< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/વર્તમાન નાટકો
એક વિદ્વાન્ અંગરેજ લેખક કહે છે કે “નાટકો જોવાથી કોઇ પ્રકારે પણ લાભ નથી; વર્તમાન સમયે જે નાટકો ભજવાય છે તે જોતાં આ મત સર્વથા યોગ્ય અને ઇષ્ટ લાગે છે. આજથી વીશેક વર્ષ ઉપર મુંબઇમાં ગૂજરાતી નાટકો ભજવવાના પ્રચારનો આરંભ થયો. આરંભમાં સાક્ષરશ્રી રણછોડભાઇનાં નાટકો ભજવાતાં હતાં. ભજવનારા ચતુર અને હોંસવાળા હતા, અને એ નાટકોમાંના લલિતા દુઃખદર્શકથી પ્રેક્ષક વર્ગમાંના અનેક જનોને બહુ પ્રકારે લાભ થયો હતો. ત્યાર પછી એકંદરે નાટકોની પડતી દશા થઇ છે, અને મુંબઇમાં જ આજે પાંચ સાત નાટકકંપનીઓ છે, તેમ ગૂજરાતમાં બીજી ચાર પાંચ ફરતી રહે છે. ઉદ્યોગ તરીકે દ્રવ્યોપાર્જન કરવા અર્થે આ ધંધો, ધંધામાત્રની પેઠે ચાલે છે, અને લોકરુચિને અનુસરીને, જે રીતે પૈસા મળી શકે તે રીત નાટકોમાં દાખલ કરીને, કંપનીના માલીકો કામ લેતા જાય છે. જો આપણા દેશની અંદરની સ્થિતિ, નીતિથી કોઇ વાકેફ ન હોય અને નાટક માત્ર જોઇને આપણા દેશ વિષે અભિપ્રાય બાંધે તો તેને એમજ લાગે કે આ દેશમાં વ્યભિચાર, હલકાઇ, ક્રૂરતા, દુષ્ટતા, નીચબુદ્ધિ, એનો પારજ નહિ હોય.
શા માટે નાટકોમાં એમ થાય છે? થોડાંક સ્ત્રી પુરુષ, તેમનો સદસદ્ આચાર, બે ચાર મશ્કરા, અને પડદાસીનરીનો ભભકો, એટલાં વાનાં હોય તો નાટક થઇ રહે છે. આખો ખેલ જોઇ રહેતા સુધી મનને આર્દ્રભાવ થાય, દિલ પલળીને એકરસ થાય, કે એકાએક આંખોમાં સળવળ થઇ એક બે ટીપાં પાણીનાં નીકળે, એવો એકે પ્રસંગ જોવામાં આવતો નથી. જ્યારે નટ રડે છે ત્યારે પ્રેક્ષકો હસે છે, પોતાના ભાવ સાથે પ્રેક્ષકોને એકભાવ કરી શકે એવા અભિનયવાળા નટ પણ જણાતા નથી. જે બહુમાં બહુ અરુચિકર ગીત કે પ્રસંગ હોય તેનેજ પ્રેક્ષકો “વન્સમોર” કહીને પાંચ પાંચ વખત ફરી ફરી કરાવે છે; નાટકો ભજવનારા પણ આ “વન્સમોર” માં પોતાની એટલી બધી કૃતાર્થતા સમજે છે કે કોઈ કોઇ લોકો તો “વન્સમોર” કહેનારા ભાડે પણ લાવે છે. એક નાટકમાં એક કારીગરના ઘરમાં કોઈ પુરુષ છીનાળું કરવા પેઠો હતો તે ધણી સંતાઈ રહી જોતો હતો, જોતે જોતે તેણે સ્ત્રી તથા તેના યારને પકડી સેપટાંનો માર માર્યો—આ પ્રસંગ પણ “વન્સમોર”ને પાત્ર થયો, ને ચાર વખત ફરી ફરી કરી બતાવવામાં આવ્યો. નાટકની રચના, વસ્તુ સંકલના, કે આખા વસ્તુમાંથી ધ્વનિરૂપે ફલિત થતો બોધ, તેના ઉપર તો એટલું દુર્લક્ષ દીઠામાં આવે છે કે જાણે એ વાતથી જોનાર, રચનાર, ભજવનાર સર્વે કેવલ અજાણજ હોય. એક નાટકમાં નાયક નાયિકા એક એકને ઓળખે છે, પણ પરણ્યાં નથી; તેવામાં નાયિકાનું હરણ થાય છે; એ નાયિકાના સ્મરણમાં નાયક મૃતપ્રાય બને છે; કોઈક પ્રસંગે તેજ નાયિકા કોઈ સંકડામણમાં ફસાઇ છે ત્યાં તેજ નાયક તેને ઉગારે છે;—છતાં કવિ પરસ્પરને ઓળખાણ થવા દેતો નથી, તેજ ઠેકાણે નાટક પુરૂં કરતો નથી. પણ નાયકના મનમાં આવી ખુબસુરત અજાણી સ્ત્રી ઉપર નવો પ્રેમ રોપી તેની પાસે વ્યભિચારનું પાપ કરાવે છે; એ વ્યભિચારમાં તેની પરણત રાણી તેને પકડે છે ત્યાર પછી ખુલાસો થઇ નાયક નાયિકા પરણે છે ને નાટક સમાપ્ત થાય છે. પ્રેક્ષકવર્ગની રુચિને સંતોષવા માટે નાટક જ્યાં વાસ્તવિક રીતે પૂર્ણ થાય છે ત્યાં પૂર્ણ ન કરતાં, નાયકને વ્યભિચારી બનાવી રસને બદલે રસાભાસ ઉપજાવી નાટકને વ્યર્થ કર્યું છે. બીજાં એક બે નાટકમાં એમ જોવામાં આવ્યું કે બે જુદે જુદાં નાટકજ એકમાં ભેળવીને આખું નાટક ઠરાવ્યું છે. એક નાટકનાં પાત્ર કોળી, વાધરી, તાઇ, તંબોળી, જમાદાર, કોળણ, વાધરણ, ઇત્યાદિ, તેમના કર્તવ્યનું વસ્તુ એ કે નાયક નાયિકા (જો એવાં પાત્રને એ નામ આપી શકાય તો) વઢે, કજીઆ કરે, વ્યભિચાર કરે, તેની મારામાર કરે, બાયડી નાશી જાય, ઇત્યાદિ ફારસ થતો આવે. બીજા નાટકમાં જુઓ તો પાત્ર સારાં દેવ અને દેવીઓ, રાજા અને રાણીઓ, મંત્રી પ્રકૃતિ આદ ઉચ્ચ વર્ગ; અને તેમનું કર્તવ્ય પણ તેમની સ્થિતિ રીતિ પ્રકૃતિને અનુકૂલ શુભાશુભ મિશ્રણવાળું તથા બોધકારક ઉપદેશવાળું, પણ નાટકની રચના એવી કે એક પ્રવેશ આ સારાં પાત્રવાળાં નાટકનો થાય, એટલે એક પ્રવેશ પેલા ફારસવાળાં પાત્રના નાટકનો થાય, ને એમ ઠેઠ ત્રણે અંક સુધી ચાલે. આ બે નાટકને સંબંધ કેટલો કે પેલા ફારસવાળા નાટકનો નાયક વખતે મુખ્ય નાટકના નાયકનો ખાસદાર હોય કે કપડાં ધોનાર હોય કે તેની બાયડી મુખ્ય નાયકની કચેરીનો કોઇ સીપાઈ લેઇ ગયો હોય. મુખ્ય નાટકમાં ઉપદેશ જુઓ તો સતીપણાનો, શુદ્ધ પ્રેમનો, સ્વાર્પણનો—પેલા બીજા નાટકનો ઉપદેશ જુઓ તો તેથી ઉલટો, આવા મિશ્રણને મુખ્ય નાટકના નાયકનું નામ આપવા કરતાં પેલા ફારસના નાયકનું નામ આપ્યું હોય તોપણ કશો બાધ આવે નહિ. એક ત્રીજે ઠેકાણે એમ જોયું કે નાટકની વાત ગોઠવવામાં કશો સંબંધજ નહિ; એક સીન થઇ રહે ત્યારે બીજો સીન આવે ને પાછળ ગોઠવણ કરવા માટે સમય જોઇએ તેટલોજ પ્રત્યેક સીનનો ઉપયોગ ગણાય. સમગ્ર નાટકના અંગરૂપે પ્રત્યેક સીન સંકળાયેલો હોયજ નહિ. આ જે દૃષ્ટાન્તો અમે કહ્યાં તે સારી સારી કંપનીઓનાં સારાં કહેવાતાં નાટકોનાં દૃષ્ટાન્ત છે. વસ્તુતસંકલનામાં આવા દોષ ઉપરાંત, ભાષણમાં, વિચારમાં, વર્તનમાં અનેકમાં જે નાના નાના દોષ હોય છે તે તો રંગમંડપમાં બેશી એકાદ સારામાં સારા કહેવાતા નાટકને સબુરીથી જોનારના મનમાં તુરત આવી શકે તેવા હોય છે. પ્રેક્ષકો વર્ગને એટલો બધા અક્કલશૂન્ય ધારવામાં આવે છે કે પાત્રોના વર્તનમાત્રથીજ ઉપદેશનો ધ્વનિ સમજી લેવાને બદલે પ્રત્યેક ઠેકાણે તે ઉપદેશ પાછો સ્પષ્ટ શબ્દોથી કહેવરાવેલો હોય છે; અને નટ લોકો તે ઉપદેશને ખાસ ભાર દેઇ જાણે ભાષણ આપતા હોય તેમ કહી બતાવે છે; પ્રેક્ષકો તેના ઉપર તાલીનો વર્ષાદ વર્ષાવી ખુશી થાય છે ને એવી નીતિની વાત તેમણે જાણે આજ નવીજ સાંભળી હોય તેમ આશ્ચર્ય દર્શાવે છે. પાત્રોના વર્તનથી નીતિનો ધ્વનિ ઉન્નેય છે એ વાત નાટકકારોના લક્ષમાં હોય એમ લાગતું નથી; તેમ સાક્ષાત્ શબ્દોથી કહેલો ઉપદેશ અનુપદેશ થઇ જાય છે, રસને રસવાચક શબ્દથી નિર્દિષ્ટ કરતાં રસદોષ થાય છે, એવા અનુભવની પણ ખામી જણાય છે. ભરતસૂત્ર, દશરૂપ, સાહિત્યદર્પણ આદિમાં કહેલા નિયમોની વાત તો એક બાજુએ રહી.
આવી સ્થિતિ પ્રેક્ષકોની રુચીને અનુસરવાથી ઉપજી છે, ને પૈસા પેદા કરવા માટે એજ સ્થિતિ રાખ્યા વિના છૂટકો નથી એમ નાટકવાળા વારંવાર કહે છે. રા. રણછોડભાઇનાં નાટકો થતાં ત્યારે ‘ફુલહાઉસ’ ન આવતાં એમ ન હતું. ઘણીવાર પ્રેક્ષકોને પાછું જવું પડતું; જેમ જેમ સામાન્ય પ્રતિના નાટક રચનારાઓ લોકાને ખુશી કરવાના ધોરણ ઉપર ઉતરતા ગયા તેમ તેમ ઉંચી પ્રતિના પ્રેક્ષકો ઓછા થતા ગયા અને જેવા લેખક તેવા પ્રેક્ષક એવો યોગ થયો તેથી વર્તમાન અધમતાનો ઉદ્ભવ થયો. નાટક જોનારાં આવાં નાટકો જોઇ અનેક દુર્વ્યસનો શીખવા લાગ્યા, નાનાં બાલકો નાટકોનાં ગીત ગાઇને નાટકો જોઇને, કે છેવટ નાટકોમાં ખુદ ભાગ લેઇને, નીતિ અને ચારિત્રથી હીન થવા લાગ્યાં, અને અત્યારે ઘણું કરીને “શિષ્ટ” લોકો નાટક જોવા જતા નથી, જવામાં પ્રતિષ્ઠા નથી, એવો સમય આવી ગયો. આવું પરિણામ થવાની મુખ્ય જવાબદારી નાટકકારો ઉપરજ છે. પ્રેક્ષકો ઉપર નથી. પૈસાના લોભથી અને શક્તિના અભાવથી નાટકકારોએ લોકરુચિને પોતાનો ગમે તેવો સામાન ખરીદતાં શીખવ્યું એથીજ ઊંચા પ્રકારનો સામાન અને તેવા ઘરાક બન્નેનો અભાવ થઇ ગયો. આવાને આવા ધોરણ ઉપર નાટકો ચાલશે તો કેવા અધમ પરિણામને પામશે એ કહેવું કઠિન નથી.
નાટકો સંસારમાં જે સાક્ષાત્ બને છે તેનું અનુકરણ છે, અને આશય એવો છે કે સંસારના ઉપદેશ લેવા યોગ્ય ઘણા પ્રસંગોની એક રચના સુશ્લિષ્ટ રીતે ગોઠવી તે ઉપદેશને તાદૃશ રીતે પ્રેક્ષકના મનમાં પાત્રોના વર્તનદ્વારા પ્રતિબિંબિત કરવો. જ્યાં નટ લોકો પોતેજ નાટકનાં સ્વરૂપ હેતુ અને ઉદ્દેશ જાણતા નથી ત્યાં તેઓ એક અનુકરણમાત્રજ કરે છે અને અનુકરણ કરીએ છીએ એવા ભાનથીજ અનુકરણ કરે છે એટલે અનુકરણ કરવાની કૃત્રિમતા વિના બીજો કોઈ પણ પ્રકારનો ભાવ કે ઉપદેશ જમાવી શકતા નથી; માત્ર અંગચેષ્ટાથી કે મશ્કરી જેવાં વચનોથી પ્રેક્ષકોની ઉપહાસવૃત્તિને જ ઉશ્કેરી શકે છે. સારામાં સારો ઉપદેશ પણ નટની ખામીને લીધે પ્રેક્ષકોના મનમાં ગંભીરતાને બદલે ઉપહાસદ્વારા પ્રવેશ પામી ખડખડ હસવામાં થયેલા પહોળાં મોઢામાંથી તુરતજ બહાર નીકળી જઇ કશો લાભ ઉપજાવી શકતો નથી. એમ થતે થતે ગંભીર વાતોને પણ હલકી અને તુચ્છ ગણવાની ટેવ પડે છે. કશાનો હીસાબ રહેતો નથી, અને પ્રેક્ષકોના ચરિત્રમાં લઘુતા તથા હલકાઇનાં બીજ રોપાતાં તેના આનુષંગિક દુર્વ્યસનોનો પણ પ્રદુર્ભાવ થાય છે. એથીજ નિત્ય આવાં નાટક જોવાનું જેમને વ્યસન છે તેવા જનોને આપણે ગંભીર વિચારને માટે નાલાયક, દારૂ બીડી આદિ પીતા, લાલાઇમાં મહાલતા, અને શિથિલ ચરિત્રવાળા જોઇએ છીએ. નટ લોકો જે વાતને અનુકરણ જાણી અનુકરણની ખાતર અનુકરણ કરે છે, પોતાના મનમાં અનુકૃત ભાવની છાપ રાખતા નથી, તે વાત તેમને પણ લઘુતા, હલકાઇ, વ્યસન ઇત્યાદિની ટેવ શીખવ્યા વિના રહેતી નથી;—નાટક ભજવવામાં ભળનારનો અવતાર રદ થઇ જાય છે એવી જે લોકોક્તિ છે તેજ આવી રીતિકૃતિના પરિણામનું વાસ્તવિક વર્ણન છે. આવા જે નટ તે નાટકના વિષયનું એક રમતની પેઠે અનુકરણ કરી જાય તેથી પ્રેક્ષકોના મનમાં પણ તેની તેજ રમત, તેનું તેજ ગંભીરતા કે ભાવ વિનાનું લૂખું અનુકરણ, અને અકંદરે નટના પોતાનામાં જે જે પ્રકારો એવી ટેવથી ઉપજ્યા હોય તેનુંજ પ્રતિબિંબ પડી શકે છે. નાટકો જ્યાં સુધી, સારા, એટલે નાટકના વસ્તુને અને પાત્રના ભાવને સમજનારા અને સમજીને ભાવપૂર્વક અનુકરણદ્વારા તેનો તે ભાવ ઉપજાવી આપનારા, નટલોકોને હાથે ભજવાય નહિ, ત્યાં સુધી આવી ખોટી અસરજ કરી શકે છે, અને જે અંગરેજ પંડિતની ઉક્તિ આપણે આરંભે ટાંકી છે તે ખરી હોવાનાં કારણો વાસ્તવિક છે એમ આપણને લાગે છે.
લોકરુચિને અનુસરીને લેખ લખનાર–કવિ, નાટકકાર, પંડિત,–ગમે તે હોય પણ નિષ્ફલજ થાય છે એનું આ વર્તમાન નાટકો એ સારું ઉદાહરણ છે. અમુક ભાવનાનું ધોરણ લક્ષમાં રાખી જે જે રચના થાય છે તેજ દીર્ઘ જીવન ભોગવે છે અને ક્વચિત્ શુભ ફલ આપે નહિ તો પણ હાનિ તો કરતીજ નથી. લોકરુચી જેવી અસ્થિર, પલે પલે બદલાતી, અને કોઇ એક નિશ્ચય કે એક સ્વરૂપ વિનાની વસ્તુને આધારે લેખકો પોતાના વિચારને દોરે તો જગત્ને છે તે કરતાં ઉચ્ચ સ્થિતિમાં લાવવાનો તેમનો પ્રયાસ નેવનાં પાણીને મોભે ચઢાવવાના પ્રયાસ કરતાં વધારે સારો ગણાય નહિ અમુક ભાવનાના ધોરણથી લોકમતને અને લોકરુચિને દોરવાનો જે લેખકો પ્રયાસ કરે છે તેજ વિજયી થાય છે. નાટકો જનમનને અસર કરવાનાં ઘણાં સારાં અને સરલ સાધન છે, વર્તમાન સમયનાં બગડી ગયેલાં નાટકોએ પણ જે ખરાબી કરી છે તેજ એનો પુરાવો છે, તો નાટક કંપનીઓને, નાટકકારો ને નાટક ભજવનારાઓને ઘટે છે કે તેમણે આ ઉત્તમ સાધનનો સારો ઉપયોગ કરી લોકરુચિને ઉન્નત માર્ગ ઉપર લાવવા યત્નવાન્ થવું. એમ થવાથી તેમનો શ્રમ કૃતાર્થ થશે ને દેશને લાભ થશે.
જુલાઈ–૧૮૯૬