zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/શ્રી કચ્છભૂપતિ પ્રવાસવર્ણન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી કચ્છભૂપતિ પ્રવાસવર્ણન[1]

કચ્છના મહારાઓશ્રી ખેંગારજીની સાથે કચ્છથી મુંબઇ થઇ મહાબળેશ્વર પર્યંત કરેલા પ્રવાસમાં જોયેલી સૃષ્ટિલીલાનું વર્ણન આ ગ્રન્થમાં સમાવવામાં આવેલું છે. સૃષ્ટિની લીલા સર્વના દીઠામાં નિરંતર આવેજ છે, પણ તેથી સર્વને એકસરખી અસર થતી નથી. જેવો જેના મનનો સ્વાભાવિક કે કૃત્રિમ સંસ્કાર, તેવી તેના મનમાં, નજરે ચઢેલા પદાર્થની ગણના. પણ કવિનું કામ સાધારણ માણસથી વિલક્ષણ છે. જેમાં સાધારણ માણસને જોવા યોગ્ય કાંઇ નથી જણાતું તેમાં પણ કવિને કાંઇ અવર્ણ્ય ખુબી માલુમ પડે છે, ને જેવી તે પોતાના મનમાં ઉતરે છે તેવી ને તેવી તે સામાના મનમાં ઉતારીપોતાને મળ્યો હોય તેવોજ આનંદ સહૃદયના હૃદયમાં ઉપજાવે છે. કવિઓના આવા સ્વભાવમાંથીજ એ નિયમ પણ ફલિત થાય છે કે કવિના કાવ્યમાં સાધારણ માણસને ચમત્કાર ન લાગે એવાં વર્ણન કવિત્વ દર્શાવનારાં નથી એટલુંજ નહિ, પણ લખનારને કવિપદે ૫ણ પમાડતાં નથી. કેવળ પૂર્વાપર સંબંધમાટે બે ચાર શુષ્ક ચરણ લખવાં પડે તો તે ક્ષન્તવ્ય છે, પણ લાંબા વર્ણનો તેવાંને તેવાં ચાલ્યાં જાય તો તેમાં અમે તો કોઇપણ જાતનું કવિત્વ જોઇ કે સમજી શકતા નથી. આ વાત ઉપર પ્રકૃત ગ્રંથ સંબંધે ફરીથી લખીશું.

કવિની શક્તિની કસોટીના જેમ આવા સામાન્ય નિયમ છે તેમ કાવ્યના લક્ષણના પણ છે. જેમાં રસમય ચમત્કૃતિ હોય તે કાવ્ય ગણાય છે. પ્રવાસવર્ણન જેવા વિષયોમાં આઠમાંનો અમુક રસ કહી શકાતો નથી, છતાં તેને કાવ્યમાં ગણવામાં નથી આવતું એમ નથી. આવાં વર્ણનમાં રસ મુખ્ય ન હોવાથી વાંચનારને ઘણાં રૂચિકર નથી થઇ પડતાં, બીજું પણ વાંચનારની અરૂચિ વધારનારૂં એક કારણ છે, આવાં વર્ણન કોઇ વસ્તુનું ઉદ્‌ઘાટન કરતાં નથી. કે તેમાં વાર્તાના પૂર્વાપર સંબંધવડે વાંચનારના મનને પુસ્તક પૂરૂં થતા સુધી ઉત્સાહ કે આશ્ચર્યમાં રાખી શકાય. આમ છે ત્યારે વાંચનાર હાથમાંથી મુકે નહિ એવી રીતે આવા વિષયનું વર્ણન કરવું એ ઘણું વિકટ કામ છે, અને વિદ્વાનો એમ માને છે કે કાવ્યરચનાના કૃત્રિમ નિયમો ભણેલા કવિમાં ખપતા માણસો કરતાં, જેના હૃદયને ખરી લાગણી થઇ દૃશ્ય પદાર્થની લીલા સાથે એકતા જેનાથી થતી હોય તેવા ખરા કવિનું એ કામછે. આનું કારણ સ્પષ્ટજ છે, જોનાર કવિને જેવું લાગે તેવું સામાના મનમાં લગાડવું એ પ્રથમ પોતાને પાકી લાગણી થયા વિના હજારો અલંકાર કે શબ્દ ચતુરાઈથી કદાપિ બને તેવું કામ નથી. સૃષ્ટિલીલાનું વર્ણન કરવામાં કવિની વ્યંજનાનો ઉપયોગ કરવાની શક્તિ બહુ કામ આવે છે, ને સાહિત્ય સમજનારાને અનુભવ હશે કે એ વ્યંજનાશક્તિ અભ્યાસ કરવાથી આવતી નથી. પણ ઘણે અંશે સ્વાભાવિક હોય છે. સ્પષ્ટરીતે બોલીએ તો વર્ણ્ય વિષયના એવા કોઇ કોઈ સૂચક અંશ કવિ પકડી લે છે, કે તે સમજવાથી વાંચનારના મનને આખા વિષયનું ભાન થઈ આનંદ પેદા થાય. આનુંજ નામ કવિની નવી સૃષ્ટિ પેદા કરવાની શક્તિ. બાકી શુષ્ક વસ્તુ યાથાત્મ્ય કહેવામાં તે કાવ્યત્વ હોયજ નહિ. ઘરનું વર્ણન કરવા માંડીએ તો તે આટલું લાંબું, આવું ઊચું, આવું રંગેલું એમ કહી બતાવવામાં કવિતા બનતી નથી, કેમકે એવી વાતમાં કાંઇ ચમત્કૃતિ નથી. એવું કામ તો સર્વથી બને તેમ છે. કવિ પોતે તો એજ ઘરનું કોઇ એવી વિલક્ષણ વ્યંજનાથી ટુંકામાં વર્ણન કરે કે વાંચનારને ‘અહો!’ થયાવિના રહેજ નહિ.

અમારા હાથમાં જે ગ્રંથ આ સમય છે તેના ઉપર વિવેચન કરતાં આ ટુંકો ઉપોદ્‌ઘાત જરૂરનો છે. એ અમારા સિદ્ધાન્તો નિર્વિવાદ છે, ને તેને અનુસારે આ ગ્રંથમાં જે ગુણ દોષ જણાયા તે કહી બતાવવા એ અમારી ફરજ છે. ગ્રંથમાં જે વર્ણનો છે તેમાંનાં ઘણાક સારાં છે, તેમાં વિશેષે કરી વઢવાણ આવતાં રાણકદેવી સંબંધે ભોગાવાનું વર્ણન મનોરંજક છે. તથા પુના આગળ રાત્રીનું વર્ણન છે તે ખરા કવિત્વનું સૂચક છે. તેમજ મહાબલેશ્વરના વર્ણનમાં કોઇ કોઇ સ્થળે યુક્તિ સારી છે. એટલું તથાપિ કહેવું જોઇએ કે અમે જેવી આવાં વર્ણનની વ્યાખ્યા કરી તેવાં તો આમાંનાં વર્ણનો નથી. પણ હાલના જમાનામાં નીકળતાં કેવલ નિર્માલ્ય કાવ્યોમાં આવું થોડાં એક પણ સારાં વર્ણનયુક્ત પુસ્તક જોઈ અમને આનંદ થાય છે. વર્ણનો કરવામાં બે મોહોટી ખામીઓ અમારી નજરે આવી છે, ને તે આપણા પ્રસિદ્ધ દલપતરામથી માંડીને તેમના તમામ અનુયાયીઓમાં ફેલાઇ રહેલી છે, માટે તે ઉપર અત્રે વિશેષ ટીકા કરવી ઉચિત લાગે છે. પ્રથમ ખામી એ છે કે વર્ણનોમાં અમે કહ્યું તેમ વ્યંજનાત્મક લખાણ નથી, પણ પ્રત્યેક પ્રકારની બારીક બારીક બીનાનો સમુદાય ભેગો કરેલો છે. એક સમાજનું વર્ણન માંડે છે તો તેમાં પાથરણાં, તકીઆ, ચાદરો, માણસો, ફલ, રાજા સર્વનું વર્ણન આવે છે; તે પણ એવું કે તે પ્રત્યેક વસ્તુ ગણાવતા જવી, ને બહુ સારી હતી એમ કહેવું, કે બને તો એકાદ ઉત્પ્રેક્ષા કરવી. આમ કરવાથી કોઇ પણ ચમત્કાર સિદ્ધ થતો નથી ને ઉલટી મૂલ વર્ણનને હાનિ થાય છે. ઉદાહરણ તરીકેઃ—

સન્મુખ તંબુ વિશાળ, રંગ ભગવે રાજંતો
ધ્વજ ધ્વનિયુત પવનથી, ઉપર ફરકે લ્હેંકંતો,
તે તંબુ નૃપ તણો, તેની બે તરફ નિરખતાં,
મિસલબંધ તંબુઓ, પારપામું નહિં લખતાં,
ભાયાત મુસદ્દીની મીસલ, નૃપના જમણા કરભણી,
દીઠી ડાબી લશકરી વર્ગની, શોભા તે શું કહું ઘણી.

આ વાત રાજાની છાવણીના વર્ણનમાં લાવવાથી શી કૃતાર્થતા થાય છે? ઉલટું સહૃદયને હસવું આવે તેમ છે. એમ પણ નહિ કહી શકાય કે આ તંબુનું વર્ણન કોઈ સંબંધ સાચવવા મુકેલું છે, કેમકે એ લઈ લઇએ તો પણ ચાલતા કાવ્યને હાનિ થાય તેવું નથી. વળી પાને ૧૦૩થી ૧૦૭ સુધી મુંબઇથી મહાબલેશ્વર જવાના પાંચ રસ્તા ને તેની મજલોની ટીપ કાંઇ પણ વર્ણન વિના ગોઠવી છે તે શો રસ પૂરવા કે સંબંધ સાચવવા મુકેલી છે? આવી રીતે ઘણે ઠામ છે, ને તેમાં ‘શોભા તે શું કહું ઘણી’ ‘વરણું તેની શું વિગતથી’ ‘કરૂંવર્ણન કેટલું’ ‘ગ્રંથ વધ્યાનો ભય ધરી’ વગેરે શબ્દોથી કવિને પડેલા સંકોચને માટે દલગીરી જણાવવામાં આવે છે; પણ અમે એમ કહીએ છીએ કે હજુ આથી પણ વધારે સંકોચ રાખવો ઉચિત હતો. આ પ્રમાણે વર્ણન કરવામાં એક બીજી પણ આવાજ પ્રકારની ખામી નજરે આવે છે, ને તેના ઉત્પન્નકર્તા આપણા પ્રખ્યાત કવીશ્વર છે,[2] એમ અમારૂં માનવું છે. વર્ણન કરવામાં ઉત્પ્રેક્ષા અલંકાર કેવલ નકામો છે. રસિક કાવ્યવેત્તાઓ મૂલે ઉત્પ્રેક્ષા અલંકારનેજ અધમ ગણે છે; મમ્મટ જેવા પ્રખ્યાત રસજ્ઞ વિદ્વાને ઉત્પ્રેક્ષાયુક્ત પણ વ્યંગવિનાના સારા કાવ્યને અધમ કાવ્યના ઉદાહરણમાં મુકેલું છે એજ તેની સાબીતી છે. ઉત્પ્રેક્ષા અલંકારનું રહસ્ય જોઇએ તોપણ એમજ છે. અમુક વાત કહી તેનાવિષે કશી સંભાવના કરવી એ ઉત્પ્રેક્ષાનું રૂપ છે. વર્ણન કરવામાં વર્ણ્ય વસ્તુનું નામ દઇ, તે જાણે આમ છે એવી સંભાવના કરવી, સ્ત્રીના કપાળમાં ચાંલ્લો તે જાણે લાડુ જેવો છે એમ કહેવું, એથી વર્ણવેલી વસ્તુની વાંચનારના મનમાં શી તાદૃશ છાપ પડી? સૃષ્ટિસૌંદર્ય વર્ણવવામાં મુખ્ય વાત એ છે કે તે સૌંદર્ય જેવું હોય તેવુંજ કવિના મનદ્વારા વાંચનારના મનમાં ખડું થવું જોઇએ. આમ છે ત્યારેઃ—

રૂડાં વૃક્ષ રાયણનાં રસ્તે શોભે સફળ સુહાગી,
લુંબ દીસે જ્યમ ગ્યાસ દીપની રચના તરૂપર લાગી. પા. ૧૧૧

આવું કહેવાથી રાયણનાં વૃક્ષની શી તાદૃશ છબી વાંચનારના મનમાં આવી શકે? ઉત્પ્રેક્ષા કરવામાં કોઇવાર મઝા થઈ આવે છે ખરી, કેમકે જે સંભાવના કરીએ તે ઘણે અંશે ઉપમેયના સાધારણ ધર્મને મળતી કરીએ તો આનંદ પેદા થાય છે. આ ગ્રંથના વર્ણનોમાં તેમ નથી એટલુંજ નહિ, પણ જ્યાં જ્યાં ઉત્પ્રેક્ષા છે ત્યાં ત્યાં ઉત્પ્રેક્ષાજ પ્રધાનપણું પામી વર્ણનને ગૌણ બનાવે છે., એટલે વર્ણ્ય વિષયની તાદૃશતા થતીજ નથીઃ પુને જતાં ટનલમાં પેસતી ગાડી વિષે કહે છે કે,

મારૂતિ અગ્ર યુવરાજ પછાડી શુદ્ધે,
લાંગૂલ સાહી કપિ એક બીજાનું મધ્યે;
સીતાની શોધ તક પંથ ભુલી ત્વરીત,
પેઠા ગુફા ગહનમાં જ્યમ સા સભીત. પા. ૭૫.

એક બે ઉત્પ્રેક્ષા કરી છેવટ આ કરી છે તેથી સર્વથી મુખ્ય વાત જે વર્ણનની તે ડબાઇ જઇ ઉત્પ્રેક્ષાનીજ ખુલી ઉપરતરે છે એટલે વર્ણનની તાદૃશતા તુટે છે. ઉત્પ્રેક્ષામાંની જે હનુમાન વગેરેની સંભાવના તેમાં પણ ‘સભીત’ આમ માનવાને શું કારણ છે તે જરા પણ સમજાતું નથી, તેમ પ્રથમ ચરણમાં ‘શુદ્ધે’ આ શબ્દનો અન્વય ક્યાં છે. તે શામાટે મેલ્યો છે, તે જણાતું નથી. ફક્ત ‘મધ્યે’ સાથે અનુપ્રાસ થવા ‘શુદ્ધે’ મેલ્યું છે, ને ‘ત્વરીત’ સાથે મળવા ‘સભીત’ મેલ્યું છે એમજ સમજાય છે. પણ આ વાતવિષે હજુ ફરીથી કહીશું. વર્ણનમાં અલંકાર ઘણામાં ઘણો શોભે તેવો સ્વભાવોક્તિ રૂપક ને તેથી ઉતરતે દરજ્જે ઉપમા છે. આ ગ્રંથ લખનારનું રાત્રીવર્ણન જે અમે આગળ વખાણ્યું છે તે ‘રૂપક છે માટે જ સારૂં બન્યું છે એમ કહેવું જોઇએ. સારાં વર્ણનમાં ઉદાહરણ જોવાં હોય તો ઘણાં મળશે ને તેમાં આમાંની કશી ગરબડ જોવામાં આવશે નહિ. પર્વતપરથી નીચે જોઈ કવિ લખે છે કે “નાની જણાય ચીજો નીચેની ઉચે ચઢતાં આગે, ઉચ્ચપદ સ્થિતની આંખે જ્યમ અન્ય લોક લઘુ લાગે” ૧૧૫. આ સાથે શકુન્તલામાં દુષ્યન્તે ઈન્દ્રના રથમાં રહી ભૂમિનું વર્ણન કર્યું છે તે જોતાં તફાવત સમજાશે.

આ બે દોષ ઉપરાંત નાના મોહોટા બીજા દોષ સર્વથી બને છે તેવા છે, પણ તે ઉપર કવિએ તો જરૂર લક્ષ આપવાનું છે. ઉપરના બે દોષ તો કાવ્યત્વનેજ હાનિ કરવાવાળા છે હવે જે બતાવીશું તે ફક્ત સાધારણ વ્યવહારપક્ષના છે, પણ પરિપૂર્ણ રીતે લક્ષમાં લેવા યોગ્ય છે. વર્ણન કરવામાં લોકવ્યવહારથી વિરૂદ્ધ વાત આવવી જોઇએ નહિ એ પણ એક નિયમ છે. આ નિયમ એક બે સ્થળે પળાયલો જણાતો નથીઃ—

મધ્યસ્થ કોઇ થઈ લાલધજા ધરે છે,
એ વાવટો જ્યમ સલાહ તણો ઠરે છે;

અહીં ‘લાલધજા’ ને સલાહના વાવટારૂપે ઉત્પ્રેક્ષા આપી તે વ્યવહારપક્ષે વિરૂદ્ધ છે, કેમકે ‘લાલધજા’ ભય અથવા યુદ્ધની નિશાની છે, અને સલાહની નિશાની ધોળો વાવટો છે.

હવે આજ કાલ જેને આપણા ગુજરાતમાં કાવ્ય માનવામાં આવે છે, તેને લગતા એકાદ દોષનું વિવેચન કરીએ, કાવ્ય કોને કહેવું તેનો નિયમ લોકના સમજવામાં નથી ને તેથી જેમાં પ્રાસ મળે તેવું પિંગલના નિયમ પ્રમાણે રચેલું કાંઇ પણ અર્થવાળું ખોખું હોય તેને લોકો કાવ્ય અથવા કવિતા માને છે. છેડે અનુપ્રાસ લાવવાથીજ કાવ્ય બનતું નથી, તેમ જેમાં અનુપ્રાસ ન હોય તે કાવ્ય મટી જતું નથી. કાવ્ય રસવાળું હોય અને વળી અનુપ્રાસ પણ હોય તો લખનારની એટલી વધારે ચતુરાઈ, પણ વગર કારણ શબ્દો વાપરીને પણ અનુપ્રાસ મેળવવા કે અર્થમાં સહજ હાનિ થાય પણ તેમજ કરવું એતો કવિનો ધર્મ નહિ. દલપતરામ પાસે શીખેલા બધા કવિ થનારા એમ માને છે કે ગમે તેમ કરી અનુપ્રાસ લાવ્યા કે કાવ્ય બન્યું પણ તે કેવળ ભુલ ભરેલો વિચાર છે, ને તેમ કરતાં કેવી હાનિ થાય છે તેનાં ઉદાહરણ આ ગ્રંથમાંથી પણ મળે છેઃ—

(૧) નૃપલોચન રવિ શશિ નિરખી, તનમન કમળ કુમુદ,
એકસમે વિકસિત ઉભય, ખરૂં અદ્‌ભુત એ ખુદ. પા. ૩
(૨) નિરખી ઉમર નાની પ્રબળ બહુરાજી મહંમદ બેગડો,
ઇલકાબ આપ્યો રાઓને વળી દિવ્ય યશ ભરી દેગડો. પા. ૫૦
(૩) ઇંદ્રપ્રયાણ તક દેવ પ્રહર્ષનાદ,
જાણે થયો અધિક ગંભીર નિર્વિવાદ. પા. ૫૯
(૪) કટિએ રાખી કમાન મનોહર ખટકો મનથી ખસેડી,
પરમ રમ્ય પરિધાન કરી ઉભી લીલું ગવન શું લેડી. પા. ૧૨૨

આ ચાર ઉદાહરણજ આપણે જે કહેવાનું છે તે માટે પૂરતાં છે. પ્રથમમાં ‘ખુદ’ શબ્દ વડે અનુપ્રાસ તો મળ્યો પણ અર્થમાં કાંઈ ઉમેરો ન થતાં, ઉલટું એ નકામા શબ્દને લીધે કવિતા ઘણી સારી છતાં તેનું સ્વારસ્ય કાંઇક મંદ પડ્યું. બીજામાં ‘દેગડો’, વડે પ્રાસ સચવાયો, પણ કાવ્ય ઉપહાસ કરવા જેવું થઇ રહ્યું. અમે નથી ધારતા કે કચ્છરાયને બેગડે, દેગડોજ પ્રત્યક્ષ આપ્યો હોય, એમ હોય તો તો વાત બેસે ખરી, પણ એમ ન હોય તો ‘યશનો દેગડો’ એવી નવી વાત્ત ઉઠાવવામાં અને જેમ તેમ પ્રાસ મેળવવામાં શું રહસ્ય હશે તે કવિ પોતે જાણે. યશને ફક્ત ‘દેગડામાંજ’ સમાય એવડો માનવામાં પણ કવિએ શી મહત્તા કરી? દેગડો શબ્દ લાક્ષણિક માની ‘ઘણો’ એમ અર્થે કરવાની અમારે ના નથી, પણ એવી લક્ષણા પ્રયોજન વિનાની છે. શબ્દપ્રયોગ કવિના હાથમાંજ છે, એટલે પ્રયોજન વિનાની લક્ષણા કરતાં ‘ઘણો’ એવા અર્થવાળો સ્પષ્ટ શબ્દ વાપરી અનુપ્રાસ પાછળ ન લોભાયા હોત તો સારૂં હતું. ત્રીજામાં ‘નિર્વિવાદ’ એ પદ વ્યર્થ છે, એટલે એની ગતિ પ્રથમ ઉદાહરણના જેવીજ સમજવી; ‘અધિક’ ‘ગંભિર’ એમ રહ્યા પછી ‘નિર્વિવાદ’ એમ કહેવું વ્યર્થ હોઇ કાવ્યત્વને હાનિ કર્તા છે. ચોથા ઉદાહરણમાં ‘લેડી’ શબ્દવડે પ્રાસ સાચવ્યો છે. ‘લેડી’ શબ્દ અંગરેજી છે ને તેનો માયનો કવિ પોતેજ નોટમાં આપે છે કે ‘ગૃહસ્થની સ્ત્રી,’ પણ આ પરભાષાના શબ્દને આપણી મરજી મુજબ અર્થ કરી વાપરી શકાય નહિ. ફક્ત પ્રાસ સાચવવા માટે લેડી શબ્દનો ગુજરાતમાં ચાલતો પ્રસિદ્ધ અર્થ ‘યુરોપીઅન ગૃહસ્થની સ્ત્રી’ તે બદલી ‘ગૃહસ્થની સ્ત્રી, લખવો એ ખોટું છે. લેડી શબ્દનો અર્થ ગમે તે ગૃહસ્થની સ્ત્રી એવો જે થાય તો જે દોષ અમે બતાવવા માગીએ છીએ તે નહિ આવે. પણ તે વેળે અમે એ દોષ મુકીશું કે શબ્દ પ્રયોગ તમારે સ્વાધીન છતાં, જેનો અર્થ વિનાકારણ ફેરવવો પડે, અર્થાત્‌ જેમાં નિષ્પ્રયોજન લક્ષણાનો આશ્રય કરવો પડે, એવો ‘લેડી’ શબ્દ ફક્ત પ્રાસનેજ માટે ન વાપરતાં બીજો શબ્દવાપર્યો હોત તો શો બાધ હતો? જો ‘લેડી’ શબ્દનો રૂઢ અર્થ ‘યુરોપીઅન ગૃહસ્થની સ્ત્રી, એ માન્ય રાખો તો તો દોષ ખુલ્લોજ છે, કેમકે તે સ્ત્રીઓ ‘લીલું ગવન, પહેરતી નથી, કે લીલું ગવન પહેરનારી, ‘લેડી’ કહેવાતી નથી. આમ પ્રાસ માત્રને વળગી રહેવાથી હાલના કવિઓ અનેક ભૂલો કરે છે, પણ સમજતા નથી કે પ્રાસ મેળવવા એનુંજ નામ કાવ્ય નથી.

આ ગ્રંથપર અમે આટલું લાબું અને જરા વિશેષ ચુંથાચુંથથી વિવેચન આપ્યું તેથી એમ સમજાવવાની અમારી મરજી ન જાણવી કે ગ્રંથ ખરાબ છે. જેમાં કાંઇ ગુણ હોય તેનેજ દોષ બતાવી સુધારવાની ઇચ્છા થાય, કે તે આગળ જતાં વધારે ગુણવાન નીપજે એ ન્યાયને અનુસરી અમે આ વિવેચન કરેલું છે; ને ગ્રંથકર્તાને સર્વથા વિશેષ કવિત્વનું સામર્થ્ય થાય એમ ઇચ્છીએ છીએ. એમને ભાષાને સંસ્કાર તો શુદ્ધ અને વિમલ છે. એ વાત પણ સ્તુતિપાત્ર છે; તેમ કાવ્ય રચવામાં પણ સરલતા સારી છે. આ લખનારના આ એક ગ્રંથપર આટલું લખ્યા પછી રાઓશ્રીનાં લગ્ન વર્ણનનો જે એમનો ગ્રંથ છે તે વિષે પ્રથક્‌ વિચાર જણાવવાની અમે જરૂર જોતા નથી. એ ગ્રંથ પણ આ ગ્રંથની પેઠે કેવલ વર્ણનનોજ છે એટલે આમાં ને તેમાં વિષય સરખો છે; ને આ ગ્રંથપર વાત કરતાં જે નિયમ બતાવ્યા તે તેને પણ લાગુ છે.

મે—૧૮૮૭.


  1. રચનાર રા. રા. શિવલાલ ધનેશ્વર, કીમત રૂ. ૧–૮–૦
  2. જુઓ ‘ઋતુર્ણન’ દલપતકાવ્ય.