સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિનિરૂપણ (હેમંત દેસાઈ)
(૧) અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિનિરૂપણ (હેમંત દેસાઈ)
સહૃદયતા અને આલોચકદૃષ્ટિનો સમન્વય
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતી વિવેચનગ્રંથોમાં લેખસંગ્રહો કરતાં સળંગ એક વિષય પરના અભ્યાસગ્રંથોના પ્રકાશનનું પ્રમાણ ધ્યાન ખેંચનારું બન્યું છે. સ્વાભાવિક રીતે જ, પીએચ.ડી. માટે તૈયાર થયેલા મહાનિબંધોની સંખ્યા એમાં ઘણી મોટી છે. એમાંય, હવે તો, મધ્યકાલીન સાહિત્યના વિષયોની તુલનાએ અર્વાચીન સાહિત્યમાંથી છેક નજીકના દાયકાઓમાંથી પણ અભ્યાસવિષય પસંદ કરવાનું વલણ વિશેષ છે. આથી, અર્વાચીન સાહિત્યના જુદાજુદા સમયના ગ્રંથકારો વિશેનાં, સાહિત્યસ્વરૂપો ને એમના વિકાસ અંગેનાં, વિવિધ સમયખંડો કે ‘યુગો’ના સાહિત્યની સમીક્ષા-આલોચના કરતાં અધ્યયનો સુલભ બનવા માંડ્યાં છે. અલબત્ત, આ બધા જ અભ્યાસો, એનાં શીર્ષકોએ બાંધેલી અપેક્ષા કે જગાડેલી જિજ્ઞાસાને તોષે એવા નથી હોતા. કેટલાક તો વ્યવસ્થિત આયોજનના અભાવને કારણે શિથિલ બનેલા કે બિનજરૂરી રીતે વિસ્તારેલા ને મહદંશે પરંપરાપ્રાપ્ત વિવેચનોના સંકલનરૂપ માહિતીના ખડકલા જેવા હોય છે. શાસ્ત્રીય પદ્ધતિથી થયેલા અધ્યયનના નમૂનારૂપ પ્રકાશનો તો ઘણાં ઓછાં. હેમન્ત દેસાઈનો પ્રસ્તુત ગ્રંથ સમગ્રદર્શી ને સમતોલ અભ્યાસો પૈકીનો એક છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળથી એક સદી જેટલા સમયગાળાની -ઈ. સ. ૧૮૬૨માં પ્રકાશિત ‘નર્મ કવિતા’ (નર્મદ) અને ઈ. સ. ૧૯૬૨માં પ્રકાશિત ‘ઉદ્ગાર’ (નલિન રાવળ) વચ્ચેની કવિતામાં થયેલા પ્રકૃતિનિરૂપણની લેખકે, ગુજરાતી કવિતાના ઐતિહાસિક વિકાસને ક્રમે તથાએની વિભિન્ન નિરૂપણરીતિઓમાં તથા વિવિધ પ્રકારોમાં પ્રગટેલા વિશેષોને સંદર્ભે, વિગતે તપાસ કરી છે. પ્રકૃતિનો વિષય કાવ્યમાં નિરૂપાતાં ઊપસી રહેતાં એનાં વિવિધ પરિમાણોની તથા મુખ્ય ભાવે (સાધ્યરૂપે)ને ગૌણભાવે (સાધનરૂપે) એવી બે મુખ્ય પદ્ધતિએ થતા પ્રકૃતિના વિનિયોગની ચર્ચા કરતા ને પોતાના અભ્યાસની યોજના તથા સીમા આંકી આપતા પહેલા પ્રકરણમાં હેમંત દેસાઈએ એમના આ પ્રબંધની સ્પષ્ટરેખ ભૂમિકા બાંધી આપી છે. પ્રકૃતિનિરૂપણની પૂર્વપરંપરાઓને દર્શાવતું બીજું પ્રકરણ પસંદગીપૂર્વકનાં ઉદાહરણોને ચર્ચતું ને યોજનાબદ્ધ રહ્યું છે. ઋગ્વેદકાલીન સાહિત્યથી આરંભી રામાયણ-મહાભારત, પ્રશિષ્ટ સંસ્કૃત, પ્રાકૃત—અપભ્રંશ—જૂની ગુજરાતી ને લોકકવિતામાં તથા અંગ્રેજીની રોમૅન્ટિક કવિતામાં થયેલા પ્રકૃતિનિરૂપણનાં વિવિધ આયામોનો પરિચય કરાવતું આ (દોઢસો પાનાં જેટલું) લાંબું પ્રકરણ પરિશ્રમમૂલક જ નહીં, લેખકની રસદૃષ્ટિનું પણ દ્યોતક બન્યું છે. આખી પરંપરામાં એના સર્જકોએ અનેક દૃષ્ટિબિંદુથી જોયેલી-નિરૂપેલી પ્રકૃતિના આ અભ્યાસ પરથી લેખકે તારવ્યું છે કે સાદાં વર્ણનોથી માંડીને ગહનતમ અનુભૂતિની અભિવ્યક્તિ માટે પ્રકૃતિએ કવિજનોને નિરંતર અખૂટ સામગ્રી પૂરી પાડી છે. ખરેખર પ્રકૃતિ કવિનું અક્ષયપાત્ર છે.’ (પૃ. ૧૭૦) એ પછીનાં ચાર પ્રકરણોમાં અવવચીન કવિતામાં થયેલા પ્રકૃતિનિરૂપણનો સમીક્ષાત્મક ને પ્રકાર—પદ્ધતિમૂલક અભ્યાસ એમણે પ્રસ્તુત કર્યો છે. અર્વાચીન કાળનું પ્રાવેશિક અવલોકન કરતા પ્રકરણમાં કેટલાંક પરસ્પરવિરોધી તારણો આવી ગયાં છે. ‘કુસુમમાળા’ અને ‘માહરી મજેહ’ની તુલના કરતાં એમણે નોંધ્યું છે કે પૂરતાં તાટસ્થ્ય અને સમભાવથી જોતાં જણાય છે કે ‘કુસુમમાળા’માં નવો વળાંક (turning point) છે પણ સાચકલી કવિતા (genuine poetry) નથી જ્યારે ‘માહરી મજેહ’માં તેના (સાચકલી કવિતાનો) રણકો સંભળાય છે, નવો વળાંક ભલે એમાં ન કળાય.” (પૃ. ૧૭૩) પણ પછી તરત કરેલું એક બીજું તારણ આનાથી સાવ વિપરીત છે : “ને એટલે ઐતિહાસિક દૃષ્ટિએ, નવીન તત્ત્વોની દૃષ્ટિએ તેમ જ કાવ્યગુણની દૃષ્ટિએ, ‘માહરી મજેહ’ નવા વળાંકોનો એક સીમાચિહ્નરૂપ સંગ્રહ છે.” (પૃ. ૧૭૪). લેખકના અભ્યાસવિષય સંદર્ભે આવી આખી ચર્ચા જ અપ્રસ્તુત હતી, એટલે એ ટાળી પણ શકાઈ હોત. કવિતાનાં વ્યાપકવલણોને લગતી આવી અન્ય કેટલીક ચર્ચા પણ ટાળવા જેવી હતી. અર્વાચીન કવિતા અને પ્રકૃતિની ચર્ચાવાળું સૌથી લાંબું પ્રકરણ આગ્રંથનું કેન્દ્રીય પ્રકરણ છે. હેમંત દેસાઈએ આમાં ઐતિહાસિક ક્રમે નર્મદથી નલિન રાવળ સુધીના મુખ્ય કવિઓની કવિતામાંના પ્રકૃતિનિરૂપણનો આસ્વાદમૂલક તેમ જ વિવિધ પ્રકારો — પદ્ધતિઓ અનુસારનો પરિચય કરાવ્યો છે. ને યુગવિભાગ પ્રમાણે તારણો પણ કર્યાં છે. આ તારણો તર્કસંગત ને એમણે સ્વીકારેલા વિષયનું વ્યાપક દિગ્દર્શન કરાવનારાં છે. પ્રકૃતિની કવિતાની વાત કરતાં એમણે, ઉચિતપણે જ, ‘કવિતા’ની મૂલ્યવત્તાની સતત ને સાચી ચિંતા કરી છે ને કાવ્યમૂલ્યને સંદર્ભે જ નિરૂપિત વિષયના મૂલ્યને પ્રમાણવાનું સ્વીકાર્યું છે. આ પ્રકરણના અંતભાગમાં એમણે ૧૯૬૨થી ૧૯૭૨ના દાયકાની કવિતાની જે સમીક્ષા કરી છે એ સાવ અછડતી ને કેવળ યાદૃચ્છિક રીતે નોંધેલી કેટલીક કાવ્યપંક્તિઓને આધારે કરી હોવાથી કશી ઉપકારક બની નથી ને વિવેચનાત્મક લખાણની દૃષ્ટિએ પણ એ શિથિલ લાગે છે. આમ કરવાને બદલે એમણે એ દાયકાની કવિતાનાં મુખ્ય પરિમાણો ને વિશેષોનો નિર્દેશ જ કર્યો હોત કે બદલાતી દિશાનાં ઇંગિતો કર્યાં હોત તો વધુ ઉચિત થાત – એમ લાગે છે. પાંચમા પ્રકરણનું શીર્ષક ‘પ્રકૃતિકાવ્યો ને પ્રકૃતિ કવિઓ’ ભ્રામક લાગે છે કારણ કે પ્રકૃતિના કવિઓ ને એમનાં પ્રકૃતિકાવ્યોની વાત તો અગાઉના પ્રકરણમાં વિસ્તારથી થઈ છે. અહીં તો પ્રકૃતિકવિતાના પ્રકારોની ને એના પ્રગટતા વિશેષોની ચર્ચા છે. આ ચર્ચા ઘણી શાસ્ત્રીય ને અભ્યાસપૂર્ણ છે. પ્રકૃતિકાવ્ય કોને કહેવાય એની, એ અંગેના અભ્યાસી પૂર્વસૂરિઓનાં મંતવ્યોની સમીક્ષા પેશ કરતી, સૈદ્ધાન્તિક ચર્ચા કરીને એમણે પ્રકૃતિનાં અંગોનાં, પ્રકૃતિદૃશ્યોનાં, સ્થળવિશેષનાં ને પ્રકીર્ણ પ્રકાર-રીતિનાં કાવ્યોની મૂળગામી ને ખૂબ વિશદ ચર્ચા કરી છે. એમ વિવિધચોથા ને પાંચમા પ્રકરણના આયોજન વિશે એક બાબત નોંધવાની રહે છે. બંનેમાં લેખકની દ્યોતક અધ્યયનદૃષ્ટિનો વિનિયોગ તો થયો જ છે પણ ચર્ચા માટે લીધેલી સામગ્રીના પ્રમાણની દૃષ્ટિએ જોતાં, ચોથા સુદીર્ઘ પ્રકરણમાંની ઐતિહાસિક કાલાનુક્રમે કવિ—વાર થયેલી ચર્ચા થોડીક સંક્ષેપમાં થઈ હોત ને એ કવિતાના મુખ્ય વિશેષો પાંચમા પ્રકરણમાંની પ્રકારપદ્ધતિ અનુસાર થયેલી ચર્ચામાં વધુ ઉદાહરણો સાથે વિગતે મૂકી આપવાનું બન્યું હોત તો સમગ્રદર્શી ને સ્પષ્ટ ચિત્ર ઉપસાવવામાં વધુ મદદમળી હોત ને અધ્યયન વધુ સમતોલ બન્યું હોત એમ લાગે છે. સામાન્યપણે ઉપસંહારાત્મક પ્રકરણો ઔપચારિક સમાપનરૂપ બની રહેતાં હોય છે એને બદલે આ ગ્રંથનું ઉપસંહારનું પ્રકરણ સંશોધનાત્મક ગ્રંથમાટે જરૂરી એવાં ઝીણવટભર્યાં નિરીક્ષણો ને સ્પષ્ટ તારણો આપતું અધ્યયનના નિચોડરૂપ બન્યું છે. ગ્રંથની મૂલ્યવત્તા વધારનારાં કેટલાંક તારણો ઘણાં દ્યોતક છે : અર્વાચીન કવિતામાં પ્રકૃતિનિરૂપણ, સમગ્ર ભાવે, એમને બહુ પ્રભાવક કાવ્યમૂલ્ય પ્રગટાવનારું લાગ્યું નથી. દૂરના ભૂતકાળની-સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-કાલીન કવિતાની પરંપરાના પ્રભાવ કરતાં નજીકની અર્વાચીન ગુજરાતીના જ પૂર્વની પેઢીના કવિઓની અસર અનુગામી કવિઓ પર વિશેષ પડી છે. અંગ્રેજીની રોમેન્ટિક કવિતાની ને આપણે ત્યાંની લોકકવિતાની પ્રાકૃતિક કવિતાગત લાક્ષણિકતાઓ પણ અર્વાચીન કવિઓ પર ઠીકઠીક પ્રભાવક નીવડેલી એમને જણાઈ છે. પ્રત્યેક યુગની પોતાની વિશેષતાઓ-સીમાઓને સંદર્ભે પ્રકૃતિના આલેખનની પ્રગટતી વિલક્ષણતાઓ પણ એમણે તારવી આપી છે. સામાજિક સભાનતાના અતિરેકને કારણે સુધારક યુગની કવિતામાં પૂરા ન ઊપસી શકેલા સૌન્દર્યમૂલ્યને; સંસ્કૃત-અંગ્રેજીના પરિશીલનથી સાક્ષરયુગીન કવિઓની સૌંદર્યદૃષ્ટિના થયેલા વિકાસે પ્રકૃતિઆલેખન પર પણ પાડેલા પ્રભાવને; ગાંધીયુગીન ભાવનાવાદી વલણોને લીધે યુગવંદનાનું નિમિત્ત બની ગયેલી પ્રકૃતિનિરૂપણની વિલક્ષણતાને અને ૧૯૪૦ પછીની સૌંદર્યરાગિતાએ પ્રકૃતિલક્ષી સંવેદનને આપેલી મોકળાશને એમણે અભ્યાસપૂર્વક તારવી આપ્યાં છે. ૧૯૬૨ પછીની ગુજરાતી કવિતામાં પ્રકૃતિ અંગે બદલાયેલા દૃષ્ટિકોણ વિશેનું એમનું નિરીક્ષણ પણ વિચારણીય છે : યંત્રવિજ્ઞાનના વિસ્ફોટે સરજેલી માનવીની યાતનાએ પ્રતિસંસ્કૃતિની કવિતા સાથે પ્રતિપ્રકૃતિની કવિતા લખાવી શરૂ થઈ. ‘એ કવિતા પ્રાકૃતિક છે પણ પ્રકૃતિમય નથી. એમાં જંગલ આવે છે પણ તે બહારનું જંગલ નહીં, મનુષ્યમાં રહેલું જંગલ છે.’ (પૃ. ૪૪૧) આ રીતે, પ્રકૃતિનાં તત્ત્વો માનવીય સ્થિતિની વિડંબનાને આલેખતાં કલ્પનો તરીકે ઉપયોજાય છે. આ જ કારણે, હવે પછીની કવિતામાં પ્રકૃતિ સ્વભાવોક્ત ચિત્રાંકનની રીતે નહીં પણ ચિંતનની સામગ્રીરૂપે આલેખાશે એવું એમનું પ્રતિપાદન સમુચિત જણાય છે. જોકે આ સાથે જ, આ નવી કવિતામાં કવિના anti-romantic વલણે પણ પ્રકૃતિના સૌંદર્યઆલેખનને અપ્રસ્તુત બનાવી દીધું છે એ મુદ્દો પણ ચર્ચાવો જોઈતો હતો. છેલ્લે લેખકે એક સરસ મુદ્દો ઉઠાવ્યો છે કે કેવળ વર્ણન કે સ્વભાવોક્તિયુક્ત ચિત્રાંકન જ્યારે ઉત્તમ કવિતા નિપજાવી શક્તાં હોતાં નથી ત્યારે પ્રકૃતિવિષયક રચનાનો એક કલાકૃતિ તરીકે કોઈ વિશેષ મહિમા પ્રગટે છે? ને તો એની કશી સાર્થકતા પણ ખરી? આની ચર્ચા પરથી એમણેતારવ્યું છે કે પ્રકૃતિમાંથી જીવનનું કોઈ દર્શન કલારૂપ પામતું હોય તો જ એની ઉત્તમતા સિદ્ધ થાય કેવળ પ્રકૃતિની કવિતા મહાન કવિતા ન હોય કેમ કે ‘કાવ્યમાત્ર મનુષ્યનો વિસ્તાર છે. પ્રકૃતિની કવિતા મનુષ્યને લક્ષે એમાં જ એનું સાર્થક્ય છે.’ (પૃ. ૪૫૦) હેમંત દેસાઈની પોતાની નિરૂપણરીતિનો નોંધપાત્ર વિશેષ સાદ્યંત જણાતી વિશદતાનો છે. (ગ્રંથાકારે પ્રગટ કરતાં મૂળ પ્રબંધને ટુંકાવતાં એમણે ક્યારેક અનિવાર્ય અવતરણો—કાવ્યપંક્તિઓ પર પણ કાતર ચલાવી દીધી જણાય છે. આથી ક્યાંકક્યાંક એમનાં ચર્ચા ને પ્રતિપાદનો અધ્ધર રહી જતાં ને અવિશદ પણ લાગે છે). આ કારણે તુલનાત્મક, પૃથક્કરણાત્મક,, આસ્વાદમૂલક એવી વિવિધ વિવેચનપદ્ધતિ આ ગ્રંથમાં પ્રયુક્ત થઈ હોવાં છતાં ગ્રંથ સ્પષ્ટરેખ ને સુવાચ્ય રહ્યો છે. કાવ્યસૌન્દર્યને પામવા તત્પર રહેલી સહૃદયતા અને અભ્યાસસામગ્રીને મૂળગામી રીતે તપાસતી આલોચનાત્મક દૃષ્ટિના સમન્વયે હેમન્ત દેસાઈના આ અધ્યયનને મૂલ્યવાન બનાવ્યું છે.
* ગ્રંથ, સપ્ટેમ્બર ૧૯૮૩
‘વિવેચનસંદર્ભ’ પૃ. ૧૧૯ થી ૧૨૩