< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/તેત્રીસના પાંચ વિવેચનગ્રન્થો
ચરિત્રની પેઠે વિવેચનમાં પણ તેત્રીસનું વરસ સારું નીવડયું છે. દી. બ. કેશવલાલ ધ્રુવ, રા. ન્હાનાલાલ, રા. મુનશી, અને રા. રામનારાયણ પાઠક જેવા જુદી જુદી પેઢીઓના ચાર સમર્થ પ્રતિનિધિઓની સેવા એને મળી ગઈ છે. એમાં દી. બ. કેશવલાલ ધ્રુવની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના' [1]નામની મુંબઈ વિદ્યાપીઠ તરફથી અપાએલી વ્યાખ્યાનમાળા તો કોઈ પણ વરસના શાસ્ત્રીય વાગ્ગમયની શોભારૂપ ગણાય એવી છે. ગુજરાતીમાં પિંગળની પાઠયપોથીઓ તો ઠીકઠીક લખાઈ છે, પણ વિવિધ પદ્યબંધોના બંધારણનું શાસ્ત્રીય વિવેચન તેમ તેની ક્રમિક ઉત્પત્તિનો પ્રમાણભૂત ઇતિહાસ આપણે ત્યાં કોઈએ આપેલ નહોતો, તે આ પુસ્તક પહેલી જ વાર આપે છે. ‘ઋગ્વેદ ‘કાળથી માંડીને તે બારમા સૈકાના પ્રાકૃતકાળ પર્યન્તમાં જે જે પદ્યરચનાઓ પ્રકટી તેના પર આમાં સર્વતોમુખી પ્રકાશ પાડ્યો છે. પદ્યશાસ્ત્ર એ વ્યાખ્યાનકારનો જીવનભરના અધ્યયન સંશોધનનો વિષય છે, એટલે આમાં પદે પદે ઊંડા સંગીન જ્ઞાનનો પરિચય થાય એમાં નવાઈ નથી. અહીં અસન્તોષ એક જ વાતનો રહી જાય છે અને તે એ કે વ્યાખ્યાનકાર પોતાની મૂળ યોજના પ્રમાણે દસ વ્યાખ્યાનો આપી શક્યા નથી, પણ પાંચ જ વ્યાખ્યાનથી તેમને વિષય સમેટી લેવો પડ્યો છે. નહિ તો જો મૂળ યોજના પાર પડી શકી હોત તો સંસ્કૃત પ્રાકૃતની પેઠે હિન્દી, ભંગાળી, મરાઠી તેમ ગુજરાતી પદ્યરચનાઓ વિશે આપણને ઘણું નવું જાણવાનું મળી જાત. વ્યાખ્યાનોમાં વિષયાન્તર ખૂબ થએલું છે, અને કેટલીક વાર તો મૂળ વિષયના નિરૂપણને તે ગૂંચવી પણ દે છે, છતાં ત્યાં પણ આ આજન્મ અભ્યાસી સંસ્કૃત પ્રાકૃત ભાષા ને સાહિત્ય તેમ પ્રાચીન મધ્યકાલીન ઇતિહાસ વિશે એવું સ્વકીય ચિન્તન રજૂ કરે છે કે એ વિષયાન્તરે ખૂંચતાં નથી. આમાંનાં કેટલાંક વિધાનો ચિત્ય પણ છે. ઉદાહરણ તરીકે ‘રઘુવંશ' અને ‘મેઘદૂત'ના ભિન્નકતૃત્વ વિશે આમાં જે કહેવામાં આવ્યું છે તે વિમાસણમાં નાખી દે એવું છે. સામાન્ય વાચકને આમાંની વિષયચર્ચા કંઈક વધુ પડતી પારિભાષિક પણ લાગશે, છતાં પદે પદે સ્વતંત્ર સંગીન અભ્યાસ અન્વેષણનાં ફળ રજૂ કરતી ને સૂક્ષ્મ સંશોધન તથા વ્યવસ્થિત નિરૂપણથી શોભતી ગોવર્ધનયુગના એક મહાપંડિતની આ કૃતિ પદ્યશાસ્ત્રના અજોડ ગ્રંથરૂપે આપણે ત્યાં લાંબા વખત સુધી માન પામશે.
એ જ વિષયની એક બીજી નાનકડી વ્યાખ્યાનમાળા તે રા. પાઠકકૃત ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય.' દી. બ. ધ્રુવનો ગ્રન્થ બારમી સદીથી અટકી જાય છે, તો આ ઓગણીસમીથી શરૂ થાય છે. એ રીતે અમુક પ્રમાણમાં આ પેલા મોટા પુસ્તકના પૂરક જેવી છે. ત્રણમાંથી પહેલા વ્યાખ્યાનમાં અર્વાચીન પદ્યરચનામાં થએલા ફેરફાર વિગતવાર નોંધ્યા છે, અને બીજામાં જૂનાં વૃત્તોનાં મિશ્રણ સંયોજન કરી ઉપજાવેલાં નવાં વૃત્તોની ચર્ચા છે. પણ આ વ્યાખ્યાનત્રયીનું સૌથી વિશેષ ધ્યાન ખેંચે એવું તથા કર્તાને માટે માન ઉપજાવે એવું તો અગેય પદ્યના જે જુદા જુદા પ્રયોગો આપણે ત્યાં થયા છે તેની સૂક્ષ્મ પરીક્ષા કરતું છેલ્લું વ્યાખ્યાન છે. રા. ન્હાનાલાલની નવતર રચના શરૂ થયાને ઘણાં વરસ થઈ ગયાં, એટલે તેનું પૃથક્કરણ કરી તેના સ્વરૂપ વિશે નિર્ણય કરવાનું કર્તવ્ય ગુજરાતના વિદ્વાને પાસે ઘણા વખતથી આવી પડ્યું હતું. એ કર્તવ્ય રા. પાઠકે આમાં ખરેખર સમર્થ રીતે બજાવ્યું તે જોઈને આનંદ થાય છે. બીજરૂપે તો રા. નરસિંહરાવ આદિ વિદ્વાનોએ આ સંબંધી પોતાનો આવો જ અભિપ્રાય પ્રારંભમાં તેમ પાછળથી અવારનવાર દર્શાવ્યો જ હતો, પણ એ બીજરૂપ અભિપ્રાયને પ્રતીતિજનક દલીલો ને પુષ્કળ દૃષ્ટાન્તો આપી આંહીં જે સબળ રૂપમાં સમર્થિત કરી રજૂ કર્યો છે તે જ આ છોટી ચો૫ડીની મોટી સેવા લેખાશે.
વિવેચનમાં આપણે ત્યાં પ્રસંગોપાત્ત ગ્રંથાવલોકનરૂપે લખાએલા લેખોના સંગ્રહ થયા છે, પણ સમસ્ત સાહિત્યનાં અથવા તેના કોઈ અંગનાં તત્વોનું પૃથક્કરણ નિરૂપણ કરતા શાસ્ત્રગ્રન્થ આ૫ણને અત્યાર સુધીમાં બહુ થોડા મળ્યા છે. એ થોડામાં રા. મુનશીના ‘થોડાંક રસદર્શનો : સાહિત્ય અને ભક્તિનાં' એ ઠીક ઉમેરો કરે છે. ‘રસદર્શનો’ એવું એનું નામ જરાક ભ્રામક છે, કેમકે એ શબ્દથી સૂચવાય એ પ્રકારનું સૌન્દર્યદર્શી ભાવવાહી ઊર્મિપ્રેરિત વિવેચન આમાં દયારામ વિશેના લેખ સિવાય બીજે બહુ નથી. આમાં તો સાહિત્ય તેમ ભક્તિનાં રસદર્શન કરતાં શાસ્ત્રચર્ચા તેમ ઇતિહાસકથા જ વિશેષ છે, પણ એ રીતે પણ તેનું મહત્ત્વ ઓછું નથી. આના પ્રારંભ ભાગમાં સાહિત્યનું નિર્માણ શાથી થાય છે, તથા ક્યા ગુણો તેને શિષ્ટતા સમર્પે છે તેની લેખકે પોતાના સ્વતંત્ર દૃષ્ટિબિન્દુથી ચર્ચા કરી છે. આપણે ત્યાં આ પ્રકારનું અન્વેષણ અલ્પ જ થયું છે, એટલે રા. મુનશીની આ ચર્ચા ઉપયોગી થઈ પડશે. પણ આના નિરૂપણમાં એક મુશ્કેલી રહી ગઈ છે. લેખકે પોતાના સામાન્ય રિવાજ પ્રમાણે આમાંના કેટલાક વિચારો બીજેથી લીધા છે તે તો ભલે, પણ બીજેથી લીધા પછી પણ એ વિચારોને આપણી ભાષામાં રજૂ કરતા પહેલા તેને જેટલા આત્મસાત્ કરવા જોઈએ, ને આપણું પ્રચલિત વિચારો તેમ પરંપરાગત પરિભાષા સાથે એનો જેટલો સમન્વય સાધવો જોઈએ તે કશું થએલું નહિ હોવાથી આ ભાગનું લખાણ જોઈએ તેટલું વિશદ બન્યુ નથી, એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો જાણે પારકું હોય નહિ એવું અતડું અતડું લાગ્યા કરે છે. પશ્ચિમની સાથે આપણું સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનું પણ એમણે જ થોડું અવલોકન કર્યું હોત, અને પોતાના વક્તવ્યને આપણા સાહિત્યમાંથી પુષ્કળ તાજાં દૃષ્ટાન્તો લઈને સમર્થિત કરવાનું રાખ્યું હોત, તો એમની સાહિત્યમીમાંસા વિશેષ સ્પષ્ટ ને ‘સચોટ' બની શકત. પુસ્તકનો મોટો ભાગ ભક્તિની તત્ત્વચર્ચાને ઇતિહાસનિરૂપણમાં રોકાએલો છે. આ વિષય પણ પહેલી જ વાર હાથ ધરાતો હોઈ ખૂબ ઉપયોગી છે. પણ એમાંનાં કેટલાંક વિધાનો વિવાદાસ્પદ બન્યા વગર રહેશે નહિ. ઉદાહરણ તરીકે ભક્તિ એટલે કામવૃત્તિની જ વિકૃતિ કે રૂપાન્તર એવો જે મત એમણે આમાં સ્વીકાર્યો છે તેને પશ્ચિમના માનસશાસ્ત્રની અમુક શાખાનો ટેકો હોવા છતાં તથા આપાણા કેઈ કેઈ ભક્તના જીવન સાથે તેને બંધબેસતો આવતો દેખાડી શકાય એમ હેવા છતાં જે ભિન્ન ભિન્ન કોટિના ને વિવિધ પ્રકારના ભક્તોના જીવન આપણા ધાર્મિક ઇતિહાસમાં મશહૂર છે તે સઘળાને આ મત ભાગ્યે જ લાગુ પડી શકશે.
‘ગુજરાત: એક સાંસ્કારિક વ્યક્તિ અને આદિવચનો' એ નામનું વાડ્મયચર્ચાનું જે બીજું પુસ્તક રા. મુનશીએ પ્રકટ કર્યું છે તે તો આથી ૫ણ વિશેષ વિવાદાસ્પદ વિધાનોથી ભરપૂર છે. બહુધા વિવાદ જગાડી લોકોને નર્મદ કહે છે તેવા ‘વીજળી-ચમક-ધક્કા' આપવાના સ્પષ્ટ આશયથી જ એમાંનાં ઘણુંખરાં વ્યાખ્યાનો અપાએલાં, તેમ તત્કાલીન વાતાવરણથી રંગાએલા જ નહિ પણ કેટલીક વાર તો છંછેડાઈ ઊઠેલા, વ્યવસાય તેમ સ્વભાવ ઉભય સ્વરૂપે નિષ્પક્ષ ન્યાયાધીશ નહિ પણ પક્ષવાદી વકીલ એવા વિદ્વાનને હાથે લખાએલાં, એટલે એમાં વિજ્ઞાનવિદને છાજે એવું તટસ્થ તત્ત્વાન્વેષણ કે સમતોલ શાસ્ત્રચર્ચા તો નથી જ, પણ સ્વતંત્ર શક્તિશાલી માનસપ્રવૃત્તિમાં સહજ એવી વિચારપ્રેરકતા પુષ્કળ છે, અને એમાં જ એની ગુણવત્તા તેમ ઇયત્તા રહેલી છે. તત્કાલીન પરિસ્થિતિ કે મનોદશામાંથી સ્ફુરેલા છતાં આમાં ચર્ચેલા વિષયો સર્વકાલીન મહત્ત્વના છે અને કેટલીક બાબતો આપણી ભાષામાં લેખક પહેલી જ વાર ને લાક્ષણિક સ્વતંત્રતાથી ચર્ચે છે, એટલે વિવાદાસ્પદ હોવા છતાં ઉપલાં ‘રસદર્શનો'ની પેઠે આ વ્યાખ્યાનો પણ ખૂબ ઉપયોગી થઈ પડશે. એ ‘રસદર્શનો'ની પેઠે આ પુસ્તક લેખકનું આજ સુધી બહુ આગળ નહિ આવેલું એવું એક સ્વરૂપ પ્રકટ કરે છે. એ બતાવે છે કે રા. મુનશી કેવળ પ્રતિભાશાળી સર્જક જ નથી. પણ ઉદ્યોગી અભ્યાસી ને સમર્થ વિદ્વાન પણ છે. અલબત્ત, એમની વિદ્વત્તા જેટલી વ્યાપક છે તેટલી ઊંડી નથી, પોતાને ખપતું હોય તેટલું ચપ લઈને ઉપાડી લે એવી સારગ્રાહી છે, પણ સમગ્ર વિષયનું સાંગોપાંગ અવલોકન કરી અચૂક નિર્ણય પર આવે એવી સર્વગ્રાહી નથી. એટલે એમના કથનમાં જેટલી વિચારપ્રેરકતા હોય છે તેટલી વિશ્વસનીયતા કે યથાર્થતા હોતી નથી. પણ આ તો આમાંનાં સાહિત્યવિષયક વ્યાખ્યાનો પૂરતી વાત થઈ. સાહિત્ય ઉપરાંત પ્રજાજીવન ને સંસ્કૃતિ વિશે આમાં જે વ્યાખ્યાનો છે તે ઓછાં વિવાદાસ્પદ ને વિશેષ પ્રેરક પ્રબોધક છે. એ વ્યાખ્યાનોમાં લેખક જ્યાં જ્યાં બલ, વીરતા, કે વિશિષ્ટતા જુએ છે ત્યાં ત્યાં એમનું હૈયું મુગ્ધ મુક્ત ભાવથી રાચે છે અને એમની કલમ જવલન્ત ચિરંજીવ ચિત્રો રચે છે. ભાષા કેટલેક ઠેકાણે તરજુમિયા-વિચારે અંગ્રેજીમાં ને લખે સંસ્કૃતની ઓથ લઈ ગુજરાતીમાં એવો અંગ્રેજી ભણેલાઓ પરનો નવલરામનો વરસો પરનો આક્ષેપ સ્મરાવે એવી તરજુમિયા હોવા છતાં સઘળાં વ્યાખ્યાનોની સમગ્ર શૈલી તેજસ્વી, જોમદાર, ચેતનવંતી છે, એટલે અમુક ખામીઓ છતાં ‘રસદર્શનો' તેમ આ ‘આદિવચનો' એમાંના વિષયોની નવીનતા, દૃષ્ટિની સ્વતંત્રતા, ને વિચારોની પ્રેરકતાને કારણે આપણા વિવેચન વાગ્મયમાં વિશિષ્ટ સ્થાન લેશે એમાં શંકા નથી. બત્રીસના વિદ્વાન સમીક્ષકે સાચી જ ટકોર કરેલી કે આપણે ત્યાં ગોવરર્ધનરામ જેવા સમર્થ સર્જકને થઈ ગયા પચીસી વીતી ગઈ છતાં એમના ‘સરસ્વતીચન્દ્ર'નું વિવેચન કરનારું હજુ કોઈ નીકળતું નથી. ‘જગતકાદંબરીઓમાં સરસ્વતીચન્દ્રનું સ્થાન’ લખીને રા. ન્હાનાલાલ એ ટકોરનો જાણે કે અણધાર્યો જવાબ આપે છે. શેકિસ્પયરની પેઠે વિવિધ વિવેચનલેખોને નિમંત્રે ને સહી શકે એવા જે કોઈ મહાસર્જકો આપણે ત્યાં થઈ ગયા હોય તે તેમાં ગોવર્ધનરામ મુખ્ય છે, અને જગતસાહિત્ય સમક્ષ બીતાં બીતાં પણ લઈ જઈ શકીએ એવી જે કોઈ અર્વાચીન કૃતિઓ આપણને મળી હોય તો તેમાં ‘સરસ્વતીચન્દ્ર' મુખ્ય છે, એટલે લેખકે પસંદ કરેલો વિષય તો બરાબર છે. પણ એ વિષયને પૂરતો ન્યાય તેઓ આમાં આપી શક્યા નથી. આવા વિષયનું પ્રતિપાદન કરવાને જે અમોઘ તર્કબળ જોઈએ, જે સચોટ દલીલપરંપરા જોઈએ, વિશ્વસાહિત્યની અમર કૃતિઓનું કેવળ જ્ઞાન જ નહિ પણ વિશેષમાં દીર્ઘકાળનું જે પરિશીલન જોઈએ, વક્તવ્યની વાચકદિલ પર સચોટ છાપ પાડે એવી જે વ્યૂહબદ્ધ માંડણી જોઈએ ને સ્વચ્છ મુદ્દાસર એકાગ્ર શૈલી જોઈએ, તેમાંનું કશું લેખક આમાં દર્શાવી શકતા નથી. આમાં તો છે મુખ્યત્વે કેવળ અહોભાવપ્રેરિત આડંબરભર્યો શબ્દપુંજ. નિબંધના પ્રારંભભાગમાં જુદા જુદા દેશની પોતાને ઉત્તમ લાગી તેવી વાર્તાઓની ચર્ચાવલિ છે ખરી, પણ નવલકથાનાં વસ્તુ, પાત્રાલેખન, રસ આદિ વિવિધ અંગો લઈ તે દરેક અંગમાં એ ઉત્તમ વાર્તાઓની સાથે ‘સરસ્વતીચન્દ્ર' શા કારણે ઊભી રહી શકે છે તે વિગતવાર બતાવવું જોઈતુ હતુ તે બતાવ્યું નથી. તે જ રીતે અન્તભાગમાં ‘સરસ્વતીચન્દ્ર'ની મહત્તાનાં કેટલાંક કારણો રજૂ કર્યાં છે ખરાં, પણ વિશ્વસાહિત્યમાં એને સ્થાન અપાવવાને માટે તે પૂરતાં પ્રતીતિજનક નથી તેમ પર્યાપ્ત પણ નથી. આથી એકંદરે અંગત અભિપ્રાયકથનથી બહુ આગળ આ પુસ્તક જઈ શકતું નથી, અને એક પરમ મહત્ત્વનું કાર્ય ઉપાડીને બરાબર પાર ન પાડી શકાયું હોય એવો ઊંડો અસતોષ તે મૂકતું જાય છે. ‘સરરવતીચન્દ્ર'નું વિવેચન અનેક હાથે ને અનેક દૃષ્ટિએ થવાની જરૂર છે, તે પૂરી પાડી શકે એવા એના જ જમાનાના જે થોડા પ્રૌઢ વિદ્વાનો- રા. ઠાકોર, રા. આનન્દશંકર ધ્રુવ, રા. ન્હાનાલાલ વગેરે – આપણે ત્યાં છે તેમાંથી રા. ન્હાનાલાલનું વક્તવ્ય તો આ પુસ્તકમાં મળી ગયું, એટલે હવે બે વિદ્વાનો બાકી રહે છે. તેમાંથી રા. ઠાકોરે તો અત્યાર સુધીમાં થોડાં પણ ઉત્તમ વ્યાખ્યાનો એ વિષય પર આપીને સુન્દર શરૂઆત ક્યારની કરી દીધી છે, તે આપણી કોઈ સંસ્થાએ પૂરી કરાવી પ્રકટ કરવી જોઈએ. અને ‘સરસ્વતીચન્દ્ર' વિશે પૂરા ભાવથી છતાં પૂરી સમતોલતા જાળવીને તેમ આધુનિક વાચકને પણ પ્રતીતિ થાય એવી રીતે એની ગુણવત્તા ને મહત્તાનું દર્શન કરાવી શકે એવા અનન્ય વિદ્વાન રા. આનન્દશંકર ધ્રુવ પાસેથી આ વિષયમાં ઘણું મળવું જોઈએ છતાં બહુ થોડું મળ્યું છે, તેથી આપણી કોઈક સાહિત્યસંસ્થાએ ગમે તેમ કરીને તેમને વહેલી તકે પકડવા જોઈએ અને આપણા અર્વાચીન સાહિત્યના આ મહાગ્રન્થ વિશે એક વ્યાખ્યાનમાળા એમની પાસેથી સવેળા મેળવી લેવી જોઈએ.
સંદર્ભનોંધ :
- ↑ આના નામપૃષ્ઠ પર છપાઈ છે ૧૯૩૨ની સાલ, પણ સરકારી યાદી જોતાં એ બહુ મોડી બહાર પડી લાગે છે. એથી જ ગઈ સાલની સમીક્ષામાં એનો ઉલ્લેખ નહિ આવી શકેલો. એક જ સંસ્થા તરફથી જ્યારે દરસાલ વાર્ષિક અવલોકન લખાવાય છે, ત્યારે આવા સીમાપ્રદેશ પરના ગ્રંથો આગલી નહિ તો પાછલી સાલના અવલોકનમાં આવી જવા જોઈએ એમ માનીને એને આંહીં અવલોકેલ છે.
‘વિવેચનકલા’ પૃ. ૩૬૮ થી ૩૬૪