સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/નિબંધ રીતિ
રચનાર રા. રા. નવલરામ લક્ષ્મીરામ. કી–૦–૬–૦
આજ કાલ ગુજરાતમાં દેશી પરદેશી લખનારાની સંખ્યા એટલી વધી પડી છે ને તેમણે એટલાને એવા એવા ગ્રંથ લખવા માંડ્યા છે કે, જો ગ્રંથની સંખ્યા માત્રથીજ કોઇ દેશની વિદ્વત્તાનું માપ થઈ શકતું હોય, તો ગુજરાત મુંબઇ ઇલાકામાંના સર્વ ભાગમાં પ્રથમ પંક્તિએ આવવું જોઇએ. પણ સર્વને જાણીતી વાત છે કે, મરાઠી ભાષામાં જે પદ્ધતિના ગ્રંથો લખાયા છે ને લખાય છે, તથા મહારાષ્ટ્ર લોકને જે શોખ પેદા થયો છે, તેનો પંદરમો અંશ પણ ગુજરાતમાં નથી. નકામાં ચીથરાં કોઇ રાસડા કોઈ તેવાં ભવાઇ જેવાં નાટક, કોઇ ગરબા કે કોઇ નિર્જીવ વાતો એમ ભાતભાતના ગ્રંથ લખાઈ લખાઇ જથાબંધ બહાર પડે છે–તે સર્વ તરફ જોતાં કાવ્ય તે શું, લખાણ તે શું. ભાષા તે શું. કે વિચાર તે શું એ જાણે સર્વે ભુલી ગયા હોય તેવો દેખાવ નજરે આવે છે. ઇશ્વરે પગ આપ્યા છે તો ચાલવુ, હાથ આપ્યા છે તો તે ચોતરફ ફેરવવા, પછી ખોટે રસ્તે કે ખરે રસ્તે; તેમ મોં આપ્યું છે માટે ગમે તે પણ બોલવું ને તે બોલેલું જો બે ચાર કે સો બસે પાંનાંની ચોપડી બન્યું તો પછી કવિ, ગ્રંથકર્તા વગેરે થવામાં વારજ નહિ! આવા ફોકટીયા આજકાલ-નિરર્થ વ્યાપાર હોય તેમ-સરસ્વતિને લજવવા બેઠા છે, ને પોતાની અંધતામાં વળી સામાને પણ અંધ દેખી કોઇ ખરા વિદ્વાનને પણ પોતે મહાજ્ઞાનિ હોય તેમ હસી કાઢવા ચુકતા નથી! આવા વખતમાં યોગ્ય વિદ્વાનો સમજીનેજ પોતાની કલમ દબાવી રહ્યા છે. પણ તેમાં કેાઈ કોઇવાર રા. નવલરામભાઇ જેવા સમર્થ લખનાર દર્શન આપે છે, તે જોઇ અમારા હૃદયને પરમ સંતોષ થતાં આનંદ થાય છે, કે ગુજરાતની સેવા કરનાર વીર પુરૂષો પ્રયત્નથી કંટાળ્યા નથી. ગ્રંથ લખવામાં ને તેમાં વિશેષે કરીને વિવેચનરૂપ ગ્રંથ લખવામાં કેવો વિચાર રાખવાની જરૂર છે, એ આ લઘુ ગ્રંથથી કાંઇક સમજાય છે. એનાં ચાર પ્રકરણ પાડેલાં છે, તેમાંનાં પ્રથમ ત્રણમાં, નિબંધની રચનાને લગતી સૂચનાઓનો સમાવેશ છે, તથા છેલા પ્રકરણમાં તે સૂચનાઓને અનુસારે કેટલાએક વિષયનાં નિબંધયોગ્ય સ્વરૂપ ચીતરી આપવા પ્રયત્ન કરેલો છે. ગ્રંથ મુખ્ય કરીને મેહેતાજીઓ વગેરે પરીક્ષા આપનાર શિખાઉઓ માટે ધારેલો છે. તથાપિ તેમાંથી પુખ્ત વય અને અનુભવવાળાને પણ લેવા યોગ્ય બીના કેટલીએક છે. નિબંધમાં વિચાર અને ભાષા એ ઉપર સમાન ધ્યાન આપવાનું બતાવી પરીક્ષા સંબંધના નિબંધોમાં ભાષાનું પ્રાધાન્ય કહ્યું છે. પણ સામાન્ય નિબંધ માત્રના વ્યવહાર પરત્વે તો એમ નિશ્ચયપૂર્વક જાણવું કે, ન્યાયપૂર્વક અવલોકનવાળા વિચાર એજ નિબંધનું સ્વરૂપ છે – વિચારની નિર્બળતાની ખોટ ભાષાના કોઇ પણ ચમત્કારથી પુરી પડનારી નથી; ને આ કારણથીજ આપણા ગુજરાતમાં લખાણોના સંબંધમાં મોહોટી ભુલ થતી ચાલી આવે છે. લખતાં એટલે કે વ્યાકરણથી શુદ્ધ ભાષામાં પોતાના વિચાર દર્શાવતાં આવડ્યા, એટલે સર્વ એમજ સમજે છે કે હવે કવિ, નિબંધકાર, ભાષણકાર, કે ગમે તેવા લખનાર થવામાં હરકત નથી. આ કેવળ ભૂલ છે. સર્વ જાતિના લખાણપક્ષે ભાષા ગૌણ અને વિચાર અથવા રસ મુખ્ય છે. ભાષા અલબત્ત એવી હોવી જોઇએ કે જેમાંથી શિષ્ટ લોકને અર્થ સમજાઈ આવે. પ્રથમ શબ્દ અને તેની અમુક અર્થ બતાવવાની શક્તિ નક્કી ઠરે છે, જેમકે ‘પ’ ને ૐકાર જોડી સાથે ‘ર’ લખીએ તો એ વર્ણસમુદાય કોઇ ઘણાં ઘર વગેરેના સમૂહનું નામ સર્વથી સમજાય છે. શબ્દ માત્રના આવા અર્થને ‘અભિધા’ અથવા ‘મુખ્યાર્થ’ અથવા ‘વાચ્યાર્થ’ કહે છે. શબ્દ વિષે આ પ્રકારના અર્થ જણાવવાના સંકેત ઘડાવા એ કેવળ જનસમૂહમાં ચાલતી રૂઢિને અધીન છે. જ્યારે શબ્દનો મુખ્ય અર્થ લગાડતાં કોઈ વાક્ય બરાબર બેસે નહિ ત્યારે બીજો અર્થ કલ્પવો પડે છે. જેમકે ગામમાં ધાડ પડી એમ સાંભળતાંજ પચાસ ઘોડુ તૈયાર થઇ ગયું; અહીં ઘોડુ શબ્દથી ફક્ત ઘોડાજ કહેવાથી અર્થ બેસતો નથી, પણ ઘોડા સહવર્તમાન સીપાઇ સમજવાથી બેસે છે. આ રીતિના અર્થને ‘લક્ષણા’ કહે છે. જ્યારે કોઈ શબ્દ સમુદાયથી કે શબ્દથી ‘અભિધા’ અને ‘લક્ષણા’ ઉભયથી જુદો પણ આનુમાનિક અર્થ થઈ આવી રમણીયતા સંપાદન થાય ત્યારે ‘વ્યંજના’ શક્તિએ થયો એમ જાણવું. પ્રવાસ કરતા પતિને સ્ત્રી કહે છે કે ‘જવું હોય તો જાઓ. પણ તમે જ્યાં જાઓ ત્યાંજ મારેએ જન્મ થજો, આમાં તમારા જવાથી હું મરી જઇશ એવો જે આનુમાનિક અર્થ સૂચવ્યો છે, એ જન્મ શબ્દની વ્યંજના શક્તિના બળથી છે. આવી શક્તિવાળા શબ્દોનો સમુદાય તે ‘વાક્ય. વાક્ય’ સાર્થક થાય માટે રા. નવલરામભાઇ ચાર ગુણની આવશ્યક્તા જણાવે છે. આ ચાર ગુણ જણાવ્યા છે તે પ્રમાણે નિબંધના વિષયને માટે ટુંકામાં સારા સમાવેશથી અર્થ સંપાદન કરે છે, પણ એમાં ન્યાય અને સાહિત્ય ઉભયનું સંમિશ્રણ છે. વાક્યનો અર્થ જણાવા માટે તો વાક્યમાંના શબ્દોનો વ્યાકરણપૂર્વક સંબંધ (‘આકાંક્ષા’) બતાવેલા અર્થની સ્વાભાવિકતા સહિત ધારેલો અર્થ કહેવાનું સામર્થ્ય ‘યોગ્યતા’) અને શબ્દોનું સામિપ્ય (‘સન્નિધિ’) એ બસ છે. આ રીતે જોતાં શુદ્ધિ અને યોગ્યતા એ બેજ વાક્યાર્થ જણાવવાને પુરતાં છે. આવી રીતિનાં જે વાક્ય થાય તે સહજ સમજાય તેવાં છે કે કઠિન છે, તેમાં ગ્રામ્ય શબ્દો છે કે નથી, એ વગેરે વિષય સાહિત્યનો છે. નિબંધકારને તો ઉભયની જરૂર છે માટે રૂઢિ અને સુવર્ણતા (જેને બદલે અગ્રામ્યતા અને પ્રસાદ એમ લખ્યું હોત તો વધારે પારિભાષિક ગણાત) એ ઉભયની પૂર્ણ જરૂર છે. ભાષા જરૂર એવી હોવી જોઇએ કે, જે ભાષા તે હોય તે ભાષાના શિષ્ટ બોલનાર જુદા જુદા પ્રાંત પરગણાંના છતાં પણ સામાન્ય રીતે સમજી શકે. આમ થવા માટે દેશ્ય શબ્દો કે ગ્રામ્ય શબ્દો તજવાની જરૂર છે. સર્વ સામાન્ય શબ્દોજ લેવા અને તેનો ઉપયોગ કરવો, સંસ્કૃતમય કે ફારસીમય ભાષા કરવાનો પ્રયત્ન વ્યર્થજ છે, પણ સંસ્કૃત મૂલપર ગયાવિના શિષ્ટ ભાષા બનતી નથી. પારિભાષિક શબ્દોને બદલે નવા સંસ્કૃત કે ફારસી ટાયલાં ઉઠાવવાં એ ભાષાને નુકશાનકારક વિદ્વત્તાનો ઢોંગ માત્ર છે, પણ ચાલતી ભાષામાં વપરાતા મૂલે સંસ્કૃત પણ હાલ ભ્રષ્ટ થયેલા શબ્દોને જ્યાં ઝાઝી ગરબડ પેદા કર્યા સિવાય બને એમ હોય, ત્યાં શુદ્ધ રૂપે લખી વિદ્વાનોએ અનાયાસસાધ્ય તેવી રૂઢિ પાડવામાં ઝાઝો બાધ જણાતો નથી; ઉલટો શિષ્ટ ભાષાના બંધારણને લાભ છે. આ પ્રમાણે રચાયલી ભાષા તેમાં જણાવેલા અર્થને અનુકૂલ હોવી જોઇએ. સુવર્ણતાના ગુણને ‘અર્થ સાથે કાંઇ સંબંધ નથી” એમ કહી શકાય નહિ. સુવર્ણતાનું જે વર્ણન કર્યું છે તેથી સ્વરૂપે સિદ્ધ થતો ‘પ્રસાદ’ ગુણ, સાહિત્યકારોએ રસને આશ્રયે અર્થાત્ અર્થને આશ્રયે માનેલો છે. લખાવટના ત્રણે મુખ્ય ગુણ ‘ઓજસ’, ‘માધુર્ય’ અને ‘પ્રસાદ’ રસને એટલે અર્થને જ આશ્રિત છે. સર્વ પ્રકારનાં લખાણમાં ‘પ્રસાદ’ હોવોજ જોઇએ, અર્થાત્ શિષ્ટ લોકને ઝટ સમજાય તથા પ્રિય લાગે તેવું દરેક લખાણ હોવુંજ જોઇએ નહિતો ક્લિષ્ટ કહેવાય. આ પ્રમાણે અમારૂં મત હોવાથી ભાષા અને વિચારના સંબંધમાં આ ગ્રંથે દર્શાવેલા અભિપ્રાય અમને ઘણા પસંદ છે. છપાવનારે ઉકારાંત નાન્યતરનાં બહુવચન કરતાં ધ્યાન આપ્યું હોત, તથા ‘સ્વભાવિક’, ‘જોતું’ વગેરે શબ્દો અને ‘વાંચવાની ફરજ છે એ નિશાળીઆઓને સમજવું જોઇએ’ એવાં વાક્યપર લક્ષ દીધું હોત તો વધારે ઠીક હતું. ભાષા વિષે વિવેચન કરતા ગ્રંથમાં આવી નાની ખામી દુઃસહ ગણાય.