< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/સરસ્વતીચંદ્ર (ભાગ ૧)
ઉપદેશ આપવો એ લેખનમાત્રનો ઉદ્દેશ છે. જુદા જુદા વિષયના સ્વરૂપને અનુસરતાં તે ઉપદેશપદ્ધતિના ઘણા વિભાગ બને છે ઉપદેશ કરવામાં પ્રથમ પંક્તિ સાહિત્યકારોએ ‘કાવ્ય’ ને આપી છે. ‘કાન્તાસંમિતતયોપદેશયુજે’ વેદવાક્યની પેઠે રાજાના આજ્ઞારૂપે નહિ, સ્મૃતી ઇતિહાસાદિ વાકય પેઠે મિત્રોપદેશરૂપે નહિ, પણ સહૃદયના હૃદયને સરસ આનંદમાં દ્રવીભૂત કરનાર પ્રિય કાન્તાના મૃદુ–પણ અમોઘ—ઉપદેશની પેઠે, ઉપદેશ આપનાર કાવ્ય–કવિતા—છે. તેમાંપણ પદ્યરૂપ કે ગદ્યરૂપ કે ઉભયરૂપ એમ ત્રણ ભેદ પડે છે. કોઈ વિષય કેવલ પદ્યરૂપેજ ઠીક પ્રતિપાદિત થાય છે, કોઇ ગદ્યરૂપે, કોઈ ઉભયરૂપે. નાટક વગેરે ત્રીજા વર્ગમાં છે; કથા, આખ્યાયિકા, વાર્તા, પુરાણ ઇતિહાસ કે હાલમાં જેને પ્રાકૃત લે.ક્ર કાદંબરી, અને પ્રકૃત ગ્રંથકાર નવલ કહે છે તે ઘણુંકરી બીજા વર્ગમાં આવે છે; પેહેલા વર્ગમાંનો વિષય છેક નિશ્ચિત નથી, પણ ઘણું કરી કેવલ રસરૂપ હોય તેજ તેમાં ઘણો દીપે છે. સર્વેનો હેતુ ઉપદેશજ, પણ તેમાં નાટકાદિ તથા વાર્તા એ બેના ઉપદેશ પ્રકારમાં ફેર છે. કેવલ પદ્યરૂપ વિષયતો વાંચીનેજ સમજાય છે (શ્રવ્ય કાવ્ય છે.) વાર્તા પણ વાંચીનેજ સમજવાનો વિષય છે (શ્રવ્ય), નાટક જોવાથી અસર કરે છે (દૃશ્ય કાવ્ય છે.) નાટકમાં જોનારની તન્મયતા નિરૂપિત રસસાથે થાય છે, વાર્તામાં આચારમાં જણાવેલા રસસાથે થાય છે. નાટકને થતું જોઇ તન્મય થઇએ છીએ. વાર્તાને થયેલી જાણી તન્મયતા પામીએ છીએ. એકમાં કેવલ રસેંદ્રિયદ્વારા તન્મયતા થાય છે. બીજામાં બુદ્ધિયુક્ત રસેંદ્રિયદ્વારા તેમ બને છે. આમ હોવાથી નાટક કરતાં પણ વાર્તા કાંઇક વિશેષ ઉપદેશકારક થઇ પડે છે. ને તેથીજ લોકો તેને વધારે પસંદ કરે છે. નાટક તથા વાર્તા ઇત્યાદિમાં આર્ય દેશમાં જે પાત્ર લેવામાં આવે છે, તેમાં પણ સૂક્ષ્મ વિચાર છે. ઉપદેશ એજ હેતુ છે, તો તે પાર પાડવા માટે માત્ર સારાં ઉદાહરણજ બતાવવાં, સદાચાર અને સુખનોજ સંબંધ સમજાવવોઃ અર્થાત્ એથી ઉલટી રીતિ ન પકડવામાં–દુરાચારનો દુઃખમય અંત બતાવી દુરાચારથી દૂર રહેવાનું ન સમજાવવામાં–સદ્વૃત્તિવિનાની વાતજ ધ્યાનમાં ન આવવા દેવી એ હેતુ છે. આમ થવાથીજ આર્ય દેશમાં જે પાત્રો ઇત્યાદિની સંકલના કરવામાં આવે છે તેમાં નિરંતર કોઇ પ્રકારનો ઉચ્ચીકરણ (idealising) નો નિયમ પળાય છે. રામ, ધર્મ, હરિશ્ચંદ્ર કે નલ, સીતા, દ્રૌપદી, તારામતી કે દમયંતી આપણને રોજ બજારમાં મળતાં નપી, વખતે આખા દેશમાં મળતાં નથી, છતાં પણ જુઠાં, અસંભવિત વ્યર્થ નથી. આપણા લોહીમાં જે વીર્ય છે તે. તેનાંજ ઉચ્ચ, અનુકરણ કરવા યોગ્ય, પરમ રૂપ છે? આથી બીજી રીતે પશ્ચિમના દેશોમાં, જે નિયમ આર્ય વિદ્યા નિષદ્ધ ગણે છે તેજ નિયમે ઉપદેશાદિની પ્રવૃત્તિ પ્રાયશઃ પ્રવર્તે છે. દરરોજના વ્યવહારમાં જેવાં માણસ આપણે જોતા હોઈએ, જેવાં આપણને મળતાં હોય, જેવા જન સ્વભાવનાં ઉદાહરણ નિત્ય બનતાં હોય–તેજ ચીતરવું અને તેમાંથી બને તેટલો બોધ ઉપજાવી આપવો. આ હુન્નરની પરાકાષ્ઠા ફ્રાન્સમાં આવી છે, કેમકે ત્યાંની શ્રેષ્ઠ મનાતી વાર્તાઓમાં લેશ પણ ઉચ્ચીકરણ લગાડેલું હોતું નથી. તેમના પ્રખ્યાત લેખકના ગ્રંથો વાંચતાં આ૫ણને ભીડી બજારની ગંધ આવે છે, કામાટીપુરાનો કમકમાટ છુટે છે, ચીમોડના જુગારખાનાનો ખખડાટ સંભળાય છે, ગ્રાંટરોડનાં નાટકોની મારામારી જણાય છે–એ સિવાય કાંઇ નહિ! છેક આટલે સુધી કેવલ વિષયાનંદનેજ ઉદ્દેશીને નહિ, પણ જેમ બને તેમ તાદૃશતા (realistic picture) ને વળગી રહી પશ્ચિમના દેશામાં ‘નોવેલ’ એ નામથી જાણીતા વાર્તા ગ્રંથ ઘણા લખાય છે. આપણા દેશમાં તેવી વાર્તાઓ લખાતી ન હતી, પણ અંગરેજી વિદ્યાના પ્રસાર પછી તેવી ઘણી લખાવા લાગી છે. ગુજરાતીમાં તેવા સારા વર્ગની આજસુધીમાં લખાયલી કરણઘેલા સિવાય બીજી ન હતી. ‘કરણઘેલો’ વાસ્તવિક રીતે જોતાં અંગરેજીમાં જેને ‘રોમાન્સ’ કહે છે તે વર્ગમાંનો છે, અર્થાત્ ઐતિહાસિક વૃત્તાન્ત સહિત થોડું ઉચ્ચીકરણ વાપરી કરેલા ઉત્તમ વાર્તા ગ્રંથ છે; પણ જેને ‘નોવેલ’ કહે છે–સંસાર ચિત્ર[2] કહે છે–તેવો વાર્તા ગ્રંથ તો આ સિવાય બીજો નથીજ. અમે તેવો ઘણા ઉત્તમ પ્રકારનો આ પ્રકૃત ગ્રંથ જોઈ પ્રસન્ન થયા છીએ અને તેના કર્તાને તેની વિજયી રચના માટે અભિનંદન આપીએ છીએ. આ ગ્રંથ પાશ્ચાત્ય તાદૃશતાની રીતિએ લખાયેલું સંસારચિત્ર છે, તથાપિ તેમાં આર્ય સિદ્ધાન્તો પ્રમાણેનું ઉચ્ચીકરણ એટલું બધું ભળેલું છે, કે તેજવડે આખો ગ્રંથ રમણીય થઇ પડ્યો છે. આ વાત ધીમે ધીમે સ્પષ્ટ થશે.
આ સંસારચિત્રનું પૃથક્કરણ કરતાં અમે ત્રણ વિભાગ માન્યા છે. પ્રથમ તેનાં વસ્તુસંકલના તથા પાત્રચાલન, બીજું તેની રસિકતા અને ત્રીજું તેની ભાષા. પણ આ પ્રતિવિભાગનું જુદું જુદું લખાણ ન કરતાં તે ત્રણે વાત લક્ષમાં રાખી લખીશું. મુખ્ય વસ્તુને તપાસતાં બે વાત જણાઈ આવે છેઃ દેશી રાજ્યતંત્રની વ્યવસ્થાનું ચિત્ર તથા ગૃહસ્થાશ્રમનું પશ્ચિમના સુધારાની છાયામાં ધીમે ધીમે તણાતું દર્શન. આ ઉભય વાત ઘણી સારી રીતે બતાવાઈ છે. બુદ્ધિધન એ કોઇ દેશીરાજ્યમાંનો નાગર છે, તેની વંશપરંપરાની ખટપટની બુદ્ધિ છે, અને તે ભાગ્યક્રમે ચઢતે ચઢતે રાજ્યનો દીવાન થાય છે. રાજાનાં સ્વભાવ-સારા, નઠારા-અને સંગતનું યથાસ્થિત ચિત્ર આપણને ભૂપસિંહ તથા તેના પેહેલાંના રાજાથી સમજાય છે. રાજ્ય વ્યવહાર દેશીરજવાડામાં–ઘણો ક્લિષ્ટ તથા કાવતરાં ભરેલો ને વિટંબણાવાળો છે. એજન્સી, રાજા, અને લોક સર્વનાં મન રાખવાં કઠિન પડે છે, તે સર્વદ્વારાજ રસ્તો કાપવાનો હોય છે – બુદ્ધિધન બધી રીતે પૂરો પડે તેવો છે. જેવો તે બુદ્ધિશાલી, ઉદાર, કાંઇક વિદ્વાન તથા ઉડો ખટપટી ને વ્યભિચારાદિ દોષમુક્ત શુદ્ધ છે, તેવો તેનો પ્રતિસ્પર્ધી શઠરાય અનાડી, નીચ, મૂર્ખ, ઉછાંછળો તથા સર્વ દોષગ્રસ્ત છે. નાના નાના આડા અવળા રસ્તા સહજવાર લેતાં છતાં પણ કામ થતું હોય, તો તેમાં આપણા ‘દીવાનો’ દોષ સમજતા નથી, તેમ બુદ્ધિધનને પણ હતું. રાજ્યખટપટમાં પડનારની નીતિ એવી શિથિલજ હોય છે. જે હીમતની જરૂર પડેછે, ને જે ધૃષ્ટતાથી વારંવાર કામ પાર પડી જાય છે, તથા જે ઉંડાપણું ખરીવેળે કામ આવે છે, તે બધાં બુદ્ધિધનનામાં ભરપુર હતાં; પોતાના મંદવાડમાં તે ગભરાયો નહિ, શઠરાયનાં ખરાબ વચનથી મનમાં વેર બાંધતાં છતાં ઉતાવળે અકળાયો નહિ, તેમ મળેલા પ્રસંગે ભૂપસિંહને હાથ કરવામાં પંતની સ્ત્રીની ખટપટ ખુલ્લી પાડતાં તથા પોતાને માથેથી ટાળવા, રાજબાની સામેથતાંડગ્યો નહિ. રાજ્યવ્યવહારમાં વચલાં માણસોની પણ શી શી જરૂર પડે છે તે જમાલ, મેરૂલો, નરભેરામ, ગરબડ, વગેરે અસંખ્ય માણસોથી સમજાઇ આવે છે. ન્યુસ્પેપરના સંબંધ, એજંટોની રીતભાત વગેરેનું પણ યથા પ્રસંગ ઉપયુક્ત વર્ણન ઉમેરી જેમ બને તેમ દેશીરાજ્યનું ચિત્ર રા. ગોવર્ધનરામે આપણી નજર આગળ યથાસ્થિત ખડું કર્યું છે એમ અમે માનીએ છીએ.
અને આ બધું ચિત્ર તેતો હજુ પ્રાકૃત છે, તેનું સંસ્કૃત અને અંગરેજી કરીએ ત્યારે શો માયનો થાય? તેનો જબાબ દેનાર પણ સરસ્વતી ચંદ્ર હાજર છે. મુંબઇની સુધારાની લેહેમાં એમ, એ, બારીસ્ટર થયેલા માણસે રાજ્યતંત્ર જોતાં હેબક ખાધી છે, વિદ્યાના ગાઢ સંસ્કારે પવિત્રિત મન જરા કચવાયું છે; પણ હોય! સંસાર એમજ ચાલે, બુદ્ધિધન શું ખોટું કરે છે, એવિના એને શો રસ્તો વગેરે કલ્પનાથી છેવટ સમાધાન થયું છે. છક્કડ મારી ભાન આણનારી સંસારની કઠિન વાતો ઉપર ઘણીવાર આમજ, ઉંચે ઉંચે દોરી જતી, આનંદમાં રમાડનારી વિદ્યાની કલ્પનાઓ ચુરે ચુરા થઇ જાય છે. એવું છતાં સત્યનિષ્ઠા અને આત્માર્પણ બુદ્ધિમાંથી મનોમાત્રે પણ ન ડગે એવા મહાત્મા વિરલ હોય છે, બલકે નથીજ!
પણ સરસ્વતીચંદ્ર બુદ્ધિધનને મળ્યો કેમ? એના ઘરમાં રહ્યો કેમ? બુદ્ધિધનના ગામમાં આવવાની વાતનો વિચાર પછી થશે, પણ તે કેમ મળ્યો એને માટે રચનાર કહે છે કે, તે અમુક મહાદેવના સ્થાનમાં મળ્યો; ત્યાં બુદ્ધિધને એની જાત નાત પુછી અને પોતાને ઘેર હંમેશ જમવા નોતર્યો. થોડે દિવસે અંગરેજી ભણેલો જાણી કામમાં પણ-ન્યુસ્પેપરમાં રાજ્ય સંબંધી આર્ટિકલો લખવામાં-લેવાવા લાગ્યો. કોનો દીકરો એ જાણ્યા વિના અને કેમ આવ્યો છે તે સમજાયા વિના, ફક્ત દુનીયાનો ખેલ જોવા ફરૂં છું એમ કહેનારને બુદ્ધિધન જેવા તીતવ્ર પરીક્ષકે ઘરમાં-વિશ્વાસમાં દાખલ કર્યો એટલી તેની તીવ્રતા અમને ન્યૂન જણાય છે. અને બાકીની વૃત્તિ સાથે વિરોધ પેદા કરે છે. રાજ્યકારભારમાં આવી ભુલ બુદ્ધિધન કરે એમ સંભવતુંજ નથી. છતાં એમ થયું છે એ અઘટિત છે. સારે ભાગ્યે આમ થવાનાં કાંઇ ખોટાં પરિણામ આવતાં નથી પણ આવ્યાં હોત તો બુદ્ધિશાલી તથા જનપરીક્ષક બુદ્ધિધને પોતાની નાદાની વાપરી કહેવાત! વળી સરસ્વતીચંદ્ર બુદ્ધિધનને ઘેર રહ્યો તેમાં પણ માંદો પડવાથી તેવો પ્રસંગે આવ્યો. આ મંદવાડ પણ જમાલે કરેલા કામમાંથી થયેલા ઝખમનું પરિણામ છે. અહીંયાં જમાલની જે વાત આવી ગઇ છે તેવડે અલકકિશોરીને કાંઇ ફલ મળતું નથી, તેમ એ બનાવ મુખ્ય વસ્તુના ઉલ્લાપનમાં અવ્યભિચરિત સહાયકારક પણ નથી જ. તો આવા કોઇ સહજ અસંભવિત જેવા પ્રસંગ કરતાં કોઇ બીજો પ્રસંગ આણ્યો હોત તો ઠીક હતું. અમે શઠરાયની દીકરીનું અલકકિશોરી તરફ જે હલકાપણું છે તે ભુલી જતા નથી, પણ આ બનાવ અમને ઘણો માર્મિક, ઉપયુક્ત કે સારી રસજ્ઞતાવાળા જણાતો નથી.
આ ઠેકાણે આ ગ્રંથમાં સમાયલો પાશ્ચાત્ય સાહિત્યનો નિયમ પૂરો થાય છે. જેવું બનતું હોય તેવુંજ કહી બતાવવું એ નિયમે લખાતાં સંસારચિત્રમાં આટલે સુધીનું ચિત્ર ખપે તેવું છે. પણ અતઃપર એ રાજ્યખટપટરૂપી અંધકારને વિદ્યૂતની પેઠે તેજિત કરી વારંવાર ઝલક આપનારૂં આર્ય સાહિત્યના ઉચ્ચીકરણને લક્ષમાં લઇ યોજેલું ગૃહચિત્ર છે. આર્યગૃહ કેવું હોય છે, તેમાં કેવાં સ્ત્રીપુરૂષ રહે છે, એ સર્વ વાતનું રા. ગોવર્ધનરામે જે ચિત્ર આપ્યું છે તે યથાર્થ, તાદૃશ, તથા રમણીય છે, છતાં જનસ્વભાવને ઉત્તમોત્તમ વૃત્તિઓનાં ઉત્કૃષ્ટરૂપ બતાવી ઉચ્ચમાર્ગે દોરવામાં સફલ થાય તેવું છે. મુંબઇ જેવા અંગરેજી સુધારામાં પડેલા શેહેરના એક શેઠીઆનું ઘર લઇ, તેને મુંબઇ સિવાયના, પણ ‘સુધારા’ની જરા લેહેક લાગેલી તેવા ગામના કોઇ બીજા શેઠીઆના ઘર સામે મુક્યું છે, એ બે ઘરનાં નાયક અને નાયિકા લક્ષ્મીનંદન અને તેની નવીવહુ તથા વિદ્યાચતુર અને ગુણસુંદરી છે. તેમજ આ બે ઘરની સામે શુદ્ધ આર્યરૂપમાં રહેલાં એવાં બીજાં બે બુદ્ધિધન તથા સૌભાગ્યદેવી અને શઠરાય તથા તેનાં સ્ત્રી પુત્રાદિનાં પર દેશી રજવાડામાં બતાવ્યાં છે. આર્યગૃહસ્થાશ્રમની સારી નરસી ઘણી ખરી બીના આ ચોકડીમાંથી મળી આવે છે.
સરસ્વતીચંદ્ર બુદ્ધિધનને ક્યાંથી મળ્યો એ વિચાર કરવો બાકી છે, સરસ્વતીચંદ્ર એ મુંબઇના ધનાઢ્ય લક્ષ્મીનંદનો વિદ્વાન્ પુત્ર છે. સરસ્વતીની મા મરી ગઈ છે, ને એનાઉપર એના બાપની મા–ડોસી-ની પણી મમતા છે. બાપ તો નવીવહુ પરણી તેના કબજામાં પડેલો છે, અને તે અભણ, કંકાસીઅણ તથા કુપાત્ર સ્ત્રીઓની પેઠે મારૂં તારૂં ઘણું રાખનારી હોવાથી ઘરમાં કંકાસ ઘાલે છે. ગામમાં શેઠ કહેવાતા, મોહોટાં માને પદવી પામેલા પણ વિદ્યાના સંસ્કારરહિત મુંબઈના શેઠીઆ-લક્ષ્મીનંદન-વિચાર કરી શકતા નથી, ને છોકરાપર-સરસ્વતીપર અભાવ આણે છે. સરસ્વતી પોતે એમ એ. ને વળી બારિસ્ટિર-એટ-લો-એટલે આવાં માબાપ, ને આવી ગરબડ, તેમાં કેમ પોતાનો મીજાજ સાચવી શકે? અંગરેજી ભણવાથી એક પરિણામ એજ થાય છે કે આસપાસના સંબંધોથી માણસ છુટો થઇ જાય છે જાણે પરદેશથી ઝાલી આણ્યો હોય તેવો બની રહે છે, તેમ સરસ્વતીને થયું હતું. બાપના સહજ હીસાબ માગવાથી રીસાઇને નાસી જાય છે, તે રખડતે રખડતે બુદ્ધિધનને જઇ મળે છે. અંગરેજી ભણતરને આમ એબ લાગે છે. સરસ્વતીચંદ્ર-બુદ્ધિધનને મળેલો તે વેળે તો નવીતચંદ્ર—પણ કાંઈ વિચારવાળું કામ કરતો નથી. સરસ્વતીનો મિત્ર ચંદ્રકાન્ત મિત્રધર્મે તેની શોધ કરે છે અને લક્ષ્મીનંદન પણ ખરા મનથી પાશ્વાત્તાપ કરી નવી સ્ત્રીને તિરસ્કાર કરી કાઢી મુકે છે, છતાં રેલવે, ટેલીગ્રાફ, અને ટપાલ, તથા ન્યુસ્પેપરના વખતમાં સરસ્વતીની કાંઇ વિશેષ ભાળ મેળવી શકતા નથી, વા મેળવવાનો જોઇએ તેવો પ્રયત્ન કરતા નથી, એ તેમની એકદીલીમાં દુષણ છે. ઉપરાંત વળી સરસ્વતી પોતાની થનાર સ્ત્રી કુમુદસુંદરી જેની સાથે તે ગાઢપ્રેમમાં લીન છે, તેને વિનાકારણ તજી જાય છે. એપણ તેના અવિચારની પરિસિમા છે. કદાપિ એમ કલ્પના થાય કે અતિ પ્રેમમાં તેણે એમ ધાર્યું હોય કે મારી પાસે કાંઇ રહ્યું નથી ત્યારે કુમુદાને લાવી દુઃખી શા માટે કરૂં? તો તે પણ પ્રેમસ્વરૂપની તેની સમજમાં વિરોધરૂપ થઇ પડે તેવું છે. અંગરેજી ભણતરથી મનની લાગણી ઘણી તંગ થઇ ગઇ હોય તેનો તાદૃશ દાખલો સરસ્વતી છે.
વિદ્યાચતુર સામાન્ય કેળવણી પામેલો રસજ્ઞ ગુહસ્થ છે. તેની પત્ની ગુણસુંદરી સુશીલ, સદ્ગુણી પણ ધણીનો રસ ઝીલવાનું ન સમજવાવાળી છે. પણ યોગ્ય ઉપાદાન હોય તેને યથેચ્છ ઘડી શકાય છે તેમ વિદ્યાચતુરે ધીમે ધીમે આ કુલીન પત્નીને રસજ્ઞ બનાવી છે, ને તેનાંજ વિદ્યા, રસજ્ઞતા, સુશીલતા, કોમલતા, મહત્તા, શાલીનતા વગેરે ધણે ઉચ્ચરૂપે કુમુદસુંદરીમાં ખીલી રહ્યાં છે. કુમુદસુંદરીઓ ઘેર ઘેર મળતી નથી. વાંચનારને કદાપિ તેવી અશક્ય લાગતી હશે, પણ અત્રે સમજાશે કે કુમુદસુંદરી ઘેર ઘેર નહિ હોય છતાં કેટલી તાદૃશ, કેટલી સત્ય કેટલી આપણી આર્ય સ્ત્રીરૂપજ છે ગુણસુંદરીનીજ પુત્રી છે! આ કુમુદસુંદરીને સરસ્વતી મળેલો છે; બન્ને વચ્ચે કાગળ પત્રો પ્રેમ ભર્યા આવ્યા ગયા છે—છોકરવાદીના નહિ, ગાઢ પ્રેમનાજ–છતાં તેવી અબલાને પોતાના અવિચારનો ભોગ કરી મરણપર્યંત દુઃખી કરી નાંખનાર સરસ્વતીચન્દ્રની વિદ્યાને અમે તો એક ભારે બટ્ટો લાગ્યો ગણીશું. એવીજ પ્રેમબદ્ધ પ્રેમરૂપ રાતને લખવું કે,
“શશિજતાં પ્રિય રમ્ય વિભાવરી,
થઈ રખે જતી અંધ વિયોગથી;
દિનરૂપે સુભગા બની રહે ગ્રહી,
કર પ્રભાકરના મન માનીતા.”
એ ઘણુંજ ક્રૂર અને અવિચારી કહેવાય. એને હવે કિયા પ્રભાકરના કર ‘મન માનીતા’ થવાના હતા! દિનરૂપે થવું ને અંધકાર છુપાવવો એ બનેજ કેમ? એક બીજાની સાથે નાશ થયાવિના દિનને અંધકાર રહેજ કેમ? અંધકાર કે દિન જે હોય તે તેજ, પછી અમુકરૂપે એ વાતજ પ્રેમધર્મમાં અસંભવિત, મિથ્યા, અવિચારની, ક્રૂર! આમ સરસ્વતીચંદ્રને ચકડોળે ચઢાવી દઇ, ગ્રંથકારે પોતાની ઉપાડેલી મૂળ કલ્પનાને પ્રતિકૂલ, કેટલાક અંશ દાખલ કરી દીધા જણાય છે. આમ વળી પ્રભાકરના મન માનતા કર શોધવાની વાત કહ્યા છતાં, પાછો તેને બુદ્ધિધનને ઘેર જોઇને ત્યાં રહે છે, તેને તથા પોતાને પતિત થવાના પ્રસંગને મદદ કરે છે. એ પણ એમ. એ. બારીસ્ટરનામાં ત્યાગવૃત્તિ અને પ્રેમવૃતિ કે પશુવૃતિનો વિરોધ અમને સારો લાગતો નથી. વિદ્યાચતુરે પણ વગર વિચારે માગું આવતાં બીજા કોઇને–પ્રમાદધનને-કન્યા પરણાવી દીધી અને કુમુદસુંદરી પણ તે પ્રમાણે મુંગે મોઢે પરણી! પ્રેમ સમજનાર, પ્રેમાસ્પદને જાણનાર, કુલીન કન્યા છેક આમ ન નમે, પણ આર્યકન્યાઓની પિતૃવત્સલતાનો એ એક નમુનો છે કે બાલા કાંઈ પણ બોલ્યાવિના તાબે થઇ, તાબે તો થઇ પણ શરીર માત્રથીજ, મન તો હતું ત્યાં રહ્યું.
બુદ્ધિધનના ઘરમાં તેની મા ખરી આર્ય માતાનું સ્વરૂપ છે, તેનાજ ગુણ તેના પુત્રની વહુ સૌભાગ્યદેવીમાં ઝળકે છે, અને તે ખરી દેવી તે દેવીરૂપેજ બુદ્ધિધનના ઘરમાં આનંદ, સુખ, શાંતિ અને ધર્મનું સ્થાન છે. આનો પુત્ર પ્રમાદન છકેલો તથા ધનમદમાં અને અમલમાં અંધ થયા જેવો છે, પણ શુદ્ધ માતાના સત્વની છાયાવડે અંકુશમાં છે. તેમજ તેની બેહેન અલકનંદા, જરા હલકા મિજાજની, હલેતી, તથા મગરૂર છતાં, આખર નીતિ ઉપર જઈ ડાહી, સુશીલ, તથા પોતાની માતાને શોભાવનારી નીવડે છે. કુમુદસુંદરી અને સરસ્વતી પણ એજ ઘરમાં મેહેમાન છે. સરસ્વતી જોનાર છે, કુમુદ તો ઘરનો ભાર વેહેનાર છે. પણ ઉભયનાં મન, જે ધંધો તે કરતાં જણાય છે તેમાં નથી. ધન્ય છે આર્યપત્ની! આત્મા અન્યસ્થલે બાંધ્યો છે, ચીરાઈને મરી જાય છે, પણ દેવતા પતિથી ક્ષણપણ દૂર થતી નથી પણ પ્રેમ! પ્રેમ! એને કોણ અટકાવે? ભલે મને વેગળું જાય, પણ શરીર હાથમાં હોય ત્યાંસુધી મન કુદીને પાછું જ પડે. પતિવ્રત! મન, કર્મ, વાણી સર્વથી, દેહથી, એકબુદ્ધિ, એકનિષ્ઠા તે પતિવ્રત, છતાં માનસિક વ્યભિચારમાં કુમુદ તને નાંખી છે! તું, કર્તાએ આરંભે જણાવેલા પોતાની વાર્તાના તંત્રીરૂપ અનિચ્છા પ્રારબ્ધતી પુતળી છે! તારે ન પરણવું સારૂં હતું, પરણતા પેહેલાં મરી જવું સારૂં હતું, આપઘાત કરવો સુલભ ને શ્રેય હતો, પણ માનસિક વ્રતભંગ, કલંકરૂપ છે, તારી કીર્તિને ઝાંખ લગાડે છે. છતાં પણ ધન્ય છે આર્યબાલા! તેંજ તારૂં વ્રત સાચવ્યું. યોગીવિના બીજું કોણ મનને એક ઠામ ને શરીરને બીજે ઠામ રાખી યથાસ્થિત કર્તવ્ય કરે? તું તું, તુજ, આર્યપત્ની! તું, તારૂં બલ ન ચાલતાં તું સરસ્વતીને મળી, ખોટું કર્યું, પણ પાછી આર્યા તે આર્યા નીવડી! સરસ્વતી પણ હવે સમજ્યો, ત્યાગ જરાક વાર ખસી ગયો, પ્રેમ પ્રબલ થયો, પણ તે અડગ હતો, વિશુદ્ધ હતો, જાતેજ આવા ક્ષોભનું કારણ હોવાથી દૂર થયો. સરસ્વતી એક કરતાં વધારે વાર વિશોધિતજ હતો. અલકકિશોરીના અવિનયમાંથી પણ બચ્યો હતો, તે એટલેસુધી કે તે પછી અલકકિશોરી સુધરી ને જરા ઉછાંછલાપણું કરતી તે પણ વિસરી ગઇ. આ સર્વ પ્રસંગોમાં જે ભાવ ગ્રંથકારે વર્ણવ્યા છે, જે વૃત્તિઓની મારામાર અને ગરબડ તેણે યથાર્થ ભજવી બતાવી છે તે ઘણા ઊંચા પ્રેમ સંસ્કારવિના કે ખરા આર્ય હૃદયવિના બીજાથી અનુભવાય તેવી નથી. એવાંજ સ્થલમાં અમે લખનારની ચતુરાઇથી રંજન પામ્યા છીએ, અને તેની શક્તિને ઉંચાપ્રકારની ગણતા થયા છીએ.
બુદ્ધિધનના આવા ઉદાર કુટુંબની સામે મૂલ અમાત્ય શઠરાયનું શઠમતિ કુટુંબ છે. વ્યભિચાર લુચ્ચાઇ દગલબાજી સર્વ ત્યાં ચાકરથી માંડીને મોહોટાંસુધી હાજર છે. શઠરાયે બને તેટલું નુકસાન બુદ્ધિધન તરફ આદર્યું છે, પણ અંતે પરાજય પામી બુદ્ધિધનની ઉદારતામાંથીજ પોતાનો બચાવ લેવો પડ્યો છે. તેની દીકરી ખલકનંદાએ પણ બુદ્ધિધનની દીકરી ઉપર ઘણી અદેખાઇ કરી દુઃખ દેવા યુક્તિ કરી છે, પણ પરિણામે અલકકિશોરી અને સૌ. ભાગ્યદેવીના હાથથીજ પોતાનું જીવિત સાચવવા પામી છે. ખલકાનંદાને ઘણી વ્યભિચારી જણાવી તેને ગામના લોક મારતા મારતા બુદ્ધિધનના ઘર આગળ લાવે છે એમ બતાવ્યું છે તે અમને આર્યબુદ્ધિથી વિપરીત લાગે છે. એમ બનવું જે કલ્પના ગ્રંથમાં તે સ્થલે ચાલે છે તેને વિરૂદ્ધ છે, ને વાતના ઉલ્લાપનમાં કોઇ રીતે ઉપયુક્ત નથી. આ કુટુંબની ખરાબ વૃત્તિ સાથે બુદ્ધિધનના કુટુંબની સદ્વૃતિઓને, સરખાવવાનો બહુ સારો પ્રસંગ છે. આર્ય બુદ્ધિધન અપકારીને પણ ઉપકારજ કરે છે, દયા રાખે છે, ને છેક પાયમાલ કરતો નથી.
આ સર્વ લીલા કુમુદના વિચારોમાં મસ્ત થયેલો પ્રેમમત્ત સરસ્વતી જોઇ જોઈ થાકે છે, પણ પ્રેમથી ખસી શકતો નથી. કુમુદના પ્રેમમાંજ બંધાઇ તેને ને પ્રમાદધનને જોયાં કરે છે; પોતે રોપેલા અવિચારરૂપ ઝાડનાં દુઃખરૂપ કડવાં ફલ ખાતો ખાતો રૂવે છે. એક દિવસ કુમુદનું ગાન સાંભળી ભાન પામે છે, બીજે દિવસ કુમુદના અવાજે પતિત થતો અટકે છે, ત્રીજીવાર કુમુદની પ્રમાદધનપરની ભક્તિથી ખુશી થાય છે—પણ પ્રમાદની ગણિકાનું ઘર જોઇ પોતાના અવિચારનો પશ્રાત્તાપ કરે છે. આમ વિંધાતો પણ આખરે પોતાનો મિત્ર-ન્યુસ્પેપરના આર્ટિકલપરથી ઓળખી લઇ-શોધવા આવે છે એમ જાણી બુદ્ધિધનને ત્યાંથી એકાએક નાસી છૂટે છે, આટલે આ વાત અટકે છે. તે આગળ વધવાનો સંભવ છે, એટલે અમારાથી વખતે કોઇ પ્રસંગની યોગ્ય તુલના ન કરાઈ હોય તો વાત અપૂર્ણ છે એજ કારણ છે. પ્રસંગે પ્રસંગ વિચારવા યોગ્ય ઉપદેશ ઘણા છે પણ સમયનો ઉદ્દશ શો હશે તે પણ હાલ તેજ કારણથી કહી શકતા નથી.
આ રીતે કથાનું ચિત્ર સમાપ્ત થાય છે. કર્તાની શક્તિ તથા ચિત્ર પાડવાની કલા ખરેખર અપ્રતિમ છે, અને તેનું અવલોકન કોઇ કોઈ સ્થલ સિવાય સર્વથા અનુભવયુક્ત છે. ગ્રંથમાં સમાયેલી રસજ્ઞતા ઊંચા પ્રકારની છે. ઘણા પ્રસંગ એવા છે કે તે સામાન્ય બુદ્ધિમાં ઉતરવા પણ કઠિન છે. ઘણાક તો અમે બતાવી ગયા છીએ ઊંચી રસજ્ઞતા હોવી એ ઘણા દીર્ઘકાળના અવલોકનનું તથા ગાઢ વિદ્યા સંસ્કારનું પરિણામ છે ને તેવી આ ગ્રંથમાં અમે ઘણી જોઇ છે. ફક્ત જમાલની બીના તથા ખલકનંદાની વાત એ ઉભયમાં અમને જરા ચાલુ રસની હાનિ જણાઇ તે અમે આગળ પ્રસંગે કહેલું છે. પાત્રચાલન તથા પાત્રની વૃત્તિઓનું આલાપન કરવામાં આ ગ્રંથકારે ઘણી સારી રસજ્ઞતાનો ઉપયોગ કર્યો છે તે આ ગ્રંથમાં અનુપદ જણાઈ આવે છે. વર્ણન કરવાની શક્તિ પણ ઉત્કૃષ્ટ છે, અર્થાત્ વર્ણ્ય પદાર્થોની તાદૃશતા ખડી કરવામાં લખનાર નિપુણ જણાય છે.
ભાષા પરત્વે અમારે ઘણું કહેવાનું નથી. ગ્રંથની ભાષા પ્રૌઢ તથા શુદ્ધ સંસ્કારીવાળી છે અને વિષયને અનુકૂલ છે. કોઇ કોઇવાર, પ્રસંગે કરીને યોગ્ય ઠરેલા નાગરીનાતના એટલે દેશ્ય શબ્દો વપરાયલા છે પણ તેમાં અમે કાંઇ દોષ સમજતા નથી.
અક્ટોબર, નવેમ્બર–૧૮૮૭