સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/ગૂજરાતના લેખકો
આખા મુંબઈ ઈલાકાના ગ્રંથસમૂહનો જે ત્રિમાસિક વૃત્તાન્ત સરકાર પ્રસિદ્ધ કરે છે તે ઉપરથી જણાય છે કે ગૂજરાતી ભાષામાં જેટલા ગ્રન્થો લખાય છે તેટલા બીજી ભાષામાં લખાતા નથી, પરન્તુ તે બધામાંથી ક્વચિત્જ એક બે ગ્રન્થો ખરા ગ્રન્થના નામને પાત્ર હોય છે એમ પણ તે ઉપરથી સહજે જણાય છે. જેમ નોકરી ચાકરી, ખેતીવાડી, વેપાર રોજગાર, એ આદિ ઉપજીવિકાનાં સાધનો છે તેમ લખવાને પણ એક ઉપજીવિકાના સાધનરૂપે માનનારા કહેવાતા લેખકો આવો શોચનીય પરિણામ ઉપજાવે છે. વ્યાકરણના દોષ વિના લખતાં આવડ્યું, અને અનુપ્રાસ મળતા આવે તે રીતે છંદો ગોઠવતાં આવડ્યા એટલે લેખક કે કવિ થતાં કોઈને વાર લાગતી નથી, અને તેવા લેખકો અને કવિઓ પોતાની શક્તિનો વિચાર કર્યા વિના ગમે તેવા મહોટા અને પ્રતિષ્ટિત લેખકો અને કવિઓના લેખ ઉપર પણ અભિપ્રાય અને વિવેચન કરવાની ધૃષ્ટતા કરી દા. જોન્સને પોતાના ટીકાકાર ડેનીસના સંબંધમાં જે ઉક્તિ કહી છે કે “એવા ટીકાકારો નાના પતંગીઆની પેઠે કોઈ ભવ્ય જીવની પીઠે ચોટીને પોતાનું જીવન પેલા જીવના ભેગુંજ અમર કરવા મથે છે” તેને સત્ય કરી આપતા જાય છે. આવી સ્થિતિમાં વાચકવર્ગને સારાસાર સમજાતો નથી. કીયા ગ્રન્થને સારો ગણવો, કીયાને પ્રમાણ ગણવો, કીયો ગ્રન્થ કોને વાચવા આપવાથી લાભ થશે, એ આદિ વિવેક વાચકો કરી શકતા નથી. એવો વિવેક વાચકો કરી નથી શકતા તેમાં વાચકની બુદ્ધિનો દોષ હોવા કરતાં આવા નિર્માલ્ય લેખકો જે ભ્રમ વિસ્તારે છે તેનો વધારે અને મુખ્ય દોષ છે. પુસ્તકો માટેની જે જાહેર ખબરો પ્રત્યેક વર્તમાનપત્રમાં નિત્ય આપણે હાથ આવે છે તેમાંનાં વર્ણન વાંચતાં પ્રત્યેક પુસ્તક જાણે હવણાંજ પરમસ્વર્ગ આપણને પ્રત્યક્ષ કરી આપશે એમ જણાય છે, જ્યારે ખરેખરી કૃતિને જોઇએ છીએ ત્યારે તે કરતાં કાંઇક વિપરીતજ નીકળે છે. જેને ભાષાનું જ્ઞાન નથી, વિચાર કરવાની શક્તિ નથી, તેવા લોકો પુસ્તકો લખી કેવલ ઉપજીવિકાને અર્થે લોકોના હાથમાં તે પુસ્તકો આગ્રહથી મૂકતા ચાલે છે, અને વાચકવર્ગની રુચિને અયોગ્ય રંગ લગાડી, અવળે માર્ગે દોરી, ખરા ઉપયુક્ત વાચનથી વિમુખ રાખે છે. આવી અવ્યવસ્થાને લીધે અદ્યાપિ સુધિ આપણામાં અમુક લેખકોનાં નામ પ્રમાણ રૂપે થઈ શક્યાં નથી અને તેમ ન થવાથી વાચકવર્ગને લેખકોની પ્રવૃત્તિનો જે લાભ થવો જોઇએ તે થતો નથી. આવી સ્થિતિને સમયે આપણા લેખકોની પદ્ધતિ અને તેના વર્ગ કરી બતાવવાથી વાચકવર્ગને લાભ થશે એટલુંજ નહિ, પણ ક્ષુદ્ર લેખકોની મિથ્યા પ્રવૃત્તિ ક્ષીણ થવાનો પણ માર્ગ થઇ આવશે એમ આશા છે. યુનિવર્સિટીમાં વર્નાક્યુલરને દાખલ કરવાનો પ્રયાસ ચાલે છે તે સમયે આવા વિવેકની પૂર્ણ અપેક્ષા છે. ભાલણ, નૃસિંહ, અખો આદિ ગૂજરાતના આદિ કવિઓનાં કવન તો સર્વમાન્ય સુપ્રસિદ્ધ છે, તેમના વિષે અત્ર ચર્ચા કરવાનો ઉદ્દેશ નથી. પ્રેમાનંદ, શામલ, આદિ મધ્યકાલના કવિઓ વિષે પણ વધારે કહેવા જેવું નથી. એ બધામાંથી જે વાત સિદ્ધ થાય છે તે એ છે કે એ સમયે (૧) કાવ્ય લખવાનો પ્રચાર વધારે હતો, અને (૨) ગદ્ય લેખનનો જોઈએ તેવો આવિર્ભાવ થયો ન હતો. પ્રેમાનંદના સમયમાં કાવ્યપદ્ધતિ અતિસુંદર સુરસભાવને પામી છે એ સર્વમાન્ય સુવિદિત વાત છે, અને તેણે રચેલાં એક બે નાટક વિના અન્ય પ્રકારનું ગદ્યલેખન પ્રાચીન કવિઓને હાથે થયું નથી એ પણ નિર્વિવાદ છે. જૈન કવિઓનાં કેટલાંક અપભ્રંશમય ગદ્ય લેખન મળી આવે છે, પણ તે હાલ જે ગદ્યલેખન ચાલે છે તેના ઇતિહાસ વિના અન્ય ઉપયોગમાં આવે તેવાં નથી. આપણા સાહિત્યનો ભૂતકાલ ત્યારે સારો વિશાલ અને વિપુલ છે. સંસ્કૃતપદ્ધતિ એજ તેમાં સર્વથા નિયામક છે; સંસ્કૃત કાવ્યો, સંસ્કૃત ગદ્ય, એ સર્વનું તેમાં અનુકરણ છે સંસ્કૃતનાં ભાષાન્તરોથી તે ભરપૂર છે, અને સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા બંધાતી ગૂજરાતી ભાષાના ઇતિહાસનું પણ તેમાં દર્શન છે. એ સમયને સંસ્કૃત સમય એવું નામ આપણે આપીશું, અને તેનો અવધિ પ્રેમાનંદ અને શામલ સુધી બાંધીશું. એ સમયના લેખકોએ કવિતા વાર્તા ઇત્યાદિ દ્વારા જનસમાજને સામાન્ય નીતિનો બોધ આપવા પ્રયાસ કર્યો છે; જો કે એમાં પણ પ્રેમાનંદ કે ભાલણની ઉત્તમ પ્રતિભાનાં સુરસફલ નથી મળતાં એમ નથી; કે અખા અને નૃસિંહ જેવાનાં જ્ઞાનવિચારમય તત્ત્વનિરૂપણ નથી સંભળાતાં એમ નથી. તથાપિ તે સમય પ્રાધાન્ય સામન્ય નીતિ અને પ્રાચીન શાસ્ત્રાનુસાર પદ્ધતિનેજ અનુસરતો હતો એમ કહેવામાં બાધ નથી. એ સમય વીતવાની લગભગમાં અને મુસલમાની રાજ્યના અંધકારની અવધિમાં અંગરેજ સરકારને અને પાશ્ચાત્ય સંસર્ગોને આ૫ણા લોકને પરિચય થવા લાગ્યો. અમદાવાદમાં સર અલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સે ગૂજરાતના ઇતિહાસ માટે ઉપકરણ શોધવા માંડ્યાં, અને ગૂજરાત વર્નાક્યુલરસોસાઇટી ગૂજરાતી ભાષાના ઉત્તેજનાર્થે સ્થાપી. મુંબઇમાં પાશ્ચાત્ય વિદ્યાના તાજા અનુયાયીઓએ પણ બુદ્ધિવર્ધક સભા તેના તેજ ઉદ્દેશથી સ્થાપી. ઉભયે મંડલે પોતપોતાનાં કાર્ય કરવા માંડ્યાં, ભાષણો આપવાં, ગ્રંથ લખવા, કવિતાઓ કરાવવી. એજ સમયમાં શાલા ખાતાનો સરકારે વિસ્તાર કર્યો, તે માટે પણ પુસ્તકોની યોજના કરવાની હતી; અને એ કામ પણ પાશ્ચાત્ય ધોરણોને અનુસારે પૂર્ણ કરવાનું હતું. કેમકે નવીન શિક્ષણપદ્ધતિના અનુકરણ કરવા યોગ્ય ગ્રંથો તે પદ્ધતિથીજ અને અંગરેજીમાંજ લખાયેલા હતા. વઢવાણનો એક બ્રાહ્મણ પ્રાચીન પદ્ધતિથી હિંદીભાષામાં કવિતા કરવાનું શીખ્યો હતો, અને સારી પ્રાસાનુપ્રાસવાળી પ્રાસાદિક વાણી ઉચારતો હતો. તેને અમદાવાદની સભાએ પોતાના કવિસ્થાને નિયુક્ત કર્યો. એજ આપણા લોકપ્રિય કવીશ્વર દલપતરામ. આણી પાસા મુંબઇમાં એવો કોઇ નોકર કવિ રાખવાની સગવડ નહોતી, પરંતુ પાશ્ચાત્ય વિદ્યાના સંસ્કારો પામી અનેક ઉત્કટ તરંગે ઉછળતો, ગૂર્જર સાહિત્યમાં અનેક નવીન પદ્ધતિને દાખલ કરવા આતુર, એેવો એક સાહસિક નાગરવીર સુરતમાં ગર્જના કરી રહ્યો હતો, તેણે મુંબઇની બુદ્ધિવર્ધક સભાના કવિનું સ્થાન સ્વીકાર્યું, એજ આપણા વીર કવિવર નર્મદાશંકર. આણી પાસા રા. સા. મહીપતરામ રા. સા. મોહનલાલ અને તેમના હાથ નીચે કેળવાયલા અને પાછળથી તેમનું અનુકરણ કરનારા રા. લાલશંકર, હરગોવનદાસ, વગેરેની એક મંડળી કવિ દલપતરામને મોખરે કરીને કામ કરવા લાગી. પેલી પાસા રા. કરસનદાસ, ગીરધરલાલ, નગીનદાસ, વગેરેની એક મંડળી કવિ નર્મદાશંકરને મોખરે કરીને કામ ચલાવવા લાગી. આ બે મંડલોથી તટસ્થ પણ એજ સમયને અનુસરનાર એક તૃતીય મંડલ પણ હતું; જો કે તેની અસર એ સમયમાં વધારે જણાઈ નથી. એ મંડલ રા. મનઃસુખરામ, જવેરલાલ, રણછોડભાઇ, એ આદિનું હતું. અમદાવાદી, સુરતી, અને ચરોતરીઆ, એવાં ત્રણ મંડલ આ પ્રકારે થયાં હતાં; એમનાં વિશેષ નામ હજી એમનાં સ્વરૂપનો વિચાર કરીને આપણે પાડીશું. આ સમય પાશ્ચાત્ય કેળવણી તાજે તાજી આપણા દેશમાં આવી તે હતો. દા. વીલ્સન જેવા લોકપ્રિય વિદ્વાન્ પાદરીઓના સમાગમો ઘણા નિકટ થયા હતા, અને પાશ્ચાત્ય વિચારપદ્ધતિને અનુસરનારાજ વિદ્વાન, ડાહ્યા, અને વિચરવાન્ ગણાતા હતા એટલુંજ નહિ, પણ તેમનેજ સરકારથી પણ સારા સારા હોદ્દા અને સારી સારી પદવીઓ મળતી હતી. સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ આગળના મુસલમાની વખતથીજ બંધ પડી જઇ, ખુણે ખોચરે દટાઇ રહેલો હતો, એટલે આવા નવીન સંસર્ગોમાં આવી પડેલા આપણા અગ્રણીઓને પાશ્ચાત્ય ૫દ્ધતિને મુકાબલે વિચારવા જેવો કોઇ પણ વિષય હતો નહિ. એ વાત ખાસ લક્ષમાં આવે એવી છે કે જે ત્રણે મંડલ કહ્યાં તેમના પ્રત્યેક ગૃહસ્થમાંનો એક સારો સંસ્કૃતજ્ઞ પંડિત નથી, અને તૃતીય મંડલવાળાએ પાછળથી એ વિદ્યાનો કાંઈક સંસ્કાર પ્રાપ્ત કર્યો છે એટલે તેમને બાતલ કરતાં, બાકીનાં બે મંડલમાં તો બે અગ્રણી કવિઓને પોતાના સાહિત્યપુરતો જે સંસ્કાર હોય તે વિના કોઇને સંસ્કૃતનો સ્પર્શ પણ હતો નહિ. પ્રાચીન વિચારોમાંનું જે કાંઇ આ વિદ્વાનોના આગળ હતું તે મુસલમાન સમયના અંધકારમાં થઇને આવેલું હતું; કેવલ વહેમ, અધમતા, બ્રાહ્મણોના નિરક્ષર ગોરપદાનો ત્રાસ, નાતજાતનાં બંધનની મહોટી વિપત્તિ, લગ્નાદિ ઉચ્ચ ભાવનાની અધમસ્થિતિ, એ રૂપે તેમને પ્રાચીન મહત્તા દેખાતી હતી. સ્વાભાવિકજ છે કે આ વિદ્વાનોએ બધી પ્રાચીન વાતને તિરસ્કારયોગ્ય ગણી અને અર્વાચીન પાશ્ચાત્યવાતમાત્રને સ્તુતિપાત્ર માની. પુનર્લગ્ન, જ્ઞાતિબંધનાભાવ, વિદ્યાવૃદ્વિ, એક ઇશ્વરની ભક્તિ, મૂર્તિપુજાખંડન, ઉદ્યોગનું પ્રાધાન્ય, અ આદિ નવીન વિષયો ઉપર તેમની કલમ વારંવાર કસાયેલી છે; તેમના લેખ એજ વિષયોથી ભરપૂર છે. આ તો તેમના વિચાર વિષે વાત થઇ; તેમના લખાણ વિષે હવે વિચાર કરીએ. ગૂજરાતી ભાષામાંજ તેમણે સર્વે એ લખાણ કરેલાં છે, પરંતુ મુંબઇ અને અમદાવાદ એ બે મંડલોની ભાષામાં પણ અંતર છે. મુંબાઈવાળાના વિચારો કેવલ પાશ્ચાત્ય વિચારમય હતા, અમદાવાદવાળાના વિચાર પણ તેવાજ છતાં “સજન સમજાવજોરે ધીમે ધીમે સુધારોના સાર” એવા તેમના અગ્રણી કવિના સૂત્રને અનુસરતા હતા. મુંબઇવાળા ઉદ્ધત, અમદાવાદવાળા વ્યાવહારિક લેખકો હતા. ઉભયે સંસ્કૃતજ્ઞ ન હતા, તેથી શુદ્ધ ગૂર્જરગિરા લખવામાં વિજયી નીવડ્યા નથી. તથાપિ ઉદ્ધત લેખકોએ તે ભાષાની જે સેવા કરી છે તે સેવા વ્યાવહારિક લેખકોથી થઇ નથી એમ કહ્યા વિના ચાલે એમ નથી. ઉદ્ધત વર્ગવાળાના મનમાં અમુક અમુક ભાવનાઓ હતી; ઉત્તમ કાવ્ય કેવું થાય, ઉત્તમ લખાણ કેવું થાય, ઉત્તમ સંસાર કેવો થાય, ઉત્તમ રાજ્ય કેવું થાય, એવી ઉત્તમતાની ભાવના ઉપર તેમનું લક્ષ રહેતું હતું. એ ભાવનાને તે લોકો આપણા સંસારની તે વખતની અધમ સ્થિતિમાં દેખતા ન હતા, હવે પછીથી જે નવો સંસાર તે ઉપજાવવા ઇચ્છતા હતા, તેમાં તેમને તેનું દર્શન થતું હતું. વ્યાવહરિક વગવાળા તો વ્યવહારમાંજ પોતાની ભાવનાને સિદ્ધ કરતા હતા, ચાલતા વ્યવહારથી છૂટા ન પડતાં ધીમે ધીમે એમાંથીજ કાંઇક કરાય તો કરવું એ તેમની વ્યાવહારિક દૃષ્ટિ હતી. આમ હોવાથી વિચારમાં તર્ક વિતર્કનો ચમત્કાર, ભાષામાં હૃદયને હરી લે તેવું જોર, કાવ્યમાં રોમાંચ ઉપજાવે તેવી ભવ્યતા વ્યાવહારિક લેખકો સાધી નજ શકે; અને નથી સાધી શક્યા એ નિર્વિવાદ છે. જ્યારે ઉદ્ધત લેખકો અમારા વિચારને કોઇએક જણ પણ સમજીને ગ્રહણ કરશે તો પૂર્ણ છે એવા લક્ષથી પોતાના લેખને દોરતા હતા, ત્યારે વ્યાવહારિક લેખકો સર્વને સમજાય તેવા લેખ લખવાનો યત્ન કરતા હતા. અમારા વાચક, કવિઓ, પંડિત, સુધારકો વિચારકો હોવા જોઇએ એમ ઉદ્ધત લેખકોની વાંછના હતી, ત્યારે વ્યાવહારિક વર્ગવાળાની વાંછના મહેતાજીઓ, નિશાળીઆઓ, દુકાનદારો, અને ખેડુતો અમારા વાચક થાય એવી હતી. સ્પષ્ટજ છે કે ગદ્ય લખાણની પદ્ધતિ જે બલથી ઉત્તમતા પ્રાપ્ત કરે છે તે ઉપજાવવાનું સામર્થ્ય વ્યાવહારિક પદ્ધત્તિવાળાને ન હોઇ શકે; તેને ઉપજાવવાનું માન તે ઉદ્ધત પદ્ધતિનો પ્રથમાગ્રણી નર્મદાશંકરજ લેઈ ગયો. દુકાનદારો અને ખેડુતોનીગદ્યરચનામાંથી ઉત્તમ ગદ્ય ઉદ્ભવતું નથી, મહેતાજીઓ નિશાળમાં સમજી કે સમજાવી શકે તેવી કવિતાઓનાં જોડકણાંમાંથી કાવ્ય ઉપજતું નથી. ફલ પણ સર્વના આગલ સુવિદિત છે. નર્મગદ્ય, કરણઘેલો, નર્મકવિતા તથા ગિરધરલાલ અને કરસનદાસના છુટક લેખ તેની સામે વનરાજ ચાવડા, ગર્ધવસેન, કે દલપતકાવ્ય, ટકી શકે એમ નથીજ. એકમાં અપૂર્ણ પણ ભવ્ય ઉત્તમતાનાં દૃષ્ટાન્ત ઉપરની નજર વાચકને આનંદ સાથે નૂતન સુવાસવાળા વિચારમાં અને નૂતન ભાષાના પ્રમોદકારક જોસમાં તાણી ઘસડી જાય છે, ત્યારે બીજામાં ખેડુતો અને દુકાનદારોના વેપારની ગંધ આવે છે, સાંકડા અને ક્ષુદ્ર વિચારથી વાચકના મનને ઘણી મુઝવણ થાય છે. મુંબઇના ઉત્તમ વિચાર સંસર્ગોમાં રહેનાર ઉદ્ધત વર્ગના વિચાર ઉત્તમ, અને તદનુસાર ભાષા પણ તેમની શક્તિ પ્રમાણે ઉત્તમ; અમદાવાદના વ્યાવહારિક સંસર્ગવાળાના વિચાર પણ વેપારશાઇ તેમ ભાષાપણ વાણીઆના ચોપડામાં લખવાજેવી. વાસ્તવિક વાત એવી છે કે અમદાવાદ સુધી હજી વિદ્યાનો પ્રકાશજ પહોચ્યો ન હતો. અમદાવાદી મંડલવાળા પણ બધાએ સુરત તરફનાજ છે, પણ તેમના ધોરણમાં માત્ર ફેર છે. અમદાવાદ તરફથી વિદ્યાનો ખરો પક્ષ તો અમદાવાદ અને નડીઆદના હાલના વિદ્વાનોથી બંધાયો છે. આ ઉભય પદ્ધતિમાં સાર નથી એમ કહેવાનું તાત્પર્ય નથી. જેમ ઉત્તમ વર્ગ માટેજ વિચાર અને લખાણ કરનાર, લોકને દોરી શકે તેવા પોતા જેવા નિયંતાઓ ઉપજાવવા માટે પ્રયત્ન કરવા ઇચ્છે છે’ તેમ હલકા વર્ગને માટે વિચાર અને લખાણ કરનાર મૂલથીજ સુધારણાનાં બીજ રોપવા ઈચ્છે છે, પરંતુ અમને એમ લાગે છે કે લોક તો ગતાનુગતિક છે, માટે ઉત્તમ દૃષ્ટાન્ત ઉત્પન્ન કરવાની નીતિજ વિજયવતી છે. પરંતુ એ વાતનો વિચાર બાજુ ઉપર રાખતાં ભાષાને પ્રથમ નવીન સ્વરૂપ આપવાનું તથા ગુજરાતમાં કેળવણીનાં બીજ રોપવાનું ઉત્તમ માન આ ઉભય પક્ષના અનુયાયીઓને અસંકુચિત હૃદયથી સર્વ દેશહિતૈષીએ આપવું જોઇએ એ વાત નિર્વિવાદ છે. આપણા નવીન સાહિત્યના મૂલ સ્થાપકોએ જે બે પદ્ધતિ ચલાવી તે કરતાં કાંઇક વિલક્ષણ પદ્ધતિ સુરતનો એક નાગર સાક્ષર રાજકોટમાં રહ્યે રહ્યે રચ્યાં કરતો હતો. રા. સા. નવલરામ સુધારક ન હતા એમ નથી, પરંતુ તેમના વિચાર છેક પાશ્ચાત્ય સુધારણા ઉપર જવાના હોય એમ પ્રમાણ મળ્યું નથી; અને તેમને પ્રાચીન સાથે અર્વાચીન સાહિત્યનો સારો સંસ્કાર હોવાથી ઉત્તમ વિચારપદ્ધતિ અને ઊત્તમ ગદ્ય તથા પદ્ય શાને કહેવાય તે ઊપર તેમણે મુખ્ય લક્ષ આપ્યું છે એમ જણાય છે. એ પંડિતે એક વિવેચક વર્ગ (Critical school) ઉભો કરવાનો યત્ન ચલાવ્યો હતો, જે ઉક્ત ઉભયના કરતાં ભિન્ન હોઇ, ઉભયના ગુણદોષને, ઉત્તમ લેખનના દૃષ્ટિબિંદુએ રહી, બતાવી આપવા એટલામાંજ પર્યાપ્તિ માનતો હતો. દુર્ભાગ્યે એ લેખકના મરણથી ગૂર્જર સાહિત્યમાં જે ખોટ પડી છે તે હજી પૂરાઇ નથી; જો એ યત્ન ચાલતો રહ્યો હોત તો ભાષાના સાહિત્યને અતુલ લાભ થવાનો સંભવ હતો. પરંતુ જે તૃતીયવર્ગવિષે આપણે સૂચનમાત્ર કર્યું છે તે યદ્યપિ આ સમયમાં વિદ્યમાન હતો તથાપિ તેના વિચાર અને તેનું મન આ સમયના અગ્રણીઓની સાથે ન હતું. રા. રણછોડભાઇએ યદ્યપિ સંસારસુધારણાના ઉદ્દેષથી કેટલાંક સારાં નાટકો લખી ગૂર્જર નાટકકારમાં પ્રથમ હોવાનું માન પ્રાપ્ત કર્યું તથાપિ રા. જવેરીલાલ અને મનઃસુખરામ સમયપ્રતીક્ષા કર્યા કરતા હતા, અને એકે મનુસ્મૃતિના ભાષાન્તરથી, તો બીજાએ અસ્તોદય આદિ નિબંધથી પોતાની ખરી આંતરવૃત્તિનું તે સમયમાં પણ દર્શન કરાવ્યું હતું. સંસ્કૃત વિદ્યાના અભ્યાસમાંથી આ દેશને અતુલ લાભ થશે, પ્રાચીન પદ્ધતિનું જ્ઞાન થતાં નવીન પદ્ધતિનો અનાદર થશે, અને પ્રાચીન પદ્ધતિમાં કાંઇ ફેરફાર કરવા જેવો હશે તોપણ તે પ્રાચીન પદ્ધતિને અવલંબીને ઠીક થશે, એમ તે પક્ષવાળાની ગણના હોય એવું તેમના લેખમાંથી સમજાય છે. આવા વિચારોથી તે મંડલવાળાએ પોતપોતાનો સંસ્કૃત અભ્યાસ વધાર્યો, અને તેમને પ્રાચીનપદ્ધતિ ઉપરજ દૃઢ આસ્તા થઈ. રા. જવેરલાલ યદ્યપિ રાજકીય લેખક રૂપે આ પક્ષથી ભિન્ન થઇ ગયા, તથાપિ એમ માનવાને કારણ છે કે તેમના વિચાર ને પક્ષથી જુદા થયા નથી. સ્વ. મનઃસુખરામે પ્રાચીનતા ઉપરનો પોતાનો ભાવ એટલે સુધી લંબાવ્યો કે જેટલી પ્રાચીન રીતિકૃતિ વિચારપદ્ધતિ આદિ છે તે સારી છે એટલું જ નહિ પણ ભાષામાંએ સંસ્કૃત વિના અન્ય શબ્દપ્રયોગ કરવો એ આપણા ઇતિહાસને ભુલી જઇ અનાર્યત્વમાં પડવાનો માર્ગ કરવા સરખું છે. ભાષા સંબંધીના આ વિચારમાં તે તેમના આખા પક્ષથી આગળ વધી ગયા છે એમ કહેવું જોઇએ, અને યદ્યપિ ભવિષ્યમાં તે વિચાર કેવો માન્ય થાય છે એ જોવાનું છે. તથાપિ વર્તમાનમાં તો તેમનું એટલા અંશમાં એમણે ધારેલી સીમા સુધી, કોઇ સપ્રમાણ લેખકે અનુકરણ કર્યું જણાતું નથી. એ વાત હવણાંજ ચર્ચાશે. રા. મનઃસુખરામના અગ્રણીપણાવાળા આ પક્ષને આપણે પ્રાચીન પક્ષ એ નામ આપીશું. પ્રાચીન પક્ષની જે આશા કે સંસ્કૃત અભ્યાસની વૃદ્ધિ થવાથી વિચાર અને ભાષામાં ઘણો ફેરફાર થઇ જશે તે રા. મનઃસુખરામ પોતાના જીવતાંજ સફલ થયેલી જોવાને ભાગ્યશાલી થયા છે. ઉદ્ધત પક્ષના અગ્રણી કવિ નર્મદાશંકરે છેક મરણ સમયે તે વાતની સત્યતા સ્વીકારી છે, અને એ પક્ષના જે અનુયાયીઓ હાલ જીવે છે તેમાંના ઘણાક સ્વપક્ષપરિત્યાગ કરી પ્રાચીન પક્ષમાં આવ્યા છે. આ પક્ષવાળાએ વાદપદ્ધતિને પ્રાધાન્ય આપ્યું છે, અને લેખનપદ્ધતિમાં જેમ સંસ્કૃતમય ભાષા દાખલ કરી છે, તેમ વિચારમાં પૂર્વોત્તર પક્ષ સ્વીકારી પ્રત્યેક વાતનું વિલોકન કરવાની, ઊદ્ધત પક્ષવાળાના જેવી પણ તેમના કરતાં વધારે શાન્ત, ગંભીર, અને સયુક્તિક રીતિ પ્રકટ કરી છે. આટલે સુધી તો ઉદ્ધત, વ્યાવહારિક, વિવેચક, પ્રાચીન, એ ચાર પદ્ધતિનાં સ્વરૂપ અને ફલ અમે દર્શાવ્યાં. એ ચાર પદ્ધતિ અદ્યાપિ થોડી ઘણી વિદ્યમાન છે; જો કે એમાંથી ઉદ્ધત અને વિવેચક પદ્ધતિનો મુખ્ય રૂપે ઉચ્છેદ થયો છે એમ કહેવામાં બાધ નથી. મુખ્ય રૂપે એમ કહેવાનું કારણ છે કેમકે ઉદ્ધત પદ્ધતિની જે વિચારપદ્ધતિ તેને, તથા વિવેચકપદ્ધતિની સાહિત્યમાત્રનીજ ઉત્તમ ભાવનાને અવલંબી વિવેક કરવાની રીતિને, અનુસરનાર હાલમાં એક પાંચમો પક્ષ ઉદ્ભવ્યો છે જેને અમે યથાર્થપક્ષ એ નામ આપવું ધાર્યું છે. વ્યાવહારિક પક્ષ અને પ્રાચીન પક્ષમાંનો વ્યાવહારિક પક્ષ અનેક ક્ષુદ્ર લેખકો જેના વિષે આપણે આરંભેજ ફરીઆદ કરી તેમના શરીરમાં જીવતો છે એવા ક્ષુદ્ર લેખકો એ પક્ષના અનુકરણથી ઉદ્ભવ્યા એજ એ પક્ષની નિઃસારતાનું એક પ્રમાણ છે. એ પક્ષવાળાએ લેખનને એક વ્યાપારતુલ્ય, ઊદરપોષણના સાધન તુલ્ય કરી નાખ્યું છે. એમના વિચાર પ્રમાણે કોઇ પણ માણસ લેખક ન થઇ શકે એમ નથી. પ્રાચીન પક્ષની ભાષાનું કાંઇક અંશે યથાર્થપક્ષવાળા અનુકરણ કરે છે. પરંતુ “અલ્પસાર અને બહુ વિસ્તાર” એ પદ્ધતિને અનુસરનાર શબ્દ પંડિતો આજ કાલ કેટલાક નીકળ્યા છે, જેમના શરીરમાં એ પક્ષ તેના ક્ષુદ્રરૂપે છે. જીવતો ગણાય ખરો. જે ચાર પક્ષ કહ્યા તેમાંથી સહજે અનુકરણ થઈ શકે તેવો વ્યવહારપક્ષ છે; એ પક્ષનું અનુકરણ કરનારા પણ ઘણા થયેલા છે, અને તેજ આજકાલ આપણને નિર્વેદ ઉપજાવનાર ગ્રંથોના ને કાવ્યોના લખનારા પેદા કરે છે એમ પણ ખેદપૂર્વક કહેવું પડે છે. એ ૫ક્ષના મૂલ સ્થાપકોમાં જે શુદ્ધ વિદ્યાભિલાષ હતો તે તેમના અનુકરણ કરનારમાં જણાતો નથી, એટલે વ્યવહારપક્ષની શિથિલ લેખનપદ્ધતિ આ અનુકરણ કરનારાઓના હાથમાં વધારે શિથિલ અને ઉપહાસાસ્પદ થઇ પડે છે. ગદ્યમાં પણ લખતાં કોઇને વાચવાની રુચિ ન થાય એવી પ્રાસાનુપ્રાસ મેળવેલી કડીઓને કાવ્ય ઠરાવી મહોટા ગ્રંથના ગ્રંથ ભરી અનેક કવિઓ ગુજરાતમાં આજકાલ ફરતા ફરે છે. જેમાં શુદ્ધ વિચારના તત્ત્વનો એક છાંટો પણ નહિ, કેવલ અમુક મરોડવાળાં વાક્યમાત્રની, કે ગદ્ય રચવામાં પણ તડ-ફડ-વડ-લડ એવા કોઇ વર્ણસાદૃશ્યના ચમત્કારની, યુક્તિ પ્રયુક્તિને નિબંધ-નાટક-કથા-કાદંબરી-શિક્ષા-ઉપદેશ-ગમે તે નામ આપતા ગ્રંથકારોનો વર્ગ પણ નાનો નથી, આવા ક્ષુદ્ર લેખકોનેજ વ્યવહારપક્ષના મૂલ સ્થાપનારાઓ ઉત્તેજન આપે છે. કેમકે તે પક્ષના અગ્રણીઓની પોતાની શક્તિ તેટલુંજ સમજવા જેટલી છે. અને તેથી વધારે સારૂં કેવું હોઈ શકે તેનો તેમને ખ્યાલ પણ નથી. વળી માણસની સ્વાભાવિક સ્વપરાયણ વૃત્તિ અનુસાર પોતાના માર્ગનું ઇતરજનો અનુકરણ કરે તે જોઇને પણ માણસને અમુક પ્રકારનો સંતોષ થાય છે, જેને આધીન થઇને પણ વ્યવહારપક્ષના અગ્રણીઓ પોતાને આવા અનુકરણ કરનારાઓના દેવરૂપે થયેલા જોઈ પોતે પરમ પાંડિત્યને પામી ચુક્યા છે એમ માની, તેવો વ્યવહાર પણ કરતા ચાલે છે, અને ગમે તેના ઉપર અભિપ્રાય આપતાં પાછા હઠતા નથી. તેમને ગુર્જર ભાષાના નવીન રૂપના મૂલ સ્થાપનારનું માન આપવામાં આવે છે તેટલાથી તે સંતોષ માની રહેતા નથી એટલાજ માટે અમારે તેમને તેમના સ્વરૂપનું ભાન કરાવવાના નિષ્પક્ષપાત વિવેચનમાં જે કાંઇ કહેવું પડે તે ક્ષન્તવ્ય ગણાવું જોઇએ. અમારી ફરજ એજ અમારો બચાવ છે. ત્યારે કહેવા દો કે તેમના અભિપ્રાયનું સુત્ર જ્યાં જુઓ ત્યાં એકનું એકજ છે. ગમે તે વિષય હો, ગમે તો રશાયનશાસ્ત્રનો વિષય હો કે અદ્વૈતનો વિષય હો, ગમે તો કાવ્યનો વિષય હો કે કથાનો વિષય હોય, ગમેતો સંગીતનો વિષય હો કે ખેતીનો વિષય હો, —પણ વ્યવહાર પક્ષવાળાને તો બધાએ સરખા છે. જો તેમની પોતાની અક્કલમાં વાત ઉતરી શકી તો લેખ સારો, તેમની સમજણમાં ન ઉતરી તો લેખ ખોટો, અને તેનું કારણ એટલું જ કે “ભાષા બહુ કઠણ લાગે છે!!” આ પંડિતો એમજ માની બેઠા છે કે પોતે પણ લેખક, બીજા પણ લેખકઃ પોતે ગૂજરાતી ભાષાના જ્ઞાતા, બીજા પણ તેજ ભાષાના જ્ઞાતા; પોતે વિચાર કરનાર, બીજા પણ વિચાર કરનાર;—તો જગતમાં એવા વિચાર કે એવી ભાષા હોયજ નહિ કે ગૂજરાતી લિપિથી લખી નાખે એટલે અમારા સમજવામાં આવે નહિ. વિષય ગમે તેવો હોય, પણ ગૂજરાતી ભાષામાં લખ્યો છે ત્યારે અમે ન સમજી શકીએ એવું બને જ કેમ? આવી ભ્રમિત અહંકારબુદ્ધિ તેમના વ્યાવહારિક પાંડિત્યે તેમના મનમાં ઘાલી દીધી છે, અને તેમને દુનીયામાં જે જે સારી વાત હોય તે પોતાની જાતના ધોરણથી, પોતાની વિદ્વત્તાની સરખાવટથી, સારી ખોટી કહેવાની ટેવ પડી છે. ઉત્તમમાં ઉત્તમ લેખક તે પોતે, પછી બીજા જે સારા કહેવાતા હોય તે ગમે તેટલા સારા પણ પોતાના પછી, ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ ગર્ધવસેન કે વનરાજ ચાવડો એ તેમના વિચારનું અધમ ધોરણ છે. પોતાને જે વાત લખતાં કે વિચારતાં છ માસ લાગે તે વાત કોઈ એકમાસમાં લખી કે વિચારી લાવે તો તેવા લખનાર કે વિચારનારની ઉત્તમ શક્તિનો સ્વીકાર કરવાને બદલે એવા લેખક કે વિચારકે તો અમુક ઉતાવળ કરી, અમુક શબ્દો ભારે નાખ્યા, અમુક મુકી દીધું. ઇત્યાદિ દોષ કલ્પીનેજ તે લોકોને પોતાના મનને સંતોષ મનાવતા અમે પ્રત્યક્ષ જોયા છે. એમને તો બધી વાતમાં “ભાષા” એજ મુખ્ય વાત થઇ પડી છે. “દેશી” “સાદી” “ઘરગતુ” “તળબદી” એવી ભાષા, એજ પાંડિત્યનો સાર છે, એમ તેમનું માનવું છે; ને એ માનવાએજ આપણા ગુજરાતમાં વ્યર્થ લેખકોનો ઉભરાટ વધારી દેઇ, વાચકવર્ગને ભ્રમણમાં નાખી, વિચારબલને ક્ષીણ પાડી દીધું છે, એમ અમે માનીએ છીએ. વિચાર કઠિન હોય, મગજમાં સહેજે ન ઉતરે તેવો પણ હોય, અમુક વિચારે પહોચવા માટે અમુક અધિકાર પ્રાપ્ત કરવો જોઇએ, એ વાત ઉપર તો તે લોકો લક્ષજ આપતા નથી. એતો એમજ માને છે કે વિચાર ગમે તે હો, પણ સાદી “તળબદી” ભાષામાં કેમ ના લખાય? ગમે તે વિચારને પણ સાદામાં સાદી ઘરમાં વપરાતી ભાષામાં લખી શકાય તો તે અવશ્ય ઘણી જ ઇષ્ટ અને ઘણીજ સુભાગ્યની વાત છે, પણ આખી દુનીયાંના ઇતિહાસમાં અદ્યપિ એવો લેખક ઉત્પન્ન થયો હોય એવું અમારા જાણવામાં તો નથી. એમ હોઇ પણ ન શકે. એમ કહેવાનું તાત્પર્ય શું નીકળે છે તે વિચારો. એમ કહેનારા એમ કહેવા ઇચ્છે છે કે લખાણને વાચતા બરાબર તે લખાણમાંનો અર્થ મનમાં આવવો જોઇએ; અટલે કે લખાણને વાચ્યું અને શબ્દબોધ થયો તેની વચમાં બીજો કશો વ્યાપાર ના જોઇએે; એટલે કે આખું ન્યાયશસ્ત્ર (Logic) જે દીઠેલા સાંભળેલા શબ્દાદિનો શો અર્થ શા પ્રકારે માનવો તે માટેજ રચાયલું છે તેની વચમાં જરૂર જ નથી, કેમકે જ્ઞાનમાત્ર સાક્ષાત્ થઈ જવું જોઇએ;— સાદી રીતે બોલીએ તો, લખનારે જે વિચાર લખ્યા હોય તેમને વાચનારે વિચાર કરીને મનમાં ઉતારવા એટલી વાચનારને જે તસ્દી પડે તે પણ ન પડવા દેવી, અને વાચનારને જે વિચાર કરવાનો તે પણ લખનારે લખતી વખતે લખવાના શબ્દોમાંજ કરી આપવો જોઇએ. શબ્દ અને તદ્ગત અર્થ એ બે વચ્ચેનો ભેદજ કાઢી નાંખવો જોઇએ કે જેથી વાચનારને શબ્દનો વિચાર કરીને અર્થ ગ્રહવો પડે છે તે મહેનત ન પડે;—એમ વ્યવહારપક્ષના પંડિતો કહેવા ઇચ્છે છે. કાલિદાસ કવિ અને કાલિદાસનાં વાસણ અજવાળનાર નોકર, ન્યુટન અને તેના લખાણના કાગળો ઉપર દીવાના કોડીઆને ઉઘું વાળી તે કાગળોને બાળી નાખનાર તેને કૂતરો ડાયમન્ડ, શંકરાચાર્ય અને “ડુકૃઝ” કરણે ગોખનારો મણિકર્ણિકાના ઘાટ ઉપર બેઠેલો બ્રાહ્મણ, તેમને, રસ–Gravitation—અદ્વૈત—અભેદ—ઇત્યાદિ સર્વે વાતો ભાષાદ્વારા લખવામાં આવી એટલે સરખી રીતે વગર પ્રયાસે સમજાવી જોઇએ; અને એમાંના કોઇ પણ જો એમ કહે કે મારાથી અમુક તો સમજાતું નથી, તો તે સમજનારનો એમાં કાંઇ દોષ નહિ એ તો લખનારને લખતાં આવડ્યું નહિ!! કિંબહુના. ભણવા ભણાવવાનો શ્રમ પણ હવે લેવાનો નથી, કેમકે વાચતાં બરાબર સમજાય એવી રીતે લખાણ લખવાનું છે, એટલે ભણાવવું શું રહ્યું? માત્ર ભાષા ભણાવવાની,—અથવા ભાષા પણ નહિ, કેમકે ભાષા એટલે અમુક શબ્દથી અમુક જ્ઞાન થાય એતો નિરક્ષરમાં નિરક્ષર ગામડીઆને પણ લોકરૂઢિથીજ હોય છે;—ભણાવવાનું એટલુંજ કે અક્ષરોનાં સ્વરૂપ ઓળખવાં અને લખતાં વાંચતાં શીખવું! એ કરતાં આગળ જઇને મહોટી પાઠશાલા, ને કોલેજોમાં જવાનું કાંઇ કારણજ નહિ;—કદાપિ એકાદ ગુજરાતી કોલેજ કાઢી હોય, ને સાધારણ એટલે કે આ પંડિતોનાં રચેલાં ધોરણથી ચાલતી નિશાળોમાં એકલા ગુજરાતી અક્ષર ઓળખવાનું શીખવાય છે, તો પેલી કોલેજમાં ગૂજરાતી. સંસ્કૃત, મરાઠી, ફારશી, બધા અક્ષર ઓળખવાનું શીખવાય એટલે માણસ મહોટું સર્વવિદ્યા જાણ સર્વજ્ઞ થાય, એવો અભિલાસ ખરો ખરો!!! “ભાષા” “ભાષા”—“તળબદી ભાષા”—એ બુમ પાડવામાં આ પંડિતોને પરિભાષા પણ ન જોઇએ. ગમે તે વિષય લખવો હોય તેની પરિભાષા વાપરવી નહિ. નજ વાપરવી, કેમકે ગૂજરાતી ભાષામાં લખવાનું એટલે ગૂજરાતી અક્ષરોથી લખાય તો ન સમજાય એવું થવાનુંજ નહિ! મહોટો ફીલોસોફીનો વિષય હોય તોપણ ચેતન, જડ, પ્રકૃતિ, આત્મા, અભેદ, ઇત્યાદિ શબ્દો વાપરવા નહિ, એવી રીતે લખવું કે એ શબ્દોના જે પારિભાષિક અર્થ તે લખાણમાંજ સમજાઈ જાય. આમ કહેવાનો અર્થ શો થયો એટલોજ કે તે તે શાસ્ત્રમાં આજ સુધીના પંડિતોએ જે વિચાર કર્યા હોય તે બધા ભુલી જવા, અને આપણે જો તે વિષયે લખવા બેઠાતો આપણેજ જાણે આજ તે વિષય નવો કાઢ્યો હોય તેવી ઢબથી લખવા માંડવું. આમ કરવું એ વાચકોની અક્કલને અપમાન આપવા બરાબર છે એતો ઠીકજ છે, પણ જગત્માં જે વિચાર ચાલી ગયા તેની સાથેનો સંબંધ જે પરિભાષાથી સચવાય છે તેને પણ ભુલી જઇને હજારો વર્ષથી મળેલા જ્ઞાનનો વારસો પાણીમાં ગુમાવી દેવો!! કરોડો રૂપીઆની પુંજી પાસે છતાં, વાપરવાની શક્તિ છતાં;—વાપરવાથી કરોડના દશ કરોડ કરવાની વૃત્તિ ન રાખતાં, પુંજી નથીજ એમ માનીને મજુરી કરવાથી આરંભ કરવો! કોઈને એમ લાગશે કે વ્યવહાર પક્ષવાળા છેક આવા અજ્ઞાન હશે નહિ, આતો તેમની એક રમુજ કરવાનોજ યત્ન કર્યો છે, પણ અમે પુનઃ ભલામણ કરીએ છીએ કે એમનું જે કોઇ પુસ્તક ઘણા ઉત્તમ વિચારના કે ભાષાના નમુનારૂપે કહેવાતું હોય તે કોઇ વિદ્વાને વિચારપૂર્વક વાચી જોવું; અન્ય વિદ્વાનો વિષે તે પક્ષવાળા જે અભિપ્રાયો દર્શાવે છે તે સાંભળવા કે વાચવા; એટલે અત્રે જે કાંઇ કહ્યું છે તેની ખાતરી થયાવિના રહેશે નહિ. અમને પોતાને તો એજ રીતે થઇ છે. એ લોકોએ પોતાના જ્ઞાનને સર્વ જ્ઞાનનું માપ માન્યું છે એજ ટુંકામાં તેમના મતનો નિષ્કર્ષ છે. જ્યારે એ મત આવો અસાર છે ત્યારે તેનો પ્રચાર આટલા બધા લેખકોમાં કેમ થાય છે એવી શંકા પણ કોઇને થશે, પણ તેનું ઉત્તર સહજ છે કે તે અસાર છે માટેજ સહજે પ્રચાર પામે છે. જેમાં કશો આયાસ નથી, જેમાં વધારે શ્રમ કરવાનો નથી, તે વાતનું અનુકરણ સહજે થાય છે એતો સ્વાભાવિક જ છે; પણ તેવા અનુકરણને પ્રમાણરૂપે ઠોકી બેસાડવામાંથી કેટલી હાનિ થાય છે તે ઉપર લક્ષ કરીને અમારે આટલું લખવું પડે છે. જેમ વ્યવહાર પક્ષનું અનુકરણ આવાં રૂપાન્તરોમાં રમી રહ્યું છે, તેમ પ્રાચીન પક્ષની ભાષામાત્રનું અનુકરણ પણ કેટલા જનો “અલ્પસાર અને બહુ વિસ્તાર” વાળા લેખોમાં કરી રહ્યા છે. તે બીચારા એમજ માને છે કે વક્તવ્ય ગમે તે હોય પણ સંસ્કૃત શબ્દો, સારી વાક્યરચના, સારુ શ્લેષાદિ ઉક્તિ વૈચિત્ર્ય, સાધારણ શબ્દોથી ચાલે ત્યાં પણ ચાવળા ચાવળા સંસ્કૃત શબ્દો અને ટુંકી વાક્ય રચનાને બદલે વિસ્તારવાળી રચના, ઇબારતમાં આણી શકાય તો વિચારની અલ્પતા ચાલી જશે. બાણની કાદંબરીનું ભાષાન્તર પ્રસિદ્ધ થયા પછી આ વાતની વધારે વૃદ્ધિ થઇ છે, અને વ્યવહારપક્ષ કરતાં ઉલટી ભુલમાં કેટલાક લોકો પડતા ચાલ્યા છે. એ લોકો એમના જેવી શૈલી ન હોય તે લેખને સારો ગણતા નથી. વિચારને બાજુએ રાખી, સંસ્કૃતમય ભાષાનેજ તે લોકો પણ પ્રાધાન્ય આપે છે, ને તેનેજ પાંડિત્યની નિશાની માને છે, તથાપિ ભાષાથી વિચાર પણ આવી જવા જોઇએ એવી વ્યવહારપક્ષના જેવી હાસ્યાસ્પદ ચૂક આ લોકો કરતા નથી, માત્ર અલ્પ વિચારને બહુ વિસ્તારથી ઢાંકવાની યોજના કરે છે, જે એની મેળેજ વાચકોની અરુચિ પ્રાપ્ત કરી ક્ષીણ થઇ જાય છે, એટલે તે વિષે વધારે કહેવાનું નથી. આ અનુકરણ કેટલાંક વિરલ પુસ્તકો તથા વર્તમાનપત્રોમાં જણાય છે. ઉદ્ધત, વ્યવહાર, પ્રાચીન, વિવેચક, એ ચારે પક્ષનો સારસાર ગ્રહણ કરી, વ્યવહાર પક્ષનાં અને પ્રાચીન પક્ષના ભાષાપાંડિત્યની વિરુદ્ધ હવણાં દશ પંદર વર્ષથી યથાર્થપક્ષ ઉદ્ભવેલો છે; વાસ્તવિક રીતે તેનો મૂલ બીજારોપક તે કવિ નર્મદાશંકરજ છે, ઉદ્ધત પક્ષવાળા વિચારને જે પ્રધાન્ય આપતા હતા તેનો તથા પ્રાચીનપક્ષાવાળાના વિચારપ્રાધાન્ય અને ભાષાપ્રાધાન્ય ઉભયનો, અને વિવેચકપક્ષના સાહિત્યભાવનાદિ પૂર્ણતાના વિચારનો, આ પક્ષે સ્વીકાર કરેલો છે; એટલુંજ નથી પણ વ્યવહાર પક્ષના, “ભાષાથીજ વિચાર દર્શાવી દેવાના” આગ્રહને તથા પ્રાચીન પક્ષના કેવલ સંસ્કૃતમયી ભાષા લખવી એ આગ્રહને યથાર્થ પક્ષવાળાએ થોડોક ઢીલો પાડ્યો છે. યથાર્થ પક્ષવાળાએ ટુંકામાં એવો નિયમ કર્યો છે કે વિષયને યથાર્થ રીતે યોગ્ય અધિકારીને ઉદ્દેશી સ્ફુટ કરી શકાય તે ઉપર મુખ્ય લક્ષ રાખી સહજ લખતાં જે પારિભાષિક સંસ્કૃત કે અસંસ્કૃત કે દેશી ગમે તે ભાષા આવી જાય તે વાપરીને શુદ્ધ લેખ રચવા. આ પક્ષમાં વિચારનુંજ પ્રાધાન્ય છે, ને તે ઉપરથીજ તે યથાર્થ એ નામને પામવાને પાત્ર છે. અંગરેજી કેળવણીનો ઉંચો સંસ્કાર પામી, સંસ્કૃત ફારસી આદિનું સારુ અધ્યયન કરી, સર્વ વિચારની તુલના કરતાં, જે યોગ્ય યોગ્ય ફેરફારો લાગે તે કાવ્ય, કથા, વ્યાખ્યાન, આદિ વિષયોમાં દાખલ કરવા, અને નવા નવા વિચારોનો પણ, જગત્ માત્રના વિદ્વદ્વવર્ગના નિત્ય આગળ વધતા વિચારાનુસાર, વાચકવર્ગને પરિચય કરાવવો, આવો આ પક્ષનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ કેટલાક ગ્રેજુએટો વગેરે આજકાલ પાર પાડી રહ્યા છે, તેમની કૃતિના ફલ ઉપર વિવેચન કરવાનું બીજા પ્રસંગ ઉપર રાખી તે પક્ષના અગ્રણીઓનાં નામમાત્ર ગણાવાથી, અત્ર આપેલા તે પક્ષના સ્વરૂપની વાચકને વધારે સ્પષ્ટતા થશે. રા. રા. ગોવર્ધનરામ માધવરામ, હરિલાલ હર્ષદરાય, કેશવલાલ છગનલાલ પંડ્યા, બાલાશંકર ઉલાસરામ, નૃસિંહરાવ ભોલાનાથ, રમણભાઇ મહીપતરામ, મણિશંકર ભટ્ટ, તથા આ લેખક પોતે એ આદિ આ પક્ષનાજ અનુયાયી છે. વાચકવર્ગને આટલા વિવેચનથી સ્પષ્ટ થવું જોઇએ કે ગૂજરાતમાં જે જે લેખકો છે તે કીયા પ્રકારના ને કેવી પદ્ધતિથી લખનારા કોણ કોણ છે. જે પાંચ વર્ગ પાડ્યા છે તે પ્રત્યેક વર્ગમાં જેનાં જેનાં નામ ગણવામાં આવ્યાં છે તે બધાના વિચાર એક સરખાજ છે એમ માનવાનું કારણ નથી, તેમને એક વર્ગમાં ગણવામાં માત્ર તે લોકો કેવી શૈલીના ઉપાસક છે એટલા સાધારણ અંશનોજ આશ્રય કરવામાં આવેલો છે. તથાપિ કોના લેખ વાચવાથી કેવા વિચાર, કેવી શૈલી, આદિનો પરિચય થઇ શકશે તે વાત આટલા વર્ગ બાંધવામાંથી વાચકવર્ગ સહજે સમજી શકશે. વિચારના ભેદ પ્રમાણે એના એ પાંચ વર્ગમાંના ગૃહસ્થોના વર્ગ પાડતાં જુદાજ વર્ગ પડી શકે; આતો માત્ર લેખકોનાજ વર્ગ છે.
જુન—૧૮૯૪.