંનો ૩૦ કડીમાં દમયંતીના પ્રશ્ન અને ૧૭કડીમાં આવતા બાહુકના ઉત્તરવાળો આ આખ્યાનની અત્યંત નાજુક અને ઉત્કટ નાટ્યપૂર્ણ પરિસ્થિતિ વેળાનો સંવાદ. દમયંતીના અભિજ્ઞાન વેળાયે માશી-ભાણેજના અને નળના અભિજ્ઞાને ઋતુપર્ણ અને નળના દુઃખ પ્રદર્શક અને સાંત્વનદાયી સંવાદ તે-તે પ્રસંગને રસાત્મક ઉત્કટતા આપવા સાથે કથાનાં નાયિકા અને નાયકના પાત્રોનું ગૌરવ ઉચિત રીતે વધારે છે. ‘સુદામાચરિત્ર’માં સુદામા અને તેની પત્ની વચ્ચેના તથા શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચેના યાદગાર સંવાદોનો સર્જક એ બાબતમાં તેમ ભાવાર્દ્ર પદોની બાબતમાં આ આખ્યાનમાં તો સોળે કળાએ ખીલ્યો દેખાશે.

પ્રેમાનંદની ચિત્રનિર્માણશક્તિને પણ નળાખ્યાને સારેો અવકાશ આપ્યો છે. કડવા ૧૯માંનું દમયંતીના આવાસમાં નળજોગીએ જોયેલી દાસીઓનું ચિત્ર (કડી૯-૧૬), નળે છોડેલી વનમાં ભટકતી દમયંતીનું ચિત્ર (ક. ૩૭), અજગર વડે ગળાતીનું ચિત્ર (૩૮-૧૦-૧૨), દમયંતીને મળવા દોડતાં ભાઈ-ભોજાઈઓ, સાહેલીઓ અને માતાનું ચિત્ર (૫૦, ૧૪-૧૬), કડવા ૫૩માંનું રથાના ઘોડાનું અને ઋતુપર્ણના પ્રયાણનું ચિત્ર, પુષ્કર સૈન્ય સાથે સામે આવ્યો તેનું ચિત્ર (૬૫ ૮-૧૧) – આ બધાં પ્રેમાનંદની ચિત્રણશક્તિના બોલતા પુરાવા જેવાં છે. એની તાદૃશતા સાક્ષાત્કારક છે. એ પ્રસંગ-ચિત્રો તેનાં અંગભૂત પાત્રોનાં ભાવો, વૃત્તિઓ ઇ.નું પણ જીવંત વાસ્તવિક આલેખન કરી આપતાં હોય છે એ જણાશે. બાહુક* અને કળિ+ નાં શબ્દચિત્રોનો પણ એક પ્રકાર છે. પણ પ્રેમાનંદની લાક્ષણિક કવિસિદ્ધિ તો વરતાશે નીચેની જેવી એક પંક્તિમાં ખડાં કરાતાં ચિત્રોમાં :

વાહન પડધી ચાલ્યાનો છબ, ચરેણરેણુએ છાયો અભ્ર. (૨૪-૬)
પગપાનીએ શોભે ઘૂઘરા, વાજે કંકણ ને ઘૂઘરા. (૨૪-૧૫)
દેહદુર્ગ રેણુએ ભર્યો જેષ્ટિકાએ તુંબી ભરાવ્યું (૪૭-૧૨)
જુએ માવડી મુખ ભુજ મૂકી ગળે, દમયંતી. (૫૦-૧૮)
આગિયા આકશે ઊડિયા, અંબુ નિર્મળ ઇંદુ શરદ રે. (૫૧-૧૩)
તાણ્યા ન રહે ત્રેહેકતા, દે દોટ ઉપર દોટો (૫૩-૬૦)
હીંડતાં પગને સ્પર્શે કરીને કાળી થાયે અવની. (૫૭-૧૨)
જેમ તમાલ પૂંઠે વીંટાયે વેલી, તેમ કંથને વળગી રહી ગુણવેલી. (૬૧-૬૨)
શું ઉદધિ પર્વણી જાણી ઊલટ્યો પૂરણ ચંદ્ર નળ માટજી. (૬૫-૧૧)

એમ જુઓ તો કડવા ૧૫ના ઉત્પ્રેક્ષા અને રૂપક, તથા ૨૧-૬ના ઉત્પ્રેક્ષા અને ઉપમા જેવા અલંકારોમાં તથા ૨૭માં કડવાના દમયંતી વર્ણનમાં પ્રેમાનંદની કલ્પકતા અને ચિત્રશક્તિ જ વિલસી રહેલાં દેખાશે. પ્રેમાનંદના અલંકારો કડવા ૨૧ અને ૬૪ જુઓ કોઈક ઠેકાણે એ મધ્યકાલીનક ગુજરાતી વાર્તાકારો અને આખ્યાનકારોની યાદ આપે, પણ મોટા પ્રમાણમાં એ સંસ્કૃત કવિઓની પ્રણાલીના છે, અને ઊંચું કવિત્વ દેખાડનારા છે. પ્રેમાનંદ ’મહાભારત,’ ‘રામાયણ,’ ‘નૈષધીય ચરિત’, ‘રઘુવંશ’, ‘કિરાતાર્જુનીયમ્‌’ આદિથી અભિજ્ઞ હોવાનું આખ્યાનનાં આંતરિક પ્રમાણોથી સ્પષ્ટ જણાય છે, તેનું આ પરિણામ કહેવાય. અર્થાલંકારોમાં પોતાની કવિપ્રતિભા ઝબકાવતો કવિ વર્ણાનુપ્રાસ યમક, ઇ. શબ્દાલંકારોની પણ આયાસ વગરની લીલા આખ્યાનમાં અનેક સ્થળે દેખાડે છે. શબ્દના નાદતત્ત્વની તો તેની આંતર કર્ણેન્દ્રિયને સારી પારખ છે, જેનો લાભ તે આખ્યાનમાં અનેક સ્થળે આપે છે. આખ્યાનમાં પ્રયોજાયેલી દેશીઓ, કડવા ૨૭ની હરિગીતની અને કડવા ૬૧ની ભુજંગીની ચાલો, કડવા ૫૯ની દેશી, ‘ઓ નળ આવ્યો રે,’ ‘મોસાળ પધારો રે બાડુવાં’ અને ‘વૈદર્ભી વન વલવલે’ જેવાં પદો, આ બધાનો રાગ, લય વગેરેની તેમ જ ભાવાનુકૂળતાની દૃષ્ટિએ અભ્યાસ કરવાથી પ્રેમાનંદની વ્યવસાયી આખ્યાનકાર અને કવિ તરીકેની પોતાનાં ઉપકરણો પરત્વે સમૃદ્ધ સજ્જતાની અવશ્ય પ્રતીતિ થશે.

શબ્દના ઉપાદાન પરનું એનું પ્રભુત્વ અને એનો સૂઝભર્યો વિનિયોગ આ આખ્યાનને સારી કાવ્યકૃતિ બનાવવામાં પૂરતાં કામે લાગ્યાં છે. પ્રેમાનંદનું શબ્દભંડોળ સમૃદ્ધ છે. એમાં સુધાકર, કળાકર, નિધન, ગિરિશૃંગ, લોકાંતક, શકે, હુતાશન, ઉપસર્પણ, હતવત્‌. ઇ. જેવા સંસ્કૃત શબ્દો છે, તો બળતું, કરતું, કાલાવાલા, બાડુવાં, વાછલ, છછોરી, મામ, હાંકણી, સાડ, લીહ, કામુરડાં, ભાવટ વગેરે જેવા તળપદા શબ્દોની સંખ્યા નાની નથી. એ કર-અર્ધચંદ્ર, અધરસ્પર્શિત, રૂપયૌવન ઉન્મત્ત, છેદનશાતા, કરતલવાસ, હયદાસપતિ, નેત્રઅણી-અગ્રે, અવગુણ-આચ્છાદન, અંબુજલોચની વગેરે જેવા સંસ્કૃત સમાસ બનાવી જાણે છે, તો રથખેડન, દુઃખફેડન, બાલબિહામણ, નાથવિજોગણી, આપનૈવેદી, અમૃતસ્ત્રાવિયા, વખાણબાણ, ધણીમુઆ ને વૈદર્ભીવિરહવધારણ જેવા સમાસો અને વહોરતિયો, નોહોતરિયો, ઘોડારિયો જેવા શબ્દો પણ ઘડી કાઢી પોતાનું કામ ચલાવે છે. આખ્યાનમાં પાત્રોના સંવાદોમાં ‘તો હું પરણું કાલ્ય,’ ‘મુઆ હું નો’તી ઓળખી?’ ‘તાતના સમ જો મિથ્યા વદો,’ ‘શું આગ પેટમાં લાગી?’ બેઠો વણસાડે છે અન્ન,’ ‘આ ભિયા પરણશે દમયંતીને!’ જેવા વાતચીતિયા બોલનો પણ તોટો નથી દેખાતો. સંવાદોને એ જીવંત ને વાસ્તવિક બનાવે છે. પણ પ્રેમાનંદની ખરી શક્તિ ઉક્તિલાઘવ અને અભિવ્યક્તિની ચોટ દેખાડતા નીચેના જેવા પંક્તિખંડો દેખાડે છે :

રૂધિર અવટાયું પળપળ. (૫-૧૬)
મીન- નીરની કરજો પ્રીત. (૧૭-૩)
સતને આધારે ચાલ્યાં જાય. (૩૩-૧૪)
રૂપે લીહ વાળી. (૩૫-૧૪)
આવત જાવત હિંડોળે ચડ્યો. (૩૩-૯)
ઘેલા, હું ન ચળવાવાળી. (૩૯-૧૦)
હરિ, હું ન કહીયે નથી સમાતી. (૪૫-૪૧)
હરિ,હું હરખ તણી હણાઈ. (૪૫-૪)
વસતું લેખ્યેં વન. (૪૯-૨)
એ હાંકણીમાં છે વિચાર. (૫૪-૧૭)
ઢળકે આંસુ ઢાળે. (૬૦-૧૦)
હું ભાઈ-પ્રજાએ કાઢી નાખ્યો. (૬૪-૯)
તે દુઃખસાગરની આવે લહેરી (૬૪-૮)
ન કીજે નાયક કાચું પ્રાણી. (૬૪-૧)

પ્રેમાનંદના સમયની આપણી ભાષાની ગુંજાશ ઓછી ન હતી અને તે એના જેવા કસબીને હાથે કેવી અર્થવાહક અને ભાવક્ષમ બની શકતી તે આથી સમજાય છે. સાવ સાદી ભાષાથી પણ પ્રેમાનંદ કેવું ધાર્યું કામ લે છે તે નીચેની જેવી પંક્તિઓ પણ બતાવશેઃ

કામની કુંદન, નળ હીરો સાર, જડનારો હંસ સોવ્રણ હાર. (૨૩-૯)
લાજ્યાં પંખી ને લાજ્યું વન, લાજ્યા સૂર્ય, મીંચ્યાં નયન. (૩૩-૯)
વિરહિણીને વીજળી તે જાણે અંગે સાંગ રે. (૫૧-૧૧)
હર્ષપુરણ હય હાંક્યા, જાણે પ્રેમસરિતા વહી. (૫૩-૧૨૫)

આવી શબ્દશક્તિવાળા તથા અનલ્પ વાર્તાસૂઝને બળે વાર્તાપ્રસંગોને નાટ્યાત્મક રીતે ખીલવી જાણનાર પ્રેમાનંદની માનવસ્વભાની અજબ જાણકારીએ આખ્યાનને જે તે પરિસ્થિતિમાં માણસ જે સ્વાભાવિક પ્રતિભાવ બતાવે અને જેમ વિચારે-વર્તે, એવી જ રીતે આખ્યાનનાં મોટાથી નાના દરેક પાત્રને બોલતું વર્તતું દર્શાવતા વાસ્તવિક અને સજીવ આલેખનથી માનવીય રસથી છલકાવી દીધું છે. કથાનાં નાયક-નાયિકા તો ખરાં જ પણ નારદ, હંસ, કલિ અનેદેવો જેવાં માનવેતર પાત્રો તેમ જ દમયંતીવાંછુ રાજાઓ ને ઋતુપર્ણ, પારધી, વણજારા, દમયંતીની માશી અને માશિયાઈ બને, સુદેવ, દમયંતીની સાહેલીઓ, ભીમક, દમયંતીનાં ભાઈ-ભોજાઈઓ ને માતા અને પુષ્કર, આ સૌ પાત્રોને ભાગે આખ્યાનમાં ઓછી વધતી કામગીરી બજાવવાની આવે છે તેમાં દરેક પોતાનું ન્યારું વ્યક્તિત્વ પ્રગટ કરી રહે છે, એ વ્યવહારવાનું આવ્યું છે તે તે પ્રસંગો વેળાનાં તેમનાં વાણી, વૃત્તિ અને વર્તનના અભ્યાસની તરત પ્રતીત થશે. પાત્રવર્તન શ્રોતાઓને અદલ માનવસહજ સ્વાભાવિકતાવાળું લાગી તે તેમનું અનુમોદન જીતી લે એવું કરવા માટે આપણા દક્ષ આખ્યાનકારે તેમાં સારા પ્રમાણમાં સમકાલીનતા સંભરી છે. દમયંતીની માતા દીકરી પર કોઈની મેલી નજર બેઠી માની દાણા જોવડાવવાની વાત કરે; રજાઓ શુકન જોઈને રથ ખેડે; દમયંતીના અલંકારો અણવટ, વીંછિયા, નેપુર, ગોફણો, શીશફૂલ, ચૂની, કંકણ, મુક્તાહાર, કલાં ઇઢ્‌ તથા અંબર, ઘાઘર, ઘમ્મર, તેલફૂલેલ ઇ૦ સમકાલીન ગુજરાતે પરિચિત એવાં હોય; દમયંતી ‘નમાયાં થઈ વરતજો સહેજો મામીની ગાળ’ એમ ગાય; માશી ભાનુમતી માળા શ્વશુરપક્ષની છે એ મુદ્દો આગળ કરે; દમયંતી અને નળ ઓળખાયાં ત્યારે અનુક્રમે ભાનુમતી તથા ઋતુપર્ણ તેમને પેટ ભરીને ખાવાન આપ્યાનો અફસોસ વ્યક્ત કરે; ઋતુપર્ણને ખાલી હાથે પાછો ન કાઢતાં તેને દમયંતીની ભત્રીજી વરાવાય; આવું બધું આલેખન એનું પરિણામ છે. પૌરાણિક કથામાં પ્રેમાનંદ ગુજરાતની હવા ભરે છે. જેને પરિણામે તે સૌથી વધુ ‘ગુજરાતી’ કવિ કહેવાયો છે, તે ખાસ તો પ્રાચીન પાત્રો પાસે પોતાના સમયનું આચરણ વાસ્તવાલેખનના લાભાર્થે તે આમ કરાવે છે, તેને કારણે આવે ઠેકાણે કવિ પ્રેમાનંદ કરતાં આખ્યાનકાર પ્રેમાનંદ કામ કરતો હોય છે. તેનાં પૌરાણિક પાત્રોનાં વાણિવર્તનમાં થોડી પ્રાકૃતતા કે ગ્રામ્યતા પેસી જાય છે તેનુંય કારણ આ છે. પ્રેમાનંદની ભાષામાં ગૌરવવંતા શિષ્ટ શબ્દોની સાથે તળપદા વાતચીતિયા ગ્રામ્ય શબ્દો પણ દેખાય છે, તેનુંય કારણ પ્રેમાનંદનું આખ્યાનકારપણું. આખ્યાનમાંનાં ભાષા, ભાવ, પાત્રવર્તન આદિની શિષ્ટતા તે કવિ પ્રેમાનંદનું કામ, અને તેની ગ્રામ્યતા તે આખ્યાનકાર પ્રેમાનંદનું, એમ આમાંથી તારવાય કે?

એક વાત આખ્યાન એ પણ દેખાડી આપે છે કે આખ્યાનકાર અને કવિ તરીકે ઊંચી છત બતાવતો પ્રેમાનંદ કૃતિના સર્જનમાં કલાકારીગરીની સફાઈ અને વસ્તુ, પાત્રાલેખન, શબ્દપસંદગી વગેરે પરત્વે ઝીણવટભરી સાવધાની રાખનાર સભાન અને જાગ્રત કલાકાર નથી. આખ્યાનની રચના શરૂ કરી એટલે એના કથાપ્રવાહ સાથે દોડવા માંડતી એની સર્જકતાને ઝીણી ઝીણી બાબતમાં ચોકદાઈ, સફાઈ, સૌંદર્ય ને ઔચિત્યનો સભાનપણે વિચાર કરવા થોભવાની નિરાંત પોસાતી નહિ હોય એમ લાગે. ‘દમયંતી’ સાથે પ્રાસ બેસાડવા ‘ભમયંતી’ તથા ‘ગમયંતી’ જેવા શબ્દો બનાવી નાખનાર એ જ હેતુસર ‘ન્યૂનતા’ અને ‘લલુતા’નાં ‘ન્યૂનતા’ ‘લલૂતા’ કરી નાખે છે. કશર્વક, હાર્દ અનાહૂત, ઇતરતાં, કર્મડાં, કામુરડા, ગુધ, માંમુચ, ઇંધણખોરી, શૌહારી વગેરે જેવા આખ્યાનમાં નજરે ચઢતા સંદિગ્ધ શબ્દો અને એવા જ સંદિગ્ધ કેટલાક પંક્તિખંડો આખ્યાનની જુદેજુદે સમયે લખાયેલી હસ્તપ્રતોના લહિયાઓના અણઘડવેડાને આભારી નહોય, તો એને પ્રેમાનંદની ઉતાવળ કે બેકાળજીનાં પરિણામ અથવા પ્રાસલોભે લીધેલો સુબોધતાનો ભાગ માનવો પડે. સ્વાદિષ્ટ વાનગી આરોગતાં દાંતની ચક્કીમાં આવી જતી કાંકરી જેવો અનુભવ એવે સ્થળે સહૃદયને થાય તેવું થાય છે. આખ્યાનના કથાપ્રસંગમાં બેત્રણ સ્થળે આગળ લખેલી વાત પ્રેમાનંદ ભૂલી ગયો હોય એવી અસાવધાની દેખાય છે. ‘આવશે નળનાં રૂપ ધરી દેવતા મોટા ઘાતી’ એમ દમયંતીને ચેતવતા હંસે દેવોને ઓળખવાની એંધાણીઓ જણાવી છે (કડવું ૧૩, કડી ૬). પણ દમયંતીને દેવોને જોઈને પ્રસંગે એ યાદ આવતી નથી અને ભીમક પાસેથી નવેસરથી જાણવાની રહે છે.* દ્યૂત વેળાએ હારનારે ત્રણ વર્ષ વનમાં રહેવું અને ત્રણ વર્ષ ગુપ્તવેશે રહેવું. એ શરત (કડવું ૩૦, કડીઓ ૪-૫)માં સ્વ. રામનારાયણ પાઠકની માફક છ વર્ષ માનીએ તો પ્રેમાનંદના પાછળના નિરૂપણમાં એનો સમયમેળ મળતો નથી. પણ વનવાસનાં ત્રણ વર્ષ એ જ ગુપ્તવાસનાં ત્રણ વર્ષ – બેઉ સજાઓ એકસાથે ભોગવવાની જેમ! – એમ કવિને અભિપ્રેત હોવાનું ઘટાવીએ (જેમ કરવાને કડી ૪ અને ૫ અવકાશ આપે પણ છે), તો પ્રેમાનંદને અસાવધાનીના આરોપમાંથી આ કેસમાં તો છોડી મુકાય. કર્કોટકવાળા પ્રસંગમાં પ્રેમાનંદ મૂળ કથાના વધુ ખૂબીદાર ભાગનો લાભ લેતા ચૂકી ગયો તે ઉતાવળ કે અસાવધાનીનું પરિણામ લાગે છે. વળી કડવા ૪૧માં વણજારા વેપારીને નળની ભાળ પૂછતી દમયંતી તેના મુગટના માણેક, કંઠના મોતીના લહેરિયા અને કાનનાં કુંડળની નિશાની આપે છે તે કડવા ૩૦ની કડી ૯ના ‘એક વસ્ત્ર રાખો શરીરે સર્વ ઉતારો શણગારજી’ એ વિજયી પુષ્કરના આદેશ અને ‘સર્વ તજી એક વસ્ત્ર જ પહેર્યું’ એવા તરત વર્ણવાયેલા એના પાલન પછી કેવી રીતે શક્ય હોય?

પણ આ તો કાગળ પરના ટાઢાબોળ મુદ્રણમાં ‘નળાખ્યાન’ને નિરાંતે વાંચતી વેળા આજે આપણને સૂઝે ને જરાક ખટકે તેવા વાંધા. પણ એ લખાયું ત્યારે તો તે કંઠપાઠ્ય નહિ, કંઠગેય અને શ્રવણાસ્વાદ્ય પદ્યરચના હતી. (આમેય કવિતામાત્ર તેના એક મૂળભૂત અંશમાં ગાન નહિ તો લયવાહી પઠનની અને શ્રવણાનુભવની વાક્‌કળા છે.) સુરત, નંદરબાર કે વડોદરાના ચૌટામાં પ્રેમાનંદ આની કથા માંડી માણના તાલ સાથે એની દેશીઓ તે તે ભાવોમાં તદ્રુપ બની ક્યારેક તદનુરૂપ અભિનય સાથે એક પછી એક મીઠી હલકે હલકારતો હશે, ત્યારે તેના હસાવ્યા હસતા અને રડાવ્યા રડતા ભાવમુગ્ધ શ્રોતાઓનું તેના રસપ્રવાહમાં ખેંચાતાં આવી કોઈ નાનકડી ક્ષતિઓ કે અસંગતિઓ તરફ ધ્યાને શાનું ગયું હશે? અત્યારે પણ ‘નળાખ્યાન’ માત્ર એકાંતમાં મનમાં વાંચવાને બદલે સાહિત્યસૂઝવાળા અને કંઠની બક્ષિસવાળા આખ્યાનકારને કંઠે ગવાતું સાંભળીએ તો એનો રસાનુભવ અનેરો જ થાય. પરંતુ પ્રેમાનંદની વિશિષ્ટતા એ છે કે એની આ કૃતિને પુસ્તકરૂપે વાંચો ત્યારે પણ સાહિત્યિક મૂલ્યવત્તાના નિરપેક્ષ ધોરણે એની ઉપર ચીંધેલી કોઈ કોઈ ક્ષતિઓ કે મર્યાદાઓ છતાં સમગ્રપણે તેનો કસ ઊંચો ઊતરે એવી અભ્યાસક્ષમ અને આસ્વાદ્ય રચના ઠરી એ તેના સર્જકની મધ્યકાલીન કવિશ્રેષ્ઠ અને આખ્યાનકાર-શિરોમણિ તરીકેની પ્રતિષ્ઠાને સાધાર ઠરાવી અક્ષત રાખશે. ભીમક, નળ, ઋતુપર્ણ અને ચેદિરાજાના મહેલો, વનો સ્વર્ગ અને અંતરીક્ષ સુધી વિસ્તરતા સીમાડાની, માનવજીવનમાં વિધિના પ્રાબલ્યને તેમ જ જીવનના માધુર્ય અને કારુણ્યને સ્પર્શતી, સત્ત્વશાળી નર-નારી-વિશેષોના અવિચ્છેદ્ય પ્રેમની આ કથામાંદ નાયકનાયિકાનાં સૌંદર્યવર્ણનો, હંસવિલાપ ને નળ તથા દમયંતી સાથેના મિલનના, નળના દમયંતી ત્યાગના, દમયંતી પર હારની ચોરીના આળના તથા માશીને ત્યાં દમયંતીના અને ભીમકને ત્યાં બાહુકના અભિજ્ઞાનના પ્રસંગોનું નિરૂપણ, દમયંતી-ઇંદુમતી, દમયંતી-સુદેવ અને દમયંતી-બાહુકના સંવાદો આ સર્વમાં પ્રગટ થતું મધ્યકાલીન કથાત્મક ગુજરાતી કવિતા સાહિત્યમાં તો વિરલ એવા પ્રથમ પંક્તિના સર્જકનું કવિકર્મ ‘નળાખ્યાન’ના વાચન-પરિશીલનને એક અવિસ્મરણીય આનંદાનુભવ બનાવી દે છે. આખ્યાનકાર અને કવિ તરીકેની પ્રમાનંદની શક્તિઓ અને મર્યાદાઓનું યુગપત્‌ દર્શન કરાવનાર આ આખ્યાન એનું સર્વભોગ્ય અમર સર્જન બન્યું છે.

(કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’ સંપા. અનંતરાય રાવળ-માંથી)