સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/પોતાનો જ તાજનો સાક્ષી
પોતાનો જ તાજનો સાક્ષી
આત્મકથા લખવી ને આત્મપ્રશસ્તિ ટાળવી એ અશક્ય નહિ તોય અઘરું તો છે જ. આત્મપ્રશસ્તિ જેવું જ બીજું ભયસ્થાન આત્મદૈન્યનું ગણી શકાય. આત્મચરિત્રકાર પોતાનું દૈન્યભર્યું ચિત્રણ કરીને વાચકોની સહાનુભૂતિ ને અહોભાવ ઉઘરાવવા નીકળે. આ બેઉ દૂષણો ટાળીને કોઈક પારકાની જ કથની આલેખતી હોય એવી તટસ્થ આત્મકથાઓ બહુ ઝાઝી લખાતી નથી. ઝ્યાં-પૉલ સાર્ત્રકૃત ‘વર્ડ્ઝ’ આવો એક ‘નિર્દય આત્મનિરીક્ષણ’નો નમૂનો છે. ‘વર્ડ્ઝ’ તો નિર્દય આત્મનિરીક્ષણથીય એક ડગલું આગળ વધે છે. એમાં લેખક પોતાના અહમ્ કેન્દ્રમાંથી બહાર નીકળી શક્યા છે એટલું જ નહિ, એ કેન્દ્રથી ‘માનભર્યા અંતરે’ જઈને પોતાને સાવ નિરપેક્ષભાવે અવલોકી શક્યા છે. લગભગ કિશોરવયને જ સમાવી શકતું આ કથન માત્ર નિરપેક્ષ અવલોકન બનીને નથી અટકતું; ઘણે સ્થળે તો એ પેલા કથાનાયક સામેનું ને આપ્તજનો સામેનું એક તહોમતનામું પણ બની રહે છે. અને આ મુકદ્દમામાં તાજનો સાક્ષી બને છે સાર્ત્ર પોતે જ. કથાને ૧૬૪મે પાને લેખકે કબૂલ કર્યું જ છે : ‘કોઈ કોઈ વાર હું પોતે જ મારો તાજનો સાક્ષી બનું છું.’ આ આખુંય આત્મચરિત્ર અવળા ગીઅરમાં ચાલતી ગાડી જેવો અનુભવ કરાવે છે. કિશોરવયના આ આત્મચરિત્રને લેખકે ‘સંસ્મરણો’ એવું ઉપશીર્ષક સહેતુક જ આપ્યું હશે. શૈશવની સિલસિલાબંધ ઘટનાઓ તો કોને યાદ રહી હોય? એનાં તો સંભારણાં જ હોય. પણ અહીં એ સભારણાં ચરિત્રનાયકની નરી વંશાવલી જ નથી બની (જો કે, પૈતૃક તેમ જ માતૃક એમ બેઉ પક્ષે ખાસ્સી ત્રણત્રણ પેઢી સુધી, લેખકની યાદદાસ્ત ફરી વળે છે, ને એમાંથી દાદા, દાદી, નાના, નાની તેમ જ માતાની તસવીરો સુરેખ ઉઠાવ પામી રહે છે.) કે નથી બનતી એ બાળલીલાની બાલભોગ્ય કથા. ખરી રીતે તો એ હમણાં જ સાઠીમાં પ્રવેશેલા સાર્ત્રે શિશુક વયના સાર્ત્રનું સર્જક કલ્પના વડે કરેલું યથાતથ મૂલ્યાંકન છે. ને એવી સર્જક કલ્પના વિના તો ‘ઑન બિઇંગ ઍન્ડ નથિંગનેસ’નો કર્તા અરધી સદી પહેલાંના ‘સ્વ’ને અને અસ્તિત્વને નિઃસારપણાની નજરે શી રીતે મૂલવી શકે? આજે ફ્રાંસ બે મોવડીઓ વડે ઓળખાય છે : પ્રમુખ દૃગોલ અને સાહિત્યકાર સાર્ત્ર. પ્રમુખ કદાચ વધુમાં વધુ કદાવર દેહયષ્ટિ ધરાવે છે; સાર્ત્રનું શારીરિક કદ બહુ નીચું, લગભગ ઠીંગણું કહેવાય એવું છે. પણ આ ‘સ્થાન’ અને ‘ઊંચાઈ’ બાબતમાં સાર્ત્રના ખ્યાલો એમના આગવા—શુદ્ધ સાહિત્યકારશાઈ—છે. ‘હરેક માણસને તેનું સ્વાભાવિક સ્થાન હોય છે. એ સ્થાનની ઊંચાઈ એના ગર્વ કે પાત્રતા વડે સિદ્ધ નથી થતી. બાળપણ જ બધી બાબતો નક્કી કરી આપે છે. મારું (સ્થાન) પેરિસમાં છઠ્ઠે મજલે છે. ત્યાંથી છાપરાં-ખોરડાંનાં દર્શન થાય છે. લાંબા કાળ સુધી હું ખીણોમાં ગૂંગળાતો હતો અને મેદાનોમાં મૂંઝાઈ જતો હતો. મંગળના ગ્રહની અરતેફરતે હું ઘસડાયો ને એના દબાણથી છુંદાઈ ગયો. ફરી વાર સુખી થવા માટે મારે ટચૂકડા ટેકરા પર જ ચડી જવાનું હતું. હું મારે સંજ્ઞાત્મક છઠ્ઠે મજલે પાછો આવી પહોંચ્યો ને ફરી શુદ્ધ સાહિત્યપ્રવૃત્તિની માફકસર હવા શ્વસવા લાગ્યો. વિશ્વ આખું મારે ચરણે પથરાઈ રહ્યું ને હરેક વસ્તુ પોતાના નામકરણ માટે મને નમ્રતાપૂર્વક વીનવતી રહી. એમનાં નામ પાડવાં એટલે સર્જવું ને લેવું એવો બેવડો અનુભવ થતો હતો. આવા બુનિયાદી ભ્રમ વિના હું કદી લખી જ ન શક્યો હોત.’ (પૃ. ૪૩) લાંબે ગાળે લેખકનો આ ભ્રમ ભાંગી જતો જણાય છે. ચરિત્રને લગભગ છેડે પહોંચતાં તેઓ વિષાદમય સિંહાવલોકન જ કરે છે : ‘મારા પૂર્વજીવનના ભ્રમોનો ભાંગીને ભુક્કો થઈ ગયો છે. શહાદત, મોક્ષ, અમરત્વ : બધાં કડડભૂસ તૂટી રહ્યાં છે. ઇમારત ભાંગીને ખંડિયેર બની રહી છે...’ રવીન્દ્રનાથે જિંદગીને આરે પહોંચતી વેળા ભ્રમનિરસનની કવિતા રચી હતી : ‘ઓગો છલનામિય...’ સાર્ત્ર કહે છે : ‘હું ભ્રમમુક્ત થયો છું. મારાં સાચાં કાર્યક્ષેત્રો જાણું છું, અને એ બદલ મને સાચે જ સુધરાઈનું માનપત્ર મળવું જોઈએ.’ આ ભ્રમનિરસિત સર્જક જ પોતાની જાતને માનભર્યા અંતરેથી અખિલાઈમાં અને પરલક્ષિતાથી જોઈ શકે છે. તેથી જ એ પોતાનાં વડીલોનાં વહાલ, લાડચાગ આદિનાં ઉલ્લાસભર્યાં વર્ણનો કરવા સાથે એની કૃત્રિમતા પણ છતી કરી શકે છે. કથામાં વારંવાર વડી અદાલત, ફરિયાદી, ન્યાય, મુકદ્દમો, સાક્ષી, છુટકારો વગેરેની પરિભાષા આવ્યા કરે છે એમાં આ સર્જકની પેલી ‘તાજના સાક્ષી’ તરીકેની છબી જ ઉઠાવ પામે છે. પાદરીપુત્ર સાર્ત્ર આમ તો દાદા ચાર્લ્સ શ્વાઇત્ઝરનો વારસો સંભાળવા સંસ્કૃતિરક્ષક બનવા નિર્માયો હતો. પણ દિવંગત સંસ્કારસ્વામીઓ અંગે દાદાજી આ પૌત્રમાં પૂરો પૂજ્યભાવ પ્રેરી શકતા નથી. ‘એમના અમરત્વ નામે ઓળખાતા દુઃખમય સ્થગિત અસ્તિત્વ અંગે મને ગમગીની થઈ આવી.’ આમેય સાર્ત્રને અમરત્વની બહુ તમા નથી. સંતવેડા પ્રત્યે તો એણે લગભગ સૂગ જ કેળવેલી. ઉન્મૂલિત થઈ ગયેલાઓને અને છીછરાં છોકરડાંઓને રહસ્યમયતા સદે છે. હું સંતપણાનો બલિ બનવાના ભયમાં હતો. મારા દાદાએ મને એ પ્રત્યે કાયમને માટે નફરત પેદા કરાવી દીધી... દેહ પ્રત્યેના એમના પરપીડક તુચ્છકારે મને ગભરાવી માર્યો...’ કિશોર સાર્ત્ર અંતર્મુખ ન હોય તો જ નવાઈ. ‘હું એક ખાલી અરીસામહેલ હતો અને એમાં આગામી સૈકાઓ પોતાની નીરસતાનું પ્રતિબિંબ પાડતા હતા.’ અને છતાં એ જ અંતર્મુખતા એમને અહમ્ કેન્દ્રની બહાર નીકળીને સમ્યક્ભાવે પોતાનું સરવૈયું કાઢવા પણ પ્રેરે છે. ‘મને આત્મનિંદાનો શોખ છે... ૧૯૩૬માં ને ૧૯૪૫માં મારું નામ ધરાવનાર વ્યક્તિ પ્રત્યે અસુંદર વર્તાવ કરવામાં આવેલો. પણ એની મને શી ચિંતા? હું તો આ બધાં અપમાનો એને ખાતે જ જમા કરતો રહું છું : આ મૂરખને એટલુંય ભાન નહોતું બળ્યું કે પોતાને કેવી રીતે માનપાનલાયક બનાવેલો... માનશો? ‘મારી વફાદારી, મારી કબૂલાતો વગેરે ફરિયાદીને અકળાવી જ મૂકે છે...’ નોબેલ ઇનામ નમ્રતાભેર પાછું વાળનાર સાર્ત્ર આજે સાહિત્યના કીર્તિમંદિરમાં શિખરસ્થાને હોવા છતાં એ પોતાની સિદ્ધિઓ અંગે આવો વિનમ્ર ખ્યાલ ધરાવે છે : ‘મને લાગે છે કે ભૂતકાળ કરતાં આજે મારે વધારે સારું લખવું જોઈએ, અને આવતી કાલે તે એથીય વધારે સારું. પરિપક્વ લેખકોને એમની આરંભિક કૃતિઓ અંગે બહુ ઉમળકાભર્યાં અભિનંદનો મેળવવાનું ગમતું નથી...હું જે ગ્રંથ લખી રહ્યો હોઉં એ જ મારી ઉત્તમ કૃતિ છે...’ કલમજીવીઓનો જીવનપંથ કંટકછાયો ન હોય તો જ નવાઈ. ‘ઉદર કાજ આત્મ ગીરવતી વંચના’ (કર્તા ઉમાશંકર) ટાળવા નર્મદે કલમને ઉદ્દેશીને કહ્યું હશે, ‘તારે ખોળે છઉં.’ ઉદર કાજ આત્મ ગીરવવા જેવી જ શબ્દાવલિ વિલિયમ ફૉકનરે પણ ઉચ્ચારી છે : ‘રાઈટર્સ હુ હેવ નોટ સોલ્ડ આઉટ ધેર સૌલ ફોર એ સ્વીમિંગ પૂલ...’ સાચો સર્જક સ્નાનાગાર માટે પોતાનો આત્મા સાટવે નહિ. હું મારા જીવનને મૃત્યુ મારફત અવલોકું છું’ એમ કહેનાર સાર્ત્ર પણ એવી શ્રદ્ધા ધરાવે છે. ‘મારી પ્રતિકૂળતાઓ ગ્રંથ લખવા માટેની કસોટીઓ કે સાધનો જ બની રહે છે. યાતના ને માંદગીને ખમી ખાવાનું હું શીખ્યો એમાં મને મારા વિજયવંત મૃત્યુનો આરંભ દેખાયો : મૃત્યુના આરોહણ માટેનાં પગથિયાં કંડારાતાં જણાયાં. આ જરા ક્રૂર વિચારથી મને નારાજી ન થઈ. હું એને પાત્ર નીવડવા આતુર બની રહ્યો. કનિષ્ઠને સર્વોત્તમની શરત તરીકે હું સ્વીકારી રહ્યો... દસ વર્ષની ઉંમરે મને આત્મભાન થઈ ગયું હતું : વિનમ્ર અને યાતનામુક્ત બનીને મારી પ્રતિકૂળતાઓને મારા મરણોત્તર વિજયની પૂર્વશરતો તરીકે મૂલવી રહ્યો. અંધ બનું કે અપંગ થાઉં, કે ભૂલો કરીને વિપથગામી બનું તોપણ લડાઈઓમાં પરાજય પામવાની આવડત વડે જ હું યુદ્ધ જીતી જઈશ... દુનિયા પર તહોમત મૂકવાને બદલે મને પોતાને જ અપરાધી ગણવાનું મેં પસંદ કર્યું છે. અને એ કાંઈ સાલસ સ્વભાવને કારણે નહિ પણ હું મારો પોતાનો જ સ્વામી બની રહું એ આશયથી. આ ઘમંડ નમ્રતાવિહોણો નહોતો. હું માનતો હતો કે હું ભૂલને પાત્ર છું, કેમ કે મારી નિષ્ફળતાઓ ઈશ્વરને દ્વારે પહોંચવાની ટૂંકામાં ટૂંકી કેડી હતી.’ નિરીશ્વરવાદી અને નવમાર્ક્સવાદી ગણાતા અસ્તિત્વવાદના ઉપાસક સાર્ત્રને હમણાં કોઈએ અત્યંત ધાર્મિક પુરુષ ગણાવ્યા છે એનું રહસ્ય. આ વિચારણામાંથી શોધી શકાય એમ છે. સર્જક તરીકેની મોટામાં મોટી હાજત તો ‘પોતાના જ સ્વામી’ બની રહેવાની સાધનામાં રહેલી છે અને એમાં મૃત્યુનો ભય ટાળવો એ મોટું પગલું બની રહે છે. શિશુવયના સાર્ત્ર અને સાઠીમાં પ્રવેશેલા સાર્ત્રનો મૃત્યુ તરફનો અભિગમ સરખાવવા જેવો છે : ‘મેં મૃત્યુને કીર્તિના કફનમાં દફનાવી દીધું. હું કીર્તિની જ ચિંતા કરતો, મૃત્યુની કદી નહિ; પણ મને એ કદી સૂઝ્યું જ નહિ કે આ બેઉ એક જ છે. પણ હવે હું સ્પષ્ટપણે—પણ બહુ આનંદભેર નહિ—એક ચિત્ર કલ્પી શકું છું. વધતી અવસ્થા, ભાવિ અવરોહ અને મારા પ્રિય મિત્રોનાં અવસાન; પણ મારા અવસાનની તો કદી વાત જ નહિ. મૃત્યુએ અને મેં મિલનનો વાયદો કરેલો. એ મિલનવેળ કરતાં હું પહેલો આવી પહોંચું તો એ મને ન મળે... એ વાત હવે સાચી લાગે છે કે હું મારા અમરત્વમાં માનતો હતો. મેં મને આગોતરો જ મારી નાખેલો, કેમ કે મૃત માણસ જ અમરત્વનો ઉપભોગ કરી શકે.. હું મારા અંત ભણી ધીમેધીમે સરકતો જતો હતો. મારા ગ્રંથો ભરવા માટે આવશ્યક એવાની જ હું આશાઅપેક્ષા રાખતો હતો. મને શ્રદ્ધા હતી કે મારા હૃદયનો છેલ્લો ધબકાર મારા છેલ્લા ગ્રંથને છેલ્લે પાને અંકિત થઈ જશે અને મૃત્યુ તો એક મરેલા માનવીને જ લઈ જઈ શકશે.’ હૃદયનો છેલ્લો ધબકાર છેલ્લા ગ્રંથને છેલ્લે પાને જ અંકિત કરી જવાના ઓરતા સેવનાર લેખક આ આત્મચરિત્રને ‘શબ્દો’ સિવાય બીજું કયું શીર્ષક આપી શકે? મૃત્યુ મારફત જિંદગીની પિછાણ કરવાનો આ પ્રયત્ન છે અને એમાં જે અમરત્વની શ્રદ્ધા છે એ હાડચામનાં માનવીની નહિ પણ શબ્દના અમરત્વની છે. શબ્દની આવી બ્રહ્મ સમી પ્રતિષ્ઠા કરી આપનારા સર્જકોની યશકાયાને, ભર્તૃહરિના શબ્દોમાં કહીએ, તો જરા-મરણનો ભય શાનો હોય? (Wordsઃ Reminiscences : by Jean-Paul Sartre, Hamish Hamilton, London, pp. ૧૭૭, ૧૮ Shillings.) જાન્યુઆરી, ૧૯૬૫
(‘શાહમૃગ-સુવર્ણમૃગ’)