zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/પૃથુરાજરાસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પૃથુરાજરાસા*[1]

અવતરણ.

દિલ્લી અને અજમેરના રજપૂત રાજા પૃથુરાજ ચહુઆણનું વૃત્તાન્ત હિંદુસ્તાનના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેના અદ્‌ભુત શૌર્યથી મોહિત થઈને ઇતિહાસકોએ તેને The flower of Rajput chivalry ‘રજપૂત વીરવૃત્તિનું પુષ્પ’ એ ઉપપદ આપ્યું છે. એવા વીર પુરુષોના ચરિતની કથા ઈતિહાસમાં અને કવિતામાં અતિ વિસ્મયકારક થાય છે, પણ, પૃથુરાજના વૃત્તાન્તમાં શૌર્ય સાથે હૃદયને આર્દ્ર કરનાર એવા અંશો છે કે તે તરફ આકર્ષાવાનું કવિજનોને વિશેષ કારણ રહેલું છે. પૃથુરાજનો સમય બારીક હતો, પૃથુરાજની સ્થિતિ વિષમ હતી, અને વીર્ય સાથે તેનામાં એવી કામુકતા હતી, એવી મોહાન્ધતા હતી, એવો દર્પ હતો, એવું અદૂરદશિત્વ હતું, કે તેનાં પરાક્રમો વાંચી સહર્ષ રોમાંચ અનુભવવાની સાથે તેના વિલાસ તથા તેના વિનાશથી અને તેનાં ચિરકાલ પહોંચતાં પરિણામથી ઊંડા ખેદની જોડે અપૂર્વ ચમત્કારની પ્રતીતિ થાય છે. જે રાજાની વિપરીત બુદ્ધિથી તેનો પોતાનો પ્રાણ ગયો, દિલ્લીનું રાજ્ય ગયું, અને હિંદુસ્તાનની સ્વતંત્રતા ગઈ, તે વારસાના હકથી ગાદીએ ટકી રહેનાર કોઈ સાધારણ નિર્માલ્ય અધિપતિ નહોતો પણ પોતાની સમશેરની ધારથી દુશ્મનોને દૂર રાખનાર, વેરીઓના માનનું ખંડન કરનાર, અને દ્વેષીઓ પાસે પોતાનો યશ કબૂલ કરાવનાર વિરલ પરાક્રમી વીર હતો. પૂજ્યભાવથી ભક્ત બની રહેલા પોતાના નાના પણ બહાદુર સૈન્યને અનેક રણસંગ્રામમાં લઈ જઈ કે વિજયધ્વજાઓ સ્થળે સ્થળે તેણે ઉરાડી હતી તે જ ઐતિહાસિક વીરરસ કથાને શોભાવવાને બસ છે. તેની સાથે દરેક પ્રસંગે પ્રગટ થયેલું તેનું પોતાનું શૌર્ય. સાધારણ મનુષ્ય ભયભીત થઈ વ્યાકુળ થઈ જાય એવે સમયે મદોન્મત્ત થઈ શત્રુ તરફ તેણે બતાવેલો તિરસ્કાર, વગર પક્ષપાતે મિત્રો પાસેથી તેણે મેળવેલી માનવૃત્તિ તથા પ્રશંસા અને શત્રુઓમાં ઉત્પન્ન કરેલા ત્રાસ અને કંપઃ એ સર્વ એકત્ર કરતાં એની જીવનકથા વધારે વિસ્મયકારક અને અદ્‌ભુત થાય છે. પણ એટલેથી જ એના વૃત્તાન્તની વિશેષતા અટકતી નથી. મહા બળવાન, મહા અભિમાની અને મહા ઈર્ષ્યાવાન્‌ પોતાના શત્રુ જયચંદની પુત્રીને પોતાનાં પરાક્રમથી મોહિત કરી પૃથુરાજે તેનું હરણ કરી તેની સાથે લગ્ન કર્યું; અને એ રીતે પોતાની જીવનકથામાં વીરરસ અને શૃંગારરસની સંધિ કરી. શૃંગારરસમાં પણ તેણે સીમા રાખી નહિ. વિલાસમાં નિમગ્ન થઈ જઈ તેણે દિવસોના દિવસો રાજકાજ ભૂલી જઈ, પ્રજાને વિસારી મૂકી, મિત્રોની અવગણના કરી, શત્રુઓની તૈયારીથી બેદરકાર રહી એવી રીતે ગાળ્યા, નવવધૂ સાથે મહેલમાં તે એવો પુરાઈ રહ્યો, વિનોદમાં ખલેલ ન થવા દેવા માટે તેણે આવતી વિપત્તિ વિશેના મિત્રોના સંદેશા એવી રીતે વગર સાંભળ્યે પાછા જવા દીધા, કે એ પહેલાંના અને એ પછીના અદ્‌ભુત પરાક્રમનું વૃત્તાન્ત ન જાણનાર તેની તુચ્છ કાયર પુરુષમાં જ ગણના કરે. તેમ જ વળી, ચઢી આવતા પરદેશીઓના હુમલા સામે ટક્કર લેવામાં તેનું રાજ્ય મોખરે આવી રહ્યું હતું અને તેના રાજ્યની દશા પર ઘણાં રાજ્યોની દશાનો આધાર હતો, તે છતાં એ વિશે કંઈ પણ સાવચેતી કે અગમચેતી ન લેતાં ગર્વથી, મદથી, મોહથી દોરાઈ જઈ તેણે અનેક શત્રુ ઊભા કર્યા તથા મિત્ર એકે મેળવી રાખ્યો નહિ. શૌર્ય દેખાડવા વિના પ્રયોજન યુદ્ધો કરી તેણે પોતાના સૈનિકો ખપી જવા દીધા, અને ભ્રાન્તિથી અન્ધ થઈ પોતાના ઉત્તમોત્તમ સામન્તોનું અપમાન કરી તેમને સેવામાંથી દૂર કર્યા. આ ઉદ્ધત અવિચારિતાને પરિણામે વિનાશ થયા વિના રહે એમ હતું જ નહિ. લક્ષ્મીથી લોભાયેલા અને ધર્મની ઝનૂનથી પ્રેરાયેલા પરદેશીઓના પ્રવેશનો એ સમય ન હોત તો, એ વિનાશનું સ્વરૂપ બહુ દુઃખકારી ન થાત, અને કદાચ તેનાં ફળ પૃથુરાજને નહિ પણ તેના વારસને જ ચાખવાં પડત. પણ, જે અણીની અવસ્થા આવી પડી હતી તેને લીધે વિનાશ ઉગ્ર અને ભયંકર થયો, અને તેને લીધે કદી ન ટળે એવી વિપત્તિ આખા દેશ પર આવી પડી. આથી કરીને ઇતિહાસમાં પૃથુરાજની જવાબદારી બહુ મહોટી ગણાઈ છે, અને દુષ્ટતા નહિ પણ મૂર્ખતા માટે તેને ભારે દોષ દેવામાં આવ્યો છે. અંતકાળે તેણે ફરી એક વાર વીરત્વ દેખાડ્યું, પણ એ અને તેનાં બીજાં સર્વ પરાક્રમ પ્રશંસનીય છતાં વ્યર્થ ફલહીન ગણાઈ દુઃખકર સ્મૃતિ સાથે જોડાયાં છે.

જે જીવનકથામાં વીર, અદ્‌ભુત શૃંગાર અને કરુણ રસ આવી ભવ્યતાથી વ્યાપી રહ્યા છે તે કથા રસપ્રિય કવિના ચિત્તનું આકર્ષણ કરે અને કવિતાના ચમત્કાર વડે ઐતિહાસિક ચમત્કાર ફરી પ્રદીપ્ત કરવાની કવિને પ્રેરણા કરે એમાં આશ્ચર્ય નથી. પૃથુરાજનાં પરાક્રમ તેમજ તેની અવદશા નજરે જોનાર, તેના આશ્રિત, તેના સાથી, તેના મિત્ર, તેને શૌર્યમાં ઉશ્કેરનાર ચંદ વરદાયીએ તેના ચરિતના દર્શનથી પ્રેરિત થઈ “પૃથીરાજ રાસૌ” નામે કાવ્ય રચ્યું છે અને વાસ્તવિક વૃત્તાન્તમાં કલ્પનાસૃષ્ટિ ઉમેરી પૃથુરાજની પ્રશંસા ગાઈ છે. એ કાવ્યને પ્રતાપે આજ સાતસો વર્ષ સુધી એ અદ્‌ભુત વૃત્તાન્ત જીવન્ત રહ્યું છે અને સાતસો વર્ષોનાં અનેક ચક્ર ચાલ્યાં જશે તોપણ જીવન્ત રહેશે.

ગુજરાતમાં પણ એક રસિક હૃદયને એ અદ્‌ભુત કથા વાંચી તેનો ચમત્કાર નવે રૂપે જાગ્રત કરવાની પ્રેરણા થઈ. એ હૃદયમાં રસની ખોટ નહોતી. રસથી તે પરિપૂર્ણ હતું, ઊભરાતું હતું, પૃથુરાજના ચરિતમાં જે રસ પ્રકટ થયા હતા તે સર્વ પોતાના સંસ્કાર વડે ગ્રહણ કરી લઈ તે સર્વનો ઉલ્લાસ કરવા તે સમર્થ હતું. કોઈ અજ્ઞાત રીતિએ સામર્થ્યનું ભાન કવિમાં ઉદ્દીપ્ત થઈ તેને કવિતા રચવામાં પ્રેરે છે, અને એ જ પ્રકારે ભીમરાવ ભોળાનાથે પૃથુરાજની કથાનું કાવ્ય આરંભ્યું અને તેનું નામ “પૃથુરાજ રાસા” પાડ્યું. ઈશ્વરેચ્છાએ એ કાવ્ય સમાપ્ત થઈ શક્યું નહિ અને હવે થઈ શકે એમ નથી. પરંતુ થયું છે તેટલા કાવ્યમાં જે ઉત્કર્ષ સમાયો છે તે ગુજરાતી સાહિત્યમાં ચિર કાલ જાળવી રાખવા જેવો છે, અને તે માટે વાચકવર્ગ સમક્ષ આ કાવ્ય મૂક્યું છે.

‘રાસૌ’ (જેને ચંદ ‘રાસા’ પણ કહે છે) તે સંસ્કૃત ‘રસ’ શબ્દ પરથી થયેલો લાગે છે. પોતાના ગ્રન્થમાં ચંદ ‘રાસૌ’ શબ્દની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે :

શ્લોક ||
ઉક્તિધર્માવિસાલસ્ય || રાજનીતિ નવં રસં ||
ષટ્‌ભાષા પુરાનં ચ || કુરાનં કથિતં મયા ||
કવિત્ત ||
‘ચરન નીમ અછિર સુરંગ ||
પાટ લહુ ગુરુ વિધિ મડિય ||
સુર વિકાસ જારી સુ મુષ્ય ||
ઉક્તિ રસ ગૌષનિ છંડિય ||
જુગતિ છોહ વિસ્તરિય |
સિઢિયન ઘાટ સુબદ્દિય ||
મહિ મંડન મેધાન ||
યાહિ મંડન જસ સદ્દિય ||
ધન તર્ક ઉતર્ક વિતર્ક જાતિ ||
ચિત્રરંગ કરિ અનુસરિય ||
વિશ્વકર્મ કવિ નિર્મઇય ||
રસિયં સરસ ઉચ્ચરિય ||’
અરિલ્લ ||
‘તર્ક વિતર્ક ઉતર્ક સુજતિય ||
રાજ સભા સુમા ભાસન ભતિય ||
કવિ આદર સાદર બુધ ચાહૌ ||
તૌ પટિ કરિ ગુન રાસૌ નિર્બાહૌ ||
ધર્મ્મ અધર્મન બુદ્ધિ વિચારૌ ||
નયન નારિનિય નેહ નિહારૌ ||
કૌક કલાકલ કેલિ પ્રકાસૌ ||
તો અરથ કરૌ ગુન રાસૌ ભાસૌ ||’

અર્થ : – ‘ઉક્તિના વિશાળ ધર્મનું રાજનીતિવાળું નવરસવાળું છ ભાષાનું પુરાણ અને કુરાન મેં (આ ગ્રંથમાં) કહ્યું છે.’

(જેમાં) ચરણોનો નિયમ, સુરંગ અક્ષરો, (અને) લઘુ ગુરુની વિધિ પ્રમાણે માંડેલો પાઠ (છ), સ્વરનો જારી રહેતો સારો મુખ્ય (મહોટો) વિકાસ (છે), ઉક્તિરસમાં વાચના દોષ *છાંડેલા (તજેલા) છે, xપ્રેમની યુક્તિનો વિસ્તાર કર્યો છે, શ્રેઢીનો (કથાપરંપરાનો) ઘાટ સારો બાંધ્યો છે, (જેની) અંદર બુદ્ધિમાને કરેલું મંડન (શોભા) (છે), આ મંડનોથી યશ સાધ્યો છે, (જેમાં) ભારે તર્ક (છે), ઉતર્ક (ઉત્તમ કે ઉદ્દગત) તર્ક (છે), ચિત્રરંગોએ કરીને કવિએ વિશ્વકર્માને અનુસરી નિર્મિતિ (રચના) કરી છે :- એવું રસિક સરસ કાવ્ય મેં ઉચ્ચાર્યું છે (કહ્યું છે).

* ‘ગૌષનિ’માં જૂની લેખનરીતિ પ્રમાણે ‘ખ’ને ઠેકાણે ‘ષ’ છે, પરંતુ ‘ગૌખાનિ’નો અર્થ બહુ સ્પષ્ટ નથી. ‘ગૌખનિ=ગોખનિ-ગો+ખનિ’ = વાંચાનો ખાડો – વાચાની ખામી, એ અર્થ છે એમ ધારણા થાય છે.

X ‘છોહ’ = જુદા થવું, વિરહ. તે પરથી એ શબ્દનો અર્થ વિયોગની અવસ્થાની પ્રેમકથા, વિપ્રલંભ શૃંગાર એવો થતાં આખરે શૃંગાર અથવા પ્રેમ એવા અર્થમાં એ શબ્દ વપરાય છે.

સંસ્કૃત સાહિત્યમાં જે ‘રાસક’ નામે ઉપરૂપક (અથવા ઊતરતા પ્રકારનું નાટક) કહ્યું છે તેને અને આ ‘રાસૌ’ને કંઈ સંબંધ જણાતો નથી. ‘રાસૌ’ શ્રવ્ય કાવ્ય છે ને ‘રાસક’ દૃશ્ય કાવ્ય છે અને તેનું લક્ષણ ‘સાહિત્યદર્પણ’માં આ પ્રમાણે આપ્યું છે.

‘રાસકં પંચપાત્રં સ્યાન્મુખનિર્વહણાન્વિતમ્‌ |
ભાષાવિભાષાભૂયિષ્ટં ભારતીકૌશિકીયુતમ્‌ ||
અસૂત્રધારમેકાંકં સવીથ્યંગં કલાન્વિતમ્‌ |
શ્લિષ્ઠનાન્દયુતં ખ્યાતનાયિકં મૂર્ખનાયકમ્‌ ||
ઉદાત્તભાવવિન્યાસસશ્રિતં ચોત્તરોત્તરમ્‌ |
ઇહ પ્રતિમુખં સન્ધિમપિ કેચિત્પ્રચક્ષતે ||
પરિચ્છેદ ૬’

‘રાસક પાંચ પાત્રવાળું હોય છે. તેને મુખ તથા નિર્વહણ સંધિ હોય છે. તેમાં ભાષા વિભાષા ઘણે ભાગે હોય છે, અને ભારતી તથા કૌશિકી વૃત્તિ હોય છે. તેમાં સૂત્રધાર નથી હોતો, અને અંક એક હોય છે. વીથી નામે રૂપકનાં અંગ તેમાં હોય છે, અને તે કલાવાળું હોય છે. તેને દ્વિઅર્થી નાન્દી હોય છે. તેમાં નાયિકા પ્રખ્યાત હોય છે અને નાયક મૂર્ખ હોય છે. તેમાં ઉત્તરોત્તર ઉદાત્ત ભાવની રચના હોય છે. કેટલાકના મત પ્રમાણે એમાં પ્રતિમુખ સન્ધિ પણ હોય છે.’

‘રાસક’ના પ્રયોગ દેશમાં પ્રચલિત હોવાથી કાવ્યોનાં નામ ‘રાસા’ પડ્યાં એવો કોઈ ઐતિહાસિક પુરાવો પણ નથી.

સારી જાતના, તર્ક, વિતર્ક, ઉતર્ક; રાજસભાનાં શુભ ભાષણની (જુદી જુદી) ભાતો. કવિઓનો આદર; સાદર બુદ્ધિ; (એ સહુ) ચાહતા હો તો ગુણનો પાઠ કરી રાસૌ બનાવો, ધર્મ, (અધર્મને) બુદ્ધિનો વિચાર કરો; નારીનાં નયનનો સ્નેહ નિહાળો; કોકશાસ્ત્રની અકલ કળા (અને) કેલિનો પ્રકાશ થાઓ; તે અર્થે ગુણ વડે વિરાજે એવો રાસૌ કરો. (અર્થાત્‌ આ ઉત્તમ ગુણો કવિતામાં લાવવા હોય તો રાસૌ કાવ્ય કરો.)’

આ રીતે રાસૌ તે સાહિત્યની પરિભાષામાં અમુક લક્ષણવાળું કાવ્ય નથી, પણ સુંદર રસ અને અલંકારવાળું તથા જ્ઞાન આપનારું કાવ્ય છે. તેની ગોઠવણ અમુક પ્રકારની હોવી જોઈએ એવો નિયમ જણાતો નથી, પરંતુ વિષયમાં તે સંસ્કૃત મહાકાવ્યને મળતું હોઈ શકે એમ લાગે છે, આ ઉપરથી જ ચંદ બારોટે પોતાની કૃતિને આપેલું નામ ભીમરાવે આ કાવ્ય માટે કાયમ રાખ્યું હશે એમ જણાય છે.

પૃથુરાજના ચરિતનું વૃત્તાન્ત રચવામાં ચંદના ગ્રંથથી જુદું જ દૃષ્ટિબિન્દુ આ કાવ્યમાં છે. ચંદને પોતાના આશ્રયદાતાનું ગુણકીર્તન કરવાનું હતું. જે પરદેશીઓ દેશના શત્રુ હતા તે ચંદના શત્રુ હતા, તેની સાથે જે સ્વદેશીઓ પૃથુરાજના શત્રુ હતા તે પણ ચંદના શત્રુ હતા. એ સર્વ શત્રુ સાથેનો વિગ્રહ સરખા ઉલ્લાસથી ચંદે વર્ણવ્યો છે. હવે એ વૃત્તિ થવી અશક્ય છે. જર, જોરૂ અને જમીન માટે રજપૂતો માંહોમાંહ લડી મૂઆ અને એકબીજાની ખુવારી કરી એ વૃત્તાન્ત શૌર્યની કથાઓથી ભરેલું છે તથાપિ દેશહિતચિન્તકને તેથી પરિણામે ખેદની જ વૃત્તિ થાય છે. આ કારણથી પુથુરાજે સ્વદેશીઓ સાથે કરેલા જે વિગ્રહથી આખરે દેશના સુખનો વિનાશ થયો તેને કીર્તિકર વીરવૃત્તાન્ત કલ્પવો એ અનુચિત જ છે, અને એવો વીરરસ પ્રકટ કરતાં હૃદયમાં રહેલી શોકવૃત્તિથી તે મંદ થયા વિના રહે નહિ. ભીમરાવમાં વિરલ રસિકતા સાથે ઉચ્ચ દેશપ્રીતિ હતી, ‘પૃથુરાજ રાસા’નો પહેલો સર્ગ સ્વદેશમહિમા ગાવામાં જ તેમણે પૂરો કર્યો છે.

‘ગર્વે ગવાય ત્યમ ભારત બોલ આવો’

એવી તેમને દેશકીર્તિ માટે લાગણી હતી, અને એ કીર્તિનો ધ્વંસ થયો તેનું કારણ એ આપે છે કે,

‘જ્યારે કુસંપ ઘર ક્લેશ વિશેષ પેસે,
એ નીમ નિત્ય પર તે ઘર આવિ બેસે.’

આ રીતે રસિકતા અને વિચારશીલ દેશપ્રીતિની વૃત્તિથી ભીમરાવે ‘કુસંપ’ અને ‘ક્લેશ’ના હેવાલને પોતાના કાવ્યમાં દાખલ કર્યો નથી અને વીરરસ માટે પૃથુરાજના યવનો સાથેના વિગ્રહની જ કથા લીધી છે. આ પ્રમાણે રસનો વિચ્છેદ થવા ન દેવો એ સૂક્ષ્મ વિવેક કરનારી સહૃદયતાનું કાર્ય છે. એ વિવેક જાણી જોઈ કર્યો હોય કે અજાણતાં થયો હોય પણ સહૃદયતા વિના તે સચવાતો નથી. સહૃદયતાને અનુસાર આ રીતે યોગ્યાયોગ્યનો સૂક્ષ્મ વિવેક કરવાની શક્તિ તે જ કવિની કલાવિધાનની કુશલતા (artistic skill) છે, અને તે કુશલતા ભીમરાવમાં ઘણે અંશે વિદ્યમાન નહોતી તે છતાં વસ્તુકલ્પનામાં આ રસવિરોધી અંશ મૂકી દેવામાં કુશળતાવાળો તેમનો વિવેક ખરેખરો પ્રશંસનીય છે. હિંદુસ્તાનના છેલ્લા રજપૂત રાજાઓના ઇતિહાસને કવિતાનું મૂળ કરવામાં ઘણી વાર આ વિવેકની ખામી જોવામાં આવે છે, અને એ વિષયનાં અનેક નાટકોમાં તથા કાવ્યોમાં પરાક્રમોનું વર્ણન છતાં તે અભિરુચિ ઉત્પન્ન નથી કરતાં તેનું આ જ કારણ છે. વિચાર કરી બુદ્ધિએ પ્રાપ્ત કરેલું સત્ય તે લાગણીથી હૃદયને જણાયેલા સત્યથી જુદું નથી હોતું, તેથી વિચારવંતને જે કથાથી ખેદ થાય તેથી રસિક જનને આનંદ થાય એમ બની શકે નહિ.*[2]

‘કવિને જે વૃત્તિ પ્રકટતી હોય’ તે વૃત્તિથી વર્ણન આપવામાં કવિત્વ છે જ, પણ જ્યાં શોકની વૃત્તિ યોગ્ય હોય ત્યાં વીરોત્સાહની વૃત્તિથી વર્ણન કરવું એમાં કવિત્વ નથી. સ્વદેશીઓ સાથેના પૃથુરાજના વિગ્રહને કરુણરસના કથનમાં દાખલ કરવામાં કંઈ રસનો વિચ્છેદ નથી, પણ એ વિગ્રહને ‘કીર્તિકર વીરવૃત્તાન્ત કલ્પવામાં’ રસવિચ્છેદ છે એમ અમારું કહેવું છે. કાવ્યમાં સત્યનું દર્શન કરાવવાની રીતિનો પણ આનંદ છે અને કરુણરસ પણ આનંદપ્રદ છે એ વિશે તકરાર નથી. વીરરસ માટે કઈ કથા લેવા યોગ્ય છે એ જ પ્રશ્ન છે. વીરરસનો સ્થાયી ભાવ ઉત્સાહ છે, અને સ્થાયી ભાવ જ રસરૂપે નિષ્પન્ન થાય છે, તો સ્વદેશીઓના પરસ્પર વિગ્રહનું જે વૃત્તાન્ત હૃદયને વિષણ્ણ ખેદમંગ્ન કરવા સમર્થ છે તે ઉત્સાહને શી રીતે જાગ્રત કરે! ‘સ્વદેશીઓ સાથેના વિગ્રહમાં સકારણત્વ’ છે, પરંતુ કરુણરસ માટે સકારણત્વ હોય ત્યાં વીરરસની નિષ્પત્તિ માટે પ્રવૃત્તિ કરવી એમાં અનૌચિત્ય છે જ. રસના ઉત્કર્ષમાં જેથી હાનિ થાય એવા સર્વ પ્રકારના અનૌચિત્યથી રસાભાસ થાય છે. (‘અનૌચિત્યેન પ્રકર્ષવિરોધિના રૂપેણઇત્યર્થઃ | ગોવિન્દઠાકુરકૃત કાવ્યપ્રદીપ’) જગન્નાથે વ્યાખ્યા કરી છે કે અનુચિત વિભાવનું અવલંબન કરવું એ રસાભાસ છે (રસગંગાધર). સાહિત્યદર્પણકાર વિશ્વનાથે બ્રહ્મવધના ઉત્સાહને વીરરસના આભાસમાં ગણાવ્યો છે. સંપની આવશ્યકતાને સમયે સ્વદેશીજનો સાથેના વિગ્રહનો ઉત્સાહ એ પણ રસાભાસ છે. એવી સ્થિતિમાં સ્વદેશીજનો એ અનુચિત વિભાગ હોઈ વીરરસના અવલમ્બન માટે યોગ્ય નથી.

આ કાવ્યના કર્તાએ પૃથુરાજના જીવનના આ વૃત્તાન્તનું અવલંબન કરી કરુણરસ તરફ પ્રવૃત્તિ કેમ ન કરી એમ કહેવાનો અવકાશ નથી. કાવ્ય તે કંઈ ઇતિહાસનો ગ્રંથ નથી. જે અને જેટલો વૃત્તાન્ત કવિને ઇષ્ટ પ્રયોજન માટે યોગ્ય લાગે તે અને તેટલો વૃત્તાન્ત ગ્રહણ કરી બાકીનો મૂકી દેવાની કવિને પૂરેપૂરી છૂટ છે. ઇતિહાસના વિવિધ વિષયો દાખલ કરવામાં ‘કાવ્યત્વનું સામર્થ્ય’ રહેલું નથી. જે ઐતિહાસિક વિષય લીધો હોય તેને રસાનુકૂલ કરવામાં કવિનું સામર્થ્ય છે. કવિત્વનો ઉત્કર્ષ રસની ગાઢતામાં છે, ઐતિહાસિક ઇતિવૃત્તના વિસ્તારના આશ્રયમાં નથી. તેથી, જે વૃત્તાન્ત આ કાવ્યમાં મૂકી દીધો છે તે ગ્રહણ કર્યો હોત તો ‘વધારે કવિત્વ’ હોત એમ કહેવાનો કંઈ આધાર નથી.

પૃથુરાજના આખા જીવનચરિતનું રસપૂર્ણ ઉક્તિથી વર્ણન આ કાવ્યમાં હોત તો તે વધારે આનંદનું સાધન થાત એમાં સંશય નથી. પણ અમારી ચર્ચા એ સંબંધે છે જ નહિ. સ્વદેશીઓ સાથેનો પૃથુરાજનો વિગ્રહ ચંદની કૃતિ પેઠે વીરરસ કાવ્યની ગ્રંથનાને યોગ્ય નથી તેથી એ વૃત્તાન્તનો આ કવિએ વીરરસની નિષ્પત્તિ માટે ઉપયોગ કર્યો નથી એ યથોચિત છે એ જ અમારું કહેવું છે.

યવનો સાથેના અર્થાત્‌ શહાબુદ્દીન ગૌરી સાથેના વિગ્રહ સિવાય આ કાવ્યમાં બીજું મુખ્ય વૃત્તાન્ત પૃથુરાજ અને તેની રાણીના શૃંગારનું છે અને અંતના સર્ગમાં તેની રાણીનો વિલાપ છે. આ ઉપરાંત બહુ થોડી વાર્તા કાવ્યમાં છે, અને વાર્તા કહેવા માટે કાવ્ય રચાયેલું જ નથી. પૃથુરાજ અને તેની રાણીનું આલમ્બન કરી શૃંગાર, વીર અને કરુણ રસ તથા સર્વત્ર ફરી વળતો અદ્‌ભુત રસ-એ રસ ઉપજાવવા અને રસનિષ્પત્તિમાં ઉચ્ચ અને ઉદાર ભાવોનો અજ્ઞાત રીતિએ ધ્વનિ કરવો, એટલો જ કાવ્યનો ઉદ્દેશ છે. એ અર્થે ચંદે કરેલી કલ્પનામાંથી આ કાવ્યમાં કંઈ લીધું નથી.

આ વિવિધ રસવાળી રચના કાવ્યમાં સ્થળે સ્થળે છે, પરંતુ, સર્વમાં ઉત્તમ ભાગ તે પહેલો સર્ગ છે. કવિની ધારણા પ્રમાણે કાવ્ય પરિપૂર્ણ થયું હોત અને સુધારો વધારો કરી બધા ભાગ બરાબર ગોઠવી શકાયા હોત તો આ ભાગની બરાબરીના બીજા ભાગ થયા હોત. પરંતુ, જે સ્થિતિમાં કાવ્ય રહ્યું છે તે સ્થિતિમાં પહેલા સર્ગને ફરી ફરી સુધારવાના જેટલા સંસ્કાર થયા છે તેટલા બાકીના સર્ગને નથી થયા એ સ્પષ્ટ જણાય છે. કેટલાક કવિઓ અને લેખકો એક વાર લખ્યા પછી સુધારી શકતા નથી. પણ ઘણાંખરાં ફરી વિચાર કરતાં સુધારો અને શોધન કરી વધારે ઉત્કર્ષ આણી શકે છે. ભીમરાવની રચનાશક્તિમાં પણ એ લક્ષણ હતું અને તેનો લાભ તેમના આખા કાવ્યને પરિપૂર્ણ રીતે ન મળ્યો એ શોચનીય છે.

કાવ્યનો આરંભ કરતાં પહેલા સર્ગમાં કવિએ વિષયપ્રવેશ રૂપે હિંદુસ્તાનના મહિમાનું અદ્‌ભુત અપૂર્વ વર્ણન કર્યું છે. હિંદુસ્તાનની ભૂમિ, હિંદુસ્તાનની કુદરતી રચના, હિંદુસ્તાનનું સાહિત્ય, હિંદુસ્તાનનો પુરાણ કથાસમૂહ, હિંદુસ્તાનનો ઇતિહાસ એ સર્વેનું જે વાગ્વિભવથી વ્યાખ્યાન કર્યું છે તે પૂર્વે કદી જોવામાં આવ્યું નથી. જે ભૂમિ આવી સુંદર, જે ભૂમિ આવી મહોટી, જે ભૂમિમાં આવાં કૌતુક બન્યાં, એવાં એવાં અનેક વચનો કહી જે દેશના ઇતિહાસમાંનો એક ભાગ કાવ્યમાં કહેલો છે તે દેશ કેવો વિશાળ છે એમ બતાવવા જતાં કવિની વિશાળ શક્તિ ખીલી નીકળે છે, અને ભવ્ય વિષયને ગ્રહણ કરનારી કલ્પના પણ ભવ્ય છે એમ પ્રતીતિ થાય છે. કલ્પના આમ વેગવાળી થઈ હિંદુસ્તાનના વૃત્તાન્તમાં સર્વત્ર ફરી વળતાં ભૂતકાળની અનેકાનેક અદ્‌ભુતતાઓ કવિ સમક્ષ આવી ઊભી રહી છે અને તે સર્વને પોતાની વિશેષ છાપથી છાપી કવિએ પ્રકટ કરી છે. આ વૃત્તાન્તમાં ઇતિહાસ કહેવાતો હોય કે પુરાણ કથા કહેવાતી હોય એવી શૈલીનું વર્ણન ન હોતાં, જાતજાતની બિનાઓમાંથી કેવા ચમત્કાર નીકળી આવીને ચિત્તને મોહિત કરે છે, એનું જ માત્ર વર્ણન છે. આ રીતના વર્ણનમાં બનાવોના કાળનો ક્રમ નથી, વિષયનો ક્રમ નથી, સ્થાનનો ક્રમ નથી; ઇતિહાસમાં કહ્યો હોય એવો દરેક બિનાનો આખો હેવાલ નથી, અજાણ્યાને સમજણ પાડવી હોય એવો દરેક હેવાલનો આરંભ કે વિસ્તાર નથી, શાંત રીતે વિષયનો ઉલ્લાસ થતો હોય એવી શૈલીની એકરૂપતા નથી. આ પદ્ધતિ અનિયમ અને અવ્યવસ્થાનો પ્રસાર કરી મૂકનારી છતાં ચમત્કાર શોધી કાઢી તે પ્રકટ કરનારી કવિની શક્તિથી એ દોષ દૂર થઈ ગયા છે, અને તેની કલ્પનાના બળે અનેક અદ્‌ભુત વર્ણનોને રમણીય અનુક્રમમાં ગોઠવી દીધાં છે. દેશના સકળ વૃત્તાન્ત અને દેશની સકળ સ્થિતિમાંથી જે વૃત્તાન્ત અને જે સ્થિતિ વિસ્મયકારક હોય તેનું દોહન કરી, અને તેમાંથી વળી વિસ્મય ઉત્પાદન કરનાર જે વિશેષ અંશ હોય તેટલા માત્રનું દોહન કરી, એવો સારાંશ સર્વને વિદિત છે – માત્ર તેની અદ્‌ભુતતા ધ્યાનમાં લેવા જેવી છે, એમ કથન કરવાની આ રીત કંઈ અસાધારણ સામર્થ્યવાળી છે અને ભીમરાવની કૃતિ સિવાય ગુજરાતી સાહિત્યમાં બીજે કોઈ ઠેકાણે આ કવિત્વરીતિ જોવામાં આવતી નથી. આ પ્રકારમાં

‘દેવાંગના સરખિ જ્યાં હતિ અંગનાઓ’,

‘અત્યંત પૂર્વ રણ રાઘવનું સ્મરાવે’,

‘પૂજ્યા અખંડ શિવ જાણિ કૃપા કરે એ,
સીતા ગઇ ફરિ મળે મનમાં ભળે એ’,

‘જ્યાં ચિંતનાત્મક નમી વડ પ્રૌઢ શોભે’,

‘ને રોઈ મૈથિલસુતા પતિના વિયોગે’,

‘સદ્ધર્મતત્ત્વ ખરું અર્જુનને જણાવી
ગાણ્ડીવઘોષકૃતિ કારમિ જ્યાં કરાવી’,

‘ગાઈ ઉદાર ચરિતો, પદ શારદાનાં
પૂજી થયા અમર બે કવિ મુખ્ય માન્યા.’

આવાં વચનોમાં દેવાંગના સરખી અંગનાઓ તે કઈ હતી, રાઘવનું રણ તે કયા સ્થાને અને કોની સાથે, ગયેલી સીતા ફરી મળે તે માટે શિવની પૂજા કોણે કરી, ચિંતનાત્મક વડ તે કયો, મૈથિલસુતા તે કોણ તથા તેના પતિ તે કોણ અને તેમનો વિયોગ શી રીતે થયો, અર્જુનને સદ્ધર્મતત્ત્વ કોણે સમજાવ્યું અને ગાણ્ડીવ તે શું, ઉદાર ચરિત ગાનારા બે મુખ્ય કવિઓ તે કયાઃ-આ સર્વ અકથિત રહ્યું છે, પરંતુ તેથી અસ્પષ્ટતાનો દોષ ન આવતાં સુવિજ્ઞાત વસ્તુને અનુક્ત રાખવાથી ખૂબી આવી છે. આવા વર્ણનમાં કથાના મુખ્ય ભાગને બદલે એકાદ ચમત્કારી ભાગને પ્રધાનતા મળે છે અને તેના નિર્દેશથી જ કથા સૂચવવામાં આવે છે. ગોપીઓ કોણ હતી, ક્યાં રહેતી હતી, તેમની સાથે રમનાર ‘છકેલ છૈયો’ કોણ હતો, તેની કથાનું હિંદુસ્તાનમાં શાથી મહત્ત્વ છે, એ સર્વ કહ્યા વિના

‘વેણુ સુણી વિરહથી બનિ જે અધીરી,
વેણી સરી ન ગણતાં ધરિ અંગ વીરી.’

એટલું જ ગોપીઓનું ઓળખાણ આપવામાં આવે છે. રસને ગૂઢ રાખવાથી જેમ વ્યંગ્યનો ચમત્કાર આવે છે તેમ વૃત્તાન્તને પણ રાખવાથી વ્યંગ્યનો ચમત્કાર ઉત્પાદન કરવાની આ રીતિ વિરલ છે, અને પ્રકટ કરવાના તથા અપ્રકટિત રાખવાના અંશોની પસંદગી જો કૌશલથી કરવામાં ન આવે તો કયા વૃત્તાન્ત વિશે શું કહ્યું તે લખનાર સિવાય બીજા કોઈથી સમજાય એવું ન રહે અને કાવ્ય અસ્પષ્ટ તથા ચમત્કારહીન થઈ જાય. કવિના વિવેકમાં જ આનો નિયમ રહે છે. દમયંતીનું વર્ણન કંઈ વધારે વિસ્તારથી આપ્યું છે, પાંડવોનાં માત્ર નામ જ એકેક વિશેષણ સાથે આપ્યાં છે, ઓખાને ઊંચા આવાસમાં પૂરી મૂકી હતી એ વાત ખાસ કરીને તેના વૃત્તાન્તમાં કહી છેઃ- આ સર્વ સ્વીકારત્યાગની તુલનાનો નિયમ શોધવો કઠણ છે, પણ તે સર્વ વિવિધ વર્ણનો અદ્‌ભુતતાનું ભાન કરાવે છે તેથી ખાતરી થાય છે કે એમાં મર્યાદા બાંધનાર કૌશલનો નિયમ અવશ્ય રહેલો છે. આ શૈલીમાં પ્રસિદ્ધને અપ્રસિદ્ધ ગણવાની તથા અપ્રસિદ્ધને પ્રસિદ્ધ ગણવાની જે રીત છે તેનું સર્વથી ઉત્કૃષ્ટ ઉદાહરણ

‘રાખી વરી, રણ ફરી, હતિ એક કૃષ્ણા’

એ લીટીમાં છે. ‘એક’ શબ્દ બહુ જ કળાથી વપરાયો છે. દ્રૌપદીને ‘એક’ કહેવાથી તે કોઈ મહત્ત્વ વિનાની કે આજ સુધી ન જણાયેલી સ્ત્રી હતી એવો અર્થ ફલિત થતો નથી, પણ અદ્‌ભુત, વિશિષ્ટ, ધ્યાનમાં રાખવા લાયક, પ્રશંસાપાત્ર, બહુ મહત્ત્વ પામેલી કૃષ્ણા નામે એક સ્ત્રી જે દેશમાં થઈ ગઈ તે દેશ વિષે આ કાવ્ય છે એ અર્થ સૂચિત થાય છે. આવા વર્ણનમાં ગૌરવ અને સૌંદર્ય બેનો સમાવેશ થાય છે એ સ્પષ્ટ છે. વૃત્તાન્તના જે અંશો સ્પષ્ટ કહી બતાવવામાં આવે છે તે તેમના સૌંદર્ય માટે પસંદ થાય છે, અને જે અનુક્ત રાખી સૂચવવામાં આવે છે તે તેમના અવર્ણ્ય ગૌરવ માટે અકથિત રાખવામાં આવે છે. ઉક્તિવિષયથી સૌંદર્ય સાધવામાં આવે છે, અને સૂચન પ્રકારથી વૃત્તાન્ત કેટલો ઊંડો, કેટલો અગાધ, કેટલો દૂરગામી છે તેની ઝાંખી કરાવવામાં આવે છે. આ બે ગુણ આ શૈલીમાં જ રહ્યા છે, તેની સાથે કલ્પનાની જે સાહસિક પ્રગલ્ભતા (boldness of imagery) ભીમરાવની કવિતામાં સ્થળે સ્થળે છે તે આ વર્ણનમાં પણ દેખા દે છે. બે ઘાટમાંથી ત્રાસ વર્તાવવા નીકળી પડતા મરેઠાને જાદુગરના બે હાથમાંથી ‘તુટિ પડતા’ ‘અંગાર’ની ઉપમા આપી છે. અને, આસપાસ એકઠા થયેલા કવિ તથા પંડિતોના સમુદાયથી વીંટળાયેલા વિક્રમ રાજાને એ રત્નોથી કે જ્યોતિઓથી શોભતો નહિ પણ

‘જે તેજ માંહિ-કવિ પંડિત સર્વ ડૂબ્યા’

એવા ‘ઉગ્ર પ્રકાશ’ વાળો ‘રવિ’ પ્રકલ્પ્યો છે, આવી કલ્પનાઓમાં કંઈ વિશેષ સુંદરતા નથી પણ તેની સાહસિકતા શક્તિમત્ત્વનું ભાન કરાવે છે, અને તેમાં પ્રશંસનીય અંશ એટલા જ છતાં તે કંઈ નજીવો નથી હોતો.

સૌંદર્ય માટે પસંદ કરેલા વૃત્તાન્તના કથનમાં શબ્દલાલિત્ય પણ સચવાયેલું છે. વાસ્તવિક રીતે શબ્દ અને અર્થ એ બેની મનોહરતાનો વિશ્લેષ થવો જ અશક્ય છે. શબ્દ મનોહર હોવા વિના મનોહર અર્થ પ્રકટ થઈ શકતો જ નથી, અને અર્થ મનોહર હોવા વિના ગમે તેવા શબ્દો વાપર્યા છતાં મનોહરતા આવી શકતી નથી. કાદમ્બરીના અનુકરણ રૂપે જે અનેક ગદ્ય લખાણ વર્તમાન સમયમાં માસિક પત્રોમાં અને પુસ્તકોમાં પ્રકટ થતાં જોવામાં આવે છે તેમાં સુંદર અર્થ કલ્પવાની અને રચવાની અશક્તિને લીધે જ લલિત ધ્વનિના શબ્દો સંખ્યાબંધ વાપર્યા છતાં સુંદરતાનું ભાન સહેજ પણ થઈ શકતું નથી.

‘રોતી રહી પિહરમાં, સહસાજ સ્વામી
પામી સતી સુભગ એ દમયન્તિનામી.’

આવું શબ્દલાલિત્યનું ઉદાહરણ ભીમરાવની કૃતિમાં આટલું એક જ નથી, અને લાલિત્યની જે ભાવના તેમનામાં સર્વોપરી હતી તેનું જ એ પરિણામ છે.

હિંદુસ્તાનના મહિમાનું વર્ણન કરીને સર્ગને અંતે હસ્તિનાપુર અને પૃથુરાજની સ્થિતિનું સૂચન કર્યું છે. અને તે પછી ‘જે આદ્ય દિવ્ય સહુ વાદ્યનિ ક્યાં તું વીણા’ એવી નારદની વીણાનું આવાહન કર્યું છે. વીણાના આવાહનનો, તથા તેના બંધ પડી ગયેલા મધુર નાદનું ચિત્ર આપવા તેને ‘વનવૃક્ષડાળે લટકતી’ વર્ણવી છે એ કલ્પનાનો ઉદ્‌ભવ Scottના Lady of the Lake નામના કાવ્યના આરંભમાંના

‘Harp of the North! that mouldering long last hung,
On the witch-elm that shades Saint Fillan’s spring’

એ આવાહનના સંસ્કારથી થયેલો લાગે છે. પરંતુ Scottની કલ્પના કરતાં આ આવાહનમાં સૌંદર્ય અતિશય વિશેષ છે. ભીમરાવનું આવાહન વાંચતાં

‘તે ક્યાં દિસે મધુરવાદિનિ રમ્ય વીણા!
તારા વિભાવ સઘળા પ્રણયચ્છબીના’;

એ મધુરતા માત્ર વિણાના વાદની જ નથી પણ વીણાના વાદનું વર્ણન કરનાર કવિની વાણીની પણ છે એ અનુભવ થયા વિના રહેતો નથી. અને

‘કે તું રહી લટકતી વનવૃક્ષડાળે,
બેશી તળે વિરતવાદિતને નિહાળે!’

એમાંના ઉત્તરાર્ધની કલ્પના તો અપૂર્વ ચમત્કારવાળી જ છે.

બીજા સર્ગથી કથાનો આરંભ થાય છે, અને કાલિદાસાદિના અભ્યાસથી સંસ્કૃત ગ્રંથકારોની જે ભારપૂર્ણ અને દૃઢ આકૃતિવાળી શૈલી ભીમરાવે ગ્રહણ કરી હતી તે અહીંથી પ્રકટ થાય છે. પહેલા સર્ગના અપૂર્વ પ્રકારના વર્ણનમાં એ શિષ્ટ પ્રાચીન (Classical) શૈલીનો અવકાશ નહોતો પણ એ નવીનતા ત્યાં પૂરી થાય છે અને બીજા સર્ગમાં તો સંસ્કૃત મહાકાવ્યનું જ સ્મરણ થાય છે.

‘સ્વાર્થ રક્ષા તથા બીજી રક્ષા જે પરમાર્થની,
સમયોચિત કાર્યોથી જનોત્કર્ષ વિશે ગણી.’

‘શૌર્યમાં સૂર્યના જેવો, શાન્તિમાં શશિના સમો;
ઉદાર બુદ્ધિમાં તેને મેઘસામાન્ય પારખ્યો.’

‘આકૃતિ સરખી તેની શક્તિની પ્રતિમા કહી.
શક્તિતુલ્ય સમુદ્‌ભૂતિ ઉદ્‌ભૂતિતુલ્ય સન્મતિ;
સન્મતિ સરખી તેના વિક્રમોની મહત્કૃતિ.”

આ શ્લોકમાં વિચાર નવા ન હોય તો સંસ્કૃતમાંથી ભાષાન્તર છે એમ જ સમજાય.

પૃથુરાજમાં આ ગુણ અને ‘ધર્મબુદ્ધિ’, ‘ન્યાયબુદ્ધિ’, ‘’શાસ્ત્રજ્ઞાનસમૂહ’, ‘જ્ઞાનાનુસાર ક્રિયા’, ઇત્યાદિ અનેક ગુણ હોવાની કલ્પના કરી છે તે ઉચિત તો નહિ જ ગણાય. એ ગુણ તેનામાં નહોતા અને એ ગુણ માટે તે વખણાયો નહોતો એમાં સંદેહ નથી. સંસ્કૃતશૈલીના અનુકરણને લીધે મહાકાવ્યોના નાયક ધીરોદાત્ત હોવા જ જોઈએ એ નિયમનો સ્વીકાર થયાથી આ અતિશયોક્તિ થઈ છે એ સ્પષ્ટ છે.

પૃથુરાજના ગુણના વર્ણન પછી શહાબુદ્દીન ગોરી તરફથી આવેલા સંદેશાના તથા પૃથુરાજના લગ્ન પ્રસંગના વૃત્તાન્ત છે. એ વૃત્તાંત કવિએ નવા કલ્પી આ સર્ગની કથા ચિત્તરંજક કરી છે. સંસ્કૃત શિષ્ટ પ્રાચીન શૈલીમાં અને તેમાં વિશેષે કરી અનુષ્ટુપ છંદના બંધમાં સંક્ષેપમાં અર્થદ્યોતન કરવાનું જે સામર્થ્ય છે તે ભીમરાવની કૃતિમાં પૂરેપૂરું સંક્રાંત થયેલું આ સર્ગમાં જોવામાં આવે છે. એક જ ઉદાહરણ બસ છે. યવનરાજના દૂતે પૃથુરાજ પાસે તેની ભૂમિનો અર્ધો ભાગ માગ્યો ત્યારે પૃથુરાજે ઉત્તર દીધો,

‘સ્વબળે ગ્રહિ જે ભૂમિ, ઘટે તે ભૂપને ધણી;
જે હશે દાનમાં લીધી, ભિક્ષુકી વૃત્તિ તે સુણી.’

ભીમરાવને કાલિદાસનાં કાવ્યોનો ઘણો શોખ હતો અને ‘ઉપમા કાલદાસસ્ય’ એમ જે એ કવિની ખૂબી સુપ્રસિદ્ધ છે તેની છાપ ભીમરાવ ઉપર થયા વિના રહી નહોતી.

‘હૃદયે વિવશ તેવી તે, સરમાંહિ શરત્પ્રભા;
શરમાં સરનો ઉર્મિ શમ્યો તેમ સુવીર આ.’

સંયુક્તા અને પૃથુરાજના પ્રેમના વર્ણનમાંની આ સુંદર કલ્પના કાલિદાસ સિવાય બીજા કયા ગુરુનું સ્મરણ કરાવશે?

ત્રીજા સર્ગમાં પૃથુરાજ અને સંયુક્તાના વિલાસ તથા શૃંગારનું વર્ણન છે. અને, કાલિદાસનો એક મહોટો દોષ-નિર્મર્યાદ શૃંગાર-વર્ણન-ભીમરાવની કૃતિમાં કેટલેક અંશે પ્રવિષ્ટ થયેલો અહીં જણાય છે. તે સિવાય વર્ણનમાં રમણીયતા છે અને વાક્યો ચમત્કારવાળાં છે.

‘ખશ્યા સુકેશો સુમુખી સમારે’,
‘શૃંગાર ઊણા પણ ના અધૂરા’,
‘આલિંગને નાજુક હસ્ત કેવા!
‘સુરમ્ય પાકી કંઈ કેળ જેવા.’

આ વાક્યો વાંચનારનું ફરી ફરી જે આકર્ષણ કરે છે તે તેમનામાં રહેલી રમ્યતાને લીધે.

આ પછી આ સર્ગમાં સંયુક્તાની અને તેની સખીઓની જલક્રીડા વર્ણવી છે અને તે પછી સંયુક્તા અને પૃથુરાજની જલક્રીડા વર્ણવી છે. આ વર્ણનનું લક્ષણ પણ ઉપરના વર્ણન જેવું જ છે.

ભીમરાવની કવિતામાં બીજો દોષ અવિશદત્વનો છે. એમનાં કાવ્યમાં કેટલેક ઠેકાણે બધો અર્થ સ્પષ્ટ રીતે સમજાતો નથી, અને વાક્યોના અન્વયમાં ક્લિષ્ટત્વ તથા કષ્ટત્વ હોય છે, – અર્થાત્‌ કેટલેક ઠેકાણે વાક્યમાંના શબ્દોનો ક્રમ બદલતાં મુશ્કેલીથી અર્થ બેસે છે અને કેટલેક ઠેકાણે એટલી મુશ્કેલીથી પણ આખું ખરું વાક્ય થઈ શકતું નથી.

‘અનંગ અંગે ખરૂં તેજ આપે,
લજ્જાપટો માન તણા ઉથાપે;

‘વિગૂઢ પ્રેમી રતિવીર માને,
મૃગાક્ષિને તે સમજાવિ સાને;’

‘સુકાન્ત કાન્તા વિનયે નમીને,
પ્રિયાગ્રહસ્તે ફુલ આપિ તેને;’

‘ક્વચિત્‌ અનંગ પ્રણયાંગ ચિત્તે,
આલિંગતી તે સુકુમાર નિત્યે;’*[3]

આવી રચના કેટલેક ઠેકાણે માલૂમ પડશે. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવી રચનાઓમાં સર્વત્ર શબ્દધ્વનિનું લાલિત્ય શ્રવણને રંજન કરે છે અને અન્વય સમજાતાં અર્થ અને ભાવ ચિત્તને મનોહર લાગે છે. શબ્દની કર્કશતા અને અર્થની નિઃસારતાવાળી જે ક્લિષ્ટ રચનાઓ ચિત્તમાં અરુચિ ઉત્પન્ન કરે છે તે વર્ગનાં આ નિબન્ધન નથી. નર્મદાશંકરના ઋતુવર્ણનમાંના

‘ખારે ભરી હું ખડિયાં સ્વરૂપે,
ખુંચું સગાંને ઘણિ હૂનિ ધૂપે,
જાણી સુવાણી રસ જે પિવાવે,
તેને ભુંડી આ બતરીસિ ચાવે.’

આ શ્લોકનો અર્થ રચનારની ટીકાની મદદથી સમજાતાં વિરહાવસ્થામાં ઉગ્ર સ્વભાવવાળી થયેલી સ્ત્રીને ઉનાળામાં સૂર્યના તાપથી પાણી સુકાઈ જતાં જુદાં જુદાં કઠણ ખડપાંના આકારમાં બંધાઈ ગયેલી ખારી જમીનનું રૂપક આપેલું દૃષ્ટિગોચર થાય છે, તથા સ્નેહથી સુવાર્તા કરવા આવનાર તરફની તે સ્ત્રીની કઠોર વાણીને તે ખારી જમીનની જલહીનતા સાથે સરખાવેલી માલૂમ પડે છે. અર્થ સમજવાના આ પ્રયાસને અંતે કંઈ ચારુતા કે ચમત્કારની પ્રાપ્તિ થતી નથી, અને શબ્દોની પરુષતા તો પ્રથમથી જ વાંચનારના ચિત્તને પાછું વાળે છે. ભીમરાવની કવિતામાં જ્યાં સ્પષ્ટતા નથી ત્યાં આ દૂષણ નથી, પણ ઊલટું અસ્પષ્ટતા છતાં સૌંદર્ય જળવાઈ રહ્યું છે અને કેટલેક સ્થળે તો કવિનો અન્તર્ગત ભાવ પરિપૂર્ણ રીતે પ્રકટ કરવાને ભાષા અસમર્થ હોવાથી સ્પષ્ટતા આવી નથી એમ પણ પ્રતીતિ થાય છે.

ચોથા સર્ગમાં એક કિશોર બ્રહ્મચારી જે આગળ જતાં પૃથુરાજનો મુખ્યમંત્રી થયો તેના પ્રવાસની તથા સ્વગુરુની પુત્રી સાથેના તેના પ્રેમપુરઃ સર લગ્નની કથા છે. મંત્રીનો પૂર્વ વૃત્તાન્ત આવો કલ્પવાનો કંઈ હેતુ જણાતો નથી, તથા તે વૃત્તાન્તના વર્ણનમાં વિસ્તાર કરવાનું કંઈ પ્રયોજન હોય એમ લાગતું નથી. પૃથુરાજના શૃંગાર કરતાં ઉચ્ચતર જાતના પ્રેમના વર્ણનનો લાભ, અપ્રસ્તુતતા છતાં, સંપાદન થાય છે એ કબૂલ કરવું જોઈએ. આ સર્ગનાં વાક્યોની રચનામાં અસ્પષ્ટતા વધારે છે, કેટલેક સ્થળે વ્યાકરણદોષ છે તથા રમ્યતા પ્રમાણમાં ઓછી છે. બ્રહ્મચારી બટુના શરીરબળ તથા મનોબળનું વર્ણન ગયા સર્ગની શૃંગારકથા પછી ચિત્તને વિશ્રાન્તિ તથા આહ્‌લાદન આપે છે. સર્ગના અંતમાં પૃથુરાજ વિલાસમાં પડી ગયાની વાત જણાવી છે, અને એ અવસરે આ મુખ્યમંત્રીને તેની સ્ત્રીએ રાજાની આવી દશાથી રાજ્યને થતી હાનિ કહી બતાવી એવો પ્રસંગ કલ્પ્યો છે. જે મંત્રિજાયાની નિપુણતા

‘બહુશ્રુતોમાં ગુણયુક્ત પહેલી’

એવા સસત્ત્વ વચનોમાં કહી છે તેના મુખમાં

‘નૃપે ગુમાવી જવ બુદ્ધિ જાણી.’
પ્રજા તણી ત્યાં સ્થિતિ જાય તાણી;
***
પાયો પ્રજાનો નૃપ છત્ર માથે,
વિસ્તીર્ણ સ્તંભો સચિવો થયા તે;
સેના તણો કોટ વિઘટ્ટ છાજે,
સૌરાષ્ટ્ર પ્રાસાદ સમાન રાજે.
***
વિલાસમાં ભૂપતિ થાય લીન,
સુરાજ્ય તેનું થઈ ભિન્ન ભિન્ન,
***
ઉદ્યોગની વૃદ્ધિ સુવૃદ્ધિ સૌખ્યની,
ઋદ્ધિ તથા સિદ્ધિ સુકૃત્ય મુખ્યની
ન થાય પૂરી જનધર્મવાસના,
ન થાય ઉત્કર્ષ પુરો પ્રભુ વિના.’

આવાં રાજનીતિતત્ત્વનાં ગંભીર અને ચિંતનપૂર્ણ સામાન્ય વચનો યોગ્યતાથી શોભે છે. પૃથુરાજના ઇતિહાસનો એક મુખ્ય સાર આ વચનોમાં કવિએ સારી રીતે જણાવ્યો છે.

પાંચમા સર્ગના આરંભમાં વળી વિનયાતીત શૃંગાર વર્ણન છે, અને કથાના અનુક્રમમાં એ વર્ણન કેવળ નિષ્પ્રયોજન છે. પૃથુરાજ વિલાસમાં નિમગ્ન થઈ રહ્યો હતો એવું પણ આ વર્ણનથી ફલિત થતું નથી કેમ કે એક જ પ્રસંગ એમાં વર્ણવ્યો છે.

આ પછી સૂર્યાસ્તનું કંઈક વર્ણન છે, તેમાં

‘તે સમે સુરજ કોઇ વારનો,
પશ્ચિમે ભરી વિવર્ણ રંગને,
પ્રેરિને વિષય ચિત્રકારનો,
ડૂબિયો શમવી નીર અંગને.’

આ શ્લોકમાંની ત્રીજી લીટીનાં જેવાં હૃદયસ્પર્શી વચનો છે.

તે પછી સંસ્કૃત ગ્રંથોના સંપ્રદાય પ્રમાણે રાજાને નિદ્રામાંથી જગાડવા બન્દીજનોએ કહેલાં સ્તુતિપૂર્ણ વચનો રચ્યાં છે, સ્તુતિને અંતે બંદીજન કહે છે,

‘થા તયાર ઉદયાર્ચિભાસથી,
તે ઉષાપતિ સમાન શોભતો,
***
લે કટાર, તુજ અશ્વ આકળો
થાય જો ત્વરિત યુદ્ધમાં જવા;’

આવાં ઉત્સાહપૂર્ણ વચનોથી વીરરસ કથાનો અહીંથી આરંભ કર્યો છે, અને આવાં ઉદ્દીપનથી ઉત્તેજિત થતા પૃથુરાજની સ્થિતિનું ચિત્ર

‘એમ કોવિદવાણિને સુણી,
પ્રેરિયો બહુ પ્રકાર શૌર્યથી,
સજ્જ થાય સમરાંગણા ભણી,
આંખ તેજિ અરિભંગ ક્રૌર્યથી.’

આ શ્લોકમાં ભાવપૂર્ણ અને યથોચિત વર્ણન આપ્યું છે. યુદ્ધનો પ્રસંગ શી રીતે આવ્યો તે હકીકત કહી નથી અને કાવ્યની કથામાં આ નવા વૃત્તાન્તનું સંધાન એકાએક અને આકસ્મિક છે. ભીમરાવમાં કલાવિધાનની કુશળતાની ઘણી ખોટ હતી તેનું આ પરિણામ છે; પરંતુ તેમનો રસનિધિ પરિપૂર્ણ હતો અને જે વીરરસના ઉદ્‌ભવની આ પ્રસંગની શરૂઆત કરી છે તે અતિ વિરલ અને આહ્‌લાદક છે, અને રસિક રચના ગોઠવવામાં કળા ન છતાં રસ જાતે જે તૃપ્તિ આપે છે તેનો અનુભવ થઈ શકે છે.

છઠ્ઠા સર્ગમાં ટૂંકો પણ રસિક પ્રસંગ છે. રાજા સૈન્ય સાથે નીકળતો હતો એવામાં તેની બહેને આવીને તેને ફૂલહારથી વધાવી લીધો અને તેને તથા સૈનિકોને ઉત્સાહ તથા આશીર્વાદનાં વચનો કહ્યાં. આ વચનો યુદ્ધપ્રસંગને ઉચિત છે અને તે શૂરવીરની જનની હોવામાં અભિમાન માનનારી રજપૂત સ્ત્રીઓનું ખરું મહત્ત્વ દર્શાવે છે. પૃથુરાજની સ્વસાના મુખમાં મૂકેલાં આ વચનો કવિના ચિત્તનો ઉત્કર્ષ પણ દેખાડે છે.

‘અધીર થાતો ન જરા તું ક્યારે,
પરાભવે જે બગડ્યું સમારે,
પ્રતાપ તેનો વિજયીથી દ્‌હોરો,
ઉત્સાહ રાખી કરજે તું જોરો.’

રણસંગ્રામમાં વાપરવાનું આ ધૈર્ય તથા કૌશલ યે યુદ્ધશૌર્ય તથા વ્યૂહરચનાથી જુદી જ વસ્તુ છે. ઘણા સેનાપતિઓમાં તેની ખામી હોય છે, રજપૂતોમાં તે ભાગ્યે જ જોવામાં આવતું. પ્રાણ જતાં પણ પાછી પાની ન કરવી એ વીરત્વનો સિદ્ધાન્ત ઉચ્ચ અને ઉદાર છે, પણ પરાભવ થવાનો પ્રસંગ સમીપ આવ્યો હોય ત્યારે પરીક્ષા કરી તે અગાઉથી જાણી લેવાની શક્તિ પણ સેનાપતિને આવશ્યક છે. એ પ્રસંગે પલાયન કરવું એ તો શૂરવીરોને ન જ છાજે, પણ ગભરાટથી સૈન્યમાં ભંગાણ પડતાં સૈનિકો પોતે નાસવા માંડે ત્યારે તેમ થવા ન દેતાં સૈનિકોને વશ રાખી જેમ બને તેમ ઓછી હાનિ તથા ઓછો ઘાત થાય તેવી રીતે સૈન્યને ખસેડી લેવું અગર સ્વસ્થ રાખવું એ જેવું ડહાપણનું કામ છે તેવું જ હિમ્મત અને પરાક્રમનું કામ છે. તેથી જ શત્રુનો વિજય પરિપૂર્ણ થતાં અટકે છે અને તેનું ફળ ઓછું થઈ જાય છે. તેમ ન કરવામાં આવે તો નાશ અવશ્ય છતાં સૈન્યને સંગ્રામમાં રહેવા દીધાથી અથવા યથેચ્છ પલાયન કરવા દીધાથી પરિણામ એ જ થાય કે ઘણા ખરા સૈનિકો અશરણ થઈ કપાઈ મરે, અને આવા ફલહીન મનુષ્યવધના દોષ માટે સેનાપતિ જ જવાબદાર થાય. ઇંગ્લાંડના રાજા ત્રીજા વિલિયમની આ વિષયમાં જે કુશળતા હતી તે વિશે ઇતિહાસકોનાં વચનો આ સંબંધે સરખાવવા યોગ્ય છે.

‘The event of battles, indeed, is nto unfailing test of the abilities of a commander; and it would be peculiarly unjust to apply this test to William; *** No disaster could for one moment deprive him of his firmness or of the entire possession of all his faculties. His defeats were repaired with such marvellous celerity that, before his enemies had sung the Te Deum, he was again ready to conflict; nor did his adverse fortune ever deprive him of the respect and confidence of his soldiers.’

Macaulay’s History of England.
Chapter VII.

અર્થ :- ‘રણસંગ્રામોના પરિણામ પરથી સેનાપતિની વિચક્ષણતાની પરીક્ષા કરવી એ ધોરણ હમેશ ખરું પડતું નથી. અને વિલિયમની આ ધોરણથી પરીક્ષા કરવી એ તો ખાસ કરીને ગેરવાજબી થાય; *** ગમે તેવો પરાભવ થાય તોપણ એક ક્ષણ પણ તેની દૃઢતા ડગતી નહિ, અને તેની માનસિક શક્તિઓ તેની સ્વાધીનતામાંથી લેશ માત્ર પણ ખસતી નહિ. હાર થયા પછી એવી અદ્‌ભુત ત્વરાથી તે પોતાની સ્થિતિ સુધારી સંધાન કરી લેતો કે જયવંત શત્રુઓ ધન્યવાદનાં વાજિંત્ર વગાડી રહે તે પહેલાં તો તે ફરી યુદ્ધ કરવા તૈયાર થઈ જતો; અને વિપત્તિમાં પણ તેના સૈનિકોની તેના પરની શ્રદ્ધા તથા માનની લાગણી ઓછી થતી નહિ.’ (મેકોલે).

‘His (i.e. William’s) bravery indeed was of that nobler cast which rises to its height in moments of ruin and dismay. The coldness with which, boy-general as he was, he rallied his broken squadrons amidst the rout of Seneff and wrested from Conde at the last the fruits of his victory, moved his veteran opponent to a generous admiration. It was in such moments indeed that the real temper of the man broke through the veil of his usual reserve. A strange light flashed from his eyes as soon as he was under fire, and in the terror and confusion of defeat his manners took an ease and gaiety that charmed every soldier around him.’

Green’s Short History of the English People.
Chapter IX. Sec vii.

અર્થ - ‘તેનું (વિલિયમનું) વીરત્વ વિશેષ ઉમદા પ્રકારની ઘટનાનું હતું; એ વીરત્વ એવું હોય છે કે વિનાશ અને ઉદ્વેગની ક્ષણે તેના ઉત્કર્ષનો ઉદય થાય છે. તે હતો તો બાલ-સેનાપતિ, પણ સેનેફના રણક્ષેત્રમાં સૈન્યભંગ થયો તે સમયે તેણે એવી શાન્ત ધીરતાથી પોતાના વીખરાઈ ગયેલા સૈન્યગણોને પાછા એકત્ર કર્યા અને છેલ્લી ઘડીએ કાઁડે પાસેથી વિજયનું ફળ ખૂંચવી લીધું કે તેના એ અનુભવી શત્રુને પણ ઉદાર પ્રશંસાવૃત્તિ થઈ. સાધારણ રીતે તેની મનોવૃત્તિઓ ગુપ્ત રહેતી પણ આવે સમયે એ આવરણ છિન્ન થઈ તેનો ખરો સ્વભાવ પ્રકટ થતો. યુદ્ધમાં આસપાસ અગ્નિભર્યાં અસ્ત્રો છૂટવા માંડે કે તરત તેના ચક્ષુમાંથી વિલક્ષણ દ્યુતિનું સ્ફુરણ થતું, અને પરાજયને લીધે ત્રાસ તથા ગભરાટ પ્રસરી રહેલા હોય ત્યારે તેની બોલવા ચાલવાની રીતભાત એવી સ્વસ્થ અને પ્રફુલ્લિત બની જતી કે તેની સમીપના સર્વ સૈનિકો પ્રસન્ન થઈ આકર્ષાતા.’ (ગ્રીન).

વીરત્વના આવા એક ઉત્તમ અંગનો આ નિર્દેશ આપણા કવિનું પરિપક્વ જ્ઞાન દર્શાવે છે, તેમ જ વીરરસની તેમની ભાવના કેટલી ઊંડી હતી તે બતાવે છે. વીરરસની ભાવના સાથે નિકટ સંબંધે જે ઉચ્ચ દેશપ્રીત રહેલી છે તે પણ કવિમાં ઉત્કટ હતી, અને તે

‘ક્રમે ભ્રમે કાં રણમાં રમીને,
સુખ દુખે સંકટ સૌ ખમીને,
મહાર્હ રાખો જતિ લાજ પાસે
અખંડ તે ભારતની પ્રયાસે’.

‘ઉપાય કોટિ કરી રાખવાની,
આ ભૂમિને આર્યસુપુત્ર માની;
ચિત્તે ધરો પૂર્વ કૃતિ કહેલી,
સ્વજન્મભૂમિ જનિતાથી હેલી’.

એવાં વચનોમાં અહીં પ્રાદુર્ભૂત થાય છે.

તે પછી રાણી આવીને પૃથુરાજને મણિમાલ પહેરાવે છે અને મૌક્તિકથી વધાવે છે, અને એમ આ સર્ગ પૂરો થાય છે.

સાતમા સર્ગમાં યુદ્ધનો પ્રસંગ સમીપ આવેલો વર્ણવ્યો છે. વર્ણવેલી હકીકત જેમ યુદ્ધની તૈયારી બતાવે છે તેમ કવિની ઉદ્દીપ્ત શૈલી પણ વીરરસની ભાષા માટે તૈયાર થતી જણાય છે. પાનીપતના રણમાં ઊભેલા ક્ષત્રિય સૈન્યને

‘પ્રબળ તે દળ ક્ષત્રિય વંશનું
***
ઉભું કુરુકુળની રણભૂમિમાં.’

એવા મહાન વીરવૃત્તાન્ત સૂચક વચનમાં વર્ણવ્યું છે; ચિતોડના સમરસિંહના સૂર્યવંશની કીર્તિને

‘અજિત અર્ક તણા યશનો ધણી.’

એવા કવિતાયોગ્ય પર્યાયથી સૂચવી છે; વ્યૂહમાં ગોઠવાયેલા સૈનિકોને

‘કુલપરાક્રમ પૂર્વજનાં સ્મરી,
અમલ ક્ષત્રિય નામ ચિતે ધરી,
સ્વપદ રક્ષણ ધર્મ મહત્કૃતિ,
સમરના મરનારની સદ્‌ગતિ.’

એવાં પ્રોત્સાહક વચનો કહ્યાં છે : આ સર્વ કથાને તેમ જ ચિત્તને યુદ્ધ માટે તૈયાર કરે છે, અને શસ્ત્રોના, કતલના તથા શૌર્યના ઠાલા શબ્દોથી જ નહિ પણ ખરેખરી કવિતાથી વીર રસ નિષ્પન્ન થાય છે એમ આનંદપૂર્ણ પ્રતીતિ થાય છે. વાક્યોમાં સ્થળે સ્થળે અસ્પષ્ટતા છે અને વૃત્તાન્ત બરાબર ગોઠવાયો નથી, તો પણ આ પ્રતીતિમાં વિચ્છેદ થતો નથી. બે પક્ષના સૈન્યોનું ગોઠવાવું અને પૃથુરાજના દૂતનું સંદેશો લઈને શહાબુદ્દીન તરફ જવું : એટલું જ વૃત્તાન્ત આપવાને આ સર્ગ મૂકેલો જણાય છે. છતાં, છેલ્લા ચાર શ્લોકમાં યુદ્ધનું અપૂર્ણ વર્ણન છે તેનો સંબંધ કયા ભાગ જોડે છે તે બરાબર સમજાતું નથી. વખતે યુદ્ધના આટલા શ્લોક કવિએ પ્રથમથી રચી મૂકેલા હશે અને તે અહીં સ્થાન જાણી મૂકી દીધા હશે. એ મુખ્ય યુદ્ધનો ભાગ છે કે તે પહેલાંનો ટુકડીઓના છૂટાછવાયા મેળાપનો પ્રસંગ (skirmish) છે તે પણ સમજાતું નથી, અને વળી શત્રુનું એટલે યવનોનું સૈન્ય શી રીતે આવી પહોંચ્યું એ વીર રસ કાવ્યમાં બહુ જરૂરનો ઐતિહાસિક વૃત્તાન્ત આપ્યો જ નથી. તથાપિ-

‘સમરમાં ઝબકી સમશેર જે,
વન ચળ્યું ન ચળ્યું તરુનું જ તે;
પ્રમુખ વીર ભિડ્યા રજપૂતના,
શરબળે અસિના કડકા કર્યા.’

આમ જે યુદ્ધ વર્ણવ્યું છે તે ખરેખરા વીરોનું યુદ્ધ છે અને રસપૂર્ણ છે એમાં સંશય નથી.

આઠમા સર્ગમાં તથા તે પછીના બે સર્ગમાં યુદ્ધનું વર્ણન છે. રજપૂતોએ પ્રથમ મુસલમાનો ઉપર હુમલો કર્યો અને તેમાં જય મેળવ્યો તે આઠમા સર્ગમાં વર્ણવ્યું છે. પૃથુરાજ

‘ચઢ્યો રણે રણવીર, ગજવતો ભેરી તૂરી;
સ્વયશ તુલ્ય હય શ્વેત સમોવડ તે પણ સૂરી.’

કવિ જે વીરને આવી ઉજ્જ્વલ કલ્પનાથી દૃષ્ટિ સમક્ષ મૂકે છે અને જેના ઉત્સાહયુક્ત વેગને ‘ચમકાવ્યો ત્યાં તુરગ, ક્ષત્રિદળ ઉત્તર વસતું’ એવા સપ્રભાવ શબ્દમાં વર્ણવે છે તે માત્ર સ્વબાહુબળથી લડનાર યોદ્ધો જ નહોતો પણ દક્ષ સેનાનાયક હતો. તેણે

‘આપ્યો એ ઉપદેશ, ધસે નહિ કાર્ય વગરનો.’

ગયા સર્ગના પ્રસંગમાં પણ તેણે એ જ આજ્ઞા કરી છે કે

‘નિપટ શત્રુ ધસે ઉર સૂધિ ત્યાં,
ન ખસવું સ્થળ મૂકી જ એક તે.’

પોતાના સુભટ જયપાળને તેણે બહુ કુશળ પરિવર્તન કરવાની સૂચના કરી અને ઘણી ચતુરાઈથી શત્રુને ભૂલથાપ ખવડાવી ઘેરી લીધા, અને પછી

‘પડ્યા તુટીને સ્વાર, પરશુએ માર્યા પૂરા.’

આ રીતે, સેનાપતિ તે માત્ર અંધ થઈ જઈ બહુ ભારે શરીરબળથી કતલમાં ઝૂઝનાર યોદ્ધો જ છે એવી સ્થૂલ કલ્પનાથી ઊંચે જઈ તેને સાધારણ સૈનિકથી બહુ ઊંચી પદવીનો પ્રવીણ અને વિચારવંત નાયક કલ્પવામાં આપણા કવિએ વીરત્વના એક બીજા મહોટા અંગનું જ્ઞાન રસિકતા સાથે દાખવ્યું છે. વળી, યુદ્ધમાં વીરત્વ દર્શાવ્યું તે એકલા પૃથુરાજે જ નહિ, પણ, જયપાળ, ‘ખરો જયનો પાળક જે’, તેણે અને સર્વ ‘રજપૂત શૂરા’ઓએ દર્શાવ્યું,–આ કલ્પના પણ દર્શાવે છે કે જે ઉદારતા વિના વીરત્વ કદી શોભતું નથી તે ઉદારતા વીરત્વની ભાવના સાથે કવિએ પણ પોતાની સહૃદયતામાં ગ્રહણ કરી હતી. એકની જ બહાદુરીથી મહોટા રણસંગ્રામમાં જય થયો એવી જે કલ્પના કુકવિઓની કૃતિમાં જોવામાં આવે છે તે સંકુચિત દૃષ્ટિ અને રસિકતાની ખામી સૂચવે છે.

આ પ્રથમ યુદ્ધ પૂરું થયું નહોતું તેટલામાં રાત્રિ પડી અને બધું અંધકારથી છવાયું. વિગ્રહમાં આમ સ્વલ્પ કાળનો વિરામ થતાં કવિ પોતાની કલ્પનાને બીજી દિશામાં દોરી જઈ વિશ્રામ આપે છે. રણભૂમિમાં રક્ષણ માટે જયપાલ એકલો ‘ધિમે ધિમે ગતિમન્દ’ ફરે છે, સર્વત્ર એવી શાન્તિ છે કે જયપાલ જે ‘મધુર શબ્દ’નો ઉચ્ચાર કરે છે તેનો ‘પ્રતિઉત્તર’ દેનાર ‘ઘુવડ ઘોર કરતું ત્યાં રવ જે’ તે સિવાય બીજું કોઈ નથી. આમ નિશા, શાન્તિ, રણતટ, મન્દગતિ, મધુર શબ્દ, ઘોર રવ, એ સર્વના ચિત્ર વડે વિધવિધ વૃત્તિઓના અનુભવ માટે ચિત્તને તૈયાર કરી કવિ એક અતીત સુંદર સંગીતક્ષમ રાગધ્વનિ કાવ્ય જયપાળની ઉક્તિમાં મૂકે છે. આ કાવ્યમાં ‘અણગમ તારાવૃંદથી ભરેલા અને ‘ઘન તિમિર’થી ઘેરાયેલા આકાશનું વર્ણન છે, રણભૂમિની આસપાસની રચનાનું દર્શન છે, દૂર નગરીમાં ઉત્કંઠિત થતી વિરહિણીઓની દશાની કલ્પના છે, દેશપ્રીતિથી જયપાલના ચિત્તમાં થતા ઉદ્વેગનું ચિત્ર છે; અને એ સર્વ અનુરૂપ થઈ મળી જઈ એક સમગ્ર સંદર્ભ બની રહ્યો છે. શબ્દમાં, અર્થમાં, અલંકારમાં અને ધ્વનિમાં આ આખું ગીત એવું રમણીય, મનોહર, અદ્‌ભુત અને રસપૂર્ણ છે, સંગીતમાં ઉતારતાં તેનો ચમત્કાર એવો અવર્ણનીય છે કે ગુજરાતી સાહિત્યમાં તે અનુપમ છે એમ કહેવામાં જરા પણ અયોગ્ય પ્રશંસા નથી. એમાંની પ્રત્યેક કલ્પના એવી હૃદયગંમ છે કે ઉતારો કરતાં આખા કાવ્યમાંથી કંઈ પણ મૂકી દઈ શકાય એમ નથી, તેથી આ સ્થળથી આગળ જતાં પહેલાં કાવ્યને ૭૬ મે પાને દૃષ્ટિ કરવાની વાંચનારને વિનંતી કરીએ છીએ.

યુદ્ધના પ્રસંગોની વચ્ચે આવેલું અદ્‌ભુત લાલિત્ય અને ગાંભીર્યના મિશ્રણવાળું આ કાવ્ય વીર રસની ક્ષતિ નથી કરતું પણ ઊલટું તે રસની વૃદ્ધિને પુષ્ટિ આપે છે, અને તે રસ ગ્રહણ કરવામાં ચિત્તને તીવ્ર સામર્થ્ય આપે છે. જેને વિરોધ નહિ પણ વિચિત્રતા કહી શકાય તેની આવી અસરનાં ઉદાહરણ ઉત્તમ કવિઓ કાવ્યમાં જ જડશે. શેક્સપિયર અને કાલિદાસની કૃતિઓમાં પ્રેમકથાના અથવા કરુણ રસના વૃત્તાન્તમાં વચ્ચે વિદૂષકના પ્રવેશથી હાસ્ય રસની નિષ્પત્તિ થતાં છતાં રસભંગ થતો નથી પણ રસનો ઉત્કર્ષ થતો જ જોવામાં આવે છે.

આ નાનું રસપૂર્ણ કાવ્ય કૌશલથી યોગ્ય સ્થાને મુકાયું છે છતાં વચમાં એક કડી જયપાળ વિશે કવિએ કહેલી છે અને તેના પછીની કડીનો અર્થ સર્વથા સ્પષ્ટ નથી. આ વિશેષતા આ કવિના લક્ષણની જ છે.

જયપાળ આવા વિચારમાં ફરતો હતો એવામાં શત્રુના કેટલાક સૈનિકો આવી પહોંચ્યા, જયપાળે ‘કર્યો ધનુષ ટંકાર,’

‘રિપુ ઉત્તરમાં જોઈ અશ્વ સેનાને સત્વર
ઉપાડી, અસિ ચળકાટ થયો વહિ જ્યોતિષનો ભર;’

અને

‘જય કરીને જયપાળ પવનતનકેતુ પ્રકાશ્યો.’

નવમા સર્ગમાં વધારે દારુણ યુદ્ધનો પ્રસંગ વર્ણવ્યો છે. અને, વીરત્વની ઉદાર ભાવનાને ઘટે તેમ મુસલમાનોનું પરાક્રમ પણ કવિએ યોગ્ય રીતે દર્શાવ્યું છે. જ્યાં શત્રુએ ખરા શૌર્યથી જય મેળવ્યો હોય ત્યાં તેને કપટથી જય મળ્યો એમ હારેલાનો પક્ષપાત કરી અન્યાય કરવો એ રસિકતાને છાજતું નથી. આવાં પક્ષપાતી કાવ્યો નાટકો અને વાર્તાઓ આ જ કારણથી તૃપ્તિ આપી શકતાં નથી. આ રણક્ષેત્રમાં શહાબુદ્દીને ખરા વીરત્વથી જ જય મેળવ્યો હતો, અને આપણા કવિ તેનું શૌર્ય ખરેખરા ચમત્કારી શબ્દસામર્થ્યથી પ્રકટ કરે છે. રજપૂતોના જયનાદ સાંભળી તેણે

‘કાઢી ચમકતી તેગ, વીજ કટકા સમ ઝબકી,
જંગી પણ તે જોઈ, રહ્યા ક્ષણમાં તે ઝભકી.
જે સમશેરે કર્યા રિપુકુળ કાયર પૂરા;
જ્યાં ઝબકી ત્યાં જીત, કતલ કીધા કંઈ શૂરા.
તરુનો ક્ષય જ્યમ કરે, પડે વિદ્યુત જ્યાં તડપી,
ઇરાન તે તૂરાન, જુએ વિસ્મયમાં ઝડપી.’

તુમુલ યુદ્ધ થયું. મુસલમાનોનું ‘પયદળ ચઢિયું કોટ’ અને ‘ધશ્યા ક્ષત્રિના સ્વાર’ બન્ને પક્ષે શૌર્ય દાખવ્યું. શહાબુદ્દીન પણ નિપુણ સેનાપતિ હતો. રજપૂતોને ઘેરવા તેણે અર્ધ વર્તુલાકારમાં સૈન્ય રચ્યું અને પોતે તેના મધ્યમાં રહ્યો. આ સ્થિતિમાં તેનો આવિર્ભૂત થતો પ્રતાપ કવિએ બહુ ભવ્ય ઉપમાઓથી આલેખ્યો છે.

‘રચિ વર્તુલનો અર્ધ, ઘેરવા ક્ષત્રિકુળને,
મધ્ય યવન સરદાર, બહુ ફેલાવે બળને;
જ્યમ રવિ નિજ કર સર્વ, સ્થળે વર્તાવે વિરમી,
પ્રલયકાળનો ઓઘ, પ્રસારે જ્યમ જળ ઉરમી.’

અલંકારમાં વસ્તુસ્થિતિની સમાનતા ઉપરાંત ભાવનાનું સામ્ય હોય છે ત્યારે જ તે અલંકાર રસનો ઉપકારક થાય છે.

‘પ્રાચી દિશામાં નભ રક્ત દીસે;
એ ઠામ શોભા ઉપજી અતીશે;
જાણે પ્રતાપી પરણે ભુપાળ,
આનંદનો આજ ઉડે ગુલાલ.” (દલપતકાવ્ય. પ્રભાતવર્ણન)

આવી ઉત્પ્રેક્ષા રસભંગ કરે છે, કારણ કે ઉપમેયની સ્થિતિમાં જે અદ્‌ભુતતાની ભાવના છે તે ઉપમાનની સ્થિતિમાં લેશમાત્ર નથી, અને તે વિના માત્ર સ્થિતિઓની સમાનતા હોય તે નિરર્થક છે. ભીમરાવની ઉપરની ઉપમામાં આ દોષ નથી. સૈન્યના અર્ધવર્તુલના મધ્યમાં રહી પ્રભાવની અસરથી ચારે તરફ બળ ફેલાવતા યવન સરદારના પ્રતાપને રવિ સાથે અને પ્રલયકાળના ઓઘ સાથે સરખાવવામાં માત્ર સામ્યનો જ લાભ નથી, પણ ઉપમેયમાં રહેલી વીરત્વની ભાવના-ઉત્સાહ-પ્રકટ થવામાં પણ સહાયતા થાય છે અને તેથી જ અલંકારનું સાફલ્ય છે. રસને અનુકૂળ અલંકાર યોજવામાં માત્ર કલ્પનાની ચતુરાઈથી બસ થતું નથી; સામ્ય શોધતાં ભાવનાની પિછાન દિલમાંથી ખસી ન જાય એ રસ જાળવવા માટે આવશ્યક છે. વીર રસ આપણા કવિએ પૂરેપૂરો જાળવ્યો છે એ પરીક્ષામાં આ પુરાવો બહુ ઉપયોગી છે.*[4]

અલંકારશાસ્ત્રના સાંકેતિક (technical) નિયમો વિરુદ્ધ આ શ્લોકમાં દોષ થયાનો સવાલ નથી. પ્રાતઃકાલની સંધ્યાને સમયે રક્ત દીસતા આકાશની શોભાને લગ્ન પ્રસંગે ઊડતા ગુલાલથી થયેલી હવાની સ્થિતિની સમાન કલ્પવામાં રસિકતા છે કે નહિં એ પ્રશ્ન છે. અમારું માનવું છે કે એવી કલ્પના અરસિક છે, કારણ કે ગુલાલ ઉડવાથી થતી રતાશમાં કંઈ ચમત્કારિતા નથી. એ માત્ર સાધારણ દેખાવ છે, અને વર્ણવેલા આકાશમાંના અદ્‌ભુત દેખાવને એવા સાધારણ દેખાવ સાથે સરખાવવામાં રસભંગ થાય છે. ‘અદ્‌ભુત’માં ‘રળીઆમણું’ આવી જતું નથી એમ જે રા. નાનાલાલ કહે છે તે અર્થહીન અને અયથાર્થ છે, ‘રળીઆમણા’ અને ’શોભાવંતા’માં અદ્‌ભુત સિવાય કંઈ જુદો રસ નથી; જે સર્વથી વિસ્મયનો સ્થાયી ભાવ જાગૃત થાય તે અદ્‌ભુત રસની નિષ્પત્તિ કરે છે. અલબત્ત, અદ્‌ભુત રસના આલમ્બન અને ઉદ્દીપન જાતજાતનાં હોય છે, અને રળીઆમણા સિવાય બીજી જાતનાં દર્શન પણ અદ્‌ભુતતાનું પોષણ કરે છે. પરંતુ, ‘રળીઆમણાં’, ‘શોભાવંતા’ કે એવાં બીજાં કોઈ પણ દર્શન અદ્‌ભુતતા વિનાનાં નથી હોતાં, હોય તો રસહીન થાય, કેમકે વીર, શૃંગાર, કરુણ કે બીજા કોઈ રસને તે લગતાં નથી, અદ્‌ભુત રસનેજ લગતાં છે. જે રળીઆમણાં દર્શન માત્ર સાધારણ હોય છે તે રસનું પોષણ કરી શકતાં નથી, અદ્‌ભુત રળીઆમણાં દર્શનો જ રસનું પોષણ કરી શકે છે. ઊડતા ગુલાલનું રળીઆમણાપણું કેવળ સાધારણ અને ચમત્કારહીન છે; તે ગુલાલ લગ્ન પ્રસંગે ઊડતો હોય, પણ તે હવાને રાતી કરતો ગુલાલ જ છે. આકાશને સંધ્યા સમયને રાતું કરતાં સુંદર રમ્ય રંગની તુલનામાં તે ગુલાલ કદી આવી શકતો નથી. એકમાં અદ્‌ભુતતા છે, બીજામાં નથી; એટલો જ એ બે વચ્ચે ફેર છે. એવાં બે દર્શનને સમાન કલ્પવામાં રસહીનતા છે એ જ અમારી ટીકાનું તાત્પર્ય છે. આ ટીકામાં રા. નાનાલાલ ધારે છે તેમ ‘દૃષ્ટિદોષ,’ ‘ભૂલ્ય’ કે ‘ખોટી ભૂલ્ય’ નથી.

અલંકારશાસ્ત્રના અભ્યાસથી કવિત્વવાળા રસિક અલંકાર થતા નથી. કવિત્વમય દૃષ્ટિથી જ અલંકારમાં રસિકતા આવે છે. પરંતુ એ ચર્ચા પ્રસ્તુત નથી.

જયપાળે અને સમરસિંહે પણ શૂરત્વ દર્શાવ્યું, ત્યારે કતલ થઈ, અસિનો ચળકાટ થયો, ‘વરશ્યો શરવરસાદ’, પરશુથી અને ભાલાથી અંગ વીંધાયાં, ‘પડ્યા સરદારો શૂરા’, ‘સમર ભૂમિ’ તે ‘યમની જય ભૂમિ’ થઈ, દૃષદ્વતી નદીમાં ‘ચાલ્યું શોણિતપૂર.’ આખરે ‘મહા સમરનો સ્તંભ ચંદપુંદીર કપાયો’. તેથી રજપૂતોમાં ‘પસર્યો બહુ પરિતાપ’, અને મુસલમાનો તક જોઈને ધસ્યા. ‘રાજકુલ સૈનિકો’ પડવા લાગ્યા, ક્ષત્રિયોનું ‘નામ નિશાન’ પામવા લાગ્યું, તે સુણી ‘ક્ષત્રિયપતિ’ પોતે ‘ધસ્યો સ્વકુલની સાથ.’

‘લઇ સુભટ ચઢ્યો પૃથિરાય હયે કરી ત્યાં ત્વરા,
ભેટે રિપુ જ્યમ ભેટે મિત્ર, આવેશમાં આકળા.’

આ સર્ગમાંનું યુદ્ધવર્ણન વીર્યનું વિરલ ચિત્ર દૃષ્ટિ સમક્ષ મૂકે છે. શબ્દશૈલી અને વિક્રમવૃત્તાન્ત એ સર્વની તેજસ્વિતા પ્રતીતિ કરાવે છે કે વીર રસ અનુભવી ન શકનારની કાપાકાપી વિશેની ઢંગી કલ્પનાનું આ પરિણામ નથી, પણ, હૃદય સમક્ષ એ રસ ખરા સ્વરૂપમાં ઉદ્‌ભૂત કરી શકનારની આ કૃતિ છે. યુદ્ધપ્રસંગનો વ્યૂહ, અનુક્રમ, સેનાપતિઓની દૂર દૃષ્ટિ, સૈન્યોની ત્વરિત ગતિ, ટુકડીઓના સામટા હલ્લા, તેમ જ છૂટક દ્વંદ્વ યુદ્ધમાંથી અમુક પસંદ કરી તેની આપેલી વિગત : આ સર્વ કવિની યુદ્ધવૃત્તાન્ત વિશેની માહિતી તથા તેમાંથી રસિક ભાગ પારખી કાઢી તે વર્ણવવાની શક્તિ દર્શાવે છે. ભીમરાવમાં સૌંદર્યની કોમલ ભાવના સાથે વીરોત્સાહની ઉજ્જ્વલ ભાવના પણ વિદ્યમાન હતી તે વાત ખાતરી કરાવે છે કે એક એકથી દૂર જણાતી આ વૃત્તિઓ સાથે પણ હોઈ શકે છે અને બન્ને અદ્‌ભુતતાનું દર્શન આપી શકે છે. રણભૂમિમાં થતી વ્યૂહરચના (tactics) ઉપરાંત વિગ્રહ સમયે અનેક ભિન્ન ભિન્ન સ્થળોએ યોજવાના જુદા જુદા ઉપાય (strategy)નું વર્ણન આ કાવ્યમાં નથી; પરંતુ એવી અગમચેતી પૃથુરાજે વાપરી જ નહોતી તેથી તેનો પ્રસંગ નહોતો.

કાવ્યમાં પહેલા સર્ગ પછી નવમા સર્ગની પદવી છે અને ઉત્તમતાના કેટલાક અંશમાં આ સર્ગ પહેલા સર્ગની લગભગ સરખો છે.

દસમા સર્ગમાં પૃથુરાજ અંતે પોતે યુદ્ધ કરવા ચઢ્યો તેનું વર્ણન છે.

‘ચઢ્યો રણે ત્યાં પૃથુરાય જ્યારે,
સશસ્ત્ર શૌર્યે દ્યુતિમાન ભારે;
પ્રતાપથી શોભિ સમગ્ર સૃષ્ટિ,
થઈ શિરે દિવ્ય સુપુષ્પ વૃષ્ટિ.’

બીજી લીટીની દ્યુતિ પ્રશંસનીય છે. પરંતુ, ચોથી લીટીની અસંભવિત કલ્પના કવિને પોતાને વાસ્તવિક રીતે અમાન્ય હોવાથી કવિત્વની હાનિ કરે છે. આ તથા નાગાસ્ત્રની, શિવમંત્રની વગેરે અસંભવિત કલ્પનાઓ સંસ્કૃત શિષ્ટ ગ્રંથકારોની પદ્ધતિના અનુકરણ સાથે આવી ગઈ છે એમાં સંદેહ નથી.

પાણીપતના મેદાનમાં બહુ દૂર પહોંચતાં પરિણામવાળો બનાવ બનવાનો સમય પાસે આવતાં કવિની લાગણી તીવ્ર થાય છે, અને પૂર્વે ‘જે ક્ષેત્રમાં બ્રહ્મવિધાન ગાયું’ હતું તેને સુપ્રસિદ્ધ ‘બંધુવૈરે કુટિલ ક્રિયાથી’ ભારતનું વંશપરંપરાનું ‘શ્મશાન’ થયેલું કહી કવિ વિષાદનો ઉદ્‌ગાર કરે છે. ‘અંત્ય ક્ષણનું વૃથા બળ’ જણાવી ક્ષત્રિયો પડ્યા અને ‘મહાવીર પૃથુરાજ ધસ્યો તે સમયે એવો વીર છતાં પૃથુરાજ શહાબુદ્દીનથી પરાભવ પામવાનો હતો તે લક્ષમાં લઈ કવિ રૂપક કલ્પે છે કે સોળે કળાવાળો છતાં પૃથુરાજ શંશાક હતો અને શહાબુદ્દીન ‘રવિ સમો ઘોરી વિભાવધારી’ હતો. આમ પોતે હજી સુધી પૃથુરાજને આપેલું શ્રેષ્ઠત્વ ઓછું કરી કવિ સખેદ વૃત્તિથી પૃથુરાજના માનભંગનો કાળ સમીપ આવેલો સૂચવે છે, અને તેમ કરતાં પણ અલંકાર વડે રુચિરતા સાચવી રાખે છે. પ્રતાપમાં ઊતરતો છતાં ચંદ્ર આહ્‌લાદક છે અને વધારે તેજવાળો છતાં સૂર્ય ઉગ્ર છે એ દૃષ્ટિબિન્દુ આગળ કરી કવિ આ સમય વિશેની પોતાની વૃત્તિ સૂચવે છે. પરંતુ, શહાબુદ્દીન તરફ કવિની ઉદારવૃત્તિ ઓછી થઈ છે એ ગુપ્ત નથી રહેતું. યુદ્ધમાં કંઈ પણ છળ થયેલું ન છતાં કેસરિયાં કરવા નીકળેલો પૃથુરાજ શહાબુદ્દીનને કહે છે કે તે ‘ક્ષત્રી વિઘાત કપટે કરી કૂટ કીધું.’ આ વચનો પૃથુરાજની પોતાની ક્રોધવૃત્તિ દર્શાવવા મૂક્યાં છે અને કદાચ હેતુ પણ તેટલો જ હશે, પરંતુ શહાબુદ્દીનને દાનવનો પતિ કહેવામાં ઘોર કર્મ કર્યાં તેથી તે ‘ઘોરી’ કહેવાયો એ ખોટી વ્યુત્પત્તિને ઉત્તેજન આપવામાં અન્યાય અન્તર્ગૂઢ રહેલો જ છે. પૃથુરાજના અંત સંબંધમાં ચંદ બારોટનો વૃત્તાન્ત કંઈક સ્વીકારી પૃથુરાજને ગિઝની લઈ જઈ ત્યાં તેના તરફ શહાબુદ્દીને આચરેલી નિર્દય અને ત્રાસદાયક વર્તણૂક વર્ણવી શહાબુદ્દીનને માટે પુરુષ શબ્દ કહ્યા છે, તે સામે આ વાંધો નથી, કેમ કે શત્રુ તરફનું એવું આચરણ શહાબુદ્દીન સરખા વીરને છાજતું નથી. પરંતુ, એ વૃત્તાન્તને ખરો માનવાને કંઈ પુરાવો નથી. અને તેને આધારે કવિએ કલ્પનામય રચના કરી નથી તથા તે ટૂંકામાં જ કહી દીધો છે; તો તે સ્વીકારવાની શી જરૂર હતી તે સમજાતું નથી.

પરંતુ, કવિના ચિત્તમાં પ્રધાન થયેલી શોકવૃત્તિ લક્ષમાં લેતાં આ સર્વનો ખુલાસો મળે છે. ‘શરનો પુંજ’ પ્રકટાવતો અને ‘રિપુશિર’ ઉપરનો મુકુટ ઉડાવતો પૃથુરાજ ‘ધસ્યો શત્રુપર કરી જોર’, પણ આખરે પકડાયો. તે સમયે કવિને એટલી ઊંડી નિરાશા થાય છે કે

‘થયો ભરતનો અસ્ત સુરજ તે માઠા દિવસે,
હવે રહ્યા બાયલા, ક્ષત્રિ સૂરો કો ન વસે.’

એવાં સખત વચનોનો તે ઉચ્ચાર કરે છે; અને

‘પૃથુ નૃપ પડતે આ, પૃથ્વી થૈ ડોલડોલ;
જળ થળ સઘળામાં, વર્સતો શોકરોળ.’

એવી વૃત્તિ અનુભવનારને એ ઉદ્‌ગાર અસ્વાભાવિક નથી.

અગીઆરમા સર્ગે કાવ્ય પૂરું થાય છે. વીરરસ કથા પૂરી થઈ છે અને હવે માત્ર કરુણવૃત્તાન્ત જ કહેવાનો બાકી રહ્યો છે. શોકકથા માત્ર પૃથુરાજના અંત વિશે જ કહી છે. પૃથુરાજના અંતથી જે ઐતિહાસિક પરિણામ થયાં તે વિશે કંઈ પણ કહ્યા વિના કાવ્ય સમાપ્ત કર્યું છે તે નવાઈ જેવું લાગે છે. પૃથુરાજનો પોતાનો વૃત્તાન્ત જ આ કાવ્યનો વિષય છે, તેથી વધારે વિસ્તારની જરૂર નહોતી એમ કદી લાગશે, પરંતુ કાવ્યના પહેલા સર્ગમાં આખા ભારતવર્ષના ઇતિહાસને ઉદ્દિષ્ટ કર્યો છે અને તે દેશ તરફની લાગણી ખાતર આ પ્રયાસ કર્યો છે એમ સૂચવ્યું છે, તે લક્ષમાં લેતાં દેશની દુર્દશાનો જે વિષય કાવ્યને અંતે ઉત્પન્ન થયો છે તેના ખેદપૂર્ણ વૃત્તાન્ત વિશે કંઈ પણ સૂચના કરી નથી એ કંઈ વિચિત્ર તો લાગે છે જ. સંસ્કૃત મહાકાવ્યમાં નાયકના પોતાના વૃત્તાન્તને અપાતા પ્રાધાન્યના નિયમથી આ ઐતિહાસિક અંશની ઉપેક્ષા થઈ છે એમ સંભવે છે.

પૃથુરાજના નાશની ‘કારમી દુઃખવાર્તા’ સાંભળી તેની રાણી સંયુક્તા વિહ્‌વળ થઈ અસહ્ય વૈદનાથી પીડાતી ‘મુકા કંઠ’ રુદન કરવા લાગી, તે જોઈ દાસીજન તથા પુરવાસીઓ પણ રુદન કરવા લાગ્યાં,

‘સહુ રોયાં ન રહ્યાં જ રોકતે.’

તે પછી કવિ કહે છે કે એ રુદનસ્વર એટલેથી જ અટક્યો નહિ.

‘ધ્વનિ તે પસર્યો સ્થળે સ્થળે,
સુણી રોયાં વનવૃક્ષ વેલિયો;
મૃગ પંખી રહ્યાં જ સ્તબ્ધ તે,
પછી રોયાં ચિત શોક તો થયો.’

એટલું જ નહિ પણ,

‘કરીને પરદો પયોદાનો
મુખ ઢાંકી રવિ ગુપ્ત તે રહ્યો.’

ચારે દિશાએ વાદળનાં યૂથ ફરી વળ્યાં, ‘સૃષ્ટિ બહુ રોઈ વારિથી’, ગર્જના અને વીજળીનો ભારે ઉત્પાત થયો, પ્રત્યેક દિશામાં પવન ક્ષણે ક્ષણે નિઃશ્વાસ મૂકી પ્રમત્ત થઈ વહેવા લાગ્યો, ‘ઉદધી ઉલટ્યો તરંગથી.’ ‘ઉલટી સરિતા વહી બધી’, ‘નગ દાખે ઝરી ખેદ આપણો’; અને એ રીતે સર્વ પ્રકૃતિમાં શોક પ્રવર્તી રહ્યો. હવે, ખરી વાત એ છે કે વાસ્તવિક રીતે આવું કંઈ પણ બન્યું નહોતું અને પ્રકૃતિમાં કંઈ પણ શોક પ્રસર્યો નહોતો. મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન જડ પ્રકૃતિને થવું અશક્ય છે, અને મનુષ્યોના સુખદુઃખને સમયે પ્રકૃતિને કંઈ પણ સમભાવ (sympathy) થઈ શકતો નથી. ત્યારે, સત્યના આવા એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં અકવિત્વ નથી? પ્રકૃતિમાં બનતા અને દેખાતા બનાવોથી મનુષ્યોને જે વિવિધ લાગણીઓ થાય છે તેના વર્ણનમાં આ દૂષણ નથી કેમ કે વાસ્તવિક રીતે થતી લાગણીઓ તેમાં દર્શાવવામાં આવે છે. વળી, શોકગ્રસ્ત મનુષ્યને પ્રકૃતિના બનાવોમાં પોતાના દુઃખની છાપ જણાય, હર્ષપૂર્ણને સર્વત્ર ઉલ્લાસ જણાય, એ વૃત્તિમાં પણ આ દૂષણ છતાં તે ક્ષન્તવ્ય છે કારણ કે ચિત્તક્ષોભને સમયે એવી વૃત્તિ વાસ્તવિક રીતે થવાનો સંભવ છે અને તેટલો અંશ કવિત્વને અનુકૂળ છે. પ્રકૃતિના શોક અને સમભાવનું ઉપરનું વર્ણન કવિએ વિહ્‌વલ થયેલી સંયુક્તાની વાણીમાં મૂક્યું હોત તો આ રીતે તેનો બચાવ થઈ શકત. પરંતુ જ્યારે કવિ પોતે પોતાની તરફથી વર્ણવે છે કે એ બનાવો તે સમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તો આ કલ્પનાને Pathetic Fallacy (=વૃત્તિમય ભાવાભાસ) કહેવો પડશે; અર્થાત્‌ અમુક સમયે માનવ વ્યક્તિની જે અમુક વૃત્તિ હોય તે પ્રકૃતિમાં પણ દૃશ્યમાન થતી માની લેવાની ભૂલ આવા વિચારમાં રહેલી છે.

પ્રકૃતિના બનાવો અને મનુષ્યના મનની લાગણીઓનો સંબંધ કવિતામાં કરવામાં એ બનાવો તેમ જ લાગણીઓના બે પ્રકાર લક્ષમાં રાખવા યોગ્ય છે – આકસ્મિક અને શાશ્વત. ધરતીકંપ, ઘનગર્જન, પ્રચંડ વાત ઇત્યાદિ પ્રકૃતિના બનાવો આકસ્મિક છે અને તેમને મનુષ્યોના શોક, હર્ષ, ક્રોધ ઇત્યાદિ આકસ્મિક લાગણીઓના ઉદ્‌ભવ સાથે કંઈ જ સંબંધ નથી; મનુષ્યોમાં એવી લાગણીઓના પ્રસંગ થાય ત્યારે પ્રકૃતિમાં એવા બનાવો બને એ સત્યવિરુદ્ધ છે અને કવિતામાં એવી કલ્પના કરવી એ દોષ છે. પરંતુ સૌંદર્ય, ગાંભીર્ય, આનન્ત્ય, આનંદ ઇત્યાદિ ભાવનાઓ શાશ્વત છે. મનુષ્યના આત્મામાં એ ભાવનાઓ સ્વભાવથી શાશ્વત છે, તેમ જ પ્રકૃતિમાં પણ પુષ્પમાંથી સૌંદર્ય, પર્વતમાંથી ગાંભીર્ય, આકાશમાંથી આનન્ત્ય, પક્ષીના કૂજનમાંથી આનંદ, ઇત્યાદિ ભાવનાઓ પ્રાદુર્ભાવ થતી મળી આવે છે, અને મનુષ્યને એ દર્શન થાય છે તે ‘વૃત્તિમય ભાવાભાસ’થી નહિ, પણ, પ્રકૃતિ અને મનુષ્ય બન્નેના કર્તાએ એ ભાવનાઓ ઉભયમાં મૂકેલી હોવાથી અને પ્રકૃતિમાંથી થતું એ ભાવનાઓનું દર્શન મનુષ્યની ભાવનાઓને પુષ્ટ કરે એવો તેનો હેતુ હોવાથી આ પ્રકારે પ્રકૃતિના બનાવોનો મનુષ્યની ભાવનાઓ સાથે સંબંધ થાય છે. આ સંબંધ જોઈ પ્રકૃતિ સાથે ચિત્તને એકરૂપ કરવામાં અકવિત્વ નથી, પણ, વર્ડ્‌સ્વર્થ સરખાઓએ દર્શાવ્યું છે તેવું ઉચ્ચ સત્યાનુસારિ વિરલ કવિત્વ છે.*[5]

પ્રકૃતિના જે બનાવો હમેશ નિયત પ્રકારે બન્યા જાય છે તેમાં મનુષ્યોના જીવનમાં બનતી વિવિધ આકસ્મિક સ્થિતિઓ પ્રમાણે મનુષ્યોની તે તે કાળની વૃત્તિનો આરોપ કરવો એમાં પણ ઉપર જેવી જ ભૂલ છે. અસ્તકાળે સૂર્યનું બિમ્બ નિત્ય લાલ થાય છે, વાદળામાંથી નિયમ પ્રમાણે વરસાદ પડ્યો જાય છે, વૃક્ષો ઉપરથી પુષ્પો સદૈવ ખરે છે. તે છતાં, કોઈ વેળા અમુક મનુષ્યોને વિપત્તિ કે અન્યાયનો પ્રસંગ આવ્યો હોય ત્યારે તે કારણને લીધે સૂર્ય સમભાવથી લાલ થયો છે એવી કલ્પના કરવી, અથવા શોકનો પ્રસંગ હોય ત્યારે વરસાદને કે ખરતાં ફૂલને પ્રકૃતિનાં આંસુ કહેવાં અને હર્ષનો પ્રસંગ હોય ત્યારે ધન્યવાદનો ઉપહાર કહેવાં, એ આ પ્રમાણે કવિત્વહીન ભ્રાન્તિ જ છે. મનુષ્યની લાગણીઓનો સંબંધ કંઈ પણ લીધા વિના પ્રકૃતિના બનાવોને જુદે જુદે વખતે જુદી જુદી ઉપમાઓ, રૂપકો, ઉત્પ્રેક્ષાઓ વગેરે અલંકારથી જુદા જુદા પ્રકારનું કલ્પિત સામ્ય આપવું એમાં આ દોષ નથી, કારણ કે અમુક ઉપમેયને નિત્ય અમુક ઉપમાન સાથે જ સરખાવાય એવો કોઈ નિયમ નથી, અને એવો નિયમ કવિત્વની હાનિ જ કરે.

પશુપક્ષીઓની ગણના પ્રકૃતિમાં જ કરવામાં આવે છે, પરંતુ પશુપક્ષીઓમાં ચૈતન્યનો કંઈક અંશ હોવાથી તેઓ કોઈક વેળા મનુષ્યો સાથે સમભાવ થઈ શકે છે. કોઈક વાર મનુષ્યો સાથેના સહવાસથી પશુપક્ષીઓમાં મનુષ્યોની લાગણી જાણવાની શક્તિ આવેલી હોય છે, અને કોઈક વાર મનુષ્યની લાગણી પશુપક્ષીઓથી પણ સમજાય એવી સ્થિતિ હોય છે. રઘુવંશના ૧૪મા સર્ગમાં કાલિદાસે કલ્પના કરી છે કે રામે પરિત્યાગ કરેલી વનમાં એકલી પડેલી સીતાનું આક્રન્દયુક્ત રુદન સાંભળી સમદુઃખભાવથી મયૂરોએ નૃત્ય બંધ કર્યું, અને હરિણીઓએ મુખમાં લીધેલા દર્ભ છોડી દીધા, એ કલ્પનાનો કદાચ આ રીતે બચાવ થઈ શકશે કે અરણ્યમાં એ ઊંચે સ્વરે કરેલું રુદન પશુપક્ષીઓથી સમજાયું હતું. એ જ શોકવૃત્તિથી વૃક્ષોએ કુસુમોનો ત્યાગ કર્યો એ કલ્પના એ શ્લોકમાં છે તે તો ઉપર કહ્યા પ્રમાણે દોષયુક્ત જ છે.*[6]

કવિ આ પછી સંયુક્તાનો વિલાપ વર્ણવે છે, અને એ વિલાપનાં વચનો હૃદયને ખરેખરુંં કરુણાર્દ્ર કરે છે. કાલિદાસની કૃતિઓમાંના બે સુપ્રસિદ્ધ વિલાપનાં વચનોની છાયા કંઈક કંઈક દૃષ્ટિગોચર થાય છે, પરંતુ કવિની પોતાની કલ્પના પણ ઋજુ અને અસરકારક છે.

‘અબળા તજી એકલો ગયો.
વચમાં તે પણ સાંભરી નહિ;
પ્રિય નિર્દય એટલો થયો,
કદી જેણે કટુ વાણી ના કહી.’
‘કરી આ પિયુ આજ પારકી,
“તું જ મારી” બહુ તેં કહી કહી;
પતિને વશ જે કરી સકી,
તજવે તે નિરુપાય જો રહી.’

આ વચનોમાં પાત્ર તથા સમયને ઉચિત જે સાદાઈ છે તેમાં જ કંઈ રસમયતા રહેલી છે. ‘આધાર વનાની એકલી’ પડેલી, પ્રિયના પુનર્દર્શન માટે વૃથા યાચના કરતી, ‘અતિ આકુલ ચિત્ત’વાળી સંયુક્તાને લાગે છે કે

‘રવિનું તેજ પડે ઉદાસીમાં,’

તથા

‘નહિ જો રસ વસ્તુને વિષે,
ઉલટા તે ગુણ સર્વમાં થયા,
જલ વહનિ સમાન જો દીસે,
દમતી તાપ સમાન ચંદ્રિકા.’

આ કલ્પના કરુણ રસથી પૂર્ણ છે. વાસ્તવિકતાના અભાવનો દોષ એમાં નડતો નથી, કારણ કે ઉપર કહ્યું તેમ સંયુક્તાને ખરી રીતે એવી વૃત્તિ થાય એ સંભાવ્ય છે. રસિક સંભવો પસંદ કરવા એ કવિનું કર્તવ્ય છે.

રાજ્ઞીને ધૈર્ય તથા આશ્વાસન આપવાના પ્રયત્ન વ્યર્થ ગયા અને અંતે તે સતી થઈ બળી મરવાનો નિશ્ચય કરે છે. ભાલ કુંકુમથી સુશોભિત કર્યું, મૌક્તિકનો હાર પહેર્યો, મંગળ વસ્ત્ર ધારણ કર્યાં, અને

‘ધરીને પરિધાન અન્તનાં,
કરી ધૂપાર્ચિ પ્રદીપ્ત જ્યોતિમાં,
પિયળે શિર કર્ણિકારનાં,
કુસુમે તે સતી ચાલી દ્યોતમાં.’

પૃથુરાજની કથા આ બળતી ચિતામાં પૂરી થાય છે, તેની સાથે ઘણી વસ્તુઓ પૂરી થાય છે. પૃથુરાજની રાણી સંયુક્તા અગ્નિમાં નષ્ટ થઈ, તે કવિ કહે છે કે

‘જાણે ગઈ સહજ ભારતની પ્રતિષ્ઠા.’

આ લીટીએ કાવ્ય સમાપ્ત થાય છે, અને કાવ્યના અવલોકનનો પણ અહીં ઉપસંહાર કરી લઈશું. કાવ્ય રસથી પરિપૂર્ણ છે. તેમાં કલાની કેટલીક ખામી છે, વ્યાકરણના કેટલાક દોષ છે, વાક્યરચના કેટલીક ક્લિષ્ટ છે, અલંકાર કેટલાક અસ્પષ્ટ છે, કલ્પનામાં કેટલેક ઠેકાણે અસંભવ દોષ છે, શબ્દો કેટલેક ઠેકાણે રુચિને ખિન્ન કરનારા છે. પરંતુ એ દોષથી કાવ્યના ગુણ ઢંકાઈ જતા નથી. સૌંદર્ય, લાલિત્ય, લાવણ્ય, એ ભીમરાવની કૃતિનાં*[7] અપ્રતિમ લક્ષણ છે. એનાં ઉદાહરણ ઉપર અનેક આપ્યાં છે. ભારતની પ્રશંસા કરતાં કવિ કહે છે,

‘જ્યાં ગૌર જૂઈ ધરિ ભારત અંગનાનાં
સૌંદર્ય કોડ ભરિયાં સમતા વિનાનાં.’ (પરિશિષ્ટ).

કવિની આ વાણીમાં જે ‘કોડ ભરિયું સૌંદર્ય’ છે. તે ગુજરાતી સાહિત્યમાં ખરે ‘સમતા વિનાનું’ જ છે. અદ્‌ભુત રસ, વીર રસ, સમર્થ શબ્દપ્રભાવનો ચમત્કાર, મહત્તાને ઘટે તેવી ઉદારતાની ભાવના, આ સર્વ અંશ પણ તેમની કૃતિમાં ઉત્તમ અને પ્રશંસનીય છે. વીર રસ અનુભવનાર ઉમદા દિલને ઘટે તેવી દેશપ્રીતિ પણ તેમની કૃતિમાં અનેક સ્થળે દર્શન દે છે.

‘સત્ય સનાતન રાખવી રે કુલભૂમિની મરજાદ;
સહજ જતી સંભળાવી તે મોંઘી માત પિતાની લાજ રે.’

ક્ષત્રિયવીર જયપાળના મુખમાં મૂકેલી આ ઉક્તિમાં એ વૃત્તિ પૂર્ણતાથી પ્રકટ થાય છે. કાવ્યમાં જે ખૂબીઓ છે તેની પરીક્ષા કરવામાં આ દિગ્દર્શન સહાયભૂત થશે એવી આશા છે.

ભીમરાવની આ મુખ્ય કૃતિ પ્રકટ થવાને પ્રસંગે તેમની બીજી કૃતિઓ વિશે થોડુંક કહેવું ઉચિત છે. મેઘદૂતના તેમણે કરેલા ભાષાન્તર વિશે કેટલાંક વર્ષ ઉપર વિસ્તારથી ચર્ચા થઈ છે તેથી અહીં તેનું અવલોકન કરવાની જરૂર નથી. અમે ઉપર દર્શાવેલા ગુણ અને દોષ ભીમરાવની બધી કૃતિઓમાં છે તેમાંથી એકલા દોષ જ જોઈ શકનારની ગુણ પર થતી વિમુખતા શોચનીય છે એટલું જ કહેવું બસ છે.

પુસ્તકાકારમાં બહાર પડેલી તેમની બીજી કૃતિ તે “દેવલદેવી” નાટક છે. ભીમરાવ પોતે જ એ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે. તેમ ‘નહાની ઉમ્મરમાં લખાયલી પદ્ધતિના જેવી એમાં પદ્ધતિ જણાઈ’ આવે છે, અને ‘જેવું લખાયલું તેવું તે વાચકના સમક્ષ મૂકવામાં આવ્યું છે.’ ભીમરાવમાં જન્મસ્વભાવનું આલેખન કરનારું સર્વાનુભવરસિક કવિત્વ હતું નહિ, અને કેટલીક છૂટક કવિતા સિવાય આ ગ્રંથમાં બીજું કંઈ આકર્ષક નથી.

આ સિવાય તેમની બીજી કૃતિઓમાંથી કેટલીક છૂટક પ્રસિદ્ધ થયેલી છે. તેમાં “લાવણ્યમયી” અને “જયુબિલી (વિનોદની)” એ બે કાવ્ય બહુ ઉત્તમ પંક્તિનાં છે. લાવણ્યમયી દેશભક્તિથી અને દેશોત્કર્ષના ઉત્સાહથી પરિપૂર્ણ છે. એ કાવ્ય ‘સૂતા લોક’ ને ઉદ્‌બોધન રૂપ છે. કવિ સર્વને સ્મરણ કરાવે છે કે ‘અરુણ તરુણ આ ઉદય થયો’, ‘સૂર્ય ઉદય આ ભાસે’, અને

‘વિભુવર્ણન ઉપકારસ્મરણ કરિ નમન નમન દિનરાત,
જનસુખકારક ભવ-ઉદ્ધારક ઉદય ઉદય વિખ્યાત,
કાર્ય સફળ શુભ કરતો.’

એવો એ અરુણોદય છે. એ શુભ ચિહ્ન દર્શાવી કવિ ‘સંપ સજવાનો’ અને ‘મહદ્‌યશનાં મહા કર્મો’ કરવાનો ઉપદેશ કરે છે.

‘ઉદ્‌ભવ કરતો દુઃખ સંહરતો પ્રગટ્યો ધર્મસમાજ
ક્લેશકલહ લય કરતો.’

એ મહોટા બનાવ ઉપર લક્ષ ખેંચી ‘ધર્મ વધારો શુભગુણ ધારો’, ‘ધુવો દુરિત સહુ શ્યામ’, ‘નિરાશા નિંદ્ય નકામી.’

‘ઉઠો ઉઠો અજ્ઞાનનિવારણ શૌર્યબળે ભડવીર!
ભય કરિ દૂરજ ધૈર્ય ધરો તો તેથિ થવું તરિ તીર,
સુધીર સુલક્ષણ નરનું.
ડુબ્યું ડુબ્યું જન આવિ ઉગારો ધર્મ વિષે કશિ ઢીલ?
વિદ્યા સંપત વીર્ય વધારી પુરુષ સ્ત્રીઓનાં શીલ,
એ નાગરનિ વિભૂતિ’

એવો ઉદાત્ત અને ઉત્તેજક બોધ કવિ કરે છે. ઉચ્ચ ભાવનાઓથી જેવું આ કાવ્ય ઉત્કૃષ્ટ છે તેવું જ તે રાગવાહિ સંગીતથી લાવણ્યમય છે. રચના લાવણીની છે, અને ‘લાવણી એટલે જેમાં લાવણ્ય હોય તે’ (લેવલદેવી) એ વ્યુત્પત્તિ લઈ પદ્યને લાવણ્યમથી નામ આપ્યું છે. લાવણીમાં ઊતરતા દરજ્જાની કામવિષયક રચનાઓ સાધારણ રીતે થાય છે તેથી એ શબ્દ પ્રાકૃત વર્ગને જ ઉચિત ગણાતો થયો છે, એ પણ નામ બદલવાનું કારણ જણાય છે. લાવણ્યમયીની ચાલ પણ કવિની પોતાની વિશેષ છે. ગરબીમાં લાલિત્ય સાથે મૃદુતા હોય છે તેથી પ્રોત્સાહક વિષયો માટે ગરબી અનુચિત હોય છે. લાવણ્ય સાથે સશક્તતા લાવણીમાં આવી શકે છે, અને લાવણીનું આ સામર્થ્ય કવિએ બનાવેલી આ ચાલમાં પરિપૂર્ણ થયું છે એ તેના સંગીતથી જણાઈ આવે છે. છંદોમાં અને વિશેષે કરી અક્ષરમેળ છંદોમાં આ સામર્થ્ય આવી શકતું નથી. માટે, પદ્ય બંધમાં નવી પદ્ધતિઓ રચવાનો આ માર્ગ અનુકરણ કરવા યોગ્ય છે.

“જ્યુબિલી (વિનોદની)” એ કાવ્ય સને ૧૮૮૭માં આપણાં માનનીય કૈસરેહિન્દ મહારાણી વિક્ટોરિયાની જ્યુબિલીને પ્રસંગે રચેલું છે. આખા કાવ્યમાં એ પ્રતાપી ‘રાજાધિરાજ્ઞી’ ને વસંતતિલકા વૃત્તમાં સંબોધન છે, અને તેમાં કવિની ઉચ્ચ અને ગાઢ રાજભક્તિ પ્રકટ થાય છે. તે ઉપરાંત, જેણે ‘સિંહાસનાસ્પદ થઈ’ નિરંતર ‘રાજા પ્રજાનું અતિશે હિત ચિંતવ્યું’ અને

‘લીધું અમૂલ્ય પદ જોડ બિજી વિનાનું,’

તેણે આ દેશ પર કરેલા ઉપકાર માટે કૃતજ્ઞતા, તેના શાસનમાં રાજ્યનો પ્રતાપ, પ્રજાની સમૃદ્ધિ, અને સૈન્યનો વિજય, એ સર્વનું યશઃખ્યાપન; અને તેના રાજ્યને ‘સંવત્સરાર્ધશત પૂર્ણ થયો’ તે પ્રસંગે સર્વત્ર વ્યાપી રહેલા આનંદ અને ઉલ્લાસનું વર્ણન; એ વિષયોનો આ કાવ્યમાં સમાવેશ થયો છે. કાવ્યની ભાષા સુંદર તેમ જ પ્રૌઢ છે અને તેમાંના અલંકારોમાં અસાધારણ રમ્યતા છે.

‘જે ઠામ ઠામ રઝળ્યો શુભ પાત્ર કાજે,
તે કોહિનૂર તુજ વેણિ વિષે વિરાજે;
જાણું ન તે થકિ શું વેણિસમૂહ શોભ્યો,
કે તે કિરીટમણિ જે નમિ શીર્ષ થોભ્યો!’

આ કલ્પના ખરેખરી અપૂર્વ છે. અને એમાં કોહિનૂરનું તેમ જ મહારાજ્ઞીના પ્રભાવનું અપ્રતિમત્વ બહુ વિરલ પ્રકારથી પ્રકટ કર્યું છે. તે છતાં કલ્પના એવી સુઘટિત છે કે હૃદયની પ્રતીતિ તે એકદમ કરાવે છે. ગુજરાતી કાવ્યસાહિત્યમાં અદ્‌ભુત ચમત્કારવાળા જે થોડા શ્લોક છે તેની પંક્તિમાં આ શ્લોકની પદવી નિઃસંશય છે.

જે માંગલિક અવસરે ‘હર્ષોત્સવે વિલસતી ભરતાગ્રભૂમિ’ તે સમયે મહારાજ્ઞીની સ્થિતિનું,

‘આહ્‌લાદકારિણી વવડ જનમાંહિ એવી,
ખીલ્યા વસંત વચલી શશિકાન્તિ જેવી.’

આ વર્ણન અતીવ મનોહર છે. એ પ્રતાપી રાજ્ઞીએ ‘દેશોન્નતિ કરિ સુજીવનદાન આપ્યાં,’ ‘વિદ્યાતણો વિમળ જ્યોતિ દિધો વધારી’, અને ‘માતૃભક્તજનનાં ભવકષ્ટ કાપ્યાં’, એ સર્વ યશોગાન ‘પ્રેમોર્મિએ’ કરી અને નરનારીનું તેના પદમાં વંદન જણાવી કવિ તેના સૈન્યોનો વિજય વર્ણવે છેઃ

‘તેં શૌર્ય પોખ્યું અતિ ઉત્કટ વીર પ્રેર્યા,
શત્રુ વિદારિ નગતુલ્યજ કોટ ઘેર્યા;
‘સત્યોચ્ચયે બહુ પ્રકાર વિકાર મારી,
તું સત્ય આજ થઈ, જો! વિજયાકુમારી.’

આમ આખું કાવ્ય સૌંદર્ય, ચારુત્વ અને ગૌરવથી પૂર્ણ છે.

ભીમરાવનાં અપ્રસિદ્ધ કાવ્યોનો સમુદાય ઘણો મહોટો નથી, અને સર્વ રાગધ્વનિ સંગીતકાવ્યો હોઈ છૂટાં છૂટાં અને નાનાં નાનાં છે. સર્વમાં સ્થળે સ્થળે કવિની રસિકતા અને સૌંદર્યભાવનાનું દર્શન થાય છે. એ સમુદાય કોઈ દિવસ પ્રસિદ્ધ થશે એમ આશા રાખી અહીં એમાંથી એક બે ઉતારા કરવા એ જ બસ છે.

‘દીપતે કપાળ મોતિ સેરડી રે લોલ,
કંકુ ચંદ્ર શોભતો રસાળ, કાળિ ભમ્મરે રે લોલ; તાળિ દેતાં૦
ચક્ષુ ચંચળા તે ચાલિ ચિત્તથી રે લોલ,
વદન નમ્રમાંહી કુંળા ગાલ, બાલ શોભતી રે લોલ; ટેક.
***
પુષ્પ પડ્યાં ગુલાલ ઊડતે રે લોલ,
ચિત્ર વિના ચિતરી અગાસી, શીશ છે શશી રે લોલ; ટેક.’
***
સારંગી ને સતાર બોલતાં રે લોલ,
ખેલતે ખિલ્યા ગુલાબી ગાલ, દિસે ફૂલડાં રે લોલ; ટેક.
નાદ મોરલી તણા સોહામણા રે લોલ;
ઘૂઘરી પગે કરે અવાજ, સાજ વાજતાં રે લોલ; ટેક.
“પ્રેમોત્સવ”
‘સુનેરી ચંપાનાં વન કદળિ ને કેતક તણાં
શિરીષે સોહન્તાં, જુઈ પણ વળી જાસુદ ઘણાં;
લતા લ્હેંકી લ્હેંકી, ખરતિ ફુલડાં ફાલ ફરતી,
રૂપાળી બાળા શું, મધુર મુખથી શબ્દ કરતી.’
“આબુ”

આ રસજ્ઞ કવિની મનોરમ અને ઉન્નત કૃતિ વાચક સમક્ષ મૂકતાં અમારી ખાતરી છે કે અમારી પેઠે વાચક કવિએ નારદની વીણાને કહેલાં વાક્ય કહી કવિની કવિત્વપૂર્ણ વાણી પ્રતિ ઉદ્‌ગાર કરશે કે

‘ગા તું ફરી અતુલ ગાયન એક વેળા,
હે દિવ્ય વાદિનિ! તું ને અમરો વરેલા.
***
માટે તું ગા ફરિથિ એક જ વાર રૂડું.
કેવી પ્રસન્ન! તુજમાં રતિરૂપ ઊંડું.’

પરંતુ એ યાચના કરવી વ્યર્થ છે.


  1. * રા. રા. ભીમરાવ ભોળાનાથ કૃત પૃથુરાજરાસા નામે કાવ્ય અને ૧૮૯૭માં પ્રસિદ્ધ થયું તેમાં લખેલું અવતરણ.
  2. * સને ૧૮૯૮ના જુલાઈ માસના સુદર્શનના અંકમાં રા. મણિલાલે આ વિવેચનની યથાર્થતા વિશે શંકા કરી છે. તેઓ લખે છે, ‘એમ પ્રશ્ન થાય છે કે પૃથુરાજના ઇતિહાસમાં જે વાત ખરેખરી બનેલી છે, જેનાથી દેશને ખરેખરી હાનિ થવાનો માર્ગ થયો છે, તે વાતને મૂકી દેવામાં કવિત્વ હોવા કરતાં, તે વાતો કવિ પોતાની દૃષ્ટિથી, ચંદને તેમાં જે ઉલ્લાસ આવતો હતો તેને સ્થાને આ કવિને તે વૃત્તિ પ્રકટતી હોય ને વૃત્તિથી તેનું વર્ણન આવે તો તેમાં કવિત્વ વધારે હોઈ શકે કે નહિ? *** મ્લેચ્છો સાથેના યુદ્ધને વર્ણવવું અને સ્વદેશીઓ સાથેના વિગ્રહો વર્ણવવા એમાં રસ તેનો તે જ છે. રસનો વિચ્છેદ છે જ નહિ; ** રસ તથા રસાભાસનો વિભાગ તો ઔચિત્ય અનૌચિત્યને લઈને થઈ શકે છે, ત્યારે સ્વદેશીઓ સાથેના વિગ્રહમાં સકારણત્વ હોય તો અનૌચિત્ય કલ્પવાનું પણ કારણ નથી. કવિના કવિત્વનું એ કર્તવ્ય છે કે ઐતિહાસિક ઇતિવૃત્તિને મૂકી ન દેતાં તેને પોતાની પ્રતિભાનો રંગ આપી રંજક, ઉપદેશક, જેવું કરવું હોય તેવું કરી લેવું. **** બુદ્ધિથી અને લાગણીથી પ્રાપ્ત કરેલા સત્ય માત્રને જ દર્શાવવા કરતાં કાવ્યત્વમાં તે અમુક કલાનું પણ પ્રાધાન્ય છે, દર્શાવેલી વાત કરતાં દર્શાવવાની રીતિમાં પણ કાવ્યત્વનો સંભવ છે એટલે કાવ્યમાં જે આનંદ આવે છે તે કેવલ હૃદયે પ્રાપ્ત કરેલા સત્યના દર્શનનો જ આનંદ નથી, તે દર્શન કરાવવાની રીતિનો પણ આનંદ છે. એમ જ શોકાદિરૂપ સત્યનું દર્શન કરાવતા કરુણાદિક રસોનું રસત્વ આનંદપ્રદત્વ-સિદ્ધ છે, ત્યારે કવિની પોતાની સ્વદેશ પ્રેમની લાગણીને રુચે નહિ તેવા વૃત્તને મૂકી દેવાથી કાવ્યનું આનંદપ્રદત્વ વધતું નથી. સ્વદેશ પ્રેમની લાગણીને ન શોભે તેવો નાયકનો આચાર પણ ભંગ્યંતરે કરીને કવિ સ્વાનુકૂલ આનંદ ઉપજાવવામાં નિયોજે તેમાં તેના કાવ્યત્વનું સામર્થ્ય છે, “મૂકી દેવા” કરતાં અન્ય રીતે નિયોજન” એ કવિત્વનું સૂચક છે.
  3. * આ સર્વના અર્થ ગ્રંથને અન્તે આપેલી ટીકા જોયાથી સ્પષ્ટ સમજાશે.
  4. * સ્વર્ગસ્થ કવિ દલપતરામ ડાહ્યાભાઈના પુત્ર રા. નાનાલાલે પત્ર લખી આ ટીકા સંબંધે વાંધો લીધો છે. તેઓ લખે છે, “પ્રભાતની રસિકતામાં અદ્‌ભુતતા રહેલી છે તે લગ્નના ગુલાલમાં નથી તેથી રસભંગ થાય છે, આમ ત્હમારી ટીકા છે. પણ પ્રભાત કે સાંજની રાતાશમાં અદ્‌ભુતતા ઉપરાંત બીજું પણ કેટલુંક છે જે અદ્‌ભુતતાને ઢાંકી નાખે છે અને કવિઓએ જોયું છે. નર્મદાશંકર લખે છે : ‘સ્હાંઝની શોભા તે રળીઆમણી.’ પ્રદોષકાલે તેજ અને તિમિરની સંક્રાન્તિ સમયે તેજ જ્ય્હારે બલ વગર હોય છે ત્ય્હારે આકાશમાં અદ્‌ભુતતા નહીં પણ કંઈક રળીઆમણું, કંઈક શોભાવંતું આંખ્યને દેખાય છે, કવિઓ ત્હેમાં અદ્‌ભુત કરતાં રમણીય વધારે જુવે છે, મહાન તત્ત્વ કરતાં તે તત્ત્વોમાંથી ઝરતી કંઈક શોભાની અતિશયતા વિશેષ જુવે છે. તેથી જ દલપત કાવ્યમાં લખેલું છે કે
    એ ઠામ શોભા ઉપજી અતીશે.
    કવિએ અદ્‌ભુતતાની આંખ્યથી જોયું જ નથી-પ્રભાતના સોનારૂપેરી પ્રદેશમાં ત્હેમણે સૌંદર્ય જ-શોભા જ દીઠી છે, અદ્‌ભુતતા તેમાં ક્યાંય સરી ગઈ છે. તેથી ઉપમેયની અદ્‌ભુતતા ઉપમાનમાં નથી જ લીધી-અદ્‌ભુતતાનો ઉલ્લાસ તે ત્હેમનો હેતુ જ ન હતો. ત્હેમણે તો રમણીયતા શોભાની અતિશયતા જોઈ, ત્હેનો જ ઉલ્લાસ કરવો તે ત્હેમનો હેતુ હતો. તે ઉપમાનમાં તાદૃશ્ય છે. લગ્નનો આકાશ ભરતો ગુલાલ ઊડે એમાં જે રસિક શોભા રહેલી છે-પ્રતાપી ભૂપાળના મુખ્ય પ્રતાપ જેવી-ત્હેનું વર્ણન પ્રથમનાં બે ચરણોમાંની શોભાની અતિશયતાનું પોષક જ છે. તેથી કંઈ રસભંગ થતો જ નથી. રમણીયતાજનિત, શોભાના દર્શનમાંથી ઉદ્‌ભવતો આનંદભાવ-અંતરીક્ષ ભરતો, વિશ્વવિશાલ-તે પણ ભુલાયો નથી અને ‘ગુલાલ’ જે ઊડે છે તે ‘આનંદ’નો ઊડે છે. * * * * દલપતકાવ્યમાં અલંકાર વિષે અધૂરાપણું કે ભૂલ્ય હોય એમ મ્હારું માનવું નથી. મ્હારા પિતાના જેટલો અલંકારશાસ્ત્રનો અભ્યાસ તો હાલ થોડાકને જ હશે.”
  5. * વડ્‌સ્વર્થની કવિતાના આ સ્વરૂપની ચર્ચા Rev. Stopford A. Brooke કૃત Theology of the English Poets એ ગ્રંથમાં વિસ્તારથી કરેલી છે.
  6. * Pathetic Fallacy વિશે દર્શાવેલા આ વિચાર સંબંધે સુદર્શન પત્રમાં કેટલીક ચર્ચા કરવામાં આવી છે-એ વિશે વિસ્તારથી વિવેચન જુદા નિબંધમાં કર્યું છે.
  7. * તેમની આકૃતિ પણ તેવી જ લાવણ્યયુક્ત હતી. શાળામાં સહાધ્યયીઓ તેમને Lady of the Lake કહેતા. મિલ્ટનને પણ યુનિવર્સિટીમાં Lady of Christ Church College કહેતા, એ વૃત્તાન્ત સામાન્ય વિચિત્ર છે. ભવ્ય પ્રતાપ સાથે મિલ્ટનની કૃતિમાં લાવણ્ય પણ પરિપૂર્ણ હતું એની વિસ્મૃતિ થવા ન દેવાને Comus પર્યાપ્ત છે.