સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/દલપતની છબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૪) દલપતની છબી

ગુજરાતી સાહિત્યમાં અત્યારે દલપતરામની સ્થિતિ બહુ કફોડી છે. એને કોઈ વાંચતું નથી, છતાં સૌ નિન્દે છે. ઊગતો નિશાળિયો પણ એની રચનાની મશ્કરી કરવાનો પોતાનો હક્ક સમજે છે. સાહિત્યમાં પ્રવેશ સરખો માંડ કર્યો હોય એવાને મન પણ દલપતમાં કશું વાંચવા જેવું નથી એ વાત સિદ્ધ છે. ને વચગાળામાં કવિતા વિષે આપણે ત્યાં એવા ખ્યાલો રૂઢ થઈ ગયા છે, કે દલપત પ્રત્યેનો આ વિરોધ કે ઉપેક્ષાભાવ શી રીતે ટાળવો તે એના હિમાયતીને પણ ઊંડા ઊતર્યા વિના સહેલાઈથી સમજાતું નથી. આવી સ્થિતિમાં:-

‘શું જોશો મુજ તનની છબી? એમાં નથી નવાઈ,
 નિરખો મુજ મનની છબી ભલા પરીક્ષકભાઈ.'

એ શબ્દોમાં વરસો પહેલાં દલપતરામે આપેલું ઇજન સ્વીકારી, એના મનની છબી જીવનમાં તેમ સાહિત્યમાં અંકિત થએલી એના મનની છબી-બને તેટલા પૂર્વગ્રહમુક્ત ચિત્તે ને તટસ્થ દૃષ્ટિએ નિરખવાનું મન થાય એવું છે. ત્યારે, આ છબી કેવી હતી? એમાં ‘નવાઈ’ જેવા, નોંધવા જેવા અંશો ક્યા? સમકાલીનો એથી આકર્ષાએલા તે શાથી? સમકાલીનો સિવાય અન્ય કોઈ એથી આકર્ષાય એવું કંઈ એમાં ખરું? હોય તો શું? જરા જોઈએ. લગભગ સવાસો વરસ ઉપરનું ગુજરાત કલ્પનાચક્ષુ આગળ ખડું કરો. દેશમાં કંપની સરકારનું રાજય સ્થપાઈ ચૂક્યું છે, પણ નવા સુધારાનો બધો સાજ હજુ દાખલ કરવાનો છે. આજનાં કારખાનાં, કિતાબખાનાં, કે દવાખાનાં કશું હજુ નજરે પડતું નથી. રેલ્વેની જાળ હજુ પથરાઈ નથી, એટલે માલની લાવજા અસલી વણજારાની પોઠો કરે છે. મુલકમાં શાન્તિ છે, છતાં ભીલ લૂંટારાનો ભો છેક નાબૂદ નથી. [1] કોઈથી ‘નિર્મલ વસ્ત્ર' પહેરાય નહિ ને ધન નામ ધરનારા સર્વ પદાર્થોને પૃથિવીમાં દટાઈ રહેવું પડે' એવી ધાસ્તીમાં રૈયત હજુ દહાડા ગાળે છે. ઇલાકાનું વિદ્યાધામ મુંબઈ યુનિવર્સિટી સ્થપાવાને હજુ સાડત્રીસ વરસની વાર છે. નવી ઢબની શાળાઓ પણ હજુ શરૂ થઈ નથી. અંગ્રેજી ભાષાનો હજુ લેશ પણ પ્રચાર નથી. શિષ્ટ વર્ગની માનીતી ભાષા હજુ હિન્દી કે વ્રજ ભાષા છે. શારદાસેવોત્સુક સૌ હજુ એનું જ સેવન ને પઠનપાઠન કરે છે. ને વ્યવહારસેવીઓનો મોટો ભાગ ગામઠી નિશાળે ખપજોગું ભણી ‘હગ મર ટપર’જેવું ભાંગ્યું તૂટ્યું લખતાં શીખી ધંધે વળગે છે. એટલે ભણતરની દૃષ્ટિએ એની સ્થિતિ ‘ધોળકામાં ખાંડ લઈ, ખડ લખી, ખડી,[2] વાંચે એવી દયાપાત્ર છે. આવા દિવસોમાં, શેરીનાં કૂતરાં ઉપર ચડીને લડે એવી એક નીચી છાપરીમાં[3] એક શ્રીમાળી કુટુંબ વસે છે. કુટુંબ ચુસ્ત અગ્નિહોત્રી[4] ને મન્ત્રવિદ [5] છે, અને યજમાનવૃત્તિથી ગુજારો કરે છે. આવા કુંટુંબમાં સં. ૧૮૭૬ના માઘ સુદિ આઠમને દિને એક ચપળ બાળક જન્મે છે. પિતાની અવસ્થા અતિશય રંક છે. લેણદારને મોં બતાવવું ભારે પડતાં વાયદાને દિવસે એને પરગામ નાસી જવું પડે એવી હાલત છે.[6] એ હાલતમાં બાળક ઊછરે છે ને શ્રામઠી નિશાળમાં મળે તેટલું જ્ઞાન મેળવી પિતા પાસે સામવેદ તથા ક્રિયમાણનો અભ્યાસ કરે છે. મૂળથી એ ચાલાક ને હાજરજવાબી છે તથા પદ્યખેલનો એને નાનપણથી નાદ છે. રાતે અજવાળામાં પડોશની સ્ત્રીઓ રેંટિયો કાંતતી કે કાલાં ફોલતી વરતઉખાણાંની ચડસાચડસી કરે, ત્યારે એ પણ રોજ ત્યાં જામે છે ને નવાં નવાં વરતઉખાણાં ત્યાં ને ત્યાં જોડી કાઢે છે. આવા મહાવરાથી વિકાસ પામેલી પદ્યરચનાશક્તિ સંવત ૧૮૮૯માં તેર વરસથી કાચી વયે સામળની ઢબની ‘સદેવંત સાવળિંગા' જેવી બે વાર્તા ‘કમલ લોચની' ને ‘હીરાદંતી' નામની દોહરાચોપાઈમાં રચી કાઢે છે. એવામાં આ કિશોરના જીવનમાં એક અગત્યનો બનાવ બને છે. થોડા વખતથી સ્થપાએલા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓનો એક મેળો પાસેના મૂળી ગામે ભરાય છે, તેમાં એ પોતાના મામા સાથે જાય છે. ત્યાંના સાધુઓના ઉપદેશની એના પર એવી ઊંડી અસર થાય છે કે તરત એ તે પન્થની દીક્ષા લે છે, અને પોતાની તાજી રચેલી પદ્યવાર્તાઓ આ નવા પન્થના નીતિધોરણે ભ્રષ્ટ ને અધમ લાગતાં તે બન્ને એ નષ્ટ કરે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વીકારથી એને આગળ અભ્યાસ કરવાની ખૂબ અનુકૂળતા મળી જાય છે, એટલે મૂળી તથા અમદાવાદના મન્દિરમાં રહી એ પિંગળ, અલંકાર, વ્યાકરણ, ને વ્રજ તથા સંસ્કૃત ભાષાના સાહિત્યનું અધ્યયન કરે છે. પાછળથી થોડો વખત એ ભૂજની પોશાળમાં પણ રહી આવે છે. આ રીતે કવિપદને માટે એ જમાનામાં જરૂરી ગણાય એવી સઘળી તૈયારી એ કરી લે છે. ને આ તૈયારીનું ફળ એને તત્કાળ મળે છે. સં ૧૮૯૧માં ધ્રાંગધ્રા જતાં, ત્યાંના નરેશે બંધાવેલા ‘રણમલસર'નું શીધ્રવર્ણન કરી એ સૌને એવા રીઝવે છે કે નરેશ એમને શિરપાવ આપી જાહેર રીતે કવિપદ એનાયત કરે છે. ત્રવાડી દલપતરામ ડાહ્યા ત્યારથી કવિ દલપતરામને નામે જાણીતા થાય છે. સંવત ૧૯૦૪માં અ.કિ. ફાર્બસ નામે એક ગોરો આસિસ્ટંટ જજ તરીકે આવે છે. પોતે રચવા માંડેલી ગુજરાતના ઇતિહાસના ‘રાસમાલા' ના કામને અંગે [7] તેમ અંગત કવિતાશોખને કારણે કોઈ સારા ગુજરાતી કવિને પોતાની નોકરીમાં રાખવાની તેને ઇચ્છા થાય છે. અમદાવાદના નિવાસ દરમિયાન દલપતરામે એના પદ્યકૌશલથી સારી છાપ પાડેલી, એટલે ભોળાનાથ સારાભાઈ એની ભલામણ કરે છે. આથી ફાર્બસસાહેબનો આ સમાગમ એ દલપતરામ જીવનનો બીજો અગત્યનો બનાવ છે. ‘રાસમાળા'ની સામગ્રી એકઠી કરવા દલપતરામ ગુજરાતમાં ઠેરઠેર ફરે છે. અને જ્યાં જાય ત્યાં વ્યાખ્યાનો આપી લોકોને નવા જીવનના પન્થે દોરવા પ્રયત્ન કરે છે. પાંચેક વરસ પછી ફાર્બસને વિલાયત રજા પર જવાનું થતાં દલપતરામને તે સાદરે સરકારી ખાતામાં ગોઠવતા જાય છે. પણ ફાર્બસની ગેરહાજરીમાં, અમદાવાદમાં તેણે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું કોકડું અતિશય ગૂંચવાય છે, તે ઉકેલવા કોઈ ઠરેલ ને કુશળ પુરુષની જરૂર પડતાં સોસાઈટીના એ વખતના મન્ત્રી ફાર્બસને લખી દલપતરામની માગણી કરે છે. આથી ફાર્બસ દલપતરામને આગ્રહ કરી સરકારી નોકરી છોડી સોસાઈટીની સેવા સ્વીકારવા લખે છે, ને દલપતરામ વિરલ સ્વાર્થત્યાગ તથા મિત્રપ્રેમ દર્શાવી ભવિષ્યમાં અનેક રીતે લાભદાયક થઈ પડે એવી સરકારી નોકરી છોડી સં.૧૯૧૧માં અમદાવાદ આવી સોસાઈટીનું કામ ઉપાડી લે છે. ત્યારથી સોસાઈટી પર ઘેરાએલાં વાદળ વીખરાઈ જાય છે, ને સોસાઈટી સતત રીતે ચડતી કલાને પામતી રહે છે. અને न हि कल्याणकृत्कश्चिद् दुर्गतिं तात गच्छति એનું જાણે ઉદાહરણ હોય તેમ, દલપતરામનું જીવન પણ તે પછી સદા ચડતી કળાને પામતું રહે છે. એક સં. ૧૯૨૧- ૨૨ના ભયંકર શેરસટ્ટામાં બીજાની પેઠે દલપતરામ પણ લોભમાં તણાએલા, એટલે ટૂંકી મુદ્દતને માટે એ આફતમાં આવી પડે છે, તે સિવાય એનું બાકીનું બધું જીવન સદ્ભાગ્યની સતત પરંપરા જેવું જ નીવડે છે. દેશનો મોટો ભાગ એને જ સર્વોત્તમ ગુજરાતી કવિ તરીકે પૂજે છે. [8] જયાં જયાં કવિતા કે વિદ્વત્તાવિષયક કામ પડે ત્યાં ત્યાં દલપતરામની જ માગણી થાય છે. રજવાડાને રાજકવિ જોઈએ તે સૌ દલપતરામને જ સારાં વર્ષાસન આપી એ પદે નિયોજે છે. [9] શ્રીમન્તોને કવિમિત્ર જોઈએ તે સૌ દલપતરામની જ મૈત્રી દ્રવ્ય આપી શોધે છે. ગદ્યપદ્ય નિબંધોને માટે વારંવાર ઇનામ જાહેર થાય છે તેનો મોટો ભાગ દલપતરામને જ મળે છે.[10] સરકારને વાચનમાળા માટે કવિ જોઈએ છીએ ત્યારે દલપતને જ એ આંખે અપંગ હોવા છતાં, ‘અમારે તમારી આંખનું નહિ પણ જીભનું કામ છે' એમ કહી બોલાવે છે. એની કૃતિના પરભાષામાં અનુવાદ થાય છે. ભાઉ દાજી જેવો દાક્તર એની મફત દવા કરી શિરપાવ આપવામાં કૃતાર્થતા માને છે. એના મકાનનું વાસ્તુ થાય છે ત્યારે ‘જડજ સાહેબ, કલેક્ટર સાહેબ... વગેરે સાહેબ તથા મઢયમ સાહેબો'[11] એના મિજબાન બની એને માન આપે છે. ગાયકવાડનો રાજ્યાભિષેક થાય છે ત્યારે દરબારી ઠાઠથી દલપતરામનું સ્વાગત થાય છે. વિલાયતવાસીઓને પણ ગુજરાતના આ લોકપ્રિય કવિની છબીનાં દર્શન કરવાનો મોહ થાય છે, ને છબી પાડનાર અમદાવાદમાં કોઈ નહિ મળતાં ફાર્બસને છેક મુંબઈથી ફોટોગ્રાફર મોકલી ફોટો પડાવીને વિલાયત મોકલવો પડે છે. દ્રવ્યવાનો વિલાયતમાં એની રંગીન છબી તૈયાર કરાવી પોતાના દીવાનખાનામાં રાખવામાં ધન્યતા સમજે છે.[12] સોસાઈટી એને નિવૃત્ત થતી વખતે કીર્તિચન્દ્ર બક્ષે છે ને સરકાર એને સી.આઈ.ઈ. બનાવી ઉત્તમ પ્રકારનું માન આપે છે. આમ એનું સ્વાર્પણ એને ફળે છે, ને સર્વથા કીર્તિમન્ત જીવન ગાળી સં. ૧૯૫૪માં એ અવસાન પામે છે. આ દલપતના ક્ષરજીવનની છબીનું આછું દર્શન. એના અક્ષરજીવનને હાલ તરત અલગ રાખીએ તોપણ જેવું છે તેવું અક્ષરજીવન પણ ગૌરવવતું નથી લાગતું? નીચી છાપરીમાં જન્મી દેશનો લોકપ્રિય અગ્રજન બનેલો એ વિશિષ્ટ પુરુષાર્થનો ઉજ્જવળ નમૂનો નથી? બીજું કશું દલપતે ન કર્યું હોત તોપણ એની આટલી શક્તિને આટલી સિદ્ધિ જ દલપતને અર્વાચીન ગુજરાતના નામાંક્તિ પુરુષોમાં સદાને માટે પ્રતિષ્ઠા પદ અપાવવા બસ નથી? દલપતની કવિતા ભલે ગમે તેવી હોય, પણ એના જમાનાનો એ સમર્થ નર હતો, ને એટલા પૂરતો એ આપણી ઊપેક્ષા કે ઉપહાસનો નહિ પણ આદરનો અધિકારી હતો એટલું તો આથી નિર્વિવાદ નથી લાગતું?

શેઠ- તમે અહિં ક્યારે આવ્યા છો?

દલ૦-હું ગુજરાત વર્નાક્યુલર સૌસૈટીમાં નોકર રહ્યો.

શેઠ- અરે! સરકારી નોકરીને છોડીને તમે પાપમાં ક્યાં પડયા? અને તમે ભલું માણસ છતાં એ બુધવારીઊં લખવાનું કામ તમને કેમ ફાવશે? જો એક વકીલ-શું કરે? પેટ ન ભરાય ત્યારે લોકોની નાલાશ લખવાનો હલકો ધંધો પણ કરવો પડે. દલાન સાહેબ વર્તમાનપત્ર તો હવે સોર્સટીમાં નથી છપાતું, એ તો બાજીભાઈ અમીચંદ પોતાના ઘરનું છાપે છે. વકીલ-એ તો નામ કરવ્યું છે પણ લખનારા હતા એના એ છે. દલо-અહિં વિદ્યાભ્યાસક સભા ભરાય છે અને સારાં સારાં ભાષણો થાય છે. શેઠસાહેબ, જો આપ એક વાર એ સભામાં પધારો તો આપનું મન ખુશી થશે અને સોસૈટીની વાર્ષિક જનરલ સભા ભરીને ગયા વરસનો રિપોર્ટ વાંચીએ.

શેઠ-અમારા જેવા સાહુકાર માણસનું એમાં કામ નહિ, એ તો નવરાઓનું કામ. અમને ફુરસદ ક્યાંથી મળે?

વકીલ- એમાં તો દડાઓનું કામ; સમસેરબહાદુર જેવા એ એમનું મોઢું બંધ કરી શકે. દલо- તમે વર્તમાનપત્રને સૌસૈટીમાં ગણો છો પણ તેને ને સૌસૈટીને કંઈ સંબન્ધ નથી.

વકીલ- ત્યારે આ શહેરમાં વર્તમાનપત્રમાં કોણ સમજતું હતું? સૌસૈટીએ જ એ પાપ ઊભું કર્યું કે નહિ?

શેઠ- ફાર્બસ સાહેબ જેવા ભલા માણસે સોસૈટી સ્થાપી. અને ભોગીલાલભાઈ જેવા સારા માણસ કહેતા હતા કે આ સારૂં કામ છે, તેથી અમે જાણ્યું કે એમાંથી કંઈ સારૂં ફળ થશે; પણ એમાંથી તો ઉલટો કુસંપ ને ક્લેશ ઉત્પન્ન થયો. આ જોડી કાઢેલો નહિ પણ જેવો થએલો તેવો-દલપતરામ સાદરેથી અમદાવાદ આવ્યા ત્યારે નગરશેઠ હિમાભાઈ સાથે થએલો તેવો-લખેલો સાચો સંવાદ છે. સં. ૧૯૧૧માં સરકારી નોકરી છોડી દલપતરામ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની સેવામાં રહ્યા તે સમયની સોસાઈટીની વિષમ સ્થિતિનો એમાં સારો ચિતાર છે. આ સંસ્થા દલપતરામ ફાર્બસસાહેબ પાસે રહ્યા તે પછી દોઢ જ માસમાં એમણે ગુજરાતી પ્રજાની સુધારણા તથા ગુજરાતી ભાષાના વિકાસ અર્થે સ્થાપી હતી. લોકકેળવણીને માટે એના તરફથી કન્યાશાળા, પુસ્તકાલય, વિદ્યાભ્યાસક સભા આદિ ચાલતું હતું તથા એક સાપ્તાહિક પત્ર-બુધવારે પ્રકટ થતું તેથી ‘બુધવારિયું' એવે નામે ઓળખાતું પત્ર-ચાલતું હતું. પણ ‘બુધવારિયું' નાદાન માણસોના હાથમાં જતાં શહેરના આગેવાનોની એણે નાલેશી કરવા માંડી. આથી સોસાઈટી પાસેથી સૌ મોટી આશા રાખતા હતા તે બંધ પડી, અને લોકોમાં એ અળખામણી થઈ પડી. સરકારે મનાઈ કરી એટલે ‘બુધવારિયું' તો પોતા તરફથી છાપવું એણે બંધ કર્યું ને પોતાના જૂના મુદ્રક બાજીભાઈ અમીચંદને એ સોંપી દીધું, છતાં એમાં લખાણ એવું ને એવું આવતું હતું ને મૂળ એવા લખાણની શરૂઆત સોસાઈટીને હાથે થએલી, એટલે લોકોનો સોસાઈટી પ્રત્યેનો રોષ એવો ને એવો રહ્યો હતો. પછી આ ‘બુધવારિયા' ના આક્ષેપોના ઉત્તર વાળવા માટે પ્રતિપક્ષીઓએ એક ‘ખબરદર્પણ' નામે પત્ર શરૂ કર્યું, અને તે નબળું પડતાં એક જણે કહ્યું કે ‘છે હવે કોઈ એવો સમશેરબહાદુર કે વર્તમાનપત્ર સામે ટક્કર લઈ શકે?' ત્યારે ‘બુધવારિયા” ના પ્રકાશક બાજીભાઈનો એક ખબરપત્રી લલ્લુભાઈ રાયચંદ હતો તેણે જવાબ આપ્યો કે ‘મને મદદ મળે તો હું જ સમશેરબહાદુર.' પ્રતિપક્ષીઓએ તેને મદદ આપી, એટલે એણે શિલા છાપનું પ્રેસ કરી ‘સમશેરબહાદુર' નામે પત્ર કાઢવા માંડયું. આ બધાં પત્રોમાં સામસામા આરોપો ને ગાળાગાલી ચાલતી હતી. તેથી આખું વાતાવરણ ખૂબ કલુષિત થઈ ગયું હતું. આ જ અરસામાં ‘બુધવારિયા'એ પ્રાણશંકર બાપા નામે એક બળિયા સાથે[13] બાથ ભીડી તેમાં એને અદાલતમાં ઘસડાવું પડ્યું ને નુકસાની ખમવી પડી. સરકારી અમલદારોની મીઠી નજર હતી તે પણ સોસાઈટીના મકાનની બાજુમાં જેલ હતી તેની વર્તમાનપત્રે કંઈક કુથલી છાપી તથા જેલના નિયમ વિરુદ્ધ જેલના વ્યવહારમાં સોસાઈટીના માણસોએ કંઈક દખલગીરી કરી તેથી એ ગુમાવી બેઠી. અને જે સરકારી મકાનમાં મહેરબાનીથી એને સ્થાન મળ્યું હતું તે ખાલી કરવાની એને તાકીદ પર તાકીદ થવા લાગી. પણ બીજું મોખાનું મકાન કોઈ મળતું નહોતું, નવું બાંધવા જેટલાં સોસાઈટી પાસે નાણાં નહોતાં, ને નાણાં આપે એવા શ્રીમન્તો તો કંટાળીને સોસાઈટીથી દૂર નાસતા ફરતા હતા, એટલે કોઈની મદદ મળે એમ નહોતું, આથી સોસાઈટીને ઊભું ક્યાં રહેવું એજ સવાલ થઈ પડ્યો હતો. આવી દશામાં એ થોડા જ વખતમાં મરણ પામશે એમ સૌ માનતું હતું અને ગામમાંથી એક પાપ ટળશે એમ ગણી મનમાં રાજી થતાં લોકો તાલ જોતા બેસી રહ્યા હતા.

બરાબર આવે કટોકટીને વખતે દલપતરામને સોસાઈટીનું સુકાન હાથમાં લેવું પડ્યું. પણ એમની નમ્રતા, મીઠાશ, ને ઠરેલ મિલનસાર પ્રકૃતિના જાદૂએ અલ્પ સમયમાં જ આખું વાતાવરણ બદલાવી નાખ્યું. સોસાઈટી તરફ સૌને અણવિશ્વાસ ને અણગમો હતો તેને ઠેકાણે સૌ પછી એના કામકાજમાં રસ લેવા લાગ્યું. શ્રીમન્તો સદા સોસાઈટીથી દૂર નાસતા ફરે છે એવી ફરિયાદ એના મન્ત્રીને વારંવાર કરવી પડતી હતી તે દૂર થઈ ને શ્રીમન્તો તરફથી મદદ મળવા લાગી. નગરશેઠ હિમાભાઈએ જ એમાં પહેલ કરી. દલપતરામ સાદરેથી આવીને તરત મળેલા ત્યારે સોસાઈટીની કડવાશથી કંટાળીને જેમણે કહેલું કે ‘અમારા જેવા સાહુકારનું એમાં કામ નહિ,' તે જ એ નગરશેઠે દલપતરામની ઠાવકી મીઠાશભરી રીતભાતથી પ્રસન્ન થઈ સોસાઈટીને માટે મકાન બંધાવવા સાત હજાર રૂપિયા આપ્યા. કન્યાશાળા માટે પણ સોળ હજારની મોટી રકમ મળી. આ રીતે જે કામ દસ વરસને અન્તે પણ થવાની કોઈને આશા નહોતી તે કામ દલપતરામે ટૂંક મુદતમાં જ સિદ્ધ કર્યું ને સોસાઈટીને મૃત્યુમુખમાંથી બચાવી ભરજુવાન અવસ્થામાં આણી મૂકી. એના પછીના વાર્ષિક અહેવાલમાં આ વાત સ્પષ્ટ રીતે સ્વીકારાઈ છે. દલપતરામ આવ્યા ત્યારે મન્ત્રી કર્ટિસ હતા, તેથી આમાં નામ કર્ટિસનું છે, છતાં કામ દલપતનું જ સમજવાનું છે.[14] ને એનું આ કામ એની શાન્ત છતાં સાચી કાર્યશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. ‘જયારે દાક્તર સિવર્ડ સાહેબે સેક્રેટરીનું કામ છોડ્યું ત્યારે કેટલાક મેમ્બરો એવું ધારતા હતા કે સોર્સટી હવે થોડા વખતમાં મરણ પામશે પણ મેહેરબાન કરટીસ સાહેબે એ કામ જે દિવસથી હાથમાં લીધું તે દિવસથી સોસૈટીની અવસ્થા દિવસે દિવસે સુધરતી થઈ. અને હાલ ભરજુવાનીમાં આવી છે. સોસૈટી સ્થાપનારા એવું ધારતા નહોતા કે ૧૦ વર્ષની અંદર રૂા. ૭૦૦૦ની ઇમારત સોસૈટીને વાસ્તે બનશે, પણ મિ, કરટીસ સાહેબના ઉપદેશથી અને નગરશેઠની ઉદારતાથી આ ઇમારત થઈ. હવે સોસૈટીના મૂળ ઊંડા પેઠાં ને છોડીઓની નીશાળ, પુસ્તકશાળા વગેરે સોર્સટીની શાખાઓ મજબૂત થઈ. અને બુદ્ધિપ્રકાશ ચોપાનીઆં તથા બીજી ચોપડીઓ રૂપી તેનાં પાંનડાં તો કલકત્તા, સિંધ હૈદરાબાદ, જોધપુર ને મુબઈ સુધી પહોંચ્યાં. અને સોસૈટીની ગરબીઓ, કવિતા જે ગામમાં મુદ્દલ કોઈ જાણતું ન હોય એવું તો આખા ગુજરાત દેશમાં કોઈક જ ગામ રહ્યું હશે.' દલપતરામે આ પ્રમાણે ખરે અણીને વખતે આવીને સોસાઈટીને ઉગારી લીધી એટલું જ નહિ, પણ ચોવીસ વરસની પોતાની નોકરી દરમિયાન બને તેટલા ધનવાન જનો પાસે જઈ સોસાઈટીનું કાર્ય તેમને સમજાવી પોતાની રંજનકલાથી તેમને પ્રસન્ન કરી નાણાંની મોટી રકમો એણે મેળવી, અને એ રીતે સોસાઈટીને સદાને માટે સધ્ધર સંગીન આવૃત્તિમાં મૂકી દીધી. સાદરેથી અમદાવાદ આવતાં રસ્તામાં એને વિચાર આવેલો કે ‘પરમેશ્વર મારા કામમાં સહાયભૂત થાય અને શ્રીમન્તોના મનમાં ઉશ્કેરણી કરે, તેથી સોર્સટીની પુંજી એક લાખ રૂપીઆની થાય અને સોસેટીનું તથા સૌર્સટીની લેબ્રેરીનું મકાન દશ હજાર રૂપીઓનું થાય અને સોસૈટી કોઈ દહાડો ભાંગી પડે નહિ એમ થાય તો કેવું સારું?' આ વિચાર એ વખતે એને ‘શેખચલ્લીના જેવો' લાગેલો, પણ એની ખંત, ધીરજ, ને નિષ્ઠા જોઈ પરમેશ્વર એના કામમાં ખરેખર સહાયભૂત થયા, એટલે એ છૂટા થતાં પહેલાં સોસાઈટીમાં એક લાખ રૂપિયાનું ભંડોળ કરી શક્યા અને નિવૃત્ત થતી વખતે પોતાના પ્રિય મિત્રને સંબોધીને સન્તોપ ને અભિમાનપૂર્વક કહી શક્યા કે:

‘પ્યારા ફાર્બસ સ્વર્ગવાસી સૂણજે તું કાન કોડે ધરી;
સેવા મેં તુજ શ્રેષ્ઠ સ્નેહ મળવા, સોસાઈટીની કરી;
કેવી છે સ્થિતિ એની આજ ચઢતી, દૃષ્ટિ વડે દેખજે;
તે તારો શુભ કીર્તિસ્થંભ નિરખી રાજી રૂદેમાં થજે.'

સોસાઈટી ફાર્બસસાહેબનો કીર્તિસ્તંભ છે એમાં તો શંકા છે જ નહિ, પણ કેટલીક વાર જનક કરતાં પણ પાલકનો મહિમા મોટો હોય છે એ જોતાં સોસાઈટી દલપતની કાર્યશક્તિનો યે ચિરસ્થાયી કીર્તિસ્તંભ છે એમાં પણ શંકા નથી. દલપત ન હોત તો સોસાઈટી મરણપથારીએથી ઊભી થાત નહિ એ ચોક્કસ છે, ને કદાચ ધારી લઈએ કે કોઈ અદ્ભુત ચમત્કારથી એ ઊભી થઈ હોય તો પણ આવી સમૃદ્ધ ને પ્રતિષ્ઠિત સ્થિતિને તો એ પામી શક્ત જ નહિ. અને સોસાઈટી એ તો એ સમયે જનસુધારણાનું મોટું મથક હતું. ગુજરાતમાં પહેલું પુસ્તકાલય એણે જ ખોલ્યું, પહેલી કન્યાશાળા એણે જ કાઢી, પહેલું વર્તમાનપત્ર એણે જ પ્રકટ કર્યું, ને પહેલું માસિકપત્ર પણ એણે જ શરૂ કર્યું, જૂનાં પુસ્તકો ઠામઠામથી મેળવી તેનો સંગ્રહ કરવાની તેમ નવાં પુસ્તકો લેખકોને પારિતોષિક આપી લખાવવાની પદ્ધતિ પણ પહેલી એણે જ દાખલ કરી. એટલે એ સંસ્કારકાળના પ્રભાતમાં એ જીવન આજ કરતાં અનેકગણું ઉપકારક ને મહત્ત્વનું હતું. અને અત્યારે પણ એની ચાલુ કાર્યપદ્ધતિની બાબતમાં આપણને ભલે ગમે તે મતભેદ હોય છતાં ગુજરાતી વાઙમયની વર્તમાનમાં તેમ ભવિષ્યમાં સંગીન સેવા કરવાની સામગ્રી ને સાનુકૂળતા એની પાસે છે તેટલી બીજી કોઈ સંસ્થા પાસે નથી. એટલે આવી સંસ્થાને જીવાડી પાળી-પોષી સુદૃઢ ને સમૃદ્ધ બનાવી એ દલપતની અવિસ્મરણીય વાડ્મયસેવા ગણવાની છે. સોસાઈટીને હાથે અત્યાર સુધીમાં ગુજરાતી ભાષાની જે સેવા થઈ શકી છે અને હવે પછી જે કંઈ થશે તે સર્વના મૂળમાં દલપતની ઠાવકાઈ, કુનેહ, ને રંજનશક્તિ રહેલી છે એ ભૂલવાનું નથી. દલપતની કલમ સર્વથા વધ્ય નીવડી હોત તોપણ કેવળ આ સોસાઈટીના જીવનદાતા ને પાલક તરીકે પણ તે ગુજરાતી વાડ્મયના ઇતિહાસમાં ચિરંજીવ સ્થાન પામત.

પ્રશ્ન

કો કવિ દલપતરામ હૈ, ઠરત કહો કિહિ ઠામ ।
કૌન જાતિ અરૂ નાતિ હૈ, કરત કહા નિત કામ ।।

ઉત્તર

દેશ ગુજરાત દુનિયામેં જૈસો દીસે બાગ,
અહમદાબાદ વામેં ઉત્તમ અટાલી હૈ ।
આસપાસ ઔર પ્રાંત સારે સો તો ક્યારે જૈસે,
જામેં પ્રજા ફૂલબારી જૈસી ફૂલી ફાલી હૈ ||
બે સુધારેકી વેલી બોવૈ વામેં જો સાહેબલોગ,
સો મૈં કવિતારસ પોષી અરૂ પાલી હૈ ||

કહે દલપતિરામ કહત હું સત્ય બાત,
જાતિ વિપ્ર જાનો મેરી જ્ઞાતિ તો શ્રીમાલી હૈ ||[15]

‘સુધારેકી વેલી બોવૈ વામે જો સાહેબલોગ,
સો મેં કવિતારસસે પોપી અરૂ પાલી તો.'

દલપતરામના આ શબ્દો બહુ વિચારપૂર્વક વપરાયા છે. તેમાં એણે ખરો આત્મપરિચય આપી દીધો છે. દલપતરામ એટલે આપણા દેશમાં ‘સાહેબલોગ' સુધારાની જે વેલી વાવતા હતા તેને કવિતારસથી-કવિતારસથી નહિ તો વાડ્મયરસથી-પાળીપોષીને ઉછેરનાર દક્ષ માળી. આમાં ‘સુધારા'નો અર્થ ‘સંસારસુધારો' તો ખરો જ પણ તે ઉપરાંત સંસારેતર વિષયોમાં પણ લોકોની કરેલી સુધારણા એવો સમજવાનો છે. આમ સંકુચિત ને વિશાળ ઉભય અર્થના સુધારાની દલપતરામે કરેલી સેવા બહુ મહત્ત્વની છે. પ્રકૃતિથી જ દલપતરામમાં લોકોપદેશકની ઉત્તમ લાયકાત હતી. એનું ચારિત્ર્ય અકલંકિત હતું. એનો આચાર મર્યાદાશીલ હતો, ને એના વિચાર નીતિપરાયણ હતા, એટલે એ જે કંઈ કહેતા તે લોકો માન ને શ્રદ્ધાપૂર્વક ઝીલતા હતા. એનો સ્વભાવ શાન્ત, ઠરેલ, ને મિલનસાર હતો, એટલે એ સૌની સાથે ભળી જતા હતા, અને સૌની પર સરસ છાપ પાડી સૌને અનાયાસે પોતાની સાથે ખેંચી શક્તા હતા. જનવ્યવહારનું એને બરાબર જ્ઞાન હતું. અને લોકોની નાડ પારખવામાં એ કુશળ હતા. એટલે સૌની પાસેથી કેમ કામ લેવું અને પોતાની વાત બીજાના દિલમાં કેમ ઠસાવવી તે એને અચ્છી રીતે આવડતું હતું. એની વાણી મીઠાશભરી હતી, અને અત્યારે આપણને અળખામણું લાગે છતાં એ જમાનાના શ્રોતાને આકર્ષક લાગે એવું ઝડઝમકભર્યું વાક્યાતુર્ય એને સહજસિદ્ધ હતું, એટલે એનું વ્યાખ્યાન સદા અસરકારક બનતું.[16]અને એનો સૌથી મોટો ગુણ તે એનો મર્માળો હાસ્યરસ હતો. આ હાસ્યરસને બળે એ લોકોની મૂર્ખાઈઓ સચોટ રીતે ઉઘાડી પાડતા હતા, ને છતાં એમને હસાવી રમાડીને એ છોડવાનો બોધ આપી શક્તા હતા. વળી એની કેટલીક મર્યાદાઓ પણ લોકોપદેશક તરીકેના એના કાર્યમાં મદદગાર થઈ પડી હતી. ઉદાહરણ તરીકે એ અંગ્રેજી નહોતા ભણ્યા એ એમના જીવનની એક ઊણપ હતી, પણ એ જ કારણે એ સાધારણ જનસમૂહનો વિશેષ વિશ્વાસ મેળવી શક્યા હતા અને લોકહૃદયનો એના પર વિશેષ આદર હતો. કેમકે એનાં વચનો એ પારકી વિદ્યાથી વટલાઈ ગએલા કોઈ ભ્રષ્ટ જુવાનિયાનાં વચનો નથી, પણ પોતાના જ વર્ગના પ્રૌઢ વિચારકનાં વચનો છે એવી લોકોને સદા પ્રતીતિ થતી. એ જ રીતે એ કોઈ મોટા પંડિત નહોતા, પણ એ જ કારણે એની વિચારસરણી સદા સુગમ રહેતી અને એની પ્રતિપાદનશૈલી સદા સાદા સીધા રૂપમાં વહેતી. નવલરામ દલપતની કવિતાને સભારંજની કહે છે, પણ નવલરામે યોજેલા પદમાં થોડો સુધારો કરીને આપણે કરી શકીએ કે દલપતની કેવળ કવિતા જ નહિ પણ સમસ્ત પ્રકૃતિ જ લોકરંજનની હતી. આ લોકોમાં પ્રકૃતિનો વિનિયોગ એ જમાનાની જનસુધારણામાં થઈ શક્યો એ ગુજરાતનું એક સમભાગ્ય હતું. વસ્તુતઃ ગુજરાતી જનતાના માનસને નવા જમાનાની પરિસ્થિતિને અનુકૂળ આપવામાં, અને નવા જમાનામાં જીવવાને આવશ્યક એવા ગુણોની લોકોને કેળવણી આપવામાં દલપતની કવિતાએ અગત્યનો ભાગ ભજવેલો. એટલે કેવળકવિતા તરીકે આપણને એ તુચ્છ લાગે, છતાં જનસુધારણાના કાર્યમાં એ કીમતી સાધન થઈ પડેલ એ વાત ઇતિહાસદૃષ્ટિએ યાદ રાખવાની છે. સુધારાવિષયમાં દલપતનો બીજો યશ એ છે કે એ બાબતમાં પોતાની સઘળી પ્રવૃત્તિ એણે પોતાના પ્રિયમિત્ર કાર્બસે અગાઉ આપેલી સલાહને અનુસરી[17] લોકોથી અતડા ન પડતાં તેમને સાથે રાખી કરવાની નેમ રાખેલી, અને એ નેમને એ પ્રયત્નપૂર્વક વળગી રહેલા. સાધારણ રીતે આપણે જોઈએ છીએ કે સુધારક પુરુષ સામાન્ય જનસમાજથી જુદો પડી જાય છે અને પોતાને ભારે સમજુ ને સુધરેલો માની ઇતર જનોને એ ઉપદેશને નામે ભાંડવાનું ને વગોવવાનું શરૂ કરે છે. એટલે ઘણીવાર પરિણામ એ આવે છે કે જે લોકો એની વાત સાચી માનતા હોય છે તે પણ એની ભાંડણનીતિથી ઉશ્કેરાઈ એની સામે થાય છે ને એ રીતે એમના ચિત્તમાં સુધારા સામે વિરોધભાવ જાગે છે તથા દેશમાં કુસંપનાં બીજ રોપાય છે. આ પ્રમાણે સુધારાની હિતકારક પ્રવૃત્તિ પણ કેટલીક વાર જુવાનિયાઓની ઉચ્છુંખલતા ને આવેશને લીધે હાનિકારક થઈ પડે છે. દલપતરામ આ વસ્તુ જોઈ શકેલા,[18] ને તેથી પોતાને હાથે એવું અનિષ્ટ ન નીપજે તેની એણે ખાસ સાવચેતી રાખેલી. એના ‘ધીરે ધીરે સુધારા'ના મતને આપણે હસીએ છીએ, પણ એ મત પાછળ દેશજનોથી અતડા પડી જઈ એમના ચિત્તમાં નકામો વિખવાદ ઉત્પન્ન ન કરવાની તીવ્ર ઇચ્છા હતી એ આપણે ભૂલી જઈએ છીએ. દલપતે સુધારાને ભલે પ્રબળ વેગ નહિ આપ્યો હોય, પણ સુધારા પ્રવૃત્તિને નામે એણે દેશમાં તડાં તો નહોતાં જ પાડયાં, સુધારો કરવા જતાં એણે વેરઝેર તો નહોતાં જ ઉત્પન્ન કર્યાં, એ એની સુધારાપ્રવૃત્તિની જમેબાજૂએ સદાને માટે નોંધી રાખવાનું છે.[19] અને સુધારાવિષયમાં દલપતરામનો ત્રીજો ને મુખ્ય યશ એ છે કે એણે દેશના સંસ્કારજીવનની દાંડી સમતોલ રાખેલી. પ્રજાના ઈતિહાસમાં જૂના સામે નવાને ઝઘડવાના પ્રસંગો વારંવાર ઊભા થાય છે. એક રીતે કહીએ તો જૂના નવા વચ્ચેના આવા ઝઘડાની સતત પરંપરા એ જ દેશનો ઇતિહાસ છે. આમાં જૂના સામેની બંડખોર વૃત્તિ અન્ય ન બની જાય, માઝા મૂકીને એ જૂનામાં જાળવી રાખવા જેવું પણ તોડી ન નાખે, સ્વાતંત્ર્ય સ્વચ્છન્દનું રૂપ ન પકડે એટલા માટે દેશને એકી સાથે બે પ્રકારનાં બળ ઉત્પન્ન કરવાં પડે છે: એક ‘યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે' એમ કહીને આંખો મીંચી ધસનારું બળ, તો બીજું ‘ધીરે ધીરે સુધારાનો સાર' એમ કહેનારું, સો ગળણે ગાળી, વિચારી વિચારીને ઠાવકી રીતે પગ માંડનારું બળ આમ કરે તો જ એના સંસ્કારજીવનનાં પલ્લાં સામસામાં સરખાં રહે છે, ને તો જ એ સ્વત્વને જાળવીને પ્રગતિ કરી શકે છે. ગુજરાતે નર્મદયુગમાં આવાં બે બળો ઉત્પન્ન કર્યા તે નર્મદ ને દલપત. એ બન્ને એક બીજાના પૂરક હતા. એ બન્નેની એકી સાથે દેશને જરૂર હતી. નર્મદ એ સુધારાનું એંજિન હતો, તો દલપત એ સુધારાની બ્રેક હતો. નર્મદ ન હોત તો સુધારો આગળ વધી જ ન શકત, દલપત ન હોત તો સુધારો વંઠી જ જાત. ગુજરાતનો સુધારો બંગાળ જેટલો ભયંકર ન નીવડયો, એનો યશ દલપતને છે. ઘીના જેવી છૂટથી ગુજરાતમાં દારૂ વપરાતો કરી દેવાની નર્મદની ઇચ્છા હતી તે બર ન આવી તે દલપતને પ્રતાપે. કાછડીછૂટો સૂરતી સુધારો આખા ગુજરાતને ભ્રષ્ટ ન કરી શક્યો તે દલપતને લીધે. દલપતના ઠાવકા નીતિપરાયણ જીવનનો આ જેવો તેવો વિજય નથી. હવે આપણે દલપતની કવિતા તરફ વળીએ. દલપતની કવિતાનો વિચાર કરતી વખતે બે વસ્તુ ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે : (૧) એના જમાનાનું સ્વરૂપ, ને (૨) એનો કાવ્યાદર્શ, આ બન્ને વસ્તુ બરાબર સમજ્યા વગર એની કવિતાની સાચી મૂલવણી થઈ શકે એમ નથી. આમાંથી પહેલાં આપણે એના જમાનાનું સ્વરૂપ જોઈએ. દલપતનો જમાનો એટલે સુધારાનો જમાનો એ તો સૌ જાણે છે. આ સુધારાપ્રવૃત્તિએ દેશને બીજી રીતે લાભ કર્યો હતો, પણ સાહિત્યના ક્ષેત્રમાં બે કાવ્યવિઘાતક વૃત્તિ જન્માવી હતી : એક, આત્મતિરસ્કારની અને બીજી, ઉદામ યુયુત્સાની. દલપતના જમાનામાં આપણી પ્રજાનું જીવન અનેક રીતે પામર થઈ ગયું હતું. સૈકાઓના ઘા ખમી ખમીને એની શક્તિ હણાઈ ગઈ હતી અને એનો દેહ જર્જર બન્યો હતો. વરસોની રાજકીય પરાધીનતાએ એનું નૂર હરી લીધું હતું અને એને આત્મશ્રદ્ધાવિહોણી બનાવી દીધી હતી. પરિણામે એના જીવનમાં ખરેખર સારું એવું બહુ થોડું રહ્યું હતું, અને જે થોડું રહ્યું હતું તેને સારા તરીકે ઓળખવાની શુદ્ધ જ્ઞાનદૃષ્ટિ એની પાસે હતી નહિ. આવી દશામાં એક પ્રતાપી પ્રજા આપણા દેશમાં આવી, અને તે વળી શાસક બનીને આવી. એટલે એને જોઈ આપણી પ્રજા અંજાઈ જ ગઈ અને એની એકેએક વાત વેવલાની પેઠે વખાણવા લાગી. એની સરખામણીમાં પોતાનું સઘળું પછી એને નિન્ધ જ લાગવા માંડ્યું. દલપતે આ મનોદશાનું તાદેશ ચિત્ર દોર્યું છે:

‘ગામમાં કુધારો કૈક નામમાં કુધારો,
કૈક કામમાં કુધારો કોટિ કષ્ટ કરનારો છે;
ન્હાવામાં કુધારો ખાવું ખાવામાં કુધારો,
ગીત ગાવામાં કુધારો છે તે કહો કશો સારો છે;
વીવામાં કુધારો પાણી પીવામાં કુધારો દીસે,
દીવામાં કુધારો નકી જાણો જે નઠારો છે;
કહે દલપતરામ ઠરી રહ્યો ઠામઠામ,
ક્યાંથી ક્યાંથી કાઢીએ જ્યાં ધારું ત્યાં કુધારો છે. [20]

આ રીતે લોકોને પોતાના જીવનમાં સર્વત્ર કુધારો જ લાગતો હતો, અને પારકી પ્રજાનું અનુકરણ કરવામાં જ ઉદ્ધાર દેખાતો હતો. આ સ્થિતિ અનિવાર્ય નહોતી એમ કહી શકાય એમ નથી, પણ ઉત્તમ પ્રકારની કવિતાની ઉત્પત્તિને માટે અનુકૂળ તો નહોતી જ એ એ નિ:સંદેહ છે. કેમ કે ટેનીસનના

‘self reverence, self knowledge, self-control,
These three alone lead life to sovereign power.

એ સુવિખ્યાત શબ્દોમાં સર્વોત્તમ શક્તિપ્રાપ્તિને માટે સ્વમાનની જેટલી અનિવાર્ય અગત્ય દર્શાવી છે, તેટલી અનિવાર્ય અગત્ય સર્વોત્તમ કવિત્વપ્રાપ્તિને માટે પણ સ્વમાનની સમજવાની છે. અને આ સ્વમાન એટલે કેવળ વૈયક્તિક જ સ્વમાન નહિ, પણ પ્રજાકીય સ્વમાન પણ ખરું. કેમકે કવિને પોતાની પ્રજાના જીવન માટે સાચું માન હોય, એમાં થોડાઘણા પણ પ્રશસ્ય અંશોનું એને દર્શન થતું હોય, તો જ એને તેમાંથી પ્રેરણા મળી શકે ને તો જ કાવ્યસર્જન શક્ય બને. પણ નર્મદયુગની સુધારાવૃત્તિએ તો પ્રજાકીય સ્વમાનની આ વૃત્તિ જ મૂળમાંથી હણી નાખી હતી, અને તેને સ્થાને તીવ્ર આત્મતિરસ્કારેની વૃત્તિ જન્માવી હતી. આથી સાહિત્યકારોને પોતાની પ્રજાના જીવન તરફ ઘૃણા સિવાય બીજો ભાવ જવલ્લે જ થતો. આવી સ્થિતિમાં ઉત્તમ પ્રકારનું ચિરંજીવ કાવ્યસાહિત્ય ન રચાય તો એમાં નવાઈ શી? બીજી કાવ્યવિઘાતક વૃત્તિ તે ઉદ્દામ યુયુત્સાની હતી. સુધારા અને વહેમ વચ્ચે એ જમાનામાં ચાલી રહેલા યુદ્ધને પરિણામે તે પ્રકટી હતી. તેનું દલપતે પોતે દોરેલું ચિત્ર જોવા જેવું છે:

‘સુધારોરાણો રણમાં ચડ્યો રે, ફાવે તેવી લઈને ફોજ;
વેરી વહેમની ઉપરે રે, ગુસ્સો લાવી ચિત્ત ઘણો જ;
પડઘમ વાગે રસ પૂરમાં રે.
રાણીજાયો રણમાં લડે રે, શત્રુથી સજવા સંગ્રામ;
સાથી તેના શાણા ઘણા રે, થાણાં થાપ્યાં ઠામોઠામ.
પુસ્તકરૂપી કમાનથી રે, બહુ વિધનાં છુટે છે બાણ;
ચિંતવી ચોટ ચુકે નહી રે, પાપી વહેમના લે પ્રાણ.
નકશા નૌતમ વાવટા રે, નિશાળ રણભૂમિ નિરધાર.
પલટણ બાળક ને બાળકી રે, શિક્ષક શાણા સરદાર.
લેખણરૂપી ભાલાં ભલાં રે, સાલે શત્રુને થઈ સાલ;
બખતર ટેકનાં બનાવિયાં રે, ધારી ધીરજરૂપી ઢાલ.[21]

આ પ્રમાણે ‘સુધારારાણા' ને ‘વેરી વહેમ' વચ્ચે ઘોર યુદ્ધ જામ્યું હોય, અને ભલભલા સાહિત્યકારો કે કવિઓ પણ એમાં ‘શાણા સરદાર' બન્યા હોય ત્યાં એ યુદ્ધનાં ‘પડથમ રસ પૂરમાં' વાગતાં હોય તે વખતે કવિતાદેવીનો સુકુમાર અવાજ તેઓ ક્યાંથી સાંભળી શકે? કવિઓ સૌ આમ લડાઈની તડામારમાં પડ્યા હોય ત્યાં જીવનના કોઈ અંગને કલાત્મક રૂપ આપી ઉત્તમ કાવ્યસર્જન કરવા જેટલી નવરાશ, સ્વસ્થતા, તટસ્થતા, કે સાહિત્યધૂન પણ તેમનામાં ક્યાંથી હોય? વળી પુસ્તકો ને લેખણ જ્યાં સુધારારાણાનાં જડ હથિયાર જ બની ગયાં હોય, ત્યાં કવિતાનું સ્થાન દાસીથી ચડિયાતું ક્યાંથી હોય? ને દાસીપદે હોય એ કવિતાના મુખ પર સાચી પ્રતિભાનું નૂર શી રીતે વિલસે? આવી પરિસ્થિતિમાં એ યુગના કવિઓ પણ વધુમાં વધુ સુધારાના ઉપદેશક કે પ્રચારક જ બની શકે, અને શુદ્ધ કવિત્વની દૃષ્ટિએ કશું સત્ત્વયુક્ત ન આપી શકે તો એમાં આશ્ચર્ય પણ શું? નર્મદયુગમાં સાચી કવિતા ન જન્મી શકે એવાં આ ઉપરાંત બીજાં પણ કારણો ગણાવી શકાય, પણ એ સઘળાંની સવિસ્તર ચર્ચા આગળ આપણે યુગલક્ષણો સ્વતંત્ર લેખમાં વિચારીએ ત્યાં જ પ્રસ્તુત લેખાય, એટલે અત્યારે તો એટલું જ કહેવું બસ થશે કે આ જમાનાનું સ્વરૂપ જ કંઈક એવું હતું કે ઉચ્ચ પ્રકારની કવિતા એમાં ઉદ્ભવી શકે નહિ. કેમકે વસ્તુતઃ નર્મદયુગની નદી એ વર્ષાઋતુની ઘૂઘવતી, ઊછળતી, રેલાતી એવી ગાંડીતૂર નદી હતી, એનાં જીવનજળ ખૂબ ડહોળાએલાં હતાં. અને તેમાં ઠેરઠેર વમળો પેદા થતાં હતાં. શરદઋતુની નિર્મળતા કે પ્રસન્નતા હજુ એમાં નહોતી આવી. એટલે કવિતાસુન્દરીના વિહાર કે ક્રીડનને માટે હજી એ પાત્ર નહોતી બની. આ રીતે આ યુગમાં કોઈ ઉત્તમ પ્રકારની સુન્દર કવિતા લખી શકે એવી સ્થિતિ જ હતી નહિ. તેથી જ આખો નર્મદયુગ પોતાની સાચી રસવત્તાથી સર્વતોષક બને એવી ચિરંજીવ કવિતા તો શું, એવાં છૂટક કાવ્યો પણ અલ્પ જ આપી શકેલ છે. આ પ્રમાણે એ યુગ જો ઉત્કૃષ્ટ કવિતાના સર્જન માટે જ અનુકૂળ હોય, અને તેને પરિણામે, નર્મદ જેવો સંસ્કારપોષક શિક્ષણ પામેલો, સદા ય ઊર્મિઓથી ઊછળી રહેલો, ને ઉન્નત કાવ્યભાવનાથી પ્રેરિત થએલો કવિ પણ કવિતાના ક્ષેત્રમાં અમર રહે એવું બહુ થોડું મૂકી ગયો હોય, તથા નવલરામ જેવો રસિક પુરુષ પણ સર્વાંગસંપૂર્ણ કાવ્યો સ્વલ્પ જ રચી શક્યો હોય તો, જેને નવી કેળવણીનો લાભ બિલકુલ મળ્યો નહોતો, એવા શાન્ત, શાણા દલપતનું બીચારાનું આમાં શું ગજું? ને વાંક પણ શો? દલપતનો તો ઊલટો યશ ગણાવો જોઈએ કે આવા જમાનામાં રહીને પણ કવિતાનો જે રૂપભાગ છે તેમાં અન્ય સમકાલીન કાવ્યકારોના પ્રમાણમાં એણે ઉત્તમ પ્રકારની શક્તિ દાખવેલી, કેમ કે આખા યુગમાં એનું પથકૌશલ અનુપમ કહી શકાય એવું છે. ‘રચ્યા છે રૂડા છન્દ દલપત્તરામે' એમ એ જે કહે છે તે આ અર્થમાં અક્ષરશ: સાચું છે. ઘસીઘસીને આણ્યો હોય એવો મનમોહક ઓપ એમાં સર્વત્ર છે, અને તેથી એના છન્દ ખરેખર રૂડા લાગે છે. ને આ છન્દોનૈપુણ્ય ઉપરાંત એની રચના સદા પ્રવાહી હોય છે, ભાષા સરળ છતાં શ્રવણમધુર હોય છે, અને એકંદર શૈલી સૌષ્ઠવલક્ષી હોય છે. આથી જ ઉત્તમ કાવ્યલક્ષણોથી રહિત હોવા છતાં, આ યુગના બધા કવિઓની કવિતા સાવ ભુલાઈ જશે એ વખતે પણ દલપતની થોડીક રચનાઓ અમુક વર્ગમાં લાંબા વખત સુધી લોકપ્રિય રહેશે એમ નિઃશંક લાગે છે. આ પ્રમાણે એ જમાનાનું સ્વરૂપ લક્ષમાં લેતાં જો દલપતની કવિતાનો આપણે કંઈક સમભાવપૂર્વક વિચાર કરી શકીએ છીએ, તો એના કાવ્યાદર્શને પણ લક્ષમાં લઈએ તો હજુ પણ વધુ સમભાવપૂર્વક તેનો વિચાર કરી શકીએ એમ લાગે છે. હવે, દલપતે કાવ્યસ્વરૂપ વિશેના ખ્યાલો મુખ્યત્વે હિન્દી સાહિત્યમાંથી સ્વીકાર્યા હતા. કારણકે પ્રારંભમાં કહ્યું તેમ દલપતના જન્મ અને અભ્યાસ સમયે આપણે ત્યાં હિન્દી કે વ્રજભાષા પ્રધાન પણે હતી. પ્રેમાનન્દના વખતમાં જે સ્થાન સંસ્કૃતનું હતું અને આપણા વખતમાં જે અંગ્રેજીનું છે, તે દયારામના વખતથી હિન્દી ભાષાને મળ્યું હતું. તે એટલે સુધી કે રા. (અત્યારના દી. બા.) કૃષ્ણલાલ ઝવેરીએ કહ્યું છે તેમ ‘કવિતા તો “ભાખા” (વ્રજભાષા)માં જ લખાય એવો વિચાર ગુજરાતીઓના મનમાં ઠસી ગયેલો, અને જો કે દયારામ અને બીજા કવિઓએ ગુજરાતીમાં કાવ્ય લખ્યાં છે, તો પણ તેમના મનમાં એવી ઇચ્છા રહેતી જ કે સુપ્રસિદ્ધ કવિ ગણાવા માટે વ્રજભાષામાં કલમની અજમાયશ કર્યા સિવાય બીજો રસ્તો નથી, અને તેથી જ ગુજરાતી કવિતા જોડે તેમણે ભેગાભેગી “ભાખા” માં પણ કવિતા લખેલી.’[22] દયારામયુગની આ ભાખાભક્તિ દલપતના જમાનામાં પણ ઊતરી આવેલી, એટલે એણે સૌથી ઊંડો અભ્યાસ આ ભાખાના જ સાહિત્યનો કરેલો, અને એનું નિત્ય પરિશીલન પણ આ ભાખાના કાવ્યગ્રન્થોનું જ થતું.[23] દલપતની તો મૂળ ઇચ્છા જ હિન્દી ભાષાના કવિ બની કોઈ રાજા રજવાડામાં રહી જવાની હોય એમ લાગે છે.[24] પણ ગુજરાતી ભાષાના સદ્ભાગ્યે એને ફાર્બસ સાહેબનો વખતસર ભેટો થઈ ગયો, અને પ્રેમાનન્દગુરુની પેઠે તેણે એને પરભાષાને બદલે માતૃભાષામાં જ કાવ્યરચના કરવાની સલાહ આપી. બાકી ફાર્બસ ન મળેલ હોત તો દલપતે કદાચ જિંદગીભર હિન્દીમાં જ કવિતા કરી હોત એમ એના પોતાના શબ્દો ઉપરથી સમજાય છે. એ કહે છે: ‘મેં પ્રથમ તુલસીકૃત રામકથા, સુન્દરવિલાસ, સુન્દરશૃંગાર, અને ભાષાભૂષણ વગેરે હિંદુસ્તાની ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરીને તે ભાષામાં કવિતા રચવાનો માવરો રાખ્યો હતો. પણ જયારે એ. કે. ફાર્બસ સાહેબનો મેળાપ થયો, ત્યારે તેમણે કહ્યું કે તમારે પોતાના દેશની ભાષામાં જ કવિતા કરવી જોઈએ અને તમે હિન્દુસ્તાન દેશ દીઠો નથી તેમ છતાં ભાષામાં કવિતા રચો ને, તે પ્રાંતના કવિઓ પાસે તપાસવા મોકલ્યા શિવાય, કેમ ખાતરી થાય કે તમને તે ભાષામાં કવિતા રચતાં બરોબર આવડે છે? તે સાંભળીને મેં ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું જારી રાખ્યું.” પણ હિન્દી છોડીને ગુજરાતીમાં કવિતા કરવા માંડ્યા પછી પણ એનો હિન્દીનો મોહ છેક નાબૂદ થએલો નહિ, એ એની ‘શ્રવણાખ્યાન', ‘જ્ઞાનચાતુરી’ આદિ ઉત્તર વયની હિન્દી કૃતિઓ ઉપરથી દેખાય છે. આ રીતે આ બધી વસ્તુ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દલપતની દૃષ્ટિ આગળ મૂળથી હિન્દી ઢબની કવિતાનો આદર્શ રહ્યો હતો, અને તેથી વાહન તરીકે હિન્દીને બદલે એણે ગુજરાતી સ્વીકારેલી તે પછી પણ એનું કવિત્વ હિન્દી શૈલીના બીબામાં જ ઢળ્યું હતું. હકીકત જો આમ હોય, હિન્દી શૈલી જ જો દલપતના-એકલા દલપતના જ નહિ, પણ એના કવિત્વ ઉદયસમયના સમસ્ત રસિકવર્ગના-કાવ્યાદર્શરૂપ હોય, તો નિરપેક્ષ ધોરણ ઘડીભર અળગું રાખી,-અળગું રાખવાનું તે ઘડીભર જ, કેમકે અન્તિમ નિર્ણય તો આપણે પણ નિરપેક્ષ ધોરણે જ કરીશું-એની દૃષ્ટિ સમક્ષ રહેલા હિન્દી શૈલીના ધોરણે જ એની કવિતાનો વિચાર કરવો એ જ દલપતને સાચો ન્યાય આપવાની રીત નથી લાગતી? અને તો પછી હિન્દી શૈલીનો એ સફળ કવિ હતો એ મત કદાચ આપણે ન સ્વીકારીએ તોપણ, એની કવિતામાંના શીઘ્રકવિત્વ, ચિત્રકાવ્ય, શબ્દખેલ, ઝડઝમક આદિ સભારંજની હિન્દી કવિતામાં આવશ્યક મનાએલા અંશોને, દલપતની નિન્દા કરવામાં નિત્ય આગળ કરીએ છીએ તેમ ન કરતાં એના હિન્દી કાવ્યાદર્શની દૃષ્ટિએ ક્ષમ્ય કે ઉપેક્ષણીય જ ગણીએ, એટલું દૃષ્ટિપરિવર્તન તો અવશ્ય થવું જ જોઈએ એમ નથી લાગતું? આમ દલપતને ન્યાય આપવા માટે એનાં કાવ્યો સભારંજની હિન્દી કવિતાના નમૂના પર રચાયાં હતાં એ વાત લક્ષમાં રાખવાની જેટલી જરૂર છે તેટલી જ તે પ્રાચીન કવિતાના અનુસંધાનરૂપ હતાં, ને તેથી જૂના જમાનાની કવિતાનાં કેટલાંક લક્ષણો એમાં પરંપરાથી ચાલ્યાં આવતાં હતાં એ વાત પણ લક્ષમાં રાખવાની જરૂર છે. આ સંબધમાં દલપતને મુંબઈ વાલકેશ્વરમાં ઉજાણી આપેલી તે પ્રસંગે એના પ્રતિસ્પર્ધી નર્મદે ઉચ્ચારેલા શબ્દો સૂચક છે. નર્મદે એ વખતે કહેલું કે ‘એઓ અસલી ઢબની કવિતા કરનારાઓમાં છેલ્લા અને નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલ્લા છે. [25] આ કથનનો ઉત્તરાર્ધ આપણે અત્યારે સર્વાંશે નહિ સ્વીકારી શકીએ, કેમકે નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલો આપણે દલપતને નહિ પણ નર્મદને જ ગણીશું, પણ પૂર્વાર્ધ તો પૂરેપૂરો સાચો છે. પ્રાચીન કવિતાનાં ઘણાંખરાં લક્ષણો સૌથી છેલ્લી વાર એનામાં જ મૂર્ત થએલાં દેખાય છે. એણે નવા વિચારોનો પ્રચાર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે અને એ રીતે નવા જમાનાની એણે કિંમતી સેવા બજાવી છે, છતાં એકંદરે એનો દેહ નિઃશંક જૂની માટીનો બંધાએલો છે. એટલે એ જૂના જમાનાની કેટલીક ન્યૂનતાઓ પણ એનામાં સ્વાભાવિક રીતે ઊતરી આવેલી છે એ વાત એની કવિતાની પરીક્ષા વખતે સ્મરણમાં રાખવાની છે. ઉદાહરણ તરીકે દલપતની કવિતામાં હિન્દી કવિતાના સભારંજની અંશો ઉપરાંત આપણને સૌને જે ખૂંચે એવી મુખ્ય વસ્તુઓ ત્રણ છેઃ (૧) ગદ્યાભાવે પદ્યનો દુરુપયોગ, (૨) બોધપરાયણતા, અને (૩) આત્મલક્ષી કાવ્યોની તેમ કાવ્યલક્ષણોની અલ્પતા. પણ આ ત્રણે વસ્તુઓ એકલા દલપતની વ્યક્તિગત ખામીઓ નથી, એ તો જે પ્રાચીન કવિતાના એ છેલ્લા પ્રતિનિધિરૂપ હતો તે સમસ્ત પ્રાચીન કવિતાની સમૂહગત ખામીઓ છે. કેમકે વર્તમાન યુગમાં ગદ્ય પૂરી છૂટથી લખાય છે, પણ પ્રાચીન યુગમાં નહોતું લખાતું, ને ક્વચિત લખાતું તો સાહિત્યમાં તેની પ્રતિષ્ઠા નહોતી. આથી કોઈને કંઈ પણ લખીને વ્યક્ત કરવું હોય તો તેને પદ્યનો જ આશરો લેવો પડતો અને તેથી કવિતાનો કચ્ચરઘાણ વળતો. દલપતમાં પણ એવું જ છે. એના જમાનામાં ગદ્યનો વપરાશ વધેલો, ને ‘બુદ્ધિપ્રકાશ'ના તન્ત્રી તરીકે તેમ છૂટક નિબન્ધોમાં એણે ગદ્ય પુષ્કળ લખેલું, છતાં છેક સુધી એને સુઘડ ગદ્ય લખતાં આવડેલું જ નહિ, અને ગદ્યની શક્તિ, એનું મૂલ્ય, કે પદ્યથી એનો પૃથક ઉપયોગ એ બધી બાબતોનું રહસ્ય એ સમજેલ નહિ, એટલે ગદ્યલાયક ઘણી વસ્તુઓ એણે પદ્યમાં જ લખી નાખી છે. એ જ રીતે પ્રાચીનો જે કંઈ લખતા તે મોટે ભાગે ઉપદેશ આપવાના સ્પષ્ટ ઉદેશથી જ લખતા, એટલે પ્રાચીન કવિતા બહુધા બોધપરાયણ જ હતી. અને તેથી દલપતની એ ન્યૂનતા પ્રાચીનોના વારસારૂપે જ જોવાની છે. વળી, પ્રાચીન કાળમાં આપણે ત્યાં આત્મલક્ષી કવિતા જૂજ લખાતી, મુખ્યત્વે પરલક્ષી કાવ્યો જ એ વખતે લખાતાં, ને તેથી કવિતામાં અત્યારે આપણે ઊર્મિ કે અન્તઃક્ષોભનું જેટલું પ્રાબલ્ય કે ઉત્કટતા આવશ્યક ગણીએ છીએ તેટલું પ્રાચીન કવિતામાં જવલ્લે જ જોવામાં આવે છે. આથી પ્રાચીનોના સીધા વંશજરૂપ દલપતમાં પણ આધુનિક કવિતા જેટલી ઊર્મિની ગાઢતા કે ઊંડા ભાવસંચલનની અપેક્ષા રાખવી એ અસ્થાને છે-કાળવ્યુત્ક્રમ છે એમ કહીએ તોપણ ચાલે, ખરી વાત છે કે નવા જમાનાની દેખાદેખીથી પ્રાચીનોના પ્રમાણમાં એણે આત્મલક્ષી કવિતા વિશેષ લખી છે, અને એમાં એના ‘ફાર્બસવિરહ'ની કેટલીક પંક્તિઓ તો ચિરસ્મરણીય છે, છતાં એનો સબળ અંશ તો પ્રાચીનોની પેઠે એની પરલક્ષી કવિતા છે, એટલે એને ન્યાય તો પ્રાચીન આખ્યાન કવિતાના ધોરણે જ એની કવિતાની પરીક્ષા કરવાથી આપી શકાય એમ છે. અને આ રીતે એને આખ્યાનકવિતાને ધોરણે તપાસીએ તો દલપતની કવિતા સન્તોષકારક લાગ્યા વિના નહિ રહે. અલબત્ત, એનાં આખ્યાનો બહુ ઊંચી કસોટીમાંથી પસાર થઈ શકે એમ તો નથી જ. એમાં કોઈ મહા ભાવનાનાં દર્શન થતાં નથી, એના ઘડતરમાં કોઈ પણ ઉચ્ચ પ્રકારનું સ્થાપત્યકૌશલ જોવામાં આવતું નથી, તેમ એની શૈલીમાં કોઈ વિશિષ્ટ ચમત્કૃતિનો પણ દાવો કરી શકાય એમ નથી, છતાં સુધારાની રસિક દૃષ્ટાન્તકથાઓ તરીકે એ ખરેખર મૂલ્યવાન છે. એનાં વર્ગચિત્રો સુરેખ ને વાસ્તવિક છે, એની કથનશૈલી પ્રવાહી ને મધુર છે, એનાં વર્ણનો તાદેશ ને મનોહર છે, એની ઉપકથાઓ મુખ્ય કથાને પોષક ને રસિક છે, અને લગભગ દરેક આખ્યાનમાં હાસ્યરસનો મીઠો પટ દીધેલો છે, એટલે એનાં આખ્યાનો એની પોતાની કવિતામાં તો સહેજે ઉત્તમ ઠરે છે જ, પણ સાથે આખા યુગની પણ ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન પામે છે. અને આ સઘળાં આખ્યાનોમાં પણ એનું ‘વેનચરિત્ર' સર્વોત્તકૃષ્ટ છે. ‘શ્રવણાખ્યાન' કદાચ ‘વેનચરિત્ર' કરતાં પણ ચડી જાય, કેમકે એ આખું આખ્યાન સમરસ છે, ગુણવત્તાની એક સરખી સપાટી તે જાળવી શક્યું છે, અને દલપતની અન્ય કૃતિઓમાં જે અપરસ, બાલિશતા, કે ટાયલાવેડા આવીને રસભંગ કરે છે તે એમાં બહુ જૂજ છે, પણ એ હિન્દીમાં છે, એટલે દલપતનું કેવળ ગુજરાતી સર્જન લઈએ તો તેનો ઉત્તમાંશ તો આ ‘વેનચરિત્ર' જ છે. નર્મદયુગે સાચું મહાકાવ્ય તો એકે સરજ્યું નથી, પણ આખા યુગની સમગ્ર પ્રવૃત્તિને કલાત્મક રૂપમાં ઝીલનાર ને એ સમયની પ્રજાના ચિદાકાશમાં સદા યે ઘુમ્યા કરતા વિચાર આદર્શ આદિને સાહિત્યના આકારમાં મૂર્ત કરનાર સુદીર્ઘ કથાકાવ્યને એ નામ આપવાની જો છૂટ લઈએ તો આ ‘વેનચરિત્ર' એ નર્મદયુગનું જેવું તેવું પણ મહાકાવ્ય છે. રમણભાઈના ‘રાઈનો પર્વત’ની પેઠે સમકાલીન સુધારાના સમસ્ત કાર્યક્રમને એણે પોતામાં સમાવી દીધો છે. ‘રાઈનો પર્વત'ની જેમ એ પણ જૂના વસ્તુમાં નવા વિચારો ગૂંથવાનો અને એ રીતે જૂના પાત્રમાં નવો રસ રેડવાનો સાહસિક છતાં પ્રશંસાપાત્ર પ્રયોગ છે. પ્રેમાનન્દપદ્ધતિની ભાષા ને પદ્યરચના ઉભય એમાં દલપતે આબાદ પકડી લીધેલ છે. અલબત્ત, એમાં ખામી નથી જ એમ નથી. એનું દીર્ઘસૂત્રીપણું કંટાળાજનક છે, બધા યે રસો આણવાનો એનો પ્રયાસ કૃત્રિમ ને ક્લિષ્ટ છે, અને એના પાત્રાલેખનમાં પણ પુષ્કળ કચાશ છે, છતાં અને ખામીઓ છતાં ‘કરણઘેલો' જેમ નર્મદયુગની ઉત્તમ નવલકથા છે, તેમ અનેક ખામીઓ છતાં ‘વેનચરિત્ર' નર્મદયુગનું ઉત્તમ કથાકાવ્ય છે. એટલે એની બીજી બધી રચનાઓને બાતલ રાખીએ તોપણ એકલા આ ‘વેનચરિત્ર' આદિ આખ્યાનોના કર્તા તરીકે પણ એનો કવિયેશ સુરક્ષિત છે.

‘The only poetic element on his face is a roguish humour.’ [26] પૂર્વવયમાં નવલરામ પોતાના વતનભાઈ ને મિત્ર નર્મદ પર બેહદ આફરીન હતા અને તેથી તેના પ્રતિસ્પર્ધી દલપત તરફ તુચ્છતાની નજરે જોતા એ વખતનું એમનું આ વાક્ય છે. સૂરતથી અમદાવાદ બદલી થતાં એમણે અમદાવાદ આવીને દલપતની જે પહેલી મુલાકાત લીધેલી તેનું વર્ણન કરતાં સૂરતના વાતાવરણમાંથી દલપતવિરોધી પવન મગજમાં ભરી લાવેલા તેની અસર નીચે દલપત વિષે એમણે જે નિન્દાત્મક નોંધ પોતાની રોજનીશીમાં લખેલી તેમાંથી એ લીધું છે. પણ નવલરામ તો તટસ્થ પરીક્ષક હતા, એટલે ઉત્તરવયમાં એમની વિવેચનશક્તિ પરિપક્વ થતાં એમણે દલપતની ઉચિત કદર કરેલી, એટલું જ નહિ પણ ‘નર્મકવિતા'ની પ્રસ્તાવનામાં એમણે નર્મદની પેઠે તેને પણ એ જમાનાની કાવ્યમૂર્તિ તરીકે ઓળખાવેલ. આમ નવલરામે તો દલપત પ્રત્યેની પોતાની નિન્દકવૃત્તિ તરત જ બદલી નાખેલી, છતાં એ વખતનું એમનું વાક્ય આંહીં એટલા માટે ટાંક્યું છે કે દલપતની ભારેમાં ભારે નિન્દા કરવાની વૃત્તિ ચિત્તમાં પ્રધાન હોય એવે વખતે અનિચ્છાએ પણ સ્વીકારવો પડે એવો એક વિશેષ કાવ્યગુણ દલપતમાં હતો, અને તે એનો હાસ્યરસ, એ વાતની વાચકને પ્રતીતિ થાય. આ હાસ્યરસ નવલરામે એ વખતે માત્સર્યથી કહેલો તેવો ‘roguish' - ધૂર્તોચિત-નહિ, પણ એમણે જ પાછળથી વર્ણવેલો એવો ‘શુદ્ધ જાતિનો[27] ને ‘ઠાઉકો [28] હતો. વળી દલપતના આ હાસ્યરસમાં એક પ્રકારની સ્વકીયતા પણ રહેલી હતી. અર્વાચીન કવિતામાં કથાકવિ તરીકેની એની જે વિશિષ્ટતા છે તેમાં એને સર્વથા સ્વતન્ત્ર કહી શકાય એવું નથી. કેમકે એની કથનકળા અને એનો વાર્તારસ કેટલેક અંશે પ્રેમાનન્દ ને સામળના વારસારૂપ છે. પણ આ હાસ્યરસ તો એની સર્વથા સ્વકીય ગણાય એવી સંપત્તિ છે. કોઈના અનુકરણ રૂપે બહારથી આણેલી કે ઉપરથી ધારણ કરેલી એવી એ વસ્તુ નથી, પણ એની પ્રકૃતિના મૂળમાં જ રહેલી[29] અને તેથી એની સમગ્ર ચિત્તપ્રવૃત્તિના સ્વરૂપનું નિર્માણ કરનાર ઘટક તત્ત્વ જેવી એ સ્વકીય વસ્તુ છે. દલપતે જે કવિતાશૈલીનો સ્વીકાર કરેલો તેનો આ દૃષ્ટિએ પણ વિચાર કરવા જેવો છે. શુદ્ધ કવિતા તરીકે એ નિકૃષ્ટ કોટિની હોવા છતાં એની પ્રકૃતિની વિનોદપરાયણતાને વાણીરૂપે વ્યક્ત કરવામાં આના જેવી અનુકૂળ કવિતાશૈલી બીજી જડવી મુશ્કેલ છે. કેમકે સાધારણ રીતે કવિત્વના વિરોધી ગણાય એવા શ્લેષ, પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, શબ્દચાતુરી જેવા આ સભારંજની કવિતા શૈલીના કેટલાક અંશો હાસ્યરસની નિષ્પત્તિમાં સબળ સાધન રૂપ થઈ પડે છે. આ રીતે, શુદ્ધ હાસ્યરસની સાચી નૈસર્ગિક શક્તિ ધરાવનારા અને એ હાસ્યરસના આવિષ્કરણને માટે સર્વથા અનુકૂળ કવિતાશૈલીના ઉસ્તાદ એવા કવિઓ ગુજરાતી ભાષામાં થોડા જ થયા છે. અને એ થોડામાં દલપતનું સ્થાન ઊંચું છે. ખરી રીતે પ્રેમાનન્દ પછી ગુજરાતી સાહિત્યમાં કોઈ સમર્થ હાસ્યરસકવિ થયો હોય તો તે દલપત જ છે. અલબત્ત, દલપતે પોતાની શક્તિનો ઉપયોગ માનવ સ્વભાવનું સૂક્ષ્મ, પૃથક્કરણ કરી એમાંના હાસ્યમય અંશો પ્રકટ કરવામાં બહુ નથી કર્યો, એટલે ખુદ પ્રેમાનન્દની હારમાં તો એને કોઈ નહિ મૂકે, છતાં એણે છૂટક પ્રસંગમાં ખીલવેલો હાસ્યરસ પણ એવો સ્વાભાવિક ને સચોટ છે કે ‘મિથ્યાભિમાન નાટક'માંનાં જીવરામ ભટ્ટ જેવાં એનાં કેટલાંક પાત્રો, ‘વેનચરિત્ર'માંનાં એનાં કેટલાંક ચિત્રો, ‘અંધેરી નગરી' જેવાં એનાં કેટલાંક ઉપાખ્યાનો, અને ‘સાંબેલું બજાવે', ‘ધૂડ કહે' આદિ જેવી એની કેટલીક અન્યોક્તિઓ આપણા હાસ્યરસના સાહિત્યમાં સદા યે પોતાનું સ્થાન સાચવી રાખશે એમાં શંકા નથી. દલપતના વિરોધીને પણ સ્વીકારવી પડે એવી એની બીજી વિશિષ્ટતા બાલભોગ્ય કવિ તરીકેની છે. આ વિષયમાં એની કેટલીક લાયકાત તો સાવ સ્પષ્ટ છે. એની ભાષા સાદી ને મધુર છે, એના વિચાર સરળ ને સુબોધક છે, એની પદ્યરચના પ્રવાહી ને સુઘડ છે, અને દલપતની છબી એની એકંદર શૈલી ને સંસ્કારી છે. વળી જેને માટે પોતે લખતો હોય એ વર્ગના અંતરમાં ઊતરી એની ચિત્તકક્ષા સમજી લેવાનું ને એ ચિત્તકક્ષા પર પોતાની જાતને મૂકી એને રોચક બને એવી રચના કરવાનું કૌશલ એનામાં કુદરતી જ છે, એટલે ગુજરાતમાં એ વખતે જે નવી વચનમાળા તૈયાર થયું હતું. આ બનાવને મણિલાલ કેવળ પક્ષપાતનું પરિણામ ગણાવે છે, પણ એ સમયની સ્થિર થઈ તેણે માટે કવિતા કરવા એમને ખાસ આગ્રહ કરી નીમ્યા એ યોગ્ય જ થયું હતું. આ બનાવને મણિલાલ કેવળ પક્ષપાતનું પરિણામ ગણાવે છે, પણ એ સમયની સ્થિતિને મણિલાલની પેઠે અંગત રાગદ્વેષની દૃષ્ટિથી નહિ પણ સ્વસ્થ ચિત્તે જોઈએ તો ચોક્કસ જણાશે કે વાચનમાળાની કવિતા માટે એ વખતે યોગ્યતમ કવિ દલપત જ હતો. કેમકે વાચનમાળા રચાઈ ત્યારે ગુજરાતમાં અગ્રણી કવિ બે જ હતા: દલપત ને નર્મદ. આમાં નર્મદની કવિતાના બીજા ગમે તે ગુણ હોય પણ બાલભોગ્ય કે વાચનમાળાને જોઈએ તેવી તો એ હતી જ નહિ એ સૌ કોઈ સ્વીકારશે. કારણ કે નર્મદ મસ્ત શૈલીનો કવિ હતો, અને મસ્ત શૈલી બીજી રીતે પ્રશસ્ય હોવા છતાં બાળકોને તો ભાગ્યે જ અનુકૂળ આવે એ સ્પષ્ટ છે. વળી નર્મદની ભાષા અણઘડ હતી, એના વિચાર અટપટા હતા, અને એની પદ્યરચના પણ ક્લિષ્ટ હતી. એટલે નર્મદ તો કોઈ રીતે વાચનમાળાને માટે લાયક હતો જ નહિ. આથી એ કામ દલપતને સોંપાયું એમાં હોપસાહેબનો કોઈ જાતનો પક્ષપાત નહિ પણ ઊંડી વિવેક બુદ્ધિ જ સમજવાની છે અને એ બદલ એમની તારીફ જ કરવી ઘટે છે. અલબત્ત, દલપતની રચનાઓમાં બાલભોગ્ય કવિતાનાં કેટલાંક મહત્ત્વનાં અંગો ખૂટે છે એ વાતની ના પડાય તેમ નથી. ઉદાહરણ તરીકે, બાલકોને માટે એ વધારે પડતી ઠાવકી લાગે એવી છે. કેમકે બાલજીવનનો અકૃત્રિમ તરવરાટ કે ચંચળતા એમાં નથી, તેમ બાલવયમાં સહજ એવી તરંગલીલા પણ એમાં નથી. છતાં આપણે ત્યાં જે થોડી બાલકવિતા લખાઈ છે તેમાં દલપતનો ફાળો મૂલ્યવાન ગણવો પડે એવો છે. એટલે જ ગમે તે દૃષ્ટિએ બાલકાવ્યોનો સંગ્રહ કરીએ તોપણ એમાં દલપતની કેટલીક કૃતિઓ લીધા વિના ચાલે એવું નથી. અને દલપતની બાલકવિતા કેવળ હોપવાચનમાળામાં છે તેટલી જ ગણવાની નથી. એની નાની નાની પદ્યવાર્તાઓ તથા એનાં હાસ્યકાવ્યોનો પણ એની બાલકવિતામાં સમાવેશ કરવાનો છે. અને એ બધા સંગ્રહનો સામટી રીતે વિચાર કરીએ તો કદાચ એમ લાગશે કે દલપતની કવિતાના સાચા ભોક્તા બાલકો જ રહેશે ને ભવિષ્યમાં એની કવિતામાં સૌથી વધારે રસ બાળકોને જ પડશે. આ વાત વ્યાપક રૂપે આખા નર્મદયુગને પણ લાગુ પડે છે. આખો નર્મદયુગ જ સંસ્કારજીવનના શૈશવ જેવો હતો, એટલે એ યુગનું ઘણું ખરું સાહિત્ય સંસ્કારજીવનના શિશુઓને જ રુચે એવું છે. પણ તેમાં યે દલપતની કવિતાને એ વાત સૌથી વધુ લાગુ પડે છે-ગુણ તેમ મર્યાદા ઉભય રૂપે. અત્યાર સુધી દલપતને આપણે સાપેક્ષ દૃષ્ટિએ નિરખ્યો, એનો જમાનો, એની પરિસ્થિતિ એ બધાનો વિચાર કરતાં એ આપણને કેવો લાગે છે એ આંહી સુધી આપણે જોયું છુંવે આપણે નિરપેક્ષ દૃષ્ટિએ એની છબી જોઈએ. એ દૃષ્ટિએ, દલપત કોઈ વિરાટ પુરુષ તો છે જ નહિ, એ કહેવાની તો જાણે જરૂર જ નથી. વિરાટ તો શું, અતિકાય પણ એને આપણે કહી શકીએ એમ નથી, અને તેમ છતાં સામી બાજુથી સૌ માને છે એવા છેક વામન પણ એમ નથી તે પણ નક્કી છે. જોતાં જ આંજીનાખે એવો અસાધારણ ગુણ એનામાં એક દ્વારા ગુજરાતની એણે એવી અવિસ્મરણીય સેવા બજાવી છે કે એ સહેજે મહત્તા સર કરી જાય છે. નર્મદના જેવું ઉદ્ધત પરાક્રમશાળી કે ઉત્કટ તેજશાળી અલબત્ત એનું જીવન નથી, પણ તે શાન્ત સત્ત્વવત્તું અને સૌમ્ય પ્રભાદીપતું જરૂર છે. પ્રાગર્વાચીન ગુજરાતનો એ એક ઉત્કૃષ્ટ નમૂનો છે. નવા જમાનાના ગુણદોષોનો પટ લાગ્યા પહેલાંનું ગુજરાતનું સંસ્કારી જીવન કેવું હતું તેની મૂર્તિ એના જીવનમાં સ્પષ્ટ રીતે અંકિત થએલી છે. અને આમ જૂના ગુજરાતના પ્રતિનિધિ જેવો હોવા છતાં નવા ગુજરાતના ઘડતરમાં એણે અગ્ર ભાગ લીધો છે. અંગ્રેજોના આગમન પછી ગુજરાતમાં જે પુનરુજ્જીવન શરૂ થયું તેનો એ મહાન આગેવાન છે. એટલે ગુજરાતના અર્વાચીન જ્યોતિર્ધરોમાં એનું સ્થાન પ્રથમ પંક્તિમાં છે. એ જયોતિ અંગ્રેજોએ સળગાવેલો, અને દલપત તેમાં કેવળ નિમિત્તરૂપ જ હતો એમ માની એની અવગણના કરી શકાય એમ નથી. કેમકે જેને આપણે ધુરંધર સુધારક કહી શકીએ એવા નર્મદ જેવા અંગ્રેજીમાં પ્રવેશ પામેલા એટલે તેણે એ ભાષાના વાડ્મયમાંથી સીધી પ્રેરણા મેળવેલી, ત્યારે દલપતને એ દ્વાર બંધ હતાં તેથી એને ફાર્બસ પાસેથી તે મેળવવી પડેલી. કેવળ સાહિત્યકાર તરીકે એ આટલો મોટો નથી એ ખરું. પણ એ સ્થિતિ નર્મદયુગના બધા-નવલરામ જેવા થોડા અપવાદો સિવાય બીજા બધા-સાહિત્યકારોની છે. એ યુગના સઘળા સાહિત્યકારોમાં માનવી તરીકે જે મહત્તા છે તે શુદ્ધ સાહિત્યકાર તરીકે જણાતી નથી. અને છતાં સાહિત્યકાર તરીકે પણ દલપતનું અર્પણ છેક તુચ્છ નથી એ નિઃશંક છે. એ કોઈ મહાકવિ નથી એ તો સ્પષ્ટ છે. મહાકવિ તો શું, ઉત્તમ કોટિનો પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવો કવિ પણ એ છે નહિ. છતાં કવિઓના વર્ગમાંથી અત્યારે સૌ એનો બહિષ્કાર કરવા માગે છે એ શક્ય નથી. ‘વેનચરિત્ર' જેવી અને વિશેષમાં બાલકવિ તરીકેનું એનું સ્થાન અવિચલ એની કેટલીક પરલક્ષી કૃતિઓ દીર્ઘકાળ સુધી ટકે એવી છે. ગુજરાતી પ્રજાના એણે દોરેલા કેટલાંક વર્ગચિત્રો અમર રહી જાય એવાં છે. એણે રેલાવેલો મીઠો હાસ્યરસ અને એણે રચેલી મર્માળી અન્યોક્તિઓ પણ સહેજે વીસરાય એમ નથી.[30] અને વિશેષમાં બાલકવિ તરીકેનું એનું સ્થાન અવિચલ છે. એટલે સાહિત્યપ્રદેશમાં યે એની કવિતાનું નાનું પણ નિર્મળ ઝરણું ગુજરાતને રસપાન કરાવતું લાંબો વખત વહ્યા કરશે એ નક્કી છે.૩૧

સં. ૧૯૮૮

નોંધ :-

  1. જુઓ એ સમયના હિન્દુપ્રવાસી બિશપ હેબરે ઇ.સ. ૧૮૨૪ના માર્ચમાં ગુજરાતીમાંથી લખેલા એક પત્રમાના શબ્દો : I have now been traversing, where every man is armed. where every third or fourth man, a few years since, was a thief by profession, and where in spite of English influence and supremacy, the forests, mountains, and multitudes of petty sovereignties afford all possible scope for the practical application of Wordworth's "good old rule"...... -Bishop Heber's Indian Journal, Vol. II. p. 225.
  2. ડાહ્યાભાઈ દેરાસરી: ‘સાઠીનું સાહિત્ય,' પૃ. ૮
  3. દલપતરામ : ‘મારો જન્મ વઢવાણમાં ભિક્ષુક કુળમાં એક આંબલીના ઝાડ નીચે નીચી છાપરી કે જેની ઉપર બે શેરીનાં કુતરા ટોળે મળીને લડતાં હતાં; એવી નીચે છાપરીમાં સંવત ૧૮૭૬ ના મહા સુદ ૮ એટલે તા. ૨૪ જાનેવારી સને ૧૮૨૦ ની સાલમાં થયો હતો.’
  4. દલપતરામ : ‘એક સમે મારા પિતાના અગ્નિ ગત થઆ હતા, તેનું મંથન કરવામાં પરનાતીલો બ્રાહ્મણ કોઇ કામમાં લેવાતો નહિ, ને નાતવાળા સૌ પરગામ ગઆ હતા. વાસ્તે મારા માતપિતાને ઉપવાસ ૨) થઆ હતા, ને વિદ્વાન સાગ્નિક ઔદિચ બ્રાહ્મણો ગામમાં હતા. પણ જારે ખડુ જેવા પણ અમારા નાતીલા શ્રીમાલી બ્રાહ્મણો આવી પહોંચા તારે અગ્નિમંથન થયું ને પારણાં કીધાં,... ‘જ્ઞાતિનિબન્ધ, પૃ. ૧૮૫.
  5. દલપતરામ : ‘ એ રીતે આજ પૂરાં અઠાવીસ વરસની મારી અવસ્થા થઇ, પણ ભૂત આદિકની વાસ સાચી જોવામાં કોઈ ઠેકાણે આવી નહીં તથા મન્ત્રશાસ્ત્ર, જે મન્ત્રમહોદધી, શારદાતિલક, તથા રૂદ્રયામલ તેનો અભ્યાસ મારી પહેડીઓથી ચાલો આવે છે, મન્ત્રના પ્રયોગ તથા બીજા કેટલાએક પ્રકારના મંત્ર સાધવા સારુ, કાળી ચઉદશની રાતે, તથા ગ્રહણવેળાએ કોઈ જતિના પ્રસંગથી, મેં પ્રથમ ઘણાએક ઉપાય કર્યા હતા, તેમાં કેટલાએક તો મોઢેથી કહેવા લાયક તથા લખવા લાયક નથી.' - ‘ભૂતનિબન્ધ,' પ્રસ્તાવના.
  6. કાશીશંકર મૂળશંકર દવે : ‘દલપતરામ,' પૃ. ૧૫૪
  7. ફાર્બસસાહેબ પોતે ‘રાસમાળા'ની પ્રસ્તાવનામાં એ વાત આમ જણાવે છેઃ
    I had not been very long in Goozerat, when in the course of my public employment, a paper was placed before me which beore the character- istic signatures of two bards. My curiosity was excited. I made enqui- ries, and sought the acquaintance of such of the class as were within my reach. Of the treasury of the bardic repurtoire I thus obtained a glimpse which stimulated instead of satisfying me. I soon felt that native assistance was absolutely necessary both to enable me to over- come the scruples of those who possessed the legendary hoard in which I desired to participate and also to furnish me with some knowledge of the bardic dialect which was required as a means of unlocking the casket in which was the treasure was contained. Good fartune brought early to my notice the name of the Kaveshwar, or poet-for with that title Daplatram is invested by the suffrage of his countrymen-and I serured his services in A. D. 1848. From that period my valuable co-adjutor has been almost constantly by my side. It was some time before our efforts met with success, althought I furnished him with the means of making the tour of a considerable portion to Goozerat, with the view fo collect- ing chronicles and traditions, and of copying inscriptions.'
  8. જુઓ સે. ૧૯૩૯માં નવલરામે આપેલો અભિપ્રાય: ‘ દલપતરામની કવિતાના રસ કે ગાંભીર્ય સંબન્ધી ટુંકા સાક્ષર મંડળમાં ગમે એવા વિવધિ અભિપ્રાય હો, પણ એ વાત તો નિશ્ચત છે કે લોકોના સાધારણ સમૂહમાં સર્વોપરી જનપ્રિય કવિ આ જમાનામાં આપણા ગુજરાત પ્રાંત ખાતે દલપતરામ જ છે." -'નવલગ્રન્થાવલિ, ૨, ૨૫ર,
  9. કાશીશંકર : ‘ભાવનગર, ઇડર, જુનાગઢ, વઢવાણ અને ઈલોલના દેશી રાજ્યો તરફથી અનુક્રમે ૨૦૦,૧૦૦, ૧૦૦, ૧૦૦, અને ૫૦ એ પ્રમાણે વર્ષાસન એમને બાંધી આપવામાં આવ્યા હતા.'-'દલપતરામ,' પૃ. ૪૮.
  10. દલપતરમ :- ‘કેટલાંએક વરસ સુધી મેં એવો ઠરાવ રાખ્યો કે મુંબાઇ, અમદાવાદ કે કાઠિયાવાડમાં નિબંન્ધ રચવાના ઇનામની કોઈ જાહેરખબર છપાય તો તે વિષે નિબન્ધ રચીને મોકલવો. તેથી મને બાર ઇનામ મળ્યાં છે. મારો લખેલો એક નિબન્ધ છેક નિષ્ફળ ગયો નથી. તે સિવાય સરકારની અથવા બીજા ગૃહસ્થની ફરમાશથી રચીને અથવા પુસ્તક રચીને કોઈને ભેટ કરીને ૧૩ ઇનામો મેં મેળવ્યાં છે.' -'દલપતકાવ્ય,' ૧,૬.
  11. દલપતરામ : ‘ગુજરાત વર્નાક્યુલર સૌસેટીનો ઇતિહાસ,' ‘બુદ્ધિપ્રકાશ,' ૨૫, ૧૭૧-૨.
  12. ગાયકવાડના રાજ્યાભિષેક પ્રસંગે દલપતરામ વડોદરા ગયા, ત્યારે ત્યાનાં શેઠરતનજીશાપુરજીકંટ્રાક્ટરે એમનો ખાસ ફોટો લેવરાવી તે ઉપરથી મોટા કદની રંગની છબી બનાવવાનું કામ વિલાયતના ચિત્રકારને સોંપેલું આ વખતે ભોળાનાથ સારાભાઈ તે પારસી ગૃહસ્થને ત્યાં હાજર હતા, એટલે તેમણે ભેગાભેગી પોતાને માટે એક છબી વિલાયતથી મંગાવેલી, જુઓ ‘બુદ્ધિપ્રકાશ,' ૧૮૭૮, માર્ચ પૃ. ૫૪-૮.
  13. આ પ્રાણશંકર બાપાનો કિસ્સો જાણવા જેવો છે. એ વખતની સમાજસ્થિતિનો તેમ વર્તમાનપત્રોની ગ્રામ્ય અનાડી લખાવટનો એથી ઠીક ખ્યાલ આવે છે. પ્રાણશંકર બાપા એ વખતના એક જાણીતા વિસલનગરા નાગર ગૃહસ્થ હતા. રૈયત ઉપર કંઈ જુલમ થાય તો સૌ એની આગળ દાદ માગવા જતું. રાંડેલી છાંડેલી સ્ત્રીઓની ખોરાકી પોશાકી વગેરે માટે લડવું એ એનું કામ હતું. લોકો વતી સરકારમાં અરજી કરી ઝઘડવું એ એનો ધંધો હતો. એને ‘આંગણે પાટો ઢાળેલી રહેતી હતી. અને જેમ ફરીઆદ કરવાને લોકો કોરટમાં એકઠા થાય છે તેમ તેમના ઘર આગળ હંમેશાં માણસોની ઠઠ મળતી હતી.' શહેરમાં એના નામની હાક વાગતી હતી ને સૌ એનાથી કાંપતા હતા. લોકોને એની શક્તિ માટે કેવો ખ્યાલ હતો એ દર્શાવનારો એક પ્રસંગ છે. એક વાર હીરાલાલ નામે ફોજદાર પ્રાણશંકરના ઘર આગળથી નીકળ્યો. તે વખતે એની ખાળનું પાણી બહાર વહેતું જોયું, એટલે તેણે એનું નામ નોંધ્યું. ત્યારે એક જણે કહ્યું કે ‘બાપા એવા છે કે તમને ને કલેકટર સાહેબને બંનેને કાઢી મુકાવે.' પછી ફોજદારે દંડ કરાવ્યો તે ‘બાપા' એ ઠેઠ મુંબઈ સરકાર સુધી લડી પાછો મેળવેલો. આવા જોરાવર માણસ સામે સોસાઈટીના વર્તમાનપત્રે માથું ઊંચક્યું ને લખ્યું: ‘હમણાં અમે પ્રાણશંકરને એક લુગડાની પેઠે પલાળીએ છીએ, ને પછી બે માણસ અમે સામાસામી પકડીને આંબળીશું. કાં તો ફાટે છે કાં તો ટુટે છે. પછી સીકંચામાં નાંખીશું એટલે અધુરો પુરો થશે. અમે એ પ્રાણશંકરને ખબર કરવાને સારુ તમને જણાવીએ છીએ કે એ પ્રાણશંકરને ખોદાની બંદગી કરવી હોય તો કરી લે, અમે કાલથી નીચોવવું શરૂ કરીશું.' આથી પ્રાણશંકરે દાવો માંડેલો ને વતમાનપત્રને ખાડામાં ઊતરવું પડેલું. દલપતરામ સાથેની વાતમાં વકીલ ‘એ તો દંડાઓનું કામ' એવું જે કટાક્ષવચન કહે છે તે આવી વ્યક્તિઓ ને પ્રસંગોને ઉદેશીને જ કહેતા લાગે છે.
  14. આના પુરાવા માટે ‘દલપતકાવ્ય'માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વિષે' નામે જે ઇતિહાસ આપ્યો છે તેમાં, કેટલીક પંક્તિઓ મળે છે તે જુઓઃ
    ‘છોટા જન શ્રમ કરીને કારજ સુધારે પણ,
    તે કર્યાનો સુજસ તો મોટા જન માણશે;
    કડિયો કારીગરી કરીને કરશે મકાન,
    એનું નામ કહો પછી કોણ યાદ આણશે;
    પાયો નાંખ્યો ગવર્નરે વાત તે પ્રસિદ્ધ થશે,
    વારે વારે યાદ કરી લોક સૌ વખાણશે;
    દાખે દલપતરામ દાખલો દેખી આ ઠામ;
    જગતની રીત એવી જાણનાર જાણશે;”
    (ભા: ૧, પૃ. ૩૧૩)
  15. ‘શ્રવણાખ્યાન,' ૩.
  16. દલપતનાં વ્યાખ્યાનો કેટલાં બધાં અસરકારક નીવડતાં તેનો આપણને અત્યારે યથાર્થ ખ્યાલ આવવો મુશ્કેલ છે, પણ એનું એક દૃષ્ટાન્ત જળવાઈ રહ્યું છે. સં. ૧૯૧૯માં દલપતે ‘રાજવિદ્યાભ્યાસ’ નામે વ્યાખ્યાન આપેલું, એ વ્યાખ્યાનની એવી ઊંડી ને વ્યાપક અસર થએલી કે એને લીધે અત્યારની રાજકોટની રાજકુમાર કોલેજ સ્થાપવાની હીલચાલ શરૂ થએલી. એની પાછળથી છાપેલી આવૃત્તિમાં વ્યાખ્યાનને અન્તે દલપતરામ પોતે નોંધે છે કે ‘આ કવિતા ઘણી સભાઓમાં સાહેબલોકો ને દેશીઓને વાંચી સંભળાવી હતી. પરમેશ્વરે મિ. કીટિજ સાહેબના મનમાં પ્રેરણા કરી, અને રાજકોટમાં રાજકુમાર કોલેજ સ્થાપી, તેથી આ ચોપડીની મતલબ પાર પડી છે. અર્થાત વિનયનો પડદો કાઢી નાખીએ તો દલપતરામના આ શબ્દો જણાવે છે કે રાજકુમાર કોલેજના વિનયનો એ ‘રાજવિદ્યાભ્યાસ' વ્યાખ્યાનને પરિણામે પ્રત્યક્ષ અને તાત્કાલિક નહીં તો પરોક્ષ ને દૂરદરની અસરને લીધે-થએલી. દલપતના ચરિત્રલેખક અમદાવાદમાં અસંદિગ્ધ શબ્દોમાં આ હકીકત કહે છે : ‘એમ કહેવામાં આવે છે, કે એમણે અમદાવાદમાં આપેલા રાજવિદ્યાભાસ ઉપરના ભાષણની ચર્ચાની અસરથી રાજકોટમાં રાજકુમાર પાઠશાળા અને વઢવાણમાં તાલુકદારી ગીરાસીયા શાળા સ્થાપિત થઇ હતી.'-દલપતરામ,' પૃ. ૫૮.
  17. દલપતરામ : ‘અને વળી તેમણે (ફાર્બસસાહેબે) દલપતરામને કહ્યું કે જો તમે તમારા દેશનું ભલું ચાહતા હો તો દેશી લોકોથી અતડા પડશો નહિ અને ધીમે ધીમે સુધારો કરવાની ધારણા રાખજો; મીઠાશ ભરેલાં વચનોથી જેવી અસર થશે એવી કડવાં વચનોથી લોકોને અસર થશે નહિ.’– ‘બુદ્ધિપ્રકાશ', ૧૮૭૮, એપ્રિલ, પૃ. ૭૭.
  18. દલપતે આ વિષે એક સ્વતંત્ર લેખ લખેલો તે આખો ય ઉતારવા જેવો છે :-
    ધીરે ધીરે સુધારો
    દેશમાં વિદ્યાનો ને જ્ઞાનનો વધારો થશે તેમ તેમ સદ્ગુણનો વધારો થશે અને વહેમનો નાશ થશે. માટે સંપીને વિદ્યાનો વધારો થાય તેમ કરવું. કોઈ શ્રીમન્ત અથવા વૃદ્ધ માણસ હોય તેની મર્યાદા રાખવી પડે છે. જેમકે કોઈ રાજા હોય તે ઘણાં માણસોમાં બેશીને ભૂતની કે જાદુની મોટી મોટી વાતો કરતો હોય ત્યારે તેને કહીએ કે તમે જૂઠ બોલો છો અથવા કહીએ કે તમારામાં અક્કલ નથી, તમે ભોળા છો તેથી એવી વાતો સાચી માનો છો તો તેથી ઉલટું તેને દુઃખ લાગશે અને કાંઈ પણ સારી અસર થશે નહિ. એવે ઠેકાણે એવા માણસને દુઃખ લાગે નહિ એવી યુક્તિથી બોલતા આવડે તો બોલવું, નહિ તો સાંભળી રહેવું તે સારૂં છે. તેમ જ હરેક માણસને સુધારવા ચહાતો હોય તેણે હરેક માણસનું અપમાન કરવું નહિ, કેમકે ઉપદેશકને તો રાજા અને ગરીબ સરખા છે માટે તેણે તો સૌની પ્રીતિ સંપાદન કરવી અને મધુર ભાષણથી એવા વાચકોના મનમાં અસર કરવી. દૂરાગ્રહથી અને સામાનો તિરસ્કાર કરવાથી તેના ભાષણની અસર થતી નથી અને ઉલટી જૂદાઈ પડે છે. અને દેશનું ભલું કરવા ચાહાતો હોય પણ તેનાથી ભલાને બદલે ભુંડું થાય છે. ને તેનો શ્રમ નિષ્ફળ જાય છે. માટે ઓ દેશી સુધારકો તમે આ દેશનું કલ્યાણ ચાહીને જેમ મોટા મુનિયો ગંભીરતાથી ઉપદેશ કરતા હતા તેવી રીતે મધુર ભાષણોથી ઉપદેશ કરો અને લોકોની પ્રીતિ મેળવો કે જેથી તમારા ભાષણની અસર તેઓના મનમાં થાય અને જે કરવાનું છે તે એકદમ કરવા ધારવું નહિ પણ ધીમે ધીમે સુધારો કરવાની ઇચ્છા રાખો અને મુખ્ય સંપ વધારવાનો ઉપદેશ કરો અને જે જે કારણોથી દેશીઓનાં મન જૂદાં જૂદાં પડતાં હોય તે વાત હાલ પડતી મુકો અને વિદ્યાનો વધારો કરવાનું આપણે કહીશું અથવા ઉદ્યોગ કે કળાકૌશલ્ય વધારવાનું કહીશું, તે વાતથી ઉલટા આપણા લોકો કોઈ થનાર નથી. ધીમે ધીમે લોકોની વિચારશક્તિ વર્ષ એવા ઉપાય સૌ સાથે હળતા મળતા રહીને કરો. દોડીને ઉતાવળથી સુધારો કરવા ગયા હતા તેઓ આવ્યા પડ્યા હતા અને છોકરવાદમાં ગણાયા હતા. અને તે જુવાનીઓ જ્યારે પુખ્ત ઉમરમાં આવ્યા ત્યારે પોતાના કામનો પસ્તાવો તેઓને કરવો પડયો હતો માટે તેમ થવું લોકોની બેડી એક ઘાએ કદી તૂટે નહિ. પણ ધીમે ધીમે ઘસારો કરાવાથી તૂટે તેમ જ વહેમી લોકોના વહેમ એકદમ તોડવા જતા ઉલટું નુકશાન થાય તેમ કરવું નહિ. આપણે હિંદુ, મુસલમાન, પારશી અને ખ્રીસ્તીએ સંપીને ચાલવું જોઇએ અને એક બીજાના ધર્મની ખોદણી કરવી નહીં. અને જેથી તકરાર ઉઠે અને આપણાં મન જુદા પડે એવી કાંઈ પણ વાત જાહેરમાં બોલાવી નહિ-
    'બુદ્ધિપ્રકાશ.' ૧૮૭૮, ડિસેમ્બર, પૃ. ૨૬૯-૭૦
  19. દલપતરામ પોતે આ વાત સમજતા હતા એમ અમદાવાદી ને મંબઈગરા સુધારકોની એણે કરેલી સરખામણી ઉપરથી લાગે છે : ‘અમદાવાદના સુધારાવાળાઓનો વિચાર એવો છે કે લોકોમાં વિરુદ્ધ ન દેખાય, અને નિન્દા ન થાય, એવી રીતે ધીમેધીમે સુધારો કરવો. અને મુંબઈના કેટલાએક સુધારાવાળાઓનો વિચાર એવો છે કે, જેમ બને એમ એ કામમાં આગળ દોડવું. હું ધારુ છું કે લશ્કરમાં બહાદુરીથી આગળ દોડનારા, વચમાં રહેનારા, અને ધીમે ધીમે પછવાડે ચાલનારા, પણ જોઇએ. માટે જે થાય તે ઠીક જ થાય છે, પણ ધીમે ધીમે ચાલનારાઓની રીત હું વધારે પસંદ કરું છું. ગુજરાતમાં કેટલાક લોકો સુધારાથી ઉલટા પણ છે. પણ માણસ માત્રના મનમાં વિચાર તો પેશી ગયા છે ખરા;-આગળનો વખત એવો હતો કે, કોઈ કહેશે કે સોયના નાકામાં સાત હાથી ચાલ્યા ગયા, તેમાં છેવટ હાથીનું પૂંછડું અટકી રહ્યું. તો તે સાંભળીને કોઈ વિચાર કરતું નહોતું કે, તે વાત ખરી હશે કે ખોટી. અને હવે એકદમ એવી વાત માનતા નથી. ચાલતા સૈકા પહેલાં જે લોકો જન્મેલા, અને ચાલતા સૈકામાં જે જન્મેલા તેઓના વિચારમાં ઘણો ફેરફાર જોવામાં આવે છે. પેલા લોકો એવું ધારે છે કે હલાહલ કળિજુગ આવતો જાય છે. અને આ લોકો જાણે છે કે હવે સતજુગનો વારો બેઠો છે.'- ‘ગુજરાતી હિન્દુઓથી સ્થિતિ વિષે,' ૮૫.
  20. ‘ફાર્બસવિલાસ' ૪,૫૦ ('દલપતકાવ્ય,' ૨,૮૬૦)
  21. ‘કચ્છગરબાવળી’ ૪, ૭૭ ('દલપતકાવ્ય' ૧, ૭૪૪.)
  22. ‘ગુજરાતશાળાપત્ર જ્યુબિલી અંક' : ‘હિન્દુસ્તાનમાંની અન્ય ભાષાઓ અને આપણે',, પૃ. ૭૩.
  23. કાશીશંકર : ‘વ્રજભાષાનો અભ્યાસ દલપતરામે ઘણી કાળજી થઈ કર્યો હતો, કેમકે વ્રજભાષાની કવિતા રાજા રજવાડામાં પોષાય અને વળી તે વડે પોતાની નિર્ધન અવસ્થાને કાંઈક ટાળી પણ શકાય.'-'દલપતરામ', પૃ. ૧૦. ‘વ્રજભાષાના કવિઓનો એમનો રોજનો અભ્યાસ હતો.—સદર, પૃ. ૧૪ .
  24. ‘બુદ્ધિપ્રકાશ,’ ૧૮૭૬, જુલાઈ : ‘શ્રવણાખ્યાન વિષે,' પૃ. ૧૬૨.
  25. ‘મારી હકીકત, વિરામ ૭, ફકરો ૩૫.
  26. જુઓ ‘નવલગ્રન્થાવલિ, ૨'માંનું ‘નવલજીવન,' પૃ. ૩૨.
  27. ‘દલપતરામનો હાસ્યરસ શુદ્ધિ જાતિનો છે.’- ‘હાસ્યરસ વિષે'-'નવલગ્રન્થાવલિ ૧'માંનું ‘ભટનું ભોપાળું,' પૃ.૫.
  28. ઠાઉકું હાસ્ય(Humour), મર્માળા કટાક્ષ (wit), વાણીની મીઠાશ, અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્ય, એ વડે દલપતશૈલીનાં શાન્ત ને સુબોધક વર્ણનો ઝગમગી રહ્યાં છે’-‘નવલગ્રન્થાવલિ, ૨, ૩૨૮-૯
  29. આ સંબંધમાં ‘ભૂતનિબંધ'ના અંગ્રેજી ભાષાન્તરની પ્રસ્તાવનામાં ફાર્બસે લખેલા શબ્દો યાદ કરવા જેવા છે, એ કહે છે :
    I have only now to allude to the personal qualifications of the Essayist which are of a high order. He has been a Zealous student of his native literature whether in its Sanskrit or in its vernacular form. He is distin- guished by sound sense and a genuine humour. A keen observer and possessed of a retentive memory, he has had opportunities of observa- tion permitted to few who would be either acute enough to see without being imposed upon, or manly enough to stem the popular torrent by avowing that they disbelieved. p. XIV.
  30. વિસરાઇ ગએલ જ છે, એમ કોઈ કહે તો ના પાડી શકાય એમ નથી, પણ એમાં વાંક વસ્તુનો નહિ પણ પરિસ્થિતિનો છે. એમ તો વિદ્યમાન લેખકોની થોડી કૃતિઓ સિવાય ગુજરાતી સાહિત્યમાં અત્યારે શું નથી વીસરાઈ ગયું? ખરેખર લાયક હોય છતાં આજની ઘડીએ પ્રજામાં રમતી રહી હોય એવી કેટલી થોડી કૃતિઓ આપણે ગણાવી શકીએ એમ છીએ? અને એમાં દોષ આપણી પ્રજાની સાહિત્યવિમુખ પ્રકૃતિનો છે, તેની સાથે આપણા વિદ્વાનવર્ગ તેમ પ્રકાશકવર્ગનો પણ છે. જૂના લેખકોના સાહિત્યનું નિત્ય નવા દૃષ્ટિકોણથી વિવેચન કરી પ્રજા સમક્ષ સદા યે તેને ખડું રાખવાનો ધર્મ આપણા વિદ્વાનોએ બહુ ઓછો બજાવ્યો છે, અને પાછલા સાહિત્યમાંથી સંઘરી રાખવા જેવું સઘળું રોચક આકર્ષક રૂપમાં રજૂ કરવાનો ધર્મ આપણા પ્રકાશકોએ પણ બહુ ઓછો બજાવ્યો છે. ખરી રીતે તો પ્રજાનું સમસ્ત સાહિત્યધન સમકાલીન પ્રજા માણી શકે એવા અદ્યતન સ્વરૂપમાં દરેક યુગમાં તૈયાર રાખવાની દેશના વિદ્વાનો ને પ્રકાશકોની ખાસ ફરજ છે. બીજા દેશોમાં આ ફરજ સૌ સમજે છે. પણ આપણે ત્યાં હજુ એ તરફ કોઈનું લક્ષ ગયું નથી, તેથી આપણી ઘણી સાહિત્યમૂડી તો સદા દટાએલી જ રહે છે, અને એ કારણે પ્રજાને છતે પૈસે નિર્ધનતાનું દુઃખ વેઠવું પડે છે. આ રીતે ભૂતકાળના સાહિત્યકારો મહેનત કરી કરીને જે કમાણી મૂકી ગયા છે તે એને માટે સાવ નકામી જ થઈ પડી છે. આ શોચનીય સ્થિતિ ટાળવા આપણા પ્રાચીન અર્વાચીન સર્વ પુરોગામી સાહિત્યકારોમાંથી નવા જમાનાની દૃષ્ટિએ સૂક્ષ્મ વિવેચનપૂર્વક સારસંગ્રહોની એક માળા યોજવાની અનિવાર્ય જરૂર છે. આટલું મોડું પણ આપણા પ્રકાશકો કે સાહિત્યસંસ્થાઓમાંથી કોઈનું આ કર્તવ્ય તરફ હવે લક્ષ જશે? બીજા બધાનું તો જે થાય તે, પણ પ્રસ્તુત વાતનો વિચાર કરીએ તો દલપતનું આવું તારણ કર્યું હોય તો એના તરફની અત્યારની વૃત્તિમાં અવશ્ય ફેર પડે, ‘દલપતસાર' અત્યાર અગાઉ પ્રકટ થયો છે ખરો, પણ તે કેવળ શાળોપયોગી છે. ‘વેનચરિત્ર' જેવી એની પ્રમુખ કૃતિ એમાં લગભગ અસ્પૃષ્ટ રહી ગઈ છે, એટલે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ એક નવો સારસંગ્રહ કરવાની ખાસ જરૂર છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી જેવી દલપતના સદાના ઋણ નીચે દબાયેલી સંસ્થા આ કર્તવ્યનો વિચાર કરશે?

‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ ૯૨ થી ૧૧૨