zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/ઇન્દ્રજીતવધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઇન્દ્રજિતવધઃ[1]

આપણા ગુર્જર ગ્રંથકારોમાં જે પ્રથમ પંક્તિના લેખક છે તેમનાં નામ ફક્ત આંગળીના વેઢાથી નહિ પણ આંગળીઓ માત્રથીજ ગણી શકાય તેટલાંએ પૂરાં નથી. આમ થવાનાં કારણો ઘણાં છે, તેમાં મુખ્ય તો ઉત્તેજનનો અભાવ એજ છે; એટલે જે વિદ્વાનોને લખવાનો એક શોખજ પડી ગયો છે, લખવાનું વ્યસન જ લાગ્યું છે તે ફક્ત ગાંઠનું ગોપીચંદન કરીને પણ એ કામ બજાવે છે. પણ એવા ખરા વિદ્યાવિલાસી જનોમાંથી ખરા લેખક નીકળી આવે છે. આવા લેખકોમાં રા. દોલતરામ પણ ઊંચ ૫દવી ધરાવે છે એમ તેમના કાવ્ય ઉપરથી સિદ્ધ થાય છે. ઇન્દ્રજિત રાવણનો પુત્ર હતો, ને તેનો રામની સાથે યુદ્ધ કરતાં વિનાશ થતાં તેની સ્ત્રી સુલોચના સતી થઇ હતી એ કથા આપણા લોકોને સુપ્રસિદ્ધજ છે. એને આધારે આ કાવ્ય રચાયલું છે. સાહિત્યદર્પણમાં વિશ્વનાથ કવિએ કાવ્યનું લક્ષણ આપ્યું છે, તે પ્રમાણે ઐતિહાસિક વસ્તુને લઇ તે ઉપરથી જુદાજુદા છન્દાદિમાં સર્ગબદ્ધ ગ્રંથ કરવો, ને તેમાં વન ઋતુ સમય, વિહાર યુદ્ધાદિવર્ણન આણવાં એ પ્રમાણે આ કાવ્ય ‘કાવ્ય’ એ નામને યોગ્ય જ છે; તથા ગૂજરાતીમાં એવાં કાવ્યનો પરિચય નથી તે કરાવવાને સારા નમુનારૂપ છે. સંસ્કૃતમાં રઘુ, કુમાર, શિશુપાલવધ, ભટ્ટી, કિરાત ઇત્યાદિ મહાકાવ્યો પ્રસિદ્ધ છે, તેવું આ પણ એક મહાકાવ્ય છે છતાં તે પ્રાચીન કાવ્યોને કેટલે અંશે મળતું આવે છે એ વિચારવાનું છે. ઉપદેશ આપવા માટે લખાણ માત્રની પ્રવૃત્તિ છે, પણ તેમાં એ કવિતા પ્રથમ પંક્તિ ધરાવે છે, કેમકે કાન્તાની પેઠે સરસતા પેદા કરી પ્રેમાનંદમય મૃદુતાદ્વારા, સરલ હૃદયમાં બોધ વિસ્તારે છે. ઇંદ્રજિતવધનો બોધદાયી અંતતો સુપ્રસિદ્ધજ છે, એટલે રા. દોલતરામે તેને પોતાની શક્તિથી કેવો દીપાવ્યો છે તેજ જોવાનું છે. ને તે વિષે આપણે સ્પષ્ટ કહીએ કે તેને દીપાવવામાં ને સતીસ્ત્રીનું સતીપણું શોભાવી આપી શૂર અને પ્રેમનો પવિત્ર મહિમા ચીતરવામાં તેઓ સારી ફતેહ પામ્યા છે. રામ લક્ષ્મણ હનુમાન, રાવણ ઇંદ્રજિત—સીતા, મંદોદરી, સુલોચના ઇત્યાદિ પાત્ર વર્ગની મહત્તા વિષે કાંઇ વિચારવાનું છેજ નહિ. પણ તે તે પાત્રની મહત્તા કાવ્ય રચનારે પણ યથાર્થ સાચવી પોતાના કાવ્યકલ્પનારૂપ તરંગને ઠીક દોર્યો છે એ તેની પ્રતિભાનો ઊદાર પ્રભાવ જોઇ આપણે તેને અભિનંદવાનો છે.

કાવ્યમાં રાત્રી, પ્રભાત, વન, વિલાસ, યુદ્ધ આદિ વર્ણનો આવેજ છે, ને તે વર્ણનોની મુખ્યતા એજ, કાવ્ય ને ઇતિહાસથી જુદુ પાડે છે, નહિ તો રામાયણ ભારતાદિને પણ કાવ્યમાં ગણાત. કાવ્યમાં ઐતિહાસિક વસ્તુ બહુ નાનું અને ન્યૂન વિસ્તારવાળું હોઇ અપ્રધાન ૨હે છે, ને તે વસ્તુને અવલંબી ચાલેલી કવિની પ્રતિભા બહુ પ્રધાન રહે છે; ઇતિહાસમાં એથી ઉલટું હોય છે. ત્યારે કાવ્યનું કાવ્યત્વ સંપાદન કરનાર ધર્મ કેવલ કવિગત પ્રતિભાજ છે, ઐતિહાસિક વસ્તુનું યાથાત્મ્ય એ નથી. તો સહજ પ્રશ્ન થાય છે કે ઇંદ્રજિતવધને જે કાવ્યત્વ આપણે આરોપીએ છે તે તેના રચનાર કવિની પ્રતિભાના પ્રભાવથી જ કે ઐતિહાસિક વસ્તુની મહત્તાથી? જો વસ્તુમાહાત્મ્યથી કાવ્યત્વ કહેવા જઈએ, જેમ ઘણા લોકો કરે છે, તો તે ભૂલ છે; કેવલ પ્રતિભાની મહત્તાથી કાવ્યજ કહીએ તો તે વાસ્તવિક છે. ત્યારે ઇંદ્રજિતવધમાં જે પ્રતિભાનું પ્રતિબિંબ છે તે કેવું છે એજ જાણવાની વાત છે. પ્રતિભા એટલે સ્વાભાવિક કાવ્ય રચવાની શક્તિ. વિશ્વનાં વસ્તુ પદાર્થાદિને તો સર્વે જુએ છે. વિચારે છે, પણ તેમાંથી કાંઇક નવીજ ચમત્કૃતિ કાઢી આનંદ અનુભવવો ને ઉપજાવવો તે પ્રતિભાનું કામ છે. એક મહાકાવ્ય રચવા માંડ્યું હોય અને તેમાં રાત્રી પ્રભાત આદિ વર્ણન કરવા માંડ્યાં હોય તેને રીત પ્રમાણે વર્ણવી જવાં અને જે વસ્તુને આલંબન ગણી કાવ્ય પ્રવર્ત્યું છે, તેની અને વર્ણનના રસની એકતા કરવામાં લક્ષ ન રાખવું એ સારી પ્રતિભાનો નમૂનો ન કહેવાય. ઉદાહરણ તરીકે લઇએ તો સર્ગ દશમામાં જે પ્રભાત વર્ણન છે તે ખરેખરૂં શુદ્ધ પ્રતિભાનુંજ કાવ્યત્વ છે એમાં શક નથી, છતાં આલંબનગત વીરરસ, તેને ગૌણત્વ પમાડી, કેવલ શાન્તરસ પ્રધાન થઇ ગયું છે, એ કવિની પ્રતિભામાં દ્વૈતભાવ થયેલો સૂચવે છે, તે તે પ્રતિભા બરાબર એકતાનતાને પામેલી નથી એમ આપણને જરા વાર જાણાવે છે, પણ પ્રતિભા જાતે નથી એમ નથીઃ પ્રતિભા તો છેજ છે ને તે રા. દલપતરામના ઋતુવર્ણનમાં જણાવેલી છે તે કરતાં પણ ઉંચા પ્રકારની છે, એ એજ સર્ગની રચનાથી પણ સહૃદયને સમજાશે. એજ પ્રમાણે ઉત્તમ પ્રતિભાનાં ઉદાહરણ જોવાં હોય તો પાંચમો સર્ગ-સૈન્યરચના, ચૌદમો સર્ગ-સુલોચના વર્ણન, તથા બીજા સર્ગો સીતા મંદોદરી સંવાદ, સુલોચનાવિરહ ઇત્યાદિમાં પુશ્કળ મળી આવે છે, ને રા. દોલતરામની શુદ્ધ કાવ્યશક્તિ આપણને જણાવે છે. સ્વાભાવિક પ્રતિભાને પણ સંસ્કારની તો જરૂરજ છે. હીરો હીરો છે તે વાત ખરી છે, પણ તેને ઓપી સાફ કરવાની જરૂર છે, તેમ ન થાય તો તેનું હીરાપણું નકામું જેવું થઇ રહે છે. પ્રતિભાના આનંદમાં નિમગ્ન થઈ આ કાવ્યમાં કવિએ જે કાવ્ય રચ્યાં છે તે રસ અલંકારાદિથી ભરપૂર છે, પણ તેમાં તેમના તરંગ એટલા બધા ઉપરાઉપરી દોડી રહ્યા છે, ને કાંઇ નવીન પ્રકારનું-અસાધારણ કાવ્યત્વ ચમકાવી દેવાની કવિની ઉત્કંઠાને લીધે એવા ગુંચવાઇ પડ્યા છે, કે ઘણાં પદ્યો કેવલ કલિષ્ટ થઇ ગયાં છે. ને અર્થને બોધ સ્ફુટ રીતે કરતાં નથી એટલું જ નહિ, પણ કોઇ કોઇવાર તો બહુ મનન કર્યું છતાંએ સ્પષ્ટ થતાં નથી. કાવ્યમાંના જામેલા રસને પડતો મૂકીને શબ્દો કે અલંકારોની કલિષ્ટતાને બંધ બેસાડવા માટે થોભી રહી દુઃખ વેઠવું પડે એ રસજ્ઞ વાંચનારને તો કડવું ઝેર જેવું લાગે, અને કવિ પણ જો ખરો રસજ્ઞજ હોય તો એવી ભુલમાં કદાપિ ન ઉતરે. એટલાજ માટે કાવ્યોમાં પ્રસાદગુણને આવશ્યક ગણ્યો છે; ને શાન્ત કે શૃંગાર કે કરુણા પ્રધાન કાવ્યમાં તો તે જીવનરૂપ છે. એમ પણ વાસ્તવિક રીતે માનેલું છે. સાહિત્યકારોનાં વચન પ્રમાણે બોલીએ તો “કાવ્યાર્થ તો દક્ષિણની સ્ત્રીયોનાં સ્તનની પેઠે છેક ખુલ્લો થઈ જતો હોય તે પણ કામનો નહિ તેમ ગૂજરાતની સ્ત્રીઓનાં સ્તનની પેઠે છેક ગૂઢ હોય તે પણ કામનો નહિ; પણ મારવાડની સ્ત્રીઓનાં સ્તનની પેઠે કાંઇક ગુઢ ને કાંઇક નહિ ગુઢ એવો હોય તેજ ખરો” રા. દોલતરામની ઘણી રચના બહુજ ક્લિષ્ટ છે, ને તે ઠેકાણે ઠેકાણે જણાઇ આવે છે, કેવલ નજ સમજાય એવી ક્લિષ્ટતા લેવા કરતાં કાંઇક સમજાય તેવી ક્લિષ્ટતાનો એકજ નમુનો બતાવીએ.

દિવ્ય પરીમુખ ગૌર ધરી જ્યમ અંબર શ્યામવિષે વિલસે છે,
રાત સમે નભમિષ્ટ સરોવરમાં ત્યમ પંકજ નૃત્ય કરે છે;
તોપણ પાંખડી સર્વ સહિત મિંચાય ઉદિત થયો જવ ભાનુ,
આજજ આ ગઢલંક વિષે ક્યમ આમ અહો વિપરીત જણાણું!

આ પદ્ય ચંદ્રવર્ણનનું છે ને કવિની ઉક્તિ છે. એમાં સારી પ્રતિભા પ્રેરિત રસ છે એમ કોણ નહિ માને? ચંદ્રને ગૌરમુખી પરિ કલ્પી શ્યામ અંબરમાં—આકાશ તથા વસ્ત્રમાં—વિચરનારી કહી, વળી તેનેજ નભ સરોવરનું પંકજ કહ્યું, ને તે યથાર્થ નૃત્ય કરતુંજ કહ્યું ને તેથી સરોવર પણ જરૂર મિષ્ટજ, નહિ તો પંકજ નાચે શામાટે ? આમ શબ્દે શબ્દે રસ પૂરીને આ પદ્યને કવિએ શુભ પ્રતિભાના પ્રતિબિંબરૂપે ઝળકાવ્યું છે એમાં સંદેહ નથી; પણ એજ પ્રતિભા કેવી આંબળી નાંખી છે, તેને કેવી મચડી નાંખી છે ને ક્લેશ પેદા કરી રસ ભંગ કર્યો છે એ સંસ્કાર દોષ પણ નજરે પડી ખેદ પમાડ્યાવિના રહેતો નથી. મુખ્ય ક્લેશ તો એજ થાય છે કે ચંદ્રનું ઉદય થઈ પ્રાતઃકાલે અસ્ત થવું તેને પંકજના નાચવા તથા મીંચાવા-રૂપે વર્ણવ્યું છે, ને તે રાતમાં તથા સૂર્યોદયથી થયું એમ વૈપરીત્ય બતાવી વિભાવના કે વિશેષોક્તિ કરી છે. વળી ચંદ્રને પંકજની ઉપમા આપી છે પણ ચંદ્ર જે ઉપમેય તેનું ઉપમાનમાંજ અધ્યવસાન પણ અતિશયોક્તિ માટે રાખેલું છે. આવા અલંકાર સાધવા તરફ કવિનું લક્ષ ગયું છે. પણ એમ કરવામાંથીજ ક્લેશ પેદા થયો છે. વસ્તુગત્યા જ્યાં સંબંધ બંધ બેશી શકે ત્યાં આવી કાર્ય કારણ ભંગરૂપ કલ્પના એક ચમત્કારને માટે યોજી શકાય. સૂર્યથી કરી પંકજનું મીચાવું, કે રાતમાં તેનું નાચવું એ બન્ને વસ્તુગતિજ નથી, છતાં કવિઓ સ્વતંત્ર છે, તેમ પણ કલ્પી શકે, પણ તે ક્યારે? જ્યારે આલંબનગત રસના નિર્વાહથી એ ઊંધી કલ્પના ગતાર્થ હોય ત્યારેજ. લંકામાં શું સૂર્ય ઉદય થતાં ચંદ્ર અસ્ત પામતો ન હતો? કે તે વાતને “આજજ” એમ કેમ થયું એમ કવિ બતાવે છે? આજજ એ શબ્દોથી એમ સૂચના થઇ જાય કે આલંબનગત કોઇ એવો રસાંશ હશે કે જેથી આમ વૈપરિત્ય સમજાય, અને જે પંકજ–ચંદ્ર—છે તે અથવા ભાનુ કે ઉભય કોઈનું રૂપક માત્રજ હશે, લાક્ષણિક જેવાં હશે. પણ આમાંનું કશું એ છે નહિ. છતાં વિનાકારણ આવી વિપરીત કલ્પના એક અલંકારના લોભથી કરીને કવિએ પરમ ક્લેશ ઉત્પન્ન કર્યો છે. ક્લેશ નહિ પણ વિરોધજ થયો પણ ગણાય એ વિરોધ ટાળવા આપણે ધારીએ કે ભાનુ તે રામચંદ્ર હોય ને પંકજરૂપ ચંદ્ર તે ઇન્દ્રજિત હોય તો જેમ તેમ બંધ બેસે, બરાબર તો નહિજ–પણ તે એ વાંચનારે લાવવું ક્યાંથી!! આમ બીજી રીતે સારી પ્રતિભા પૂર્ણ આ પદ્યને પ્રસાદવિનાનું એટલે તદ્દન ક્લિષ્ટ કરી બગાડી નાંખ્યું છે. વળી પ્રથમ ને દ્વિતીય પંક્તિમાં જ્યમ ને ત્યમ એ શબ્દો વાપરી પંકજના નૃત્યને ને પરિના વિલસવાને ઉપમેયોપમાન ઠરાવી બે જુદાં જુદાં છે એમ સૂચવવા જેવું કર્યું છે. તે પણ કેવું ક્લિષ્ટ છે! કવિનું તાત્પર્ય અમે તો એમજ સમજીએ છીએ કે તેને આવા ઉપમેયોપમાન ભાવરૂપ ભેદની મતલબ નથી, પણ તેણે ચંદ્રનેજ અંબરવાળી પરિ ધારી છે, ને પંકજ પણ ધાર્યું છે, એમ ઉભયે ચંદ્રનાં ઉપમાન હોઇ અભેદ રૂપકરૂપ છે. આમજ વાસ્તવિક પ્રતિભાંશ દીપે છે, પણ તેમાં જ્યમ ને ત્યમથી કરીને કેવી ગડબડ થઇ બેઠી છે! એમ પરી ગૌરમુખ ધરીને વિલસે છે, જાણે કે સ્વાભાવિકજ ગૌરમુખી ન હતી પણ આજજ ધરી આવી છે એવી ગડબડ પરિ ધરિના શબ્દાલંકારમાં લોભાવાથી પણ થઇ પડી છે ને ક્લેશ પેદા કરે છે!! આવાં અનેક પદ્ય પાને પાને મળી આવે છે, તેથીજ અમે આ એકને આટલું ચુંથી બતાવ્યું છે,

જેમ ક્લિષ્ટતા એક મહા દોષ છે, તેમ શબ્દોની રચનામાં પણ ગ્રામ્યતા આદિ આવે એ બીજો તેથી ઉતરતિ પંક્તિનો દોષ છે. એમજ શબ્દ પ્રયોગમાં ધ્યાન ન આપવાથી પણ રસ હાનિ થઈ બેસે છે. એ બધાંના લગભગ પચાસ પોણોસા ઉદાહરણો અમારી દૃષ્ટિએ પડ્યાથી તે એમને એમ જવા દેવાં વાજબી લાગ્યાં નહિ. થોડાં જોઈએઃ—

આંખો થકી જે નીસરે છબાણ, શકે હરીલે મન ઇંદ્રી પ્રાણ. પા. ૧૩.
લપટાઇશ હું તુજ સાથળમાં પ્રતિકાર કરી અરિને પળમાં. પા. ૯.
એક ધારી જમૈયો છરો અન્ય લૈ ઉછળે સામ સામી અદાથી. પા. ૫૩.
ક્ષણે ક્ષણે પ્રશ્ન પુછે મનોહરા, કરે અવિચ્છિન્ન અખંડ શર્ભરા. પા. ૯૩.
નૃપ અમાત્ય પુરોહિત દેખતાં વહુ કરી વરમાળ પહેરતાં. પા. ૧૧૮.
રાવણ વંશ કજ્જલ જાત, ભારે પાપ પુંજ અખાત. પા. ૧૫૪.

આમાં પ્રથમ બે ઉદાહરણોમાં ઇંદ્રિ અને સાથળ એ શબ્દોને બદલે ઇંદ્રિય અને ઉર અથવા એવાજ શબ્દ યોગ્ય રીતે વાપર્યા હોત તો જે અશ્લીલત્વરૂપ ગ્રામ્યતા થઇ છે તે થાત નહિ. વિસ્તાર કરી સમજાવવું એ મર્યાદા રહિત છે, માટે સહૃદય વિચારી લેશે. વળી પછીનાં બે ઉદાહરણમાં અદા અને સર્ભરા એ ગ્રામ્ય શબ્દો વાપરી રસની કેવલ હાનિ કરી છે. વીર રસ પૂર્ણ યોદ્ધો જમૈયો અને છરો લઇ અદાથી ઉછળે છે એકેવી બાયલી વાત સૂચવી, રસહાની કરી સુહૃદયના મનને ખેદ પમાડે છે! કંથની કૂખમાં ભરાઈ જઇ પ્રેમમાં તેને ડુબાવી નાંખતી, એકરસ કરી નાંખતી, પ્રમદા ક્ષણે ક્ષણે લાડઘેલમાં અનેક નજીવા જેવા પણ પ્રેમની પરાકાષ્ઠારૂપ પ્રશ્નો પુછે છે—પણ અરે! તે બધું શર્ભરાજ! ને તે પણ અવિચ્છિન્ન! અવિછિન્ન એટલાથી કવિને ન ઠીક પડ્યું તેવળી નકામો પણ ફરીથી તેના તેજ અર્થનો અખંડ શબ્દ પણ ઉમેરી તે શર્ભરાને પાકે પાકી શર્ભરાજ ઠરાવી!! રસમય પ્રેમ-એકભાવ-તેજ અખંડ શર્ભરા-ઉપર ઉપરની શરભરા માત્ર, પતિને સંતોષવાનો વિવેક માત્ર, ઢોંગજ!! રસભંગ નહિ તો બીજું શું? પ્રતિભાજ કુસંસ્કારવાળી એમાં શક નહિ. એજ રીતે બીજાં બે ઉદાહરણમાં ગ્રામ્યતાતો નથી પણ ગમેતેમ શિથિલતાથી વાપરેલા વહુ અને અખાતએ શબ્દોથી રસહાનિ થઇ છે, સ્વયંવરમાં શિવધનુ ભાંગી પરાક્રમે કરીને સીતાને પત્ની કરી તેનું વર્ણન છે, ને સીતા, એ પ્રમાણે રામે પોતાની પ્રિયારૂપે સ્વીકારાયલી છતાં આજે તજાઇને વિરહે બળતી છે એ વાતને સંભારી રોતાં રોતાં આ શબ્દો બોલે છે. વરમાળ પહેરી અર્થાત્‌, રામ તો સીતાના વ૨-પસંદ કરેલા હૃયંગમ પ્રાણનાથ, પ્રાણરૂપ-થયા, પણ રામે તો સીતાને વહુ-ઘર ધંધો ચલાવનાર, ઘરભાર વહેનાર વહુ-કરી!! જ્યારે વહુજ કરી છે, ત્યારે રામ શું કરવા તેને સંભારે પણ? ને રામ તેના પર પણ શાના? વહુને વર ન હોય પણ નાથ હોય કે પતિ હોય; વરને તો પ્રિયા, અર્ધાંગના, ઇત્યાદિ હોય!! એવીજ ગરબડ વહુને નાથ એ શબ્દો સાથે વાપરી ૧૬ મા સર્ગના ૧૧ મા શ્લોક માં પણ કરેલી છે. અખાત શબ્દ સમુદ્ર કે મહાસાગરતા નાના અંશનો વાચક છે, તે નાનાપણું તથા બહુ તોફાન ન કરવાપણું ઇત્યાદિ સૂચવે છે–ત્યારે રાવણના કુલને ખરા મહાન કલંકરૂપ ઇંદ્રજીતને ફક્ત પાપના નાના અખાત રૂપજ કહેવો એમાં શો રસ જામવાનો હતો!! હાનિ તો સ્પષ્ટજ છે. આવાં કેટલાંક ઉદાહરણ આપણે જોવા બેસીયે? ચાસન ચાંલ્લો, વેણાચુંટા, મસ, ધીમેલ, થા, ઇત્યાદિ ગ્રામ્ય શબ્દોથી; તેમ ઐતિહ્ય, વિષજલ ઇત્યાદિ ખોટે અર્થે વાપરવારૂપ ગ્રામ્યતાથી,[2] ઠામ ઠામ પ્રતિભામાં થોડી ઘણી પણ મલિનતા દાખલ થઈ ગઇ છે.

આવા પ્રકારના સંસ્કારદોષ તો અનેક છે. મારે શું પ્રતિભા નથી? જેમ કલંક સહિત પણ નિષ્કલંક ચંદ્રપ્રભા દીપે છે, તેમ રા. દોલતરામની પ્રતિભારૂપ કૌમુદીપણ અસંસ્કારરૂપ કલંક સહિત છતાં નિષ્કલંક શોભે છે. રાત્રીથીજ દિવસ શોભે છે, અંધારામાંજ અગ્નિ વધારે દીપે છે, તેમ કાવ્યત્વપણ કાંઇ અસંસ્કારમાં છુપાયેલું વધારે દીપી ઉઠે છે–તે સ્વાભાવિક રીતે કવિતામાં સિદ્ધ છે એમ થાય છે. સંસ્કારદોષ છે તે ઉચ્ચાભિલાષી થવાથી ટળે એમ છે; છેક પ્રાકૃત લોકની ખુશી સંપાદન કરવા તરફ વળવાથી, એટલે કે સહેલા શબ્દો વાપરવા જવાના લોભથી, એકાદ તડપડ પરધરી જેવા પ્રાસના લોભથી, થઇ આવે છે. પણ ઉચ્ચાભિલાષી ખરા પ્રતિભા પૂજક કવિઓ અપ્રાકૃત અલૌકિક સુંદરતા—રસ—ના પૂજક પૂજક છે, ને તેમણે તો કદાપિ અલૌકિક પ્રાકૃત ધર્મ લેવોજ જોઇએ નહિ. આમ શુદ્ધ પણ કાંઇક સંસ્કાર હીન પણ પ્રતિભા તો સર્વથા આ ઇંદ્રજિત કાવ્યમાં ઝળકીજ રહેલી છે, તે તેથીજ તેને કાવ્યત્વ તથા તેના રચનારને કવિત્વ બન્ને સાથેજ પ્રાપ્ત થાય છે, ને યોગ્ય છે.

એ સિવાય, સેવ્યસેવકધર્મ (શાસ્ત્રી શંકરલાલનું) હજરત મહદનું જીવન ચરિત, મા અને છોકરાં, સીતાવનવાસ (શ્રી નારાયણ હેમચંદ્રનનાં); સદ્‌ગુણી વહુ (રા. વનમાલી લાધા મોદીનું ભાષાન્તર[3]); રાજ્યપદ્ધતિ અંગરેજી તથા ગુજરાતી (રા. મલ્હાર ભીખાજી બેલસરેની) એટલા ગ્રંથો પણ અમને અભિપ્રાયમાટે મળેલા છે તે સર્વે બહુ સારા છે, ને વાંચવાયોગ્ય છે. શ્રી નારાયણના ત્રણે ગ્રંથનો વિષય બહુ ઉત્તમ છે, તેમ રા. બેલસરેનો ગ્રંથપણ હાલની રાજ્યવ્યવસ્થા સમજવાની આવશ્યક જરૂર પૂરી પાડનારો તથા ઉપયોગી છે.

માર્ચ—૧૮૮૯.


  1. રચનાર રા. રા. દોલતરામ કૃપારામ પંડ્યા, નડીઆદ મૂલ્ય રૂ. ૧–૦–૦
  2. ઐતિહ્ય એવું ઇતિહાસદ્વારા વાત સિદ્ધ કરનાર પ્રમાણનું નામ છે, તેને ઇતિહાસ એ અર્થે વાપર્યું છે; વિષજલ એ તોઃ બહુ નવાઇ જેવો શબ્દ છે, તે જો કવિએ નોટ ન આપી હોત તો સમજાત પણ નહિ. વિષજલ એટલે ઝેર કાજળી!! ક્યાંથી એ શબ્દ આવ્યો? ઝેર એટલે વિષ ને કા એ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય અને જલીતે જલ એમ કાંઇક સંગતિ મેળવીને વિષજલ એવો શબ્દ કવિએ કલ્પ્યો હશે! ચતુરાઇ ખુબ કરી!! શબ્દ વિભાગ ઝેર+કા+જલી એમ નથી લાગતો પણ ઝેર+કાજલી એમ લાગે છે તે ભાષા વિવેક સમજનારે વિચારી લેવું.
  3. એજ ગ્રંથનું બીજું ભાષાન્તર પણ થયેલું છે, જે વિષે અમે એકવાર અભિપ્રાય આપી ચુક્યા છીએ. વિષય ઉત્તમજ છે એતો નિર્વિવાદ છે, પણ ભાષાન્તરમાં ભાષા પરત્વેજ સરખાવટ કરી જોતાં પૂર્વનું જે ભાષાન્તર છે તે અમને વધારે ઠીક લાગે છે.