સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/વિવેચકની કામગીરી
વિવેચકની કામગીરી
વિવેચકની કામગીરી શી? આ પ્રશ્ન દાયકેદાયકે, હરેક દેશમાં છણાયા કરે છે. વિવેચકે વિવેચ્ય કૃતિનો આસ્વાદ જ કરાવવાનો હોય છે? કૃતિના ગુણદોષ બતાવીને, મુખ્ય ઝોક ગુણ ઉપર જ આપવાનો હોય છે? એ કશી ટીકા કરે તો એ પણ ‘અહિંસક’ અને રચનાત્મક જ હોવી જોઈએ? કહેવાય છે કે વિવેચકે નીરક્ષીર ન્યાયવૃત્તિથી નીર જુદું પાડીને ક્ષીરનો જ આસ્વાદ કરાવવો જોઈએ. અમદાવાદ ખાતે ‘છઠ્ઠે માળે’ની એક ગોષ્ઠીસભામાં પ્રા. અનંતરાય રાવળે આ મુદ્દો સારી રીતે સમજાવેલો : ‘પોતાના ગમા-અણગમા કે પૂર્વબદ્ધ વલણથી દોરવાયા વિના કર્તાને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન થવો જોઈએ. ધંધાદારી વિવેચક અને સહૃદય વિવેચકનું કર્તવ્ય ભિન્ન રહે છે. લેખકના કોક હૃદયના લોહી અને રાતના ઉજાગરાની સહૃદય વિવેચક કદર કરે છે. લેખકના લોહી મરે નહિ ને સાધના તેજીલી બને એવું કરવું ઘટે. સાચા વિવેચકનું લક્ષણ જ સહૃદયતા.’ આ ઉક્તિઓમાં પ્રા. રાવળની ગુણગ્રાહી દૃષ્ટિ સ્પષ્ટ દેખાઈ આવે છે. એમણે વિવેચકની સહૃદયતા ઉપર ભાર મૂક્યો છે એ પણ યોગ્ય જ છે. એકલો વિવેચક જ શા માટે? એકેએક મનુષ્ય સહૃદય હોય એ સ્થિતિ સમાજજીવનની નરવાઈ માટે પણ આવશ્યક છે. પણ સહૃદય વિવેચક ગુણગ્રાહી બનવા જતાં કેવળ ગુણગ્રાહી જ બની રહે તો એનાં વિવેચનો સમતોલ ગણાય? અર્થશાસ્ત્રની જેમ સાહિત્યમાં પણ ‘લેઝે ફેર’ વૃત્તિ હોઈ શકે છે. એને પરિણામે ગુણનાં ગાન ચાલ્યાં કરે અને દોષ પ્રત્યે આંખમીંચામણા થાય, સર્વત્ર ક્ષીર જ દેખાય અને નીરની નોંધ પણ ન લેવાય, ત્યારે લાંબે ગાળે સાહિત્યમાં અરાજકતા જેવું ઊભું થવાનો ભય ખરો કે નહિ? અને એવું બનવા પામે ત્યારે સાહિત્યનાં મૂલ્યો પણ ધીમેધીમે નીચે ઊતરતાં આવે એવું ન બને? ગુણગ્રાહી વિવેચનનું મૂલ્ય, અલબત્ત, ઓછું નથી. ગુણદર્શી વિવેચક કૃતિનો રસાસ્વાદ કરાવીને વાચક માટે ભોમિયો અને મદદગાર બની રહે છે. માત્ર એ વિવેચન બ. ક. ઠાકોરના શબ્દોમાં જ્યારે ‘થાબડભાણિક’ બની રહે ત્યારે એ કૃતિના કર્તાને નુકસાન થવાને ભય રહે છે. ગુણગ્રાહી વિવેચનને પક્ષે એક સબળ દલીલ એ છે કે એવું વિવેચન લેખકના વિકાસ માટે પ્રોત્સાહક અને પોષક બની રહે છે. લેખક ધીમેધીમે પોતાની ક્ષતિઓથી સભાન થતો રહે છે અને ભવિષ્યનાં લખાણોમાં એ ત્રુટિઓ નિવારી શકે છે. આ દલીલમાં એક પ્રકારની સુધારક વૃત્તિ રહેલી છે. એક જ ઝાટકે લેખકને ઝાડી નાખવાને બદલે ધીમેધીમે સુધારાનો સાર જેવી દલપતરામી મવાળ દયાવૃત્તિ ૫ણ એમાં દેખાય છે. આ પ્રકારના વિવેચનમાં ટીકાઓ સંહારાત્મક નહિ પણ રચનાત્મક હોવી ઘટે એવો આગ્રહ રાખવામાં આવે છે. કદાચ આવી અહિંસાના આગ્રહ સામે જ ઉગ્ર પ્રત્યાઘાત રૂપે બીજું એક અંતિમમાર્ગી વલણ જોવા મળે છે. એ વલણ છે, ઉગ્ર પ્રહારોનું. કૃતિની અને એના કર્તાની નિર્દય ઝાટકણી કાઢી નાખવાનું વલણ પણ જોર પકડતું જાય છે. પેલા દયાળુ વિવેચકો થાબડભાણ કરે છે, ત્યારે આ અંતિમમાર્ગીઓ થપાટ જ મારે છે. આમાંના પહેલા પ્રકારના વિવેચકો ગુનેગારને પરહેજ કર્યા બાદ એમને ધીમેધીમે સુધારવાનો પ્રયત્ન કરતા, ‘સુધારણાગૃહો’ના દરોગા જેવા ગણાય. ત્યારે બીજા વર્ગના દરોગાઓ, પોલીસખાતાની જ પરિભાષામાં કહીએ તો ‘થર્ડ ડિગ્રી’ના હિમાયતી હોય છે. તેઓ તાડન સિવાય બીજા કોઈ શસ્ત્રમાં માનતા જ નથી. ‘થાબડભાણિક’ વિવેચન રચનાત્મક ટીકાઓ, કે સાન વડે સૂચન કરી કરીને લેખકને ધીમેધીમે કદાચ સુધારી શકતું હોય તોય કોઈ વાર એ ‘મિડિયોક્રિટી’ને મલાવીમલાવીને મોટું કરનારું પણ બની રહે. આવાં વિવેચનોનો અતિરેક કદાચ મામૂલી ને માયકાંગલી કૃતિઓને મોટીમસ મહત્તા આપી બેસે એવું બને ખરું. આને સામે પડછે, પેલું થપાટિયું વિવેચન, ‘થર્ડ ડિગ્રી’ના અતિરેક વડે કોઈ વાર કૃતિને-એટલે કે એના કર્તાને-મરણશરણ પણ કરી નાખે. સાંભળ્યું છે કે મેઘાણીએ ‘પદધ્વનિ’ વાર્તાસંગ્રહનું એવું તો કડક વિવેચન કરેલું કે એ વાંચીને એ સંગ્રહના કર્તા સમૂળા લખતા જ બંધ થઈ ગયેલા. થર્ડ ડિગ્રીના પ્રહારો ક્વચિત્ મરણતોલ પણ નીવડી શકે છે એ હકીકત છેક ઉવેખવા જેવી નથી. છતાં કેટલાક લેખકો પોતે જ એવા તો ખડતલ કે ખમતીધર હોય છે કે એમને આ પ્રકારનું થર્ડ ડિગ્રી વિવેચન કશી અસર કરી શકતું નથી. આવા ખમતીધરોને થાબડભાણિકને બદલે થપાટિયા વિવેચનમાં જ મજા આવતી લાગે છે. આ પ્રકારના લેખકોમાં એક નામચીન દાખલો એચ. એલ. મેન્કેનનો છે. મેન્કેન માને છે કે કંગાલ લેખક હંમેશાં કંગાલ જ રહેવાનો છે, એને વિવેચકો ગમે તેટલું પ્રોત્સાહન આપે, રચનાત્મક સૂચનો કરે, તોય કદી સુધરવાનો જ નહિ. વિવેચન તો હમેશાં ઉગ્ર અને આકરા પ્રહાર કરનારું જ હોવું ઘટે. ઠોઠ નિશાળિયાને સારામાં સારો શિક્ષક પણ સુધારી ન શકે એમ મેન્કેન માને છે. ‘ધ ક્રિટિકલ પ્રોસેસ’ નામના લેખમાં તેઓ કહે છે : ‘રચનાત્મક વિવેચનની માગણી પાછળ એવી એક જૂનીપુરાણી માન્યતા રહેલી છે કે કલાઓમાં અફર સત્યો અસ્તિત્વ ધરાવતાં હોય છે, અને કલાકારને (એ સત્યોથી) વાકેફ કરવામાં આવે તો એનામાં સુધારણા થઈ શકે. આ માન્યતા ગમે તેવું સ્વરૂપ ધારણ કરે તો પણ હમેશાં વાહિયાત જ છે. કોઈ સાહિત્યપ્રકારના સમર્થ વિવેચક બનનાર પોતે પણ એ સાહિત્યપ્રકાર ખેડતો હોવો જોઈએ—એટલે કે પેટના દુઃખાવાની દવા કરનાર દાક્તરને પોતાને પણ પેટનો દુખાવો હોવો જોઈએ, એવી માન્યતા જેવી જ આ માન્યતા પણ વાહિયાત છે. વાસ્તવમાં આવાં વિવેચન માટેની માગણી વાહિયત હોવા ઉપરાંત દાંભિક પણ છે, કેમ કે મુખ્યત્વે જે ખરાબ કલાકારો સર્કસના વાનરખેલની કામગીરીથી કંટાળી ગયા હોય છે, અને શાળાના વર્ગમાં શિખાઉ વિદ્યાર્થીની સલામતી અને સરળતા ઝંખતા હોય છે, તેઓ જ આવી માગણી કરતા હોય છે. પોતાને કોઈ ગબડાવી ન મૂકે એટલા ખાતર તેઓ આ પ્રકારની તાલીમની માગણી કરે છે. એ માગણી પાછળનો સિદ્ધાંત એ હોય છે કે તાલીમ મળે તો અમને લાભ થાય તેમ છે.. અમે અત્યારે જે કામગીરી બજાવી શકીએ છીએ એના કરતાં વધારે કરી બતાવવાની શક્તિ અમારામાં છે. વ્યવહારમાં આ કદીય સાચું હોવા અંગે મને શંકા છે. ખરાબ કવિઓ વાસ્તવમાં કદીય સુધરતા નથી, તેઓ ઉત્તરોત્તર અચૂક ખરાબ થતા જાય છે. સમગ્ર તવારીખમાં, મારી જાણમાં એવો કોઈ જ કલાકાર નથી, જે ‘રચનાત્મક’ વિવેચનને પરિણામે પોતાની કૃતિઓ સુધારી શક્યો હોય, ખરેખર, સર્વ કલાઓ ઉપર એક શાપ એ છે કે એનાં ક્ષેત્રોમાં જેઓ બિલકુલ કલાકાર નથી એવાં લોકો સતત આક્રમણ કરતાં જ રહે છે. જેમને પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા માટે માધુર્યસભર અભિવ્યક્તિની લગીરેય શક્તિ નથી, એવાં લોકો આ ક્ષેત્રોમાં ભીડ કરતાં રહે છે. સાહિત્યના ક્ષેત્રને આ વિશેષ લાગુ પડે છે, કેમ કે, આ ક્ષેત્રમાં આવા આક્રમણખોરોને પોતાના ઘમંડ અને વાચાળતા આડે બહુ થોડા ટેક્નિકલ અવરોધો નડે છે. દરેક તંત્રી અનુભવે જાણે છે કે આવા લોકોને કશું શીખવવાનો પરિશ્રમ એળે જ જાય છે, એમને માટે એક માત્ર લાભકારક વિવેચનપદ્ધતિ, એમનો પ્રયોગશાળાનાં પ્રાણીઓ તરીકે જ અજમાવવાની છે. એથીય એમનામાં કશી સુધારણા તો નથી જ થવાની, પણ એથી એમને રમૂજપ્રેરક અને દાખલો બેસાડનારો તમાશો તો થશે જ. આમ કરવાથી એમનામાંના ખરાબ સાથે સારા અંશોનો પણ ધ્વંસ થઈ જશે એવી દલીલ નિરર્થક છે. એ દલીલનો સાદો ઉત્તર એ છે કે એમનામાં કશું સારું છે જ નહિ. કલ્પના તો કરો કે એડગર એલન પોએ ‘ગેરાલ્ડીન’ના કર્તા ડેગ્ઝમાંથી સારું શોધવા પાછળ સમય બગાડ્યો હોત તો? એમાં ભયંકર નિષ્ફળતા જ સાંપડત અને પોતાનો ઉત્તમ વિવેચનલેખ બગાડી મૂકયો હોત. કલ્પના તો કરો કે બિટોવને ગોટફ્રીડ વેબર વિશે અભિપ્રાય આપતાં એનામાંથી સમજદાર સંગીત-વિવેચકના ગુણ શોધવાની મહેનત કરી હોત તો? એને બદલે, એની સાવ સાદી, સુયોગ્ય, ઉપયોગી અને ચિરંજીવ નોંધ કેવી સરસ છે! ‘ગર્દભશિરોમણી!’, ‘ડબલ બેરલ્ડ એસ!’. આ સાવ સંગીન વિવેચન છે. આ ચુકાદો, પડકારી ન શકાય એવો છે. ઉપરાંત, એ નાનકડી પણ સંપૂર્ણ કલાકૃતિ છે.’ થર્ડ ડિગ્રી વિવેચનની આ હિમાયત મેન્કેનની તાસીરને અનુકૂળ આવે એવી છે. એની પોતાની વિવેચનરીતિ પણ બહુધા આ ઢાંચામાં જ ઢળે એવી છે. રચનાત્મક વિવેચન જેવી કોઈ વસ્તુને આ લેખકની વિચારણામાં સ્થાન જ નથી. પોતાનો સ્વાનુભવ ટાંકીને એ કહે છે : ‘રચનાત્મક વિવેચનનું વ્યવહારુ મૂલ્ય કેટલું એાછું છે એની સાહેદી હું મારા પોતાના અનુભવમાંથી આપી શકું એમ છું. મારાં પુસ્તકોનાં અવલોકનો સામાન્યતઃ વિસ્તારથી લેવાય છે, અને ઘણા વિવેચકો પોતે જેમને હકીકતની તથા સૂચિની ક્ષતિઓ સમજે છે, એની શોધ પાછળ તેઓ સારો સમય આપે છે. પણ કોઈ ‘રચનાત્મક’ વિવેચકે કરેલું એકાદ સૂચન પણ મને જરાતરાય સહાયરૂપ થયું હોય કે જેમાં મને સક્રિય રસ પેદા થયો હોય એવો કોઈ કિસ્સો મને યાદ આવતો નથી. સાહિત્યની આવી દરેક ‘ધાવમાતા, મને, સર્વશક્તિમાન ઈશ્વર એના અનંત ડહાપણ વડે જે લખવા પ્રેરે છે, એનાથી જુદી ઢબે લખતો કરવાનો તદ્દન આંધળો પ્રયત્ન કરે છે. એમના આદેશ મુજબ હું લખું તો એ લખાણ, કૉંગ્રેસમેનમાં સભ્યતાના દેખાવ જેટલું જ છેતરામણું બની રહે. મારી કૃતિઓનાં વિવેચનમાંથી મને કદીય કશો લાભ થયો હોય તો તે સંહારાત્મક વિવેચકોએ જ લાભ કરાવ્યો છે. કોઈ પેટ ભરીને મારી ઝાટકણી કાઢે, એ ઝાટકણી સારી રીતે લખાયેલ હોય તો મને બહુ મજા આવે છે. એવાં લખાણનો આરંભ મારાં વ્યવસાયી માન-અકરામોની યાદી વડે થાય છે. એના અંતમાં, મારા વિચારોને અંતરના એકાંતમાં ઠંડે કલેજે તપાસવાની વિનંતિ કરવામાં આવે છે. અલબત્ત, હું મારા વિચારો ફેરવતો નથી, પણ એની ફેરતપાસ તો કરી જ જાઉં છું. મને લાગે કે એ વિચારો વળગી રહેવા જેવા છે, તો એ પછી એ મને અદકા વહાલા લાગે છે, અને એક નવા જ જુસ્સાથી હું એ ફરી વ્યક્તિ કરું છું. એથી ઊલટું, એ વિચારોમાં મને બાકોરાં દેખાય તો હું એમને છાજલીએ ચડાવી મેલું છું અને એને સ્થાને બીજા નવા વિચારો પેદા કરું છું. પણ ‘રચનાત્મક’ વિવેચન વાંચીને તો મને ખીજ ચડે છે. મને કોઈ ઊધડો લઈ નાખે એનો વાંધો નથી. પણ મારી ઉપર કોઈ પંતુજીગીરી કરે—વિશેષ તો હું જેમને માયકાંગલા ગણું છું એવાઓ મારા પંતુજી બની રહે—એ તો હું કોઈ કાળેય ન સાંખી લઉં.’ મેન્કેનનું આ વલણ કોઈને અંતિમમાર્ગી લાગવાનો સંભવ છે. બધા જ લેખકો આટલી લાપરવાહી કે આટલી જાડી ચામડી કદાચ ન પણ કેળવી શકે. અમેરિકન સાહિત્યમાં મેન્કેનનું જે અજોડ સ્થાન હતું, એને કારણે સ્તુતિ કે નિંદાની બાબતમાં તેઓ આટલા બેતમા બની શકે એ સ્વાભાવિક પણ હોય. પણ આ ઉપરથી ટાગોરની એક દૃષ્ટાંતકથાને તો પુષ્ટિ મળી જ રહે છે કે સાચી ગુણવત્તાને સ્તુતિ કે નિંદા કશું જ સ્પર્શી શકતું નથી. વિવેચકોએ લેખકોને ગિનીપિગ જેવાં, પ્રયોગશાળાનાં પ્રાણી ગણીને એમનું વિવેચન કરવું જોઈએ એવી મેન્કેનની હિમાયત જરા નિષ્ઠુર લાગે તો નવાઈ નહિ. પણ એવી હિમાયત સાવ નવી નવાઈની નથી. વાન વિક બ્રુક્સની નોંધપોથીમાં પણ આવી જ મતલબનો એક ફકરો નોંધાયો છે : ‘વિવેચનમાં બોદાં વખાણ ન ચાલે. લેખકમાં અધિકારની રુએ એનું પોતાનું ન હોય એ બધું ખૂંચવી લો, વાઢકાપ કરનાર સર્જન તીક્ષ્ણ અને નિર્દય છરી વડે છેલ્લામાં છેલ્લા રોગિષ્ટ કોશ ખેંચી કાઢે છે, એમ ખેંચી કાઢી પછી એ જખમ પર ટાઢા ચાંપીને, દર્દીને ફરી હરતોફરતો કરો અને એના બન્ને હાથમાં પુષ્પગુચ્છો સાથે રવાના કરી દો. કોઈ લેખકના કોશો એવા તો માંદલા હોય કે આવી શસ્ત્રકિયા ખમી જ ન શકે, તો એને એમાંથી ઉગારી લો અને નિરાંતે મરવા દો.’ અને છતાં, આ બન્ને આત્યંતિક વિવેચનરીતિઓમાં પણ એક પ્રશ્ન તો વિચારવાનો રહે જ છે. નરી સ્તુતિ કે નિંદા કરતો વિવેચક પણ એક ફરજમાંથી તો ચ્યુત ન જ થઈ શકે. એ ફરજ છે, નવી કલમની ગુંજાયશ પારખી કાઢવાની, એની ભાવિ શક્યતાઓનો તાગ લેવાની, અને એનો નિર્દેશ કરીને આંગળી ચીંધ્યાના પુણ્ય જેવી કામગીરી બજાવવાની. સર્જકની જેમ વિવેચક પણ દ્રષ્ટા હોય તો, એની નજર દૂરગામી પારગામી રહેવાની, અને એ એકાદ હેમિંગ્વેનો ઉદય વૈતાલિકની જેમ છડીપોકાર સાથે જાહેર કરવાનો જ. આ પ્રકારની ‘સ્ટાર ફાઈન્ડિંગ’–નવતારક શોધકવૃત્તિ-નો તો વિવેચક બ્રુક્સ પણ એ જ નોંધપોથીમાં એક સ્થળે સ્વીકાર કરે છે : “મારા જૂનાપુરાણા મિત્ર ફ્રાન્સિસ ગેરિસને એના એક નિબંધમાં નોંધેલું : ‘ઘણા લેખકો પ્રશસ્તિ કરવામાં બહુ ધીમા હોય છે. એમને ભય લાગે છે કે નિખાલસ ઉત્સાહ, વિવેચનની અણઆવડતમાં ખપી જશે.’ છતાં તળિયાઝાટક ટીકાઓ કરવામાં કોઈ અચકાતા નથી. ઘણા વાચકો સંહારક વિવેચકોથી, સ્વાભાવિક જ, વધારે અંજાઈ જાય છે. એમને લાગે છે કે ગુણદર્શન કરાવવા કરતાં અપૂર્ણતાઓ અને ક્ષતિઓ બતાવવાનું કામ વધારે કપરું હોય છે. વાસ્તવમાં તો, ફ્રૅંક હેરિસ કહે છે તેમ, ‘તારકશોધ’ વધારે આવડત માગી લે છે. વિવેચકવર્તુળોમાં પ્રશસ્તિ એ લગભગ ભુલાઈ ગયેલો શબ્દ બની રહ્યો છે, ત્યારે આ મુદ્દો યાદ રાખવા જેવો છે.” તેથી જ થાબડભાણાંને બદલે થર્ડ ડિગ્રીના હિમાયતીઓએ પણ કોઈક નૂતન ઉદીયમાન તારક ઉદયમાંથી જ દૂધપીતો ન થઈ જાય એટલી તકેદારી તો રાખવી જ રહી. જુલાઈ ૨૩, ૧૯૫૯
(‘શાહમૃગ-સુવર્ણમૃગ’)