સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/ઉત્કૃષ્ટતાનો ઉપાસક (કેશવ હર્ષદ ધ્રુવ)
શુદ્ધ શુદ્ધતર શુદ્ધતમે
બુદ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે !
રમ્ય રમ્યતર રમ્યતમે
કલ્પના રમતિયાળ રમે !
If we are artists we must spend our lives in a continual striving after perfection, though in so doing we lose something we have already won. George Moore ભર ઉનાળો ચાલી રહ્યો છે. અમદાવાદની દર ઉનાળે પાંચસાત માણસોને માર્યા વિના ન રહે એવી સખત ગરમી વરસી રહી છે. સાંજના છ સુધી ઘર બહાર પગ મૂકવાનું અને રાતના દસ સુધી ચિત્તની એકાગ્રતા માંગે એવું કશું ગંભીર કામ કરવાનું કોઈને મન ન થાય એવી આ વસમી મોસમમાં ખાડિયામાં આવેલી ગોટીની શેરીમાં ચાર માળના એક મકાનને છેક ઉપલે માળ એક ચિત્રકાર કામ કરી રહ્યો છે. એ ચોથે મજલે બાજૂમાં અગાશીવાળો એક નાનકડો અલગ ખંડ છે. ખંડ સાવ સાદો છે ભોંયતળિયે આજકાલની મનોહર રંગબેરંગી લાદી, પથ્થર કે કંઈ નથી, પણ જૂની ઢબનું લીપણ છે. એનું છાપરું પણ આ બળતા ઉનાળામાં ધગધગી રહેલા, ગુજરાતમાં હવે સર્વવ્યાપી બની ગયેલા પતરાનું છે, એટલે એ પણ ચારે બાજૂથી વરસી રહેલી ગરમીમાં ઉમેરો કરી રહેલાં પંચાગ્નિમાં ખૂટતા પાંચમા અગ્નિનું કામ કરી રહેલ છે. આ પંચાગ્નિની ધૂણી વચ્ચે રહીને એ ચિત્રકાર પોતાનું ચિત્રકામ કરી રહ્યો છે. ખંડમાં રાચરચીલું નામનું જ છે, પણ જ્યાં જુઓ ત્યાં નાનાંમોટાં ચિત્રો પડેલાં છે. એક ખૂણામાં ચાણક્ય એના વિરોધી રાક્ષસને ચન્દ્રગુપ્તનું અમાત્યપદ સ્વીકારવાનું સમજાવી એ પદના ચિહ્નરૂપ શસ્ત્ર આપી રહ્યો છે એ દૃશ્ય ચીતરેલું પડ્યું છે. એની બાજૂમાં જયેષ્ઠા કનિષ્ઠાની જોડી એક જ આસન પર બેઠી છે તેમાંથી એકનાં પાછળથી છાનામાના આવી ચક્ષુ દબાવી બીજીને રસભર ચૂમી રહેલા દક્ષિણ નાયકનું ચિત્ર છે, તો સામી ભીંતે માનમાં મરડાઈને પ્રીતમને તરછોડતાં શું તરછોડી પછી પેટ ભરીને પસ્તાતી અને લતાકુંજમાં બેસીને ચોધાર આંસુએ રડતી રાધાને ‘બહુ ડાહ્યલી શું થા છે? મરડાઇશ તો પડી રહીશ એકલી', એમ કહેતી સખીનું ચિત્ર આલેખેલું છે અને તેની પડખે પુરુરવા આંખો મીંચીને ઉર્વશીને ભેટી ‘અહાહા! કેવી ટાઢક વળે છે?' એવો ઉદ્ગાર કરી રહ્યો છે એ પ્રસંગ મૂર્ત કરેલો છે. એની પાસે વળી ઉદયન વાસવદત્તાને વિણાવાદનનું શિક્ષણ આપી રહ્યો છે એ પ્રસંગ દોરેલો છે. તો ભીંતની મધ્યમાં ઊંડા ઘોર અરણ્યમાં એક બ્રાહ્મણ કુટુંબ પાછળ પડી તેમાં ત્રણમાંથી એક પુત્રની માંગણી કરી રહેલા, ફગફગતા જતુવર્ણ બાબરાવાળા ઘટોત્કચની છબી પડી છે. આમ આઠ નવ ચિત્રો ભીતને અઢેલીને ચારે તરફ મૂકેલાં જોવામાં આવે છે. આ બધાં ચિત્રો સુંદર છે, તેને કોઈપણ કલારસિક આવીને જુએ કે તરત તેનું ચિત્ત હરી લે એવા કૌશલ્યપૂર્વક આલેખાયાં છે, છતાં ઉત્કૃષ્ટતાના આ આશકને એનાથી હજુ પૂરો સન્તોપ થતો નથી. અને તો જે સુન્દર છે તેને સુન્દરતર અને સુન્દરતમ બનાવવાં છે, અને તેથી આ ચિત્રોમાં ક્યાં શા ફેરફાર કરવાથી એની સુન્દરતામાં વૃદ્ધિ થાય એનું જ અખંડ ચિન્તન કરતો એ હાથમા પીછી લઈને આમતેમ ઘૂમી રહ્યો છે, અને આંહી એક રેખા આછી હતી તેને ઉપસાવી રહ્યો છે, ત્યાં રંગની ભભક વધુ પડતી હતી તેને સરખી કરી રહ્યો છે, આ મૂર્તિનો અંગમરોડ કંઇક અસ્વાભાવિક હતો તેને સ્વાભાવિક કરી રહ્યો છે, અને એમ પોતાનાં ચિત્રો ને પહેલાં કરતાં વિશેષ સુન્દર જ નહિ પણ ઉત્કૃષ્ટતામાં પોતાના આદર્શની બને તેટલાં નિકટ લાવવા એ આવા ધમધખતા બપોરે પણ નીતરતે પરસેવે બાંયો ચડાવીને ભારે મહેનત કરી રહ્યો છે. આ ચિત્રકાર કોણ? કનુ દેસાઈ? ના. ગ્રન્થોનાં રૂપરંગ પાછળ ગાંડું બનેલું ગુજરાત આજે એને પળની પણ ક્યાં નવરાશ આપે છે કે ચિત્રોને ફરી ફરીને તપાસી તેમાં ઉત્કૃષ્ટતા આણવાની એને અનુકૂળતા હોય? એને તો જેવી આજ્ઞા થઈ કે તરત ચિત્ર દોરી દેવાનું હોય છે, અને એક વાર જેવું દોરાયું તેવું જ તરત આજ્ઞા કરનારને સોંપી દેવાનું હોય છે. ત્યાં પછી સુધારવાની વાત જ ક્યાં રહી? ત્યારે એના ગુરુ રવિશંકર રાવળ? ના. એ પણ નહિ. એ તો ‘કુમાર' અને ‘ચિત્રકૂટ'ના ઊછરતા રોપતરુઓમાં જ એવા અટવાઇ ગયા છે કે વિરલ અપવાદ સિવાય જાતે નવું ચિત્રસર્જન કરવાનો અવકાશ જ ક્યાં છે એને હવે?૧[1] ત્યાર પછી આ ચિત્રકાર કોણ? કેમ વળી, ગોટીની શેરીમાં બીજું કોણ હોય? આ ચિત્રકાર તે કેશવ હર્ષદ ધ્રુવ. અલબત્ત, એ જુદી જ જાતનો ચિત્રકાર છે, રંગ અને રેખાની નહિ પણ શબ્દોની સામગ્રી વડે એ પોતાની ચિત્રકૃતિઓ રચી રહ્યો છે.પણ ચિત્ર ક્યારે પૂરૂં દોરાઇ રહ્યું કહેવાય? એ પ્રશ્નના ઉત્તરમાં પેલા ઉમરાવ ચિત્રકારની પેઠે એ પણ કહે છે કે ક્યારે ય નહિ.૨[2] દુનિયા ભલે પોતાનાં ચિત્રોને પરિપૂર્ણ અને સુન્દર માને પણ એને મન તો છ છ આવૃત્તિ પછી પણ એ આછાં અધૂરાં જ છે. આથી એ સદા યે પોતાની સાહિત્યકૃતિઓ રૂપી ચિત્રોને સુધાર્યા અને મઠાર્યા જ કરે છે, અને તેમાં અનેક નવા નવા ફેરફારો કરી ઉત્કૃષ્ટતાનો બને તેટલા અંશો તેમાં દાખલ કરવાની કુદરતે પોતાને આપેલી સામર્થ્યસંપત્તિના પ્રમાણમાં શક્ય હોય તેટલો સઘળો પ્રયત્ન એ સદાયે કર્યા જ કરે છે. એટલે ઉપર જે વર્ણન ચિત્રકલાની પરિભાષામાં કર્યું છે તેને સાહિત્યકલાના રૂપમાં ફેરવી નાખો, અર્થાત્ એ વર્ણનમાં ચાણક્ય અને રાક્ષસ, જયેષ્ઠા અને કનિષ્ઠા, રાધા અને તેની સખી, પુરુરવા અને ઉર્વશી અને ઉદયન અને અમરુશતક, ‘ગીતગોવિન્દ’, ‘વિક્રમોર્વશીય’ અને ‘પ્રતિજ્ઞાયૌગધરાયણ' આદિ સાહિત્યકૃતિઓની અંદર કોરાં પાનાં બંધાવેલી મુદ્રિત પ્રતો મૂકો, અને ચિત્રકારની પીંછીને સ્થાને પેન્સિલ મૂકો તો એ દ્વારા કેશવલાલ ધ્રુવની જીવનભરની એક મુખ્ય સાહિત્યપ્રવૃતિનો તમને યથાર્થ ખ્યાલ આવશે. ઉનાળામાં ધોમધખતા બપોરે નીચે ચોક પરસાળમાં સૌભાગ્યવતી' ૩[3] બેઠા બેઠાં કામવાળી અને બીજી એકાદ સ્ત્રીને મદદમાં રાખી નવાં અથાણાંની સામગ્રી તૈયાર કરતાં હોય ત્યારે ઉત્કૃષ્ટતાના આ આગ્રહી ઉપાસક ચોથા માળના એ મહાબળેશ્વર ઉપર પંચાગ્નિ વચ્ચે તપ કરતો કરતો લીંપણ પર બિછાવેલી જાજમ, તેના પર એક સફેદ ગાદી તકિયો અને બાજુમાં ‘મુદ્રારાક્ષસ'થી તે ‘પ્રતિમા' સુધીનાં પોતાનાં સઘળાં પ્રકાશનોની વચ્ચે કોરાં પાનાં નખાવી બંધાવેલી પ્રતો મૂકેલી એવો પુસ્તકો રાખવાનો નાનકડો ઘોડો, અને પડખે એકાદી આરામખુરસી એટલા સરંજામ સાથે લેખનપીઠને સ્થાને આપણી જૂની ઢબ પ્રમાણે ગાંધીજીની પેઠે સાથળ કે ઢીંચણભાગનો જ ઉપયોગ કરી પેન્સિલથી નવા નવા સુધારા કર્યા કરતો હોય.૪[4] અપરાહ્નનો ચા પીવાનો સમય થાય કે નીચેથી પૃચ્છા થાય કે ‘નીચે આવો છો કે ઉપર લાવીએ? એનો એવો જ જવાબ મળે કે ‘ઉપર લાવો.' એ રીતે છેક અંધારું થાય અને એમના મિત્ર ડાહ્યાભાઈ દેરાસરી નિત્યનિયમ મુજબ એમને ત્યાં આવી લાકડી ઠપકારતા દ્વારમાં પૈસી ‘કાં કેશવલાલ! હજુ નીચે આવ્યા નથી? આ તે શું આખો દહાડો વાંચવાંચ ને લખલખ કરવું?' એમ બોલતા હીંચકા ઉપર ઝુકાવે અને પોતે આવ્યાના ઉપર ખબર કહેવરાવે તેને પણ પહેલો જવાબ તો એ જ મળે કે ‘ઉપર આવો', પણ ‘હું તો થાક્યો પાક્યો કંઈ નથી આવતો ઉપર, તમે જ આવો નીચે,' એમ ડાહ્યાભાઈ જ્યારે હઠ પકડે ત્યારે જ એ નીચે ઊતરે-ત્યાં સુધી એની ઉત્કૃષ્ટતાની ઉપાસના ચાલુ જ રહે. ગુજરાતમાં સાહિત્યકારો તો અનેક થઈ ગયા છે, તેમાંથી આ કે તે વિષય કે ગુણમાં કેશવલાલ ધ્રુવ કરતાં ચડી જાય એવા પણ થોડા નથી, પણ પોતાને હાથે જે કંઈ લખાય ને પોતાને નામે જે કંઈ છપાય તે પોતાની શક્તિના પ્રમાણમાં ઉત્તમ પ્રમાણમાં ઉત્તમ પ્રકારનું બને એ માટે દીર્ઘ ઉદ્યોગપૂર્વક ઉત્કૃષ્ટતાની આવી એકધારી આરાધના કરનારો સાહિત્યકાર તો બીજો જવલ્લે જ જડશે. ઉત્કૃષ્ટતાની એમની આ આરાધનાની થોડી વિગતો જાણવા જેવી છે. એમની સાહિત્યપ્રવૃત્તિ મુખ્યત્વે અનુવાદોના રૂપમાં થએલી છે, તો અનુવાદ તેઓ કેવી રીતે કરતા તે જુઓ. અમુક સંસ્કૃત સાહિત્યકૃતિનો અનુવાદ કરવાનું નક્કી કર્યું એટલે તરતજ એની જે કોઈ મુદ્રિત પ્રત બજારમાં મળે તે લઈને તેનું ગુજરાતી કરવા એ બેસી જતા? ના. એને માટે સૌથી પહેલાં તો એ મૂળ સાહિત્યકૃતિની શુદ્ધ વાચના (text) જ તૈયાર કરતા. સંસ્કૃત સાહિત્યકૃતિઓ સૈકાઓ પૂર્વે રચાએલી હોવાને લીધે અને પ્રાચીન સમયમાં મુદ્રણકલાનો જન્મ નહિ થએલો હોવાને લીધે પ્રતિષ્ઠિત સાહિત્યગ્રંન્થોમાં પણ લહિયાઓને હાથે અનેક દોષો દાખલ થઈ ગએલા હોય છે. એટલે જ્યાં સુધી એ બધા દોષો દૂર કરી વિશ્વાસપાત્ર ને સમુચિત વાચના નક્કી ન થાય ત્યાં સુધી ઉત્કૃષ્ટ પ્રકારનો અનુવાદ શક્ય જ નહિ, તેથી કેશવલાલ ધ્રુવનું ધ્યેય અનુવાદ માટે પસંદ કરેલી મૂળ સાહિત્યકૃતિના ઉપલબ્ધ પાઠોનો ઊંડો અભ્યાસ કરી તેમાંથી શુદ્ધ વાચના તૈયાર કરવી એ હતું. આને અંગે એમને ઘણી વાર નવીન પાઠો પણ કલ્પવા પડતા. એમની આ પાઠકલ્પનાની પધ્ધતિ આપણે ત્યાં સારી પેઠે વિવાદાસ્પદ નીવડી છે, અને અમુક પ્રસંગે એ પદ્ધતિ અવશ્ય વાંધાભરી ઠરી છે, છતાં આ પાઠકલ્પનાના મૂળમાં પણ ઉપલબ્ધ પ્રતોમાં ભાષાના, છન્દોના તેમ પૂર્વાપર સંગતિના વિષયમાં જે દોષો દાખલ થઈ ગયા હોય તે દૂર કરી શુદ્ધ સુશ્લિષ્ટ પ્રત તૈયાર કરવાનો જ એમનો આશય હતો અર્થાત્ એમની આ ચર્ચાસ્પદ પાઠકલ્પના પદ્ધતિ પણ એમની ઉત્કૃષ્ટતાની ઉપાસનાના જ પરિણામરૂપ હતી- એ વાત ભૂલવાની નથી. ‘મુદ્રારાક્ષસ'નું ભાષાન્તર કરતાં એમણે મૂળ સંસ્કૃતની પોતાની સ્વતંત્ર વાચના તૈયાર કરેલી એ પાછળથી સંસ્કૃત-અંગ્રેજી આવૃત્તિરૂપે પ્રકટ પણ થઈ છે. ‘મુદ્રારાક્ષસ'ની પેઠે ‘વિક્રમોર્વશીય'ના અનુવાદમાંયે પણ શુદ્ધ વાચના તૈયાર કરી પોતાના ઉપયોગ માટે એમણે તે છપાવેલી.૫[5] આ જાતની વાચના તૈયાર કરવા માટે તેમ મૂળ સંસ્કૃત સાહિત્યકૃતિનું સાચું હાર્દ સમજવા માટે એના કર્તાના દેશકાળનો બને તેટલો તાદશ ખ્યાલ હોવો જરૂરનો છે, અને તેથી કેશવલાલ ધ્રુવ અનુવાદ કરતાં પૂર્વે મૂળ સાહિત્યકારના આગળપાછળના સમયનું સઘળું સાહિત્ય પણ તપાસી જતા. કહે છે કે ‘મુદ્રારાક્ષસ'ના અનુવાદ માટે આ રીતે એની આગળપાછળનાં પાંચસો વરસનું સાહિત્ય એ વાંચી ગએલા,૬[6] અને ‘અમરુશતક'-ના અનુવાદને માટે તો એ આખું અલંકારસાહિત્ય જોઈ ગએલા એ વાત એની પહેલી આવૃત્તિમાં એમણે પોતે ‘અમરુશતક'ના ભાષાન્તરમાં ઉપયુક્ત સંસ્કૃત તથા પ્રાકૃત પુસ્તકોની જે યાદી આપી છે તે ઉપરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આવી અસાધારણ સાધના પછી એ અનુવાદ શરૂ કરે, અને તેમાં મૂળનાં વસ્તુ, પાત્રતા, ભાવ, રસ આદિ સઘળા સૌંદર્યઅંશો પૂર્વવત્ જળવાઈ રહે એવી રીતે પદેપદનો પૂરો વિચાર કરીને એ અનુવાદ કરે. આટલી ભારે પૂર્વતૈયારી અને કાળજી પછી કરેલો અનુવાદ છપાઈ રહે એટલે સામાન્ય રીતે અનુવાદકનું કામ પૂરું થયું એમ મનાય. પણ કેશવલાલ ધ્રુવને માટે એમ નહોતું. કેમકે અનુવાદ છપાતો હોય એ દરમિયાન જ બીજી બાજૂથી એમની આત્મપરીક્ષા અને ઉત્કૃષ્ટતાની ઉપાસના ક્યારની શરૂ થઈ ગઈ હોય. એટલે પુસ્તક છપાય અને બંધાય એ બેના વચગાળામાં એમને થોડા ઘણા સુધારા સુજ્યા વિના રહે જ નહિ,અને એ સુધારા એ લોકનિન્દા કે પ્રતિષ્ઠાહાનિના સંભવની પરવા કર્યા વિના શુદ્ધિપત્રકમાં દર્શાવ્યા વિના પણ રહે જ નહિ ૭[7] આમ અનુવાદની એક આવૃત્તિ છપાઈ ન રહી હોય ત્યાં તો ઉત્કૃષ્ટતાની એમની ઉપાસનાનો પાછો આરંભ થઈ જ ચૂક્યો હોય અને જેમ જેમ નવી આવૃત્તિ થતી જાય તેમ તેમ એમાં નવા સુધારા દાખલ થતા જ જાય. આ સુધારા કેવળ ગ્રન્થાન્તર્ગત ગદ્યપદ્યભાગ પૂરતા હોય એમ પણ માનવું નહિ. એ તો એનાં નામ, મુખપૃષ્ઠ પરનું સૂત્રવાક્ય, પ્રસ્તાવના, ઉપોદ્ધાત આદિ બહિરંગથી માંડી ગદ્યપદ્યાદિ અંતરંગ સુધી ઠેઠ પહોંચી જાય. દૃષ્ટાંત રૂપે એમની પહેલી જ કૃતિ લ્યો. પહેલી આવૃત્તિમાં એનું નામ ‘મુદ્રારાક્ષસ નાટક' એમ છે તેનું ત્રીજી આવૃત્તિમાં ‘મ્હોરે મ્હાત'માં નાટકનું વસ્તુ સંક્ષેપમાં સારી રીતે સૂચવાઈ જાય છે, એટલે બીજો કોઈ સાહિત્યકાર હોત તો એનાથી સન્તુષ્ટ રહીને એ બાબત વિશેષ વિચાર કરવાનું તે છોડી દેત. પણ કેશવલાલ ધ્રુવ એમ સન્તોષાઈ જાય એવા નથી. એટલે ત્રીજી આવૃત્તિ પછી પણ એ નામ બાબત ચિન્તન એમના ચિત્તમાં ચાલુ જ રહે છે, તથા સૂઝ્યું છે તેથી પણ સરસ નામ એ શોધ્યા જ કરે છે, અને આખરે ‘મ્હોરે મ્હાત' કરતાં પણ વિશેષ સૂચક, સરળ, ને સુન્દર નામ ‘મેળની મુદ્રિકા' એમને જડે છે ત્યારે જ એમની સૌન્દર્યભાવનાને જંપ વળે છે૮[8] નામ પછી નામપૃષ્ઠ પરનું બીજું અંગ લ્યો. એ જમાનાની પદ્ધતિ પ્રમાણે પોતાના દરેક ગ્રન્થના નામપૃષ્ઠ પર એ ગ્રન્થનું સ્વરૂપ સૂચવે એવી આદર્શ પંક્તિઓ કે વાકયો મૂકવાનો કેશવલાલનો રિવાજ છે. એ રિવાજ પ્રમાણે ‘મુદ્રારાક્ષસ'ની પહેલી આવૃત્તિમાં ‘કથાસરિત્સાગર'નો-
ઉપાયરસસંસિક્તા દેશકાલોપબૃહિતા ।
સેયં નીતિમહાવલ્લી કિંનામ ન ફલેત્ ફલમ્ |
એ શ્લોક મૂક્યો છે. ‘મુદ્રારાક્ષસ' નાટક વાંચ્યું હશે તે દરેક સાહિત્યરસિક સ્વીકારશે કે એ નાટકનું તાત્પર્ય આ શ્લોક સચોટ રીતે સમજાવી દે છે, તેથી નાટકના મુખસૂત્રરૂપે એ બરાબર છે. એટલે બીજા કોઈ સાહિત્યકાર હોત તો તેમાં કશો યે ફેરફાર કરવાની એને જરૂર ન લાગત, પણ કેશવલાલ ધ્રુવને બીજા આવૃત્તિ વખતે એ બરાબર લાગતો નથી. શ્લોક ખોટો છે એમ નથી, નાટકનું તાત્પર્ય એ યથાર્થ રીતે સૂચવે છે એમાં પણ શંકા નથી પણ બીજી આવૃત્તિમાં કવિ અને કાવ્ય વિશે ઘણું ઘણું નવું સંશોધન રજૂ કરવામાં આવ્યું છે, તેથી એ સંશોધનની સાવધાન ચિત્તે તટસ્થ રીતે પરીક્ષા કરવાનું સૌને નિમન્ત્રણ કરવાની વિશેષ મહત્ત્વની જરૂર ઊભી થવાથી પહેલી આવૃત્તિના શ્લોકને રજા આપવી પડે છે અને તેને સ્થાને ‘Read not to believe and take for granted, but to weigh and consider' એ બેકનનું જાણીતું વાક્ય મુખસૂત્રરૂપે મૂકવામાં આવે છે. નામપૃષ્ઠથી આગળ વધી ઉપોદ્ધાત લ્યો, તો ત્યાં પણ સદંતર કાયાપલટ થઈ ગએલ જણાશે. પહેલી આવૃત્તિમાં ઉપોદ્ધાતવિભાગમાં ‘કવિ અને કાવ્ય' તથા ‘કથાસાર' ૯[9] એમ બે લાંબા લેખો હતા, તેને સ્થાને આંહીં એક જ સુવિસ્તૃત લેખ આપવામાં આવ્યો છે અને તેમાં નાટકકાર તેમ નાટકવસ્તુ વિશે ઘણી નવી ઐતિહાસિક માહિતી રજૂ કરવામાં આવી છે. છેવટ ખુદ નાટક લ્યો, તો પહેલી અને બીજી આવૃત્તિ વચ્ચે જમીન આસમાન જેટલું અન્તર જોવામાં આવશે. પહેલી આવૃત્તિના પદ્યભાગનો અનુવાદ કવિત, રોળાવૃત્ત, ઝૂલણા, હરિગીત, સવૈયા, પદ આવશે તળપદા ગુજરાતી ભાષાના તથા વિશેષ લોકપ્રચલિત ગણાય એવા છંદોમાં મોટે ભાગે કરવામાં આવ્યો હતો, ત્યારે બીજી આવૃત્તિનો આ પદ્યભાગ નખશિખ ફરી જાય છે અને તે સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત, શિખરિણી, વસન્તતિલકા વગેરે શુદ્ધ સંસ્કૃત તથા શિષ્ટભોગ્ય છંદોમાં જ સાકાર થાય છે. આના ઉદાહરણ તરીકે બે-ત્રણ શ્લોકો લેવા જેવા છે. પ્રથમ પહેલા અંકનો દસમો શ્લોક જુઓ. પહેલી આવૃત્તિમાં એ કવિતમાં છેઃ-
ધૂંધવાતા શોકધૂમે શત્રુઓની શ્યામાતણા
સદા મુખચંદ કાળામેશ કરી દેઈને;
નીતિકેરી લે'રે મોહભસ્મ દ્વારદ્વાર વેર્યે
મન્ત્રિતરૂઓ તમામ ગાઢ ઘેરી લેઈને,
ભયે શિયાવિયા પક્ષિઓ વિહોણા સ્વાહા કરી
જઈ નન્દવંશજ જડેથી જોઈજોઈને,
દાવાનળ પેઠ વને ક્રોધ સર્વભક્ષી શમે
ભક્ષ્ય ના રહ્યો-ન કાંઈ થાકી કે ધરાઈને.
કવિતાનું માપ લાંબું હોવાથી મૂળનું વક્તવ્ય આંહી રેલાઈ ગયું છે એટલું જ નહિ પણ મૂળની પ્રૌઢિ પણ અળપાઈ ગઈ છે. બીજી આવૃત્તિ વખતે રસિક અનુવાદક એ વાત સમજી જાય છે, એટલે એ આખા શ્લોકનો કવિતને બદલે મૂળ સંસ્કૃત કૃતિના સ્રગ્ધરામાં નવેસરથી અનુવાદ કરે છેઃ-
પક્ષી સંભ્રાન્ત સર્વે કરી જડમૂળથી નન્દવંશે પ્રજાળી,
મૂઝાવી મન્ત્રિઝુંડે નયની લહરીએ મોહની ભસ્મ ડાળી,
ને શત્રુની ત્રિયાના મુખશશીની કળા શોકધુને ફિટાડી,
ના થાક્ય ભક્ષ્ય ખૂટે સહજ મુજ શમે ક્રોધનો અગ્નિ કારી. (પૃ.૬)
આમાં મૂળનાં સઘનતા અને ગૌરવ અક્ષત રહ્યાં છે એ સ્પષ્ટ છે. બીજું દૃષ્ટાંત ઓગણીસમા શ્લોકનું લ્યો. પહેલી આવૃત્તિમાં એ રોળાવૃતમાં છેઃ-
વિધ્નભયે ડરી ઉર ક્ષુદ્રજન ન જ આરંભે,
વચવાંઘાનાં વિઘ્ન નડયે આરંભી ય થંભે;
પણ તમ સમ જે ઉચ્ચ પુરુષ, તે તો શત સામે
વિઘ્ન હોય, ન જ તો ય ઇષ્ટસિદ્ધિથી વિરામે. (પૃ. ૩૭)
બીજી આવૃત્તિના અનુવાદમાં રોળાવૃત્ત ચાલ્યો જાય છે ને મૂળના વસન્તતિલકાનો દેહ એ શ્લોક ધારણ કરે છે:-
આરંભ ના અધમ વિધ્નભયે કરે છે;
ને ભાળી વિઘ્ન વધી મષ્ટધ્યમ મૂકી દે છે;
વિધ્નો અનન્ત નડતાં ય ડગે ન એવા
નિર્વાહશૂર ઉત્તમ આપ જેવા, (પૃ. ૩૮)
પહેલી કરતાં બીજી આવૃત્તિનાં આ શ્લોક ચોક્કસ ચડિયાતો છે, છતાં હજુ સુધારાનેઅવકાશ છે, એટલે ત્રીજી આવૃત્તિમાં પૂર્વાર્ધ તો જો કે એનો એ જ રહે છે, પણ ઉતરાર્ધ નવો અવતાર ધારણ કરે છે:-
આરંભ ના અધમ વિઘ્નભયે કરે છે;
ને ભાળી વિઘ્ન વધી મધ્યમ મૂકી દે છે;
વિધ્નો પરંતુ નડતાં ય ફરી ફરીને;
મૂકી ન દે જ નર ઉત્તમ આદરીને. (પૃ.૩૩)
હવે છેલ્લો નમૂનો ત્રીજા અંકમાંથી સાતમા શ્લોકનો લ્યો. પહેલી આવૃત્તિમાં એ શ્લોક હરિગીતમાં અવતરેલો:-
જળકચ્છવત વાદળ ધવળની
છે છટા છાજી રહી;
વળી છાઈ સુસ્વરશાળી
સારસકેરી જોડે જહિંતહિં;
ત્યમ વિધવિધ જ આકારમાં
ઉડુગણ-કુમુદ ખીલ્યાં અહીં;
નદીતુલ્ય નભથી આ દિશા દશ
દીર્ઘ નિર્મળી રહી વહી. (પૃ. ૪૪)
બીજે જન્મે એ શ્લોક શિખરિણી બને છે:-
“રૂડા ધોળા ધોળા ઘનલવરૂપી કચ્છ વિલસે;
ન લેખે લેખાંતા ભગણ કુમુદો ભવ્ય વિકસે;
ઊલાસે ચોપાસે મધુરું મધુરું સારસ રસે;
ઠરી પાંખી પાંખી સરતી નીતરી દિનદી દીસે.”
(પૃ. ૪૭)
ને છેલ્લી છઠ્ઠી આવૃત્તિમાં એ લગભગ આખો બદલાઈ વિશેષ સુન્દર રૂપ ધારણ કરે છેઃ-
“નભે ન્હાનાં ન્હાનાં ધવળ ઘનનાં બેટ વિખરે;
ન લેખ્યાં લેખાતાં ભગણ કુમુદો સુન્દર તરે;
અનેરા ઉલ્હાસે મધુર સુર શૂં હંસ વિરહે;
વધન્તી આઘેરી દિશસરિત શી આ દંગ હરે!” (પૃ.૫૩)
આ પ્રમાણે પ્રત્યેક આવૃત્તિએ ચિત્રના સૌન્દર્યમાં વૃદ્ધિ થતી જ રહે છે. આ સૌન્દર્ય અને ઉત્કૃષ્ટતાની અનુવાદકને એવી રઢ લાગી છે કે દરેક નવી આવૃત્તિ તૈયાર કરતી વખતે એ જુદા જુદા અભ્યાસીઓ તેમ પ્રસ્તુતઃ ગ્રન્થ કોઈ શિક્ષણસંસ્થામાં પાઠયપુસ્તક તરીકે ચાલતો હોય તો તેના શિક્ષકોને ખાસ વિનંતી કરીને પુછાવે છે કે, ૧૦[10] ‘તમે જૂની આવૃતિ વાંચી તેમ શીખવી તો તેમાં સુધારવા જેવું કંઈ તમને લાગ્યું?' અને ગુજરાતના વિવેચકો ગ્રન્થોનું સૂક્ષ્મ અવલોકન કરી ભવિષ્યની આવૃત્તિમાં ઉપયોગી થાય એવું માર્ગદર્શન કરાવતા નથી. એ બાબત તો એમને તીવ્ર અસંતોષ છે. સામાન્ય રીતે શાન્ત સ્વસ્થ રહીને જ પોતાનું હ્રદ્ગત વ્યકત કરનારા કેશવલાલ ‘અમરુશતક'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ગુજરાતી વિવેચનની આ ઉદાસીનતા બાબત જરાક રૂંઠી પણ જાય છે અને કહે છે કે.. ભવના ભવ જતાં પણ એ માલનો કસોટીએ ચડવાનો કે કાંટે તોળાવાનો વારો આવતો નથી. સાહિત્યના હિતને માટે આપણે ઇચ્છીએ કે ચોક્સીઓ આ નવા બરના માલની ચોકસી કરે અને ધર્મના કાંટાવાળા એને કાંટે પણ ચડાવે. એઓનો પેશો યા તો ફરજ બજારની રૂખ કેળવવી એ છે; નહિ કે માત્ર સંતોખવી. સારા માલને પોષણ નહિ મળે, સારા માલની પરખ પણ નહિ થાય, તોપછી તેની નીપજ અને ખપત શી રીતે વધશે?૧૧[11] નવી આવૃત્તિનો ઉપયોગ જ એને મન જૂની આવૃત્તિની ખામીઓ દૂર કરવી એ છે. જૂની આવૃત્તિની પ્રતો ઝટપટ ખપી જાય અને ઝટપટ પૈસા પેદા થાય એવો ક્ષુદ્ર એનો આશય છે જ નહિ. એનો આશય તો જૂનીની ફરી ફરીને આત્મપરીક્ષા કરવાથી જે જે ઊણપો માલૂમ પડી હોય અને સતત નિદિધ્યાસનથી જે નવીન સૌન્દર્યતત્ત્વો લાધ્યાં હોય તે નવી આવૃતિમાં દાખલ કરી પોતાની કૃતિમાં ઉત્કર્ષના વિશેષ અંશો મૂર્ત કરવા એ જ છે. આથી જ ‘અમરુશતક'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનાને અન્તે એ કહે છે કે‘...ભારે ઢીલને જ છપાવનાર મોટામાં મોટું નુકસાન સમજે છે. એ કંઇ કમાઇ કરવા પુસ્તક છપાવતો નથી, કે વ્યાજખાધના વલોપાત અથવા નફાતોટાની હાયહાય કરે. એને તો, આવૃત્તિ જેમ વહેલી અને વધારે થાય તેમ ખામી દૂર કરવાની તક પહેલી અને વધારે મળે, એજ લોભ હોય છે. એ નિખાલસ લોભ વાજબી ટીકાથી અને ઘટતી જાહેરાતથી શું પોષવા લાયક નથી?૧૨[12] ગુજરાત કોલેજમાંથી એ અધ્યાપકપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં એમના ઘણાખરા અનુવાદોની પાંચ પાંચ છ-છ આવૃત્તિઓ થઈ ગએલ. એટલે કે એ અનુવાદોને એમણે વિચારી વિચારીને પાંચ પાંચ છ-છ વાર સુધારેલા. છતાં યે નિવૃત્તિ સમયના સંમાનસમારંભ પ્રસંગે ભવિષ્યમાં પોતે કરવા ધારેલાં કાર્યો ગણાવેલાં તેમાં એમણે શું કહેલું? ‘મારા અનુવાદો જોઇ જવાનું કાર્ય તો ઊભું છે જ એ અનુવાદોમાં પ્રકાશને પ્રકાશને કંઈને કંઈ ન્યૂનતા મને જડે છે. તેની જવાબદારી મારે શીરે હોઇ જડી આવેલી ન્યૂનતા હું ટાળવા તત્પર રહું છું. ૧૩[13] અર્થાત્, પાંચ પાંચ છ-છ વાર સુધાર્યા પછી પણ ઉત્કૃષ્ટતાના આ અઠંગ ઉપાસકને મન એ ચિત્ર અધૂરાં જ છે,અને પોણોસો વરસ પછી પણ જો આયુષ્યદોરી લંબાય તો એ ચિત્રોની ઊણપ દૂર કરી તેને અધિક સુન્દર બનાવવાની એની અંતિમ અભિલાપા હતી! એ સંમાનસમારંભ પ્રસંગના ભાપણમાં કવિશ્રી ન્હાનાલાલે કહેલું તેમ ઉત્તમતાનો એમને ધરવ જ નહિ.૧૪[14] એનું તો Excelsior-Higher and still higher ! એ જ ધ્યેય ! ડિકન્સે કહ્યું છે કે ‘What is worth doing is worth doing well.' કેશવલાલ ધ્રુવનું પણ એ જ જીવનસૂત્ર હતું. એટલે જ પોતાને હાથે જે કંઈ થાય તે ઉત્તમ પ્રકારનું થાય એવો એમનો સદાનો આગ્રહ રહેતો, અને તેથી ઉપર જણાવેલો કોલેજનો સમારંભ થએલો તેનો ઉત્તર આપતાં એમણે પોતાની જાત વિશે જે કહેલું કે
શુધ્ધ શુધ્ધતર શુધ્ધતમે
બુધ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે !
રમ્ય રમ્યતર રમ્યતમે ૧૫[15]
કલ્પના રમતિયાળ રમે !
તેમાં મિથ્યાભિમાન કે આત્મ શ્લાઘા જેવું રજે નથી, પણ કોઈ વિરલ પ્રસંગે અન્તરના આગળા એકાએક અણધાર્યા ઊઘડી જતાં જે શુદ્ધ સ્વરૂપકથન કે આત્મનિવેદન મનુષ્યને હાથે અનાયાસે થઈ જાય છે તે પ્રકારની એમની એ ઉક્તિ હોઈ એનો અક્ષરેઅક્ષર સાચો છે. ‘વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી' એ પંક્તિમાં નર્મદે જેમ પોતાના સમસ્ત જીવન અને સ્વભાવનો અર્ક સારવ્યો છે, તેમ ઉપરની પંક્તિઓમાં કેશવલાલ ધ્રુવે પણ પોતાના સમસ્ત સાક્ષરજીવન અને સાહિત્યભાવનાનો અર્ક જ સારવ્યો છે. એમની સમગ્ર સાહિત્યપ્રવૃત્તિને બરાબર સમજવાની જો કોઈ ચાવી હોય તો તે પણ એમના શબ્દો જ છે. એમની સઘળી મહત્તા અને મર્યાદા ઉભયનાં મૂળ પણ આમાં જ રહેલાં છે. સાહિત્યમાં એમનો ફાળો મુખ્યત્વે કેવળ અનુવાદોનો હોવા છતાં એમને ગુજરાતે જીવનભર આટલું બધું માન આપ્યું તે શાને લીધે? એમની ઉત્કૃષ્ટતાની આ એકધારી ઉપાસનાને જ લીધે કંઈ કરવું તે સંગીન અને ઉત્તમ પ્રકારનું જ કરવું એ એમના નિયમને પરિણામે ‘આ તો જ્ઞાન અને રસિકતાનો અવતાર જ છે' એવી છાપ એમણે સાહિત્યજગત પર સળંગ રીતે પાડી તેને જ લીધે. ગોવર્ધનરામ જેવા મહાસમર્થ સર્જક પછી ગુજરાતી સાહિત્યપરિષદની ગાદી આ કેવળ અનુવાદકને મળી તે પણ આથી જ. ગુજરાતી સાહિત્યની આલમે પોતાના તરફનું આ મોટામાં મોટું માન નાનામાં નાની ઉંમરે ધ્રુવનેજ છે.૧૬[16] એકઃ શબ્દઃ સમ્યગધીતઃ સમ્યક્ર્મયુક્તઃ સ્વર્ગલોકે કામધુગ્ ભવતિ' એ નિયમનું આવું જવલન્ત દૃષ્ટાંત આપણા આખા સાહિત્યમાં બીજું એકે મળવાનું? એ વાક્યમાં તો જે ફલશ્રુતિ કરી છે તે સ્વર્ગલોકમાં થવાની કહી છે, પણ કેશવલાલ ધ્રુવનું સમ્યગધીત તો એમને આ જ લોકમાં અને આ જ જીવનમાં કામધેનુરૂપ નિવડ્યું! વિષય ભલે એક બે જ લેવા, કામ ભલે થોડાં જ કરવાં પણ જે વિષયનો અભ્યાસ કરવો તેમાં વ્યાપકતા કે ઊંડાણ એકે દિશામાં ક્યાંયે કચાશ રહેવા દેવી નહિ. તેમ જે કામ કરવું તેમાં પોતાને પ્રભુએ આપેલ શક્તિનો એકેએક કણ ખર્ચી નાખી એમાં પરાકાષ્ઠાની ઉત્કૃષ્ટતા લાવવા મથવું એ એક જ સિધ્ધાંતના સેવનને પરિણામે સાહિત્યજીવન કેટલું બધું યશસ્વી નીવડે તે જોવું હોય તેણે કેશવલાલ ધ્રુવના ચરિત્રનો અભ્યાસ કરવો.
આમ, કેશવલાલ ધ્રુવની મહત્તાના મૂળમાં જો એમની ઉત્કૃષ્ટતાની ઉપાસના રહેલી હતી, તો એમની મર્યાદાના મૂળમાં પણ એજ ઉત્કૃષ્ટતાની ઉપાસના રહેલી હતી. સંસ્કૃત, પ્રાકૃત, જૂના, નવા એમ સર્વવિધ ભાષાભંડોળ પર તેમ છન્દોવિદ્યા જ નહિ પણ છન્દોરચના પર પણ અદ્ભૂત પ્રભુત્વ ધરાવનાર જ્ઞાન અને રસિકતાની મૂર્તિરૂપ આ પુરુષ જીવનભર કેવળ અનુવાદક રહ્યો તે શાથી? આજે આપણે જોઇએ છીએ કે આ બધી બાબતોમાં એમનાથી દસમા ભાગની પણ શક્તિ ન હોય એવા માણસો કેવળ પદ્યરચનાની હથોટીને જ બળે સારાં નરસાંને ઠીકાઠીક એમ જુદા જુદા વડનાંને ભિન્ન ભિન્ન શૈલીના પ્રયોગરૂપ ચાળીસ પચાસ કાવ્યો લખી નાખી, કાવ્ય ભલે એક જ કડીનું હોય છતાં દર કાવ્ય દીઠ આખું પાનું રોકી અને તેમ કરવા છતાં પણ સંગ્રહનું કદ પાતળું પડે એમ હોયતો પછી ટિપ્પણ સ્વરાંકન આદિ જાતજાતનાં આનુષંગિક અંગો ઉમેરીને પણ દળદાર પુસ્તકનો દેખાવ કરી ‘જુઓ,મેં તો કવિતા પણ કરી છે' એમ કહી ‘હમ ભી ડીચ' કરનારા આજકાલ ચાલી નીકળ્યા છે, તો કેશવલાલ ધ્રુવ તો પોણોસો વરસ દરમિયાન ધાર્યું હોત તો એથી બમણોતમણો કાવ્યસંગ્રહ લીલા માત્રમાં રચી શકત, છતાં એમણે એ દિશામાં પ્રયત્ન સરખો કરેલો નહિ તેનું શું કારણ? અનુવાદોમાં એમની ઉત્તમ કોટિની શક્તિઓ જોઈને એમના મિત્રો પ્રશંસકો આદિ સૌ એમને સ્વતંત્ર સર્જન તરફ વળવા વારંવાર આગ્રહ કરતા તેમને એ એક જ જવાબ આપતા કે ‘મારી પ્રતિજ્ઞા સેવા બજવવાની છે. મુદ્રારાક્ષસ છપાવ્યું ત્યારથી પ્રાચીન લેખકોની સેવા થાય તે કરવી એ જ ઉદ્દેશ રાખ્યો છે. એ સંકલ્પને અનુસરી મારૂં પહેલાનું સ્વતંત્ર લખાણ હતું તેનો મેં નાશ કર્યો છે, ને નવું સ્વતંત્ર લખાણ હું લખનાર નથી. હવે તો અનુવાદકાર્યથી પણ નિવૃત્ત થવા ઇચ્છુ છું.૧૭[17] શક્તિ હોવા છતાં એમણે આમ નિશ્ચયપૂર્વક સ્વતંત્ર સર્જન કર્યું જ નહિ. અને અગાઉ જે કરેલું તેનો પણ પોતાને હાથે ઈરાદાપૂર્વક નાશ કર્યો એનું શું કારણ? એનાં જુદાં જુદાં કારણો આપી શકાય; પણ એ સર્વમાં મુખ્યકારણ તે એમનો ઉત્કૃષ્ટતાનો આગ્રહ, કેશવલાલ ધ્રુવ આજકાલના હળદરને ગાંઠિયે ગાંધી બની જનારા વર્ગના નહોતા, સારું નરસું જે કંઈ રચાયું તે સઘળું વાળી ચોળીને એકઠું કરી છાપી મારી સર્જક હોવાનો ડોળ કરવાનું એમને ગમતું નહોતું. પોતાને હાથે સર્જન થાય તો તે સામાન્ય કોટિનું નહિ પણ ભાસ કાલિદાસાદિ અમર કવિઓના જેવું ઉત્તમ કોટીનું થાય તો એમની ભાવનાને સંતોષ મળે એમ હતું, અને એવું ઉત્તમ કોટિનું સર્જન કરવાની તો પોતાની શક્તિ છે નહિ એ પોતે જોઇ શકેલા અને તેથી એમણે સ્વતંત્ર સર્જન કરવાનો વિચાર જ છોડી દીધેલો તેમ જુવાનીના દિવસોમાં જે થોડી રચનાઓ એમણે કરેલી તેનો પણ નાશ કરેલો. અન્ય અનેક બાબતોની પેઠે આ બાબતમાં પણ કેશવલાલ ધ્રુવ ઉમર ખય્યામની રુબાયાતના અંગ્રેજી અનુવાદક ફિટ્ઝજેરાલ્ડનું સ્મરણ કરાવે છે. એ ફિટ્ઝજેરાલ્ડને કોઈએ સ્વતંત્ર સર્જન કરવા સૂચવેલું તેનાં ઉત્તરમાં તેણે લખેલું કે As to my doing anything else in that way, I know that I could write volume after volume as well as others of the mob of gentlemen who write with case but I think unless a man can do better he had best not do at all ૧૮[18] અને કેશવલાલ ધ્રુવનું પણ એમ જ હતું. એપણ સામાન્ય લેખકોના જેવું તો જોઇએ તેટલું સર્જન કરી શકે એમ હતા, પણ એમને એવી સામાન્યતા કદી સંતોષી શકે એમ નહોતી તેથી જ એ સર્જનકાર્યથી દૂર રહેલા. અને અનુવાદના વિષયમાં પણ એમના અખંડ ઉદ્યોગી તેમ એકનિષ્ઠ જીવનના પ્રમાણમાં એમની કૃતિઓનો સમૂહ જોઇએ તેટલો મોટો માલૂમ પડતો નથી તેનું કારણ પણ એમની આ ઉત્કૃષ્ટતાની ઉપાસના જ છે. It is better to be exquisite than to be ample, એ ફ્રેન્ચ લેખક ઝૂંબર [Joubert) ના વિચારને જ કેશવલાલ ધ્રુવે જાણે કે પોતાના સાહિત્યજીવનનો ધ્યેયમંત્ર બનાવેલો. અને તેથી બહુ ઝાઝું લખવા કરતા બને તેટલું સુન્દર લખવા ઉપર એમણે પહેલેથી લક્ષ રાખેલું. એટલે અનુવાદ ઓછા થાય એની એમણે પરવા રાખેલી નહિ. પણ જે થાય કે થયા હોય તે શક્ય તેટલા ઉત્કૃષ્ટ બને તેની જ એમણે કાળજી રાખેલી. આનું સ્વાભાવિક પરિણામ એ જ આવ્યું કે એમને દરેક આવૃત્તિ પ્રસંગે આખો અનુવાદ બારીકાઇથી તપાસી જવાનો રહેતો, અને તેમાં ઘણા સુધારવધારા એમને સૂઝતા,એટલે એ દરેક આવૃત્તિ પ્રસગે એમને એ સાહિત્યનો તદ્દન નવો અનુવાદ કરવા જેટલી પૂરેપૂરી નહિ તો નિદાન તેનાથી અર્ધી જેટલી મહેનત તો અવશ્ય લેવી પડતી. તેથી દેખાવમાં જોકે દસજ૧૯[19] અનુવાદ કર્યા છે છતાં એની પાછળ એમને જે સમયશક્તિનો વ્યય કરવો પડયો છે તે તો એ દસ અનુવાદની જે છત્રીસ આવૃત્તિઓ થઇ છે.૨૦[20] તેનાથી અર્ધ એટલે અઢાર અનુવાદો કરવા જેટલો તો ઓછામાં ઓછો ગણવો પડે એવો છે. ઉપર ‘અમરુશતક'ની પ્રસ્તાવનામાંથી આપણે ટાંકેલા શબ્દોમાં અનુવાદની પ્રતોનો ઉપાડ જલદી નહિ થતો હોવાથી નવી આવૃત્તિ કાઢવામાં અનિવાર્ય રીતે થતા વિલંબ વિશે એમણે ફરિયાદ કરેલી. પણ પાછળથી ટૂંક મુદતમાં જ એવી સ્થિતિ ઊભી થએલી કે એમના અનુવાદો સારી પેઠે લોકપ્રિય થઈ પડેલા તેથી તેમ શિક્ષણસંસ્થાઓમાં પાઠયપુસ્તક તરીકે પણ નક્કી થતા તેથી દર સાલ એમને પોતાના અનુવાદોમાંથી કોઈ નહિ ને કોઈની નવી આવૃત્તિ કાઢવાની ફરજ જ પડતી. આથી કંટાળીને એ ઘણી વાર ફરિયાદ કરતા કે ‘હું તો જૂની આવૃત્તિ ખપી જવાથી જૂની છપાવવામાંથી ઊંચો જ નથી આવતો.' આમ એમની ઉદ્યોગશીલતા છતાં અનુવાદો બહુ મોટી સંખ્યામાં એ નહિ આપી શકેલા એટલું જ નહિ પણ ભાલણકૃત ‘કાદંબરી'ના ઉત્તરાર્ધનું કામ છેક સુધી અધુરું જ રહી ગયું તેની પાછળ પણ એમની આ ઉત્કૃષ્ટતાની આગ્રહભરી ઉપાસના જ કારણભૂત છે.૨૧ વળી અનુવાદોમાં પણ ‘રઘુવંશ', ‘કિરાતાર્જુનીય', ‘શાકુન્તલ', ‘ઉત્તરરામચરિત', આદિ જેવી સુદીર્ઘ કૃતિઓને બદલે ‘અમરુશતક', ‘વિક્રમોર્વશીય', ‘મધ્યમ', ‘ઘટકર્પર', આદિ જેવી સરખામણીમાં નાની કૃતિઓ પસંદ કરી તે પણ આ ઉત્કૃષ્ટતાની આસક્તિને લીધેજ, કેમકે કૃતિ જેમ નાની તેમ તેનો સર્વાંગી અભ્યાસ કરવાનું, તેની શુદ્ધ પ્રમાણભૂત વાચના તૈયાર કરવાનું, તેમ તેને ફરી ફરીને જોઈ તપાસી સુધારવા મઠારવાનું વિશેષ સુતર પડે. આ પ્રમાણે એમની મહત્તા તેમ એમની મર્યાદા આ ઉત્કૃષ્ટતાની ઉપાસનામાં જ રહેલાં છે. કેશવલાલ ધ્રુવની ઉત્કૃષ્ટતાની આ આસક્તિ કેવળ લેખન વિષયપૂરતી હતી એમ પણ માનવાનું નથી. ખરી રીતે એ એમનો માત્ર સાહિત્યગુણ નહિ પણ વ્યાપક જીવનગુણ હતો. લઘુવયથી જ એમને ગુરુમંત્ર મળેલો કે જે કંઈ કરવું તે ઉત્તમ પ્રકારનું કરવું, અને તેથી લેખનેતર વિષયમાં પણ એમની જે કંઇ પ્રવૃત્તિ થતી તે ઉત્કૃષ્ટ બને એવું એમનું સદાનું ધ્યેય રહેતું. ઉદાહરણ તરીકે એમને કોઈ સભાના પ્રમુખ તરીકે પ્રસ્તાવના કરવાની હોયકે ઉપસંહાર કરવાનો હોય, સાહિત્યપરિષદના અધિવેશનમાં કોઈ ઠરાવનું સમર્થન કરવાનું હોય કે પાદપૂર્તિની કોઈ પંક્તિ રજૂ કરવાની કે તેનો અર્થ સ્ફુટ કરવાનો હોય, પરિષદે નીમેલી જોડણી કે એવી કોઈ સમિતિનો અહેવાલ પેશ કરવાનો હોય કે પછી પરિષદ માટે પોતે લખેલો નિબંધ વાંચવાનો હોય-એ સર્વપ્રસંગે એ પોતાનું વક્તવ્ય ઉત્કૃષ્ટતાની અચૂક છાપ પાડે એવી રસિક, માર્મિક, છટાદાર શૈલીમાં જ સદાયે રજૂ કરતા વાચનની બાબતમાં તો એમ કહી શકાય કે એમના જેટલી છટાથી ગુજરાતી વાચન કરનારા બહુ થોડા આજ સુધીમાં જોવામાં આવ્યા છે. સાહિત્યપરિષદની બેઠકોમાં એમના નિબંધવાચનના સાક્ષી કે શ્રોતા થવાની જેમને જેમને તક મળી હશે તે સૌ આ વાતનું સમર્થન કરશે.૨૨[21] એમની આ વાચનછટાનું ચિરસ્મરણીય દૃષ્ટાંત તે અમદાવાદની છઠ્ઠી સાહિત્યપરિષદ સમક્ષ વનવેલીના અભિનવ પ્રયોગરૂપ ‘યુલિયસ સીઝર'માંથી બૂટ્સ અને એન્ટનીના ભાષણનું તેમણે કરેલું વાચન ગણાવી શકાય. સ્વ. નરસિંહરાવે કહેલું૨૩[22] તેમ એ ભાષણ એમણે ‘અસાધારણ છટાથી' અને ભારે ‘અસરકારક પદ્ધતિથી'વાંચી સંભળાવેલું. અને એ ‘ચમત્કારપૂર્ણ વાચનના વિમાનમાં' ચડાવીને શ્રોતાજનોને ‘આનન્દના વિરલ વાતાવરણમાં'લઈ જઈ સર્વત્ર અદ્ભૂત મોહની પ્રસારી દીધેલી. આવી મોહની એમના વાચને કરેલી તે શાને લીધે? એમની ઉત્કૃષ્ટતાની ઉપાસનાને જ બળે. પરિષદની તિથિ પૂર્વે પખવાડિયાથી એ પાતાના ‘બાળસ્નેહી' સા. કેશવલાલ નથુરામ પંડિતને સાંજે પોતાની પાસે બેસાડી બ્રૂટ્સ એન્ટનીનાં એ ભાષણ વાંચી સંભળાવતા, અને વાંચતાં વાંચતાં મૂળના વકતવ્યની ધારી અસર થાય છે કે નહિ તેની ફરી ફરીને તપાસ કરી પોતાના વાચનને તદનુસાર વધુને વધુ ભાવવાહક તેમ ચોટદાર બનાવતા. ઉત્કૃષ્ટતાની આવી કાળજી ભરી ઉપાસના પછી એમના એ વાચને પરિપદજનો મુગ્ધ બની જાય એમાં શું આશ્ચર્ય?૨૪</ref>૨૪. અપ્રકટ પુસ્તકનો એક પ્રકરણભાગ.</ref>
નોંધ :-
- ↑ ૧. જુઓ ‘ડો. કઝિન્સ અને ભારતીય કલા' એ નોંધનો અન્તભાગ-'કૌમુદી' માસિક, ૧,૧૨૩
- ↑ ૨. ‘મેળની મુદ્રિકા', છઠ્ઠી આવૃત્તિ, મિતાક્ષરી, પૃ.૩
- ↑ ૩. અંગ્રેજી ‘મિસીઝ'ને માટે કેશવલાલ ધ્રુવનો શબ્દ. પત્નીને માટે કેશવલાલ સદા યે આ જ શબ્દ વાપરતા તેનાં એકબે ઉદાહરણ સ્વ.છગનલાલ વિધારામ રાવળ પરના એમના પત્રોમાંથી ટાંકવા જેવાં છે; (૧) ‘તમારો તા. ૮મીનો પત્ર ગઇ કાલે આવ્યો તેમાં સૌભાગ્યવતીના મંદવાડની હકીકત વાંચી ઘણો ખિન્ન થયો છું....બેશક તમે બહુ હેરાન હશો.’-તા.૧૧-૩-૧૯૦૫. (૨) ‘ઘરમાંથી સૌભાગ્યવતી ને બાળકી અંબાજી ગયાં હતાં તે પાછાં વળી આવ્યાં છે.-તા.૧૩-૨-૧૯૦૬.
- ↑ ૪. ‘બુદ્ધિપ્રકાશ' અભિનંદન અંક (એપ્રિલ-જૂન ૧૯૩૪), પૃ. ૧૨૮-૯ વચ્ચેનું બીજુ ચિત્ર જુઓ.
- ↑ ૫. સદર પૃ. ૯. .
- ↑ ૬. જુઓ રણજીતરામના શબ્દો:- ‘સાંભળ્યું છે કે મુદ્રારાક્ષસના ભાવ, વસ્તુસંકલના, ઉદ્દેશ, શબ્દાર્થ, વગેરે યથાર્થ સમજી શકાય એટલા ખાતર તેની અગાઉ અને પછીનું ૫૦૦વર્ષનું સાહિત્ય રા.કેશવલાલે વાંચ્યું હતું. શબ્દોના હાડપીંજર ઉપરથી તેમનો જીવનઇતિહાસ આલેખનાર શબ્દશાસ્ત્રી (Plilologist) આવી મહેનત લે એ સ્વાભાવીક છે-'રણજીતરામના નિબન્ધો', પૃ.૧૯૨
- ↑ ૭. ઉદાહરણ તરીકે ‘મુદ્રરાક્ષસ'ની પહેલી તથા બીજી આવૃત્તિના શુધ્ધિપત્રકોમાં દર્શાવેલા સુધારા જૂઓ, નમુના તરીકે આંહીં થોડા શ્લોકો મૂળ, સુધારા, અને વિશેષ સુધારા સાથે આપીએ:-
(૧) (ક) નવપૂર્ણમંડળ ચન્દ્રને રિપુ રાહુ રાક્ષસ દુર્મને ગ્રહવા સકેતુ કરે બળે, બુધયોગથી નહિ તેવળે. (પહેલી આવૃત્તિની પૃ.૩)
(ખ) પૂરણમંડળ અવ જે ચન્દ્ર, કરે તેહને બળે ગ્રહવા દુર્ગંહ રાક્ષસ રાહુ; પણ બુધયોગ નહિ દે બનવા. (પહેલી આવૃત્તિની ‘શુધ્ધિવૃધ્ધિ’,પૃ. ૫૯)
(ગ)દુર્ગંહ રાક્ષસ હાવાં કેતુ સહિત ચન્દ્ર પૂર્ણમંડળને ગ્રહવા બળે કરે છે, બુધયોગે તે નહિ જ બને. (બીજી આવૃત્તિ, પૃ. ૩)
(૨) (ક) ગારૂડી હોઈ મન્ત્રતન્ત્રથી અજાણ હોય, મસ્ત હાથીનો ચઢનારો હોઈ પ્રમત્ત હોય, રાજસેવક હોઇ અધિકારના મદે ઉધ્ધત હોય, એ સૌ સરખા જ; ત્રણેને નસીબે ખરાબી સરજી છે. (પહેલી આવૃત્તિ, પૃ.૨૪)
(ખ) ભૂલી મંત્રે મધુમાં ડૂલી, મદમાં ફુલી વગર મોતે ગારુડી, ગજવાહક ને નૃપસેવક ખોય જીવ જોતે.(બીજી આવૃત્તિ, પૃ.૨૯)
(ગ) મ્હાવત, નૃપસેવકને ખેલાડી સરપનો, ત્રણે પોતે ડૂલી મધુમાં, ફૂલી મદમાં, ભૂલી મત્રે જીવ ખુએ વગર મોતે. (બીજી આવૃત્તિ, શુધ્ધિ પત્રક, પૃ. ૨)
(ઘ) મ્હાવત, નૃપસેવકને ખેલાડી સરપનો, ત્રણે પોતે મધુ મદ મત્રે ડૂલી ભૂલી ખોય જીવ વણ મોતે. (ત્રીજી આવૃત્તિ, પૃ. ૨૨)
(ડ) મદમાં ફૂલી, મધુમાં ડુલી, ભૂલી ઊતાર જીવ ખુએ નૃપસેવક, મ્હાવત ને ખેલાડી સરપનો, સૌએ. (છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૭) - ↑ ૮. એ પછીનાં પ્રકાશનોમાં ‘વિક્રમોવયિ'નાં રૂપાન્તરો જુઓઃ-
(૧) ‘વિક્રમોર્વશીય નાટક’' (પહેલી આવૃત્તિ) (૨) ‘વિક્રમોર્વશીય નાટક કિવા પરાક્રમ ની પ્રસાદી' (બીજી આવૃત્તિ) (૩) ‘પરાક્રમની પ્રસાદી કિંવા વિક્રમોર્વશીય નાટક' (ત્રીજી આવૃત્તિ) અને (૪) ‘પરાક્રમની પ્રસાદી' (ચૌથી છેલ્લી આવૃત્તિ). - ↑ ૯. આ કથાસાર ગદ્યલેખ તરીકે લેખકનાં ઉત્તમ લખાણોમાં મુકાય એવો છે. તેમ સામાન્ય વાચકને ખૂબ ઉપયોગી થઇ પડે એવો છે,એટલે પછીની આવૃત્તિઓમાં પણ જાળવી રાખવા જેવો હતો, પણ બીજી આવૃત્તિથી અનુવાદકનું આખું દ્રષ્ટિબિન્દુ બદલાઇ જાય છે, પોતાના અનુવાદોમાં લોકભોગ્ય સરળતાને બદલે વિદ્ધદભોગ્ય શિષ્ટતા આણવાનો એમનો આદર્શ બને છે, એટલે સામાન્ય વાચકને ઉપયોગી બને એવું આ અંગ એમણે પાછળથી જતું કર્યું લાગે છે.
- ↑ ૧૦. જુઓ રા.રામલાલ મોદી પરના પત્રોમાંથી એમના વાક્યો:- (૧) ‘પ્રિયદર્શના નવી આવૃત્તિ કાઢવાની છે. તે તમારે ત્યાંના ટ્રેનીંગ ક્લાસમાં ચાલે છે. કદાચ રા.રા.મંજુલાલ જમના રામ દવે તે શીખવતા હશે, તે મને અગર જે શીખવતા હોય તેમને મારી વતી કહેશો કે સંદિગ્ધ, ગૂઢ, કે અરૂઢ રચના એમના લક્ષમાં આવી હોય તો તે તરફ મારૂં ધ્યાન ખેંચવા અને બીજી ઉપયોગી સૂચના કરવા તસદી લે’-તા.૩-૩-૧૭,(૨) ‘તમે અને ભાઈ મંજુલાલે તે તે સૂચના વડે પ્રિયદર્શનાને વધારે સારા રૂપમાં રૂકવાની મને તક આપી છે. મોટા વિદ્ધાનોને વીનંતી કરી છતાં પણ તે બરબાદ જાય છે એ અનુભવ થયા પછી તમારૂં બંધુકૃત્ય વધારે પ્રિય લાગે છે.વિશેષ સૂચના પણ જો કરવા જેવી હોય તો કરશો.’- તા.૧૯-૬૧૭.(૩) “પ્રિયદર્શનો'ની નવી આવૃત્તિ કાઢવાની છે. મહિના પછી પ્રેસકોપી તૈયાર કરવા ધારૂં છું. દરમિયાન કઈ સૂચના કરવા જેવું હોય તો લખશો.-તા.૨૩-૨-૨૧.
- ↑ ૧૧. ‘અમરુશતક', ચોથી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫.
- ↑ ૧૨. સદર, પૃ. ૫-૬
- ↑ ૧૩. ‘સાહિત્ય અને વિવેચન, ૨, ૩૨૪-૫.
- ↑ ૧૪. ‘કેશવલાલભાઈની નવી આવૃત્તિ એટલે નવું પુસ્તક. ઉત્તમતા સાધવાનો કેશવ ધ્રુવને ધરવ જ નહિ, શબ્દ મણિઓને ઘસી ઘસીને નવનવા પહેલ પાડે, ને મહીંથી અવનવા રંગો ઉઘાડે.' (પૃ. ૧૦) ‘આપણાં સાક્ષરરત્નો', ૧,૧૪૧,
- ↑ ૧૫. ‘સાહિત્ય અને વિવેચન', ૨, ૩૨૫, આજ ભાવ એમણે ‘ગીત ગોવિન્દ'ની હવે પછી પ્રકટ થવાની છઠ્ઠી આવૃત્તિના આરંભમાં જાતે રચીને મૂકેલા નીચેના શ્લોકમાં વ્યક્ત થયો છેઃ-
વૃણે વરં વરિયા વરિષ્ઠ ચ તત:પરમ્ ।
ઉત્તરોત્તરમુત્કર્ષો મમ શાશ્વત પ્રસિધ્ધતુ ।। - ↑ ૧૬. સાહિત્યપરિષદનું પ્રમુખપદ આપણે ત્યાં ઘણાખરાને પંચાવન પછી જ મળ્યું છે, તેમાં અપવાદરૂપ વ્યક્તિઓ ચાર જ લાગે છેઃ (૧) ગોવર્ધનરામ-૫૦, (૨) મુનશી-૫૦, (૩) ભૂલાભાઈ-૫૩, (૪) કેશવલાલ-૪૮.
- ↑ ૧૭. રા. રામલાલ મોદી પરનો તા. ૩-૮-૧૯૨૦નો પત્ર. રા.મોદી એ પોતે પણ આ શબ્દો ‘બુધ્ધિપ્રકાશ' - ‘અભિનંદન અંક'ના એમના લેખમાં ટાંક્યાં છે, જુઓ એનું પૃષ્ઠ. ૩૨
- ↑ ૧૮. A.C. Benson: Edward-Fitz-Gerald (Enghlish men of Letters) p.85
- ↑ ૧૯. (૧) મુદ્રારાક્ષસ, (૨) અમરુશતક, (૩) ગીતગોવિન્દ, (૪) વિક્રમોવર્ષીય, (૫) પ્રિયદર્શના, (૬) સાચું સ્વપ્ન, (૭) પ્રધાનની પ્રતિજ્ઞા (૮)મધ્યમ, ને (૯) પ્રતિમા એ નવ પ્રકટ તથા ‘કૃષ્ણબાલરિત' એ દસમો હવે પછી પ્રકટ થવાનો.
- ↑ ૨૦. તે નીચે પ્રમાણે (૧) મુદ્રારાક્ષસ-૬ (૨) અમરુશતક-૫ (૩) ગીતગોવિન્દ-૬ (૪) વિક્રમોર્વશીય- ૭ (૫) પ્રિયદર્શના-૪ (૬) સાચું સ્વપ્ન-૨ (૭) પ્રધાનની પ્રતિજ્ઞા-૨ (૮) મધ્યમ-૨ (૯) પ્રતિમા- ૧ (૧૦) કૃષ્ણબાલચરિત-૧. કુલ ૩૬ ઉપર અઢાર અનુવાદો જેટલો શ્રમ કહ્યો છે તે તો જરા સ્થૂલ ગણતરીએ, બાકી બરાબર ચોક્કસ ગણતરી કરીએ તો દસ અનુવાદો વત્તા તેની છવ્વીશ આવૃત્તિઓની અર્ધ ગ્રંથસંખ્યા લઇએ તો તેર અનુવાદો જેટલો શ્રમ થયો, એટલે આ છત્રીસ આવૃત્તિઓ પાછળ એકંદરે ત્રેવીસ અનુવાદો જેટલો શ્રમ લીધો ગણાય.
- ↑ ૨૨. પુરાવાની જરૂર હોય તો ‘સાહિત્યદર્શન'માંના નીચેના બે ઉતારામાંથી એ મળી રહેશેઃ
(૧) ભાવનગરની સાતમી પરિષદ વિશેના ‘ત્રણ દિવસની સાહિત્યસેવા' નામે લેખમાંથી: -'ગુજરાતમાં લલિત કલા વિરલ છે; ઉપયોગી કલા અસ્ત પામતી જાય છે; વતૃત્ત્વકલાના પણ સાંસા છે. આ ફરીઆદોમાં ‘વાચનકલા તો વિકસી જ નથી' એવો ઉમેરો સાહિત્ય પરિષદ જેવો પ્રસંગ કરાવી શકે તેમ છે. રા. કેશવલાલ ધ્રુવના જવલંત અપવાદ સિવાય આપણા સૌથી સારા ગણાયેલા વિચારકો-મેસર્સ ખબરદાર, કાન્તિલાલ, રમણભાઈ, મોહનલાલ દવે, બળવન્તરાય ઠાકોર, જયેન્દ્રરાય દુરકાળ, ગિરજાશંકર બધેકા એ સૌ-અણકેળવાયેલા વક્તા કે શીખાઉ વાચકોનું સ્મરણ વધુ આપતા હતા. વિષય વંચાતો જાય તેમ તેમ પ્રતિપળ બદલાતા સ્વર અને ભાવ સાથે તદ્રુપ થઈને સ્વરના આરોહ અવરોહનું નિયમન કેવી રીતે કરવું, ક્યા શબ્દો ઉચ્ચારતાં ભાર મૂકવો, ક્યાં સંયમિત ને ક્યાં ઊંચો સાદ કાઢવો,- આવી આવી ઝીણવટો પર રા. ધ્રુવે જે પ્રભુતા દાખવી તેનો એમના બન્ધુ-સાક્ષરોએ અભ્યાસ કરવા જેવો છે.-(પૃ. ૨૨૮-૯)
(૨) મુંબઇની આઠમી સાહિત્યપરિષદ વિશેના ‘સાક્ષરોનાં શબ્દચિત્રો' નામે લેખમાંથી:- ‘પોતાના વ્યક્તિ પ્રભાવથી એ રીતે આઠમી સાહિત્યપરિષદને ગૌરવાન્વિત કરનારાઓમાં રા. કેશવલાલ ધ્રુવ-જીવન્ત પ્રમુખોના સૌથી જૂના-પ્રેક્ષકનું ધ્યાન સૌથી પહેલું ખેંચતા હતા. એ પુરુષના પાંડિત્યને વધારે વખાણવું કે તેની રસિકતાને એ પણ સાહિત્યચર્ચાનું મોટું ઉખાણું છે. આ પરિષદમાં જે બે ત્રણ વાર બોલવાનો પ્રસંગ એમને આવ્યો ત્યારે પણ એ ઉભય ગુણો સહેજે આગળ તરી આવતા હતા. એમને સાંભળતાં ઘણાંએ સંસ્કારી હૃદયોને થએલું ‘કેવી મધુર વાણી! શી સરલ વહેતી મૃદુતા! કેવો સાન્ત બુધ્ધિપ્રભાવ! કેટલા શુધ્ધને સ્પષ્ટ, સમપ્રમાણ ઉચ્ચાર!', અને એમને નિબંધ વાંચતા કે વધારે ભાષણ કરતા સાંભળવાનો લહાવો આ વખતે ન મળ્યો તેથી ખેદ પણ થતો.’(પૃ.૨૩૭૮) - ↑ ૨૩. ‘વનમાળી'ની ‘વનવેલી' વિશે ‘વનવિહારી'ના વિચાર’-સાહિત્ય’, ૧૯૨૦, મે, પૃ. ૪૧૮૯.
‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૨૧૫ થી ૨૨૭
Note Missing Reference Content
Ref 21 is missing