સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/સર્જનના વિકાસમાં વિવેચનનો ફાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૧૦) સર્જનના વિકાસમાં વિવેચનનો ફાળો

સામાન્ય રીતે એમ માની લેવામાં આવે છે કે સર્જનને ઉદ્ભવ તો સર્વથા સ્વયંભૂ રીતે જ થાય છે, એમાં વિવેચન કશે ફાળો આપી શકતું નથી. પણ આ માન્યતા ખોટી છે. સાહિત્યનો ઇતિહાસ જે લક્ષપૂર્વક તપાસવામાં આવશે તો તરત માલૂમ પડશે કે યુગે યુગે જે નવું સાહિત્યસર્જન થતું રહ્યું છે તેના ઉદ્દભવમાં વિવેચને આપેલો ફાળો કંઈ જેવો તેવો નથી હોતો. ઉદાહરણ તરીકે આપણી અર્વાચીન કવિતાનો ક્રમિક વિકાસ તપાસો. આ વિકાસ શું સર્વથા સ્વયંભૂ રીતે, એકાએક, આકસ્મિક, કે મનસ્વી રીતે થયો છે? ના. ગુજરાતી વિવેચકોની પરંપરાએ એ વિકાસમાં અવિસ્મરણીય ફાળો આપ્યો છે. અર્વાચીન કવિતાને ઉદય થયો એ પૂર્વે આપણે ત્યાં હિન્દી ઢબની સભારંજની કવિતાનું રાજ્ય ચાલતું હતું અને દલપત એનો ઉત્તમ નમૂનો હતો. એ આદિકાળની સભારંજની શીઘ્રકવિતાને ક્રમે ક્રમે હાસ થયો તે શાથી? નર્મદ, નવલરામ, નરસિંહરાવ, ને-૨મણુભાઈ આદિ વિવેચકાએ કવિતાના શુદ્ધ સ્વરૂપ વિશે જે ચર્ચા જુદે જુદે સ્થળે કરી તેને લીધે. નર્મદે પચીસ જ વરસની વયે ૧૮૫૮માં ‘કવિ અને કવિતા' નામે પુખ્ત વિચારભરપૂર નિબંધ લખ્યો ત્યારથી એ શીધ્રકપિતા સામે આક્રમણ શરૂ થયું. એ નિબંધમાં કવિતાના સ્વરૂપ વિશે સામાન્ય નિરૂપણ કરીને પછી ગુજરાતી કવિતાના વિષય પર આવતાં એ કહે છે કેટલાક ગરબડિયા બહુશ્રુત કવિ એવા હોય છે કે સભામાં વાણીની છટાથી જેવું તેવું ગટરપટર બોલી દિગ્વિજયી છઉં એમ દેખડાવે છે. એવા લોકોને સભામાં મૂર્ખ લોક માન આપે છે. પણ તે માન ઘણીવાર ટકતું નથી. માટે એવી શીધ્રકવિતા કરવાને ઊગતા કવિઓએ થોડો લોભ રાખવો. તેઓએ રચનાને મરડી મચડીને પ્રાસથી સારી કરવાની ખટપટમાં ન પડવું. જેટલું સ્વાભાવિક નીકળે તેટલું કાઢવું ને તેમાં જે મજા છે તે તાણીતૂશીને આણ્યામાં નથી.'. ('નમર્દનુ મન્દિર : ગદ્યવિભાગ, ‘ પૃ. ૧૬૨) તે પછી નવ વરસે ૧૮૬૭માં નવલરામે નર્મદની કવિતા વિશે લેખ લખે તેમાં પણ પોતાના જમાનાની કાવ્યભાવના કેટલી ભૂલભરેલી હતી તે દર્શાવતાં એમણે કહેલું કે ‘ઘણા તો સારા રાગમાં વૈદકશાસ્ત્રનું પણ માપવાળું લખાણ હોય તો તેને કવિતા સમજે, અને તેમાં ઝડઝમકના તડાકાભડાકા તથા સસ્સામમ્માવાળા પાંચ સાત શબ્દો જોડે ગુંથેલા જોય તો તેને ઉત્તમ કવિતા કહી પોતાના મનમાં નિશ્ચય કરે કે અમારા જેવા કવિતાના પારખુ કોઈ નથી. તેઓના વિચારમાં શબ્દનો ધ્વનિ. એ જ કવિતા છે, અર્થની ઝાઝી પરવાહ તેઓ રાખતા નથી. ('નવલગ્રંથાવલિ, ૨, ૪૧૭) અને ૧૮૮૮માં નરસિંહરાવ તેમ રમણભાઈ બંનેએ પોતપોતાની વિશિષ્ટ રીતે અનેકાર્થ ચમત્કારોમાં રાચતી તેમ શીઘ્રલેખનને મહાપરાક્રમ ગણતી એ કાવ્યપદ્ધતિનો તિરસ્કાર કરેલો. ‘પ્રશંસાના શિખર ઉપર ચઢાવેલી વ્રજભાષાની કવિતામાંથી' અનેકાર્ય ધોના નમૂના આપી નરસિંહરાવે ‘એક ચિત્ર જોઈ સૂઝેલા વિચાર' નામે લેખકે નિર્ણય આપેલો કે ‘હાવાં અનેકાર્થપદ્યો કરવાં એ ગુજરાતીમાં તો અકવિત્વ જ ઉત્પન્ન કરશે. ખરા કવિ થવાની ઇચ્છા રાખનારે પ્રથમથી જ આ અનેકાર્થના ગારુડીખેલને સર્પવત્ તજવો જોઈએ. હાવા શ્રમ કરવામાં કાળ ગાળવો એ ખરા કાવ્યના સ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે, સુરુચિની ખામી દેખાડે છે; હાવી ઉક્તિઓ હૃદયના કોઈ ભાવને સ્પર્શ ન કરતાં માત્ર બુદ્ધિને જ ચમત્કાર કરે છે; અને તે હલકા પ્રકારનો જ' (‘મનોમુકુર, ૧, ૧૩૬) અને રમણભાઈએ પણ શીઘ્રવિતા વિશે ટીકા કરતાં એ જૂની પદ્ધતિ પ્રત્યે એટલો જ અણગમો બતાવેલો. ‘કવિતા' વિશેના લેખમાં એમણે કહેલું કે ‘એક કાંકરી ઉંચી નાખી: તે પાછી પડે તેટલામાં અમુક વિષય પર કવિતા રચવી એ ચાલતા સંપ્રદાયમાં મહા કવિત્વશકિત ગણાય છે. એટલા વખતમાં કવિનું મન તે વિષય ગ્રહણ કરે, તે પર વિચાર કરે, તેના અન્તરાત્મામાં ક્ષોભ થાય અને તે રૂપ લઈ બહાર નિકળે, એ બધું કદાચ બની શકે, પણ કવિ ઇચ્છે તે ઘડીએ તે કેમ થાય? કોઈની આજ્ઞાથી કે કવિની ઇચ્છાથી અન્તઃક્ષોભ કેમ થાય? કવિની શકિત તે શું પાણીનો બમ્બો છે કે હલાવવા માંડ્યા એટલે તરત કવિતા નીકળવા માંડે? ચતુરાઇથી પત્ર ગમે તેટલાં જોડી શકાય પણ તે અન્તઃક્ષોભથી થયેલી કવિતા તો ન જ હોય…તે માટે અમે તો “શીઘ્રકવિતા” એ શબ્દવિરોધ જ ગણીએ છીએ. દુષ્ટ પવિત્રતા કે ક્રૂર દયા હોય તો શીધ્રકવિતા હોય. આ માટે "ફાર્બસ વિલાસ"માનાં પૂછતાં વારને જોડી કાઢેલા “મુંબાઈ વિષે ”, “દિવાળી વિષે”, “આગગાડી વિષે”, “નિન્દા કરનાર વિષે, “આળસુ વિષે”, “વ્યભિચારી વિષે"ના એક પછી એક આવતાં સંબન્ધ વગરનાં પદ્યો? કવિતા કહેવાની ના પાડીએ તો અમને ક્ષમા મળવી જોઈએ. (‘કવિતા અને સાહિત્ય,' ૧, ૧૬–૭.) આપણી અર્વાચીન કવિતામાં હિન્દી ઢબની રચનાઓ સદાને માટે લુપ્ત થઈ તથા દલપતસંપ્રદાય એના અસલ સ્વરૂપમાં નામશેષ બની ગયો તે નર્મદથી માડીને રમણભાઈ સુધીના વિવેચકોના આવા સખત વિવેચનપ્રહારોને જ પરિણામે અલબત્ત, આ વિવેચન પ્રહારોનું એક માઠું પરિણામ પણ આવ્યું અને તે એ કે દલપતશૈલીના અનિષ્ટ અંશની નિન્દા કરતાં એ શૈલી જાણે કેવળ એવા અનિષ્ટ અંશોની જ બનેલી હોય અને તેમાં ઈષ્ટ અંશ બિલકુલ હોય જ નહિ એમ ખોટી રીતે મનાઈ ગયું, અને દલપતનો સદંતર બહિષ્કાર થયો તે એટલે સુધી કે દલપતને કવિ ગણે કે કવિતાપ્રદેશમાં એને દાખલ કરવો એ સાચી કવિતાભાવનાના અજ્ઞાનના ચિહ્ન જેવું થઈ પડ્યું. છેક સામા છેડાના આવા પ્રત્યાઘાતને લીધે જ રા. સંજાના જેવા આજે દલપતની કદર કરવા જાય છે તો કોઈને એમનું બોલ્યું સાંભળવું ગમતું નથી. આ પ્રમાણે એક આખા જમાના દરમિયાન દલપતશૈલી પર પ્રહારાત્મક વિવેચન થતું રહ્યું તેને પરિણામે એ શૈલીની પ્રતિષ્ઠા ઘટતી ગઈ અને એનું ચલણ તેમ અનુકરણ ઓછું થતું ગયું. આપણી અર્વાચીન કવિતાના સ્વરૂપનિર્માણમાં આપણા વિવેચને આપેલો આ જો ખંડનાત્મક ફાળો, તો એના સ્વરૂપનિર્માણમાં એણે આપેલો મંડતાત્મક ફાળો પણ એટલો જ અસંદિગ્ધ અને સ્પષ્ટ છે. ઉપર જણાવ્યા તેવા વિવેચનપ્રહારોને પરિણામે જૂની ઢબની હિન્દી સભારંજની કવિતાશૈલીનો અસ્ત થયો તેની સાથે જ નવી ઢબની અંગ્રેજી ઊર્મિ પ્રધાન કાવ્યશૈલીનો ઉદય થયો. એના ઉદયમાં એના એ જ વિવેચકોના મંડનાત્મક વિવેચનલેખો પ્રેરક ને પૂર્વતૈયારી રૂપ બન્યા. એ લેખોની અસરથી અર્વાચીન કવિતામાં અનેકાર્થ પદ્ય ને શીઘ્રરચના ખેલો જેમ એક બાજૂથી નાબૂદ થયા તેમ બીજી બાજૂથી એમાં સાચા હૃદયસંચલનના પરિણામરૂપે સ્વયંભૂ રીતે રચાએલાં ઊર્મિકાવ્યો સર્વોપરિ બન્યાં. આપણી અર્વાચીન કવિતાના વિકાસની આ દ્વિતીય ભૂમિકા. પંડિતયુગમાં પરલક્ષી આખ્યાનકવિતા નામની જ બની ગઈ અને કવિતાક્ષેત્ર આખું એકલી આત્મલક્ષી ઊર્મિકવિતાએ જ સર કરી લીધું. અને આ પરિણામ પણ નર્મદથી રમણભાઈ સુધીના વિવેચકોએ કાવ્યરચનામાં અન્તઃક્ષોભને જે પ્રાધાન્ય. આપ્યું. તેને લીધે આવ્યું. ઉપર છેલ્લું અવતરણ જેમાંથી આપ્યું છે તે ‘કવિતા' વિશેના દીર્ધ નિબંધમાં રમણભાઈએ ઊર્મિકાવ્યોની જ બનેલી નરસિંહરાવકૃત ‘કુસુમમાળા'ને આખા ગુજરાતી કવિતાના ‘સૂકા અરણ્યમાં લીલા કુંજધામ' રૂપે ઓળખાવેલી, અને એ તેમ એ પ્રકારનાં અન્ય વિવેચનોએ જ સંક્ષિપ્ત ઊર્મિકાવ્યોની પ્રતિષ્ઠા એકદમ વધારી મૂકી સુદીર્ઘ આખ્યાનકાવ્યોને અર્વાચીન કવિતામાંથી હાંકી કાઢ્યાં. આ રીતે પંડિતયુગમાં કેવળ આત્મલક્ષી ઊર્મિકાવ્યને પ્રવાહ સળંગ રીતે વહેતો રહ્યો તેની પાછળ જેમ નર્મદથી રમણભાઈ સુધીના વિવેચકોનું વિવેચન પ્રેરક બળરૂપ હતું, તેમ અદ્યતન ગુજરાતી કવિતામાં અર્થઘન સોનેટ આદિ રચનાઓનું પ્રાબલ્ય જામ્યું છે તેની પાછળ પણ ‘કવિતાશિક્ષણ' અને ‘આપણી કવિતાસમૃદ્ધિ' આદિ ચોપડીઓ દ્વારા રા. બલવન્તરાય ઠાકોરે નવીન પ્રકારની અર્થઘન કવિતાને જોરપૂર્વક જે પ્રચાર કર્યો તેની જ પ્રેરણા કામ કરી રહી છે. ચીન કવિતાના વિકાસની આ તૃતીય ભૂમિકા ગણાય. આવી રીતે આપણું અર્વાચીન કવિતામાં ક્રમે ક્રમે જે પરિવર્તનો થયાં છે તે સઘળાંના મૂળમાં જુદી જુદી પેઢીઓના વિવેચકોએ જે ફાળો આવ્યો છે તે સ્પષ્ટ છે. એટલે જુદા જુદા જમાનામાં સર્જનના પ્રકારોમાં જે જુદાં જુદાં પરિવર્તનો થાય છે તેની પાછળ એ જમાનાના વિવેચકોની પ્રવૃત્તિ પણ રહેલી હોય છે, અને તેથી કોઈ પણ ભાષાના સાહિત્યસર્જનની પ્રણાલિકાઓમાં જુદે જુદે જમાને જે ફેરફાર થતા રહે છે તેના કારણે જે આપણે બરાબર સમજવા માગતા હોઈએ તો આપણે વિવેચનના ઇતિહાસનો જ આશ્રય લેવો જોઈએ. એ પ્રણાલિકાફેર પૂર્વેના તેમ એ અરસાના વિવેચનલેખ તપાસીએ ત્યારે જ એક પ્રણાલિકા બદલાઈને બીજી કેમ આવી તેનો સાચો ખુલાસો આપણને મળશે. આ પ્રમાણે વિવેચતનો ઇતિહાસ સર્જનના ઇતિહાસના ભાષ્ય ને પૂર્તિરૂપ બની રહે છે. અગાઉ કહેવામાં આવ્યું તેમ સામાન્ય રીતે વિવેચન પ્રાચીન પૂજક અને સંરક્ષક વૃત્તિનું જ હોય છે. માર્ગદર્શનને માટે એ મુખ્યત્વે કરીને ભૂતકાળ ભણી જ નજર નાખે છે એટલે નવા નવા પ્રયોગો કે પ્રણાલિકાભંગો એ કવચિત્ જ પસંદ કરે છે અને સાધારણ રીતે એના શાસતનો ઉપયોગ સર્જનશક્તિના માર્ગમાં નડતર નાખવામાં અથવા તો તેનું નિયમન કરવામાં જ થાય છે. રા. મુનશીએ વિવેચન સામે: દાઝ કાઢીને તહોમતનામું રજૂ કરતાં કહેલું કે ‘દરેક વર્ગશાસનની માફક આ શાસન પણ ઘણી વખત જડ થઈ જાય છે; રસાસ્વાદને વ્યકિતગત અધિકાર છીનવી લે છે; આનન્દ પ્રાપ્તિ ખરું લક્ષ્ય છે એ વીસ્કી પોતાની પ્રણાલિકાને જ પરમ લક્ષ્ય કરી બેસે છે. વિવેચનનો ઇતિહાસ આ સિદ્ધાન્તનું એક દૃષ્ટાંત છે. જ્યારે વિવેચકવર્ગ રસાસ્વાદનો અધિકાર વિસારે મૂકે છે ત્યારે કલા અને વિવેચન વચ્ચે વિરોધ ઊભો થાય છે. (આદિવચનો, પૃ. ૧૦૫) એમના આ શબ્દોમાં છંછેડાટને કંઈક ડંખ છે, છતાં એમનો આ આરોપ સર્વથા તથ્યરહિત નથી. દરેક સંક્રાન્તિકાળના દિવસોમાં સર્જન અને વિવેચનનાં બળો વચ્ચે અનિવાર્ય રીતે રસાકસી જામે છે. આ રસાકસી ખરી રીતે જીવનનાં સર્વ ક્ષેત્રોમાં અને આચારવિચારના સર્વ પ્રદેશોમાં સ્વતંત્રતા અને સત્તા, અપૂર્વતા અને પરંપરા, વ્યક્તિસ્વાતંત્ર્ય અને નિયમાધીનતા, પ્રાચીનતા અને નવીનતા આદિ દંદ્વો વચ્ચે જે સંગ્રામ અનાદિકાળથી ચાલ્યા કરે છે તેનું જ એક પાસું છે. એટલે જીવનનાં અન્ય ક્ષેત્રોની પેઠે સાહિત્યમાં પણ શાન્તિના અને સંગ્રામના, નિયમપાલનના અને નિયમભંગના યુગો વારાફરતી આવ્યા જ કરે છે. અર્થાત્ એક યુગમાં વિવેચકો એકચકવે રાજ્ય કરે છે, એટલે એ ગાળામાં મોટા ભાગના સર્જકો એના શાસનને વશવર્તીને પરંપરાનુસારી પદ્ધતિએ સાહિત્યસર્જન કરે છે, તો એ પછીના યુગમાં સર્જકવર્ગ વિવેચકવર્ગના આ શ્વાસ સામે બળવો પોકારી એમના નિયમોને તોડી ફોડી નાખી સાહિત્ય સર્જનના નવા નવા પ્રયોગો કરે છે અને સર્જક પ્રતિભા ઉચ્છુંખલ બનીને સાહિત્યસૌન્દર્યના અભિનવ માર્ગો શોધી કાઢે છે. અને જીવનનાં અન્ય ક્ષેત્રોની માફક સાહિત્યમાં પણ, વિવેચકોના મતો ને સિદ્ધાન્તો દિવસો જતાં જડ સંપ્રદાય અને આંધળી પરંપરાનું રૂપ લે છે, એટલે પાછો નાસ્તિકતા અને બંડનો સૂર ફૂંકાય છે. આ સૂરને પ્રારંભમાં તો નિન્દવામાં આવે છે, પણ વખત જતાં, આજે મહેણટૂંબા ખાતી વહુ જેમ આવતી કાલે સાસુ બનીને શાસન કરે છે, તેમ આજે નિન્દાતો અને હડધૂત થતો એ સૂર આવતી કાલે પ્રતિષ્ઠિત સિદ્ધાન્ત બનીને પૂજાય છે અને એવી રીતે આગલી પેઢીની પ્રણાલિકાને સર્વસત્તાધિકારી બની જુલમ કરતી તથા નવીન પ્રેગેને રૂંદતી અટકાવે છે. ‘પ્રણાલિકાવાદ'ના વ્યાખ્યાનમાં રા. મુનશીએ આ પ્રક્રિયા સારી રીતે સમજાવી છે. એમાં એ કહે છે તેમ ‘જે વસ્તુ આજે નવીન કે ખરાબ લાગે છે તે કાલે વાસ્તવિક લાગે છે; વર્ષે બે વર્ષે યોગ્ય લાગે છે; પાંચ વર્ષ રહીને પવિત્ર લાગે છે; પચાસ વર્ષ રહીને તે સનાતન ને સૃષ્ટિના આધારરૂપ લાગે છે; હજાર વર્ષે તે લગભગ બ્રહ્મપદને પામે છે, અને તેનાથી વિરુદ્ધ કૈં કલ્પી શકાતું નથી, તેના વિના બ્રહ્માંડ પડી જશે એવો ભાસ થાય. છે.' (‘આદિવચનો, ૫ ૫૦.) આ પછીની ભૂમિકા એમણે વર્ણવી નથી, પણ જેવી કોઈ પ્રણાલિકા આમ ‘બ્રહ્મપદ'ને પામે છે કે તરત જ એના ‘બ્રહ્મપદ' સામે પડકાર કરનારો કોઈ ઉદ્ધત સર્જક જમ્યા વગર રહેતો: નથી, અને એ રીતે જૂની પ્રણાલિકાના અતિરેક અને જુલમમાંથી નવી પ્રણાલિકાનો જન્મ થઈ નવી ઘટમાળ પાછી શરૂ થાય છે. એટલે જીવનનાં અન્ય ક્ષેત્રોની જેમ સાહિત્યમાં પણ આ સર્વમાન્ય સત્ય આપણે વિસરવાનું નથી કે એક બાજુએ સત્તાનો સર્વ રીતે દુરુપયોગ થતો રહે તો એના પરિણામે જેમ આપખુદી જન્મે છે તેમ સ્વતંત્રતાનું પણ જો સતત રીતે અધ અનુકરણ કરવામાં આવે તો એ પણ સહેલાઈથી સ્વચ્છન્દરૂપ બની જાય છે. ઇતિહાસે ફરી ફરીને સિદ્ધ કરી બતાવ્યું છે કે વિવેચકોના ‘એમ કરશો મા,’ ‘એવું નહિ ચાલે,' એવા એવા મનાઈહુકમો નીકળેલા તેને લીધે જ સર્જકોએ તેમની સામે ખુલ્લેખુલ્લા બળવા ઉઠાવેલા અને એવા બળવાઓથી સાહિત્યને એકંદરે લાભ જ થયો છે. આવી રીતે વિવેચન ઘણીવાર સાહિત્યમાં રોધક બળરૂપ નીવડયું છે અને એના નિષેધો ભૂલભરેલા માલૂમ પડયા છે, છતાં એક વાત તો સ્વીકાર્યો વિના ચાલે એમ નથી કે વિવેચને સાહિત્યમાં નિયામક બળરૂપે જબરી અસર કર્યા કરી છે, અને તેથી વિવેચનની સદંતર નિન્દા કે તિરસ્કાર કરવો એ યોગ્ય નથી. લાઠી પરિષદના નિબંધમાં રા. મુનશીએ કહેલું કે ‘વીશ વર્ષ થયાં કેટલાક વિવેચકોએ પાત્રો હું કેમ બગાડી મૂકું છું અને તે કેમ ચીતરવા જોઈએ એ વિશે ઘણું લખ્યું છે. પણ હું ઠોઠ નિશાળિયો છું. (‘આદિવચનો અને બીજાં વ્યાખ્યાનો,' પૃ. ૧૫૩) હું એમની પાસેથી ઝાઝું શીખી શક્યો નથી. ૩૭ રા. મુનશીને જ માટે નહિ પણ એમના જેવા અન્ય અનેક સર્જકને માટે એ વાત સાચી છે. કેમકે એમણે જ કહ્યું છે તેમ ‘સાધારણ રીતે કલાકાર વિવેચકની સત્તા સદાએ તિરસ્કારે છે. એને વિવેચક્રનાં ધોરણોની પરવા હોતી નથી, એને શિષ્ટાચરનો હિસાબ હોતો નથી. એનું ધોરણ તો માત્ર એની પોતાની ભાવના જ. એનું લક્ષ્યબિન્દુ તે પોતે પિતાના અન્તરમાં નીરખેલી સરસતાનું જ સર્જન, વિવેચકની ફુટપટ્ટી કે શાસ્ત્રીઓની સાંકળો તેના આત્માનો વિહાર અટકાવતાં નથી; ચેના સ્વાતંત્રને અવરેધી શકતાં નથી. (‘આદિવચનો, પૃ. ૧૦૭) અને એમાં લાભ ગેરલાભ બંન્ને છે. સર્જકો વિવેચકાથી દબાઈને પિતાનું વિશિષ્ટ સર્જન તજી દેતા નથી તેથી જ ઇંગ્લેન્ડમાં શેકસપિયરનાં નાટકો અને કૌતુકપ્રિય સાહિત્યયુગનો ઉદ્ભવ થઈ શકયો. વિવેચકોનું ચાલ્યું હોત તો એ બેમાંથી એકે જન્મી કે ટકી શકેલ ન હોત. પણ બીજી બાજુથી એ પણ સૌ સત્યનિષ્ઠ સાહિત્યપ્રિય સ્વીકારશે કે વિવેચકોએ પ્રબોધેલા નિયમો તરફ જો જરા વિશેષ લક્ષ આપવામાં આવ્યું હોત તો એ શેકસપિયરનાં નાટકો અને એ કૌતુકપ્રિય શૈલીનું સાહિત્ય એ બંન્નેની અંદરના કેટલાક રસભંગકારક અતિરેકોને અવકાશ ન મળ્યો હોત અને એ ઉભય સાહિત્યસમૂહને એથી લાભ જ થયો હોત. આપણે ત્યાં ન્હાનાલાલ અને મુનશી બંન્ને વિવેચકો પ્રત્યે સદા યે અવગણનાની દૃષ્ટિએ જોતા આવ્યા છે. પણ જો એમણે વિવેચકોની વાત જરાક આદરપૂર્વક સાંભળી હોત તો એકની સાહિત્યકૃતિઓની ભાષાની અને બીજાની નીતિરીતિની અનામયતા વિશેષ સચવાઈ હોત એમાં શંકા નથી.

‘વિવેચનકલા’ પૃ. ૨૬૧ થી ૨૬૯