સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/સરસ્વતીચંદ્રમાં પાત્રવિધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. ‘સરસ્વતીચંદ્ર’માં પાત્રવિધાન

‘ઈશ્વરલીલાનું સદૃર્થે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે.’ (ગોવર્ધનરામ) છેલ્લાં થોડાં વરસમાં આપણે ત્યાં કેટલાક વિવેચનસંગ્રહો બહાર પડ્યા છે એ હકીકત આમ આનંદજનક ગણાય, છતાં આપણને તેનાથી બહુ પોરસાવા જેવું મળી ગયું લાગતું નથી. ભલે પ્રતિષ્ઠિત વિદ્વાનોએ લખેલા, પણ એ છે તો તેમણે અવારનવાર ફુરસદે લખેલા છૂટક લેખોના જ સંગ્રહો. યુગવાર વ્યવસ્થિત વિવેચનગ્રન્થોની ઊણપ શું, તેના સદન્તર અભાવનું મહેણું ટાળવું હજી બાકી છે. ગોવર્ધનરામ, ન્હાનાલાય ને મુનશી જેવા આપણા સમર્થ સર્જકો પર પણ અભ્યાસપૂર્ણ, સાચું, પૂરું, વેધક, વ્યવસ્થિત વિવેચન આપવાનો પ્રયાસ કરતો એક એક ગ્રન્થ આપણે ત્યાં ક્યાં? અલબત્ત, એ ત્રણેય સાવ વિવેચન વિનાના રહી ગયા નથી. અને ગોવર્ધનરામ તો વિશ્વનાથ પ્રભુરામ, રમણભાઈ, ઉત્તમલાલ ત્રિવેદી, બળવંતરાય ઠાકોર, આનંદશંકર ધ્રુવ, નાનાલાલ કવિ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, કેશવલાલ કામદાર જેવા વિદ્વાનોને હાથે સારું વિવેચન પામ્યા છે. એ ખરું, પણ એ બધું કેવડા મોટા ગાળામાં અનેકેવું છૂટક છૂટક? ગોવર્ધનરામ અને તેમનું સાહિત્ય કોઈ એક જ એકનિષ્ઠ અભ્યાસીના હાથનો વિવેચનગ્રંથ માગી રહેલ છે. ન્હાનાલાલ, મુનશી, આદિનાં સાહિત્ય માટે પણ આમ કહી શકાય. ‘સ્નેહમુદ્રા’, ‘સાક્ષરજીવન’, ‘દયારામનો અક્ષરદેહ’, ‘નવલરામની જીવનકથા’, ‘લીલાવતિ જીવનકથા’, અને ‘પ્રાચીન ગુર્જર કવિઓ’ (Classical Poets of Gujarat) જેવી કૃતિઓને અલગ રાખીને તોય ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ એ નવલકથા એકલી જ આખા વિવેચનગ્રંથની અધિકારી છે. વર્ષો સુધી ખૂબ વંચાતી રહેલી ગુજરાતી સાહિત્યની એ મહાનવલ અત્યારે ઓછી વંચાય છે એટલું જ નહિ, નવલકથા તરીકે અવગણાય પણ છે. આચાર્ય આનંદશંકરે એમાંની સર્વતોભદ્ર જીવનમીમાંસા તથા મોટા પટમાં રમતી કથા પર ધ્યાન આપી તેને ‘પુરાણ’ કહી, ત્યાર પછી ‘પુરાણ’ શબ્દમાં બધું કહી નખાયું માની આગળ ચાલવાની જ જાણે આધુનિકજ જમાનાની વૃત્તિ થઈ ગઈ લાગે છે. આનંદશંકર ધ્રુવે તેને આપેલી ‘પુરાણ’ સંજ્ઞામાંનું પ્રશંસાતત્ત્વ ઉવેખી આક્ષેપાત્મક બોલ તરીકે ‘સરસ્વતીચંદ્ર’ના સંબંધમાં એ શબ્દનો ઉપયોગ થતો ઘણી વાર જોવામાં આવે છે. ‘સરસ્વતીચંદ્ર’ પુરાણ હશે, છે; પણ એમાં સંક્રાંતિકાળનાં બલાબલોની મીમાંસા કરવા મથનાર ગોવર્ધનરામે ભલે સાધન તરીકે તો સાધન તરીકે, પણ નવલકથાનું કલાસ્વરૂપ નિયોજ્યું છે. નવલકથા તરીકે એમાંનું કલાતત્ત્વ જોવાતારવવાના ખાસ પ્રયાસ પ્રમાણે ત્યાં થવા જોઈએ તેટલા નથી થયા. એવો પ્રયાસ કરનારને ખાતરી થવાની જ કે તેની વસ્તુસંકલના, પાત્રલેખન, સંવાદરચના, સંસારચિત્ર, જીવનમીમાંસા, અને નિરૂપણશૈલીમાં રહેલી ગોવર્ધનરામની કલાસમજ કંઈ કમ નથી. ઊંડા ઊતરી એ સર્વનો અભ્યાસ કરાય તો એકંદરે પંડિત પુરાણી ગોવર્ધનરામમાં પ્રતિભાવંત કલાકાર ગોવર્ધનરામ પણ છુપાયેલા હોવાની પ્રતીતિ અવશ્ય થવાની. પણ એ અભ્યાસીઓના અભ્યાસ ને મનનને પાત્ર મોટો વિષય થયો. કોઈએ એ વિષય ઉપાડી તેની પર મંડ્યા રહેવું જોઈએ એટલું જ સૂચવતું હતું. મારું આજનું વક્તવ્ય ગોવર્ધનરામની પાત્રસૃષ્ટિ પૂરતું જ મર્યાદિત રહેવાનું છે. એમાં આશય છે પાત્રાલેખન પરત્વે ગોવર્ધનરામે બતાવેલી સર્જકતા અને શક્તિનો શક્ય પરિચય આપવાનો. પચાસ મિનિટમાં સદૃષ્ટાંત નિરૂપણ સાથે આટલો એક વિષય પણ પૂરો થાય તેમ નથી, છતાં પ્રયાસ કરીશ. ‘સરસ્વતીચંદ્ર’માંના પાત્રાલેખનનો વિચાર કરતાં સૌથી પહેલી વસ્તુ નજરે પડવાની તે એનાં પાત્રોનું સંખ્યાબળ. ચારે ભાગનાં પ્રગટ તેમ સૂચિત પાત્રોની સંખ્યા ગણી જોશો તો દોઢસોની ઉપર થશે. ચાર ભાગને પોણા બે હજાર ઉપરાંત પાનામાં આટલાં પાત્રો આવે જ ને? ના, કેટલાંક તો ચારે ભાગમાં સમાન છે, અને તે છતં આટલાં બધાં, એ જોવાનું છે. અલબત્ત, આમાંનાં ઘણાં પાત્રો ગૌણ છે, છતાં તે ગૌણ પાત્રોય કામનાં છે અને પોતપોતાને ભાગે આ નવલસૃષ્ટિમાં આવેલું કાર્ય પોતાના વ્યક્તિત્વને સુસંગત રહીને બજાવી જાય છે, પછી એ અર્થદાસ હોય, ગાડાવાળો હોય, ધૂર્તલાલ હોય, ગંગાભાભી હોય, કે સુંદર હોય, મેરૂલો હોય, જમાલ મીયાં હોય કે નરભેરામ હોય. એમ દલીલ થાય કે આટલાં બધાં પાત્રોની જરૂર શી હતી? પણ આપણે ગોવર્ધનરામના ચિત્રફલકની વિશાળતાનો ખ્યાલ કરવો જોઈએ. એમનો આશય હતો ગુજરાતના - અને તે વાટે સમગ્ર ભારતવર્ષના - સંસારચિત્રને આલેખવાનો. એમનો પટ બીજી નવલકથાઓ કરતાં કેટલોય વિશાળ છે. ગૃહસંસાર, રાજખટપટ, ધર્મતત્ત્વ, દેશોત્કર્ષ, જેવી ઘણીબધી બાબતો એમને છણવી હતી, એટલે તે દરેક ક્ષેત્રને તેમાં રમતાં તેનાં પ્રતિનિધિરૂપ પાત્રોથી રજૂ કરવું તેમને માટે જરૂરી થઈ પડ્યું. એ તે ક્ષેત્રોના માનવીઓની પલટણથી ભરી દીધા વિના ન થાય એટલે આટલી સંખ્યા અનિવાર્ય બની છે. ટૉલ્સ્ટોયની વિખ્યાત મહાકથા ‘યુદ્ધ અને શાંતિ’માં કેટલાં બધાં પાત્રો છે! અને ગોવર્ધરામનું લક્ષ્ય પાછું ભૂતમાંથી વર્તમાન, અને વર્તમાનમાંથી આકાર લેતા ભવિષ્યના સંક્રાન્તિકાળની સમસ્યાઓ આ કથા દ્વારા રજૂ કરી તે છણવા-ચર્ચાવાનું હતું. જેને માટે સમયદૃષ્ટિએ દાદા, પિતા અને પુત્ર-પુત્રીની ત્રણ પેઢીઓને પ્રતિનિધિરૂપ પાત્રોનાં માધ્યમ દ્વારા નવલકથામાં શ્વસતી, બોલતી અને રમતી કરવી પડે તેમ હતું. ‘સરસ્વતીચંદ્ર’ની આ પાત્રસૃષ્ટિ વૈવિધ્યવંતી અને અનેકરંગી છે. પહેલા ભાગમાં કથાવસ્તુ પ્રથમ સુવર્ણપુરમાં ને પછી મુંબઈમાં કેન્દ્રિત થાય છે, તો સુર્વપુરના ભૂપસિંહના રાજ્યની આંતર ખટપટમાં ભાગ લેતા બુદ્ધિધન અને શઠરાય એ બે જબરા પ્રતિસ્પર્ધીઓ અને એમનાં કુટુંબો તથા પક્ષકારોનાં મંડળ અને પછી મુંબઈના સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબીજનો તથા મિત્ર આપણું ધ્યાન ખેંચે છે. બીજા ભાગમાં પ્રથમ બહારવટિયામંડળ અને પછી રત્નનગરીમાં ગુણસુંદરીની કુટુંબજાળમાં ગુંથાયેલાં સુંદર, ચંડિકા, ધર્મલક્ષ્મી, માનચતુર, આદિ પાત્રો આપણું લક્ષ રોકી રાખે છે. ત્રીજામાં રત્નનગરીના બે પેઢીના રાજાઓ અને તેમનાં પ્રધાન, રાણીઓ અને સામંતો, મુંબઈમાંનું ધૂર્તલાલનું મંડળ અને યદુશૃંગના સાધુઓ કથાપટ ભરી દે છે. ચોથા ભાગમાં પ્રથમ યદુશૃંગવાસીઓ અને પાછળના ભાગમાં કથાનાયકની સાથે સંસારી સંબંધ ધરાવતાં પાત્રો મહત્ત્વનો ભાગ ભજવે છે. પૃથક્કરણ કરતાં જણાશે કે આમાં સમાજના બધા થરનાં અનેબધી સંસ્કારકક્ષાઓનાં માનવીઓ આવી જાય છે – એમાં રાજાઓ છે, તેમના અમલદારો ભાયાતો, ગોરા સાહેબો અને તેમના શિરસ્તેદારો છેઃ શ્રીમંત કેળવાયેલાં ભાવનાશીલ યુવક-યુવતીઓ છેઃ પત્રકારો, વિદ્વાનો, કવિઓ, સાધુઓ અને બહારવટિયાઓ છેઃ મધ્યમ વર્ગી ગુજરાતણો પણ છેઃ મહેતાજી, જમાલ, ગાડાવાળો, ડોશી, મૂર્ખદત્ત પૂજારી, રઘી, મેરુલો વગેરે જેવાં નીચલા થરાં પાત્રોય છે. ટુંકમાં, વિધિનિર્મિતિમાં જે કંઈ છે તેનું આ નવલકથાની દુનિયા પૂરતું પ્રતિબિંબ કે પ્રતિનિધિત્વ અહીં છે. ગોવર્ધનરામે રાખેલો પણ ઈશ્વરલીલાનું ચિત્ર આપવાનો આદર્શ, બીજી રીતે કહીએ તો, દશે દિશાએ મચી રહેલા કોલાહલની તળે સરતા ભિન્નચિત્ર સંસારને જોવાનો સરસ્વતીચંદ્રનો અભિલાષ એ એના સર્જકનો જ અભિલાષ છે. એ અભિલાષ એમણે આવું સંસારદર્શન કરી કરાવીને જાણે સિદ્ધ કર્યો છે. ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગની પ્રસ્તાવનામાંનું ‘વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ : એ સર્વના પ્રકાશમાં, છાયામાં અંધકારમાં તથા અધવચ રહેતાં મનુષ્યોની સ્થિતિઓ ને સંક્રાન્તિઓ દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વ વાંચનારને કોઈ કોઈ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણ સારુ ઉપમાન મળે’ એ વાક્ય આ પાત્રવૈવિધ્યની સહેતુકતા દર્શાવી આપે છે. એકેએક થરનાં પાત્રોનું અને એ પાત્રોની લીલાભૂમિ બની શકે તેવા આવડા વિશાળ પટનું આવું સમૃદ્ધ દર્શન કોઈ એક જ કૃતિમાં ગોવર્ધનરામ સિવાય બીજા કોઈ ગુજરાતી નવલકથાકારે નથી કરાવ્યું. ના, મુનશીએ, રમણલાલે, મેઘાણીએ ‘ધૂમકેતુ’એ કોઈ નહિ. આ પાત્રસૃષ્ટિ અમસ્થી જ દર્શન નથી દેતી. ‘ઈશ્વરલીલાનું સદર્થે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે.’ ખરું, પણ ઈશ્વરની સૃષ્ટિલીલાનો હેતુ તો તત્ત્વદર્શીઓ ને સંતમહંતો ખોજ્યા કરે તોય પૂરો પામે ભાગ્યે. પણ ગોવર્ધનરામનું એવું નથી. એમનો હેતુ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં પડ્યા વગર દેશભરના વાતાવરણમાંના વિચારપ્રવાહોને અને પ્રવૃત્તિપ્રવાહોને તટસ્થ દ્રષ્ટા બની અવલોકવા અને તે પર ચિંતનમનન કરી કોઈ પથ્ય માર્ગદર્શન કે ઉકેલ પોતાનાં દેશજનોને દેશહિતાર્થે દાખવી જવો, એવી સ્વદેશવત્સલ ભાવનાથી ગોવર્ધનરામની લેખનવૃત્તિ આરંભાઈ હતી. એવી વિચારણા જ રજૂ કરવાનો એમનો મૂળ આશય. પણ ગંભીર નિબંધાત્મક પર્યેષણા બહુજનભોગ્ય ન નીવડે એ સંભવ જોઈ નવલકથા દ્વારા વાચકોને, ‘કાવ્યપ્રકાશ’કારની ભાષામાં સ્ત્રી પતિને કરે છે તેમ, અભિમુખ કરીને વાર્તારસ ભેગો જ્ઞાનરસ પાઈ દેવો એવો નિર્ણય એમણે કર્યો તે સુવિદિત છે. એ નિર્ણયનો અમલ કરવામાં ગોવર્ધનરામે એવી ખૂબી વાપરી છે કે વાર્તારસ માટે તેમણે કેટલાંક પ્રત્યક્ષ ચિત્રો આપ્યાં છે, અને એ રીતે પરોક્ષ રીતે વાચકોને તૈયાર કરી પછી સીધી વિચારણા પ્રસંગ સાધીને એમણે રજૂ કરી છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના આધારભૂત પુરુષની પત્નીની દશા પણ કેવી થાય છે એનું પ્રત્યક્ષ ચિત્ર આપવા એમણે બીજા ભાગમાંની ગુણસુંદરીના કુટુંબજાળની કથા યોજી, તો સંયુક્ત કુટુંબના પ્રશ્નની સીધી વિચારણા માટે ચોથા ભાગમાં ચંદ્રકાન્તના પાત્રોની પોટલીના સરસ્વતીચંદ્રકૃત વાચન અને તેના પરના તેના પ્રસંગને યોજ્યો છે. એવી રીતે દેશી રજવાડાંનો સડો બતાવવા માટે પહેલા ભાગની સુવર્ણપુરની ખટપટની કથા તેમ જ ચક્રવર્તી બનવા નિર્માયેલી સત્તા સાથેના દેશી રાજ્યોના સંબંધ માટે નાગરાજ, મલ્લરાજ ને મણિરાજની ત્રીજા ભાગમાંની કથા પ્રત્યક્ષ ચિત્રો લેખે યોજાઈ છે, તો એની અપરોક્ષ વિચારણા ચોથા ભાગમાંની કથા પ્રત્યક્ષ ચિત્રો લેખે યોજાઈ છે, તો એની અપરોક્ષ વિચારણા ચોથા ભાગમાં મણિરાજની રાજ્યસભામાંની ચર્ચા દ્વારા રજૂ કરવામાં આવી છે. સમાજલગ્નો અને તેને લીધે શુદ્ધ પ્રીતિને વેઠવી પડતી વ્યથા કુમુદ અને સરસ્વતીચંદ્રની વેદનાના પ્રત્યક્ષ ચિત્ર દ્વારા બતાવાઈ છે, તો વિવાહ અને પ્રીતિની તાત્ત્વિક મીમાંસા ચોથા ભાગમાં સાધ્વીઓના સંવાદમાં કરી છે. પૂર્વપશ્ચિમનો સંસ્કૃતિસંઘર્ષ અને આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, તેનો અર્વાચીન આચાર અને અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિના ત્રિવેણીસંગમને આરે ઊભેલો સંસ્કારી શિક્ષિત વર્ગ શી ભાવનાઓને સેવે તે બતાવાયું છે. ખાસ સરસ્વતીચંદ્રના પાત્ર દ્વારા, અને પછી તેનું તાત્ત્વિક નિરૂપણ તથા તેની સિદ્ધિ માટેની સાધનાના ક્રમનું માર્ગદર્શન સરસ્વતીચંદ્ર-કુમુદનાં સ્વપ્ન દ્વારા, વિષ્ણુદાસજીના ઉપદેશ દ્વારા તથા કલ્યાણગ્રામની યોજના દ્વારા ચોથા ભાગમાં રજૂ કરવામાં આવ્યું છે. નવા જમાનામાં, નિષ્પ્રાણ ખોખારૂપે નહિ પણ આર્ય સંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાનને જીવંત રાખી તેને જીવનમાં વણી દેનારો, નવી દૃષ્ટિને બધી રીતે સંતર્પે એવો ધર્મ બતાવવા યદુશૃંગવાસીઓનું ચિત્ર અપાયું છે. આ રીતે વિશિષ્ટ હેતુ માટે યોજાયેલાં આ પ્રત્યક્ષ ચિત્રોની પાત્રસૃષ્ટિ પણ તે હેતુને સિદ્ધ કરવા સારુ જ નિર્માયેલી પ્રતીત થાય છે. આમ છતાં, પાત્રો પોતાનું માનવ્ય નથી ખોતાં, તેમ હેતુ ખાતર જ યોજાયેલાં નિર્જીવ પૂતળાં જેવાં નથી લાગતાં, એ ગોવર્ધનરામની ખૂબી છે. "સુચિત્રોના મિષ્ટ પરિપાકમાં શાસ્રના સંસ્કારોનો મધુર મધુર સંભાર ભરવો" ગોવર્ધનરામે ધારેલો તે નવલકથાના તેમને માન્ય આદર્શના પાલનના આગ્રહને પરિણામે જ. એ આદર્શ કયો તે પહેલા ભાગની અંગ્રેજી-ગુજરાતી બંને પ્રસ્તાવનાઓ કહી આપે છે.(‘સરસ્વતીચંદ્ર’ના ચારે ભાગની પ્રસ્તાવનાઓમાં તેનું ખરું વિવેચન ગોવર્ધનરામે આપી દીધું છે, અથવા પોતાનું ઇંગિત સ્પષ્ટ કરી કૃતિને સમજવા-આસ્વાદવાની સમજ આપી છે. નવલકથાકાર ગોવર્ધનરામ ત્યાં પોતાના વિવેચક બન્યા છે એમ કહીશું? કે ગ્રંથના પ્રયોજન, વસ્તુ પાત્રો, રહસ્ય ઇ.ની યોજના વિશે પોતાનું દૃષ્ટિબિંદુ પહેલેથી કહી નાખી એ દૃષ્ટિએ તેને વાંચવા-સમજવાની સૂચના જ એમણે ત્યાં કરી ગણીશું? ગમે તેમ, ‘સરસ્વતીચંદ્ર’ના અભ્યાસીએ એ કથાના પહેલા, ત્રીજા અને ચોથા ભાગની પ્રસ્તાવનાઓ પૂરતા લક્ષથી વાંચી ચિત્તમાં ઉતારવી જોઈએ. એ વિના ‘સરસ્વતીચંદ્ર’નું રસ-રહસ્ય-દર્શન સુકર બનવાનું નહિ.) પાત્રસૃષ્ટિ આમ ઇષ્ટ હેતુએ યોજાવેલી છે, અને એ હેતુ દેશહિતલક્ષી સંસારસમીક્ષાનો છે. એ સંસાર-સમીક્ષા ગોવર્ધનરામ અમુક વિશિષ્ટ પરિસ્થિતિ સંદર્ભમાં કરે છે. એ હકીકત પણ એમનાં પાત્રોની પૂરી ઓળખ માટે જાણી લેવી જરૂરી છે. એ પરિસ્થિતિ છે ‘વર્તમાનકાળની તીવ્ર અને ઉગ્ર’ સંક્રાન્તિની. એની વાત કરી ગોવર્ધનરામ લખે છેઃ "આ આવા કાળનાં કષ્ટોનાં ભ્રામર વચ્ચે, વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્વિગ્ન અને ક્ષણમાં મોહિત ચિંતાઓની ભીડાભીડના દબાણ વચ્ચે સર્વસંગ્રહી ઉદારતાનાં અને સારસંગ્રહી બુદ્ધિનાં તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતાનાં ઉદય પામતાં થોડાં પરંતુ ચિરંજીવ કિરણ પણ દૃષ્ટિગોચર થતાં જણાય છે. એ સંક્રાન્તિનું વર્તમાનચિત્ર અને એ કિરણોનું ભાવિચિત્ર એ ઉભય આ કથાના ચારે ભાગનો એક પ્રધાન ઉદ્દેશ છે." આ સંક્રાન્તિનું ચિત્ર આપવાના ઉદ્દેશથી ગોવર્ધનરામે એમણે કહ્યું છે તેમ "આ વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ ગુર્જર વસ્તીનો રાખેલો છે. એટલે હજુ સુધી આપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની આજની આપણી કલ્પના પર પડતી પ્રતિચ્છાયા : એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્વારકોને કાંઈ સૂચના મળશે એવી કલ્પના છે." આવા સંક્રાન્તિકાળના ચિત્રને યોગ્ય રીતે પ્રતીતિજનક બનાવવા જાતે જ એક શાસ્ત્રીય દેશોદ્વારક એવા ગોવર્ધનરામે પાત્રાલેખન પણ એવું કર્યું છે. ત્રીજા ભાગમાં રત્નનગરીના નાગરાજ, મલ્લરાજ અને મણિરાજ એ ત્રણ રાજાઓની કથામાં ‘ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની આપણી કલ્પના પર પડતી પ્રતિચ્છાયા’ અવશ્ય જોવાય છે. એવી જ રીતે જરાશંકર, બુદ્ધિધન અને વિદ્યાચતુર મેનારાણી અને કમલા, અને સૌભાગ્યદેવી, ગુણસુંદરી, કુમુદસુંદરી અને કુસુમનાં પાત્રચિત્રણથી જૂનાં પાત્રો અને નવી કેળવણી અને નવા વાતાવરણથી ઘડાતાં નવાં પાત્રો અને તેમનાં માનસનું દર્શન કર્તાએ કરાવ્યું છે. કથાનાયક સરસ્વતીચંદ્ર પણ જે મનોરાજ્યમાં વિહાર કરે છે તે સંક્રાન્તિકાળનું જ છે. સુવર્ણપુરમાં દેશી રાજ્યની આંતરિક ખટપટ જોઈ, ચંદ્રકાન્તના સંયુક્ત કુટુંબનો કલેશ પત્રો દ્વારા જાની, શુદ્ધ પ્રીતિનું દર્દ કુમુદની વેદના પ્રત્યક્ષ જોવાની અને સ્વાનુભવથી સમજી, યદુશૃંગ પર નવયુગ માગે છે તેવા સેવાયજ્ઞનું તત્ત્વજ્ઞાન અને પ્રેરક ઉદ્‌બોધનથી સાંભળી, સરસ્વતીચંદ્ર ત્યાર બાદ સ્વદેશહિત માટે જે યોજના ઘડે છે, તેમાં સંક્રાન્તિકાળનાકક જ બધા પ્રશ્નોને છણી લઈ પોતાને સૂઝ્યો તે ઉકેલ ગોવર્ધનરામે રજૂ કર્યો છે. આ પાત્રોમાં ઘણાં આદર્શ છે અને ઘણાં વાસ્તવિક છે. પોતાના ઇષ્ટ ધ્યેયને સાધવા ગોવર્ધનરામને બે વાનાં કરવાનાં હતાં; એક, વર્તમાન સંક્રાંતિકાળનું તાદૃશ ચિત્ર આપી સમસ્યાઓ રજૂ કરવી, અને બીજું, એને ઉકેલી નવો આદર્શ ચીંધવો. આમાંના પહેલાં હેતુ માટે એમને વાસ્તવિક પાત્રો દ્વારા સમાજદર્શન કરાવવું પડ્યું છે, અને બીજા માટે આદર્શ પાત્રો યોજવાં પડ્યાં છે. ગોવર્ધનરામે પોતે પહેલા ભાગની અંગ્રેજી પ્રસ્તાવનામાં પ્રથમ કહ્યું છે કે સામાન્ય વાચકને અભિમુખ કરવા લોહીમાંસની ખરી વાસ્તવિકતા જરૂરી છે, અને પછી પુસ્તકમાંના વાસ્તવદર્શન પરત્વે ખુલાસો કર્યો છે કે "The actualities of life or locality are referred to only and strictly so far as they belong to any of the varied conditions of life amongst our people. And even these are on occasions ideal. The ideal and the actual are in some places inseparable." નવલકથાનાં પાત્રોનું પૃથ્થકરણ કરતાં એમનાં આ વચનનું સત્ય સમજાઈ જાય છે. પહેલા ભાગમાં સુવર્ણપુરની રાજખટપટમાં સંડોવાતાં પાત્રો, એટલે કે બુદ્ધિધન, શઠરાય, કરવતરાય, નરભેરામ, મેરૂલો અને નાનાંમોટા બધાં પૂરેપૂરા વાસ્તવિક છે. એ ભાગ એટલો બધો વાસ્તવદર્શી છે કે વકીલ તરીકે મળેલી માહિતીના દુરુપયોગનો આક્ષેપ ગોવર્ધનરામને માથે એને લીધે આવેલો કહેવાય છે. બીજા ભાગમાંની ગુણસુંદરીની કુટુંબકથા પણ એવાં અનેક સંયુક્ત કુટુંબોમાંથી ગમે તે કોઈની કથા છે એમ વાચકને લાગી જાય, અને ચંડિકા, દુઃખબા, ધર્મલક્ષ્મી, સુંદર, માનચતુર, આદિ બધાં પાત્રોને પોતાની આસપાસના જીવનમાં પણ એ ઓળખાવી શકે, તેમ છે. ત્રીજા ભાગથી કર્તા પોતે જ સ્વીકારે છે તેમ આદર્શનું તત્ત્વ વાસ્તવને દાબીને વધતું જાય છે. એમાંનો મલ્લરાજ એટલે જેટલો શૂરવીર તેટલો જ દીર્ઘદર્શી, ડહાપણવાળો, અસ્તગામી ક્ષાત્રવટનો છેલ્લો નાદર પ્રતિનિધિ. સામંત એટલે રાજાને ખાતર પુત્રનેય મારવા આતુર આદર્શ રાજભક્ત ભાયાત, જરાશંકર એટલે આદર્શ પ્રધાન, મેનારાણી એટલે આદર્શ રાજરાણી અને હરિદાસ એટલે આદર્શ સ્વામીભક્ત નોકર. વિષ્ણુદાસ મહંત અને તેના મઠના સાધુ-સાધ્વીઓનું આલેખન તો સ્પષ્ટ રીતે ઠરાવી આપે છે કે યદુશૃંગ એટલે પ્રાચીનતા અને નવીનતા ઉભયના સદંશોના પૂજક-સંગ્રાહક ગોવર્ધનરામનો મનોવાંછિત કલ્પનાલોક. આ આદર્શ અને વાસ્તવનાં તત્ત્વો એકમેકમાં ઘણી વાર ભળી ગયાં છે તે ગોવર્ધનરામની વાત ખોટી નથી. સરસ્વતીચંદ્ર, ચંદ્રકાન્ત, કુમુદ, કુસુમ, ગુણસુંદરી અને વિદ્યાચતુર જેવાં પાત્રોમાં આપણે એ જોઈ શકીશું. અઢાર ઓગણીશ વર્ષની વયે એમ.એ., એલએલ.બી. થનાર ભાવનાશીલ સ્વદેશવત્સલ રસિક પંડિત સરસ્વતીચંદ્ર : ઘરબારદ ને કામધંધો મૂકી મિત્રને ઢૂંઢતો ફરનાર ચંદ્રકાન્ત : કુટુંબીજનોના સ્વાર્થ અને અનેકવિધ અળવીતરાંને પી જતી સુશીલ, ધીર, ગૃહિણી ગુણસુંદરી : નવી દૃષ્ટિવાળો, પત્ની અને પુત્રીઓને યોગ્ય કેળવણી આપતો વિદ્યાચતુર : નાની વયે રસિકતા, જ્ઞાનગાંભીર્ય, શીલ અને સંસ્કારની સમૃદ્ધિ દાખવતી અને તેને લીધે સાસરિયાં વડે દેવી માફક પૂજાતી કુમુદસુંદરી આ બધાં પાત્રો પહેલે પરિચયે ભાવનાસૃષ્ટ લાગે તેવાં છે. છતાં એ બધાંને સંસારની એવી ભરચક વાસ્તવિકતાઓ વચ્ચે કર્તાએ મૂક્યાં છે, જેની અસર તેમણે અનુભવવાની હોય છે, જે તેમની પ્રવૃત્તિઅને ઘડે કે દોરે છે, અને જેમની વચ્ચે અને સામે એમને કામ કરવાનું છે. સરસ્વતીચંદ્ર પોતાની અપરમાતાની ઈર્ષ્યાનો સ્વાદ ચાખી. પિતાના જે સ્નેહને વાસ્તે જ પોતે સંસારી હતો તે સ્નેહ હવે રહ્યો નથી એમ લાગતાં જ ઘર છોડી ચાલી નીકળે, પણ તેમ કરતાં જેને હૃદયથી કદી છોડી શકવાનો નથી તે કુમુદનોય ત્યાગ કરવાની ભૂલ કરી નાખેઃ માનસસરની હંસી જેવી કુમુદ રૂઢ સમાજલગ્નનો ભોગ થઈ પડી બુદ્ધિધનના ખાબોચિયા જેવા અસંસ્કારી ઘરમાં પતિથી અવગણાતી હૃદયના સ્વામી સરસ્વતીચંદ્ર માટે ઝૂરી રહેઃ ચંદ્રકાન્ત અને ગુણિયલને પોતપોતાના કલેશગર્ભિત ઘરસંસાર જોગવવાના હોયઃ નવી દૃષ્ટિને ઝીલી પુત્રીઓને કેળવતો વિદ્યાચતુર પણ, સમાજમાન્ય પ્રણાલિકાને પ્રથમ ભાંગી ન શકી. સરસ્વતીચંદ્ર ભાગીગયાનું જાણતાં, કોઈ વહેવારુ દુનિયાદારી માણસની માફક કુમુદને તરત પ્રમાદધન વેરે પરણાવી નાખે : આ બધી હકીકત આદર્શને વાસ્તવનું મિશ્રણ ગોવર્ધનરામે કેવું કર્યું છે તે બતાવી આપે છે. બીજા ભાગમાં એક ગુણસુંદરી સિવાય બીજા બધાં પાત્રોમાં પૂરેપૂરી વાસ્તવિકતા છે અને ગુણસુંદરીનું આલેખન પૂરેપુરું ભાવનાત્મક છે. બીજા ભાગમાં નામ તેવા ગુણવાળી, આદર્શ કુલવધૂ તરીકે આલેખાયેલી ગુણસુંદરીને પણ ચોથા ભાગમાં સમાજ પ્રણાલિકાની, કુળની, ને આબરૂની ખેવનાવાળી વહેવારુ સ્ત્રી બનાવી દીધી છે ત્યાં પાછું ભાવના સાથે વાસ્તવનું મિશ્રણ થયું છે. ‘સરસ્વતીચંદ્ર’માંના પાત્રોનાં નામ તેમની વાસ્તવિકતાની આડે આવતાં હોય એમ પ્રથમ લાગે છે. શઠરાય, ધૂર્તલાલ, મૂર્ખદત્ત, દુઃખબા, ચંડિકા, ગરબડદાસ, સાહસરાય, ઉદ્ધતલાલ, તરંગશંકર, વિદ્યાચતુર, પ્રમાદધન, સરસ્વતીચંદ્ર, અર્થદાસ, વીરરાવ ધમ્પાટે, બુદ્ધિધન, બધાં જ નામો તપાસો. એમ જ લાગવાનું કે જાણે ગોવર્ધનરામે દરેક પાત્રને તેનાં પ્રકૃતિ, સંસ્કાર ને આચરણ પ્રમાણે નામ આપી દઈ, એ પાત્રને એના નામથી જ સંપૂર્ણ રીતે ઓળખી શકવાની આબાદ સરળતા પોતાના વાંચનારાઓને કરી આપી છે. કર્તાનો હેતુ પણ આમાં આગળ આવી જતો દેખાય છે. પણ પ્રશ્ન એ છે કે આવાં નામો શક્ય ખરાં, વાસ્તવિક જીવનમાં, ગુજરાતમાં? અત્યારે સરસ્વતીચંદ્ર ને કુમુદ ને કુસુમ ને મધુરી જેવાં નામો ઠેર ઠેર નજરે પડે છે, જો કે એ પણ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ની પછી; પરંતુ શઠરાય, પ્રમાદધન, ધૂર્તલાલ, ઉદ્ધતલાલ, મૂર્ખદત્ત, જેવાં નામો કોઈ માતા પોતાના પુત્ર માટે કે કોઈ ફોઈબા પોતાના ભત્રીજા માટે કદી પસંદ કરે ખરી? વાત એમ છે કે ગોવર્ધનરામ લખતા હતા તે જમાનામાં આપણે ત્યાં પાત્રનાં નામ યથાગુણરાખવામાં ખાસ કશું અસ્વાભાવિક થઈ જાય એમ મનાતું નહિ. ‘લલિતાદુઃખદર્શક’ નાટક (૧૮૬૬), ‘અંધેરી નગરીનો ગર્ધભસેન’ (૧૮૮૦) અને ‘બુદ્ધિ ને રૂઢિની કથા’ (૧૮૮૩) જેવી ‘સરસ્વતીચંદ્ર’ (૧૮૮૭)ની પુરોગામી કૃતિઓમાં કર્કશ, કજિયાબાઈ, ગંડુપુરી, દુર્બળસિંહ, અજ્ઞાન ભટ્ટ, જુલમેશ્વરમ, કપટચંદ્ર, ગર્જરદાસ, રૂઢિદેવી, અવિદ્યાદેવી, યુરોપરાજ, જેવાં નામ જોવામાં આવે છે. ગોવર્ધનરામને તેમના અન્યથા રૂપકશોખીન માનસને લીધે આ ચીલે ચાલવું ગમ્યું હશે એમ તર્ક થાય છે. છતાં એક વાત સ્પષ્ટ છે. ગોવર્ધનરામની લખાવટ પાત્રનિરૂપણ એવાં છે કે પાત્રોનાં વાણી, વર્તન, વગેરેની વિગતો વાંચતાં આપણને તે પૂરેપૂરાં વાસ્તવિક અને સ્વાભાવિક લાગે છે, અને તેમનાં બનાવટી નામો ભુલાઈ જઈ શઠરાય ને બુદ્ધિધનની, કે પ્રમાદધન અને ધૂર્તલાલની ખરી વ્યક્તિઓ નજર સામે ખડી થઈ જાય છે. આ ગુનદોષવાચક બનાવટી નામોને બદલે બીજાં સાચાં નામો મૂકી દેતાં જરાય વાંધો આવશે નહિ. ગુણ અને દુર્ગુણ માનવી આકૃતિઓ ધરી નવલની રંગભૂમિ પર હરતાંફરતાં હશે એવો ખ્યાલ આ નામોને પ્રથમ વાંચતાં થાય તે તરત જ ચાલ્યો જાય છે. માણસનાં ગુનાવગુણલક્ષણોને સીધીસટ રીતે કહી નાંખતાં નામો કંઈ દુનિયામાં જોવામાં આવતાં નથી એટલા પૂરતી અસ્વાભાવિકતા એ પાત્રોનાં નામમાં ગણવી હોય તો ગણી શકાય, બાકી એમના ચિત્રણમાં તો સજીવતા ને વાસ્તવિકતાના રંગો લેખકે પૂરેપૂરા પૂર્યા છે એમ કહ્યા વિના ચાલશે નહિ. કર્તાએ વાસ્તવદર્શનનો આગ્રહ રાખ્યો, એટલે તેમને પાત્રોને સૃષ્ટિનાં માનવી જેવાં સાચાં માનવી, સદ્‌ગુણદુર્ગુણનાં કે તેજ-અંધારના મિશ્રણ જેવાં સાચાં માનવી જ ચીતરવાં પડ્યાં છે. કર્તા પોતે જ લખે છેઃ ‘માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. આ જગતમાં સર્વ રીતે સારું જ અથવા સર્વ રીતે નરસું જ એવું કંઈ નથી. એ મેળવણી અત્ર દર્શાવવામાં આવી છે.* સરસ્વતીચંદ્રના કુમુદસુંદરીનું શું થશે એનો પૂરો વાસ્તદર્શી ખ્યાલ કર્યા વિનાના આવેશમાં ને આવેશમાં કરેલા ગૃહત્યાગમાંની ભૂલ, વિદ્યાચતુરની કુમુદને તરત બીજે ઠામ બેસાડી દેવાની ઉતાવળ, અને ગુણસુંદરીની સમાજમાન્ય પ્રતિષ્ઠાના ખ્યાલથી દોરવાઈ વિધવા કુમુદનેન જોવાની અનુદારતા – આવી આવી ગુણવાન પાત્રોની નબળાઈઓ ગોવર્ધનરામે આથી હેતુપુરસ્સર જ બતાવી જણાય છે. વળી જેમ હરિદાસ અને સામંત જ ેવાની સ્વામિભક્તિનું અતિઊજળું ચિત્ર આલેખ્યું છે, તેમ ધૂર્તલાલ ને મૂળુના સ્વાર્થજન્ય મહત્ત્વલોણ અને સ્વામિદ્રોહનાં કાળાં ચિત્ર પણ કર્તાએ આલેખ્યાં છે. એવી જ રીતે અલકકિશોરી, બુદ્ધિધન, માનચતુર, આદિ પાત્રોમાં સારાનરસાં તત્ત્વોની સુંદર મેળવણી કરેલી પણ જણાય છે. શઠરાય અને તેનાં કુટુંબીઓ તથા મંડળની કથા વિસ્તારપૂર્વક કહેવાઈ છે તે સ્વાર્થરત અને લંપટ માનવીઓની કુટિલતા નેકાળાશનું તાદૃશ ચિત્ર રજૂ કરવાના આશયથી જ. પણ ગુમાન, ધૂર્તલાલ, શઠરાય, મૂળુ આદિ પાત્રોની પ્રપંચલીલાના જેટલું જ, કદાચ તેથી વધુ, મહત્ત્વ ગોવર્ધનરામ કામવિવશતાનાં ચિત્રોને અનેએની સજાવટને આપતા હોય એવી પણ એક છાપ ‘સરસ્વતીચંદ્ર’ના પ્રથમ વાચને જ વાચકચિત્ત પર પડ્યા વિના રહેશે નહિ. ભૂપસિંહ અને રમાબાઈના, પ્રમાદધન અને પદ્મા તથા કૃષ્ણકલિકાના, ખલકનંદા અને જમાલના, રૂપાળી નેમેરૂલા તથા ગરબડદાસના, રઘી અને મહાવા તથા રણજિતના અને દુષ્ટરાય તથા કલાવતીના સંબંધની વાતમાં, તેમ જ માનચતુર અને મનોહરીનાં પાત્રો – એ મનોહરીનાં મોંમાં તો પ્રાકૃત રુચિને ગોઠે તેવાં બે શૃંગારી ગાયનો પણ મુકાયાં છે! – ના કર્તાએ કરાવેલા પરિચયમાં આવસ્તુ ખાસ જોઈ શકાય છે. એ જ રીતે, ગાનચતુરની સુંદર પરની અને મૂળુની ગુણસુંદરી પરની કુદૃષ્ટિની વાત કરતાં પ્રસંગો, સૂક્ષ્મ પૃથક્કરણ સમેત નિરૂપેલા અલકકિશોરી અને નવીનચંદ્ર વચ્ચેના અને બુદ્ધિધન અને રાજબા વચ્ચેના વિચારમય નાજુક પ્રસંગો તથા ઘેરી તાદૃશતાથી વર્ણવાયેલો અલક પરના કામાસક્ત જમાલના આક્રમણનો પ્રસંગ પણ આ જ બતાવી આપે છે. આનું શું સમજવું? ગોવર્ધનરામે નવલકથાના વાંચનાર વર્ગની ત્રણ કક્ષા પાડી તેમાં ત્રીજી અને બહોળી કક્ષાવાળાઓમાંના કેટલાકને તેમનાં ‘મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત’ નવલકથાવાચનમાં પ્રેરે છે એમ કહ્યું છે. એવા વર્ગની અપેક્ષાઓ સંતોષવા તો ગોવર્ધનરામે આમ નહિ કર્યું હોય? For the people who must be made, and not left, to read? આ બાબત પરત્વે કર્તાએ થોડો ખુલાસો કર્યો છે તે પણ લક્ષમાં લેવો જોઈએ. તેઓ કહે છેઃ ‘આ ગ્રંથનાં પાત્ર ઉત્કૃષ્ટતમ કર્યાં નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને ાનુકરણનો વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યાં નથી કે ઉત્કર્ષને ઉત્સાહ પગથિયું જ જોવામાં ન આવે. આપણા સાધારણ વિકારો – ક્ષમા કરવા યોગ્ય નિર્બળતા – તેથી ડગમગતાં પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા, યત્ન કરતાં માનવીઓનાં ચિત્ર આપ્યાં છે. નિર્બળ માનવીમાં નિર્બળ માનવી પર સમભાવ ઉત્પન્ન થાય, અને તેમ કરતાં, સંસારસાગરમાં બાથોડિયાં મારવાના ઉપાય સૂઝે; એ માર્ગનું દિગ્દર્શન અત્રે ઇચ્છ્યું છે. તેમ કરવામાં મલિન માણસોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે ક્વચિત આણવાં પડ્યાં છે; કારણ, અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે.’ (ભાગ ૧ લાની પ્રસ્તાવના) આ દૃષ્ટિએ જોતાં જણાય છે કે એવાં ચિત્રો એના મદનરસને ખાતર નહિ પણ ‘શુદ્ધિના ગૌરવનું માપ’ દેખાડવા ખાતર પડછા તરીકે યોજાયાં છે. નિર્બળ માનવી પોતાના જ જેવાં નિર્બળ માનવીઓને એમની ક્ષમ્ય નિર્બળતાની સામે ઝૂઝતા જોઈ ઉત્કર્ષ માટે ઉત્સાહ મેળવે તે હેતુથી ગોવર્ધનરામે આમાંનાં અનેક પાત્રોને ભૂલ અને પાપમાંથી સુધરતાં અને ઉદ્ધારને માર્ગે જતાં બતાવ્યાં છે. વિકારની ખીણમાં પડું પડું થતી અલકકિશોરી એવી અત્યન્ત નાજુક અને વિષમ પળે નવીનચંદ્રના ‘અલકબેન, હું તો તમારો ભાઈ થાઉં હો!’ એ એક જ વાક્યના ઓચિંતા શ્રવણથી વિકારનો આવેગ ખંખેરી નાખી વિશુદ્ધનિર્મળ બની જાય એ પ્રસંગ, તેમ જ સરસ્વતીચંદ્રવાળા ઓરડામાં જવા માટે બારણાની સાંકળ ઉઘાડવાની ઈચ્છા કરતી વેળા ઘડીભર ‘મદન-અંધા’ બનતી કુમુદસુંદરી કમાડ પર પોતાની છાયા જોઈને તેમાં પોતાની જનનીનું દર્શન કરી પુણ્યશુદ્ધ અને સ્વસ્થ બની જાય છે એ પ્રસંગ યોજવામાં તથા નિરૂપવામાં કર્તાનો ઉપરકહ્યો નિર્મળ આશય જ દેખાઈ આવે છે. આ ઉપરાંત, બુદ્ધિધનને એક વખતે રાજબાના વિકારી આકર્ષણમાંથી, માનચતુરને એને સ્વભાવસહજ બની ગયેલ સ્ત્રીલંપટતામાંથી, ગાનચતુરને સુંદર પ્રત્યેની કુદૃષ્ટિમાંથી, અને મનોહરીને તેના અતૃપ્ત જોબને પ્રેરેલા પતનાભિમુખ વૃત્તિચાંચલ્ય અને નફટાઈમાંથી મુક્ત થતાં ગોવર્ધનરામે બતાવ્યાં છે, એ પણ યાદ રાખવું જોઈએ. એમના એ ઉદ્ધારમાં અનુક્રમે સૌભાગ્યસુંદરી, ધર્મલક્ષ્મી અને ગુણસુંદરી જેવી સુશીલ સન્નારીઓને નિમિત્ત બનાવી કર્તાએ એ સ્ત્રી-પાત્રોને ઊજળાં બનાવ્યાં છે. ‘હું તો તમારો ભાઈ થાઉં હો’ એ અલકકિશોરીને વિશુદ્ધ બનાવતા વાક્યનીય પ્રેરક કુમુદસુંદરી બની છે. ‘ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો’ એ કુમુદના વેદના ટપકતા ગીતમાંના મૃદુ ઉપાલંભની ચોટ વાગતાં જ પળવાર નબળો બનેલો નવીનચંદ્ર સચેત બની જઈ ઉપર કહ્યું વાક્ય બોલી નાખે છે. એટલે તે પ્રસંગે નવીનચંદ્રને સાક્ષાત્‌ રીતે અને તેના દ્વારા અલકકિશોરીને પરોક્ષ રીતે પતનમાંથી ઉગારી લેવાનો યશ કુમુદસુંદરીને જાય છે. આમ, સતેજ નીતિભાવનાવાળા ગોવર્ધનરામે પોતાનાં કેટલાંક પાત્રોને ઉજ્જવળ, નિર્મળ, ઉદ્દાત્ત શીલવાળાં બનાવ્યાં છે, કેટલાંકને મલિન જ ચીતર્યાં છે અને કેટલાંકને માનુષી નિર્બળતાને અને વિકારોને પ્રથમ વશ થતાં વર્ણવી, પછી તે સ્થિતિમાંથી ઉત્કર્ષગામી ડગલાં માંડતાં બતાવ્યા છે. ગ્રન્થનાં ખુદ નાયક અને નાયિકાને પણ ઉદાત્તશીલ બનાવવા સાથે જ, કોઈ કોઈ વાર વિકારનો ને માનવીય નબળાઈનો ફરફરાટ અંતરમાં અનુભવતાં ને તેની સામે વિજયી ટક્કર ઝીલતાં બતવવામાં આવ્યાં છે! કર્તાની નીતિનિષ્ઠાનું દર્શન આ બધી હકીકત ઉપરાંત શઠરાયમંડળ, જમાલ, પ્રતાપ, ધૂર્તલાલ, પ્રમાદધન, આદિ પાત્રોને તેમના કરતૂકોનું યોગ્ય ફળ મેળવતાં બતાવી તેમને કવિન્યાય (poetic justice) એ આપે છે તેમાં પણ ક્યાં નથી થતું? ખૂંચે છે માત્ર ખલકનંદા, રૂપાળી, આદિના લંપટ આચરણના વર્ણન દ્વારા ઘાટઘેરા રંગે ચીતરાયેલો શઠરાયના ઘરનો સડો. પણ એ તો તેના પ્રતિસ્પર્ધી બુદ્ધિધનના ઘરનાં નીતિ-સંસ્કારથી સ્પષ્ટ રીતે એને વિરુદ્ધ બતાવવા માટે જ યોજાયેલ લાગે છે. પાત્રવિવેચનમાં ઘણી વાર એ જાતિચિત્રો (Types) છે કે વ્યક્તિચિત્રો (Individuals) એ પ્રશ્નને આગળ કરવામાં આવે છે. ‘સરસ્વતીચંદ્ર’માંનાં પાત્રોને એ દૃષ્ટિએ અવલોકવાનો પ્રયાસ કરતાં જણાશે કે એ બહુધા જાતિચિત્રો બની ગયાં છે. સરસ્વતીચંદ્ર એટલે સંક્રાંતિકાળના યુનિવર્સિટી-ઘડ્યા શ્રીમંત, ભાવનાશીલ, સ્વદેશવત્સલ, વિદ્વાન યુવકોનો એક પ્રતિનિધિલ કુમુદ એટલે હૃદયમાન્ય પુરુષને પરણી ન શકતી, અસંસ્કારી પતિ જોડે લગ્નસંબંધે જોડાયેલી, સુશિક્ષિત સંસ્કારી યુવતીઓની પ્રતિનિધિ. ગુણસુંદરી એટલે સંયુક્ત કુટુંબમાં દળાતી અને એના વિષને અમૃત બનાવી દેતી સુશીલ ગુજરાતણોની પ્રતિનિધિ. કુસુમ એટલે નવી દૃષ્ટિવાળા પિતાએ યોગ્ય કેળવણી દ્વારા જેને પૂરેપૂરી વિકસવા દીધી છે એવી, કુમુદને મુકાબલે વધુ અર્વાચીન યુવતીઓની પ્રતિનિધિ. પ્રમાદધન એટલે અમલદાર પિતાનો અવિકસિત સ્ખલનશીલ પુત્ર. આમ બધાં પાત્રોને માટે વિચારી શકાય. પણ આનો અર્થ એ નથી કે એ પાત્રોનું પૂરું વ્યક્તિસ્વરૂપ બંધાતું નથી. કોઈ બે પાત્રની વ્યક્તિતા એકબીજીમાં સેળભેળ ન થઈ જાય એટલા સારુ એકમેકથી વ્યાવર્તક લક્ષણો પોતાનાં પાત્રોમાં મૂકી કર્તાએ એમને વ્યક્તિત્વવિશિષ્ટ જાતિચિત્રો બનાવી દીધાં છે. વિદ્યાચતુર બુદ્ધિધન કરતાં જુદો છે. કુસુમ કુમુદ કરતાં જુદી છે. અલકકિશોરી પોતાના સહોદર પ્રમાદધન કરતાં સ્વભાવે ભિન્ન છે. ચંડિકા, સુંદર, ધર્મલક્ષ્મી, વગેરે એકમેકથી તેમ ગુણસુંદરીથી ભિન્ન છે. ખાસ કરીને કથાવસ્તુમાં કંઈ ને કંઈ કાર્ય સાધી જતાં નાનાં પાત્રોનું ચિત્રણ તો ગોવર્ધનરામ મોટાં પાત્રો કરતાંય વધુ જીવન્ત ને સ્પષ્ટરેખ કરી શક્યા છે. ગુમાન, અર્થદાસ, નરભેરામ, હરિદાસ, મનોહરી, ભીમજી, દુઃખબા, વગેરે પાત્રો તે તે પ્રકારનાં માનસોને સ્વભાવલક્ષણવાળાં માનવીઓનાં પ્રતિનિધિ હશે, એટલે કે વર્ગચિત્રો હશે, છતાં દરેકનું વ્યક્તિત્વ વાચકના ચિત્તમાં સ્પષ્ટ અંકાઈ જાય છે. સરસ્વતીચંદ્ર જેવાં મુખ્ય પાત્રોનાં ચરિત્રલક્ષણો તો સંભારી જઈને એકઠાં કરી તેની સુશ્લિષ્ટ આકૃતિ વાચકોએ મનમાં ઊભી કરવી પડે એવું હોય છે, કારણ, તેમને મોટા વિસ્તારમાં હરતાં-ફરતાં-વિચારતાં બતાવેલાં હોવાથી તેમનાજ વ્યક્તિત્વરંગો ક્યારેક રોળાઈ જાય એમ બને છે, જ્યારે આ નાનાં પાત્રોમાં તેમ નથી બનતું. પોતનાં પાત્રોની રજૂઆત ગોવર્ધનરામ કેવી રીતે કરે છે? પાત્રોનો ખપ પૂરતો અલ્પ પરિચય આપી દઈ, પછી બધો વખત પોતે નેપથ્યમાં જ ભરાઈ જઈ પાત્રોને નવલકથાની રંગભૂમિ પર રમતાં મૂકી દે તેવી રીતે નહિ. તેઓ પોતે જ પાત્રોને ખાસ્સો પરિચય એમનાં સ્વભાવ અને સંસ્કારઘડતરના પૂર્ણ ઇતિહાસ સાથે આપણને આપી, આગળ ચાલે છે. પહેલા ભાગના બીજા પ્રકરણમાં અલકકિશોરી અને કુમુદસુંદરીનો પરિચય આપતાં, એમના એકમેકથી ભિન્ન વ્યક્તિત્વને સમજાવવા એમનાં માતાપિતાની તથા કુટુંબના સંસ્કાર, વાતાવરણ, વગેરેની વિગતો કર્તા આપે છે. નવલકથાનું વસ્તુ શરૂ થાય છે તે વખતની બુદ્ધિધનની પ્રવૃત્તિ અને કાર્યનીતિને યોગ્ય રીતે સમજવાની ભૂમિકા એમણે બુદ્ધિધનનો પૂરો પૂર્વ-ઇતિહાસ આપીને રજૂ કરી છે. ચોથા ભાગમાં દેખાતો સંસ્કારી મણિરાજ એવો કેમ તે, એના દૂરદર્શી પિતા મલ્લરાજે જે હેતુથી અને જેવી તાલીમ એને વિદ્યાચતુર દ્વારા અપાવી હતી તેની વિગત સાથે, એ તાલીમની અસર વ્યક્ત કરતા તેના જીવનના કેટલાક પ્રસંગો ત્રીજા ભાગમાં વર્ણવીને, બતાવ્યું છે. પિતાના પરુષ વચનથી ગૃહત્યાગ કરવા તત્પર બની જનાર સરસ્વતીચંદ્રનું માનસ એવા ગૃહત્યાગને અને વૈરાગ્યવૃત્તિને પ્રથમથી જ કેવું અનુકૂળ હતું તે કર્તા બતાવે જ છે. નાનાંમોટાં બધાં જ પાત્રોના સ્વભાવ, સંસ્કાર, ઇ.ચારિત્ર્યઘટક તત્ત્વોને આ રીતે તેમનાં કુટુંબ, વાતાવરણ કે અન્ય વિશિષ્ટ પરિસ્થિતિઓની વિગત આપી કર્તા પ્રથમથી સમજાવી દે છે. પછી તો તેમના એ ચરિત્ર-અંશોને ચોક્કસ પરિસ્થિતિઓમાં કામ કરતા બતાવવાનું જ બાકી રહે છે. આ સંબંધમાં પ્રો. ઠાકોરનું નીચેનું મંતવ્ય અહીં ઉતારવા જેવું છેઃ "કર્તાનું બીજું લક્ષ્ય કોઈ પણ બનાવ અને તેને લગતાં પાત્રો એવાં જ કેમ તે પાત્રોની આગલી પાછલીમાં પૂરતી ઝીણવટ પર્યેષણા અને અનુભવી દૃષ્ટિથી ઊતરીને વાંચનારની ખાતરી થાય તેમ સચોટ બતાવી આપવાનું છે. આવી માનસશાસ્ત્રી વિવેચના કર્તા પોતાના દરેક મુખ્ય પાત્ર વિશે ફરી ફરીને કરીને તેને અમુક દેશકાલસંજોગાદિ વાસ્તવિક જલનું વાસ્તવિક માછલું ચિત્રી આપે છે. ‘સરસ્વતીચંદ્ર’માંના સ્ત્રીપુરુષો અને તેમના રાગદ્વેષ, તેમને થતા અનુભવો અને તેમણે કરેલાં કૃત્યો, આથી કરીને જ એક-પરિમાણી રેખાચિત્ર કે લંબાઈ અને પહોળાઈ એ બે જ પરિનામવાળાં ભિત્તિચિત્ર મટીને ત્રણે પરિમાણવાળી મૂર્તિઓ બની શકે છે..." (‘સરસ્વતીચંદ્ર’માં વસ્તુની ફૂલગૂંથણી)
નવલકથામાં ગોવર્ધનરામનું સાધ્ય સંસારસમીક્ષા હોવાથી એમનાં ઘણા પાત્રો કાર્ય કરે છે. એના કરતાં વિચારે ને બોલે છે વિશેષ પરિણામે ઘણીવાર બીજાં પાત્રો સાથેના એમનાસંવાદ અને કેટલીક વાર તો એમનાં ખાનગી સ્વગતો પણ આપણને સાંભળવા મળે છે. પાત્રોનાં આ સંભાષણ વિશે આટલું બેધડક કહી શકીએ તેમ છીએ કે જેમ ગુજરાતની પહેલી ગણનાપાત્ર શિષ્ટ નવલકથા ‘કરણ ઘેલો’માં જ્યારે પાત્રો સંવાદ કરતાં જણાય છે ત્યારે એ પાત્રો નહિ પણ તેમના સર્જક નંદશંકર જ તેમને મોંએથી બોલત હોય એવી છાપ પડવા સાથે એ સંવાદ ક્યારેક અસ્વાભાવિક કે કૃત્રિમ લાગે છે, તેવું ‘સરસ્વતીચંદ્ર’માંનાં પાત્રોના સંવાદ માટે કહી શકાય તેમ નથી. પાત્રોના સામાજિક દરજ્જા, સ્વબાવ સંસ્કાર, બોલતી વેળાના મનોભાવની સૌમ્યતા કે ઉત્કટતા, ઇ.ને અનુરૂપ શિષ્ટ, મધ્યમ, અશિષ્ટ, બધા થરની પાત્રોચિત ભાષા ‘સરસ્વતીચંદ્ર’નાં પાત્રોની ભાષાને સાચી અને સ્વાભાવિક બનાવે છે. પહેલા ભાગમાં જમાલ, નરભેરામ અને બુદ્ધિધનની, બીજામાં ભીમજી, દુઃખબા, ચંડિકા, માનચતુર, આદિ પાત્રોની ત્રીજામાં મલ્લરાજ, સામંત, હરિદાસ, ધૂર્તલાલ, આદિની અને ચોથામાં વીરરાવ ધમ્પાટે, કુસુમ, વિષ્ણુદાસ આદિની ભાષા આ સંબંધમાં દૃષ્ટાંત લેખે જોવા જેવી છે. સરસ્વતીચંદ્ર, વિદ્યાચતુર, ચંદ્રકાન્ત અને કુમુદની ભાષા બધો વખત તેમનાં ઉચ્ચ સંસ્કાર, શિક્ષણ, ઇ.ને અનુરૂપ શિષ્ટ અને સંસ્કારી હોય છે. બીજી બાજુ, ક્યારેક એમ પણ લાગે તેમ છે કે સંવાદમાંથી પાત્રોનું વ્યક્તિત્વ ઊપસી આવે, એના કરતાં એમના કર્તાએ ઘડી રાખેલા તેમના વ્યક્તિત્વને લીધે જ એવી ભાષા એમને મોંએથી નીકળતી હોય છે. બીજા શબ્દોમાં, ગોવર્ધનરામ ઘણી વાર પાત્રોને પોતાની મેળે બોલવા દેવાનો ડોળ કરતા લાગે એટલું જ, ખરી રીતે તો પોતાનું વક્તવ્ય આગળ કરવા તેમનો પોતાના વાહન કે મુખ તરીકે ઉપયોગ કરતા હોય છે. પાત્રોના સ્વગત અને પ્રગટ સંવાદોની ભાષા આ કારણે કોઈ કોઈ વેળા પુસ્તકિયા અને પંડિતિયા બની ગયાના દાખલા ‘સરસ્વતીચંદ્ર’માં ઘણા મળશે. ધારદાર, વ્યક્તિતવદ્યોતક, સ્વાભાવિક, પ્રસંગાનુકૂલ, નાટ્યોચિત સંવાદ ગુજરાતી નવલકથામાં પ્રથમ વધુ પ્રમાણમાં મુનશીનાં પાત્રોનાં મોંમાંથી નીકળતા જોવાય છે. સંતોષ એ વાતનો છેકે ગોવર્ધનરામે ધાર્યું છે ત્યારે એવી કુશળ સંવાદકલા પણ સારી બતાવી છે. ઉદાહરણ લેખે, "અલકબેન હું તો તમારોક ભાઈ થાઉં હો!" એ સરસ્વતીચંદ્રનો વ્યક્તિત્વદ્યોતક અને પ્રાપ્ત પરિસ્થિતિને સાવ પલટી નાખતો ઉદ્‌ગાર તથા કુસુમના અન્ય પાત્રો જોડેના કેટલાક ચબરાક સંવાદ ઉલ્લેખી શકાય તેમ છે પાત્રની રજૂઆતનો વિચાર કરતાં લેખક પાત્રોને આરંભમાં ઓળખાવ્યાં એવાં જ અન્ત લગી રાખે છે કે તેમનો વિકાસ કે પરિવર્તન સાધી આપે છે તે ખાસ જોવાનું હોય છે. બધાંનો નહિ, પણ કેટલાંક પાત્રોનો વિકાસ ગોવર્ધનરામે આ નવલકથામાં થતો બતાવ્યો છે. કથાનાયક સરસ્વતીચંદ્રનો થતો દેખાડ્યો છે તે વિકાસ અભ્યાસપાત્ર છે. ભાવનાસેવી પંડિત સરસ્વતીચંદ્ર ઘર છોડે છે ત્યારથી વિદ્યાર્થી મટી અનુભવાર્થી બને છે અને તેના આદર્શવિહારમાં દુનિયાના અનુભવના રંગ પુરાવા માંડે છે. કોઈમાં દ્રષ્ટા બનતાં તો કોઈમાં સક્રિય ભાગ લેતાં તેને સંસારના સમવિષ્મ અનેક અનુભવોમાંથી પસાર થવું પડે છે. જેમાં પ્રજાનો તો વિચાર કરવાની કોઈને લેશ પડી ન હતી તેવી સુવર્ણપુરની રાજખટપટ તેણે જોઈઃ ચંદ્રકાન્તના મિત્રસ્નેહની અને કુમુદની પ્રીતિની આકરી કસોટી તે કરી શક્યોઃ કુમુદની દુર્ગતિ નિહાળી પોતાના ગૃહત્યાગનાપગલાંનો પસ્તાવો તેને થયોઃ ચંદ્રકાન્તના ક્લેશગર્ભિત ગૃહસંસારનું કરુણ ચિત્ર તેના પત્રોમાંથી પ્રત્યક્ષ કરી સંયુક્ત કુટુંબના લાભાલાભ તેણે જોયા : પૈસાનો પણ સ્વદેશસેવામાં પડતો ખપ ને શક્ય ઉપયોગ તેને સમજાયો : અનેક ચંદ્રકાન્તોની, કુમુદસુંદરીઓની ને ગંગાભાભીઓની સ્થિતિ સુધારવા કટિબદ્ધ થવાનો તેણે નિશ્ચય કર્યો : સ્ત્રીજનની સેવાના કાર્યમાં સહચારિણી વિના સફળ થવાશે નહિ તે એ સમજ્યો : યદુશૃંગ ઉપર લક્ષ્યાલક્ષ્ય, પંચમહાજ્ઞ, અને સ્થૂલ-સૂક્ષ્મ પ્રેમનો મર્મ તે શીખ્યો : વિષ્ણુદાસની પ્રેરણાથી દેખેલા સ્વપ્નમાં હિંદના રોગ અને તેના નિવારણ વિશે જાણ્યું અને પરિણામે કલ્યાણગ્રામની યોજના તેણે ઘડી. આ બધું સંકલિત કરીને વિચાર્યું હોય તો જરૂર પ્રતીત થાય કે આ અનુભવપર્યટનને અંતે સરસ્વતીચંદ્ર જ્ઞાનસમૃદ્ધ બની, નવી દૃષ્ટિ મેળવી, દેશની સેવા કરવા માટે પૂરો તૈયાર બન્યો છે. આ રીતે તેનો મનોવિકાસ સૂક્ષ્મ રીતે ગોવર્ધનરામે સધાતો બતાવ્યો છે. ચંચળ, છકેલ મનોહરીને ગુણસુંદરીના પ્રભાવથી ને અસરથી સ્વસ્થ પતિરક્તા બનતી વર્ણવીને, તેમ જ ધૃષ્ટ સ્ત્રીલંપટ માનચતુરને ધર્મલક્ષ્મીની શીળી પવિત્ર અસરને પ્રતાપે વિશુદ્ધશીલ થતો બતાવીને એ બે પાત્રનો પણ કર્તાએ વિકાસ બતાવ્યો છે. પર થયેલા સ્વજન સરસ્વતીચંદ્રને ખાતર અંતરમાં રિબાતી છતાં પ્રમાદધન પ્રત્યેનો પોતાનો પ્રાપ્ત પત્નીધર્મ બજાવવા મથતી, વિકારની પળે સાવધ બની પવિત્ર રહેતી, અને આખરે સરસ્વતીચંદ્ર જોડે પુનર્લગ્નથી જોડાવાની અનુકૂળતા છતાં સરસ્વતીચંદ્ર પ્રત્યેની પ્રીતિથી જ પ્રેરાઈ દેશની ને સમાજની સેવા કરવાના તેના અભિલાષની સિદ્ધિને ખાતર કુસુમને એની જડે લગ્નસંબંધથી જોડી, પોતે ખસી જઈ ભવ્ય આત્મવિલોપન કરનાર કુમુદસુંદરી પણ ચોથા ભાગને અંતે આરંભની મુગ્ધા કુમુદ જ નથી રહી. અપરિણીત રહી મીરાંબાઈ બનવા ચહાનાર સ્વાતંત્ર્યશોખીન કુમુદ પણ પરણીને આખરે બદલી એવું કથાન્તે સૂચન મળે છે. વૈરથી બળતો, ખટપટી, સ્વાર્થી અને સત્તાપ્રાપ્તિ માટે પ્રતિસ્પર્ધીની સામે શાઠ્ય આચરવામાં ન અચકાનાર બુદ્ધિધન પોતાના પુત્રને શિક્ષા કરવા તૈયાર થાય, તે વેળા પોતાના પ્રધાનપદનો ‘ઈશ્વરની સેવા, લોકની સેવા, મહારાણો શુદ્ધ હશે તેટલી તેની સેવા’ને ખાતર ઉપયોગ કરવાનો નિર્મળ કરે. વિધુર બન્યા પછી બાહ્ય અનુકૂળતા છતાં કુસુમને પરણવાની ના કહે, અને આખરે સાધુ બનવા તૈયાર થાય, એ હકીકત એ પાત્રનો પણ વિકાસ સૂચવે છે. આમ આવાં કેટલાંક પાત્રોનો વિકાસ ગોવર્ધનરામે બતાવ્યો તો છે. પણ એ વિકાસ સૂક્ષ્મ, મનોગત અને ધીમો હોઈ વ્યક્તિમાં અમુક પળે જબ્બર પરિવર્તન તેના આચરણ તથા વિચારમાં કરી નાખે એવો ક્યાંય જણાતો નથી, અને એથી પ્રથમ અવલોકને ધ્યાનમાં આવે તેવો નથી હોતો. ગોવર્ધનરામનું વિચારકત્વ એમને બહુ ક્રિયાપ્રેમી કે પ્રસંગપ્રેમી બનવા દેતું નહિ હોય એને લીધે આમ બનતું હોય એમ મનાય. પાત્રો શું કરે છે એના કરતાં અમુક અમુક પરિસ્થિતિઓનાં દર્શન અને અનુભવને પ્રસંગે તે શું વિચારે સંવેદે છે એ બતાવવા પર કર્તાએ વધુ લક્ષ આપ્યું હોઈ, પાત્રોનો વિકાસ સૌથી પ્રથમ તો એમનાં આંતરજીવનમાંથી અને પછી જ અમુક પરિસ્થિતિમાં થતાં એમનાં બાહ્ય વર્તનમાંથી શોધવો પડે તેમ છે. પાત્રોનાં આ આંતરજીવનનું દર્શન ગોવર્ધનરામે સામર્થ્યપૂર્વક કરાવ્યું છે. પાત્રોનાં બાહ્ય વાણીવર્તનથી આપણને વાકેફ કરીને જ એ સંતોષ માનતા નથી. એ તેમનાં હૃદયના પાતાલધરા સુધી આપણને લઈ જઈ તેમાં આપણને સ્નાન કરાવે છે. એમની વેદના, મંથન, હર્ષશોક, સહનતપન, ભાવનાજીવન, વગેરેનો આથી એવો સાક્ષાત્કાર વાચકોને થાય છે કે ઘણા વખત સુધી એમની સ્મૃતિ ચિત્તમાંથી ખસતી નથી. વિશેષતઃ આ દેખાય છે કેટલાંક પાત્રોનાં મહત્ત્વનાં મનોમંથનનોના નિરૂપણમાં. ખરી રીતે કલાકારની શક્તિની ખરી કસોટી પ્રચંડ ભાવયુદ્ધો કે મનોમંથનોને એ કેવી રીતે ચીતરી જાય તે પરથી જ થાય. ગોવર્ધનરામની એવી શક્તિનું દર્શન કરાવતાં આવાં પાત્રમંથનોમાં સૌથી મહત્ત્વનાં છે ગ્રંથના નાયક અને નાયિકાનાં. નાયકના ગૃહત્યાગની સાથે જ નાયક અને નાયિકાનાં હૃદય પ્રાપ્ત પરિસ્થિતિને અનુકૂળ બનવાનો ભગીરથ પ્રયત્ન કરવાની સાથે પ્રીતિની વિરહવેદનાનો બોજ ઊંચકે છે તે લગભગ છેક લગી. એ બોજ અસહ્ય બનતા કુમુદસુંદરી તો આપઘાતની સીમા સુધી પહોંચી જાય છે. બંનેના હૃદયની એ ‘અંતર્ગૂઢ ઘનવ્યથા’ ડગલે ને પગલે ગોવર્ધનરામ આપણને બતાવતાં ચૂક્યા નથિ. આખરે જ્‌ાયરે યદુશૃંગ પર એમનું પુનર્મિલન થાય છે ત્યારે કયો ભાવિ માર્ગ અખત્યાર કરવો તેનીયે મૂંઝવણ એમને ઓછી થતી નથી. સરસ્વતીચંદ્રને બીજી રીતે પણ મંથનશીલ ચીતરવામાં આવ્યો છે. રજવાડાની ખટપટનો અને કુમુદની સ્થિતિનો પ્રત્યક્ષ દ્રષ્ટા બની, ક્લેશમય ગૃહસંસારે ચંદ્રકાંત જેવા નરરત્નને કરેલી ગૂંગળામણનો પરોક્ષ જ્ઞાતા બની, અને યદુશૃંગ પર લાધેલા સ્વપ્ન દ્વારા ભારતની વર્તમાન દુર્દશા અને તેનાં કારણોનું રહસ્ય પામી સરસ્વતીચંદ્ર શોકસંવિગ્ન બની જાય છે. અને કેટલાય વખતથી ચાલના ધીમા અને ગુપ્ત ચિંતનમંથનનો વેગ વધારી દઈ, એ સ્થિતિ સુધારવા માટે શું કરી છૂટવું જોઈએ એ વિચારવા મંડી જાય છે. જુઓ :

સર. -કુમુદસુંદરી! હું બહુ દુઃખી છું.
કુમુદ – મ્હારા દુઃખનો નાશ આપે કર્યો ને આપના દુઃખનો મ્હારથી નાશ નહિ થઈ શકે તો હું તેમાં ધર્મસહચારિણી સમભાગિની થઈશ.
સર. – તમારું દુઃખ મને વીંછીના દંશ પેઠે શરીરમાં અંદર સાલતું હતું. પણ આ દુઃખ તો પવન પેઠે ચારે પાસથી બાંધી લે છે.
કુમુદ – એ દુઃખ શું છે?
સર. – આપણા દેશની ને લોકની સ્થિતિ – એ હવે મ્હારું એકલું દુઃખ છે. તેમાંથી કેમ મુક્ત થવું એ વિચાર હૃદયને હલબલાવી નાખે છે.
(સર. ભા. ૪, પ્ર. ૩૩)

આ થઈ નવલકથાના આરંભથી તેની પૂર્ણાહુતિ સુધીના સમયપટને ભરી દેતા નાયક-નાયિકાના આંતર જીવનની વાત. પણ નવલકથાકાર ગોવર્ધનરામની ખરી કલાકુશળતાનું દર્શન થાય છે એમણે સરસ રીતે યોજેલી કેટલીક એવી નાજુક અને વિષમ પરિસ્થિતિઓમાં, જેમાં પાત્રોના આંતર વિકારો ને ભાવો ઉત્કટ રીતે વ્યક્ત થઈ એમનાં શીલ ને સત્ત્વની આકરી તાવણી થાય છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગ વખતે, બુદ્ધિધનને ત્યાં કુમુદ સરસ્વતીચંદ્રને મળી લેવાનો પ્રયત્ન કરે છે તે પ્રસંગે, કૃષ્ણકલિકાનાં ઝેરી સૂચનોથી નવીનચંદ્ર પ્રત્યે આકર્ષાયેલી અલકકિશોરી ક્ષણિક નબળાઈને વશ થઈ પથારીવશ નવીનચંદ્રનો હાથ પકડે છે તે વેળા, અપત્યસ્નેહની સ્વાભાવિક માનવીય વૃત્તિને ઠેલીને શિક્ષાપાત્ર પુત્રને દંડ દેવાનો નિર્ણય બુદ્ધિધન કરે છે તે વખતે, સૌમનસ્ય ગુફામાં વત્સલ સાધ્વીઓએ યોજી આપેલા સરસ્વતીચંદ્ર અને કુમુદના એકાંત મિલનના પ્રથમ પ્રસંગે, અને સમાજની સામે થઈને તથા ગુણીયલને દુભવીને તો ખરું જ, પણ પ્રધાનપદને પણ જોખમે, દુખિયારી કુમુદને સરસ્વતીચંદ્ર જોડે ફરી પરણાવી તેને સુખી કરવાના નિર્ણય પર વિદ્યાચતુર આવે છે તે વખતે,૨ આવી મંથનાનુકૂલ ઉત્કટ પરિસ્થિતિઓ કર્તાએ યોજી છે. આ પ્રસંગોએ તેમાં કામ કરતાં પાત્રો એમનાં હૃદયને રહેંસી નાખે તેવાં તીવ્ર વૃત્તિઘર્ષણ અનુભવતાં આલેખાયાં છે. એ ભાવ સંઘર્ષણો ને મંથનોનું પાત્રોનાં હૃદયદલને નાજુકાઈથી ઉકેલતા જઈ કોઈ કુશલ મનોવિશ્લેષકની કળાથી એવું સુંદર અને માર્મિક નિરૂપણ કર્તા કરે છે કે આપણે એટલા વખત પૂરતા એ પાત્રોના આંતર વલોવાટના સહાનુકંપી પ્રેક્ષકો બની જઈએ છીએ. આ બધામાં કથાના પહેલા ભાગના ૧૯મા પ્રકરણમાંનું કુમુદનું દારુણ મનોમંથન એમાં છતાં થતાં ગોવર્ધનરામનાં સર્જનસામર્થ્ય અને કલાને લીધે ખાસ અભ્યાસપાત્ર છે. પ્રમાદધન વડે થયેલી પોતાની અવમાનના, ‘ચંદા’ કાવ્યના એક ખંડનું વાચન, સરસ્વતીચંદ્રપ્રેષિત વિદાયશ્લોકનું વાચન, સરસ્વતીચંદ્રના પાત્રોનું વાચન, ને છબીનું દર્શન, ‘મોરા બલમા કબુ ઘર આવે’ એ ઓટલા પરના સિપાઈઓના ગાણાનું શ્રવણ, ઘરમાં પેસતા નવીનચંદ્રનો સ્વર, સુખી વનલીલાનું રંગીલું ગીત (‘ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ’) વગેરે ભાવોદ્દીપક સામગ્રી અને વાતાવરણની સુયોજિત ક્રમિક રજૂઆત પછી તેથી ઉદ્દીપ્ત થતી કુમુદના અનુભવો વિસ્તારથી અને ઝીણી વિગતે કર્તા પોતે વર્ણવે છે.એ સાથે જ એના અભિજાત સંસ્કારો અને આર્યબુદ્ધિ હૃદયની એ અવસ્થાની સામે મેદાને પડે છે, અને પછી એનું સુકુમાર હૃદય વિકાર અને વિશુદ્ધિ એ બે બળોના તુમુલ સંગ્રામનું કુરુક્ષેત્ર બને છે, એની ઝીણી વિગતો પણ રજૂ થતી રહે છે. એ બળિયા પ્રતિસ્પર્ધીઓના આઘાત પ્રત્યાઘાતો ખમી અંતર્ગત સત્ત્વશીલતાને બળે કમાડ પર પડેલી પોતાની છાયામાં પોતાની વિશુદ્ધશીલ માતાનું દર્શન કરી પવિત્ર બની, પ્રચંડ વાવાઝોડા પછીની કુદરતની શાંતિ જેવી સ્વસ્થતા કુમુદ મેળવે છે તે ગોવર્ધનરામે પ્રથમ પંક્તિના સાહિત્યસર્જકના એવા કલાસામર્થ્યથી રજૂ કર્યું છે કે એ પ્રકરણે સેંકડો સહૃદયોની આંખો સજળ કરી હશે. આ પ્રસંગ વિના કુમુદની દારુણ મર્મવેદનાનો વાચકોને બીજી કોઈ રીતે સાક્ષાત્કાર કરાવી શકાયો હોત નહિ. પાત્રોના સૂક્ષ્મ મનોભાવોનું વ્યવસ્થિત પૃથક્કરણ આવાં મંથનોવાળી પરિસ્થિતિઓની ઓથે ગોવર્ધનરામ ખૂબ સફળતાથી કરી ગયા છે, એ એમની પાત્ર-નિરૂપણકલાની એક ન ભૂલવા જેવી વિશિષ્ટતા છે. પાત્રોના હૃદ્‌ગત ભાવોને અભિવ્યક્ત કરવાની ગોવર્ધનરામની આ જાણીતી રીત છે. એ પોતે જ કથાકાર બની પાત્રોની વૃત્તિઓનું વાચકોને પાંડિત્યપૂર્વક પૃથક્કરણ કરી આપે છે. એનો એક વધુ દાખલો : ‘અંતે પાછલી રાત્રે પાસેના વૃક્ષમાં કોયલ ટૌકી ને એનું હૃદય જાગ્યું : જાગતાંની સાથે પોતાના ચરણસ્પર્શને સ્થાને પરિણામ પામેલા મોહક સ્પર્શનું ભાન આવ્યું. એ ભાન આવતાં મૂંઝાઈ : મૂંઝવણ છૂટતાં લજવાઈ : લજ્જા વિકસતાં સંકોચાઈ : સંકોચ પામતાં ગભરાઈ : ગભરાતી ગભરાતી બ્હીનીઃ બ્હીતી બ્હીતી પ્રિયચરણને દૂર કરી ઊઠી જવા ગઈ : ઊઠતાં પહેલાં એ ચરણ જ્વરવાળા લાગ્યા : તેમાં જ્વર લાગતાં તેને મદનજ્વર કલ્પ્યો : તે કલ્પનાની સાથે દયા ને પ્રીતિની ધારાઓ છૂટી : એ ધારાઓએ એને પાછી રસમાં ડૂબાડી : રસે એને લલચાવી ને લોભાવી : લાલચે અને લોભે એને ઊઠતી અટકાવી ને આ સર્વ વિડમ્બના કારણ નષ્ટ થતું થતું જીવ્યું : થયેલું સ્વપ્ન સાંભરતાં એ વિડમ્બના વધી : વિડમ્બનાનું વધતાં સ્વપ્નનું સ્મરણ સવિશેષ થયું... નિદ્રાવથ થઈ." (ભાગ.૪, પ્ર.૩૨ના આરંભમાં) પણ આ એક જ રીત ગોવર્ધનરામ વારે વારે વાપરતા નથી. કેટલીક વાર તે પાત્રોના આંતર મંથનનો તેમના મનોમંદિરમાં આપણને લઈ જઈ તેમનું સ્વગત સંભળાવીને ખ્યાલ આપે છે. કેટલીક વાર નીચેના જેવા સૂચક વાક્યથી પાત્રોનો અંતઃક્ષોભ છતો કરી દે છે :

"મૈયા, તમારે હાથે પરસેવો વળ્યો છે. મને હવે ઊતરવા દ્યો ને અમૃતપાન કરાવતા સર્વ શ્લોક ફરી ફરી સાંભળવા દ્યો."
"મધુરી, એ પરસેવો ત્હારો પોતાનો છે – મ્હારો નથી."
(ભાગ ૪, પ્ર.૧૩, અંત)

તો કોઈ વાર નીચેના જેવા કલાપ્રયોગથી તેઓ પોતાનું કામ સાધે છેઃ

"દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઊભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા. કુમુદસુંદરીની સ્વર પાસથી નીકળ્યોઃ
ગેહે ગેહે જંગમા હેમવલ્લી |
વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ
"માર્ગે માર્ગે જાયન્ને સાધુસંગ | "

એ પંક્તિઓ દ્વારા સરસ્વતીચંદ્રના હૃદયના ઊંડાણમાં એક સાથે વસી રહેલી પ્રીતિ અને વૈરાગ્યની, રાગ અને ત્યાગની, લાગણીઓનું પણ સૂચક કલાથી લેખકે દર્શન કરાવ્યું છે. આવાં મનોમંથનોમાં પાત્રો પૂરેપૂરાં માનવી રહે છે, અતિમાનવી અને તેથી અસ્વાભાવિક બની જતાં નથી. એવી વૃત્તિસંઘર્ષની નાજુક પળોમાં સંયમી અને સંસ્કારી પાત્રોને પણ પોતાનું ભાન ભૂલી ઘડીભર માનવસુલભ નબળાઈ બતાવતાં ગોવર્ધનરામે વર્ણવ્યાં છે. એકાંતની પળે રાજબાના આવાસમાં બુદ્ધિધન અને રાજબાએ ‘પોતાની ઇચ્છા વિરુદ્ધ કોઈકનાં ધક્કેલ્યાં લાચાર બન્યાં હોય તેમ’ ‘એકમેકની હાથેલીમાં હાથેલી મૂકી’ તે વેળા આકસ્મિક ધબકારાનો અવાજ થયો ન હોત તો બુદ્ધિધન કદાચ પતનમાંથી બચ્યો ન હોત એટલો વિકારવશ એ ત્યારે થઈ જાય છે. અલકકિશોરી અને નવીનચંદ્રવાળા પ્રસંગે પણ નવીનચંદ્ર પડ્યો કે પડશે એવો ફફડાટ જેમ કુમુદના તેમ વાંચનારનાય હૃદયમાં ઘડીભર થાય એટલી માનવસહજ નબળાઈ પ્રારંભમાં એ બતાવે છે. ઉપર જરા વિસ્તારથી જેનો નિર્દેશ કર્યો છે તે વિષય પળે કુમુદસુંદરી પણ પ્રથમ તો વિકારવશ અને વિવશ બની જાય છે, જે વર્તન માટે તો કર્તાને વચમાં આવી તેના સતીત્વ અને પાવિત્ર્યનો બચાવ કરવાની જરૂરી પડી છે. ખરી રીતે એવા ડાહ્યા બચાવની જરૂર જ ન હતી. સ્થૂળનું સૂક્ષ્મ પર, વાસનાનું આત્મા પર, આક્રમણ તાય તેના ઝપાટા ખમતાં ખમતાં કેટલીક વાર વિકાર આગળ હારી જવાનો અનુભવ થાય, તેમ છતાં પડતાં આખડતાં તેની સામે ટક્કર ઝીલી સત્ત્વસંશુદ્ધિ જાળવી રાખે તે વ્યક્તિ એવી કોઈ આકરી કસોટીથી પરીક્ષાયા વિનાની વિશુદ્ધ મનાતી વ્યક્તિ કરતાં માનવતાની દૃષ્ટિએ વધુ આકર્ષક છે. સૌમનસ્ય ગુફામાંના મિલનની પ્રારંભપલે જ્યારે ‘ચેતન વિનાની વૃત્તિઉક્તિ અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ’નો કલા-જાદુ ગોવર્ધનરામ કરે છે ત્યારે, મૂર્છાવશ કુમુદને પોતાના ખોળામાં સુવાડીને તેને જગાડવાનો પ્રયત્ન કરતાં સરસ્વતીચંદ્રને પ્રથમ ‘દૃષ્ટિમોહથી અને સ્પર્શમોહથી... મોહનિદ્રાની લહેરો જણાવા લાગી,’ એમ કર્તાએ કહ્યું છે. એટલું જ નહિ, સરસ્વતીચંદ્ર મૂર્છાવશ કુમુદના વદનને એક મીટે નિહાળી રહે છે, ભાન ભૂલી તેના ગાલ અને હોઠ સુધી પોતાનું મુખ નીચું નમાવે છે, પછી અચિંત્યો સાવધ બની જઈ અટકે છે, છતાં ‘શરીરના સ્થૂલ મર્મ’ને પોતે હૃદય પર ચડાઈ કરતા અનુભવે છે, અને આખરે ‘મદનવિષની લહેરો’ના અસહ્ય આક્રમણમાંથી બચવા ‘આટલે સુધી સહું છું – આગળ વિશ્વાસ નથી – પવન! મદન! હવે બસ કરો! Now have done with your nonesenses! હરિ! હરિ!" એમ આકળે અવાજે ચીસ પાડી ઊઠે છે. એ પરિસ્થિતિમાં ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રને, એવી જ પરિસ્થિતિમાં મુકાયેલા –

"થંભો, ઓ દેવનેયે દુભતા કામદેવ!
થંભો બારણાની બહાર.
આ જોદ્ધો જુદો છે."
(‘જયા અને જયન્ત’ : અંક ત્રીજો, પ્રવેશ પહેલો.)

એમ કહી મદનને હાથની તર્જનીથી થંભી જવા ફરમાવતો ન્હાનાલાલના જ્યંત જેવો અતિમાનુષી નથી બનાવ્યો, પણ વિકારનો ઝપાટો અનુભવતો છતાં એની પર વિજય મેળવવા મથતો, સ્ખલનશીલ પણ પુરુષાર્થી માનવી, બનાવ્યો છે. આમ, એમનાં પાત્રો સામાન્ય માનવ્યની રહી તે મર્યાદાઓને વટાવી જવાની પ્રવૃત્તિ કરતાં હોવાથી પૂરેપૂરાં વાસ્તવિક અને પ્રતીતિજનક લાગે છે. અનુકરણપ્રેરક નમૂના વાચકોને પૂરા પાડવાનો ગોવર્ધનરામનો આશય એ આથી બર લાવે છે. ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય પાત્રો ધમાલિયાં, ચંચળ, ક્રિયાશીલ કે બાહ્ય ચળકવાળાં નહિ પણ ઊંડાં અને વિચારશીલ લાગે છે, તેનું કારણ ગોવર્ધનરામ આ રીતે તેમનાં આંતર જીવનનું લગભગ પૂરું દર્શન કરાવવા મથ્યા છે તે છે. "સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથા વાંચે છે."* એમ કહેનાર ગોવર્ધનરામ એ વર્ગને પૂજનીય ગણે છે. એ પૂજનીય સત્યશોધક વર્ગને વાસ્તે આ રીતે એમણે ભાવતું ભોજન પોતાની નવલકથામાંના પાત્રવિધાનથિ પીરસ્યું છે. આટલું ગોવર્ધનરામ કરી શક્યા છે તે એમની જનસ્વભાવની કુશળ પારખને જોરે. એને લીધે જ એ નાનાંમોટાં બધાં પાત્રોની – પછી તે ખાચર હોય, બિંદુ હોય, અર્થદાસ હોય, ચંડિકા હોય, વીરરાવ હોય કે ચંદ્રકાન્ત કે કુસુમ હોય – વ્યક્તિગત લાક્ષણિકતાઓ, તેમ જ અમુક પરિસ્થિતિમાં તેમના એવા વ્યક્તિત્વને સર્વથા સુસંગત એવું તેમનું વર્તન કુશળતાપૂર્વક નિરૂપી શક્યા છે. માનવચિત્તના કુશળ જ્ઞાતા બન્યા વિના કોઈ નવલકથાકાર આવી મહતી પાત્ર સૃષ્ટિ સરજી શકે નહિ. સાહિત્યકારને પાત્રો, પ્રસંગો, વગેરેની પોતાની ઉપાદાનસામગ્રી લેવી પડે છે તો જીવનમાંથી, અને એમ કરતાં એને પ્રથમ પોતના જેટલા હોય તેટલા સ્વાનુભવની અને પછી જીવન અને જગતના પોતાના હોય તેટલા વેધક અવલોકનની મદદ લીધા સિવાય ચાલતું નથી. ગોવર્ધનરામના એવા સ્વાનુભવ અને સંસારનિરીક્ષનનું ઘણું ફળ ‘સરસ્વતીચંદ્ર’ન મળ્યું છે. ગુનસુંદરીની કુટુંબજાળના ચિત્રમાં તેમ જ ચંદ્રકાન્તના ગૃહસંસારના પરોક્ષ વર્ણનમાં જે વાસ્તવદર્શન આવ્યું છે તે ગોવર્ધનરામે પોતાના જીવનમાં જરાક ચાખેલા અને આસપાસ જોયેલા ગૃહક્લેશને આભારી છે એમ કહી શકાય. આમ હોવાથી જ ચંદ્રકાન્ત, ગંગા, દુઃખબા, ધર્મલક્ષ્મી, ચંચળ, માનચતુર, ગુણસુંદરી, ચંદ્રકાન્ત અને વિદ્યાચતુરનું એવું નિરૂપણ તો ગોવર્ધનરામ પાસેથી જ આવે છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગના પ્રસંગના મૂળ બિંબરૂપ બનેલો કર્તાના જીવનમાંનો ગૃહત્યાગના પ્રયાસનો પ્રસંગ શ્રી કાંતિલાલ પંડ્યાએ ‘શ્રીયુત ગોવર્ધનરામ’માં નોધ્યો છે* તે પરથી આમ કહી શકાય. વસ્તુતઃ સરસ્વતીચંદ્રના પાત્રમાં ગોવર્ધનરામનો આત્મપ્રક્ષેપ (self-projection) થયો જોઈ શકાય. એ કેમ બનતું હશે તેની માનસશાસ્ત્રી અન્વેષણા અહીં નથી કરવી, પણ એમ બને છે તો હંમેશાં, કે લેખકના જ સ્વભાવ, સંસ્કાર, જીવનદૃષ્ટિ, વગેરેની છાપ તેનાં બધાં પાત્રો પર નહિ તો મુખ્ય પાત્રો પર પડ્યા વિના રહેતી નથી. જયંત અને ઇન્દુકુમાર જેવા આત્માના અમીર ભાવનાવિહારી જોગન્દરો કવિ ન્હાનાલાલ પાસેથી જ મળે, પ્રભુનિષ્ઠ, નીતિપરાયણ સુધારક રાઈ રમણભાઈનું જ માનસસંતાન હોય, અને કાક, મુંજ, મુંજાલ, કે કૌટિલ્ય મુનશીની કલમે જ સરજાય. સરસ્વતીચંદ્ર પણ એવી રીતે ગોવર્ધનરામનો જ માનસપુત્ર છે. એ ઊંચી જ્ઞાતિનો (નાગર જ તો!) બ્રાહ્મણ છે, અઢારવીસ વર્ષની ઉંમરે એમ.એ., એલએલ.બી. થઈ ગયો છે, પોતાની વિદ્યાને નોકરી કરીને વેચવા કે વટાવવા માગતો નથી, રસિક પંડિત, વૈરાગ્યવાન વિચારક અને અનાસક્ત સંસારી છે, પૂરેપૂરો સ્વદેશવત્સલ છે, ગર્ભશ્રીમંત અને સત્ત્વસંશુદ્ધ છે. આ બધું ગોવર્ધનરામના બાહ્યાન્તર જીવનમાંથી જ તેનામાં ઊતર્યું છે એમાં શક નથી. એનાં સ્વગતો ને સંભાષણો પંડિતનાં જેવાં બની ગયાં છે તે આ જ કારણે. એનું મનોરાજ્ય ગોવર્ધનરામનું જ મનોરાજ્ય છે; એની ભાવનાઓ, કલ્યાણગ્રામની યોજના, મંથન અને સમગ્ર વ્યક્તિત્વ ગોવર્ધનરામનાં છે. આ એમના સ્વાનુભવે એમનાં પાત્રોના ઘડતર પર શી, કેટલી, અસર કરી હશે તેની વાત થઈ. એમના સંસારનિરીક્ષણને એમનાં પાંચ વરસના* ભાવનગર નિવાસે સારી મદદ કરી હતી. નવીનચંદ્રને જેમ બુદ્ધિધને રાખી લીધો તેમ જ અંગ્રેજી જાણતો ખાનગી સેક્રેટરી પોતાને જોઈતો હતો તેથી ભાવનગરના તે વેળાના દીવાન શામળદાસે ગોવર્ધનરામને તે પદે ગોઠવેલા. "આ પાંચ વર્ષમાં ગોવર્ધનરામે પોતાનાં આંખ, કાન તથા મનનો ઘણો સારો ઉપયોગ કર્યો, અને રજવાડાની તથા અંગ્રેજોની રાજનીતિ સંબંધી આશ્ચર્યકારક જ્ઞાન પ્રાપ્ત કર્યું"૧ ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા તથા ત્રીજા ભાગમાંનાં રજવાડાંના ચિતારને તથા રજવાડી પાત્રોના બહુધા વાસ્તવિક સર્જનને ગોવર્ધનરામના આ જ્ઞાનનો ટેકો છે. રજવાડાંના અવલોકન ઉપરાંત કર્તાના પોતાની આસપાસના હિંદુ ગૃહસંસારના તથા મુંબઈના જીવનના નિરીક્ષણને પ્રતાપે જ એ ત્રણે ક્ષેત્રનાં પાત્રોના એમના આલેખનમાં પ્રતીતિજનકતા આવી છે. આમ સ્વાનુભવ, નિરીક્ષણ અને જનસ્વભાવની ઉત્તમ પારખ એ કોઈ પણ ઉત્તમ નવલકથાકાર પાસે હોવી જોઈતી સામગ્રી ગોવર્ધનરામ પાસે પૂરતી છે. એથી તે અપ્તરંગી માનવસંસારના ખરા દર્શકનિરૂપક બની શક્યા છે. આટલાં બધાં પાત્રો, સાંસ્કારિક તથા સાંસારિક સ્થિતિની આટલી વિવિધ કક્ષાઓનાં પાત્રો, તેમનું આટલું ઊંડાણ, તેમની આટલી વાસ્તવિક માનવતા, એ બધાંનો જશ વિશાળ ફલક પર ચિત્રાલેખન કરી શકનારી ગોવર્ધનરામની સર્જક પ્રતિભાને જ જાય છે. ‘સરસ્વતીચંદ્ર’ની વસ્તુસંકલના, સંવાદ, સમગ્ર કાલવિધાન, વગેરે બાબતો માટે ગમે તે કહો, પણ પાત્રાલેખન પરત્વે તો ગોવર્ધનરામની સિદ્ધિથી મુગ્ધ થયા વિના રહેવાશે જ નહિ. અહીં પૂરું કરું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માંની પાત્રસૃષ્ટિના અભ્યાસને ઉપકારક કે માર્ગદર્શક નીવડે એવાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ કે સૂચનો જ અત્યારે રજૂ કરી શકાયાં છે. એ દરેક દૃષ્ટિબિંદુને દૃષ્ટાંતપુષ્ટ કરી વિસ્તારથી વિચારી શકાય તેમ છે. ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય મુખ્ય પાત્રોનો વ્યક્તિગત અભ્યાસ આ વ્યાખ્યાનમાં તેનું સ્વરૂપ અને મર્યાદા જોતાં કરવો શક્ય ન હતો. એવા સરસ્વતીચંદ્ર, ગુણસુંદરી અને કુમુદસુંદરી એ ત્રણ પાત્રોના અભ્યાસના મારા અલગ પ્રયાસ (સરસ્વતીચંદ્ર અને ગુણસુંદરી પાત્રાભ્યાસ ‘સાહિત્યવિહાર’માં અને કુમુદસુંદરી વિશે આ પુસ્તકમાં.) તરફ જિજ્ઞાસુઓનું ધ્યાન ખેંચી સંતોષ માનીશ. એ જ રીતે, શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોમાં નાયકો નથી, નાયિકાઓ જ છે એવા એક પ્રસિદ્ધ અભિપ્રાયને ‘સરસ્વતીચંદ્ર,નાં સ્ત્રીપાત્રો માટે લાગુ પાડી દેવાનું કોઈને મન થાય, એવા ગોવર્ધનરામે કરેલા સ્ત્રીપાત્રોના વિશિષ્ટ અને કુશળ આલેખન સંબંધી પણ અહીં કરું છું તે ઇશારા સિવાય વિશેષ કહી શકતો નથી. એમ કરવા જતાં ગુણસુંદરી, કુમુદસુંદરી, કુસુમ, અલકકિશોરી, ચંદ્રાવલી, મેનારાણી, ધર્મલક્ષ્મી, આદિ પાત્રોના વ્યક્તિગત અભ્યાસમાં ઊતરી જવું પડે. પણ આ મુદ્દો પણ અભ્યાસીઓના ખાસ ધ્યાન ને મનનને પાત્ર છે એટલું સૂચવું છું.

(ગંધાક્ષત)