સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/મદનમોહના – શામળ
આ વાર્તાને અંતે તેની પૂર્ણાહુતિની મિતિ શામળે આપી નથી ઈ.સ. ૧૭૧૮થી ૧૭૬૫ના શામળના કવનકાળમાં આ કૃતિની રચનાનો નિશ્ચિત સમય કયો તે આથી કહી શકાતું નથી.
આ વાર્તા શામળની સ્વતંત્ર રચના છે. એની ‘સિંહાસનબત્રીસી’, ‘સુડાબહોતેરી’, ‘નંદબત્રીસી’ ને ‘વિદ્યાવિલાસિની’ જેવી કૃતિઓ અગાઉ બીજાઓને હાથ લખાઈ ગયેલી વાર્તાઓ હતી. આ તેવી નથી. આમ છતાં શામળ મૌલિકતાનો જશ લેતો નથી. ઊલટું, ‘સંસ્કૃત માંહેથી એ શોધિયું ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ’ એવા ઉદ્ગારો એને માટે કાઢે છે. એના આ ઉદ્ગારોથી પ્રેરાઈ ‘મદનમોહના’ના વસ્તુંનું પગેરું શોધવા જઈએ તો આ નામનાં નાયકનાયિકાની શામળે લખી છે તે જ રીતે નિરૂપાયેલી કોઈ સંસ્કૃત કથા તો મળી આવતી નથી. પણ મુખ્ય કથા અને અંદર ગૂંથેલી દૃષ્ટાંતકથાઓની વસ્તુસામગ્રી, જૂના વાર્તાસાહિત્યના અનેક રૂઢ કથાંશોનો તેમાં શામળે છૂટથિ ઉપયોગ કર્યો હોવાનું દેખાડી આપે છે. મદન અને મોહનાના સ્નેહલગ્નનો પ્રસંગ લઈએ. મોહના રાજકન્યા છે અને મદન વણિક પ્રધાનપુત્ર છે. રાજકુંવરી અને બ્રાહ્મણ યુવકના, રાજકુંવરી અને વણિક પ્રધાનપુત્રના, અને રાજકુમાર અને પ્રધાનપુત્રી કે વણિકપુત્રીના અનુરાગ અને લગ્નનું વસ્તું મધ્યકાલીન વાર્તાઓનું લોકપ્રિય અને તેથી વધુ વપરાઈને રૂઢ જેવું બની ગયેલું કથાવસ્તું હતું. વાર્તાના રસબિંદુ જેવા આવા કથાઘટક વસ્તુનો ‘વિદ્યાવિલાસપવાડું’[1], ‘બિલ્હણ પંચાશિકા’[2], ‘રૂપસુંદરકથા’[3], ‘મધુમાલતી’[4], અને ‘સદેવંત-સાવલિંગા’[5]ના કર્તાઓએ કર્યો છે તેવો ઉપયોગ શામળે પણ જેમ ‘પદ્માવતી’[6], ‘રૂપાવતી’[7], અને ‘વિદ્યાવિલાસિની’[8]ની કથાઓમાં તેમ આ ‘મદન-મોહના’માં પણ કર્યો છે. મદન અને મોહનાના પ્રેમોદયનો પ્રસંગ રાજમહેલની નિશાળમાં બને છે. એને ‘સદેવંત-સાવલિંગા’ અને ‘મધુમાલતી’નાં નાયક-નાયિકાના એ જ રીતે નિશાળમાં થતા પ્રેમોદય જોડે વિગતમાં થોડો ફેર છતાં તાત્ત્વિક સામ્ય છે. ત્રણેમાં પડદા પાછલ બેસીને ભણતિ નાયિકા પડદો ખસેડવાનું બનતાં નાયકને જોતાં પ્રથમ દૃષ્ટિએ તેના પ્રેમમાં પડે છે. પડદો ખસેડવાનું નિમિત્ત ત્રણેમાં જુદું છે. વચમાં પડદો રાખીને રાજકુંવરીને ભણાવવાની તથા યુવાન ગુરુ-શિષ્યા (કે રાજકુમાર અને પ્રધાનપુત્રી, ‘સંદેવંત-સાવલિંગા’ની વાર્તામાં) પરસ્પરને જુએ નહિ એટલા સારુ એકને કોઢિયો અને બીજીને આંધળી કહી બેઉને એકમેકને વિષે ખોટો ખ્યાલ આપવાની યુક્તિ મધ્યકાલીન વાર્તાઓનો બીજો લોકપ્રિય રૂઢ કથાંશ છે. ‘મદન-મોહના’માં થયેલો તેનો ઉપયોગ મધુ-માલતી અને સદેવંતની કથાને જ નહિ, રૂપ-સુંદર કથાને તેમ જ બિલ્હણ-શશિકલાની વાર્તાને પણ અનુસરે છે. આ કથાંશનું મૂળ શોધવું હોય તો ‘કથાસરિત્સાગર’માંની ઉદયન વાસવદત્તાનો સંગીતગુરુ બન્યાની કથા સુધી જઈ પહોંચાય. પણ એ કથામાં તથા બિલ્હણને લગતી કથામાં એમાંથી ગુરુ-શિષ્યાનો પ્રેમ સંભવ્યાનું વર્ણવાય છે. તેમાં ફેરફાર થઈ આ પડદાની વાત જુવાન નાયક-નાયિકાની અણધાર્યા દર્શન અને પ્રેમોદય માટેની એક યુક્તિ કેવી રીતે બની ગઈ છે, તે સવેવંતની, મધુ-માલતીની અને મદન-મોહનાની વાર્તા આપણને બતાવે છે. નિશાળમાં નાયિકાને ઉદ્ભવેલ અનુરાગના કથાબીજનું પગેરું ‘વિદ્યાવિલાસિની’ની વાર્તાની આધારભૂત સંસ્કૃત કથા[9] સુધી અભ્યાસીને લઈ જાય.
મદનને પરણવાની હઠ લઈ બેઠેલી મોહનાને આનાકાની કરતા મદન સાથે અને તેને થોડો વખત ટેકો આપી મોહનાને સમજાવવા મથતા પંડિત સાથે જે સંવાદ થાય છે તેમાં, અને દૃષ્ટાંતકથાઓનો ‘સાખ’ તરીકે જે ઉપયોગ એ સંવાદમાં થાય છે તેમાં પણ, શામળ ‘મધુ-માલતી’ને અનુસરે છે.[10]
રાજાનો રોષ, મદનનો દેશવટો અને મોહનાનું પુરષવેશે એની સાતે જવું – આ વિગતોમાં પણ લોકવાર્તાના જાણીતા વસ્તુને શામળ અનુસરે છે. વીરજીની ‘કામાવતી’ની તેમ જ મધુસૂદન વ્યાસની ‘હંસાવતી વિક્રમચરિત્ર વિવાહ’ની નાયિકાઓ પુરુષના પોષાકમાં પ્રવાસ કરે છે. જૂનું પ્રાકૃત-સંસ્કૃત વાર્તાસાહિત્ય પણ આ ‘Motif’નો ઉપયોગ દેખાડે છે, જે બતાવે છે કે તે કેટલો જૂનો છે. મોહના પુરુષ વેશમાં ફરતી ફરતી પાંચ રાજકુંવરીઓ પરણે છે જેમાંની છેલ્લીના નગરમાં તે રાજ્ય પણ ચલાવે છે, એ રસિક વસ્તુ પણ નવું નથી, ‘કામાવતીની કથા’માં પ્રયોજાઈ ચૂકેલું છે. એ રીતે પુરુષવેશે રાજ્યકારભાર ચલાવતી મોહના મદનની ભાળ મેળવવા સદાવ્રત ચલાવી ચૌટામાં ચારે વાટ પર મુકાવી, દહેરામાં પોતાના પિતા અને તેની રાજસભાનું ચિત્ર આલેખાવે છે અને એ યુક્તિથી આખરે મદનને મેળવે છે, એવું ‘મદન-મોહના’નું વસ્તું ‘કામાવતીની કથા’ના એવા જ વસ્તુનો શામળે પોતાની રીતે કરેલ ઉપયોગ છે. ચિત્રપટ દ્વારા પતિને ખોળવાની યુક્તિ ‘હંસાવલી’ અને ‘ઓખાહરણ’ જેવી પુરોગામી કૃતિઓમાં પ્રયોજાઈ છે એટલું જ નહિ, ‘તરંગવતી’ જેવી પ્રાચીન જૈન કથામાં પણ પ્રયોજાયેલી દેખાય છે, એટલે તેનુંય મૂળ જૂનું છે. મોહનાએ દવમાંથી નાગને ઉગાર્યાનો પ્રસંગ ‘નળાખ્યાન’માંના નળે કર્કોટકને દવમાંથી બચાવ્યાના પ્રસંગની તરત યાદ આપે તેવો છે.
‘મદન-મોહના’માં આવતી છ દૃષ્ટાંતકથાઓમાંની ત્રીજી સિંહણ-મૃગલાની વાત ‘મધુ-માલતી’ પરથી પ્રેરિત હોવાનું અનુમાન થઈ શકે. પહેલી સાહસ ન કરવા વિશેના શ્લોકવાળી દયાળચંદની વાર્તા એમાં વપરાયેલા સંસ્કૃત શ્લોકના કવિ ભારવિ સંબંધી એક દંતકથા ઉપરથી પ્રેરિત હોય નહિ તોય એનું મૂળ જૂનું છે એ તો ચોક્કસ. ‘સિંહસનબત્રીસી’માંની પંખીની વાર્તામાં આ કથાના કાઠાનો ઉપયોગ શામળે કર્યો છે. ઢેઢની સાથે ચાલી જતી રાજકુંવરીની અને ‘પંચતંત્ર’ શૈલીની શિયાળ-હરણની વાતો મોટા ભાગે શામળની કલ્પનાનું સર્જન લાગે છે. પાંચમી ગંગ-દુધાંની સ્ત્રીચરિત્રની લોકોમાં ચાલતી અનેક વાર્તાઓના પ્રકારની દૃષ્ટાંતકથાનું વસ્તુ રસાલુ રાજાની પંજાબી લોકવાર્તાના વસ્તુને હાડમાં ઠીક ઠીક મળતું આવે છેઃ એમાં દામોદરો પોપટ જે ભાગ ભજવે છે તે બાબતમાં તો સવિશેષ. ‘નંદબત્રીસી’ અને ‘સુડાબહોતેરી’માં બતાવી છે એવી જ પોપટની ચતુરાઈ અને સ્વામીનિષ્ઠા આ વાર્તામાં પણ શામળે બતાવી છે. દુધાં કાબુલી પર મોહી પડે એવો એ કથાનો મુખ્ય પ્રસંગ ‘હિંદવાણી મુસલમાન બન જાઉંગી’ જેવા લોકગીતથી, ભવાઈના એક જાણીતા વેશથી અને લોકમાં ચાલતી એવી વાતોથી સૂચિત થતા હિંદવાણી અને મુસલમાનના પ્યારના લોકપ્રિય વાર્તાવિષય પરથી પ્રેરાયો હોવાનું સ્પષ્ટ છે.
દેશવટે જતા મદન સાથે જવાની હઠ કરતી મોહના પોતે પુરુષવેશમાં સાથે આવશે એમ સૂચવી, સદાવ્રતના પાલન અર્થે કમાવા સારું નીકળી પડતા રજપૂત જુવાન અને પુરુષવેશમાં સાથે જતી તેની જુવાન પત્નીની જે દૃષ્ટાંતકથા કહે છે, તેનું વસ્તુ પણ મધ્યકાળનું લોકપ્રિય વાર્તાવસ્તુ હતું. સ્વ. મેઘાણી સંપાદિત ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૪માંની ‘દસ્તાવેજ’ની વાર્તા પરથી તથા તેને અંગે સ્વ. મેઘાણીએ લખેલી નોંધ પરથી સિંધ, મારવાડ અને સોરઠમાં એ કથા ઠીક પ્રમાણમાં લોકપ્રચલિત હોવાનું મનાય છે.
આ બધું વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે કે પૂરી મૌલિકતાનો જશ શામળને આ એની સ્વતંત્ર ગણાતી વાર્તા ‘મદન-મોહના’ને માટે આપી શકાય તેમ નથી. પરંપરાપ્રાપ્ત વાર્તાભંડારમાંથી અનુકૂલ વાર્તાખંડો કે વસ્તુ-વળાં ઉપાડી, યથાપ્રસંગ જુદા જુદા Motifનો ઉપયોગ કરી, તેનું કુશળ સંયોજન કરવામાં જ વાર્તાકાર તરીકે તેની વિશિષ્ટતા રહેલી છે. ‘સંસ્કૃત માંહેથી શોધિયું ભણ્યો દ્વિજ ગુર્જર ભાખ’ એ એની પંક્તિનો આટલો જ અર્થ છે.
વસ્તુસંકલના
આમ જૂનાનવા વાર્તાતંતુઓના તાણાવાણાથી ગૂંથેલી આ ‘મદનમોહના’ની વાર્તા શામળનું વાર્તા કૌશલદ કેવુંક બતાવે છે તે જોવા એની વસ્તુસંકલના તપાસવી જોઈએ. પ્રથમ ગણેશસ્તુતિથી મંગળચરણ કરી, વાર્તાની ફલશ્રુતિ સંભળાવી. મથુરાનગરીના વર્ણનથી શામળ વાર્તાની શરૂઆત કરે છે. મથુરામહિમા પછી રાજાનો પરિચય, રાજકુંવરી મોહનાનું રૂપવર્ણન, તેના લગ્નની તેનાં માબાપની ચિંતા, પોતે એને માટે સુંદર વર ખોળશે કહી નગરમાં આવેલા એક શુકદેવ પંડિતય પાસે કુંવરીને ભણાવવાની પ્રધાનની સલાહ, રાજાએ ગુરુ કોઢિયો છે અને કુંવરી ચિત્રા નક્ષત્રમાં જન્મેલી હોઈ ડાકણના દોષવાળી અને ‘આંખે અંધ’ છે એવો ખ્યાલ અનુક્રમે કુંવરીને અને પંડિતને આપી તેઓ એકમેકને જુએ નહિ એવી યુક્તિ સાથે કરેલો પ્રધાનની સલાહનો અમલ, મોહનાએ કરેલો અભ્યાસ, આ બધું કવિએ એવી સીધીક વેગીલી કથનાત્મક શૈલીમાં વર્ણવ્યું છે કે વાર્તાએ ત્યાં સુધી માત્ર ૧૭૫ પંક્તિ જ રોકી છે. પણતે પછી પંડિત વડે લેવાતી મોહનાની પરીક્ષા વર્ણવતાં વાર્તાનો વૃત્તાન્તપ્રવાહ ખાસી ૧૭૫ પંક્તિઓ રોકતી ગુરુશિષ્યાની પ્રશ્નોત્તરી અને તેના અંતની તકરારની વાત આગળ લગભગ થંભી જાય છે. આજના વાચકને એમ લાગે, પણ શામળને મન વાર્તાનો રસિક ભાગ એ હતો, એટલે એ તો એને બરાબર ખીલવે છે. ‘સાચાં છો બે સર્વ’ કહી મદને પંડિત અને મોહનાના મતભેદનું કરેલું સમાધાનકારક નિવારણ અને પડદો હઠાવતાં થયેલા મદનના દર્શનથી મોહનાએ કરેલો એને વરવાનો નિશ્ચય વાર્તાને ફરી ગતિમાન કરે છે, ત્યાં વાર્તારસિયો શામળ મદનની અને પંડિતની મોહનાને તેની માગણી છોડી દેવાની સમજાવટને અને મોહનાના જવાબને વિશે એ ત્રણે પાત્રો પાસેથી આવતી પાંચ દૃષ્ટાંતકથાઓ શ્રોતાઓની સેવામાં ધરી દેવાનો લોભ ખાળી શકતો નથી, જેને પરણિામે મુખ્ય કથાનો પ્રવાહ ફરી થંભી જાય છે તે છેક ૧૫૬૦મી લીટી સુધી! કથા આમ અર્ધો પંથ વટાવી ગઈ હોય છે ત્યારે નાયક-નાયિકાનાં લગ્ન થાય છે! એ લગ્ન પછીની એની રાજાને થતી જાણ, કોપ, રાજાએ ત્રણે દોષિતોને કરવાની શિક્ષા અંગે પ્રધાનની માગેલી સલાહ, રાજાએ ફરમાવેલો દેશવટો અને મદનની નીકળી જવાની તૈયારી, આટલી વિગતો ૨૪૦ ઉપર લીટીઓ લે છે. મોહના મદન સાથે જવાનો આગ્રહ કરે છે અને મદન તેને ન આવવા સમજાવે છે એ પ્રસંગ એમાં મોહનામુખે કહેવાતી દૃષ્ટાંતકથાને તથા કેટલાક સુભાષિતાત્મક છપ્પાને લઈને પંક્તિઓ ૧૮૨૯થી ૨૦૯૬ સુધી ફેલાયો છે. વાર્તાની ૩૦૦૭માંથી ૨૧૦૦ પંક્તિઓ પૂરી થાય ત્યારે મદન અને પરુષવેશમાં મોહના ઘોડા પર બેસી નગર બહાર નીકળ્યાનીક વાત સુધી જ વાર્તા પહોંચે છે. એમનું પરિભ્રમણ શરૂ થતાં જ શામળ શુકનવલિનું પોતાનું જ્ઞાન શ્રોતાજનોના લાભાર્થે ઠાલવી દેતો એને ખાતર ૫૬ પંક્તિઓ રોકે છે. એ પછી વાર્તા વેગ પકડે છે, અને ગણિકાને હાથે થતી ફસામણી, તેમાંથી છટકતી મોહનાનો બળતા નાગ પરનો ઉપકાર, તેના બદલારૂપે તેને મળેલા મણિના ઉપયોગના પાંચ પ્રસંગ, મદનના મેળાપ માટે તેણે કરેલા ઉપાય ને તેને સફળતા, મદનનું રાજકન્યા અરુણા સાથેનું લગ્ન, મદન અને મોહનાનું મિલન અને ગૃહાગમન, આ સર્વ બનાવો સીધી અવિલંબી ગતિથી એક પછી એક રજૂ થઈ વાર્તા પૂરી થાય છે. એમાંય વાણિયો, બદલો અને દશાપલટા વિશેનાં વ્યવહાર-વચનો કે અનુભવાત્મક ઉદ્ગારો અને અરુણા-મદનના પ્રશ્નોત્તર બસોક પંક્તિઓનો વિસ્તાર રોકે છે; તોપણ વાર્તાનો છેલ્લો ચતુર્થાંશ વસ્તુવેગ વિશેષ દેખાડે છે એ છાપને વાંધો આવતો નથી.
આમ આ વાર્તામાં કાર્ય અર્ધે સુધી મંદ અને પછી ઉત્તરાર્ધમાં અંત તરફ જતાં વિશેષ ત્વરિત બને છે. પાછલો ભાગ વિશેષ ખિલવાયો હોત અને આગલો ટૂંકાવાયો હોત તો ઠીક થાત, એમ પ્રથમ દૃષ્ટિએ આજના વાચકને લાગે તેમ છે. પણ છ ઉપકથાઓ દૃષ્ટાંત તરીકે મૂકી એક જ સળંગ વાર્તામાં અનેક વાર્તાનો સ્વાદ ચખાડવાની સગવડ ‘સિંહાસનબત્રીસી’ અને ‘સુડાબહોતેરી’ જેવી વાર્તામાળાઓ લખનાર શામળે આ વાર્તામાં થોડોક પ્રમાણભંગ કરીને આ રીતે જ શોધી છે. મોહનાનાં નવાં પાંચ લગ્નો દ્વારા પણ પાંચ વાર્તાનો નાનેરો સાજ તેણે ઊભો કર્યો છે. મુખ્ય કથા સીધી કથનશૈલીમાં થોડા વિસ્તારમાં પતાવાય એવી છતાં તે આટલી પથરાવાઈ, તેમાં આ છ ઉપકથાઓ ઉપરાંત વાર્તામાં બે વાર લાંબી સમસ્યાબાજી અને તક મળી ત્યાં અનુભવ-વાક્યો, સુભાષિતો અને વ્યવહાર-નીતિનાં શિક્ષાસૂત્રો મૂકવાની એના રસિયા શામળની વૃત્તિ જ જવાબદાર છે ‘નંદબત્રીસી’ આને મુકાબલે કંઈક ઘાટા પોતવાળી વાર્તા છે.
વાર્તાનો આસ્વાદ વાર્તાલેખકની શરતે કરવાનો છે, એટલે કે વાત તેણે જે રીતે કહી છે તે રીતે એને સ્વીકારી લેવાની છે. નહિતર, પ્રધાનને રાજા કુંવરીના લગ્ન બાબત પૂછે અને પ્રધાન એને ભણાવવાની સલાહ આપે, મોહના પડદો ખસેડતાં મદનને જુએ તે પછી એના રૂપની વાત કરતાં એની હસ્તરેખાઓની વિગતે વાત કરે , મહેલમાં મદન-મોહનાનું છાનું લગ્ન થાય ત્યારે મંગળફેરા તો બરાબર પણ ગોત્રજપૂજા, મીંઢળબંધન અને કંસાર-આરોગણ પણ તાય, એવી (ભલે નાની) બાબતોની સ્વાભાવિકતા વિચારવાનું મન થાય. મોહાન માતા-પિતાની રજા કે સંમતિના કશા વિચાર વિના મદાનને જોતાં જ તેને તત્કાળ પરણવા અને એમ ન થાય તો મરવા તૈયાર થઈ જાય, તથા પાંચમી દૃષ્ટાંત-કથામાં આરંભમાં વધુ પડતું સતીત્વ દેખાડતી દુધાં દૂરથી સાંભળેલા કાબુલીની છાવણીમાંના ગાનતાનથી જ મોહાંધ બની બનીઠનીને સાથે ખજાનો પણ લઈ કાબુલી પાસે દોડી જાય, એ બે મોટી ઘટના પણ એવી છે, જે સિદ્ધ કરે છે કે શામળને પાત્રમાનસના સ્વાભાવિક અને માનસશાસ્ત્રીય સચ્ચાઈવાળા નિરૂપણ કરતાં રોમાંચક પ્રસંગોથી બનતી ‘વારતા’માં જ વિશેષ રસ હતો. એનો સહૃદયવર્ગ પણ એથી વધારેની અપેક્ષા રાખતો નહિ અને વાર્તાના બનાવોની સ્વાભાવિકતાને પડકારતો નહિ. એમ તો પુરુષવેશા મોહના પેલે પાંચ પાંચ ઠેકાણે ને તેય થોડા થોડા દિવસો સુધી રહે છે છતાં તેનું સ્ત્રીત્વ ત્યાં બીજાઓ વડે અણઓળખાયેલું જ રહે એ ઘટના પણ ક્યાં ઉપરની જેવી નથી? પણ આ બધી ઘટનાઓ જે રીતે નિરૂપાઈ છે તે રીતે જ તો એ વાર્તાનાં રસસ્થાન કે આકર્ષણ બિંદુ જેવી છે, એથી જ તો ‘વારતા’નો વાર્તારસ જામે છે. માટે જ કહ્યું ને કે આ વારતાને એના લખનારની શરતે આપને આસ્વાદની છે? શામળના સમકાલીન વાર્તારસિયા શ્રોતાજન બની જઈશું તો જ વાર્તાનો રસ બરાબર માણી શકીશું.
પાત્રાલેખન
કવિએ વાર્તાનું નામ તેનાં નાયકનાયિકા પરથી પાડ્યું છે. મદન અને મોહના જ વાર્તાના કેન્દ્રસ્થાને હોઈ તે સૌથી મહત્ત્વનાં પાત્રો છે. શામળનાં સ્ત્રીપાત્રો એક વિક્રમના અપવાદ સિવાય એનાં પુરુષપાત્રોને મુકાબલે વધુ તેજસ્વી હોય છે, એમ જે એની કૃતિઓને આધારે કહેવાયું છે તે આ વાર્તા પૂરતું પૂરું સાચું છે. એ બેમાં મોહના વધુ તેજસ્વી અને યાદ રહી જાય તેવું આકર્ષક પાત્ર છે. એ બુદ્ધિશાળી છે. પંડિત પાસેથી એની શીખવી બધી વિદ્યા થોડા જ સમયમાં શીખી લઈ સમસ્યાઓના સાચા ઉત્તર આપી વિદ્યાગુરુ પંડિતે લીધેલી પરીક્ષામાં તે માનભેર વિજયી થાય છે. ગુણકાને ત્યાં ફસાતાં ‘સાબાસ સાબાસ’ કહી ‘મારે જોઈએ એટલું’ કહી ગુણકાને ભ્રમાં રાખી પાછળથી તે છટકી જાય છે. પુરુષવેશમાં પાંચ કન્યાઓને વરી જાત્રાનું બહાનું કાઢી તે પોતાનું સ્ત્રીત્વ દક્ષતાથી છુપાવે છે. સોપારામાં પુરુષવેશમાં રાજછત્ર મેળવીને તે મદનને મેળવવા માટે સદાવ્રત, પૂતળાં અને ચિત્રની જે યોજના કરે છે, તેમાંય તેની બુદ્ધિમત્તા દેખાય છે. એ દૃઢનિર્ણયી છે. મદનને જોઈ ‘એ વિના પુરુષ પૃથ્વી વિશે માહારે તાત ને ભ્રાત’ એવો નિર્ણય કરી તે તરત જાહેર કરી પંડિતને અને મદનને મૂંઝવણમાં મૂકી દેતી મોહના એ બેઉની સમજાવટ અને દૃષ્ટાંતકથાઓનો પોતાના અફર નિર્ણયથી અને શિયાળ-હરણીના સ્નેહની[11] દૃષ્ટાંતકથાથી સચોટ ઉત્તર આપી તેમને નિરુત્તર કરી, મદન સાથે તે જ સ્થળે માતાપિતાની સંમતિની અપેક્ષા કે એમના રોષની ભીતિ વિના પોતાનું લગ્ન કરાવી લે છે.[12] વખત આવ્યે તે પ્રથમ માતાને અને પછી પિતાને એની માહિતી આપે છે તે પણ સ્પષ્ટતાથી, ડર્યા વિના, અને ‘એમાં વાંક એનો નથી’ કહી મદનને નિર્દોષ ઠરાવી નિઃસંકોચ એની જવાબદારી પોતાની એકલીને માથે ઓઢી લે છે. એ બહાદુર અને સાહસિક પણ છે. એને સાથે લેવામાં રહેલી મુશ્કેલીથી ડરતા મદન સાથે પુરુષવેશ સજીને એ જાય છે. મદન અજાણ્યાં ગામ ને ઘરની બીક દેખાડતો રહે છે ત્યારે એ તો ‘જખ મારે છે’ કહી ગુણકાને ત્યાં જાય છે. ત્યાં ફસાતાં એ જરાયે મૂંઝાતી નથી પણ સમયસૂચકતાથી પ્રથમ ગુફાની ગુણકાની વાત સ્વીકારી રાત્રે એને ઘટતી શિક્ષા ચખાડી બહાદુરીથી નાસી છૂટે છે. એ પરોપકારી છે. દવમાં બળતા નાગને એ ઉગારે છે. એની પાસેથી મળતા મણિનો ઉપયોગ એ પાંચ વાર કરે છે તે પણ પરોપકારની વૃત્તિથી. એની તેજસ્વિતા, બુદ્ધિમત્તા, બહાદુરી, ઇ. ગુણોને વધુ પ્રગટાવતો શામળ એની મદન માટેની શુદ્ધ પ્રીતિને અને એના સતીત્વને પણ કેવું બહાર આણે છે એ મદન સાથે પરણવાના અને દેશવટાના પરિભ્રમણમાં તેની સાથે જ જવાના તેના આગ્રહથી અને ખોવાયેલા મદનનો પત્તો મેળવવાની તેની ઝંખનો અને તેથી પ્રેરાઈને તેણે કરેલા સદાવ્રત, વગેરેના પ્રયાસથી સ્પષ્ટ જણાય છે. મોહના આ વાર્તાનું આમ સ્પષ્ટરેખ, જીવંત અને આકર્ષક પાત્ર છે.
મદન તેની આગળ ઝાંખો લાગે છે. એ ‘દમયંતી-નળથી દશ ગણો’ અને ‘માધવાનલથી મેર’ એવો રૂપાળો છે, સામુદ્રિક શાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ લક્ષણોવાળો છે, પણ વણિકપુત્ર હોવાને કારણે સાચવી સાચવીને ચાલનારો અને ડરપોક જેવો છે. જ્યારે મોહના પ્રગલ્ભતાથી સામે ચાલીને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, ત્યારે પરિણામના ભયથી કંપતો એ કેવી આત્મલઘુતાભરી કાકલૂદીવાળી વાણી ક્યાંય સુધી ઉચ્ચાર્યા કરે છે! આખરે મોહનાને પરણે છે ત્યારેય જાણે પરાણે પરણવું પડતું હોય તેમ એ પરણે છે. લગ્ન પછી જ્યારે મોહના, જે ખરી રીતે વધુ સચિંત બનવી જોઈએ, તેનું ‘વધ્યું તેજ,’ ત્યારે આ વણિક ‘વપુએ ઘટી ગયો’ છે! રાજા આગળ લગ્નની વાત કબૂલવી પડે છે ત્યારે પ્રેમવીરની પેઠે એ હસતે ચહેરે સ્વીકારવાને બદલે પોતા તો ના પાડતો હતો પણ ‘જોરાવરીથી મુજને વરી પૂરણ આણી પ્રીત’ એમ કહી મોહનાને માથે એની જવાબદારી એ ઓઢાડે છે. દેશવટે જતાં મોહના સાથે થવા કહે છે ત્યારે ‘મુજને હોય મરાવવો’ કહી એના સ્ત્રીત્વને માથેના ભયને એ આગળ ધરે છે. ગુણકાને ઘેર જતાંય તે ‘એહ અજાણી નાર છે એહ અજાણ્યું ગામ’ કહી મોહનાને વારે છે. ગુણકાની દાસીએ પેલી બનાવટી વાત કરી ત્યારે ‘તેહ મદન તો નાઠો તર્ત, જાણે માથે આવ્યું મર્ત’ અને ‘તે પાછું જોવા નવ રહ્યો ચિત્ત વરતે જેમ ચોર’. એના આવા નિરૂપણમાં વાંક એનો નથી, પણ શામળનો છે. તે એને વણિકનાં લક્ષણોવાળો ચીતરવા મથે છે. મદનનું જે કંઈ બળ છે તે એના બુદ્ધિચાતુર્યમાં છે. પંડિત અને મોહનાની તકરાર વેળા એણે બુદ્ધિચાતુર્યથી ત્રાહિત તરીકે આપેલો ઉત્તર મોહનાને પ્રથમ એની પ્રત્યે આકર્ષે છે. રૂપાવતીની રાજકુંવરી અરુણાના પ્રશ્નોના ઉત્તર આત્મવિશ્વાસથી ખુમારી સાથે આપીને તે એને વરે છે (પં. ૨૫૯૧-૨૭૯૦) તે તેના આ બુદ્ધિચાતુર્યના જ બળે. એ ઉત્તરમાં જણાતું એનું સંસારજ્ઞાન અને ડહાપણ એને વાંચકનો આદર મેળવાવી આપે છે. મોહના પ્રત્યેની એની પ્રીતિ, જેને લીધે અરુણાને પરણ્યા પછી મોહનાની શોધમાં ફરતાં મોહના જ્યાં પુરુષવેશે રહેતી હતીતે નગરમાં આવતાં મોહનાનું પૂતળું જોઈ તે મૂર્ચ્છાવશ થયો અને અન્નજળ તજીને સાત દિવસ ત્યાં બેઠો રહ્યો, તે એના પાત્રનો એની આગલી નબળાઈનું સાટું વાળી નાખે એવો અંશ છે. વાર્તાનો અન્ત તેનો પ્રભાવ આમ થોડો વધારી આપે છે.
નાયક અને નાયિકા પછી ત્રીજું મહત્ત્વનું પાત્ર છે પંડિત શુકદેવનું. મોહનાને ભણાવવામાં અને સમસ્યાઓ પૂછવામાં એનું પાંડિત્ય, મોહનાને ત્રણ દૃષ્ટાંતકથાથી સમજાવવામાં એનું વિવેકીપણું, મોહના અફર રહેતાં મદન સાથે તેનું લગ્ન કરી આપવામાં તેની હિંમત, રાજા પાસે એ વાત છુપાવી વિદાય માગવામાં એની ચતુરાઈ અને ભેદ ઉઘાડો પડી ગયે રાજાને ‘મેં કીધું રૂડું કાજ’ કહેવામાં એની સ્વસ્થતા એ પાત્રનું વ્યક્તિત્વ ઉજળા સ્વરૂપમાં દેખાડી આપે છે. પુત્રીના લગ્નની ચિંતા કરતો, તેને ભણાવવા બેસાડતી વેળા પંડિત અને પુત્રી એકમેકને જુએ નહિ એવી યુક્તિ કરતો, પુત્રીના પ્રધાનપુત્ર સાથેના છૂપા લગ્નથી કોપાવિષ્ટ થઈ જતો અને ગુનેગારને શિક્ષા કરતાં પહેલાં પ્રધાનની સલાહ લઈ તે મુજબ વર્તતો મોહનાનો પિતા, વિપ્ર અને સ્ત્રીની હત્યા કરાય નહિ તેમ કહી પોતાના પુત્રનો વાંક આગળ કરી તેને ‘ગમે તે દંડ’ દેવા રાજાને કહેનાર પ્રધાન, પુરુષના વેશમાંય મોહનાનું સ્ત્રીપણું કળી જઈ તેને ફસાવનાર અને મદન-મોહનાને છૂટાં પાડી આખરે મદનને બીજી છે સુંદરીઓ સંપડાવવામાં નિમિત્ત બની વાર્તામાં એ રીતે અગત્યનું કામ બજાવનાર કપટી ગુણકા, એ ત્રણેનાં પાત્ર પણ સારાં દોરાયાં છે. મોહના જે પાંચ પુરુષોનાં કષ્ટ કાપે છે તે તો મણિના ઉપયોગ માટેનાં નિમિત્ત જ હોઈ એની રેખાઓ શામળે વિગતે આલેખી નથી. પોતાના પ્રશ્નનો ખરો ઉત્તર આપનારને જ વરવાનો સંકલ્પ લઈ બેઠેલી અરુણા વિશિષ્ટ શામળી નારીસૃષ્ટિનું પાત્ર છે.
આ થઈ મુખ્ય કથાનાં પાત્રોની વાત. દૃષ્ટાંતકથાઓમાં બ્રાહ્મણના શ્લોકના સવાલાખ ટકા આપી એક દુઃસાહસમાંથી એને પ્રતાપે ઊગરી જનાર દયાળચંદ અને અંત્યજ વણકરની સાથે નાસી જતી અવિચારી રાજકુમારી કરતાં મૂર્તિમંત સ્ત્રીચરિત્ર જેવી દુધાં અને શૌર્યમૂર્તિ પુરુષ જેવા ગંગસેનનાં પાત્ર, એમને લગતી કથા પણ શામળે વિસ્તારીને રસપૂર્વક કહી છે તેથી, પાત્રાલેખનની દૃષ્ટિએ વિશેષ ધ્યાન ખેંચનાર બન્યાં છે. ચતુર, સમજુ અને સ્વામિનિષ્ઠ પોપટ દામોદરો પણ ગંગદુધાંની કથાનું એક મહત્ત્વનું આકર્ષક પાત્ર બન્યો છે. આ પોપટની વાત કરી તો બીજી દૃષ્ટાંતકથાઓમાંનાં બેવફા સિંહણને પાઠ ભણાવતો સિંહ, એક રાતની શિયાળ સાથેની પ્રીતમાં વાઘને પોતાનો પ્રાણ અર્પવા તૈયાર થતી હરણી અને હરણી-શિયાળની શુદ્ધ પ્રીતિ અને તેથી પ્રેરાયેલું સહ-સમર્પણ જોઈ પોતાનો હિંસક સ્વભાવ ભૂલી જઈ એમને જીવતાં જવા દેનાર વાઘ, એ ત્રણે પશુ-પાત્રોના શામળકૃત નોંધપાત્ર આલેખનનેય સંભારવું જોઈએ. સદાવ્રત ચાલુ રાખવા પરદેશથી ધન કમાઈ લાવવા બે ભાઈઓ તરીકે રાજાને ત્યાં નોકરીમાં રહેલ પાસેનું પાસે છતાં નિત્યવિરહી રજપૂત યુગલ, એમાંય અખાસ કરીને વર્ષાની રાત ન રહેવાથી અંતરની વિરહવેદનાને ‘વીરો વર કરેશ’ વાળા બે દોહરામાં ઠાલવતી યુવાન રજપૂતાણી, અને એ રજપૂતાણીને સ્ત્રી પાત્ર તરીકે પારખી જનાર રાણી જેવાં યાદગાર પાત્ર છે. શામળને વાર્તા અને પ્રસંગમાં છે તેટલો રસ પાત્રોનાં વૃત્તિવ્યાપારોના સ્વાભાવિક અને ઝીણવટભર્યા નિરૂપણમાં નથી. એની ફાવટ પણ પ્રેમાનંદ જેવી ને જેટલી એને નથી એમ છતાં ‘મદન-મોહના’માંનું તેનું પાત્રાલેખન આમ એકંદરે સંતોષ આપે તેવું છે.
રાસ
‘મદન-મોહના’ મદન અને મોહનાનાં ગુપ્ત સ્નેહલગ્ન, વિરહ અને પુનર્મિલનની કથા છે. આ જોતાં એનો પ્રધાન રસ શૃંગાર હોય એમ અપેક્ષાય. મોહનાના ઉત્તરના ખરાપણા માટે તેની અને શુકદેવ પંડિત વચ્ચે થયેલી તકરાર ‘સાચાં છો બે સર્વ’ અને ‘લેખચુ બેનું લાખેણું’ કહી શમાવતા મદનનું બુદ્ધિચાતુર્ય અને પછી થતું એનું દર્શન મોહનાના અંતરમાં થતા પ્રેમોદયનું નિમિત્ત બને છે. મોહનાના આગ્રહથી એ બેનું ગાંધર્વ-લગ્ન થાય છે. સંયોગ-શૃંગારની થોડીક પણ પંક્તિઓ વિના આ પ્રસંગ પતાવી શામળ નાયક-નાયિકાને પ્રવાસમાં થોડો વખત સાથે રાખી પછી તરત વિખૂટાં પાડે છે. એ વખતે પણ વિપ્રલંભ-શૃંગારનું કોઈ યાદગાર ઉત્કટ નિરૂપણ, મારુ-ઢોલાની કે માધવાનાલ-કામકંદલાની પ્રેમકથાઓ જેવું, આ કથામાં મળતું નથી. શામળને પાત્રોના ભાવોના નિરૂપણમાં બહુ રસ નથી, વાર્તાનો પ્રસંગરસ જ એને મન મહત્ત્વનો છે; એટલે એ નાયિકાને પાંચ અને નાયકને એક સુંદરી કેમ સાંપડે છે, તેની જ વાત કરે છે, જે પૂરી થયા બાદ જ વિપ્રલંભના નિરૂપણની તક તે લે છે અને મોહનાના પૂતળાને જોઈને થતી મદનની વ્યાકુળ દશા સચોટતાથી વર્ણવે છે, પણ તરત તે મદન અને મોહનાનો મેળાપ કરાવી દે છે. તે પછીય ‘સ્ત્રીભરતારનો સંગ નહિ, નહિ કાયામાં કામ’ એ પંક્તિ સૂચવે છે તેવો જે સંયમ એ પ્રેમી યુગલ પાળે છે, તેવો જ સંયમ તેમના સર્જક શામળ ભટ્ટે પણ આ કથામાં શૃંગારના સંયોગ તેમ વિપ્રલંભ ઉભય પ્રકારના ઉત્કટ નિરૂપણ પરત્વે પાળ્યો છે એમ કહેવું પડશે.
વાર્તામાં બીજા રસ શોધવા જઈએ તો ગંગસેનનીક વાત પૂરતો વીર રસ (એય તે ગણવો હોય તો), અને નાગે મોહનાને આપેલા મણિથી થતાં ચમત્કારિક કાર્યોમાં[13] અદ્ભુત રસ મળે છે.
કવિતા
રસનિષ્પત્તિની બાબતમાં દરિદ્રતા દેખાડતી આ કથા પદ્યમાં લખાયેલી છે તો કવિતા તરીકે કેવી છે? પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર છે તેવો જ ઉત્તમ કવિ પણ છે. આખ્યાનનો રસ જમાવતાં જમાવતાં પોતાનું કવિસામર્થ્ય પણ એ એની કૃતિઓમાં દેખાડતો રહે છે. શામળની વાર્તાઓમાં વાર્તાકારનું દર્શન પૃષ્ઠે પૃષ્ઠે થાય, પણ કવિ શામળને તો મહીં ખોળવો પડે એવું હોય છે. આ કથામાં પણ એમ જ છે. કથાન્તે કથાને વર્ણવતાં ‘સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક’ – એ પંક્તિ એ વાપરે છે તે સાવ સાચી છે. સાદી, સરળ અને પ્રવાહી ભાષામાં ચોપાઈ, દોહરા ને છપ્પાની સાદી કડીઓ ગૂંથતા જઈ તેણે વિવેકથી કે વિવેકપૂર્ણ સાદી ‘વાત’ જ અત્ર કહી છે. પણ તેથી જ એની કૃતિમાં કવિતા નથી એમ નહિ કહી શકાય. ભાષા અને પદ્યરચનાની સાદાઈ કંઈ કવિતાને બાદક નથી. ભાષા અને છંદ કવિતાનાં બાહ્યાંગ જ છે. કૃતિની રસાત્મકતમાં જ આપણે તો કવિતાને શોધવાની છે. કૃતિ સાદી ભાષા અને સાદા છંદમાં હોય તોય તેની અંતઃસામગ્રીમાં સહૃદયને ડોલાવે એવાં ભાવ, કલ્પના, અલંકાર, રસ ઇ.ને લીધે આવી રસાત્મકતા હોય તો તે કવિતા બની છે એમ કહેવાય. પણ શામળ સીધીસાદી રીતે વાહ કહી નાખવામાં જ રસ ધરાવે છે એટલે એમાં કવિતા ઝબકાવવાનું એનાથી બહુ બનતું નથી. ‘મદન-મોહના’માં એનું કવિત્વ ચમકે છે મોહનાના સૌંદર્યવર્ણન (પં.૩૧-૬૪)માં, પણ એની ઘણી મૂડી એ એવાં સૌંદર્યવર્ણનોમાં પણ અન્યત્ર વાપરે છે એ જ છે. રસિક કવિ તરીકે શામળ ખરો ખીલે છે, ઉત્સાહમાં આવી સોપારાની રાજકન્યા કૃષ્ણાવતીને ઇંદ્રવિજય છંદમાં હિંદમાં વ્રજ કાવ્યશૈલીને અનુસરતી શૈલીમાં ‘ફૂલકી માલા બની ઈક સુંદર...’ એ શબ્દોથી એ વર્ણવે છે ત્યારે. પણ તે કેટલો વખત? ફક્ત ચાર લીટી (પં.૨૪૫૯-૨૪૬૨) પૂરતો જ! તે પછીની કેટલીક કડીઓમાં એ રાજકન્યાનું એક શબ્દચિત્ર દોરાય છે ખરું, પણ ત્યાં તો કવિતાની ઓટ શરૂ થઈ ગઈ હોય છે. મદનના રૂપવર્ણન વેળા શામળને કવિ બનવાની તક હતી, પણ તે તેણે મદનની હસ્તરેખાઓનું શુષ્ક વર્ણન કરીને જવા દીધી છે. બીજા સ્થળોમાં, ‘હીંડોળાખાટ હીરે જડી... ભરાવી બાથ’ (પં.૬૨૭-૬૩૬) એ પંક્તિઓમાંથી ઊઠતા શબ્દચિત્રમાં, કાબુલીની સભાનાં નાચગાનના શબ્દાનુપ્રાસથી શોભતા સાક્ષાત્કારક વર્ણન (પં. ૧૨૫૧-૧૨૫૮)માં ‘રમઝમ કરતી રીઝતી...વનિતા વહી તે વાટ’ (પં.૧૩૪૪-૪૫) ના શબ્દાનુપ્રાસવાળા ગતિચિત્રમાં, ‘વૃષારતે જ્યમ આભમાં ઝબક ઝબૂકે વીજ’ (પં. ૧૩૪૯)માંની ઉપમામાં, પં.૧૪૪૨-૧૪૪૮ના ‘માઝમ રાત...શોર હોય’ માંના તથા પૃ. ૧૧૫-૧૬ પરના વર્ષાની અંધારી રાતનાં સુંદર વર્ણનોમાં શામળનું કવિત્વ પ્રકાશી ઊઠ્યું છે. એ સહૃદયો જોઈ શકાશે. પણ ૩૦૦૭માં પંક્તિની પદ્યકૃતિમાં એવાં સ્થળો કેટલાં ઓછાં? એ તો શામળના કવિત્વઝબકારને આગિયાના ઝબકારની જ કોટિનો ઠરાવે છે. શામળ ઉપમાઓ થોકબંધ વાપરે છે એ આ વાર્તા બતાવે છે, પણ તેમાં હૃદ્યતા કે ચમત્કૃતિ ઓછી હોય છે.
એની કાવ્યભાષા સાદી છે પણ તે બહધા ગદ્યાળવી છે. એમાં શબ્દાનુપ્રાસ ઘણી વાર અનાયાસે ઠીક સધાય છે, પણ શ્રવણસુભગતા અને કાવ્યોચિત સૌંદર્ય, માધુર્ય કે છટા તે જવલ્લે જ દેખાડે છે. જેમ શામળના ઉપમાનિદર્શનાદિ અલંકારોમાં અલંકારોના પાયામાં કે પ્રાણમાં હોાં જોઈતાં કલ્પનાચમકાર, રસિકતા ને કવિત્વ બહુ દેખાતાં નથી, તે શામળની કાવ્યભાષા પણ ઊંચી કવિતાની રસાભિષિક્ત હૃદયંગમ વાણીનું ગૌરવ ઓછું જ સાધી શકે છે. વાર્તા કહેવાની લહેમાં શબ્દોના ઔચિત્ય કે અર્થવાહિતાની પણ શામળ દરકાર રાખતો નથી. ઘણી વાર અમુક રૂઢ શબ્દપ્રયોગોથી પણ તે કામ ચલાવી લે છે. ‘મોટંમ માન’, ‘ક્ષણું માત્ર નહિ ખોડ’, ‘પ્રાજે કરી’, ‘અલખત અપરંપાર’, ‘ધાઈક મોટો ધંધ’, ‘લક્ષણ વીશ ને બાર’, ‘ધારણ નવ રહ્યું ધીર’, ‘ખાસ ખેલ ખલબત કરી’, ‘ભારે કરમનો ભૂપ’, ‘અર્ણવ અકલ અપાર’, ‘કથન સાંભળો કર્ણ,’ ‘બુધ્યનિધાન’, ‘મહેરામ’, ‘અલેખે આડે આંક’, જેવા પ્રયોગો એકથી વધુ વખત આ વાર્તામાં થયેલા જણાશે. ‘નેટ’, ‘મેળ’, ‘વેદ’, ‘તરતીબ’, ‘તરતીબતર’, ‘વ્રત’, ‘નિશાં’ જેવા શબ્દોનો પણ ઘણી વાર અર્થ કરવા બેસતાં મુશ્કેલી પડશે. પાદપૂરક જેવો જ અને ઘણી વાર પ્રાસ માટે એમનો ઉપયોગ શામળને હાથે થાય છે. શામળની ભાષા એ ગ્રામીણ જનસમાજની લોકભાષા છે. એટલે કેટલાય ગામઠી પ્રયોગો પણ એમાં દેખાય છે. એમાં ફારસી શબ્દો પણ સારા પ્રમાણમાં નજરે ચડે છે. બસો વર્ષ પહેલાંની બોલાતી ગુજરાતી ભાષાનો વાસ્તવિક ખ્યાલ એ આપી શકે એવી છે.
સમસ્યાઓ-સુભાષિતો
પણ જરાક તક મળે ત્યાં શામળ કવિતા કરવા બેસે કે સમસ્યા અથવા સુભાષિતો લખવામાં તે વાપરે? એની નજર વાર્તાના ભોગી સમકાલીન શ્રોતાઓ પર હતી. વાર્તા કહેતાં એમને જેટલો બુદ્ધિવિનોદ અને જેટલુંદ સામાન્યજ્ઞાન આપી શકાય તે લેખે છે એવી જ કાંઈ એની સમજ હતી. મધ્યકાલીન પદ્યવાર્તાની ચાલી આવતી પ્રણાલિકાએ તેમ જ શ્રોતાઓ વાર્તાકાર પાસે રાખતા હશે તે અપેક્ષાએ આ સમજ પ્રેરી હતી. ‘મદન મોહના’માં સમસ્યાનો બુદ્ધિવિનોદ બે વાર, અને તે ઠીક વિસ્તારમાં, આપે છે : એક, શુકદેવ પંડિત અને મોહના વચ્ચેની પ્રશ્નોત્તરી વેળા (પૃ.૧૨-૨૫), અને બીજો રાજકુંવરી અરુણા અને મદન વચ્ચેની પ્રશ્નોત્તરી વેળા (પૃ.૧૫૦-૧૫૯), આગલી પ્રશ્નોત્તરીમાં વાર્તાની નાયિકા પોતાનું બુદ્ધિચાતુર્ય દેખાડે છે. તો બીજીમાં નાયક મદનનું જ્ઞાન અને શાણપણ શામળ પ્રગટ કરાવે છે. એ રીતે નાયક-નાયિકાની બુદ્ધિમત્તાનું પ્રકાશન કરતી એ બેઉ પ્રશ્નોત્તરી સ્વરૂપમાં અને આંતર સામગ્રીમાં જુદી છે. આગલી સમસ્યાબાજીના પ્રકારની જ્યારે બીજી વિશેષે કરીને સંસારજ્ઞાન અને નીતિ-વ્યવહાર-બોધ આપનારી અને વાર્તામાં અન્યત્ર ઠેર ઠેર આવતાં સુભાષિતો અને ઉપદેશના પ્રકારની છે એ જોઈ શકાશે. આગલી સમસ્યાબાજીમાં બુદ્ધિચાતુર્ય સાથે શબ્દરમત અને ગણિતગમ્મત પણ છે. એમાં શામળ હળવેથી હિંદીમાં કેવો સરી ગયો છે[14] એ ધ્યાનમાં રાખવા જેવું છે. એમાંના કૃષ્ણ અને તેની પટરાણીઓના બુદ્ધિવિનોદના સમસ્યાત્મક છપ્પા એ જાતના વ્રજ સાહિત્યનું અનુસરણ હશે કે શામળનું જ મૌલિક સર્જન તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. એને શામળના નામની છાપ લાગી છે તે શામળનો યશ વધારે એવા બીજા અનુમાન તરફ આપણને લઈ જાય તેમ છે.
જનસ્વભાવના જાણતલ અને સંસારના ખરા નિરીક્ષક શામળની અનુભવમૂલક વ્યવહારજ્ઞાન-વાણી તો વાર્તામાં જ્યારે ને ત્યારે જુદાંજુદાં પાત્રોને મુખેથી સાંભળવાની મળે છે. મોહનાને પંડિત શુકદેવ પાસે ભણવા મૂકતી વેળા રાજાના વિચાર દ્વારા અગ્નિ-ઘૃત જેવા સ્ત્રી-પુરુષના સંપર્ક વિશે, મોહના કોઢિયા પંડિતનું મોં ન જુએ એમ ફરમાવતા રાજાન ઉદ્ગાર દ્વારા પાપના સંગનાં ફળ વિશે, મદન મોહનાને તેનો લગ્નનો સંકલ્પ છોડી દેવા વિનવે છે ત્યારે વણિક વિશે, પહેલી દૃષ્ટાંતકથાના બ્રાહ્મણી-બ્રાહ્મણ સંવાદ દ્વારા ગરથ અને વિદ્યા વિશે, બ્રાહ્મણના શ્લોક વેળા સહાસા કામ ન કરવા વિશે, ત્રીજી દૃષ્ટાંતકથમાં સ્ત્રીપુરુષ યોગ અને જાતિસ્વભાવ વિશે, ગંગની વાર્તામાં સરખે સરખા યોગ, નારીવશ પતિઓ, ડંફાશિયા નરો અને વારસાના સંસ્કાર વિશે, મોહનાની માતાની અને પ્રધાનની રાજાને મળતી સલાહમાં વિપ્ર અને સ્ત્રીને મૃત્યુદંડ ન આપવા વિશે, શુકદેવ પંડિતે રાજાને કહેલાં વેણમાં દશાફેર વિશે અને તેથી અહંકાર ન આણવા વિશે, રાજાના રોષ વેળા રાજકોપ વિશે, મોહનાની મદન સાથે જવાની માગણી વેળા નાથ વિનાની નાર, સપૂત, સતી, ચતુર, નર, વચનપાલન અને મનઃસંયમ વિશે, ગુણકાનો સંદેશો સાંભળી મદને કરેલા સભય પલાયન વેળા વણિકનાં સારાં માઠાં લક્ષણો[15] વિશે,
મોહનાએ ગુણકાને આપેલા બદલા વેળા ગુણ-અવગુણનો બદલો આપવા-લેવા વિશે, કૃષ્ણાવતીને થયેલા સર્પદંશ વેળા પાંશરા નસીબ વિશે, અને વિરહી મદનની રખડપટ્ટી વેળા દશાના પલટા છતાં હિંમત ન હારવા વિશે, શામળ ધરાઈને પોતાની સુભાષિતાવલિ આપણને સંભળાવે છે. અરુણાના બે છપ્પામાંના ચોવીસ પ્રશ્નના મદને આપેલા જવાબ (પૃ.૧૫૦-૧૫૯) નો પ્રકાર પણ આવો જ છે એ આગળ જણાવ્યું છે.
વાર્તાની આવી સામગ્રીમાં સ્ત્રીનિંદાનાં વાક્ય ઠેરઠેર નજરે ચડે છે. ટિપ્પણમાં એના તરફ નિર્દેશ કર્યો છે. પણ શામળ જો અવિચારી (દા.ત., દમલપુરના દામોદરરાયની દીકરી) કે અસતી (દા.ત. દુધાં) સ્ત્રીઓની લીલા વાર્તામાં બતાવે છે, તો વળી એકનિષ્ઠ પ્રીતિવાળી સતી સ્ત્રીઓ (દા.ત., મોહના અને છઠ્ઠી દૃષ્ટાંતકથામાંની યુવાન રજપૂતાણી) નું પણ સુંદર આલેખન કરે છે. એની નારીનિંદા આથી એના યુગની નારીભાવનાનો જ પડઘો કે પરિણામ છે, એની પોતાની માન્યતાનું નહીં.
મોહના શુકદેવ પાસેથી તે વિદ્યાઓ (પૃ. ૧૧-૧૨), મદનનાં સામુદ્રિક શાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ લક્ષણો (પૃ.૨૭-૨૮) મદને મોહનાને જુદાં જુદાં શુકનોનાં ફળની આપેલી માહિતી (પૃ.૧૨૨-૧૨૫) અને સિદ્ધિ, રત્ન, વિદ્યા, રસ અને તોલ વિશેના ઉલ્લેખો (પૃ. ૭૪-૭૫) શામળે પોતાનું સામાન્યજ્ઞાન શ્રોતાઓની જાણ સારુ એમની સેવામાં વાર્તામાં કેવું ધરી દીધું છે એ બતાવે છે.
વાર્તામાં આવતું સામાન્યજ્ઞાન, વ્યવહાર-નીતિ-બોધ તેમ જ સમસ્યાદિના મનોરંજક બુદ્ધિચાતુર્યનું આવડું મોટું પ્રમાણ વાર્તાની કલાકૃતિ તરીકેની સુશ્લિષ્ટતાને જોખમાવી રસની બાબતમાં નવલરામ પંડ્યાના શબ્દોમાં તેને ‘ખંડલહરી’બનાવે છે, શામળને (લોકોને ધર્મસંસ્કાર આપતા પ્રેમાનંદ જેવો) બ્રાહ્મણોનો નહિ ફણ સંસારી રસની માનવ-કથાનો દ્વારા મનોરંજન આપી દુનિયાદારી ડહાપણ શીવતો ‘વાણિયાનો (વાણિયાઓ માટેનો) કવિ’ ઠરાવે છે, અને કાવ્ય વ્યવહારબિદે એ મમ્મટ કથિત એક કાવ્યપ્રયોજને સિદ્ધ કરે છે.
‘મદનમોહના’ શામળની શ્રેષ્ઠ કૃતિ?
‘સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક’થી શોભતી, ‘નરનારીની ચાતુરી નરનારીનાં ચરિત્ર’ના ઊજળા તેમ જ કાળા બંને પ્રકારનું નિરૂપણ કરી દેખાડતી, છ દૃષ્ટાંતકથાથી તેમ જ મોહનાનાં પાંચ કન્યા સાથેનાં લગ્નની કથાથી એક કથામાં અનેક વાર્તાઓનો રસ આપતી, સમસ્યાલેખ અને બોધક સુભાષિતો તો મોટા પ્રમાણમાં રજૂ કરતી, શામળની મૌલિકતા સાથે જૂના વાર્તાસાહિત્યનો એણે લીધેલો લાભ પણ દેખાડતી અને શામળની વાર્તાકાર અને કવિ તરીકેની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓનું એક સાથે દર્શન કરાવતી આ ‘મદનમોહાના’ની પ્રેમકથા શામળની એક પ્રતિનિધિ કૃતિ છે એની ના નહિ, એ એની એક જનપ્રિય વાર્તા છે એય ખરું, પણએની સર્વોત્તમ કૃતિ ખરી? વાર્તાશૈલી આની આ છે છતાં ‘નંદબત્રીસી’ કદાચ આના કરતાં સૃશ્લિષ્ટતામાં સારી છાપ પાડે. ‘વિદ્યાવિલાસિની’ની વાર્તા પણ હાથપ્રતના અભાવે તેમ જ લઘુસુખની આ જ વાર્તાની સાથેના. ઘણા સામ્યને લીધે કોઈ શામળનું કર્તૃત્વ શંકાસ્પદ ન ઠરાવે તો આગળનો નંબર કદાચ લઈ જાય. વસ્તુતઃ શામળનું સર્વોત્તમ સર્જન તો અભ્યાસીઓ વડે કદાચ ગણાશે એની ‘સિંહાસનબત્રીસી’, જેમાં વાર્તાકાર તરીકેની એની પ્રતિભા અને કલાનો પૂરતો ઉપયોગ થયો દેખાય છે.
નોંધ:
- ↑ એમાં રાજકુમારી નિશાળમાં પ્રધાનપુત્રના પ્રેમમાં પડે છે, પણ પ્રધાનપુત્રે પોતાની જગ્યાએ વિનયચટ્ટને ગોઠવી દેતાં તેની જોડે પરણે છે.
- ↑ એમાં રાજકુમારી બ્રાહ્મણ વિદ્વાનને છૂપા સ્નેહલગ્નથી પરણે છે.
- ↑ એમાં રાજકુમારી રૂપાં ગુરુપુત્ર સુંદરના પ્રેમમાં પડે છે ને આખરે પરણે છે.
- ↑ એમાં રાજકુંવરી નિશાળમાં મધુ નામથી ઓળખતા મંત્રીપુત્ર મનોહરના પ્રેમમાં પડે છે. એ હિંદી વાર્તા (લેખક, ચત્રભુજદાસ) શામળને જાગીતી લાગે છે.
- ↑ એનાં પાછલાં રૂપાંતરોમાં રાજકુમાર સદેવંત અને પ્રધાનપુત્રી સાવલિંગા નિશાળમાં પ્રેમમાં પડે છે.
- ↑ એમાં રાજકુમાર પુષ્પસેન વણિકપુત્રી સુલોચનાને પરણે છે.
- ↑ એ રાજકુમારી અને ગુરુપુત્રના પ્રેમની કથા છે.
- ↑ આ કથા ‘વિદ્યાવિલાસપવાડું’નું વિકસાવાયેલું રૂપ છે.
- ↑ મલ્લિનાથ – કાવ્ય (વિનયચંદ્ર), સર્ગ બીજો.
- ↑ આવી જ પરિસ્થિતિમાં મધુ માલતીને મૃગ-સિંહણના મોહની વાત કહે છે. (એ વાત ‘મદનમોહના’માં ત્રીજી દૃષ્ટાંતકથા તરીકે શામળે ઉપાડી લીધી છે.), જે વાર્તામાં પાછી ઘુવડને કાગની તથા તેમાં ટિટોડા-ટિટોડીની અને સિંહ-સસલાની આડકથાઓ પણ આવે છે. સિંહણ મૃગની પહેલાં પોતે મરી એવા એ વાર્તાના અંતમાં રહેલો એવો પ્રેમ નિર્દેશી પોતાના પ્રેમનો સ્વીકાર કરવાનો આગ્રહ કરતી માલતી સાથે તેને સમજાવવા મથતા મધુનો જે સંવાદ થાય છે તેમાં કુંજમુનિની અને નૃપતિકુંવરની વાર્તાઓ પણ આવે છે. મધુ તે વેળા માલતીની માગણી અવગણી ઘેર ચાલ્યો જાય છે ને ફરી ભણવા આવતો નથી. એમનું લગ્ન તો ત્યાર બાદ સમય પછી રામસરોવરની પાળે થાય છે. શામળે પ્રધાનપુત્રની આનાકાની ને સમજાવટમાં એકલી મૃગલા-સિંહણની જ કથાનો (ને તેય એની આડકથાઓ વિના તથા અંત થોડો બદલીને) ઉપયોગ કર્યો છે. બીજી દૃષ્ટાંતકથાઓ તેણે કોઈ કોઈ કથાંશો બીજેથી લઈ પોતાની રીતે યોજીને આપી છે, અને મદનની આનાકાનીને ચૂપ કરી તેને મોહના સાથે તે જ સ્થળે પરણતો બતાવ્યો છે. પણ આવો ફેર ન હોય તો તો પછી શામળની વિશિષ્ટતા ક્યાં રહી?
- ↑ શિયાળ ને હરણીના પ્રાણીશાસ્ત્રને માન્ય નહિ એવા સ્નેહની આ કથા દ્વારા. પોતાના ને મોહનાના સામાજિક દરજ્જાની અસમાનતાને આગળ કરતા મદનને રાજપુત્રી નેતે પ્રધાનપુત્રનું સ્નેહલગ્ન થઈ શકે અને હરણીના જેવા પોતાના નિષ્ઠાવંત પ્રેમથી સંભવિત આપત્તિમાંય પણ ઊગરી શકાશે એમ મોહના ખૂબીથી સૂચવે છે.
- ↑ શામળની બીજી વાર્તાઓની નાયિકાઓ પદ્માવતી, રૂપાવતી અને વિદ્યાવિલાસિની પણ નાયક કરતાં પ્રેમમાં પોતે પહેલ કરનારી આવી જ પ્રગલ્ભ લલનાઓ છે.
- ↑ મોહનાએ નાગને દવામાંથી ઉગાર્યો અને પછી એણે આપેલ મણિથી પાંચ દુખિયાનાં કષ્ટ કાપ્યાં એ હકીકત કથાના ઉત્તરાર્ધને પરોપકાર-મહિમાની જ કથા બનાવી દેતી લાગે છે. એ પરોપકારનું ફળ વાર્તાકાર સારું અપાવે છે! સારું કરનારને સારું અને ખરાબ કરનારને એને લાયકનું ફળ મળતું બતાવી શામળ ભટ્ટે કાવ્ય-ન્યાય (Poetic justice)નું તત્ત્વ આ કથામાં ગુણકાને તથા કથાન્તે શુકદેવ પંડિતને અને દૃષ્ટાંતકથાઓમાં સિંહણ, હરણી, દુધાં, કાબુલી, ઢેડને પરણનારી રજકુંવરી અને પેલા રજપૂત યુગલ તેમની કરણીને યોગ્ય ફળ મળતાં જે રીતે નિરૂપાયાં છે તે પરથી, તરત સમજાશે.
- ↑ આ જ વાર્તામાં અન્યત્ર પણ તેણે હિન્દીનો પ્રયોગ કર્યો છે. એની ‘અંગદવિષ્ટિ’ તો એનો પ્રયોગ વધુ મોટા પ્રમાણમાં દેખાડે છે. શામળની હિન્દી ગુજરાતી હિન્દી બની જાય છે એ ખરું, છતાં તેની હિંદીપ્રભુતા એકંદરે સારી છે. શામળના કવિ-ઘડતરમાં વ્રજ કવિતારચનાના અભ્યાસનોય ઠીક ફાળો હતો.
- ↑ વણિક વિશે તો આ વાર્તામાં કુલ ત્રણ વાર લખાયું છે. એમાં એનાં સારાં તેમ નબળાં બંને પ્રકારનાં લક્ષણો શામળે રસથી વર્ણવ્યાં છે જેમ પ્રેમાનંદે શ્રોતાજનોના મનોરંજન સારુ ‘નળાખ્યાન’ના કથાનાયક નળની ગૌરવક્ષતિ અનો થોડોક સુરુચિભંગ થવા દઈને પણનળના બાહુક-સ્વરૂપને પાછળથી એની ચેષ્ટાઓ તથા વાણી દ્વારા હસામણું ચીર્યું છે, તેમ શાળ પણ મદન આ વાર્તાનો નાયક છે એ ભૂલી જઈ તે ગુણકાના પેલા ખોટા સંદેશાથી બીને નાઠો એમ વર્ણવતાં, વણિક એવા જ હોય એમ વણિકનાં લક્ષણો ગણાવીને તેના ટેકાથી આપણને જણાવે છે. આમ તે પણ પોતાના કથાનાયકનું માન રાખતો નથી!
(‘સાહિત્યનિકષ’)