સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/સાતમા-આઠમા દાયકાનું ગુજરાતી વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિવેચક પરિચય

છઠ્ઠા દાયકાના ઉત્તરાર્ધથી ગુજરાતી વિવેચનમાં એક મહત્ત્વનો વળાંક આવે છે. સાહિત્યસર્જનમાં પણ એક આંદોલન આ જ સમયે આકાર ધારણ કરતું હતું. આધુનિકતાના ઉન્મેષો ધ્યાનપાત્રપણે પ્રગટવા માંડ્યા હતા. આધુનિક ચેતનાનું સંચરણ તો આ પૂર્વેની કવિતામાં ક્યાંકક્યાંક થયેલું હતું પણ પરંપરાથી એકદમ જુદી પડી આવતી, કૃતિની રૂપરચના પરત્વેની પ્રયોગશીલતાએ આ ગાળામાં કવિતા ઉપરાંત ટૂંકી વાર્તા નવલકથા જેવાં સ્વરૂપોની પણ કાયાપલટ કરવા માંડી. સાતમા દાયકામાં આ પ્રયોગશીલતાએ વેગ પકડ્યો ને કૃતિગત સંવેદન અને રૂપનિર્માણની બાબતમાં આધુનિકતા પૂરેપૂરી વ્યાપી ગઈ—આગલી સાહિત્યપરંપરા સાથે એનો થોડે ઘણે અંશે વિચ્છેદ સરજાયો. આધુનિકતાનાં આ સંચલનોના અગ્રણી સુરેશ જોષીએ એમની પ્રયોગશીલ વાર્તાઓના સંગ્રહ ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૬)ની પ્રસ્તાવનામાં સર્જનમાં સામગ્રીના તિરોધાન અને આકૃતિનિર્માણની મૂલ્યવત્તા અંગે જે ઊહાપોહ જન્માવ્યો એમાં નવા વિવેચનવિચારનો આરંભ ગણી શકાય. આ પૂર્વેના વિવેચને મુખ્યત્વે તો સર્જકનું દર્શન અને સર્જનની પ્રક્રિયા, સમાજ પ્રત્યે સાહિત્યકારનો ધર્મ, સાહિત્યની પ્રભાવકતામાં જીવનમૂલ્યોનું મહત્ત્વ- એવી બાબતોની વિચારણા ચલાવેલી. નવી વિવેચનાએ સર્જનને સૌંદર્યનિષ્ઠ અને શુદ્ધ રસકીય ભૂમિકાએ તપાસવાનું સ્વીકાર્યું, કૃતિના સ્વાયત્ત વિશ્વને પામવાનો આગ્રહ સેવ્યો અને એ માટે કૃતિની રૂપરચનાને કેન્દ્રમાં રાખતી વિવેચના આપી. પાશ્ચાત્ય કલામીમાંસા અને સાહિત્યવિચારણાના પ્રવાહોના વધેલા પરિચયે પણ આપણી વિવેચનાને ગતિ આપી. આ સદીના આરંભે જ, માનવચિત્તનાં આંતરિક સ્તરોનો સંસ્પર્શ કરાવતી આધુનિકતા પ્રાદુર્ભૂત થવા માંડેલી. પરંતુ, યુદ્ધોત્તર યુરોપના ધરમૂળથી પલટાયેલા જીવનસંદર્ભે પાશ્ચાત્ય સાહિત્યમાં વિચ્છિન્નતા, મૂલ્યહાસ, વિસંગતિ, હતાશા, વિરતિ આદિનાં સંવેદનોને પણ અનિવાર્યપણે વ્યાપક બનાવ્યાં હતાં અને સ્થગિત જીવનપ્રણાલીઓની જેમ સ્થગિત સાહિત્યપરંપરાઓની સામે પણ વિદ્રોહ જાગ્યો હતો. એણે પ્રગટાવેલા આંદોલને સાહિત્યમાં આધુનિકતા- (‘મૉડર્નિટી’)નું નવું રૂપ સર્જ્યું હતું. આ બધાનો પ્રભાવ જેમ આપણા સર્જન પર પડ્યો એમ આ નવા જ રસવિશ્વની ઓળખ આપતી વિવેચનાનો પ્રભાવ પણ ઝિલાયો. જ્ઞાન—વિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં થયેલા ક્રાંતિકારી વિકાસે પાશ્ચાત્ય કલામીમાંસા અને સાહિત્યવિવેચનની રીતિ અને એનાં ઓજારો પર પણ અસર પાડી હતી. સાહિત્યમાં આલેખાતી માનવચેતનાના સંદર્ભે માનસશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, ફિલોસૉફી, ફિનોમિનોલૉજી ઇત્યાદિની અદ્યતન વિચારણાનો તથા સાહિત્યના માધ્યમને સંદર્ભે ભાષાવિજ્ઞાનની અનેક શાખાઓમાં થયેલાં નવાં સંશોધનોનો પ્રભાવ સાહિત્યવિવેચન પર પડ્યો. આપણી અદ્યતન સાહિત્યકૃતિઓનું રસવિશ્વ ઓળખાવવામાં, પૂર્વેની વિવેચનાનાં કેટલાંક ગૃહીતોને પડકારવામાં અને સાહિત્યમીમાંસાના નવા માપદંડો રચી આપવામાં આપણી વિવેચનાઓ પાશ્ચાત્ય વિવેચનના આ અરધી સદીના બધા અદ્યતન પ્રવાહોની જાણકારીને પણ લેખે લગાડી છે. રૂપરચનાવાદ, સંરચનાવાદ આદિ જેવી વિવેચનવિચારણાઓ પણ આથી આપણા વિવેચનમાં દેખાતી રહી છે. આવાં આંદોલનોએ ઉત્સાહ અને અભિનિવેશને પરિણામે ક્યારેક આત્યંતિક સ્થિતિ પણ ગ્રહી છે અને ત્યારે એની મર્યાદાઓ ચીંધી બતાવતી સ્વસ્થ વિચારણા પણ છેલ્લા દાયકાના કેટલાક વિવેચકો પાસેથી મળી છે. વિવેચન—વિચાર આમ મંજાતો, સ્પષ્ટ થતો રહ્યો છે. ઊહાપોહો અને વિવાદોમાં સંકુલ બનેલી તથા સિદ્ધાંતચર્ચા ઉપરાંત ખૂબ મોટા પ્રમાણમાં થયેલી કૃતિલક્ષી ચર્ચાથી વ્યાપક બનેલી આ વિવેચનાનાં કેટલાંક મહત્ત્વનાં વલણોનો અને પ્રવાહોનો અહીં પરિચય આપવાનો— બે દાયકાની લગભગ સર્વક્ષેત્રીય વિવેચનપ્રવૃત્તિનું “સ્ટોક ટેકિંગ’ કરવાનો ઉપક્રમ રાખ્યો છે. સુરેશ જોષીની સાહિત્યવિચારણાએ શરૂઆતમાં આકારના આગ્રહનું, શુદ્ધ કવિતાનું, કર્તાનિરપેક્ષ કૃતિવિવેચનનું એક આંદોલન જન્માવ્યું. આધુનિકપાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના પરિશીલનથી અને સંસ્કૃત કાવ્યમીમાંસાના અધ્યયનથી પરિષ્કૃત થયેલાં રુચિ-દૃષ્ટિના પરિણામ રૂપે એમની વિવેચનપ્રવૃત્તિ સમૃદ્ધ થતી ચાલી. એણે આ નવા તત્ત્વવિચારને પ્રતિષ્ઠત પણ કર્યો. એમના વિવેચનનું સ્વરૂપ મહદંશે ઊહાપોહનું રહ્યું હોવાથી પણ એનો પ્રભાવ ઝીલતી અને એનો પ્રતિકાર કરતી આપણી તત્ત્વ-વિચારણા અનેક દિશામાં અને વિભિન્ન દૃષ્ટિકોણો સાથે, પ્રવૃત્ત રહી છે. અઘતન વિવેચનપ્રવાહોને સંદર્ભે સુરેશ જોષીથી સ્વતંત્રપણે પણ આપણો સિદ્ધાંતવિચાર ચાલતો રહ્યો છે. કલાકૃતિમાં આકારનો મહિમા કરતી સુરેશ જોષીની વિચારણામાં રૂપરચનાવાદી અભિગમનું પ્રાધાન્ય હતું. ભાષાવિજ્ઞાનના અભ્યાસની સજ્જતા અને સૌંદર્યશાસ્ત્રીય દૃષ્ટિકોણથી પ્રેરાયેલી હરિવલ્લભ ભાયાણીની વસ્તુલક્ષી વિવેચનામાં પણ આ રૂપરચનાવાદનો પુરસ્કાર થયો. એમની વિવેચનાની નોંધપાત્ર વિશેષતા એ રહી કે સંસ્કૃત મીમાંસામાં અનુસ્યૂત રૂપરચનાવાદી વલણોનો પણ એમણે આ નવી વિવેચના સંદર્ભે વિનિયોગ કર્યો. આ રીતે કૃતિનાં ઘટકોની, એમના આંતરસંબંધોને આધારે તપાસ કરીને, કૃતિની સમગ્રતાને પામવાની દિશામાં એમની વિચારણા ચાલી છે. આ આકારવાદી અભિગમથી અને એ પછી પ્રવર્તેલા સંરચનાવાદી અભિગમથી આપણા અન્ય અભ્યાસીઓએ પણ સિદ્ધાંતવિચાર કર્યો છે. રસિક શાહ ફિનોમિનોલૉજીની વિચારણાને આમેજ કરે છે, સુમન શાહ ‘નવ્ય વિવેચન પછી’માં, અઘતન પાશ્ચાત્ય વિવેચનનાં સંરચનાવાદી વગેરે વલણોને તપાસે છે ને એ વિભાવોને પ્રત્યક્ષ વિવેચનમાં વિનિયોજવાનો પ્રયત્ન કરે છે. ચંદ્રકાન્ત ટોપીવાળાનું તો મોટાભાગનું વિવેચનકાર્ય નવાં વિચારવલણોને, વિશેષે એના ભાષાવૈજ્ઞાનિક અભિગમને, પ્રત્યક્ષ વિવેચન દ્વારા રજૂ કરવામાં રહ્યું છે. કોઈ ચોક્કસ વાદને અનુસરવા કે પુરસ્કારવાને બદલે નવીન વિચારવલણોને અને પૌરસ્ત્ય મીમાંસાને સમજ્વા—ચકાસવાના દૃષ્ટિકોણથી પણ વિવેચનવિચાર થતો રહ્યો છે. કવિકર્મને જ કવિધર્મ લેખીને રચનાનું ગૌરવ કરવાની સાથે ઉમાશંકર જોશી કાવ્યની પ્રમાણભૂતતાને જીવનમૂલ્યોને સંદર્ભે પણ તપાસવાનું વલણ દાખવે છે ને એમ ‘શુદ્ધ કવિતા’ને અશક્ય ગણાવે છે. નિરંજન ભગત પણ શુદ્ધ કવિતાના ખ્યાલને આત્યંતિક અને એથી ગલત ગણાવી એનો વિરોધ કરે છે. ‘આધુનિકતા’ના વિભાવને કોઈ તત્કાલીન આંદોલન કે ઊહાપોહના પ્રાદુર્ભાવ રૂપે નહીં પણ ગઈ એક-દોઢ સદીમાં યુરોપમાં થયેલાં સાંસ્કૃતિક પરિવર્તનોના અનેકલાક્ષેત્રમાંનાં સંચલનોના એક બૃહદ્ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવાનો આગ્રહ એમણે વ્યક્ત કરેલો છે. પ્રમોદકુમાર પટેલ સાહિત્યશાસ્ત્રના મૂળભૂત વિભાવોને સંદર્ભે સૂક્ષ્મ તત્ત્વનિષ્ઠતાથી પ્રવર્તમાન વિવેચનવલણોની તપાસ આદરે છે. પાશ્ચાત્ય વિવેચનની વિચારધારાઓની તેમજ સંસ્કૃત રસમીમાંસા આદિની મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકાઓ એમણે સ્ફુટ કરી આપી છે. જયંત કોઠારી સાહિત્યવિવેચનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની તર્કશુદ્ધ, ચોકસાઈભરી અને વિશદ છણાવટ કરે છે. પ્રવર્તમાન વિવેચનવલણોને ચકાસતાં પણ એમણે સંકેતોની સ્પષ્ટતાનો અને અસંદિગ્ધ, ચોક્કસ પરિભાષાનો આગ્રહ સેવ્યો છે. એમનું વિવેચનકાર્ય મુખ્યત્વે તો વિવેચનપ્રવાહોને અને વિવેચનના ગ્રંથોને તપાસવાનું–વિવેચનનું વિવેચન આપવાનું-રહ્યું છે. આ પ્રકારની વિવેચના સુરેશ જોષી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રમોદકુમાર પટેલ અને શિરીષ પંચાલ પાસેથી પણ મળતી રહી છે. અદ્યતન વિચારવલણોને સંદર્ભે થતી રહેલી સિદ્ધાંતવિવેચનાની સાથેસાથે આપણી સંસ્કૃતસાહિત્યમીમાંસાના અધ્યયનની પ્રવૃત્તિ પણ નોંધપાત્રપણે ચાલતી રહી છે. રસમીમાંસાના ને ધ્વનિવિચારના મુદ્દાઓ અભ્યાસીઓને વારંવાર આકર્ષતા રહ્યા છે. અગાઉની પેઢીના રામપ્રસાદ બક્ષી, રસિકલાલ પરીખ, નગીનદાસ પારેખ, ઉમાશંકર જોશી આદિ વિદ્વાનોએ આ ક્ષેત્રે મૂલ્યવાન કાર્ય કર્યું છે. આમાંના મોટાભાગનાએ તો સંસ્કૃત કાવ્યવિચારને આજના સંદર્ભે પણ મૂલવવા-ઘટાવવાનો દૃષ્ટિકોણ રાખ્યો છે એ નોંધપાત્ર ગણાય. છઠ્ઠા—સાતમા દાયકાથી પ્રવૃત્ત નવવિવેચકોમાંથી પણ જયંત કોઠારી, પ્રમોદકુમાર પટેલ, રાજેન્દ્ર નાણાવટી આદિએ સંસ્કૃત કાવ્યવિચારનાં મહત્ત્વનાં ઘટકો અને વિભાવોની ઘોતક ચર્ચા કરી છે. સિદ્ધાંતવિવેચનના જ એક ભાગ રૂપે સ્વરૂપાદિના કેટલાક વિભાવોની અને લય, કલ્પન, પ્રતીક જેવાં ઘટકોની ચર્ચાવિચારણા પણ આ બે દાયકામાં વધુ નોંધપાત્ર રીતે થઈ છે. સુરેશ જોષીએ પ્રતીકયોજના આદિની સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડેલી. હરિવલ્લભ ભાયાણી, આડેધડ ઉપયોગમાં લેવાથી સંદિગ્ધ બનેલા લય આદિ સંકેતોની વ્યાવર્તક રેખાઓની સ્પષ્ટતા કરી આપે છે. દિગીશ મહેતા, રઘુવીર ચૌધરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ, ચંદ્રકાન્ત ટોપીવાળા વગેરે પાસેથી લય, કલ્પન, પ્રતીક, મિથ આદિ ઘટકો તેમજ કાવ્યભાષા અંગે નોંધપાત્ર વિચારણા મળી છે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનનું અધ્યયન વધતાં વિશ્વસાહિત્યનીનીવડેલી કૃતિઓ તથા આપણા સાહિત્ય પર પ્રભાવ પાડનારા સર્જકો- વિવેચકો અંગેના અભ્યાસોની દિશા પણ ખૂલી. વિભિન્ન નિમિત્તોએ યોજાતા રહેતા પરિસંવાદો પણ આ માટે પ્રેરક નીવડ્યા છે. આરંભનાં વર્ષોમાં આવા અભ્યાસો ઉમાશંકર જોશી, નિરંજન ભગત, ચુનીલાલ મડિયા, સુરેશ જોષી વગેરે પાસેથી મળેલા. આ પરંપરા એ પછીના નવી પેઢીના અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત ટોપીવાલા, સુમન શાહ, ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ જેવા અભ્યાસીઓ દ્વારા વધુ સમૃદ્ધ થતી રહી છે. પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ વધતાં તુલનાત્મક અધ્યયનને ક્ષેત્રે પણ કેટલુંક મહત્ત્વનું કાર્ય થયું છે. સંસ્કૃત કાવ્યમીમાંસાની કેટલીક વિચારણાઓને પાશ્ચાત્ય વિવેચનની કેટલીક વિભાવનાઓની સાથે મૂકીને જોવાના પ્રયાસો થયા છે. હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, પ્રમોદકુમાર પટેલ વગેરેએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષાથી નવીન સાહિત્યવલણોને તપાસી જોવાની શક્યતા પર ભાર મૂક્યો. સૌંદર્યશાસ્ત્રની ભૂમિકા પર રહીને આ બંને સાહિત્યશાસ્ત્રોની વિચારણાને રમણીયતાની વિભાવનાના સંદર્ભમાં મૂલવવાનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ સિતાંશુ યશશ્ચંદ્રે ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ (૧૯૭૯) નામના એમના શોધનિબંધમાં કર્યો છે. યશવંત ત્રિવેદીએ સંપાદિત કરેલા ‘અને સાહિત્ય’ (૧૯૭૫) નામના લેખસંચય દ્વારા સાહિત્યવિચારણા પર ભાષાવિજ્ઞાન, મનોવિજ્ઞાન, ફિનોમિનોલૉજી જેવાં ક્ષેત્રોમાંની વિચારણાના પ્રભાવોનો પરિચય મળે છે. તુલનાત્મક અધ્યયન વિશેષે તો સર્જનાત્મક સાહિત્ય પરત્વે થયું છે. વિવિધ ભાષાઓની જાણકારી અને અભ્યાસ વધતાં ભારતીય ભાષાઓ અને અંગ્રેજી આદિની પ્રશિષ્ટ અને પ્રયોગશીલ કૃતિઓની તથા એમાં નિરૂપિત સર્જકના સંવેદનવિશ્વની તુલનાત્મક ચર્ચાઓ એના વિદ્વાન અભ્યાસીઓ પાસેથી મળતી રહી છે. ઉમાશંકર જોશી, નિરંજન ભગત, ચી.ના. પટેલ, સુરેશ જોષી, સન્તપ્રસાદ ભટ્ટ, ભોળાભાઈ પટેલ ઈત્યાદિનું પ્રદાન આ ક્ષેત્રમાં મહત્ત્વનું ગણાય. અલબત્ત, તુલનાત્મક અધ્યયનની દિશામાં હજુ ઘણા વધારે કામની અપેક્ષા રહે છે. ભારતીય અને વિદેશી ભાષાઓનાં સાહિત્યો વિશેનો આપણો પરિચય વધુ બહોળો થાય તે સર્જક અને એના ભાવક બંનેની સજ્જતા માટે પણ એક ઘણી અગત્યની આવશ્યકતા છે. તુલનાત્મક અધ્યયન હવે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં પણ સ્થાન પામતું રહ્યું છે એ એની આવશ્યકતાનો એક મોટો સંકેત છે. આ ક્ષેત્રમાં આપણું વિવેચન વધુ સક્રિય થવાની આશા પણ એથી જાગે છે. સાહિત્યનાં મુખ્ય વિચારવલણોને અને પ્રવાહોને તપાસવા મૂલવવાનું, ખાસ તો વિવિધ સાહિત્યસ્વરૂપોમાં વિભિન્ન તબક્કે થયેલા વિકાસનું મૂલ્યાંકન કરવાનું સાહિત્યવિચારણામાં ઘણું આવશ્યક બની રહેતું હોય છે. એ નિમિત્તે સાહિત્યસર્જનની ગતિવિધિનો અને સ્વરૂપ અંગેના પલટાતા-વિકસતા ખ્યાલોનો પરિચય મળી રહે છે. આપણા ઘણા અભ્યાસીઓની કલમ આ દિશામાં પ્રવૃત્તિ રહી છે. આમાંના મોટાભાગના વિવેચકો, સ્વાભાવિક રીતે જ, સાહિત્યના અધ્યાપકો છે. ગઈ પેઢીના અનંતરાય રાવળ, યશવંત શુકલ, ઉમાશંકર જોશી, સુંદરમ્ આદિએ આ દાયકાઓમાં પણ સાહિત્યનાં વિચારવલણોને તપાસતી વિવેચના આપી છે. ધીરુભાઈ ઠાકર, રમણલાલ જોશી આદિ પીઢ વિવેચકોએ છેક અઘતન સાહિત્યપ્રવાહોને મૂલવવાની સજ્જતા દાખવી છે. આ ઉપરાંત ઉશનસ્, જયંત પાઠક, મધુસૂદન પારેખ, ચિમનલાલ ત્રિવેદી, દિલાવરસિંહ જાડેજા, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ આદિ અનેક વિવેચકોએ સાહિત્યપ્રવાહોનું દિગ્દર્શન કરતું વિવેચન આપ્યું છે. સ્વરૂપચર્ચા આપતા અને એના વિકાસને તપાસતા શોધનિબંધોમાં આ પ્રવાહદર્શન વધુ મોટા ફલક પર થયું છે. નિબંધ, ખંડકાવ્ય, એકાંકી, સ્વાતંત્ર્યોત્તર કવિતા આદિ વિષયના કેટલાક પ્રગટ શોધનિબંધો એમાં ઉલ્લેખનીય છે. ગુજરાતી સાહિત્યકારોના સમગ્ર સાહિત્યકાર્યને મૂલવતા કેટલાક અભ્યાસો પણ વિભિન્ન દૃષ્ટિબિંદુથી થયા છે. ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮ સુમન શાહ) સુરેશ જોષીના સાહિત્યકાર્યનું અને ગુજરાતી સાહિત્ય પરના એમના પ્રભાવોનું આ સુદીર્ઘ મૂલ્યાંકન છે. ‘દર્શકના દેશમાં’ (૧૯૮૦ રઘુવીર ચૌધરી) દર્શકના સાહિત્યકાર્યનો તેમ જ જીવનકાર્યનો આલેખ આપે છે. ચિનુ મોદી ‘બે દાયકા : ચાર કવિઓ’ (૧૯૭૪)માં અદ્યતન ગુજરાતી સર્જકોનું કાવ્યાસ્વાદલક્ષી વિવેચન આપે છે. રમણલાલ જોશી સંપાદિત ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં પણ અર્વાચીન-આધુનિક કાળના અને મધ્યકાળના સર્જકો વિશેના, અત્યાર સુધીમાં ત્રીસેક લઘુગ્રંથો પ્રગટ થયા છે. લગભગ ત્રણેક પેઢીના અભ્યાસીઓની મદદ લેવાઈ હોવાથી આ અભ્યાસોને અનેક દૃષ્ટિબિંદુઓનો લાભ થયો છે. ગોવર્ધનરામ, નાનાલાલ, મુનશી આદિના સર્જનકાર્યનાં થયેલાં પૂનર્મૂલ્યાંકનો આપણી વિવેચનપ્રવૃત્તિનું એક વિશિષ્ટ વલણ પ્રગટ્યું છે. આવાં કેટલાંક નિર્ભીક પણ તત્ત્વનિષ્ઠ વિવેચનો આ બે દાયકામાં ઠીકઠીક પ્રમાણમાં મળ્યાં છે. ઉપેન્દ્ર પંડયાએ કરેલી ‘સરસ્વતીચંદ્ર’ની વિવેચના, મનસુખલાલ ઝવેરી અને જશવંત શેખડીવાળાએ કરેલું મુનશીનું વિવેચન આના નમૂનારૂપ છે.નાનાલાલના અપદ્યાગદ્યના સ્વરૂપને શૈલીવિજ્ઞાનની વસ્તુલક્ષી પદ્ધતિએ નિશ્ચિત કરી આપવાનો જયંત ગાડીતનો પ્રયત્ન પણ આ દૃષ્ટિએ ધ્યાનાર્હ ગણાય. સિદ્ધાંતવિવેચન, પ્રવાહદિગ્દર્શન, સર્જકો વિશેનાં અધ્યયનો એ બધા કરતાં વિપુલ પ્રમાણમાં કોઈ પ્રવૃત્તિ ચાલી હોય તો એ કૃતિવિવેચનની છે. સર્જાતું સાહિત્ય વધુ ને વધુ પ્રમાણમાં અવલોકાય એવો આગ્રહ ઉમાશંકર જોશીએ સેવેલો અને એમાં જ વિવેચકનું એક મહત્ત્વનું કર્તવ્ય એમણે જોયેલું. સુરેશ જોષી દ્વારા કૃતિનિષ્ઠ વિવેચનને પ્રાધાન્ય મળતાં એ પ્રવૃત્તિ વિશેષ વિકસી અને વિસ્તરી છે. કાવ્ય, વાર્તા, નાટક અને નવલકથાની કૃતિઓનાં ઘટકોને વિશ્લેષવાના કે એનું આસ્વાદદર્શન કરાવવાના પ્રયાસો આ બે દાયકા દરમ્યાન ઘણા મોટા પાયા પર થયા છે. આમાં કાવ્યકૃતિઓનાં રસદર્શનોનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ ઘણું મોટું રહ્યું છે, પણ વાર્તા આદિ કથાસાહિત્યની કૃતિઓના આસ્વાદો આપવાનું વલણ પણ નોંધપાત્ર રહ્યું છે. ‘સંજ્ઞા’ સામયિકે ૧૯૭૩ના એક અંકમાં આવા વાતઆસ્વાદોનો વિલક્ષણ પ્રયોગ કરેલો. રઘુવીર ચૌધરીના ‘વાતઽવિશેષ’ (૧૯૭૬)માં પણ આસ્વાદલક્ષી વાર્તાવિવેચનના કેટલાક સરસ નમૂના મળે છે. એમાં ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી, બંગાળી, તેલુગુ આદિની વાર્તાઓ વિશે પણ એમણે આ દૃષ્ટિકોણ અપનાવેલો છે. ‘ગુજરાતી નવલકથા’ ૧૯૭૨માં પણ એમણે તથા રાધેશ્યામ શર્માએ કેટલીક નવલકથાઓની, વાચકને એના સાક્ષાત્ પરિચયમાં મૂકી આપતી, કૃતિકેન્દ્રી અને રસદર્શી સમીક્ષાઓ આપી છે. નવલકથાસંદર્ભે કૃતિવિવેચનનો એક વધુ નોંધપાત્ર પ્રયોગ સુમન શાહના ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’ (૧૯૭૩)માં થયેલો છે. અદ્યતન પ્રયોગશીલ નવલકથાનો, કૃતિવિવેચનાના કેન્દ્રમાં રહીને અપાયેલો આલેખ આ પ્રકારની વિવેચનાનો એક લાક્ષણિક પ્રયાસ છે. ગુજરાતી અને અન્યભાષી વાર્તા—નવલકથા કૃતિઓનાં આવાં વિવેચનો જયંત પારેખ, ભોળાભાઈ પટેલ, રાધેશ્યામ શર્મા, શિરીષ પંચાલ ઇત્યાદિ દ્વારા થાય છે. યોગેન્દ્ર વ્યાસે પન્નાલાલની ‘વળામણાં’ નવલકથાની ભાષાતપાસની દૃષ્ટિએ કરેલી સમીક્ષા પણ કૃતિવિવેચનનો જ એક લાક્ષણિક પ્રયોગ ગણી શકાય. ‘ગુજરાતીનો અધ્યાપકસંઘ’નાં છેલ્લાં ત્રણ સંમેલનોમાં થયેલાં કવિતા, વાર્તા અને એકાંકીની કેટલીક કૃતિઓ પરનાંવક્તવ્યો અને એની ચર્ચાઓ પણ આ જ દિશાનું એક મહત્ત્વનું કાર્ય ગણાય. સુરેશ જોષીથી આરંભાયેલી કાવ્યાસ્વાદની પ્રવૃત્તિ સૌથી વધુ પ્રમાણમાં ફાલી ફૂલી છે. સામયિકો અને છાપાંનાં પાનાં પર એ ઉભરાઈ છે.કેટલાક વિવેચકોના વિવેચનસંગ્રહોમાં એક અલગ વિભાગ તરીકે કાવ્યાસ્વાદો મુકાયેલા દેખાવા માંડ્યા છે. સુરેશ જોષીના ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (૧૯૬૨)ને માર્ગે કાવ્યાસ્વાદના સ્વતંત્ર ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. ‘સંસ્કૃતિ’ના ૩૦૦મા વિશેષાંકે અન્ય ભારતીય અને વિદેશી કવિતાના અનુવાદો-આસ્વાદો આપેલા અને ૪૦૦-૪૦૧મા પ્રતિભાવ વિશેષાંક’માં ગુજરાતી કવિતાના આસ્વાદો અપાયા છે. આ બધામાં આપણે ત્યાંની કૃતિવિવેચનાના એક વિશાળ ફલકનો પરિચય મળે છે. વિવિધ દૃષ્ટિબિંદુઓ અને શૈલીઓ એમાં પ્રયોજાયાં છે. યોગેન્દ્ર વ્યાસે અને પછી એક સાતત્યથી અને વિશિષ્ટ પદ્ધતિથી ચંદ્રકાન્ત ટોપીવાલાએ કેટલીક કૃતિઓને ભાષાવૈજ્ઞાનિક અભિગમથી પણ વિશ્લેષી-તપાસી છે. કૃતિલક્ષી આસ્વાદનના આ બધા પ્રયાસોમાં કેટલીક સમર્થ અને પ્રૌઢ વિવેચના અલબત્ત મળી છે પણ મોટેભાગે તો એમાં પ્રભાવવાદી વિવેચના જ વધુ દૃઢ થતી રહી છે. વિવેચનની રૂઢ પરિભાષાને, એની જાર્ગનને, બાજુએ રાખીને અનૌપચારિક રીતે કાવ્યને પામ્યાની કેફિયત મળતી હોય, કાવ્યનાં કેટલાંક સૌંદર્યસ્થાનો એમાં ખૂલતાં હોય ને કેટલાંક દ્યોતક અવલોકનો પ્રાપ્ત થતાં હોય—એવી સ્થિતિઓમાં કેટલુંક નક્કર કામ થયું પણ જણાય છે, કૃતિવિવેચનની સાર્થકતા પણ એમાં પ્રતીત થાય છે. પણ આ પ્રકારનાં વિવેચનોના એક મોટા જથ્થામાં તો આવું કશું વિત્ત નથી. કૃતિવિવેચન એક પડકાર બનવાને બદલે સહેલી લેખનપ્રવૃત્તિ બની રહે છે. ઝાઝે ભાગે આ આસ્વાદો યાવૃચ્છિક અને પ્રભાવજન્ય લખાણોરૂપ હોય છે, કાવ્યપદાર્થ વિશેની કોઈ સ્થિર સમજના પરિણામરૂપ એ હોતાં નથી. ક્યારેક તો એ એક કાવ્ય પર બીજું કાવ્ય રચી દેવાની, શૈલીસુખને માટે થતી પ્રવૃત્તિ હોય છે. અન્ય કશી ગંભીર વિવેચનપ્રવૃત્તિની દિશામાં ન વળનાર પણ એકાદ કાવ્યસ્વાદ તો અજમાવી જ જુએ છે ! ગ્રંથાવલોકન અને સમીક્ષાનું ક્ષેત્ર પણ ખૂબ વિસ્તૃત રહ્યું છે. સાતમા દાયકામાં શરૂ થયેલા, કેવળ સાહિત્યસમીક્ષા અને વિવેચનના એકમાત્ર સામયિક ‘ગ્રંથ’નો અવલોકનની પ્રવૃત્તિને વેગ આપવામાં મોટો ફાળો રહ્યો છે. આ ઉપરાંત ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘વિશ્વમાનવ’, ‘સંસ્કૃતિ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ‘પરબ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘સ્વાધ્યાય’, ‘એતદ્’ આદિ સામયિકોમાં પણ સરજાતા સાહિત્યની કૃતિઓની સમીક્ષાઓ, તથા ક્યારેક, નીવડેલી કૃતિઓનાં પુનમૂલ્યાંકનો વિપુલ પ્રમાણમાં પ્રગટ થતાં રહ્યાં છે. આ ગ્રંથસમીક્ષા પણ અનેક સ્તરે ચાલી છે. અદ્યતન સાહિત્યવલણોની ભૂમિકારચીને પ્રયોગશીલ કૃતિની આલોચના કરતી અભ્યાસપૂર્ણ દીર્ઘ સમીક્ષાઓ, કૃતિનાં ઘટકોને ચર્ચાતી વિશ્વલેષણાત્મક સમીક્ષાઓ, કૃતિનાં મહત્ત્વનાં પ્રભાવક બિંદુઓને અજવાળી આપતી સમીક્ષાઓ તથા ટૂંકાં પરિચયલક્ષી અવલોકનોનું વૈવિધ્ય એમાં નજરે પડશે. કૃતિને વિશેષ સઘનતાથી પામવા, એના સર્જકના નિકટના પરિચયની ઉષ્માવાળાં વિવેચનો—અવલોકનો પણ આ બે દાયકામાં મળ્યાં છે એ એનું એક આગવું પરિમાણ છે. પરંતુ એ સાથે જ સાહિત્યેતર મૂલ્યોને આરોપતી, કોઈ ગણતરીથી પ્રેરાયેલી સમીક્ષાપ્રવૃત્તિએ નીતર્યા વાતાવરણને ડહોળવાનું પણ ક્યારેક કર્યું છે. સમય જતાં આવાં લખાણો અસરકારકતા ગુમાવતાં હોય છે. પરંતુ અભ્યાસની ઊણપવાળાં, સાવ અછડતાં અવલોકનોનું વધેલું પ્રમાણ કૃતિને પ્રચાર-પરિચયથી આગળ વધારતું નથી હોતું એથી એનું કેવળ સામયિક મૂલ્ય રહે છે. એટલે અભ્યાસપૂર્ણ સમતોલ સમીક્ષાઓ—કેટલાક ઉત્તમ નમૂના એના અવશ્ય મળે છે તેમ છતાં-પ્રમાણમાં ઘણી ઓછી છે. ગુજરાતી ગ્રંથસમીક્ષા એ દિશા ગ્રહે એવી અપેક્ષા રહે છે. સમીક્ષાને ક્ષેત્રે જૂની-નવી પેઢીના લગભગ બધા જ પીઢ અને પ્રયોગશીલ વિવેચકો તથા નવા અભ્યાસીઓ એકસાથે પ્રવૃત્ત રહ્યા છે. નવા અભ્યાસીઓમાં, અગાઉ નોંધેલાં કેટલાંક નામ ઉપરાંત, નટવરસિંહ પરમાર, દીપક મહેતા, પ્રકાશ મહેતા, ધીરુ પરીખ, દિનેશ કોઠારી, ચંપૂ વ્યાસ, ધીરેન્દ્ર મહેતા, કનુ સુણાવકર, નીતિન મહેતા, ભૂપેશ અધ્વર્યુ, તૃષિત પારેખ આદિ ઉલ્લેખપાત્ર છે. આ ઉપરાંત કેટલાક સર્જકો વિશેના અધ્યયનગ્રંથો રૂપે સંપાદિત થતા લેખસંગ્રહો દ્વારા અને કેટલાંક સાહિત્યસ્વરૂપોની વિભિન્ન સમયે જુદાજુદા અભ્યાસીઓએ કરેલી વિચારણાને સંકલિત કરતા સંગ્રહો—સંચયો દ્વારા મૂલ્યાંકન-પુનમૂલ્યાંકનના આલેખો એકસાથે મળતા રહ્યા છે એ પણ નોંધપાત્ર છે. સુરેશ દલાલ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને જયંત કોઠારીના આવા પ્રયાસો આ દૃષ્ટિએ વિશેષ ધ્યાનાર્હ છે. સાહિત્યની આખી પરંપરામાં વિકસેલી મુખ્ય વિચારધારાઓ, બદલાતાં વલણો ને વિભાવનાઓ, વિકસતાં—પરિવર્તન પામતાં, નવાં અપનાવાતાં સાહિત્યસ્વરૂપો, લેખકો—એમ વિવિધ વૃષ્ટિએ તૈયાર થતા સાહિત્યના ઇતિહાસો કોઈપણ ભાષાના સાહિત્યજગતની એક અનિવાર્ય જરૂરત ગણાય. આ બે દાયકામાં અઘતન સમય સુધીના અર્વાચીન સાહિત્યની સમગ્ર પરંપરાને આલેખતો, ધીરુભાઈ ઠાકરે લખેલો ઇતિહાસ અર્વાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ પ્રાથમિક રીતે અને સંક્ષેપમાંઅભ્યાસીની આપસૂઝ પ્રવૃત્ત થઈ હોય, કેટલાંક દ્યોતક નિરીક્ષણો એમાંથી મળતાં હોય, જેમાં એના લેખકની લખાવટ સાહ-સુઘડ હોય ને અભિગમ સ્પષ્ટ હોય પણ શાસ્ત્રીય પદ્ધતિ ને સંશોધનની શિસ્ત જેમાં બહુ સંતોષકારક ન જણાતી હોય. મોટેભાગે વિવેચનના ક્ષેત્રમાં આવી જાય એવાં, આસ્વાદન અને અર્થઘટનનાં પાસાં એમાં પૂરી માવજત પામ્યાં હોય છે તથા વિવેચનની સૈદ્ધાન્તિક ભૂમિકા એમાં સ્પષ્ટ રહી હોય છે પણ સમગ્રપણે સંશોધનના કામ તરીકે એનાં કેટલાંક પાસાં નબળાં રહી ગયાં હોય છે એટલે કે સંશોધકદૃષ્ટિ એમાં પૂરી સમજથી અને પૂરી એકાત્મતાથી વિનિયોગ પામી નથી હોતી. પરંતુ, મોટી કમનસીબ વાત તો એ છે કે આવાં વિવેચનમૂલક નોંધપાત્ર શોધકાર્યોનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. એટલે, ખરેખર તો, આ ‘શોધનિબંધો’ અને ‘મહાનિબંધો’ને નામે આપણે ત્યાં જે લેખનપ્રવૃત્તિ ચાલે છે એમાંની મોટાભાગની તો ઘણી રેઢિયાળ હોય છે. એમાં સંશોધનની તો નહીં જ, વિવેચનની પણ કોઈ શિસ્ત કે સૂઝ જોવા મળતી નથી. અને છતાં આવું બધું હેમખેમ પસાર થઈ જતું હોય છે! એમાં આપણા શિક્ષણ—ક્ષેત્રની એક વિચિત્ર ખાસિયત જવાબદાર છે : સાહિત્યની પ્રાથમિક જાણકારી પણ ન ધરાવતો ને સરખી ભાષા પણ ન લખી શકતો. વિદ્યાર્થી પરીક્ષકનાં શિથિલ, ઉદાર વલણોને લીધે સ્નાતક-અનુસ્નાતક પદવીઓ ધારણ કર્યે જતો હોય છે એમ અહીં પણ બસો-પાંચસો પાનાં ચીતર્યાનો નર્યો શ્રમ પદવીની લાયકાતનું લઘુતમ ધોરણ બની રહેતો હોય છે. માર્ગદર્શકો અને પરીક્ષકોની અતિ ઉદારતા (ખરેખર એને બેજવાબદારી કહેવી જોઈએ), ન જ ચાલે એવાં કામોને માટે પણ ઉપાધિના દરવાજા મોકળા કરી દેતી હોય છે! કાચું કામ કર્યા છતાંય અટકી પડવાનો ભય ન હોવાની એક વ્યાપક સલામતીના આવા વાતાવરણને લીધે ઉત્તરોત્તર નબળાં કામ થતાં ચાલે છે. હીનગૌરવ બની રહેતી આ લખાપટ્ટી યાદચ્છિક ધોરણે ચાલ્યા કરે છે. એથી, ઉમેદવારને પદવી ઓઢાડી દેવાય એ સિવાયનો કશો હેતુ, ઘણીવાર તો, સરતો નથી. યુનિવર્સિટીઓનાં ગ્રંથાલયોના સંદર્ભ—વિભાગો (ભંડારા ?)માં આવા દળદાર ગ્રંથો ખડકાયે જાય છે. એમાંના કેટલાક, પછી પુસ્તક-અવતાર પણ ધારણ કરે છે. ‘શિષ્ટ—માન્ય ગ્રંથો’ માટેની ગુજરાત સાહિત્ય અકાદમીની પ્રકાશન—યોજના ખૂલ્યા પછી તો આ પ્રકાશન—પ્રવૃત્તિપણ ફૂલી રહી છે. એથી, અલબત્ત, દટાઈ રહેલા કેટલાક સારા નિબંધોને પરિમાર્જિત રૂપે પ્રકાશિત થવાનો એક લાભ પણ થાય છે. પરન્તુ, આ યોજના પણ ઘણી ઉદાર ને સખાવતી હોવાથી, જે કંઈ રજૂ થાય તે, મોટેભાગે તો, પ્રકાશન—મંજૂરી પામે છે ને છપાયે જાય છે. આવો મેદસ્વી મુદ્રિત જથ્થો સાહિત્ય-સંશોધનના કે વિવેચનના ક્ષેત્રે કશું પ્રદાન કરવાનાં શક્તિ-શહૂર ધરાવતો નથી—એ કેવળ અપવ્યય બની રહે છે. સંશોધનનાં પદ્ધતિ ને સમસ્યાઓની સૈદ્ધાન્તિક ભૂમિકા વિશે તો મારી અગાઉના વક્તા શ્રી પ્રમોદકુમાર પટેલે વાત કરી જ છે એટલે હું આપણી સંશોધનપ્રવૃત્તિનાં પ્રત્યક્ષ પરિણામોની જે સમસ્યાઓ, ખરેખર તો એની જે મર્યાદાઓ છે એને વિશે કેટલાંક નિરીક્ષણો રજૂ કરવા માગું છું. ઉપરની ભૂમિકા પરથી સ્પષ્ટ થયું હશે કે આપણી આખી સંશોધનપ્રવૃત્તિમાંથી મેં કેવળ પીએચ.ડી. નિમિત્તે થતી સંશોધનપ્રવૃત્તિનાં પરિણામો નજર સામે રાખ્યાં છે ને એમાં પણ જે ઉત્તમ પરિણામો છે કે પરિણામોના જે જે ઉત્તમ અંશો છે એની જિકર કરી નથી; કેમકે જે સારું છે એ તો સંશોધનનાં આદર્શ કે ઉત્તમ ધોરણોને એક કે બીજી રીતે અનુસરે છે. પરંતુ, સંશોધનનું વિત્ત કે એની શિસ્ત નથી ધરાવતાં એવાં પરિણામોને જ ચર્ચા માટે હાથ પર લીધાં છે. સાહિત્યસંશોધન પાસેની મારી, બલકે આપણી સૌની જે લઘુતમ અપેક્ષાઓ હોય એ વ્યક્ત કરવાનો જ આ પણ એક માર્ગ છે એટલે એને નકારાત્મક વલણ ન ગણવા વિનંતી. એક બીજી બાબત પણ આ તબક્કે જ સ્પષ્ટ કરી લઉં કે મહાનિબંધો કે એના લેખકોના નામોલ્લેખો કરવા મેં જરૂરી ગણ્યા નથી. એનું કારણ એ કે અહીં મારો આશય થોડાક નિબંધો લઈને એની સર્વાંગીણ તપાસ કે સમીક્ષા કરવાનો નથી પરંતુ આપણાં આ પ્રકારનાં લેખનકાર્યોનાં જુદાંજુદાં પાસાંમાં દેખાતી મર્યાદાઓ સૂચવવાનો છે. એટલે સંભવ છે કે એકબે પાસાંની મર્યાદા સૂચવી હોય એ નિબંધનાં બીજાં કેટલાંક પાસાં કે વ્યાપક ભાવે આખો નિબંધ પૂરો ટીકાપાત્ર ન પણ હોય ને એથી નિબંધ કે નિબંધલેખકને અકારણ અન્યાય થઈ જાય. નામોલ્લેખો એથી જ ટાળ્યા છે. શોધનિબંધ વિષયપસંદગી અને એના આયોજનથી માંડીને આધારસામગ્રી અને સંદર્ભસામગ્રીનો વિવેકપૂર્વકનો ઉપયોગ, લેખનશૈલી એટલે કે લખાવટ, લેખનપદ્ધતિ આદિ દરેક તબક્કે સંશોધનનાં ચોક્સાઈ અને શિસ્તની અપેક્ષા રાખે છે એટલે એવા પ્રત્યેક પાસાને લઈને આપણે વિગતોની ચર્ચામાં જઈએ.

વિષયપસંદગી પાછળનાં વલણો

મુશ્કેલીઓનો આરંભ વિષયપસંદગી પાછળનાં વલણોથી થઈ જતો હોય છે. વાચન-અધ્યયન દરમ્યાન કે અધ્યાપનકાર્યના કોઈ તબક્કે સાહિત્યના સમયવિશેષ કે યુગવિશેષ, કર્તા, સ્વરૂપ, સંજ્ઞાઓ, સંપ્રત્યયો, ઓજારો, અભિગમો જેવા કોઈ પ્રદેશ પર અભ્યાસીનું ધ્યાન કેન્દ્રિત થયું હોય ને એમાંથી સંશોધનની દિશા જડી હોય તો એક નક્કર ભૂમિકા રચાય. પણ એવું હંમેશાં ન પણ બન્યું હોય. કોઈવાર કોઈ વિદ્વાન અભ્યાસી કે સંશોધકદ્વારા વિષયનું સૂચન થયું હોય ને એ વિષય મનને રૂચતાં એક પડકાર રૂપે સ્વીકારી લેવાનું બન્યું હોય, સન્નિષ્ઠ અભ્યાસી એને પણ એક નક્કર ભૂમિકાએ પહોંચાડી શકે. પરંતુ કેટલીકવાર તો સંશોધનના ઉમેદવારનાં, વાચન-અધ્યયનથી કેળવાયેલાં કોઈ રુચિ—વલણો સ્પષ્ટ ન થયાં હોય એટલે કોઈએ સૂચવેલો, કે પછી કોઈની પાસે ખાસ ઘડાવેલો, કોઈપણ વિષય એ સ્વીકારી લેતો હોય છે. તકેદારી એ એટલી જ રાખતો હોય કે એ યુનિવર્સિટીમાં એ વિષય બેવડાતો નથી; ને એણે ખાતરી એ કરી લીધી હોય કે એ વિષય સરળ—સુગમ બની રહેશે ! આને લીધે, વિષય એને માટે એના નિમ્નતમ અર્થમાં સાધન કે વાહન બની રહે છે. વિચારીને નિર્ણય કરવા સુધી એ થોભતો નથી. એક પ્રસંગ મને યાદ આવે છે કે એક અધ્યાપકમિત્રે વિષય પસંદ કરેલો-મધ્યકાલીન સાહિત્યમાં સંવાદ-કાવ્યો. પછી કોઈએ ચકાસવા માટે જરાક ટીખળમાં પૂછ્યું કે, સંવાદ—કાવ્યો કહો છો તો તમે ‘નાગદમણ’નો પણ સમાવેશ કરવાના ને ? ત્યારે એ મિત્ર મૂંઝાઈ ગયેલા અને, તમે કહેતા હો તો સમાવી લઉં?—એવી અવઢવમાં મુકાઈ ગયેલા. કોઈવાર તો કામ કરતાંકરતાં અકારણ જ વિષય—સંક્રાન્તિ થઈ જતી હોય છે, ને પરિણામે આખુંય કામ કોઈ એક કેન્દ્ર વિનાનું, ધૂંધળું બની જતું હોય છે. મધ્યકાલીન કર્તા વિશેના એક શોધનિબંધના નિવેદનમાં જણાવાયું છે કે, ……(કર્તા) તો પછી નિમિત્તે બન્યો, ને અધ્યયનનો વિષય તો મધ્યકાલીન આખ્યાન બની ગયો.’

મધ્યકાલીન વિષયો

આજે તો એનું પ્રમાણ કંઈક ઘટ્યું જણાય છે પણ એક વખત એવો હતો કેપીએચ.ડી. માટે મધ્યકાલીન સાહિત્ય પર વધુ પસંદગી ઉતારવામાં આવતી. અપ્રગટ અને અજાણ્યાને પ્રગટ અને પરિચિત કરવું. હસ્તપ્રતોને અર્વાચીન લિપિમાં મૂકી આપવી ને સૂઝી તે બાલાવબોધી સમજૂતીઓ આપવી એટલે એ સંશોધન ગણાય એવો, સંશોધન વિશેનો જાડો ખ્યાલ એની પાછળ પ્રવર્તતો જણાય છે. ખરેખર તો, મધ્યકાલીન કૃતિસંપાદન સંશોધનના જટિલ કોયડા સામે લાવનારું, થકવી દે એવું પડકારરૂપ કામ છે અને એમાં સૂઝ, ચીવટ, ધીરજ ને શાસ્ત્રીય પદ્ધતિની જાણકારીનો ઘણો ખપ પડે છે. પણ એ કશાની ખેવના ન કરતાં કાચાં કામ ઘણાં થયાં છે. પ્રતપસંદગીનો કશો વિવેક ન થયો હોય કે પાઠનિર્ણય મનસ્વી રહ્યા હોય કે પ્રતવાચન સુધ્ધાંમાં ભૂલો રહી હોય કે પછી મધ્યકાલીન સમય અને સાહિત્યપરંપરાની ભૂમિકા સાથે સંગતિ સાધ્યા વિના યાતૃચ્છિક કૃતિચર્ચા થઈ હોય—એવી કોઈ ને કોઈ મર્યાદા આ વિષય પરના ઘણા શોધનિબંધોમાં જોવા મળી છે. કૃતિના પાઠ પરથી થતા સમય—સ્થળ આદિના નિર્ણયો તેમજ અર્થઘટનો સાહસપૂર્વક કરી દેવામાં આવતાં હોય છે. દાખલા તરીકે, કોઈ કવિના એકાદ બોધક પદની પંક્તિઓમાં વયદર્શક સંજ્ઞાઓ ગુંથાતી જતી હોય ને એમાં છેલ્લી સિત્તેરની હોય તો પદરચના સમયે કવિની વય સિત્તેરની હશે એવું બેધડક લખી નાખનાર સંશોધકને આપણે શું કહીશું? ઉમાશંકર જોશીએ છેક ૧૯૪૧માં, અખાનો અભ્યાસ કરતી વખતે ‘તિલક કરતાં ત્રેપન વહ્યાં...’ એ પંક્તિના અર્થઘટન લેખે અખાની છપ્પારચના વખતની વય ત્રેપનની ગણાવનાર ઉત્સાહીઓને માર્મિક ટીકાથી ચેતવતાં લખેલું: ….એટલે આ છપ્પાઓની રચના માટે અખાને ત્રેપન વરસ સુધી અદબપલાંઠી વાળી બેસાડી રાખવાનો અત્યાચાર આપણી વિદ્વત્તાએ કરવો ઠીક નથી. (‘અખો: એક અધ્યયન’ પૃ.૭૨) તેમ છતાં ઉત્સાહી સાહસિક સંશોધકો તર્કની ચકાસણી વગરનાં નિરાધાર વિધાનો કર્યે જતા હોય છે. આને લીધે, જૂજ અપવાદોને બાદ કરતાં મધ્યકાલીન વિષયો પરના શોધનિબંધો પૂરા શ્રદ્ધેય ગણી શકાય એમ નથી. આ વિષય પરનાં શોધકાર્યોમાં એક બીજી મુશ્કેલી પણ જોવા મળે છે. મધ્યકાલીન કર્તા કે સ્વરૂપ વિશેના નિબંધોમાં, એને વિશે મળતી સુલભ સામગ્રીનો ઉપયોગ કરી લેવાનું ને એ ઉપયોગ સમુચિત રીતે ન થતાં થીંગડાં સાહિત્યપ્રવાહોને તપાસતો, મૂળભૂત રીતે વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલો હોવા છતાં એક જ વ્યક્તિને હાથે થયેલા પ્રયાસ તરીકે ઘણો નોંધપાત્ર લેખાય. ઘણાં વર્ષો સુધી અર્વાચીન સાહિત્યના એકમાત્ર ઉપયોગી ઇતિહાસગ્રંથ તરીકે એણે કામ આપ્યું છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદે કરેલી સાહિત્યના બૃહદ્ ઇતિહાસની યોજનામાં અત્યાર સુધી (૧૯૭૩ અને ૧૯૭૮ની વચ્ચે) ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા છે (ચોથો હવે તરત પ્રકાશિત થશે)." આ ઇતિહાસમાં અઘતન સમય સુધીના સાહિત્યને આવરી લેવાની એના સંપાદકોની યોજના છે. બૃહદ્ ફલક પર આયોજાયેલા આ ઇતિહાસનું સ્વરૂપ વિભિન્ન અભ્યાસીઓએ જુદાજુદા લેખકો વિશે તૈયાર કરેલા પ્રકરણોની—કાલાનુક્રમે ચાલતી લેખકકેન્દ્રી-પદ્ધતિનું રહ્યું છે. એથી આ સ્વરૂપની અનિવાર્ય મર્યાદાઓ એને પણ વળગેલી છે. પણ આ એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે ને ઉત્તમ વિદ્વાનોનો એને લાભ મળેલો છે એ દૃષ્ટિએ એ આ બે દાયકાનું એક મૂલ્યવાન અને મોટું કાર્ય અવશ્ય છે. પરંતુ, વિભિન્ન સ્વરૂપે ને દૃષ્ટિબિંદુઓથી લખાયેલા એકાધિક ઇતિહાસોનું તો એક સ્વપ્ન જ સેવવાનું રહે છે. ઇતિહાસલેખન ખૂબ લાંબી ધીરજ અને લાંબો સમય માગતું, ઘણી શક્તિ અને સજ્જતાની અપેક્ષા રાખતું એક ગંજાવર કામ છે. એની પાછળ જ આખી કારકિર્દી સમર્પી દેનાર અભ્યાસી કે સાહિત્યસંસ્થા જ એ ઉપાડી શકે. આપણી યુનિવર્સિટીઓ આ કામને સ્વીકારવાની તૈયારી દાખવે તો આવાં ભગીરથ કાર્યો શક્ય પણ બને. અત્યારે તો એવા એકાદ આદર્શ ઇતિહાસની પણ ખોટ વરતાય છે. ભવિષ્યના દાયકાઓ સામે એ એક મોટો પડકાર છે. આ બે દાયકાનું વિવેચન આમ અનેકવિધ સ્તરે ચાલતું રહ્યું છે. પ્રમાણમાં એ ઠીકઠીક સમૃદ્ધ પણ છે. અલબત્ત, જુદેજુદે સમયે. અભ્યાસી વિદ્વાનો દ્વારા એને અંગે અસંતોષ પણ પ્રગટ થયા છે. વિવેચનનાં ઓજારોની અસ્પષ્ટતા અને સંદિગ્ધતા, બહોળી સજ્જતાનો અભાવ, અભિનિવેશો અને નવીનતાના વ્યામોહો, અભ્યાસની ઊણપો—એવી એની મર્યાદાઓ બતાવાઈ છે. વિભિન્ન તબક્કામાં આમાંથી એક કે વધુ મર્યાદાઓ વિવેચનામાં દેખાતી રહી છે પણ એની સાથે જ એણે જે ગતિપૂર્ણ વિકાસ સાધ્યો છે એય ઉપેક્ષી શકાય એમ નથી. પાશ્ચાત્ય વિવેચનનાં આંદોલનો આપણે ત્યાં ઠીકઠીક સમય પસાર થયા પછી, ક્યારેક તો એ આંદોલનો શમી ગયા પછી, ઝિલાતાં. છેલ્લા બે દાયકામાં એ સ્થિતિ ઘણી સુધરી છે. પાશ્ચાત્ય વિવેચનના અદ્યતન પ્રવાહોથી આપણો વિવેચક પરિચય કેળવતો પાક્ષાત, ક્યારેક બધું આત્મસાત થઈને જિલાતું ન હોય એમ પણ બન્યું છે પરંતુ એણે એક આબોહવા તો રચી છે. અભિજ્ઞતા કેળવવાનો આગ્રહ વધ્યો છે. વિવેચન વધુ નિર્ભીક, વધુ મૈત્રીપૂર્ણ બન્યું છે. મુરબ્બીવટનો કે વિદ્વત્તાનો દમામ દેખાડવાને બદલે, સ્પષ્ટ આગ્રહો રાખીને પૂરીસહદયતાથી અને પ્રેમાદરપૂર્વક સર્જનનું ગૌરવ કરવાનું વલણ વિકસ્યું છે. સાતમા દાયકામાં અદ્યતન સાહિત્યસર્જનના સ્ફૂર્તિવંત સમર્થ ઉન્મેષો પ્રગટ્યા પછી આઠમો દાયકો સર્જનની બાબતે મંદ અને નિરાશાજનક નીવડયો છે. તે સમયે પણ વિવેચન તો વધુ સમૃદ્ધ થતું રહ્યું છે. એણે સ્પષ્ટ વિકાસ દાખવ્યો છે. અનેકદેશીય સજ્જતાની દિશામાં આગળ વધવાનો પડકાર ભવિષ્યની વિવેચક-પેઢી ઝીલી લેશે તો વિવેચનનું સામર્થ્ય વધશે. સર્જકતાને એ પ્રેરક પણ બની રહેશે.

* ‘ગુજરાત દીપોત્સવી અંક’, સં. ૨૦૩૭ (ઑક્ટોબર-નવેમ્બર ૧૯૮૧)
‘વિવેચનસંદર્ભ’ પૃ. ૬૪ થી ૭૪