સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ઢાઢીલીલા : ગાન-નર્તનની ભક્તિકલા
આપણા ભક્તિ સંપ્રદાયમાં, ગાન-નર્તનને સંયુક્ત પ્રકારે સાચવીને કૃષ્ણના બાલચરિત્રને ઉપસાવતી રાસલીલાની લોકપરંપરા જાણીતી છે. ઉત્તર પ્રદેશના કાશી અને અવધના વિસ્તારમાં જેમ રામલીલા, તેમ મથુરા-વૃંદાવનના વ્રજમંડલમાં રાસલીલાનો લોકરંજન અને ભક્તિપોષણ માટે અનેરો મહિમા છે. આ લોકકલાની પ્રસ્તુતિ સાથે સંકળાયેલા વ્રજવાસીઓ આપણે ત્યાં રાસધારી તરીકે ઓળખાય છે. આ રાસમંડળીમાં બેત્રણ પ્રૌઢ વ્રજવાસી, ગાન-વાદનની સંગત આપવા ઉપરાંત, નેપથ્ય વ્યવસ્થા અને સંચાલન સંભાળતા હોય છે; જ્યારે ગાન, નર્તન ને અભિનયની તાલીમ પામેલા દશ/બાર વર્ષની કુમળી વયના કિશોરો કૃષ્ણ, રાધા, ગોપ/ગોપી વગેરેની ચરિત્રભૂમિકા ભજવે છે. નિર્દોષ અને નિર્વ્યાજ બાળકલાકારોની મોહકતા, મધુરતા ને માસૂમિયતને લીધે આવી રાસલીલા એના પ્રેક્ષકોને જાણે કે સહજ સાક્ષાત્કારનો, પ્રસન્નકર અનુભવ કરાવનારી નીવડે છે. વ્રજમંડલમાં પ્રતિવર્ષ યોજાતી યાત્રા દરમ્યાન પરિક્રમાનાં વિરામસ્થાનોમાં યાત્રાળુઓ સમક્ષ આવી રાસલીલા પ્રસ્તુત થતી હોય; એમાં ભાગવતપ્રોક્ત રાસ તો નિત્યલીલા તરીકે હોય, પરંતુ પૌરાણિક દૃષ્ટિએ વિરામસ્થાન સાથે સંકળાયેલી ‘દાનલીલા', ‘માનલીલા' (મોર કુટીર), મૃત્તિકાભક્ષણ, પનઘટલીલા, ઉદ્ધવ સંદેશ (ઓધવ ક્યારી): આવી સૌ સ્થાનપરક વિશિષ્ટ લીલા પણ, તે તે લીલાતીર્થમાં, પ્રસ્તુત થતી રહે. ‘રાસલીલા'ની આ લોકકલા પાંચસોક વરસથી પ્રચલનમાં રહી છે. વ્રજપરિક્રમા સિવાયના સમયગાળામાં, આ રાસધારીઓની મંડળી સૌરાષ્ટ્ર/ગુજરાતમાં ઊતરી આવે. વૈષ્ણવોના વસવાટવાળાં નગરો, કસબા કે ગામમાં, વૈષ્ણવ મંદિર (‘હવેલી’)ના ચોકમાં કે અન્યત્ર સગવડવાળી જગ્યામાં, કૃષ્ણલીલાના વિધવિધ પ્રસંગોની સાભિનય રજૂઆત કરે. શરૂઆતમાં કૃષ્ણ/ગોપાંગનાઓના નિત્યરાસ પછી યુગલસ્વરૂપ (રાધા/કૃષ્ણ)ની આરતી થાય. આ પછી કૃષ્ણની બાળલીલાના એક વા અધિક પ્રસંગની રજૂઆત થતી હોય છે. અષ્ટછાપ કવિઓનાં લીલાપરક વ્રજભાષી પદોનું ગાન, ઝાંઝ, ઢોલક ને હાર્મોનિયમનું વાદ્યસંગતપૂર્વક થતું રહે; વચ્ચે વચ્ચે, લીલાચરિત્રોના મિતાક્ષરી છતાં માર્મિક સંવાદો ચમકતા રહે. સળંગ પ્રસ્તુતિ દરમ્યાન, વ્રજકિશોરોના ‘આંગિક’/ ‘વાચિક’ના સહજ ભાવવિલાસ, ગતિશીલ નર્તનમુદ્રાઓ, ‘આહાર્ય’ (વેશભૂષા/ અંગપ્રસાધન)થી અદલોઅદલ ઓપતી ચરિત્ર-સદૃશતાં: આ સૌ બાબતો પણ રાસલીલાના દર્શન-શ્રવણની પ્રભાવક રસસપાટી સરજી આપતી હોય છે.
સાંપ્રદાયિક માન્યતા મુજબ શ્રી વલ્લભાચાર્યજીએ પાંચસો વરસ પહેલાં વ્રજમંડલના કરહલા(બરસાના પાસે)ના ધમંડદેવને લોકનૃત્યની આ પરંપરાને વ્યવસ્થિત થાટ આપવા સૂચના કરી. એના પછી, ઉદયકરણ અને ખેમકરણ ઉપરાંત નારાયણસ્વામી કલાપ્રવણ રાસધારી તરીકે પંકાયા. બરસાના રાધાનું ગામ; તો કરહલા એની સખી લલિતાનું ગામ. સમયક્રમે, રાસલીલા વ્રજપ્રદેશમાંથી ભારતભરમાં પ્રસરી. જોકે બરસાનામાં એ લુપ્તપ્રાયઃ થઈ રહી; પણ વૃંદાવનમાં એનું પ્રચલન ટકી રહ્યું.
'રાસલીલા'ની આ લોકકલાને, સાંપ્રદાયિક સ્વીકૃતિ ને સમાદર મળવાના આરંભ કાળે તો અવૈતનિક(amateur)ને ભક્તિવ્રતી અભિભાવકો એમાં અંતઃપ્રસન્નતાના આશયથી પ્રવૃત્ત રહ્યા હશે. સમયાંતરે કેટલાક પરિવારો કે જૂથ માટે એ આજીવિકાનું સાધન બની હોય. કલાનું કૌશલ તથા સભાનતા પ્રવેશતાં રજૂઆત(performance)નાં નવાં નવાં પરિમાણો એને સાંપડતાં રહ્યાં. જોકે આધુનિક ઉપકરણો અને તરકીબોની લલચામણી સુલભતા છતાં એનું અસલી લીલાસ્વરૂપ હજી ઝાઝું ઝંખવાયું નથી.
*
પરંતુ કૃષ્ણચરિત્ર વિષયક આ રાસલીલા ઉપરાંત એક અન્ય લોકકલાનો પુષ્ટિસંપ્રદાયના આરંભકાળે જ સમાદર થયો, તે છે ઢાઢીલીલા. પ્રયોજન પ્રચલન અને પ્રસ્તુતિ : ત્રણેય બાબતમાં, કૃષ્ણલીલાપરક ‘રાસલીલા' કરતાં એ સાવ નિરાળી. ભક્તિની પીઠિકા તો ખરી જ; એના સંપ્રદાયપ્રવેશ ને પ્રતિષ્ઠામાં પણ શ્રીમદ્ વલ્લભની પ્રેરણા ને પુરસ્કૃતિ રહી છે. પરંતુ આ બન્ને વચ્ચે પાયાનો ફરક એ છે કે ‘રાસલીલા' તો નિતાન્ત ને અનિવાર્યતયા કૃષ્ણના લીલાપ્રસંગોને અભિનેયાર્થ આપે છે; જ્યારે ઢાઢીલીલાનું ભાવકેન્દ્ર કૃષ્ણચરિત્ર નહિ; પણ કૃષ્ણનો જન્મપ્રસંગ છે. નંદને ત્યાં પુત્રજન્મ થયાના સમાચાર સાંભળી આખું ગોકુળ એને આંગણે હરખ ને હેત વ્યક્ત કરવા દોડી આવે છે. નવજાત શિશુ પ્રત્યે મંગલકામના ને આશિષ આપવા માટે, નંદરાયનો આશ્રિત યાચકવર્ગ, બ્રાહ્મણો અને ઢાઢીદંપતી પણ આવી પહોંચે છે. નંદ-ઉત્સવના આ ઉલ્લાસભર્યા અવસરે, નંદપરિવારની સાથે વંશપરંપરાથી પ્રશસ્તિવાચક આશ્રિત સંબંધે સંકળાયેલું ઢાઢી-યુગલ પણ પુત્રજન્મની વધાઈ, પ્રસન્નતા, કુળપ્રશસ્તિ, કલ્યાણકામના ને કૃષ્ણદર્શનની યાચનાને વ્યક્ત કરતાં ગીતો ગાઈને નાચતું રહે છે. યજમાન તરીકે નંદરાય પણ ઢાઢી-ઢાઢણને વસ્ત્રાલંકાર ને ભેટસોગાદ આપી રાજી કરે છે. આમ ઢાઢીલીલાના ગાન—નર્તનનું નિમિત્ત અને પ્રવર્તન તો કેવળ કૃષ્ણપ્રાકટ્યનું પર્વ હોય છે; કૃષ્ણની બાળલીલાના પ્રસંગો કે સંબદ્ધ પાત્રોના નિરૂપણને અહીં કોઈ અવકાશ જ નથી હોતો.
રાજ્યાભિષેક, શત્રુવિજય, યજ્ઞયાગાદિ ઉપરાંત પુત્રજન્મ, વિવાહાદિના પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે, વંશપ્રશસ્તિ, બિરદાવલિ અને શુભકામના વ્યક્ત કરી આશ્રયદાતા પાસેથી પુરસ્કાર પામતો કલાવંતોનો વર્ગ પ્રાચીન કાળથી, આપણી સાંસ્કૃતિક પરંપરામાં મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. પુરાણકાળમાં ‘સૂત', ‘માગધ', કે ‘બન્દીજન' : આ નામે કલાવંતોનો આ વર્ગ ઓળખાતો. મધ્યકાળના સલ્તનતશાસન દરમ્યાન સામાજિક ઊથલપાથલમાં ‘ભાટ’, ‘બારોટ’ ઉપરાંત ‘ઢાઢી’, ‘મીર’, ‘લંઘા’, ‘તૂરી', ‘માંગણિયાર' આ સૌ જાતિઓ પણ પ્રશસ્તિપાઠ ને ગાન-વાદન-નર્તન, વાર્તાકથનના આનુવંશિક કૌશલને દાખવતી રહી. મધ્યયુગ દરમ્યાન રાજા- મહારાજાઓ, અમીરો, જાગીરદારો, ધનાઢ્ય પરિવારો કે ગ્રામ-અગ્રણીને ત્યાં રાજદરબારમાં કે પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે આ આશ્રિત જાતિ પ્રશસ્તિ, પ્રસન્નતા ને ગાન/નર્તન દ્વારા યજમાન પરિવાર પાસેથી વસ્ત્રાલંકાર તથા ભેટસોગાદ ઉપરાંત જમીનજાગીર પણ રળતી. ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પર્યન્ત આ કલાવંત જાતિઓ વસવાટ કરતી રહી છે. સમયબળે, આમાંની કેટલીક જાતિઓ ભલે ધર્માન્તરિત થઈ; પણ એની આજીવિકા, વ્યવસાય અને આશ્રયદાતાની પરંપરા તો મૂળ રૂપે જ જળવાઈ રહી. જોકે, રજવાડાંઓ ખતમ થઈ જતાં સ્વરાજ પછીના દાયકાઓમાં આ જાતિઓનાં આશ્રયસ્થાનો ખરી પડ્યાં એટલે જુદા જુદા વ્યવસાયો ને વસવાટો બદલતા રહ્યા છે. લીંબડી (સૌરાષ્ટ્ર)નો મીઠો ઢાઢી એની કૃષ્ણકવિતાને કારણે મધ્યકાળે, અને કચ્છના લંઘા સુલેમાન જુમ્મા એના નોબતવાદનને કારણે સાંપ્રતકાળે સુખ્યાત હતા. આજે પણ રાજસ્થાન તેમ જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ને કચ્છમાં વસતી આ જાતિઓમાં તળપદો સંગીતસંસ્કાર, અવાજની બુલંદી, કંઠની તરાવટ, લોકવાદ્યોની બજવણી પરનો અદ્ભુત કાબૂ : આ સૌ વાનાં અતીતની વિરાસત જેવાં સચવાઈ રહ્યાં જણાશે.
ઢાઢી સંજ્ઞા પોતે જ વ્યવસાયસૂચક છે. ‘ઢદ્ઢ' એટલે ભેરી, દુંદુભિ કે નગારું; ‘જેનો અવાજ ‘ઢઢ’ જેવો છે તે ‘ઢઢ્ઢ’. એને વગાડનારો તે ઢાઢી. આમ વ્યવસાયને ધોરણે આ ઓળખ જાતિવાચક થઈ ગઈ. વાદન ઉપરાંત ગાન ને નર્તનની કલાસરણિ પણ એની સાથે સહજપણે જોડાતી થઈ. મધ્યકાળના રજવાડી ને સામંતશાહી માહોલે એને પૂરો આશ્રય આપ્યો; તો વ્યાપક લોકસમુદાયને સરઅવસરે એણે ગાન-વાદન-નર્તનની ત્રિવિધ સંપદાથી ભરપૂર મનોરંજન આપ્યા કર્યું.
*
પંદરમી સદી પૂર્વેના ચારેક સૈકા દરમ્યાન વિધર્મી આક્રમકતાએ વ્રજપ્રદેશનાં કૃષ્ણતીર્થો નષ્ટપ્રાય: કરી મૂક્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુ તથા શ્રીમદ્ વલ્લભાચાર્યે કૃષ્ણાવતારની ભાગવત નિર્દિષ્ટ વિધવિધ લીલાસ્થલીઓમાં પુનઃ ભૂમિઅંકન કરાવી આપ્યાં. કૃષ્ણતીર્થોની પુનઃ પ્રાપ્યતાએ, કુંઠિત લોકસમુદાયને કૃષ્ણભક્તિને વ્યક્ત કરવાની મોકળાશ આપી. ભક્તિ ઉલ્લાસના આ ઉદ્દેકને ગાનનર્તનની તળપદી લોકપરંપરાઓ સાથે સાંકળીને શ્રીમદ્ વલ્લભે રાસલીલા, ઢાઢીલીલા જેવા ભક્તિપરક ઉપક્રમોને પ્રેર્યા. લોકકલાઓને સાંપ્રદાયિક સ્વીકૃતિ ને પ્રતિષ્ઠા મળવાને કારણે એની મહત્તા અને મૂલ્ય – બન્ને અદકાં બની રહ્યાં; કેમ કે સંસારની સ્થૂળ સપાટીએ રંજનલક્ષી ને ઉપાર્જનાત્મક પ્રવૃત્તિમાં ખપતી લોકવિદ્યાને કૃષ્ણસેવાનું ભક્તિલક્ષી ને ઉપાસનાત્મક અધિષ્ઠાન સાંપડ્યું. કહો કે વ્યાવહારિક ક્ષુલ્લકતા ખરી પડી ને આધ્યાત્મિક શુચિતા સ્પર્શી ગઈ !
‘રાસલીલા’ની જેમ ‘ઢાઢીલીલા'નું ભાવબીજ ભાગવતની કૃષ્ણકથામાં નિહિત છે. નંદના ઘરે કૃષ્ણપ્રાકટ્યના મહોત્સવનું નિરૂપણ કરતી વેળા ભાગવતકાર વર્ણવે છે :
'બ્રાહ્મણો, પૌરાણિકો, વંશાવળી કહેનારા ભાટ તથા બિરદાવળી લલકારતા બન્દીજનો, સર્વ પ્રકારના માંગલિક આશીર્વાદની વાણી બોલવા લાગ્યા; ગવૈયાઓ ગાવા લાગ્યા, નગારાં ને નોબત વારંવાર વાગવા લાગ્યાં.'
(सौमंगल्यगिरो विप्राः सूतमागधबन्दिनः ।
गायकाश्च जगुर्नेदुर्भेर्यो दुन्दुभयो मुहुः ।।)
१०/५/५
'મહામના પરમ ઉદાર નંદજીએ સમસ્ત વ્રજજનોને તેમ જ સૂત, માગધ, બંદીજનોને, વિદ્યાવ્યાસંગીઓને વસ્ત્રો, અલંકારો અને ગૌધન આપી બહુમાન કર્યાં.'
(नन्दो महामनास्तेभ्यो वासोऽलंकारगोधनम् ।
सूतमागधवन्दिभ्यो येऽन्ये विद्योपजीवनः ।।)
१०/५/१५
આ બે શ્લોકમાંનું મિતાક્ષરી પ્રસંગબીજ, પુષ્ટિમાર્ગીય ઉપક્રમમાં, ગાન-વાદન- નર્તનની ત્રિપરિમાણાત્મક સ્વાયત્ત કલાઘટના સ્વરૂપે, ‘ઢાઢીલીલા'માં મ્હોરી ઊઠે છે. ભાગવતમાંના આછોતરા વસ્તુબીજની આ કીર્તન-નર્તનના સેવોપચારમાં લોકરમ્ય ને લોકગમ્ય રીતે જે રસાત્મક માવજત થતી જોવા મળે છે એમાં ભાગવતમાંનો પ્રાચીન પરિવેશ જાણે કે સર્વાંગકલ્પ ધારતો હોય તેમ સમસામયિક સાંસ્કૃતિક/સામાજિક સંદર્ભસપાટીઓને ઉપસાવી આપે છે; એમ બનવું આવશ્યક હતું, કેમ કે પુરાણકથિત ‘સૂત-માગધ-બંદીજન' અહીં મધ્યકાળના ઢાઢીમાં પરિવર્તિત થવાના. પગની પિંડી લગી પહોંચતો જરિયન અંગરખો, સોનેરી ફીતવાળી મેવાડી પાઘ, ફરતી મોતીની સેર ને માથે પીછી (કલગી): આવી થઈ ઢાઢીની વેશભૂષા; તો ઘેરદાર ઘાઘરો, ચોળી ને ઓઢણી કે સાડી : આવું હતું ઢાઢણનું વસ્ત્રપરિધાન. ઢાઢી-ઢાઢણ બન્નેના પગમાં પિત્તળના રણકતા ઘૂધરાની પાંચ પાંચ સેર. આખીયે ઢાઢીલીલા દરમ્યાન ગાન/નર્તનની સંગતિમાં મૃદંગના ‘બોલ’ના મેળમાં રહી એની ગુંજ વાતાવરણને ઝંકૃતિભર્યું રાખ્યા કરે ! ગાન/નર્તન વેળા અંગડોલન, હસ્તમુદ્રાઓ અને પદસંચાર, શિષ્ટ મર્યાદાને ચૂકે નહિ એટલા સારુ રેશમી ઉપરણો વા દુપટ્ટો કટિબંધન માટે ઢાઢીને અને માથા પરથી સાડી સરકી ન પડે એ હેતુથી કેશગ્રાહિણી(hair-pin) હોવાની ઢાઢણને. જેમ વેશસજ્જા રાજસ્થાની ઢંગની, એમ નર્તનમાં રંગ ઊતર્યો વ્રજમંડલના પરંપરિત લોકનૃત્યનો. સમય જતાં જેને કથકની શાસ્ત્રીયતા(classial) દરજ્જો સાંપડ્યો તેનો અણસાર આ ઢાઢીલીલામાં જોવા મળે. ખાસ તો નર્તનમાં પદસંચાર (step), ઘુઘરાની ગુંજના ‘બોલ’ મેળાપક, હસ્તપ્રસારની વિધવિધ મુદ્રાઓ : આ સૌનું નૃત્યસંયોજન, કથક સાથેના એના સગપણની સાક્ષી આપનારું છે. અષ્ટછાપ તેમ જ અષ્ટછાપેતર કવિઓનાં વ્રજભાષી પદોનું ગાન મહદંશે, નૃત્યોપકારકતાના સંવાદમાં રહીને ધ્રુપદ-ધમારની પરિપાટીને સ્વીકારીને ચાલતું રહે. આમ ભાષા, ભૂષા અને ગાન-નર્તનની ભંગિમા બધી દૃષ્ટિએ ‘ઢાઢીલીલા'નો આરંભિક નાતો વ્રજપ્રદેશની લોકપરંપરાઓ સાથેનો રહ્યો છે.
આમ છતાં અચરજ એ વાતનું લાગે કે કૃષ્ણલીલાની મૂળ તીર્થભૂમિ વ્રજપ્રદેશમાં તો ‘ઢાઢીલીલા'ની કશી પરંપરા વા ચાલ આજે જોવા મળતાં જ નથી ! જોકે ત્યાં ‘રાસલીલા' ટકી રહી છે; કહો કે એ પરત્વે તો વ્રજવાસી રાસધારીઓનો જ એકાધિકાર પ્રવર્તે છે; જ્યારે ઢાઢીલીલાનું આંતરબાહ્ય બંધારણ પૂર્ણતયા વ્રજ સંસ્કૃતિ પર આધારિત હોવા છતાં, એના આરંભિક પ્રભવસ્થાનમાંથી જ આ લોકકલા કેમ લુપ્ત થઈ ગઈ હશે ? એટલું જ નહિ, પુષ્ટિ સંપ્રદાયનાં અન્ય પ્રભાવક્ષેત્રો-રાજસ્થાન, મધ્યપ્રદેશ, તળ ગુજરાતમાં પણ ‘ઢાઢીલીલા'નું પ્રચલન નથી ! કેવળ સૌરાષ્ટ્રના વૈષ્ણવપ્રભાવી વિસ્તારોમાં જ એનો ચાલ જોવા મળે છે. હા, સૌરાષ્ટ્રની બહાર, તળ ગુજરાત કે મુંબઈનાં પરાંઓમાં કોઈ પુષ્ટિમાર્ગીય ઉપક્રમ વેળા, કવચિત્ ‘ઢાઢીલીલા' જોવા મળે; પણ ત્યાંય મનોરથી, સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતરિત થઈને વસવાટ કરનારો વૈષ્ણવ પરિવાર હોય અને ઢાઢીલીલાની નર્તનસેવા આપનાર કીર્તનિકો પણ સૌરાષ્ટ્રમાંથી તેડાવ્યા હોય ! વ્રજપ્રદેશમાં એની પોતીકી જ લોકસંપદા થકી પાંચેક સૈકા પૂર્વે ઉદ્ભવેલી ને પાંગરેલી આ ભક્તિપરક લોકકલા મૂળ સ્થાનમાં સ્મૃતિશેષ બની રહી અને સૌરાષ્ટ્ર જેવા અતિ દૂરના પ્રદેશમાં સંપર્ક સંચારની તીવ્ર અછત ને ઓછપવાળા મધ્યકાળ દરમ્યાન કેવી રીતે પહોંચી હશે ? તાજેતરના બે- ત્રણ દાયકાને બાદ કરતાં હમણાં સુધી એનો પ્રસાર ને પ્રભાવ સૌરાષ્ટ્રની ‘વૈષ્ણવસૃષ્ટિ’માં વ્યાપક હતો; એટલે ચારેક સૈકા સુધી તો સૌરાષ્ટ્રમાં પણ એના દૃઢમૂલ પ્રવર્તનનો અંદાજ મળી જ રહે છે.
પુષ્ટિસંપ્રદાયના સ્થાપનકાળથી જ સૌરાષ્ટ્ર-ગુજરાતનો આરંભિક આચાર્યો અને વ્રજપ્રદેશ સાથેનો સાંપ્રદાયિક અનુબંધ અત્યંત ગાઢ રહ્યો છે. ભાવિક વૈષ્ણવોના સંઘો વારેવારે યાત્રા-પરિક્રમા નિમિત્તે વ્રજપ્રદેશમાં જતા રહેતા, ઉત્તર વયે શેષ જીવન ગોકુલ- વ્રજમાં વ્યતીત કરવા ત્યાં વસવાટ કરનારા ભાવિકોની સંખ્યા પણ નાનીસૂની નહોતી. વાણિયા, ભાટિયા, લોહાણા જેવી વેપારી જ્ઞાતિઓ ઉપરાંત સોની, સુથાર, કુંભાર, લુહાર જેવા કારીગર વર્ગ અને કણબી, સથવારા, આહીર, સગર જેવી ખેતી કરનારી જાતિઓ પણ વૈષ્ણવતાના અતિ ગાઢ પ્રભાવ તળે રહી છે. આ ‘વ્રજવાસી' ને વ્રજયાત્રી સૌરાષ્ટ્રીઓને વ્રજની ઢાઢીલીલાના ગાન-નર્તનનો લોકગમ્ય ભક્તિસ્પંદ રંજકતા ને કીર્તનસેવા —બન્ને કારણે ઊંડે સુધી સ્પર્શી ગયો હશે ? સંપ્રદાયપ્રવર્તક આચાર્યશ્રી વલ્લભ ખુદ સૌરાષ્ટ્રમાં ત્રણેક વાર લાંબા પ્રવાસો કરી ગયા; અનુકાલીન આચાર્યશ્રી વિઠલનાથજી પણ છ વખત સૌરાષ્ટ્રમાં મહિનાઓ લગીનાં રોકાણો કરી ચૂક્યા. અઢારમા શતકમાં તો જૂનાગઢ, બીલખા, ખંભાળિયા, જામનગર, અમરેલી, પોરબંદર, વેરાવળઃ આ સૌ સ્થાનોમાં વલ્લભીય આચાર્યોનો સ્થાયી વસવાટ પોતપોતાનાં સેવામંદિરો('હવેલી')માં આરંભાયો. આચાર્યોનાં કીર્તનગાનવાદનનાં કૌશલથી પણ કીર્તનાભિમુખ વૈષ્ણવોને પ્રેરણા ને પોષણ મળતાં થયાં. ગાનપરાયણ કંઠને આમ કૃષ્ણાશ્રય મળતાં શહેરો કે કસબામાં જ નહિ, નાનાં ગામડાંમાં પણ સેવાવ્રતી વૈષ્ણવોની કીર્તનમંડળી ‘કેસરિયા મંડલી' ઊભી થવા લાગી. વૈષ્ણવતાની આ નવપલ્લવિત વેલને તો ‘વ્રજ વ્હાલું' જ રહ્યા કર્યું ! એટલે વ્રજસોરઠ વચ્ચેની શબ્દ/સ્વરની સંપર્કયાત્રા અનવરત વિલસતી રહી. અંતતઃ અષ્ટછાપની કીર્તનકલા અને ઢાઢીલીલાની નર્તનકલા, સોરઠિયાના સ્વરમાં ને શરીરમાં એવી તો ગહેકી ને મહેકી ઊઠી કે ગામડાનો સાવ અભણ કીર્તનિયો પ્રપન્ન ભક્તિભાવથી ઢાઢી કે ઢાઢણરૂપે પ્રાંગણમાં પ્રગટે, ત્વરિત પદસંચારથી ઊઠતા ઘૂઘરાના સામટા નાદગુંજાર સાથે વ્રજભાષી પદનું બુલંદ ગાન આરંભે એ ક્ષણે તો જોનાર/સાંભળનાર સૌ વૈષ્ણવો જાણે કે ગોકુળના નંદગૃહના આંગણે ઊભા હોય એવું અનુભવે !! વ્રજપ્રદેશની લોકપરંપરાની જ નિતાન્ત નીપજ એવી આ ઢાઢીલીલા સૌરાષ્ટ્રમાં આયાતી કે આકસ્મિક ઉપલબ્ધિ નહિ; નકરું નિષ્પ્રાણ અનુકરણ પણ નહિ; પરંતુ આરાધ્ય પ્રત્યેની પૂર્ણ પ્રપત્તિ અને અંતઃપ્રતીતિમાંથી ઊગેલી આધ્યાત્મિક અનુભૂતિની પ્રત્યક્ષતા બની ઊઠી ! પદ્ધતિસરની તાલીમ કે શાસ્ત્રીયતાની સૂઝ વગર કૃષ્ણકલાનું આટલું કૌવત ને આવું કૌશલ ખેડુ, વસવાયું કે મા'જન : કોઈ પણ નિરક્ષરના કોઠે ને કંઠે ચડે એના આશ્ચર્યનો બીજો ખુલાસો તો શો આપી શકાય?
સાંપ્રદાયિક ઢાઢીલીલાનું કળાસ્વરૂપ, મૂલતઃ વ્રજમંડલની લોકપરંપરામાંથી ખીલ્યું છે એ સાચું; પણ એનો મકસદ નાચગાન દ્વારા કેવળ લોકરંજન આપવાનો નથી. સાંપ્રદાયિક કૃષ્ણભક્તિના ઉપક્રમ તરીકે એની પ્રસ્તુતિ (performance) માટેનાં ચોક્કસ નિમિત્તો હોય છે. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ‘રાધાષ્ટમી' (ભાદરવા સુદ આઠમ)ના દિવસે વૈષ્ણવો ઢાઢી-ઢાઢણ બનીને ‘ઢાઢીલીલા' કરે છે. (આજે પણ ગો. શ્રી વલ્લભલાલજીના બંગલે, રાજકોટમાં, સાંજે સંધ્યા-આરતી પછી, પ્રતિવર્ષ ‘ઢાઢીલીલા'નો આ ક્રમ સચવાયો છે.) આ સિવાય કોઈ ભાવસંપન્ન વૈષ્ણવને ત્યાં ‘માલા-પહેરામણી' કે ‘લોટીઓચ્છવ’ના મનોરથ પ્રસંગે, પ્રાસંગિક કીર્તન અને સાંપ્રદાયિક ક્રમવિધાન પછી, ‘ઢાઢીલીલા' થતી હોય છે. જે વૈષ્ણવે જીવનપર્યન્ત સાંપ્રદાયિક વિધાન અનુસાર, કૃષ્ણસેવા-સ્મરણ કર્યાં હોય; એના અવસાન પછી શ્રાદ્ધાદિ વૈદિક કર્મો થઈ જાય; વ્યાવહારિક/લૌકિક બધા વિધિઓ, કુટુંબભોજન વગેરે પૂરાં થઈ જાય તે પછી ‘માલા-પહેરામણી'નો મનોરથ સંપન્ન થાય. સાંપ્રદાયિક માન્યતા અનુસાર દેહાવસાન પછી ગોલોકની પ્રાપ્તિ તો થાય, પણ લીલાપ્રાપ્ત જીવને સાક્ષાત્ સેવાસ્મરણ કરવા માટે, સન્મુખતાપૂર્વક આજ્ઞા મેળવવાનો પ્રસંગ એટલે ‘માલા-પહેરામણી'. સંપ્રદાયદીક્ષિત વૈષ્ણવ, વ્રજમંડલમાં કૃષ્ણલીલાની તીર્થસ્થલીઓની પરિક્રમા કર્યા પછી ‘જમનાપાન’ કરીને યમુનાજલની લોટી (કળશ કે ધાતુકુંભ) સાથે પધરાવીને પોતાને ગામ પાછો ફરે છે એ પછી પારિવારિક અનુકૂળતા મુજબ ‘ગુરુઘર'ની ‘આજ્ઞા' (સંમતિ) લઈને ‘લોટી’ને અનાવૃત કરવાનો પ્રસંગ તે ‘લોટી-ઓચ્છવ’. સગાંસંબંધી, આપ્તજનો ઉપરાંત મોટી સંખ્યામાં વૈષ્ણવોને તેડાવી વલ્લભીય આચાર્યની ઉપસ્થિતિમાં આ ઉત્સવ કીર્તન-ગાનના સમુલ્લાસપૂર્વક ઊજવાતો હોય છે. જો કે આ બન્ને પ્રસંગોમાં ‘ઢાઢીલીલા'ની અનિવાર્યતા નથી; પણ ભાવિક વૈષ્ણવ પોતાની ઊલટથી ‘ઢાઢીલીલા' પણ કરાવે છે. આ ઉપરાંત ભાગવત-સપ્તાહના પ્રસંગોમાં પણ કીર્તન અને ‘ઢાઢીલીલા'નો ક્રમ પણ કોઈ કોઈ રાખે છે.
પુષ્ટિસંપ્રદાયમાં સૌથી અનેરો મહિમા નાથદ્વારા(રાજસ્થાન)માં બિરાજતા શ્રીનાથજીનો. ત્યાં રાધાષ્ટમીના દિવસે ભોગ-આરતીના સમયે મણિ-કોઠામાં ‘ઢાઢીલીલા'નો ક્રમ સચવાય છે. રાધાના જન્મોત્સવની કીર્તનવધાઈ, ‘યદુવંશી જજમાન હમારો, ઢાઢી આયો હો!, કુંવરી જન્મ સૂનિકૈ હૌં આયો, રાખો હમારો માન !' - કિશોરીદાસની આ રચનાના ગાન સાથે નર્તન થાય છે.
કૃષ્ણપરક તમામ ભક્તિસંપ્રદાયોમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉત્સાહભેર ઊજવાય. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં, વળતે દિવસે બપોર સુધી ‘નંદોત્સવ' હોય, વધાઈનાં કીર્તનોની રમઝટ હોય, પણ ‘ઢાઢીલીલા' ત્યારે નથી હોતી; પણ એકાદશીને દિવસે સંધ્યાઆરતી પછી, ‘ઢાઢીલીલા' ને ‘જોગીલીલા'નો ક્રમ રહે. કેટલાંક મંદિરોમાં શ્રાવણ વદ એકાદશીએ પલનામાં જોગીલીલા અને શ્રાવણ વદ અમાસના દિવસે આરતી-શયનના અંતરાલમાં ‘ઢાઢીલીલા' થાય છે. બદલાતાં જતાં દેશકાળ અને પરિસ્થિતિમાં આજકાલ ઢાઢીલીલા/જોગીલીલાનો પરંપરિત ક્રમ તો ભુંસાતો જાય છે; કેવળ આ લીલાને લગતાં વ્રજભાષી પદોનું, આવડે એવું, ગાન થતું જોવા મળે !
* * *
ઢાઢીલીલા, મૂલતઃ, લોકપરંપરાનો કલાવિલાસ છે એટલે એની પ્રસ્તુતિના પરિવેશ અને પાર્શ્વભૂમિમાં લોકદ્રવ્યનો ઘાટો રંગ હોવાનો. પ્રસ્તુતિ માટે વિશેષ પ્રકારના મંચ કે સન્નિવેશની તો આવશ્યકતા જ શાની હોય ? પુષ્ટિમાર્ગીય મંદિરના ચોક વા મનોરથી વૈષ્ણવના ફળિયામાં, ચારેબાજુ ખુલ્લો મંડપ બાંધે. વચ્ચે અથવા પશ્ચિમ તરફના હિસ્સામાં, ઢાઢી-ઢાઢણનાં ગાન/નર્તનને મોકળાશભરી જગ્યા મળી રહે એટલો લંબચોરસ ભાગ અલાયદો રહે. એ સિવાયની તમામ બાજુની જગ્યા, ભાવિક વૈષ્ણવ શ્રોતા/દર્શકોને બેસવા માટે રહે. નર્તનભૂમિની ઉત્તર/દક્ષિણની સીમા પર કીર્તનકારો, (મુખ્ય/સહાયક કીર્તનિયા, ઉપરાંત વાદ્યસંગતકારો)નું સ્થાન રહે; જ્યારે પશ્ચિમની સીમાએ; શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનાં હાથકલમનાં મોટાં ચિત્રોને, પાટ પર કેસરી/લાલ રંગના રેશમી ઉપરણા પર વિરાજિત કર્યાં હોય. પૂર્વાભિમુખ બિરાજમાન આ ચિત્રોની આગળ બાજઠ કે નાની પાટ પર ‘ઝુંબક’(ઘઉંના લોટના કુલ્લાંમાં રૂની વાટ અને ઘી) પ્રગટાવેલું હોય; બાજુમાં ‘લોટીજી' પધરાવે. જો આ ‘મનોરથ’માં વલ્લભીય આચાર્ય બિરાજવાના હોય તો એમના માટે પણ આ હરોળમાં જ સન્માન વિવેકપૂર્ણ સુખાસન ગાલીચા સમેત રાખ્યું હોય.
ઢાઢીલીલાનો આરંભ થાય એ પૂર્વે જે ભાવનો ‘મનોરથ’ હોય એને લગતાં અષ્ટછાપ/ અષ્ટછાપેતર કવિઓનાં વ્રજભાષી કીર્તનોનું ગાન નર્તનસ્થલીમાં જ વર્તુળાકારે બેસીને કીર્તનિયા મંડળી દ્વારા થાય. પ્રારંભે મંગલાચરણ ઉપરાંત વધાઈની ‘ચોસર’(ચાર પદ) ગવાયા પછી ઢાઢી/ઢાઢણની ભૂમિકા ધારનારા બન્ને કીર્તનિયા આચાર્યની ‘આજ્ઞા’ લઈને સાજ સજવા માટે સગવડવાળા સ્થળે જાય. કીર્તન મંડળીને તિલક કરીને કંઠીવિતરણ થાય. એ સાથે જ મનોરથીના પરિવારજનો ઉપસ્થિત સૌ વૈષ્ણવોને પણ તિલક / કંઠીથી સન્માનિત કરે. ‘યમુનાષ્ટક'/યમુનાજીનાં પદના ગાન સાથે ‘લોટી’ને અનાવૃત કર્યા પછી સૌ વૈષ્ણવોને પરિવારજનો ‘જમનાજી' ‘બાંટે' છે; વ્રજરજની કણિકા ('ચરણામૃત') પણ ‘બંટાય'. આ પછી ઢાઢી/ઢાઢણ પ્રવેશે છે. સૌપ્રથમ પાટ ઉપર બિરાજતાં સ્વરૂપોને તેમ જ વલ્લભીય આચાર્યને વંદન કરી લીલાગાન માટે અનુજ્ઞા મેળવે છે. ઢાઢી/ઢાઢણના પ્રવેશ વખતે જ નર્તનસ્થલીમાં વર્તુળાકારે ગોઠવાયેલી કીર્તનમંડળી ત્યાંથી ખસીને, નિયત હરોળમાં સ્થાન લઈ લે. મૃદંગ (પખવાજ) કે તબલાં અને પાંચ/સાત ઝાંઝ જેવાં તાલવાદ્ય અને હાર્મોનિયમની સ્વરસંગત, કીર્તનગાન સાથે રહે. આ વાદ્યકારો પોતે જ કીર્તનિયા હોય છે. હવે, ઢાઢીલીલા માટે નર્તનસ્થલીનો લંબચોરસ હિસ્સો ખુલ્લો જ રહેવાનો.
*
ઢાઢીલીલાના આરંભે યમન-કલ્યાણની મંગલમયી સ્વરલહરીઓમાં ઢાઢી-ઢાઢણના ભાવમધુર કંઠે પ્રસ્તુત થતું સાખીગાન ભાવિક વૈષ્ણવ સમુદાય સમક્ષ નંદ, વસુદેવ ઉપરાંત આચાર્ય વલ્લભની પૂર્વ પરંપરાનો મહિમા ખોલી આપે છે. યદુવંશ, વલ્લભવંશ, દશાવતાર અને દશસ્વરૂપઃ આ બધાની મળીને ૧૨૦ જેટલી સંખ્યામાં પથરાતી આ સાખીઓની ગાનાત્મક પ્રસ્તુતિ તો ખાસ્સો સમય રોકે. જોકે ઢાઢીલીલાનો ઉદ્દેશ મનોરંજનનો નહિ, ચિત્તરંજનનો છે; આમ છતાં પલટાતા જતા સમયપ્રવાહને ઓળખીને થોડાં વર્ષોથી ‘ઢાઢીલીલા'ના આરંભે કૃષ્ણપ્રાકટ્યના ઉલ્લાસ અને વલ્લભવંદનાની થોડી સાખીથી જ ભૂમિકા રચી આપવાનો ચાલ પ્રવર્તે છે :
‘પુત્ર ભયો શ્રી નંદકે, પૂરણ પરમાનંદ,
ઢાઢી આયો જાચને, તનમન ભયો આનંદ.’
* * *
‘શ્રી વલ્લભ પદ પદ્મરજ, વંદન કીજે નિત;
શ્રી વિઠ્ઠલવરજુ સહિત, સદા વસો મમ ચિત્ત.'
* * *
‘નમું શ્રી વ્રજરાજકે લાડિલે, મેરે જીવન નાથ;
ઢાઢી આયો જાચને, ધરો ચરન મમ માથ.’
ધરો ચરન મમ માથ, ભૂતલ લીલા વિસ્તારી;
ધરો ચરન મમ માથ, દૈવી પર દયા વિચારી.
ધરો ચરન મમ માથ, ભક્ત ટેક રાખી અબે;
બરનૌ શ્રી વલ્લભવંશ, સૂર કારજ સરે સબે..
નમે કહા ગુન હોઈ ? નમે ભવ દુ:ખ સબ કટે;
નમે કહા ગુન હોઈ ? નમે પુનરાવર્ત મિટે.
નમે કહા ગુન હોઈ ? નમે લીલા અનુસરહી;
ગાઉં ગુન અગાધ પ્રેમસોં, લીલારસ ઉર લરહી.'
અહીં ઉદ્ધૃત છેલ્લી પાંચેય ‘સાખી' સૂરદાસની છે. વિસ્તારભયે અહીં છોડી દીધેલી આગલી બે સાખીઓમાં એ, શ્રી વલ્લભ, વિઠ્ઠલ, એમના સાત પુત્રો : આચાર્યત્રિપદીને પ્રાંજલભાવે વંદના કરે છે. ‘ધરો ચરણ મમ માથ'નાં ત્રણ આવર્તનોમાંનો અવરોહાત્મક લયવિરામ; અને ‘નમે કહા ગુન હોઈ ?- નાં ત્રણ આવર્તનોમાં પ્રશ્નમુદ્રામાંનો આરોહાત્મક લય-ઉછાળઃ આવર્તનો, અવરોહ અને આરોહની આ ત્રિ-સ્તરીય શ્રુતિરમણાનો ભાવવ્યંજક પરચો તો સાખીઓનાં નકરાં નેત્રવાચનથી નહિ પણ ગાનાત્મક ‘શ્રોતૃપેય' સપાટીએ પામવાથી જ અનુભવી શકાય ! ઢાઢીલીલાનાં પદો/ સાખીની ‘વાચના' (text) નહિ; એની ત્રિ-પરિમાણાત્મક પ્રસ્તુતિ (performance) જ સૂરદાસ કહે છે તેમ ‘લીલા રસ ઉર લરહી'ની આનંદકોટિએ ભાવકને પહોંચાડી શકે.
ધીરગંભીર ભૂમિકાએ ‘ઢાઢીલીલા’ના આરંભમાંના આ સાખીગાન વેળા નર્તનમુદ્રા કે તાલસંગત નથી હોતાં; કેમ કે અહીં, આરાધ્ય (કૃષ્ણ), આચાર્ય (વલ્લભ) અને વૈષ્ણવતાના આચારક્રમની પરંપરાથી ભાવિકોને અવગત કરાવવાનું ઉદિષ્ટ હોય છે. ભક્તિની સમજ અને સેવન માટે ‘માહાત્મ્યજ્ઞાન'ની પૂર્વશરત, પ્રાયઃ સૌ ભક્તિપરંપરાઓએ આવશ્યક ગણી છે. આજે આપણને આ લાંબો વિગત વિસ્તાર અનુપયુક્ત ને અનાવશ્યક લાગે; પણ મધ્યકાળના નિરક્ષર ભાવિક સમુદાય માટે તો, પુરાણ અને તત્ત્વઃ બન્નેના બોધનને લગતો આ ઉપકારક ને અનિવાર્ય ઉપક્રમ હતો.
વંદના ને વંશાવળીને લગતી પ્રાસ્તાવિક ભૂમિકા પછી ઢાઢી-ઢાઢણનાં ગાન/નર્તનનો ઉપક્રમ આરંભાય. ઢાઢીલીલાના પૂર્વભાગમાં, નંદગૃહે પુત્રજન્મના સમાચાર સાંભળી, યજમાનગૃહે જવાની ઉતાવળ, ઉત્સવનું વર્ણન, યાચક તરીકે પોતાને થતો આનંદ, અમૂલ્ય ભેટસોગાદનું વર્ણન, યજમાનને આશિષ, નવજાત પુત્રને શુભકામનાઃ આ ભાવોને નિરૂપતાં પદોનું ગાન હોય. સૂરદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, નંદદાસ : આ અષ્ટછાપ કવિઓ ઉપરાંત, ગોપાલદાસ, પદ્મનાભ, રામકૃષ્ણ, કલ્યાણ, ‘વ્યાસ' વગેરે અષ્ટછાપેતર કવિઓનાં આને લગતાં ભાવપરક પદોને એમાં સ્થાન હોય. કીર્તન પરંપરાના અતિપ્રચલિત શાસ્ત્રીય રાગો - ધનાશ્રી, કાનડો, સારંગ, માલવ, મારુ, યમન, કલ્યાણ, જેતશ્રી સિવાય પણ ‘મનોરથ' (ઉત્સવ)ના ઋતુસમયને વ્યંજક/પોષક રાગો, વસંત, કાંફી, સારંગ, સૂહા, મલ્હાર, આશાવરી, ભીમપલાસ, માંડ, બિભાસના સ્વરસ્પર્શથી ઊપસતી બંદિશોમાં પણ પદગાન થતું રહે. ઢાઢી કે ઢાઢણના મનોભાવને વ્યક્ત કરતાં પદનું આરંભચરણ તે તે પાત્રભૂમિકાના મુખે થાય. યશોદાએ પુત્રજન્મ આપ્યાના સમાચાર પોતાના પતિ ઢાઢીને આપતાં, આરંભે જ, ઢાઢણ ગાય છે : હો એક નઈ બાત સુનિ આઈ' ગોકુળમાં ઉલ્લાસ, ગોપજનોની ભીડ વગેરે નિર્દેશ કરીને કહે છે :
‘પતિ જાવો નંદરાયકે, પ્રકટ ભયે સુકુમાર
માંગો ઐસો દાન સબ, ફેર ન પાનિ પસાર'
ઢાઢી પોતાની ઓળખ આપતાં લલકારી ઊઠે : ‘રાજકો મૈં ઢાઢી, શ્રી બ્રજરાજકો મેં ઢાઢી'. છેક બાળપણથી ગોવિંદ ગુણ ગાઉં છું, દાઢીના વાળ સફેદ થઈ ગયા સુધી ! કારણ? ‘હમ હરિકે, હરિ હૈ જુ હમારે' - આ સંબંધ સુવર્ણરેખાથી અંકાયો છે! ઢાઢણના મુખમાં મુકાયેલું નંદદાસનું પદ તો સ્ત્રીહૃદયની સાહજિક ઊલટને માર્મિક રીતે વ્યક્ત કરે છે.
'કૃષ્ણ જન્મ સુનિ અપને પતિ સૌ હંસિ ઢાઢિન યૉ બોલી જૂ!' - શું બોલી ? સાંભળો : તમે નંદને ઘરે જાઓ, એમણે તો પુત્રજન્મના પર્વે દાનભંડાર ખોલી નાખ્યા છે. નૃત્યગાન કરતી કરતી કહે છે તમને ‘વાગો' મૂલ્યવાન વસ્ત્રો ને ઝોળી ભરીને દક્ષિણા મળશે. હું તો પગથી મસ્તક લગી પહેરવાના (‘નખશિખ') અલંકારો ઉપરાંત પાલખી માગીશ! વળી સોનાને શિંગડે મઢી ભેંસ, ને એની સૈવા (‘ટહેલ') કરવાવાળી ચાકરડી ('ગોલી'); સાજસહિતનો ઘોડો; ખૂબ દૂધ આપતી ગાય; સવારી માટે સુંદર હાથી, ને અમૂલખ હાથણી પણ લેતા આવજો ! ગાદી સહિતનો ઢોલિયો, નાગરવેલનાં પાનની ‘ઢોલી’ (પાનની થપ્પી !) પણ જરૂર લાવજો; પાનનું બીડું તૈયાર કરી આપનારા તંબોળીને પણ લાવજો ! નંદરાયને એટલું કહેજો કે જન્માંતરમાં મારે માગવાપણું ન રહે, અને હવે પછી ઝોળી પાથરવાપણું જ ન રહે એવું ‘અયાચક’પણું માગી લેજો ! ‘યાચના’ પણ કેટલી સયુક્તિક અને ચતુરાઈભરી લાગે ! પ્રેમોલ્લાસને મધ્યકાલીન પરિસરમાં વ્યક્ત કરતાં આવાં પદોનાં નર્તનયુક્ત ગાન સાથે, અંતે સૂરદાસનું ‘ચિર જિયો ગોપાલ, રાની તેરો' એ ભાવાર્દ્ર આશિષ વ્યક્ત કરતું પદ, ધનાશ્રીની બંદિશમાં, ઢાઢી/ઢાઢણનું સંયુક્ત ગાન, ઘૂઘરાના ઘાટા ઝંકારની સતત ગુંજ સાથેની, નર્તનની દ્રુત ગતિએ ગવાય છે.
ઢાઢી/ઢાઢણના જ મનોભાવને વ્યક્ત કરતાં આ પદો પછીના ઉત્તર ભાગમાં, મોટે ભાગે, ઋતુપરક લીલાગાનને લગતાં પદો ગવાતાં. જોકે અહીં કૃષ્ણલીલા સાથે સંકળાયેલાં અન્ય કોઈ પાત્રોની ભૂમિકા તો હોતી નથી; પણ ઢાઢીયુગલ પોતે જ, અષ્ટછાપ કવિઓનાં દાન, માન, પનઘટ, માખણચોરી વગેરેને લગતાં પદો નર્તનમુદ્રાઓ સાથે પ્રસ્તુત કરે. દયારામની પદરચનાઓનો પણ, ખાસ તો ગોપીના જુદા જુદા સંચારી ભાવોને નિરૂપતી રચનાઓનો પણ ક્રમ આવે. ઢાઢીલીલાની પ્રસ્તુતિમાં છેક પરોઢ થવાની પળ આવે ત્યારે બિભાસ વા રામકલીમાં પદોનું ગાન થતું.
યાદ રહે કે ‘ઢાઢીલીલા'નો આખોય ઉપક્રમ કીર્તનિકોના પક્ષે, વ્યવસાયપરાયણ નહોતો. ‘મનોરથી’(આયોજક)ના કેવળ નિમંત્રણથી, બહુ બહુ તો આવાગમનની વ્યવસ્થા ને પ્રસાદ (ભોજન)ની જ અપેક્ષા હોય. સમયના પલટાતા પ્રવાહે, આજે એ સ્થિતિ રહી નથી. ઢાઢી/ઢાઢણની ભૂમિકાની પ્રસ્તુતિ કરનારા માટે સાંપ્રદાયિક દીક્ષિત વૈષ્ણવતાની અનિવાર્યતા તો ખરી જ; વ્રજભાષી પદોની કંઠસ્થતા ને ગાયકીનું કૌશલ ઉપરાંત નર્તન મુદ્રાઓની જાણકારી પણ જરૂરી બને. આ માટે દેખાવડા ને કૂણો કંઠ ધરાવતા યુવાનો ઉપયુક્ત નીવડે. પદોની કંઠસ્થતા, ગાનકૌશલ, ને નર્તનમુદ્રાઓની સહજ પ્રસ્તુતિ : આ બધાં વાનાં ઈશ્વરદત્ત તો હોય; પરંતુ ઊંડી ભગવપ્રીતિ ને પરંપરામાંથી આપમેળે શીખી લેવાની સૂઝ પણ એટલી જ અગત્યની ! વૈષ્ણવતા પ્રભાવિત ગામડાંઓમાં, સૈકાઓ લગી, આ પરંપરાનું સેવન, સંવર્ધન કેવળ ને કેવળ ભગવદ્-આરાધન માટે થતું રહ્યું. સૌરાષ્ટ્રના હાલાર, સોરઠ ને અમરેલી પરગણાંમાં અનેક કીર્તનમંડળીઓ, જાણકાર સંગતકારો ને ગાન/નર્તનમાં કુશળતા ધરાવતા સોહામણા યુવાનોની સંપદા ધરાવતી હતી. ભાનુભાઈ વ્યાસ (સુપેડી) ને વલ્લભદાસ બાપોદરા (પ્રસિદ્ધ કીર્તનકાર શ્રી વલ્લભદાસ બાપોદરાના પિતા)ની ‘ઢાઢીલીલા' સાંપ્રદાયિક શિસ્ત, પદોનાં ચોખ્ખાં બોલતાન, ગાયકીની શિસ્તબદ્ધતા ને સંયતશોભન નર્તનમુદ્રાઓમાં કથકની છાંટને કારણે અતિખ્યાત હતી. આ પછીની પેઢીમાં મોહનભાઈ (લલોઈવાળા), હરિભાઈ મિસ્ત્રી (ટીનમસ), છગનભાઈ (આમળાસ), જયંતીભાઈ (શેરિયાખાણ), મણવર બંધુઓ (કંટોલ) : આ સૌની ‘ઢાઢીલીલા' પણ વૈષ્ણવપ્રિય રહી. છેલ્લા બે/ત્રણ દશકામાં આપણી સાંસ્કૃતિક પરંપરાઓને એકધારો લૂણો લાગતો રહ્યો છે. એમાંથી ઢાઢીલીલાની ભક્તિકલા પણ કેમ બાકાત રહી શકે ? વેશપરિધાન અને અંગસજ્જા (make up)માં સિનેમાશાઈ અનુકરણ પ્રવેશ્યું, એટલે સંયતતાની જગ્યાએ શિથિલતા ડોકાવા લાગી. ગાયકીમાં પણ કીર્તનોની રજૂઆતને તરકટી તરજો અડી ગઈ! કથકનું નૃત્યસંયોજન તો કીર્તનિકોની નવી પેઢીને સાવ ઓળખવિહોણું રહ્યું, એને સ્થાને હાથનાં લટકાંમટકાં સાથેની કૂદાકૂદ ‘નર્તન' બની બેઠી ! વાદ્યસંગતમાં પખવાજ તો સ્મૃતિશેષ બની ગઈ; તબલાં – ને ક્યાંક તો ઢોલક !- નાં માનપાન વધ્યાં. જોકે, વ્રજદાસ કંસારા(જૂનાગઢ), ભરત ધીનોજા(રાજકોટ) સિવાય, પણ શહેરોના કીર્તનરસિયાઓમાં યુવાપેઢી મૃદંગવાદનનું કૌશલ ધરાવે છે; પણ ‘ઢાઢીલીલા'માં ભાગ્યે જ મૃદંગસંગત સાંભળવા મળે ! ભાવ અને રજૂઆતની દૃષ્ટિએ, સંપ્રદાયની શિસ્તને પૂર્ણતયા અનુસરતાં વ્રજભાષી પદો ને દયારામની રચનાઓની જાણકારી ને કંઠસ્થતા : બન્ને ખૂટતાં થયાં ; એટલે લોકગીતો ઉપરાંત અન્ય ગુજરાતી રચનાઓ ગવાવા લાગી ! સુશોભન, સજાવટ, શૃંગારપ્રસાધનની સુલભતાને આધુનિક પ્રયુક્તિઓનો ઓપ ચડ્યો એટલે ‘ઢાઢીલીલા' ની પ્રેક્ષણીયતા તો રૂપકડી દીસે; પણ ગાન-વાદન-નર્તનમાં નિતાન્ત ભક્તિપરાયણ ભાવસંપદાનું તેજ ઝાંખું પડતું લાગે. સાધનવિહીન કે અલ્પસુલભતાના સમયગાળામાં સાંપ્રદાયિક પરંપરાને અકબંધ ને અતૂટ રાખતી આ લોકકલામાંનું ભક્તિતત્ત્વ ને લોકતત્ત્વ –બન્ને સાગમટાં ઓસરતાં જતાં રહ્યાં છે અને સર્વગ્રાહી આધુનિકતાથી ખરડાયેલી એની અનુ-કૃતિ, જાણે કે, હવે પ્રચારમાં રહી છે!
નવનીત સમર્પણ : નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૦૭
‘અંતઃશ્રુતિ’ ૨૦૩ થી ૨૧૪