zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/શીલ અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૩) શીલ અને સાહિત્ય

Let me assure you once for all, that as you grow older, if you enable yourselves to distinguish, by the truth of your own lives, what inue in those of other men, you will gradually perceive that all good has its origin in good, never in evil that the fact of either goerature or painting being truly fine of their kind, whatever their linistaken aim, or partial error, is proof of their noble origin; and that, mistakens indeed sterling value in the thing done, it has come of a sterling worth in the soul that did it, however alloyed or defiled by conditions of sin which are sometimes more appalling or more strange that those which all may detect in their own hearts, because they are part of a personality altogether larger than ours, and as far beyond our judgment in its darkness as beyond one following in its light. And it is sufficient warning against what some might dread as the probable effect of such a conviction on your minds, namely, that you might permit yourselves in the weakness which you imagined to be allied to genius, when they took The form of personal temptation;-it is surely, I say, sufficient warning against so mean a folly to discern, as you may with little pains, that, of all human existences, the lives of men of that distorted and tainted nobility of intellect are probably the most miserable.

Ruskin: Lectures On Art.

હા. ખરેખર એમ જ છે, સાહિત્યકલામાં છે (જે?) કંઈ ઉદાત્ત સર્જન થાય છે, તે એના સર્જકની ઉદાત્તમાંથી જ અવતરે છે. સર્જકનો આત્મા ભ્રષ્ટ, અને છતાં એનું સર્જન પુનિત, એવું સાચી કલાના સંબંધમાં તો કદીય બનતું નથી. સાચી કલામાં તો જ્યાં જ્યાં સંગીન તત્ત્વ જુઓ, ત્યાં ત્યાં ખચીત જાણજો કે એના સર્જનારના અંતરની એટલા પૂરતી સંગીનતાનો જ એ આવિર્ભાવ છે. જનતાના હૃદયને કોઈ પુણ્ય ઊર્ધ્વગામી આંદોલનોથી ભરી મૂકે અથવા ઉન્નત જીવનનો ચેપ લગાડે એવી પ્રબળ ચિરંજીવ કલાકૃતિ ક્યારેય સડેલા અંતરમાંથી ઉદ્ભવી શકતી જ નથી. જ્યાં જ્યાં સર્જનની સાચી સુન્દરતા, ત્યાં ત્યાં એટલા પૂરતી તો સર્જકના આત્માની સુન્દરતા હોય છે જ એમ ખાતરીપૂર્વક માનજો. અને સર્જકનો આત્મા જેટલે અંશે દુષિત કે પતિત, તેટલે અંશે એનું સર્જન પણ એક નહિ તો બીજી રીતે ઓછાવત્તા પ્રમાણમાં અનિવાર્યપણે જ ક્ષતિવાળું નીવડવાનું એમાં પણ શંકા નથી. બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, એ કંઈ કેવળ પ્રાણીસૃષ્ટિનો જ નિયમ નથી; કલાસૃષ્ટિમાં પણ તે એટલો જ સાચો છે. એટલે સાહિત્યકલાના જગતમાં પણ જેવો જનક તેવું જ સંતાન, જેવું શીલ તેવું જ સાહિત્ય એ વિવાદાતીત વાત છે. અને સ્વાભાવિક રીતે એમ જ હોય. બહુ ઊંડા ન ઊતરતાં અથવા સૂક્ષ્મ શાસ્ત્રીય પૃથક્કરણમાં ન પડતાં કેવળ સાદી સમજથી જ વિચાર કરીએ, તો પણ એ જ હકીકત આપોઆપ ફલિત થાય. કેમકે સાહિત્ય એટલે શું? સાહિત્ય એટલે એના સર્જકના સમસ્ત જીવનનો અર્ક-એના અનુભવ, આચાર, વિચાર, ઊર્મિ, ભાવના એ સઘળાના પિંડ રૂપ જે એનું શીલ તેનો જ નિષ્કર્ષ, મિલ્ટન કહે છે કે Good book is the precious life- blood of a master spirit. અર્થાત્ ઉત્તમ ગ્રંથ એટલે કોઈ વિશિષ્ટ વ્યુત્પન્ન માનવ આત્માનું મહામોલું જીવનખમીર. ત્યારે સઘળી સાચી સાહિત્યકૃતિઓ જો આ પ્રમાણે એના સર્જકના જીવનસત્ત્વરૂપ છે, તો પછી એ એના શીલથી ભિન્ન હોઈ જ શી રીતે શકે? ફળ જેમ વૃક્ષના વિકાસનું અંતિમ સ્વરૂપ છે, તેમ સાહિત્યકલાકૃતિ એના સર્જક આત્માના વિકાસનું અંતિમ સ્વરૂપ કે પરિણામ છે, અને તેથી જેમ ફળની શિરાએ શિરામાં તેને ઉત્પન્ન કરનાર વૃક્ષનો જ રસ કસ ભરેલો હોય છે, તેમ સાહિત્ય કલાકૃતિના અણુએ અણુમાં પણ તેના સર્જક આત્માના આચાર, વિચાર, ઊર્મિ આદિરૂપ એનું શીલ ધબકી રહેલું હોય એમાં નવાઈ જ શી? આની આ વાત એક બીજી રીતે વિચારો, આપણે જાણીએ છીએ કે દરેક પ્રજાની સંસ્કૃતિમાં પોતપોતાની વિશિષ્ટતા હોય છે. દરેક પ્રજાની સંસ્કૃતિમાં એને અન્ય પ્રજાની સંસ્કૃતિથી નિરાળી પાડી બતાવે એવું વ્યાવર્તક તત્ત્વ હોય છે. એ જ રીતે દરેક ભાષામાં પણ પોતપોતાની વિશિષ્ટતા હોય છે. ભાષા અને સંસ્કૃતિની આ વિશિષ્ટતા ક્યાંથી આવી? જુદી જુદી ભાષા અને સંસ્કૃતિનું આ વ્યક્તિત્વ કોણે નિર્માણ કર્યું? અલબત્ત એ ભાષા અને સંસ્કૃતિને ઘડનારી પ્રજાએ જ. જેવી પ્રજાની પ્રકૃતિ, તેવી એની ભાષા, અને તેવી જ એની સંસ્કૃતિ. પ્રજા જો પ્રભાવશાળી વીર્યવાન, તો એની ભાષા અને સંસ્કૃતિ પણ પ્રભાવશાળી અને વીર્યવાન, પ્રજા જો નિર્માલ્ય અને મુડદાલ તો એની ભાષા અને સંસ્કૃતિ પણ નિર્માલ્ય અને મુડદાલ. આમ દરેક ભાષા, દરેક સંસ્કૃતિ પોતાને ઘડનારી પ્રજાના શીલની અવિલોપ્ય મુદ્રાથી અંકિત હોય છે એ સિદ્ધ વાત છે. તો ભાષા અને સંસ્કૃતિ એ તો સામુદાયિક વસ્તુઓ છે, કોઈ એક જ વ્યક્તિને અધીન રહેનારી નહિ, પણ સૈકાના સૈકાઓથી અમિત માનવસમુદાયને હાથે ઘડાયા કરતી વિરાટ વસ્તુઓ છે, એવી સામુદાયિક વિરાટ વસ્તુઓ પણ જો પોતાના સર્જકના શીલથી અંકિત હોય છે, તો સાહિત્યકલા તો વૈયક્તિક વસ્તુ છે, એની અને એના સર્જકની વચ્ચે તો જરા પણ વ્યવધાન વગરનો અત્યંત નિકટનો અને ઘનિષ્ઠ સંબંધ હોય છે, તો એવો ધનિષ્ઠ સંબંધ ધરાવનાર સાહિત્યકલા એના સર્જક આત્માના શીલથી અંકિત થયા વગર રહે જ શી રીતે?

તેથી જ વિવેચનશાસ્ત્રનું એક સર્વસ્વીકૃત મહાસૂત્ર છે કે જેવું શીલ તેવી શૈલી- The style is the Marn. શૈલી એટલે લેખકના શીલનો કોઈ અદ્ભુત આવિષ્કાર, એના માનસની કોઈ વિલક્ષણ મૂર્તિ, એના અનુભવ, આચાર, વિચાર, રાગ, દ્વેષ, ભાવના, કલ્પના આદિ સર્વનું કોઈ ગૂઢ લિપિમાં લખાએલું અને છતાં એકવાર એ લિપિની ચાવી મળી જાય કે તરત જ સુસ્પષ્ટ બની જાય એવું અકલવિશદ દફતર, શૈલી અને શીલ વચ્ચે એટલો અવિયોજય સંબંધ છે કે માણસ ગમે તેટલો સમર્થ છતાં જયાં સુધી પોતાના શીલને બદલે નહિ ત્યાં સુધી પોતાની શૈલીને પણ કદી બદલી શકતો નથી. પોતાનું શીલ હોય તેથી સુન્દર શૈલીએ ગમે તેટલું કરે તો પણ સરજી શકતો નથી, તેમ બીજી બાજુ પોતાના શીલની ક્ષતિઓને એમાં આવિષ્કૃત થતી રોકી પણ શકતો નથી. યથાર્થ સ્વરૂપમાં સમજવામાં આવે તો શૈલી આવી અનિવાર્ય વસ્તુ છે. હવે શૈલી એ તો આપણે જાણીએ છીએ તેમ અતિ સૂક્ષ્મ તત્ત્વ છે નજરે ન દેખાય અને છતાં પ્રતિક્ષણ અનુભવાય એવી સાહિત્યની સૂક્ષ્મ ફોરમ છે. વર્ઝવર્થના શબ્દોનો જરા જુદી રીતે ઉપયોગ કરીએ તો the breath and the finer spirit of literature છે. અર્થાત્ શૈલી એ તો સાહિત્યનો સૂક્ષ્મ પ્રાણ અને આત્મા છે. ત્યારે સાહિત્યના સૂક્ષ્મ પ્રાણ અને આત્મારૂપ શૈલીને પણ જો એના સર્જકના શીલ સાથે આટલો અનિવાર્ય સંબંધ હોય, તો પછી એ શૈલી જેનો પ્રાણ અને આત્મા છે એવું જે સાહિત્ય તેને એ સર્જકના શીલ સાથે અનિવાર્ય સંબંધ હોય એમાં તો શંકા જ શી? શૈલી જો શીલનો આવિષ્કાર હોય તો એ શૈલી જેના અંશે અંશમાં વ્યાપી રહેલી છે એવી સાહિત્યકૃતિ શીલનો અનિવાર્ય આવિષ્કાર હોય એમાં સવાલ જ શો?

ત્યારે આટલી પ્રાથમિક વિચારણા પણ પુરવાર કરે છે કે શીલ અને સાહિત્ય વચ્ચે સ્વાભાવિક રીતે જ અનિવાર્ય સંબંધ હોય છે. જગતના સાહિત્યમાંથી થોડાં ઉદાહરણો પહેલાં અન્વય પદ્ધતિનાં અને પછી વ્યતિરેક પદ્ધતિનાં એમ ઉભય પ્રકારનાં લઈશું.

પહેલું ઉદાહરણ ગુજરાતી સાહિત્યના મહાગ્રંથ ‘સરસ્વતીચંદ્ર'નું લઈએ. એના ગુણદોષ વિષે આજની પેઢીને જે કહેવું હોય તે ભલે કહે, પણ એના અંગે અંગમાં એના કર્તાનું શીલ ધબકી રહ્યું છે એની કોઈ પણ ના પાડી શકશે? એના નાયકના ગૃહત્યાગમાં એના કર્તાનો પોતાનો જ એક જીવનપ્રસંગ નથી પ્રતિબિંબિત થયો? એનાં રજવાડી ચિત્રો તેમ ચિંતનોમાં એના કર્તાનો ભાવનગર વગેરે દેશી રાજ્યોનો સ્વાનુભવ જ નથી પ્રકટ થઈ રહ્યો? એના ત્રિવેણી સંગમના નિરૂપણમાં આજના સંક્રાંતિકાળમાં દેશ સમક્ષ ખડા થએલા પ્રશ્નો અધ્યયન મનન દ્વારા પોતાના દેશબાંધવોની યથાશક્તિ સેવા કરવાનું એના કર્તાનું જીવનવ્રત જ નથી મૂર્ત થયું? એની ભાષાશૈલી એક બાજુથી બાણભટ્ટાદિનું સંસ્કૃત સાહિત્ય તેમ બીજી બાજુથી પશ્ચિમનું સર્વોત્તમ સાહિત્ય એ બન્નેનું પરિશીલન કરનાર એના મહારસિક પંડિત કર્તાનું પદે પદે સ્મરણ નથી કરાવતી? અને સરસ્વતીચંદ્ર, કુમુદ, ચંદ્રાવલી આદિ જેવાં ચારિત્ર્ય સૌન્દર્યથી ઝગી રહેલાં એનાં અનેક પાત્રોમાં પણ એના કર્તાની અનુપમ શીલસંપત્તિ, વિરલ સાધુતા, all for others, nothing for myself એવું જીવનસૂત્ર સ્વીકારનાર Practical asceticism-એ બધું જ વ્યક્ત નથી થઈ રહ્યું?

It is a poor centre of man's action, himself એ બેકનના મહાવાક્યને પણ એક ડગલું આગળ વધી It is a poisonous centre of man's action himself એવા રૂપમાં સુધારનાર સાચા નિષ્કામ કર્મયોગી અને ધર્મરાયના ખરેખરા પાર્ષદની જ આ સઘળી સૃષ્ટિ નથી લાગતી? સરસ્વતીચંદ્રમાં જે રસવૈભવ ભર્યો છે, સાહિત્યની દૃષ્ટિએ એમાં જે ચારુતા અને ઉત્કૃષ્ટતા રહેલી છે તે સઘળું એ સર્જકના શીલનો જ સીધે સીધો વારસો નથી લાગતું? ગોવર્ધનરામના મહા ઉદાત્ત શીલ સિવાય બીજું કોઈ જ એ ગ્રંથમણિ સર્જી ન શકે એમ શું એનું અંગેઅંગ અસંદિગ્ધ રીતે પુરવાર નથી કરી રહ્યું?

બીજું ઉદાહરણ કાર્લાઇલ જેને Moral king of English Literature એવું બિરુદ આપે છે એ મિલ્ટનનું લઈએ. ગોવર્ધનરામ અને મિલ્ટન વચ્ચે અનેક રીતે એટલું બધું સામ્ય છે કે એકના નામ પછી બીજાનું યાદ આવ્યા વિના રહે જ નહિ. આ વિષયમાં મિલ્ટનનું નામ લઈએ કે તરત જ એના જીવન સર્જનથી પરિચિત સાહિત્યરસિકો તો પોતાની મેળે જ બોલી ઊઠશે કે શીલ એવું સાહિત્ય એ સત્યનું એના જેવું સચોટ ઉદાહરણ બીજું ભાગ્યે જ મળશે. કેમકે એણે જે કંઈ લખ્યું છે તે ઘણે અંશે આત્મકથાત્મક-પોતાના જીવનપ્રસંગો, અનુભવો, આપવીતિઓ, વિચારો મંતવ્યો આદિથી રંગાએલું છે એટલું જ નહિ, પણ એ રસ, રુચિ, ભાવના આદિરૂપ એના શીલથી અનેકધા અંકિત થએલું છે. સર્જકના શીલની એની રચનાઓ પર ઊંડી અસર થાય છે . સિદ્ધાન્તનું એને પોતાને ભાન પણ થએલું, અને તે બહુ નાની વયે, એટલે એણે પોતાના શીલની રક્ષા પણ બહુ જતનપૂર્વક કરેલી, The life of one aspiring to write great poetry must be a true poem એ એનું ઊગતી અવસ્થાનું વાક્ય બહુ જાણીતું છે. અને એ પોતે તો પહેલેથી જ Great poetry લખવાની મહત્ત્વાકાંક્ષા રાખતો જ હતો, તેથી એણે પોતે તો પોતાનું જીવન સાચા કાવ્યના જેવું સુન્દર બનાવવાનો પહેલેથી જ આદર્શ રાખ્યો હતો અને પોતાનો આખો જીવનક્રમ તદનુસાર જ યોજ્યો હતો. વિદ્યાર્થી દશામાંથી જ, સતી જેટલી ચીવટ પોતાના શિયળ રક્ષાને માટે રાખે એટલી ચીવટ એ પોતાની આચારશુદ્ધિને માટે રાખતો હતો. આથી તેમ એના સુકુમાર સૌન્દર્યને લીધે એ કૉલેજમાં હતો ત્યારે સૌએ એનું નામ Lady પાડયું હતું. કૉલેજ છોડ્યા પછી પણ આપણી ભાષામાં જેને આપણે ગદ્ધાપચીસી કહીએ છીએ એ કપરા કાળમાં પણ એ અત્યંત સંયમપૂર્વક એનું જીવન ગાળતો હતો અને ઉદાત્ત કાવ્યરચનાને અર્થે પોતાના શીલને બને તેટલું ઉદાત્ત કરવાને સતત રીતે મથતો હતો. એના એ દિવસોનું એક અંગ્રેજ વિવેચકે વર્ણન કર્યું છે કે Milton at Horton made up his mind to be a great poet; neither more nor less, and with that end in view he toiled unceasingly. A more solemn dedication of a man by himself to the poetical office cannot be imagined. Everything about him became, as it were, pontificial, almost sacramental, A poet's soul must contain the perfect shape of all things good, wise, and just, His body must be spotless and without blemish, his life pure, his thoughts high, his studies intense. There was no drinking at the ‘Mermaid' for John Milton. આવી કઠોર શીલસાધનાનું મહાફળ તે જ Paradise Lost. વર્ષોની સાધનાને પરિણામે જે વિશિષ્ટ ચારિત્ર્યસૌન્દર્ય મિલ્ટને સિદ્ધ કરેલું તેનો જ અક્ષરાવતાર તે Pardise Lost, Samson Agonistes, Comus આદિ સાહિત્યકૃતિઓ. મિલ્ટનનું શીલ આટલું અભિજાત ન હોત તો આવી ઉચ્ચ સાહિત્યકૃતિઓ એ રચી જ ન શક્યો હોય અને સાહિત્યમાં એનું જે મહાગૌરવવંતુ સ્થાન છે તે એ પ્રાપ્ત પણ કરી ન શક્યો હોત એમાં લેશ માત્ર શંકા નથી.

ત્રીજું નાનકડું ઉદાહરણ સ્વ. રમણભાઈના ‘રાઈનો પર્વત' નું લઈએ. એમાં ગોવર્ધનરામ કે મિલ્ટનની કૃતિઓના જેટલું ગૌરવ તો નથી જ, છતાં શીલ તેવું સાહિત્ય એ સત્યનું એ નાનું છતાં સચોટ દૃષ્ટાંત છે. ‘રાઈનો પર્વત' એટલે સ્વ. રમણભાઈના જીવન અને શીલની આબેહૂબ લઘુમૂર્તિ. સ્વ. રમણભાઈના જીવન તેમ પ્રકૃતિનાં સઘળાં મુખ્ય મુખ્ય પાસાં એમાં સુસ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયાં છે. સ્વ. રમણભાઈ એટલે કર્તવ્યપરાયણ, નીતિપ્રેમી, ઈશ્વરનિષ્ઠ, સ્ત્રીદાક્ષિણ્યવાદી, સંસારસુધારક સજ્જન પુરુષ. એમના શીલના આ સઘળા અંશોનું સાહિત્યીકરણ એ જ ‘રાઈનો પર્વત' કે બીજું કંઈ?

જેવું શીલ તેવું સાહિત્ય, શીલની ઉદાત્તતા હોય તો જ સાહિત્યમાં ઉદાત્તના આવે, જયાં જ્યાં ઉચ્ચ સાહિત્ય રચાયું છે ત્યાં ત્યાં એની પાછળ એના રચનારનું ઉચ્ચ શીલ જ પ્રેરકબળ રૂપે કામ કરી રહ્યું હતું એ સત્યનાં આ ઉપરાંત પણ બીજાં અનેક ઉદાહરણો આપી શકાય એમ છે. પરંતુ આ નાનકડા લેખમાં એ બધાને માટે અવકાશ નથી. પણ આખા જગતનું સાહિત્ય તપાસી વળો, જ્યાં જ્યાં સર્જનની અસંદિગ્ધ સર્વમાન્ય ઉદાત્તતા જોવામાં આવી છે ત્યાં ત્યાં એને અનુરૂપ એવી એના કર્તાના શીલની ઉદાત્તતા પણ એની પાછળ કામ કરી રહેલી સર્વત્ર નહિ તો ઘણે ખરે ઠેકાણે તો અવશ્ય જણાશે. આનો અર્થ એમ નહિ કે કેવળ શીલ કે સાધુતા ઉચ્ચ સર્જનને માટે પર્યાપ્ત છે. અથવા માણસ ચારિત્ર્યશાળી થયો એટલે લાગલો જ ઉચ્ચ કોટિનો સાહિત્યકાર થઈ જવાનો. ના, એમ નહિ જ. સાહિત્યસર્જનની બુદ્ધિ, વિદ્વત્તા, પ્રતિભા આદિ સામાન્ય અનિવાર્ય સાધનસંપત્તિ તો એનામાં પ્રથમ જ જોઈશે. સર્જવું હોય તો મુક પ્રકાર (પરાંત પણ સાવશે એ આંહી કહેવાનું તાત્પર્ય છે. શીલની અમકથા એની સુન્દરતા વગર કે ઉચ્ચતા વગર સાહિત્યમાં સુન્દરતા કે ઉચ્ચતા આવી શકતી જ નથી એમ ગતસાહિત્યના અભ્યાસથી વારણાં ખરાં દૃષ્ટાંતો તો અચૂક બતાવી આપશે. થોડા અપવાદો અવશ્ય નીકળશે, અને પણ અપવાદો વિષે શો ખુલાસો કરવો, એ દૃષ્ટાંતોમાં શીલ અને સાહિત્ય વચ્ચે જે વિસંવાદ દેખાય છે તેને કઈ રીતે ઘટાવવો તેનો વીગતવાર વિચાર આપણે આગળ કરવાના જ છીએ. પણ એ અપવાદો હાલ તરત જરા બાજુ પર રાખીને બોલીએ તો જગતના સઘળા નહિ તો મોટા ભાગના શિષ્ટ સાહિત્યગ્રંથોની મહત્તાનું મૂળ એમના સર્જકના શીલની કોઈ નહિ ને કોઈ પ્રકારની ઉચ્ચતામાં જ રહેલું હતું એમ કહેવામાં વાંધો નથી.

જ્યાં જ્યાં ઉદાત્ત સાહિત્ય હોય છે ત્યાં ત્યાં તેની પાછળ ઉદાત્ત શીલ હોય છે એ અન્વયવ્યાપ્તિના થોડાં ઉદાહરણો આપણે જોઈ ગયા. હવે જ્યાં જ્યાં શીલની ઉદાત્તતા નથી હોતી, ત્યાં ત્યાં સાહિત્ય પણ ઉદાત્ત નથી હોતું, અથવા શીલની જેટલી અનુદાત્તતા તેટલી સાહિત્યની પણ અનુદાત્તતા, એ વ્યતિરેકવ્યાપ્તિનાં થોડાં ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ આપણા નર્મદનું લઇએ. શીલની ઉદાત્તતા સર્જકની પ્રતિભાના

પ્રમાણમાં એના સાહિત્યને કેવું ઉદાત્ત બનાવી શકે તેમ એની અનુદાત્તતા એને કેવું વણસાડે એ બન્નેનું નર્મદના જેવું સ્પષ્ટ પારદર્શક દૃષ્ટાંત ગુજરાતી સાહિત્યમાં બીજું જવલ્લે જ જડશે. એની ‘હિંદુઓની પડતી', ‘વીરસિંહ’ શૌર્યોદ્બોધનનાં કાવ્યો, રાષ્ટ્રભક્તિનાં કાવ્યો આદિ સઘળી કૃતિઓને એની પ્રકૃતિની અંદરની સ્વદેશપ્રેમ, સ્વાતંત્ર્યપ્રેમ, શૌર્ય, ટેક, સ્વમાન, લડાયક જુસ્સો એ બધા એના ઉદાત્ત અંશોએ જ ઉચ્ચ બનાવેલ છે. પણ બીજી બાજુથી એના શીલમાં અનુદાત્ત પણ કેટલુંક હતું, અને તે એના સાહિત્યમાં આવ્યા વગર રહ્યું નથી. ‘રુદનરસિક' ‘ધમધમ લોહી વહે ને ઇશકડો મહાલે.' ‘આહા શી તગતગતી તસવીર તાકતા તીર,' વગેરે અશ્લીલ શૃંગાર કાવ્યો, ‘ઋતુવર્ણન,’ ‘વૈધવ્યચિત્ર' વગેરેમાં એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એની કવિતાને કેવળ નીતિની જ નહિ પણ શુદ્ધ રસ અને કલાની દૃષ્ટિએ દૂષિત કરી તે એની આ અનુદાત્ત કામુકતાએ જ. એના શીલમાં જો લાંપટ્ય ન હોત અથવા ઉદામ કામવૃત્તિ ન હોત તો એની કવિતા અત્યારે છે એ કરતાં અનેકગણી ઉચ્ચ કોટિની બની શકી હોત એ ચોક્કસ છે. લેખકના શીલની ક્ષતિ એને સાહિત્યના ક્ષેત્રમાં પણ સદાને માટે કેવો ભયંકર ફટકો લગાવે છે એનું આ ભારે મનનીય ઉદાહરણ છે. કેવળ સાહિત્ય કીર્તિને ખાતર પણ શીલરક્ષા કેટલી આવશ્યક છે તે નર્મદ જેટલું કદાચ બીજું કોઈ જ નહિ શીખવે.

બીજું ઉદાહરણ ઝોલાનું લઈએ. જીવનની, જીવનનાં અમુક ગણતર વરસોની પણ, સર્જકની સમસ્ત સાહિત્ય પ્રવૃત્તિ પર કેવી વજ્રલેપ જેવી છાપ પડે છે. અને એ વરસોમાં ઘડાઈ ગએલું એનું શીલ એના જીવનભરના સર્જનને પોતાના રંગથી કવું આબાદ રંગી દે છે એવું એમિલ ઝોલા જેવું બીજું દૃષ્ટાંત ભાગ્યે જ મળશે. એમિલ ઝોલા એટલે આપણા સાહિત્યનાં પાત્રનામો આપીને પરિચય કરાવીએ તો ‘દિવ્યચક્ષુ'માંના ધના ભગતનો કિસન જુવાની સુધીની ઉંમર ઢેઢવાડે પસાર કર્યા પછી મોટી ઉંમરે મહાસર્જક બન્યો હોય એવો સાહિત્યકાર. ધનાભગતના ઢેઢવાડાનું વાતાવરણ તો આપણા હિંદુ હરિજનોનું હોય છે એવું શુદ્ધ, પવિત્ર, ધર્મપરાયણ હતું, પણ ઝોલાને જે ઢેઢવાડામાં જુવાનીનાં વરસો ગાળવાં પડેલાં તે તો ખરેખરો ગંધાતો ચીતરી ચડે એવો ઢેઢવાડો હતો. એવા બીભત્સ ઢેઢવાડાની બીભત્સતા યુવાનીના દિવસોમાં એના અંતરમાં અંકાઈ ગઈ, એનું શીલ ત્યારથી એ બીજા બીભત્સતામય બની ગયું. એટલે પછી પોતાનું આખું જીવન એણે એ બીભત્સતા ચીતરવામાં જ ગાળ્યું. ભ્રષ્ટતા, નગ્નતા, વાસ્તવવાદનો આ મહાન આચાર્ય કંઈ પહેલેથી એવો નહોતો. યુવાવસ્થામાં તો એ પણ સઘળા યુવકો હોય છે એવો આદર્શવાદી, ભાવનાવિહારી, સ્વપ્નદૃષ્ટા હતો. આમાંથી એનું જે પરિવર્તન થયું તે ઊગતી જુવાનીનાં જે બે વરસ એને Latin Qucartrsમાં ભારે કંગાલિયતમાં ગાળવા પડ્યાં તેને લીધે આંહીં એને ખાવાનાં સાંસાં પડતાં, શિયાળાની કડકડતી ઠંડીમાં કાવ્ય લખવાનો વિચાર આવ્યો હોય તો પોતાની ખોલીમાં ગરમી રાખવાનું સાઘન ન હોવાને લીધે, પથારીમાં ધાબળા ઓઢી, એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં કલમ રાખી, પથારીમાં પડ્યા પડ્યા જ તેને લખવું પડતું. આંહી એને વેશ્યાઓની બાજુમાં જ રહવું પડતું. પોતે રહેતો હતો એની આજુબાજુની સઘળી ખોલીઓમાં વેશ્યાઓનો દુરાચાર ચાલી રહ્યો હોય, અને વચ્ચેનાં પાતળાં પાર્ટિશનોમાંથી એમના દુરાચાર સમયના સિત્કાર શબ્દો આખી રાત એને સંભળાયા કરતા હોય, એવી રીતે એને જીવન ગાળવું પડેલું. આવી સ્થિતિમાં એનો આદર્શવાદ ક્યાં સુધી ટકે? એનો ચરિત્રકાર કહે છે તેમ Poverty, Hunger, Squalor. Under the deadly scourge of these things, the flood of romanticism was waning. આ દિવસોમાં એને એવાં ગંદા ફાટલાં તૂટલાં કપડાં પહેરવા પડતાં કે રસ્તા પર થઈને નીકળે તો પણ સૌ કોઈ એનો તિરસ્કાર કરતું. અને મૂળે એનું અંતર આળું, એટલે એવે પ્રસંગે એને ખૂબ વસમું લાગતું. અને એનું અભિમાન ઊછળી. આવતું. એ પોતે કહે છે : I felt the crowd moved apart from me, and point its finger at me. Derision! Sarcasms were hurled at me. I bowed my head for a time and wondered what crime I could have committed, I so young, and my soul so affectionate.... Then I lifted my brow and a great pride came to my heart. I felt myself great beside these dwarfs, I addressed my self to the Muse, and thought that if Heaven should preserve a name for me, I would fell delight in hurling this name back at their faces, like a supreme retort to their stupid scorn. ઝોલાની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિનાં બીજ આ મનોદશામાં રહેલાં છે. આવો માણસ જયારે સાહિત્યકાર બને ત્યારે પોતાને જ્યાં આટલું આટલું સહન કરવું પડેલું એ ઢેઢવાડાની બીભત્સતાનાં જ ચિત્રો દોરે ને? પોતાને જે કંગાલિયતે રિબાવેલો તે કંગાલિયતને જ એ નવલકથાઓની પરંપરા દ્વારા અમર કરે ને? જે વૈશ્યાઓના સિત્કાર શબ્દો વચ્ચે એને કડકડતી ઠંડીમાં રાત્રિઓ ગાળવી પડેલી તે વેશ્યાઓની જ વાર્તાઓ એ પછી લખેને? એમિલ ઝોલાનું જીવન સાહિત્યકારના શીલમાં જે અનુદાત્ત અંશો આવી ગયા હોય તે એના સર્જનમાં કેવા અમર થઈ જાય છે એનું જ નહિ, પણ સાહિત્યકારની સમાજ પૂરતી સંભાળ ન રાખે અને

એને કંગાલિયતમાં સડવા દે તો કેવું પરિણામ આવે એનું પણ આપણને સૌને વિચારમાં નાખી દે એવું પ્રબળ દૃષ્ટાંત છે.

ત્રીજું ઉદાહરણ ટોલ્સ્ટોયનું લઈએ. અનુદાત્તશીલના ઉદાહરણમાં આ મહાત્માનું નામ અપાતું જોઈને કેટલાક વાચકો કદાચ ચમકશે, પણ આ મહાત્માના શીલમાં પણ અનુદાત્તતા કંઈ ઓછી નહોતી અને એટલી અનલ્પ અનુદાત્તતા છતાં એણે અંત સુધી ઉદાત્તતાને માટે મથ્યા કર્યું અને શુદ્ધિ અને ઉન્નત જીવનનો જ આગ્રહ રાખ્યા કર્યો એમાં જ એની મહાત્મતા રહેલી છે. ટૉલ્સ્ટોય એટલે એક રીતે કહીએ તો કાદવમાંથી ઊગી નીકળેલું કમળ, એના જન્મ સમયનું રશિયાનું અને યૂરોપનું વાતાવરણ નીતિદૃષ્ટિએ કાદવ જેવું જ. આજૂબાજૂ સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગએલો, જીવનની નિત્ય વસ્તુ રૂપ બની ગએલો. આવી પરિસ્થિતિ વચ્ચે એ ઊછરેલો, એટલે એના જીવન અને ચારિત્ર્ય પર પણ એની ભારે અસર થએલી, એના જીવનમાં અધઃપતનના પ્રસંગો ઘણા આવે છે પણ એનો આત્મા મૂળે ઉચ્ચલક્ષી એટલે પ્રબળ આસુરી સંપત્તિનાં આક્રમણો સામે પણ અંતે એની દૈવીસંપત્તિનો જ વિજય થએલો. એના સર્જનમાં આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એની સાહિત્યકૃતિઓમાં પાપ, ગુના, દુરાચાર, ભ્રષ્ટતા એ બધું એટલી બધી વાર આવે છે અને એવા ભયંકર સ્વરૂપમાં આવે છે કે મહાત્મા ગણાતા આ સાહિત્યકારમાં આ બધું ક્યાંથી આવ્યું એમ જ વાંચનારને પ્રથમ દૃષ્ટિએ તો થાય છે. ઘણીવાર તો એમ જ લાગે છે કે જાણે આખું નરક જ વિકરાળ રૂપમાં એની કૃતિઓમાં ખડું થએલું છે. આવા સાધુ પુરુષના સર્જનમાં આવું ભયંકર નરક દેખીને એનો ભક્ત પહેલાં તો મૂંઝાઈ જ જાય છે. પણ પછી જયારે એના જીવનની વિગતો જાણે છે, એના પોતાના શીલનાં શુભાશુભ બન્ને તત્ત્વોનો પરિચય પામે છે, અને એ બન્ને તત્ત્વો અંત સુધી એના અંતરમાં સામસામે કેવાં ઝઘડ્યાં કરતાં હતાં એ જયારે એ જાણે છે, ત્યારે એને બધી વાતનો ખુલાસો થઈ જાય છે. ત્યારે એને સમજાય છે કે એની સાહિત્યકૃતિઓની અંદરનું આ બધું નરક એ તો ખુદ ટોલ્સ્ટોયના પોતાના જ શીલની અંદર જે કેટલાક આસુરી અંશો હતા તેનું જ આવિષ્કરણ છે. ખરું છે કે આ બધાં આસુરી તત્ત્વો એના સર્જનમાં સિદ્ધાન્તપક્ષમાં નહિ પણ પૂર્વપક્ષમાં જ રહે છે. એ તત્ત્વોનો પોતાની સાહિત્યકૃતિઓમાં એ કદી યે વિજય થએલો બતાવતો નહિ, પણ આખરે એનો વિનાશ થએલો એ ચીતરે છે છતાં એના જેવા ભાવનાથી ભરપૂર અને ધર્મપરાયણ આધ્યાત્મિક સાહિત્યકારની કૃતિઓમાં પૂર્વપક્ષરૂપે પણ આટલી બધી ભ્રષ્ટતા આવી એ એના શીલની અંદરની અનુદાત્તતાનું પરિણામ, સર્જક પાછળથી સાધુ પુરૂષ થાય છતાં જીવનના પૂર્વભાગમાં પણ જો એના શીલમાં કંઈ સડો પેસી ગયો હોય, કંઈ વિકૃતિ દાખલ થઈ ગઈ હોય, તો એની ઉત્તરાવસ્થાની સાચી સાધુતા છતાં અને એકંદરે તો એના જીવનમાં દૈવીપ્રકૃતિનું પ્રાધાન્ય હોવા છતાં પેલું એક વાર દાખલ થઈ ગએલું અનુદાત્ત તત્ત્વ એના સર્જનમાં ક્યાંક ક્યાંક તો ફૂટી નીકળ્યા વગરે રહેતું જ નથી એ ટોલ્સ્ટોયની કૃતિઓ પગલે પગલે પુરવાર કરે છે, સર્જકના જીવન અને સ્વભાવની અશુદ્ધિ એના સર્જનને અમુક રૂપમાં તો રંગ્યા વિના રહેતી જ નથી. એનું એનો કૃતિસમૂહ આ રીતે સુંદર ઉદાહરણ છે.

ત્યારે અન્વય વ્યતિરેક ઉભય પ્રકારનાં આ થોડાં ઉદાહરણો ઉપરથી પણ વાચકે એટલું તો જોઈ શકશે કે લેખકના શીલ અને સાહિત્ય વચ્ચે જરા જેટલો પણ સંબંધ હોતો નથી એ ઘણીવાર આપણે માની લઇએ છીએ એ ભૂલ છે. જગતના સઘળા નહિ તો ઘણાખરા સાહિત્યકારોના જીવન અને સર્જનનો જો સૂક્ષ્મ અભ્યાસ કરીએ તો આપણને માલૂમ પડે કે એમની કૃતિઓ એમના અનુભવ આચાર, વિચાર, રાગ, દ્વેષ, આદિરૂપ એમનું જે શીલ તેનાથી ક્યાંક નહિ ને ક્યાંક, એક નહિ તો બીજી રીતે તો રંગાયા વિના રહેતું જ નથી. એમની કૃતિઓની જે મહત્તા છે તે ઘણીવાર તો એમના શીલની મહત્તાનું જ વાડ્મય સ્વરૂપ હોય છે. એ જ રીતે એમની કૃતિઓની અંદર જે અશુભ તત્ત્વો જોવામાં આવે છે તે પણ એમના જીવનમાં કોઈક પ્રસંગે જાણ્યે અજાણ્યે જે અશુભ આચાર વિચાર એમને હાથે થઈ ગએલો અને એમના શીલમાં સ્પષ્ટ અસ્પષ્ટ રૂપે જડાઈ ગએલો તેના જ પરિણામ રૂપ હોય છે. અર્થાત્ શીલ તેવું સાહિત્ય એ સર્વથા નહિ તો મોટે ભાગે તો સાચું છે, અને જ્યાં જ્યાં સાહિત્ય લેખકના શીલના સીધા પ્રતિબિંબ જેવું નથી હોતું ત્યાં પણ એ બે વચ્ચે અમુક જાતનો સંબંધ તો અવશ્ય રહેલો હોય જ છે. અર્થાત્ લેખકનું શીલ એના સાહિત્ય પર ક્યાંક નહિ તો ક્યાંક, સીધી નહિ તો આડક્તરી પણ અસર તો કર્યા વગર રહેતું જ નથી. કલાના તાત્ત્વિક સ્વરૂપનો જો વિચાર કરીએ, સાહિત્યકૃતિ એના સર્જકના માનસમાંથી કેવી રીતે ઉદભવે છે એના ચિત્તવ્યાપારનું જો પૃથક્કરણ કરીએ તો પણ આ જ વાત ફલિત થશે.

કલા એટલે શું? આ વિષયના મહાચિંતક ટૉલ્સ્ટોયને જ બોલવા દઈએઃ Art is a human activity consisting in this, that one man (consiously) by means of certain external signs, hands on to others feelings he has lived through and that others are infected by those feelings and also experience them. અર્થાત પોતે જીવનમાં એકવાર જીવી ગયેલ હોય એવા ભાવનું શબ્દાદિ બાહ્ય સંજ્ઞા દ્વારા અન્યના ચિત્તમાં સંક્રમણ કરવું અને એ રીતે અન્યને એ ભાવનો એટલો જબરો ચેપ લગાડવો કે પોતે અનુભવેલો ભાવ તે બીજા પણ જાતે અનુભવે આ જાતની જે પ્રવૃત્તિ તેનું નામ કલા. આ પ્રમાણે કલા કે સાહિત્ય કલાકાર કે સાહિત્યકારના ચિત્તમાંથી ભોક્તા કે વાચકના ચિત્તમાં સંક્રમણ છે. અને આવું સંક્રમણ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એ ભાવ કે ઊર્મિ સર્જકે પોતાના ચિત્તમાં અત્યંત તન્મયતાપૂર્વક અનુભવેલ હોય વાસ્તવિક કે કાલ્પનિક કોઈપણ જીવનમાં એણે ઉત્કટતાપૂર્વક ખરેખર અનુભવેલ હોય. એટલે સાચી કળા કે સાચા સાહિત્યમાં દંભને સ્થાન જ નથી. માણસ પોતે જીવનમાં જાતે અનુભવેલ ન હોય એવા ભાવોનું આલેખન કે નિરૂપણ કરી શકે, પણ એનું સંક્રમણ ન કરી શકે એનું સંક્રમણ કરવા જેટલું પ્રાબલ્ય તો એ ભાવ જયારે એણે અત્યંત ઉત્કટતાપૂર્વક જીવનમાં અનુભવેલ હોય અને એનું શીલ જ્યારે એ અનુભવથી કોઈ વિશિષ્ટ પ્રકારે અંકિત થઈ ગયેલ હોય ત્યારે જ શક્ય બને છે. એટલે સાચી કલા કે સાહિત્યનું આ લક્ષણ જો આપણે બરાબર યાદ રાખીએ તો શીલ અને સાહિત્ય વચ્ચે જગતમાં જ્યાં જ્યાં વિસંવાદ જોવામાં આવે છે તેમાંના ઘણા ખરાનો તો ખુલાસો થઈ જશે કેમકે આ લક્ષણની કસોટીએ ધ્યાનપૂર્વક તપાસીશું તો શીલ અને સાહિત્ય વચ્ચે વિસંવાદ દેખાતો હોય એવી ઘણીખરી રચનાઓ સાચી કલાના વર્ગમાં દાખલ થવાને પાત્ર જ આપણને નહિ લાગે એ રચનાઓમાં અમુક ભાવોનું આલેખન થયું હશે ખરું, પણ એ રચનાઓના આસ્વાદથી એ આલેખિત ભાવોનું સંક્રમણ અન્યના ચિત્તમાં ભાગ્યે જ થતું હશે. એવું સંક્રમણ તો એના સર્જકે જ્યારે એ ભાવ જીવનમાં ખરેખર અનુભવેલ હોય અને એવી ઉત્કટ રીતે તે તન્મયતાપૂર્વક અનુભવેલ હોય કે એના શીલ પર કોઈ વિશિષ્ટ પ્રકારની છાપ પાડી જાય, ત્યારે જ શક્ય બને છે. એટલે સાચી કલામાં અંગત અનુભવ એ તો અનિવાર્ય અગત્યની વસ્તુ છે. કલા કે સાહિત્ય કંઈ અધ્ધરથી આવતાં નથી, એનો જન્મ કંઈ અંતરિક્ષમાંથી કોઈ એકાએક આવીને પ્રેરણા ફૂંકી જાય એ રીતે થતો નથી. એ તો સ્વાનુભવના બીજમાંથી જ જન્મે છે, પ્રેરણા મળતી હોય તો પણ તે અધ્ધરથી નહિ પણ સ્વાનુભવની ઉત્કટતામાંથી જ મળે છે. સ્વાનુભવ વગર જે કંઈ લખાય તે લખાણ હોઈ શકે, પણ સાચું સાહિત્ય ન હોઈ શકે. માણસ કલ્પનાથી કે વાતાવરણમાંથી કે પરંપરામાંથી અમુક વિચારો કે ભાવો લઈને પોતાની રચનામાં એ વિચારો કે ભાવોનો જગત સમક્ષ દેખાડો કરી શકે, પણ એ ભાવોનું અન્યના ચિત્તમાં સંક્રમણ તો જાતે એ ભાવો અનુભવ્યા વગર કદી પણ ન જ કરી શકે. એટલે દંભ, પ્રતારણા કે ખેલાડીપણું હોય ત્યાં સાચી કલાનો સંભવ જ નથી. ત્યાં અમુક ભાવોનું પ્રદર્શન થઈ શકે. અને ખેલાડીબાજ જો પુરુષ હોય તો પોતાના એ પ્રદર્શન પ્રત્યે લોકોનું ઘડીભર લક્ષ ખેંચી શકે પણ એ ભાવોનું લોકોને સાચું સંવેદન એ નહિ જ કરાવી શકે, અને સદાને માટે સૌ કોઈને એનું સંવેદન કરાવી શકે, એવી ચિરંજીવ ભાવસંક્રમણશક્તિ તો એની એ રમતમાં નહિ જ આવી શકે. એ ચિરંજીવ ભાવસંક્રમણશક્તિ તો એ ભાવો એણે જો જાતે અનુભવ્યા હશે અને જીવનમાં ઘૂંટીઘૂંટીને પોતાના શીલના અંશરૂપ બતાવી દીધા હશે તો જ એના સર્જનમાં આવી શકશે.

સાહિત્યકલાના સર્જનવ્યાપારનું પૃથક્કરણ કરીએ, સાચી કલા કલાકારના માનસમાંથી કેવી રીતે ઉદ્ભવે છે એનું નિરીક્ષણ કરીએ, તો પણ આ જ વાત પુરવાર થશે. આને માટે માનસશાસ્ત્રની ઝીણવટભરી ચર્ચામાં પડવાની જરૂર નથી, તેમ આંહીં સ્થળ સમય પણ નથી. પણ જે જાતે સાચો કવિ હતો અને કવિત્વ વ્યાપારનો મર્મજ્ઞ ચિંતક હતો એવા વર્ડ્ઝવર્થનો જ અભિપ્રાય ટાંકીશું. એ કહે છે કે Poetry is the spontaneous overflow of powerful feelings; it takes origin from emotion recollected in tran- quillity; the emotion is contemplated till by a species of reaction, the tranquillity gradully disappears, an emotion kindred to that which was before the subject of contemplation, is gradually produced, and does itself actually exist in the mind. અર્થાત્ સર્જનવ્યાપારનાં ત્રણ ક્રમિક અંગો (૧) કોઈ ભાવ કે લાગણીનો ઉત્કટ અનુભવ, પછી (૨) એ ભાવ કે લાગણીનું રમણ અને પછી ચિત્તમાં એનું અમુક વખત ચિંતન કે ગુંજન થયા પછી ઘટમાં ઘૂંટાયા પછી કોઈ નિમિત્ત મળતાં એ લાગણી કે ભાવનું પુનઃસંચલન, આ પુનઃસંચલનમાંથી એ કૃતિનો તાત્કાલિક જન્મ. એટલે કે કુદરતમાં જે બધે બની રહ્યું છે તેજ કલાસર્જનમાં પણ બની રહ્યું છે : પહેલું ચિત્તરૂપી ભૂમિમાં બીજ પડે પછી અમુક વખત સુધી એ બીજ ત્યાં પડી રહે અને ભૂમિની સાથે મળી જાય, અને પછી છેવટ તેમાંથી નવો અંકુર ફૂટે. કલાકારની દૃષ્ટિએ જીવનમાં કોઈ ભાવનો ઊંડો અનુભવ ચિત્તને અડ્યો ન અડયો ત્યાં તો પસાર થઈ જાય એવો ઉપરચોટિયો સ્પર્શમાત્ર જ નહિ, પણ ચિત્તમાં ઉત્કટ ક્ષોભ ઉત્પન્ન કરે એવો ઊંડો અનુભવ થાય એ એનું બીજ, પછી એ અનુભવ એની મનોભૂમિમાં અમુક વખત સુધી વસે, એનું ચિત્ત પોતાની બધી પ્રક્રિયાઓ કરીને એ બીજને આત્મસાત્ કરી દે, એ એના બીજપોષણ (incubation) રૂપ બીજી અવસ્થા, અને પછી એમાંથી કૃતિ જન્મે તે ત્રીજી અવસ્થા. એટલે કોઈ પણ સાચી કલાકૃતિ જન્માવવી હોય તો એને માટે બે વસ્તુઓ અનિવાર્ય અગત્યની : એક તો એકે કોઈ પણ ભાવનો ઉત્કટ સ્વાનુભવ, અને બીજી એ કે એ સ્વાનુભવને પોતાના ઘટમાં ઘૂંટીને પોતાના શીલના અંગરૂપ બનાવી દેવો. ટોલ્સ્ટોય પણ વર્ઝવર્થના અભિપ્રાયની શાખ દેતો હોય એમ છતાં સ્વતંત્ર રીતે એ જ કહે છે : To evoke in oneself a feeling one has once experienced and having evoked it in on self? them by means of movements lines, colours, sounds, or forms expressed in words, so to transmit that feeling that others experience the same feeling-this is the activity of art. આ રીતે સાચી કલાકૃત્તિ ઉત્પન્ન કરવાને માટે ઊંડું ભાવસંચલન એ પરમ આવશ્યક વસ્તુ છે. પણ આ ભાવસંચલન કંઈ કલાકાર પોતે ઇચ્છે ત્યારે અથવા ઇચ્છે એ વિષયનું કરી શકતો નથી. એ ભાવસંચલન તો એ ત્યારે જ કરી શકે છે કે જ્યારે એ ભાવને અનુરૂપ અનુભવરૂપી બીજને ઘટમાં ઘૂંટીને પોતાના શીલના અંગરૂપ એણે બનાવી દીધું હોય. કલા એ કંઈ કલાકારની દાસી નથી કે એ હુકમ કરે તે તરત તે આવીને હાજર થઈ જાય, એ તો એની દેવી છે, અને જે સ્વરૂપે એનો સાક્ષાત્કાર કરવો હોય તેને અનુરૂપ અનુભવ અને શીલ સાધના હોય તો જ તે પ્રકટ થાય છે.

કૉલરિજ કહે છે તેમ The best words in the best order એનું નામ કવિતા. આ જ પ્રમાણે કલાનું લક્ષણ બાંધવું હોય તો આપણે કહી શકીએ કે યોગ્યતમ ઉપાદાનનું યોગ્યતમ સંયોજન તેનું કલા. હવે જરા વિચાર કરો કે આ યોગ્યતમ ઉત્પાદન કે સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાનું સામર્થ્ય આવે છે ક્યાંથી? એ તે શું ક્યાંક અંદરથી આવે છે? શું કોઈ દેવ આવીને સર્જકના કાનમાં એની ફૂંક મારી જાય છે? શું આકાશમાર્ગે કોઈ અદ્ભુત પ્રેરણા એને આ યોગ્યતમ સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાની થઈ આવે છે? સીધો, સાદો માનવી જેવો માનવી, એને આ ગાંધર્વનગરી સરજવાનું સામર્થ્ય મળે છે ક્યાંથી? એની કલ્પના, એની બુદ્ધિ, એની પ્રતિભા, એ બધું ખરું, પણ એ બધું કેવળ સાધન છે, એ સાધનસામગ્રી સળગાવનારો તણખો તે એનો કોઈ ઉત્કટ સ્વાનુભાવ અને સ્વાનુભવમાં રાગદ્વેપરૂપે ભળેલું એની શીલ જ. એ સ્વાનુભવ અને શીલની ઉત્કટતા જ એને યોગ્યતમ સામગ્રીનું યોગ્યતમ સંયોજન કરવાનું સામર્થ્ય આપે છે. કલાકારો અને સાહિત્યકારો પ્રેરણા પ્રેરણાની વણ સમજી બૂમો પાડ્યા કરે છે, પણ પ્રેરણા એ કોઈ બાહ્ય પદાર્થ છે જ નહિ, આંતર અનુભવની ઉત્કટતા એ જ પ્રેરણા છે, એ સિવાય પ્રેરણા જેવી બીજી કોઈ વસ્તુ જ નથી. આપણા કલાકારો અને સાહિત્યકારોમાં જો પોતાના સર્જનવ્યાપારનું પૃથ્થકરણ કરવા જેટલી સૂક્ષ્મ કુશાગ્ર બુદ્ધિ હોય અને એવા બુદ્ધિયુક્ત પૃથ્થકરણને અંતે જે જણાય તે દિવ્યતાનો પોકળ દંભ કર્યા વગર યથાર્થ રૂપમાં પ્રકટ કરવા જેટલી પ્રમાણિકતા હોય તો એ સૌ આ જ વાત કબૂલ કરે કે એમની એકે એક કૃતિની પાછલા જીવનનો કોઈક ઉત્કટ અનુભવ રહેલો હતો, અને એ અનુભવરૂપી બીજ પર એના શીલમાંથી રાગ કે દ્વેષનું જે સતત સ્રવણ થયું તેમાંથી જ એમની એ કૃતિરૂપી અંકુર ફુટેલો. આપણે જેને પ્રેરણા કહીએ છીએ તે તો એને થએલા અનુભવની ઉત્કટતા જ માત્ર છે. એ અનુભવ જો અને અત્યંત ઉત્કટ રૂપમાં થયો હશે તો તેનું કલાનું રૂપ આપવાને એને નિરંતર ધકેલ્યા જ કરશે, જ્યાં સુધી કલારૂપે એને પ્રકટ નહિ કરે ત્યાં સુધી એને જંપવા જ નહિ દે, અને તે પણ એ અનુભવને પૂર્ણ માપમાં યોગ્યતમ વાહન અને યોગ્યતમ સંયોજન દ્વારા પોતાને જેવો અનુભવ થએલો તેવો જ એ કલાના એકેએક ભોક્તાને થાય એવા સ્વરુપમાં પ્રકટ નહિ કરે ત્યાં સુધી એને જંપવા નહિ દે. જગતના આદિકાળથી આટલા બધા કલાકારો અને સાહિત્યકારો નિરંતર રીતે પોતાના લોહીનું પાણી કર્યા કરે છે એ શું કેવળ કલાકરો ગણાવાની કીર્તિને જ માટે? નહિ કીર્તિનો મોહ ખરેખર બહુ જબરો છે, છતાં આટલી બધી મહેનત આ સૌ કલાકારો જે અનાદિકાળથી કરી રહ્યા છે અને પોતાનું સમસ્ત જીવન જ કલાને ખાતર જે નિચોવી અનાદિકાળ, એમને જીવનમાં કોઈ ઉત્કટ અનુભવ થયેલો કોઈક પ્રબળ સંવેદન થયેલું તે એમને નિરાંતે બેસવા દેતું નથી, એ યોગ્ય આકારમાં આવિષ્કૃત ન થાય ત્યાં સુધી એમનો એ મૂકતું નથી તેથી જ. અમુક અનુભવ કે સંવેદન આવી રીતે કોઈનો પાલવ પકડીને અને પાછળ પડે તેનું નામ જ પ્રેરણા. એટલે કોઈ કલાકારને જો પોતાના સર્જનવ્યાપારમાં પ્રેરણા જોઈતી હોય તો તેણે એક જ કામ કરવું, કે પોતાને જે વિષયનું સર્જન કરવું હોય તેનો પૂર્ણ, સર્વાંગી, અને ઉત્કટ અનુભવ કરવો, અને એ અનુભવને પોષે એવું શીલ વિકસાવવું. સામગ્રીના યોગ્યતમ સંયોજનરૂપ સાચી અનવદ્ય કલાકૃતિ નિર્માણ કરવાનો એક જ સાચો માર્ગ છે.

ત્યારે શીલ અને સાહિત્ય વચ્ચે આવો ગાઢ અવિયોજય સંબંધ છે. કોઈ પણ વૃક્ષ જેમ અદ્ધર આકાશમાંથી ઊગી શકતું નથી, તેમ કોઈપણ સાચી કલાકૃત્તિ કેવળ ખાલી કલ્પનાના વિલાસમાંથી જન્મી શક્તી નથી. એને ઊગવાને માટે પ્રથમ જીવનરૂપી જમીન જોઈએ છે, અને એ જમીનમાં અનુભવરૂપી જે બીજ પડે તેને જયારે યોગ્ય શીલરૂપી પોષણ મળે ત્યારે જ એ કલાકૃતિનો દેહ ધારણ કરી શકે છે. કલાકારે જીવનભર જે આચાર રાખેલ હોય છે, વિચારો કરેલ હોય છે, ભાવનાઓ સેવેલ હોય છે, અને જે ઝંખનાઓ કર્યા કરેલ હોય છે તે જ એના સર્જનરૂપે આવિર્ભાવ પામે છે. આપણા ધર્મમાં વાસનાપ્રાબલ્યનો જે મહિમા જીવન અને પરજીવન વચ્ચે માનવામાં આવ્યો છે એવું જ વાસનાપ્રાબલ્ય કલાકારના શીલ અને સાહિત્ય વચ્ચે પણ કામ કરી રહેલું છે. આપણે જેમ માનીએ છીએ કે मरणे या मितः सौ गतिः અને મરણ સમયની માણસની ચિત્તદશા કેવળ પરવશ હોય છે, એટલે જીવનભર જે વાસનાઓ એણે ઉત્કટ રૂપે સેવેલ હશે, જે રાગદ્વેપો પ્રબળ રીતે અનુભવેલ હોય તે જ મરણ ક્ષણની પરવશ દશામાં એની આગળ અનિવાર્ય રીતે ખડી થાય છે, અને એના ભાવિ જીવનનું સ્વરૂપ નક્કી કરે છે, તેમ કલાકારના સંબંધમાં પણ કહી શકાય કે એણે જીવનભર જે વાસનાઓ ઉત્કટરૂપે સેવેલ હશે, જે રાગદ્વેપો પ્રબળરીતે અનુભવેલ હશે, જે ભાવનાઓનું નિરંતર રટણ કર્યાં કરેલ હશે તે જ એની સર્જન ક્ષણે એની આગળ અનિવાર્ય રીતે ખડી થશે, અને એને આડો અવળો ક્યાંય ચસકવા દીધા વગર એની ઇચ્છા હશે કે નહિ તો પણ પોતાના સ્વરૂપ અનુસાર એની એ કૃતિનું નિર્માણ કરશે એના હાથમાંથી કલમ જ લઈ લઈને જાણે પોતાનો જ ઇતિહાસ ચીતરી મારશે. માટે તમારે જો સાચા સમર્થ ઉદાત્ત કલાકાર થવું હોય તો પહેલેથી જ તમારા જીવનને ઉન્નત બનાવો, તમારા શીલને સમૃદ્ધ કરો, અને તમારા માનસને ઉદાત્ત ભાવનાઓથી ભરો. ઉચ્ચ જીવન વગર ચિરંજીવ ઉચ્ચ સર્જન શક્ય જ નથી ઉદાત્ત શીલ વગર ઉદાત્ત સાહિત્ય સર્જનનો બીજો કોઈ માર્ગ જ નથી. नान्यः पन्था विद्यतेऽयनायः આટલી કિંમત આપ્યા વગર સાચી ઉમદા કલાકૃતિ કોઈને લાધવાની જ નથી. મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ -

Such A price
The Gods exact for song;
To become What we sing.

અમદાવાદની ગુજરાત કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળ સમક્ષ ગઈ સાલ મૌખિક ભાષણરૂપે ચર્ચેલો વિષય આંહી લેખરૂપે રજૂ કરેલ છે. આખો વિષય અત્યંત વ્યાપક અને ગહન છે, એટલે એક જ લેખ દ્વારા તેને પૂરતો ન્યાય ન જ આપી શકાય એના જુદા જુદા અંશો લઈ તેની સવિસ્તર ચર્ચા કરી શકાય એવી લેખમાલા કે સ્વતંત્ર પુસ્તક તેને માટે યોજવામાં આવે તો જ તેનું કંઈકે સંતોષકારક નિરૂપણ થઈ શકે. ભવિષ્યમાં વિશેષ અનુકૂળતા મળ્યે આ વિષય વિસ્તારપૂર્વક ચર્ચવાની ઇચ્છા પણ છે, પણ તે તો બને ત્યારે, અત્યારે તો આપણી ભાષામાં બહુ ઓછા ચર્ચાએલા આ મહા પ્રશ્ન પ્રત્યે સાહિત્ય કલાકારસિકોનું લક્ષ ખેંચવા પૂરતો જ આંહીં પ્રયત્ન કર્યો છે, શીલ અને સાહિત્ય વચ્ચે વિસંવાદનો ખુલાસો થોડો આમાં કર્યો છે., બાકીનો સ્વતંત્ર લેખરૂપે ભવિષ્યમાં.

નોંધ :

1. Augustine Birrelt Obiter Dicta.

‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૪૦ થી ૫૧