સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/આપણી ગ્રંથસમીક્ષા –પ્રવૃત્તિના પ્રશ્નો
‘વિવેચકનું મુખ્ય કાર્ય તે તો પ્રત્યક્ષ સાહિત્યવિવેચનનું છે…સમકાલીન રચનાઓ અંગે પોતાની ઘડાયેલી રુચિનો વિનિયોગ કરી અતંદ્રપણે અવલોકન રજૂ કરવું એ પ્રધાન ફરજમાંથી તે પોતાના અસ્તિત્વને ભોગે જ છટકી શકે…અવલોકન લખવાં સહેલ નથી. વિવેચનસિદ્ધાંત સીધા આપવાને બદલે, અવલોકનમાં એનો વિનિયોગ કરવાનો રહે છે.’
- ઉમાશંકર જોશી
ગ્રંથસમીક્ષા વિવેચનપ્રવૃત્તિની એક મહત્ત્વની આવશ્યકતા લેખાય છે કારણકે સાહિત્યના વર્તમાન તેમજ ભવિષ્ય સાથે એના અનેક તંતુ જોડાયેલા રહે છે. સમકાલીન કૃતિઓને તરત પ્રતિસાદ મળવો જરૂરી છે. અલબત્ત, એ કેવળ ઔપચારિક અભિનંદનપ્રવૃત્તિ ન બની રહે કે લેખકને ચડાવવા—ઉતારવાની તરકીબ(કે સાધન) ન બની રહે એ જરૂરી છે. એક નિસબતભર્યો, સાહિત્યતત્ત્વનિષ્ઠ અને સાહિત્યપ્રીતિવાળો પ્રતિભાવ કૃતિના લેખકને માટે ને એના વાચકને માટે એક સ્વચ્છ વાતાવરણ રચી આપી શકે—નવીન સર્જક માટે, ક્યારેક ને અમુક અંશે, એ પ્રેરક પણ બની રહે. સરજાતા સાહિત્યનું એક ત્વરિત ને સ્પષ્ટ ચિત્ર પણ સમીક્ષાઓ દ્વારા અંકાતું રહેતું હોય છે ને એ વર્તમાન માટે તેમજ ભવિષ્યના અભ્યાસી ને સંશોધન માટે એક મહત્ત્વનો આલેખ રચી આપતું હોય છે. આ રીતે વિચારતાં તો સમીક્ષાપ્રવૃત્તિ એક મોટી જવાબદારીપણ બની રહે છે. સાહિત્યની કૃતિ માટેનો ઉમળકો હોવો ને છતાં તણાઈ-ખેંચાઈ ન જવું; સાહિત્યકળાના માપદંડો માટેની સજગ ખેવના હોવી ને છતાં શુષ્ક ટીકા-ટિપ્પણમાં જ વેરાઈ ન જવું; નિષ્પક્ષ આકરી ટીકા માટેની નિખાલસતાભરી નિર્ભય માનસિકતા હોય ને છતાં અભિવ્યક્તિમાં કોઈ તોછડાશ ન આવી જાય એની જાતકેળવણી સમીક્ષકે સૂઝ—શ્રમપૂર્વક મેળવી લેવી પડે. સમીક્ષક આવો સન્નદ્ધ હોય ને પોતાની કારકિર્દીમાં સિદ્ધાન્તચર્ચા ને ઇતિહાસલક્ષી પ્રવાહચર્ચાની સાથે સમીક્ષાને પણ તે સમય આપતો રહે એ આવશ્યક ગણાય. વળી, એટલું જ આવશ્યક એ પણ છે કે સમીક્ષાપ્રવૃત્તિ આયોજિત-સંકલિત થતી રહે એ માટે સાહિત્ય—સામયિકોના સંપાદકો દૃષ્ટિપૂર્વક મથતા રહે. સમીક્ષાને માટે સામયિકોમાં પર્યાપ્ત પ્રમાણમાં સ્થાન હોય ને ઉત્તમની સાથે સાથે, નોંધપાત્ર લાગતી હોય એવી કૃતિ પણ સમીક્ષા વિના રહી ન જાય એની શક્ય એટલી તકેદારી હોય એ પણ જરૂરી છે.
આ બધાના સંદર્ભે ગુજરાતીમાં આજે લખાતી ગ્રંથસમીક્ષાઓ વિશે વિચાર કરીએ છીએ ત્યારે એ અંગેના બે પ્રકારના પ્રશ્નો બલકે સમસ્યાઓ સામે આવે છે. એક તો, સમીક્ષાના પોતાના આંતરિક પ્રશ્નો છે એટલે કે લખાણના સ્વરૂપ અને પદ્ધતિના પ્રશ્નો છે અને બીજા તે સમીક્ષાને લીધે, સમીક્ષાને પરિણામે ઊભા થતા પ્રશ્નો. આ બીજા પ્રકારના પ્રશ્નો તે સાહિત્યજગતના છતાં સાહિત્યવસ્તુ—બહારના છે એટલે ક્યારેક એ સામાજિક પ્રશ્નો પણ બની રહે છે. ગ્રંથસમીક્ષાનું પ્રયોજન સાહિત્યબાહ્ય હોય ત્યારે જ નહીં; સમીક્ષા વસ્તુલક્ષી હોય ત્યારે પણ જો ગ્રંથકર્તા એને આત્મલક્ષી પ્રતિક્રિયારૂપે વાંચે તો મામલો ‘સામાજિક’ બની રહે છે. ‘અવલોકનો લખવાં સહેલ નથી’ એ ઉમાશંકરની વાત સાચી છે, એટલી જ એ વાત પણ સાચી છે કે અવલોકનો ખમવાં પણ સહેલ નથી!
આમ તો સમીક્ષા—સમકાલીન કૃતિની સમીક્ષા—એ પોતે જ એક સંવેદનશીલ ઘટના, એક લાક્ષણિક અર્થમાં ‘સમસ્યા’ બની રહેતી હોય છે. કેમકે સમીક્ષક પ્રવાહની વચ્ચે ઊભો હોય છે—એટલે કે પરિસ્થિતિએ કરીને તો એ તટસ્થ હોતો જ નથી, એ પ્રવાહમાં રહીને જ એણે સ્થિર અવલોકન કરવાનું હોય છે, અને એ પણ પ્રવાહના સ્પર્શને કે પ્રવાહના વેગને અવગણીને નહીં. એ અર્થમાં તે જલકમલવત્ પણ નથી હોતો. સમયના અંતર વિના એણેતરત કૃતિનો મુકાબલો કરવાનો હોય છે, પહેલો પ્રતિભાવ ઉચ્ચારવાનો હોય છે – પૂરાં સમજ-જવાબદારીપૂર્વક ને છતાં જોખમ ઉઠાવીને ઉચ્ચારવાનો હોય છે. કૃતિનો લેખક નવોદિત હોય કે આશાસ્પદ હોય કે પછી પ્રતિષ્ઠિત હોય, કે એથી આગળ વધીને સ્થાપિત પણ હોય—ને એ મુજબ ભાવકોમાં અને સાહિત્યજગતમાં એમના ઉચ્ચાવચ ક્રમ હોય! સમકાલીન સમયગાળામાં પ્રયોગશીલ કે વિદ્રોહી, ને વિભિન્ન મતધારી જૂથો પણ હોય—એમના ઊંચા અવાજોવાળા દાવાઓ પણ હોય. એની વચ્ચેથી, અધ્યાસો ખંખેરીને સમીક્ષકે કૃતિને સ્વચ્છ હાથમાં ઉઠાવવાની છે—બને કે એ અધ્યાસો પૂરેપૂરા ખર્યા પણ ન હોય અને ક્યારેક એમ પણ બને કે સમીક્ષકના હાથ પૂરા સ્વચ્છ ન હોય; એ કોઈ જૂથનો, જાણે કે અજાણે, પક્ષકાર પણ હોય. આમ ઉત્તમ અને નબળી, સનિષ્ઠ અને બેજવાબદાર - બંને પ્રકારની સમીક્ષા, સમકાલીનતાની આબોહવામાં સંવેદનશીલ, ઉત્તેજક અને સતાવનારી (irritating) હોઈ શકે. સમીક્ષક સમકાલીનતાનો મુકાબલો કરતો હોવાથી કેવળ કૃતિને જ લક્ષ્ય કરતી (-કૃતિકેન્દ્રી—) સમીક્ષા પણ પૂર્વકાલીન કૃતિ બાબતે અને સમકાલીન કૃતિ બાબતે અમુક અંશે જુદી પડી રહેતી હોય છે સમયના સંદર્ભોને કારણે તેમજ વાતાવરણના સંદર્ભોને કારણે.
૦
આ તો બરાબર. પણ સમીક્ષાના આંતરિક પ્રશ્નો ક્યાંથી ઊભા થાય છે? સમીક્ષા કરવા ઉદ્યુક્ત થનારની યોગ્યતાના મુખ્ય આધારો તો આપણે જાણીએ છીએઃ સૌથી પહેલાં તો સમીક્ષકમાં સાહિત્યપદાર્થ માટે ચાહના હોય અને પૂરી નિસબતથી ને પ્રામાણિકતાથી કૃતિની તપાસ એ હાથ ધરતો હોય. વાચનઅધ્યયનથી એની રુચિ કેળવાયેલી હોય, સંપન્ન હોય—જે સમીક્ષા કરવા માટેનો એનો અધિકાર પ્રતીત કરાવી આપે. વળી વિવેચક—સમીક્ષક તરીકેની એની તેજસ્વિતા અને એનું આગવાપણું કૃતિના મર્મો પામી શકનારી, કૃતિનાં સિદ્ધિ-અસિદ્ધિને પકડી શકનારી એની સૂઝ—શક્તિમાં પ્રગટ થાય. એવા સજ્જ અભ્યાસીઓ પાસેથી આપણને વિશ્વસનીય ને ઉત્તમ સમીક્ષાઓ મળતી રહેતી હોય છે. પરંતુ, યોગ્યતાના આ બધા (કે એમાંના કેટલાક) આધારોનો અભાવ હોય કે ઊણપ હોય ત્યારે તકલીફો શરૂ થાય છે; ને એમાંથી જ સમીક્ષાના,સમીક્ષા-પ્રવૃત્તિના પ્રશ્નો સામે આવે છે. પુસ્તક પૂરું કે સરખું વાંચ્યા વિના જ થતી ઉપરછલ્લી, ઉભડક સમીક્ષાઓ સમીક્ષા-પ્રવૃત્તિની અર્થહીનતાના, ને આખરે તો અવલોકનકારની નિષ્ઠાના પ્રશ્નો ઊભા કરે છે. ‘ધ રોલ ઑફ ક્રિટિકલ રિવ્યૂઝ’ વિશે દિલ્હીમાં ફેબ્રુઆરી ૧૯૯૫માં યોજાએલા પરિસંવાદમાં(આ પરિસંવાદનો વિગતવાર અહેવાલ જાન્યુ..માર્ચ ૧૯૯૫ના ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલો છે.)ઇન્દ્રનાથ ચૌધરી જેવા ભારતીય વિવેચકે તેમજ ‘ધ ઑસ્ટ્રેલિયન બુક રિવ્યૂ’નાં તંત્રી હેલન ડેનિયલે કહેલું કે સમીક્ષકની આવી અપ્રામાણિકતાનો સામનો દરેક સંપાદકે કરવાનો થતો હોય છે. ત્યાં ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ એટલા મોટા પ્રમાણમાં ચાલે છે કે સમીક્ષાલેખકો પર સમયનો દાબ પણ રહેતો હશે. આપણે ત્યાં તો સમીક્ષાલેખનનું અપૂરતું પ્રમાણ એ પોતે જ એક ગંભીર સમસ્યા છે! સમીક્ષકોને આપણે ત્યાં પૂરતો સમય મળી રહેતો હોય છે તેમ છતાં પુસ્તકમાં ન ઊતરતી, એના પ્રકાર—લેખક—આદિ વિશે જરૂરી-બિનજરૂરી ભૂમિકાઓ બાંધીને તથા કોઈપણ કૃતિને લાગુ પાડી શકાય એવાં વ્યાપક વિધાનો દ્વારા પરિઘ પર જ ફર્યા કરતી આવી સમીક્ષાઓ સામયિકોનાં પાનાં પર પથરાઈને અનાવશ્યક બની રહેતી હોય છે. સમીક્ષાની પદ્ધતિના પણ કેટલાક પ્રશ્નો છે. સમીક્ષકનો કોઈ વિશેષ દૃષ્ટિકોણ પ્રગટ કરનારી કે કોઈ નિશ્ચિત અભિગમ સ્વીકારતી પદ્ધતિ અર્થપૂર્ણ બની શકે. પરંતુ મોટેભાગે તો, કૃતિને પામી શકવાની અક્ષમતાને લીધે અને મર્મલક્ષી અભિવ્યક્તિ-કૌશલના અભાવને લીધે રૂઢ ને સરળ રસ્તો ખોળતી ઢાંચારૂપ પદ્ધતિ જોવા મળતી હોય છે. આવો ઢાંચો સ્વીકારી લેતો સમીક્ષક કૃતિની સ્થૂળ વિગતોનો—કથા આદિનો—સાર આપી દે છે, પાત્રો આદિનો પરિચય કરાવી દે છે ને કેટલાંક પ્રચલિત વિશેષણો ગૂંથેલાં સરેરાશ વાક્યોથી સર્જકને નવાજીને કે ટપારી લઈને પોતાની વાત સમેટી લે છે. સાવ ઉપલક રીતે કૃતિમાંની સામગ્રીને નીચોવીને વર્ગીકૃત કરી આપતી આવી સમીક્ષાઓ ‘અધ્યાપકીય વિવેચન’ સંજ્ઞા નાહક નહોતી વગોવાઈ એ બતાવવા જ જાણે કે, આજે ય લખાય છે! (બાકી તો, અધ્યાપકીય વિવેચના ઉત્તમ રીતે થયાના દાખલા પણ ક્યાં નથી?) આપણા સમીક્ષકની એક મુશ્કેલી મને એ જણાઈ છે કે કૃતિ કે પુસ્તકમાંની સર્જકતાને સમગ્રપણે અવલોકવા-તપાસવાના વિકલ્પે એમાંની છૂટક-છૂટકકૃતિઓના (વાર્તાઓ કે કાવ્યોના) આસ્વાદ-વિવરણને સાંધતોસાંધતો આગળ વધે છે એથી એનાં નિરીક્ષણો ખંડોમાં વિશીર્ણ થઈ જાય છે. કેટલીક ચોખ્ખી ને સમજપૂર્વક લખાયેલી સમીક્ષાઓમાં પણ આ મર્યાદા જોવા મળે છે. બીજી કેટલીક સમીક્ષાઓ કૃતિમાંનાં ઉદ્ધરણોથી જ પુષ્ટ થયેલી હોય છે. કથાસાહિત્યની કૃતિ હોય તો એના સંકલનની, ચરિત્રાલેખનની, સંવાદકળાની, લેખકની વર્ણનશક્તિની કે ભાષાની વિશેષતાઓ બતાવવા પ્રમાણબહારનાં કે ક્યારેક સાવ બિનજરૂરી લાંબાં ઉદ્ધરણો પાથરી દેવામાં આવે છે. કાવ્યપુસ્તકની સમીક્ષામાં તો આ સુખાળવી તરકીબ અજમાવવાનું વધુ સુકર હોય છે : ‘... આલેખતાં કવિ કહે છે —‘; ‘હવે આ જુઓ—‘;—‘અને વળી આ’—એવાએવા સાંધાઓની મદદથી તથા કાવ્યમાં યોજાયેલા કલ્પન, અલંકરણ આદિનાં દૃષ્ટાંતો લઈને અઢળક પંક્તિઓ બિછાવી દેવામાં આવે છે. આવા કેટલાક સમીક્ષાલેખોને જરાય આંચ ન આવે એ રીતે, આસાનીથી, એમાંનાં ઘણાં અવતરણો ખસેડી લઈ શકાતાં હોય છે. કેટલીકવાર તો આવી પુષ્ટતા બલકે દોદળાપણું ઓછું થતાં સમીક્ષાલેખ થોડોક વધુ સુબદ્ધ અને પારદર્શક થતો હોય છે. વાચકને કૃતિના પ્રત્યક્ષ પરિચયમાં મૂકવા માટે ઉદ્ધરણો જરૂરી હોય છે એની ના નહીં, અને કૃતિનાં સિદ્ધિ—અસિદ્ધિ વિશેનાં નિરીક્ષણોને—તારણોને પ્રતીતિકર બનાવીને કૃતિને તેમજ કૃતિવિવેચનને સુપેરે પ્રત્યાયિત કરવાનું એથી શક્ય પણ બને છે. પરંતુ કૃતિના સાક્ષાત્ પરિચયમાં મૂકી આપવાની પણ એક રીત હોય. સ્પષ્ટ પ્રયોજન અને પ્રમાણભાન વિના જ ‘આ જુઓ, આ જુઓ’ કરવાનું ન હોય. અને આ બધી જ પ્રકારની સમીક્ષાઓ સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો કરે છે કે એમાં સમીક્ષકનો પોતાનો વિવેચનાત્મક અભિપ્રાય, એનો ક્રિટિકલ ઓપિનિયન તો ઝાઝો બંધાતો કે સ્પષ્ટપણે ઊઘડતો જ ન હોય! ક્યારેક એ અભિપ્રાય—ઉદ્ગાર સાર તળે કે ઉદ્ધરણો તળે દબાઈ જતો હોય છે, ક્યારેક એ સર્વથા ગેરહાજર હોય છે. આ બધું જોતાં-વિચારતાં વળી એમ કહેવાનું પણ મન થાય કે આવાં ‘અવલોકનો લખવાં સહેલ’ છે. કશું સાહિત્યબાહ્ય પ્રયોજન ન હોય ત્યારે પણ, મુગ્ધ ગુણાનુરાગથી પ્રેરાતું અતિમૂલ્યાંકન આપતી સમીક્ષાઓ અને નરી ઉન્નતભૂ દૃષ્ટિને કારણે અવમૂલ્યાંકન કરતી સમીક્ષાઓ પણ કૃતિને ને સાહિત્યિક ધોરણોને નુકસાન પહોંચાડતી હોવાથી સમસ્યારૂપ બને છે. ગ્રંથસમીક્ષા અંગેનો કદાચ સૌથી ગંભીર પ્રશ્ન તો ભાષાનો—અભિવ્યક્તિવિશેનો છે. સમીક્ષકની અભિવ્યક્તિ સાફ અને સુરેખ હોય, કૃતિ અંગેનાં માર્મિક નિરીક્ષણોને તેમજ સંકુલ વિશ્લેષણોને પણ ઘુંટાયેલી, ગૌરવયુક્ત છતાં વિશદ ને પ્રવાહી શૈલીમાં રજૂ કરી શકાતાં હોય એ તો એની પહેલી ને મહત્ત્વની આવશ્યકતા છે. પરંતુ કેટલાક વિદ્વજનો કંઈક પાંડિત્યના દબદબાવાળી દુર્બોધ ને કંટાળો આપનારી ભાષા પ્રયોજતા હોય છે. કેટલીક દુર્બોધ સાહિત્યકૃતિઓની સમીક્ષાઓ પણ એવી જ દુર્બોધ રહી ગયાની ફરિયાદ જાણીતી છે. કૃતિની દુર્બોધતાનું રહસ્ય જો એની સંકુલતા હોય તો એ ઉકેલી આપીને જ કૃતિના સૌંદર્ય-મર્મો સુધી લઈ જવામાં વાચકને સહાયક બની શકાય. પરંતુ, એને બદલે, કૃતિની દુર્બોધતાને તેમજ પોતાની સમીક્ષાની પણ દુર્બોધતાને અકબંધ રાખતી આવી સમીક્ષાઓ એના સમીક્ષકની પ્રત્યાયન—અક્ષમતાની જ ચાડી ખાય છે! સાહિત્યની પરિભાષાને બિનજરૂરી રીતે, ચોકસાઈ વિના, ને ક્યારેક તો એની મૂળ સમજ વિના યોજ્યે રાખવાનો શોખ કે ટેવ પણ અભિવ્યક્તિને ચર્વિત ભાષા-પરિભાષાથી ગંઠાઈ ગયેલી ને સંદિગ્ધ બનાવી મૂકે છે. એવો જ બીજો જોખમી શોખ કવેતાઈ કે રંગદર્શી ભાષાશૈલી પ્રયોજવાનો છે. આસ્વાદલક્ષી સમીક્ષા નામની પણ એક ચીજ હોય છે પણ એમાં રુચિર આસ્વાદ કૃતિને આગળ કરનારો નીવડે છે જ્યારે આવા નિજશૈલી-નિમગ્ન સમીક્ષકો તો કૃતિને નિમિત્ત બનાવીને પોતાને જ શણગારીને આગળ કરતા હોય એવું લાગે છે. સમીક્ષા—પ્રવૃત્તિ આથી અગંભીર ને બેજવાબદાર બની રહે છે. ક્યારેક કેટલાક નવસમીક્ષકો આવા આસ્વાદશોખનો ભોગ બનતા જણાય છે. એમાંથી એમણે બચવા જેવું છે કેમકે વાચન—અધ્યયનથી રુચિનું સંર્વધન કરવાની સાથેસાથે જ વિશદ—સુરેખ એવી પોતીકી અભિવ્યક્તિને પણ કેળવતા જવાનું હોય છે. ખાસ તો, કૃતિના મર્મઘટકોની ને એનાં સિદ્ધિ—મર્યાદાઓની ઓળખને ઉચિત અભિવ્યક્તિ આપવા માટે પણ મથવાનું હોય છે. પંડિતાઉ કે કવેતાઈ ભાષાની સમસ્યા જેવી જ બીજી સમસ્યા કાચી, શિથિલ ને શુષ્ક અભિવ્યક્તિ અંગેની પણ છે. સાવ અંગત છાપગ્રાહી અભિપ્રાયોની કાચી નોંધ જેવાં, કોઈ તાર્કિકતા કે સાતત્ય-સંગતિ વિના વેરવિખેર રહેતાં અવલોકનો તેમજ કશી ઊર્જા વિનાનાં અને શુષ્ક હોવાથી વાચન-અક્ષમ ને નિર્જીવ લાગતાં અવલોકનો સમીક્ષાપ્રવૃત્તિમાં કશું પ્રદાન કરી શકતાં નથી. સામ્પ્રત ગુજરાતી ગ્રંથસમીક્ષાનું આ કંઇ સમગ્રલક્ષી ચિત્ર નથી. અહીં તો કોઈ ને કોઈ પ્રકારની અક્ષમતા ને મર્યાદા દેખાડતી ને પરિણામે સમીક્ષાનાવ્યાપક પ્રશ્નો ઊભા કરતી કેટલીક સ્થિતિઓના નિર્દેશ છે. આ સ્થિતિઓ સમીક્ષાની અંતર્ગત મુશ્કેલીઓમાંથી જન્મેલી છે અને એ મુશ્કેલીઓને કારણે સમગ્ર સમીક્ષાપ્રવૃત્તિની ઉપયોગિતાને આછું પરિપોષણ મળે છે. પરંતુ સમીક્ષાપ્રવૃત્તિની ઉપયોગિતાને અવરોધક બની રહેતી સમસ્યાઓ તો સાહિત્યબાહ્ય પ્રયોજનો ભળવાથી ઊભી થાય છે. રાગ-દ્વેષોથી ને પૂર્વગ્રહોથી દૂષિત થતી આવી સમીક્ષાઓ ક્યારેક તો આખી વિવેચનપ્રવૃત્તિની વિશ્વસનીયતાને પણ ધક્કો પહોંચાડી શકે. આવી સમીક્ષા લેખક પ્રત્યેનો દ્વેષ વ્યક્ત કરવા માટેનું પ્રહાર-શસ્ત્ર બની બેસે છે. આ પ્રકારની દુષ્પ્રયોજનપૂર્વકની ઉચ્છેદકતા, અને નિર્ભીક આકરી આલોચના —એ તદ્ન જુદી બાબતો છે છતાં ઘણીવાર ગોળ-ખોળનો ભેદ ન કરી શકનાર વાચક તથા સમીક્ષિત કૃતિનો લેખક આ બંને બાબતોને એક ગણી લે છે. આ કારણે સાચી નિર્ભીક આલોચના કરનારને અન્યાય ને નુકસાન થાય છે. એના પર નૈતિક દબાણો વધે છે. આથી ક્યારેક એમ પણ બને કે કેટલાક આ પ્રકારની સાચી, કટુ આલોચના કરવાનું જ છોડી દે. કેટલાક તો, આ કારણે, નબળાને નબળું કહેવાનો રસ્તો જ ચાતરીને ચાલે છે. આ જાતની વિલક્ષણ સામાજિકતા આખરે તો સમીક્ષાપ્રવૃત્તિના મૂળ પ્રયોજનને માટે વિઘાતક બનતી હોય છે. આ બાબત અંગે, આ પૂર્વે મેં વિગતે લખેલું જ છે એટલે અહીં એનું પુનરાવર્તન કરતો નથી. (જુઓ ‘સાભિપ્રાય’(૧૯૯૮)માંનો લેખ ‘નિર્ભિક વિવેચન સામે કૃતક વિવેચનનું અનિષ્ટ’) ‘મૈત્રી વિવેચન’ સંજ્ઞાએ જે રંગો દેખાડ્યા હોય તે, પણ આખરે તો એ સાહિત્યબાહ્ય પ્રવૃત્તિ જ થઈને રહી છે. પેલી પ્રયોજન—દૂષિતતા એમાં પણ ભળતી રહી છે ને મિત્રને કે આશ્રિતને પગથિયાં ચડાવી દેતું અતિમૂલ્યાંકન એણે સામે ધર્યું છે. આવો મિત્રધર્મ નબળી કૃતિને પણ સબળી ઠેરવતી, એક પ્રકારની કૃતક વિધાયકતાને જન્મ આપે છે. ક્યારેક કોઈ સમીક્ષક દ્વારા ઉચિતપણે આકરી ટીકા થઈ હોય એવી કૃતિની અનુચિત પ્રશસ્તિ કરનારી સમીક્ષાઓ પણ પછીથી લખાય/લખાવાય છે. અલબત્ત, આવા તરકીબ—તરીકા ખુલ્લા પડી જતા હોય છે ને બને કે એને ઝાઝી ગંભીરતાથી ન લેવાય; છતાં આ પ્રકારની કૃતક વિધાયકતા એક નકારાત્મક મૂલ્ય તરીકે જોખમી તો છે. ઓછામાં ઓછું વર્તમાન તો એનાથી દૂષિત થાય છે જ. અગાઉ કહ્યું એમ આપણે ત્યાં ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ હજુ અપર્યાપ્ત છે, એની ધારા ઘણી ક્ષીણ છે. પ્રગટ થતાં પુસ્તકોમાંથી ઘણાં ઓછાં અવલોકાય છે – પૂરતા પ્રમાણમાં, ને સમયસર સમીક્ષા કરી આપનારા સમીક્ષકો મળતા નથી. આખીય સમીક્ષાપ્રવૃત્તિ સામે આ પણ એક સમસ્યા છે. સમકાલીન સાહિત્યનો મુકાબલો કરવાની અક્ષમતાની જેમ અનિચ્છા કે ઉદાસીનતા પણ એટલીજ નુકસાનકારક છે. અહીં કેટલાંક વ્યાપક નિરીક્ષણો જ આપ્યાં છે. આવાં નિરીક્ષણો, અલબત્ત, સમીક્ષા-સામગ્રી (વાંચેલી સમીક્ષાઓ) પરથી જ બંધાયેલાં હોય. પરંતુ પ્રત્યક્ષ સામગ્રીનું પરીક્ષણ થાય, એટલે કે સમીક્ષાની (સમીક્ષાલેખના સ્વરૂપની ને પદ્ધતિની) સમીક્ષા પણ થાય એ જરૂરી છે. આ કાર્યશિબિરમાં સમીક્ષાલેખો પર ચર્ચા થવાની છે એ સુચિહ્ન છે. એ ચર્ચા પૂરી વસ્તુલક્ષી અને પૃથક્કરણપરક બની રહે એવી આપણી સૌની ઇચ્છા બલકે તૈયારી હોય એ આ શિબિરનું મુખ્ય પ્રયોજન છે.
- ગુજરાત સાહિત્ય અકાદમી તથા સ. ૫. યુનિવર્સિટીના ઉપક્રમે ૭-૮, ફેબ્રુઆરી ૧૯૯૮ દરમ્યાન વલ્લભવિદ્યાનગરમાં યોજાયેલા ‘ગ્રંથસમીક્ષા કાર્યશિબિર’માં કરેલું વક્તવ્ય થોડાક સંમાર્જન સાથે.
‘પ્રત્યક્ષ’ ગ્રંથસમીક્ષા—વિશેષાંક, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૮.
‘સમક્ષ’ પૃ. ૧૧ થી ૧૮