< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/આપણું નિબન્ધસાહિત્ય
નિબંધ એટલે શું ? વ્યુત્પત્તિ વિચારીએ તો આ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. પણ અત્યારે જે અર્થમાં એ શબ્દ આપણે વાપરીએ છીએ તે અર્થમાં એનો પ્રયોગ સંસ્કૃત ભાષામાં બહુ થયો હોય એવું લાગતું નથી. અમરકોશમાં એ શબ્દ છે, પણ એનો અર્થ એક પ્રકારના વ્યાધિ સિવાય બીજો કોઈ ત્યાં આપ્યો નથી. આપ્ટેના સંસ્કૃત-અંગ્રેજી કોશમાં એ શબ્દના જુદા જુદા અર્થોમાં literary composition or treatise એવો પણ એક અર્થ આપેલો છે ખરો, પણ જે વિશિષ્ટ સાહિત્યજાતિને આપણે અત્યારે એ શબ્દથી ઓળખાવીએ છીએ તેનો એમાં નિર્દેશ નથી. એ સાહિત્યજાતિ સંસ્કૃત ભાષામાં ખીલેલી પણ જોવામાં આવતી નથી, એટલે એના વાડ્મયનમૂનાઓ ઉપરથી પણ એનું સ્વરૂપ કે લક્ષણો નક્કી કરવામાં આપણને કશી મદદ મળી શકે એમ નથી. વસ્તુતઃ નિબન્ધ શબ્દ સંસ્કૃત ભાષાનો હોવા છતાં જે વસ્તુ દર્શાવવાને માટે આપણે ત્યાં એ યોજાયો છે તે પશ્ચિમની જ છે. અંગ્રેજીમાં જેને Essay કહે છે એ સાહિત્યપ્રકારને ઓળખાવવા માટે જ આપણે ત્યાં નિબન્ધ શબ્દનો પ્રયોગ દાખલ થયો છે, તેથી એનું સ્વરૂપ સમજવા માટે આપણે એ અંગ્રેજી શબ્દ તથા સાહિત્યજાતિનો જ આશ્રય લેવો પડે એમ છે. પણ દુર્ભાગ્યે અંગ્રેજીમાં પણ આ વસ્તુ બહુ સ્પષ્ટ નથી. એ ભાષાના જે કેટલાક શબ્દોએ ત્યાંના વિવેચકો અને વ્યાખ્યાકારોને ખૂબ મૂંઝવ્યા છે તેમાંનો એક આ Essay શબ્દ છે. એ શબ્દ એમને ત્યાં એવા પરસ્પરભિન્ન લેખનપ્રકારો માટે વપરાયો છે કે એનું ચોક્કસ શાસ્ત્રીય લક્ષણ શી રીતે બાંધવું એ જ એમને સમજાતું નથી. એમની ભાષામાં મૉન્ટેન જેવાનાં યદચ્છાવિહારી લખાણો essay કહેવાય છે, બેકન જેવાએ થોડાં પાનાંમાં સંક્ષિપ્ત સૂત્રાત્મક શૈલીમાં રજૂ કરેલો ગંભીર અનુભવભંડાર પણ essay કહેવાય છે, પોપ જેવાએ રચેલા પદ્યગ્રંથો (Essay on Man, Essay on Criticism) તેમ લોક જેવાએ રચેલા ગદ્યગ્રંથો (Essay Concerning Human Understanding) પણ cssay કહેવાય છે, ઍડિસન જેવાએ રૂપકગ્રંથિ, પાત્રાલેખન તેમ બોધપરાયણ કે રમૂજી ટુચકારૂપે કરેલાં લખાણ પણ essay કહેવાય છે, અને મૅકોલે, કાર્લાઈલ આદિ જેવાની ઐતિહાસિક, ચરિત્રાત્મક, કે સાહિત્યવિપયક ગ્રંથિકાઓ પણ essay કહેવાય છે. આ સ્થિતિમાં ત્યાંના વિવેચકો essay શબ્દની વ્યાખ્યા આપતાં મૂંઝાઈ જાય અને જે. સી. સ્કવાયર જેવા તો ખુલ્લેખુલ્લો એકરાર કરી દે કે If the whole field of literature, old and new, be regarded, the term essay seems incapable of satisfactory definition' ૧[1]એમાં નવાઈ નથી.
આમ થવાનું કારણ એ છે કે ખરી રીતે ભિન્ન ભિન્ન ગણાવી જોઈએ અને જુદે જુદે નામે ઓળખવી ઘટે એવી પૃથક પૃથક પ્રકારની રચનાઓને એક જ નામે ઓળખવાનો ત્યાં પહેલેથી કઢંગો ચાલ પડી ગયો છે. અંગ્રેજી ભાષામાં essay નામે પ્રચલિત લખાણોનું આપણે જો બરાબર અવલોકન કરીશું તો તરત જણાશે કે એમાં મુખ્ય બે પ્રકારો જોવામાં આવે છે : (૧) ગંભીર, વિદ્વત્તાભરી, વ્યવસ્થિત, એકનિષ્ઠ રચનાઓ અને (૨) હળવી, વિનોદી, રસળતી, શિથિલ બંધવાળી રચનાઓ. આ બન્ને વચ્ચેનો ભેદ ત્યાં સમજાયો પણ છે અને તેથી એને માટે essay શબ્દ સાથે જુદાં જુદાં વ્યાવર્તક વિશેષણો લગાડીને એ ભેદ
સૂચવવાનો ત્યાં પ્રયત્ન પણ થાય છે. પહેલા પ્રકારને ત્યાં serious કે polite essay એવું નામ આપે છે, તો બીજા પ્રકારને light, familiar કે personal essay એવું નામ આપે છે. મેકોલે, મેથ્યુ આર્નોલ્ડ, કાર્લાઈલ, ઈમર્સન વગેરે પ્રથમ પ્રકારના નિબન્ધકારો છે, ત્યારે મોન્ટેન, એડિસન, સ્ટીલ, લેમ્બ, સ્ટીવન્સન વગેરે મુખ્યત્વે બીજા પ્રકારના નિબન્ધકારો છે. અંગ્રેજીમાં પહેલેથી પરંપરા જ એવી બંધાઈ ગઈ છે કે એ બન્ને ભિન્ન ભિન્ન પ્રકારોને માટે એક જ cssay શબ્દ રૂઢ થઈ ગયો છે, અને તેથી વિવેચકોને મૂંઝવે એવો ગોટાળો ત્યાં ચાલ્યા કરે છે. પણ આપણે ત્યાં એ સાહિત્યપ્રકારો થોડા વખત પર જ દાખલ થયા છે, તેથી આપણે જો પહેલેથી જ ચેતીને એ બન્નેને અલગ અલગ જ ગણીએ અને જુદા જુદા નામે જ ઓળખીએ ‘તો અંગ્રેજ વિવેચકોને અનુભવવી પડતી મુશ્કેલીમાંથી આપણે બચી જઈએ. અને એવાં બે જુદાં જુદાં નામો આપણે ત્યાં યોજાયાં પણ છે. પ્રથમ એટલે કે ગંભીર પ્રકારના લખાણને આપણે નિબન્ધ કહીએ છીએ, ત્યારે બીજા એટલે કે રસળતા લેખનપ્રકારને આપણે નિબધિકા એવું નામ આપીએ છીએ. નર્મદ, નવલરામ, મણિલાલ, આનન્દશંકર, બલવંતરાય એ બધાના લેખો નિબંધના વર્ગમાં આવે છે, ત્યારે જયેન્દ્રરાવ દૂરકાળ, જ્યોતીન્દ્ર દવે, વિજયરાય વૈધ એ સૌની બધી નહિ તો કેટલીક રચનાઓ નિબન્ધિકાના વર્ગમાં મુકાય એવી હોય છે. આ સંગ્રહ શુદ્ધ ગંભીર નિબન્ધોનો જ છે, એટલે નિબન્ધિકાને અલગ રાખીને એનો જ હવે વિચાર કરીએ.
નવલરામે એમની ‘નિબંધરીતિ' નામે નાનકડી ચોપડીના પ્રારંભમાં આ સાહિત્યપ્રકારની વ્યાખ્યા આવા શબ્દોમાં આપી છે : ‘કોઈ પણ બાબત ઉપર પોતાના જે વિચારો હોય તે લખી જણાવવા એને નિબન્ધ કહે છે.' આ વ્યાખ્યા બહુ શિથિલ હોવાથી એમાં અતિવ્યાપ્તિનો દોષ સહેજે આવી જાય છે, એટલે આપણે જો આ વ્યાખ્યા બીજ રૂપે સ્વીકારવી હોય તો તેમાં બેત્રણ મર્યાદાઓ ઉમેરવી પડશે. એમાં પહેલી તો એ કે આપણે ઉપર જોઈ ગયા તેમ નિબંધિકાને અલગ રાખવા માટે ગંભીર સુશ્લિષ્ટ રચના તે નિબન્ધ એ વાત સૂચવવી પડશે. બીજી એ કે નિબન્ધ અને પ્રબન્ધ (treatise) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માટે નિબંધમાં વિસ્તારનો આપણે નિષેધ કરવો પડશે. અને ત્રીજી એ કે નવલરામની વ્યાખ્યા નિશાળિયાઓના લખાણને માટે યોજાએલી છે, ત્યારે આપણે સાહિત્યમાં સ્થાન પામી શકે એવી રચનાઓની વાત કરીએ છીએ. એટલે નવલરામની વ્યાખ્યા સુધારીને જો આપણે એમ કહીએ કે ‘કોઈ પણ બાબત પર પોતાના જે વિચારો હોય તે વિષયાન્તર કે વિસ્તાર કર્યા વિના સાહિત્યોચિત શૈલીમાં અને ગંભીર મનોવૃત્તિથી જેમાં રજૂ કરેલા હોય તેનું નામ નિબન્ધ', તો આપણું કામ ચાલશે.
અર્વાચીન ગુજરાતી ગદ્યનો પિતા કોને ગણવો એ બાબત આપણા વિદ્વાનોએ જુદા જુદા મત દર્શાવ્યા છે. રણછોડભાઈ ગિરધરભાઈ, કવિ દલપતરામ, દુર્ગારામ મહેતાજી, અને નર્મદ એમ જુદાં જુદાં ચાર નામો આ સંબંધમાં જુદા જુદા વિવેચકો તરફથી સૂચવવામાં આવ્યાં છે. પરન્તુ વસ્તુતઃ નર્મદ જ એ માનનો સાચો અધિકારી છે, કેમકે અર્વાચીન ગુજરાતી ગદ્યસાહિત્ય-કેવળ ગદ્યલખાણ નહિ પણ શિષ્ટ ગદ્યસાહિત્ય-સૌથી પહેલું જન્મ્યું તે નર્મદની જ કલમ દ્વારા. પણ એ બાબત વીગતવાર ચર્ચા કરવાનો આંહી અવસર કે અવકાશ નથી, એટલે આંહી તો એટલું જ કહેવાનું કે ગુજરાતી ગદ્યના પિતા તરીકે નર્મદને સ્વીકારો કે ન સ્વીકારો. પણ ગુજરાતી નિબંધના પિતા તરીકે તો એને સ્વીકાર્યા વિના ચાલે એમ જ નથી. કેમકે ગુજરાતી ગદ્યના પિતા તરીકે ઉપર જે એના સિવાયનાં ત્રણ નામો ગણાવાયાં તેમાંથી કોઈએ શુદ્ધ નિબન્ધો લખ્યા નથી. રણછોડભાઈએ લખેલું ગદ્ય ઇતિહાસવિષયક અને પરભાષામાંથી ઉતારેલું હતું અને દુર્ગારામે લખેલું તે માનવધર્મસભાની ચર્ચાઓના અહેવાલરૂપે તેમ પત્રો અને રોજનીશી જેવા આકારમાં હતું, એટલે એ બેમાંથી એકેનો તો નિબન્ધકાર તરીકે દાવો જ થઈ શકે એમ નથી. કવિ દલપતરામે જોકે નર્મદની પહેલાં એટલે ૧૮૪૯ અને ૧૮૫૦ માં ‘ભૂત નિબન્ધ' અને ‘જ્ઞાતિ નિબન્ધ' એ નામના બે ‘નિબન્ધો’ પ્રકટ કરેલા, છતાં એ બેમાંથી એકે આપણે ઉપર જેને પ્રબન્ધ કહીએ એવાં સળંગ લાંબાં પુસ્તકો છે. ગુજરાતી ભાષાનો સૌથી પહેલો સંક્ષિપ્ત નિબન્ધ તે દલપતરામનો ‘ભૂત નિબન્ધ’ નહિ પણ નર્મદનો ‘મંડળી મળવાથી થતા લાભ' એ ૧૮૫૧ માં પ્રકટ કરેલો નિબન્ધ. અને નર્મદે સૌથી પહેલો સંક્ષિપ્ત નિબન્ધ લખેલો એટલું જ નહિ, પણ જીવનભર અખંડ રીતે એવા અનેક સંક્ષિપ્ત નિબન્ધો લખીને એ સાહિત્યપ્રકારને આપણે ત્યાં સદાને માટે રૂઢ કર્યો તે પણ એણે જ, માટે નર્મદ જ ગુજરાતી નિબંધનો પિતા ગણાય એમાં શંકા નથી.
નર્મદે જોકે ગદ્યમાં ચરિત્ર, ઇતિહાસ, વિવેચન, પત્ર, સંવાદ, નાટક એમ એક વાર્તા સિવાયના લગભગ સઘળા પ્રકારો ખેડ્યા છે, અને ‘ડાંડિયા'ના કેટલાક લેખોમાં એણે રસળતી શૈલીની રસાળ નિબધિકાની પણ આછી આછી શરૂઆત કરી છે, છતાં એ મુખ્યત્વે હતો તો નિબંધકાર જ. એણે પ્રારંભ પણ નિબંધથી જ કરેલો, અને છેક ‘ધર્મવિચાર' પર્યંતની અંતિમ સાહિત્યપ્રવૃત્તિ સુધી નિબન્ધ જ એનું મુખ્ય ને માનીતું વિચારવાહન રહેલું. આ સંગ્રહમાં લીધેલા ‘સ્વદેશાભિમાન' જેવા એના પ્રારંભદિનના નિબન્ધ ઉપરથી પણ જોઇ શકાય છે કે નિબન્ધનું સ્વરૂપ એ પહેલેથી જ બરાબર સમજેલો, અને પોતાના નિબંધોની રચના કરેલી. ‘નિબન્ધરીતિ' માં નવલરામે નિબંધના મુખ્ય ત્રણ પ્રકાર ગણાવ્યા છે : કથન, વર્ણન ને વિવેચન. આપણે વર્ગીકરણ એનું એ રાખીને નામોમાં જરા સુધારો કરીએ તો વર્ણનપરાયણ, કથનપરાયણ, અને વિચારપરાયણ એ ત્રણ નિબંધના મુખ્ય પ્રકારો, આ ત્રણમાંથી નર્મદે વર્ણનપરાયણ નિબન્ધો બહુ લખ્યા નથી, પણ કથનપરાયણ તેમ વિચારપરાયણ એ બન્ને પ્રકારના નિબન્ધો એણે પુષ્કળ લખ્યા છે. કથનપરાયણ નિબન્ધોની તો એણે બે રીતસર માળાઓ જ ગૂંથી છે : એક ‘કવિચરિત્ર' અને બીજી ‘મહાપુરુષોનાં ચરિત્ર.' આ ઉભય લેખસમૂહની અંદરના છૂટાછૂટા લેખો તે કથનપરાયણ કે ચરિત્રાત્મક નિબન્ધો જ છે. એના વિચારપરાયણ નિબન્ધોમાં મુખ્યત્વે બે પ્રકારની શૈલી માલૂમ પડે છે : (૧) જુસ્સાદાર, પ્રેરક ઉદ્બોધનની અને (૨) શાન્ત, ઠરેલ વિચારણાની. આંહી આપેલા નિબન્ધોમાં ‘સ્વદેશાભિમાન’ અને ‘રણમાં પાછાં પગલાં ન કરવા વિષે' એ બે પ્રથમ પ્રકારના નિબન્ધો છે અને ‘સુખ' એ દ્વિતીય પ્રકારનો નિબન્ધ છે. પ્રથમ પ્રકારના નિબન્ધો ઘણાખરા સંબોધનાત્મક એટલે કે વાચકોને શ્રોતારૂપે ગણીને સીધું સંબોધન કરનારા અને ભાષણના આકારના છે. એમાંના કેટલાક તો જગતમાં પ્રથમ અવતરેલા પણ ભાષણો રૂપે જ. એમાં નર્મદ જાણે ઊભો ઊભો અને હાથ વીંઝતો વીંઝતો બહેરા પણ સાંભળે એવા બુલંદ અવાજે ભાષણ કરી લોકોને ઉચ્ચતર જીવન તરફ પ્રેરી રહ્યો છે. હૃદયદ્રવ્યનો ઉકળાટ એ તેના આ વર્ગના નિબન્ધોનું મુખ્ય લક્ષણ છે. સુધારાનો તનમનાટ અને દેશોદયની બળતી લાગણી એને પાને પાને ઝળકી ઊઠે છે. આવી મનોદશામાં જે ભાષા યોજાય તે સીધી, સાદી, ઘરગતુ હોય એ સ્વાભાવિક જ છે. શૈલી પણ વેગવંતી, ધસારાબંધ વહેતી, ઉછાળા ને ઠેકડા મારતી, અને જોમદાર છે. જે કોઈ એના માર્ગમાં આવે છે તેને એ બળપૂર્વક પોતાના પ્રવાહમાં ઘસડી જાય છે. ઉદ્બોધન, વાતચીત, ને જાતે જ સવાલો ઊભા કરી તેના જવાબ આપવા એવા પ્રશ્નોત્તર, એ એની મુખ્ય વિચારપ્રદર્શનરીતિ છે. કેટલીકવાર એ વાચકો પર ઠોક પાડે છે, કેટલીકવાર વાતચીત અને પ્રશ્નોત્તર દ્વારા પોતાનો મુદ્દો એમને સમજાવીને એમને પોતાના વિશ્વાસમાં લે છે, તો કેટલીકવાર રમુજમાં લાડતી અને ગેલ કરતી હોય એમ રમતી રમતી એમને આશ્વાસન કે ઉપદેશ આપે છે. પણ સર્વત્ર જોમ, તાદશતા, અને સચોટતા એ એના આ પ્રથમ પ્રકારના નિબન્ધોના મુખ્ય ગુણો છે. બીજા પ્રકારના નિબન્ધોની શૈલી સૌમ્ય ઠરેલ, ને ઠાવકી છે. એમાં આવેશ કે ઉકળાટ નથી, પણ આદિથી અન્ત સુધી એમાં શાન્ત શાસ્ત્રીય વિચારણા નજરે પડે છે. નર્મદનું મુખ્ય બળ લાગણી અને જુસ્સામાં હતું, છતાં આ શાન્ત ઠરેલ વિચારણા પ્રસંગે પણ એના નિબન્ધો કોઈ રીતે મોળા કે ફીકા પડતા હોય એમ લાગતું નથી. આંહી આપેલા ‘સુખ' ઉપરાંત ‘ગુજરાતીઓની સ્થિતિ,’ ‘કેળવણી વિષે,' ‘કુળમોટપ,' ‘ઉદ્યોગ તથા વૃદ્ધિ' અને ‘આપણી દેશજનતા ૨[2] વગેરે નિબન્ધોમાં એણે જે ઠરેલ, વ્યવસ્થિત ચિન્તનની શક્તિ બતાવેલી છે તે ખરેખર આશ્ચર્ય પમાડે એવી છે. એના આ સઘળા નિબન્ધો નર્મદને ગુજરાતી નિબંધસાહિત્યમાં ચિરંજીવ રાખવા પૂરતા છે.
એ જમાનાના બીજા સમર્થ નિબન્ધકાર તે નવલરામ, એમણે પણ ચરિત્ર, ઇતિહાસ, નાટક આદિ વિવિધ લેખનપ્રકારો ખેડ્યા છે, અને એમાંના એકેમાં એમનું લખાણ છેકી કાઢી નાખવા જેવું નથી, છતાં ગુજરાતી સાહિત્યમાં એ પ્રખ્યાત થયા અને રહેશે તે તો વિવેચક તરીકે જ અને એ વિવેચનનું કાર્ય એમણે નાના નાના સુશ્લિષ્ટ નિબન્ધો મારફતે જ કરેલું, એટલે નિબંધલેખન એ એમની પ્રધાન સાહિત્યપ્રવૃત્તિ ગણવાની છે. નર્મદ મુખ્યત્વે સુધારક હતો, એટલે એના નિબન્ધોમાં મોટે ભાગે એ પ્રેરક પ્રચારકરૂપે દેખાય છે, ત્યારે નવલરામ મુખ્યત્વે શિક્ષક અને ઠરેલ માર્ગદર્શક રૂપે દેખાય છે. જોમ, આવેશ, સચોટતા, એ જો નર્મદના નિબંધોના ગુણો છે, તો સસ્થિતતા, સમતોલતા, મધુરતા એ નવલરામના નિબન્ધોના ગુણો છે. નવલરામ શિક્ષક તેમ વિવેચક બન્ને હતા, તેથી એમનો ભાષાશૈલીનો સૂક્ષ્મ અભ્યાસ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પોતાની ભાષાશૈલી પણ એમણે બહુ જ વિચાર અને પ્રયાસપૂર્વક કેળવેલી. આથી એમના નિબન્ધો સર્વત્ર પરિપક્વતા અને પુખ્ત પાકટ વિચારની છાપ પાડે છે. અંગ્રેજીમાં કાર્ડિનલ ન્યૂમેન વિશે કહેવાય છે કે એ લખાણને ફરી ફરીથી સુધાર્યા અને મઠાર્યા કરતો. નવલરામ વિષે પણ એમના અન્તેવાસી મિત્ર સ્વ. ડાહ્યાભાઈએ કહ્યું છે કે પોતાના લખાણમાંના શબ્દો એ તોળી તોળીને વાપરતા અને યથાર્થતાની બાબતમાં પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી લખાણમાંના શબ્દોને ચાર ચાર પાંચ પાંચ વાર ફેરવીને લખાણના હસ્તલેખને ચીતરી મૂકતા.૩[3]એમની શૈલી આટલી સરળ અને છતાં આટલી સમતોલ ને યથાર્થ બની છે તે એમની આ ચીવટને જ પરિણામે. તળપદા રૂઢ શબ્દો ઉપરનું એમનું પ્રભુત્વ તો અજબ છે. જ્યાં આપણને સામાન્ય રીતે સંસ્કૃત શબ્દ જ સૂઝે ત્યાં એ એવી ચતુરાઈથી બરાબર એ જ અર્થ બતાવે એવો સૂચક અને સાથે સુંદર શુદ્ધ ગુજરાતી તળપદો શબ્દ શોધી લાવે છે કે આપણને એથી આશ્ચર્ય થયા વિના રહેતું નથી. ખરેખર, એમના જેવી સરળ છતાં રસાળ, સાદી છતાં મનોહર, ઘરગથુ છતાં લાલિત્યમય શૈલી આખા ગુજરાતી ગદ્યમાં બીજે ક્યાંયે નહિ મળે. વિવેચક તરીકે એમણે જે અસાધારણ પ્રતિષ્ઠા મેળવી છે તેમાં પણ એમની આ મનોરમ શૈલીનો હિસ્સો જેવો તેવો ગણવાનો નથી. વિવેચનમાં એમને જે કહેવાનું હોય છે તે એટલા રસપૂર્વક અને એવા ઉલ્લાસથી કહે છે કે એમના વિવેચનનિબન્ધોમાં વાચકને ઘણીવાર સર્જનના જેવો આનન્દ મળે છે. વિવેચન શુષ્ક શાસ્ત્ર નહિ પણ રસમય કલા છે એનાં ઉદાહરણો જોઈતાં હોય તો આ સંગ્રહમાં આપેલા નવલરામના ‘પ્રેમાનંદ' અને ‘મામેરું’ એ બે નિબંધો જ જોવા. એટલી મિતાક્ષરતામાં એટલું તલસ્પર્શી અને છતાં એટલું રસાળ વિવેચન આખા ગુજરાતી સાહિત્યમાં બીજે જવલ્લે જ મળશે. આ સિવાય આંહી નહિ આપેલા છતાં એમના ઉત્કૃષ્ટ નિબન્યોમાં ગણવા ઘટે એવા નિબન્ધો પણ થોડા નથી. ‘નાટકશાળા,' ‘નર્મકવિતાની પ્રસ્તાવના, ‘સંસ્કૃતમય ભાષા,' ‘દેશીકારીગરીને ઉત્તેજન, ‘સ્વભાષાના અભ્યાસની અગત્ય' આદિ એમના અનેક નિબન્ધો કેવળ એમના જ નહિ પણ સમસ્ત ગુજરાતી ગદ્યસાહિત્યના શણગારરૂપ છે.
નર્મદ નવલરામ ઉપરાંત બીજા પણ કરસનદાસ, મહીપતરામ, હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે કેટલાક લેખકોએ એ જમાનામાં નિબન્ધલેખન કરેલું અને જગાની છૂટ હોય તો એ બાકીના બધા લખકોમાંથી ઝાઝા તો નહિ પણ ચાર પાંચ ઠીક ઠીક સારા નિબન્ધો આપી પણ શકાય, પણ ગમે તેટલી જગાની તાણ છતાં જેમને લીધા વિના ચાલે જ નહિ એવા મોટા સમર્થ નિબન્ધલેખકો તો એ જમાનામાં નર્મદ અને નવલ બે જ, અને એ બે સિવાય બીજા કોઈના નિબન્ધો લેવાનો આંહીં અવકાશ મળ્યો નથી, તેથી આ ઉપોદ્ઘાતમાં પણ બીજા કોઈ વિશે ચર્ચા કરવાને નહિ રોકાઈએ.
મનઃસુખરામ ત્રિપાઠીથી માંડીને ચન્દ્રશંકર પંડ્યા સુધીનો લેખકવર્ગ એટલે ગુજરાતી ગદ્ય અને નિબન્ધલેખનનો બીજો યુગ. આગલો યુગ જેમ સુધાકરયુગ કહેવાય છે, તેમ આ બીજો યુગ સંરક્ષકયુગ કહેવાય છે. આગલા યુગના લેખકો પશ્ચિમની સંસ્કૃતિથી મુગ્ધ બનીને એના અનુકરણમાં જ પ્રજાનો ઉદ્ધાર જોતા, પણ આ બીજા યુગમાં ઉચ્ચ શિક્ષણનો પ્રચાર વધ્યો, લોકોની જ્ઞાનમર્યાદા વિસ્તૃત બની, યુનિવર્સિટીની સ્થાપના સાથે આપણા સંસ્કૃતસાહિત્યનો પરિચય થયો, એટલે આપણી અસલ સંસ્કૃતિને એના યથાર્થ વિશુદ્ધ સ્વરૂપમાં જોવાની અનુકૂળતા મળતાં આપણામાં સ્વમાન, આત્મનિષ્ઠા, અને સંરક્ષણવૃત્તિ પ્રગટી. આ સંરક્ષણવૃત્તિ એ દ્વિતીયયુગના મુખ્ય મુખ્ય નિબંધકારોનું પ્રથમ લક્ષણ. બીજું લક્ષણ તે એમનું પાંડિત્ય. યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ ફેલાતાં એનો લાભ પામેલો આપણો લેખકવર્ગ અંગ્રેજી અને સંસ્કૃત એ બન્ને ભાષાના ઉત્તમ સાહિત્યના સમાગમમાં આવ્યો, અને એ સાહિત્યના પરિશીલનથી એનામાં અનેકદેશી વિદ્વત્તા, ગંભીર વિચારશીલતા, અને તીક્ષ્ણ જ્ઞાનદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો. આ યુગના નિબંધકારોમાં વિચારના વિષયમાં જે સંગીનતા, ઊંડાણ, અભ્યાસ, ને વ્યાપકતા જોવામાં આવે છે, તથા શૈલીના વિષયમાં જે શિષ્ટતા, ગૌરવ, વ્યવસ્થિતતા, ને સંસ્કૃતમયતા જોવામાં આવે છે તે એના આ પાંડિત્ય કે વિદ્વત્તાનું જ પરિણામ. વળી આ યુગના બધા નહિ તો ઘણા ખરા નિબંધકારોમાં પરભાષામાંથી અવતરણો આપવાનો જે શોખ જોવામાં આવે છે એમાં પણ એના પાંડિત્યની જ અસર. અને પાંડિત્યને માટે સૌથી અનુકૂળ થઈ પડે એવો કોઈ સાહિત્યપ્રકાર હોય તો તે નિબન્ધ જ છે, એટલે આ પંડિતયુગમાં આપણું નિબન્ધસાહિત્ય સારી પેઠે વિકસ્યું એમાં નવાઈ નથી.
આ પંડિતયુગનો પ્રથમ નિબન્ધકાર તે મનઃસુખરામ ત્રિપાઠી. એમનું જીવન જોકે સુધાકરયુગની છાયા નીચે શરૂ થએલું, અને એ યુગના કેટલાક સુધારકો તેમ આગેવાનોના જોકે એ સહચારી પણ હતા, છતાં એ કેટલેક અંશે એ યુગની અસરથી પર કે અલિપ્ત રહ્યા જણાય છે. એટલે સુધારાનાં પાણી ઓસરીને સંરક્ષકયુગ શરૂ થયો ત્યારે સામર્થ્યને લીધે તો નહિ પણ વયોવૃદ્ધતાને કારણે એ નવા યુગના અગ્રયાયી બની ગયા. એ સંરક્ષકયુગના બે મુખ્ય સાક્ષરો ગોવર્ધનરામ અને મણિલાલ તે બન્નેના ઓછેવત્તે અંશે એ મુરબ્બી જેવા હતા, એટલે તે બન્નેની સાક્ષરપ્રવૃત્તિ પર પણ એમની ઓછીવત્તી અસર પડ્યા વિના રહેલી નહિ. નવા યુગના નિબન્ધોનાં કેટલાંક લક્ષણો-સંસ્કૃમય ભાષા, શિષ્ટ ગૌરવાન્વિત શૈલી, વિશાળ વાચન, અને એ વાચનમાંથી લીધેલાં અવતરણો ટાંકવાનો શોખ વગેરે લક્ષણો-એમનાથી જ શરૂ થયાં. એમના સઘળા નિબન્ધો હજુ ગ્રંથસ્થ થયા નથી, પણ જૂના ‘બુદ્ધિવર્ધક ગ્રંથ'ની ફાઈલો તપાસીએ તો એમાંથી, પોતાને ગુજરાતના બેકન તરીકે ઓળખાવતા૪[4]આ નિબંધકારની કૃતિઓ ઠીક ઠીક સંખ્યામાં નીકળે છે. એ જમાનાની પ્રથા પ્રમાણે એ બધી નીચે એમનું નામ છપાએલું નજરે નહિ પડે, પણ એમની શૈલી ગુજરાતી સાહિત્યમાં સહુથી એવી નિરાળી અને વિલક્ષણ છે કે એ બધીના લેખક તે આપણે ત્યાં સંસ્કૃતમય ભાષાના આદ્ય પુરસ્કર્તા મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જ એમ તરત જ ખાતરી થયા વગર રહેશે નહિ. આ સંગ્રહમાં લીધેલો ‘કાળચક્ર' નામનો નિબન્ધ એના ઉદાહરણરૂપ છે. એ પણ ‘બુદ્ધિવર્ધક ગ્રંથ'માંથી જ સીધો લીધો છે, અને ત્યાં મનસુખરામનું નામ આપેલું નથી, છતાં એ વાંચ્યા પછી એ મનઃસુખરામનો જ છે એમાં તલભાર પણ શંકા કોઈને રહેશે ખરી?
મનઃસુખરામનું સ્થાન આ યુગમાં સુધારકયુગ અને સંરક્ષકયુગ વચ્ચેની સંયોગી કડી જેવું, એટલે એમને કાળાનુક્રમે પ્રથમ મૂકવા જોઈએ તે ભલે, બાકી આ સંરક્ષકયુગના નિબન્ધસાહિત્યના સાચા અધિષ્ઠાતા તે તો મણિલાલ નભુભાઈ જ. ગુજરાતમાં જેની રચનાઓને આપણે આદર્શ નિબન્ધો તરીકે રજૂ કરી શકીએ એવો કોઈ સર્વોત્તમ નિબન્ધકાર હોય તો તે મણિલાલ નભુભાઈ જ છે. નિબન્ધલેખનની કળાના જેવા ને જેટલા પૂર્ણ નમૂના એમની પાસેથી મળે છે તેવા અને તેટલા બીજા બહુ થોડા પાસેથી મળશે. એમનો ‘બાલવિલાસ' એ નિબન્ધસાહિત્યની-પઠન તેમ લેખન ઉભય દૃષ્ટિએ ઉત્તમ પ્રવેશ પોથી છે. સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ એવી છાપ એ નાના નિબન્ધો સૌના પર પાડે છે. એના જેટલી શિષ્ટતા, સુઘડતા, અને સફાઈ બહુ થોડા નિબંધસંગ્રહમાં મળશે. પણ ગુજરાતી સાહિત્યમાં મણિલાલનું નામ સુપ્રતિષ્ઠિત બન્યું છે તે તો ‘બાલવિલાસ'ના નહિ પણ ‘સુદર્શનગદ્યાવલિ'માંના નિબન્ધોને લીધે. એમાં તે સંરક્ષક યુગના સેનાધ્યક્ષરૂપે પૂર બહારમાં ઝળકી ઊઠે છે. નર્મદ જેમ સુધારાદિત્યનો સેનાની હતો, તેમ મણિલાલ સદોદિત સનાતન આર્યધર્મના સેનાની હતા. નર્મદ કુધારાના અજ્ઞાન સામે ઝૂઝેલો, તો મણિલાલ સુધારાના અજ્ઞાન સામે જીવનભર ઝૂઝેલા. ‘સુદર્શનગદ્યાવલિ'માંના એમના નિબન્ધો એટલે એક બાજૂથી જડવાદી સુધારકો સામે તો બીજી બાજુથી આર્યધર્મના અસલ વિશુદ્ધ સ્વરૂપને વીસરી ગએલા ને જડ બની ગએલા જૂના દંભી લોકો સામે એમણે સતત રીતે ચલાવેલી બાણવૃષ્ટિ જ. મણિલાલના નિબંધોમાં કટાક્ષ ઠેર ઠેર જોવામાં આવે છે તે આ એમની યુયુત્સાનું જ પરિણામ. એ કટાક્ષો એમણે નવા જડવાદી સુધારકો તેમ જૂના જડ દંભી લોકો એમ બન્ને વર્ગો પ્રત્યે એકસરખી રીતે ચલાવ્યા છે, અને તેથી મણિલાલ કેવળ સંરક્ષક નહિ પણ એની રીતે સુધારક પણ હતા એ દેખાઈ આવે છે. આ દૃષ્ટિએ જોતાં એમની ‘સુદર્શનગદ્યાવલિ'ને આપણી પ્રાચીન આર્ય સંસ્કૃતિને એના યથાર્થ સ્વરૂપમાં સમજાવવા માટે યોજાએલી પાઠમાળા પણ કહી શકાય. ઉપર નર્મદ અને મણિલાલને આપણે પોતપોતાના યુગના સેનાનીરૂપે વર્ણવ્યા, પણ એ બન્ને વચ્ચેનું સામ્ય એથી પણ વિશેષ મૂળગત અને તાત્ત્વિક હતું. પ્રકૃતિ પરત્વે પણ એ બન્ને વચ્ચે કેટલાક સમાન અંશો દેખાયા વિના નહિ રહે. બન્ને સાહિત્યકારોનું ઊર્મિતંત્ર અનેક રીતે મળતું આવે એવું હતું. ઉદાહરણ તરીકે સત્યપ્રીતિ, નિખાલસતા, ઉદ્ધતાઈ, બંડખોરી, લડાયક વૃત્તિ, પ્રેમપરવશતા વગેરે કેટલાક હૃદયગુણો મણિલાલમાં પણ નર્મદના જેવા જ હતા. પણ નર્મદમાં મણિલાલના જેટલો ઉચ્ચ બુદ્ધિપ્રભાવ નહોતો તેમ એને મણિલાલના જેવી વ્યવસ્થિત ઉચ્ચ કેળવણીનો પણ લાભ મળ્યો નહોતો. એટલે મણિલાલના નિબન્ધો વિદ્વત્તા અને વ્યવસ્થિતતાની બાબતમાં નર્મદ કરતાં ખૂબ ચડિયાતા માલૂમ પડે છે. વસ્તુતઃ ‘સુદર્શન'કારની શૈલીમાં બે પરસ્પર વિરુદ્ધ લાગે એવા ગુણસમૂહો નજરે પડે છે : એમાં એક બાજુથી નર્મદના જેવી હૃદયોર્મિમાંથી પ્રકટતાં જોમ, આવેગ,પ્રવાહિતા, સચોટતા વગેરે ગુણો જોવામાં આવે છે, તો બીજી બાજુથી ઉચ્ચ બુદ્ધિતંત્ર ને વ્યવસ્થિત વિદ્યાપીઠ શિક્ષણમાંથી પ્રકટતાં વિશદતા, શાસ્ત્રીયતા, વિદ્વત્તા, પ્રૌઢતા, અને સંસ્કારિતા વગેરે ગુણો પણ જોવામાં આવે છે આ પ્રમાણે બુદ્ધિ અને હૃદય, વિચાર અને ઊર્મિ, શાસ્ત્ર અને સાહિત્ય એ પરસ્પર વિરોધી ગણાતાં જોડકાંઓનું સુભગ સંયોજન જેવું મણિલાલની નિબન્ધશૈલીમાં મળે છે તેવું ગુજરાતી ભાષામાં બીજે જવલ્લે જ મળશે. આનું સર્વોત્તમ દૃષ્ટાંત જોઈતું હોય તો એમનો ‘પૂર્વ અને પશ્ચિમ' એ દીર્ઘ નિબન્ધ વાંચવો. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓના અણધાર્યા સંપર્ક અને સંઘર્ષણથી આપણે ત્યાં જે વિચિત્ર અને શોચનીય પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું એમાં મણિલાલે સમર્થ તત્ત્વદર્શીની પ્રતિભાથી સૂક્ષ્મ શાસ્ત્રીય પૃથક્કરણ કર્યું છે અને પૃથ્થકરણ પાછું હૃદયભાવોથી રંગાએલી જોમદાર આવેશમય શૈલીમાં સચોટ રીતે રજૂ કર્યું છે. ‘સુદર્શનગદ્યાવલિ'ના નિબન્ધોની બીજી વિશેષતા એ છે કે એમાં આયાસ, મહેનત, તૈયારી, કે સજાવટનાં ચિહ્નો ક્યાં યે જોવામાં આવતાં નથી, પણ સર્વાંગે સુનિશ્ચિત જીવનદર્શનવાળા, સંસારના વિવિધ પ્રશ્નોનું અહોનિશ ચિંતન કર્યા કરનારા, અને લખવાના વિષય ઉપર તેમ ભાષા અને નિરૂપણપદ્ધતિ ઉપર પૂર્ણપ્રભુત્વ ધરાવનાર કોઈ પ્રખર બુદ્ધિશાળી વિચારકના સ્વાભાવિક નિ:શ્વસિત જેવા જ એ સઘળા નિબન્ધો લાગે છે. આ બાબતમાં એ ગાંધીજી અને કાલેલકરના પુરોગામી જેવા છે. સાધારણ લેખકો નિબન્ધ લખવો હોય ત્યારે વાંચી વિચારીને તૈયાર થાય છે, ત્યારે આ ત્રણ લેખકો તો પહેલેથી વાંચી વિચારીને તૈયાર થએલા છે માટે નિબંધ લખવા પ્રવૃત્ત થાય છે. એ ત્રણે સાહિત્યવિલાસી નહિ પણ જીવનલક્ષી આચારપરાયણ લેખકો છે. અર્થાત્ તેઓ કંઈક લખવા ખાતર લખવા બેસતા નથી, પણ પોતાને જે જીવનદર્શન લાધેલું છે તેનો જનસમાજમાં પ્રચાર કરીને એને ઉચ્ચતર જીવન ભણી દોરવાની અદમ્ય ઇચ્છાથી એ પોતાના નિબન્ધો લખે છે. મણિલાલના નિબન્ધના બીજા બે ગુણો તે એનું ઓજસ (animation) અને વાક્છટા (cloquence) છે. ખરેખર, એમના જેવું મિતાક્ષર છતાં સ્પષ્ટ, વિદ્વત્તાભર્યું છતાં સરળ, શિષ્ટ છતાં છટાદાર, પ્રૌઢ અસ્ખલિત ગદ્ય ગુજરાતના બીજા કોઈ પણ નિબંધકારમાં નહિ મળે. એટલે આ બધી અસાધારણ ગુણસંપત્તિને કારણે એમની ‘સુદર્શનગદ્યાવલિ'ને ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબન્ધભંડાર ગણીએ તો એમાં જરાયે અતિશયોક્તિનો દોષ નહિ આવે.
એ પછીના લેખક નરસિંહરાવે ગદ્ય તો પુષ્કળ લખ્યું છે, અને ‘સ્મરણમુકુર'માંના ચિત્રાત્મક ચરિત્રનિરૂપણ દ્વારા તેમ ‘વિવર્તલીલા'માંની રસમય ચિન્તનાત્મક નિબધિકા દ્વારા આપણા ગદ્યસાહિત્યમાં એમણે બે અભિનવ લેખનપ્રકારો પણ ઉમેર્યા છે, છતાં એમની શૈલી સંસ્કૃત ભાષ્યોની પેઠે પૂર્વપક્ષ ઉત્તરપક્ષમાં રાચતી, ખંડનમંડનપરાયણ, અને પ્રમાણભાન (sense of proportion) વગર ઝીણું ઝીણું કાંત્યા કરે એવી હોવાથી સુગ્રથિત નિબંધના નમૂના એમના ગદ્યસમૂહમાંથી બહુ નીકળતા નથી. એમનો પદવિન્યાસ અને વાક્યરચના પણ અતિશય ચોક્સાઈને માટે મથતા અને તેથી બહુ ચીપી ચીપીને બોલતા માણસના જેવી વિલક્ષણ, કઢંગી, અને કૃત્રિમ પણ લાગ્યા કરે છે. કશું ય બાકી ન રહે એવી અશેષ રીતે વિષયનિરૂપણ કરવાના આદર્શને લીધે એમને બહુ લંબાણ કરવાની ટેવ હોવાથી એમનું વક્તવ્ય સચોટ ઘન કેન્દ્રિત આકારમાં રજૂ થવાને બદલે ઘણીવાર વિસ્તારમાં રેલાઈ જાય છે, એટલે સુશ્લિષ્ટ કલાન્વિત નિબંધના જેવી છાપ એ ક્વચિત જ પાડી શકે છે. છતાં એમનામાં સારા નિબન્ધો છેક જ નથી એમ તો નહિ કરી શકાય. ખાસ કરીને એમને સૂક્ષ્મ તત્ત્વાન્વેષણામાં ખૂબ મજા પડે છે, અને તેથી ‘દૂરથી ગીતધ્વનિ' કે ‘સ્નેહીઓનાં સહજીવન' જેવા વિષયને પ્રસંગે એમની શૈલી રુચિર રૂપ ધારણ કરે છે, એટલું જ નહિ પણ એમની પ્રકૃતિમાં કવિતા અને ફિલસૂફી બન્નેનો જે વિરલ રસમય યોગ મૂળથી થયો હતો તે વ્યક્ત કરીને વિલક્ષણ પ્રકારની ચારુતાવાળા નિબન્ધો નીપજાવે છે. એટલે ગુજરાતી નિબંધસાહિત્યના ઇતિહાસમાં નરસિંહરાવને સર્વથા ઉવેખી શકાય એવું તો છે જ નહિ.
નિબંધકાર તરીકે નરસિંહરાવ કરતાં રમણભાઈ નિઃશંક ચડિયાતા માલૂમ પડશે. એમના લેખસમૂહ ઉપરથી જોઈ શકાય છે કે પોતાના વિચારો નિબંધના કળામય આકારમાં રજૂ કરવાને માટે એ ખૂબ કાળજી રાખતા હતા. પ્રથમ લેખની સમુચિત શરૂઆત તરીકે વિષયપ્રવેશને માટે આવશ્યક હોય એવાં દૃષ્ટાંતો, ટુચકા, કે અવતરણો, પછી ક્રમે ક્રમે વિષયનાં અંગો એક પછી એક લઈને તેનું નિરૂપણ, અને છેવટે ચર્ચાનાં સૂત્રો સમેટી લઈને સર્વથા સ્વાભાવિક અને અપેક્ષિત લાગે એવો ઉપસંહાર, આમ નિબંધની કળામાં જે સુયોગ્ય આરોહ અવરોહ જોઈએ તે એમના ઘણાખરા લેખોમાં જોઈ શકાય છે. આ સંગ્રહમાં આપેલા ત્રણે નિબન્ધો એ વાતની સાક્ષી પૂરશે. એટલે એમને વિશે આપણા એક પ્રસિદ્ધ વિવેચકે જે ટીકા કરેલી કે રમણભાઈમાં શૈલી જ નથી એ કંઇક અંતિમ કોટિની લાગે છે. વિચારસામર્થ્ય, શબ્દપ્રભુત્વ, નિરૂપણપદ્ધતિ, કથનપ્રવાહ અને એ સઘળાને પરિણામે રમણીય પટ રચીને પોતાના વક્તવ્યની સચોટ છાપ પાડવાની શક્તિ એને જો આપણે શૈલી કહીએ તો એવી શૈલી રમણભાઈના ‘કવિતા અને સાહિત્ય' તેમ ‘ધર્મ અને સમાજ'માંના સઘળા નહિ તો ઘણાખરા લેખોમાં તો અવશ્ય માલૂમ પડશે. પોતાને જે વિષય નિરૂપવાનો હોય તે વિષયની એમની વિચારસમૃદ્ધિ બાબત તો એમનો કટ્ટામાં કટ્ટો વિરોધી પણ ભાગ્યે જ શંકા ઉઠાવી શકશે. વસ્તુતઃ ‘કૌમુદી'માં ‘લેખકો કેમ લખે?! પ એ પ્રશ્નના ઉત્તરરૂપે કરેલા નિવેદનમાં એમણે જણાવેલું તે પ્રમાણે અમુક વિષય ઉપરના વિચારોથી એમનું ચિત્ત ઊભરાઈ જતું ત્યારે જ નિબન્ધલેખન આગળ ચાલતું અને શબ્દપ્રભુત્વ તેમ વાણીપ્રવાહના વિષયમાં તો રમણભાઈની એમના કરતાં મોટા નિબંધલેખકોને પણ અદેખાઈ આવે એવું છે. પોતાના વિચારો દર્શાવવાને માટે સમુચિત શબ્દ એમને પદે પદે સ્વયમેવ સ્ફુરી આવે છે એટલું જ નહિ પણ એવા અભિનવ શબ્દસમાસો યોજવાનું એમનું કૌશલ જોઈને તો આપણને ઘણી વાર સાનંદાશ્ચર્ય થાય છે. અને એમની વાણીની પ્રવાહિતા પણ અજબ છે. નરસિંહરાવ કે બલવન્તરાય ઠાકોરની વાણીમાં વેગ તો નથી જ, પણ પ્રવાહ જેવું પણ જવલ્લે જ જોવા મળે છે. ઘણી વાર તો એમનાં વાક્યો એક બીજા સાથે નામ માત્રનો સંબંધ હોય એમ ઠોકરાતાં ઠોકરાતાં ચાલતાં દેખાય છે. દરેક વાક્ય આગલા વાક્યમાંથી અનિવાર્ય અને જીવંત સંબંધથી ફૂટતું આવે અને એમ સળંગ વાક્યધારા અખંડ રીતે ચાલી જાય એવા પરિચ્છેદો મણિલાલ અને રમણભાઈ જેટલા બીજા બહુ થોડામાંથી મળશે. એક ઉપમા આપીને આ વિચાર દર્શાવીએ તો કહી શકાય કે નરસિંહરાવ બલવન્તરાય જેવા લેખકોની શૈલી મોનોટાઈપના જેવી છે, ત્યારે રમણભાઈની શૈલી લીનોટાઈપની છે. જ્યાં નરસિંહરાવ બલવન્તરાય જેવા લેખકો એક એક શબ્દનું બીબું તપાસી તપાસીને ગોઠવે છે, ત્યાં રમણભાઈની શૈલી આખાં વાક્યોનાં વાક્યો તેમ પંક્તિઓની પંક્તિઓ ક્ષણમાત્રમાં યોજતી સરસરાટ ચાલી જાય છે. અલબત્ત, રમણભાઈની શૈલીમાં એક મોટો દોષ છે ખરો, અને તે નરસિંહરાવના જેવું દીર્ઘસૂત્રીપણું. એમના ગદ્યનું પોત ઘટ્ટ નથી, તેમ એમના લેખનપટમાં દઢતા અને સુશ્લિષ્ટતા નથી. જ્યાં બીજા લેખકો પોતાના વિચાર ટૂંકાણમાં અને સચોટતાથી રજૂ કરે ત્યાં રમણભાઈ ઘણીવાર બહુ લંબાણ કરે છે. આના મૂળમાં એમનો સ્પષ્ટતાનો આગ્રહ રહેલો લાગે છે. પોતાનું સઘળું લખાણ એકેએક વર્ગના વાચકને સુગમ થઈ પડે એવી સરળતા તેમાં લાવવાના આશયથી એ પોતાનું વક્તવ્ય વિસ્તારી વિસ્તારીને સ્ફુટ કરે છે અને તેથી એ દીર્ઘસૂત્રી બની જાય છે. પણ એ ખામી બાદ કરીએ તો રમણભાઈના લેખસંગ્રહમાંથી ગુજરાતી ભાષાના કેટલાક સુંદર નિબન્ધો નીકળશે, અને આંહીં આપેલા ‘સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, એમનો ઉચ્ચ વાક્પ્રભાવ, ૬[5]પાપજન્તુઓ,' અને ‘કર્તવ્યની પદવી' ઉપરાંત ‘સાહિત્યની અભિવૃદ્ધિ', ‘મધ્યમતા,' ‘આચરણની યોગ્યતા', ‘કારભારનો શિકાર' વગેરે એમના વિવિધ નિબન્ધો એમને ગુજરાતી ભાષાના અગ્રગણ્ય નિબંધકારોમાં સ્થાન અપાવશે એ ચોક્કસ છે.
ગુજરાતી ભાષાનો સમર્થ સાક્ષર છતાં કેવળ નિબંધકાર એવો કોઈ લેખક હોય તો તે ડૉ. આનન્દશંકર ધ્રુવ છે. વર્ષોથી એ ગુજરાતી સાહિત્યની સેવા કરે છે, પણ નિબન્ધ સિવાય બીજો સાહિત્યપ્રકાર એમણે અજમાવ્યો જાણ્યો નથી. એમણે પરંપરાપ્રાપ્ત સ્વરૂપના ઘણા નિબન્ધો લખ્યા છે તે ઉપરાંત વિષય તેમ શૈલી પરત્વે એક બે નવા ગણાય એવા પ્રકારો પણ ખેડયા છે. વિષયની બાબતમાં પ્રજાજીવનના જુદા જુદા પ્રશ્નો અને તેમાં બે ખાસ કરીને પ્રવર્તમાન ગણાવી શકાય એવી નોંધો આપણે ત્યાં દૈનિક સાપ્તાહિક પત્રોના તંત્રીઓ તો ઘણા લાંબા વખતથી લખે છે, પણ એ બધી મોટે ભાગે ક્ષણજીવી જ હોય છે. તેમાં શૈલીની શિષ્ટતા કે સાહિત્યનું ગૌરવ પણ હોતું નથી. એવી શિષ્ટતા અને ગૌરવવાળા રાજકીય વિષયના નિબન્ધો નિયમિત રીતે અને મોટા પ્રમાણમાં લખવા માંડયા તે ‘વસન્ત'ના આ આદ્યતંત્રીએ જ. એમના આ રાજકીય નિબન્ધોમાંથી આ સંગ્રહમાં એક પણ નમૂનો આપી શકાયો નથી તેનું કારણ એ છે કે અંગત કારણે એમને ઘણાં વરસ સુધી આવા નિબન્ધો ગમે તો તંત્રી એવા મોઘમ નામે અથવા તો કોઈ કલ્પિત સંજ્ઞા ધારણ કરીને લખવા પડેલા, એટલે જ્યાં સુધી એ બધા નિબન્ધો તેઓ પોતાને નામે ગ્રંથસ્થ ન કરે ત્યાં સુધી તે આવા સંગ્રહમાં દાખલ કરવાનું ઉચિત ગણ્યું નથી. શૈલી પરત્વે એમણે જે નવો પ્રકાર રમણભાઈની સાથે મળીને આપણી ભાષામાં ઉમેર્યો ને વિકસાવ્યો તે અંગ્રેજી sermonના જેવો પ્રવચનશૈલીનો નિબન્ધ. લેખક એને વ્યાખ્યાન૭[6] કહે છે. આપણે એને પ્રવચનનિબન્ધ એવું નામ આપી શકીએ. અંગ્રેજીમાં ધર્મોપદેશકો જેમ બાઈબલ જેવા ધર્મગ્રંથનું એકાદું વાક્ય કે સૂત્ર લઈને તેના પર ભાષ્યરૂપે પોતાનું સ્વતંત્ર વક્તવ્ય રજૂ કરે છે તેમ ડૉ. આનન્દશંકર ધ્રુવે પણ સંસ્કૃત શ્લોક, પ્રાચીન ગુજરાતી પદ, હિન્દી સંતવાણી, કે અંગ્રેજી કાવ્યપંક્તિઓ પ્રારંભમાં મૂકીને તેનું વિવરણ કરતા હોય એવી રીતના ઘણા નિબન્ધો લખ્યા છે. આ સંગ્રહમાંના ‘કવિતા', ‘મુક્તિનાં સાધન,' ‘ખાંડાની ધાર' એ આ પ્રવચનશૈલીના નિબન્ધો છે. ડૉ. આનન્દશંકર સૌથી વધારે ખીલી શકે છે તે આવા નિબન્ધોમાં. એમાં વિચાર તો અલબત્ત એમના પોતાના સ્વતંત્ર હોય છે, પણ આકાર કોઈ પદ કે વાક્ય પરના ભાષ્ય જેવો હોય છે. ગુજરાતી નિબન્ધકારોમાં ડૉ. આનન્દશંકર ધ્રુવ એમની શાસ્ત્રવ્યુત્પન્ન કુશાગ્ર બુદ્ધિ, અનેકદેશીય વિશાળ વિદ્વત્તા, અને અભ્યાસજડ નહિ એવું રસાર્દ્ર હૃદય એ ત્રિપુટીના વિરલ સંયોજનને લીધે બહુ ઊંચું સ્થાન ધરાવે છે. એમની શૈલીમાં સૂર્યપ્રકાશના જેવી અપૂર્વતા, પ્રખરતા, કે ભભક તો અલબત્ત નથી જ, પણ ચંદ્રપ્રકાશના જેવી સૌમ્યતા, મધુરતા, મોહકતા, અને કાવ્યમયતા પુષ્કળ છે. દીર્ઘ ચિન્તન, પુખ્ત વિચાર, અને વિશાળ વાચનનાં ચિહ્નો પદે પદે પ્રકટ કરતા અને મિતાક્ષરી મનોરમ શૈલીમાં લખાએલા એમના નિબન્ધો ગુજરાતના જ્ઞાનરસિક સંસ્કારી વાચકવર્ગને લાંબા વખત સુધી આકર્ષ્યા કરશે.
ઉંમરે નાના અને કાળાનુક્રમ પ્રમાણે જરા પાછળ આવે એમ હોવા છતાં ઉત્તમલાલ ત્રિવેદીને ડો. આનન્દશંકર ધ્રુવ પછી તરત લીધા તે એક રીતે એ ‘વસંત'કારના સાથી જેવા જ હતા તેમ વિશાળ શૈલી આદિ દૃષ્ટિએ પણ ‘વસંત' સંપ્રદાય સાથે એને નિકટનો સંબંધ હતો તેથી. ડો. આનન્દશંકરની સાથે રાજકીય આર્થિક આદિ જાહેર પ્રજાહિતના પ્રશ્નો શિષ્ટ નિબન્ધોરૂપે નિરૂપનાર બીજા સમર્થ લેખક તે આ ઉત્તમલાલ ત્રિવેદી છે. પંડિતયુગનો નિ:શેષતા (thoroughness) નો શોખ એમનામાં કંઇક વિશેષ હોવાથી એમના નિબન્ધો મોટે ભાગે બહુ લાંબા હાય છે. ઘણી વાર એ નાના નિબંધની મર્યાદામાં ન રહેતાં દીર્ઘ પ્રબન્ધ જેવા બની જાય છે. ‘લૉર્ડ સેલ્સબરી અને હિંદુસ્તાન', ‘પશ્ચિમના સુધારાનો દાવો', ‘યુગાન્તરનો ઉપઃકાલ', ‘સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહસંસાર' વગેરે ‘વસંત'માંના એમના, લેખો આનાં ઉદાહરણો છે. એમના નિબંધોની આવી લંબાઈને લીધે એમનો આંહીં એક જ નિબંધ લઈ શકાયો છે, પણ એ એક પણ એમની શૈલીની સુંદરતા, એમની વાણીનો પ્રભાવ, અને એમની ભાવનાઓની ઉદાત્તતાનો ખ્યાલ આપી નિબંધકાર તરીકેના એમના સામર્થ્યનું સૂચન કરવાને પૂરતો છે. આ નિબન્ધ વાંચ્યા પછી એમના સઘળા નિબન્ધો સત્વર ગ્રંથાકારે પ્રકટ થાય એમ સૌ કોઈ ઇચ્છશે.
રા. બલવન્તરાય ઠાકોર એટલે ગુજરાતનો પરમ પ્રયોગરસિક સાહિત્યકાર. કાવ્ય, નાટક, નિબન્ધ એમ વિવિધ સાહિત્યક્ષેત્રોમાં એ ઘૂમી વળેલ છે, પણ એકે ક્ષેત્રની અંદરનું એનું અર્પણ શિષ્ટસંપ્રદાયાનુસારી કે પરંપરાપ્રાપ્ત સ્વરૂપનું નહિ. એમનું સઘળું નવનવા પ્રયોગના રૂપનું અને તેથી કોઈ નહિ ને કોઈ પ્રકારની વિલક્ષણતાવાળું. એમના વિષયો લ્યો, એમના વિચારો કે અભિપ્રાયો લ્યો, અને એમની શૈલી લ્યો, તો એ સઘળું સૌથી નિરાળી જાતનું, લેખકની સ્વતંત્ર મુદ્રાથી અંકિત, વિલક્ષણ. વિષયની વિલક્ષણતાનો કંઈક ખ્યાલ તો આંહીં આપેલા એમના ત્રણ નિબન્ધો પરથી પણ આવશે. ઉદાહરણ જોઈતું હોય તો એમાંથી ‘વીમો' એ નિબન્ધ લેવો. વીમા જેવા સામાન્ય સાહિત્યદૃષ્ટિને શુષ્ક લાગતા વિષય ઉપર નિબંધ લખવાનું ગુજરાતમાં રા. ઠાકોરને જ સૂઝે, અને એવા શુષ્ક લાગતા વિષયની આપણી વર્તમાન સામાજિક પરિસ્થિતિ તેમ જીવનપદ્ધતિ પરત્વે નવો પ્રકાશ ને વિચારબોધ આપે એવી પર્યેષક અને રસિક ચર્ચા કરી એમાંથી સુંદર નિબન્ધ નીપજાવી શકે તે પણ રા. ઠાકોર જ. અને વિચારની વિલક્ષણતા એ તો એમના ગદ્યનું ખાસ લક્ષણ. એમના નિબંધોનો સૌથી મોટો. ગુણ તે એમની સ્વતંત્ર દૃષ્ટિ અને વિચારપ્રેરકતા જ, રા. ઠાકોરનું કંઈ પણ નવું લખાણ હાથમાં લેતાં એમના લેખોથી પરિચિત વાચકને એક વાતની તો પૂરેપૂરી ખાતરી જ હોય છે કે એમાંથી કંઈ નહિ ને કંઈ નવું વિચારવાનું તો મળશે જ. એ નવું યથાર્થ હોય, ટકી શકે એવું હોય, સ્વીકાર્ય બને એવું હોય કે નહિ એ જુદો પ્રશ્ન, પણ વાચકને વિચારમાં નાખી દે એવું નવું એમાંથી કંઈક નીકળવાનું એ તો ચોક્કસ જ. છેવટ, એમની શૈલીની વિલક્ષણતા તો એટલી બધી સુવિદિત છે કે એ વિશે આંહીં બહુ વિસ્તારથી સમજાવવાની જરૂર નહિ રહે. એ શૈલીનું પહેલું લક્ષણ તે એની સંકુલતા. સામાન્ય વાચકને એમનું ગદ્ય ઘણીવાર દુર્બોધ લાગે છે તે આ એમની નિ:શેષતાના આગ્રહમાંથી જન્મતી અને લોકગમ્ય બનવાની કશી યે પરવા વગર પાંડિત્યના ઊંચે આસને બેસીને જ પોતાના વિષયનું નિરૂપણ કરતી અટપટી લખાવટને જ કારણે. એમની શૈલીનું બીજું લક્ષણ તે એની અર્થઘનતા. એક બાજુથી રા. ઠાકોરને જે કંઈ લખવું તે બને તેટલું મિતાક્ષર લખવાની ચીવટ હોય છે, તો બીજી બાજૂથી કોઈ પણ વિષય હાથમાં લેવો તો એનું બને તેટલું સર્વદેશીય અને સાંગોપાંગ દર્શન કરવા કરાવવાનો એમને મોહ હોય છે, એટલે પરિણામ એ આવે છે કે એમને થોડી જગામાં ઘણું કહેવું પડે છે, અને તેથી એમના નિબન્ધોમાં વિચારો જાણે ઠાંસી ઠાંસીને ભર્યા હોય એવું ઘણીવાર લાગે છે. પણ સંકુલતા અને અર્થઘનતાથી તોલદાર ભારેખમ બનેલા હોવા છતાં એમના નિબંધો અધિકારી વાચકોને આકર્ષે છે તે એમની શૈલીના ત્રીજા ગુણને લીધે. આ ગુણ તે એમની ઓજસ્વી બલિષ્ઠ ઈબારતના પડની પાછળ છુપાઈ રહેલી એક પ્રકારની હૃદયંગમ રુચિરતા. એમના નિબન્ધો જટિલ છે છતાં વાચક એક વાર એનાથી ટેવાઈ જાય અને દુર્બોધતાના કોચલાને ભેદીને અંદરના વિચારગર્ભ સુધી પહોંચી શકે એટલે એને ત્યાંથી મિષ્ટ માવાદાર સત્ત્વપૂર્ણ ખાદ્ય મળ્યા વિના રહેવાનું નહિ. રા. ઠાકોરના નિબન્ધો ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહેશે તે આ એમની સંકુલતા અને ઘનિષ્ઠતાના સખત કોચલાની પાછળ રહેલી વિલક્ષણ પ્રકારની રુચિરતાને જ લીધે. આવા વિશિષ્ટ ગુણોપેત નિબન્ધો આટલાં બધાં વર્ષોથી હજુ સામયિકોની ફાઈલોમાં જ દટાઈ રહે એ આપણી પ્રજાની વાચનરુચિ તેમ પ્રકાશનવ્યવસ્થા બન્નેનું મોટામાં મોટું કલંક ગણાવું જોઈએ. ઇચ્છીએ કે હવે એ સત્વર ગ્રંથાકારે સુલભ બને.
'કેટલાંક કાવ્યો' અને ‘વસંતોત્સવ' જેવા કાવ્યગ્રંથોના લેખક રા. ન્હાનાલાલ ‘સાહિત્યમંથન' અને ‘સંસારમંથન' જેવા નિબન્ધગ્રન્થોના પણ લેખક છે, એટલે એમની એક કૃતિ આ સંગ્રહમાં લીધેલી દેખીને તો કોઈને આશ્ચર્ય નહિ થાય, પણ એ કૃતિ એમના “ચિત્રદર્શનો'માંથી લીધી એથી ઘણાખરાને આશ્ચર્ય થયા વિના નહિ રહે. અને છતાં એ કૃતિ આ નિબંધસંગ્રહમાં કેવી સ્વાભાવિક રીતે સૌની સાથે ભળી ગઈ એ જોનારને એમાં પ્રગલ્ભતા કે વિચિત્રતા જેવું નહિ લાગે. વસ્તુતઃ ‘ચિત્રદર્શનો'માં મુકાએલી હોવા છતાં આ તેમ ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી' એ ‘ચિત્રદર્શનો' માંની બન્ને રચનાઓ ઉત્તમ પ્રકારના શુદ્ધ ચરિત્રાત્મક નિબન્ધો જ છે. એ નિબન્ધોને આજ સુધી કોઈએ ઓછેવત્તે અંશે પણ કાવ્યગુણયુક્ત માનેલ હોય તો એ ઉપરથી તો વિવેચનનું એક જૂનું તથ્ય તાજું થશે કે આપણે જેને નિબન્ધો કહીએ છીએ તે પણ એના વર્ગની ઉત્તમ કોટિની રચના હોય તો એમાં પણ ઓછાંવત્તાં કવિત્વબિન્દુઓ કેટલીક વાર હોવાનાં. કાવ્યગુણો સદા યે પદ્યદેહમાં જ પુરાએલા હોય કે સર્જનકેવળ વાર્તાનાટકમાં જ સંભવે એ મતની ભ્રામકતા જ ‘ચિત્રદર્શનો'માંથી લઈને આંહીં બેસાડેલો આ ઉત્તમ નિબન્ધ પ્રકટ કરશે. રા. ન્હાનાલાલને માટે નિબન્ધ એ મુખ્ય વિચારવાહન ન હોવા છતાં ‘મીરાબાઈ', ‘પ્રજાજીવનનો ઘસારો ને નવપલ્લવતા', ‘ગુજરાતનો કળાભંડાર' વગેરે પંડિતયુગના વિદ્વત્તા, સંગીનતા, શિષ્ટતા, ગૌરવ આદિ શૈલીગુણોથી શોભતા એમના નિબન્ધો આપણને ચેતાવે છે કે ન્હાનાલાલ કવિમાં ન્હાનાલાલ નિબન્ધકારને આપણે વીસરવાના નથી.
નિબંધકાર ગણાયા છતાં શુદ્ધ નિબન્ધકાર તરીકે પૂરતો સંતોષ નથી આપી શકતા એવા જે બેત્રણ લેખકો આ સંગ્રહમાં અમુક દૃષ્ટિથી અનિવાર્ય લાગતાં લેવા પડ્યા છે તેમાં એક તો રણજીતરામ વાવાભાઈ છે. એમના મિત્ર અને પ્રશંસકે નિખાલસ રીતે કબૂલ કર્યું છે તેમ રણજીતરામમાં નિબંધની સઘળી સામગ્રી છે, પણ એ સામગ્રીને સજીવ બનાવે એવો આત્મા કે પ્રાણ એમાં નથી. એમની પાસે માહિતી અને વિચારની કદી ખોટ હોતી નથી, એમનું વાચન પણ વિશાળ છે, ગુજરાતની એકતા અને મહત્તાને માટે એમને તીવ્ર ધગશ છે, ગ્રંથવિવેચનમાં એમની સ્વતંત્ર દૃષ્ટિ પણ છે, અને એમનો શબ્દભંડોળ પણ કંઈ દરિદ્ર નથી, છતાં એમનાં લખાણો શુદ્ધ નિબંધની કક્ષાએ જવલ્લે જ પહોંચી શકે છે. અને એનું કારણ એ કે એમની પાસે શૈલી જ નથી. પોતાની વિચાર સામગ્રીને એ ઘટમાં ઘૂંટીને કદી આત્મસાત્ કરી શકતા નથી, તેથી એમનું લખાણ ઘણીવાર તો તૂટક નોંધ કે ટાંચણ જેવું જ બની જાય છે અને નિબન્ધ નામને લાયક એવી સુઘટિતતા એમાં જવલ્લે જ નજરે પડે છે. એમના એક પુસ્તકને ‘રણજીતરામના નિબંધો' એવું નામ આપવામાં આવ્યું છે, છતાં એ બધા ખરી રીતે નિબન્ધો નહિ પણ લેખો જ છે. આ સંગ્રહમાં લીધેલો ‘ચાણક્યનંદિની' પણ એ જ વર્ગનો છે, છતાં એ આંહીં આપ્યો છે તે આપણે સૌએ અનુકરણ કરવા યોગ્ય એમાંના બે વિવેચનગુણોને લીધે. એમાંનો એક ગુણ તે નિર્ભયતા. અળખામણા બનીને પણ પોતાને જે ખરેખર લાગતું હોય તે કહેવાની જે હિંમત વિવેચકમાં જોઈએ તે આ નાનકડા લેખમાં રણજીતરામે સદા સ્મરણીય બની જાય એવી સબળ રીતે બતાવી છે. અને બીજો ગુણ તે વિવેચકની ફરજ અને જવાબદારીનું ભાન અને તેનું પાલન કરવાની તત્પરતા. આપણા સમાજમાં જે અશ્લીલ વાર્તાઓ દેખાયા કરે છે તેની બરાબર ખબર લઈ તેને દાબી દેવી એ વિવેચકનું એક પવિત્ર કર્તવ્ય છે. એ કર્તવ્ય તરફ આજ સુધીમાં બહુ ઓછા વિવેચકોનું લક્ષ ગયું છે અને એ કર્તવ્ય આટલી નીડર રીતે તો રણજીતરામ સિવાય બીજા બહુ ઓછાએ બજાવ્યું છે. એટલે શૈલીની દૃષ્ટિએ એ લેખ આ આખા સંગ્રહમાં નબળામાં નબળો હોવા છતાં વિવેચનના વિષયમાં કેટલુંક મહત્ત્વનું કર્તવ્યસૂચન કરતો હોવાથી તે ઉપયોગી લાગ્યા વિના નહિ રહે.
પંડિતયુગનો આંહીં લીધેલો છેલ્લો નિબન્ધકાર તે સ્વ. ચંદ્રશંકર પંડ્યા. વિદ્યાવિભૂષિત વિચારસમૃદ્ધિ, મધુર સંસ્કારી વાણી, અને સૌષ્ઠવલક્ષી ચોટદાર શૈલીથી શોભતા એમના સુઘટિત આકૃતિવાળા નિબંધો ગુજરાતી નિબન્ધસાહિત્યમાં એમને ઊંચું પદ અપાવે એવા છે. એમના નિબંધોની એક વિશિષ્ટતા તે એમાંની વક્તત્વની છટા છે. કેમકે ચંદ્રશંકર પંડયા કેવળ સબળ ગદ્યકાર જ નહિ પણ પ્રભાવશાળી વક્તા પણ હતા. ગુજરાતના વક્તત્વ વિશે એમનો નિબન્ધ આંહીં લીધો છે તે આ જ દૃષ્ટિએ કે જાતે વક્તા હોવાથી આ વિષયનું નિરૂપણ વિવેચન કરવાની યોગ્યતા અને અધિકાર એમના જેટલાં બીજા કોઈનાં નહિ. એમના નિબન્ધોમાં પણ એમનું વક્તત્વ અછતું નથી રહેતું. નર્મદના પૂર્વકાલના નિબન્ધો વાંચતાં જેમ આપણને એ ઊભો ઊભો હાથ વીંઝતો વીંઝતો બુલંદ અવાજથી સભા ગજાવી શ્રોતાઓને ઉશ્કેરતો દેખાય છે, તેમ ચંદ્રશંકરના નિબન્ધો વાંચતાં પણ વિદ્વત્તાભર્યા મધુર શિષ્ટ વાણીપ્રવાહથી સભાજનને મુગ્ધ કરતા ભાપણકર્તાનું સ્મરણ થયા વિના રહેતું નથી. ચંદ્રશંકરના વક્તત્વે એમના નિબંધોને લાભ તેમ ગેરલાભ બન્ને કરેલા. ગુણપક્ષે એથી એમના નિબંધોમાં જોમ અને છટા આવ્યાં, તો દોષપક્ષે પ્રાસાનુપ્રાસ કે વર્ણસગાઈના મોહમાં શબ્દચોકઠાંઓને સામસામાં ગોઠવવામાં રાચતી સભારંજની કૃત્રિમતા પણ એમાં આવી. આ કૃત્રિમતા એમની ઉત્તરાવસ્થાના દિવસોમાં ક્રમે ક્રમે વધતી પણ ગએલી, છતાં ‘સમાલોચક'ના તંત્રી તેમ અગ્રિમ લેખક તરીકે આપણા જાહેર જીવનના વિવિધ પ્રશ્નોનું શિષ્ટ કલાન્વિત નિબન્ધો દ્વારા નિરૂપણ કરી એમને આનન્દશંકર ઉત્તમલાલ વગેરેને જે સાથ આપેલો તે સદા યે સ્મરણીય રહેશે.
ગાંધીજીથી આપણા નિબંધસાહિત્યમાં અત્યારે પ્રવર્તી રહેલો નવો યુગ શરૂ થાય છે. તેથી જ ડો. આનન્દશંકર ધ્રુવ અને રા. બલવન્તરાય ઠાકોરના સમવયસ્ક હોવા છતાં એમનું સ્થાન પંડિતયુગના સઘળા નિબન્ધકારો આવી ગયા પછી આ નવા યુગને અગ્રે રાખ્યું છે. મોટે ભાગે દરેક નવો યુગ પોતાના પુરોગામી યુગ સામેના પ્રત્યાઘાત કે બંડમાંથી જ શરૂ થાય છે અને એ પ્રત્યાઘાત કે બંડમાંથી જ એનાં વ્યાવર્તક લક્ષણો ઉદ્ભવે છે. ગુજરાતના નિબંધસાહિત્યમાં પ્રવર્તમાન યુગનો જે લક્ષણદેહ બંધાયો છે તે પણ એ જ રીતે. આજનો યુગ મુખ્ય મુખ્ય બાબતોમાં આગલા પંડિતયુગનો વિરોધી જ છે. આ યુગે પુરોગામી યુગ જે સૌથી પહેલો વિરોધ ઉઠાવ્યો તે એના પાંડિત્યની સામે. પાંડિત્ય એ આગલા યુગના નિબંધકારોનું પ્રધાન લક્ષણ હતું. એમાં જ વસ્તુઓને ગૌણ ને તુચ્છ ગણતા. આજે એ પાંડિત્યનો કોઈને મોહ નથી એટલું જ નહિ પણ રસનો પટ આપ્યા વગરનું કોરું પાંડિત્ય આજે કોઈ ને રૂચતું પણ નથી. આજના નિબંધકારોનું મુખ્ય ધ્યેય વિદ્વત્તા નહિ પણ રસવત્તા કે રંજકતા અને ઝગઝગાટ છે. ઓગસ્ટાઈન બિરેલ કહે છે રસ આપવો, આનન્દાનુભવ કરાવવો એ સાહિત્યનો પરમ ધર્મ છે. આજનો નિબંધકાર આ બિરેલપંથી લેખક છે. એ લખે છે તે આગલા યુગના લેખકની પેઠે જ્ઞાનવિતરણ કે જીવનસંસ્કરણના ઉદેશથી નહિ, પણ રસતર્પણ અને મનોરંજનના ઉદેશથી. આનો અર્થ એમ નહિ કે આજના સઘળા નિબંધકારો જ્ઞાનવિમુખ કે સંસ્કારશત્રુ બની ગયા છે. જ્ઞાન તો એમને પણ જોઈએ છે અને એમના નિબન્ધોમાં પણ છે, પણ જ્ઞાનના અનર્ગળ મહિમા અને નિરતિશય પ્રેમને લીધે આગલા યુગના લેખકો જે હદ બહારની ગંભીરતા ધારણ કરીને બેસતા હતા તે હવે કોઈને સ્વીકાર્ય નથી રહી. ભારેખમ બન્યા વગર નિબન્ધ લખાય જ નહિ એમ આગલા જમાનાની પેઠે આજે કોઈ માનતું નથી. આજનું સૂત્ર તો એ છે કે જ્ઞાન ખરું પણ ગંભીરતા બને તેટલી ઓછી. પુરોગામી યુગના નિબંધલેખકો જાણે અંગરખું, ખેસ, ને પાઘડી એમ પૂર્ણ પોશાક ધારણ કરીને સભાગૃહમાં ઠાવકા ને ગંભીર બનીને પોતાના વિચારો સભ્ય શિષ્ટ રીતે દર્શાવતા હોય એવા એ વખતના નિબન્ધો લાગે છે, ત્યારે પ્રવર્તમાન યુગના ઘણાખરા નિબન્ધોમાં લેખકો જાણે અંગરખું, ખેસ, ને પાઘડી ઉતારી નાખી ઘરના આંગણામાં બેસી નિરાંતે લહેરથી વાતો કરતા હોય એવા લાગે છે. વિષયો એવા ને એવા હોય, જ્ઞાની દૃષ્ટિ અને વિચારનો પ્રેમ પણ એનો એ હોય, પણ એ રજૂ કરવાની પદ્ધતિ ફરે ને જે પરિણામ આવે તે આજના નિબન્ધોમાં જોઈ શકાય છે. એટલે કે આજના યુગમાં ગંભીર નિબન્ધ ગંભીર રહીને પણ અગંભીર નિબધિકાની બને તેટલો નિકટ આવવા લાગ્યો છે. આજે સૌની દ્રષ્ટિ લખાણ બને તેટલું હળવું અને રસાળ બનાવવા તરફ વળી છે. આથી આગલા યુગના નિબન્ધોમાં જે શૈલીની સંકુલતા હતી, જે કેશવિચ્છેદની હદ સુધીની અમર્યાદિત ઝીણવટ હતી, અને નિઃશેષતા અને સંપૂર્ણતાના આગ્રહને લીધે જે દીર્ઘસૂત્રીપણું હતું તે બધું ચાલ્યું ગયું છે. પરિણામે પ્રવર્તમાન યુગના નિબંધોમાં સંગીનતા અને ઊંડાણ ઘટેલ છે, પણ સાથે સરળતા અને રસાળતા વધેલ છે. નિબંધના માપમાં પહેલાં વક્તવ્યને શિથિલ કરી નાખતો જે પથરાટ હતો તેને સ્થાને હવે સંક્ષિપ્તતા અને સચોટતા આવી છે. એટલે પ્રવર્તમાન યુગનું સાહિત્ય જોશો તો એના નિબન્ધો જ નહિ પણ નિબંધના ઘટક અવયવરૂપ વાક્યો પણ ટૂંકાં ને અણિયાળાં બનેલાં જણાશે. આ યુગના નિબંધોની સંક્ષિપ્તતાનો સ્થૂલ પુરાવો જોઈતો હોય તો થોડું ગણિતજ્ઞાન અજમાવવા જેવું છે. જુઓ, આ સંગ્રહમાં પંડિતયુગના એકંદર સત્તાવીસ નિબન્ધોએ એકસો નેવું પાનાં લીધાં છે, ત્યારે પ્રવર્તમાન યુગના અઠ્ઠાવીસ નિબન્ધોએ એકસો ને તેત્રીસ જ પાનાં લીધાં છે. લેખકોની સંખ્યા બન્ને યુગમાં એકસરખી એટલે કે દસની છે, અને નિબન્ધોની સંખ્યા પંડિતયુગ કરતાં પ્રવર્તમાન યુગમાં એક વિશેષતા છે, છતાં આટલાં ઓછાં પાનાંમાં એ સમાઈ ગયો એનું કારણ એના નિબંધોની સંક્ષિપ્તતા છે. પંડિતયુગમાં મણિલાલ દ્વિવેદીને બાદ કરો તો પાંચ છ પાનાંના નાના નિબન્ધો જવલ્લે જ મળે છે, ત્યારે પ્રવર્તમાન યુગમાં પાંચ છ પાનાંથી લાંબા નિબન્ધો વિરલ બનવા લાગ્યા છે. પ્રવર્તમાન યુગના નિબન્ધોમાં બીજું જે પરિવર્તન થયું તે ભાષાની બાબતમાં. પંડિતયુગના લેખકો તાજા જ સંસ્કૃત સાહિત્યના સંપર્કમાં આવેલા તેથી તેમ વળી આપણી ભાષા એ જમાનામાં પૂર્ણાર્થવાચક ચોક્કસ શબ્દોની બાબતમાં કંઈક દરિદ્ર પણ હતી તેથી એ જમાનાના લેખકોને સંસ્કૃત શબ્દો વાપરવાનો ખૂબ મોહ હતો. એ મોહે આગળ જતાં એવું વિકૃત રૂપ લીધેલું કે અમુક વિચાર દર્શાવવાને જોઈએ તેવા સૂચક શબ્દ તળપદી ભાષામાં હોય તો પણ તેનો તિરસ્કાર કરીને શિષ્ટતાના મોહમાં લેખકો સંસ્કૃત શબ્દો ભણી વળતા. આવી સંસ્કૃતમયતાનો મોહ નવા યુગમાં હવે ચાલ્યો ગયો છે. ભાષા એ આખરે તો વિચારનું સાધન માત્ર છે, અને તળપદી ઘરગતુ ભાષામાં પણ વિચારવહનનું સામર્થ્ય સંસ્કૃતના જેટલું જ હોઈ શકે એટલું જ નહિ પણ કેટલીક વાર તો તળપદી લોકભાષાની તોલે એ આવી પણ ન શકે એ વાત આ યુગના નિબન્ધલેખકો હવે બરાબર સમજી ગયા છે, અને તેથી એમના નિબંધોમાં હવે લોકભાષાના પણ શબ્દો, રૂઢિપ્રયોગો, ને ઉક્તિપ્રકારો આદરપૂર્વક સ્થાન મેળવી શકે છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે આજના નિબંધલેખકો સંસ્કૃત ભાષાના શબ્દોથી ભડકીને ભાગે છે. સંસ્કૃતની પણ એમને કોઈ રીતે સૂગ નથી. જરૂર પડે ત્યારે એની પાસેથી પણ એ જોઇએ તેટલા શબ્દો છૂટથી લે છે, પણ સાહિત્યની ભાષા તે તો સંસ્કૃત જ, લખાણને શિષ્ટતાની છાપ આપવી હોય અને એમાં ગૌરવ આણવું હોય તો તે સંસ્કૃત શબ્દોના વિશેષ વપરાશથી જ આવે, એવી ભૂલભરેલી દૃષ્ટિ આજે કોઈની નથી.
આટલું આ પ્રર્તમાન યુગનાં સર્વસામાન્ય લક્ષણો વિશે. પણ આજના સઘળા નિબંધલેખકોને એક જ સર્વસામાન્ય વ્યાપ્તિના સૂત્રમાં પરોવી શકાય એમ નથી. કારણકે અત્યારે આપણે ત્યાં સઘળા લેખકો કોઈ એક જ દૃષ્ટિ કે ભાવનાથી પ્રેરાઈને કામ કરતા નથી, પણ પરસ્પર સર્વથા ભિન્ન ગણાય એવા ઓછામાં ઓછા બે વિચારપ્રવાહો, જીવનભાવનાઓ, અને સાહિત્યદૃષ્ટિઓ આપણે ત્યાં અત્યારે પ્રવર્તી રહેલ છે. એટલે આજના નિબન્ધકારોને કોઈ એક જ વર્ગમાં સમાવી નહિ શકાય, પણ તેમને ઓછામાં ઓછા બે સંપ્રદાયો કે મંડળોમાં વહેંચી નાખવા પડશે. આમાંથી એક સંપ્રદાય તે ગાંધીજીનો તો બીજો મુનશીનો. આ બન્ને સંપ્રદાયોને સામસામા રાખીને એમનાં લક્ષણો વિચારીએ તો ગાંધીસંપ્રદાયનું પ્રથમ લક્ષણ પૂર્વપૂજા છે, તો મુનશીસંપ્રદાયનું પશ્ચિમપૂજા છે. એક રીતે કહીએ તો ગાંધી સંપ્રદાય કેટલેક અંશે આગલા સંરક્ષકયુગની નવી સુધારેલી આવૃત્તિ જેવો છે, તો મુનશીસંપ્રદાય કેટલેક અંશે નર્મદયુગની નવી સુધારેલી આવૃત્તિ જેવો છે. જીવનના એકેએક ક્ષેત્રમાં પ્રાચીનતા, રાષ્ટ્રીયતા, સ્વકીયતા એ ગાંધીસંપ્રદાયનું ધ્યેય છે, તો જીવનના એકેએક ક્ષેત્રમાં નવીનતા, અર્વાચીનતા, અદ્યતનતા એ મુનશીસંપ્રદાયનુ ધ્યેય છે. ગાંધીસંપ્રદાયની પ્રેરણાનું ઉદ્ગમસ્થાન મુખ્યત્વે અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, ગાંધીસંપ્રદાયના રા. કાલેલકર ને રા. પાઠક જેવા લેખકોનું આધારસ્થાન મોટે ભાગે સંસ્કૃત સાહિત્ય છે, ત્યારે મુનશી સંપ્રદાયના રા. મુનશી ને રા. વિજયરાય જેવાનું આધારસ્થાન મોટે ભાગે અંગ્રેજી સાહિત્ય છે. તે એટલે સુધી કે રા.કાલેલકરના કેટલાક નિબંધો જોશો તો સંસ્કૃત સાહિત્યના સંસ્કારથી એનું વાતાવરણ પરિષ્કૃત દેખાશે, તો સામા પક્ષમાં રા. મુનશી અને રા. વિજયરાયના નિબન્ધોમાં શબ્દો, રૂઢિપ્રયોગો, ઉક્તિપ્રકારો, ને વાક્યરચના સુધીનાં સઘળાં અંગોમાં અંગ્રેજી ભાષાશૈલીનું આક્રમણ પૂરજોરથી થએલું જોઈ શકાશે. અને બન્ને સંપ્રદાયો વચ્ચેનું બીજું વ્યાવર્તક તત્ત્વ લઈએ તો સંયમ એ ગાંધીસંપ્રદાયનું લક્ષણ છે, ત્યારે ઉલ્લાસ એ મુનશીસંપ્રદાયનું લક્ષણ છે. ગાંધીસંપ્રદાય આધ્યાત્મિક વિકાસને જ જીવનનું સર્વસ્વ માને છે, ત્યારે મુનશીસંપ્રદાય ઐહિક વિલાસને જ જીવનનું સર્વસ્વ માને છે. આથી પાપભીરુતા, નીતિપરાયણતા, ને વિશુદ્ધિપ્રેમ એ ગાંધીસંપ્રદાયના નિબન્ધોની વિશિષ્ટતા છે, તો અંકુશભીરુતા, સુખપરાયણતા, ને વિલાસપ્રેમ એ મુનશીસંપ્રદાયની વિશિષ્ટતા છે. એક જ શબ્દમાં કહીએ તો ગાંધીસંપ્રદાય સત્ત્વગુણપ્રધાન છે, તો મુનશીસંપ્રદાય રજોગુણ પ્રધાન છે. એ એમાંથી જ ઉભય સંપ્રદાયનું ત્રીજું વ્યાવર્તક તત્ત્વ નીકળે છે અને તે શૈલીના વિષયમાં. ગાંધીસંપ્રદાયની શૈલી એટલે મુખ્યત્વે સાદાઈ, તો મુનશીસંપ્રદાયની શૈલી એટલે મુખ્યત્વે ભભક. ગાંધીસંપ્રદાયના લેખકો સાહિત્યમાં પણ યતિઓ છે, એટલે ભાષાશૈલીમાં પણ ખૂબ આત્મનિગ્રહ રાખી વાણીની સાદાઈ અને કરકસરને માટે મથ્યા કરે છે, ત્યારે મુનશીસંપ્રદાયના લેખકો સાહિત્યના સોહાગીઓ છે, એટલે પોતાની વાડ્મય શક્તિઓને પૂર બહારમાં મહાલવા દઈ લખાણને બને તેટલું ચમકદાર, ધમકભર્યું, ને મોહક બનાવવા ઉપર એનું સઘળું ધ્યાન લાગેલું હોય છે. પરિણામે ગાંધીશૈલીનો અતિરેક થાય છે ત્યારે એ કેવળ વિચાર કે તર્કની શુષ્કતામાં સરી પડે છે, ત્યારે મુનશીશૈલીનો અતિરેક થાય છે ત્યારે એ અંતસ્તત્ત્વની કશી સસારતા વગરની કેવળ બાહ્યાંગની ચમકમાં સરી પડે છે. એટલે ગાંધીશૈલી એના નબળામાં નબળા સ્વરૂપમાં મરીમસાલા વગરના બાફેલા અનાજ જેવી હોય છે, ત્યારે મુનશીશૈલી એના નબળામાં નબળા સ્વરૂપમાં કશા યે ખાદ્ય વગરના એકલા મરીમસાલાના સંભાર જેવી હોય છે.
આટલા સ્વરૂપનિર્દેશ પછી પ્રત્યેક નિબન્ધકારના બહુ લાંબા વિવેચનની જરૂર નહિં રહે એટલે આ યુગના લેખકોનું હવે બને તેટલી ત્વરાથી અવલોકન કરી જઈએ. નવો યુગ પ્રવર્તાવનારો લેખક પણ પ્રારંભ તો મોટે ભાગે જૂના યુગની પરંપરાના અનુસરણથી જ કરે છે એ ગાંધીના ‘ગોખલેજીનો જીવનસંદેશ' એ નિબન્ધ ઉપરથી જોઈ શકાશે. એનાં શરૂઆતનાં અવતરણો જ કહી આપશે કે આ શૈલી આગલા પંડિતયુગની છે. એ નિબન્ધ એક બીજા રીતે પણ મહત્ત્વનો છે. આપણે ત્યાં એક વર્ગ એમ માનનારો છે કે ગાંધીજીમાં કલાદૃષ્ટિ કે સાહિત્યગુણ જ નથી. આ નિબન્ધ એ વર્ગને સચોટ જવાબ આપે એવો છે. અલ્પ પૃષ્ઠોની આછી રેખાઓથી જ આટલું સબળ ચિત્ર દોર્યું હોય એવાં ઉદાહરણો ગુજરાતી સાહિત્યમાં ગણ્યાંગાંઠ્યાં જ મળશે. અને આ ચિત્રણશક્તિ ગાંધીજીમાં વિરલ પ્રસંગે જ પ્રગટ થઈ છે એવું પણ નથી. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' અને ‘આત્મકથા' એ બન્ને પુસ્તકોનું લક્ષપૂર્વક અવલોકન કરનાર તરત જ જોઈ શકશે કે જીવંત રેખાચિત્રો દોરવાનું કૌશલ ગાંધીજીમાં જન્મસિદ્ધ છે, એટલે ગાંધીજી કલાકાર કે સાહિત્યકાર નથી એ વિધાન એમનો લેખસમૂહ સૂક્ષ્મ રીતે તપાસનાર આગળ પળવાર પણ ટકી શકે એમ નથી. હકીકત એ છે કે એમના ગુરુ ટોલ્સ્ટોયે જેમ પોતાને નવી જીવનદૃષ્ટિ પ્રાપ્ત થયા પછી કલાનો દુરુપયોગ થતો જોઈને નવલકથાલેખન તિરસ્કારપૂર્વક તજી દીધેલું અને એ રીતે પોતાની ક્લાદૃષ્ટિ અને સર્જનશક્તિને એમણે ડામીને દાબી દીધેલી, તેમ ગાંધીજીની અંદર રહેલા પતિએ પણ એમની અંદર રહેલા કલાકારને ડામીને દાબી દીધો છે. પરિણામે એમના ‘નવજીવન' તેમ ‘હરિજનબંધુ'માંના નિબંધોમાં એમના યતિસ્વરૂપે એમના લખાણને સર્વથા હાનિ જ કરી છે એમ તો ભાગ્યે જ કહી શકાશે. એને લીધે એમના નિબંધોમાં સાંપ્રદાયિક પ્રકારની સાહિત્યશોભા જોવામાં નહિ આવે, અને તેથી એમના કેટલાક નિબન્ધો સાવ લૂખા નીરસ જ લાગશે, છતાં સામી બાજુએ એમના આ વ્યતિસ્વરૂપે એમની માનવતાનો જે અસાધારણ વિકાસ કર્યો છે અને જીવનદૃષ્ટિએ વર્તમાન જગતનો પુરુષોત્તમ ગણાય એવી જે ચારિત્ર્યસમૃદ્ધિ એમનામાં જમા કરી છે તેનું એમના નિબન્ધોમાં સ્પષ્ટ સુરેખ પ્રતિબિંબ પડતું હોવાથી એમાં ઘણીવાર નરી સરળતા સિવાય બીજું કશું જ નહિ હોવા છતાં આપણને એ હૃદયંગમ લાગ્યા વિના રહેતા નથી. આ રીતે સાહિત્યસૌન્દર્ય આણવાનો જરા યે પ્રયત્ન ન હોય તો પણ લેખકના શીલમાં જો ઉદાત્તતા હોય તો એના લખાણમાં પણ એ આવ્યા વિના રહેતી નથી એનું ગાંધીજીના નિબન્ધો સ્મરણીય ઉદાહરણ છે. એનો પ્રત્યક્ષ પુરાવો જોઇતો હોય તો આંહીં આપેલો ‘પરીક્ષા' નામે નિબંધ વાંચો. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં પ્રજાને અહિંસાયુદ્ધને માટે પ્રેરવાના ઉદ્દેશથી એ લખાએલો, એટલે ખરી રીતે એ કેવળ પ્રાસંગિક કહેવાય. છતાં એમાં ગાંધીજીના અહિંસા, સત્ય, નિર્ભયતા આદિ ચારિત્ર્યગુણોએ સાદી છતાં કેવી બળવાન, ઉપરથી પ્રાસાનુપ્રાસમાં રાચતી લાગે એવી રમતિયાળ છતાં વસ્તુતઃ કેવી ધીરગંભીર, પ્રાણવાન, ને પ્રેરક વાણી સરજી છે તેનું એ આપણા નિબંધસાહિત્યમાં સદાને માટે સંઘરી રાખવા જેવું દૃષ્ટાંત છે. એમની ભાષા અત્યંત સંક્ષિપ્ત છે. ફક્ત બબ્બે ત્રણ ત્રણ શબ્દોનાં બનેલાં હોય એવાં વાક્યો ગુજરાતી સાહિત્યમાં થોકબંધ મળે એવું કોઈ ઠેકાણું હોય તો તે ગાંધીજીના નિબન્ધો, ને ગ્રન્થો જ છે. શૈલી પણ એટલી જ સાદી છે. પણ એ સાદાઈની પાછળ સદા યે એક મહાન હૃદયના પ્રબળ ભાવો ધબકી રહેલા હોય છે, અને તેથી વાંચનારના હૃદયને એ સોંસરું વીંધી નાખે છે. ગુજરાતી નિબન્ધસાહિત્યમાં ગાંધીજીનું સ્થાન સુનિશ્ચિત છે તે પણ એમની આ ઉદાત્ત હૃદયભાવોને મૂર્ત કરતી સાદી છતાં સચોટ શૈલીને જ લીધે.
ગાંધીજીને આપણે વર્તમાન યુગના મુખ્ય પ્રવર્તક ગણ્યા તે એમણે જીવનમાં અને જીવનના પ્રતિબિંબરૂપે સમગ્ર સાહિત્યમાં જે દૃષ્ટિપરિવર્તન કર્યું છે તેને લીધે, પણ એકલું નિબંધસાહિત્ય લઈએ તો એમાં શૈલીપરિવર્તન કરનાર લેખક તે રા.અતિસુખશંકર ત્રિવેદી. એ દૃષ્ટિએ એમની નિવૃત્તિવિનોદ' નામની નાનકડી ચોપડી આપણા નિબંધસાહિત્યમાં અત્યંત મૂલ્યવાન ગણવાની છે. પંડિતયુગના નિબન્ધ સાહિત્યમાં જે સ્થાન ‘બાલવિલાસ'નું છે એ જ સ્થાન પ્રવર્તમાન યુગના નિબંધસાહિત્યમાં આ ‘નિવૃત્તિવિનોદ'નું છે. ગંભીર નિબંધમાં ઊર્મિએ રસેલી રસાળ પ્રવાહી શૈલી ગુજરાતીમાં સૌથી પહેલી દાખલ કરી તે ‘નિવૃત્તિવિનોદે' જ. ગુજરાતી નિબંધને સભાગૃહની શિષ્ટતાભરી ભારેખમ ઠાવકાઈમાંથી દીવાનખાના કે ઘરઆંગણાની નિખાલસતા ને નૈસર્ગિકતા ભણી દોર્યો તે એણે જ. એ પુસ્તકમાંની રચનાઓને પ્રથમ દૃષ્ટિએ કેટલાક નિબન્ધિકાના વર્ગમાં મૂકવા લલચાશે, અને એમાં. કેટલીક તો નિબંધિકા ગણાય એવી છે પણ ખરી, છતાં એમાં ‘સાહિત્યમાં રસ' ‘સદાચારનું બંધારણ' વગેરે કેટલાક શુદ્ધ ગંભીર નિબન્ધો પણ છે, તેમ યદૃચ્છાવિહારી નિબંધિકાનાં રસળાટ ઠેકંઠેકા, વિનોદ, કટાક્ષ, અવળવાણી વગેરે કેટલાંક મુખ્ય તત્ત્વોનો એમાં અભાવ છે અને એને સ્થાને સઘળી રચનાઓમાં વિષયની ગંભીરતા ને નિરૂપણની વ્યવસ્થિતતા અને એકનિષ્ઠતા જેવાં ગંભીર નિબંધનાં લક્ષણો જોવામાં આવે છે, એટલે એને રીતસરની નિબધિકા કરતાં ઊર્મિપ્રધાન નિબંધના વર્ગમાં મૂકવી એ જ ઉચિત લાગે છે. આંહીં એમાંથી ત્રણ નિબન્ધો લીધા છે તે આ દૃષ્ટિએ જ. પુસ્તક ભલે ને નાનું હોય, છતાં જો અભિનવ શૈલીથી અંકિત હોય તો એ એક જ એના રચનારને સાહિત્યમાં સ્થાયી પદ અપાવવાને પૂરતું છે એ નિયમનું આ ‘નિવૃત્તિવિનોદ' સદા યાદગાર રહે એવું દૃષ્ટાંત છે.
ઉપર આપણે વર્તમાન યુગના મુખ્ય બે સંપ્રદાયો ગણાવ્યા : એક સત્ત્વગુણી અને બીજો રજોગુણી. આ બીજા રજોગુણી સંપ્રદાયના અગ્રણી તે રા. કનૈયાલાલ મુનશી. એ સંપ્રદાયનું સ્વરૂપ આપણે એ સ્થળે વીગતવાર જોઈ ગયા છીએ, એટલે એના અગ્રણીના સાહિત્યસ્વરૂપ વિશે બહુ વિસ્તાર કરવાની જરૂર નહિ રહે.
રા. મુનશી મુખ્યત્વે નવલકથાકાર છે, છતાં નિબન્ધસાહિત્યમાં એમણે આપેલો ફાળો છેક અલ્પ નથી. એમના નિબંધગ્રંથો મુખ્ય બે : (૧) ‘કેટલાક લેખો' અને (૨) ‘આદિવચનો'. આમાંથી ‘કેટલાક લેખો'માં તો શુદ્ધ નિબન્ધો જ છે, અને ‘આદિવચનો'ના લેખો દેખાવે જોકે વ્યાખ્યાનો છે, છતાં એમાંનો પ્રાસંગિક પ્રારંભભાગ છોડી દઈએ તો તે પણ તત્ત્વતઃ શુદ્ધ દીર્ઘ નિબન્ધો જ છે. વિચારોની યથાર્થતા કે વક્તવ્યની વિશ્વસનીયતા બાજુ પર રાખી કેવલ નિરૂપણકૌશલ અને શૈલીસામથ્ર્યનો જ વિચાર કરીએ તો ‘કેટલાક લેખો' કરતાં ‘આદિવચનો'માંના એમના નિબન્ધો ચડિયાતા માલૂમ પડશે. ‘કેટલાક લેખો'માંના કેટલાક લેખો તો એમના સાહિત્યજીવનના છેક પ્રારંભકાળના-અંગ્રેજી છોડીને ગુજરાતી નવું નવું લખવા માંડયા એ સમયના છે, અને તેથી એ અવસ્થાની અનિવાર્ય કચાશને લીધે એ નિર્બળ સત્ત્વહીન લાગે છે. છતાં એમાંનો એક નિબન્ધપ્રકાર એમને ગુજરાતી નિબંધસાહિત્યમાં ઉચ્ચાસને બેસાડે એવો છે ખરો : ‘આ પ્રકાર તે ચરિત્રાત્મક નિબન્ધનો. ‘કેટલાક લેખો'માંના કેટલાક ચરિત્રનિબન્ધોની સાથે બેસી શકે એવા છે, એટલે આંહીં એમના નિબન્ધો લીધા છે. તેમાં ચરિત્રાત્મક નિબન્ધોનું જાણીજોઈને પ્રાધાન્ય રાખ્યું છે. રા. મુનશીની શૈલી ભૂપણ તેમ દૂપણ બન્ને બાબતોમાં કેટલેક અંશે મેકોલેશૈલીનું સ્મરણ કરાવે એવી છે. અલબત્ત, એમાં મેકોલેના જેવી પ્રૌઢ કે દીર્ઘ વાક્યાવલિ નથી, પણ એમાં જે તેજસ્વિતા છે, જે જોમ છે, જે છટા છે, જે સચોટતા છે, અને જે ભભક છે એ મેકોલેના જેવાં જ છે. અને બીજી બાજૂથી દોપપક્ષે એમાં જે પક્ષિલતા છે, પૂરતા અન્વેપણ વગર નિર્ણયો બાંધી લેવાની ઉતાવળ છે, એકપક્ષી દાખલા દલીલોથી પોતાનાં મંતવ્યોનું સમર્થન કરવાનો જે આગ્રહ અને ચાલાકી છે, એ બધામાં પણ મેકોલેનું સ્મરણ થયા વિના નહિ રહે.
સામાન્ય વાચકોમાંથી આજે કોઈક જ મટુભાઈ કાંટાવાળાને નિબંધકાર તરીકે પિછાનતું હશે, છતાં જેમણે એમનું ‘સાહિત્ય' માસિક નિયમિત વાંચેલ હશે એમને સ્મરણ હશે કે એના દરેક અંકમાં એક એક તંત્રીલેખ મૂકવાનો એમનો સામાન્ય રિવાજ હતો, અને એવી રીતે લખાએલા લેખોમાંથી સારા ગણાય એવા નિબન્ધોની સંખ્યા છેક નાની નથી. સાદી ઘરગતુ ભાષામાં પણ લેખકમાં વ્યક્તિત્વ, કૌશલ, કલાદૃષ્ટિ, કે ઊર્મિ હોય તો સારા નિબન્ધો રચી શકાય છે એ સિદ્ધાંતનું એમના ‘બા' જેવા કેટલાક નિબન્ધો સારું દૃષ્ટાન્ત પૂરું પાડે છે.
પ્રવર્તમાન યુગનો સર્વોત્તમ અને આખા ગુજરાતી નિબંધસાહિત્યના ઉત્તમ લેખકોમાંનો એક નિબન્ધકાર તે રા. કાલેલકર, નિબન્ધોની સંખ્યા લ્યો, એના વિષયો અને પ્રકારની વિવિધતા લ્યો, એની શૈલીની સુન્દરતા લ્યો, એના વિચારોની સમૃદ્ધિ લ્યો, કે એની પાછળની જીવનદૃષ્ટિ અથવા ભાવનાની ઉદાત્તતા લ્યો-નિબંધનાં આ સર્વ અંગો છૂટાં લ્યો કે સામટાં સમુદાયમાં લ્યો, પણ એ બધી બાબતોમાં રા. કાલેલકર આ યુગના તો ઉત્તમ નિબન્ધકાર છે જ, પણ એક મણિલાલ નભુભાઈને બાદ કરીએ તો આપણા સમસ્ત નિબંધસાહિત્યમાં પણ એમની તોલે આવે એવો બીજો કોઈ નિબન્ધકાર નહિ મળે. એમણે વર્ણન, કથન, વિચારણા એમ સર્વ પ્રકારના નિબન્ધો લખ્યા છે, અને એ સર્વ પ્રકારમાં એમની શક્તિઓ પૂર બહારમાં ખીલી નીકળી છે. વર્ણનાત્મક નિબન્ધો એમના જેટલી સંખ્યામાં અને એમના જેટલી રસજમાવટ કરીને આપણે ત્યાં બીજા કોઈએ લખ્યા નથી. કથનાત્મક નિબંધોમાં પણ એમના ચરિત્રકીર્તન વિભાગના નિબન્ધો આપણા ઉત્તમ ચરિત્રનિબન્ધોના વર્ગમાં દીપી ઊઠે એવા છે. અને એમના વિચારપરાયણ નિબંધોએ તો એમને ગુજરાતના અગ્રગણ્ય ચિન્તકોમાં સ્થાન અપાવ્યું છે. એમની આ અસાધારણ સિદ્ધિની પાછળ અનેક તત્ત્વો રહેલાં છે. એમાંનું પ્રથમ તત્ત્વ તે એમની અનેક વિદ્યાવિશારદતા અથવા વિશારદતા સઘળે પ્રસંગે યથાર્થ શબ્દ ન લાગે તો રસિકતા. કુદરત અને કલા, ધર્મ અને તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને પુરાણ, સાહિત્ય અને શાસ્ત્ર, ભૂગોળ અને ખગોળ એમ અનેક વિષયોમાં એમને જીવંત રસ છે, અને એમાંના ઘણા વિષયોનું જ્ઞાન એમને તેના પારંગત ગણીએ એવું તો નહિ છતાં ખરેખર વિશાળ છે. એટલે વિષયની વિવિધતામાં આખા ગુજરાતી નિબંધસાહિત્યમાં કોઈ એમને પહોંચી શકે એમ નથી. બીજું તત્ત્વ તે એમની સાહિત્યરસિકતા અને વિશેષે કરીને સંસ્કૃત સાહિત્યનું એમનું પરિશીલન. એમના નિબંધો વાંચો એટલે તમને કેવળ શબ્દોમાં જ નહિ પણ અલંકારો, ઉદાહરણો, વિચારો, અવતરણો એ સઘળામાં સંસ્કૃત સાહિત્ય સાથેનો એમનો સદા ય તાજો લાગે એવો ગાઢ સંપર્ક ડગલે ડગલે દેખાયા વગર નહિ રહે. એમને કોઈ પણ વિષય ચર્ચવો હોય તો તરત જ હાજર હોય એવી સધોપલબ્ધ વિચારસામગ્રી આપી તે જેમ એમની અનેક વિદ્યાવિશારદતાએ, તેમ એમને લાલિત્યભરી પ્રસન્ન મધુર શૈલી આપી તે એમની આ સંસ્કૃત સાહિત્યની નિપુણતાએ. એમના નિબન્ધોને આકર્ષક બનાવનારું ત્રીજું તત્ત્વ તે એમની અનુભવસમૃદ્ધિ. રા. કાલેલકર કેવળ પુસ્તકપંડિત નથી, પણ હિન્દના અનેક ભાગોમાં સારી પેઠે રખડેલા જબરા પ્રવાસી છે. અને એમના એ બહોળા પ્રવાસે એમને અનુભવપંડિત બનાવી એમની દૃષ્ટિને ખૂબ વિશાળ કરી છે. એમના નિબન્ધો આપણને આકર્ષે છે તે જેમ એમની વિદ્વત્તાને લીધે તેમ સાથે સાથે એમના આ પ્રવાસસંચિત વિશિષ્ટ અનુભવભંડારને પણ લીધે. એમના નિબન્ધોનું ચોથું આકર્ષક તત્ત્વ તે એમની ચિન્તનશીલતા. દરેક યુગને પોતપોતાના નવા નવા પ્રશ્નોનાં નિરાકરણ કરવાનાં હોય છે, એટલે દરેક યુગને પોતપોતાનો સ્મૃતિકાર જોઈએ છે. રા. કાલેલકર એને ‘જીવનકલાધર', ‘જીવનશાસ્ત્રી', ‘જીવનઋષિ' વગેરે નામો આપે છે, અને એવા જીવન કલાધર બનવું એ જ સાહિત્યકારનું મુખ્ય કર્તવ્ય છે એમ માને છે. સાહિત્યકારના કર્તવ્યની એમણે બાંધેલી આ મર્યાદા બરાબર છે કે કેમ એ જુદી વાત, પણ સાહિત્યસેવામાં એમનો આદર્શ તો એ જ રહેલો છે એ ચોક્કસ છે. એટલે એ વર્તમાન જીવનના વિવિધ પ્રશ્નોનું ચિન્તન કરી એના પર પોતાની વિચારણાનો પ્રકાશ સતત રીતે ફેંક્યા કરે છે, અને તેથી જ એમના નિબંધો આપણા વાચકવર્ગમાં આટલા બધા આદરપાત્ર બન્યા છે. આપણે ત્યાં વર્તમાન જીવનનાં મુખ્ય સર્વ અંગોનો અભિનિવેશપૂર્વક વિચાર કરનાર અને તેનો સૌષ્ઠવપૂર્ણ નિબન્ધો દ્વારા પ્રચાર કરનાર આવો બીજો કોઈ લેખક મણિલાલ નભુભાઈ પછી થયો નથી.
એ પછી આવે છે ગુજરાતના બે પ્રતિષ્ઠિત વિવેચકો. એમાં રા. વિજયરાય વયે નાના છતાં એમને રામનારાયણ પાઠકની પૂર્વે મૂક્યા છે તે સકારણ અને વિચારપૂર્વક. કેમકે વરસમાં પાછળ છતાં રા. વિજયરાય પ્રવૃત્તિમાં રા. રામનારાયણ કરતાં દરેક રીતે આગળ છે. એમનું લેખકજીવન, તંત્રીજીવન, અને વિવેચનકાર્ય એ સઘળું રા. રામનારાયણ કરતાં ચોક્કસ પહેલું શરૂ થએલું. એટલે ગુજરાતી વિવેચનનો કોઈ ઇતિહાસ લખે તો તેમાં કાલક્રમે પહેલા રા, વિજયરાય આવે અને પછી રા. પાઠક. અને રા. વિજયરાયને પડતા મૂકીને કોઈ રા. પાઠકને એકલાને જ એ ઇતિહાસમાં સ્થાન આપે તો તે ખુલ્લેખુલ્લા પક્ષપાતનું જ પરિણામ ગણાય, રા. વિજયરાય એટલે એમનો જ શબ્દ વાપરીએ તો મુખ્યત્વે સાક્ષરી પત્રકાર (Literary journalist), એટલે એમના નિબન્ધોમાં બે વસ્તુઓ નજરે પડશે : (૧) સાક્ષરોચિત વિદ્વત્તા, અભ્યાસ, અને શિષ્ટતા, ને (૨) પત્રકારોચિત યુયુત્સા, પ્રહારશક્તિ, તીખાશ, અને ચમક. એમણે ‘કૌમુદી' ત્રૈમાસિક શરૂ કર્યું ત્યારે એમનાં લખાણોમાં કેટલીક વાર પત્રકારત્વનું પાસું પ્રાધાન્ય ભોગવતું. એને પરિણામે એનાં એ જ લખાણોમાં વિદ્વત્તા અને અભ્યાસ પુષ્કળ રહેલો હોવા છતાં એણે પૂરતું ધ્યાન ખેંચેલું નહિ. પણ પહેલેથી એમના લખાણોમાં ઊંચા પ્રકારનું પાંડિત્ય અને ઊંડો અન્વેષણયુક્ત અભ્યાસ પુષ્કળ છે અને એમાં યે ખાસ કરીને પશ્ચિમના સાહિત્ય તેમ પત્રકારત્વની પ્રણાલિકાઓનું જ્ઞાન તો ગુજરાતમાં એમના જેટલું બીજા કોઈ જ લેખકમાં જોઈ શકાતું નથી. યૂરોપના અર્વાચીન સાહિત્યના એમના નિકટ પરિચયને બળે જ આપણે ત્યાં રા. વિજયરાય આધુનિક વિવેચનકલાના આદ્યદૃષ્ટા બન્યા છે. ગુજરાતના વિવેચનમાં કેવળ શુષ્ક શાસ્ત્રીયતા, લૂખા ગ્રંથપરીક્ષણ, કે નીરસ મતદર્શનને સ્થાને સંગીન વિદ્વત્તા છતાં રસાળ ને મોહક શૈલીનું તત્ત્વ ઉમેરી એને લલિતવાડ્મયના જેવું મનોરમ બનાવ્યું તે સૌથી પહેલું રા. વિજયરાયે જ. એમની શૈલીમાં પાંડિત્યોચિત શિષ્ટતા ને ગૌરવ છે તે સાથે એ પાંડિત્યને શુષ્કતામાં સરી પડતું અટકાવે એવાં ચેતન ને દીપ્તિ પણ છે. એમના જેટલી શિષ્ટ છતાં મિષ્ટ, ગૌરવભરી છતાં જીવંત, ને રસાળ છતાં તેજસ્વી શૈલી આપણા યુવાન નિબંધલેખકોમાંથી બીજા કોઈમાં નહિ મળે. કંઈક પત્રકારસહજ ચાપલ્યને લીધે તેમ કંઈક ઉદંડ પ્રયોગશીલતાને લીધે દુર્ભાગ્યે એમના સઘળા લેખો ગુણી એકસરખી ઉચ્ચ કક્ષા જાળવી શકતા નથી, અને ‘પાંચસોક શબ્દોમાં' ‘હજારેક શબ્દોમાં' ‘અરૂઢ શૈલીનાં અવલોકન' વગેરે જેવા અખતરાઓની ધૂનમાં એ સુશ્લિષ્ટ નિબન્ધનું સ્વરૂપ સંપૂર્ણ અંશમાં બતાવી શકતા નથી. આથી એમની શક્તિના પ્રમાણમાં ઉત્તમ નિબન્ધોની સંખ્યા એમના લેખોમાંથી મળતી નથી. પણ જ્યાં જ્યાં એ પૂરતી ગંભીરતા જાળવીને સ્વાસ્થ્યપૂર્વક લખી શકે છે ત્યાં ત્યાં એ સુંદર નિબન્ધો સરજી શકે છે એ તો એમનું ‘જૂઈ અને કેતકી' અને તેથી પણ વિશેષ ‘સાહિત્યદર્શન' વાંચનાર કોઈ પણ સાહિત્યરસિક તરત જ જોઈ શકશે.
રા, વિજયરાય જેમ આપણા નવી ઢબના વિવેચક, તેમ રા. રામનારાયણ જૂની ઢબના વિવેચક. વળી રા. વિજયરાય જેમ પ્રથમ પત્રકાર ને પછી વિવેચક, તેમ રા. રામનારાયણ પ્રથમ પ્રમાણશાસ્ત્રી તથા તત્ત્વચિંતક અને પછી વિવેચક. એટલે એમના વિવેચનલેખોમાં પ્રમાણશાસ્ત્રીનું તર્કકૌશલ અને તત્ત્વચિંતકની શાસ્ત્રીય ચોક્સાઈ, માર્મિકતા, ને પૃથક્કરણશક્તિ પુષ્કળ છે, પણ એમાં શૈલીની રુચિરતા જેવું બહુ થોડું છે. પહેલેથી એમનું લક્ષ એક જ વસ્તુ ઉપર, અને તે પોતાના વિચારો યથાર્થ રીતે અને સ્પષ્ટ રીતે દર્શાવવા. આમ એમના લેખોમાં જેમ તેમ કરીને પોતાના વિચારો વ્યક્ત કરવાની જ દૃષ્ટિ હોવાથી કલાત્મક સુધટિત નિબંધના ગુણો એમાંથી બહુ થોડામાં જોવામાં આવે છે. એમના શૈલીગુણોમાં મુખ્ય સુસ્થતા, સમતોલતા, યથાર્થતા, ને વિશદતા, બાકી લેખોમાં નિબંધને આવશ્યક એવું આકારસૌષ્ઠવ કે શૈલીસૌંદર્ય જેવું બહુ થોડું. એટલે એમના લેખો જયારે જયારે ધ્યાન ખેંચે છે ત્યારે ત્યારે એ એમની શૈલીની મોહકતાને લીધે નહિ પણ એમના વિચારની વિશિષ્ટતાને લીધે. પરિણામે નરસિંહરાવની પેઠે રા. રામનારાયણ પણ આપણા સમર્થ વિવેચક છતાં ઉત્તમ નિબન્યલેખક નહિ. થોડા જ વખત પર એક જાણીતા અવલોકનકારે કહેલું કે ‘ધૂમકેતુ' આપણા સાહિત્યમાં જીવશે તે એમની નવલિકાઓ કરતાં પણ એમના નિબન્યોને લીધે વિશેષ. પણ આ અભિપ્રાય સર્વાંશે સ્વીકારી શકાય એવો નથી. કેમકે ‘ધૂમકેતુ' એટલે સૌથી પહેલાં નવલિકાકાર અને પછી બીજું બધું, અને ગુજરાતી સાહિત્યમાં એનું આયુષ્ય જે કંઈ હોય તે પણ પ્રથમ તો એની નવલિકાઓને જ લીધે. પણ આ અભિપ્રાયમાં એક તથ્યાંશ છે ખરો, અને તે એ કે નવલિકા સિવાય બીજા જે સાહિત્યપ્રકારોમાં ‘ધૂમકેતુ'ને સફળતા મળેલ છે. તેમાં નિબન્ધ સૌથી પ્રથમ આવે. કેમકે ‘ધૂમકેતુ' એટલે જીવનનો મર્મગામી ચિન્તક અને સબળ શૈલીકાર, અને વિશિષ્ટ ચિન્તન ને સમર્થ શૈલી એ બે જ નિબંધનાં મુખ્ય આવશ્યક તત્ત્વો, તેથી એ નિબંધલેખનમાં સફળતા મેળવી શકે એમાં નવાઈ નથી. ‘ધૂમકેતુ'ની પ્રવૃત્તિનું પ્રથમ અંગ તે એની ઊર્મિ. એના સકળ સર્જનમાં જે કંઈ ગુણદોષો જોવામાં આવે છે તે સઘળાનું પ્રેરક તત્ત્વ એની ઊર્મિ જ, એટલે એના નિબન્ધોમાં જે ચિન્તન વ્યક્ત થાય છે તે પણ મુખ્યત્વે બુદ્ધિપ્રેરિત નહિ પણ ઊર્મિપ્રેરિત. પરિણામે ‘ધૂમકેતુ'ના નિબન્ધો સૌથી વિશેષ દીપી ઊઠે છે તે જેમાં સમતોલ મગજ, શાન્ત વિચાર, કે ઠરેલ દૃષ્ટિની જરૂર હોય એવા વિષયોમાં નહિ, પણ જેમાં હૃદયનો જુસ્સો, ઊર્મિનો આવેગ, કે દૃષ્ટિની વિલક્ષણતાને અવકાશ હોય એવા વિષયોમાં. એટલે આપણા નિબન્ધસાહિત્યમાં “ધૂમકેતુ'નું જે સ્થાન છે તે મુખ્યત્વે વાચકને પોતાના હૃદયવેગમાં ઘસડી જાય એવા એમના ઊર્મિપ્રધાન નિબંધોને જ લીધે.
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જો કોઈ પણ સ્ત્રીલેખક પોતાના સ્ત્રીત્વને બળે-સ્ત્રી છે માટે જેવું લખ્યું તેવું પણ વધાવી લેવું જોઈએ એવી દાક્ષિણ્યની દૃષ્ટિએ-નહિ પણ સાચા સત્ત્વ કે તાત્ત્વિક વિત્તને બળે લેખકવર્ગમાં પોતાને માટે હક્કપૂર્વક સ્થાન કરી શકે એમ હોય તો તે શ્રીમતી લીલાવતી મુનશી. ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો અને છાપ પાડી તે એમનાં રેખાચિત્રોને લીધે. રેખાચિત્રોમાં કેટલાક તો શુદ્ધ ચરિત્રાત્મક નિબન્ધો જ છે, એટલે આંહીં એ વર્ગના બે નમૂના લીધા છે. વિષયની દ્રષ્ટિએ અભિનવ સ્ત્રીસ્વાતંત્ર્યવાદ અને શૈલીની દૃષ્ટિએ ચબરાકી, ચાતુર્ય, અને ચમક એ એમના નિબંધોની મુખ્ય વિશિષ્ટતા ગણી શકાય. આંહીં સુધીના નિબંધોનું સમગ્રાવલોકન કરતાં એક વાત તરત જ છતી થશે, અને તે એ કે એમાંના ઘણાખરા પોતપોતાના જમાનાનાં સામયિક પત્રોને માટે લખાએલા અને એમાં જ સૌથી પહેલા પ્રગટ થએલા. આ સંગ્રહનો સૌથી પહેલો નિબંધ ‘સ્વદેશાભિમાન' એ જમાનાના એક આગળ પડતા માસિક ‘બુદ્ધિવર્ધકગ્રંથ'ના પહેલા જ અંકમાં પ્રકટ થએલો, અને ત્યારથી માંડીને રા. વિજયરાયના ‘કલાવિવેચનની એક ગૂંચ' સુધીના સઘળા નહિ તો ઘણાખરા નિબન્ધો માસિકાદિ પત્રો દ્વારા જ પ્રસિદ્ધ થએલા. વળી આપણા સાહિત્યના સમર્થ નિબંધકારોમાં પણ ઘણાખરા પત્રકારો જ માલૂમ પડશે. નર્મદના ઘણાખરા નિબન્ધો ‘બુદ્ધિવર્ધક ગ્રંથ' માં આવેલા, નવલરામના વિવેચનનિબન્ધો ‘ગુજરાત શાળાપત્ર' માટે જ લખાએલા, મણિલાલ નભુભાઈના ‘પ્રિયંવદા' અને ‘સુદર્શન' માટે, આનન્દશંકર ધ્રુવના ‘વસંત' માટે, ચંદ્રશંકર પંડ્યાના ‘સમાલોચક' દ્વારા, તો રા, વિજયરાયના ‘કૌમુદી' કે ‘માનસી' દ્વારા પ્રગટ થએલા. આમાંના કેટલાકની તો સમસ્ત સાહિત્યપ્રવૃત્તિ જ કોઈ એકાદ પત્રના તંત્રી તરીકે જ આરંભાએલી તેમ પૂરી થએલી. આ રીતે આપણું નિબંધસાહિત્ય મુખ્યત્વે આપણા પત્રકારત્વનું સંતાન ગણાય એવું છે અને એના વિકાસનો ઇતિહાસ કેટલેક અંશે આપણા પત્રકારત્વના ઇતિહાસ સાથે સંકળાએલો છે. ગુજરાતનું પ્રારંભનું પત્રકારલેખન સ્વાભાવિક રીતે જ અણઘડ હતું, એટલે ઉત્તમ કોટિનાં નિબન્ધો એનાં માસિકોમાંથી જ મોટે ભાગે મળે છે. પણ ક્રમે ક્રમે આપણું પત્રકારલેખન પણ સુઘડ અને સંસ્કારી બનતું ગયું છે, અને અગાઉ ચિરંજીવ નિબન્ધો કેવળ માસિક ત્રૈમાસિકોના અંકમાંથી જ મળતા, તેને બદલે હવે સાપ્તાહિકોના અંકોમાંથી પણ એવી સામગ્રી ક્વચિત ક્વચિત મળવા લાગી છે. આપણે ત્યાં પ્રગતિનું આ પગલું સૌથી પહેલું ભર્યું તે ગાંધીજીના ‘નવજીવને'. ‘નવજીવન' મુખ્યત્વે વૃત્તપત્ર નહિ પણ વિચારપત્ર હતું, અને એનું લેખકમંડળ પણ વિચાર, ભાષા, શૈલી બધી બાબતમાં ઉચ્ચ દૃષ્ટિ ધરાવનરું હતું, એટલે એના લેખોમાંથી શુદ્ધ નિબન્ધ ગણાય એવું સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવે છે. ગાંધીજી અને રા. કાલેલકરના ઘણાખરા સારા નિબન્ધો એ સાપ્તાહિક મારફતે જ આપણને પ્રાપ્ત થયા છે. આ રીતે માસિકો ત્રૈમાસિકોની પેઠે આપણાં સાપ્તાહિકોએ પણ નિબંધસાહિત્યમાં જે ફાળો આપેલો છે તેના દૃષ્ટાંત અને સંભારણા તરીકે આ સંગ્રહના છેલ્લા ત્રણ નિબંધો આપણા એક સાપ્તાહિકમાં આવેલા તેમાંથી લીધા છે. એ નિબન્ધોને માટે સાપ્તાહિકોમાંથી ‘સૌરાષ્ટ્ર'ને પસંદ કર્યું છે તે બે કારણે : એક તો એ કે ‘નવજીવન'ને અલગ રાખીએ (એમાંના નિબંધોનો પરિચય ગાંધીજી દ્વારા મળી જાય છે.) તો આપણાં સઘળાં સાપ્તાહિકોમાંથી ભાષાની બાબતમાં તળપદી લોકસાહિત્યની વાણીનો તેમ કાઠિયાવાડી લોકભાષાના પ્રચલિત પ્રયોગોનો પોતાના લખાણમાં છૂટથી ઉપયોગ કરી આપણા ગદ્યમાં નવીન તત્ત્વ ઉમેર્યું તે જેમ ‘સૌરાષ્ટ્ર' તેમ વિશિષ્ટ પ્રકારની શૈલીનો ગુણ સૌથી પહેલો સૌથી મોટા પ્રમાણમાં, અને સૌથી સળંગ રીતે વ્યક્ત કર્યો તે પણ એણે જ, અને બીજું કારણ એ કે કોઈ પણ સામાહિકે પોતાના થોડાઘણા પણ નિબન્ધો પાછળથી વીણીને પુસ્તકાકારે સુલભ કર્યા હોય તો તે પણ ‘સૌરાષ્ટ્ર' જ. બાકી આંહીં આપેલા એના ત્રણે નિબન્ધો ઉત્તમ પ્રકારના છે એમ તો કોઈ જ નહિ કહી શકે. છતાં આપણાં ધંધાદારી વૃત્તપત્રો નિબન્ધના વિષયમાં ગુણવત્તાની કક્ષાએ ઊંચાંમાં ઊંચી કેટલી હદે પહોંચી શકે છે તેનો જેમ એક બાજૂથી એ ખ્યાલ આપે છે, તેમ માસિક-ત્રૈમાસિકેતર આપણા પત્રવર્ગે આ દિશામાં વિકાસનાં કેટલાં વિશેષ પગથિયાં ચડવાની હજુ જરૂર છે તેનો પણ બીજી બાજુથી સારો ખ્યાલ આપે છે. ‘સૌરાષ્ટ્ર'ની શૈલી આપણે ત્યાં સારી પેઠે વખણાઈ પણ છે તેમ વખોડાઈ પણ છે, અને એ બન્નેને માટે એમાં પૂરતો અવકાશ છે. ગુજરાતી ગદ્યની એણે કરેલી મોટામાં મોટી સેવા તો ઉપર ઈશારો કર્યો તેમ આપણી લોકવાણીમાં જે મૂલ્યવાન શબ્દો, પ્રયોગો, અને ઉક્તિપ્રકારો પડ્યા છે તેનો સૌથી પહેલો ને સૌથી સુંદર રીતે ઉપયોગ કરીને આપણા સૌનું એણે એના તરફ જે લક્ષ ખેંચ્યું તે જ છે. એની શૈલીના ગુણપક્ષે બોલીએ તો આપણાં સાપ્તાહિકોમાં એના જેવી જોમ, ધમક, અને રંગભરી શૈલી બીજા કોઈની નથી. પણ દોષપક્ષે પાછું એટલું સ્વીકારવું જોઈએ કે એમાં યથાર્થતા, સમતોલતા, પ્રમાણભાન, કે ઔચિત્ય વિચાર બહુ ઓછાં જોવામાં આવે છે. પત્રકારને સહજ એવું અતિરેક અને ચમકનું વલણ એનામાં ખૂબ છે. એટલે કોઈ પણ વાત કહેવી હોય ત્યારે એ જાણે કે અંતિમતાવાચક પદો (superlative degree) માં જ બોલે છે, કંઈ યે એને સાદી મરીમસાલા વગરની વાણીમાં બોલતાં જ જાણે આવડતું નથી. એટલે વિષય અને પ્રસંગ પરત્વે શૈલીમાં જે ફેરફાર થવો જોઈએ, જોમ, ધમક ને રંગની માત્રામાં જે ચડઊતર થવી જોઈએ તે એમાં જવલ્લે જ જોવામાં આવે છે. એ જાણે જીવનમાં સર્વત્ર પડકાર કરવામાં જ સમજે છે, અને ધીમા સૌમ્ય અવાજે બોલવાનું એને ક્યાં યે સૂઝતું જ નથી. એટલે એની શૈલી જયારે માઝા મૂકે છે ત્યારે જાણે ભીમસેન ગાંડો થઈને પોતાની ગદા ઘુમાવી રહ્યો હોય એવો ભાસ ઘણીવાર ધાય છે.
ત્યારે આ આપણું છેલ્લાં એંશી પંચાશી વરસનું નિબન્ધસાહિત્ય. એ ગાળામાં આપણા આ સાહિત્યપ્રકારે જે સિદ્ધિ દાખવી છે, અને ક્રમે ક્રમે જે પ્રગતિ સાધી છે તે કોઈ રીતે અસંતોષકારક નથી. આ સાહિત્યને ખેડનારાઓમાં મણિલાલ, આનન્દશંકર, કાલેલકર જેવા કેટલાક નિબન્ધકારો તો કેવળ આપણા જ નહિ પણ કોઈ પણ ભાષાના નિબંધસાહિત્યમાં પગલું સૌથી પહેલું ભર્યું તે ગાંધીજીના ‘નવજીવને'. ‘નવજીવન' મુખ્યત્વે વૃત્તપત્ર નહિ પણ વિચારપત્ર હતું, અને એનું લેખકમંડળ પણ વિચાર, ભાષા, શૈલી બધી બાબતમાં ઉચ્ચ દૃષ્ટિ ધરાવનરું હતું, એટલે એના લેખોમાંથી શુદ્ધ નિબન્ધ ગણાય એવું સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવે છે. ગાંધીજી અને રા. કાલેલકરના ઘણાખરા સારા નિબન્ધો એ સાપ્તાહિક મારફતે જ આપણને પ્રાપ્ત થયા છે. આ રીતે માસિકો ત્રૈમાસિકોની પેઠે આપણાં સાપ્તાહિકોએ પણ નિબંધસાહિત્યમાં જે ફાળો આપેલો છે તેના દૃષ્ટાંત અને સંભારણા તરીકે આ સંગ્રહના છેલ્લા ત્રણ નિબંધો આપણા એક સાપ્તાહિકમાં આવેલા તેમાંથી લીધા છે. એ નિબન્ધોને માટે સાપ્તાહિકોમાંથી ‘સૌરાષ્ટ્ર'ને પસંદ કર્યું છે તે બે કારણે : એક તો એ કે ‘નવજીવન'ને અલગ રાખીએ (એમાંના નિબંધોનો પરિચય ગાંધીજીદ્વારા મળી જાય છે.) તો આપણાં સઘળાં સાપ્તાહિકોમાંથી ભાષાની બાબતમાં તળપદી લોકસાહિત્યની વાણીનો તેમ કાઠિયાવાડી લોકભાષાના પ્રચલિત પ્રયોગોનો પોતાના લખાણમાં છૂટથી ઉપયોગ કરી આપણા ગદ્યમાં નવીન તત્ત્વ ઉમેર્યું તે જેમ ‘સૌરાષ્ટ્ર' તેમ વિશિષ્ટ પ્રકારની શૈલીનો ગુણ સૌથી પહેલો સૌથી મોટા પ્રમાણમાં, અને સૌથી સળંગ રીતે વ્યક્ત કર્યો તે પણ એણે જ, અને બીજું કારણ એ કે કોઈ પણ સામાહિકે પોતાના થોડાઘણા પણ નિબન્ધો પાછળથી વીણીને પુસ્તકાકારે સુલભ કર્યા હોય તો તે પણ ‘સૌરાષ્ટ્ર' જ. બાકી આંહીં આપેલા એના ત્રણે નિબન્ધો ઉત્તમ પ્રકારના છે એમ તો કોઈ જ નહિ કહી શકે. છતાં આપણાં ધંધાદારી વૃત્તપત્રો નિબન્ધના વિષયમાં ગુણવત્તાની કક્ષાએ ઊંચાંમાં ઊંચી કેટલી હદે પહોંચી શકે છે તેનો જેમ એક બાજૂથી એ ખ્યાલ આપે છે, તેમ માસિક-ત્રૈમાસિકેતર આપણા પત્રવર્ગે આ દિશામાં વિકાસનાં કેટલાં વિશેષ પગથિયાં ચડવાની હજુ જરૂર છે તેનો પણ બીજી બાજુથી સારો ખ્યાલ આપે છે. ‘સૌરાષ્ટ્ર'ની શૈલી આપણે ત્યાં સારી પેઠે વખણાઈ પણ છે તેમ વખોડાઈ પણ છે, અને એ બન્નેને માટે એમાં પૂરતો અવકાશ છે. ગુજરાતી ગદ્યની એણે કરેલી મોટામાં મોટી સેવા તો ઉપર ઈશારો કર્યો તેમ આપણી લોકવાણીમાં જે મૂલ્યવાન શબ્દો, પ્રયોગો, અને ઉક્તિપ્રકારો પડ્યા છે તેનો સૌથી પહેલો ને સૌથી સુંદર રીતે ઉપયોગ કરીને આપણા સૌનું એણે એના તરફ જે લક્ષ ખેંચ્યું તે જ છે. એની શૈલીના ગુણપક્ષે બોલીએ તો આપણાં સાપ્તાહિકોમાં એના જેવી જોમ, ધમક, અને રંગભરી શૈલી બીજા કોઈની નથી. પણ દોષપક્ષે પાછું એટલું સ્વીકારવું જોઈએ કે એમાં યથાર્થતા, સમતોલતા, પ્રમાણભાન, કે ઔચિત્ય વિચાર બહુ ઓછાં જોવામાં આવે છે. પત્રકારને સહજ એવું અતિરેક અને ચમકનું વલણ એનામાં ખૂબ છે. એટલે કોઈ પણ વાત કહેવી હોય ત્યારે એ જાણે કે અંતિમતાવાચક પદો (superlative degree) માં જ બોલે છે, કંઈ યે એને સાદી મરીમસાલા વગરની વાણીમાં બોલતાં જ જાણે આવડતું નથી. એટલે વિષય અને પ્રસંગ પરત્વે શૈલીમાં જે ફેરફાર થવો જોઈએ, જોમ, ધમક ને રંગની માત્રામાં જે ચડઊતર થવી જોઈએ તે એમાં જવલ્લે જ જોવામાં આવે છે. એ જાણે જીવનમાં સર્વત્ર પડકાર કરવામાં જ સમજે છે, અને ધીમા સૌમ્ય અવાજે બોલવાનું એને ક્યાં યે સૂઝતું જ નથી. એટલે એની શૈલી જયારે માઝા મૂકે છે ત્યારે જાણે ભીમસેન ગાંડો થઈને પોતાની ગદા ઘુમાવી રહ્યો હોય એવો ભાસ ઘણીવાર ધાય છે. ત્યારે આ આપણું છેલ્લાં એંશી પંચાશી વરસનું નિબન્ધસાહિત્ય. એ ગાળામાં આપણા આ સાહિત્યપ્રકારે જે સિદ્ધિ દાખવી છે, અને ક્રમે ક્રમે જે પ્રગતિ સાધી છે તે કોઈ રીતે અસંતોષકારક નથી. આ સાહિત્યને ખેડનારાઓમાં મણિલાલ, આનન્દશંકર, કાલેલકર જેવા કેટલાક નિબન્ધકારો તો કેવળ આપણા જ નહિ પણ કોઈ પણ ભાષાના નિબંધસાહિત્યમાં પોતાની શક્તિઓથી નવી ભાત પાડીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એવા છે. અને ભવિષ્યમાં પણ જે સાહિત્યપ્રકારો આપણે ત્યાં સૌથી વિશેષ આશાસ્પદ ગણાય એવા છે તેમાં આ નિબન્ધોનો પ્રકાર મોખરે આવે એવો છે. આપણી પાસે ગંભીર વિદ્વત્તાપરાયણ વિચારપ્રવૃત્તિને વ્યક્ત કરવાનું આ એક જ મુખ્ય સાધન છે. એટલે હજુ એ વિશેષ ને વિશેષ વિકાસ પામતો જશે અને વધુ ને વધુ ગુણસમૃદ્ધિ દર્શાવશે એમાં શંકા નથી.
સં. ૧૯૯૬
નોંધ:-
- ↑ ૧. J. C. Squire Essays of the Year (1929-1930) ઉપોદ્ઘાતરૂપ `An Essay on Essays.' આવા બીજા બે એકરારો પણ નોંધવા જેવા છે :-
(ક) Manifestly, then, the word essay is very loosely used, and any attempt to fix rigorously its forms and features must perforce end in failure.-W.H. Hudson: Introduction to the Study of Literature, p. 443.
(ખ) It is impossible to define the essay in terms of either subject or length, for essays exist on all manner of subjects and vary in length from a page or so to several volumes.-J.B.Priestly: Essayists Past and Present, p.7. - ↑ ૨. આ નિબંધ નર્મદના કોઈ પણ ગ્રંથમાં હજુ સ્થાન પામ્યો નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ'ના અંકમાં જ દટાએલો પડ્યો છે. એનું એક કારણ એ હશે કે એને છેડે નર્મદનું નામ આપેલું નથી. પણ ભાષાશૈલી, વિચાર, અને ઉલ્લેખો એ બધું જોતાં એ નિબંધ નર્મદનો જ છે એમાં તલભાર શંકાને સ્થાન નથી. જિજ્ઞાસુને માટે એ ‘નર્મદનું મન્દિર-ગદ્યવિભાગ'માં આપેલો છે, ત્યાં જોવાથી આ બાબતની ખાતરી થશે.
- ↑ ૩. ‘સાઠીનું સાહિત્ય,’ પૃ. ૧૬૫
- ↑ ૪.‘સાહિત્યમાં પણ ગુજરાતના બેકન મનસુખરામભાઈ અને શેક્સપિયર રણછોડભાઈ એવી માન્યતા એ જુગલ જોડીની હતી અને બ્હાર પ્રસરાવી હતી એમ પણ કહેવાય છે.'—નરસિંહરાવઃ સ્મરણમુકુર,પૃ૧૧૭.
- ↑ ૬. રમણભાઈના વિવેચનનિબન્ધોમાં અનેક દૃષ્ટિએ ઉત્તમ પ્રકારનો ગણાય એવો આ નિબન્ધ છે. વિવેચન કલાનું મનોરમ રૂપ ધારણ કરી શકે તેનું નવલરામના ‘પ્રેમાનંદ’ અને ‘મામેરું' વગેરે નિબન્ધોની પેઠે રમણભાઈનો આ નિબંધ પણ સુન્દર ઉદાહરણ છે. ગોવર્ધનરામના ઉચ્ચ વાક્પ્રભાવની સાથે એ રમણભાઈનો પોતાનો પણ ઉચ્ચ વાક્પ્રભાવ સબળ રીતે દર્શાવે છે. છતાં આવો ઉત્તમ કોટિનો નિબન્ધ ‘કવિતા અને સાહિત્ય'ની નવી આવૃત્તિમાં ક્યાં યે લેવાયો નથી એ આપણું સંપાદનશૈથિલ્ય સૂચવે છે. ભવિષ્યમાં [ એ ગ્રંથની ત્રીજી આવૃત્તિ થાય ત્યારે એ યોગ્ય સ્થાને ગ્રન્થસ્થ કરાય એટલા માટે આંહી આટલી નોંધ કરી રાખી છે.
- ↑ ૭. જુઓ ‘આપણા ધર્મ’માંનો ‘પ્રેમવટા' નામનો નિબન્ધ (પુ. ૧૮૪-૫)
‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૨૫૨ થી ૨૭૩
missing Reference location
<ref>૫. ‘કૌમુદી' ૧૯૮૧, ચૈત્ર, પૃ. ૧૩૮-૯. </ref>