સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/અત્રતત્ર (વિજય શાસ્ત્રી)
સ્પષ્ટ સઘન લખાવટના પ્રશ્નો
આ વિવેચનસંગ્રહના મોટાભાગના, કુલ ૧૪માંથી ૮ લેખો નૉર્થોપ ફ્રાય, એઝરા પાઉન્ડ, ફ્રેડ મિલેટ, ઈ.ડી. હર્શ, જ્યાં પૉલ સાર્ત્ર, બટ્રાન્ડ રસેલ આદિ પાશ્ચાત્ય વિવેચકો-વિચારકોની વિચારણાનો પરિચય કરાવે છે. બાકીના લેખોમાં પણ બે બંગાળી સાહિત્ય વિશેના ને ત્રણ ગુજરાતી સાહિત્ય વિશેના છે. એક લેખ ભાષાવિજ્ઞાન—વિષયક છે. વિજય શાસ્ત્રીની વાચન-અધ્યયનની વ્યાપક રુચિનો આ પરથી અંદાજ આવે છે. પરંતુ આ લેખસૂચિ જોતાં જે જિજ્ઞાસા જાગે છે તે લેખોમાંથી પસાર થતાં પૂરી તોષાતી નથી– એમની લખાવટની કેટલીક વિલક્ષણતાઓ આ માટે જવાબદાર લાગે છે. પુસ્તકનો લગભગ ચોથો ભાગ રોકતા, પચાસેક પાનાંના પહેલા લેખ ‘નૉથ્રોપ ફ્રાયઃ વિવેચન વિશે’માં ‘એનેટૉમી ઑવ ક્રિટિસિઝમ’માંના ‘પલેમિક્લ ઇન્ટ્રોડક્શન’ લેખનું દોહન આપતા હોય કે એને આધારે ફ્રાયના વિવેચનવિચારનો પરિચય કરાવતા હોય એવું એમની લખાવટ પરથી લાગે. પણ વાસ્તવમાં તો આ લેખ ફ્રાયના પેલા લેખનો, ક્યાંકક્યાંક કંઈ લસરતો રાખેલો પણ સળંગ મૂલાનુસારી, અનુવાદ જ છે ! લેખમાં અમુકઅમુક અંતરે ‘ફ્રાયને અભિપ્રેત છે કે…’, ‘આગળ ચાલતાં ફ્રાય કહે છે કે.... ફ્રાય એક જગાએ નોંધે છે કે…’એવા પ્રકારના વાક્યખંડો રચીને તથા ક્યાંક મૂળ લેખમાંનાં વાક્યો/ વાક્યખંડો ઉતારી એની સામે ગુજરાતી અનુવાદરૂપ વાક્યો/વાક્યખંડો ગોઠવી ફ્રાયની વિચારણાની સમજૂતી આપ્યાની પદ્ધતિ ઊભી કરી છે (જુઓ, પૃ. ૨૪) એથી અહીં ફ્રાયના વિવેચનનો સમીક્ષાત્મક પરિચય મળતો હોય એવો ખ્યાલ બંધાય છે! આમકરવાની એમને કેમ જરૂર પડી હશે એ સમજાતું નથી. આવા એક મોટા ને ખૂબ ઉપયોગી લેખનો અનુવાદ કરવો એ પણ કંઈ નાનું કે હીણું કામ તો નહોતું—તો પછી અનુવાદને અનુવાદ તરીકે જ ઓળખાવવામાં શો વાંધો હતો? વળી, ઋણસ્વીકારની આવશ્યકતાનો પ્રશ્ન પણ અહીં ઊભો થાય છે. અનુવાદ પૂરો વિશદ ને સુવાચ્ય (રીડેબલ) નથી રહ્યો એ એની બીજી મુશ્કેલી છે. ઘણી જગાએ વાક્યરચના કઢંગી ને ભાષા તરજુમિયા થઈ ગઈ છે. એક અંશ ઉદાહરણલેખે જોઈએ : ‘ઓફિલિયા એટલે સેવાપાત્રતા. સાચી અને બરબાદ થયેલી હૅમ્લેટની પત્નીને તેના ભાઈ લેઅર્ટિસ વડે ગ્રીક નામ ધારણ કરતી ઓળખાવાઈ છે અને તેના નામનો મર્મ, એના ભાઈ વડે એને વિશે ઉચ્ચારાયેલા અંતિમ શબ્દોમાં સૂચવાય છે. જેમાં તેણીની સચ્ચરિત્રશીલતાને ગમાર પાદરીવેડા સાથે વિરોધાવતાં કહેવાયું છે કે....’ (પૃ. ૨૦). બહુ સરળતાથી આ ‘અનુવાદ’ વિશદ રાખી શકાયો હોત. કેટલીક જગાએ તો ફ્રાયના મૂળ અભિપ્રેતાર્થથી સાવ ઊલટો જ અર્થ વ્યક્ત કરતો અનુવાદ થઈ ગયો છે. વિવેચક અને સમાજશાસ્ત્રીના અભ્યાસની સીમાઓ ફ્રાયે આ શબ્દોમાં નોંધી છે: ‘There is no reason why a sociologist should not work exclusively on literary material, but if he does he should pay no attention to literary values.’ [ Anatomy of Criticism (third printing. 1972), p. 19]. વિજય શાસ્ત્રીનો અનુવાદ છે : ‘તે જ રીતે કોઈ સમાજશાસ્ત્રી પણ જો સાહિત્યનો અભ્યાસ કરે તો તેણે સમાજશાસ્ત્રની નહીં, વિવેચનની પદ્ધતિએ જ કરવો રહ્યો.’ (પૃ. ૩૯). [ ને તરત આગળ ફ્રાય લખે જ છે કે ‘The critic is similarly under no obligation to sociological values. ને એનો અનુવાદ તો એમણે સાચો જ કર્યો છે. એટલે એમના સળંગ લખાણમાં સીધી અસંગતિ જ દેખાય છે.] બીજા લેખ ‘એઝરા પાઉન્ડનો કલાવિચાર’માંપાઉન્ડની વિચારણાનું સંક્ષિપ્ત દોહન મળે છે. પરંતુ અહીં પણ ચુસ્ત લખાવટનો અભાવ ને પુનરાવર્તનો અવરોધક બન્યાં છે. મૂળ લેખકના કોઈ એક વિધાનનો અનુવાદ આપવો, પછી એના પર કંઈક બાલાવબોધી ટિપ્પણ જેવું વાક્ય લખવું ને પછી મૂળ અંગ્રેજી વિધાન પણ ટાંકવું—એ જાણે કે લેખકની શૈલીની એક લાક્ષણિકતા બની ગઈ છે. જેમ કે, કલાકારની સજ્જતા માટેપાઉન્ડે ગણવેલી આચારસંહિતાની વાત કરતાં તે લખે છે : “એક તો એ કે જો કોઈ કલાકાર પોતાની કૃતિઓની તમારી પાસે પ્રશંસા મેળવવાની આકાંક્ષા સેવે તો એટલે અંશે તે કલાકાર મટી જાય છે. કલાને કોઈ વ્યવહારુ પ્રશંસાઓ, પુરસ્કારો વગેરેથી માપવાની ચેષ્ટા અઘટિત છે એવો તેમનો મત નીચેનાશબ્દોમાં વ્યક્ત થયેલો છે : Any Artist, who wants your particular admiration is, by just so much, the less artist. (પૃ. ૫૯), આ પ્રકારનું પુનરાવર્તન ઘણા લેખોમાં જોવા મળશે. લેખની ચુસ્તી એથી જળવાતી નથી. ‘મનોસ્થિત્યંતરમૂલક વાર્તા : એક પ્રકાર લેખે’, ‘અર્થઘટન પ્રક્રિયાની ભીતરે’ વગેરે લેખો સામગ્રીની દૃષ્ટિએ સારા છે, લેખકના વાચન-વૈવિધ્યના એ પરિચાયક પણ બને છે. પરંતુ લખાવટની મુશ્કેલીથી ને મુદ્દાને પૂરી સ્પષ્ટતાથી મૂકી આપવાની ને સ્વીકારેલી સામગ્રીનું આકલન કરી આપવાની ચોક્સાઈને અભાવે એ લખાણો પ્રભાવક બનતાં નથી. મૂળ લેખકના કથયિતવ્યને બરાબર સમજી લઈને પોતાની રીતે વ્યક્ત કરવાને બદલે મૂળને શબ્દશઃ ઉતારવામાં ને ત્યાં અનુવાદ વિશદ ન રાખી શકાતાં એમણે ગૂંચવાડા વહોરી લીધા છે. કેટલાક અંગ્રેજી શબ્દોના એમણે યોજેલા પર્યાયો પણ ચર્ચાસ્પદ છે. Initiation story માટેનો એમનો પર્યાય ‘મનોસ્થિત્યંતરમૂલક વાર્તા’ કંઈક નિર્વાહ્ય ગણીએ પણ tentative initation માટે ‘અંતરિયાળ મનોસ્થિત્યંતરમૂલક’ કે genuineness માટે ‘તથ્યમાત્રા’ પર્યાયો કેવા લાગે છે ? Existence precedes essenceમાં એમણે essence માટે ‘દ્રવ્ય’ શબ્દ યોજ્યો છે ત્યાં ‘તત્ત્વ’ જ યોગ્ય થાત. આ થઈ ‘તત્રની વાત. ‘અત્ર’ લેખોમાંનો એક ધ્યાન ખેંચનાર છે- “ગુજરાતી સાહિત્યમાં આદિમતાવાદી ઉન્મેષો’. આપણે ત્યાં ભાગ્યે જ ચર્ચાયો હશે એવો એક સરસ મુદ્દો એમણે ચર્ચા માટે લીધો છે. આની પણ ભૂમિકા તો ‘પ્રિમિટિવિઝમ’ પરની માઈકલ બેલની પુસ્તિકા જેવા અંગ્રેજી સંદર્ભોને આધારે બાંધી છે પણ આદિમતા ને સાહિત્યમાં એના નિરૂપણ અંગેની આ ભૂમિકા સરસ થઈ છે. એ પછી ગુજરાતી સાહિત્યમાંનાં આવાં મુખ્ય વલણોની એમણે ચર્ચા કરી છે. એમાં ઘણી મર્યાદિત સામગ્રીનો ઉપયોગ એમણે કર્યો હોવાથી એ કંઈક અપર્યાપ્ત લાગે છે. ઉપરાંત, આખી ચર્ચા સાદ્યંત સ્પષ્ટ ને કેન્દ્રસ્થ રહી શકી નથી, વારંવાર એ ગૂંચવાતી ને પ્રસ્તુતથી બહાર ફંગોળાતી રહી છે. નૈતિકતાના, ભક્તિના ને ભાવનાશીલતાના અભિનિવેશમાં ઊપસતી પાત્રચિત્તની તર્કાતીત સ્થિતિ ને આદિમતાની તીવ્ર અનુભૂતિ વચ્ચે ભેદ કર્યા વિના જ ‘રાત્રિસંસાર’ પ્રકરણમાંની કુમુદની, મૃત્યુપ્રસંગે ગોપાળબાપાની ને ધૂમકેતુનાં ગ્રામજીવનાભિમુખ પાત્રોની મનઃસ્થિતિની ચર્ચા એમણે કરી છે. આ બધામાં એના સર્જકોની નિરૂપણકલા વિશેનો એમનો અસંતોષ સ્વીકાર્ય છે તો પણ એમણે ચર્ચવા લીધેલા મુદ્દા સંદર્ભે આ બધાં ઉદાહરણો બહુ યોગ્ય ને પ્રસ્તુત નથી જણાતાં. કવિતાની ચર્ચા એમણે સારી કરી છે પણ આદિમતાની ચર્ચા કરવા માટે એમને ગુજરાતી કવિતામાંથી બીજાં ઘણાં સારાં ઉદાહરણો મળી શક્યાં હોત ને તો એમનો આ મહત્ત્વાકાંક્ષી લેખઆપણો એક ઘણો નોંધપાત્ર લેખ બની શક્યો હોત. ‘પ્રાચીન સાહિત્ય’ વિશેના લેખમાં એમણે ટાગોરની સંસ્કૃતિવિષયકવિચારણાનો સારદર્શી પરિચય કરાવ્યો છે. વિવેચન તરીકે એની મૂલ્યાંકનલક્ષી તપાસ કરી નથી. સુનીલ ગંગોપાધ્યાયની બે નવલકથાઓની ચર્ચા પૈકી ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ની સમીક્ષામાં ભાસ્વતીના સંવેદનની સંકુલતાનો મર્મ પ્રગટ કરવાને બદલે તે સમીકરણો રચવામાં પડી ગયા છે. એથી કથામાંનો પર્વતીય પરિવેશ, સમાજથી દૂર હોવામાત્રથી જ એમને ‘આગવા સમાજનો વાચક’ લાગે છે ને એથી જ ‘સમાજને નીચે છોડી દીધો એટલે પછી પતિ કે સતી કશાનું મહત્ત્વ રહ્યું નહીં’ ને ‘રંજન એ જીવતોજાગતો સામાજિકતાનો પર્યાય છે’—એવા અભિપ્રાયો એમણે ઉડાડ્યા છે. ‘મરણોત્તર’ની સમીક્ષા આ બધાની તુલનાએ વધુ સૂઝપૂર્વક થયેલી જણાય છે. સર્જકના સંવેદનના કેન્દ્રને પકડવાની એમની મથામણ ત્યાં વરતાય છે. વિવિધ સમયે ને સંદર્ભે લખાતા ગયેલા લેખોમાંથી, સંગ્રહ કરતી વખતે થતી પસંદગી પણ વિવેચકની ઊપસતી વિશિષ્ટ મુદ્રા સંદર્ભે મહત્ત્વની ઠરતી હોય છે એટલે એમાં વિવેક જાળવવો પડે. બટ્રૉન્ડ રસેલે પ્રતિપાદિત કરેલાં ‘શિક્ષકનાં કર્તવ્યો’ વિશેનો લેખ ને ‘સૂરતી બોલી’ અંગેનો લેખ આવા વિવેચનસંગ્રહમાં આગંતુક જેવા લાગે છે. ‘સૂરતી બોલી’ પરનું લખાણ તો તદ્ન યાદચ્છિક ને ભાષાવિજ્ઞાન અંગેના લેખમાં જરૂરી એવી શાસ્ત્રીયતાના અભાવવાળું છે. ‘ભાષાને જ્યારે માનવ ઉચ્ચારોનું સ્વરૂપ મળે ત્યારે એ ઉચ્ચારોની વૈયક્તિક લાક્ષણિકતા અને લઢણો ભાષાને વળગે છે અને ત્યારે એ ભાષા ‘બોલી’ના નામે ઓળખાય છે.’ (પૃ. ૧૮૬) અને ‘શિષ્ટ ભાષામાંથી બોલીઓનો જન્મ થાય છે’ (પૃ. ૧૮૭) – એવાં વિધાનો એમણે કર્યાં છે. એટલું જ નહીં. બોલીલક્ષણો પણ મનમાં આવી એ પદ્ધતિએ ને જેમ યાદ આવતું ગયું એ ક્રમે લખી દીધાં છે. આ બધાં જ લક્ષણો, વધુ સારી રીતે, ભાષાવિજ્ઞાનના કોઈપણ પાઠ્યપુસ્તકમાંય જડે. વિવેચક તરીકે એમનું આ (-ને આવું ?) કર્તવ્ય નહોતું. આમ, આ વિવેચકમાં એક અભ્યાસીની જિજ્ઞાસાવૃત્તિ ને બહુવિધ વાચનની રુચિ છે પણ લખાવટની સ્પષ્ટતાના અભાવે ને વાચન—અભ્યાસને પ્રસ્તુત કરતી વખતે જરૂરી એવી એકાગ્રતા તથા ધીરજભરી મથામણની ઓછપે એમના વિવેચનને વાચનઅધ્યયનનો કસ કાઢનારું ને એનો પૂરો હિસાબ આપનારું બનાવ્યું નથી.
‘ગ્રંથ’, માર્ચ ૧૯૮૩
‘વિવેચનસંદર્ભ’ પૃ. ૧૦૩ થી ૧૦૬