સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/કુસુમમાળા
આ લઘુ કાવ્યગ્રંથ અવલોકન કરતાં અમને ઘણો હર્ષ થાય છે; અને આપણા ગુર્જર મંડલના ગ્રેજ્યુએટ’ના હાથથી રચાયલો હોવાથી વિશેષ શુભ આશાની પ્રેરણાથી સંતોષ ઉપજે છે. છુટાં છુટાં કાવ્ય કુસુમની માલા રચવામાં જે કારીગરી વપરાઈ છે, તે હાલમાં સર્વને મોહ પમાડનાર પાશ્ચાત્ય રીતિની છે. છતાં સસાર છે. એ વિશેષ, ચમત્કૃતિ! પાશ્ચાત્ય દેશમાં કુસુમનાં જાતિ ને રંગ અત્રે પણ ન જોવામાં આવે એવાં આકર્ષકને ભભકાદાર નીપજે છે, પણ તેમાં સુગંધ ક્વચિતજ હોય છે, એમ પાશ્ચાત્ય કાવ્યકુસુમો પણ પ્રાયશઃ રસરૂપસુગંધવર્જિત છતાં કોઇ નવીન રંગરૂપથીજ આકર્ષક હોય છે. આર્યસાહિત્યમાં કાવ્યનો આત્મા રસ ગણ્યો છે, તેમ પાશ્ચાત્ય સાહિત્યમાં નથી એમ નહિ, પણ પાશ્ચાત્ય સાહિત્યમાં કેવલ રસ એજ કાવ્યનું પ્રાણપ્રદ લક્ષણ એમ નિર્બંધ નથી. વિશ્વચમકૃતિનાં વર્ણન આર્યસાહિત્યમાં ઠામ ઠામ છે. પણ તેમને કાવ્યત્વમાં ખપાવનાર કોઇ રસાશ્રય કાવ્યના અંગમાં તે ૫ડ્યાં હોય છે, તે છે. પાશ્ચાત્ય સાહિત્યમાં તેવાં કાવ્યને સ્વતંત્રજ કાવ્યત્વ આરોપાયલું છે. ચમત્કૃતિરૂપ રમણીયતા કીયામાં વિશેષ આવે એ કેવળ સહૃદયહૃદવેદ્ય વાત છે. વર્ણનાત્મક કાવ્ય સ્વતંત્ર કાવ્યરૂપ ગણાય ત્યારે તેમાં ચમત્કૃતિ આધાયક, કવિની તન્મયતા એજ વિશેષે હોય છે. આમ થવામાં મુખ્ય સાધન અનુભવ અને સ્વાભાવિક પ્રતિભા એ ઉભય ઠરે છે. આવાં કાવ્યમાં વ્યઙ્ગયરૂપ ધ્વની બનતોજ નથી એમ અમારૂં કહેવું નથી પણ જે અંશે તે આર્યસાહિત્યના નિયમથી જુદો પડે છે, તે અંશ વિશેષ સ્ફુટ કરતાં કહ્યો તે ભેદ જણાય છે. આવી જાતિનાં વર્ણનાત્મક કાવ્યો પાશ્ચાત્ય દેશમાં બહુ જુદી જુદી યુક્તિથી લખાય છે, ને આપણા કહેવાતા કવિયોના ‘વાડામાંથી પાડું એક’ જેવાજ વિષયપર છતાં, પણ કોઇ ખરા કવિત્વનાં ઉપપાદક હોય છે.
જુદા જુદા પ્રકારનાં કાવ્યસ્વરૂપ ઘડાતાં છેક ચાલુ સદીના આરંભથી ઇગલંડમાં એવા કવિ ઘણા થયા કે જે કેવલ વર્ણનાત્મક કાવ્યજ લખવા લાગ્યા. તેમાં પણ તેમણે વિશ્વરચના સાથેની પોતાની તન્મયતા એવી જણાવી, અને તૃણથી માંડીને મહોટા રાજા સુધી પણ ઇશ્વરકૃતિ ઉપર એવો ગાઢ અને ઉદાર સમાન પ્રેમભાવ દર્શાવ્યો કે તેમનાં કાવ્ય પ્રથમ વર્ગનાં ગણાવા લાગ્યાં. આટલુંજ નહિ પણ તેજ કાવ્ય જનહૃદયની વાસનાઓને બહુ ઉચ્ચ ભાવે પમાડનાર સાધન થયાં, રાજ્ય ખટપટનાં તોફાનને શામક નીવડ્યાં. અને જન જનની સમાનતાનાં પ્રતિપાદક હોઇ પ્રેમભાવ વધારનાર ઠર્યા. આવી ઉત્તમ કાવ્યપદ્ધતિનું કાંઇક દર્શન કરાવવાનો આ કુસુમ માલા પ્રયત્ન છે.
અંગરેજીમાં ‘ગોલ્ડન ટ્રેઝરી’ નામનો કાવ્યસંગ્રહનો નાનો ગ્રંથ છે, તે નમુના ઉપર કાવ્યમાલાની રચના છે. આમાંનાં સર્વ કાવ્ય ઘણાં સારાં થયાં છે એમ કહેતાં કાંઇ બાધ નથી; અને પાશ્ચાત્ય કાવ્યપદ્ધતિનું આપણને દર્શન કરાવવાનો આ પ્રયત્ન સફળ છે, એમ પણ સર્વથા જણાયાવિના રહેતું નથી. કાવ્યના જુદા જુદા અંશ લઇ તે ઉપર વિવેચન કરી ખુબ બતાવવા જતાં ઘણું લંબાણ થવાનો પ્રસંગ જાણી તેમ કર્યું નથી, પણ કલ્પનાના સંબંધમાં એકંદર અમે સર્વને તેનું અવલોકન કરવાની ભલામણ કરીનેજ અટકીએ છીએ. જે નિયમોનું અમે કાંઈક વિવેચન કરી ગયા તે લક્ષમાં રાખી, આ કાવ્ય કલાપનું અવલોકન કરતાં તેમાંનું રહસ્ય સહજ હૃદયગોચર થઇ જશે અને કાવ્યની જે ઉત્તમ ખુબી છે તે સમજાસે.
રા. નૃસિંહરાવે ભાષા ઘણી મધુરી તથા કાવ્યને ઉચિત માધુર્યવાળી વાપરી છે, પણ તેમાં કેટલીક નવાઇઓ દાખલ કરી દીધી છે. એ પણ એક તેમની કલ્પનાના ચમત્કારનોજ અંશ હોય તેમ જણાય છે. ભાષાના સંબંધમાં વ્યાવહારિક કે લૌકિક અને સંસ્કૃત અથવા સર્વમાન્ય એવા ભેદ નિરંતર રહેજ છે. ગ્રંથાદિ સર્વે સર્વમાન્ય સંસ્કારી ભાષાથીજ લખાય છે, છતાં બોલાતું હોય તેવું લખવાનો નિયમ પકડી કેવલ એક ગામ કે કદાપિ એક નાતનીજ રૂઢિ પ્રમાણે શબ્દોની જોડણી કરવી એ અમને તો સપ્રમાણ લાગતું નથી. કાલ્ય, હેવો, ધૂલ્ય, વિશે, માં (નહિના અર્થમાં), સુણ્ય, ત્ય્હારે ઇત્યાદિ શબ્દો માટે દેશ્ય વ્યવહાર સિવાય બીજું સબલ પ્રમાણ અમનેતો જણાતું નથીઃ અને એવા વ્યવહારને અનુસરતો પ્રયોગ કાવ્યાદિમાં ભાગ્યેજ અદુષ્ટ હોય. એમજ હમે, હેને ઇત્યાદિરૂપ પ્રાકૃતદ્વારા તેવાં સિદ્ધ કરી શકાય તેમ છે, છતાં અપ્રયુક્ત હોવાથી અમને અદુષ્ટ લાગતાં નથી. આવા નવીન, પ્રભેદથી ભાષાને કોઇ જાતનો લાભ સમજાતો નથી, ને જ્યાં ભાષાને નવા વિચાર દર્શાવનાર શબ્દોના વધારાથી વધારે સંસ્કારે પહોચાડવારૂપ, કે સરલ કરવારૂપ, કે કોઇ પ્રબંધને અનુકૂલ કરવારૂપ લાભ નથી, ત્યાં અમે નવીન શબ્દ કલ્પના નકામીજ ગણીએ છીએ.
આ બે સિવાય આર્ય તરૂણોની હાનિનાં કારણ, અને જ્ઞાનપ્રસારક મંડળીના ૧૮૮૬-૮૭ની મોસમનાં ભાષણ જેમાંનાં કેટલાંકની નોંધ અમે આગળ લીધી હતી તે મળ્યાં છે, તે ઉપકાર સહિત સ્વીકારીએ છીએ. વીકટોરીઆનું જીવનચરિત્ર, ઇન્દ્રજિતવધ સિદ્ધાંતસિન્ધુ, ભામિની ભૂષણ એ પણ મળ્યાં છે તે ઉપર અવકાશ મળતાં વિવેચન કરીશું.
જાનેઆરી—૧૮૮૮
- ↑ રચનાર રા. રા. નરસિંહરાવ ભોળાનાથ બી. એ. સી. એસ. કીમત ૦–૮–૦