< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/વિભાવરીસ્વપ્ન
વિભાવરીસ્વપ્ન*[1]
આ નાનું પણ સુંદર અને ઉન્નત ભાવવાળું કાવ્ય વાંચી અમને અત્યંત આનંદ થયો છે. રા.રા. ત્રિભોવન પ્રેમશંકર ત્રવાડીની અમારી જાણવા પ્રમાણે પ્રસિદ્ધિમાં આવેલી આ પહેલી જ કૃતિ છે, પરંતુ ગંભીરતા, રસિકતા અને કલ્પના પ્રભાવમાં અનુભવની કે પરિપક્વતાની કંઈ પણ ખામી જોવામાં આવતી નથી, તેથી કવિનો આ પ્રથમ પ્રયાસ જ હોય એમ જણાતું નથી. આમ કહેવામાં તેમની બીજી કૃતિઓ સંબંધી જિજ્ઞાસા પ્રકટ કરવાનો જ હેતુ છે. કવિનો આ પ્રથમ પ્રયાસ જ હોય તો તેમની શક્તિની અધિકતર વિશેષતાનો સ્વીકાર કરવા અમે તત્પર થઈશું. વિવેચક જટિલ પણ આ બાબતમાં કંઈ માહિતી આપતા નથી; પરંતુ, એક આશ્ચર્યકારક વૃત્તાન્તની ખબર આપે છે. “આ આખો ગ્રંથ સહવાસથી માણસ કેટલું જાણી શકે તેનું બીજી રીતે દૃષ્ટાંત છે. કારણ કે એના કર્તાએ શાળાની કેળવણી તો કેવળ ગુજરાતી પાંચમા ધોરણ સુધીની લીધી છે. અને વળી અત્યાર સુધી એમને અંગ્રેજી વા સંસ્કૃત વાંચવા લખવાનું બિલકુલ જ્ઞાન નથી.” આ ખબરથી કવિની શક્તિના અનન્યાશ્રય સામર્થ્યની તુલના કરવી સુગમ થાય છે. કાવ્યશક્તિનો ઉદ્ભવ નિપુણતા સંચયમાં નથી પરંતુ લાગણીની ઉત્કટતામાં છે, એ સિદ્ધાન્તનું જ આ એક દૃષ્ટાન્ત છે. અને એ દૃષ્ટિબિન્દુથી જોતાં કવિના આ વૃત્તાન્તથી થતું આશ્ચર્ય કુતૂહલથી ચિત્તને સંશયગ્રસ્ત નથી કરતું, પરંતુ, સહૃદયપ્રતીતિને દૃઢ કરી આનંદમાં જ વૃદ્ધિ કરે છે. અલબત્ત, કવિતા કંઈ મનની કેળવણીની વિરોધિની નથી, અને જે વિચારપરાયણતા વિના કવિતા ગંભીર વિષયોને ગ્રહણ કરી શકતી નથી તેનો આ કવિમાં લેશમાત્ર અભાવ પણ નથી. તથા કાવ્યના અર્પણપત્રને “ફળપ્રદ સહવાસની પ્રણામાંજલિ” કહી સંસ્કારપ્રાપ્તિના મૂળની જે સૂચના જટિલ કરે છે તે ધ્યાનમાં લેતાં એમ જ સમજાય છે કે કવિએ અંગ્રેજી કે સંસ્કૃત પુસ્તકો મૂળમાં નથી વાંચ્યાં, પરંતુ, ભાષાન્તર, સંભાષણ અને વિવેચન દ્વારા ઉત્તમ કૃતિઓ તેમનાથી અજાણી રહી નથી, અને શાળા છોડ્યા પછી રસિક વિષયોમાં તેમનો અભ્યાસ વધ્યો છે. ભાષાની પ્રૌઢતા અને અર્થગર્ભત્વ પણ એ જ અનુમાન સૂચવે છે. વિષયાનુક્રમ સ્પષ્ટ કરવામાં ભાષા કંઈક અસમર્થ છે એમ કદી કદી આભાસ થાય છે, પણ સંશયગ્રસ્ત લાગતી લીટીઓ ફરી ફરીને વાંચીને વિચાર કરતાં તે દૂર થાય છે. વળી, ઉચ્ચગામી વિષયોની ઉક્તિમાં ગુજરાતી ભાષાની પોતાની જ અપૂર્ણતા ખરેખરી રીતે નડે છે, તેથી આ અસ્પષ્ટતાનો દોષ કવિને શિર જ મૂકવો એ યોગ્ય નથી. કવિના ચિત્તમાં જે ભાવ ઉદ્ભૂત થઈ રહ્યા હોય છે તેને પૂરેપૂરા અન્ત્ય સ્વરૂપમાં પ્રકટિત કરવાની શક્તિ તો કોઈ પણ માનુષ ભાષામાં નથી, પરંતુ આશય અને વિચારક્રમ સ્પષ્ટ કરવાની શક્તિ કવિઓમાં વ્યક્તિ પરત્વે ભિન્ન ભિન્ન પ્રમાણની હોય છે એટલું તો ના પાડવું જોઈએ નહિ. માટે આ કાવ્ય પહેલી વાર વાંચતાં અમારી પેઠે કોઈ વાચકને ક્લિષ્ટતા જણાય, તો તેને એ જ વિનંતી કરીએ છીએ કે કાવ્ય ફરી ફરીને વાંચવું કે કાવ્યનો ભાવ એવો સુગમ થશે કે પ્રથમ મુશ્કેલી જણાઈ તે આશ્ચર્યભર્યું લાગશે અને આનંદમાં જ પરિણામ થશે.
કાવ્યનો ઉદ્દેશ જે મદ કે મદના વેગ સાધારણ રીતે પ્રેમ મનાય છે તેનાથી પ્રેમનું ખરું સ્વરૂપ કેવું ભિન્ન છે તે બતાવવાનો છે. અને તે માટે એક સમયે પૂર્ણિમાની રાત્રિએ કવિને થયેલું ચંદ્રિકાદર્શન વર્ણવ્યું છે. તે દર્શનમાં કવિને પ્રેમનું સત્ય સ્વરૂપ દેખાયું હતું એવો આશય છે. જટિલ કહે છે કે ‘ચંદ્રિકા’ શબ્દને કવિ ચંદા-અર્થાત્ ચંદ્રના અર્થમાં વાપરે છે, પણ મનન કરતાં અમને તો એમ જણાય છે કે ચંદ્ર અને ચંદ્રિકામાં કવિએ ઝાઝો ફેર રાખ્યો જ નથી અને ચન્દ્રના બિમ્બની કથાથી આરંભ કર્યા છતાં આગળ જતાં જ્યોત્સનાને ચંદ્રની વ્યક્તિથી જુદો ચંદ્રપ્રકાશ ગણવાને બદલે તે ચંદ્રનું વિસ્તૃત અંગ હોય એ કલ્પનાને આધારે જ વિષયક્રમ ચાલવા દીધો છે. ચંદ્રનું ‘જાંખવું કે સુપ્રકાશવું’, ચંદ્રની ‘પ્રભા’ ઇત્યાદિ ચંદ્રની વ્યક્તિ દર્શાવનારાં પદ વાપર્યા છતાં જ્યાં ચંદ્ર પોતાની ગતિનું વર્ણન
‘અન્તર કેફ વિશે ધીમું ઝુકતું વિશ્વ સકળની ભેટ ધરે’
એવા શબ્દમાં આપે છે; ત્યાં ચંદ્રના કર કે પાદ વિશ્વનો સ્પર્શ કરે છે એમ ન કહેતાં તેનું ‘અન્તર’ એ સ્પર્શ કરે છે એમ કહેવાથી ચંદ્ર અને ચંદ્રિકાનો ભેદ જતો રહે છે, કેમ કે, ચંદ્રિકા જ વિશ્વ સકળની ભેટ ધરે છે એ વાસ્તવિક રીતે બને છે, અને ચંદ્રિકા તે ચંદ્રનું ‘અન્તર’ હોય તો પછી બેને ભિન્ન ગણવાનો અવકાશ રહ્યો નહિ. ચંદ્રિકા શબ્દનો આ ઉપયોગ શબ્દકોષ કે કલ્પનાદોષ છે એમ કહેવાનો અમારો હેતુ નથી, કેમ કે, કવિની સંકલનામાં આ અભેદ મૂળભૂત છે એમ અમને લાગે છે. માટે તે સંકલનાની સારાસારતાની પરીક્ષા કરતાં સુધી આ સંબંધમાં વિશેષ કહેવાની જરૂર નથી.
કાવ્યનો વિષયક્રમ એવો છે કે એક સમયે સાયંકાલે પવનને અને વાદળીને વ્યોમમાં નાચતાં અને ‘ઉછળી ઉછળિ બાઝિ બાઝિ ગાઢ ભેટી ચુમ્બ’તાં જોઈ કવિને ચંદ્રના દર્શનની ઇચ્છા થાય છે અને ‘સુકોમળ વ્હાલી ચંદ્રિકા શું વ્યોમમાં છુપાઈ રહી?’ એ પ્રશ્ન તે પૂછે છે. આ વાક્યથી જ કાવ્યનો આરંભ થાય છે અને જેમ જેમ અનિલ અને અભ્રબાલાનો મદનખેલ તેને દૃષ્ટિગોચર થાય છે તેમ તેમ એ જ પ્રશ્ન તે સોત્કંઠ પૂછે જાય છે. પહેલા સર્ગમાં દરેક કડીમાં આ પ્રથમ વાક્ય ધ્રુવપદ છે અને “અનિલ-અભ્ર”ની રમતના વર્ણનમાં ફરી ફરી આવતાં છતાં તે વિસંવાદી થતું નથી.
‘પુંઠળ પુંઠળ મોહ ઘેલડો અનિલ આ પળે;
વાદળી ફલંગ મારી નભ બધું ઘુમી વળે; સુકોમળ.
હસે વળી લઈ એકનાં અનેક રૂપ બાલિકા,
અનિલ થઈ અનેક એક એકની પુંઠે પડ્યા; સુકોમળ.’
વર્ણન ‘તરંગયુક્ત’ છે. જટિલ કહે છે તેમ “વિષય વરસાદ થવાનો હોય તેના અગાઉ થતો વંટોળ છે, વાદળાંનો ગોરંભો આકાશમાં ચોમેર થઈ રહ્યો, અને તેમાં એકાએક વાવાઝોડું ઉત્પન્ન થઈ તેને પળમાં વિખેરી નાંખે, અને સંબદ્ધ કરે, અને વળી સ્થિર થાય, અને વળી આવેશમાં આવે” એવી સ્થિતિ થાય છે તેથી અભ્ર પૂંઠે અનિલનું અનુસરણ સંભવિત છે. એવે સમયે પવનની “વહન દિશાનો કશો મેળ ન હોય”; પરંતુ વાદળાં માટે તો તેમ ન જ કહી શકાય. વંટોળને સમયે વાદળીઓ આકાશમાં ચારે તરફ અનિયમિત રીતે ફરે એમ બનતું નથી, તેથી વાદળી ‘ભાગિ ફરતી ફુદડી’એ કલ્પના સુંદર છતાં અસંભવદોષવાળી છે. તેમજ વિહારમાં વાદળી અનિલના ‘ઉછંગમાં’ હતી, પછી
‘ભાગી ત્યાંથી અંક ત્યાગી ઉર્વિ માતના ભણી,
બાલખેલ કરતી બાળા આભમાંથી ઉતરી.’
એ પણ વંટોળને અંતે થતા વર્ષાદનું તરંગયુક્ત ચિત્ર છે ખરું, પરંતુ વાદળી વલ્લભ સાથેના વિહારમાં દોડતી માતા પાસે જતી રહે અને ત્યાં વલ્લભ ‘બ્હાવરો બની’ તેની પૂંઠે જાય એ યથાયોગ્ય નથી લાગતું. તથાપિ આવા બે ત્રણ અંશ બાદ કરતાં ચિત્ર ખરેખરૂં મનસ્કાન્ત છે. વાદળી ‘ઉતરી ગરી પડી’ પછી
‘શાન્તિ શાન્તિ જનની રોમ રોમમાં રમી રહી,
***
શૈલના જે હૃદયમાંથી અગ્નિ છૂટતો હતો,
ત્યાંથી આજ ભેટ લીધે પ્રેમ જાય છે વહ્યો;
શૈલ શૃંગ, શૃંગ, બાગ, કુંઝ, વૃક્ષ વૃક્ષ, કંઈ
ક્ષેત્ર ક્ષેત્ર, સ્થાન સ્થાન, ઉર્વિ રંગમાં વહી.’
અનિલ પણ
‘ડોલતો દશે દિશામાં, ચાલતો લળી લળી,
***
કંઈક બાગકદળીની કુમાશમાં પ્રિયા જુવે,
એહને ઉપાડી અનિલ નિજ અંગ ધારી લેઃ
***
વિહંગના આલાપમાં પ્રિયા અવાજ માનિ લે,
એહને ઉપાડિ અનિલ અંગ અંગ ધારિ લે.’
પક્ષીઓના કૂજનમાં વાદળીના અવાજને માની લેવો અથવા ‘પુષ્પની સુવાસમાં’ તે વાદળીની ‘વાસના’ ધારવી એમાં સામ્યનો આધાર નહિ સરખો જ છે; અને ‘સર’માં ‘ભૂંગમાલિકા’થી ભરેલ ‘સરોજ’ નિહાળી ‘પ્રિયાની આંખ’ અનિલે માનવી એમાં તો ઉપમેયનો જ અભાવ છે, કેમ કે, અનિલે અસલ વાદળીમાં આંખ દીઠી જ ન હોય તો તેનું સામ્ય જોઈ ભૂલ થવાનો સંભવ જ નથી. વળી ‘બ્હાવરો બની ગયો પુરૂરવસ ઉર્વશી જતાં’ એ કવિનું વચન સ્મરણ કરાવે છે તેમ આ કલ્પના નવીન નથી. પરંતુ, સર્ગને અંતે કવિ સંભવયુત કલ્પના પર આવે છે અને ખરેખરી ચારુતાવાળું ચિત્ર આપે છે. અનિલ જ્યાં
‘શૃંગના ઉછંગમાં રમન્ત કંઈક વ્હેળિયાં.’
જુએ છે ત્યાં તો ઉતરી આવેલી વાદળી તેને ખરેખરી દેખાય છે; અને તે
‘એમ શૃંગ શૃંગ જોઈ જાય સર સરિતમાં,
થંભાવિ પાય નિર્ખતો શું વ્હેતી ગુપ્ત અંગમાં!”
અને આખરે વારિનું ચક્ર જોઈ,
‘લળી પડ્યો અનિલ બની અંધ સરિત અંકમાં.’
પ્રથમ સર્ગ અહીં પૂરો થાય છે. ‘ચંદ્રિકા વ્યોમમાં છુપાઈ રહી’ છે અને નીકળતી નથી, એ કવિની ફરિયાદ તો જારી જ છે. ચંદ્રિકાનું તે શા માટે આવાહ્ન કરે છે તે બીજા સર્ગમાં સમજાય છે. કવિને મન ચંદ્રિકા ખરેખરા ઉચ્ચ પ્રેમની “શક્તિમતી વિધાતા” છે, અને અનિલ-અભ્રનું આ મદભરેલું કામાવેશવાળું વર્તન જોઈ કવિ ચંદ્રિકાના દર્શનની ઇચ્છા કરે છે, અને પૂર્વે એક વાર રાત્રિએ થયેલા દર્શનનું વર્ણન પ્રસંગવશાત્ આપે છે. તે દર્શનમાં પ્રેમનું સ્વરૂપ કવિને સમજાયું હતું તેથી આ બીજા સર્ગનો વિષય એ પ્રથમનું ‘વિભાવરી-સ્વપ્ન’ છે. વિષયનું ગાંભીર્ય વધવાથી આ સર્ગમાં વાક્યરચના પણ વધારે ગહન થઈ છે. અને દિલગીર છીએ કે જટિલની ટીકા અર્થ અને સંબંધ સ્પષ્ટ કરવામાં ઝાઝી સહાયતા આપતી નથી. આ કવિથી ઊલટી ચિત્તસ્થિતિમાં અન્ય કવિઓએ કેવી કલ્પના કરી છે અને આ કવિની ઉક્તિને કંઈ મળતાં ગણી શકાય એવાં અન્ય કવિઓનાં કેવાં વચનો છે તે દર્શાવવા જટિલે ઘણા ઉતારા આપ્યા છે. તેથી આ કાવ્ય સામે બીજાં કાવ્ય વાંચવાનો તથા સરખામણી કરવાનો લાભ વાંચનારને મળે છે એ ખરું છે; પરંતુ, વાંચનાર ટીકાકાર પાસેથી બીજા કશાકની પણ અપેક્ષા રાખે છે. કાવ્યક્રમમાં જ્યાં પ્રસંગ બદલાય છે, સંભાષણનો આરંભ થાય છે, તથા વર્ણન પૂરું થાય છે ત્યાં વાચક કંઈ સ્પષ્ટીકરણની, અવતરણની, સારકથનની, તથા વિવેચનની આશા રાખે છે. જટિલની ટીકામાં સમગ્રાવલોકનથી કરેલો સારસંગ્રહ તથા પરીક્ષા છે ખરાં, અને તે તથા તેમણે આપેલાં દૃષ્ટાન્ત વિદ્વત્તાપૂર્ણ છે એ નિઃસંશય છે. પરંતુ, લાંબા વિભાગના આરંભમાં એ સર્વ આપી દીધેલું હોવાથી વાંચનારને વ્યગ્રતા થાય છે, અને કયા સંબંધમાં કયું વિવેચન છે તે શોધી કાઢવાના પ્રયત્નથી મૂળ કાવ્યના મનનમાં ખલેલ પહોંચે છે. જટિલનું ઘણું વિવેચન તો તેના પછીનો કાવ્યભાગ વાંચ્યા પછી જ સમજાય તેવી રીતે આપેલું છે, અને કેટલાંક ઉદાહરણની તો પ્રસ્તુતતા સમજવી કઠણ પડે છે, એ ભાઈની સાક્ષરતા તરફ માન્યવૃત્તિ છતાં, તથા આ કાવ્ય પરની એમની ટીકાની ઉપયોગિતા સ્વીકારતાં છતાં, અહીં આટલું કહેવાની ફરજ સમજીએ છીએ કે શબ્દસમુચ્ચય શ્રવણના ચમત્કાર માટે બહુ જ થોડો ઉપયોગી છે અને તે અર્થગ્રહણમાં સહાયભૂત થાય તેમાં જ તેનું મૂલ્ય છે. ‘નરસિંહરાવનું સરળ ચાપલ્ય,’ ‘મણિલાલનું ભાવાનુસારત્વ’, ‘કાન્તનું કમનીયત્વ’, ‘સૃષ્ટિસૌંદર્યની ગંભીર મીઠાશ’, એવાં પદોની ઉપપત્તિ સમજવી મુશ્કેલ પડે છે. ‘મણિલાલનું કમનીયત્વ’ અથવા ‘કાન્તનું ભાવાનુસારત્વ’ કેમ ન કહેવાય, અને એવાં વિશેષણોથી શી પૃથકતા ઉદ્દિષ્ટ છે, એ જિજ્ઞાસા અતૃપ્ત જ રહે છે.
‘ઇન્વર્ટેન્ડ કોમા’નો ઉપયોગ કાવ્યમાં થયો છે તેના કરતાં વધારે હોવાની જરૂર છે કે પ્રથમ દૃષ્ટિએ વધારે સુગમતા થાય.
ઉપર કહ્યું કે કવિ ‘ચંદ્રિકા’ને પ્રેમની અધિષ્ટાત્રી દેવતા ગણે છે. ખરેખરી રીતે જ પ્રેમનું નિધાન ચંદ્રમાં કે ચંદ્રિકામાં છે એમ કવિનું ધારવું હોય એમ માનવાનું કારણ નથી. જગતના ઉન્માદથી કંટાળેલા કવિને ચંદ્રિકામાં શાન્તિ, મધુરતા અને આનંદ પ્રસરી રહ્યાં જણાય છે માટે જ શુદ્ધ પ્રેમનો તેમાં તે આરોપ કરે છે એમ જ કહી શકાય. કોઈ ચિંતકોને ગાંડપણનું મૂળ ચંદ્રમાં જણાયું છે, અને કોઈને કામોદ્દીપનનું કારણ તેમાં જણાયું છે, તેથી તેને નિર્વિકાર પ્રેમનું સ્થાન ગણવાની કલ્પના પણ અમુક કવિના ભાવને આધારે જ સ્વીકારી શકાય. એવા ભાવના સંબંધથી સ્વતંત્ર તેની વાસ્તવિકતા હોઈ શકે નહીં. પરંતુ કવિની કલ્પિત સૃષ્ટિ માટે એવી સ્વતંત્ર વાસ્તવિકતાની આવશ્યકતા છે જ નહીં. ઉચ્ચતા, રુચિરતા અને ચમત્કારિતાના ધોરણે જ તેની પરીક્ષા થાય છે. અને સત્યનાં અમૂર્ત મૂળતત્ત્વોના દર્શનની જ કવિ પાસે માગણી થઈ શકે છે. માટે ચંદ્રિકામાં કરેલા આરોપ દ્વારા દર્શાવેલા પ્રેમસ્વરૂપની જ સારતા તપાસવી એ જ ગ્રાહ્યગ્રાહ્ય ફલના નિરૂપણમાં આવશ્યક છે.
પરંતુ, પ્રેમદર્શનમાં પરિણામ પામતી કાવ્યકથાનું પ્રથમ અવલોકન કરવું જોઈએ.
‘અનિલ સ્તમ્ભિત થઈ ગયો, ને લાગ્યો મદે રસ લૂંટવારે,
અસ્ત થયો દિનનાથ તથાપિ ધીરજ ધારે શું હવાં?
હો વ્હાલી ચંદ્રિકારે.”
એમ બીજા સર્ગનો આરંભ થાય છે. કવિને ચિંતા એ થાય છે કે જગતની દૃષ્ટિએ શું આ મદ જ પડશે, જગતને શું પ્રેમનું દર્શન નહિ થાય, ‘શું તિમિર ઓઘમાં એ વહશે?’ કવિને સ્મૃતિ થાય છે કે એક વખત મારું અન્તર ‘પ્રેમવિમાન’માં ચઢ્યું હતું. કવિ તેનું વૃત્તાન્ત આપે છે. તે ચંદ્રને કહે છે કે તારી આરંભકળા મેં જોઈ હતી, કે જે સમય
‘કોમળ વયે તું પાતળી રે;
આકૃતિ તારી ઉત્સાહી નેત્રે જોતું જગત આ લળી લળી હો૦
એટલામાં ‘ભૂમિમાં દેવી છુપાઈ ગઈ. તેના પુનર્દર્શન માટે કવિઓએ ‘કીધી સ્તુતિ અનેક વીધે, તે ‘તપસી તપતો ઉભો’ પણ,
‘દીનવદનસુ દયા ન આવી! શું ચપળતાનું શે માન રહ્યું!
દીવ્યહારિણીનું દીવ્યપણું તુજ એહ સમે કોણ ક્યાંઈ ગયું?
હો વ્હાલી.’
ચંદ્રકળાની વૃદ્ધિ થતાં
‘લાવી દયા ફરી આવી સરન્તી કંઈક ટકી લંબાવી રમા.’
પણ સ્તુતિ કરતાં અને હૃષ્ટ થતાં કવિને શુદ્ધિ આવી અને ચંદ્રકળાને ફરી ભૂમિમાં ગળતી દીઠી. આમ ‘દિને દિને’ (અર્થાત્ રાત્રે રાત્રે) એ દેવીનું વધારે ને વધારે દર્શન થતાં આખરે પૂર્ણિમા આવી. કવિ તે સમયની ચંદ્રિકાનું વર્ણન આપે છે :
‘પૂર્ણ નિહાળી કાન્તિ ત્હારી વ્યોમ સરે ડુબી તારા સખી,
જે સરનાં પ્રતિ રજકણોએ પ્રત્યક્ષ ધારીતી ત્હારી દ્યૂતિ.
***
‘કુમુદ સખીએ મલકાતે મૂખડે આનન્દ હીન્દોલે હીંચી હીંચી,
ક્ષણે ક્ષણે લ્હેરાતી બાળા અમૃતપાન એ પીતી હતી.’
આવાં ચિત્ર મનોજ્ઞ છે. પરંતુ,
‘લતા મંડપથી એહ વેળાએ ખરવા માંડ્યાં કાંઈ ફુલડાં,
વીહંગડાં કંઈ નાચ્યાં નિહાળ્યાં,’
આ વચનોનો આશય સ્પષ્ટ નથી. ચંદ્રિકામાં દીઠેલા વાસ્તવિક બનાવનું તો એ વર્ણન ન જ હોય, કેમ કે તે સમય ફૂલ ખરે અને પક્ષીઓ નાચે એમ વિશેષે બનતું નથી. કદાચ ચંદ્રિકાથી જગતમાં જે ‘મોહ’ વ્યાપી રહ્યો હતો તેથી વસ્તુઓનું સ્વરૂપ બદલાઈ કેવું લાવણ્યમય થઈ મૂલથી ભિન્ન થઈ જતું હતું તે દર્શાવવાનો હેતુ હશે, અને કવિને જે ‘સ્વપ્ન’ આવ્યું તેનો આરંભ અહીંથી થતો હશે. આટલું તો સ્પષ્ટ છે અને તે ધ્યાનમાં રાખવા લાયક છે કે ચંદ્રિકાથી પ્રકૃતિ પર થયેલી અસરનું આ વર્ણન પ્રેમપ્રભાની ખરી અસર દર્શાવે છે એમ કવિનો, આશય નથી. તે અસરનું ચિત્ર તો હવે પછી કવિ ચંદ્રિકાના ‘કૌમુદી મહેલ વિશે’ જઈ પહોંચ્યા પછી દીઠેલી સૃષ્ટિના વર્ણનમાં આવશે. પ્રકૃતિમાંનાં પક્ષીઓ, લતાઓ, નદીઓ વગેરેના હર્ષ તથા આનંદનાં આખા કાવ્યમાં અનેક ચિત્ર છે, પણ, તે ભિન્ન ભિન્ન હેતુનાં છે. પહેલા સર્ગમાં એવા ચિત્રમાં માત્ર મદના દર્શનથી પ્રકૃતિ પર થતી અસર દર્શાવી છે. બીજા સર્ગમાં મોહ, પ્રેમગાન પ્રેમની ‘અપૂર્વ રતિ’નું ‘રસલ્હાણું’, ઇત્યાદિની અસર પ્રકૃતિના પ્રાણી પદાર્થોના હર્ષના વર્ણન દ્વારા બતાવી છે. એ વર્ણનોની ભાષા એક એકથી જોઈએ તેવી જુદી રાખી શકાઈ નથી, તેથી આ દરેકના ભેદ તથા એકથી બીજાનો ઉત્કર્ષ સ્પષ્ટ રેખાઓથી જણાઈ આવતો નથી. તથાપિ કવિના સ્વપ્નના આરંભના ઉપર કહેલા મોહની પ્રેમ શાન્તિથી ભિન્નતા ઢાંકી રહી નથી.
‘ચકોર તું પદ ચૂમવારે,
‘મંડ્યો હતો, વળી પ્રેમ ઘેલો બની લાગ્યો ગગનમાં લોટવા!’
એ અહીંનું વર્ણન
‘શાન્તિ હતી તુજ અંગ વિશે; વળી શાન્તિ હતી સખીઓ સહુમાં;
વિહંગ તેઓએ પણ કોઈક દીવ્ય ગામ્ભીર્ય વિશે ડૂબતાં.’
એવા હવે પછી આવતા પ્રેમની શાન્તિના વર્ણનથી ભિન્ન છે એમાં સંશય રહેતો નથી.
આ અવસ્થામાં ‘રજની અર્ધક’ વીત્યા પછી ‘આવી સખી નીંદ મ્હાલતીરે,’ અને તેણે ‘ઉપરા ઉપરી મોહપટ નાંખ્યા.’ ‘જગત ઝંપાઈ’ ગયું. કવિ કહે છે કે હું સ્તબ્ધ થઈ જગતનો ચંદ્રિકા પર ઉમળકો જોઈ રહ્યો હતો,
‘ત્યાં મુજને સરી પ્રેમની છાય વિષે ગ્રહ્યો એવું તે શેં વીસરે?’
ચન્દ્રિકાએ એકાએક આવી પ્રેમચ્છાયામાં કવિને ઊંચકી લીધો, અને જે ‘પાયના સેવનને પણ યોગ્ય નહિ’ ‘તે કરીને પકડ્યો કરથી.’ કવિ ચમક્યો અને ચોંક્યો ‘દીલે મુજ રંકને દેવી આ લક્ષ્મી કશી?’ સર્વ દિશે પ્રસરી રહેલી ચંદ્રિકાએ ધીમે ધીમે અસર કરી. છેવટે કવિના હૃદયનું કરેલું આ પ્રબળ આકર્ષણ સમજી શકાય છે, પણ, આ પ્રેમચ્છાયામાં પ્રવેશ થયો, આ લક્ષ્મી મળી-એ કવિને શી રીતે જણાયું, પોતાનું ગ્રહણ થતાં જ આ પ્રેમ સ્વરૂપમાં ગ્રહણ થાય છે એ સંવેદના શી રીતે થઈ તે માલૂમ પડતું નથી. વખતે એમ કહેવાય કે પ્રેમચ્છાયાએ જાતે જ પોતાની ઉપલબ્ધિ કરાવી, પરંતુ તેવો આશય નથી, કેમ કે તે ઉપલબ્ધિ તો હવે પછી ‘કૌમુદી મહેલ’માં ગયા પછી અને સુધાપાન કર્યા પછી થવાની છે. હજી તો ‘અન્તરનું ઝાડ ચક્ષુ ન ઉઘડ્યું’ અને ‘ચર્મચક્ષુ’ કંઈ ‘સુકૃતિ’ને પ્રતાપે ચંદ્રની ‘ભૂમિની રમ્ય સ્થિતિ’ જ જોઈ રહ્યાં છે. પ્રેમદર્શન સમયે જે પ્રકૃતિનું ચિત્ર દેખાય છે તે હજી કવિએ દીઠું નથી. કેવા પ્રકારના અનુભવે-આ પ્રેમચ્છાયા છે, આ લક્ષ્મી છે – એવી પ્રતીતિ કવિને કરાવી તે પણ કવિથી કહી શકાતું નથી. માટે, જેનું સ્વરૂપ પાછળ દેખાયું તેનું અહીં નામ દેવામાં પછીથી થયેલા અનુભવે કવિને ભૂલ કરાવી છે એમ જણાય છે. પણ, આ નામ સિવાય કવિના હૃદયની ઉલ્લાસ વૃદ્ધિનું બાકીનું ચિત્ર યોગ્ય ક્રમમાં જ છે. ચંદ્રિકાએ કવિને ઓષ્ઠસ્પર્શ કર્યો, અને અંગુલિ નભ સામે ધરી કહ્યું ‘ઊઠ અયિ ઉતકંઠિત પ્રેમના.’ આ બધું શું થાય છે તે હજી કવિને સમજાતું નથી.
‘સુણી હું તો બેભાન બન્યો, મુજ ઇન્દ્રિય સૌ રસસ્રોત વહી.’
આ વચન અમારા ઉપરના વિવેચનનું સમર્થન કરે છે, કવિને હજી વસ્તુસ્થિતિની સ્પષ્ટ સંવેદના થઈ જ નથી. ‘જોત જોતામાં’ તેનો દેહ ‘ભૂમિ તજી’ ‘વિમાનમાં’ ગતિ કરે છે, પણ, તે કહે છે,
‘હું સમજ્યો ન અચાનક શા થકી એવી બની મુજ ચિત્ત સ્થિતિ?
કેમ સર્યાં પ્રિય ઉપવન ત્યાં થકી? કેમ સરી વિહંગ રતિ?
કેમ સરી સુરભિ મીઠી માહરી? કેમ સરી સિકતા વસતિ?
કેમ સર્યાં વિવરો ગિરિનાં જહીં ચિન્તનમાં દિનનીશ થતી?’
જગતની જે સુંદર વસ્તુઓ અને પ્રિય મૂર્તિઓ આજ સુધી સહર્ષ મનનના વિષય હતાં તે આ ઘડીએ સરી કેમ પડે છે, કવિનું વિમાન તે સર્વને તજી આગળ કેમ જાય છે તે કવિને સમજાતું નથી. એ સર્વ શું હૃદયની ઉચ્ચ સ્થિતિનાં સ્થાન નથી કે તેથી વધારે ઉન્નતિનો સંભવ હોય? પ્રેમચ્છાયા આ સર્વથી ઉચ્ચતર છે, પણ, કવિને તેની ખબર નથી તેથી તે છાયા તરફ અનાયાસે જતાં કવિને આ આશ્ચર્ય થાય છે. આ સંબંધે જટિલે આપેલું વિવેચન કંઈક ભૂલભરેલું જણાય છે. કવિના વિચારનો તે આવો ખુલાસો આપે છે : “મને સમજાતું નથી કે હું મારાં પ્રિય સ્થાનો છોડી એકાએક દેવીના ભવન તરફ પ્રયાણ કરવા તે વખતે કેમ લલચાયો? વાત આવી છે કે જે સ્થાન અને જે વસ્તુ આવા પ્રાણી કવિને પ્રિય હતાં તે સર્વ અંદરખાનેથી કવિને તેની દેવીના ચિંતનમાં સાધનરૂપ હતાં. સાધ્યદેવ મળતાં સાધન વસ્તુ એકાએક વિસ્મૃતિમાં ગરી પડી, એ જ સાધન વસ્તુની ખરી કિમ્મત તેની શક્તિની એક વાર ખરી પરીક્ષા થતાં કવિના હૃદયમાં ઊતરી છે અને ‘હું સમજ્યો ન’ વગેરે બોલ નીકળે છે તે એનું પરિણામ છે.” અમારા સમજવા પ્રમાણે એ એનું પરિણામ નથી. જટિલના કહેવા પ્રમાણે ‘પ્રિય ઉપવન’, ‘સુરભિ મીઠી માહરી’ વગેરે તે વખત ‘કેમ સર્યાં’ તે માટે કવિ પશ્ચાત્તાપ દર્શાવે છે. પરંતુ વાસ્તવિક રીતે તો એવા પશ્ચાત્તાપ સરખું કંઈ છે જ નહિ. જગતનાં સ્નેહબંધન ખરા સ્નેહ માટે ત્યાજ્ય છે એ કાવ્યનો આશય છે. આગળ જતાં પ્રેમસ્વરૂપનું કવિને દર્શન થયા પછી ચંદ્રિકા કવિની પરીક્ષા જોવા ‘ઉદાસી’ બનેલી ‘કોઈ સુભાગી સુંદરી’ની ‘ભૂજલતા’ ઠારવા જવાનું તેને કહે છે તે આજ્ઞા કવિને અરુચિકર થઈ પડે છે, વા ‘મદખેલ’ને તે પ્રેમરતિથી ભિન્ન જાણે છે. તેથી, જગતનાં ‘પ્રિય સ્થાનો’ મૂકી આગળ જવામાં ભૂલ થઈ એવી ધારણા સંભવતી જ નથી. ‘લલચાયો’ એ શબ્દનો અવકાશ જ નથી; કેમકે હજી સુધી તો કવિનું અનિચ્છાપૂર્વક આકર્ષણ જ થયું છે. વળી, ‘દેવી’ અને ‘પ્રિય સ્થાનો’ વચ્ચે સાધ્ય સાધનનો સંબંધ કવિએ કલ્પ્યો પણ નથી. એ સહુને ‘તરછોડી’ છૂટવાનો જ બોધ દેવી તો કરે છે. તેમજ ‘સાધન વસ્તુની ખરી કિમ્મત’ કવિના હૃદયમાં ઊતરી એમ પણ કવિનું કહેવું નથી. એ વસ્તુઓની તો કિમ્મત જ નથી એમ કવિને આખરે દેવી ઉપદેશ કરે છે. ટૂંકામાં, એ પ્રસ્તુત કથા સમાપ્ત થયા પછી હાલ કાવ્યમાં તેનું ફરી કથન કરતાં એ સ્થાનો તે વખતે સર્વ કેમ સર્યાં (= કેમ વીસર્યાં) એવો વિસ્મય થતાં ઉપર ઉતારેલી લીટીઓ કવિએ લખી એમ સ્થિતિ છે જ નહિ; પણ, વૃત્તાન્ત બન્યો તે સમયે જ આ સર્વ કેમ સરી જાય છે (= મુજ સમીપથી જતાં રહે છે) એવો તત્કાલ ઉત્પન્ન થયેલો વિસ્મય દર્શાવવા ઉપરની લીટીઓ કથા ચાલુ રહેતાં લખી છે એમ અમે ધારીએ છીએ. ભૂલ થવાનું એક કારણ એ સંભવે છે કે કવિ ‘સરવું’ એ ધાતુ બે અર્થમાં વાપરે છે : સૃ = સરવું; ૧ = સરી જવું, નીકળી પડવું; ૨ = સરી આવવું, નીકળી આવવું. પણ ઉપરની લીટીઓમાં જટિલ વળી એક ત્રીજો અર્થ ઉદ્દિષ્ટ ધારે છે : વિ + સ્મૃ = વીસરવું; પણ તે માટે કશો આધાર નથી.
ઉપરના અર્થ નિરૂપણમાં કેટલોક આગળ આવવાનો ભાગ વર્ણવવો પડ્યો છે, પણ તેમ કર્યા વિના સ્પષ્ટીકરણ થાય તેમ નહોતું. હવે કાવ્યકથા જારી કરીએ.
ચંદ્રિકાને ભવન પહોંચ્યા ત્યાં સખીઓએ પ્રણામ કર્યા, તે દેવીએ પોતાનો રૌપ્ય સુકંઠ નમાવી સ્વીકાર્યા. કવિને ‘કૌમુદી મહેલ’માં ‘દ્યુતિ કાન્ત શિલા પર સ્થિતિ આપી. ‘દ્યુતિ કાન્ત શિલા’નો અર્થ સ્પષ્ટ નથી પણ ‘ચન્દ્રકાન્તમણિ’ ઉદ્દિષ્ટ જણાય છે. એ મણિ પૃથ્વી પર હોય એ કલ્પના સુપ્રસિદ્ધ છે અને સમજાય તેવી છે. પણ ચંદ્રમાં કે જ્યાં અમૃતનો નિધિ છે ત્યાં ચંદ્રનાં કિરણોના સ્પર્શથી અમૃત ઝરનાર પાષાણની કલ્પનાને અવકાશ નથી, કેમ કે એ કલ્પના એવા ઝરણના અભાવે તેની ઇચ્છાથી જ ઉત્પન્ન થયેલી છે. પણ આવી છૂટ કવિને હોય તેમાં ઝાઝો વાંધો નથી. તે પછી
‘લાવી સુધા ભરી પ્યાલું સખી તુજ, તેનો કરી પ્રતિકાર પ્રિયે;
વારિદના મદનાસવથી મચવ્યો કંઈ ઉત્સવ તે દિન તેં.’
અહીંથી કવિએ કરેલા પ્રેમ સુધાપાનની કથાનો આરંભ થાય છે. એ સુધા પીધા પછી આજના વારિદના મદનાસવ કરતાં કંઈ વિશેષ ઉત્સવ થયો હતો, કંઈ વિલક્ષણ આનંદ થયો હતો, તે દિવસ તે મહેલમાં આજ જેવો ઉન્માદ વ્યાપી રહ્યો નહોતો, પણ, ચિત્તમાં અત્યંત સ્વસ્થતા અને શાંતિ હતી. એ સુધાનું સર્વેએ પાન કર્યું અને કવિને ‘પણ શેષ પ્રસાદી ધરી.’ કૌમુદી મહેલના વનનાં (પૃથિવીના વનનાં નહિ) સહુ ‘પશુપક્ષી’ એ પ્રસાદીથી ‘સદ્ભાગી બન્યા.’ પછી તે પ્રેમવને ‘ગાયનની વડીધૂનિ મચી’ રહી જગતમાં જે ગાયન કવિએ સુણ્યું હતું તેના સ્વર કાનની વેણું’માં હજી હતા, ત્યાં તે પર આ ગાયનના સ્વર અથડાવા લાગ્યા. આ પછી કવિ પ્રેમગાનથી પોતાના પર તથા વિહંગકુલ પર થયેલી અસરનું ચિત્ર આપે છે તે ખરેખરું અદ્ભુત તથા મનોહર છે. પોતા માટે તે કહે છે,
‘ઠામ હતું મુજ અન્તર તે પળ, ચક્ષુ સમાજ નિહાળી રહી;
નિહાળી નિહાળી એમ વિશેષ નવાઈ વિશેજ વિશેષ વહી.
ભ્રૂના છેડા ફરક્યા નવ કોઈ; ન અધર લાલ રમી સુરકી;
ફરક્યા નવ કોઈ પણ ઓષ્ટ વસી હતી જ્યાં વર બિમ્બ દ્યૂતિ;
રોમ વિશે નિરખ્યો ન વિકાર; નિહાળ્યું ન કો મુખ સ્વેદબિન્દુ;
ના સ્વરભંગ અનુભવિઓ લવ, ક્યાંઈ ન ભાસ્યો રતિ વેપથુ.’
આનંદને સમયે ચિત્ત વિકારાધીન થઈ ન જતાં સ્વસ્થ સ્વાધીન રહી શક્યું. ‘મોહપટ નાંખ્યા’, ‘હું ચમક્યો અને ચોંક્યો,’ ‘બેભાન બન્યો’, ‘હું સમજ્યો ન’, ઇત્યાદિક સંશયાકુલ સ્થિતિઓ જે હજી લગી અનુભવી હતી તેવો હર્ષ આ નહોતો, પણ આ શાન્તિનો આનંદ હતો કે જે સમે કવિનું અન્તર ‘ઠામ હતું’, વિકૃતિરહિત શાન્ત હતું. એ શાન્તિની સ્થિતિ ખરા પ્રેમની જ સહચારી છે એમ કવિને પ્રતીતિ થાય છે. આ અપૂર્વ સ્થિતિ ગ્રહણ કરવામાં અને વર્ણવવામાં કવિ શક્તિની વિશેષતા ખરેખરી પ્રકટિત થઈ છે. કવિ કહે છે,
‘આસવની મદપૂર્ણ ધૂનિ, સંગીત તણો ઉનમાદ ક્યહાં?
ક્યાં સ્મરને નવ લેખતી શાન્તિ! પડ્યું ચિતડું મુજ કૌતુકમાં.’
ચિત્તને કૌતુક થાય એવી જ આ સ્થિતિ હતી. આગળ જતાં કવિ કહે છે કે કૌતુક એ હતું કે અલૌકિક આનંદ છતાં વિકૃતિ નહિ, ચિત્ત વિવશ નહિ પણ શાન્ત અને સ્વસ્થ! આ સ્થિતિની ઉત્તમતા સમજવા એકાદ ઉદાહરણ લઈએ. કાવ્યના પ્રથમ સર્ગમાં જટિલે બીજા સંબંધમાં ‘ઉત્તરરામચરિત’માંની રામની સીતા તરફની નીચેની ઉક્તિ હૃદયને ઝુકાવનાર “કેફ”ના દૃષ્ટાન્ત માટે આપી છે :
‘વિનિશ્ચેતું શક્યો ન સુખમિતિ વા દુઃખામતિ વા
પ્રબોધી નિદ્રા વા કિમુ વિષવિસર્પઃ કિમુ મદઃ |
તવ સ્પર્શે સ્પર્શે મમ હિ પરિમૂઢેન્દ્રિયગણો
વિકાર શ્ચૈતન્યં ભ્રમયતિ ચ સમ્મીલયતિ ચ ||’
‘ઉંઘું કે જાગું છું, ઝીલું હું સુખમાં કે દુઃખ ડૂબું?
ગયો છું ઘેરાઈ મદથી વિષથી? ના કળી શકું;
તવ સ્પર્શે સ્પર્શે જડ મુજ બધી ઇંદ્રિય થતી,
ભમાવે વિકાર પ્રફુલ કરી દે ચેતન વળી.’
આ તો ખરેખરો ‘કેફ’ જ છે, હૃદય તેથી ‘ઝુકી રહે’ એટલું જ. એ સ્થિતિમાં હૃદયને શાન્તિ નથી, સ્વસ્થતા નથી, નિશ્ચય નથી, પરમ આનંદ નથી. ભવભૂતિએ હૃદયના આનન્દની આ ઉચ્ચતમ સ્થિતિ કલ્પી હોય તો તે કવિની કલ્પનાશક્તિ એટલી અપૂર્ણ જ સમજવી પડશે. ઉચ્ચતમ આનન્દના સમયની પ્રતીતિ માટે ઉદાહરણ તો અન્ય સ્થળે જ ખોળવાં પડશે. મિલ્ટન એક ઉદાહરણ આપે છે. ‘કોમસ’માં ‘લેડી’નું ગાયન સાંભળી ‘કોમસ’ કહે છે,
“I have of + heard
My mother Circe with the Sirens three.’
****
“Who as they sunk would take the prisoned soul
“And lap it in Elysium;
****
“Yet they in pleasing slumber lulled the sense,
“And in sweet madness robbed it of itself;
“But such a sacred and home-felt delight,
“Such sober certainty of waking bliss
“I never heard till now.”
“મેં મારી માતા સર્સને ત્રણ સાઇરેન સાથે ઘણી વાર (ગાતી) સાંભળી છે. ગાતાં હોય ત્યારે તેઓ આત્માને વશ કરી કબજે કરતાં અને તેને સ્વર્ગમાં સુવાડતાં. પણ તેઓ રુચિકર નિદ્રામાં જ્ઞાનેન્દ્રિયને શિથિલ કરતાં, અને મધુર ઉન્માદ પમાડી તેની સ્વાધીનતા લઈ લેતાં. પરંતુ, આવો પુણ્ય અને અન્તર્ગામી આનંદ, જાગ્રત અવસ્થાના સુખાતિશયની આવી સ્થિર મતિવાળી સનિશ્ચયતા તો આજ લગી મેં સાંભળી નહોતી.” મિલ્ટનના મનોબળનો મહાપ્રભાવ અહીં જણાઈ આવે છે. આનંદાનુભવમાં કઈ સ્થિતિ ઉચ્ચતમ છે તે તેની કલ્પના સમક્ષ અજ્ઞાત રહ્યું નથી. પરવશ સ્થિતિમાંનો મોહ અને સ્વસ્થ અવસ્થામાંનો આનંદ-એ બે વચ્ચેનો ફેર આપણા કવિને પણ આ કાવ્યમાં કંઈ ગોચર થયેલો લાગે છે. પ્રેમમાં કામાવેશ વિકારો વડે શાન્તિભંગ ન કરાવી શકે એટલે સુધી જ આ કવિની કલ્પના ગઈ છે. અને આનન્દાનુભવમાં નિશ્ચયપૂર્વક પ્રતીતિ થાય, ભવભૂતિ વર્ણવે છે તેવો સંશય લેશમાત્ર ન રહે, ઉપર મિલ્ટન વર્ણવે છે તેવી sober certainty of waking bliss (જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત થતી સુખાતિશયની સ્થિર મતિવાળી સનિશ્ચયતા) લાગે એ તેણે કહ્યું નથી. પરંતુ છે તેટલી પણ કવિની કલ્પના ઉચ્ચગામી અને સૌંદર્યદર્શી છે, અને શાંતિનું તેણે આપેલું વર્ણન ખરેખરું હૃદયંગમ છે.
ચંદ્રિકાના સકળ અંગમાં શાન્તિ હતી તે વિશેની કડી ઉપર બીજા સંબંધમાં ઉતારી છે. ત્યાંનાં પક્ષીઓ પણ પ્રેમગાનથી એ જ સ્થિતિમાં આવ્યાં હતાં.
‘સારસ જોડું હતું ઉતકંઠ શકે વીણી લેતું જ સૂર મીઠા;
પણ મદતણા લવલેશ વિકાર તહીં નયને ન લગીર દીઠા.
મોરલા નૃત્ય ધીમું કરતા નયને સ્વરપાન શકે ગૃહતા;
પણ ગાન થકી સરી એ નયનો પ્રિય નેન શું મુગ્ધ જરા ન થતાં.’
આ ચિત્ર અદ્ભુત જ છે. માત્ર એક કલ્પના નડે છે. આગળ જતાં કવિ કહે છે તેમ સત્ય પ્રેમ પ્રાપ્ત કરવા માટે ચંદ્રિકા પૃથ્વીને તજી અન્ય સ્થળે જઈ વસી રહી હોય તો ત્યાં સારસ, મોરલા અને ‘વારિદના મદનાસવનું ભૂખ્યું ચાતક’ ક્યાંથી આવ્યાં? પ્રેમની શાન્તિ દર્શાવવા તેમની જરૂર તો છે જ, અને પ્રેમદર્શન માટે “જોડા”ની આવશ્યકતા છે એમ જ ફલિત થાય છે. પણ, આ પાછલા અંશ વિશે કાવ્યનું પ્રેમસ્વરૂપ તપાસતાં વિચાર કરીશું. આ પક્ષીઓ પૃથ્વી પરનાં જ હોય અને ત્યાં સુધી કૌમુદી મહેલનું ગાયન પહોંચ્યું હોય એવી કલ્પના હોવાના સંભવ કરતાં પૃથ્વીના સરખાં પણ અન્ય ઇચ્છાવાળાં ત્યાંનાં આ પક્ષી છે એ કલ્પના હોવાના સંભવને વધારે આધાર છે. ગમે તેમ હોય પણ, આટલું તો કહેવું જ જોઈએ કે સર્વ પ્રકારના હર્ષ અને ઉત્સવનાં ચિત્રમાં ભાષા અને વર્ણન એવાં સરખાં છે કે ભેદ પારખતાં પ્રયત્ન કરવો પડે છે.
તે પછી કવિ સાથે ‘સ્કન્ધ પરસ્પર હસ્ત ધરી’ ચંદ્રિકા ‘આનન્દ પર્વત’ પર કવિ સાથે એકલી ફરી. કવિને કૌતુક અને આનન્દ ઊભરાતા હતા. ચૂપ ન રહેવાથી કવિએ આ સ્થિતિની વિશેષતાનું કારણ પૂછ્યું. કવિએ કહ્યું,
‘ના તુજ, ના સખીનાં તુજ ના વળી પક્ષીતણાં વનનાં અહિઆં,
ના મુજ પામર માનવનું પણ ચિત્ત, વિવશ ઉપચારથી આ.
એ સદ્ભાગ્ય શું આ ભૂમિનું! કે શું એ તવ સંગ વિશેજ વસે?
કે ફળ પૂર્વે સુકર્મનું એ? નવ જ્યાં બળ મન્મથનુંય ચસે?’ અને ‘સાધ્ય કશા સદયત્નથી આ?’ આવા ‘અનન્ત’ પ્રશ્ન કવિએ ‘ઉત્કંઠ બની’ પૂછ્યા. એવામાં ચંદ્રિકા ગિરિ પરથી ઊતરી અને કવિને પણ ‘સાથ લીધો’ તે વખતે ‘કુદરત માંહે’ જે ‘અપૂર્વ રતિ’ કવિએ ‘નીરખી’ તેનું તે વર્ણન આપે છે. વર્ણન રમ્ય છે પણ ઉપર તરત આવી ગયેલા વર્ણનથી આ વર્ણનમાં શો ભેદ છે તે સ્પષ્ટ સમજાતું નથી. જટિલ કહે છે કે કવિને “પોતાની દેવીની સંપ્રાપ્તિથી એમની સૃષ્ટિ આનંદમય, ઉદાર પ્રેમમય સર્વ રીતે સાનુકૂળ થઈ પડી છે.” આવા આનંદમાં આવ્યાથી જ વર્ણન આપવાની કવિને ઇચ્છા થઈ છે એ ખરું છે. પણ, ગિરિ પરથી ઊતરવા માંડ્યા પહેલાં વસ્તુસ્થિતિ કંઈ જુદી નહોતી. એ પર્વત ચંદ્રિકાના ભવનના પ્રદેશમાં જ હતો તેથી ઊતરતાં ત્યાં જ પાછું હોવું જોઈએ. પરંતુ, એ ઝીણવટ મૂકી દેતાં આટલું તો જણાય છે કે ચંદ્રિકાના કૌમુદી મહેલમાં પ્રેમગાન સાંભળ્યા પછી જે વર્ણન કવિએ આપ્યું હતું તે તે પ્રદેશમાં તે ગાયનથી થયેલી અસરનું હતું, અને હવે કવિ વર્ણન આપે છે તે ગિરિ પરથી ઊતરતાં નીચે પૃથ્વી પર સાધારણ ચંદ્રિકાથી (પૂર્વોક્ત પ્રેમગાનથી નહિ, કેમ કે કુદરતમાં બધે એ પ્રેમગાન પ્રસરી રહે છે એમ કહેવાનો હેતુ નથી) જે અસર થયેલી જણાતી હતી તેનું વર્ણન છે. ચંદ્રિકાના એવા પ્રસારનું પણ કવિએ પ્રથમ વર્ણન આપ્યું છે, તેમાં અને આમાં ફેર આટલો છે કે ચંદ્રિકાનું પ્રેમગાન સાંભળ્યા પછી આ ચિત્ર કવિ આપે છે અને તેનું દર્શન ઘણે ઊંચેથી થયેલું કલ્પ્યું છે. ચંદ્રિકા ફેલાઈ રહેતાં જે સૌંદર્ય સ્થળે સ્થળે વ્યાપી રહે છે તેમાં કંઈ ફેરફાર થયો નથી, પણ, વીતેલા વૃત્તાન્તથી કવિની દૃષ્ટિમાં ફેર થયો છે; અને પહેલાં જ્યાં ‘મોહ’ દેખાતો હતો ત્યાં હવે ‘ઉદારતા’ દેખાય છે તેનો આ જ ખુલાસો જણાય છે. અલબત્ત, આવા ખુલાસાથી એ મોહ અને એ ઉદારતા બન્નેની વાસ્તવિકતા શિથિલ થઈ જાય છે, અને બન્ને ભાવહીન પ્રકૃતિ પર કવિએ અમુક ચિત્તસ્થિતિમાં કરેલા આરોપ માત્ર છે એવું અનુમાન ઉદ્ભવે છે, પણ તેનો ઉપાય નથી. કૌમુદી મહેલમાં પ્રેમની અસર રૂપે શાન્તિ અને અવિવશતા જ જોવામાં આવ્યાં, અને ઉદારતા ત્યાં ન જણાતાં અહીં દૂર પૃથ્વી પર જણાય છે એ કંઈ વિચિત્ર લાગે છે ખરુંં. પણ કવિનો આશય એમ જ સમજવો જોઈએ કે પ્રેમની અસરનું આ બધું આખું ચિત્ર છે : – પ્રથમ વિભાગમાં કૌમુદી મહેલના નિવાસીઓ પ્રેમગાનમાં કેવા બની રહ્યા તેનું ચિત્ર છે; આ બીજા વિભાગમાં પ્રેમગાન શ્રુતિ દ્વારા શરીરમાં પ્રવિષ્ટ થયા પછી કવિની દૃષ્ટિમાં પૃથ્વી કેવી જણાઈ તેનું ચિત્ર છે. આ સર્વ મુશ્કેલી તથા વિરોધ સમાવવા વખતે એમ કહી શકાય કે આ સમયે ચંદ્રિકા ‘પૃથ્વીગમે’ ‘પૂર્ણ રસે’ ‘નિરખી રહી’ ‘હતી’, તેથી સાધારણ ચંદ્રિકામાં ને આ સ્થિતિમાં ફેર હતો, અને પૃથ્વી પર આવેલો આ ‘પૂર્ણ રસ’ પ્રેમનો પ્રવાહ હતો અને પ્રેમની અસર પૃથ્વી પર પણ ખરેખરી થયેલી હતી, અને તેથી ત્યાં ઉદારતા વ્યાપી હતી. આમ કંઈક સંભવે ખરુંં, પરંતુ, પૃથ્વી પર રોજ નહિ અને આજે જ ‘પૂર્ણ રસ’ ફેલાવવાનું ચંદ્રિકાને કંઈ કારણ નહોતું; કૌમુદી મહેલમાં રોજ તેમ, ભલે થતું હોય. પણ રોજ કંઈ આવી ઉદારતા પૃથ્વીમાં જણાતી નહોતી. તેથી આ ‘પૂર્ણ રસ’ તે પણ માત્ર કવિની પ્રેમભર દૃષ્ટિને એના એ હમેશના બનાવમાં જણાતી નવી ‘ખૂબી’ એમ માનવું પડશે. વિષમતા ગમે તેવી હોય, પણ, ગિરિ પરથી સરતાં દીઠેલો દેખાવ રમ્ય છે એમાં સંશય નથી. ‘ગંગા અને બ્રહ્મપુત્રા’ની ‘બાહુલતા મોતીમાળ સમી’ ‘હિમગિરિના કંઠ પરે’ જણાય છે, અને ત્યાંથી ‘છૂટી બાહુલતા ઉદધિ ગમ શી ધસતી?’
‘તે ગિરિ ને તે ઉદધિ ઉરે તુજ રૂપ સમું મીઠું હાસ્ય હતું;
એજ મીઠાશતણું રસ લ્હાણું હતું અનિલે રસથી મચવ્યું.’
ચંદ્રિકાની એ ઉદારતા આ સ્થળોમાં જ નહોતી. પણ, ‘વન વને વર ધારી છટા’ ‘ગાઝી ઉઠી હતી’ સર્વ સુગાન મચાવી રહ્યાં હતાં, અને તે ગાન અનિલ દ્વારા પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈ.
‘ઇન્દ્રિયનો સહુ થાક ઉતારી અન્તર અમૃતથી ત્રપતું.’
ચંદ્રિકાના ‘સુધાદૃગપાત સમું’ ઔદાર્ય સ્થળે સ્થળ છાયું હતું. ઔદાર્ય અને પ્રેમ સબદ્ધ છે તથા નિદ્રા અને ક્ષિતિજના દેખાવમાં પણ એ બે વૃત્તિઓ સાથે રહેલી કવિને જણાય છે. રસપૂર્ણ અલંકારથી કવિ કહે છે,
‘નીંદ ભૂલિ હતી ના એ પળે દીન દીનની શાન્તિદા પત્ની થવું.’
‘દિશા નમી નમી ચોગમથી હતી ચાંપતી સ્નેહથી ભૂ અંગને.’
સર્વત્ર જે હર્ષ ફેલાઈ રહ્યો હતો તેનું કારણ પણ કવિને એ જ જણાય છે કે પ્રકૃતિમાં સર્વ પોતાના ‘સદયત્ન’ ના ‘ફળ’થી અન્યનું સુખ સાધતાં હતાં, અને તેમ કર્યાથી ‘મન કોણનું ના આનંદ ઝીલે?’ ઔદાર્યથી વ્યાપ્ત થઈ બીજાને સુખી કરીને જ એ સર્વ આનંદ પામતાં હતાં, અને કવિને તે આનંદની કિમ્મત સમજાતી હતી. આ દેખાવમાં કવિને કંઈ ન્યૂનતા જણાતી જ નથી. ચંદ્રિકાથી વ્યતિરિક્ત કોઈ સ્થાનમાં કંઈ વધારે સારું છે કે કંઈ વધારે સારું શોધવા જવું પડે એમ છે એમ કવિનું ધારવું જ નથી; તેને ઔદાર્યની, કદરની પિછાન છે. તે કહે છે કે જે શાન્તિ, જે ગાન, જે સ્નેહ અને જે આનંદ સર્વ સ્થળે રમી રહ્યાં હતાં તેમાં
‘એવું મધુર પવિત્ર હતું કંઈ જાવું પડે ન છૂપી વસતિમાં.’
આ ‘ઉદાર પરસ્પર સંગતભાવ’ ના ‘મહિમા’ નું ‘મૂળ જાણવા’ કવિએ દેવી ભણી દૃષ્ટિ કરી. બીજા પ્રશ્નો તો કવિએ પૂછેલા હતા જ. પણ, હાલ તરત ઉત્તર દેવાનો વિચાર નહોતો. પ્રેમ વિશેની કવિની જિજ્ઞાસા કેટલા આગ્રહવાળી છે, પ્રેમ ખાતર જગતના મદનો ત્યાગ કરવા કવિમાં કેટલી તત્પરતા છે, એ પરીક્ષા હજી દેવીને કરવી છે. તે કવિને કહે છે કે તું અહીં મારી પાસે શું કામ રહ્યો છે? આ કુદરતમાં તું પ્રભુ હોય એમ તને નથી લાગતું, તારું સુખ વધારવાની અને તારો પ્રભાવ પ્રકટિત કરવાની જ કુદરતમાં સામગ્રી થઈ રહી છે એમ તું નથી ધારતો? આકાશ એ તારે શિરછત્ર છે, દિવ્ય ગંગા તારું ચામર છે, ચકોર તારી નેકી પુકારે છે,
‘ખુલ્લા ધરી ભંડાર સકળ નીજ લક્ષ્મીતણા ગિરિરાજ ઉભા;
જ્યાં તવ નેત્રને શાન્તિ થવા વડી સિન્ધુ ધરે જલયંત્ર છટા.
પુષ્પતણાં સદગન્ધિતણો કંઈ અર્ધ્ય ધરે છ વનાનિલ આ;
આ સ્તુતિગાન મચાવી રહ્યો ઉદધિ બજવી નીજ કરતલિકા.’
આવું સ્વત્વનું બેહદ ઉત્તેજન આપનારું, પ્રકૃતિ માત્ર મનુષ્ય માટે જ હોય એવું અભિમાન કરાવનારું ચિત્ર કલ્પી દેવી કવિને જગતના મદ તરફ લલચાવવાનો પ્રયત્ન કરે છે. વાટિકાઓ ‘ગાલવિશે’ ‘પુષ્પતણું વરહાસ્ય છૂપાવતી’ ઊભી છે, અને ‘કુંઝ અને ગિરિની’ ગુહાઓ ‘તુજસું કંઈ આંખ મીંચાવી રહી’ છે, એમ પ્રકૃતિમાં કેલિનો આરોપ કરી તે કવિના પોતાના જ અનુભવ ઉદ્દીપિત કરવા પ્રયત્ન કરે છે.
‘કોઈ સુભાગી હશે સુંદરી આ વાર ઉદાસી બની તું વિના,
જા પ્રિય જા (વદી ચુંબતી હાસ્યથી) ઠાર તું એહની ભૂજલતા.’
ચંદ્રિકા કવિને આવો ઉપદેશ કરી પોતાને વિશે કહે છે કે
‘આ અમ ગાત્ર વિહાર વિલાસની આપી શકે નહિ કોઈ મઝા;
અન્તરનો રસ એક અમે શકીએ અરપી રસ વૈભવમાં.’
વૃક્ષની શાખાઓમાં જે આલિંગન જણાય છે, અને નદીઓમાં જે વિરહોત્કંઠા જણાય છે તે તરફ કવિનું ધ્યાન દેવી ખેંચે છે. આવાં ચિત્ર દર્શાવી કવિને રસભોગ સારુ જવાનો દેવી ઉપદેશ કરતી જાય છે અને એ સુખ પોતાની આપી શકાય એમ નથી એમ કહેતી જાય છે. દેવી કહે છે કે તું વિરહોત્કંઠિતા પાસે જઈશ એમાં અમને ઈર્ષ્યા નહિ થાય, અમારાં નેત્ર ‘સુપ્રેમની જ્યોતિ’થી ‘ઉદાર’ છે, અમે તો સર્વના સુખથી સુખી છીએ, અન્યની વેદના અમારા અન્તરથી ખમાતી નથી. ‘અટારી અગાસી’માં નિદ્રાવશ થયેલાં ‘દમ્પતીની સુસ્થિતિ’ દર્શાવી દેવી કહે છે,
‘જા પ્રિય જા, નિરખે શું? અમો દીલથી નવ એ સુખમાંહે રતિ;
આ અમ ઉચ્ચ વિહારી નયન લઘુ દેહસું બાંધ્યું રહે ન રતિ.’
અમારી દૃષ્ટિ તો વિશાળ જગતમાં સદા ‘ગતિમાન’ છે, તે જાતે કદી ગુહામાં છુપાતી નથી અને કોઈ વસ્તુ તેનાથી છૂપી રહેતી નથી. ‘પૂર્ણ પરાર્થ’ સરતો હોય તો જ અમારો દેહ દીપ્તિ ધારણ કરે છે,
‘જાંખવું કે સુપ્રકાશવું અન્તર સ્વાર્થ તપાસી કદી ન ધરે.’
અમારે પરમાર્થમાં જ સ્વાર્થ છે અને સ્વધર્મપ્રચારમાં જ હંમેશ રસ છે. માનવોની પેઠે અમને વિરામ કે વિશ્રાન્તિની ઇચ્છા થતી નથી.
‘સૂતું રહે જગ તે સમયે અમ કાર્ય પ્રવાહ બલીષ્ટ વહે.
અન્તરનો રસ કાર્ય વિશે કંઈ એવી મધુરતા ઊર ભરે,
કે અમ જીવિત સર્વ સદા ઉત્સાહ વિશે તરતું વિચરે.”
પ્રેમમાં જે સ્વાર્થાભાવ, પરાર્થસાધન અને કર્તવ્યપરાયણતા અંશભૂત છે તેનું કવિ રુચિર ચિત્ર આપે છે. કવિ જેને ‘મદ’ કહે છે તે પ્રેમમાં બિલકુલ છે જ નહિ એ પણ રસયુક્ત રીતે દર્શાવ્યું છે. આમ પ્રેમની ઉત્તમતા બતાવતાં છતાં, મનુષ્યને તો વિલાસમાં જ સુખ છે અને તેને તેમાં જ તત્પર કરાવનારાં ઘણાં મોહમય આકર્ષણ છે એ પણ ‘મદ’ પર અરુચિ ન થાય તેવી રીતે વર્ણવ્યું છે. પ્રેમ અને મદના સંબંધની પણ કંઈ સૂચના કરી છે. ચંદ્રિકા કહે છે કે જે
‘મધુરો રસ શાન્તિથી આ અમ રોમ વિશે મધુરો પ્રસરે’
*
‘એ જ મધુર કણે તમે દેહ બની ઉન્મત્ત કો શર્ણ ચહે.’
માટે તે કવિને કહે છે કે જા ગમે તેવા રૂપમાં પણ રસબિન્દુ ઝીપી લે. ‘અન્તર મર્મને ભેદી જતાં’ આ વચનો સાંભળી કવિનાં ‘નયનો થકી’ ‘આંસુ ખર્યાં.’ તેણે દેવીને પૂછ્યું કે મારે શિર શું પામરતા જ લખી છે? અને તારી પ્રભા ગાઢ તરુને ભેદી શકે તે આ પામરતાના પ્રભાવને ન ખાળી શકે? તું શું મને તરછોડીશ? મને શું તારું ‘હાસ્ય રસીલું, મૃદુમિષ્ટ સ્પર્ષ, અને દૃગપાત સુધામય’ નહિં આપે? તારી સંગતિ પામ્યા પછી શું હું ભોગમાંથી રસબિન્દુ લઉં? તારા ‘હાસ્ય પ્રતાપથી’ કુદરતમાં બધાં તારા અંશ પ્રાપ્ત કરે ને ‘હું જ અભાગી?’ ‘મદ ખેલ વિના’ મારે બીજી ગતિ જ નહિ? ‘નીચું નિહાળી’ કવિએ પોતાના હૃદયને કહ્યું, બસ હવે તું દૈન્યમાં જ સુખ માન.
‘જાતિ, અને સ્વીય દેશ, અને જન જાત સુધારવે વ્યર્થ વૃત્તિ.
છોડે તેને તવ દેવી, વળાવ હવે સહુ આશા સ્વધામ પળે,
તું ન બને પરશુધર, રામ, દધીચિ; ન ત્યાં તુજ લેશ વળે.’
સાધારણ મનુષ્યને પરમાર્થ પ્રેમની આશા નથી તો, તે પોતાને કહે છે,
‘ભોગવ, જો શક ભોગવી વૈભવ; ના નહીં? જા તું રસાતલમાં.’
ઉદાર પ્રેમભાવ પ્રાપ્ત કરવામાં નિરાશ થઈ કવિએ આ વચનો કહ્યાં તેથી દેવીને દયા આવી, તે પ્રસન્ન થઈ, અને ‘આછા પયોદ સમા મૃદુ અંચલથી’ કવિનાં અશ્રુ લોહી તેણે કવિને વસ્તુસ્થિતિ સમજાવી. કવિને તેણે આશ્વાસન આપ્યું કે તે તારે નિરાશ થવાનું કારણ નથી. મનુષ્યો પામર જ રહેશે અને તેમને પ્રેમસ્વરૂપ નહિ જ સમજાય એમ નથી. પરંતુ, જગતમાં ‘મદમોહરતિ’ વધી પડી છે. મનુષ્યો એમાં પ્રેમનું ગાન ધરે છે, પણ એ સ્થિતિ ટકી શકતી નથી. સૂર્ય મેઘની રસવૃદ્ધિ કરી ‘ધનુખંડ ઘડી ચમકી ચમકાવી’ તે ‘ઠગ’ને તજી દે છે, અને મેઘ વ્યોમમાં ચઢી સૂર્ય સાથે લડી આખરે ધૂલિદળમાં ભળે છે. (તે પ્રમાણે મદ પ્રેમ પાસેથી ‘મધુર કણ’ મેળવી આખરે તેનાથી વિરોધી થઈ પ્રેમને ત્યાજ્ય થાય છે, એવો આ અલંકૃત ઉક્તિનો આશય જણાય છે). આ સ્થળે કેટલીક કડીઓનો અર્થ બહુ સ્પષ્ટ નથી, પણ પ્રેમનો વિકૃત આભાસ દર્શાવવાનો હેતુ જણાય છે. બધે ‘પ્રેમપ્રપંચ’ ‘વિલસે’ છે માટે દેવી કવિને શિખામણ આપે છે કે,
‘જો તું ચહે સદબાન્ધવતા જગશું, પ્રિય પ્રેમની જે દુહિતા,
તોડ પ્રપંચ વિમુક્ત થવા, જ્યમ વીજછટા ઘનઘોર ઘટા.’
કાવ્યના અંત સુધીમાં પ્રેમપ્રાપ્તિના ઉપાયમાં દેવી માત્ર પ્રપંચથી મુક્ત થવાનું જ બતાવે છે. એવા પ્રેમબાધક અંશથી વિમુક્ત થયા પછી કયા પ્રેમસાધક અંશ મેળવવાનો પ્રયાસ કરવો તે દેવી કહેતી નથી, અથવા પ્રેમમય થવા માટે કેવા આચરણ, અભ્યાસ, કે મનનની જરૂર છે તે પણ કહેતી નથી. તેમ, પ્રપંચી વિમુખતા સિવાય બીજાનું પ્રેમનું સ્વરૂપ શું છે તે પણ કહેતી નથી. શાન્તિ, આનન્દ, વિકારહીનતા, ઉદારતા, પરમાર્થ, કર્તવ્યપરાયણતા, ઇત્યાદિ પ્રેમસ્વરૂપના અંશ ઉપર દેવીએ દર્શાવ્યા છે અને કહ્યા છે તેથી હવે તો ઉપાય દર્શાવવાનો રહ્યો છે, માટે પ્રેમસ્વરૂપની વ્યાખ્યા કરવાની જરૂર રહી નથી એમ આશય છે ખરો. પરંતુ, એ ઉક્ત અંશોથી પણ પ્રેમસ્વરૂપ પૂરેપૂરું નિર્દિષ્ટ થઈ રહેતું નથી. એ સર્વ અંશ કયા બળથી સંબદ્ધ અને ગ્રથિત થઈ રહ્યા છે, એવી કઈ વાસના છે કે જેના પૂર્ણ પરિણામમાં આ સર્વ અંશ વિકાસ પામી રહે છે અને જે ‘મદ મોહરતિ’થી વિકાસ પામતાં અટકે છે, શાથી પ્રેમની ભાવના એક અસ્તિત્વને બીજા અસ્તિત્વો તરફ ખેંચી સંબંધમાં દૃઢ કરાવે છે, પ્રેમનો ઉદ્ભવ શા કારણોથી થાય છે; એ સર્વ પ્રેમસ્વરૂપ જાણવા માટે જરૂરનું નિરૂપણ આપવામાં આવ્યું નથી. આ પ્રકારનું કાવ્ય તે પ્રેમસ્વરૂપ વિશેના ગદ્ય નિબંધ સરખું વિવેચનપૂર્ણ હોવું જોઈએ એમ અમે કહેતા નથી. પણ, જ્યારેે જગતમાં જે પ્રેમ મનાય છે તે પ્રેમ નથી અને પ્રેમ કંઈ ઇતર વસ્તુ છે, એમ પ્રતીતિ કરાવવા ચંદ્રિકા કવિને પોતાના કૌમુદી મહેલ સુધી લઈ જાય છે, ત્યારે તે પ્રેમયંત્રની ઘટનામાં કંઈ ઊંડી નજર કવિને દેવી પમાડે એમ આશા રાખતાં વિષયની હદ બહાર જવાતું નથી. શા માટે પૃથ્વીમાં પ્રેમનો વાસ નથી ને ચંદ્રમાં છે, શા માટે પ્રેમવાસના સફળ કરવા સારુ ચંદ્રિકા દેવી પૃથ્વી તજી દૂર જઈ રહી, એમ કર્યાથી શા કારણથી શું ફળ થયું, તે જ સ્પષ્ટ નથી. પણ કાવ્યક્રમમાં અહીં લગી હજી આપણે આવ્યા નથી.
દેવી કવિને કહે છે કે મેં તને સાધારણ મનુષ્ય સરખો ગણ્યો માટે માફ કરજે. તારું ઉર ઉચ્ચગામી છે, અને તેની ‘વર માર્ગ’માં ‘ગતિ’ એમ મારું અલ્પ મત છે. પણ, તારે આ સ્થિતિ તજી દેવી જોઈએ. અહીં ‘મોહ વધારતી ને મન ચોરતી’ લલનાઓ છે, અતૃપ્તિ ઉત્પન્ન કરનાર ધન છે, સ્નેહ તથા દયા હરનાર સ્વાર્થ છે. માટે,
‘ઓ રસીલા, રસલોલુપ, થા મદમોહ મધુથી વિમુક્ત ઉડી;
સાન્ધ્ય સિંહાસન એ તજી રત્નનું સૂર્ય રસાતલ જાય બુડી.
દેવી કહે છે કે હું પણ આ માર્ગે જ પ્રેમપરાયણ થઈ છું. હું પણ એક વાર પૃથ્વી સાથે જોડાયેલી હતી, અને પછી અન્તે ‘તોડી પટો સહુ મોહતણાં ઉડી’. હું પૃથ્વી સાથે જોડાયેલી હતી તે સમયે ‘મોહ ભરી સહુ સૃષ્ટિ હતી’, પદ્મદળમાં શરીર ધારણ કરી બ્રહ્મા કૌતુકથી નિરીક્ષણ કરી રહ્યા હતા, ‘તે જળ સૃષ્ટિ’માં લોલ તરંગ રમી રહ્યા હતા, નાગ સજોડ તરતા હતા, પોતાના પ્રતિબિંબ પાસે આવી સ્વર્ગરમાઓ પણ પાણી ભરતી હતી, રસસાગરને તળિયે એવાં રત્ન હતાં કે ‘ધનુખંડલતા’ પણ ‘સરસાઈ’ ન કરી શકે; એ વિશાળ ક્ષેત્રમાં ‘ઋદ્ધિ અને રસરૂપ’ ભર્યાં હતાં, ‘લક્ષ્મી અને લક્ષ્મીપતિનું રતિધામ’ ત્યાં હતું. ‘સાગરના વનની ખૂબી રમ્ય મનોહર’ હતી. પૃથ્વીની સૃષ્ટિના આરંભની પૌરાણિક કલ્પનામાં રમ્યતા મૂકી આ ચિત્ર રચ્યું છે, અને તે સમયના સૌંદર્ય વર્ણન રસિકતાથી કલ્પ્યું છે. પરંતુ, એ સમયે પૃથ્વી સાથે ચંદ્ર જડેલો હતો એ કલ્પના સકલ જલમય સૃષ્ટિની કલ્પનાથી વિરુદ્ધ જણાય છે. વળી, એ જલસૃષ્ટિમાં ‘મોહરતિ’ વ્યાપી રહી હતી એમ શા પરથી કહેવું, ચંદ્રમાં હાલ પ્રેમ છે અને આદ્ય સૃષ્ટિમાં પ્રેમ ન હોતાં મોહ હતો એમ શાથી બન્યું, તે જણાતું નથી. કવિને ચંદ્રિકાને પ્રેમનિધાન બનાવવી છે માટે પૃથ્વીને પ્રેમથી વિરુદ્ધ કલ્પી સૃષ્ટિના આરંભમાં ચંદ્ર પાસે પૃથ્વીનો ત્યાગ કરાવી પ્રેમસ્વરૂપની કવિ રચના કરે એમાં કંઈ વાંધા ભરેલું નથી, અને કવિને તેવી છૂટનો અધિકાર છે. પણ, પૃથક્તા શી છે અને તે સમયની પૃથ્વીમાં પ્રેમ વિરુદ્ધ જનારા મોહના શા અંશ હતા તે સ્પષ્ટ થવાની અપેક્ષા રહે છે જ. વળી, એ જલસૃષ્ટિ સમયે બીજા કશાની ઉત્પત્તિ નહોતી થઈ તેથી ‘લક્ષ્મી લતાની અને ચમકાર સુવર્ણનો’ એ કલ્પનાનો અવકાશ કેમ થયો તે સમજવું મુશ્કેલ પડે છે, તો ‘હાસ્ય પ્રીતિપ્રદનું’ અને ‘ભાવ સ્મરાતુર ચિત્તતણા’ ક્યાં થયા અને કોને થયા એ તો સમજાય જ નહિ. તે સમયે મનુષ્યો નહોતા અને સ્ત્રીઓ નહોતી તો હાસ્ય કરનારાં અને સ્મરાતુર ચિત્તવાળાં થનારાં કોણ હશે? ચૈતન્યવાળામાં તો તે સમયે વિષ્ણુ, લક્ષ્મી અને બ્રહ્મા સિવાય બીજું કોઈ નહોતું. એ વિષ્ણુ અને લક્ષ્મીને ઉદ્દેશમાં લેતાં આ કલ્પનાનો સંભવ હોઈ શકે છે; પણ તેમને ‘મોહરતિ’ અને ‘સ્મરાતુર ભાવ’ હતા, પ્રેમ નહોતો, અને તેમની અસરથી દૂર રહેવા ચંદ્રિકા તેમના નિવાસને તજી ગઈ – એમ કવિનો આશય છે કે કેમ તે સમજાતું નથી. હોય તો તો કલ્પના સુઘટિત છે. પરંતુ, મદમાં રતિ માનનાર મનુષ્યજાતિથી પૂર્ણ પૃથ્વી તો તે સમયે નહોતી જ, અને તેથી, ચંદ્રને ભવિષ્યજ્ઞાન ન હોય તો પૃથ્વીનો ત્યાગ કરવાનું તેને બહુ ઓછું કારણ હતું. જલસૃષ્ટિ સમયની જે બીજી સ્થિતિઓનું ચિત્ર છે તે તો મદને અથવા પ્રેમને અનુકૂળ પણ નથી, તેમ પ્રતિકૂળ પણ નથી. તે સમયે ‘કર્ષણ કોટિક ગોળનું’ હશે, પણ, પ્રેમમાં કર્ષણનો અભાવ શા માટે હોવો જોઈએ? કોઈ માટે આકર્ષણ વિનાના પ્રેમમાં ઉદારતા કે પરમાર્થ પણ ક્યાંથી વસી શકશે? જ્યાં કશા તરફ આકર્ષણ નથી ત્યાં નોખા પડી જઈ બેદરકાર થઈ પ્રેમહીન થઈ જવાની જ વૃત્તિ હોય. તે સમયે ‘નેહનું માધુર્ય કાવ્ય વિશે વસિયું’ એ કલ્પના પણ દુર્ઘટ છે; તે સમયે કાવ્ય રચનાર કવિ નહોતા એ સમજાવવાની ઉપરના વિવેચન પછી જરૂર નથી. તે સમયે ‘સત્તા હતી પ્રિય શાસનસી, હતું જ સૌખ્ય સમાગમ શાન્તિ જ શું,’ એ કલ્પના જો લક્ષ્મી અને વિષ્ણુના સંબંધમાં હોય તો તો સુંદર છે, નહિ તો અર્થહીન છે. પોતે પૃથ્વી સાથે જડાઈ રહી હતી તે સમયનું વર્ણન કરી ચંદ્રિકા દેવી કહે છે.
‘તે તરછોડી છુટી સહુ જાળથી આમ વિમુક્ત વિદેહ વસી,
તોજ અરે પ્રિય તોજ શકી સંતોષી કંઈ નીજ પ્રેમ રતિ.’
ચંદ્રિકામાં સ્વભાવથી જ પ્રેમરતિ હતી, તે રતિ પૃથ્વીમાં નહોતી અને તે રતિને સંતુષ્ટ કરવા ચંદ્રિકા ઉત્સુક હતી – એટલી રચના ઊભી કરવાની કવિને છૂટ આપી શકશે; પણ, એ પ્રશ્ન તો થશે જ કે દેવી કવિને કહે છે કે ‘લે મુજ પ્રેમની આ પ્રતીતિ’ તો શું પ્રેમના ઉદ્ભવ માટે ‘જાળ તરછોડવી’ એટલું જ બસ છે? પ્રેમસ્વરૂપ સમજવા માટે અને તેમાં પરાયણ થવા માટે મદ અને પ્રપંચથી વિમુક્ત થવું એટલું જ જરૂરનું છે? મદ અને પ્રપંચ શું માત્ર આવરણ છે કે તે દૂર થયે પ્રેમસ્વરૂપ જાતે જ પ્રકટ થઈ સિદ્ધ થઈ રહેશે? વખતે આશય એમ જ હશે, પણ તે વિશે સ્પષ્ટતા નથી. વળી, એ ‘જાળ છૂટી’ ગયા પછી બીજું કયું બન્ધન પ્રેમી અને પ્રેમપાત્રને પરસ્પર ભણી દોરી લઈ જઈ સંમિલન કરાવશે તે જણાતું નથી; કેમ કે બાહ્ય કે આન્તર કોઈ હેતુ જે પદાર્થોને વ્યતિષક્ત કરે છે તે પ્રેમ છે એ તો નિર્વિવાદ છે, તો પદાર્થોને વ્યતિષક્ત કરનારું બળ પ્રેમમાં હોવું જોઈએ. પ્રેમના ઉદ્ભવ માટે એક કરતાં વધારે વ્યક્તિના અસ્તિત્વની જરૂર છે. સામી અસ્તિત્વવાળી મૂર્તિ વિના અસ્તિત્વહીન કલ્પના ખાતર પ્રેમ ઉદ્ભવી શકતો નથી. વસ્તુમાત્રનો અભેદ હોય તો તો અનેકતા વિના પ્રેમી અને પ્રેમપાત્ર વિના પ્રેમનું અસ્તિત્વ શબ્દ માત્રમાં જ આવી રહે છે, પ્રેમને અવકાશ રહેતો જ નથી. પરથી ભિન્ન સ્વત્વ હોયા વિના સ્વત્વનો ત્યાગ થઈ શકતો નથી, પરાર્થ સંભવી શકતો નથી. સ્વ અને પરને મૂળ ખરેખરાં જુદાં ન માનીએ તો પછી પર ખાતર સ્વનો કે સ્વાર્થનો ત્યાગ કરવાનું કહેવું એ તો ઢોંગ છે. તેથી મદ પ્રપંચના અભાવ ઉપરાંત દૂરસ્થ પ્રાણીઓને સંબદ્ધ કરનાર સ્નેહબળ હોય ત્યારે જ પ્રેમનો ઉદ્ભવ થઈ શકે છે તે જ કારણથી પ્રેમ માટે સહુનો જ ત્યાગ કરવો, સહુને જ તરછોડવાં એ ઉપાય તો મૂલચ્છેદ કરનારો છે. પ્રેમમાં વિરોધ કરનાર ભાવોનો અને વસ્તુઓનો જ ત્યાગ ઇષ્ટ છે. પરંતુ, પ્રેમ માટે આખી પૃથ્વીનો ત્યાગ કરવાની શી જરૂર છે? જ્યારે ચંદ્રિકા પણ ‘વિશ્વ સકળની ભેટ ધરે’ છે ત્યારે એ પ્રેમાચરણ દૂર રહ્યા રહ્યા ઉદાસીન થઈને જ શા માટે કરવું જોઈએ? સર્વને ત્યાજ્ય ગણી સર્વથી દૂર જતા રહેવું એ શું પ્રેમનો આરંભ છે? અને સર્વનો ત્યાગ કર્યા પછી પ્રેમ કોના પર કરવો? ‘ન ખલુ બહિરુપાધીન્પ્રીતયઃ સંશ્રયન્તે’ (ખરે, બહારની ઉપાધિ પર પ્રીતિનો આધાર નથી) એ ભવભૂતિનું વાક્ય કદાચ આ પ્રશ્નના ઉત્તરમાં આપવામાં આવશે, અને ઘણી વાર પ્રેમસ્વરૂપનાં નિરૂપણોમાં એ વચનનો ઉપયોગ થતો જોવામાં આવે છે. પણ, અમે ધારીએ છીએ કે એ વચનનો ઉપયોગ કરનારા કાં તો ખોટો અર્થ કરે છે અથવા તો ખોટું સૂત્ર પસંદ કરે છે. સૌંદર્ય બાહ્ય હેતુ કહેવાતો હોય તો તે પર, અને અન્તરાત્માના ઉત્કર્ષ સાથે સંબંધ વિનાના બીજા બાહ્ય હેતુઓ પર પ્રીતિનો આધાર નથી, એવા હેતુ વિના અન્તવૃત્તિને આધારે પ્રીતિ ઉદ્ભવી શકે છે અને ટકી શકે છે, એ સત્ય છે. પરંતુ, સામું પ્રેમનું ભાજન હોયા વિના એક જ મનુષ્ય જાતે પ્રેમી બને એ તર્ક તો હાસ્યાસ્પદ જ છે. એકજ છેડાવાળી સાંકળ કદી સાંભળી નથી. તેમજ સૌંદર્ય પ્રેમનું કારણ કદી પણ હોય જ નહિ એ વિચાર પણ ખોટો છે. સૌંદર્ય, શુદ્ધતા અને પ્રેમ એ પરસ્પર સંબદ્ધ છે. સુંદર પુષ્પ જોઈ કે સુંદર ગાયન સાંભળી જેની સ્નેહવૃત્તિ આકૃષ્ટ ન થાય તે પ્રેમમાં અસમર્થ છે એમ જ માનવું પડશે.
ચંદ્ર અને ચંદ્રિકાનો કવિએ અભેદ કલપ્યો છે એમ જણાય છે તે વિશે અમે પ્રથમ કહ્યું હતું, તે માટે પણ અહીં એટલું જ કહીશું કે જો એમ હોય તો તો પછી પ્રેમ કરનાર વ્યક્તિ અને તેનો આવિર્ભૂત પ્રેમ એ બેમાં ભેદ જ ન રહ્યો. પણ એ સ્થિતિ તો અશક્ય છે. પ્રેમ કરનાર કંઈ જાતે પીગળીને પ્રેમ બનતો નથી. તેના અમુક ઇચ્છાપૂર્વક ભાવને જ પ્રેમ કહી શકાય છે. ઇચ્છા કરનાર પુરુષ વિના પ્રેમને અવકાશ જ નથી, પ્રેમ તેવા કોઈથી સ્વતંત્ર નથી. પ્રેમી, પ્રેમભાવ અને પ્રેમ એ ત્રણે અભિન્ન થઈ શકતાં જ નથી.
વળી, ચંદ્રને ‘વિદેહે’ અવસ્થા એવું કાંઈ છે જ નહિ; પરંતુ, મનુષ્યનો પ્રેમ વિદેહ અવસ્થામાં એટલે પરલોકમાં ઉત્કૃષ્ટ અને ઉચ્ચતમ દશાએ પહોંચે છે એ ખરુંં છે, અને તેથી એ સત્ય ગ્રહણ કરવામાં કંઈ બાધ નથી. પરંતુ આ લોકમાં પ્રેમપ્રાપ્તિ માટે વિદેહ થવાનો ઉપદેશ શા કામનો છે! એ ઉપદેશનો અર્થ તો એવો જ થાય કે મનુષ્યની જિંદગાનીમાં પ્રેમ થઈ શકતો જ નથી, જીવતાં છતાં પ્રેમની આશા વ્યર્થ છે. એમ હોય તો પ્રેમ માટે વિદેહ થવાનો જ મનુષ્યને વિચાર કરવો પડશે, અને એવા આત્મઘાતક પ્રયત્નમાં મનુષ્ય તત્પર થાય તો પછી કર્તવ્ય પરાયણતા, પરાર્થ, કે ઉદારતાના આચરણનો અવકાશ કે કાલ જ ક્યાં રહ્યો? ચંદ્રિકા પોતે આ સર્વ આચરણોમાં કાલ કાઢે છે એમ તે પોતે જ કહી ગઈ છે તે ખરું છે, પણ પ્રેમપ્રાપ્તિના સાધન તરીકે જે ઉપાય, આરંભ અને વૃત્તિ તે દર્શાવે છે તેથી તો આમાંનું કશું ફળ ન મળે અને પ્રેમથી વિમુખતા થાય, એમ કહેવાનો અમારો હેતુ છે.
ચંદ્રિકા કવિને આટલું કહીને લુપ્ત થઈ ગઈ. કવિને માલૂમ પડ્યું કે હું ભૂમિ પર છું. એ કેમ થયું તે ન સમજાયું અને
‘હર્ષ પ્રફુલ્લ, ન ભાન રહ્યું, મજ શીર્ષ નમ્યું ઉપકાર ભર્યું,’
કવિ આ સર્વ સ્મરણ કરી હવે પુનર્દર્શનની પ્રાર્થના કરે છે. તેનાં નયન આકાશમાં ‘ચોંકી ચ્હડ્યાં વધુ વેગથી’ પણ ‘હાર્યાં ન ઝાંખી શક્યાં રસીલાં,’ અને અન્તે ‘થાક્યાં’ ‘રસ કુંડ ભર્યા’ હોય એવી અનેક છબીઓ ત્યાં ખડી થઈ. ભિન્ન ભિન્ન ચેષ્ટા અને ભિન્ન ભિન્ન ભાવ રમવા અને ઊછળવા લાગ્યા. કવિને ચિન્તા થાય છે કે આમ ‘ઉનમાદ વધી’ જશે તો શાન્તિ કેમ થશે? પણ એક વિશ્વાસસ્થાન છે. એ પૂર્વે દીઠેલી પ્રતિમાઓનો તો લોપ થયો છે, તોપણ ચંદ્રિકાની કાન્તિ સમુદ્ર ઉરે દેખાય છે, તેનું પ્રફુલ્લ મુખ કુમુદમાં દેખાય છે, તેનો નેનપ્રતાપ ગિરિશિખરે દેખાય છે(?), તેનું મૃદુ હાસ્ય સરિતાની લહરીમાં દેખાય છે. આ રીતે પ્રેમમૂર્તિ ચંદ્રિકાની છાયા પ્રકૃતિમાંથી સમૂળગી ભૂસાઈ ગઈ નથી. પણ સ્થળે સ્થળે તે પ્રેમસ્વરૂપની સહેજ સહેજ આભા જણાય છે, અને એથી જ કવિને ‘હર્ષ પ્રકાશતો’ રહ્યો છે.
આ રીતે કાવ્ય સમાપ્ત થાય છે. અમે કહ્યું જ છે કે કાવ્યનો કેટલોક ભાગ અસ્પષ્ટ છે. તેથી, જે વિચારો વિરુદ્ધ અમે વિવેચન કર્યું છે તે કવિના હોય જ નહિ અને અર્થ સમજવામાં અમારી ભૂલ હોય તો, અમે ક્ષમા માગીએ છીએ. પણ, આ અવલોકન સમાપ્ત કરતાં વાચકને વિનંતિ કરીએ છીએ કે કાવ્ય કેવું સુંદર અને મનોહર છે એ અમારી કેટલીક ચર્ચાને લીધે ધ્યાનમાંથી ખસી જતું હોય તો, ભૂલવામાં ન પડતાં મૂળ કાવ્ય ફરી વાંચી જોવું એટલે સંતોષ અને આનન્દ પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. આ ઉત્તમ કૃતિ માટે અમે કવિને ધન્યવાદ આપીએ છીએ એમ કહેવું એ તો આટલા વિવેચન પછી પુનરુક્તિ જેવું છે. જે વાસના અને ગૌરવ આ કાવ્યમાં કવિને કદી તજી ગયાં નથી તે તેમને નવી નવી રચનાથી ગુર્જરગિરા શોભાવવામાં વધારે ને વધારે સહાયભૂત થતાં જોવાની અમે આશા રાખીએ છીએ. અને ગ્રંથના આરંભમાં જટિલે જે આશીર્વાદરૂપ રમણીય કાવ્ય મૂક્યું છે તેને સંવાદી થઈ અમે આ કાવ્યને અને કવિની શક્તિને એ જ સમય વચનમાં સંબોધન કરીએ છીએ કે
‘જા ઉડી, બંધન છૂટી, પંખેરૂ જા વન ઉડી,
તે તુજ ભૂમિ રસે બૂડી, પંખેરૂ જા વન ઉડી.
* * * * *
વ્યોમ વિશાળું, રંગ રસીલું,
ત્યાં ફર જા મનડું મૂકી, પંખેરૂ જા વન ઉડી.
ગિરિ ઝરણે, નિરમળ સરવરનાં,
સ્નાન લહે શીતળ ઝૂકી, પંખેરૂ જા વન ઉડી.’
અને જટિલ સરખા સહૃદય વિદ્વાન ટીકાકારો એ ઉડ્ડયનમાં કેટલી બધી ગતિ આપશે તે કવિને અજાણ્યું નથી, અને વાચકને પણ અજાણ્યું નહિ રહે.
- ↑ * કર્તા, ત્રિભોવન પ્રેમશંકર ત્રવાડી, યોજક તથા વિવેચક, જટિલ, નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રાંકિત ઈ.સ. ૧૮૯૪. એ પુસ્તક ઉપર સને ૧૮૯૫ના ફેબ્રુઆરી, માર્ચ તથા એપ્રિલ માસના જ્ઞાનસુધામાં પ્રસિદ્ધ થયેલું અવલોકન.