સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/બંડખોર મરજાદીની મૂંઝવણકથા


૨૨
બંડખોર મરજાદીની મૂંઝવણકથા

નાનાભાઈ ભટ્ટની આત્મકથા ‘ઘડતર અને ચણતર’નો પ્રથમ ખંડ ૧૯૫૪માં પ્રગટ થયેલો. હવે પાંચ વર્ષ બાદ બીજા ખંડ જોડે પહેલા ખંડનું પુનર્મુદ્રણ પણ પ્રગટ થયું છે. આ બીજા ખંડનું પ્રકાશન પ્રથમ ખંડમાં આલેખાયેલા કથાનાયકના ચિત્રને નિહાળવાનો યથાદર્શનકોણ પૂરો પાડે છે. આ દર્શનકોણમાં દેખાતું કર્તાનું ચિત્ર કેવું છે એનું વિવરણ કરવાનો પ્રયોગ જરા અઘરો છતાં અજમાવવા જેવો લાગે છે. આમ તે આ કથા વ્યાપક અર્થમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાના ઉદય અને અસ્તની જ કથા છે. પણ આ પુસ્તકમાં એ સંસ્થા સાથે આરંભથી જ ઓતપ્રોત થઈ રહેલા એના મુખીની પૂરા સાત દાયકાના પટ ઉપર પથરાઈ રહેતી એક સિલસિલાબંધ જીવનકથા પણ છે જ. એના કેન્દ્રમાં નાનાભાઈ ભટ્ટ જ છે. અને તેથી જ આ આત્મકથામાંથી ઉપસતા એમના ચિત્રના તેજ-છાયા નીરખવા જેવા છે. વાસ્તવમાં આ દર્શનકોણમાં દેખાતી કર્તાની છબી એક નહિ પણ બે છે. ફોટોગ્રાફીની પરિભાષામાં કહીએ તો એમાં બે અલગ અલગ છબીઓનું સંયોજન (મૉન્ટાજ) થયેલું છે. એમાંની એક છબી છે, રૂઢિરક્ષક મરજાદીની. બીજી છબી છે, રૂઢિભંજક બંડખોરની. અને આ આત્મકથા એ બંડખોર મરજાદીની મૂંઝવણકથા છે. પેલા સંયોજિત ચિત્રમાંના મરજાદીની મુખરેખાઓ કાંઈક આ પ્રકારની ઓળખાય છે : એમના વડવાઓને પેઢી-દર-પેઢી અગ્નિપૂજા, દેવીપૂજા અને આવસત્થ્ય વારસામાં મળતું આવેલું. એમના રહેણાક મકાનમાં જ હોમશાળા હતી, તેથી રોજ ‘સ્વાહા ન મમ’ના મંત્રોચ્ચાર સાથે અગ્નિમાં આહુતિ અપાતી. અગિયાર મહિનાના પુત્રને ખોઈમાં બાંધીને સીમમાં ખડ વાઢતાં વાઢતાં વિષ્ણુસહસ્રનામનો પાઠ કરે એવી ધર્મપરાયણ માતા આદિની કૂખે કર્તાનો જન્મ થયેલો. મોસાળ બરવાળામાં લેખકને બાળપણમાં શંકરમંદિરમાં ‘જય શંકર પાર્વતિપતે’નું સ્તોત્ર સાંભળવા મળે ત્યારે ‘ન વયં તવ ચર્મચક્ષુષા’ ચરણ સાંભળીને એમનું શ્રદ્ધાવાન હૃદય રડી ઊઠતું. કુટુંબમાં વારસાગત ઊતરી આવતું આવસત્થ્ય તો એવું આકરું કે એ વ્રત લેનારે બહારગામ જતી વેળા પણ સમિધમાં અગ્નિનો સમારોહ કરીને રસ્તામાં હોમ કરવો પડે અને મૃત્યુ સમયે પણ યજમાનની અગ્નિઉપાસના અખંડ રહે છે એ દર્શાવવા સ્મશાનમાં એનો અંત્યેષ્ટિહોમ થવો જોઈએ. લેખક પોતાના મોટા ભાઈ જોડે બીલખે આનંદાશ્રમમાં જાય છે, સવારના પહોરમાં શ્રીમાન નથુરામ શર્માનાં દર્શન કરે છે અને તુરત એમના ચિત્ત ઉપર પવિત્રતાની છાપ દૃઢ બને છે. પોતાના મનને જોઈતો વિસામો મળી ગયો હોવાનો અનુભવ થાય છે. લેખકે પૂર્વકાળના યોગીઓની, ઋષિ-મુનિઓની, આચાર્યોની જે જે કલ્પનાઓ ઘડી હતી તે તે તમામ કલ્પનાઓ એમને મહારાજશ્રીમાં મૂર્તિમંત થતી જણાય છે અને તુરત એ પોતાના મોટા ભાઈને જણાવે છે કે આજે મારે દીક્ષા લેવી છે. અને બપોરે સાડાઅગિયાર વાગતામાં તેઓ દીક્ષિત પણ થઈ જાય છે. ઈ. સ. ૧૯૦૪થી ૧૯૨૦ સુધી તેઓ નથુરામ શર્માના વિધિસરના શિષ્ય રહ્યા એ દરમિયાન મહારાજને ઈશ્વરના નાના સરખા પણ અવતાર ગણીને રીતસર પૂજન કરતા. એમને સંબોધવા માટે ‘કૃપાનાથ’ શબ્દ વાપરતા. એમનો ઉલ્લેખ ‘પૂજ્યપાદશ્રી’ તરીકે કરતા. સવારમાં પાંચ વાગ્યે નથુરામ શર્મા પોતાના શયનખંડમાંથી બહાર નીકળે ત્યારે એમના પ્રથમ દર્શનનો લાભ ઝીલવાને લોભે આ શિષ્ય પાંચ વાગ્યાથીય વહેલેરા બારણા નજીક ઊભા રહીને મહારાજશ્રીનાં દર્શન થતાં જ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતા. જાહેર સમારંભમાં તેઓ મહારાજનું પ્રશસ્તિગાન ગાતા :

<poem‘યુગે યુગે આવીશ એમ કહેતા શ્રીકૃષ્ણ આજે નજરે પડે છે.’</poem>

આ નજરે પડી રહેલા શ્રીકૃષ્ણના અવતારને કર્તા સઘળી સેવાઓ અર્પે છે. મહારાજને થાળ પીરસે છે, મહારાજના હીંડોળાના સળિયા ઘસીને ચકચકિત કરે છે, એમના પગ ચાંપે છે, જયંતીદિને એમને અભ્યંગસ્નાન પણ કરાવે છે. દક્ષિણામૂર્તિ છાત્રાલયની સ્થાપનાનો નિર્ણય પણ નથુરામ શર્માના સાન્નિધ્યમા જ થયેલો. મહારાજ મેંદરડે બિરાજતા હતા અને ત્યાંથી જે ઘોડાગાડીમાં બેસીને બીલખે આવવા નીકળેલા એ ગાડીમાં જ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીગૃહ ઊભું કરવાનો નિર્ણય લેવાયેલો. સંસ્થાનું નામકરણ પણ એ ઘોડાગાડીમાં જ થયેલું. દક્ષિણમૂર્તિદેવ નથુરામ શર્માના ઉપાસ્ય દેવ હતા. પરિણામે આ વિદ્યાર્થીગૃહ પણ આરંભમાં નથુરામ શર્માના આનંદાશ્રમની એક શાખા સરખું જ બની રહે એ સ્વાભાવિક હતું. આનંદાશ્રમમાં ચાર વર્ણોની ઊંચનીચ શ્રેણીની મર્યાદા સ્વીકારાઈ હતી. અને આ મરજાદી કર્તાએ એને માન્ય પણ રાખી હતી. દક્ષિણામૂર્તિ છાત્રાલયમાં પણ સ્વાભાવિક જ હરિજનોને સ્થાન નહોતું. આનંદાશ્રમની જેમ અહીં પણ વિદ્યાર્થીઓએ પરોઢમાં પાંચ વાગ્યે ઊઠીને દક્ષિણામૂર્તિસ્તોત્ર ભણીને ગૃહપતિને સાષ્ટાંગ દંડવત્‌ નમસ્કાર કરવાનો રવૈયો ચાલુ રાખવામાં કર્તાને એ વેળા કશું અનુચિત જણાયેલું નહિ. તેઓ વિદ્યાર્થીઓ પાસે સવારમાં સંધ્યા કરાવતા, સંધ્યાની હાજરી સુધ્ધાં પૂરતા, બપોરે ‘વૈશ્વદેવ’ કરાવતા. અને કશો અપરાધ કરનાર વિદ્યાર્થીને પચીસ પચાસ વાર દક્ષિણામૂર્તિ દેવને નમસ્કાર કરવાની સજા સુધ્ધાં થતી.

યુવકયુવતીઓના સહવાસની બાબતમાં તેઓ બહુ ચોખલિયા કે કટ્ટર વિરોધી નહિ, છતાં આરંભથી જ મધ્યમમાર્ગી હતા. અને આજે પણ અઢારથી બાવીસ વર્ષની વયનાં અવિવાહિત યુવકયુવતીઓના અનિયંત્રિત સહવાસ-સહચારની બાબતમાં તેઓ માને છે કે એ ઉંમર જ એવી છે કે જે વખતે એ બન્ને વર્ગોેનું પરસ્પરનું આકર્ષણ રોક્યું રોકી ન શકાય. અને એ આકર્ષણને કૃત્રિમ રીતે રોકવાના પ્રયત્નો કરવામાં આવે તો પરિણામે તે તે ભાઈ-બહેનોને તેમજ આખી સંસ્થાને નાનું-મોટું નુકસાન થયા વગર રહે નહિ. યુવકયુવતીઓના અનિયંત્રિત અને બે-લગામ સહચારથી સઘળા અંતઃસંકોચ ઓસરી જશે એવી પણ એમને પાકી શ્રદ્ધા નથી, કેમકે તેઓ માને છે કે ‘આપણી કેળવણીની સંસ્થાઓ આ રીતના અખતરા કરવાની આધ્યાત્મિકતા ધરાવતી નથી, તેમ જ આ રીતના અખતરાથી કોઈ વખત હાથ દાઝી જાય તો પણ હાથ દાઝવા દેવાની હિંમત આપણા સુધરેલા સમાજમાં દેખાતી નથી, તેથી કોઈ ઉગ્ર પગલું ભરતાં માણસનું મન સહેજ પાછું હઠી જાય.’

જિન્સી સંબંધો અંગેનું કર્તાનું આ સાવધપણું વિનયમંદિરના એક શિક્ષકના પ્રેમ-કિસ્સાથી અકળાઈ ઊઠે છે, અને એ શિક્ષકને સંસ્થાત્યાગ કરાવે છે. એમ કરવા જતાં, સંસ્થાના અન્ય કાર્યકરોની નજરે પોતે જુનવાણી વિચારના ઠરે છે એની એમને જરાય પરવા નથી. સહશિક્ષણ અને સહવાસની ચર્ચા કરતી વેળા એમણે નિખાલસપણે કબૂલ કર્યું છે કે ‘આજે આ દિશામાં અથવા એવી જ બીજી દિશામાં હું જુનવાણી મટ્યો હોઉં તેમ પણ કહી શકતો નથી. ઉઘાડી રીતે તેમ જ છૂપી રીતે અનેક જુનવાણી સંસ્કારો મારા હૈયામાં પડેલા છે જ, અને તે ક્યારે જાગી ઊઠશે અને નવા જમાનાનો લેબાશ પહેરીને નવા જમાનાના સિદ્ધાંતોનો ઊંધી રીતે અર્થ કરશે એની મને પોતાને ખબર નથી.’ આ છે, પેલી સંયોજિત છબીમાંની અર્ધ-તસવીરનો આછેરો અણસાર. પૂરાં સાડાચારસો પાનાંની આ આત્મકથામાંથી આ એક જ ચિત્ર ઉઠાવ પામતું હોત તો એના પરિચયનો આટલો વિસ્તાર જ અનાવશ્યક બની રહેત, અને આ આત્મકથાના નાયકને ચુસ્ત સનાતની, રૂઢિગ્રસ્ત, હડહડતા મરજાદી ગણાવીને આ અવલોકનનું ઇતિશ્રી થઈ શકત. પણ કર્તા એક સ્થળે કબૂલે છે, તેમ ‘હું દક્ષિણામૂર્તિના કામમાં પડ્યો એની પાછળની પ્રેરણા મહાત્મા નથુરામ શર્માની એ વાત સાચી, મેં સંસ્થાનું સંચાલન હાથ ધર્યું એની પાછળ મારી ધર્મબુદ્ધિ એ પણ વાત સાચી; પણ આખરે તો હું નવા જમાનાથી રંગાયેલો એક જુવાન હતો, એક એમ. એ. હતો, એક પ્રોફેસર હતો...’ નવા જમાનાથી રંગાયેલો જુવાન, એમ. એ. અને પ્રોફેસર એવી ત્રિવિધ ઓળખ પેલી સંયોજિત છબીમાંની બાકીની અર્ધ-તસવીરને લાગુ પડે છે. અને એ તસવીર છે એક બંડખોર નવજુવાનની. આ નવજુવાને મુંબઈની પહેલા નંબરની ગણાતી એલ્ફિન્સ્ટન કૉલેજમાં તાલીમ લીધી છે. એણે કૉલેજના ગોરા પ્રિન્સિપલને વાદેવાદે ‘એક સલૂનમાં રૂપિયા દસ ભરીને ટર્કિશ બાથની મજા ચાખી’ છે. મુંબઈમાં એક જ વર્ષમાં લગભગ ચાળીશ શનિવારો સુધી એણે ગેઈટી થિયેટરમાં નાટકો નિહાળ્યાં છે. એ અરસામાં મુંબઈમાં આવેલી એક અમેરિકન નાટક કંપનીના હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો નાટકો જોવા માટે એણે ત્રીસ રૂપિયા ખરચીને ટિકિટ લીધી છે, અને એ ખર્ચનો ખાડો પૂરવા માટે બે મહિના સુધી સ્વેચ્છાએ એક ટંક ભોજનનો ત્યાગ કર્યો છે. ‘અલબેલી મુંબઈ નગરીના ઘણા મનમોહક ચમકારો પણ અનુભવી લેવાનો લાભ’ એ લઈ ચૂકેલ છે. આ બંડખોર યુવાને બંડખોરી ખાતર જ બંડખોરી આચરી નહોતી. સભાનપણે એણે કદીય ફિતુર કર્યો નથી. આમ તો એ કહે છે : ‘હું પોતે પ્રશ્નોરા જ્ઞાતિનું ફરજંદ, અગ્નિહોત્રના અને વૈદિક સંસ્કૃતિનાં વાતાવરણમાં હું ઊછર્યો હતો. હવેલીધર્મ, શિવાલયધર્મ અને સ્વામીનારાયણધર્મના ત્રિવેણીસંગમનાં મીઠાં સ્મરણોને આજે પણ હું ભૂલ્યો નથી. અમે ભૂલથી પણ કોઈ હરિજનને અડકી ગયાં હોઈએ તો તમામ કપડાં બોળાવીને મારી બા ચંદુ અમને નવરાવતી અને એ એ રીતે નાહ્યા પછી આવીએ ત્યારે વળી પાછી અમારા શરીર પર થોડું ચોખ્ખું પાણી છાંટતી. મારી આસપાસ આવું સનાતની વાતાવરણ પડ્યું હતું....આવી પરિસ્થિતિમાં ગાંધીજીએ સમગ્ર સનાતની મંડળની વચ્ચે અસ્પૃશ્યતાનિવારણનો બોમ્બગોળો ફેંક્યો.’ આમ, આ બંડખોરી એ જમાનાની, યુગબળની જ તાસીર હતી. ‘હું ગમે તેવો સનાતની હતો, ગમે તેવો પ્રશ્નોરો હતો તો પણ એ યુગનો જુવાન તો હતો જ...’ અને છતાં પેલા મરજાદી જોડે આ નવયુગના બંડખોર જુવાનનો મેળ બેસાડવાનું કામ કોઈ રીતે સહેલું તો નહોતું જ. એમાં કર્તાને ડગલે ને પગલે મૂંઝવણો અનુભવવી પડી છે... આ બધી એ દિવસોમાં પણ મારી મૂંઝવણો હતી અને એ મૂંઝવણો જ રહી છે.’ (પૃ. ૭૪), ‘પણ એક મૂંઝવણ ટળી એને સ્થાને બીજી મૂંઝવણ ઊભી થઈ...’ (પૃ. ૯૧); ‘મારી મૂંઝવણ શબ્દોમાં કહી ન જાય તેવી હતી...’ (પૃ. ૧૬૩) આવી આવી ઉક્તિઓ કર્તાની લેખનશૈલીનો નહિ પણ માનસિક સંતાપનો જ પરિપાક જણાય છે. આ દળદાર આત્મકથા કેવળ વાચનક્ષમ બનીને ન અટકતાં વાચકને જકડી રાખનારી કે ફરીફરીને વાંચવા પ્રેરે એવી બની છે એના મૂળમાં પણ કથાનાયકની આ મૂંઝવણોનો મોટો ફાળો છે. નાટકની રસનિષ્પત્તિમાં ગૂંચનું તત્ત્વ જે કામગીરી બજાવે છે એવી જ કામગીરી આત્મકથામાં એના નાયકનાં મનોમંથનો અને દ્વિધાઓ બજાવી આપતાં હોય એમ લાગે છે. તેથી જ કથાનાયકમાં રહેલા રૂઢિભંજકનું ચિત્ર પેલા રૂઢિરક્ષક કરતાં સ્વાભાવિક જ વધારે ચિત્તાકર્ષક બની રહે છે. એ બંડખોરે પહેલવહેલું બંડ ક્યાં પોકાર્યું? ઘરને ઉંબરેસ્તો! કુટુંબમાં આવસત્થ્યની ધાર્મિક બાજુ કરતાં વ્યવહારબાજુ વધારે મહત્ત્વ પામવા લાગી અને અગ્નિપૂજા માટે રાજ્ય તરફથી મળતાં વર્ષાસનની વહેંચણીનાં અનિષ્ટોએ દેખાવ દેવા માંડ્યો ત્યારે કર્તાએ પોતાના ગરાસજીવી અગ્નિહોત્રી પિત્રાઈઓને સંભળાવી દીધું : ‘આપણા કુંડના અગ્નિ એ અગ્નિદેવ નથી રહ્યા, એ તો બાપડા રસોડાના અગ્નિ થઈ ગયા છે.’ પેઢી દર પેઢી દેવીપૂજનનો વારસો મેળવનાર લેખકને નવરાત્રિના દિવસોમાં માતાને સરમાં લાવીને ધૂણનાર પડોશી ‘જાડા ભોલ પરમાણંદકાકા’ની સાત્ત્વિકતામાં સંશય જન્મે છે. પોતે જેમને ઈશ્વરના જ નાનાસરખા અવતાર ગણીને પૂજતા હતા એ કૃપાનાથ નથુરામ શર્માના કેટલાક આચારવિચારનું ઔચિત્ય પણ એમને અકળાવવા માંડે છે. મહારાજશ્રી ઘણી રીતે નવા જમાનાના હોવા છતાં હાડથી જૂના યુગના જણાય છે. જાહેર સંમેલનોમાં પોરબંદરના મહારાણા કરતાંય ઊંચેરે આસને બિરાજવાને ટેવાયેલા મહારાજ નથુરામ શર્માને માટે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી સંમેલનમાં એકવાર વિષમ પરિસ્થિતિ ઊભી થઈ. સંમેલનમાં મંગલ પ્રવચનકાર આનંદશંકર ધ્રુવની સમાન કક્ષાએ જ મહારાજની ખુરસી ગોઠવાતાં કર્તા ઉપર ’કૃપાનાથ’ની અવકૃપા ઊતરી. વળતે દિવસે ઊંચેરું આસન નહિ મળે તો સંમેલનમાં હું હાજરી નહિ આપું, એવી ધમકી મળી; પણ પોતે મહારાજના ઉત્તરાધિકારી બનનાર છે એવી જેમને માટે આશાઓ બંધાયેલી, એવા આ બંડખોર કર્તાએ પેલી ધમકીને મચક ન આપી. કૃપાનાથની ઉપસ્થિતિ વિના જ એમણે સમારંભ પતાવ્યો. ઈશ્વરના નાના સરખા અવતારને પણ એમણે આચાર્ય આનંદશંકરથી ઊંચેરું આસન આપવાની ના સંભળાવી દીધેલી. ‘સંમેલનમાં મુખ્ય આસન તો પ્રમુખનું જ રહેશે.’ આ બંડખોર ધીમે ધીમે પોતાના આરાધ્ય ગુરુને નવી નજરે નિહાળવા માંડે છે અને નવીનવી ‘મૂંઝવણો’ ને ‘ગડમથલો’ અનુભવે છે. માત્ર જપયોગ કે માત્ર ગુરુશરણ એને લૂખાં લાગવા માંડે છે. મહારાજે આશ્રમની મૂડીમાંથી પોતાના પૂર્વાશ્રમના ‘ભત્રીજાઓને સારી એવી રકમો એનાયત કરી’ ત્યારે કર્તાને સંશય થાય છે : દુનિયાના આવા મહાપુરુષોનાં દિલમાં પોતાનાં આવાં સગાંઓ તરફ છૂપી છૂપી પણ મમતા ચોંટી રહેતી હશે? લોહીના આવા સંબંધને માનવીમાત્ર આધીન તો નહિ હોય?’ (પૃ. ૮૩) આનંદાશ્રમ આરંભકાળમાં ‘મૅન ઓન્લી’ ઢબે માત્ર પુરુષો માટે જ હતો. સ્ત્રીઓને એમાં પ્રવેશ ન મળતો એટલું જ નહિ, નથુરામ શર્મા સ્ત્રીઓને દર્શન પણ ન આપતા. અહીં પણ આ નવયુવાન બંડખોરે બહેનો માટે સમકક્ષ સ્થાનનો આગ્રહ કર્યો અને એમાં એને સફળતા સાંપડી. આ આત્મકથા પેલા મરજાદી સનાતનીની ઉત્ક્રાંતિકથા પણ છે. એ ઉત્ક્રાંતિને જુદે જુદે તબક્કે વિકસતી બંડખોર વ્યક્તિ, પેલી મરજાદી વ્યક્તિનાં કેટલાંક કૃત્યોની, આચારવિચારની તેમજ અભિપ્રાયની લગભગ નિષ્ઠુર કહી શકાય એવી નુક્તેચીની કરે છે, એની ક્રૂરમાં ક્રૂર ટીકાઓ કરે છે, પેલા મરજાદીએ આચરેલી કેટલીક બાલિશતાઓ અને બાઘાઈ યાદ કરતાં એ વારંવાર ‘હસી હસીને ઢગલો’ થઈ શકે છે, એ આ કર્તાનાં બે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ-પાસાં વચ્ચે એક સેતુ રચી આપે છે. દક્ષિણામૂર્તિના ઉદયનો ઇતિહાસ આલેખતાં પ્રકરણો પ્રેરક બન્યાં છે, તે એનો અસ્ત વર્ણવતા ખંડો એથીય અદકા રોમાંચક બની રહે છે. એ આલેખનમાં કર્તા મૉર્ગરૂમના ટેબલ પર કોઈ પારકા મૃતદેહને ઠંડે કલેજે ચીરી રહેલા તબીબી વિદ્યાર્થીની કામગરી બજાવતા હોય એવું એક દૃશ્ય ઉઠાવ પામે છે. આવી ધરખમ નૂતનશિક્ષણસંસ્થા કયા રોગને પરિણામે અવસાન પામી એની શોધ—એટલે કે આત્મખોજ—કરવા તેઓ મથે છે. મૃતદેહની હોજરીમાંનાં હળાહળોનું રાસાયણિક પૃથક્કરણ કરવા જેવો એ અઘરો પ્રયોગ તેઓ બેધડક હાથ ધરે છે, અને એમાં એમને સારી સફળતા સાંપડે છે. આ રહ્યાં એ પ્રયોગનાં પરિણામો : ‘અમારા અપ્તરંગી જીવનની પાછળ જોઈએ તેવી આધ્યાત્મિક ભૂમિકા નહોતી તેથી વખત આવ્યે અમે તૂટી ગયા.’ (બે બોલ, પૃ. ૨૯ )... ઈ. સ. ૧૯૩૨થી ૧૯૩૫ના ગાળામાં દક્ષિણામૂર્તિ સંસ્થા અંદરઅંદરના કંકાસથી સળગી રહી હતી. ગિજુભાઈ ને હરભાઈને મારી સાથે મેળ ન હતો, તેમ અંદર અંદર પણ. મેળ ન હતો. અમે સહુએ સંસ્થામાં અમારા અખાડા જમાવ્યા... આ કંકાસની વિગતોમાં ઊતરવામાં મને રસ નથી. એ કંકાસે દક્ષિણામૂર્તિ સંસ્થાને પોલી કરી નાખી એવું મને દુઃખ છે. ઉર્વબાહુવિરૌમ્યેષઃ જેવી મારી દશા હતી. મને દક્ષિણામૂર્તિનાં વિનાશનાં ચિહ્નો દેખાતાં હતાં. બાલમંદિર તેમજ અધ્યાપનમંદિરને શાસ્ત્રીય બાળશિક્ષણનો કેફ ચડ્યો ને વિનયમંદિરને માનસશાસ્ત્રનાં પોથી–જ્ઞાનનો કેફ ચડ્યો. આ કેફમાં અમે સૌ માનવતાનું પરમ જીવનશાસ્ત્ર ચૂકી ગયાં.’ (પૃ. ૨૯૦ ) ‘દક્ષિણામૂર્તિ કયા આદર્શને માટે જીવે છે, અને કયા આદર્શને માટે કાર્યકર્તાઓ પાસેથી કઈ કઈ વસ્તુઓની આશા રાખે છે, તેનો મને જ તે દિવસે ખ્યાલ ન હતો...’ (પૃ. ૪૪૪)... ‘અમારા વિચાર અને આચારના ભેદને લીધે અમે સંસ્થાના વિદ્યાર્થીઓમાં મોટો બુદ્ધિભેદ ઊભો કર્યો અને આખી સંસ્થાની એકતાને ચૂંથી નાખી. આ પરિણામ લાવવામાં અમે ત્રણેય જણ જવાબદાર હોઈએ તોપણ સૌથી મોટી જવાબદારી મારી પોતાની જ છે એમાં મને લેશ પણ શંકા નથી... એક વનમાં ત્રણ વનરાજ શી રીતે હોઈ શકે?...’ (પૃ. ૪૪૫)... ‘બંને વિભાગો—વિનયમંદિર અને છાત્રાલય તથા બાલમંદિરમાં એકબીજાની ઈર્ષ્યા, હરીફાઈ, નિંદાખોરી વગેરે શરૂ થઈ ચૂક્યાં હતાં. (પૃ. ૪૪૬) પોતે ઇંઢોણીથી ઉતરડ સુધીની વ્યવસ્થા કરીને શૂન્યમાંથી જેનું સર્જન કરેલું એવી પોતાના માનસસંતાન સમી સંસ્થાનું હસતે મોંએ વિસર્જન કરી નાખ્યું. દક્ષિણામૂર્તિની સ્થાપનાને સમયે કૉલેજની પ્રોફેસરશિપ છોડી દેવાનો હિમ્મતભર્યો નિર્ણય કરતી વેળા કર્તા મનમાં ગણગણ્યા હતા : ‘સિઝર હેઝ ક્રોસ્ડ ધ રૂબિકોન.’ દક્ષિણામૂર્તિનું ઉથાપન પણ પેલા રૂબિકોન-ઉલ્લંઘન જેવું જ અણિના સમયે હિમ્મતભર્યો નિર્ણય માગી લેનારું પગલું હતું. નિષ્પ્રાણ થઈ ગયેલી સંસ્થાને મિસરી ‘મમી’ની જેમ મસાલા ભરીને સાચવી રાખવાનો કશો અર્થ નહોતો. દક્ષિણામૂર્તિના નામની ગાદી ચાલે એવો એમાં ભય હતો. સરદાર વલ્લભભાઈ પટેલે એક વેળા ટકોર કરેલી : ‘દક્ષિણામૂર્તિએ પણ ટંકશાળની છાપ મારીમારીને બાલમંદિરના શિક્ષકોને ગુજરાતમાં ચલણી નાણા તરીકે મોકલી દીધા છે.’ આ ટીકા સાંભળીને કર્તાનું મન દુખાયેલું છતાં એમણે કબૂલ તો કરેલું જ કે ‘સરદારની ટીકાનું હાર્દ સાચું હતું, કારણ કે અમદાવાદનાં બાલમંદિરો વેપારની હાટડી જેવાં બનતાં જતાં હતાં.’ વાસ્તવમાં, દક્ષિણામૂર્તિની સિદ્ધિઓનું જમા પાસું કાંઈ જેવું તેવું નહોતું. નૂતન રાષ્ટ્રીય શિક્ષણને ક્ષેત્રે એ સંસ્થાએ ઘણા ચીલા પાડી આપ્યા હતા. એ ચીલાઓ પર મજલ ખેડવા માટે હજી વધારે બંડખોર અને રૂઢિભંજકોની કદાચ જરૂર હતી. તેથી જ, એના સ્થાપકે સંસ્થા માટે અમરત્વના દુરાગ્રહ ન રાખવામાં ઔચિત્ય દાખવ્યું હતું. સનાતની ધર્મપરાયણ પેલા મરજાદીને એમાં વિધિની જ કોઈક યોજનાનાં દર્શન થાય છે. ‘ઈશ્વરકૃપાથી અમે સૌ એવા કાર્યકરો ભેગા થયા હતા કે કોઈ પણ સંસ્થાને અમારી ઈર્ષ્યા થાય. પણ દૈવયોગે પાછળનાં વર્ષોમાં અમારામાં કલિયુગ પ્રવેશ્યો...’ (પૃ. ૩૮૫) : સંસ્થાના વિલીનીકરણને કર્તા મધદરિયે વેરણ થયેલી હાજી કાસમની વીજળી જોડે સરખાવે છે. સંસ્થાની સ્થાપના વેળા થાણાદેવડીના દરબાર લક્ષ્મણવાળાએ સાવચેતીનો સૂર સંભળાવેલો : ‘ભલા થઈને છેવટે ખાસડે ખાસડે દાળ ન પીરસતા.’ એ ટકોરને ભવિષ્યવાણી તરીકે સંભારીને જ કર્તા આશ્વાસન અનુભવે છે. દક્ષિણામૂર્તિની સ્થાપના આ કેળવણીકારની એક જ્વલંત સિદ્ધિ હતી. પણ એ સંસ્થાની ઉથાપનાને ભવિષ્યમાં શિક્ષણનો કોઈ ઇતિહાસકાર કે નાનાભાઈનો ચરિત્રકાર અદકેરી સિદ્ધિ તરીકે મૂલવે તો નવાઈ નહિ. આરંભિકની જેમ આખરી રૂબિકોન-ઉલ્લંધન પણ કાંઈ ઓછું ઉજમાળું નહોતું. દક્ષિણામૂર્તિ સામ્રાજ્યના પતનનો ઇતિહાસ એક રીતે એના સ્થાપકનો ઉત્ક્રાંતિઇતિહાસ બની રહે છે. એના સ્થાપકે દક્ષિણામૂર્તિનું ચણતર કર્યું, તો સંસ્થાએ એના સ્થાપકનું ઘડતર કર્યું. આ ઋણસ્વીકાર કર્તાએ વારંવાર વ્યક્ત કર્યો છે. દક્ષિણામૂર્તિ દેવ પ્રત્યેના નર્યા ભક્તિભાવથી સ્થાપવામાં આવેલી સંસ્થા શિક્ષણમાં ડાલ્ટન-પ્રયોગો સુધી પ્રગતિ કરી શકી એ એક બહુ સૂચક ઉત્ક્રાંતિ ગણાય. એ ઉત્ક્રાંતિની એરણ પર પેલા બંડખોરના ગજવેલને પાણી ચડ્યું એમ કહી શકાય. અને છતાં આ બંડખોર એના એ પ્રકારના જાતિબંધુઓ જેવા આગ ઓકનારો ‘ફાયરબ્રાન્ડ’ કે દરેક બાબતમાં છેલ્લે પાટલે જઈ બેસનારો અંતિમમાર્ગી નથી એટલું નોંધવું જોઈએ. દક્ષિણામૂર્તિમાં હરિજનોને પ્રવેશ આપવાના પ્રશ્ન પર નથુરામ શર્માના જૂથ જોડે સંચાલકોને મતભેદ થશે ત્યારે પણ બહુમતી-નિર્ણય વડે સાવ સહેલાઈથી સાંપડનાર વિજય જતો કરીને પોતાનાં રાજીનામાં જ મહારાજના ખોળામાં મૂકીને ઉદ્દેશ પાર પાડેલો અને કડવાશ ટાળેલી. હરિજન-પ્રવેશનો ઉકેલ પણ જરા વિચિત્ર લાગે છે. દક્ષિણામૂર્તિની શાળાનાં બારણાં હરિજનો માટે ખુલ્લાં મુકાયાં. પણ છાત્રાલયને રસોડે હરિજનો એક પંક્તિએ બેસીને જમી ન શકે એવી વ્યવસ્થા થઈ. બંડખોર ગજરાજ ઉપર પેલો મરજાદી જાણે કે માવત બનીને અંકુશ ન ચલાવતો હોય! બંડખોરના આ મવાલ સ્વરૂપોના કેટલાક લાભ પણ છે. દુનિયાની તવારીખમાં ઘણા બંડખોરો ક્રૂર, અતિક્રૂર હોય છે. શુભનિષ્ઠા હોવા છતાં તેઓ ઘણીવાર ઝનૂનથી કામ કરતા જણાય છે. ગાંધીજીનાં ઘણાં આચરણોમાંથી એવી છાપ ઊભી થતી લાગે છે. એમણે પોતાના કુટુંબીઓ પર ઘણા નિર્ણયો ક્રૂરતાથી લાદેલા. આપણા કથાનાયકનું જન્મજાત મરજાદાપણું પેલા બંડખોર ઉપર લગામની ગરજ સારતું જણાય છે, તેથી જ તેઓ અસ્પૃશ્યતા વગેરે બાબતના પોતાના આગ્રહો પત્ની ઉપર બળજબરીથી નથી લાદતા. હરિજનવાસમાંથી પોતે ઘેર આવતાં, સ્નાન કરવા માટેના પત્નીના હુકમનો તેઓ અનાદર કરે છે. પણ બળજબરીથી ઘરમાં પ્રવેશવાને બદલે ઓટલા ઉપર જ સૂઈ રહે છે. પત્ની પણ એક સહધર્મચારિણી તરીકે ઓટલે સૂવા આવે છે. ‘પતિને બહાર ઓટલા પર સુવાડી કઈ હિંદુ સ્ત્રી ઘરમાં ખાટલા પર સૂઈ શકે?’ ...એક મરજાદી અને એક બંડખોરનું દ્વા સુપર્ણા સમું આ વિલક્ષણ સહઅસ્તિત્વ વાસ્તવમાં તો કર્તાના જ વ્યક્તિત્વમાં રહેલા બે ભિન્નભિન્ન માનવોના સહઅસ્તિત્વનું એક નમૂનેદાર પ્રતીક છે, અને એમને ઓળખવાની ચાવીરૂપ પણ છે. એપ્રિલ ૨૨, ૧૯૬૦

(‘ગ્રંથગરિમા’)