સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/મધ્યકાલીન સાહિત્ય : અધ્યયન અને અધ્યાપન
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અધ્યયનનો પ્રશ્ન આપણે ક્યારેક ક્યારેક ચર્ચતા રહ્યા છીએ કેમકે એ વિષયનું અધ્યાપન સાહિત્યિક-વિદ્યાકીય ઉપરાંત વ્યવહારુ સમસ્યાઓ પણ ઊભી કરતું રહ્યું છે ! મધ્યકાલીન સાહિત્ય-સમયનો સામાજિક-સાંસ્કૃતિક તેમજ ધાર્મિક-સાંપ્રદાયિક પરિવેશ એટલો વ્યાપક છે કે એક વર્ષના ગાળામાં એ વિશાળ પરંપરા સમેતનું સાહિત્ય શિખવવું શક્ય નથી - એવા અભિપ્રાયથી લઈને મધ્યકાલીન સાહિત્યમાં આખું વર્ષ ભણાવવું શું, કેમકે પાંચસાત મુખ્ય કવિઓની ને મધ્યકાળના સાહિત્યની લાક્ષણિકતાઓની વાત જલદી પતી જાય એવી હોય છે – એવા અભિપ્રાય સુધીની કમનસીબી એને વળગેલી છે. એક યુનિવર્સિટીએ તો મધ્યકાળની સાથે અર્વાચીનકાળ ને સુધારક યુગ જોડીને ‘વરસ સુધી ચાલે’ એવો અભ્યાસક્રમ રચેલો છે ! મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસનું અધ્યાપન આપણી યુનિવર્સિટીઓમાં કશો અગ્રતાક્રમ ધરાવતું નથી - એ કંઈક કાલબાહ્ય (આઉટડેટેડ), કંઈક વધારાનું (રિડન્ડન્ટ) હોય એમ એની ઉપેક્ષા થાય છે. બીજા વિષયો ચૂંટી લીધા પછી વધેલો આ ‘શુષ્ક’ (?) વિષય નવા અધ્યાપકને પકડાવી દેવામાં આવતો હોય એવુંય બને છે. ક્યાંક વળી બેત્રણ અધ્યાપકો એના સરખા-અણસરખા ટુકડા કરીને ભણાવી દે છે. વર્ગમાં ઇતિહાસ એના સાચા રૂપે કે સરખી રીતે શિખવાતો ન હોય ને એની અવેજીમાં કંઈક ઈદમ્ તૃતીયમ્ લખાવી દેવાતું હોય એવો ઘાટ પણ ઊતરે છે. એવુંય જાણ્યું છે કે ક્યારેક ઇતિહાસનું કોઈ પુસ્તક વર્ગમાં વંચાતું જાય છે ને યથામતિ ટિપ્પણ થતી જાય છે. વર્ગમાં હાજર-ગેરહાજર લગભગ બધા વિદ્યાર્થીઓ બજારુ ચોપડીઓમાંથી પરીક્ષાજોગી સામગ્રી વીણી લેતા હોય છે. જે જે કક્ષાએ મધ્યકાલીન સાહિત્ય સ્થાન પામ્યું છે - પૂર્વસ્નાતક કક્ષાએ કૃતિનો પરિચયલક્ષી અભ્યાસ અને સાહિત્યનો ઇતિહાસ તથા અનુસ્નાતક કક્ષાએ કર્તા-વિશેષનું અને પ્રશિષ્ટ કૃતિનું અધ્યયન - એ બધે જ એનું અધ્યાપન આમ જીવ વગરની, કર્મકાંડી સ્થિતિ સુધી ઊતરી ગયું છે. ઉત્તમ અધ્યાપનના દાખલા પણ હંમેશાં હોવાના જ, પણ એનું પ્રમાણ ઓછું થતું ગયું છે. આપણા કેટલાક વરિષ્ઠ વિદ્વાન અધ્યાપકોની રુચિ અદ્યતન સાહિત્યપ્રવાહો ને સાહિત્યવિચાર તરફ જ વળેલી રહી છે એ પણ મધ્યકાલીન સાહિત્યનું અધ્યાપન ઉપેક્ષિત ને ઓછા તેજવાળું થવાનું એક મહત્ત્વનું કારણ છે. એટલે, મધ્યકાલીન સાહિત્યના અધ્યાપન સાથે જેમનું પાનું પડ્યું છે કે જેમણે પાનું પાડ્યું છે એવા અધ્યાપક મિત્રો સાથે થોડીક વાતો કરવાનો બલકે કંઈક સંતલસ કરી લેવાનો આ ઉપક્રમ છે. તો આપણે મધ્યકાલીન સાહિત્યના અધ્યાપનની વાત કરતાં પહેલાં એના અધ્યયનની વાત કરીએ - એને માટે આવશ્યક રુચિ અને સજ્જતાના પ્રશ્નોમાં જઈએ. આપણે આ સાહિત્યની કંઈક વિશિષ્ટ સૃષ્ટિમાં પ્રવેશવા માટેનો રસ કેળવવો પડશે. આપણાં વિસ્મય-જિજ્ઞાસા મધ્યકાલીન સમય અને સર્જનમાં કેવાંક ફરી વળે છે એ મહત્ત્વનું છે. એટલે, પહેલાં તો એક પ્રશ્ન આપણે, પોતાને જ પૂછીએ કે મધ્યકાલીન સાહિત્યના મૂળ ગ્રંથોમાં આપણે કેટલે સુધી ગયા છીએ? જેમકે નરસિંહ-પ્રેમાનંદ- અખો-શામળ જેવાની પણ, બધી નહીં તો, મોટા ભાગની કૃતિઓ આપણાં આસ્વાદ- જિજ્ઞાસાનો વિષય બની છે? અભ્યાસક્રમમાં મુકાતી કેટલીક જાણીતી કૃતિઓ ઉપરાંત, ઓછામાં ઓછું, નરસિંહનાં શૃંગારનાં પદો; પ્રેમાનંદનાં રણયજ્ઞ, વિવેક વણજારો; અખાની જાણીતી વેદાંતી કૃતિઓથી ને છપ્પાથી પણ જુદી તરેહ બતાવતાં એનાં પદો; શામળનાં રાવણ-મંદોદરી-સંવાદ, રુસ્તમનો સલોકો— એવી કૃતિઓ સુધી આપણી વાચન-રુચિને આપણે વિસ્તારી હશે તો પેલી જાણીતી કૃતિઓનેય એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં માણી-પ્રમાણી શકાશે. શિખવવાનું હોય એટલું જ વાંચવું એ તો એકાક્ષ-વૃત્તિ ગણાશે - વિદ્યાર્થીઓને આ સાહિત્યમાં રસ પમાડવા ઇચ્છનારે પોતે થોડોક વધારે રસ ચાખવો પડે. પછી વધારે ને વધારે રસની દિશાઓમાં જઈ શકાય. અર્વાચીન સાહિત્ય- આસ્વાદથી કેળવાયેલી રુચિવાળાને પણ રસ પડે એવી કૃતિઓ પણ મધ્યકાળમાં ઘણી છે. અવારનવાર જેના ઉલ્લેખો થતા રહ્યા હોય એવી રસપ્રદ કૃતિઓમાંથી કોઈ કૃતિમાં આપણે પ્રવેશ કર્યો છે? વસંતવિલાસ ને રૂપસુંદર કથા સુધી તો અભ્યાસક્રમ આપણને લઈ ગયો હોય પણ એવી જ, એથી ય વધુ, રસ પમાડનારા કાવ્ય-સૌંદર્યવાળી કામાવતી (શિવદાસ), શૃંગારમંજરી (જયવંતસૂરિ) મારુઢોલાચોપાઈ (કુશળલાભ), માધવાનલ-કામકંદલા-દોગ્ધકપ્રબંધ (ગણપતિ) જેવી કૃતિઓમાં પ્રવેશીએ તો મધ્યકાલીન પરંપરાની કેટલીક સ્પૃહણીય છટાઓનો, ક્યાંક તો વળી વર્ણન-આલેખનની સમય-નિરપેક્ષ સૌંદર્યરેખાઓનો પણ આહ્લાદક અનુભવ થવાનો.. સામાન્ય રીતે ઉપશમ-બોધકતાની રૂઢ છાપવાળી જૈન સાધુઓની કવિતામાં જયવંતસૂરિ અને કુશળલાભ જેવાની કૃતિઓમાં શૃંગારાલેખન પણ કેવી ઝીણવટોવાળું છે એનો તથા માધવાનલ-કામકંદલાની કથાનું નિરૂપણ જૈન (કુશળલાભ) અને જૈનેતર (ગણપતિ) પરંપરામાં કેવી ભિન્નતા બતાવે છે, સમયસુંદર સીતા-રામ ચઉપઈ જેવીમાં રામકથા આલેખે છે ત્યારે કથા-સંકલનની કેવી જુદી ભાત ઊપસે છે – એવી તુલનાનો અનુભવ પણ રસપ્રદ બનવાનો. સ્હેજ આગળ વધીએ તો કોઈક ‘બાલાવબોધ’ ના અનુનેય ગદ્યનો, પૃથ્વીચંદ્રચરિત જેવામાં પદ્યના પાસવાળા વાગ્મિતાભર્યા સ્ફૂર્તિમંત ગદ્યનો વચનામૃતોમાં વ્યવહાર-બોધકતાને બોલીછટાની સાથે તત્સમ શબ્દોની રેખાઓથી ગૂંથતા ભાતીગળ ગદ્યનો - એમ વિવિધ શૈલીછટાઓનો આસ્વાદ પણ લઈ શકાય. વળી વર્ણકો (જેમકે, વર્ણકસમુચ્ચય, સંપા. ભોગીલાલ સાંડેસરા)માં જે વ્યાપક જીવન-પટ (ભોજનસામગ્રીથી માંડીને અશ્વપ્રકારો સુધીની બાબતોના આશ્ચર્યકારક વૈવિધ્યનો) આપણી સામે ખૂલી રહે છે એ પણ મધ્યકાળની એક વિશિષ્ટ સમૃદ્ધિ છે. આવા અનેક દરવાજામાંથી થોડાકમાં પણ ડોકિયું કર્યું હશે તો ‘ગતાનુગતિકતા’ કે ‘રૂઢતા’તો મધ્યકાળના સાહિત્યનું એક લક્ષણ માત્ર છે, એ જ એનો પૂરો પરિચય નથી– એની પ્રતીતિ થશે; એમાં શૈલી અને નિરૂપણરીતિનું વૈવિધ્ય છે એટલું જ નહીં, સામગ્રીનું વૈવિધ્ય પણ છે- એનો ખ્યાલ આવશે. સંમુખતા અને પ્રત્યક્ષતા જ રસ જગાડી શકે, સમજને સ્પષ્ટ અને સમૃદ્ધ કરી શકે. હસ્તપ્રતવાચન અને પાઠસંપાદન એ સંશોધનનું ક્ષેત્ર છે ને મધ્યકાલીન સાહિત્ય શિખવનાર બધા અધ્યાપકો એ દિશામાં વળે એ કંઈ અનિવાર્ય નથી, પણ મુદ્રિત રૂપે સુલભ બનતી મધ્યકાલીન કૃતિઓના મૂળ સ્રોતરૂપ હસ્તપ્રતથી અધ્યાપક સાવ અપરિચિત શી રીતે રહી શકે? હસ્તપ્રતોની પોતાની પણ એક આગવી, ને રોમાંચક સૃષ્ટિ છે. લિપિવૈવિધ્યની, મરોડોના વૈવિધ્યની તથા અક્ષર-આલેખન- વિદ્યાની સમૃદ્ધિને એ તમારી સામે ધરે છે. કોઈ લહિયાએ પ્રતને શણગારી (ડેકોરેટિવ કરી) હોય; જુદીજુદી શાહીથી, સળંગ લખાણની વચ્ચે, સ્વસ્તિક આદિ ચિહ્નો ઊપસી રહેતાં હોય એમાં નિર્માણ-કૌશલનો તેમજ સચિત્ર પ્રતોમાં નિર્માણ-કલા ઉપરાંત ચિત્ર-આલેખન-કળાનો પરિચય મળે છે. લિપિ અને લેખનપદ્ધતિનો ઇતિહાસ આપતી હસ્તપ્રતોમાં મધ્યકાલીન સમય અને સાહિત્યની એક વિશિષ્ટ મુદ્રા ઊપસે છે. એટલે ઉત્તમ ગ્રંથાલયની જેમ હસ્તપ્રત ભંડાર (કે સંસ્થા) પણ, અધ્યાપકના જિજ્ઞાસા-રસનું એક કેન્દ્ર બની શકે. એની ઉપયોગિતા અંતર્હિત હોય છે. એક વિલક્ષણ સ્થિતિ એ છે કે એક તરફ, મધ્યકાળની મોટાભાગનીકૃતિઓનો પરિચય આપણે સીધો નહીં, પરોક્ષ રીતે - ઇતિહાસ અને વિવેચનનાં હાથવગાં પુસ્તકોમાંથી મેળવી લઈએ છીએ ને બીજી તરફ સાંસ્કૃતિક અધ્યયનના, સંશોધનના ગ્રંથો તરફ આપણી નજર બહુ જતી નથી. સાહિત્યના ઇતિહાસોને છે? આપેલી સંદર્ભગ્રંથસૂચિઓની મદદથી પણ કેટલાક અગત્યના ગ્રંથો સુધી પહોંચી શકાય. એ સૂચિઓ બતાવશે કે આપણે ત્યાં ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ બહુ વિસ્તારપૂર્વક લખાયો છે; સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભોને કેન્દ્રમાં રાખનારા સાહિત્યના ઇતિહાસો પણ લખાયા છે; તત્કાલીન સામાજિક સ્થિતિ તે સમયના સાહિત્યમાં કેવી ઝિલાઈ છે તે બતાવનારાં તેમજ મધ્યકાલીન રાર્જકોએ તત્કાલીન સામાજિક-નૈતિક મૂલ્યો પર કેવો પ્રભાવ પાડેલો છે એ આલેખનારાં પુસ્તકો પણ છે. મધ્યકાલીન સાહિત્યનું અધ્યાપન કરનાર આ ઇતિહાસગ્રંથોનું અધ્યયન કરવામાં કદાચ ન ઊતરે પણ આ ગ્રંથો એ રસ્હેજ જોઈ વળે કે એમાં એક ઝડપી લટાર મારે (બ્રાઉઝિંગ કરે) તો પણ મધ્યકાલીન સમયના બૃહત્ ચિત્રની એને ઝાંખી થઈ શકે ને મધ્યકાલીન સાહિત્યને સમજવા માટેનું એક મહત્ત્વનું પરિમાણ એને સોંપડે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હરિવલ્લભ ભાયાણીએ (એમનાં અનુસંધાન, શોધ અને સ્વાધ્યાય, હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન વગેરે પુસ્તકોમાં) અને જયંત કોઠારીએ (સાહિત્યિક તથ્યોની માવજત, સંશોધન અને પરીક્ષણ મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશવિશેષે કરીને એની ભૂમિકા આદિ પુસ્તકોમાં) મધ્યકાલીન સાહિત્યના સંપાદન- સંશોધન અંગે પણ ઘણી વિશદ અને દ્યોતક ચર્ચાઓ કરી છે. મધ્યકાલીન સર્જકો વિશેના શોધગ્રંથો તેમજ લઘુગ્રંથો ઠીકઠીક પ્રમાણમાં લખાયા છે (એમાંના પ્રમાણભૂત ગ્રંથોની તારવણી કરી લેવી પડે), મધ્યકાલીન સાહિત્ય વિશેના જાણીતા ઇતિહાસગ્રંથોથી તો આપણે સૌ પરિચિત હોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કરેલો ગુજરાતી સાહિત્યકોશ ખંડ : ૧ મધ્યકાલીન (સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત, ૧૯૮૯) સમગ્ર મધ્યકાલીન સાહિત્યની, લગભગ સર્વવ્યાપી, અને પ્રમાણભૂત સઘન માહિતી હાથવગી કરી આપે છે. આમ, મધ્યકાલીન સાહિત્ય શિખવનારને માટે સામગ્રીની ખોટ નથી - મહત્ત્વના ગ્રંથોથી સજ્જતા કેળવાતી જાય એ પછી ઉત્તમ-અનુત્તમ વચ્ચે ભેદ કરવાની દૃષ્ટિ પણ વિકસતી જતી હોય છે એટલે બનાવટી ઇતિહાસોથી ને પોકળ સંશોધનોથી અધ્યાપક પોતાની જાતને દૂર રાખી શકે અને એ બાબત કદાચ સૌથી વધુ અગત્યની છે. મધ્યકાલીન સાહિત્યના અધ્યાપન માટે, કૃતિઓના આસ્વાદ-પરિશીલનથી ને સંદર્ભગ્રંથોના અધ્યયનથી ઊઘડનારી વિદગ્ધ-રસિક સજજ્જતા મહત્ત્વનું સોપાન છે. આપણે જેને અધ્યાપનના ‘પ્રશ્નો’ કહીએ તે પણ, મોટાભાગના, આવી સ્વધ્યાયશીલતાથી જ ઉકલાતા જવાના. અધ્યાપકનાં કૌશલ અને કલ્પનાશીલતા બીજું મહત્ત્વનું સોપાન બને. આપણા સૌ અભ્યાસક્રમોમાં આરંભે જ કોઈ મધ્યકાલીન કૃતિ (ઘણુંખરું કોઈ આખ્યાન કૃતિ) વિદ્યાર્થીઓ સામે મુકાતી હોય છે. વિદ્યાર્થી રસપૂર્વક અભિમુખ થશે કે આ કંઈક અપરિચિત સૃષ્ટિથી વિમુખ થશે - એ કસોટી / કટોકટીની ક્ષણ બની રહેવાની. એટલે સ્વરૂપની, કર્તાની, કૃતિવિષયની ચર્ચા કરતાં પહેલાં, શક્ય એટલો વધુ કૃતિપાઠ-કૃતિનું વર્ગમાં વાચન- અને એની આસ્વાદમૂલક સમજૂતી આમાં વધુ મદદરૂપ થઈ શકે. પૂર્વસ્નાતકના વર્ગો એ જ્ઞાન ઠાલવવાનું- નિઃશેષ વિવેચનાત્મક ચર્ચા કરવાનું - સ્થાન નથી. વિદ્યાર્થીને મધ્યકાળનાં વિશિષ્ટ સામગ્રીના, નિરૂપણના, ભાષા-શૈલીના પ્રાથમિક ને રસપ્રદ પરિચયમાં મૂકી અપાય તો એ મોટું કામ થશે. સાહિત્યના ઇતિહાસનું અધ્યાપન પણ માહિતીના ખડકલા કરવાનું સ્થાન ન બની બેસવું જોઈએ, મધ્યકાલીન સાહિત્ય વિશેની અધ્યાપકની અસ્પષ્ટતાઓ ને ઘણી જાણકારી - બંને સ્થિતિમાં આ જોખમની શક્યતા છે. અહીં પણ, વિદ્યાર્થીને અભિમુખ કરનારી રસપ્રદ વિગતોનું સંકલન અને સર્જકતાના આસ્વાદ્ય અંશોની પસંદગી વધુ ફળદાયી બની શકે. સાંસ્કૃતિક પરિવેશ સમેતનો, સર્જકતાનાં ઉત્તમ શિખરોનો એકવ્યાપક પરિચય વિદ્યાર્થીઓને પહોંચાડી દીધો હોય એ પછી વિગતોમાં ઉતારતી ચર્ચાસહ્ય અને ગ્રાહ્ય બની શકે. અધ્યાપક એક નકશો આંકી આપે, મધ્યકાળમાં લટારમારવાની એક રસપ્રદ રૂપરેખા આંકી આપે એ પછી વિગત-સંકલનનું કેટલુંક કામ વિદ્યાર્થીઓ પાસેથી પણ લઈ શકાય - એટલાક એમને પણ સક્રિય કરી શકાય. આવા તો અનેક રસ્તા / ઉપાયો અધ્યાપક પોતાની સૂઝ-દૃષ્ટિથી કરી શકે. એનો કોઈ એક રાજમાર્ગ હોઈ ન શકે. સમજના વિકલ્પે કેવળ સ્મૃતિ પર ભાર મૂકનારી આપણી રેઢિયાળ પદ્ધતિએ જ ઇતિહાસના અધ્યાપનના પ્રશ્નો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષક બંને શુષ્ક રણમાં રઝળપાટ કરતા થઈ જાય છે – ‘મધ્યકાલીન’ અને ‘ઇતિહાસ’ બંને શબ્દ અળખામણા થઈ જાય છે કેમકે ‘સાહિત્ય’ના રસ્તે પ્રવેશ કરાવવાનું ચૂકી જવાય છે. અનુસ્નાતક કક્ષાએ મધ્યકાલીન સાહિત્યના અધ્યાપનના વળી બીજા પ્રશ્નો છે. અહીં ‘પ્રશિષ્ટ’ના સંદર્ભમાં કૃતિ-અધ્યાપન કેવી રીતે કરવું? પૂર્વસ્નાતક કક્ષાએ કૃતિ શીખવી એથી કઈ જુદી ભૂમિકાએ અહીં જવાનું? આસ્વાદ અને મૂલ્યાંકન વચ્ચે જે ભેદ હોય તે અહીં સ્પષ્ટ થવો જોઈએ - એટલે કે સાંસ્કૃતિક સંદર્ભ, કર્તાસંદર્ભ, તુલનાસંદર્ભ ખૂલતાં જવાં જોઈએ. સમીક્ષિત વાચનાની - પાઠસંપાદનની સીમા સુધી પણ વિદ્યાર્થીને લઈ જઈ શકાય. કૃતિનું રસવિશ્વ એના પૂરા સંદર્ભ-પરિવેશથી અવગત થાય એ પ્રયોજન મહત્ત્વનું બનવું જોઈએ. કર્તા-અધ્યયન (સર્જકવિશેષનું અધ્યયન) પણ સંશોધનના સીમાડાનો સ્પર્શ કરાવવા સુધી જઈ શકે. સર્જકવિશેષમાં પ્રેમાનંદ-અખો-શામળ જેવા કર્તા હોય ત્યારે તો એમની લાંબી કૃતિઓની મદદથી અભ્યાસક્રમના મુદ્દા સરભર કરી શકાતા હોય છે પણ, દા.ત. નરસિંહ હોય ત્યારે? અભ્યાસક્રમ-સમિતિમાં એક વરિષ્ઠ અધ્યાપક મિત્રે પણ નરસિંહને ‘ગ્રંથકાર’ તરીકે મૂકવા અંગે વિરોધ કરેલો ત્યારે આશ્ચર્ય થયેલું! એમનો વાંધો એ હતો કે આખા પેપરના પાંચ-છ એકમો એનાથી શી રીતે પુરાશે? એમને, આ બાબતે પણ, નરસિંહ અકિંચન લાગ્યો! ભક્તિપરંપરાની મોટી ભૂમિકા, નરસિંહના સમય-નિર્ણય અંગેનાં સંશોધનો, જ્ઞાનમાર્ગી અને ભક્તિબોધક પદોથી ઘેરા શૃંગાર-આલેખન સુધી વિસ્તરતો એનો વિશાળ પદસમૂહ, એમાં (એનાં જાણીતાં પદોમાં પણ) એના કર્તૃત્વના પ્રશ્નો, નરસિંહની કવિતાની સમૃદ્ધ કંઠપરંપરા ને એની કૃતિઓની ઘણી મોડી મળતી હસ્તપ્રતો, એનાં પદોના પાઠ અને એની ભાષા - અનુસ્નાતક કક્ષાએ એ બધામાં વિદ્યાર્થીનો પ્રવેશ કરાવવાનો હોય ને એ માટે અધ્યાપકે સજ્જતા કેળવી હોય તો અધ્યાપનના ઠાલા પ્રશ્નો ઊભા ન થાય. આમ જોઈએ તો અધ્યાપનના કેટલાક પ્રશ્નો આપણે નાહકના ઊભા કરેલા લાગશે. કેટલાક ખરેખરા તાત્ત્વિક પ્રશ્નો પણ છે – જેની થોડીક વાત આ વક્તવ્યમાં ક્યાંક નિર્દેશાતી રહી છે. થોડાક પરોક્ષ પ્રશ્નો પણ છે : સાહિત્યનો પ્રમાણભૂત પણ પ્રવેશક હોય એવો એક સંક્ષિપ્ત ઇતિહાસ આપણી પાસે નથી; આપણા સાહિત્યના ઇતિહાસોમાં હજુ કૃતિપરિચયો પર્યાપ્ત કે સંતોષકારક નથી, એના કરતાં તોસાહિત્યકોશનાં કૃતિઅધિકરણો વધુ વિગતચર્ચાને આવરતાં હોય એવો ઘાટ થયો છે! મોટો પ્રશ્ન મધ્યકાલીન કૃતિઓનાં સંપાદિત પ્રકાશનોનો છે. પહેલાં મધ્યકાલીન કૃતિઓની વિસ્તૃત ભૂમિકા, સમીક્ષિત વાચના પર્યાપ્ત પાઠાંતર નોંધો, વિગતવાર ટિપ્પણોવાળાં સંશોધિત સંપાદનો થતાં એનું હવે તો વિદ્યાર્થીભોગ્ય પાઠય-પુસ્તકમાં હ્રસ્વીકરણ થવા લાગ્યું છે.(અનંતરાય રાવળે ‘નળાખ્યાન’ની એક આવૃત્તિમાં લખ્યું છે : ‘પુસ્તકને બીજી આવૃત્તિ મુજબ યથાવત્ છાપતાં એની કિંમત વધી પડે તેવું હતું. આથી આ પુનર્મુદ્રણ વેળા ‘પાઠાન્તરો’નો વિભાગ પ્રકાશકની માગણીને માન આપી કાઢી નાખવો પડયો છે.’ વિવિધ હસ્તપ્રતોના પાઠ નોંધતું એમનું આ મૂલ્યવાન ‘પાઠાન્તર’ ૧૦૦ જેટલાં પાનાનું હતું !)વળી, અનુગતિક ભૂમિકાઓ ( સ્વરૂપ-કર્તાકૃતિ પરિચય) વાળાં, ખપપૂરતી પરીક્ષાલક્ષી વિગતો સમાવતાં, વિવિધ પ્રકાશકોએ વિવિધ સંપાદકો પાસે, અભ્યાસક્રમની આહુતિ (!) માટે તૈયાર કરાવેલાં, એક જ કૃતિનાં ચારપાંચ સંપાદનો એકસાથે પ્રગટ થઈ જાય છે! સંપાદકની સંશોધક-વિવેચક તરીકેની સજ્જતા તો બાજુએ રહી પણ આવશ્યક આયોજન, ચોકસાઈ, મુદ્રણકાળજીના પણ અભાવવાળાં આ પ્રકાશનો પરોક્ષ રીતે અધ્યયન-અધ્યાપન ઉપર વિપરીત પ્રભાવ ઊભો કરનાર બને છે. દૂરનાં ગામોની કૉલેજોમાં ગ્રંથાલયો ખપજોગાં પુસ્તકો પણ ધરાવતાં નથી. અધ્યાપકને પણ પાઠયપુસ્તક વિના ચલાવી લેવું પડે છે. (કેટલાકને એનો કશો રંજ પણ થતો નથી. નહીં તો પોતે ય વસાવી શકે.) આ અધ્યાપકોને સજજ ને વરિષ્ઠ અધ્યાપકો સાથેની ચર્ચા-વિચારણા દ્વારા મળતું કોઈ પ્રતિપોષણ પણ સુલભ નથી. એવી અનિવાર્યતા કેટલાને લાગતી હશે એય પ્રશ્ન છે). આપણા સાહિત્ય-શિક્ષણ-લક્ષી પરિસંવાદો, ચર્ચાસત્રોમાં મધ્યકાલીન સાહિત્યના વિષયને ઓછું સ્થાન મળે છે. આમ, બધું ઠીકઠીક અટકેલું છે એટલે કેટલુંક ઠિંગરાતું પણ જાય છે. ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે.
* આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :-
જોટે, રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ૧થી૪, ૧૯૪૫-૧૯૫૯.
ત્રિપાઠી, ગોવર્ધનરામ, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ પેર ઇન્ફ્લુઅન્સ ઓન ૫ સોસાયટી એન્ડ મોરલ્સ, ૧૯૯૪.
દેસાઈ, મોહનલાલ દલીચંદ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, ૧૯૩૩,
પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી-
ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮,
મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), ૧૯૫૨.
શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩.
શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪,
* ગુજરાતીનો અધ્યાપક સંઘના મોરબી-અધિવેશન (૨૦૦૫)માં રજૂ કરેલું વક્તવ્ય • અધીત, ૨૦૦૬
‘મથવું ન મિથ્યા’ પૃ. ૧૬૬ થી ૧૭૨