zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/હાસ્યરસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિભાગ - ૩ : સ્વરૂપવિચારણા
હાસ્યરસ

( આ લેખકે ગુજરાત સાહિત્ય સભા સમક્ષ તા. ૧૩ નવેમ્બર, ૧૯૦૪ના રોજ ‘ગુજરાતી સાહિત્યમાંનો હાસ્યરસ’ એ વિષય ઉપર ભાષણ કરેલું તેનો સુધારા-વધારા સાથે આ પછીના વિવેચનમાં સમાવેશ કર્યો છે.[1])

હસવાની શક્તિ એ માણસજાતનો એવો વિશેષ ધર્મ છે કે તે વડે મનુષ્યના લક્ષણની વ્યાખ્યા થઈ શકે તેમ છે એમ કેટલાકનું કહેવું છે. આ ઉપરથી, ‘man is a laughing animal,’ ‘હસતું પ્રાણી તે મનુષ્ય,’ એવી પણ માણસની વ્યાખ્યા કરવામાં આવી છે, પરંતુ, પૃથ્વીના એક ભાગમાં હસતાં વાંદરાં મળી આવ્યાં છે, અને તેથી ‘હસતા પ્રાણી’ એ પદમાં તે વાંદરાનો પણ સમાવેશ થાય તેમ છે, અને માટે એ વ્યાખ્યા અતિવ્યાપ્તિના દોષવાળી હોઈ નિરર્થક જાય છે. પરંતુ, માણસ સિવાય બીજાં પણ કોઈ હસનારાં હોય+[2] અને તેથી હાસ એ મનુષ્યનો અસાધારણ ધર્મ તર્કશાસ્ત્ર પ્રમાણે ન ગણાય તોપણ પ્રધાનપણે એ માણસનો જ વિશેષ ગુણ છે. અને માણસના સ્વભાવમાં તેનું મૂળ રહેલું છે એ નક્કી છે. એ ગુણ આગંતુક નથી. હસવાની ટેવ કોઈ કોઈ મનુષ્યોને બંધાય છે એમ બનતું નથી, પણ, માણસ જાતની એ કુદરતી ખાસિયત છે. આ કારણથી, રસશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથોમાં હાસ્યને રસ ગણ્યો છે અને હાસને તેનો સ્થાયીભાવ ગણ્યો છે. મનુષ્યચિત્તમાં હાસના જે સ્થાયી સંસ્કાર રહેલા છે તેનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે હાસ્યરસ નિષ્પન્ન થાય છે એમ કહ્યું છે. આ રીતે, હાસ તે કોઈ પ્રકારે મનુષ્યત્વની ખામીનું ફળ નથી, જેનામાં મનુષ્યત્વ પરિપૂર્ણપણે વિકાસ ન પામ્યું હોય તે લઘુતાને લીધે હાસવૃત્તિનો અનુભવ કરે એમ નથી; પણ એ વૃત્તિ તે મનુષ્યવૃત્તિનો એક કાયમનો અંશ છે, અને જે તેનો અનુભવ યથાર્થ રીતે કરી શકે નહિ તેનામાં એટલી મનુષ્યસ્વભાવની ન્યૂનતા હોય છે. કેટલાક હાસવૃત્તિને મનુષ્યચિત્તની નિર્બળતા માને છે. તેમની ભૂલ દૂર કરવા પ્રથમ સ્થાયીભાવના સ્વરૂપ પર દૃષ્ટિ કરીશું, અને સાહિત્યદર્પણકાર વિશ્વનાથે દર્શાવેલી સ્થાયી ભાવના લક્ષણની વ્યાખ્યા લક્ષમાં લઈશું. તે કહે છે, ‘વિરુદ્ધ હોય કે અવિરુદ્ધ હોય એવા સહુ મનુષ્યો જે ભાવનું તિરોધાન કરવાને - જે ભાવને ઢાંકી દેવાને કે કાઢી નાખવાને અસમર્થ છે, અને જે ભાવ આસ્વાદના અંકુરનું મૂળ છે તે સ્થાયીભાવ છે.’ હાસ પણ આ પ્રકારનો સ્થાયીભાવ છે. એ ભાવ તે ચિત્તની અવિકસિતતાનું ચિહ્ન નથી, પણ, જે ભાવનાઓથી ચિત્તનું સુસંસ્કારમય સ્વરૂપ બંધાય છે અને જે ભાવના ખાસ મનુષ્યત્વમાંથી બાતલ કરી શકાતી નથી, તેમાંની એ એક ભાવના છે. તે જ માટે વિશ્વનાથ એવી વ્યાખ્યા કરે છે કે, ‘વાચા વગેરેના વૈકૃત (કઢંગાપણા)થી જે ચિત્તનો વિકાસ થાય, તે હાસ છે.’

હાસવૃત્તિ આમ સ્વાભાવિક છે, મનુષ્યચિત્તના બંધારણમાં ગૂંથાયેલી છે, તેથી જ તેનું પૃથક્કરણ કરવું બહુ અઘરું પડે છે. મનુષ્યના ચિત્તમાં સ્મૃતિ શી રીતે થાય છે, શોક શી રીતે થાય છે, વિસ્મય શી રીતે થાય છે, એ પ્રશ્નો જેવા કઠણ છે તેવો જ હાસ શી રીતે થાય છે એ પ્રશ્ન પણ કઠણ છે. આ મનોવ્યાપારો અને મનોવૃત્તિઓ શા કારણથી થાય છે, અર્થાત્‌ મનુષ્યના મનનું બંધારણ અમુક પ્રકારનું શા કારણથી છે, એ ગહન પ્રશ્ન રસશાસ્ત્રમાં અસ્થાને છે; પરંતુ ચિત્તનો બીજા વ્યાપાર અને બીજી વૃત્તિઓના ઉદ્‌ભવથી હાસનો ઉદ્‌ભવ શી રીતે જુદો પડે છે, એ પ્રશ્નનું અન્વેષણ રસ સંબંધે થઈ શકે એવું છે અને જરૂરનું છે.

હસવાની શારીરિક ક્રિયાનો હાસ સાથે સમવાયસંબંધ કલ્પી શકાતો નથી. એકબીજાથી કદી જુદી ન પડે એવો બે વસ્તુઓનો હમેશનો ગાઢો અને નિકટ સંબંધ તે ‘સમવાયસંબંધ’. રસની નિષ્પત્તિ વેળાએ ઉદ્‌ભવતા શારીરિક વિકાર, જેને સંસ્કૃત રસશાસ્ત્રમાં અનુભાવ કહે છે તે, રસ સાથે જોડાયેલા તો હોય છે જ; પણ, એ વિકારોમાંથી કોઈ અમુક વિકાર એવો નથી કે તે તો અમુક રસના સાક્ષાત્કાર વખતે દેખાવો જ જોઈએ, અને, તે ન દેખાય તો તે રસ નિષ્પન્ન થયેલો ન ગણાય એમ બનતું નથી. હસવાની ક્રિયા જે અનુભવે છે તે હાસ્યરસના અનુભવ વખતે થવી જોઈએ એવો નિયમ નથી. પરંતુ, હાસ્યરસના મીમાંસકો એ રસ પરત્વે હસવાની ક્રિયાનું ઘણું મહત્ત્વ કલ્પે છે, અને બીજા કોઈ અનુભાવનું કોઈ રસ પરત્વે એટલું મહત્ત્વ તેઓ કલ્પતા નથી. આંસુ પણ અનુભાવ છે, પરંતુ કરુણરસના નિરૂપણમાં આંસુનું ઝાઝું વિવેચન થતું નથી. આંસુના પ્રવાહીપણામાંથી હૃદય ‘આર્દ્ર’ થવાની અને ‘પીગળવાની’ કલ્પના કદાચ ઉદ્‌ભૂત થઈ હશે, પણ, એ શબ્દોના ઉપયોગ સિવાય બીજી કોઈ રીતે શોકવૃત્તિના કે કરુણરસના પૃથક્કરણમાં આંસુને સામેલ કરવામાં આવતાં નથી. હાસ્યરસના પૃથક્કરણમાં અને નિરૂપણમાં, હસવાની ક્રિયા કેવી રીતે ઉદ્‌ભૂત થાય છે અને તેના કેવા કેવા પ્રકાર છે તેનું સૂક્ષ્મતાથી વિવેચન કરવામાં આવે છે. હસવાના જુદા જુદા પ્રકારનો અને હાસ્યરસનો સંબંધ હવે પછી વિચારીશું, પણ, હસવાની ક્રિયાનો ઉદ્‌ભવ પૃથક્કરણના આરંભમાં જ લક્ષમાં લેવા જેવો છે.

હસવાની ક્રિયા વખતે પેટ અને છાતી વચ્ચેનો પડદા (diaphragam) ઉપરનું શરીર ઊપડીને ઊંચું તેમ જ આડું ઊભું હાલે છે, ચહેરાના તથા ખાસ કરીને હોઠના સ્નાયુઓ વિશેષ પ્રકારે ગતિમાન થાય છે, આંખોમાં એક જાતનો ચળકાટ આવે છે, ફેફસાંમાંથી થડકાતો થડકાતો ઉચ્છ્‌વાસ નીકળે છે, અને કંઠમાંથી રસ ગળતો, કાંઈક રણકદાર અને કાંઈક ખખડાટવાળો અવાજ નીકળે છે. આ સર્વ ક્રિયા વખતે શરીરનાં એ અંગોમાં રમૂજ, વિનોદ, ખુશાલી વ્યાપી રહેલાં અને પ્રદીપ્ત થતાં દેખાય છે; સ્થાયી ભાવ રૂપે રહેલો હાસ સાક્ષાત્કારથી પ્રગટ થઈને હાસ્યરસ રૂપે નિષ્પન્ન થતાં અંગોઅંગમાં બળ પ્રસારી રહ્યો છે, એવું દર્શન થાય છે, રસનું આ વાવાઝોડું કોઈક પ્રકારના સંઘટ્ટન (collision)થી એકાએક ઉત્પન્ન થયેલું જણાય છે, કોઈક વસ્તુસ્થિતિઓ અકસ્માત સામસામી આવી અથડાવાથી ગુપ્ત રહેલાં બળો ઊપડી આવ્યાં છે એમ જણાય છે. એ અવસ્થા સંઘટ્ટનની છતાં તેમાં કાંઈક સુયોગ રહેલો છે, સામસામી આવેલી સ્થિતિઓ એકબીજાથી વિષમ છતાં તે એવી રીતે ગોઠવાવાથી થતું આશ્ચર્ય સંતોષકારક લાગે છે, તેથી ગમ્મત થાય છે, અને પરિણામે હાસના સંસ્કાર જાગ્રત થાય છે. સંસ્કારની આ જાગૃતિને સમયે ઊપજતા વિચારના વિવિધ સ્વરૂપ પ્રમાણે હસવાની ક્રિયા ઓછી-વધતી થાય, મુખ પર માત્ર સ્મિત થાય, કે એવી કાંઈ પણ શારીરિક ક્રિયા ન થાય; તોપણ, સંઘટ્ટન વિના સંસ્કારની જાગૃતિ થતી નથી, તેથી, એ સંઘટ્ટનથી થતા માનસિક અનુભવનું શારીરિક અનુકરણ કરી વિશેષતાથી સંઘટ્ટન દર્શાવનારી હસવાની ક્રિયાને હાસ્યરસના વિવરણમાં મહત્ત્વ પ્રાપ્ત થાય છે. આ કારણથી હસવાની શારીરિક ક્રિયા અને હાસ્યરસના અનુભવની માનસિક ક્રિયાને એકઠી કરી લી હન્ટ વ્યાખ્યા કરે છે કે, ‘(આ સ્થિતિનું) કારણ થોડું શારીરિક છે અને થોડું માનસિક છે. આશ્ચર્યથી થતા ઉલ્લાસના પ્રમાણમાં શ્વાસનું કાંઈક રોકાણ થાય છે; રસ્તે જતાં મહેલ્લાને ખૂણે વળવાનું આવે ત્યાં સામેથી આવતા મનગમતા મિત્ર સાથે આપણે એકાએક અજાણ્યે અથડાઈએ એવી જ જાતનું એ રોકાણ હોય છે, પણ, એટલા ધક્કાવાળું હોતું નથી. એ રીતે રોકાયેલો શ્વાસ પાછો હઠે છે, પણ તરત જ બમણા જોરથી પાછો ઊપડે છે અને ક્રિયામાં જે સુદૈવથી પ્રાપ્ત થયેલો દિલપસંદ તાણ જેવો ક્ષોભ થાય છે તે હાસ્ય (હસવાની ક્રિયા, laughter) છે.’ (વિટ ઍન્ડ હ્યુમર.)

કેટલાકનું માનવું એવું છે કે હસતી વખતે હસનાર હાસ્યપાત્ર કરતાં પોતાને ચઢિયાતો ગણે છે, અને એ રીતે ફતેહ અને કીર્તિની વૃત્તિઓ હાસ્યરસના મૂળમાં રહેલી છે. હૉબ્સ કહે છે, ‘હાસ્યનો આનંદ વાક્‌ચાતુર્યથી થાય છે, અને જે મશ્કરી કહેવાય છે તેનાથી થાય છે એ વાત અનુભવથી ખોટી પડે છે, કારણ કે માણસો અકસ્માત હાનિઓ અને અશ્લીલ દેખાવોથી હસે છે, અને તેમાં કાંઈ પણ વાક્‌ચાતુર્ય કે મશ્કરી હોતાં નથી. વળી, હાસ્ય ઉત્પન્ન કરનારી વસ્તુ ગમે તેવી હોય, પણ, એની એ વસ્તુ સાધારણ કે જૂની થઈ જાય ત્યારે તે હસવા સરખી લાગતી નથી, તેથી તે નવી અને અણધારેલી હોવી જોઈએ, માણસો (ખાસ કરીને પોતે સારી રીતે કરેલા દરેક કામ માટે પ્રશંસા મેળવવાનાં લોભી માણસો) ઘણી વાર પોતાનાં જ કાર્યો પોતાની ધારણા કરતાં સહેજ પણ વધારે સારાં કરાયાં હોય તો હસે છે; પોતે કરેલી મશ્કરીઓથી હસે છે; અને આવી સ્થિતિમાં એ ખુલ્લું છે કે હસનારને પોતાનામાં કાંઈ શક્તિ હોવાનું એકાએક ભાન થવાથી તે હસી પડે છે. તેમ જ મનુષ્યો બીજાઓની નિર્બળતા જોઈ હસે છે. અને તેની સાથે સરખામણીમાં પોતાની વધારે ઊંચી શક્તિ તેમના મન આગળ તે વખતે પ્રકટ થયેલી હોય છે. વળી મનુષ્યો મશ્કરીઓમાં હસે છે ત્યારે બીજાની બેવકૂફી ખૂબીદાર રીતે જણાઈ આવી હોય છે અને મન આગળ પ્રત્યક્ષ થયેલી હોય છે તે સ્થિતિમાં હાસ્યનું હાર્દ રહેલું હોય છે; અને આ વખતે પણ હસનારને પોતાની સરસાઈ તથા ચઢિયાતાપણાની કલ્પના થયેલી હોય છે; કારણ કે, બીજા માણસની નિર્બળતા અને બેવકૂફી સાથે સરખામણીમાં પોતાને માટે સારો મત બાંધવા તરફ વલણ થાય એ પોતાની ઉત્કૃષ્ટતાની કલ્પના નહિ તો બીજું શું? તેથી જ, જ્યારે આપણી મશ્કરી થઈ હોય છે અથવા જે મિત્રની અપકીર્તિથી થતી હાનિમાં આપણે સામેલ થઈએ છીએ તે મિત્રની મશ્કરી થાય છે, ત્યારે આપણે કદી હસતા નથી, તે માટે હું એ અનુમાન કરું છું કે હસવાની બુદ્ધિ તે બીજું કાંઈ નહિ પણ આપણામાં ચઢિયાતાપણું હોવાનું એકાએક ભાન થવાથી ઊપજતી તાત્કાલિક કીર્તિ (મોટાઈ, વડાઈ)નો ભભુકો છે; એ ભાન બીજાઓની નિર્બળતા સાથે અથવા આપણી પોતાની પ્રથમની નિર્બળતા સાથે સરખામણી કરવાથી થાય છે; કારણ કે માણસોને પોતે ભૂતકાળમાં કરેલી મૂર્ખાઈઓ એકાએક યાદ આવે છે ત્યારે પણ તેઓ હસે છે; ફક્ત એ મૂર્ખાઈથી હાલ અપકીર્તિ થતી હોય તો તેથી નથી હસતા. તેથી, માણસોને પોતાની મશ્કરી થાય કે હાંસી થાય, એટલે કે પોતા પર કોઈની સરસાઈ થાય ત્યારે ઘણું ખોટું લાગે છે.’ (ટ્રીટિઝ ઑન હ્યુમન નેચર.) લી હન્ટને આ મત સર્વથા સ્વીકાર્ય લાગતો નથી. તે કહે છે કે, ‘આપણું બંધારણ એવું છે કે જેથી વાસ્તવિક રીતે દુઃખ ન થાય એવી સ્થિતિમાં મન ખુશીથી આવે છે, અને તેનું કારણ એ હશે કે તે વેળા આપણા અસ્તિત્વમાં રહેલી શક્તિનું આપણને ભાન થાય છે, અને ધરેલું બીડું ઝડપી લેવા આપણે તૈયાર છીએ, એમ આપણે માનીએ છીએ. પણ, હોબ્સ કહે છે તેવો તિરસ્કાર એ વૃત્તિમાં રહેલો નથી. માણસ ઠંડો થઈ પોતાની મોટાઈ માને છે એવું હાસ્યનું કારણ હોબ્સ બતાવે છે. આપણે પોતાને બીજાંથી ચઢિયાતા ગણી તેનો તિરસ્કાર કરીએ અથવા એમ કરીએ છીએ એવું ધારીએ ત્યારે હસીએ છીએ એવા ઘણા પ્રસંગ આવે છે એ ખરું છે. પણ, માત્ર વિનોદ અને રમૂજના પ્રસંગ હોય ત્યારે તો ફક્ત આપણી બુદ્ધિ તથા ગ્રહણશક્તિની સામે ગમ્મતભર્યો અનાદર ખડો થાય છે તે ઉપર જ આપણું ચઢિયાતાપણું આપણને લાગે છે. આપણે ઉદ્ધત થઈને પોતાની ફતેહ માનતા નથી પણ માત્ર ખુશાલીમાં આવીને આપણી ફતેહ માનીએ છીએ. કોઈ નીચો પડ્યો છે એમ માનતા નથી પણ, આનંદમાં આવ્યા છીએ અને સંતોષની પ્રતીતિ થઈ છે તેથી આપણે ફતેહ થયેલી માનીએ છીએ.’ મિત્ર સાથે અથડાવાનું ઉપર કહેલું ઉદાહરણ આપી લી હન્ટ કહે છે, ‘એવે પ્રસંગે શું આપણે મિત્ર ઉપર ફતેહ થયેલી માનીએ છીએ? બેશક નહિ જ. ફક્ત અણધારી અને એકાએક વિષમ અથડાઅથડી થઈ અને તત્ક્ષણે આપણે પ્રતિપક્ષીઓની સ્થિતિમાં આવી ગયા એમ લાગ્યું તેથી ફતેહ થયાનું આપણને લાગે છે.’

હાસ્યરસને પ્રસંગે ચઢિયાતાપણાનો અનુભવ થાય છે, એ ખરું છે, પણ, ‘હું ફલાણાથી ચઢિયાતો છું, અને તે મારાથી ઊતરતો છે’ એવું અભિમાન એ અનુભવમાં હોતું નથી. જ્યાં અભિમાન હોય છે ત્યાં હાસ્યરસ હોતો નથી. અભિમાની મનુષ્યો પણ અભિમાનનું ભારેખમપણું અને અતડાપણું મૂકી દઈ બરોબરિયાપણાની અને મિલનસારપણાની વૃત્તિમાં આવે છે ત્યારે હાસ્યરસનો અનુભવ કરી શકે છે. હાસ્યરસના અનુભવમાં રહેલું ચઢિયાતાપણું અભિમાનથી નહિ પણ ઉપર કહી તેવી વિષમતાથી ઉત્પન્ન થાય છે. સામસામી આવેલી બે સ્થિતિઓ સરખી નથી હોતી, પણ, તેમાંની એક સ્વાભાવિક તથા યથાયોગ્ય હોય છે અને બીજી વિલક્ષણ તથા તરેહવાર હોય છે ત્યારે તે સ્થિતિઓ એકબીજાથી વિષમ થાય છે; પણ, તે વિષમતા એના એ વિષયની હોય છે. જે લક્ષણ એકમાં સ્વાભાવિક રીતે હોય છે તે જ લક્ષણ બીજીમાં હોવાં જોઈએ છતાં નથી હોતાં અગર મરડાઈ ગયેલાં અને વાંકાં થઈ ગયેલાં હોય છે. આ રીતે, સમાનતાનો પ્રસંગ હોવા છતાં જ્યાં અસમાનતા હોય છે. જ્યાં સરખામણી થઈ શકે તેવું હોય છે અને એવી સરખામણીમાં બે સ્થિતિઓ એકબીજાને અનુકૂળ જણાવી જોઈએ છતાં વિચિત્ર રીતે પ્રતિકૂળ જણાય છે, ત્યાં વિષમતા ઉત્પન્ન થાય છે. આ વિષમતાના અનુભવને પ્રસંગે આપણે સ્વાભાવિક અને યથાયોગ્ય સ્થિતિ પારખી શકીએ અને સાચવી શકીએ તેવા છીએ, આપણે સરખામણીમાં અનુકૂળતા પ્રકટ કરી શકીએ તેમ છીએ, અને એવી જે ઊલટી સ્થિતિ છે તેમાં આપણે નથી, એવું જ્ઞાન હાસ્યરસ અનુભવનારને થાય છે. અને એ ભાનથી તેને પોતાનું ચઢિયાતાપણું લાગે છે. થોડાં ઉદાહરણ તરફ દૃષ્ટિ કરીશું.

રસ્તે ચાલતાં કોઈ માણસને ઠોકર વાગે અને તેની પાઘડી પડી જાય, ત્યારે આપણે સંભાળીને ચાલીએ એવા છીએ અને આપણે એવી દશામાં આવીએ એવા નથી એવું ચઢિયાતાપણાનું ભાન જેમને થાય તેમને રમૂજ પડે છે. જેમને એ અકસ્માતથી તે માણસ તરફ દિલસોજી થાય તેમને ચઢિયાતાપણું લાગતું નથી અને રમૂજ પડતી નથી. તે માણસને પડી જવાથી વાગ્યું હોય તો જેઓ દયાહીન હોય તેમને જ પોતાનું ચઢિયાતાપણું લાગે અને રમૂજ પડે. આવે પ્રસંગે જે વિષમતા ઉપસ્થિત થાય છે તે રસ્તે ચાલતાં સંભાળથી સચવાતી સુસ્થતાની અને ગફલતથી આવી પડતી દુર્દશાની વચ્ચેની હોય છે. રસ્તે ઊંચું જોઈ ચાલતા બે માણસો અથડાઈ પડે ત્યારે પણ જે વિષમતા થાય છે તે તેમના બેની વચ્ચેની નહિ, (એ બે તો સમાન જ હોય છે.) પણ, સામું જોઈ ચાલવાની ટેવ અને ઊંચું જોઈ ચાલવાના પ્રસંગ વચ્ચેની વિષમતા થાય છે; અને હાસ્યરસ અનુભવનાર પોતે પોતાનામાં સામું જોઈ ચાલવાની ટેવ માની પોતાનું ચઢિયાતાપણું ધારે છે. ‘રાત પડે ત્યાં વાસો કરજે’ એ શિખામણ ઘેરથી સાંભળી મુસાફરીએ નીકળનાર ‘અડવો’ ખેતરની વાડના ખોડીબારામાં એક પગ મૂકતાં સૂર્યને આથમતો જોઈ અટકીને ઊભો રહે અને એક પગ ખોડીબારાની અંદર અને એક બહાર એમ આખી રાત ‘વાસો કરે’, એવી વાત સાંભળતાં શિખામણના ખરા અર્થ અને વગર સમજ્યા અર્થ વચ્ચેની વિષમતા ઉદ્‌ભૂત થાય છે, અને આપણે ખરો અર્થ કરી શકીએ એવા છીએ એવું આપણું ચઢિયાતાપણું આપણને લાગે છે, ‘મુસાફરી કરતો કરતો તે હિમાલય પર્વત આગળ જઈ પહોંચ્યો ત્યારે હિમાલયની સામે જોઈ રહ્યો, અને હિમાલયની સાથે પોતાની નામનાની સરખામણી વિશે મનન કરી બોલી ઊઠ્યો. “તું ધતિંગ લઈ બેઠેલો છે,” (અંગ્રેજી પરથી)’ એ વૃત્તાંતમાં હિમાલયની ઉત્તુંગતા અને માણસની અલ્પતા વચ્ચેની વિષમતાથી હાસ્યપ્રસંગ થતો નથી (કેમ કે એમ હોય તો ‘હિમાલયની તળેટીમાં માણસ ઊભો હતો’ એટલું સાંભળતાં જ હાસ્ય ઉત્પન્ન થાય). પરંતુ હિમાલયની વાસ્તવિક વિશાળતા અને મનુષ્ય સાથેની તુલનામાં કલ્પેલી તેની અલ્પતા, એ બે વચ્ચેની વિષમતાથી હાસ્ય થાય છે, અને હાસ્ય અનુભવતાં આપણને આપણું ચઢિયાતાપણું એ લાગે છે કે આપણે તો તેની વિશાળતાનો સ્વીકાર કરીએ. અલબત્ત, સૂર્યના કદ સાથેની સરખામણીમાં હિમાલયને ક્ષુદ્ર કહ્યો હોય તો હાસ્ય ઉત્પન્ન ન થાય.

પરંતુ, હાસ્યરસમાં વિષમતા અને ચઢિયાતાપણા સિવાય બીજા અંશ પણ રહેલા છે. પ્રથમ તો, ઉપર કહ્યું તેમ એ પ્રસંગની વિષમ સ્થિતિઓ એના એ વિષયની હોવી જોઈએ. એનાં એ લક્ષણ વિરોધી સ્વરૂપે-સ્વાભાવિક અને અસ્વાભાવિક સ્વરૂપે-સામસામાં આવવાં જોઈએ, સરખામણીની શક્યતા હોવી જોઈએ. બુદ્ધિવિવેક (judgement) અને બુદ્ધિચાતુર્ય (wit)નો ભેદ દર્શાવતાં લોક કહે છે, ‘વિચારોનો સમુદાય કરી તેમાંથી જેમાં મળતાપણું કે અનુરૂપતા માલૂમ પડે તે વિચારોને ઝડપથી અને વિવિધ રૂપે પાસે પાસે ગોઠવવા અને એ રીતે મનોરંજક ચિત્રો તથા રુચિકર કલ્પનાતરંગો ઉત્પન્ન કરવા, એ બુદ્ધિચાતુર્યનો વ્યાપાર છે; એથી ઊલટું, બુદ્ધિવિવેકનો વ્યાપાર એથી તદ્દન સામી દિશાનો છે; જે વિચારોમાં જરા પણ ભેદ માલૂમ પડે તેમને સૂક્ષ્મતાથી જુદા પાડવા એ બુદ્ધિવિવેકનો વ્યાપાર છે, અને એ પૃથક્કરણ સરખામણીથી થતી ભૂલ અટકાવે છે, અને જ્યાં મળતાપણું હોય ત્યાં એક વસ્તુને બીજી વસ્તુ માનવાનો ભ્રમ અટકાવે છે.’ (એસે કનસનિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ.) આ બુદ્ધિચાતુર્ય હાસવૃત્તિના બંધારણમાં અંગભૂત રહેલું છે, અને એ ચાતુર્યનો વ્યાપાર થઈ શકે તે સારુ વિષય એક જ હોવાની જરૂર છે, સમતા હોવાની જરૂર છે, કેમ કે સમતામાંથી વિષમતા એ વ્યાપાર વડે ઉપજાવવાની હોય છે. ‘આંધળો કહે કે જોવા જઈએ; પાંગળો કહે કે દોડતા જઈએ,’ એ વાક્યોમાં અંધત્વ અને દર્શનેચ્છા એક જ વિષયનાં છે. તેમ જ લંગડાપણું અને દોડવાની ઇચ્છા એક જ વિષયનાં છે. અને તેથી સામસામી મુકાયેલી બે સ્થિતિઓની વિષમતા વિનોદ ઉત્પન્ન કરે છે. પરંતુ, ‘આંધળો કહે કે દોડતા જઈએ, પાંગળો કહે કે જોવા જઈએ’ એવાં વાક્યો હોય તો વિષય એકના એક ન હોતાં બદલાઈ જાય છે, સમતા જતી રહે છે, અને વિષમતામાં કાંઈ ખૂબી રહેતી નથી. તેમ જ વળી, ‘આગિયા આગળ સૂરજ શી વિસાતમાં!’ એવી ઉક્તિમાં આગિયા કીડાનું તેજ અને સૂર્યનું તેજ એ બન્નેનો વિષય એક જ હોવાથી સમતા અને વિષમતાના પ્રસંગ બને છે, અને વિષમતાથી વિનોદ થાય છે. પરંતુ, ‘આગિયા આગળ મહાસાગર શી વિસાતમાં!’ એવી ઉક્તિ હોય તો આગિયાનું તેજ અને મહાસાગરનો જલવિસ્તાર એ બે વિષય જુદા પડી જાય છે અને વિષમતા ખૂબીદાર લાગતી નથી.

આ સમતા સાથે બીજા અંશોની પણ આવશ્યકતા છે. લોકની વ્યાખ્યા વિશે વિવેચન કરતાં એડિસન કહે છે, ‘વિચારોના દરેક જાતના સરખાપણામાં બુદ્ધિચાતુર્ય હોતું નથી, સરખાપણાની સાથે વાંચનારને વિનોદ અને આશ્ચર્ય થાય ત્યારે ચાતુર્યનો વ્યાપાર હોય છે. બુદ્ધિચાતુર્ય માટે આ બે અંશ આવશ્યક છે, ખાસ કરીને આશ્ચર્યનો અંશ આવશ્યક છે, તેથી વિચારોના સરખાપણામાં બુદ્ધિચાતુર્ય હોવા માટે એ જરૂરનું છે કે વિચારો સ્વાભાવિક રીતે એકબીજાની બહુ પાસે પાસે હોવા ન જોઈએ; કારણ કે જ્યાં સરખાપણું દેખાતું હોય ત્યાં કાંઈ આશ્ચર્ય થતું નથી. કોઈ અમુક માણસનું ગાયન બીજા અમુક માણસના ગાયન જેવું છે એમ કહેવાથી આશ્ચર્ય થતું નથી.” (સ્પેકટેટર.)

વિનોદ એ આનંદનો એક પ્રકાર છે, અને, બીજા રસ પેઠે હાસ્યરસમાં પણ આનંદ આવશ્યક છે, અને, એ કારણથી હાસ્યપાત્ર મનુષ્યના શરીરને જ્યાં પીડા થતી હોય ત્યાં હાસ્યમાં ઔચિત્ય રહેતું નથી. દુઃખને અને કાવ્યાનંદને વિરોધ નથી, કરુણરસમાં દુઃખનો અનુભવ શોકનો સાક્ષાત્કાર કરાવી આનંદ આપે છે. પરંતુ, રસ હૃદયની ઉન્નતિ સાથે જોડાયેલો છે, અને તેથી જ્યાં દયાહીનતા હોય ત્યાં રસ હોઈ શકતો નથી. કરુણરસમાં દયાહીનતા હોતી નથી પણ દુઃખ તરફ દયામય સમભાવ હોય છે. પરંતુ, કોઈ મનુષ્યને થતી પીડા જોઈ હસવું એ દયાહીનતા છે અને એવા પ્રસંગમાં રસોત્પત્તિ થતી નથી. અલબત્ત, પીડા ક્ષણિક છે અથવા કલ્પિત છે અને થોડીવારમાં પીડાનું દર્શન દૂર થઈ જવાનું છે એ હકીકત. હાસ્યપાત્ર મનુષ્યના જાણવામાં ન હોય ત્યાં તેનો ભ્રમ હાસ્યરસ ઉત્પન્ન કરી શકે છે.

એડીસને કહેલો બીજો અંશ–આશ્ચર્ય–હાસ્યરસમાં બહુ વિશેષતાવાળો છે. બે સ્થિતિઓ સામસામી આવી એકાએક અણધારી રીતે અથડાય એ હાસ્યરસ માટે પરમ આવશ્યક છે. ‘મેરે સાહેબને તુમકુ સુરત શહેર દીયા ઓર મેને સારા મુલક દીયા’ ‘ઉસકુ ક્યા કરે?’ ‘ભીખ મંગ ખાઓઃ’ આ સંભાષણમાં દાન કરેલી ભૂમિનું માલકીપણું તે માત્ર ભીખ માગી ખાવાના હકમાં છે એ ઉક્તિ એકાએક આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, ભૂમિના પટ ઉપર માલિકીપણાને અણધારી રીતે અદલબદલ કરી અથડાવે, તેથી હાસ્યનો પ્રસંગ થાય છે. વિષમતામાં કાંઈ અચંબો ન હોય, કંઈ નવીનપણું ન હોય તો હાસ્યનું કારણ લાગતું નથી. આ માટે જ, હાસ્યમય ઉક્તિઓ જૂની થઈ જાય ત્યારે તેની પુનરુક્તિ રુચિકર થતી નથી અને હાસ્ય ઉપજાવતી નથી.

હાસ્યરસનું આશ્ચર્ય તે અદ્‌ભુતરસના વિસ્મયથી જુદી જ વૃત્તિ છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં આપેલી વિસ્મયની કેટલીક વ્યાખ્યાઓ તરફ દૃષ્ટિ કરીશું તો આ હકીકત સ્પષ્ટ થશે.’ ‘ચિત્તનો વિસ્ફાર (ફરકવું) તે વિસ્યમ કહેવાય.’ (સાહિત્ય-દર્પણ) ‘વસ્તુના માહાત્મ્યનું દર્શન થવાથી ચિત્તનો જે વિસ્ફાર થાય તે વિસ્મય છે.” (કાવ્યપ્રદીપ) ‘લોકસીમાની પાર રહેલા વિવિધ પદાર્થો પ્રતિ ચિત્તનો જે વિસ્ફાર તે વિસ્મય કહેવાય છે.’ આ વ્યાખ્યાઓનું તાત્પર્ય એ છે કે વિશ્વમાં વસતા મહત્ત્વનું, વિશ્વમાં રહેલી વિશાળતાનું દર્શન કોઈ પદાર્થ દ્વારા મનુષ્યને જ્યારે થાય છે ત્યારે તેનું ચિત્ત ઉલ્લાસ પામે છે, અને ફરકે છે તે વૃત્તિ તે વિસ્મય છે. વિસ્મયમાં જે ઊંડું મનન આ રીતે સમાયેલું છે તે આશ્ચર્યમાં હોતું નથી. જગન્નાથ એવી વ્યાખ્યા કરે છે કે ‘અલૌકિક વસ્તુદર્શન વગેરેથી જન્મ પામતી જે વિશેષ વૃત્તિ આશ્ચર્ય દર્શાવે છે તે વિસ્મય છે.’ (રસગંગાધર) અહીં વિસ્મયનું લક્ષણ આપવા ‘આશ્ચર્ય’ શબ્દ વાપર્યો છે, પરંતુ, વધારે યોગ્ય શબ્દોને અભાવે જ તે શબ્દ વાપર્યો જણાય છે. તથાપિ, બધી આશ્ચર્યની વૃત્તિ તે વિસ્મય નહીં પણ અલૌકિક વસ્તુના દર્શનથી ઉદ્‌ભવ પામતી આશ્ચર્યની વૃત્તિ વિસ્મય છે, એવો અર્થ ફલિત કરનારી વ્યાખ્યા આપાઈ હોત તો તે વધારે વાસ્તવિક થાત. અલૌકિકતાનું ભાન કરાવનારી વસ્તુ, સાધારણ લોકવ્યાવહારમાં જોવામાં નથી આવતી એવા મહત્ત્વની પ્રતીતિ કરાવનારી વસ્તુ વિસ્મયના અનુભવ માટે આવશ્યક છે, આશ્ચર્ય માટે એવી આવશ્યક્તા નથી. તત્કાલ નવાઈ પમાડે, સારી કે ખોટી વિચિત્રતાથી ચિત્તને વિશેષ દિશામાં ગતિ આપે તે આશ્ચર્ય છે. એ રીતે આશ્ચર્ય પમાડનારી વસ્તુમાં અલૌકિકપણું હોય, મહત્ત્વનું દર્શન હોય તેની વિચિત્રતા સારા પ્રકારની અને ઉચ્ચતાવાળી હોય તો આશ્ચર્યને પરિણામે વિસ્મય થાય અને તેથી અદ્‌ભુત રસ થાય. પરંતુ, એવા અંશ વિનાનું કેવળ તરેહવારપણાનું આશ્ચર્ય હોય ત્યાં હાસ્યરસ થાય.

આ આશ્ચર્ય વિચિત્રતાના દર્શનથી તત્કાલ ઉત્પન્ન થાય છે અને વિચિત્રતાની પાછળ કંઈ રહેલું છે એવો ખ્યાલ આવતો નથી ત્યારે હાસ્યરસનો પ્રસંગ આવે છે. વિચિત્રતામાં ગંભીરતાનું કે શોકનું કારણ રહેલું છે એવો વિચાર ન આવે અને એવો વિચાર કરવાનો વખત ન રહે એવી સ્થિતિ હોય ત્યારે આશ્ચર્ય સાથે રમૂજ અને વિનોદનો અનુભવ થાય છે. વિલિયમ હેઝલિટ કહે છે, ‘એકાએક આવી પડેલી વિપત્તિના પ્રસંગની વિલક્ષણતા તત્કાલ દૃષ્ટિએ પડવાથી વિપત્તિનાં પરિણામની અનિષ્ટતા જ્યાં સુધી ધ્યાનમાં નથી આવતી, અને બેવકૂફીભરેલી કૃતિની અયોગ્યતા અથવા સમજાય નહિ એવી વિચિત્રતા સહુથી વધારે પ્રબળતાથી મન ઉપર અસર કરે છે ત્યાં સુધી હાસ્યની વૃત્તિ શોકની વૃત્તિ કરતાં પ્રધાન થઈ પ્રવર્તે છે.’ (લેકચર્સ ઑન ધિ ઇંગ્લિશ કૉમિક રાઇટર્સ.) આ રીતે જે વિનોદ અને આશ્ચર્ય હાસ્યરસ માટે આવશ્યક છે તે બન્નેનો આધાર તત્કાલિકતા ઉપર છે. હકીકત બનતાં તત્કાલ થયેલી અસરથી એ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. જીવરામ ભટ્ટ રતાંધળા હોવાથી અંધારે તેમને માર્ગ સૂઝતો નહોતો પણ મિથ્યાભિમાનને લીધે કોઈની મદદ ન લેતાં સાસરાની પાડીનું પૂંછડું ઝાલી તેની પૂંઠે પૂંઠે ચાલ્યા જતા હતા, એવામાં ખાડો આવતાં પાડી તેમાં ઊતરી અને જીવરામ ભટ્ટ પછડાઈને નીચે પડ્યા તથા તેમની પાઘડી, લાકડી, તુંબડી, ગાંસડી સહુ ગબડીને આઘાં જઈને પડ્યાં; એ વૃત્તાન્ત વાંચતાં તત્કાળ જીવરામ ભટ્ટની બેવકૂફીથી થયેલી કઢંગી સ્થિતિનો ખ્યાલ આવે છે અને તેથી હાસ્ય થાય છે. જીવરામ ભટ્ટને વાગ્યાથી થયેલી ઈજાનો વિચાર તે પછીથી આવે છે, અને તે વેળા પણ ઈજા ભયંકર નથી એ જ્ઞાન હાસ્યરસની ક્ષતિને અટકાવે છે. મિથ્યાભિમાનથી થયેલી ઘણી બેવકૂફીઓને પરિણામે બહુ ઈજાઓ ખમી જીવરામ ભટ્ટ મરણની પથારીને વશ થાય છે ત્યારે હાસ્યરસ લુપ્ત થાય છે અને કરુણરસ પ્રવર્તે છે. (મિથ્યાભિમાન નાટક.) એ જ પ્રમાણે ચોરોની સાથે ડોશીના ઘરમાં ચોરી કરવા પેસનાર મૂર્ખાનું ઉદાહરણ લઈએ. ચોરોએ ડોશી ઊંઘતી જોઈ તેના ઘરમાંથી દૂધ, ચોખા અને ખાંડ એકઠાં કરી ચૂલો સળગાવી દૂધપાક કર્યો. તેવામાં ડોશીએ ઊંઘમાં હાથ લાંબો કર્યો તેથી મૂર્ખાએ જાણ્યું કે ડોશી દૂધપાક માગે છે અને કડછી ભરીને ઊનો ઊનો દૂધપાક ડોશીની હથેળી પર રેડ્યો તેથી ડોશી ચમકીને જાગી ઊઠી; એ હકીકત તત્કાળ આશ્ચર્ય અને રમૂજ ઉત્પન્ન કરે છે. બેવકૂફીથી થયેલી અયોગ્યતા જ પ્રથમ ચિત્ત આગળ પ્રત્યક્ષ થાય છે. ડોશી દાઝી અને મૂર્ખો પકડ્યો એ અનિષ્ટ પરિણામનો ખ્યાલ પાછળથી આવે છે અને તે પહેલાં તો હાસ્યરસ જામી ગયો હોય છે.

આશ્ચર્યની આ તાત્કાલિકતાને પ્રધાનતાથી લક્ષ્ય કરી વિલિયમ હેઝલિટ હાસ્યની એવી વ્યાખ્યા કરે છે કે, ‘હાસ્ય તે ઇચ્છા વગર તાણ સરખી થતી ક્રિયા છે; તે માત્ર આશ્ચર્યથી કે વિરોધથી ઉત્પન્ન થાય છે; તે વેળા વધારે ગંભીર મનોવૃત્તિ થયેલી હોતી નથી અને વિરોધમય દેખાવો સંબંધે વિચાર કરી સમાધાન પામવાનો ચિત્તને વખત મળે તે પહેલાં એ ક્રિયા ઉદ્‌ભૂત થાય છે. કલ્પના ઘડીમાં ઉશ્કેરાય છે અને ઘડીમાં મંદ હોય છે. અને એ પ્રમાણે વારાફરતી થવાથી સ્નાયુઓમાં અને જ્ઞાનતંતુઓમાં અનિયમિત તાણ થાય છે, તે શારીરિક ક્રિયા હાસ્ય કહેવાય છે. ગંભીરતાની વૃત્તિ એવી હોય છે કે બીનાઓ અમુક સ્થાપિત ક્રમમાં એક પછી એક નિયમિત પ્રકારે બનશે એ ધારણા ઉપર ભાર મૂકવાની ચિત્તને ટેવ બંધાય છે અને એવી બીનાઓના જ્ઞાનમાં પરોવાઈ ચિત્ત તે જ્ઞાનને વજનદાર ગણે છે. ચિત્તની ધારણાનો આ ભાર જ્યારે અણધારી રીતે શિથિલ થાય છે કે છૂટો થાય છે અને તેની હમેશાંની ઊંડાઈ રહેતી નથી ત્યારે હાસ્યની વૃત્તિ થાય છે. આ વેળા વિચારોનો ક્રમ એવો એકાએક અદલબદલ થાય છે કે ચિત્ત ઓચિંતુ ઝલાઈ જાય છે, સાવધાનપણાથી ખસી જાય છે, અને ચમકી ઉલ્લાસભર્યા આનંદની સ્થિતિમાં આવે છે. ખેદભર્યા વિચારો માટે તે વેળા અવકાશ પણ નથી હોતો અને વૃત્તિ પણ નથી હોતી. આ રીતે હાસ્યનું તત્ત્વ અસંગતતામાં રહેલું છે; એક વિચાર સાથેનો બીજા વિચારનો સંબંધ તૂટી જાય અથવા એક લાગણી પર બીજી લાગણી ધક્કો ખાઈને અથડાય એમાં હાસ્યનું તત્ત્વ રહેલું છે.’

આ અસંગતતા, સંબંધભંગ અને સંઘટ્ટનની અસર મન ઉપર અણધારી અને તાત્કાલિક થાય તેમાં જ હાસ્યની ખૂબી હોય છે. અને એ કારણથી, હાસ્યપ્રસંગના વર્ણન પછી જે માણસને તેમાં રહેલી હસવાની વાત સમજાવવી પડે અથવા તે વર્ણન સાંભળ્યા પછી ઘણી વારે વિચાર કરીને જે માણસ હસે તેની હાસ્યપરીક્ષા બહુ મંદ છે એમ આપણને લાગે છે.

સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં કોઈક પ્રકારની વિકૃતિના (કઢંગાપણાના) દર્શનને હાસ્યરસનું કારણ ગણ્યું છે. ‘વિકૃત (કઢંગ) આકાર, વાચા, વેશ, ચેષ્ટા વગેરેના છલથી હાસ્ય થાય છે.’ (સાહિત્યદર્પણ) વાચા, અંગ વગેરેના વિકારના દર્શનથી ઉત્પન્ન થતી, વિકાસ દર્શાવતી ચિત્તવૃત્તિ તે હાસ છે.’ (રસગંગાધર.) ‘વ્યંગ (વિકૃતિ) અને વ્રીડા (ખોટું અણછાજતું શરમાળપણું) વગેરેના દર્શનથી ચિત્તવિકાસ થાય તે હાસ છે (કાવ્યપ્રદીપ).’ આ વ્યાખ્યાઓમાં માત્ર દેખાવની અને શબ્દની વિકૃતિઓને હાસની કારણભૂત કહી છે. પરંતુ, બુદ્ધિની અને વિચારની વિકૃતિ પણ એ જ રીતે હાસની કારણભૂત થાય છે. મનુષ્યોની મૂર્ખાઈઓનાં ઉપર જે ઉદાહરણ આપ્યાં છે તેમાં બુદ્ધિની અને વિચારની જ વિકૃતિઓ રહેલી છે. કદાચ ‘વાચાની વિકૃતિ’માં કેવળ શબ્દોચ્ચારણનું કઢંગાપણું નહિ પણ વાચાથી પ્રકટ થતા વિચારોનું કઢંગાપણું આવી જાય છે એમ કહી શકાશે, અને ‘વ્રીડા’માં બુદ્ધિની ન્યૂનતા રહેલી જ છે. માત્ર બેડોળ દેખાવ કે વૈકલ્યવાળા ઉચ્ચાર પ્રદર્શિત કરવાના હેતુથી જ્યાં દેખાવની કે શબ્દની વિકૃતિ રચવામાં આવે ત્યાં હાસ્ય બહુ ઊતરતા પ્રકારનું હોય છે. પણ એવા બેડોળપણાથી કે વૈકલ્યથી કોઈ જાતની મૂર્ખતા કે હીનતા દર્શાવવાનો હેતુ હોય ત્યાં હાસ્ય ચઢિયાતા પ્રકારનું હોય છે. કોઈ માણસ માત્ર કાણો દેખાવા સારુ પોતાની એક આંખ મીંચી કાણાનો ચહેરો કરે તેના કરતાં કોઈ અમુક કાણાની ખંદાઈ પ્રદર્શિત કરવા સારુ તેના જેવી કાણી આંખ અને તેના જેવો ચહેરો કરે તો હાસ્યરસ ઉપજાવવા તે વધારે સફળ થાય એ સ્પષ્ટ છે. એમ જ (જાણી જોઈ) લચકાતી જીભે તોતડું બોલવા કરતાં કોઈ અમુક તોતડાની ભાષાનું અનુકરણ કરી તેની મૂર્ખતા પ્રદર્શિત કરવી એમાં હાસ્યરસની વધારે સફળતા છે એ પણ સ્પષ્ટ છે.

અલબત્ત, આ રીતે અંગની વિકૃતિથી હાસ્ય ઉપજાવનારે એ પ્રયત્નમાં પોતે તિરસ્કારપાત્ર થવું ન જોઈએ. વિકૃતિ તેને વશ છે અને તે વિકૃતિને વશ નથી એ સૂચન કાયમ રહેવું જોઈએ. તેમ જ વિકૃતિ કેવળ અર્થ વગરની હોવી જોઈએ. કોઈ માણસ ગંભીર સભા વચ્ચે જીભ બહાર કાઢી, કાખલીઓ કૂટી કે ગુલાંટ ખાઈ હાસ્ય ઉપજાવવા પ્રયાસ કરે તો તે તિરસ્કારપાત્ર થાય, અને એવે સમયે જે હાસ્ય થાય તે દેખાવની વિકૃતિના દર્શનથી નહિ (બીજો કોઈ માણસ એવો બેડોળ હશે એવા સૂચનથી નહિ) પણ બુદ્ધિની વિકૃતિના દર્શનથી (આ ચેષ્ટા કરનાર મૂર્ખ હોઈ કેવી રીતે હાસ્ય ઉપજાવવું તે નથી જાણતો એવા સૂચનથી) થાય છે.

એ જ પ્રમાણે ખૂબી વગરની, અસ્થાને રચાતી વિસ્મયતાનાં ઉપર જે ઉદાહરણ આપ્યાં છે તે બુદ્ધિની વિકૃતિના દર્શનથી હાસ્ય ઉપજાવી શકે. ‘આંધળો કહે કે દોડતા જઈએ, પાંગળો કહે કે જોવા જઈએ.’ ‘આગિયા આગળ મહાસાગર શી વિસાતમાં!’ એવાં વિષમતાના સ્વરૂપના અજ્ઞાનથી રચાયેલાં વાક્ય કોઈ મનુષ્ય હાસ્યરસ ઉપજાવવા વાપરે તો તેની બુદ્ધિહીનતા જે વિકૃતિ દર્શાવે તેથી હાસ્ય થાય. પરંતુ, તેણે વર્ણવેલી સ્થિતિઓ હાસ્યરસ માટે જોઈતી વિષમતા ઉપજાવી શકે નહિ. ભાટ અને ચારણની સુપ્રસિદ્ધ વાર્તા પણ આ જ અંશો દર્શાવે છે. ચારણે ભાટની મશ્કરી કરી કે ‘ભાટ ભાટ ભાટુડી, કોટે બાંધી ચાટુડી;’ વાક્ય વડે પ્રાસના સામર્થ્યની ભાટની કોટે ચાટુડી બાંધવાની વાસ્તવિકતા દર્શાવી અને એ રીતે કોટ અને ચાટુડીનો સંબંધ નહિ છતાં સંબંધ બેસાડી તેણે વિષમતાનું દર્શન કરાવ્યું. ભાટે ઉત્તરમાં કહ્યું કે ‘ચારણ ચારણ ચારણીઓ, કોટે બાંધ્યું ઘંટીનું પડ.’ પ્રાસ બેઠો નહિ એમ તેને કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘ઘંટીને ભારે તો મરશે.’ આ રીતે હાસ્યવૃત્તિની ખામીને લીધે ભાટ હાસ્યરસ માટે જોઈતી વિષમતા વિનાનો થઈ પડ્યો. પરંતુ, તેની હાસહીનતા, તેની બુદ્ધિહીનતા ચારણની હાસકુશલતા સાથે સરખામણીમાં આવતાં હાસ્યમય વિષમતા ઉત્પન્ન થઈ. ભાટથી હાસ્યરસ ઉત્પન્ન થઈ ન શક્યો, પરંતુ, આખી વાર્તાના કહેનારથી હાસ્યરસ ઉત્પન્ન થઈ શક્યો. હાસ્યરસ ઉપજાવવામાં નિષ્ફળ જનાર પોતે હાસ્યપાત્ર થાય છે, અને, એવું હાસ્યપાત્ર ચિત્ર આપવાથી હાસ્ય ઉપજાવી શકાય છે. નાટકોમાં હાસ્યરસને ઠેકાણે થતી ઠઠ્ઠામશ્કરી અને ધપ્પાબાજી એ પ્રસંગો રચનાર ગ્રંથકર્તાને આ રીતે હાસ્યપાત્ર બનાવી હાસ્ય ઉપજાવે છે. વર્તમાનપત્રોમાં અને માસિકોમાં જુદાં જુદાં મથાળાંથી પ્રકટ થતા હાસ્યહીન નિષ્ફળ ‘ટુચકા’ પણ આ જ પરિણામ ઉપજાવે છે.

આ ઉપરથી એક બીજા અંશની આવશ્યકતા સમજાશે. તે અંશ તે કલ્પનાશક્તિ છે. બીજા રસોમાં કલ્પનાશક્તિ રસમય ચિત્ર શોભાવવામાં સહાયભૂત થાય છે. પણ, હાસ્યરસમાં તો હાસ્યના પ્રસંગો ઉદ્‌ભૂત કરવા સારુ કલ્પનાની જરૂર પડે છે. ઉદ્દીપનોનું હાસ્યરસમાં એટલા પ્રાધાન્યથી દર્શન થાય છે કે તે ઉદ્દીપનોને લાવીને હાજર કરનાર કલ્પના બહુ આગળ પડતી જણાય છે. આ કારણથી કલ્પનાને મહત્ત્વનો અંશ ગણી ફેડરિક હૅરિસન એવી વ્યાખ્યા કરે છે કે ‘હાસ તે સેમ્યુઅલ જોનસનના કહેવા પ્રમાણે “કઢંગી કલ્પના” છે. કઢંગી એટલે વિકૃત આકૃતિની, અસ્વાભાવિક, અર્થાત્‌ હાસ તે કલ્પનાનો વ્યાપાર છે. તે વ્યાપાર મનુષ્યના ભાવને કંઈક વિકૃત અંશ સાથે અથવા યોગ્ય પ્રમાણથી ઉલટાઈ ગયેલા અંશ સાથે દર્શાવે છે. અને એવા દર્શનથી તત્કાલ રમૂજ ઊપજે છે. એ વૃત્તિ કલ્પનાશીલ હોવી જોઈએ, એ વૃત્તિ મનુષ્યભાવના દૃઢ પાયાએ જઈ અટકવી જોઈએ, તેનાથી વિનોદની ઉત્પત્તિ થવી જોઈએ, ક્રોધની કે તિરસ્કારની ઉત્પત્તિ થવી ન જોઈએ.’ (સ્ટડીઝ ઇન અર્લી વિકટોરિયન લિટરેચર.)

કલ્પનાના આ પ્રાધાન્યથી હાસ્યપ્રસંગોની નવીનતા જળવાય છે, અને, હાસ્યરસ અનેક પ્રકારે ઉત્પન્ન થઈ શકે છે. જૂની મશ્કરીઓ વાસી અને લૂખી લાગે છે તે હકીકત નવીનતાની જરૂર બતાવે છે. રસમાત્રમાં રમણીયતા માટે જે નવીનતાની આવશ્યકતા છે તેને હાસ્યરસમાં વિશેષ કરી આગળ પડતી કરવાનું સામર્થ્ય કલ્પનાથી સાધ્ય થાય છે, હાસ્યપ્રસંગોના આ બાહુલ્યને લીધે હાસ્યરસની વ્યાખ્યા કરવી મુશ્કેલ થઈ પડે છે, એમ દા. બૅરો ધારે છે, અને તે કહે છે, ‘વક્તવ્ય વસ્તુ તે શી છે અને આ વિનોદમયત્વનો અર્થ શો છે એમ પ્રશ્ન આપવામાં આવે તો માણસની વ્યાખ્યા આપનારને ડીમોક્રિટસે કહ્યું હતું તેમ હું કહું કે “આપણે સહુ જોઈએ છીએ અને જાણીએ છીએ તે એ છે.” હું વ્યાખ્યા કરું તેના કરતાં પરિચયથી એ વસ્તુ વધારે સારી રીતે સમજાય તેવી છે. ખરેખર, એ વસ્તુ એવી પરિવર્તન પામનારી અને અનેક રૂપની છે, તે એવા વિવિધ આકારે, એવા વિવિધ ડોળે, એવા વિવિધ વેષે દેખા દે છે, જુદી જુદી નજરે અને જુદી જુદી બુદ્ધિએ તે એવી એવી જુદી જુદી જાતની માલૂમ પડે છે કે તેનું સ્પષ્ટ અને ચોક્કસ સ્વરૂપ નક્કી કરવું તે ઘડી ઘડી આકૃતિ બદલતા પ્રોટીઅસની છબી કાઢવા જેવું કે ઝડપથી વહી જતા વાયુની આકૃતિની વ્યાખ્યા કરવા જેવું કઠિન છે. કોઈ વેળા ખરા જોગ વખતે જાણીતી વાર્તાના ઉલ્લેખમાં એ વસ્તુ (હાસ્ય) રહેલી હોય છે, અથવા નજીવી ઉક્તિ પ્રસંગાનુસાર લાગુ પડવાથી તે (વસ્તુ) થાય છે, અથવા નવી વાત સમયોચિત જોડી કાઢવાથી થાય છે; કોઈ વેળા દ્વિઅર્થીપણાનો કે અવાજના સરખાપણાનો લાભ લઈને તે શબ્દોના અને પદાવલીઓના ખેલ કરે છે; કોઈ વેળા સુપ્રકાશિત વાક્યનો પોશાક તેને વીંટળાયેલો હોય છે, કોઈ વેળા વિચિત્ર ઉપમા પાછળ તે સંતાયેલી હોય છે, કોઈ વેળા તે વંચનાવાળા પ્રશ્નમાં ગોઠવાયેલી હોય છે; કોઈ વેળા ચતુર માર્મિક ઉત્તરમાં કે ઉડાઉ કારણમાં કે સૂક્ષ્મમતિવાળા ઇશારામાં કે પેચથી વાંધો કાઢી નાખવામાં કે ખબરદારીથી વાંધો પાછો ઉપસ્થિત કરવામાં તે સમાયેલી હોય છે; કોઈ વેળા બોલી જવાનાં વચન હિમ્મતથી ઘડી કાઢવાની યોજનામાં તેનો નિવાસ હોય છે, કોઈ વેળા તીવ્ર કરડાકીમાં, કે આડંબરભરેલી અતિશયોક્તિમાં કે અજાયબીથી ચમકાવે એવા રૂપકમાં, કે વિરોધના સમાધાન માટે રજૂ કરેલા ઉપર ઉપરથી ખરા દેખાય એવા ખુલાસામાં કે કેવળ અર્થહીન પ્રલાપમાં તેનું સ્થાન હોય છે. કોઈ વેળા માણસોનો કે પદાર્થોનો દેખાવ કરી બતાવવાથી તેનો પ્રસંગ આવે છે; કે તરકટી બોલીથી કે નકલી શિકલથી અથવા ચેષ્ટાથી તેનો અવસર આવે છે. કોઈ વેળા સાદાઈના ઢોંગથી, કોઈ વેળા ગુમાનીભરેલી તોછડાઈથી તેનો ઉદ્‌ભવ થાય છે. કોઈ વેળા ફક્ત વિલક્ષણ વાત ઉપર સુભાગ્યે ચોટ લાગી જવાથી તેની ઉત્પત્તિ થાય છે; કોઈ વેળા ચોખ્ખી બાબતને પ્રસ્તુત પ્રયોજન સારુ કુટિલતાથી મરડવાથી તેનો ઉદય થાય છે. ઘણી વેળા તો તેનો સમાવેશ શેમાં થયો છે તેની ખબર નથી પડતી અને તે શી રીતે ઉત્પન્ન થાય છે તે કહી શકાતું નથી. તેના પ્રકાર અચિન્ત્ય અને અકથ્ય છે; કલ્પનાતરંગનાં અસંખ્ય ભ્રમણ અને વાણીનાં અસંખ્ય ચક્રને અનુસાર એ પ્રસંગ હોય છે.’ (સર્મન્સ.) દા. બૅરોએ કહેલા આ અનેક પ્રકાર તે હાસ્યના જુદા જુદા અંશ નથી. કલ્પનાના અંશમાં તે સર્વનો સમાવેશ થાય છે, અને કલ્પના કેવા ભિન્ન ભિન્ન માર્ગે પ્રકટ થઈ નવીનતાની સિદ્ધિ કરે છે તેનું એ વર્ણનથી દર્શન થાય છે.

ઉપર ગણાવેલા પ્રકારમાંથી થોડાનાં ઉદાહરણ શોધી કાઢી તે ઉપર દૃષ્ટિ કરીશું તો હાસ્યરસમાં કલ્પના કેવી સહાયભૂત થાય છે તે વધારે પ્રત્યક્ષ થશે.

‘(દુષ્ટરાય-) “ઠીક છે ત્યારે. જોજો આજ બંદાનાં પરાક્રમ. પણ તમે યાદ રાખજો હોં!”

“હા હાઃ” કરી નરભેરામ મનમાં બોલ્યોઃ “અડચણ પડે તો મને કહેજો. હું હાથીને શિયાળવે કહ્યું હતું તેમ કહીશ, ‘ભગવન્‌ મમ પુચ્છકાવલંબનં કુરુ’ – ભાઈપૂંછડું પકડો મારું.”

સરસ્વતીચંદ્ર, ભાગ ૧.

અહીં હાથીને છેતરી કાદવમાં નાખનાર શિયાળની વાતનો પ્રસંગોપાત્ત ઉલ્લેખ કરી દુષ્ટરાય ફસાયા પછી તેની હાથી સરખી અસહાયતા નરભેરામ પોતાના મનમાં કલ્પે છે અને તેની એવી દશાના દર્શનથી વિનોદ પ્રાપ્ત કરે છે.

‘લેઉઆ કુળ ઊજળાં, કંકુવર્ણાં ગાત્ર;
જેની ફુંકે ઉંટ ઉડે, માનવિ કોણ જ માત્ર.”
પટેલપોથી.

લેઉઆ પાટીદારોની ફૂંકથી ઊંટ ઊડી જાય એમ કહેવામાં તેમની કાંઈ સ્તુતિ નથી. અને આ ઉટંગ અલંકારની કલ્પના અજાયબીથી ચમકાવી હાસ્ય ઉત્પન્ન કરે છે.

‘ભોળાભટ-(માર વાગતાં) ઓ મારા બાપલા રે! અરરર! ઓ મારા દાદા! ખોદાને માટે જવા દો રે! ઓરે મિયાં સાહેબ, હું વૈદ છું. - જોશી છું- ગાંધી છું - ગવંડર છું - હજામ છું - કલેક્ટર છું - મોચી છું - જે કહો તે છું.’

ભટનું ભોપાળું.

ભોળાભટ વૈદ નહિ છતાં વૈદ હોવાનું કબૂલ કરે તે સારુ તેને માર પડે છે ત્યારે ‘ખોટું કહેવું હોય તો તો ‘જે કહો તે છું’ એમ સૂચવી એવી કબૂલતાની હાસ્યપાત્રતા દર્શાવવા માટે ‘ગાંધી’, ‘ગવંડર’, ‘હજામ’ વગેરે જાતજાતની પાયરીઓ બોલી જવાની હિંમતથી ઘડી કાઢેલી યોજના કલ્પનાનો પ્રભાવ બતાવે છે.

‘સિદ્ધરાજ – પ્રધાનજી, સેના સજ કરો, સોરઠ જઈએ.

રંગલો – કુંભારની ઝૂંપડીમાં તારી સેના કેમ માશે! ઘોડાનો ત્યાં ખપ નથી.

સિદ્ધરાજ – કેમ ઘોડાનો ખપ નથી, અલ્યા રંગલા ?

રંગલો – કુંભારને ત્યાં ગધેડાં ઘણાં છે, તે પર સ્વારી કરજો; તમારી એ નવી રાણી તો બેસતાં શીખી હશે.’

ભવાઈસંગ્રહ.

રાણકદેવીને પોતાની રાણી બનાવવા આતુર થયેલા સિદ્ધરાજને, કુંભારને ઘેર જતાં, ગધેડાંનો ઉપયોગ કરનાર કુટુંબનો પરિચય થશે એવી તીવ્ર કરડાકી ગધેડા પર બેસતી રાણકદેવીની કલ્પના કરી રંગલો પ્રકટ કહે છે અને એ રીતે હાસ્ય ઉત્પન્ન કરે છે.

‘બાદશાહ – (ગુસ્સે થઈને) લઉઆ! તારા અને ગધેડા વચ્ચે કેટલું છેટું?

લઉઓ – (પોતાની અને બાદશાહની વચ્ચેનું અન્તર વેંતથી માપીને)

જહાંપનાહ! ચાર વેંતનું.’

અહીં સ્પષ્ટ રીતે ઉદ્દિષ્ટ કરેલા બુદ્ધિના અંતરને દિશાના અંતરના અર્થમાં કુટિલતાથી મરડવાની કલ્પનાથી અને અંતર માપવાની નકલી ચેષ્ટા કરનારની કલ્પનાથી હાસ્યનો ઉદ્‌ભવ થાય છે.

‘સરસમાં સરસ જમણમાં છે વેઢમી,
ઇઝ ઇટ ધિસ ડૉગ ઑર ધૅટ કૅટ ટેલ મી.’
દલપતરામ

‘વેઢમી’ સાથે ‘ટેલ મી’નો પ્રાસ મેળવવા સારુ વેઢમીની વાનીના વખાણ સાથે હાવર્ડકૃત પ્રાઇમરમાંનું ‘Is it this dog or that cat tell me’ એ વાક્ય ગોઠવ્યાથી કેવળ અર્થહીન પ્રલાપ થાય છે અને એવી અર્થહીનતા આણવાની કલ્પના હાસ્યને પ્રદીપ્ત કરે છે.

‘દ્રષ્ટું ચિત્રવિચિત્રિતાં તરુલતાં બંદા ગયા બાગમેં. |’
‘અલ્લાતાલાપ્રસાદેન સર્વકાર્ય ફતેહવત્‌ |’

આવી ભાષાઓની ભેળસેળ વાણીનાં ચક્ર ફેરવવાની કલ્પનાથી રચાય છે, અને, એ ચક્ર ફરવાની સાથે હાસ્ય ઉત્પન્ન થાય છે.

કલ્પનાના પ્રભાવને સીમા નથી, અને, કલ્પના કેવા કેવા હાસ્યપ્રસંગો રચી શકે તેમ છે તેની સંપૂર્ણ ગણના થઈ શકે તેમ નથી. પરંતુ, આ નમૂના ઉપરથી આ વિષયના કલ્પનાવ્યાપારનું સ્વરૂપ કળી શકાશે. અલબત્ત, એ નમૂનામાં હાસ્યના બીજા અંશો પણ વિદ્યમાન છે, કેમ કે, એકલા કલ્પનાવ્યાપારથી હાસ્યનો ઉદ્‌ભવ થતો નથી, પણ, તેની સાથે વિષમતા, આશ્ચર્ય વગેરે ઉપર કહેલા અંશની પ્રવૃત્તિ હોય છે ત્યારે તેનો ઉદ્‌ભવ થાય છે.

પ્રો. હેન્ની બર્ગસને “લાફટરઃ એન એસે ઑન ધ મીનિંગ ઑફ ધ કૉમિક” (ફ્રેંચ ઉપરથી અંગ્રેજી ભાષાંતર કરનાર કલાઉડ્‌સલી બ્રેસ્ટન અને ફ્રેડ રૉથવેલ, સને ૧૯૧૧) નામના પુસ્તકમાં દર્શાવેલા કેટલાક વિચાર ઉપરના નિરૂપણથી કેટલીક રીતે જુદા પડે છે; અને, આગળ વધતાં પહેલાં તે વિશે અહીં કેટલુંક વિવેચન કરીશું. પ્રથમ તો, પ્રો. બર્ગસન કહે છે કે જ્યાં માનવ અંશ ન હોય ત્યાં હાસ્યરસ હોઈ શકતો નથી. અર્થાત્‌ માણસ સિવાય બીજા કોઈ વિશે હાસ્ય ઉત્પન્ન થઈ શકતું નથી. કુદરતનો કોઈ દેખાવ સુંદર હોય, ઉન્નત હોય, કદરૂપો હોય, પણ હસવા સરખો હોઈ શકે નહિ. કોઈ પશુને જોઈ આપણને હસવું આવે તો માણસના સરખી કાંઈ અંગસ્થિતિ કે મુખમુદ્રા તે પશુમાં દેખાઈ હોવી જોઈએ. કોઈ પાઘડી જોઈ હસવું આવે તો તેમાંના વસ્ત્રથી રમૂજ થતી નથી, પણ, માણસે તેની કેવી આકૃતિ કરી છે અને માણસનો કેવો તુરંગ તે આકૃતિથી પ્રકટ થાય છે એ જોઈ રમૂજ થાય છે. આ કારણથી, પ્રો. બર્ગસન કહે છે કે જેમ ‘હસતું પ્રાણી તે મનુષ્ય’ એવી વ્યાખ્યા થાય છે તેમ ‘હાસ્યપાત્ર પ્રાણી તે મનુષ્ય’ (‘Man is an animal which is laughed at’) એવી વ્યાખ્યા પણ થઈ શકે. હાસ્યરસમાં માનવ અંશ જોઈએ એ ખરું છે, પરંતુ, પ્રો. બર્ગસનના મતનું તાત્પર્ય એમ હોય કે એકલા હાસ્યરસમાં જ માનવ અંશ આવશ્યક છે તો તે ખરું નથી. શૃંગારરસમાં પણ માનવ અંશ એવી જ રીતે આવશ્યક છે. સ્ત્રી પુરુષ સિવાય શૃંગારરસ હોઈ શકતો નથી. સારસ, મોર, કબૂતર વગેરે પક્ષીઓના વૃત્તાન્તમાં શૃંગારરસ હોવાની કલ્પના થાય છે તે માત્ર મનુષ્યના ભાવનું આરોપણ હોય છે. એ પક્ષીઓમાં નરમાદા વચ્ચે પ્રેમ હોવો જોઈએ એમ અનુમાન થઈ શકે છે. તેમનાં મન કે લાગણીઓ ખરેખરી રીતે જાણવાનાં સાધન મનુષ્યને હાથ લાગ્યાં નથી, તો પણ એ અનુમાન ખરું લાગે છે. તથાપિ, તેમનાં ચિત્તમાં રતિ સરખો સ્થાયીભાવ છે અને તેઓ કવિત્વમય શૃંગારરસનો સાક્ષાત્કાર કરે છે એમ માનવાનું કાંઈ કારણ નથી. તેમના પ્રસંગમાં કલ્પાતો શૃંગારરસ તે માત્ર તેમના પ્રેમ ઉપર રચાયેલા મનુષ્યભાવનું ચિત્ર હોય છે. સમુદ્ર અને નદી વચ્ચે કાન્ત-કાન્તાનો સંબંધ કલ્પાય છે તે તો પ્રેમના અસ્તિત્વ રૂપી પાયા વગરનું માત્ર રૂપક જ હોય છે. એ જ પ્રમાણે કરુણરસ, વીરરસ, રૌદ્રરસ વગેરે અધિષ્ઠાન પણ મનુષ્યમાં જ થઈ શકે છે. માણસો જ શોક કરતા, ઉત્સાહથી પરાક્રમ કરતા કે ક્રોધ કરતા હોઈ શકે છે. કદાચ એમ કહેવામાં આવશે કે અદ્‌ભુતરસ તથા ભયાનકરસ માનવ અંશ વિના ઉદ્‌ભૂત થઈ શકે છે, કેમ કે જડ પ્રકૃતિમાં પણ એ રસના સ્થાયીભાવ વિસ્મય અને ભયનાં સ્થાન જોવામાં આવે છે. સાગરનો વિસ્તાર કે પર્વતની ઊંચાઈ જોઈ વિસ્મય લાગે છે, અને, પર્વતના કોતર કે જંગલનો દવ જોઈ ભય લાગે છે, એ ખરું છે. પરંતુ, વિસ્મય અને ભય માણસને જ હોઈ શકે છે, સાગરને કે પર્વતને કે જંગલને એ ચિત્તવૃત્તિઓ હોઈ શકતી નથી. વૃત્તિઓ અનુભવનાર માણસ ન હોય તો પ્રકૃતિના એ પદાર્થોમાં પોતાનામાં વિસ્મય કે ભય વસેલા છે એમ કલ્પી શકાતું નથી. તેથી, માનવતાનો આ અંશ હાસ્યરસની વ્યાખ્યા કરવામાં સહાયભૂત થતો નથી. પ્રો. બર્ગસન બીજો અંશ એ દર્શાવે છે કે હાસ્યને પ્રસંગે લાગણીનો અભાવ હોવો જોઈએ. તેઓ કહે છે કે માણસનું ચિત્ત જ્યારે સર્વશઃ શાન્ત અને અક્ષુબ્ધ હોય ત્યારે જ હાસ્યરૂપી વિકૃતિ થઈ શકે છે. તેમના મતનો ભાવાર્થ એ છે કે હાસ્યપાત્ર મનુષ્ય તરફ આપણને સમભાવ ન હોય, તેની લાગણી સરખી આપણી લાગણી ન હોય અને તેના તરફ આપણે બેદરકાર હોઈએ ત્યારે જ આપણને તેને સંબંધે હાસ્યની વૃત્તિ થઈ શકે.

લાગણીના અભાવનું ઉદાહરણ પ્રો. બર્ગસન આ પ્રમાણે દર્શાવે છે. જનસમાજના અમુક મંડળમાં જે જે વચનો બોલાતાં હોય અને જે જે કૃતિઓ થતી હોય તેમાં આપણું મન આપણે પરોવીએ. તે મંડળમાંના જે મનુષ્યો કૃતિઓ (કાર્યો) કરતા હોય તેમની સાથે પ્રવૃત્તિ કરી આપણે પણ તે કૃતિઓ કરીએ છીએ એમ આપણા મનમાં કલ્પીએ; અને તે મંડળમાંનાં જે મનુષ્યોને લાગણીઓ થતી હોય તેમની સાથે દિલસોજી ધરાવી આપણે પણ તે લાગણીઓ અનુભવીએ; આવી સ્થિતિમાં આવતાં તે મંડળમાંની દરેક વાત આપણને મહત્ત્વની લાગશે, છેક નજીવી વાત પણ ધ્યાન આપવા લાયક જણાશે, બધે ખેદભરેલી ચિંતાનું આવરણ પસરેલું લાગશે, અને મંડળમાંનું કાંઈ પણ હસવા સરખું નહિ લાગે. ત્યારબાદ, હવે આપણી કલ્પના બદલી એ સમભાવની વૃત્તિમાંથી આપણે ખસી જઈએ. લાગણીઓ અનુભવ્યા વિના માત્ર આઘા ઊભા ઊભા આપણે એ મંડળના વૃત્તાન્તનું નિરીક્ષણ કરીએ એવી સ્થિતિમાં આવતાં, એ મંડળમાંના ઘણા બનાવો આપણને ક્ષુલ્લક અને હસવા સરખા લાગશે. લાગણી હતી ત્યારે એની એ વસ્તુઓ આપણે ગંભીર વૃત્તિથી જોતા હતા, અને લાગણીને અભાવે આપણને એ વસ્તુઓ તરફ હાસ્યવૃત્તિ થાય છે.

બીજું ઉદાહરણ તેઓ નૃત્યનું આપે છે. સંગીત થતું હોય અને તેના તાલ પ્રમાણે સ્ત્રીપુરુષો નૃત્ય કરતાં હોય તેવે પ્રસંગે કાન બંધ કરી આપણે પોતાને સંગીતનું શ્રવણ થવા ન દઈએ તો નૃત્ય કરનાર સર્વે જનો આપણને હાસ્યપાત્ર ભાસશે એમ તેઓ કહે છે.

આ ઉપરથી પ્રો. બર્ગસન એ અનુમાન ફલિત કરે છે કે હૃદય ક્ષણભર બહેર મારી ગયું હોય એવી સ્થિતિ (anesthesia) થઈ હોય ત્યારે જ હાસ્યનો ઉદ્‌ભવ થઈ શકે છે; અને હાસ્ય તે કેવળ બુદ્ધિનો વિષય છે, લાગણીનો વિષય નથી.

અહીં પ્રો. બર્ગસન ભાવ અને સમભાવ વચ્ચેના–લાગણી અને દિલસોજીની લાગણી વચ્ચેના–ભેદની અવગણના કરે છે અને તેથી આવું ભૂલભરેલું અનુમાન બાંધે છે. આપણા હૃદયમાં હાસ્યપાત્ર મનુષ્ય તરફ સમભાવ ન હોય ત્યારે બીજા ભાવ હૃદયમાં હોઈ શકે છે. તેના તરફ દિલસોજીની લાગણી ન હોય ત્યારે બીજી લાગણી હોઈ શકે છે. સમભાવનો અભાવ તે ભાવમાત્રનો અભાવ નથી. દિલસોજીની લાગણી તે ઘણી લાગણીઓમાંની એક લાગણી છે. પરંતુ, પ્રો. બર્ગસન એમ કલ્પે છે કે જેને વિશે હસવું આવે તેના તરફ આપણને સમભાવ ન હોય ત્યારે આપણું હૃદય ભાવશૂન્ય હોવું જોઈએ, તેની લાગણીની આપણને કદર ન હોય ત્યારે આપણું હૃદય લાગણી વગરનું અને બહેર મારી ગયેલું હોવું જોઈએ. આ કલ્પના નિરાધાર છે. હસવા સરખી સ્થિતિમાં આવી જનાર માણસ તરફ આપણને સમભાવ હોય, દિલસોજી હોય, તો આપણને હાસ્યની વૃત્તિ ન થાય એ ઉપર પ્રથમ કહ્યું છે, તેથી, હાસ્યની વૃત્તિ થવા સારુ સમભાવનો-દિલસોજીનો- અભાવ આવશ્યક છે એ ખરું છે. પરંતુ, હાસ્યની વૃત્તિ એ જાતે જ એક ભાવ છે. સ્થાયીભાવ રૂપે ચિત્તમાં વસેલી હાસવૃત્તિને અનુકૂળ પ્રસંગ મળતાં તે વડે હાસ્યરસની નિષ્પત્તિ થાય છે એ વિશે પ્રથમ વિવેચન કર્યું છે તે પરથી સમજાશે કે એ સમયની સ્થિતિ ભાવહીન નહિ પણ ભાવમય હોય છે. હાસ્યનું પૃથક્કરણ કરતાં અમુક પ્રકારના ભાવનું સંચલન એ જ કારણભૂત જણાય છે. બીજી કોઈ રીતે હાસ્યનો ખુલાસો થતો નથી. હાસ્ય જો રસ છે તો તેમાં ભાવ હોવો જ જોઈએ. લાગણી વગર રસની નિષ્પત્તિ થઈ શકતી નથી. સંઘટ્ટન, ચઢિયાતાપણું, આશ્ચર્ય, તાત્કાલિકતા, એ વગેરે અંશો ઉપર વર્ણવ્યા તે સર્વ ભાવના અસ્તિત્વની સાક્ષી પૂરે છે, એ સહુ હૃદયમાં થઈ આવેલી લાગણીની હકીકત બતાવે છે. હાસ્ય જો લાગણીનો વિષય ન હોય અને બુદ્ધિનો વિષય હોય તો ક્યારે હસવું અને ક્યારે ન હસવું તેનો આધાર આપણી ખુશી પર હોય, હસવું કે ન હસવું એ આપણે વિચાર કરીને નક્કી કરી શકીએ, અને હાસ્ય તે ગંભીર મનનને પરિણામે ઉત્પન્ન થાય. પરંતુ, માણસ માત્રનો અનુભવ તેથી ઊલટો છે. આપણે જાણીએ છીએ કે હસવું ન હસવું એ આપણી ખુશીની વાત નથી. આપણે હસીએ છીએ ત્યારે હાસ્યરસને વશ હોઈએ છીએ, લાગણી થતાં ચિત્તક્ષોભ થાય છે તે દાબી રાખી શકાતો નથી અને તેને પરિણામે આપણે હસીએ છીએ. આ હસવા જેવું છે કે નહિ એવો વિચાર કરીને હસી શકાતું નથી. અને જે વિચારમાં પડી જાય છે તે હાસ્યવિમુખ થઈ જાય છે. જેના હૃદય ઉપર અસર થાય, જેને લાગણી થાય, તે જ હાસ્યનો અનુભવ કરી શકે છે.

પ્રો. બર્ગસને આપેલાં ઉદાહરણોની પરીક્ષા કરીશું તોપણ આ જ અનુમાન નીકળશે. અમુક જનમંડળમાંની લાગણીઓ અને કૃતિઓ સાથે આપણી દિલસોજી હોય ત્યાં સુધી તેમાં રહેલી હાસ્યતા આપણને ન સમજાય એ ખરું છે. ઘોડિયામાં સૂતેલી છોકરીઓને ફૂલના દડા સાથે પરણાવીને પછી તે દડાને કૂવામાં નાંખી એવી છોકરીઓને વિધવા થયેલી ગણવાનો કડવા કણબીઓનો રિવાજ હસવા સરખો છે એમ જેઓ કડવા કણબી ન હોય તેમને જ લાગે છે, અથવા જે કડવા કણબીઓનું દિલ એ રિવાજ ઉપરથી ઊઠી ગયું હોય તેમને જ લાગે છે, બાકીના કડવા કણબીઓને એ રિવાજ અભિમાનથી સાચવી રાખવા જેવો લાગે છે. ‘પામેલી જણે ને પોમલો સુવાવડ ખાય’ એ રિવાજની હાસ્યતા એ મંડળ બહારનાને જ સમજાય છે. માથા પરની ચોટલીઓ દોરડા પેઠે વળ દઈને લાંબી ગૂંથવામાં આબરૂ છે એમ ચીનાઓને લાગતું હતું. એ વિચાર અને દેખાવ હસવા સરખા છે એમ બીજી પ્રજાઓને લાગતું હતું, તેમ તેમને લાગતું નહોતું. પણ, મંચુ રાજકુટુંબ તરફનો પૂજ્યભાવ ઊઠી જતાં ચીનાઓએ પોતે જ એવી ગૂંથેલી ચોટલીઓ કાપી નાખવા માંડી છે. આ રૂઢિઓ આપણને હસવા સરખી લાગે ત્યારે આપણું હૃદય બહેર મારી ગયેલું હોય એમ આપણે કદી કબૂલ કરી શકીશું નહિ. હૃદયને ખુશાલીની મઝા સમજાય એવી સ્થિતિમાં આપણે છીએ, હૃદય લાગણીથી પીગળે અને રમૂજ મેળવી શકે એવી વૃત્તિમાં આપણે છીએ, તેથી આપણને હાસ્યની કદર થાય છે, એમ આપણને લાગે છે. કદાચ, એમ કહેવામાં આવશે કે બુદ્ધિનો વિચાર કરતાં એ રૂઢિઓને આપણે અનિષ્ટ ગણીએ છીએ માટે તેને હસીએ છીએ, પરંતુ, વાસ્તવિક રીતે હાસ્યતાનો આધાર અનિષ્ટતા પર રહેલો નથી. ચીનાઓની ચોટલીઓમાં અનિષ્ટતા કંઈ નથી, એથી માથાને નુકસાન થાય છે એવું આપણે જાણતા નથી કે માનતા નથી. માત્ર એવી ચોટલીઓના આકારની વિલક્ષણતા અને એવી ચોટલીઓ માટેના આદરની વિચિત્રતા હાસ્ય ઉત્પન્ન કરે છે. પોમલા સુવાવડ ખાય તેથી તેમને કાંઈ હાનિ થતી નથી. અને પ્રસૂતિ પછી તરત બહાર ફરી શકે અને કામ કરી શકે એવા શરીરબળવાળી પોમલીઓને કાંઈ હાનિ થતી હોય એમ લાગતું નથી. માત્ર જન્મેલા બાળકની માવજત માને બદલે બાપ કરે અને સુવાવડમાં શરીરરક્ષણ માટે ઘેર સૂઈ રહેવાનો મા માટેનો નિયમ વિના કારણ બાપ પાળે એ ઊલટસૂલટપણું હાસ્યજનક થાય છે. બાર વર્ષે એક વાર લગ્ન કરવાનો કડવા કણબીઓનો રિવાજ ઘણો અનિષ્ટ છે અને એ રિવાજને લીધે ફૂલના દડા સાથે લગ્ન કરવાની રીત નીકળી છે એ ખરું છે, પરંતુ, હાસ્યના ફૂલના દડાને વર ગણવામાં અને તેનું મરણ થયેલું માનવામાં રહેલી છે. આવાં લગ્નથી પરિણામે સંસારમાં ઊપજતી અનિષ્ટતા વિશેના વિચારથી ખેદ થાય છે, હાસ્ય થતું નથી.

નૃત્યનું પ્રો. બર્ગસને જે ઉદાહરણ આપ્યું છે તેના સરખું બીજું ઉદાહરણ કલ્પીશું. ઇનસાફની અદાલતમાં કે મહત્ત્વના વિષય પર વિચાર કરવા મળેલી જાહેર સભામાં સામસામાં ભાષણ થતાં હોય અને મનુષ્યોને થતી જુદી જુદી વૃત્તિઓ અને લાગણીઓ પ્રમાણે તેમની મુખમુદ્રા અને ચેષ્ટા બદલાતી હોય, તે વેળા અદાલતનાં કે સભાનાં બારીબારણાં બધી તરફથી બંધ હોય અને કાંઈ પણ અવાજ બહાર સંભળાતો ન હોય, તેવે પ્રસંગે આ બધો વ્યવહાર શાનો છે તે ન જાણનાર કોઈ અજાણ્યો માણસ એકાએક આવી ચઢે અને બહારથી બારીબારણાંના કાચમાંથી એ દેખાવ જુએ તો અંદરના માણસો મૂર્ખાઈ ભરેલા ચાળા કરે છે એમ તેને લાગે અને એ મૂક અભિનય જોઈ તેને હસવું આવે. અંદરનાં માણસોની લાગણીઓ તે નથી અનુભવતો તેથી તેને હસવું આવે છે એ ખરું છે. તેમજ નૃત્યના ઉદાહરણમાં વર્ણવેલી સ્થિતિમાં સંગીતથી સૂચવાતા ભાવના અનુભવથી રહિત હોવાથી આપણે એ નૃત્ય કારણ વિનાનું અને હાસ્યપાત્ર ધારીએ છીએ એ ખરું છે. એ ઉદાહરણોમાં વર્ણવેલા માણસોની લાગણીઓ જેઓ જાણતા હોય, તેમની સાથે તેમના જેવી લાગણીઓથી જેઓ અનુભવતા હોય અને તેમની પેઠે એ લાગણીઓથી જેઓ ઉશ્કેરાયેલા હોય, તેમને હસવાનું કારણ ન જણાય એ પણ ખરું છે. પરંતુ, એ લાગણીઓથી અજાણ્યા હોઈ જેઓ અર્થહીન ચેષ્ટાને હસે છે. તેઓ યોગી સરખી અક્ષુબ્ધ ભાવહીન સ્થિતિમાં હોતા નથી. આશ્ચર્યથી એકાએક ચકિત થઈ તેઓ ક્ષુબ્ધ થયેલા હોય છે, હાસ્યની લાગણીઓથી તેઓ ઉશ્કેરાયેલા હોય છે. એ મનુષ્યો આવું શા માટે કરતા હશે એવો વિચાર જે કરવા માંડે તેનું ચિત્ત એ ચેષ્ટાનું કારણ ખોળવામાં ગૂંથાય અને તેવી સ્થિતિમાં હાસ્યની લાગણી લુપ્ત થઈ જાય. ખરેખરી રીતે જોતાં, આવે પ્રસંગે વિચારવંત સ્થિતિ હોય તો હસવું આવે જ નહિ, કેમ કે માણસો નિષ્પ્રયોજન ચેષ્ટા કરે નહિ એવો ખ્યાલ એવી સ્થિતિમાં આવે. જેમણે કોઈ વાર સંગીત સાથે થતું નૃત્ય જોયેલું હોય અથવા ઇન્સાફની અદાલતમાં કે જાહેર સભામાં જઈ ત્યાંના સંભાષણ સાંભળેલાં હોય અને હકીકત જોયેલી હોય તેમને તો મૂક ચેષ્ટા જોઈ તરત તે બનાવોનું સ્મરણ થાય અને હાસ્યની લાગણી થાય નહિ. જેઓ આમાંના કોઈ પ્રકારે વિચારપરાયણ ન થાય તેમને જ હાસ્યની વૃત્તિ થાય. આમ સર્વ રીતે હાસ્ય બુદ્ધિનો વિષય નથી, પણ લાગણીનો વિષય છે; વિચાર (thought)ને પરિણામે હાસ્ય થતું નથી, પણ વિકાર (emotion)ને પરિણામે હાસ્ય થાય છે.

પ્રો. બર્ગસન ત્રીજો અંશ એ બતાવે છે કે હાસ્યવૃત્તિમાં સામાજિક સંબંધ આવશ્યક છે, અર્થાત્‌ જેને હાસ્ય થાય તે પોતાને અમુક જનસમાજમાંનો કે મંડળમાંનો માનતો હોય એ જરૂરનું છે. તેની એવી માન્યતા હોય ત્યારે જ તેને હાસ્ય થાય છે. ‘હું અને મારા સમાજ કે મંડળમાંના બીજાઓ અમુક વૃત્તિવાળા છીએ. અમને અને બધાને આ પ્રસંગે હસવું આવે કે હાસ્યતા લાગે એમ છે.’ એવી ચિત્તાવસ્તા એ પ્રસંગે હંમેશ હોય છે. બીજાઓથી જુદા પડી ગયેલા માણસને હાસ્યની વૃત્તિ થતી નથી. આનું કારણ પ્રો. બર્ગસન એ દર્શાવે છે કે મનુષ્યસ્વભાવ એવો છે કે હાસ્ય વખતે પડઘાની જરૂર લાગે છે, હસનારને હાસ્યના પ્રસારની અપેક્ષા રહે છે, બીજાઓ પણ આ વેળા હસી રહ્યા છે એવી ધારણા પોતાના હાસ્યના આધાર માટે તેનું ચિત્ત સ્વીકારી લે છે. ઉદાહરણાર્થે તેઓ કહે છે કે કોઈ માણસો આગગાડીમાં મુસાફરી કરતાં વાતો કરી હસતા હોય તે વેળા તેમનાથી દૂર બેઠેલા મુસાફરને હસવું ન આવે, પણ, તેમનામાં જઈને તે ભળે તો તેને એ વાતોથી હસવું આવે. તેમ જ, નાટકશાળામાં જેમ શ્રોતામંડળનો જમાવ વધારે હોય તેમ હાસ્ય વધારે નિરંકુશ થઈ પ્રવર્તે છે.

હાસ્યપ્રસંગમાં આવો સામાજિક સંબંધ હોય છે એ પ્રો. બર્ગસનનો મત સ્વીકારવા યોગ્ય છે. એવે પ્રસંગે સામસામી આવેલી સ્થિતિઓની વિષમતા વિશે ઉપર જે વિવેચન કર્યું છે તેથી એ સામાજિક સંબંધનું કારણ સમજાશે. સામસામી આવેલી સ્થિતિઓ એના એ વિષયની છતાં તેમાંની એક સ્વાભાવિક તથા યથાયોગ્ય છે અને બીજી વિલક્ષણ તથા તરેહવાર છે એમ હસનારને લાગે છે; અને, તે સાથે પોતે એમાંની સ્વાભાવિક તથા યથાયોગ્ય સ્થિતિ પારખી શકે તથા સાચવી શકે તેમ છે અને તે કારણથી સામી સ્થિતિવાળા કરતાં પોતાનામાં એટલું ચઢિયાતાપણું છે એમ તેને લાગે છે. આ સ્વાભાવિકતાની તથા યથાયોગ્યતાની પુષ્ટિ માટે, આ ચઢિયાતાપણાની પુષ્ટિ માટે, તેને બીજાઓની જરૂર લાગે છે. બે સ્થિતિઓમાંની પોતાની સ્થિતિ સ્વાભાવિક અને યથાયોગ્ય છે એ અનુભવ પાકો કરવા માટે તેને એવી કલ્પના કરવી પડે છે કે બીજાઓ પણ એ જ સ્થિતિમાં છે અને હાસ્યપાત્ર માણસ એકલો જ વિલક્ષણ તથા તરેહવાર સ્થિતિમાં છે. એવી મદદની કલ્પના વિના તેને ચઢિયાતાપણું પાકા પાયાનું લાગતું નથી. હાસ્યપાત્ર માણસની પેઠે તે પોતે પણ પોતાની સ્થિતિમાં એકલો હોય તો તેની પોતાની સ્થિતિ જ વખતે વિષમ હોય એવો સંશય તેને ગમતો નથી. અને તેથી, તેના મનને બીજાઓની સામેલગીરી જરૂરની લાગે છે. તેથી, સાથે હસનાર મંડળ વધારે હોય તેમ હાસ્ય વધારે જોરથી પ્રવર્તે છે અને વધારે લાંબા વખત સુધી ચાલે છે, તે આવી સામેલગીરીને લીધે થાય છે. પરંતુ એ લક્ષમાં રાખવું જોઈએ કે એવી સામેલગીરી વાસ્તવિક હોય તેમ કલ્પિત હોઈ શકે; અર્થાત્‌, માણસ એકલો હોય ત્યારે પણ હાસ્યપ્રસંગ જોઈ હસી શકે અને મારા સરખા બીજાઓ હાજર હોય તો તેઓ પણ હસે એમ કલ્પના કરી તે સામેલગીરીનો ટેકો મેળવી શકે. પ્રો. બર્ગસને દર્શાવેલું આગગાડીની મુસાફરીનું ઉદાહરણ લેતાં એમ બની શકે કે હસનાર મંડળથી દૂર બેઠેલો મુસાફર પણ તે મંડળની વાતો સાંભળી તેમની વૃત્તિ સાથે એકદિલ થાય તો તે દૂર બેઠો બેઠો પણ હસી શકે. અલબત્ત, એકલા બેસી હસનારને બીજાઓ વિના કારણે અથવા ખોટા કારણે હસતો ધારી મૂર્ખ ગણે એવો સંભવ છે. અને તેથી તે મોં નીચું અથવા આડું કરી હસે છે, અને, કોઈ તેને જુએ છે ત્યારે તે હસવું બંધ કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો જોનારને પોતાનું હાસ્યકારણ કહી બતાવી તેને હાસ્યમાં સામેલ કરવા પ્રયત્ન કરે છે. આ હકીકત પણ સામેલગીરીની આવશ્યકતા બતાવે છે.

હાસ્યપાત્ર મનુષ્યનું જે લક્ષણ હાસ્ય ઉપજાવે છે તેનું સ્વરૂપ શું છે એ વિશે વિવેચન કરી પ્રો. બર્ગસન એ સિદ્ધાંત બાંધે છે કે એ લક્ષણ તે mechanical inelasticity (જડ યંત્ર સરખી વિશેષ પ્રસંગને અનુકૂળ થવાની અશક્તિ) છે. ઉદાહરણાર્થે તેઓ કહે છે કે રસ્તામાં દોડતો માણસ પથ્થરની ઠોકર વાગવાથી ગબડી પડે છે ત્યારે તે જોઈ બીજાઓને હસવું આવે છે, તેનું કારણ એ છે કે તે ધ્યાન વગર દોડ્યો ગયો અને વચમાં પથ્થર આવ્યો તે વિશેષ પ્રસંગાનુસાર પોતાની ગતિ ન બદલતાં તેણે એકધારી ગતિથી દોડવું ચાલુ રાખ્યું. કૂંચી દીધાથી ચાલતા જડ પૂતળા પેઠે તે વર્યો, તેના શરીરમાં જડ વસ્તુ સરખી હઠીલાઈ માલૂમ પડી, સચેતન પ્રાણી એવે પ્રસંગે સાવધ થઈ પોતાની ગતિ બદલે તેમ તેણે કર્યું નહિ. એ ધ્યાન વગરની સ્થિતિ (absent-mindedness)નું કઢંગાપણું હાસ્યનું કારણ બને છે, તેમ જ કોઈ માણસને રોજના કામકાજની ઝીણી ઝીણી બાબતો ગોઠવી મૂકેલી ગણતરી પ્રમાણે કરવાની ટેવ હોય, તેના ઉપયોગની વસ્તુઓ કોઈ તોફાન ખાતર ફેરવી નાખે, તે ખડિયામાં કલમ બોળે ત્યાં કલમ કાદવવાળી થઈ બહાર આવે, તે ખુરશી પર બેસવા જાય ત્યાં ખાલી જગાએ બેસવા જતાં ભોંય પર પડી જાય, એવા વૃત્તાંતમાં ટેવને વશ થઈ ગયેલા માણસની અસાવધતા હાસ્ય ઉત્પન્ન કરે છે. રોજ વર્તતો હોય તે જ પ્રમાણે તે વર્તવા જાય છે. જડ યંત્ર પેઠે ગોઠવેલી જ કૃતિઓ કરી શકે છે, પણ, આવી પડેલા અવસર પ્રમાણે તે નવું વર્તન કરી શકતો નથી.

આ સિદ્ધાંત હાસ્યના સર્વ વિષયોમાં પ્રો. બર્ગસન લાગુ પડે છે. ઉચિતતા પ્રમાણે બદલાવાની શરીરની અશક્તિ જેમ ઉપર કહ્યા પ્રમાણે હાસ્ય ઉત્પન્ન કરે છે તેમ મનની અને નીતિલક્ષણની એવી અશક્તિ પણ હાસ્ય ઉત્પન્ન કરે છે એમ તેઓ કહે છે. આ મત તેઓ આ પ્રકારે પ્રતિપાદન કરે છે; અમુક એક વિષયના વિચારમાં ગરક થઈ જઈ કોઈ માણસ અસંભવિત કલ્પનાઓમાં ઊતરી પડે છે ત્યારે તેનું મન ધ્યાન વગરનું થઈ જાય છે. જાદુથી મોટા મોટા વૈભવ મેળવવાના સ્વપ્નમય વિચાર કરનાર પોતાની આસપાસ પરીઓ, ઊડતા મહેલો અને સોનાના ડુંગરો જુએ છે, ચારે તરફની ખરી દુનિયાને તે જોઈ શકતો નથી, અને એ તેનું બેભાનપણું તેના મનની જડતા તથા યથાયોગ્ય ઘટનામાં ગોઠવવાની અશક્તિ સૂચવી હાસ્ય ઉત્પન્ન કરે છે. નીતિલક્ષણની નાની ખામીઓનું પણ આ જ સ્વરૂપ છે. મોટી ખામીઓથી દુર્ગુણ ઉદ્‌ભવે છે; અને તે કરુણરસનો વિષય બને છે. પરંતુ નાની ખામીઓ હાસ્ય ઉપજાવે છે; તેનું કારણ એ છે કે એ ખામીવાળો માણસ બેભાન હોય છે, પોતાની હાસ્યમય ખામીઓની તેને ખબર નથી હોતી, જડ યંત્ર પેઠે પોતાના બંધાયેલા લક્ષણને માર્ગે વર્ત્યો જાય છે અને પોતાનું ચારિત્ર્ય યોગ્યતા પ્રમાણે બદલી શકતો નથી.

મનુષ્યોની આકૃતિઓને અને ચેષ્ટાઓને પણ તેઓ આ જ સિદ્ધાંત લાગુ પાડે છે. કદરૂપા માણસની આકૃતિમાં જડતા ભરેલી હઠીલાઈ જણાય ત્યારે તે હાસ્યપાત્ર થાય છે એમ તેઓ કહે છે. તેમને મતે ખૂંધા માણસને જોઈ હસવું આવે છે તેનું કારણ એ છે કે તેના દર્શનથી એવો આભાસ થાય છે કે તેને ખૂંધા રહેવાની કુટેવ પડી ગઈ છે, એ કુટેવ પ્રમાણે જ વર્ત્યો જાય છે, અને જોઈએ ત્યારે સીધા થવાની તેનામાં અશક્તિ છે. આ અશક્તિના મૂળમાં બેભાનપણું રહેલું જણાય છે, અને તેથી, જે કદરૂપાપણું હાસ્યપાત્ર થાય તે નકલ થઈ શકે એવું હોવું જોઈએ, સાવધ માણસથી સાધ્ય હોવું જોઈએ, તેમ તેઓ કહે છે. જાહેર ભાષણો કરનાર વક્તાને બોલતી વખત હાથના કે ડોકાના ચાળા કરવાની ટેવ પડી ગઈ હોય છે તેથી હાસ્ય થાય છે, તેનું કારણ પણ તેમને મતે એ છે કે ભાષણ દરમિયાન ભાવ અને કલ્પના પ્રતિક્ષણ રૂપાંતર પામતાં જાય છે, પરંતુ, ચાળાઓ તો એના એ જ રહે છે અને એના એ જ રૂપે ઘડી ઘડી પ્રકટ થયા કરે છે; આથી વક્તામાં બેભાનપણું જણાય છે, જડ યંત્રની ગતિ પેઠે તેના ચાળા થતા હોય એમ લાગે છે અને વિવિધ પ્રસંગ પ્રમાણે જુદી જુદી ચેષ્ટા કરવાની તેની અશક્તિ હાસ્ય ઉત્પન્ન કરે છે.

આમ બધા હાસ્યપ્રસંગોમાં બેભાનપણું (absent-mindedness) રહેલું હોય છે, અને તેને લીધે અવસરનું અનુસરણ કરવાની અશક્તિ (inelasticity) દેખા દે છે તથા હાસ્ય ઉપજાવે છે; એવું પૃથક્કરણ કરી પ્રો. બર્ગસન એ અનુમાન કરે છે કે આશ્ચર્ય, વિષમતા, સરખા અંશોથી હાસ્યનો ખુલાસો કરવો એ ભૂલ છે. એ અંશોની આવશ્યકતા તેઓ એટલી જ સ્વીકારે છે કે જ્યાં હાસ્યરસ વાસ્તવિક રીતે હોવા છતાં કોઈ રૂઢિના આચ્છાદનને લીધે હાસ્યરસનું દર્શન થતું નથી ત્યાં એ અંશો રૂઢિના આચ્છાદનને દૂર કરે છે. ઉદાહરણાર્થે, અમુક જાતનાં વસ્ત્ર પહેરવાની રૂઢિ પ્રચલિત હોય ત્યારે એ વસ્ત્રો પહેરનારા હસવા સરખા જણાતા નથી. પણ, એ રૂઢિ બંધ પડી જાય તે પછી એ વસ્ત્રોના આકારનું હસવાસરખાપણું ધ્યાનમાં આવે છે, અને, એ રીતે ભૂતકાળના પહેરવેશથી હાસ્ય થાય છે. પહેરવેશની રૂઢિ વર્તમાન હોય ત્યારે પણ તે રૂઢિથી જે પોતાનું ચિત્ત આઘું ખસેડી શકે તેને તેમાં રહેલી હાસ્યતા સમજાય છે. આ રીતે, આશ્ચર્ય અને વિષમતા તે માત્ર હાસ્યકારણના દર્શનમાં અવરોધ કરનાર રૂઢિના સાતત્યનો ભંગ કરે છે, અને એ પ્રકારે હાસ્યકારણને પ્રગટ કરવામાં સહાયભૂત થાય છે, એમ તેઓ કહે છે.

પરંતુ, આશ્ચર્ય અને વિષમતા પ્રો. બર્ગસન કહે છે તેવા ગૌણ અંશ નથી. પ્રસંગાનુસરણની આવી અશક્તિ (inelasticity) તે આખરે વિષમતા જ છે. જ્યાં એવી શક્તિ સ્વાભાવિક રીતે હોવી જોઈએ ત્યાં એવી અશક્તિનું દર્શન તે વિષમતા સિવાય બીજું કાંઈ નથી. inelasticity એ મૂળ જડ પદાર્થનું લક્ષણ છે, જેની આકૃતિ તાણીને બદલી શકાય નહિ એવા જડ પદાર્થનું તે વિશેષણ છે. માત્ર રૂપક વડે એ વિશેષણ ચેતનભાવને લગાડી શકાય છે, અને એ વિશેષણ બહુ ખેંચી ખેંચીને જ પ્રો. બર્ગસન મન, નીતિલક્ષણ વગેરેને લગાડી શકે છે, અને એ પ્રયોગ અસંતોષકારક લાગે છે. inelastic કહેવાય એવું ઉપરનાં ઉદાહરણોમાં વાસ્તવિક રીતે કશું નથી એમ સરવાળે આપણો અભિપ્રાય થાય છે. વળી, elasticity (બદલાવાની શક્તિ)નો મુખ્ય અર્થ લક્ષમાં રાખીશું તો જણાશે કે elasticity હોય – પ્રસંગે બદલાવાની શક્તિ હોય–ત્યાં પણ હાસ્યકારણ હોઈ શકે છે. ઉદાહરણાર્થે, ખૂંધાની નકલ કરનાર માણસ ઘડીમાં ખૂંધો અને ઘડીમાં ખૂંધ વગરનો સીધો દેખાવાનો ડોળ કરતો હોય તો એ elasticity જ બે સ્થિતિઓને પાસે પાસે આણી તેમની વિષમતા દર્શાવી હાસ્ય ઉત્પન્ન કરે છે. રંગભૂમિ ઉપર ઘડીમાં મૂર્ખાઈ ભરેલું અને ઘડીમાં ડહાપણ ભરેલું આચરણ કરનાર, ઘડીમાં જૂઠું બોલનાર અને ઘડીમાં સાચું બોલનાર પાત્ર પણ એ જ પ્રમાણે elasticityથી વિષમતા ઉત્પન્ન કરી હાસ્યકારણ ઉપજાવી શકે છે.

આશ્ચર્ય પણ ગૌણ અંશ નથી, inelasticity આશ્ચર્ય આગળ ગૌણ છે. inelasticityના દર્શનથી આશ્ચર્ય થતું ન હોય તો એ દર્શન હાસ્યરસ માટે નકામું છે. છોકરો નિશાળમાં હિસાબ ગણતાં સરવાળામાં એક આંકડો ભૂલી જાય, તે પ્રો. બર્ગસનની વ્યાખ્યા પ્રમાણે મનની inelasticity છે, પણ તેથી હાસ્ય થતું નથી. પરંતુ પોતાની મંડળીની કુલ સંખ્યા ગણવામાં કોઈ માણસ પોતાને ગણવો ભૂલી જાય તો એ inelasticity હાસ્ય ઉત્પન્ન કરે છે. બન્ને પ્રસંગમાં સરવાળાની ભૂલ હોય છે, બન્ને પ્રસંગમાં મનનું બેભાનપણું હોય છે, બન્ને પ્રસંગમાં મનની જડતા હોય છે, બન્ને પ્રસંગમાં મનની યથાયોગ્ય ગોઠવવાની અશક્તિ હોય છે, બન્ને પ્રસંગમાં inelasticity હોય છે, પણ, પહેલા પ્રસંગમાં આશ્ચર્યનો અંશ નથી અને બીજા પ્રસંગમાં આશ્ચર્યનો અંશ છે તેથી ફેર પડે છે. તેથી, આશ્ચર્ય એ આવશ્યક અંશ છે અને તેનો આધાર inelasticity ઉપર નથી.

આટલું પર્યાલોચન કરી હાસ્યરસના વિવેચનમાં હવે આગળ વધીશું. “હાસ્ય” શબ્દ હસવાની શારીરિક ક્રિયા માટે તેમ જ હાસ્યરસ માટે વપરાય છે, અને વળી, હાસ્યરસના નિરૂપણમાં હસવાની શારીરિક ક્રિયા ક્યારે થાય છે એ ઘણી વેળા દર્શાવવામાં આવે છે. આ બે હકીકત પરથી કદી કદી એવો ખ્યાલ થાય છે કે હસવાની શારીરિક ક્રિયા ન હોય ત્યાં હાસ્યરસ હોય નહિ. પરંતુ, આ વિવેચનના આરંભમાં કહ્યું છે તેમ એ શારીરિક ક્રિયાનો અને હાસ્યરસનો સમવાયસંબંધ નથી. એ શારીરિક ક્રિયા ન થતી હોય ત્યાં પણ હાસ્યરસ હોય છે, અને તે ઊંચા પ્રકારનો હોય છે. આ વસ્તુસ્થિતિ સમજવા સારુ હાસ્યરસના પ્રદેશો ઉપર દૃષ્ટિ કરીશું.

અંગ્રેજી વિવેચકો હાસ્યરસના Wit અને Humour એવા બે ભાગ પાડે છે. સ્વ. નવલરામે Witનો અર્થ ‘મર્માળાં કટાક્ષવચન’ એ પદથી કર્યો છે, Humourનો અર્થ ‘ઠાવકું હાસ્ય’ એ પદથી કર્યો છે. ‘નર્મયુક્તવાક્‌ચાતુર્ય’ અને ‘સમર્મ હાસ્યરસ’ એવી શબ્દયોજના અનુક્રમે કરીશું તો તે કદાચ વધારે યોગ્ય થશે. Witમાં નર્મ હોય છે, Humourમાં સમર્મ હોય છે. નર્મ એટલે મજાક, મશ્કરીનું છૂટું વચન. મર્મ એટલે રહસ્ય, ઊંડો હાસ્યાનુભવ. નર્મ હોય છે ત્યાં વિલક્ષણ વાક્યરચનાથી હાસ્યરસ થાય છે, અને મર્મ હોય છે ત્યાં વિલક્ષણ વસ્તુસ્થિતિ ખુલ્લી પાડવાથી હાસ્યરસ થાય છે.

Wit (‘વિટ’) અને Humour (‘હ્યુમર’)માં, નર્મના અને મર્મના હાસ્યરસમાં, પ્રાણપદ અંશ એનો એ જ હોય છે. બન્નેનું સ્વરૂપ એ હોય છે કે તેમાં બે વિચારો કે બે ભાવો કે બે સ્વભાવો કે બે વૃત્તિઓ કે બે વલણો કે બે પ્રસંગો વિરોધી છતાં એકાએક એવા સંયોગમાં આવી જઈ અથડાય છે કે તેમનો યોગ વિચિત્ર લાગે છે, તોપણ કોઈ રીતે સંતોષકારક લાગે છે અને તેથી રમૂજ થાય છે. પરંતુ, તે વિરોધી સંયોગવાળી વિચિત્રતા દર્શાવવાના તે બન્નેના પ્રકાર જુદા હોય છે. તેમ જ, તે બેમાં હાસ્યરસનું ઊંડાણ સરખું હોતું નથી. જ્યાં બે ઉક્તિઓ કે વચનો એવી વાક્યરચનામાં ગોઠવવામાં આવે કે તેમની વચ્ચે રહેલો વિરોધ પ્રથમ દર્શને જ પ્રગટ થાય અને બેમાંથી એકને નીચે ઉતારી પાડવામાં વિનોદમય વિચિત્રતા જણાય ત્યાં મર્મયુક્તવાક્‌ચાતુર્ય (‘વિટ’) હોય છે. જ્યાં અમુક સ્થિતિ કે પ્રસંગ એવી રીતે વર્ણવવામાં આવે કે એ જ વિષયના સાધારણ સુવ્યવસ્થિત સ્વરૂપ સાથે સરખામણી સૂચિત થાય, અને, સરખામણીને પરિણામે જણાતા વિરોધને લીધે વર્ણવેલી સ્થિતિ કે પ્રસંગમાં વિચિત્ર ખામી વસેલી અને ઠસેલી લાગે, તથા તેથી વિનોદ થાય, ત્યાં સમર્મ હાસ્યરસ (‘હ્યુમર’) હોય છે. બન્નેમાં ઉત્કર્ષ-અપકર્ષના દર્શનથી વિનોદ થાય છે, પણ ‘વિટ’માંનો અપકર્ષ કોઈ વાતને તે ઘડીએ ઉતારી પાડ્યાથી થયેલો લાગે છે, અને, ‘હ્યુમર’માંનો અપકર્ષ ઘણા વખતથી ચાલ્યો આવેલો હોઈ તે વખતે ખુલ્લો પાડેલો લાગે છે. ‘વિટ’માં અમુક વિશેષ બિનાની વિલક્ષણતા ઉદ્દિષ્ટ કરેલી હોય છે અને ‘હ્યુમર’માં અમુક સામાન્ય સ્થિતિની વિલક્ષણતા ઉદ્દિષ્ટ કરેલી હોય છે. ‘વિટ’નો હાસ્યરસ પ્રથમ દર્શનનો અને ઉપરની સપાટીનો હોય છે, અને ‘હ્યુમર’નો હાસ્યરસ ઊંડા અને અંતરમાં ઊતરેલા અનુભવનો હોય છે. રમૂજી ટુચકા, હાજરજવાબ, સભાચાતુર્ય, રંગલા-લઉઆ-વિદૂષકનાં વચનોઃ એ સહુમાં ‘વિટ’નો પ્રદેશ હોય છે. ઇસપનીતિ, પંચતંત્ર, અમુક સ્વભાવનાં માણસોની કે અમુક જાતના રિવાજોની મૂર્ખાઈ ચીતરનાર વાર્તાઓ, અમુક પ્રકારના વિલક્ષણ પ્રસંગોનું પૃથક્કરણ કરી તેમાંની આયુક્તતા (absurdity) સૂચવનાર વર્ણનો : એ સહુમાં ‘હ્યુમર’નો પ્રદેશ હોય છે. ‘વિટ’થી થતું હાસ્ય (હસવાની ક્રિયા) ઊછળતું અને ખળભળતું હોય છે, ‘હ્યુમર’થી થતું હાસ્ય ‘ઠાવકું’ હોય છે. સહેજ સ્મિતથી મોં મલકાય, એથી વધારે હાસ્યનું તેમાં દર્શન થતું નથી; અને ઘણી વેળા એટલું હાસ્ય પણ તેમાં બહાર પડતું નથી; પરંતુ તેનો હાસ્યરસ ઊંડો અને ઊંચા પ્રકારનો હોય છે, વસ્તુસ્થિતિનું પૃથક્કરણ કરી તેની અંદર રહેલી હાસ્યમયતાનું તે કુશળ દર્શન કરાવે છે. ‘વિટ’નું હાસ્ય અમુક વચનથી કે વાક્યથી ઉદ્દીપ્ત થાય છે, પણ, ‘હ્યુમર’નું હાસ્ય તેવું ન હોતાં આખી વાર્તાના કે આખા વર્ણનના ભાવાર્થથી ફલિત થાય છે.

અંગ્રેજી ભાષામાં Witનો મૂળ અર્થ ‘બુદ્ધિ’ છે અને Humourનો મૂળ અર્થ ‘શરીરમાંનો પિત્તાદિ રસ’ છે. આ વ્યુત્પત્તિને પરિણામે બુદ્ધિથી ચતુરાઈથી ઉત્પન્ન થતા હાસ્યરસને Witનું નામ અપાયું છે, અને, (શરીરમાંના રસથી બનતી) સ્વભાવની ખાસિયતથી ઉત્પન્ન થતા હાસ્યરસને Humourનું નામ અપાયું છે. એ બે શબ્દોના ઉપર કહ્યા તેવા અર્થ હવે રૂઢ થયા છે, પરંતુ, અંગ્રેજી વિવેચકો એ શબ્દોની જે વ્યાખ્યાઓ કરે છે તેમાં આ વ્યુત્પત્તિની રેખાઓ નજરે પડે છે. લી હન્ટની વ્યાખ્યા આ પ્રમાણે છે : ‘અણસરખા વિચારોને ચાલાકીથી અને ઉલ્લાસથી ભેળી દેવાના હેતુથી કે જુદા પાડવાના હેતુથી કે ઘણુંખરું બન્ને હેતુથી એવા વિચારોને સ્વચ્છંદી રીતે પાસ પાસે મૂકવા તે “વિટ” છે. વિચાર અને લાગણીના જે પ્રકારનો બહુ ખુલાસો થઈ શકતો નથી પણ જે વિનોદમય છે એમ સમજાય છે તે પ્રકારો તરફ ગતિ કરવાનું મનનું વલણ તે “હ્યુમર” છે. *** “વિટ’માં સ્વછંદી વિચારોના વિરોધનો સમાવેશ થાય છે, “હ્યુમર”માં ચારિત્ર્ય અને પ્રસંગના વિરોધનો સમાવેશ થાય છે.’ (ઇમેજિનેશન ઍન્ડ ફેન્સિ.) આ વ્યાખ્યાઓમાં કહેલી, વિચારોને પાસે પાસે મૂકવાની ચાલાકી તે વાક્યરચના ગોઠવવાની બુદ્ધિની ચતુરાઈ છે, અને, મનનું વિનોદમય વલણ તે સ્વભાવની એવી ખાસિયત છે કે જે સ્થિતિઓની અને પ્રસંગોની વિચિત્રતા શોધી કાઢે છે.

આ બેનો ભેદ વિલિયમ હેઝલિટ આ પ્રમાણે દર્શાવે છે : ‘હાસ્યજનક વસ્તુ જાતે જેવી હોય તેવી વર્ણવવી તે “હ્યુમર” છે. બીજા કશા સાથે તેની સરખામણી કરી કે તેનો વિરોધ દર્શાવી તે વસ્તુને પ્રકટ કરવી તે “વિટ” છે. “હ્યુમર” તે જાણે કે કુદરત અને અકસ્માતથી ઊપજે છે, “વિટ” તે કલા અને તરંગમય કલ્પનાથી ઊપજે છે. પુસ્તકોમાં “હ્યુમર”નું જે દર્શન થાય છે તે માણસજાતમાં કુદરતી રીતે આવેલી, કે ટેવ બંધાયાથી આવેલી મૂર્ખાઈઓનું અનુકરણ હોય છે, અથવા તો, અમુક આકસ્મિક પ્રસંગમાં, અમુક સ્થિતિમાં કે અમુક ચારિત્ર્યમાં જે હાસ્યજનક હોય તેનું એ અનુકરણ હોય છે. બે વસ્તુઓ વચ્ચેની અણધારી સરખામણીથી કે વિરોધથી એ મૂર્ખાઈનો ભાવ વધારે પ્રબળ કરી દર્શાવવો તે “વિટ” છે, અને તેથી જે ગુણની આપણે મશ્કરી કરીએ છીએ કે જે ગુણને આપણે ધિક્કારીએ છીએ તે વિશેષ તિરસ્કારપાત્ર અથવા વિશેષ સ્પષ્ટ રેખાવાળો થઈ પ્રાદુર્ભૂત થાય છે. **** વિનોદ કે પીડાના વિષયોમાં “વિટ” હલકા અને નજીવા ભાવની સીમા આસપાસ ફર્યા કરે છે; ગંભીર વસ્તુનું ગંભીર વર્ણન થાય ત્યાંથી “વિટ” લુપ્ત થાય છે અને તેની બીજા રૂપમાં સંક્રાન્તિ થાય છે. *** ઇસપ કદરૂપો ગુલામ હતો પણ તેણે મનુષ્યસ્વભાવ તરફ તીરછી દૃષ્ટિ નાખી હતી. તેણે માણસ જાતની નબળાઈઓ અને ભૂલોનું નિરીક્ષણ કર્યું, અને, તે બીજી જાતને નામે ચઢાવી. દુર્ગુણ અને સદ્‌ગુણ તે તેને ઇન્દ્રિયગમ્ય પદાર્થો જેવા સ્પષ્ટ દેખાતા હતા. માણસ તે બોલબોલ કરતું, મૂર્ખાઈ ભરેલું, હઠીલું, મગરૂર અને ક્રોધી પ્રાણી છે એમ તેને જણાયું, અને, તેણે આ ગુણો જુદા પાડી તે સાથે પાંખો કે ચાંચ કે પૂંછડી કે પંજા કે લાંબા કાનવાળું શરીર જોડ્યું, અને એ રીતે પશુઓના એ અંગમાં ચિત્રરૂપ અક્ષરોએ લખાયેલી ભાષા ઉકેલી. તેનું નીતિશાસ્ત્ર તે પ્રાણીવિજ્ઞાન છે. તે ગધેડા પાસે ડહાપણ ભૂંકાવે છે અને દેડકા પાસે દયાળુતા આરડાવે છે, તેની રચનામાં નીતિવિષયના સત્યનો જે ખજાનો છે અને એ સત્ય સદાકાળ ટકનારા રૂપમાં દર્શાવવાની કલ્પનાશક્તિનો જે ભંડાર છે, એ રૂપનો જે સુગ્રાહ્ય અને સુગમ પ્રકાર છે, એ રૂપ આબાલવૃદ્ધ સર્વને બધા જમાનામાં અને બધી પ્રજાઓમાં જે પ્રકારે આનંદ આપે છે, તે અદ્‌ભુત ચમત્કારમય છે. નીતિમય સાર દર્શાવવા સારુ પશુપક્ષીઓની અસંભવિત વાત (Fable) જોડી કાઢવી એ મનુષ્યના બુદ્ધિપ્રભાવની એવી અનુપમ શક્તિ છે કે તે મેળવવાની આપણને બહુ આકાંક્ષા થાય એમ હું ધારું છું. જે સત્યની કૂંચી બીજી કોઈ રીતે હાથમાં આવતી નથી, તે એ માર્ગે જડી આવે છે, અને એ સત્ય એક વાર એ રીતે જડ્યા પછી કદી ભુલાતું નથી. યુક્લિડની ભૂમિતિનો કર્તા થવાને બદલે ઇસપની વાર્તાઓનો કર્તા થવાનું હું વધારે પસંદ કરું.’ (લેકચર્સ ઑન ધિ ઇંગ્લિશ કૉમિક રાઇટર્સ). હાસ્યજનક વસ્તુઓનું મૂળ સ્વરૂપ આકસ્મિક પ્રસંગો દ્વારા બહાર પાડવાની ‘હ્યુમર’ની શક્તિને અહીં કુદરતથી કે બંધાયેલી ટેવથી ઉત્પન્ન થતી કહી છે તે સ્વભાવની ખાસિયત છે, અને, એ સ્વરૂપને લઘુભાર સરખામણી કે વિરોધથી પ્રકટ કરવાની શક્તિને ‘વિટ’ કહી છે તે વાક્‌ચાતુર્ય છે.

મનુષ્યસ્વભાવમાં રહેલી નિર્બળતા અને વિલક્ષણતાને પ્રકાશિત કરી એ રીતે નીતિતત્ત્વ સ્થાપિત કરવાની ‘હ્યુમર’માં રહેલી અવનવી શક્તિનું દર્શન ઇસપનીતિ સરખા ગ્રંથો દ્વારા કેવી રીતે થાય છે તે હેઝલિટે યથાર્થ રીતે વર્ણવ્યું છે. મનુષ્યસ્વભાવમાંની વિલક્ષણતાઓમાં સત્યનું દ્વાર રહેલું છે, અને, હાસ્યરસના મર્મની પરીક્ષા વિના તે દ્વાર દેખાતું નથી; એ પરીક્ષા સાધારણ દૃષ્ટિબિન્દુથી થતી નથી; પણ સામા ઊભા રહેવાને બદલે આડા ઊભા રહી વસ્તુના અંતરમાં દૃષ્ટિ નાખ્યાથી થાય છે. એ દર્શન જેને થાય છે તેના ચિત્તમાં વિશેષ સામર્થ્ય રહેલું હોય છે. બીજાને ગૂંચવાવી નાખે, મૂર્ખાઈમાં નાખે, તેવે વખતે જેનું મન એ મુશ્કેલીથી ચઢતી પદવીમાં રહી પરાજય ન પામે અને વસ્તુસ્થિતિનો ચતુરાઈથી અનુભવ કરી શકે તેને હાસ્યરસનો આસ્વાદ થાય છે.

હેઝલિટની ઉપરની વ્યાખ્યાને ડેવિડ હેને ખામી ભરેલી ગણે છે. તે કહે છે; સરખામણીથી “વિટ” થાય છે એમ હેઝલિટ કહે છે, પણ “હ્યુમર” અને “વિટ” બન્ને માટે સરખામણીની જરૂર છે. પરંતુ, એ બે શબ્દોના અર્થમાં કેવો વિકાસ થયો તે હેઝલિટની વ્યાખ્યા દર્શાવે છે. ગોલ્ડસ્મિથે એવી વ્યાખ્યા કરી હતી કે, “વિટ” મનુષ્યસ્વભાવને તેની સાધારણ સપાટી કરતાં ઊંચે લઈ જાય છે. “હ્યુમર” તેથી ઊલટું કાર્ય કરે છે, અને મનુષ્યસ્વભાવને નીચે લઈ જાય છે. “હ્યુમર”માં ઉન્નતિની ધારણા કરવી એ શબ્દવિરોધ છે. “હ્યુમર”નો વિષય અપકૃષ્ટ હોવો જોઈએ.’ (ધ પ્રેઝન્ટ સ્ટેટ ઑફ પોલાઈટ લર્નિંગ.) ગોલ્ડસ્મિથે કરેલી વ્યાખ્યા પ્રમાણે “હ્યુમર”માં માણસને પોતાના ઉત્કર્ષથી ખુશી થાય છેઃ પણ હેઝલિટ એ લક્ષણ ‘વિટ’નું છે એમ કહે છે. વળી ‘હ્યુમર’માં સમભાવ હોવો જોઈએ એ હેઝલિટે કહ્યું નથી. ‘હ્યુમર’ તે નિરીક્ષકના મનમાં નહિ પણ વસ્તુમાં કે ક્રિયામાં રહેલો ગુણ છે એ મતની હેઝલિટ અવગણના કરે છે. ક્રિયાઓનો અને માણસોનો પ્રકાર હલકો જ હોવો જોઈએ એવું “હ્યુમર”માં આવશ્યક નથી. હેઝલિટે કર્યો છે તેવો ભેદ એડિસને cheerfulness (ખુશમિજાજ) અને mirth (મશ્કરી) વચ્ચે કર્યો છે. તે કહે છે, “હું મશ્કરી કરતાં ખુશમિજાજને હંમેશ વધારે પસંદ કરું છું. મશ્કરી તે ક્રિયા છે, અને ખુશમિજાજ તે મનની ટેવ છે એમ હું ગણું છું. મશ્કરી અલ્પ અને ક્ષણિક હોય છે. ખુશમિજાજ દૃઢ અને કાયમ હોય છે.’ (સ્પેકટેટર, અંક ૩૮૧.) આ વ્યાખ્યામાં ‘ખુશમિજાજ’ને ઠેકાણે ‘હ્યુમર’ શબ્દ મૂકીએ અને ‘મશ્કરી’ને ઠેકાણે ‘વિટ’ શબ્દ મૂકીએ તો એ બેની વ્યાખ્યા બરોબર થઈ રહે. હાસ્યજનક વસ્તુની દૃઢ અને કાયમ રહેનારી પરીક્ષા તે ‘હ્યુમર’ છે અને તે ટૂંકા તથા ક્ષણિક વચનમાં પ્રકટ કરવામાં આવે તે ‘વિટ’ છે. જ્યોર્જ મેરેડિથ ‘હ્યુમર’ની વ્યાખ્યા કરતાં કહે છે : ‘હાસ્યપાત્ર માણસની ચારે તરફ રહીને તમે હસો, તેને ઢોળી પાડો, તેને ગબડાવો, તેને તમાચો મારો, તેના પર આંસુ પાડો; તે તમારા જેવો છે અને તમે તમારા પડોશી જેવા છો એમ કહો, તમે તેનાથી આઘા પણ ન રહો અને તેનો કેડો પણ ન મૂકો, તેને બનાવો એટલી જ તેની દયા ખાઓ તો તમે હાસ્યરસથી પ્રવૃત્ત થાઓ છો... ઊતરતી પંક્તિનો હાસ્યરસવેત્તા કલમવિનોદ થાય એવી રીતે હસનાર હોય છે. તે લાગણીઓમાં સુસ્થતા આણે છે અને કેટલીક વખતે લાગણીઓના જોરથી પરાભવ પામી જાય છે. પરંતુ, ઊંચી પંક્તિનો હાસ્યરસવેત્તા વિરોધોને પોતાની કોટીમાં લે છે, અને માત્ર મશ્કરીઓનાં કાવ્ય રચનારમાં એ અંશ હોતો નથી.’ (એસે ઑન કૉમેડી ઍન્ડ ધિ યુસિસ ઑફ ધ કૉમિક સ્પિરિટ.) અહીં મેરેડિથે કહેલી પહેલી વાતમાં આ વિરોધનો અંશ ઉમેરવાની જરૂર છે. ‘હ્યુમર’ જ્યાં પરિપૂર્ણ સ્વરૂપે હોય છે ત્યાં ઢોળી પાડવાનું, ગબડાવવાનું, તમાચા મારવાનું અને બનાવવાનું, એ બધું અપ્રાસંગિક હોય છે. કેવળ ‘વિટ’થી અને જાડી મશ્કરીઓથી ‘હ્યુમર’નો જે અંશને લીધે ભેદ પડે છે તેનું પ્રાધાન્ય મેરેડિથે દર્શાવ્યું છે. ડોન ક્વિશૉટની બેવકૂફીઓ, સેન્કો પાન્ઝાની ઉચ્ચતત્ત્વહીન મૂર્ખાઈઓ, અને ફૉલસ્ટાફની મોજીલી ચંચળતા, એ સર્વને વિરોધોની કોટીમાં સમભાવથી, ગુણજ્ઞતાથી અને સ્નેહથી દાખલ કરવામાં આવે છે, અને મશ્કરીઓનાં કાવ્ય રચનાર કવિઓથી એ કાર્ય થઈ શકતું નથી. (એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા, ૧૧મી આવૃત્તિ, ‘હ્યુમર’- વિશે લેખ, લેખક ડેવિડ હેને.)

આ વિવેચનમાં ડેવિડ હેને ‘વિટ’ અને ‘હ્યુમર’ની ઉપર પ્રથમ કહેલી વ્યાખ્યાઓ જ આખરે સ્વીકારે છે અને એ વ્યાખ્યાઓમાં કહેલો તે બે વચ્ચેનો ભેદ કબૂલ રાખે છે. પરંતુ, હેઝલિટની વ્યાખ્યા વિશે તેણે જે ટીકા કરી છે તેની કાંઈક પરીક્ષા કરવાની જરૂર છે. એ કાર્ય યથાર્થ રીતે થઈ શકે તે માટે પ્રથમ ‘વિટ’ અને ‘હ્યુમર’નાં કેટલાંક ઉદાહરણ તરફ નજર કરીશું. બન્નેનાં ઉદાહરણ જુદાં જુદાં આપીશું, પરંતુ, ‘હ્યુમર’ની સમર્મ હાસ્યરસવાળી રચનામાં પણ ‘વિટ’નાં ચતુરાઈ ભરેલાં નર્મવાક્યો કોઈક કોઈક હોય છે, તેથી આ બે પ્રકારનાં જુદાં જુદાં ઉદાહરણો આપવાની કાંઈક મુશ્કેલી છે. તોપણ, ઉદાહરણ આપી એ બેનો ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું.

૧. નર્મયુક્ત વાક્‌ચાતુર્ય (‘વિટ’)નાં ઉદાહરણ :–

(૧) ‘રાસભધર્મપત્ની.’ (રસગંગાધર.)

(૨) ‘મીર—(સારંગી કહાડીને ગાય છે) :

‘બાલન રેન થોડી રે,

સુતી મને કયું ન જગાઈ રે. બાલમ૦’

***

‘દોડીઆ–વા ભા વા! વા વા બાવા! ગાય તીઆરે અમને સંભળાવજે.

મીર–તો આ શું કરું છું?

મોટોજી–મેં તો જાણ્યું પટલાંનું પાડું રેંકે છે.’

રાજા દેધમ–ભવાઈસંગ્રહ.

(૩) હજામના છોકરાને પૂછ્યું કે તું રાજા થાય તો શું કરે?

ત્યારે તે બોલ્યો.

‘સોનાનો સજાયો ને શલાડીએ સોનાની કરું,
ચાંદીનો તો ચીપિયો કરાવીને વતાં કરું.’
દલપતકાવ્ય.

(૪) અજાણ્યો ગામડીઓ–(મહોટા શહેરમાં તાર લખી આપનારની ઑફિસમાં બેઠેલા માણસને પૂછે છે.) આ દુકાને શું વેચાય છે? તાર લખી આપનાર–અનાડીઓ વેચાય છે. ગામડીઓ–તમે એકલા જ વેચવાના બાકી છો?’ (૫) છોકરો—(વાંકી વળીને ચાલતી ડોશીને) ડોશીમા! શું પડી ગયું તે ખોળો છો? ડોશી–તારું કાળજું.

૨. સમર્મ હાસ્યરસ (‘હ્યુમર’)નાં ઉદાહરણ :-

‘હ્યુમર’ છૂટક વચનો વડે કે ફકરાઓ વડે પ્રગટ થતો નથી. આખી વાર્તાઓમાં કે આખાં વર્ણનોમાં તેનો સમાવેશ થાય છે. અને, એકંદર તાત્પર્ય રૂપે તે પ્રકટ થાય છે. અહીં ફક્ત એવા લેખના નામ અને વિષય કહી બતાવીશું.

(૧) પંચતમંત્રમાંની વાંદરા અને સુઘરીની વાત. વરસાદમાં વાંદરાને ધ્રૂજતો જોઈ સુઘરીએ શિખામણ દીધી કે તારે હાથપગ છે અને તું ઘર કેમ બાંધતો નથી? વાંદરાએ કહ્યું કે મને ઘર બાંધતાં તો નથી આવડતું, પણ, ઘર ભાંગતાં આવડે છે. એમ કહી વાંદરાએ સુઘરીનો માળો ફીંદીને તોડી નાંખ્યો.

(૨) ઇસપનીતિમાંની વહેળે પાણી પીતા વરુ અને ઘેટાના બચ્ચાની વાત. વરુએ કહ્યું કે, ‘મારા તરફ આવતું પાણી તું કેમ બગાડે છે?’ એ વાત ખોટી પડી ત્યારે વરુએ કહ્યું કે, ‘છ મહિના પર તેં મને ગાળ કેમ દીધેલી? એ વાત ખોટી પડી ત્યારે વરુએ કહ્યું કે, ‘તેં નહિ તો તારા બાપે ગાળ દીધેલી.’ એમ કહી વરુએ ઘેટાના બચ્ચાને ફાડી ખાધું.

(૩) ડૉન ક્વિશૉટની કથા. ‘શિવલરી’ના આવેશથી ઉશ્કેરાઈ, જ્યાં કોઈ જુલમથી પીડાતું નજરે પડે ત્યાં તેને મદદ કરવાના ઉદ્દેશથી ડૉન ક્વિશૉટ ભમતો ‘નાઇટ’ થઈ નીકળી પડે છે. રસ્તામાં પવનચક્કી જોઈ એ રાક્ષસ છે એમ ધારી તેની સામે લડવા જાય છે. ઘેટાંનાં ટોળાં આવતાં જોઈ લશ્કર સામું આવે છે એમ ધારી યુદ્ધ માટે સજ્જ થાય છે. વીસી (‘ઇન’)માં જઈ તે કિલ્લો છે એમ ધારી ત્યાં રાતે હથિયારબંધ પહેરો ભરે છે. ઇત્યાદિ.

(૪) મામેરું (પ્રેમાનંદકૃત). નિર્ધનતાને લીધે નરસિંહ મહેતા ‘જૂની વેલ્ય ને ધુંસરી વાંકી’ એવા રથમાં ‘તિલક અને તુળસીમાળ’ની સામગ્રી લઈ પોતાની પુત્રી કુંવરબાઈને મોસાળું કરવા ગયા તે વર્ણન. કુંવરબાઈની વડસાસુએ ‘લખેશ્વરીથી પૂરી ન પડે’ એવી પહેરામણીની કરેલી માગણી. નાગર સ્ત્રીઓનાં છબીલી વહુ, કોડ વહુ, છેલ વહુ, પાન વહુ, લાછા વહુ, લાલ વહુ એવાં ગણાવેલાં નામ.

(૫) મિથ્યાભિમાન નાટક. (દલપતરામકૃત.) જીવરામ ભટ્ટ રતાંધળા હોવા છતાં પોતે રાતે દેખે છે એમ મનાવવા પ્રયત્ન કરે છે. રાતે જે કોઈ તેમનો હાથ ઝાલી દોરવા જાય તેના પર ગુસ્સે થાય છે. તેમને કોઈએ રતાંધળા કહેવા નહિ, એટલું જ નહિ પણ રતાંધળા ધારવા પણ નહિ એમ તે ઇચ્છે છે. સાસરે જઈ રાતે જમવા બેસતાં અવળે મહોંએ પાટલે બેસે છે. સાસુ પીરસતી હતી ત્યારે પાડી થાળીમાંથી ખાઈ જાય છે એમ ધારી લાત મારે છે, પોતાને ખાટલે જતાં સાસુને ખાટલે જઈ અથડાય છે એટલે ચોર આવ્યો એમ ધારી ઘરનાં માણસો એકઠાં થઈ જાય છે અને માર મારે છે. ઇત્યાદિ.

આ બે પ્રકારનાં ઉદાહરણોની સરખામણી કરતાં પ્રથમ એ લક્ષમાં લેવાનું છે કે ‘વિટ’ના આવિર્ભાવ માટે વિસ્તારી પ્રસંગની કે લાંબી વાર્તાની આવશ્યકતા હોતી નથી. ગ્રંથમાંનો આસપાસનો સંબંધ જાણ્યા વિના ‘વિટ’નાં વચનોનો વિનોદ સમજી શકાય છે. ઘણી વાર એવાં વચનોને આસપાસનો સંબંધ હોતો જ નથી. ‘વિટ’નાં વચનો કોઈ ગ્રંથના સંદર્ભની અંદર ગૂંથાયા વિનાનાં છૂટાં હોઈ શકે છે. ‘હ્યુમર’ આખી વાર્તામાં કે આખા વર્ણનમાં ઉદ્દેશરૂપે ગર્ભિત રહેલો હોય છે. એ ઉદ્દેશ સફળ કરવા સારુ લેખમાં વિસ્તારની જરૂર પડે છે. અને, સમસ્ત લેખનો સંદર્ભ સમજાય તથા તેનાં જુદાં જુદાં અંગનો પરસ્પર સંબંધ ધ્યાનમાં ઊતરે ત્યારે ‘હ્યુમર’નો આવિર્ભાવ થાય છે.

ઉપર આપેલાં ‘વિટ’નાં પાંચે ઉદાહરણો તરફ નજર કરતાં માલૂમ પડશે કે દરેકમાંનો પ્રસંગ બહુ જ ટૂંકો છે; અને, એકે બીજાને કેવો કહ્યો કે એકે બીજાને શું કહ્યું એ વચન કે ઉક્તિ જાણવાથી જ વિનોદ થાય છે. (૧) લા ઉદાહરણમાં ગધેડીને ‘રાસભધર્મપત્ની’ કહી છે એ વચનની ગોઠવણમાં જે વિરોધ રહેલો છે. ગધેડાને ધર્મ હોતા નથી અને ગધેડાને પત્ની હોતી નથી. એ રીતે ‘ગધેડો’ અને ‘ધર્મપત્ની’ એ બે વિચારો વચ્ચેનો (અને તે દર્શાવનારાં પદો વચ્ચેનો) વિરોધ ‘રાસભધર્મપત્ની’ પદની ગ્રંથના સાથે જ એકદમ પ્રકટ થાય છે. ‘ગધેડીને રાસભધર્મપત્ની’ કહેનાર જેવા આપણે મૂર્ખ નથી એવું ઉત્કર્ષ-અપકર્ષનું ભાન આપણને થાય છે. રસગંગાધરમાં એ પદ વાપરનાર મનુષ્યનો પ્રસંગ વર્ણવેલો છે, અને, તે મનુષ્ય અપકૃષ્ટ અને હાસ્યપાત્ર થાય છે. પરંતુ, એવા પ્રસંગના વર્ણનની જરૂર નથી. કોઈ અમુક મનુષ્યે ‘રાસભધર્મપત્ની’ પદ ગંભીરપણે ખરેખરું વાપર્યું છે એ હકીકતની અપેક્ષા રહેતી નથી. એ પદ જ વિનોદ ઉત્પન્ન કરવા સમર્થ છે. કારણ કે, આપણે પોતે એ પદ હાસ્ય માટે જોડી કાઢીએ ત્યાં પણ એવું પદ કોઈ ખરેખરી રીતે વાપરે અને તેનાથી આપણે ચઢિયાતા થઈએ એ કલ્પના વડે આપણે ઉત્કર્ષ-અપકર્ષનો અનુભવ કરીએ છીએ. આ રીતે, પ્રસંગ કે વાર્તા વિના આ મશ્કરીવાળું વાક્‌ચાતુર્ય વિનોદ ઉત્પન્ન કરે છે. તેમ જ વળી, એવું ભાન થતું નથી કે ગધેડીને રાસભધર્મપત્ની માનવાની કે કહેવાની કોઈ પ્રકારના મનુષ્યોને ટેવ બંધાયેલી છે અથવા કોઈ પ્રકારના મનુષ્યોની એવી સાધારણ ખાસિયત છે. પરંતુ, એવી મૂર્ખાઈ કરનાર કોઈ પૃથક્‌ મનુષ્ય એ જ ઘડીએ નીકળી આવ્યો છે અને એ જ ઘડીએ તેને અપકર્ષમાં ઉતારી પાડ્યો છે એવી સ્થિતિનું ભાન થાય છે. ‘વિટ’ને બદલે ‘હ્યુમર’નો પ્રસંગ હોત તો મનુષ્યસ્વભાવની નિર્બળતાને પરિણામે અનેક પ્રકારના મનુષ્યોને બંધાયેલી ટેવને લીધે બનેલો પ્રસંગ વર્ણવી તે દ્વારા વિનોદ ઉત્પન્ન કરેલો હોત. હેઝલિટ ‘હ્યુમર’માં સ્વભાવ કે કુદરત ઉપરાંત જે અકસ્માતની જરૂર હોવા વિશે કહે છે તે મૂર્ખતામય નિર્બળતાવાળો સ્વભાવ બંધાયા પછી તે સ્વભાવ પ્રકટ થવાનો પ્રસંગ આવી બને તેવો અકસ્માત છે. ઘર તોડી પાડવાનો વાંદરા સરખો સ્વભાવ બંધાયા પછી તે પ્રાદુર્ભૂત થવાનો સુઘરીનો પ્રસંગ તે અકસ્માત છે. ‘વિટ’માં તેવો સ્વભાવ બંધાયેલો પ્રકટ થતો નથી, પણ હસવા સરખું વચન બોલવાની કે નૃત્ય કરવાની મૂર્ખાઈ કોઈથી એકાએક થઈ જાય છે; તેથી, ‘વિટ’થી થતું હાસ્ય જનસ્વભાવનું ઊંડું જ્ઞાન કરાવતું નથી, પણ, મૂર્ખાઈથી એકાદ લહેરનું ઉપરછલ્લું ભાન કરાવે છે. ઊંડાણની વૃત્તિ ન હોવાથી ‘વિટ’ના હાસ્યનો ખડખડાટ ઘણો હોય છે, અને, તેમાં ઠાવકાપણું હોતું નથી. ઉપર ઉપરથી તરત જ દેખાય તે જ તેનો વિષય હોવાથી તેનું મૂળ ચોંટતું નથી અને તે ચિરસ્થાયી થતું નથી.

‘વિટ’ના (૨) જા ઉદાહરણમાં, ગવૈયાનું ગાયન ચાલતું હોય તે વેળા ‘ગાય ત્યારે અમને સંભળાવજે’ એવું વાક્ય કોઈ પાસે કહેવડાવવાનું વાક્‌ચાતુર્ય સંગીતની રસજ્ઞતા અને સંગીતના અજ્ઞાન વચ્ચેનો વિરોધ પ્રકટ કરે છે અને અજ્ઞાન મનુષ્યના અપકર્ષથી વિનોદ ઉત્પન્ન કરે છે. એ અજ્ઞાન પ્રકટ થવાનો પ્રસંગ શી રીતે ઉત્પન્ન થયો એ વિગતવાર હકીકત જાણવાની જરૂર પડતી નથી, અને, તે જાણ્યા વિના વિનોદ થઈ શકે છે. એ વાક્ય બોલનારનું સંગીતનું અજ્ઞાન તત્કાલનું નહિ પણ જૂનું હતું, પરંતુ, એ અજ્ઞાન તે અમુક જાતની ટેવ કે સ્વભાવ નથી. ગાયન ચાલતી વેળા શું ચાલે છે તે સમજ્યા વિના ગાયન થાય ત્યારે તે સાંભળવાની ઇંતેજારી દર્શાવનારું વાક્ય બોલવાની મૂર્ખાઈ તો તે જ ઘડીએ એકાએક થઈ ગઈ છે, અને તેથી જ તે ઘડીએ તે બોલનારનો અપકર્ષ થયો છે. આ ફકરાનો બીજો અર્થ એવો લઈએ કે ગાનારનું ગાયન નમાલું હતું અને તે માટે ઉપરનું વાક્ય કહેવામાં આવ્યું અને ‘પાડું રેંકે છે’ એવો ભ્રમ થયેલો દર્શાવવામાં આવ્યો, તો ઉપર કહેલો વિરોધ સાંભળનારને બદલે ગાનારની વર્તણૂક સંબંધે ઉપસ્થિત થાય છે, પણ, વિરોધથી થતા વિનોદની હકીકત એની એ રહે છે.

(૩) જા ઉદાહરણમા, હજામ રજા થાય તોપણ હજામનો ધંધો ચાલુ રાખે એ વિરોધ ‘સોનાનો અસ્રો’, ‘સોનાની પથરી’ અને ‘રૂપાનો ચીપિયો’ એવાં વચનો ચાતુર્યથી મૂક્યાથી પ્રકટ થાય છે, અને, રાજાની ઉન્નત પદવી શી રીતે ધારણ કરાય એ કલ્પનાની હજામના છોકરાની અશક્તિથી તેનો અપકર્ષ થાય છે તથા તેથી વિનોદ થાય છે. આ અશક્તિ તે ઝાઝા બુદ્ધિવ્યાપાર વગરનો ધંધો કરનાર વર્ગની સામાન્ય ખામી છે, અને એ વિલક્ષણ સ્થિતિનું વર્ણન થયું છે, એટલે અંશે અહીં ‘હ્યુમર’ પણ છે. પરંતુ, મુખ્ય ઉદ્દેશ રાજ્ય મળેથી હજામનાં ઓજાર સોનારૂપાનાં કરવાનો મૂર્ખાઈ ભરેલો તરંગ દર્શાવવાનો છે, અને, એ તરંગમાં રહેલો અપકર્ષ હજામના છોકરાને તે જ ઘડીએ પ્રાપ્ત થયેલો છે; તે લાંબા વખતનો જૂનો નથી. ડૉન ક્વિશૉટની કથામાં પણ કલ્પનાની અશક્તિનું ચિત્ર છે. પરંતુ, એ અશક્તિ જુદા જ પ્રકારની છે. ખોટી બાબતની મગરૂરીના આવેશથી તણાઈ જઈ મનુષ્યો કલ્પનાવિહીન બની જે હસવા સરખી મૂર્ખાઈઓ કરે છે તે ડૉન ક્વિશૉટનું ચરિત્ર દર્શાવે છે. કલ્પનાની અશક્તિથી તે અસ્થાને ‘શિવલરી’ (વીરતા) દર્શાવવા જાય છે, અને, તેમાં ગંભીરતા માની લે છે, તેથી, તેના તરંગો હાસ્યજનક થાય છે. તેના તરંગો ‘સોનાનો અસ્ત્રો’ જેવા વાક્‌ચાતુર્યથી પ્રકટ થતા નથી; તેમ જ હજામ શેમાં સાહેબી માને એવી કોઈ વિશેષ બીના તેના તરંગોમાં દર્શાવેલી નથી. તેમ જ, હજામનો કાંઈ એવો સ્વભાવ હોતો નથી અથવા હજામોને કાંઈ એવી ટેવ બંધાઈ નથી હોતી કે પોતે મોટા માણસ થાય તો શું કરે એ વિશે ખ્યાલ કર્યા કરે. હજામના છોકરાની આ વાત માત્ર એકાએક બનેલી છૂટક બીનાની છે. પરંતુ, ’શિવલરી’નો પવન વાયાથી અને એ સંસ્થાનો વિચાર કર્યા કર્યાથી ‘ડૉન ક્વિશૉટ’ સરખા મનુષ્યોને વીરત્વના પ્રસંગ વિના જ્યાં ત્યાં વીરતા દર્શાવવાની મૂર્ખાઈભરેલી વૃત્તિ થાય છે, અને, તેમના સ્વભાવમાં બંધાયેલી ખામીનું એ પરિણામ વિનોદ પમાડે છે.

‘વિટ’ના (૪) થા ઉદાહરણમાં વિરોધના બે પ્રસંગ છે. પ્રથમ તો તાર લખી આપવાની ઑફિસનું ખરું સ્વરૂપ અને ગામડિયાનું તે વિશેનું અજ્ઞાન, એ બે વચ્ચેનો વિરોધ દર્શાવ્યો છે. ગામડિયો એ ઑફિસ કોઈ વસ્તુઓ વેચવાની દુકાન છે એમ ધારે છે અને તે ખાલી જોઈ પૂછે છે કે ‘આ દુકાને શું વેચાય છે?’ આ વાક્ય ગામડિયાના મુખમાં મૂકવાની ચતુરાઈ જ વિરોધ તત્કાળ પ્રકટ કરે છે, અને ગામડિયાના અપકર્ષથી વિનોદ ઉત્પન્ન કરે છે. ઉપર (૨) જા ઉદાહરણ સંબંધે સંગીતના અજ્ઞાન વિશે કહ્યું તેમ અહીં પણ એ લક્ષમાં રાખવાનું છે કે મોટા શહેર વિશેનું અજ્ઞાન એ ગામડિયાઓની સામાન્ય સ્થિતિ છતાં એ સ્વભાવ કે ટેવ નથી તેથી અહીં ‘હ્યુમર’ નથી. ‘શું વેચાય છે’ એમ પૂછવાનું અવિચારીપણું તે જ ઘડીએ ઉત્પન્ન થયું છે અને એમાં માત્ર છૂટક બનાવની-મૂર્ખાઈ ભરેલા સવાલની-વિલક્ષણતા છે. જનસ્વભાવનું એમાં દર્શન નથી. એ રીતે અહીં ‘વિટ’ છે. તે પછી, આ ઉદાહરણમાં બીજો વિરોધ તાર લખી આપનારે ગામડિયાની મશ્કરી કરવાના કરેલા પ્રયત્ન તથા તેણે એ પ્રયત્ન માટે આપેલા ઉત્તરનો લાભ લઈ ગામડિયાએ તેની કરેલી મશ્કરી વચ્ચેનો છે. એ બે મશ્કરીઓનો વિરોધ વચનોની ચતુરાઈથી થયો છે. ‘શું વેચાય છે’ એમ ગામડિયાનો પ્રશ્ન હતો ત્યાં ‘કંઈ વેચાતું નથી પણ તાર લખી આપવામાં આવે છે’ એમ ઉત્તર દેવાને બદલે, ‘વેચાય છે’ એ પદનો લાભ લઈ ‘અનાડીઓ વેચાય છે’ એવો ઉત્તર આપતાં તાર લખી આપનાર મોટા શહેરમાં અનાડી માણસો પણ જડ વસ્તુ તરીકે વેચાય છે એમ કહી ગામડિયાના અનાડીપણાનો ઉદ્દેશ કરે છે. પોતાની મશ્કરી થાય છે એમ સમજતાં ગામડિયો અનાડીઓની કલ્પના ઝીલી લે છે અને તાર લખી આપનાર વેચાવાની જગાએ બેઠો છે માટે તે અનાડી છે અને અનાડીઓમાં પણ એવો નિર્માલ્ય છે કે બીજાઓ વેચાઈ ગયા છતાં તે હજી વેચાયો નથી એમ સામી મશ્કરી કરે છે; ‘વેચાવા’ વિશેનું વચન ચતુરાઈથી વાપર્યાથી તાર લખી આપનારનો થયેલો અપકર્ષ વિનોદમય બને છે. અહીં પણ સ્વભાવની કે ટેવની કોઈ સામાન્ય સ્થિતિનો ઉદ્દેશ નથી તેથી ‘હ્યુમર’ નથી. છૂટક બનાવની-બનાવવાનો પ્રયત્ન કરનારને સામો બનાવવાની-વિલક્ષણતા અહીં ‘વિટ’ ઉપસ્થિત કરે છે.

(૫)મા ઉદાહરણમાં પણ બે મશ્કરીઓ વચ્ચેનો વિરોધ છે. ઘડપણથી વાંકી વળેલી ડોશીને મજાક ખાતર છોકરો પૂછે છે કે શું પડી ગયું તે ખોળવા વાંકાં વળ્યાં છો? પડી ગયેલી ચીજ ખોળવા માટે વાંકા વળવાની કલ્પના ડોશી ઝીલી લે છે અને છોકરાને કહે છે કે તારું કાળજું પડી ગયું છે તે ખોળું છું. ડોશીને બનાવવાનો પ્રયત્ન કરનાર છોકરાને ડોશી સામો બનાવે છે, અને, એ વિરોધ ‘પડી ગયેલું ખોળવા’ વિશેનું વચન ચતુરાઈથી વાપર્યાથી ઉત્પન્ન થાય છે, તથા, મશ્કરી કરવામાં નિષ્ફળ થનાર છોકરાના અપકર્ષથી વિનોદનો પ્રસંગ આણે છે. એ અપકર્ષ જૂના વખતનો નથી; તેમ જ, તે સ્વભાવની કે ટેવની કોઈ ખામીથી થયો જ નથી. બનાવવા જતાં સામા બનવાથી તે જ ઘડીએ એ અપકર્ષ થયેલો છે. તેથી, અહીં ‘વિટ’ છે, ‘હ્યુમર’ નથી. પ્રેમાનંદે મામેરામાં કુંવરબાઈની વડસાસુનું જે વર્તન વર્ણવ્યું છે તેમાં આવી એકાએક ઊપડી આવેલી મશ્કરી નથી. એ ડોશીએ તાત્કાલિક વાક્‌ચાતુર્ય વાપર્યું નથી, પણ, ભક્તિને અભાવે ઘડાયેલા કઠણ સ્વભાવને લીધે તેણે વહુને તથા વહેવાઈને હેરાન કરવા સારુ ઘણી ભારે પહેરામણીની માગણી કરી છે અને એ રીતે ‘ડોશીએ ડાટ વાળ્યો’ છે. જબરી ડોશીઓ કેવી હોય છે અને વહુવારૂનાં પિયેરિયાં તરફ કેવી રીતે વર્તે છે એ સામાન્ય સ્થિતિનું ત્યાં વિનોદમય વર્ણન છે, તેથી, એ ‘હ્યુમર’નો પ્રસંગ છે. ડોશીએ કેવી વાક્યરચનાથી નરસિંહ મહેતાની મશ્કરી કરી એ ત્યાં જોવાનું નથી, પણ, કેવી વસ્તુઓની માગણી કરી નરસિંહ મહેતાની નિર્ધનતાને હાસ્યપાત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો એ ત્યાં જોવાનું છે.

‘હ્યુમર’નાં ઉપર આપેલાં પાંચ ઉદાહરણો વાંચતાં અનુભવ થશે કે એમાંના દરેક પ્રસંગની વાર્તા કે વર્ણન પૂરેપૂરાં વાંચવામાં આવે તો જ તેમાં રહેલા વિનોદનો બરાબર ખ્યાલ આવે. કયાં વચન દ્વારા અમુક હકીકત કહેવાથી વિલક્ષણતા થાય છે એ ત્યાં મહત્ત્વનું નથી, પણ, અમુક હકીકત કયા પ્રકારની હોવાથી વિલક્ષણતા થાય છે એ ત્યાં મહત્ત્વનું છે. (૧) લા ઉદાહરણમાં, સુધરીની શિખામણ સાંભળી સુઘરીનો માળો તોડી નાખનાર વાંદરાનો પ્રસંગ એવી રીતે વર્ણવવામાં આવ્યો છે કે એવે વખતે શિખામણ સાંભળી ઉપકારબુદ્ધિથી વર્તનાર મનુષ્ય સાથે વાંદરા પેઠે અપકારબુદ્ધિથી વર્તનાર મનુષ્યની સરખામણી સચિત થાય છે. (અને, એ સરખામણીમાં અંગભૂત રહેલી સારાં કામ કરવાની અશક્તિ માટે દિલગીર થનાર મનુષ્ય સાથે ખોટાં કામ કરવાની શક્તિ માટે મગરૂર થનાર મનુષ્યની સરખામણી સૂચિત થાય છે.) આ સરખામણીને પરિણામે એ બે પ્રકારના મનુષ્યો વચ્ચે જે વિરોધ પ્રકટ થાય છે તે એમ પ્રદર્શિત કરે છે કે અપકારબુદ્ધિના (અને અપકૃત્ય કરનાર) મનુષ્યોમાં કોઈ વિચિત્ર ખામી વસેલી હોય છે. જ્યાં ઉપકારબુદ્ધિ માલૂમ પડવી જોઈએ ત્યાં આ ખામીને લીધે પ્રાદુર્ભૂત થતી અપકારબુદ્ધિ વિલક્ષણતાથી વિનોદ ઉત્પન્ન કરે છે, મનુષ્યાકૃતિમાં કોઈ વાર વાકાંપણું દેખાય ત્યાં જેમ હાસ્યમયતા જણાય છે તેમ, મનુષ્યસ્વભાવના કોઈ ભાગમાં રહેલું આ અપકારબુદ્ધિરૂપ વાંકાપણું હાસ્યમય જણાય છે; મનુષ્યસ્વભાવના એક વિચિત્ર અંશની આ ઊંડી પરીક્ષા ઝીણું હાસ્ય ઉપજાવે છે. એ ઝીણું હાસ્ય મનના ઊંડાણમાં અનુભવવાનો આનંદ એવો હોય છે કે ખડખડાટ હસીને એ આનંદ બગાડવાની વૃત્તિ જ થતી નથી. વાર્તામાં કહેલો વાંદરાના સરખી અપકારબુદ્ધિથી થતો અપકર્ષ વાર્તાના પ્રસંગની ઘડીએ જ સધાયો નથી, પણ, બંધાયેલા સ્વભાવમાં એ અપકર્ષ ચાલ્યો આવતો હતો તે આ વાર્તાના પ્રસંગથી ઉઘાડો પડ્યો છે. આ પ્રસંગમાં ‘રાસભધર્મપત્ની’ જેવી કે ‘અનાડીઓ વેચાવા’ જેવી પદરચનાની કે વાક્યરચનાની ચતુરાઈ નથી. અહીં ‘વિટ’ સરખાં મશ્કરીનાં વચન નથી. ‘વિટ’ પેઠે ‘સોનાનો સજાયો’ વાપરવાની કલ્પના જેવી છૂટક બિના કહેવાનો ઉદ્દેશ નથી, પણ અમુક પ્રકારના મનુષ્યોની સામાન્ય સ્થિતિમાં રહેલું કઢંગાપણું દર્શાવવાનો ઉદ્દેશ છે, અને એ રીતે ‘હ્યુમર’નો પ્રસંગ છે.

(૨) જા ઉદાહરણમાંની વરુ અને ઘેટાની વાત એવી રીતે કહેવામાં આવી છે કે તે વાંચતાં, અનર્થ કરવાના હેતુથી લડાઈ કરવાનું બહાનું શોધનારના જૂઠાણા સાથે બીજાઓ જોડેના વ્યવહારમાંની ખરી હકીકત કબૂલ કરનારના સાચાપણાની સરખામણી સૂચિત થાય છે; સારી વૃત્તિવાળા જનો વરુ પેઠે આવી ખોટી લડાઈ ન શોધે એ સાધારણ હકીકત સૂચિત થાય છે. એ સરખામણી મન આગળ આવવાથી આ વિષયની સુવૃત્તિ અને દુવૃત્તિનો વિરોધ સ્પષ્ટ જણાય છે, અને તેથી, ભાન થાય છે કે આ દુવૃત્તિમાં કોઈ પ્રકારની તરેહવાર ખોડ બંધાયેલી છે અને તે ખોડને લીધે મનુષ્યો સવળાને ઠેકાણે અવળો ભાવ ધારણ કરે છે. દુવૃત્તિ ત્રાસદાયક રૂપે ચિતરાવાને બદલે આવા પૃથક્કરણથી વરવી ખોડના રૂપમાં ચિતરાવાથી વિનોદ ઉત્પન્ન થાય છે. આ ખોડનો અપકર્ષ એવી દુવૃત્તિવાળા મનુષ્યોમાં ઘણા વખતથી ચાલતો આવેલો હોય છે. સંભાષણની ચાલાકીથી તેમને આવે પ્રસંગે ઉતારી પાડવામાં આવતા નથી. વરુને આવો દુષ્ટ સ્વભાવ બંધાયેલો હતો તે આ વખતે બહાર પડ્યો એવું આ વાર્તા વાંચતાં આપણને લાગે છે. સામાએ કોઈ અમુક વચન વાપર્યાથી કે તેનાથી કોઈ અમુક મૂર્ખાઈભરેલાં વચન બોલાઈ જવાથી તેની મશ્કરી થઈ નથી, પણ, તેના સ્વભાવનું સ્વરૂપ હાસ્યપાત્ર રૂપે બહાર પડ્યાથી હાસ્યમયતા પ્રગટ થઈ છે, એમ આપણને લાગે છે. ગાનારના સંગીતને સાંભળનાને ‘પાડાના રેંકવા’ સરખું કહ્યું એવી ઘેટાએ વરુની મશ્કરી કરી નથી, તેમ જ સંગીત ચાલતું હતું ત્યારે આ સંગીત થાય છે એમ ન સમજાયાથી સાંભળનારે ‘ગાય ત્યારે સંભળાવજે’ એમ કહી પોતાનું અજ્ઞાન દર્શાવનારું વાક્ય કહી હાંસી ઉત્પન્ન કરેલી એવી ભૂલ વરુથી થઈ નથી. એવી કોઈ વિશેષ બિના ઉપર અહીં હાસ્યનો આધાર નથી, પણ, દુષ્ટતાની સામાન્ય સ્થિતિના દર્શન ઉપર અહીં હાસ્યનો આધાર છે. અહીં એકાએક થઈ ગયેલા અપકર્ષનું ચિત્ર નથી, પણ, સ્વભાવમાં કાયમ થયેલા અપકર્ષનું ચિત્ર છે, તેથી, આ પ્રસંગમાં ‘હ્યુમર’ છે, ‘વિટ’ નથી.

(૩) જા ઉદાહરણની ડૉન ક્વિશૉટની કથા વિશે ઉપર કેટલુંક વિવેચન કર્યું છે. એ કથાનું સમસ્ત આખ્યાન એવું છે કે તે વાંચનારના ચિત્ત આગળ ‘શિવલરી’ની ભાવના સાધારણ સુવ્યવસ્થિત વૃત્તિથી ધારણ કરનાર તથા ‘શિવલરી’ની ભાવનાને નામે વગર સમજે ગાંડા કાઢનાર વચ્ચેની સરખામણી ઊભી કરે છે. આને પરિણામે ખરી અને ખોટી ‘શિવલરી’ વચ્ચેનો વિરોધ પ્રકટ થાય છે, અને, એ વિરોધ સમજાતાં ‘શિલવરી’માં રહેલું વીરતાનું તત્ત્વ સમજ્યા વિના ‘શિવલરી’નો વ્યવહાર કરવા નીકળી પડનારની ટેવમાં બુદ્ધિની એવી વિલક્ષણ ખામી જણાય છે કે તેથી વિનોદ થાય છે. ડૉન ક્વિશૉટ સરખા વીરબ્રુવ (પોતાને ખોટી રીતે વીર કહેવડાવનાર)નો અપકર્ષ તેમના ચિત્તમાં લાંબા વખતથી ઠસેલી મૂર્ખાઈથી-તેમની ખસેલી ડાગળીથી થાય છે, તેમણે કહેલાં છૂટાંછવાયાં વાક્યોથી એકાએક થતો નથી. અલબત્ત, ડૉન ક્વિશૉટની કથામાં તેણે કહેલાં વાક્યોનો પણ સમાવેશ થાય છે, અને, એ વાક્યોમાં પ્રસંગોપાત્ત ‘વિટ’ આવી જાય છે, પરંતુ, ઉદ્દિષ્ટ ‘હ્યુમર’ આખી વાર્તાના સારમાં રહેલો છે. ‘હું રાજા થાઉં તો સોનાનો અસ્ત્રો ને રૂપાનો ચીપિયો કરાવીને લોકોની હજામત કરું’ એમ કહેનાર હજામની વાતમાં ફક્ત વાક્યની રમૂજ છે અને તે એ વાક્યથી પૂરી થાય છે. પરંતુ, ડૉન ક્વિશૉટની કથામાં તેના આખા ચરિત્રથી રમૂજ થાય છે. તેણે શું કહ્યું તે જાણવાથી નહિ પણ તે કેવી રીતે વર્ત્યો તે જાણવાથી રમૂજ થાય છે. તેનાં વચનો પણ તેની ટેવ દર્શાવનારાં સાધન તરીકે કથામાં ગૂંથાયેલાં છે. તેમ જ, ડૉન ક્વિશૉટના ચરિત્રમાંની કોઈ એકાદ વિશેષ બિના કેવી વિચિત્ર હતી એ બતાવવાનો કથાનો ઉદ્દેશ નથી, પણ, કૃત્રિમ ‘શિલવરી’થી વીરતાને હાસ્યમય બનાવનારા જનોની વિચિત્રતા સામાન્ય રીતે કેવી હોય છે એ બતાવવાનો ઉદ્દેશ છે. ડૉન ક્વિશૉટની અમુક પ્રસંગે કેવી મજાક થઈ એવો ઉપરની સપાટીનો હાસ્યરસ કથા દર્શાવતી નથી. પણ વીરતાને કદર્થિત કરી નાખી તે કેવું હાસ્યપાત્ર ચિત્ર ઉત્પન્ન કરે છે એ ઊંડા અનુભવનો હાસ્યરસ એ કથા દર્શાવે છે. એ રીતે, એ કથાનો ‘હ્યુમર’ તે ‘વિટ’થી જુદો પડે છે.

(૪) થા ઉદાહરણમાં કહેલા મામેરાના પ્રસંગ એવી રીતે વર્ણવવામાં આવ્યા છે કે તેથી ભક્તિનો પરમ આનંદ અનુભવી નિર્ધનતામાં સંતોષ માનનાર ભક્તની વૃત્તિ અને ભક્તિનો આનંદ ન જાણનાર તથા નિર્ધન પણ સંતુષ્ટ ભક્તોનો ઉપહાસ કરનાર અભક્તની વૃત્તિ વચ્ચેની સરખામણી સૂચિત થાય છે. નિર્ધનતામાં માનેલો સંતોષ એ ઇષ્ટ અને સુવ્યવસ્થિત સ્થિતિ છે, અને, નિર્ધનતાનો કે સંતોષનો ઉપહાસ એ અનિષ્ટ અને વિષમ સ્થિતિ છે. એ બેની સરખામણીથી એ બે વચ્ચેનો વિરોધ પ્રદર્શિત થાય છે, અને તેથી, નિર્ધનતામાં સંતોષ માનનાર ભક્તનો ઉપહાસ કરનાર અભક્તના હૃદયમાં કેવી વિકૃતિવાળી ખામી વસેલી છે, એ ખામી અભક્તોને કેવા નીચા પાડે છે, એ અનુભવતાં વિનોદ થાય છે. અભક્તને કોઈ અમુક વચન કહી ઉતારી પાડતું નથી, પણ, પોતાનામાં ઠસેલી ભક્તિહીનતાથી તેનો અપકર્ષ ઘડાયો હોય છે અને તે આવે પ્રસંગે પ્રકટ થઈ હાસ્યપાત્ર થાય છે. નરસિંહ મહેતા જેવા ભક્ત સંબંધે એક વખતે એક છૂટક વિશેષ બિના બની ગઈ એમ કહી તેમાંની વિચિત્રતા દર્શાવવાનો મામેરાનો ઉદ્દેશ નથી, પણ, એવા ભક્તનો ઉપહાસ કરવા જતા અભક્ત જનો કેવા હાસ્યપાત્ર થાય છે એ સામાન્ય સ્થિતિ દર્શાવવાનો મામેરાનો ઉદ્દેશ છે. એ વર્ણનથી ફલિત થતો હાસ્યરસ માત્ર ‘વિટ’ની મશ્કરીઓ પેઠે ઉપર ઉપરથી હસાવતો નથી, પણ, અભક્તિના કઢંગા સ્વરૂપની હાસ્યપાત્રતા અંતરમાં ઉતારી ‘હ્યુમર’નું ઝીણું અને બેઠું હાસ્ય ઉપજાવે છે. પ્રેમાનંદે નાગર સ્ત્રીઓનાં છબીલી વહુ, કોડ વહુ, છેલ વહુ વગેરે નામ ગણાવ્યાં છે એ એક પછી એક એકસરખાં આવતાં નામોની ત્વરિત પરંપરામાં વાક્‌ચાતુર્ય હોઈ ‘વિટ’ છે, પણ, એ રીતે કોડને મહત્ત્વવાળો કરવાનો નાગર સ્ત્રીઓનો સ્વભાવ દર્શાવી પ્રેમાનંદ ‘હ્યુમર’ ઉત્પન્ન કરે છે.

(૫)મા ઉદાહરણનું મિથ્યાભિમાન નાટક રતાંધળા જીવરામભટ્ટનું ચરિત્ર એવી રીતે વર્ણવે છે કે તેથી પોતાની ખામી જેવી હોય તેવી છુપાવવાનો પ્રયત્ન ન કરનારની સરલતા અને પોતાની ખામી સંતાડી પોતે ખામી વગરનો છે એવું મિથ્યાભિમાન કરનારના ઢોંગીપણા વચ્ચેની સરખામણી વાંચનારને સૂચિત થાય છે. સરલતા એ સાધારણ યોગ્ય સ્થિતિ છે, અને, આ સરખામણીથી સરલતા અને ઢોંગીપણા વચ્ચે જણાઈ આવતો વિરોધ મિથ્યાભિમાની ઢોંગીપણામાં એવી વિલક્ષણ ન્યૂનતા રહેલી દર્શાવે છે કે તેથી વિનોદ થાય છે. જીવરામભટ્ટનો અપકર્ષ તેમને ઘણા વખતથી પડેલી મિથ્યાભિમાનની ટેવથી થાય છે. તેમને બનાવવા માટે બીજાઓએ વાપરેલા વાક્‌ચાતુર્યમાં ‘વિટ’નો સમાવેશ છે, પણ, જીવરામભટ્ટની હાસ્યસ્પદતા તો તેમના મિથ્યાભિમાની ઢોંગીપણાના એકંદર વર્ણનથી થાય છે. કોઈ અમુક પ્રસંગે જીવરામભટ્ટથી મૂર્ખાઈભરેલું બોલી જવાયું એમ બતાવવાનો નાટકનો હેતુ નથી, પણ, જીવરામભટ્ટનો સ્વભાવ એવો બંધાયો હતો કે તેઓ મૂર્ખતાનું જ આચરણ કરતા હતા એ બતાવવાનો અને એ રીતે મિથ્યાભિમાનમાં રહેલા ઢોંગીપણાની સામાન્ય હાસ્યજનકતા દર્શાવવાનો હેતુ છે. જીવરામભટ્ટ સંબંધે વાપરેલાં ‘રતાંધળા’ અને ‘મિથ્યાભિમાની’ એ વચનોમાં ‘રાસધર્મપત્ની’ પદ જેવો વિરોધ રહેલો નથી. તેમને એ વિશેષણોથી વર્ણવવાથી કાંઈ વિનોદ થતો નથી, પણ, એ બે ગુણો એકઠા થવાથી તે કઢંગી સ્થિતિમાં આવી પોતાની સ્વભાવની વિલક્ષણતા દર્શાવે છે તેથી વિનોદ થઈ ‘હ્યુમર’ ઊપજે છે.

‘વિટ’ અને ‘હ્યુમર’નાં ઉદાહરણોની આ સરખામણી તથા વિવેચનથી માલૂમ પડશે કે ‘વિટ’ કરતાં ઊંચા પ્રકારનો હાસ્યરસ ‘હ્યુમર’માં હોય છે. ‘વિટ’ની અસર ક્ષણિક હોય છે અને ‘હ્યુમર’ની અસર ચિરસ્થાયી હોય છે. વચનો વિચિત્ર રીતે ગોઠવ્યાં હોય તો વાક્‌ચાતુર્ય કેવું વિનોદમય થઈ શકે છે તે ‘વિટ’ દર્શાવે છે. મનુષ્યસ્વભાવની વિચિત્રતા આગળ પડે એવી રીતે મનુષ્યોનાં ચરિત વર્ણવ્યાં હોય તો મનુષ્યસ્વભાવની પરીક્ષા કેવી વિનોદમય થઈ પડે છે તે ‘હ્યુમર’ દર્શાવે છે.

આ બે વિભાગનાં સ્વરૂપ દર્શાવતાં ઉપર કહ્યું કે ‘વિટ’માંનો અપકર્ષ તે ઘડીએ જ થયેલો હોય છે અને ‘હ્યુમર’માંનો અપકર્ષ લાંબા વખતથી ચાલ્યો આવેલો હોઈ તે વખતે ખુલ્લો પાડેલો લાગે છે. આ ઉપરથી કદાચ એમ લાગશે કે હાસ્યરસના આશ્ચર્યમાં જે તાત્કાલિકતા આવશ્યક હોવા વિશે પ્રથમ કહ્યું છે તે માત્ર ‘વિટ’માં જ હોઈ શકે. પરંતુ, આશ્ચર્યની તાત્કાલિકતા તે અપકર્ષના એકાએકપણાથી જુદી વસ્તુ છે. હાસ્યમય પ્રસંગ સમજાતાં આશ્ચર્યની વૃત્તિ તત્કાળ ઉત્પન્ન થાય એ સ્વરૂપ તો ‘વિટ’માં તેમ જ ‘હ્યુમર’માં બન્નેમાં હોય છે. એવા પ્રસંગ વિશે વિચાર કરતાં ખેદ, દયા, વગેરેની વૃત્તિ થાય તે પહેલાં અને તત્કાળ આશ્ચર્ય થાય છે એ વિશે પ્રથમ વિવેચન કર્યું છે, અને, એ આશ્ચર્ય માત્ર વાક્‌ચાતુર્યથી થાય છે, એટલું જ નહિ પણ, વસ્તુસ્થિતિના હાસ્યાસ્પદ મર્મના પ્રકટ થવાથી પણ થાય છે તે તાત્કાલિકતાનાં ઉદાહરણો પ્રથમ આપ્યાં છે તેથી સમજાશે. અપકર્ષનો હાસ્યરસમાંના ‘ચઢિયાતાપણા’ના અંશમાં સમાવેશ થાય છે; અને જેના અપકર્ષથી હાસ્યરસ અનુભવનારને પોતાનું ચઢિયાતાપણું લાગે તેનો અપકર્ષ હાસ્યરસના પ્રસંગ વખતે જ ઉત્પન્ન થયેલો માલૂમ પડે કે ઘણા વખતનો ચાલતો આવેલો હોઈ તે પ્રસંગ વખતે બહાર પડેલો માલૂમ પડે તો પણ એ બન્ને પ્રકારમાં વિચિત્રતાના દર્શનથી થતું આશ્ચર્ય તો તત્કાળ જ ઉત્પન્ન થાય છે.

‘વિટ’ અને ‘હ્યુમર’ની હેઝલિટે કરેલી વ્યાખ્યા વિશે ડેવિડ હેનેએ કરેલી ટીકાની પરીક્ષા હવે કરી શકીશું. હાસ્યરસના પ્રસંગની બે સામસામી સ્થિતિઓમાં સરખામણીની શક્યતા હોવી જોઈએ એ પ્રથમ કહ્યું છે, તેથી, ‘વિટ’ અને ‘હ્યુમર’ બન્ને માટે સરખામણીની જરૂર છે એમ ડેવિડ હેને કહે છે કે તે ખરું છે. પરંતુ, એકલા ‘વિટ’ માટે સરખામણીની જરૂર છે એમ હેઝલિટના કહેવાનો ભાવાર્થ નથી. સરખામણીથી આગળ જઈ વસ્તુના સ્વરૂપનું (અર્થાત્‌ અમુક સ્વભાવ, ટેવ, સ્થિતિ કે પ્રસંગના સ્વરૂપનું) પૃથક્કરણ ‘હ્યુમર’માં થાય છે તેમ ‘વિટ’માં થતું નથી; ‘વિટ’ ફક્ત સરખામણીની શક્યતાએ આવી અટકે છે, એમ હેઝલિટના કહેવાનું તાત્પર્ય જણાય છે. વળી ‘હ્યુમર’માં સમભાવ હોવો જોઈએ એમ ડેવિડ હેને કહે છે તે એટલા અર્થમાં જ ખરું છે કે જે સ્વભાવ, ટેવ, સ્થિતિ કે પ્રસંગ અપકર્ષ પામી હાસ્યપાત્ર થાય છે તેથી ઊલટા એટલે ઉત્કર્ષવાળા અને સુવ્યવસ્થિત સ્વભાવ, ટેવ, સ્થિતિ કે પ્રસંગ સાથે હાસ્યરસ અનુભવનારને સમભાવ હોવો જોઈએ, એટલે કે તેમાં ઉત્કર્ષ છે અને તે સુવ્યવસ્થિત છે એમ તેની પ્રતીતિ હોવી જોઈએ. એવા સમભાવ કે પ્રતીતિ વિના તેને વિરોધ તથા ઉત્કર્ષનો અનુભવ થાય નહિ તથા પરિણામે આશ્ચર્ય લાગે નહિ. એ સિવાય બીજી કોઈ રીતે ‘હ્યુમર’માં સમભાવનો અવકાશ નથી. હાસ્યપાત્ર સાથે જેને સમભાવ હોય તેને હાસ્યનો અનુભવ થાય નહિ એ ઉપર કહ્યું છે. ‘હ્યુમર’માં સમભાવ હોવા વિશે હેઝલિટે કહ્યું નથી એમ ડેવિડ હેને કહે છે અને તે ખરું છે, પરંતુ, આ સમભાવ તે ઉપર કહ્યું તેમ ‘હ્યુમર’ બહારના વિષયો સાથે સમભાવ છે. વાસ્તવિક રીતે તે વિષયોની પ્રતીતિ છે; ‘હ્યુમર’ના વિષયો સાથેનો એ સમભાવ નથી. એ પ્રતીતિ તે માત્ર વિરોધ તથા અપકર્ષ એ પ્રત્યક્ષ અંશોના પરોક્ષ કારણરૂપ છે. ‘હ્યુમર’ની વ્યાખ્યામાં તે જણાવવાની કાંઈ ખાસ જરૂર નથી. અને વળી, ડેવિડ હેને કહે છે કે ‘પોતાના ઉત્કર્ષથી થતી ખુશી’એ ‘વિટ’નું લક્ષણ છે એમ હેઝલિટ દર્શાવે છે. વાસ્તવિક રીતે તો ‘પોતાના ઉત્કર્ષથી થતી ખુશી’ (અર્થાત્‌ ચઢિયાતાપણાના અનુભવ, વિશે હેઝલિટે સ્પષ્ટ રીતે કહ્યું જ નથી. હેઝલિટ માત્ર તિરસ્કારપાત્રતા (અર્થાત્‌ અપકર્ષ) વિશે જ કહે છે, અને તેથી અપકર્ષનો અંશ માત્ર ફલિત થાય છે. હેઝલિટ માત્ર ‘વિટ’માં એ અપકર્ષ હોવા વિશે કહે છે. ‘હ્યુમર’માં તે અંશ છે કે નહિ તે તેણે કહ્યું નથી; તે નથી એમ તેના કહેવાનું તાત્પર્ય હોય તો અલબત્ત તે ભૂલ છે, કેમ કે, એ અંશ ‘વિટ’ અને ‘હ્યુમર’ બન્નેમાં વિદ્યમાન હોય છે; ‘હ્યુમર’માં તે વધારે દૃઢ રૂપે પ્રાદુર્ભૂત થાય છે. તેમ જ વળી, ડેવિડ હેને કહે છે કે ‘હ્યુમર’ તે નિરીક્ષકના મનમાં નહિ પણ વસ્તુમાં કે ક્રિયામાં રહેલો ગુણ છે એ મતની હેઝલિટ અવગણના કરે છે.’ હેઝલિટની વ્યાખ્યા નિરીક્ષકના અર્થાત્‌ હાસ્યરસ અનુભવનારના દૃષ્ટિબિન્દુથી કરેલી છે એ ખરું છે. પરંતુ, એ વ્યાખ્યાથી એમ ફલિત થતું નથી કે સામી વસ્તુમાં હાસ્યપાત્રતા હોવા સિવાય નિરીક્ષક પોતે એકલા પોતાનામાંથી જ હાસ્યરસ ઉપજાવે છે. એ વ્યાખ્યામાં હેઝલિટ ‘માણસની મૂર્ખાઈઓ’, ‘માણસની નબળાઈઓ અને ભૂલો’, ‘દુર્ગુણ’ વગેરે વિશે કહે છે તેથી હાસ્યપાત્ર વસ્તુઓ તે માત્ર હાસ્યરસનું ઉદ્દીપન કરનાર અને આલંબન થનાર વિભાગ છે. રસ તો રસનો આસ્વાદ કરનારમાં જ હોય છે. તેથી હાસ્યરસ અનુભવનાર નિરીક્ષકને પ્રધાન ગણી હેઝલિટે ‘હ્યુમર’ની વ્યાખ્યા કરી છે તે નિરાધાર નથી. હાસ્યપાત્ર વસ્તુનું એ વ્યાખ્યામાં વિશેષ વિવેચન નથી એટલે અંશે એ વ્યાખ્યા અપૂર્ણ છે એટલું ખરું છે.

જ્યૉર્જ મેરિડિથની ઉપર ઉતારેલી વ્યાખ્યામાં કહેલી ઠઠ્ઠામશ્કરી અને ધપ્પાબાજી ‘વિટ’માં કંઈક આવી શકે છે, પણ, ‘હ્યુમર’નો હાસ્યરસ તેથી વધારે ઊંચા પ્રકારનો હોય છે, ઠઠ્ઠામશ્કરી અને ધપ્પાબાજી ‘હ્યુમર’માં અપ્રાસંગિક હોય છે, એમ ડેવિડ હેને કહે છે તે ખરું છે; જ્યોર્જ મેરિડિથ અને ડેવિડ હેને વિરોધના અંશથી ‘વિટ’ અને ‘હ્યુમર’ વચ્ચે ભેદ પડે છે એમ કહે છે તે યથાર્થ નથી, કેમ કે, ઉપર દર્શાવ્યું છે તેમ એ બન્ને પ્રકારમાં વિરોધ વિદ્યમાન હોય છે. ઊંચા પ્રકારના હાસ્યરસનાં ચિત્ર ઉદ્‌ભૂત કરવામાં હાસ્યનાં પાત્રો તરફ ગુણજ્ઞતા અને સ્નેહની વૃત્તિ હોય છે એમ ડેવિડ હેને કહે છે તે એટલા જ અર્થમાં ખરું છે કે, જેમ ચિત્રકારને પોતાનાં ચિત્રમાંની મૂર્તિઓના ગુણની કદર હોય છે અને તે મૂર્તિ ઊતરતા કે હલકા ગુણનું અધિષ્ઠાન હોય તોપણ તે ચીતરતાં ચિત્રકારને તે મૂર્તિ તરફ આકર્ષણ થાય છે, અને, જેમ સર્વ કલાવિધાયકોને પોતાના કલાવિધાનના વિષય તરફ ગુણજ્ઞતા અને સ્નેહ થાય છે, તેમ હાસ્યનાં પાત્રોની ગુણરેખાઓનું આલેખન કરનારને પણ એ વૃત્તિ થાય છે.

ઉપરના નિરૂપણમાં ‘વિટ’ અને ‘હ્યુમર’ એ અંગ્રેજી શબ્દો વાપર્યા છે તેનું કારણ એ છે કે ‘નર્મયુક્ત વાક્‌ચાતુર્ય’ અને ‘સમર્મ હાસ્યરસ’ એવાં કાંઈક લાંબાં પદ સરખામણીની વ્યાખ્યાઓમાં ઘડી ઘડી વાપરતાં અન્વય ક્લિષ્ઠ થઈ જાય. એ બે અંગ્રેજી શબ્દો માટે “નમ” અને “મર્મ” એ બે શબ્દો રૂઢ થાય તો બહુ સરળતા થાય.

‘વિટ’ અને ‘હ્યુમર’ વચ્ચેના ભેદના આ નિરૂપણથી સમજાશે કે હાસ્યરસે જેમ ઊંચા પ્રકારનો અને ઊંડા મર્મવાળો તેમ હાસ્યની શારીરિક ક્રિયા મંદ હોય છે. અને એવે પ્રસંગે કોઈ વખત તો એ ક્રિયાનો આવિર્ભાવ જ હોતો નથી, હસવાની ક્રિયા જ્યાં ઉદામ હોય છે ત્યાં હાસ્યરસ ક્ષણિક હોય છે અને માત્ર ઉપરની સપાટીનો થતા છીછરો હોય છે.

હાસ્યરસની નિષ્પત્તિમાં હસવાની ક્રિયા (laughter)ને એડિસન એટલી ગૌણ ગણે છે કે તેને મતે એ ક્રિયાથી ખોટો ‘હ્યુમર’ ઉત્પન્ન થાય છે. તે કહે છે; ‘હ્યુમર’ હમેશ તર્કના નિયંત્રણમાં રહેવો જોઈએ. ‘હ્યુમર’ અમર્યાદિત છૂટ લઈ છૂમે છે તે જ કારણથી તેને ઝીણામાં ઝીણા બુદ્ધિવિવેકના નિર્દેશની જરૂર છે. રસ્તે જતાં લોકોની બારીઓના કાચ ફોડવામાં ‘હ્યુમર’ નથી એવું સાંભળી એક દુરાચારીને બહુ નવાઈ લાગેલી એમ એક નાટકમાં વર્ણવ્યું છે. પણ, અસંબદ્ધ પ્રલાપવાળા ઘણા એવા લેખો પ્રકટ થાય છે કે જેને મનસ્વી નામ આપેલાં હોય છે. પણ, જેમાં ‘હ્યુમર’ હોતો નથી પણ વ્યાધિગ્રસ્ત મગજમાંથી નીકળેલી ગાંડાઈ હોય છે; અને એ લેખો વિષેનો આ અભિપ્રાય સાંભળી ઘણા વાંચનારાઓ ચમકશે. ‘હ્યુમર’ શું છે તેના કરતાં ‘હ્યુમર’ શું નથી એ વર્ણવવું બહુ સહેલું છે. અને, પ્લેટોની પદ્ધતિ પ્રમાણે ‘હ્યુમર’ ને પુરુષ કલ્પતાં તેના ગુણ નીચે પ્રમાણે વંશાવળી આપી દર્શાવી શકાય. એ કુટુંબનો મૂળ પુરુષ તે સત્ય છે; તેનો દીકરો તે સુવિવેક, તેનો દીકરો તે ‘વિટ’. ‘વિટ’નું લગ્ન બીજી શાખામાં ઊતરેલી મશ્કરી સાથે થયું અને તેની સંતતી રૂપે, ‘હ્યુમર’નો જન્મ થયો. આ નામાંકિત કુટુંબમાં સહુથી નાનો ‘હ્યુમર’ છે, અને, આવી જુદી જુદી પ્રકૃતિનાં માબાપની પેઢીથી તે ઊતરેલો હોવાથી તેનો સ્વભાવ એકસરખો રહેતો નથી. કોઈ વખત તેનો દેખાવ ગંભીર હોય છે અને તેનો પહેરવેશ ભારેખમ હોય છે. કોઈ વખત તેની વર્તણૂક રંગીલી હોય છે અને તેનો પોશાક તુરંગી હોય છે. કોઈ વખત તે ન્યાયાધીશ સરખું ગૌરવ ધારણ કરે છે, કોઈ વખત તે મશ્કરા જેવો ખુશમિજાજી હોય છે. પરંતુ, તેની માનો અંશ તેનામાં ઘણો ઉતરેલો છે તેથી તે ગમે તે વૃત્તિમાં હોય તોપણ તે શ્રોતાજનોને હસાવ્યા વિના રહેતો નથી. પરંતુ એક વેશધારી ઠગારો નીકળેલો છે તે આ જુવાન ગૃહસ્થનું નામ ધારણ કરે છે અને દુનિયામાં એ ગૃહસ્થ તરીકે ઓળખાવા ઇચ્છે છે; તેથી, આ ઠગારાથી છેતરાવાય નહિ માટે હું વાચકોને વિનંતી કરું છું કે એ મળે ત્યારે એના પેઢીનામાની બારીકીથી તપાસ કરવી અને તેના પૂર્વજમાં સત્ય અને સુવિવેક ન આવતા હોય તો તે જૂઠો ને ઢોંગી છે એમ સમજવું. વળી, તેને પારખવાનું બીજું લક્ષણ એ છે કે તે મોટેથી બેહદ હસે છે, અને તેના શ્રોતાજનો તેની જોડે હસવામાં ભાગ્યે જ સામેલ થાય છે. કારણ કે, ખરો ‘હ્યુમર’ સાધારણ રીતે ગંભીર દેખાય છે અને તેની આસપાસના સહુ કોઈ હસે છે; પણ ખોટો ‘હ્યુમર’ હમેશ હસતો હોય છે અને તેની આસપાસના સહુ ગંભીર દેખાય છે. જે ‘હ્યુમર’માં માતા અને પિતા બન્નેના અંશ ન હોય તેને અર્થાત્‌ જેમાં ‘વિટ’ અને મશ્કરી બન્નેના અંશ ન હોય તેને ખોટો સમજવો. એ વેશધારી ઠગારો મૂળ અસત્યતા નામે સ્ત્રીના વંશમાં ઊતરેલો છે. અસત્યતાને અસંબદ્ધ કથા નામે પુત્રી થઈ, તેને ઉન્માદ નામે દીકરો અવતર્યો. ઉન્માદનું લગ્ન હાસ્યક્રિયા નામે મૂર્ખતાની એક દીકરી સાથે થયું અને તેને પેટે આ બદસૂરત ઠગારાનો જન્મ થયેલો છે. આ બન્ને પેઢીનામામાં નીચે પ્રમાણે ગોઠવી બતાવ્યાથી તેમાંના સંબંધોનો સામટો ખ્યાલ આવશે.

(૧)
અસત્યતા
|
અસંબદ્ધ કથા
|
ઉન્માદ=હાસ્યક્રિયા
|
ખોટો ‘હ્યુમર’
(૨)
સત્ય
|
સુવિવેક
|
‘વિટ’ = મશ્કરી
|
‘હ્યુમર’

ખોટો ‘હ્યુમર’નાં સંતાન અનેક છે. એનાં પુત્રપુત્રીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ કરતાં વધારે છે. પણ, તે સહુને ગણાવવાં એ ઉચિત નથી. પરંતુ, ખરા અને ખોટા ‘હ્યુમર’ વચ્ચેનો ભેદ દર્શાવીશું તો બસ થશે. માણસ અને વાનર વચ્ચે ભેદ છે તેટલો ખરા અને ખોટા ‘હ્યુમર’ વચ્ચે ભેદ છે. એ સામાન્ય લક્ષણ ઉપરાંત ખોટા ‘હ્યુમર’નાં નીચે પ્રમાણે વિગતવાર લક્ષણો ગણાવી શકાય : –

(૧) તેને વાંદરા સરખાં નાનાં અટકચાળાં કરવાની અને ઠોળિયાબાજી કરવાની ઘણી ટેવ છે.

(૨) નકલી ચાળા કરવામાં તેને એવો આનંદ થાય છે કે તે વડે દુર્ગુણ, મૂર્ખતા, મોજશોખ અને લોભની હાંસી થાય છે કે સદ્‌ગુણ, ડહાપણ, દુઃખ અને દરિદ્રતાની હાંસી થાય છે તે તેને મન સરખું જ હોય છે.

(૩) તે એટલો બધો કમનસીબ હોય છે કે ખવડાવનાર હાથને જ તે બચકું ભરે છે અને મિત્ર કે શત્રુ જે હોય તેનો ઉપહાસ કરવા જાય છે; કારણ કે અક્કલ થોડી હોવાથી તે યાં ઘટે જ્યાં વિનોદ કરવાને બદલે જ્યાં બને ત્યાં વિનોદ કરે છે.

(૪) બુદ્ધિવિવેકથી કેવળ શૂન્ય હોવાથી નીતિ કે બોધના કોઈ વિષયનું તે સેવન કરતો નથી, પણ, ફક્ત મશ્કરી ખાતર જ મશ્કરી કરે છે.

(૫) બનાવટી પ્રયોગ સિવાય બીજું કાંઈ તેને આવડતું ન હોવાથી તેનો ઉપહાસ હમેશ વ્યક્તિ માટે અંગત ઉદ્દેશનો હોય છે. દુર્ગુણી મનુષ્ય કે લેખક વિશે હોય છે, દુર્ગુણ કે લેખ વિશે હોતો નથી.

(સ્પેકટેટર, અંક ૩૫.)

હાસ્યરસમાંના વાસ્તવિક અંશનો ભેદ આ પૃથક્કરણ વડે એડિસને બહુ સબળ રીતે દર્શાવ્યો છે. ‘દલીલમાં રૂપક દાખલ કરવામાં આવે છે ત્યાં અર્થની ઘણી સ્પષ્ટતા થાય છે. તે સાથે કેટલીક અપ્રસ્તુત વાતને પણ પરાણે બંધબેસતી કરવી પડે છે એમ હમેશ બને છે તેમ અહીં પણ બન્યું છે. હાસ્યને આખરે બુદ્ધિવિવેકની મર્યાદા હોવી જોઈએ અને જ્યાં કેવળ ગાંડાઈ હોય ત્યાં હાસ્યરસ હોઈ શકતો નથી એ એડિસનનું કહેવું ખરું છે.

“ઠાકોર–હે રંગલા, અમે તો ચૂલે જઈને તરવાર તાણીને ઊભા ને કહ્યું, તારીના કાન વઢાવું, તારા પર ચડ્યું હતું તે ક્યાં ગયું?”

કજોડાનો વેશ, ભવાઈસંગ્રહ.

ઠાકોરને ભૂખ લાગી હતી પણ ઠકરાળાંથી નાના હોઈ તેમનાથી બીતા હતા માટે તેમની પાસે ખાવાનું માગી શક્યા નહિ એ સ્થિતિ હાસ્યમય છે, પણ, તેવે પ્રસંગે ઠાકોર ચૂલાને પૂછે અને ચૂલા પર તરવાર તાણી રોફ બજાવે એ તો ગાંડાઈ છે, અને એવી ગાંડાઈના દર્શનથી હાસ્યરસ નિષ્પન્ન થતો નથી.

તેમ જ, તોફાનમાં અને બદમાશીમાં હાસ્યરસ નથી એ એડિસનનું કહેવું ખરું છે. એડિસન બારીઓના કાચ તોડવાનું ઉદાહરણ આપે છે તે સાથે આ દેશના હોળીના તોફાનનું ઉદાહરણ આપીશું. કોઈને પીડા કરવી એમાં દયાહીનતા છે, અને દયાહીનતા હોય ત્યાં હાસ્યરસ કે બીજો કોઈ રસ હોઈ શકતો નથી એ ઉપર કહ્યું છે. મશ્કરી અને તોફાન વચ્ચેનો ફેર કેટલીક વાર ભૂલી જવામાં આવે છે માટે હાસ્યરસમાં પીડાકારકતા ન હોવી જોઈએ એ ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે. સ્વ. નવલરામ કહે છે તેમ “અનુપદ્રવ કરતા અદ્‌ભુત બનાવથી હાસ્ય ઉત્પન્ન થાય છે. તે જ ઉપદ્રવ કરતા થાય ત્યારે ભયાનક રસ. ત્યારે અદ્‌ભુુત રસનો સ્થાયિભાવ શો? તેના અદ્‌ભુતપણામાં પણ નિરૂપદ્રવતા હોવી જ જોઈએ — નહિ તો ભયાનક થઈ જાય.” (“હાસ્યરસ વિષે” એ નામનો લેખ.) પોતાને રમૂજ મેળવવા જ્યાં કોઈ બીજાને ઉપદ્રવ કરે ત્યાં તો ભયાનક રસ કે કોઈ પણ રસની નિષ્પત્તિ ન થાય પણ રસભંગ થાય અને કંટાળો ઊપજે. આ કારણથી પ્રહસનોમાંના અને નાટકોમાંના હાસ્યપ્રસંગોમાં પાત્રોની મારામારી અનુચિત લાગે છે. શાકુન્તલમાં છઠ્ઠા અંકમાં દુષ્યન્તનું વૈકલવ્ય દૂર કરવા સારુ માતલિ વિદૂષકને પકડીને ઊંધે માથે લટકાવીને મારે છે ત્યાં એ સર્વ વૃત્તાન્ત નેપથ્યમાં જ બને છે, વિદૂષકને પડતો માર રંગભૂમિ પર દેખાતો નથી, અને, માત્ર તેની બૂમો સંભળાય છે તેથી એ વિશે ખબર પડે છે; એ રીતે કુશળ કલાવિધાને ઉપદ્રવને અદૃશ્ય રાખ્યો છે. ઉપદ્રવ દૃશ્ય કે અદશ્ય હોય, અથવા વાસ્તવિક રીતે ઉપદ્રવ થતો જ ન હોય અને માત્ર ઉપદ્રવ થાય છે એવો ભ્રમ થતો હોય અથવા કોઈ પ્રકારની ભૂલથી ઉપદ્રવ થતો હોય અને તે થોડા વખતમાં દૂર થઈ જવાનો હોય, ત્યાં જ હાસ્યરસમાં ઉપદ્રવનું ઔચિત્ય હોઈ શકે છે.

પરંતુ, ગાંડાઈ, તોફાન અને ઉપદ્રવની પંક્તિમાં હાસ્યક્રિયાને એડિસન ગર્ભિત રીતે મૂકે છે, અને હાસ્યક્રિયાને ખોટા ‘હ્યુમર’ની જનની કલ્પે છે તે યથાર્થ નથી. કારણ વિના હસવું, ઠોળિયાબાજી કરી હસવું, બીજાને ઉપદ્રવ કરી કે બીજાનો ઉપદ્રવ જોઈ હસવું, એ ગાંડાઈ અને મૂર્ખાઈ છે, અને, તેમાં હાસ્યરસ નથી એ ખરું છે, પરંતુ, હાસ્યરસના અનુભવમાં પણ (બીજી રીતે થતી) હસવાની ક્રિયા હોય છે એ ઉપર બતાવ્યું છે. વળી, હાસ્યનો પ્રસંગ વર્ણવનારે હસવું જોઈએ નહિ અને બીજાઓને હસાવતાં પોતે ઠાવકું મોં રાખવું જોઈએ, એ હસવાની કુશળતાનો નિયમ છે. પરંતુ, જ્યાં શ્રોતા હસે ત્યાં ખરું હાસ્ય અને જ્યાં વક્તા હસે ત્યાં ખોટું હાસ્ય, એવો એકસરખો નિયમ એડિસન કલ્પે છે તે વાસ્તવિક નથી. જ્યાં ખરેખરી રીતે હાસ્યરસ હોય ત્યાં વક્તા હસે તો હસાવવાની તેની કુશળતા ઓછી એમ કહેવાય, પણ, તેથી ઉક્તિમાંનો હાસ્યરસ નષ્ટ થતો નથી. પોતાની ઉક્તિમાં હાસ્યરસ ન હોવા છતાં વક્તા માત્ર પોતે હસી હાસ્ય ઉપજાવવા પ્રયત્ન કરે તેવે પ્રસંગે શ્રોતાઓમાં હાસ્ય ન પ્રવર્તે એ હાસ્યરસના અભાવનું ચિહ્ન ગણાય, એટલે અંશે એડિસનનો આ નિયમ લાગુ પડશે. હાસ્યપ્રસંગના વર્ણનને સમયે વક્તાનું ગાંભીર્ય શ્રોતામાં હાસ્ય વિશેષ ઉદ્દીપન કરે છે એ કુશળતાના નિયમ ઉપરાંત, હસતી વખતે હસનારની આકૃતિ વિકૃત થાય છે, તથા તે વિકૃતિ જોતાં હસનાર તરફ માનની વૃત્તિ ઓછી થાય છે એ કારણથી પણ કદાચ હાસ્યરસની કૃતિઓ રચનારા જાતે ઓછું હસતા હશે પરંતુ, જેઓ કોઈ પણ વેળા સમૂળગું હસતા જ ન હોય તેઓ હસવાને અશક્ત હોવા જોઈએ અને તેમનાથી હાસ્યરસની કૃતિઓ રચી શકાય નહિ.*[3] એડિસન બીજે પ્રસંગે એક નિયમ દર્શાવે છે તે સ્વીકારવા યોગ્ય છે. તે કહે છે, ‘દુનિયામાંના આનંદી લોકો યોગ્ય ઋતુમાં અને યોગ્ય પ્રસંગે વાતચીત દ્વારા ખુશમિજાજ ફેલાવે છે ત્યારે આપણને તેઓ પ્રિયંકર લાગે છે; પણ, જયારે તેઓ દરેક બાબતના સંભાષણને મોળી મશ્કરીથી ત્રાસદાયક કરે છે અને જે વિષયમાં ઉપહાસ ઘટે નહિ તેને પણ ઉપહાસપાત્ર બનાવે છે ત્યારે એવા લોકો જનસમાજને ઘણી હેરાનગતિ કરનારા થઈ પડે છે. કારણ કે, ફિલસૂફો હાસ્યક્રિયાનો તર્કનો વિષય ગણે છે તોપણ હદપારની હાસ્યક્રિયા તે હમેશ મૂર્ખતાનું ચિહ્ન ગણાય છે.’ (સ્પેકટેટર, અંક ૫૯૮)

એડિસને કલ્પેલા પેઢીનામાથી હાસ્યમાં કયા કયા અંશો ન હોવા જોઈએ એ સ્પષ્ટતાથી સમજાય છે. પરંતુ, તેમાં કહેલા ક્રમનો કંઈ અર્થ નથી. હાસ્યરસનો ઉદ્‌ભવ સત્યમાંથી અને સુવિવેકમાંથી થાય છે એમ કહેવાને બદલે માત્ર એટલું જ કહી શકાય કે હાસ્યરસનો પરોક્ષ હેતુ કોઈક પ્રકારનું સત્ય દર્શાવવાનો હોવો જોઈએ અને હાસ્યરસ સુવેવિકથી વિરુદ્ધ હોવો જોઈએ નહિ. સત્યમાં અને સુવિવેકમાં હાસ્યરસ ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી નથી. તેમ જ ‘હ્યુમર’ તે ‘વિટ’ અને મશ્કરી (Mirth)માંથી ઉત્પન્ન થાય છે એમ શી રીતે કહેવાય તે સમજાતું નથી. મશ્કરી ‘વિટ’ અને ‘હ્યુમર’ બન્નેમાં હોય છે. ચિત્તમાં હાસ્યરસના સંસ્કાર ઘડાતાં પ્રથમ ‘વિટ’નો અનુભવ થાય છે, અને પછી ‘હ્યુમર’નો અનુભવ થાય છે, અને ‘વિટ’ની ખૂબી સમજાવા માંડ્યા પછી ચિત્તનો ‘હ્યુમર’ના હાર્દમાં પ્રવેશ થાય છે, એમ કદાચ કહી શકશે. તે જ પ્રમાણે, ઉન્માદ સાથે હાસ્યક્રિયા જોડાય ત્યાં ખોટો ‘હ્યુમર’ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય અને તેમાં અસત્યતા અને અસંબદ્ધ કથાના અંશો હોય એ ખરું છે. પણ, એ છેલ્લા બે અંશોમાં ખોટો ‘હ્યુમર’ ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી નથી, અને, સત્ય (Truth), સુવિવેક (Good Sense), ‘વિટ’, ‘હ્યુમર’ અને ‘ઉન્માદ’ (Frenzy) એ શા માટે પુરુષો, તથા અસત્યતા (Falschood), અસંબદ્ધ કથા (Nonsense), હાસ્યક્રિયા (Laughter), અને મશ્કરી (Mirth), એ શા માટે સ્ત્રીઓ તે પણ કળી શકાતું નથી.

ખરા અને ખોટા ‘હ્યુમર’નાં લક્ષણ એડિસને ગણાવ્યાં છે તે યથાર્થ છે. વાસ્તવિક હાસ્યરસમાં કંઈક ગંભીરતા, કંઈક રંગીલાપણું અને કંઈક તુરંગીપણું હોય છે; અને જ્યાં અસ્થાને કરેલાં અટકચાળાં હોય છે તથા ગુણદોષ જોયા વિના નકલી ચાળા કરેલા હોય છે ત્યાં હાસ્યરસની ક્ષતિ થાય છે, એ એડિસને સારી રીતે દર્શાવ્યું છે. હાસ્યનો ઉદ્દેશ અમુક દુર્ગુણી મનુષ્યોનો ઉપહાસ કરવાનો ન હોવો જોઈએ, પણ, અમુક દુર્ગુણનો ઉપહાસ કરવાનો હોવો જોઈએ, એ પણ તેનું કહેવું ખરું છે. અમૂર્ત ગુણો માટે ઉપહાસની કથા કલ્પી શકાતી નથી તેથી હાસ્યપાત્ર મૂર્ત વ્યક્તિઓ કલ્પવી પડે છે, પરંતુ તે કોઈ છૂટક વ્યક્તિના ચિત્રરૂપ હોતી નથી પણ અમુક જાતના નમૂના (types)ના ચિત્રરૂપ હોય છે, એ વિષે આગળ જતાં વિવેચન કરીશું.

સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં હાસ્યક્રિયાના પ્રકાર વર્ણવ્યા છે તેનું વિવેચન અહીં પ્રાસંગિક થશે.

“હાસ્યના આત્મસ્થ અને પરસ્થ એવા બે ભેદ કહ્યા છે, આત્મસ્થ (હાસ્ય) (તે) માત્ર વિભાવ (હાસ્ય ઉત્પન્ન કરનાર કારણ) જોઈ દ્રષ્ટાને ઉત્પન્ન થાય છે. બીજાને હસતો જોઈને જે વિભાવ ઉત્પન્ન થાય છે તે હાસ્યરસને પંડિતોએ પરસ્થ કહ્યો છે. વળી, એ (હાસ્ય) ઉત્તમ જનોને, મધ્યમ જનોને અને નીચ જનોને થાય (તેથી) તેના (એ રીતે ત્રણ) પ્રકાર છે. તેમ જ બીજી રીતે છ ભેદ છે. ઉત્તમ પુરુષમાં સ્મિત અને હસિત હોય એમ પંડિતોએ કહ્યું છે. મધ્યમ પુરુષમાં સ્મિત અને હસિત હોય એમ પંડિતોએ કહ્યું છે, મધ્યમ નરમાં વિહસિત અને ઉપહસિત હોય, નીચમાં અપહસિત અને અતિહસિત (હોય એમ) કહ્યું છે. ગાલ સહેજ ફૂલે, કટાક્ષો પણ બહુ પ્રકટ ન થાય, (અને) દાંત દેખાય નહિ, એવો મધુર હાસ (તે) સ્મિત કહેવાય છે. મોં, આંખ અને ગાલ જો પૂરેપૂરાં ફૂલેલાં જણાય અને દાંત કાંઈક જણાય તો (તે) હસિત કહેવાય. શબ્દ કરતું, મધુર કાલગત (સરખા કાળને અંતરે થતું) (અથવા કાયગત=શરીરમાં કમ્પથી પ્રસરતું), મોં ઉપર રંગ આવ્યો હોય તેવું, સંકોચાયેલી આંખોવાળું અને ખડખડ થતું (તે) વિહસિત (એમ) પંડિતો કહે છે. ખભા અને માથું નીચાં થાય, આંખોથી બાડું જોવાય, (અને) નસકોરાં પૂરેપૂરાં ફૂલે, એવા હાસનું ઉપહસિત નામ કહ્યું છે. અસ્થાને થયેલા, આંખોમાં આંસુવાળા કંપતા ખભા અને કેશવાળા હાસનું નામ શાઙ્‌ર્ગદેવે અપહસિત કહ્યું છે. જ્યાં જાડો અને કાનને કડવો લાગે એવો અવાજ થતો હોય, આંસુના પૂરથી આંખો ભરાઈ ગઈ હોય અને પાસાં ઉપર હાથ ફરી વળતા હોય, એવા હાસને અતિહસિત “કહ્યું છે.” (રસગંગાધર).

શિવનું અટ્ટહાસ્ય આમાંથી ક્યા પ્રકારનું છે તે જાણવામાં નથી. પણ, દેવને હાસ્ય અતિપ્રિય છે એવી એ અટ્ટહાસ્યમાં રહેલી કલ્પના હાસ્યરસની પદવીને ઉન્નત કરે છે. એડિસન કહે છે કે રોમન કેથલિક ધર્મના એક સાધુએ એવો મત દર્શાવ્યો છે કે એડમે પ્રલોભનને વશ થઈ પાપ કર્યું તેને પરિણામે હાસ્ય થયું અને એ અધઃપાત પહેલાં એડમ હસી શકતો નહિ (સ્પેક્ટેટર, અંક ૨૪૯), એવું હાસ્યનું અસ્વર્ગ્ય સ્વરૂપ તો સ્વીકાર્ય ન જ થાય.

હસનારની પાત્રતા પ્રમાણે હાસ્યના પાડેલા આ પ્રકાર સ્પષ્ટ રીતે દર્શાવ છે કે જેમ હાસ્યક્રિયા મંદ તેમ હાસ્યને ઊંચા પ્રકારનું ગણ્યું છે. સ્થિત તે ‘હ્યુમર’નું ઠાવકું હાસ્ય છે અને તેને પ્રથમ પંક્તિએ મૂક્યું છે. તે યથાર્થ છે, તે જ પ્રમાણે ‘વિટ’ના ખડખડાટ હાસ્યને મધ્યમ પંક્તિના હસનારમાં વસતું કહ્યું છે તે ‘વિટ’નું ઊતરતાપણું ખરી રીતે દર્શાવે છે, અસ્થાને થતું હાસ્ય હસનારની નીચતા દર્શાવ છે અને દર્શનથી તેમ જ શબ્દથી અપ્રિય લાગે છે, એ વર્ણન એડિસને કહેલા ખોટા ‘હ્યુમર’ને તથા ગાંડાઈભરેલા અને હેરાનગતિ કરનાર હાસ્યને વાજબી રીતે લાગુ પડે છે. આ શ્રેણીમાં જેમ હાસ્ય ઊંચા પ્રકારનું તેમ તે ઊંચા પ્રકારના હાસ્યરસની વધારે ને વધારે નિકટ હોય એ સ્પષ્ટ છે. બહુ જોરથી લાંબા વખત સુધી ખડખડાટ હસતાં લંબાયેલો અને કર્કશ એવો અવાજ કાઢનારા અને જમીન પર આળોટી પડનારા જનો હાસ્યરસનો અનુભવ કરતા નથી પણ કોઈ પ્રકારના ઉન્માદને વશ થયેલા હોય છે એમ એવા હાસ્યના દેખાવ ઉપરથી જ પ્રતીતિ થાય છે.

હાસ્યરસના અંશોનું ઉપર પ્રમાણે પૃથક્કરણ કર્યા પછી હવે હાસ્યરસના કલાવિધાન વિશે વિવેચન કરીશું. રસ સાથે કલાની સદૈવ આવશ્યકતા હોય છે, અને, કલાવિધાનની નિપુણતાથી જ રસ ખરેખર જામે છે, હાસ્યના વિષયમાં કલાવિધાનને કેટલાક વિવેચકો એટલું અગત્યનું ગણે છે કે હાસ્યરસનું મૂળ કલાવિધાનમાં રહેલું છે, એમ તેઓ વ્યાખ્યા કરે છે. શબ્દોને, વાક્યોને અને વિચારોને અમુક રીતે ગોઠવવાની કલા હોય ત્યાં જ હાસ્યરસ પ્રકટાવવામાં ફતેહમંદ થવાય એ ખરું છે, પરંતુ બીજા રસોમાં પણ એવી કલા આવશ્યક છે. સંઘટ્ટન, વિરોધ, આશ્ચર્ય, વગેરેનું દર્શન થાય એવી લેખરચના જેમ હાસ્યરસમાં આવશ્યક છે, તેમ પરાક્રમ, શૌર્ય, દીપ્તિ વગેરેનું દર્શન થાય એવી લેખરચના વીરરસમાં આવશ્યક છે; પ્રેમ, અભિલાષ, ચિંતા વગેરેનું દર્શન થાય એવી લેખરચના શૃંગારરસમાં આવશ્યક છે. તેથી, કલાવિધાનને હાસ્યરસનું મૂળ કહેવું એ યથાર્થ નથી, પરંતુ એડિસન કહે છે તેમ હાસ્યરસ હોવાનો દાવો કરનાર ખોટા વેશધારીઓ ઘણા હોય છે, અને તે માટે, કલાવિધાન દ્વારા ખરા-ખોટાનો ભેદ પારખવાની ઘણી જરૂર છે.

આ રસના કલાવિધાનમાં મોટો પ્રશ્ન અસંભવનો છે. સ્વ. નવલરામના. “હાસ્યરસ વિષેના નિબંધ”નું તાત્કાલિક કારણ એ જ હતું. સ્વ. નર્મદાશંકરે ‘ભટ્ટના ભોપાળા’માં અસંભવિતપણાનો દોષ મૂકી એમાં હાસ્યરસ છે જ નહિ એમ કહ્યું હતું તે ઉપરથી સ્વ. નવલરામે તે પ્રસંગે પ્રતિપાદન કર્યું હતું, કે હાસ્યરસમાં અસંભવ એ દોષ નથી, પણ ‘અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી છે’, અને, એ મતના સમર્થનમાં ઘણાં ઉદહારણો આપ્યાં હતાં. એ પ્રતિપાદનનો સાર એ નિબંધમાં લખ્યો છે.

રસિક કૃતિઓની રચનામાં અનુકરણનું સ્થાન છે કે કલ્પનાનું સ્થાન છે, એ સામાન્ય પ્રશ્ન આ વિષયમાં પણ અંતર્ભૂત રહેલો છે. એ સામાન્ય પ્રશ્ન વિશે અમે બીજે પ્રસંગે વિવેચન કર્યું છે. અને અહીં એ સંબંધે એટલું જ કહીશું કે સાહિત્યની મનઃસૃષ્ટિમાં અનુકરણ અને કલ્પના એ બન્નેનો સમાવેશ થાય છે; વાસ્તવિકતાના અનુકરણની પણ જરૂર છે અને નવીનતાની કલ્પનાની પણ જરૂર છે; વાસ્તવિક રીતે કોઈ દિવસ હોઈ શકે જ નહિ એવી સ્થિતિની કલ્પના રસને પુષ્ટ કરતી નથી. તેમ જ, નિત્ય સાધારણ રીતે જોવામાં આવે એવી બિનાઓનું અનુકરણ મનનું રંજન કરતું નથી. વાસ્તવિકતાનું ધોરણ લક્ષમાં રાખી નવી અને અપૂર્વ સૃષ્ટિ ઉપજાવવી એ કલાવિધાયકનું કામ છે. દા. વિલિયમ અર્નેસ્ટ હેનલી કહે છે તેમ, ‘રસિક કલામાં કુદરત નહિ પણ કુદરતનો સાર આવે છે.’; ‘વાસ્તવિકતામાં જે સ્થૂલ અને અપ્રસ્તુત અંશો હોય તે કાઢી નાંખી જે અમર હાર્દ હોય તે પસંદ કરી અને એકઠું કરી પ્રકટ કરવું જોઈએ,’ જેને કુદરતમાં સંભવ જ ન હોય તેમાં આ હાદ હોઈ શકે નહિ તથા ચિત્ત તે કબૂલ કરે નહિ. અને, જે કુદરતના બાહ્ય સ્થૂલ આકાર ઉપરથી માત્ર નકલ કરી ઉતારી લીધેલું હોય તેમાં પણ એ હાર્દ હોય નહિ અને ચમત્કાર હોય નહિ. કલાવિધાયકે કલ્પનાને સૃષ્ટિમાં ફેરવી રસિક અંશો એકઠા કરી તે વડે નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવી જોઈએ. સંભવની શક્યતા જાળવી અપૂર્વ અને અદ્‌ભુત કૃતિ ઉદ્‌ભૂત કરવી જોઈએ.

તેથી, આવું કોઈ દિવસ બન્યું નથી,’ એ વાંધો હાસ્યરસવાળી કૃતિ સામે લઈ શકાય નહિ. ‘એવું બની શકે તેમ હોય’ તો બસ છે. મૂર્ખાઓની સભા કોઈ ઠેકાણે મળી ન હોય તો હરકત નથી. પણ, પંડિતો પેઠે મૂર્ખાઓની સભા મળે એ શક્ય છે, અને મૂર્ખાઓ જેવા વિચાર કરે અને જેવી પ્રવૃત્તિ કરે તેવા વિચાર અને પ્રવૃત્તિ એ સભાના વર્ણનમાં દાખલ કરેલાં હોય તો સંભવની શક્યતા જળવાય છે. સાધારણ માણસો હમેશના વ્યવહારમાં જે બોલે છે, ચાલે છે તેના વર્ણનમાં હાસ્યરસ હોતો નથી, પણ, હંમેશ ન બને એવું તરેહવારપણું હોય ત્યારે જ હાસ્યરસ શક્ય થાય છે. આ જ અર્થમાં સ્વ. નવલરામ કહે છે કે ‘અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી છે.’ ‘સાધારણ રીતે ન બને તે’ એટલો જ એ વાક્યમાં ‘અસંભવ’નો અર્થ છે. સાધારણ રીતે જોવામાં ન આવતી તે છતાં જનસ્વભાવમાં વસતી,-એવી વિલક્ષણતાને મૂર્ત રૂપ આપી આગળ પડતી કરવાથી અને સાધારણ લક્ષણ સાથેનો તેનો વિરોધ દર્શાવવાથી સંઘટ્ટન થઈ હાસ્યમયતા પ્રકટ થાય છે.

‘મારી સાસુએ એમ કહ્યું જે વાસીદાં વાળી મેલ;
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ.
મારી સાસુએ એમ કહ્યું કે પાણી ભરી મેલ;
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડાં ફોડી મેલ.
મારી સાસુએ એમ કહ્યું જે રાંધણ રાંધી મેલ;
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ,
મારી સાસુએ એમ કહ્યું જે ગાયો દોહી મેલ;
મેં ભોળીએ એમ જાણ્યું કે ગાયો છોડી મેલ.
મારી સાસુએ એમ કહ્યું જે કોડમાં દીવો મેલ;
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ.
રાંદેલ (રન્નાદેવી)નાં ગીત.

બધી વહુઓ ભોળી નથી હોતી અને સવળાનું અવળું કરનારી નથી હોતી. પણ કેટલીક વહુઓ ભોળી હોય છે, કેટલીક ભોળી વહુઓ સાસુના તાપથી ગભરાટમાં રહેનારી હોય છે. કેટલાંક માણસો ગભરાટમાં ખોટું સાંભળે છે અને ખોટું સમજે છે. કેટલાંક ભોળાં માણસો ખોટું સાંભળ્યા કે ખોટું સમજ્યા પછી યોગ્યયોગ્યતાનો વિચાર કર્યા વિના પોતે જે સાંભળ્યું હોય કે પોતે જે સમજ્યાં હોય તેના અમલ કરે છે : એ બધા સંભવોની શક્યતા એકઠી કરતાં આ ગીતમાં વર્ણવેલી હકીકત કોઈ વખતે બની ન હોય, તો પણ, ન બને એવી નથી એમ લાગે છે. ‘વળી’ કહ્યું હોય ત્યાં ‘બાળી’ સંભળાય એ શક્ય છે તેથી, ગભરાયેલી ભોળી વહુ ‘વાસીદાં વાળી મેલ’ એવો સાસુનો હુકમ સાંભળી સાસુને પૂછી જોવાની હિંમત ન હોવાથી તેમ જ હુકમનો અમલ કરતાં ઢીલ કરવાથી સાસુ વઢશે એવી બીક હોવાથી અને ‘વાસીદાં બાળી મેલવાનું’ કોઈ શા માટે કહે એવી સમજણ ન હોવાથી, વધારે વિચાર ન કરતાં ‘વાસીદાં વાળી મેલ’ વચનને ‘સાવરણી બાળી મેલ’ના અર્થમાં સમજી લે અને તે પ્રમાણે અમલ કરે એ શક્ય છે. તે જ પ્રમાણે, ‘દોહી’ કહ્યું હોય ત્યાં ‘છોડી’ સંભળાય અને ‘કોડ’ કહ્યું હોય ત્યાં ‘સોડ’ સંભળાય એ બનવા જોગ છે, અને ગભરાયેલી ભોળી વહુઓ એ પ્રમાણે સંભળાયેલા વચનનો અમલ કરે એ બનવા જોગ છે. એવા ભોળપણ અને ગભરાટનું સ્વરૂપ વધતાં તે એવું પણ થાય કે સાસુએ શું કહ્યું તે વહુ સાંભળે નહિ, એટલું જ નહિ પણ તે સમજે પણ નહિ, અને પાણીનાં વાસણ તરફ કે રાંધવાની જગા તરફ આંગળી કરી સાસુએ ગુસ્સામાં કહ્યું હોય તે ફોડી નાખવાનું જ કે ખોદી નાખવાનું જ કહ્યું હોય એમ માની લઈ ઉપર કહી તેવી વૃત્તિથી વધારે વિચાર ન કરતાં એકદમ તેનો અમલ કરે એ શક્ય છે. આ પ્રકારોમાં સંભવને ખેંચીને અસંભવના રૂપમાં મૂકવાની કલાથી હાસ્યમયતા પુષ્ટ થાય છે.

અસંભવ સરખું રૂપાંતર પામેલી આ સંભવની શક્યતાનું પ્રો. બર્ગસને નિરૂપણ કર્યું છે તે લક્ષમાં લેવા યોગ્ય છે. તેઓ કહે છે, હાસ્યપાત્ર લક્ષણોમાં અને અંશોમાં ખાસ જાતની તર્કવ્યવસ્થા (logic) હોય છે. એ તર્કવ્યવસ્થા વિચિત્ર પ્રકારની હોય છે અને તેમાં કેટલીક વખતે અયુક્તતા (absurdity)નો સમાવેશ થયેલો હોય છે. કેટલાકનો મત એવો છે કે હાસ્યમયતા છેક છેડા પર જાય છે ત્યારે તેમાં અયુક્ત તર્કવ્યવસ્થા હોય છે. અને અયુક્તતાને મૂર્તિમન્ત થયેલી જોઈ-દેખાઈ આવે એવી અયુક્તતા જોઈ-આપણને હસવું આવે છે; કેટલાકનો મત એવો છે કે એવે પ્રસંગે આપણે ક્ષણભર અયુક્ત વાત કબૂલ કરી લઈએ છીએ અને પછી તરત જ ભૂલ સુધારી દઈએ છીએ. કેટલાકનો મત એવો છે કે એવી વાત એક દૃષ્ટિબિન્દુથી અયુક્ત જણાય છે, પણ, બીજા દૃષ્ટિબિંદુથી તેનો ખુલાસો થઈ શકે તેમ હોય છે.’ આ બધા મતમાં કંઈક સત્ય હશે. પરંતુ, એ બધા મત કેટલાંક બહાર દેખાતાં હાસ્યમય પરિણામને જ લાગુ પડે છે, અને, એવા પ્રસંગમાં હાસ્યમયતાનું જે લક્ષણ હોય છે તેનો એ મતથી ખુલાસો થતો નથી. અર્થાત્‌ હાસ્યમયતામાં અયુક્તતા રહેલી હોય છે ત્યારે તે કઈ જાતની અયુક્તતા હોય છે તેનો એ મતથી ખુલાસો થતો નથી. આની તાત્કાલિક સાબિતી એ જ કે એ મતને પ્રકારે અયુક્ત વાતોવાળાં ઉદાહરણો ગોઠવી જોઈશું તો માલૂમ પડશે કે એમાંથી ઘણામાં કાંઈ હાસ્યમય હોતું નથી. આથી જણાય છે કે હાસ્યમયતામાં જ્યારે અયુક્તતા રહેલી હોય ત્યારે તે સામાન્ય અયુક્તતા નથી હોતી, પણ, અમુક જાતની અયુક્તતા હોય છે. એ અયુક્તતાથી હાસ્યમયતા ઉત્પન્ન થતી નથી, પણ ઊલટું હાસ્યમયતા પોતાનો વિશેષ અંશ એ અયુક્તતામાં ફેલાવે છે. અયુક્તતા એ કારણ નથી હોતું પણ પરિણામ હોય છે, અને તે એવું ખાસ જાતનું પરિણામ હોય છે કે તેના કારણનું વિશેષ સ્વરૂપ તેમાં પ્રાદુર્ભાવ થાય છે.

એક ઉદાહરણ કલ્પીએ. બહાર ફરવા ગયાં ત્યાં આપણે કોઈ ડુંગરની ટોચ પર કાંઈ એવું જોયું કે તે આઘેથી હાલ્યા ચાલ્યા વિના ઊભેલા શરીર જેવું કાંઈક દેખાતું હોય, અને તેના હાથ ચકર ચકર ફરતા હોય એમ દેખાતું હોય. એ શું છે તે આપણે જાણતા નથી, પણ, આપણા વિચારોમાં શોધ કરવા માંડીએ છીએ, એટલે કે, એ શું હોઈ શકે – એવું શું હોય તે નક્કી કરવા આપણી સ્મરણશક્તિ ચલાવીએ છીએ, આપણને યાદ આવે તેમાંથી આ દેખાવને બંધ બેસતું શું હોય એ વિચારીએ છીએ. થોડી વારમાં પવનચક્કીની આકૃતિ આપણા મન આગળ ઊભી થાય છે; અને, આપણે મનથી નક્કી કરીએ છીએ કે એ પવનચક્કી છે. ઘેરથી નીકળતાં પહેલાં આપણે જંગી હાથવાળા રાક્ષસોની અદ્‌ભુત વાર્તાઓ વાંચતા હતા તેથી ફેર પડતો નથી, કારણ કે, ઘટતી વાતો યાદ લાવી અક્કલ વાપરવી એમાં મુખ્યત્વે સાધારણ સમજ (common sense) હોય છે, તોપણ, નિરુપયોગી વાત વિસારે મૂકી અક્કલ વાપરવી એમાં વળી વિશેષ રીતે સાધારણ સમજ હોય છે. મન વખતોવખત બદલાતી સ્થિતિને અનુકૂળ થાય અને વસ્તુઓ બદલાય તે સાથે ગતિ કરી વિચારો બદલાય એ પ્રયાસ તે સાધારણ સમજ છે.

પણ હવે, રણસંગ્રામોમાં જવા નીકળેલા ડૉન ક્વિશૉટ તરફ દૃષ્ટિ કરીએ. તેમણે વાંચેલી બધી અદ્‌ભુત વાર્તાઓમાં લખેલું છે કે ‘નાઇટ્‌સ’ (વીર પુરુષો)ને રસ્તામાં રાક્ષસો સામા મળે છે. ડૉન ક્વિશૉટ ધારે છે કે મને પણ સામો રાક્ષસ મળવો જોઈએ. રાક્ષસનો વિચાર તેના મનમાં ઠસી ગયેલો છે અને બહાર નીકળી આવી કોઈ પદાર્થમાં ગોઠવવાની તક જોઈ રહેલો છે તેથી, જે પદાર્થ સહેજ પણ રાક્ષસની આકૃતિ જેવો દેખાય છે તે તેની દૃષ્ટિએ રાક્ષસ બની જાય છે. આ રીતે, જ્યાં આપણે પવનચક્કીઓ જોઈએ છીએ ત્યાં ડૉન ક્વિશૉટ રાક્ષસો જુએ છે. આ હાસ્યમય છે; આ અયુક્ત પણ છે. પણ એ શું માત્ર અયુક્તતા જ છે – ગમે તે રીતે અયુક્ત કહેવાય એવી એ સ્થિતિ છે?

આ સ્થિતિમાં સાધારણ સમજને કાંઈ જુદી રીતે ઊંધી વાળી હોય છે. વસ્તુઓ પ્રમાણે પોતાના વિચાર બાંધવાને બદલે એમાં પોતાના વિચાર પ્રમાણે વસ્તુઓ બાંધવાનો પ્રયત્ન હોય છે. આપણે જે જોઈએ છીએ તેનો વિચાર કરવાને બદલે આપણે જેનો વિચાર કરતા હોઈએ છીએ તે આપણા આગળ આવેલું જોઈએ છીએ. બુદ્ધિ વાપરીએ તો તો આપણી સ્મૃતિમાં જે વસ્તુઓ રહેલી છે તેને પોતપોતાને ઠેકાણે આપણે રહેવા દઈએ; એમ હોય ત્યારે, પ્રસંગાનુસાર ઘટતી વસ્તુ સ્મૃતિમાંથી આવી બોલાવેલી હાજર થશે અને જેનો પ્રસંગ હશે તેનો અર્થ સમજાવવાનું કાર્ય કરશે, પણ ડૉન ક્વિશૉટને તો એથી ઊલટું એવું છે કે તેની સ્મૃતિમાંની એક વર્ગની વસ્તુઓ બીજી બધી પર અમલ ચલાવે છે અને સ્વભાવ ઉપર પણ અધિકાર ચલાવે છે. તેથી, કલ્પનાને તાબે થવાની વાસ્તવિકતાને ફરજ પડે છે, અને, મનના તરંગ સારુ મૂર્તિમંત આકૃતિ પૂરી પાડવી એટલું જ કામ વાસ્તવિકતાને કરવાનું રહે છે. ભ્રમ એક વાર ઉત્પન્ન થયા પછી ડૉન ક્વિશૉટ તેનો વિસ્તાર તર્કાનુસાર કરી પરિણામો ઉપજાવે છે. ઊંઘમાં ફરવાની ટેવ હોય તેવો માણસ પોતાના સ્વપ્ન પ્રમાણે આચરણ કરે છે તેની પેઠે ડૉન ક્વિશૉટ ભ્રમમાં પણ દરેક કામ ખરા પ્રમાણે ચોકસાઈથી અને રીતસર કરે છે. ભ્રમનો ઉદ્‌ભવ આ પ્રમાણે થાય છે. અને, વિશેષ જાતની અયુક્તતાનું નિયંત્રણ આ વિશેષ જાતની તર્કવ્યવસ્થાથી થાય છે.

આ તર્કવ્યવસ્તા ડૉન ક્વિશૉટની એકલાની નથી. પણ, હાસ્યપાત્ર મનુષ્યોના મનનું એવું વલણ બંધાઈ જાય છે કે સાંભળ્યા વિના અને જોયા વિના તેઓ એક ભૂલભરેલે રસ્તે ચાલ્યા જાય છે, અને પોતાને જે જોવું હોય તે જ દેખાય છે એમ તેઓ ધારે છે, તથા પોતાની કલ્પના પ્રમાણે જ બધી ઘટના છે એમ તેઓ માને છે. સાધારણ સમજની આવી વિપરીતતા દીવાનાપણામાં જોવામાં આવે છે, પણ, દીવાના માણસનું આવું વર્તન જોવામાં આવે છે ત્યારે હાસ્ય ઉત્પન્ન થતું નથી પણ દયા ઉત્પન્ન થાય છે. જો કોઈ જાતનું દીવાનાપણું હસવા સરખું હોય તો તે મનની સાધારણ સ્વસ્થતાવાળું હોવું જોઈએ; ગાંડો ન હોય તેનું જ દીવાનાપણું હસવા સરખું થાય. આવું દીવાનાપણું સ્વપ્નાવસ્થામાં હોય છે. સ્વપ્નાવસ્થામાં આવેલો માણસ ગાંડો નથી હોતો. તેની તર્કવ્યવસ્થા આવી જ જાતની હોય છે. આ રીતે, એવો સિદ્ધાંત થઈ શકશે કે હસવા સરખી અયુક્તતા સ્વપ્નના પ્રકારની હોય છે.’ (લાફટર; ઍન એસે ઑન ધ મિનિંગ ઑફ ધ કોમિક.)

‘અસંભવ’માં રહેલી આ હાસ્યજનક અયુક્તતા (comic absurdity) સ્વપ્નની અયુક્તતાને શી રીતે મળતી હોય છે તે પ્રો. બર્ગસન આ પ્રમાણે દર્શાવે છે; ‘ડૉન ક્વિશૉટ સરખા મનુષ્યોનો દીવાનાપણા જેવો અને હસવા સરખો બુદ્ધિવ્યાપાર ઉપર વર્ણવ્યો તેવો જ બુદ્ધિવ્યાપાર સ્વપ્નમાં થાય છે. માણસ ઊંઘમાં પડતાં તેનું મન પોતાના જ વિચારથી પ્રસન્ન થઈ બાહ્ય જગતની વસ્તુતઃ અલગ થઈ જાય છે, અને, માત્ર પોતાની કલ્પનાનો સાક્ષાત્કાર કરવાનાં નિમિત્ત મળે એટલા પૂરતો જ બાહ્ય જગતનો આશ્રય લે છે. ગૂંચવાયેલા અવાજોનો ભણકારો ઊંઘનારના કાનમાં પડે છે, તેની દૃષ્ટિએ રંગ દેખાય છે, અને તેની ઇન્દ્રિયોની ગ્રહણશક્તિ સમૂળગી બંધ થઈ ગયેલી નથી હોતી, પરંતુ, સ્વપ્નાવસ્થામાં તેની ઇન્દ્રિયો જે ગ્રહણ કરે છે તે શું છે તે સમજવા સારુ તે પોતાની બધી સ્મૃતિઓનો ઉપયોગ કરતો નથી, પણ, જે સ્મૃતિ પોતાને ખાસ પ્રિય હોય તેનો જ ઉપયોગ કરે છે અને તેને આધારે વસ્તુસ્વરૂપ કલ્પે છે. આ રીતે, સ્વપ્ન અનુભવનારના મનની તે તે વખતની વૃત્તિ પ્રમાણે અને તેની કલ્પનામાં તે તે વખતે ભરાયેલા ભાવ પ્રમાણે તે એક જ ઇન્દ્રિયાનુભવ પરથી જુદી જુદી વસ્તુઓનો સ્વપ્નમાં સાક્ષાત્કાર કરે છે. બારી પરના બાકામાંથી આવતો પવનનો સુસવાટો કોઈ વેળા સ્વપ્નામાં જંગલના પશુની ગર્જના બને છે અને કોઈ વાર મધુર સંગીત બને છે. સ્વપ્નમાં આમ જેવો ભ્રમ થાય છે તેવો જ ભ્રમ હાસ્યજનક અયુક્તતામાં થાય છે. હાસ્યમય અવસ્થાની અને સ્વપ્નાવસ્થાની તર્કવ્યવસ્થા એકસરખી હોય છે. જે તર્ક સાંભળી આપણે હસીએ છીએ છે, ખોટા છે એમ આપણે જાણીએ છીએ, પણ, તે એવા હોય છે કે સ્વપ્નમાં તે સાંભળ્યા હોય તો આપણે તે ખરા માનીએ. એમાં ખરા તર્કની એવી ખોટી નકલ હોય છે કે નિદ્રામાં પ્રવેશ કરતું મન એવા તર્કથી છેતરાય. એમાં કોઈ જાતની તર્કવ્યવસ્થા તો હોય છે જ, પણ, તે એવી હોય છે, કે તે તેમાં વિચાર કરવાનો શ્રમ પડતો નથી. નર્મયુક્ત વાક્‌ચાતુર્યનાં વચનો (witticisms) ઘણી વાર આ જાતનાં હોય છે. વિચારોની એવી રમતથી આખરે શબ્દોની રમત ઉદ્‌ભવે છે. જુદા જુદા વિચારોનો સંબંધ માત્ર ઉપર ઉપરનો થવાથી શબ્દોના અર્થને બદલે શબ્દોના અવાજ ઉપર લક્ષ જતાં દ્વિઅર્થ શબ્દોની ચતુરાઈમાં આપણે ઊતરીએ છીએ. હાસ્યરસની આવી તર્કવ્યવસ્થામાં વિચારોનું અંતઃસ્વરૂપ જતું રહેવા છતાં તેનો શબ્દરૂપી બાહ્ય આકાર કાયમ રહેવાથી જે વિલક્ષણતા થાય છે તે સ્વપ્નમાં પણ હોય છે. ઉદાહરણાર્થ, પ્રહસનમાં કેટલાક હાસ્યમય અભિનય એવા હોય કે એક પાત્રના કાનમાં બીજું પાત્ર કંઈ શબ્દો કહે છે તે પરથી સાંભળનાર પાત્ર મૂર્ખાઈ ભરેલી રીતે અને અર્થ સમજાતો ન હોય તેવા ડોળથી તે શબ્દો ફરી બોલી જાય છે. સ્વપ્નમાં પણ આવી ઘટના હોય છે. આસપાસ જાગતા લોકો બોલતા હોય તેમનાં વચનો ઊંઘમાં પડેલા માણસને કાને પડતાં તેના ચિત્તમાં તે વચનો અર્થ વિનાનાં થઈ જાય છે અને મરડાઈને એવા તરેહવાર તથા આકસ્મિક રૂપે એકઠાં થાય છે કે સ્વપ્નમાં તે અતિવિલક્ષણ અર્થ ધારણ કરે છે.’

પ્રો. બર્ગસનના આ વિવેચનનો સાર એ છે કે હાસ્યરસમાં વર્ણવેલો અસંભવ પ્રથમ દૃષ્ટિએ અયુક્ત (absurd) લાગે, એવી અયુક્ત સ્થિતિમાં કોઈ માણસ આવે જ નહિ-એવા અયુક્ત વિચાર કોઈ માણસ કરે જ નહિ-એવાં અયુક્ત વચનો કોઈ માણસ બોલે જ નહિ એમ પ્રથમ દૃષ્ટિએ લાગે, તો તે ભૂલ છે. કેટલાક માણસો પોતાના મનમાં તરંગથી એવા વશ થઈ જાય છે કે એ તરંગથી કલ્પેલી વાતને સાચી માની લે છે અને જે તર્કવ્યવસ્થા સાધારણ મનુષ્યો સાચી વાત સંબંધે વાપરી ખરા વિચાર બાંધે છે, તે જ તર્કવ્યવસ્થા એવા મનુષ્યો પોતાના તરંગમાં આવેલી કલ્પિત વાત સંબંધે વાપરી અયુક્ત વિચાર બાંધે છે. રાક્ષસોને જંગી હાથ હોય છે એવું વાર્તામાં વાંચ્યુ હોય તે છતાં જ્યાં આઘેથી કોઈ એવી આકૃતિ દેખાઈ કે તેને જંગી હાથ છે એમ આભાસ થાય તોપણ સાધારણ મનુષ્યો એમ ન માની લે કે રાક્ષસ ઊભો છે. પરંતુ ડૉન ક્વિશૉટ સરખા મનુષ્યના મનમાં રાક્ષસો સાથે યુદ્ધ કરવાના તરંગ રમી રહ્યા હોય તો તે એ આકૃતિને રાક્ષસ જ માને, અને ખરેખરો શત્રુ ઊભો હોય ત્યાં સાધારણ મનુષ્ય જે પ્રમાણે બોલે ચાલે તે જ પ્રમાણે આવા તરંગી મનુષ્યો વગર શત્રુએ બોલે ચાલે. જ્યાં ચિત્તમાં એક વાર ભ્રમ સ્થાપિત થયો હોય ત્યાં તર્કવ્યવસ્થા અયુક્તતા ઉપજાવે છે અને એવી અયુક્તતા હાસ્યમય થાય છે. ‘બાન્ધવ’ એટલે કોણ તે ન જાણનાર મૂર્ખ ‘સ્મશાને યસ્તિષ્ઠતિ સ બાન્ધવઃ’ (‘સ્મશાનમાં જે ઊભો રહે તે બાન્ધવ’) એવું વચન સાંભળી બાન્ધવ કેવો હોય તે જોવા સારુ સ્મશાનમાં જાય અથવા સ્મશાનમાં બાન્ધવ ઊભો હશે એમ ધારે, એ શક્ય છે. અને, ‘સ્મશાન જવાને પ્રસંગે મદદમાં ઊભો રહે તેને બાન્યવ સમજવો’ એવો એ વાક્યનો ખરો અર્થ ન સમજતાં ‘સ્મશાનની ભૂમિમાં જે પગ માંડી ઊભેલો હોય તે બાન્ધવ કહેવાય’ એવો ખોટો અર્થ તે સમજે. તો પછી, બાન્ધવનું દર્શન કરવા સારુ તે સ્મશાનભૂમિમાં જાય અથવા સ્મશાનભૂમિમાં બાન્ધવ મળશે એમ ધારે, અને, સ્મશાનભૂમિમાં જતાં ત્યાં ગધેડાને ઊભેલ જોઈ ‘આ બાંધવ છે’ એમ એકદમ માની લે, એ સાધારણ તર્કવ્યવસ્થાનું પરિણામ છે. એ ન બને એવી અયુક્તતા નથી પણ હસવા સરખી અયુક્તતા છે. જંગી આકૃતિ જોઈ એ કઈ વસ્તુ હોવી જોઈએ તે નક્કી કરવા સાધારણ મનુષ્ય પોતે પ્રથમ જોયેલી ઊંચા કદની વસ્તુઓ યાદ લાવવા પ્રયત્ન કરે, પણ, ડૉન ક્વિશૉટ સરખા મનુષ્યોના મનમાં રાક્ષસો એવા રમી રહ્યા છે કે બીજી કોઈ વસ્તુઓ યાદ લાવવાનો પ્રયત્ન ન કરતાં તેઓ પોતાને મનગમતી રાક્ષસની કલ્પના જ યાદ લાવે છે અને પછી સાધારણ તર્કવ્યવસ્થાની ‘આ રાક્ષસ છે’ એમ અનુમાન કરે છે. સ્મશાનમાં ગધેડાને ઊભેલો જોઈ સાધારણ મનુષ્યો પોતે પ્રથમ જોયેલી લાંબા કાનવાળી, મોંના લાંબા નાળચાવાળી, ધોળા રંગવાળી, લટકતી પૂંછડીવાળી ગધેડાની આકૃતિ યાદ કરી સાધારણ તર્કવ્યવસ્થા વડે ‘આ ગધેડો છે’ એમ અનુમાન કરે છે. પણ, અક્ષરાર્થને વળગી રહેનાર મૂર્ખ એવું કાંઈ યાદ લાવવાનો પ્રયત્ન ન કરતાં ‘સ્મશાને વ્યસ્તિષ્ઠતિ સ બાન્ધવઃ’ એ વાક્ય જ યાદ કરે છે, અને, તેથી એ જ સાધારણ તર્કવ્યવસ્થા વડે ‘આ બાન્ધવ છે’ એમ અનુમાન કરે છે.

આમ, આ અયુક્તતા એવી નથી કે મનુષ્યના તર્કમાં જ તે ઊતરે નહિ અને તર્કવ્યવસ્થા ચલાવી શકે તેવો મનુષ્ય એવું વર્તન કરે જ નહિ. એવી અવસ્થામાં તર્કવ્યવસ્થાનું બળ તો હોય છે, પણ, મનની વિલક્ષણતાને લીધે એ બળ આગળ રજૂ થનારાં ઉપાદાન એવાં બદલાઈ જાય છે કે પરિણામ અયુક્ત થાય છે. તે છતાં મૂળમાં વાસ્તવિક વિલક્ષણતા રહેલી હોવાથી અયુક્તતા શ્રોતાના ચિત્ત આગળ ‘અસંભવ’ના દોષથી અસ્વીકાર્ય નથી બનતી, પણ, તેના ચિત્તને વિલક્ષણતાના સંભવની પ્રતીતિ કરાવી પ્રસન્ન કરે છે અને હાસ્ય ઉપજાવે છે. તર્કવ્યવસ્થાની પ્રવૃત્તિ ખરેખરી રીતે આ પ્રકારે થાય છે એ હકીકતના ઉદાહરણ સારુ પ્રો. બર્ગસન સ્વપ્નાવસ્થાના અનુભવ શી રીતે થાય છે તે વર્ણવે છે. એ અવસ્થામાં પણ માણસ પોતાને મનગમતી કલ્પનાથી ઘેરાઈ જાય છે; ઇન્દ્રિયો જે ગ્રહણ કરે તે શું છે તે સમજવા સારુ પૂર્વના અનુભવ પ્રસ્તુતપણે યાદ ન લાવતાં માણસ પોતાના મનમાં વિશેષ ઠસી ગયેલો અમુક અનુભવ જ યાદ લાવી અને પછી સાધારણ તર્કવ્યવસ્થા ચલાવી ‘આ તે અમુક વસ્તુ છે’ એવા ખોટા અનુમાનમાં ઊતરી પડે છે, પોતાને દોરડાનો સ્પર્શ થતો હોય તો સાપનો સ્પર્શ થાય છે એમ ધારે છે, પોતાની આંખમાં તેજનું એક કિરણ આવતું હોય તો આગ લાગી છે એમ ધારે છે. આ રીતે જ્યાં મનની વિલક્ષણતાને લીધે બધી કલ્પનાઓનું સમતોલન ન રહેતાં એકાદ કલ્પના આગળ પડતી થઈ સર્વ અનુભવોને પોતાના રૂપના કરવા મથે છે ત્યાં મન ભ્રમને વશ થાય છે અને તેથી મન આગળ આવતી વસ્તુઓ એવી મરડાઈ જાય છે અને તેથી વાંકી થઈ જાય છે, કે તે પર ચલાવેલો તર્કવ્યાપાર અયુક્ત પરિણામો જ ઊભાં કરે છે. તેથી તેઓ કહે છે કે હાસ્યમયની તર્કવ્યવસ્થા (logic of the laughable) અને સ્વપ્નમયની તર્કવ્યવસ્થા (logic of dreams) એકસરખી હોય છે; બન્નેમાં મનના તરેહવાર વલણ પર તર્કવ્યાપાર રચાય છે અને એ રીતે આરંભમાં વક્રતા હોવાથી બધી ઘટના અયુક્ત બને છે તથા આરંભની વક્રતામાં સમાયેલું હાસ્યમયતાનું બીજ એ અયુક્ત ઘટનાને હાસ્યમય બનાવે છે.

આ નિરૂપણથી એ ફલિત થાય છે કે જેમના મનમાં વિલક્ષણતા હોય છે તેમના તર્કવ્યાપાર હાસ્યમય થાય છે. એવા તર્કવ્યાપાર અયુક્ત પણ થાય છે, પરંતુ, અયુક્તતાથી હાસ્ય થતું નથી, પણ, જે વિલક્ષણતાથી હાસ્ય થાય છે તે જ વિલક્ષણતા અયુક્તતા ઉત્પન્ન કરે છે, અને તેથી, એવી અયુક્તતા હાસ્યથી રંગાય છે. એ વિલક્ષણતા વાસ્તવિક હોય છે, અને, સાધારણ રીતે થઈ શકે એવો તર્ક વ્યાપાર તે વિલક્ષણતા ઉપર પ્રવૃત્ત કરતાં એવી અયુક્તતા ઉત્પન્ન થાય છે, તેથી, એમાં અસંભવનો દોષ હોતો નથી. આમ, કલા સંબંધે ‘અસંભવ’ની ઉપર કરેલી વ્યાખ્યા પ્રો. બર્ગસનના આ નિરૂપણ સાથે એકાર્થ થાય છે. મૂળની વિલક્ષણતા તે ‘સંભવ’ છે, અને તેને તર્કવ્યાપારમાં ખેંચી અયુક્તતાના અર્થાત્‌ અસંભવના રૂપમાં મૂકવાની કલાથી હાસ્યમયતા પુષ્ટ થાય છે.

સ્વિફ્ટની ‘ગલિવર્સ ટ્રાવેલ્સ’ સરખી કૃતિઓમાં જે અસંભવના અંશ હોય છે તે વાર્તાનો વિષય હોય છે, હાસ્યરસનો વિષય નથી હોતો. એવા અમાનુષ વૃત્તાન્તની વાર્તાઓને આધારે હાસ્યરસની કૃતિઓ થાય છે. તેમ જ વીરરસ, શૃંગારરસ વગેરે રસની કૃતિઓ પણ થાય છે. સ્વિફ્ટે એ ગ્રંથમાં અમાનુષ પ્રાણીઓ કલ્પી તેમનામાં મનુષ્યોનાં લક્ષણ આરોપિત કર્યાં છે. અને એ આરોપણમાં મનુષ્યસ્વભાવમાં રહેલી વિલક્ષણતાને આગળ પડતી કરી તેમાંની હાસ્યમયતા દર્શાવી છે. એ હાસ્યમયતા મનુષ્યના લક્ષણની છે અને સંભવે તેવી છે; જેવાં પ્રાણીઓ હોઈ શકે નહિ તેવાં પ્રાણીઓના અસ્તિત્વ પર હાસ્યમયતાનો આધાર નથી, અર્થાત્‌ અસંભવ ઉપર હાસ્યમયતાનો આધાર નથી. સ્વિફ્ટે એ પ્રાણીઓને સૂક્ષ્મ વસ્તુને મોટી આકૃતિમાં દેખાડનાર અગર મોટી વસ્તુને સૂક્ષ્મ આકૃતિમાં દેખાડનાર કાચ જેવાં કલ્પ્યાં છે. એ કાચથી થતી નાની મોટી આકૃતિમાં હાસ્ય સમાયું નથી. પણ, એ કાચથી જણાઈ આવતાં મૂળ વસ્તુનાં તરેહવાર લક્ષણોના દર્શનમાં હાસ્ય સમાયું છે.

હાસ્યરસના કલાવિધાનમાં જેમ સંભવની શક્યતા સચવાવી જોઈએ તેમ એ સંભવ તે ઘણી વાર નજરે પડે એવા પ્રસંગોનો સંભવ હોવો જોઈએ; કોઈ એકાદ વખત જ જોવામાં આવે એવા પ્રસંગનો એ સંભવ હોવો જોઈએ નહિ. અર્થાત્‌, મનુષ્યસ્વભાવની જે વિલક્ષણતાના ચિત્રથી હાસ્યરસ ઉપજાવવાનો હોય તે વિલક્ષણતાવાળાં માણસો વખતોવખત જોવામાં આવે છે એવો આપણો સાધારણ અનુભવ હોવો જોઈએ; એવું વિલક્ષણ માણસ કોઈ એક જ થઈ ગયું અને એવા પ્રકારનાં બીજાં માણસો જોવામાં ન આવે, એમ હોય તો, એવો સંભવ હાસ્યરસ માટે પૂરતો નથી. હાસ્યરસના સ્વરૂપ પર દૃષ્ટિ કરીશું તો વિલક્ષણતાના આ વિસ્તારની આવશ્યક્તાનું કારણ જણાઈ આવશે. જે સંઘટ્ટનથી હાસ્યરસનો ઉદ્‌ભવ થાય છે તે સંઘટ્ટન બરાબર જામે એટલા માટે સામાસામી અથડાતી બન્ને વસ્તુઓ પહોળી હોવી જોઈએ. હાસ્યરસમાં ઘણાખરા મનુષ્યોનાં સામાન્ય લક્ષણો સાથે કેટલાક મનુષ્યોનાં વિચિત્ર લક્ષણો અથડાય છે. ત્યાં એ સામાન્ય લક્ષણો-(જેને ‘સુલક્ષણો’ કહીએ તો ચાલે તે)ની બાજુ તો ઘણી વિસ્તારી હોય છે, પણ, સામી બાજુએ વિચિત્ર લક્ષણનું એક બિન્દુ જ હોય તો સંઘટ્ટન જોઈએ તેવું થાય નહિ. સુલક્ષણો તે મનુષ્યોના મોટા સમૂહનાં હોઈ તેનો પટ પહોળો હોય છે; વિચિત્ર લક્ષણોનો પટ એવો પહોળો તો હોઈ શકે નહિ, પણ, સંઘટ્ટનથી ધ્રુજારો અને અથડાઅથડીનો સંક્ષોભ કરી શકે એટલો તો તેનો પટ પહોળો હોવો જોઈએ; એક બે બિન્દુ જેટલી પહોળાઈ વિસ્તીર્ણ પટ સામે અથડાય તેથી એ કાર્ય થઈ શકે નહિ. આનું તાત્પર્ય એ છે કે મનુષ્યોનાં સામાન્ય લક્ષણોની સામે જે વિચિત્ર લક્ષણો રજૂ કરવામાં આવે તે જવલ્લે માલૂમ પડતાં એક કે બે મનુષ્યનાં નહિ પણ કંઈ કંઈ વાર માલૂમ પડે એવાં મનુષ્યોનાં લક્ષણો હોવાં જોઈએ, અર્થાત્‌ એવાં વિચિત્ર લક્ષણવાળાં મનુષ્યોના કોઈ વર્ગ હોવા જોઈએ.

આ વિલક્ષણતાનાં ઉદાહરણો તરફ દૃષ્ટિ કરીશું તો આ વસ્તુસ્થિતિ વધારે સ્પષ્ટ થશે. ડૉન ક્વિશૉટ, જીવરામભટ્ટ, અડવો એ જાતનાં હાસ્યપાત્ર મનુષ્યો આપણને અનેક વાર મળી આવે તેવાં હોય છે તેથી આપણને તેમની વિલક્ષણતાના વર્ણનમાં રસ પડે છે. એવાં પાત્ર આપણા સહુના પરિચયમાં આવ્યાં છે અને આવે તેમ છે એ ભાનથી આપણે એ પાત્રો તરફ આકર્ષાઈએ છીએ, અને, તેમની વિલક્ષણતા સામે આપણી સુલક્ષણતા ધરી એ બેના સંઘર્ષનો અનુભવ કરીએ છીએ; એવા મનુષ્યો પોતાના વર્ગના નમૂના રૂપ ન હોય અને માત્ર છૂટીછવાઈ વ્યક્તિઓ જ હોય તો આપણને તેમની વિચિત્રતા કુતૂહલભરેલી ન લાગે અને તેથી વિનોદ ન થાય. મિથ્યાભિમાની મનુષ્યો જે જાતના હોય છે તેવા જીવરામભટ્ટ છે એ સાક્ષાત્કાર થવાથી આપણને તેની મૂર્ખાઈઓ હસવા સરખી લાગે છે. જીવરામભટ્ટ જેવા વર્ણવેલા છે તેવા ખરેખરા થઈ ગયા હોય, પણ, એવા એ એક જ થયા હોય, અને, એવા મનુષ્યો બીજા કોઈ જ જોવામાં આવતા ન હોય, તો આપણે એવા સ્વભાવને કુદરતનો આકસ્મિક ફાંટો ગણીએ, અને, આપણને તેની મૂર્ખાઈ રસભરી ન લાગે તથા તે જોઈ હસવું ન આવે. અડવાને રાત્રે વગડામાં ભીલોએ લૂંટ્યો અને તેની પાસેના રૂપિયા લઈ લીધા ત્યારે ભીલોમાંથી એકે કહ્યું, ‘જુવોને ત્રાંબાના રૂપિયા તો નથી.’ તે સાંભળી અડવો બોલ્યો, ‘અમે શાહુકાર ત્રાંબાના ના રાખીએ; પતીજ ન પડે તો પેલા ઝાડ પર સોની બેઠો છે તની પાસે પરખાવો.’ એ રીતે અડવાએ ઝાડ પર સંતાઈ બેઠેલા સોનીને બતાવી દીધો અને ભીલોને હાથ સોંપી દીધો, એ મૂર્ખાઈ આપણને હાસ્યજનક લાગે છે; કેમ કે એ પ્રકારે પોતાનું ડહાપણ બતાવવા જનારા મૂર્ખાઓ આપણે વખતોવખત જોઈએ છીએ. પણ, મહમદ તઘલખે પોતાના પડી ગયેલા દાંતને દબદબા સાથે દટાવી તે ઉપર મોટો રોજો બંધાવ્યો એ વર્તનમાં મૂર્ખાઈ કરતાં ગાંડાઈ વધારે હતી, અને, એવો ગાંડો તો મહમદ તઘલખ જ હતો, એ સ્થિતિને લીધે એ પ્રસંગ ઝાઝો હાસ્યોત્પાદક નથી લાગતો. અલબત્ત, હાસ્યરસનો કોઈ કુશળ આલેખક બીજા અંશો ઉમેરી એ પ્રસંગને હાસ્યમય બનાવી શકે, પણ, છે તેવો તો એ પ્રસંગ એવો એક વ્યક્તિનું જ અસાધારણ લક્ષણ બતાવનારો છે કે આપણી હાસ્યવૃત્તિ તે તરફ આકર્ષાતી નથી. શરીરના કઢંગાપણા સંબંધે પણ એ જ અનુભવ જોવામાં આવે છે. ખૂંધા માણસો ઘણી વેળા મળી આવે છે તેથી તેમની આકૃતિ (દયાનો પ્રસંગ ન હોય ત્યાં) હાસ્યપાત્ર થાય છે, પણ, બે છોકરાં શરીરે સંધાઈ ગયેલાં ક્વચિત્‌ આપણને દેખાડવામાં આવે છે તો તેથી હાસ્ય થતું નથી પણ ત્રાસ જ થાય છે. હાસ્યની વૃત્તિ જ એ પ્રકારની છે કે તેના ઉલ્લાસ માટે વિલક્ષણતાના વિસ્તારની આવશ્યકતા છે. પ્રદર્શિત થતી વિલક્ષણતા માત્ર એક મનુષ્યની નથી પણ અમુક ચિત્તવૃત્તિવાળા મનુષ્યોની છે, અને, જે મનુષ્યનું ચિત્ર રજૂ થયું છે તે એવા મનુષ્યોનો નમૂનો છે, એવો અનુભવ થાય ત્યાં જ હાસ્ય ઉલ્લાસ પામે છે.

ઉપર બીજા વિવેચન સંબંધે કહ્યું હતું કે ઉપહાસની કથા કોઈ છૂટક વ્યક્તિ (individual)ના ચિત્રરૂપ હોતી નથી પણ અમુક જાતના નમૂના (types)ના ચિત્રરૂપ હોય છે, તેનો ભાવાર્થ આ ઉપરથી સમજાશે. જ્યાં કોઈ કથા નામની જ જોડી કાઢેલી હોય છે, પણ, તેમાં કોઈ અમુક ખરેખરી વ્યક્તિનું નામ બદલી તેનું જ આચરણ વર્ણવ્યું હોય છે, અને તે વર્ણન પણ એવું હોય છે કે હાસ્યરસને કોઈ રીતે પુષ્ટ ન કરનારી તેની ખાસિયતો વિગતવાર દર્શાવી હોય છે તથા તેની હાસ્યજનક ખાસિયતો કોઈ વર્ગના લક્ષણ તરીકે જણાય એવી રીતે ચીતરેલી હોતી નથી. ત્યાં રચના કેવળ અકુશળ લાગે છે. હાસ્યને બદલે દ્વેપ ઉદ્દિષ્ટ જણાય છે, અને હસવા સરખા અંશ પણ કથળાવી નાખેલા જણાય છે, તેનું આ જ કારણ છે. હાસ્યરસને નમૂનાની અપેક્ષા હોય છે અને વ્યક્તિઓનો તે નમૂના તરીકે જ સ્વીકાર કરે છે. વિચિત્ર સ્વભાવવાળા તરેહવાર મનુષ્ય માટે ‘એ પણ એક નમૂનો છે’ એમ સાધારણ વાતચીતમાં કહેવામાં આવે છે તે ઉક્તિમાં આ તત્ત્વ કેટલેક અંશે ગર્ભિત રહેલું છે.

હાસ્યરસમય કથાઓનાં પાત્રો બધા અંશોમાં કોઈ અમુક વ્યક્તિ જેવાં હોતાં નથી, પણ, તેમની વિલક્ષણતા જુદી જુદી વ્યક્તિઓની વિલક્ષણતાનું સ્મરણ કરાવે છે, અને તે છતાં એ બધી વિલક્ષણતા એક વ્યક્તિમાં એકઠી થયેલી હોય એ સંભવ શક્ય જણાય છે, તેનું કારણ પણ એ જ છે કે એ પાત્રો નમૂના દર્શાવવા ચીતરેલાં હોય છે, કોઈનું જીવનચરિત વર્ણવવા ચીતરેલાં હોતાં નથી. છૂટક વ્યક્તિના જીવનમાં બધા પ્રસંગો હાસ્યમય નથી હોતા, હાસ્યમય નહિ એવા ઘણા પ્રસંગો પણ તેમાં હોય છે. તેથી, હાસ્યમય કથા તે જીવનચરિતથી જુદી જ જાતની રચના હોય છે. મનુષ્યોના જીવનમાં જુદે જુદે પ્રસંગે બનતા હાસ્યમય પ્રસંગો એક બીજા સાથે સંધાય તેવી રીતે એકઠા કરી મનુષ્યસ્વભાવમાં રહેલી વિલક્ષણતા દર્શાવવી એ હાસ્યમય કથાનો ઉદ્દેશ છે, અને, તે માટે હાસ્યમય નમૂના જ ઉપયોગી થાય છે, વચમાં વચમાં હાસ્યમયતા આવે એવાં જીવનચરિત ઉપયોગી થતાં નથી.

હાસ્યરસનાં પાત્રોના આ રીતે નમૂના હોવા જોઈએ એમ કહેતાં એ લક્ષમાં રાખવાનું છે કે એ નમૂના તે નમૂનેદાર માણસ હોવા જોઈએ; એટલે, નમૂના તરીકે ગણી શકાય તેવાં માણસો હાસ્યરસનાં પાત્ર હોવાં જોઈએ. ખરેખરા અને જીવતા માણસો જ હાસ્યપાત્ર થઈ શકે છે. માણસોના સ્વભાવની ઘટનામાં અમુક કારણોથી જે વિલક્ષણ અંશ દેખા દે છે તેનો હાસ્યમય સાક્ષાત્કાર માણસોની મૂર્તિના દર્શન વિના થતો નથી. મનુષ્યસ્વભાવના અમૂર્ત વર્ણનમાં એવું અસ્પૃશ્ય તત્ત્વચિંતન રહેલું હોય છે, કે તે સંઘટ્ટને કે તાત્કાલિક આશ્ચર્યને પ્રતિકૂળ થઈ પડે છે. આંખ, નાક, ને હાથ પગવાળો મૂર્તિમંત મનુષ્ય ચિતરાયો હોય ત્યાં જ તેની વિલક્ષણતા હાસ્યનો પ્રસંગ આણી શકે છે. જીવનરામભટ્ટને ઠેકાણે ‘મિથ્યાભિમાન,’ અડવાને ઠેકાણે ‘બેવકૂફી’, અને ડૉન ક્વિશૉટને ઠેકાણે ‘મગજનો પવન’, એવાં અમૂર્ત પાત્ર કલ્પી કથા રચી હોય તો તે કદી હાસ્યમય થાય નહિ. અમૂર્ત ભાવના મુખમાં ગમે તેવી મનુષ્યવાણી મૂકી હોય કે તેને ગમે તેવાં મનુષ્યકૃત્ય કરતો દર્શાવ્યો હોય પણ તેથી કદી ભાવવાળો મનુષ્ય બોલે છે કે કૃત્ય કરે છે એવો રસિક સાક્ષાત્કાર થાય નહિ. રસિક વિષયોમાં અમૂર્ત પાત્ર માટે સ્થાન જ નથી હોતું. એ વિષયોમાં મૂર્તિમંત પાત્રનું એટલું મહત્ત્વ હોય છે કે ‘જીવરામભટ્ટ’ને ઠેકાણે ‘મિથ્યાભિમાન-શંકર’ નામ કલ્યું હોય તો તેથી પણ વાસ્તવિકતામાં ઊનતા થઈ રસની ક્ષતિ થાય છે. આ માટે, પ્રથમ સૂચવ્યું છે તેમ દુર્ગુણના વર્ણનથી દુર્ગુણનો ઉપહાસ થઈ શકતો નથી. દુર્ગુણનો ઉપહાસ કરવા સારુ કોઈ દુર્ગુણી મનુષ્યની કથા કલ્પવી પડે છે. અલબત્ત, એ દુર્ગુણી મનુષ્ય તે કોઈ અમુક દુર્ગુણી મનુષ્ય નહિ, પણ, હાસ્યપાત્ર લક્ષણવાળા દુર્ગુણી મનુષ્યોના નમૂનારૂપ મનુષ્ય હોવો જોઈએ.

હાસ્યરસનાં પાત્ર શા માટે નમૂનારૂપ હોય છે તેનાં પ્રો. બર્ગસન કંઈ જુદા પ્રકારનાં કારણ બતાવે છે. તેઓ કહે છે : જ્યાં કોઈ માણસનું લક્ષણ એવી રીતે બંધાય કે તે ફરે નહિ અને બંધાણું હોય તેવું ને તેવું જ રહે ત્યાં તેમાં હાસ્યમયતાનો અંશ દાખલ થાય છે. આ રીતે કોઈ કથાના કે નાટકમાંના પ્રખ્યાત નાયકનું નામ કોઈ આપણા ઓળખીતાને આપણે આપીએ તો તે પણ હાસ્યમય લાગે છે, કેમ કે, એ નાયકનું લક્ષણ હાસ્યમય ન હોવા છતાં તૈયાર કરી મૂકેલા બંધારણ તરીકે તેના સ્વરૂપનો ઉપયોગ નકલીપણાથી કરવામાં આવે છે. આથી, કોઈ પણ નમૂનાને મળતા હોવામાં નકલનો અંશ આવવાથી તેમાં હાસ્યમયતા જણાય છે, અને તે જ રીતે, દરેક હાસ્યપાત્ર માણસ તે નમૂનો જ હોય છે. આમ હોવાથી, ઊંચા પ્રકારના હાસ્યરસની કથાઓ અને નાટકોના ઉદ્દેશ સ્થિર બંધાઈ ગયેલાં લક્ષણોનું અર્થાત્‌ સામાન્ય નમૂનાઓનું ચિત્ર આપવાનો હોય છે. બીજા કોઈ રસની રચનામાં એવા સામાન્ય નમૂનાઓનું ચિત્ર આપવાનો ઉદ્દેશ હોતો નથી. આનું કારણ એ છે કે રસિક કલાનો ઉદ્દેશ એ હોય છે કે આપણી બહારની વસ્તુઓનું અને આપણા અંતરાત્માની પ્રવૃત્તિઓનું ખરું સ્વરૂપ દર્શાવવું. હમેશના જીવનવ્યવહારમાં તો આપણે ઉપયોગિતાના દૃષ્ટિબિન્દુથી એ વસ્તુઓ અને પ્રવૃત્તિઓ તરફ નજર કરીએ છીએઃ એ વસ્તુઓ અને પ્રવૃત્તિઓ ઓળખવામાં અને વાપરવામાં કામ આવે એવા એમના એક બે બાહ્ય અંશ લઈ એટલેથી જ આપણે અટકીએ છીએ, અને, એવા એક બે અંશ લઈ એવી ઘણી વસ્તુઓ અને પ્રવૃત્તિઓને સામાન્ય વર્ગમાં મૂકી સામાન્ય નામથી ઓળખીએ છીએ. આવા ઉપયોગપ્રધાન વ્યવહારમાં આપણે એ વસ્તુઓ અને પ્રવૃત્તિઓનાં અંતઃસ્વરૂપ જોતા નથી, એ દરેક વસ્તુઓ અને એ દરેક પ્રવૃત્તિ કેવી વિશેષતાવાળી છે, દરેકનું કેવું પૃથક્‌ લક્ષણ (individuality) છે તે આપણે વિચારતા નથી. રસિક કલા આ અંતઃસ્વરૂપ, આ વિશેષતા, આ પૃથક્‌ લક્ષણ સુધી પહોંચી તેને પ્રકટ કરે છે. આ રીતે, રાજ્યલોભ કે કર્મભીરુતા સરખા સામાન્ય ભાવ વર્ણવવાને બદલે નાટકની રસિક કલા મેકબેથ કે હેમલેટ સરખાં પોતાની વિશેષતાથી અને પૃથક્‌ લક્ષણથી એ ભાવ ધારણ કરનારાં મૂર્તિમંત પાત્રો ચીતરે છે, અને, એ દરેક પાત્રનું અંતઃસ્વરૂપ એવી રીતે પ્રદર્શિત કરે છે કે રાજ્યલોભ અને કર્મભીરુતા સરખા સામાન્યભાવનું અસ્તિત્વ જાણવા ઉપરાંત ઊંડા ઊતરી તે તે પાત્રમાં શી શી વિશેષતા સાથે એ ભાવ સંકળાયેલા અને તે તે પાત્રનું એકંદરે કેવું પૃથક્‌ લક્ષણ બંધાયેલું છે તે આપણને સમજાય છે. કવિ એક ધન્ય ક્ષણે પોતાની કલ્પનામાં આવી ગયેલો કોઈ વિશેષ પૃથક્‌ ભાવ પ્રકટ કરે છે, ચિત્રકાર એક ધન્ય ક્ષણે પોતાની કલ્પનામાં આવી ગયેલું કોઈક વિશેષ પૃથક્‌ રૂપ પ્રકટ કરે છે, સંગીતવિધાયક એક ધન્ય ક્ષણે પોતાની કલ્પનામાં આવી ગયેલો કોઈ વિશેષ પૃથક્‌ ભાવ પ્રકટ કરે છે. હાસ્યરસની કલા આથી જુદા પ્રકારની હોય છે. તે પૃથક્‌ વિશેષ લક્ષણ દર્શાવતી નથી; પણ, સામાન્ય લક્ષણ દર્શાવે છે. અંતઃસ્વરૂપમાં ઊંડી ઊતરતી નથી. પણ બાહ્ય સ્વરૂપ દર્શાવે છે. કોઈ માણસ પોતાના લક્ષણને હાસ્યમય કલ્પતું નથી, અને તેથી, હાસ્યમયતાનું નિરીક્ષણ સામાન્યભાવ (generality)વાળું થાય છે. બીજાના સ્વભાવની પરીક્ષા કરતાં ઉપર ઉપરના અંશો જ ગ્રહણ કરે છે, અને તેથી મનુષ્યો એકબીજાને મળતા જણાય એટલે સુધી જ તેમનાં લક્ષણ તે નિરીક્ષણને પ્રાપ્ત થાય છે. એ નિરીક્ષણ એથી વધારે ઊંડું ઉતરતું નથી, અને, ઊડું ઊતરવા જાય તો મનુષ્યોના પૃથક્‌ વ્યક્તિત્વ સુધી જઈ પહોંચે, તથા બહારના પરિણામ અને અંદરનાં કારણનો સંબંધ હાથ લાગતાં હાસ્યમયતા લુપ્ત લુઈ જાય. આ રીતે, વિલક્ષણ સ્વભાવનાં અનેક માણસોનો સરેરાશ અંશ હાસ્યનું ઉપાદાન બને છે. વળી, દૂષણ સુધારવું એ હાસ્યનો હેતુ હોય છે તેથી જેમ બને તેમ વધારે માણસોને લાગુ પડે એવી હાસ્યની વૃત્તિ હોય છે. આ કારણથી હાસ્યમય દર્શન વ્યક્તિમાંથી નહિ પણ જાતિમાં ઉદ્‌ભૂત થાય છે. એક જ વ્યક્તિમાં સ્થપાઈ ગયેલાં હોય એવાં લક્ષણો નહિ પણ અનેક વ્યક્તિઓમાં પ્રકટ થઈ શકે એવાં લક્ષણો હાસ્યમય દૃષ્ટિ પસંદ કરે છે. હાસ્યરસનું આવું દર્શન નાટકની રંગભૂમિ પર પ્રકટ કરતાં બીજા રસની પેઠે તેનું પ્રધાન પ્રયોજન આનંદ આપવાનું હોય છે પણ બીજા રસથી હાસ્યરસ એ બાબતમાં ભિન્ન હોય છે કે હાસ્યરસમાં સામાન્યભાવ હોય છે અને દૂષણો સુધારવાનું તથા બોધ દેવાનું પ્રયોજન પણ આગળ પડતું હોય છે. તેથી, હાસ્યમય રચનાનું સ્થાન કલા અને જીવનવ્યવહારની મધ્યમાં આવેલું છે. એ રચનામાં શુદ્ધ કલા પેઠે વ્યવહાર અને ઉપયોગિતાના દૃષ્ટિબિન્દુનો કેવળ અભાવ હોતો નથી. (લાફ્ટર; ઍન એસે ઑન ધ મીનિંગ ઑફ ધ કોમિક.)

બીજા રસના પ્રમાણમાં હાસ્યરસમાં ભાવનાની ન્યૂનતા હોય છે, અને તેથી કલાના પ્રદેશમાં પણ હાસ્યરસનું સ્થાન બહુ ઊંચી પંક્તિનું હોતું નથી, એ પ્રો. બર્ગસનનું કહેવું ખરું છે. અને, જ્યાં ભાવના ઓછી હોય ત્યાં વિરલતા ઓછી હોય અને સાધારણતા વધારે હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ, હાસ્ય સિવાયના રસમાં પાત્રોના લક્ષણમાં કાંઈ જ સામાન્ય ભાવ ન હોય એમ બનતું નથી, અને, પ્રો. બર્ગસનનું એમ કહેવું પણ જણાતું નથી. હરકોઈ રસની સૃષ્ટિમાં કલ્પેલાં પાત્રો એવાં લક્ષણનું દર્શન કરાવે છે કે જે મનુષ્યોમાં ઓછા વધતા વિસ્તારથી વ્યાપેલાં જોવામાં આવે છે. અમુક નાટક કે કથામાંનાં પાત્રો એકબીજાથી જુદાં પડે એવાં લક્ષણનાં હોવાં જોઈએ એ ખરું છે, પરંતુ, દરેક પાત્રમાં દુનિયાના માણસો સાથે મળતો આવતો એટલે સામાન્ય અંશ હોવો જોઈએ કે જેથી એવાં પાત્રો હોય છે એવા સંભવની પ્રતીતિ થાય, અને, એવાં પાત્રોનાં ચિત્ર મનોહર અને બોધદાયક થાય, પરંતુ, બીજા રસ અને હાસ્યરસમાં એટલો ફેર હોય છે કે હાસ્યમય પાત્રોનો સામાન્ય ભાવ બહુ જ વિસ્તારવાળો હોય છે અને એ પાત્રોમાં એ સામાન્ય ભાવનું જ પ્રાધાન્ય હોય છે; અને, બીજા રસમાં સામાન્ય અંશ સાથે એવી વિશેષતા સંકળાયેલી હોય છે કે દરેક પાત્રનું એકંદરે જણાતું સ્વરૂપ કંઈ તેનું પોતાનું જ છે એમ જણાય છે, અને, વિશેષ સ્વરૂપના બંધારણમાં સમાયેલો સામાન્ય ભાવ એ વિશેષ સ્વરૂપને કેવું પુષ્ટ કરે છે તે દેખાડનારી રચના પ્રધાનપણું પામે છે. જીવનરામભટ્ટના ચરિત્રમાં મિથ્યાભિમાની મનુષ્યો સાથે મળતો આવતો જીવરામભટ્ટનો સ્વભાવ આકર્ષક થાય છે; પણ, મેકબેથ કે હેમલેટના ચરિત્રમાં રાજ્યલોભી કે કર્મભીરુ મનુષ્યો સાથે મળતો આવતો તે પાત્રનો સ્વભાવ તેના એકંદર સ્વરૂપને કેવું વિશેષ જાતનું બનાવે છે અને તે તે પાત્ર અનેક બળોના સંજોગમાં આવી કેવી પૃથક્‌ વ્યક્તિનું રૂપ ધારણ કરે છે એ આકર્ષણનો વિષય થાય છે. હાસ્યરસમાં ભાવના બહુ ઓછી હોવાનું આ પરિણામ છે. બીજા રસમાં અપકૃષ્ટ પાત્રના ચિત્રથી ભાવના પુષ્ટ થાય છે; લોભના દર્શનથી ઉદારતા જાગ્રત થાય છે. કાયરપણાના દર્શનથી વીરત્વ જાગ્રત થાય છે. પરંતુ, હાસ્યરસમાં તેનો અવકાશ નથી; મૂર્ખતાના દર્શનથી સાધારણ સમજ (Common sense)નું ભાન થાય છે એ ખરું છે; પણ સાધારણ સમજ તે (ઘણી ઉપયોગી વસ્તુ હોવા છતાં) ભાવના નથી.

બીજા રસનાં નાટક કે કથામાં એના એ સ્વભાવવાળાં અનેક પાત્રો હોતાં નથી, પણ, હાસ્યરસનાં નાટક કે કથામાં હાસ્યપાત્ર સ્વભાવવાળાં અનેક પાત્રો હોય છે, તે હાસ્યરસમાં આવતા આ સામાન્ય ભાવને લીધે જ છે, એમ પ્રો. બર્ગસન કહે છે. તેઓ કહે છે કે હાસ્યરસનો આલેખક હાસ્યમયતાના અંશ વડે મુખ્ય પાત્રના સ્વરૂપની પરિપૂર્ણ કલ્પના કરી રહે છે તે પછી એ જ ઉપાદાન વડે તે ઉપપાત્રો કલ્પે છે, તેમને ગ્રહની આસપાસ ફરતા ઉપગ્રહ જેવાં બનાવે છે, અને, એ રીતે હાસ્યમયતા એ કેવો સામાન્ય ગુણ છે તે દર્શાવે છે; એક જ જાતની વિલક્ષણતાવાળા મનુષ્યો કોઈ અજ્ઞાત આકર્ષણને બળે ખેંચાઈને એકબીજાના સંગમાં આવે છે એ માનસવિકાસશાસ્ત્રના નિયમની ઝાંખી કદાચ હાસ્યરસના આલેખકોને થતી હશે. પ્રો. બર્ગસને કહેલા આ કારણ ઉપરાંત એ કારણ પણ ધ્યાનમાં લેવાનું છે કે પદવી, પ્રતિષ્ઠા, પાંડિત્ય, ધન, વગેરે સાધનમાં ઓછે વધતે દરજ્જે આવેલા મનુષ્યો એકસરખી રીતે મૂર્ખતાનું લક્ષણ ધારણ કરનારા હોય છે એ હકીકત તેમના એ દરજ્જાના વિરોધ વડે બહુ સ્પષ્ટતાથી દર્શાવી શકાય છે, એથી, હાસ્યરસના આલેખકો એવી રીતે જુદા જુદા દરજ્જાનાં પણ સમાન મૂર્ખતાવાળાં પાત્રો એકઠાં કરે છે. પોષકૃત ‘ડન્સિઆડ’ અને ડિકન્સકૃત ‘પિકવિક ક્લબ’ સરખી કૃતિઓમાં આવું મૂર્ખસંમેલન નજરે પડે છે.

આ રીતે મૂર્ખતાવાળાં એક કરતાં વધારે પાત્રો સાથે સાથે ચીતરવાની કલાનો એક પ્રકાર એવો છે કે ઘણાં હાસ્યસ્પદ પાત્રો પ્રકટ કરવાને બદલે એવાં બે જ પાત્રો લઈ નાયક અને ઉપનાયકનું યુગ્મ કલ્પવામાં આવે છે, અને તેમના વચ્ચે સ્વામીસેવકભાવ કે ગુરુશિષ્યભાવ કે આશ્રયાશ્રિતભાવ ગોઠવવામાં આવે છે. બન્ને સરખી રીતે મૂર્ખ હોવા છતાં નાયક જે રીતે ઉપનાયક ઉપર કૃપા કરવાનો તથા તેને બોધ દેવાનો ડોળ કરે છે, અને, ઉપનાયક જે રીતે નાયકને માન આપવાનો તથા તેનો બોધ ગ્રહણ કરવાનો ડોળ કરે છે તે રીતમાં પણ હાસ્યનું મર્મ સમાયેલું હોય છે. સર્વેન્ટિસે ડૉન ક્વિશૉટ અને સેન્કો પાન્ઝાનું આવું યુગ્મ રચ્યું છે, અને તે જ ધોરણે સેમ્યુઅલ બટલરે સર હ્યુડિબ્રાસ અને રાલ્ફનું યુગ્મ કલ્પ્યું છે. આવા યુગ્મમાં નાયક અને ઉપનાયક વચ્ચે દરજ્જાનો ફેર જેમ વધારે તીવ્ર કલ્પવામાં આવ્યો હોય છે તેમ તે વધારે દંભમય અને ખોટો હોય છે, અને, એ દંભ હાસ્યને પુષ્ટ કરે છે.

નાયક અને ઉપનાયક બન્નેને હાસ્યાસ્પદ પાત્ર કલ્પી તેમનાં ચિત્ર સાથે સાથે આપવાની આ પદ્ધતિને હેઝલિટ keeping in character (‘હાસ્યમય વિલક્ષણતાનો સંવાદ’) કહે છે. એ પદ્ધતિથી હાસ્યમયતા પુષ્ટ થવાનું કારણ તે આ પ્રમાણે દર્શાવે છે : ‘આવાં યુગ્મનાં ચિત્રથી પાત્રોના સ્વભાવનું, આલેખન થયાનું એવું ઊંડું ભાન થાય છે કે હાસ્યની લાગણી પ્રકર્ષ પામે છે. બન્ને પાત્રની હાસ્યમય વિલક્ષણતાના સંવાદથી એકધારી અયુક્તતા (consistency in absurdity)નું દર્શન થાય છે, વિચિત્ર તથા તરેહવાર વસ્તુઓ તરફ બન્ને પાત્રની એવી દૃઢ ભક્તિ માલૂમ પડે છે કે તે માટે તેમને શાબાશી આપવી જોઈએ એમ લાગે છે. તેમના વર્તનની એકસરખી નિયમિતતાથી વિરોધ પરિપૂર્ણ થાય છે; યથાર્થ માર્ગ મૂકી જુદી જુદી દિશામાં તેમને અનેક પ્રસંગે આડે જતા જોઈ આપણી પ્રતીતિ થાય છે કે યથાયોગ્યની મર્યાદાની ખામીનું અથવા મૂર્ખતાનું વલણ તેમનામાં અસલથી સજડ બંધાયેલું છે.’ (લેકચર્સ ઑન ધ ઇંગ્લિશ કૉમિક રાઇટર્સ.) ‘વિલક્ષણતાનો સંવાદ’ અથવા ‘એકધારી અયુક્તતા’ તે ઉપર જેને વિલક્ષણતાનો વિસ્તાર કહ્યો છે અને જેને પ્રો. બર્ગસન વિલક્ષણતાનો ‘સામાન્ય ભાવ’ કહે છે તે છે. હેઝલિટના કહેવાનું તાત્પર્ય પણ એ જ છે કે એક કરતાં વધારે પાત્રોમાં વિલક્ષણતાનું દર્શન થવાથી હાસ્યમયતા વિવૃદ્ધ થાય છે.

એનો એ વિચિત્ર ગુણ અનેક પાત્રોમાં વધતા ઓછા પ્રમાણમાં દર્શાવવાની આ પદ્ધતિ હાસ્યરસની કલાનો એક બીજો નિયમ પણ પ્રકટ કરે છે. આખી વાર્તામાં એકલા નાયકનું જ હાસ્યમય વૃત્તાન્ત વર્ણવેલું હોય તો એના એ ચિત્રથી કંટાળો ઊપજે, એટલું જ નહિ પણ, હાસ્યમયતાનો સખત ભાર અરુચિકર થઈ પડે. ઉપર કહ્યું તેમ હાસ્યરસ વ્યક્તિની પૃથક્‌તામાં ઊંડો ઊતરતો નથી, અને, વ્યક્તિની વિશેષતા કેવા કેવા અંશવાળી હોઈ સંકુલ બનેલી છે એ હાસ્યરસમાં દર્શાવવાનું હોતું નથી. તેથી, જ્યાં આખી વાર્તા હાસ્યમય જ હોય ત્યાં હાસ્યમયતાની એક એક વિગતનો સંચય એક પાત્રમાં જ કરવાથી ચિત્ર સંકુલ થઈ જાય છે અને હાસ્યમયતા બોજારૂપ થઈ પડે છે, મૂર્ખતા એ એક વર્ગના લક્ષણ તરીકે જણાવાને બદલે એક પાત્રના લક્ષણ તરીકે જણાઈ વિરોધના ભાસમાં ક્ષતિ થાય છે. ‘રંગના તો ટુચકા હોય, કુંડાં ન હોય’ એ સામાન્ય ઉક્તિમાં પણ એ જ આશય રહેલો છે. હાસ્યરસ કદી ઘેરો ચિતરાવો ન જોઈએ, તેનો રંગ હમેશ આછો અને ખુલ્લો હોવો જોઈએ. હાસ્યના રંગનો જેટલો જથ્થો હોય તેટલો બધો એક પાત્રની વિલક્ષણતામાં ભરી દેવાથી અતિશ્યોક્તિ થઈ જાય છે. એ જથ્થો એક કરતાં વધારે પાત્રોની વિલક્ષણતા ચીતરવામાં વાપર્યાથી ઘેરાશ ઓછી થાય છે, અને, એના એ રંગવાળા મૂર્ખમંડળનો દેખાવ પણ હાસ્યમય થાય છે; એકસરખી મૂર્ખતાવાળા ઘણા છે એ જાણી વિશેષ હાસ્ય થાય છે.

પાત્રમાં હાસ્યમયતા ઠાંસી ઠાંસીને ભરવી ન જોઈએ, પણ, હલકે હાથે અને ઘટ્ટ ન થઈ જાય તેમ ભરવી જોઈએ, એ કલાવિધાન સારુ હાસ્યમય વાર્તામાં પાત્રોને ઠેર ઠેર અને મુસાફરી કરતાં વર્ણવેલાં હોય છે. હાસ્યાસ્પદ પાત્ર જુદી જુદી જાતના સંબંધમાં આવે ત્યારે જ સંઘટ્ટનનાં જુદા જુદા પ્રસંગ આવી શકે છે. તેવાં પાત્ર એક જ ઠેકાણે કે એક જ જાતના સંબંધમાં આખી વાર્તા દરમિયાન રહેલાં હોય તો થોડા વિસ્તારમાં ઘણી હાસ્યમયતા ભરી દેવી પડે, અને હાસ્યમય કથા તે અકુશળતાથી લખેલા જીવનચરિત જેવી થઈ પડે. ડૉન ક્વિશૉટ સર હ્યુડિબ્રાસ, જિલ બ્લાસ, પિકવિક વગેરે હાસ્યાસ્પદ નાયકોના વૃત્તાન્તમાં તેમનો પ્રવાસ વર્ણવ્યો છે અને તેમની વિલક્ષણતાથી જુદા જુદા પ્રસંગોમાં જુદી જુદી રીતે હાસ્યમયતા ઉત્પન્ન થતી પ્રકટ કરી છે તે આ જ નિયમ દર્શાવે છે. એવા પ્રવાસને લીધે હાસ્યનો કોઈ અમુક પ્રસંગ બહુ લંબાતો નથી અને હાસ્યોત્પત્તિનાં જુદાં જુદાં કારણ પ્રાદુર્ભૂત થાય છે. આ રીતે હાસ્યમયતા ગાઢ થતી અટકે છે અને પસરાય છે. નાયકની સાથે જ ફરતા ઉપનાયકો તેમના પ્રવાસમાં સાથી હોય છે તેમ હાસ્યમયતામાં પણ સાથી થાય છે, અને, નાયકને માથે આવતો હાસ્યપાત્રતાનો ભાર ઉપાડવામાં શામિલ થાય છે, દરેક પાત્રના માથાનો ભાર હલકો કરે છે.

બીજા રસોમાં જેમ ઉદાત્તતા હોવી આવશ્યક છે તેમ તે હાસ્યરસમાં પણ આવશ્યક છે. આ ઉદાત્તતા માટે શુદ્ધતા આવશ્યક છે. રસ અને કલા બન્નેને મનની સ્વચ્છતાની અપેક્ષા છે. અશ્લીલતા અને બીભત્સતાથી જેમ શૃંગારરસ કદર્થિત થાય છે તેમ હાસ્યરસ પણ કદર્થિત થાય છે અશ્લીલતા અને બીભત્સતાને સ્વાભાવિક યથાર્થતા સામે મૂક્યાથી વિરોધના પ્રસંગ થઈ શકે તે ખરું છે, પણ, એવે પ્રસંગે સંઘટ્ટનની સાથે જ મલિનતાનું ભાન થાય છે અને રસની હાનિ થાય છે. ચાર્લ્સ ડિકન્સના હાસ્યરસમાંની શુદ્ધતા વર્ણવતાં ફ્રેડરિક હેરિસન કહે છે : ‘એની કથાઓમાં વાસ્તવિક જીવનવ્યવહાર ખરેખર વર્ણવેલા છે. લંડન શહેરમાં વસતાં છેક હલકી સ્થિતિનાં માણસો તેણે બહુ બારીક નિરીક્ષણ કરીને ચીતર્યાં છે. સર્વથા પતિત થઈ જનસમાજથી દૂર થઈ ગયેલા કંગાલો, કેવળ અત્યાચારમાં પડેલાં સ્ત્રીપુરુષો, એવાં કચરા સરખાં પાત્રો તેણે વર્ણવ્યાં છે; દુર્વિકાર, વિષયલાલસા, પ્રલોભન, લંપટતા, ઇત્યાદિ પ્રસંગોનાં ત્રાસદાયક વર્ણન તેણે કર્યાં છે, પરંતુ તેના ચાળીસથી વધારે ગ્રંથોમાં એક એવું પાનું નહિ જડે કે જે વાંચવાની મા પોતાની સમજણી પુત્રીને ના કહેશે.’ (સ્ટડીઝ ઇન અર્લિ વિક્ટોરિઅન લિટરેચર.) બીજા રસ પેઠે હાસ્ય રસમાં મલિન પાત્રોનો અવકાશ છે, પણ, તે ચિત્ર મલિન હોવાં ન જોઈએ, મલિન પાત્રોની મલિનતા કેવી હાસ્યમય હોય છે તે હાસ્યરસની ઉદાત્તતા જળવાય એવી વિશુદ્ધ રીતે દર્શાવવું જોઈએ. મલિન પાત્રોના હાસ્યાસ્પદતા દર્શાવવા સારુ મલિન ભાષાની જરૂર હોતી નથી.

‘નાયક – બાવાજી , દરવાજા ખોલો. ઓરત લોક દરસન કરનેકું આઈ.

બાવો – કિતને બરસકી હે?

નાયક – વરસ સાઠેકની ડોશી છે.

બાવો – જાઓ, પીછે આવ, અબી ભાંગ પીતે હે.

નાયક – દરવાજા ખોલો, બાવાજી, દુસરી આઈ.

બાવો – કિતને બરસકી હે?

નાયક – ચાળીસકી છે.

બાવો – બોલો પીછે આવ, અબી ગાંજા ફુંકતે હે.

નાયક – બારણાં ઉઘાડો. બાવાજી, ત્રીજી બાઈ આવી.

બાવો – કિતને બરસકી હે?

નાયક – સોળ વરસની.

બાવો (કૂદીને) – આને દો, આને દો, (બારણાં ઉઘાડીને) મૈયા આવ, મૈયા આવ, લાલજીકા દરસન કરો. ભેટ ધરો, હમકું પગે લગો. લે એ કંઠી ગલે ડાલો. આવ, આવ, મેં મારે હાથસે તેરે ગલેમેં કંઠી બાંધુ. તેરા નામ કીયા માઈ?

રામકી – બળ્યું મારું નામ મહારાજ. હું દો દુખણી છું. મારો ધણી સિત્તેર વરસનો ડોસો છે. તેને જુવાન કરો. તેના દાંત પડી ગયા છે તે પાછા ઉગાડો.

બાવો — ઠાકોરજી સબ કરેગા. તુમ સોલ બરસકી ભરજુવાન ઓરત, તેરા ધણી એસા કીયું?

રામકી – મારાં મુવાં માબાપે મોકાણ વાળી, કુળ જોયું, પૈસો જોયો ને મને ગરદન મારી. મને ઢળ્યા ડોસાને પરણાવી.

બાવો – પૈસા ખૂબ મિલા હોયગા; સો લાવને અપને દો ખા પીકર મોજ મારેંગે. ડોસા જીતા હે કે મર ગયા?’

બાવાનો વેશ : ભવાઈ સંગ્રહ.

અહીં એક પણ અપશબ્દ વાપર્યા વિના બાવાઓની લંપટતામાં રહેલી હાસ્યમયતા દર્શાવવામાં આવી છે. બાવાઓના મુખમાંથી નીકળતા અશ્લીલ શબ્દોનો આ સ્થળે ઉપયોગ થયો હોત તો ચિત્ર દૂષિત થાત અને અધમતાના અંશ દાખલ થવાથી હાસ્યના મર્મનું દર્શન કરવામાં અવરોધ થાત. જ્યાં ચિત્તને અધમતા સ્વીકારવી પડે છે ત્યાં ચિત્તની જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ ઓછી થાય છે; અને, હાસ્યનું મર્મ ગ્રહણ કરવામાં પણ અધમતા એ રીતે ચિત્તની શક્તિને ક્ષીણ કરનારી થઈ પડે છે.

હાસ્યરસના કલાવિધાનમાં આ રીતે શુદ્ધતા સચવાવી જોઈએ. પરંતુ, એ શુદ્ધતા ખાતર બોધવચનો દાખલ કરવાની જરૂર હોતી નથી. પ્રત્યક્ષ બોધનાં વચનો હાસ્યરસને મોળો કરી નાખે છે, હવે, બોધ આગળ પડતાં હાસ્યમયતા ગૌણ થઈ જાય છે. આ સંબંધમાં ટેઈન કહે છે, ‘બોધ દેવાનો હેતુ જાણી જોઈ આગળ કરવામાં આવે છે ત્યાં નવલકથા અને નવલકથાકાર બન્ને બગડે છે. xxx પાછા નિશાળે જવાનું આપણને પસંદ પડતું નથી; એવી ચોપડી આપણે બંધ કરીએ છીએ અને ઔષધ હોય તેમ તેનો ઉપયોગ કરવાની આપણાં નાનાં ભાંડુને શિખામણ દઈએ છીએ. xxx નવલકથામાં આપણને ધમકાવવામાં આવે તે આપણને પસંદ પડતું નથી. આવી રીતે નવલકથાકાર પંતોજીપણું ધારણ કરી આપણા ઉપર ચઢાઈ કરે તેથી આપણે અપ્રસન્ન થઈએ છીએ.’ (હિસ્ટરી ઑફ ઇંગ્લિશ લિટરેચર.) થેકરિકૃત ‘’હેન્નિ એસ્મન્ડ’ની નવલકથા હાસ્યમય છતાં તેનું સ્વરૂપ બોધપરાયણ નથી એ દર્શાવતાં ટેઈન કહે છે : ‘(એ પુસ્તક વાંચતાં) આપણે ખરેખરી દુનિયામાં પ્રવેશ કરીએ છીએ. કલ્પનાએ કરેલા આભાસથી આપણે ખુશીથી દોરાઈએ છીએ; જાત જાતનાં ચિત્ર બોધનો હેતુ બતાવ્યા વિના ધીમે ધીમે પ્રકટ થાય છે તે જોઈ આપણને આનંદ થાય છે. આપણને શિક્ષાવચનો કહી કોઈ હેરાન કરતું નથી.’

હાસ્યરસની કૃતિનો એક પ્રકાર એવો છે કે તેમાં ઉપહાસ સાથે આક્ષેપનો અંશ હોય છે; મૂર્ખતા, દુર્ગુણ, દુરાચાર વગેરે દોષને હાસ્યમય રૂપે ચીતરી તે ઉપર તેમાં પ્રહાર કરેલો હોય છે. એવી કૃતિમાં અમુક નમૂનાનાં માણસો, અમુક રીતરિવાજો અથવા અમુક કૃત્યો એવી વક્રોક્તિથી વર્ણવેલાં હોય છે કે તે હસવા સરખાં છે એવું ભાન થાય છે, તે ઉપરાંત તે અનિષ્ટ છે એવી પ્રતીતિ થાય છે. આવી રચનાને અંગ્રેજીમાં satire કહે છે, અને આપણી ભાષામાં તેને ‘કટાક્ષકથન’ કહીએ તો ચાલે. એ રચનાનું કલાવિધાન લક્ષમાં લેવા યોગ્ય છે.

જનસમાજમાં પ્રવર્તતી અનિષ્ટતા સુધારવાનો હેતુ હોય ત્યાં જ આવી રીતે ઉપહાસ કરી પ્રહાર કરવામાં યોગ્યતા રહેલી હોય છે; તે વિના ઉપહાસમાં ક્રૂરતા આવી જાય છે. અને પ્રહારમાં દ્વેષ તથા ક્રોધ આવી જાય છે. તેમ જ, આવી કૃતિમાં ઉપદેશવાળા ‘ચાબખા’ ન જોઈએ. પણ, કથાના મર્મમાંથી હાસ્યસ્પદતા આપોઆપ ઉદ્‌ભૂત થઈ વચનોની મૃદુતામાં જ તીક્ષ્ણતા રહેલી દેખાવી જોઈએ, સ્તુતિમાં જ આક્ષેપ રહેલો દેખાવો જોઈએ, સાધારણતામાં જ વિલક્ષણતા રહેલી દેખાવી જોઈએ. બાવાને રંગભૂમિ ઉપર ઊભો રાખી તેની સામે આંગળી કરી પ્રેક્ષકોને કહેવું કે

‘જોઈ લો જગતના બાવારે, જોઈ લો જગતના બાવા;
ધર્યો ભેખ ધુતીને ખાવારે, જોઈ લો જગતના બાવા.

ઘણી પ્રેમદા પાણી ભરે, ત્યાં જાય બાવો નાહાવા;
રાંડીરાંડના ઘરમાં પેસીને, બાવો બેસે ગાવા. જોઈ લો૦

ગૃહસ્થનાં છોકરાં તેડી રમાડે; પરાણે પ્રીતડી થાવા;
ગૃહસ્થની નારી રીસાય ત્યારે, બાવો જાય મનાવા. જોઈ લો૦

ધુપ કરે ને ધ્યાન ધરાવે, ભોળા લોકને ભમાવા,
ભોજો ભગત કહે ભવસાગર મેલી, જયપુરીમાં જાવા. જોઈ લો૦

એ ગુનેગારને જાહેરમાં ફટકા મારવાની રીત છે, પણ, એ રસિકતાની રીત નથી. હાસ્ય સાથે રસ ઉપજાવવા માટે તો,

‘પરણ્યો લાવે પાલખી, ને બાવો લાવે વહેલ;
પાલખીએ બેસું તો ઢળી પડું, મને ગમી બાવાની વહેલ.
તા થઈ તા થઈ.

પરણ્યો લાવે ટોપરાં, ને બાવો લાવે ગોળ;
ટોપરાના તો કુચા પડે, મને ગળ્યો લાગે તારો ગોળ.
તા થઈ તા થઈ.

અમદાવાદથી ગાડાં જોતર્યાં, ને માંહે ભર્યાં છે હીર;
બાવો હોય તો મૂલવે, મારાં ફાટી ગયાં છે ચીર.
તા થઈ તા થઈ.
ભવાઈસંગ્રહ.

એવી કટાક્ષકથનના પ્રહાર આવશ્યક છે.

કટાક્ષકથન તે ‘હેએએ’ બોલાવવાથી અને અંગત હુમલા કરવાથી સિદ્ધ થતું નથી, પણ, રસિક સાહિત્યની પદ્ધતિએ સિદ્ધ થાય છે, એ દર્શાવવા ડૉ. ગારનેટ કહે છે, ‘સાહિત્યના વિષય તરીકે કટાક્ષકથનની એવી વ્યાખ્યા થઈ શકે, કે જે હસવા સરખું કે અણછાજતું હોય તેમાંથી ઉત્તેજિત થતી વિનોદની કે કંટાળાની લાગણીનો યથાર્થ શબ્દોમાં થતો આવિર્ભાવ તે કટાક્ષકથન છે; પરંતુ, તેમાં સમર્મ હાસ્યરસનો અંશ સ્પષ્ટ રીતે માલૂમ પડતો હોવો જોઈએ, અને, વાક્યરચનાનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે તેનો સાહિત્યમાં સમાવેશ થઈ શકે. સમર્મ હાસ્યરસ વિના કટાક્ષકથન તે માત્ર નિંદા હોય છે, સાહિત્યના સ્વરૂપ વિના કટાક્ષકથન તે માત્ર જંગલી અને અસભ્ય ઠેકડી હોય છે. કટાક્ષકથનથી છાયા સાહિત્યમાં પ્રદર્શિત થતા જુદા જુદા ભાવમાં એવી ફેલાય છે કે આટલે સુધી કટાક્ષકથન કહેવાય અને આટલેથી બીજી જાતનું સાહિત્ય કહેવાય એવી મર્યાદા બાંધવી એ અઘરું છે. એક છેડે જોનસન અને કાર્લાઇલ સરખા લેખકોનાં ઉચ્ચ નીતિમય ભાવવાળાં કટાક્ષકથન આવે છે, અને, બીજે છેડે ટેલીરેન્ડ સરખા લેખકનાં કટુતાવાળાં અને ઉપાલંભયુક્ત વાક્‌ચાતુર્યથી ભરેલાં કટાક્ષકથન આવે છે; પરંતુ, કટાક્ષકથનના લેખકના ઉદ્દેશ ગમે તેટલા ઉન્નત હોય અગર તેનો સ્વભાવ ગમે તેટલો સૌજન્યવાળો હોય તો પણ તેના કલાવિધાનના પાયારૂપે તિરસ્કારની કે અણગમાની વૃત્તિ રહેલી હોય છે. આ વૃત્તિ માનવ વ્યક્તિના દોષસંબંધે ઉત્પન્ન થતી હોવાને બદલે માનવ જાતિની નિર્બળતા અને અપૂર્ણતાને સંબંધે ઉત્પન્ન થાય, અને તેમ છતાં, ગ્રંથરચનામાં કટાક્ષકથનનું રૂપ જળવાય એમ બને; પણ, તિરસ્કાર કે ઉપાલંભનો અંશ કેવળ લુપ્ત થઈ જાય તો એવી રચના તે માત્ર ઉપદેશનું વ્યાખ્યાન બની રહે.’ (સેટાયર વિશે લેખ, એનસાઇક્લોપીડિઆ બ્રિટાનિકા, નવમી આવૃત્તિ.) સાહિત્યમાં કટાક્ષકથનનો પહેલો પ્રયોગ બેલાશક ગ્રામ્ય તથા તોફાની સ્વરૂપોનો થયેલો. તેમાં વ્યક્તિઓની અંગત ખોડખાંપણોની મજાક થયેલી હોવી જોઈએ.*** સાહિત્યની કલા ઘણો ઉત્કર્ષ પામી ત્યારે કટાક્ષકથનની રચનામાં એવો વિકાસ થયો કે તેને નીતિના સાધનનું અથવા કવિતાનાં અનુષંગીનું ઉન્નત રૂપ પ્રાપ્ત થયું.’ (સેટાયર વિશે લેખ. એનસાઇક્લોપીડિઆ બ્રિટાનિકા, અગિયારમી આવૃત્તિ.)

સાહિત્યના આરંભકાળમાં હાસ્યરસનો પ્રયોગ બહુ ઓછો હોય છે તેનું કારણ એ છે કે આનંદમય કલ્પનામાં અને ઊંડા તત્ત્વચિંતનમાં ગૂંથાયેલા મનને હાસ્ય સાથે ગંભીરતા સાચવવી કઠણ પડે છે. લેખકોની કલમ જેમ ધીમે ધીમ કસાય છે તેમ હાસ્યરસ લેખકોના કાબૂમાં આવે છે, અને, ગંભીરતા સાચવી હાસ્યરસને સાહિત્યમાં ઉતારવાનો પ્રયોગ સાધ્ય થાય છે. સાહિત્યની ગંભીરતા અને પ્રૌઢતાના ભાન વિના હાસ્યરસની અજમાયેશ કરવા જતાં ગ્રામ્યતા ઉત્પન્ન થાય છે, અને, એવા લેખને સાહિત્યમાં કાયમની પદવી મળતી નથી. સાહિત્યમાં હાસ્યરસની કલા સુસ્થિત થયા પછી પણ કટાક્ષકથનનો વિકાસ કેટલેક કાળે થાય છે; જે મનુષ્ય હાસ્યપાત્ર ન હોય તેને ભાંડ્યાથી હાસ્યરસ ઉત્પન્ન થતો નથી; તેમ જ જે મનુષ્ય હાસ્યપાત્ર હોય તેની અંગત ખાસિયતો વર્ણવ્યાથી નહિ પણ તેવી જાતના મનુષ્યોની સામાન્ય ખાસિયતો વર્ણવ્યાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે, અને, કટાક્ષકથનના પ્રહાર તે જનસમાજમાંનો સડો દૂર કરવાના હેતુથી જ કરવા યોગ્ય છે, તે વ્યક્તિઓ પર નહિ પણ નમૂનાઓ પર જ થવા જોઈએ. તથા, તેની રચનામાં પરુષતા હોવી ન જોઈએ; એ નિયમો ગ્રહણ થતાં વાર લાગે છે, અને તેમ થતાં સુધી કટાક્ષકથનના પ્રયત્નમાં નિંદાવ્યાપાર જ પ્રવર્તે છે, અને કટાક્ષકથનનું સાહિત્ય બંધાતું નથી. સાહિત્યમાં, રસમાં અને કલામાં રુક્ષતાનો અને અશિષ્ટતાનો કદી સ્વીકાર થતો નથી.

ઇંગ્લેન્ડમાં કટાક્ષકથનની કલા સત્તરમા સૈકામાં વિકાસ પામી તે વેળા પણ એ કલા ન જાણનારા અને એ કલાને નામે નિંદાવ્યાપાર કરનારા લેખકો ઘણા હતા. તેમનાં લખાણ વિશે ડ્રાઇડન કહે છે, ‘કટાક્ષકથનનો જે પ્રકાર ઇંગ્લેન્ડમાં lampoon (‘ભંડલેખ’)ને નામે ઓળખાય છે તે જોખમભરેલું હથિયાર છે અને બહુધા અન્યાય્ય છે. બીજા મનુષ્યોની આબરૂ પર હુમલો કરવાનો આપણને નીતિનિયમથી કંઈ હક નથી. એવો હુમલો કરી આપણે તેમની પાસેથી જે છીનવી લઈએ છીએ તે પાછું વાળવાનું આપણાથી બની શકતું નથી. ‘લેમ્પૂન’ના લેખ લખવાની છૂટ બે કારણથી જ મળી શકે, અને, એ કારણોથી પણ એવા લેખમાં હમેશ વાજબીપણું હોય એમ હું ખાતરીથી કહેતો નથી. પહેલું કારણ તે વેર છે, અર્થાત્‌ એ જ પ્રકારે આપણું અપમાન થયું હોય અથવા આપણી જાહેર રીતે એવી નિંદા થઈ હોય કે બીજી કોઈ રીતે આપણે ઇન્સાફ મેળવી શકીએ તેમ ન હોય ત્યારે એવા લેખ લખવાની આપણને છૂટ મળે. અને, તો પણ આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તી ધર્માનુસરણમાં ઉદારતાનું એવું વિધાન છે કે બધા અપરાધોની ક્ષમા કરવી જોઈએ, અને સર્વ શક્તિમાન પરમેશ્વર વિરુદ્ધ આપણે અહર્નિશ જે અપરાધ કરીએ છીએ તેની ક્ષમાની આપણે જેમ આશા રાખીએ છીએ તેમ આપણી સામેના અપરાધોની પણ આપણે ક્ષમા કરવી જોઈએ. * * * કવિ કોઈ અમુક માણસની સામે લખાણ કરે તે વાજબી ગણવાનું બીજું કારણ એ છે એ માણસ જનસમાજને પીડા (nuisance) રૂપ થઈ પડ્યો હોય છે. હોરેસ, પરસીઅસ અને જુવેનલનાં કટાક્ષકથનમાં જેમને અધમતાની છાપ સાથે ગણાવ્યા છે તે બધા સર્વથા આ જાતના મનુષ્યો છે. દુર્ગુણી મનુષ્યોને દાખલા રૂપે શિક્ષા કરવી એ સદ્‌ગુણનું કાર્ય છે. એવા મનુષ્યોને તેમના અપરાધ માટે અને તેમની દુર્મતિ માટે ઠપકો દઈ શકાય, અને દેવો જોઈએ, કે તેથી, તેમની દુષ્ટતા અસાધ્ય થઈ ગઈ ન હોય તો તેઓ સુધરી શકે, અને, બીજાઓ ભય પામે તથા અત્યાચાર માટે સખત શિક્ષા થતી જોઈ પોતે તેવાં આચરણ કરતાં અટકે. ઉપર પહેલું જે કારણ કહ્યું તે તો માત્ર વેર લેવાનું બહાનું છે; પણ, આ બીજું કારણ એવું છે કે તેને અનુસરી કવિએ પ્રવૃત્તિ કરવી એ આવશ્યક છે. પણ આ કર્તવ્ય બજાવી શકે તેવી શક્તિવાળા ‘લેમ્પૂન’ લખનારા કેટલા થોડા હાલ વિદ્યમાન છે? એમનાં લખાણ હાથમાં આવે છે ત્યારે કેટલીક વાર તે વાંચ્યા વિના રહેવાતું નથી. પણ, ન્યાયની દૃષ્ટિએ જોતાં, જે મનુષ્યો યોગ્ય રીતે કટાક્ષકથનને પાત્ર છે તેમને પસંદ ન કરતાં તેઓ કેવા જુદા જ મંડળ પર ઊતરી પડે છે! અને, એ અન્યાયાચરણમાં તેમનું બુદ્ધિચાતુર્ય કેટલું થોડું હોય છે! એ લેખકો ઘણુંખરું અબળાઓ વિશે લખે છે, અને જે અબળાઓ ઘણી સુશીલ અને ઘણી સુંદર હોય તેમના પર તેઓ ઘણા સખત હુમલા કરે છે. પુરુષોમાં જેઓ અન્યાયી હોય પણ સમૃદ્ધિમાન હોય તેમની એ લેખકો સ્તુતિ કરે છે; પણ, જે સદ્‌ગુણી પુરુષો દુઃખી હોય તેમના પર ઉદ્ધતતાથી તેઓ હરેક પ્રકારના દ્વેષભર્યા આક્ષેપ કરે છે. તેઓ કોઈ રીતની સભ્યતા પાળતા નથી, કોઈ રીતની ખુશામત કરવી ભૂલતા નથી; તેમની મંદ બુદ્ધિથી બને તેટલું ઝેર વાપરવામાં તેઓ ચૂકતા નથી; કારણ કે તેમનામાં બુદ્ધિચાતુર્યની હમેશની ખામી હોય છે, અને, તેમનામાં વિવેકશક્તિની અને વિનોદશક્તિની વંધ્યતા હોય છે. વાચકોની અવગણનાથી આવી જાતનાં નિર્માલ્ય લખાણ બંધ પડશે. જ્યાં બુદ્ધિચાતુર્ય ન હોય ત્યાં વિનોદ હોઈ શકતો નથી; જ્યાં સત્યનો પાયો ન હોય ત્યાં કાંઈ અસર થઈ શકતી નથી.

ડ્રાઇડનના સમયના આ નિર્માલ્ય લેખો અંગ્રેજી સાહિત્યમાંથી લુપ્ત થઈ ગયા છે. અને, ડ્રાઇડન, સેમ્યુઅલ બટલર તથા પોપ સરખા કુશળ લેખકોનાં રસિક કટાક્ષકથન જળવાઈ રહ્યાં છે, એ હકીકત હાસ્યરસની ઉદાત્તતાની અને કલાવિધાનની સામર્થ્યની સાક્ષી પૂરે છે. તેમ જ, ઉત્તમ પંક્તિનાં કટાક્ષકથનો એ જાતના સાહિત્યની યોગ્યતા સિદ્ધ કરે છે. કેટલીક વાર એવી શંકા કરવામાં આવે છે કે કોઈ લેખકે પોતાના મનુષ્યબંધુઓના દોષ પર કટાક્ષ કરવો અને પોતે બીજાઓ કરતાં ચઢિયાતો છે એવો દાવો કરવો એ યોગ્ય કેમ કહેવાય? આવી શંકાનો માર્ક પૅટિસન એ ઉત્તમ આપે છે કે, ‘પેગંબર કે અવતારી પુરુષ ઉપદેશ દ્વારા પાપનો દંડ કરે છે તે પોતાના નામથી નહિ પણ જગતના ન્યાય કરનાર વિશ્વેશ્વર તરફથી કરે છે, તે જ પ્રમાણે, કટાક્ષકથનનો લેખક પોતાનાં શાસન પ્રકટ કરતો નથી, પણ, જનસમાજનાં શાસન પ્રકટ કરે છે. જનસમાજમાં શી રીતે વર્તવું અથવા સાહિત્યના વિષયમાં રસિકતા શી રીતે જાળવવી એ બાબતના જે નિયમો રાજ્યના કાયદાથી પળાવી શકાતા નથી તેનો અમલ કટાક્ષકથનનો લેખક કરાવે છે. જનસમાજના અભિપ્રાય ફળીભૂત કરવાનું સાધન થઈ તે આ કર્તવ્ય કરે છે. કટાક્ષકથનની અસર ફક્ત એટલી જ નથી કે તેથી દુર્ગુણ પાછો પડે; આવા શસ્ત્રથી સંબદ્ધ થતાં સદ્‌ગુણને પોતાના બળ પરનો વિશ્વાસ વધે છે, અને દુર્ગુણને જાહેર રીતે હલકો પાડેલો જોવાથી સદ્‌ગુણને પોતાની પ્રતિષ્ઠા અને અભિમાન પુષ્ટ થયેલાં લાગે છે. એ નક્કી છે કે પોપના કટાક્ષકથનનાં બાણ વાક્‌ચાતુર્યની તીક્ષ્ણ અણીવાળાં થઈ તથા કવિતાની પાંખથી ગતિવાળાં થઈ એવા ઘણાએકને વાગ્યાં કે જેમનાં નઠોર હૃદય પર અપકીર્તિ સિવાય બીજા કશાથી અસર થાય તેમ નહોતું; અને આ રીતે તેણે જે અમુક માણસોને તિરસ્કારપાત્ર કર્યા તેમના પર જ અસર થઈ એમ નહિ, પણ, દરેક જમાનામાં જેમને જેમને એ વર્ણન પોતાને લાગુ પડતાં જણાય અથવા પોતાને એ વર્ણન બીજાઓ લાગુ પાડશે એવી જેમને જેમને બીક લાગે તે સહુ ૫૨ એ અસર થવાની.’ (પોપ. સેટાયર્સ એન્ડ એપિસલ્સઃ ઇન્ટ્રોડક્શન.) તાત્પર્ય એ છે કે જે દોષ, દુર્ગુણ મૂર્ખતા જનસમાજને કંટકરૂપ થઈ પડે છે તેને તિરસ્કારપાત્ર બનાવવા, જે જાતનાં માણસોમાં એવા અનિષ્ટ અંશ હોય તેને હાસ્યપાત્ર બનાવી તેમના પર કટાક્ષકથનના પ્રહાર કરવા. એ જનસમાજની સેવા છે. જનસમાજના બંધારણમાં જ્યાં એવા અનિષ્ટ અંશને દંડ કરવાની બીજી વ્યવસ્થા નથી હોતી ત્યાં માત્ર સાહિત્યથી જ એ કાર્ય થઈ શકે છે. એવા અનિષ્ટ અંશવાળા મનુષ્યો પર જનસમાજને જેમ અણગમો થાય છે, તેમ જનસમાજના વિચારોના પ્રતિનિધિરૂપ સાહિત્યમાં પણ એ અણગમો પ્રકટ થાય છે, જનસમાજના હિતાર્થે સાહિત્ય એવા મનુષ્યો પર ઉપાલંભનો પ્રહાર કરે છે. આ કારણથી, ઋગ્વેદના મંત્રોમાં પણ કંજૂસ અને લોભીને સ્થાન મળેલું છે. એવા મનુષ્યો સંબંધે પૂષન્‌ને પ્રાર્થના કરવામાં આવી છે કે

‘અદિત્સંતં ચિદાઘૃણે પૂષન્દાનાય ચોદય |
પણેશ્ચિદ્વિ મ્રંદા મનઃ ||
પરિ તૃંધિ પણીનામરયા હૃદયા કવે |
અથેમસ્મભ્યં રંધય ||
વિ પૂષન્નારયા તુદ પણેરિચ્છ હૃદિ પ્રિયં |
અથેમસ્મભ્યં રંધય ||
આ રિખ કિકિરા કૃણુ પણીનાં હૃદયા કવે |
અથેમસ્મભ્યં રંધય ||
મં. ૬ | સૂ. ૪૩ | ૩-૫-૬-૭.

‘હે દીપ્તિવાળા પૂષન્‌! દાન કરવાની ઇચ્છા વગરના (પુરુષ)- ને દાન કરવાની પ્રેરણા કર; લોભીનું મન પણ નરમ કર.’

‘હે કવિ (ડાહ્યા પૂષન્‌)! લોભીઓનાં હૃદય આરા (પરોણા) વડે ચીર; પછી એમને અમારે વશ કર.’

‘હે પૂષન્‌! આરા (પરોણા) વડે લોભીનું હૃદય ચીર; તેના હૃદયમાં (અમારું) પ્રિય ઇચ્છ, પછી એમને અમારે વશ કર.’

‘હે કવિ (ડાહ્યા પૂષન્‌)! લોભીઓનાં હૃદય કોતરી ચૂરા કર; પછી એમને અમારે વશ કર.’

કંજૂસ અને લોભીનાં હૃદય નરમ કરવાની, તેમના હૃદયમાં પરોણા ભોકીને તેના કકડા કરવાની આ ઉત્કંઠા તેમના તેમ જ જનસમાજના હિત ખાતર ઉત્પન્ન થયેલી છે. એવા મનુષ્યોનાં હૃદય ચિરાય, તેમાં સદ્‌ભાવ પેસે અને તેઓ જનસમાજનું પ્રિય કરવા તરફ વળે, તેથી તેમને લાભ છે-તેમનાં હૃદય ઉન્નતિ પામે તેમ છે, તેમ જ જનસમાજને લાભ છે – એવા મનુષ્યો જનસમાજને વંશ (અનુકૂળ) થાય તો જનસમાજને નડતા કંટક દૂર થઈ જાય તેમ છે. એવા મનુષ્યોનાં હૃદય એવાં સખત થઈ ગયેલાં હોય છે કે પરોણા ભોક્યા વિના અને ચીરા પાડ્યા વિના તેમના ઉપર અસર થતી નથી; તેથી, એવા પ્રહારની જરૂર પડે છે, સાહિત્યનું સ્વરૂપ બદલાયું અને દેવોની પ્રાર્થનાના મંત્રને બદલે વૃત્તાન્ત અને વર્ણન રચાયાં ત્યારે આ પ્રહારનું કામ દેવોને સોંપવાને બદલે કવિઓએ પોતે કરવા માંડ્યું. કંટકરૂપ મનુષ્યોનાં હાસ્યપાત્ર વૃત્તાન્ત વર્ણવી કવિઓએ કટાક્ષકથનના પરોણા ભોકવા માંડ્યા. આ રીતે ઐતરેય બ્રાહ્મણમાં ‘ભૂખથી ઘેરાયેલા’ સૌવયસિ અજીગર્તનો લોભ વર્ણવી તેને હાસ્યપાત્ર કર્યો છે. તે સો (દામ) માટે પોતાના પુત્ર શુનઃશેપને યજ્ઞમાં વધ કરવા સારુ વેચાતો આપે છે. તે પછી શુનઃશેપને બાંધનાર કોઈ મળતું નથી તો અજીગર્ત કહે છે કે ‘મને બીજા સો આપો હું બાંધું.’ તે પછી શુનઃશેપનો વધ કરનાર કોઈ નથી મળતું તો અજીગર્ત કહે છે કે, ‘મને બીજા સો આપો તો એનો હું વધ કરું.’ આ કટાક્ષકથન દારિદ્ર્યથી થતા લોભ અને લોભથી થતી નિષ્ઠુરતાને હાસ્યપાત્ર બનાવી એવી અનિષ્ટતાને ત્યાજ્ય કરવાનો પ્રયાસ કરે છે.

કટાક્ષકથન આ રીતે હૃદય ચીરનારું છે તેથી જે હૃદય ચીરવા જેવાં હોય તેના પર જ તેનાં બાણ છૂટવાં જોઈએ. જ્યાં દોષ ન હોય ત્યાં દોષનો મિથ્યા આરોપ કરવામાં માત્ર દ્વેષ હોય છે, અને દ્વેષથી જનસમાજની સેવા થતી નથી. તેમ જ જ્યાં દોષ હોય ત્યાં તે દોષથી જનસમાજનું અહિત થાય છે એવી જેને ગંભીર પ્રતીતિ થઈ હોય તે જ કટાક્ષકથનને સાહિત્યની ઊંચી પંક્તિમાં આણી શકે છે. માત્ર વેર વાળવાની વૃત્તિથી રચાયેલાં કટાક્ષકથન ઉન્નતિહીન હોય છે, અને, સાહિત્યમાં એવા લેખને સ્થાન મળતું નથી. વળી, કટાક્ષકથનનો પ્રહાર જેમ હાસ્યરસથી નરમ થાય છે, તેમ હાસ્યપાત્ર ન હોય તેવા અંશનો કટાક્ષકથનમાં સમાવેશ થઈ શકતો નથી. અમુક દોષ માટે હાસ્યપાત્ર થયેલા મનુષ્યોમાં કોઈ સારા અંશ પણ હોય, પરંતુ, તેનું વર્ણન કટાક્ષકથનમાં દાખલ થઈ શકતું નથી. એ અંશ વર્ણવવામાં આવે તો હાસ્યરસ ખંડિત થાય અને જીવનચરિત્ર તથા ઇતિહાસના અંશ અસ્થાને મિશ્રિત થવાથી કટાક્ષકથન કદર્થિત થાય. તે સાથે એ પણ લક્ષમાં રાખવાનું છે કે વાસ્તવિકતાનો નાશ કરી અસંભવ દાખલ કર્યાથી બીજા રસ પેઠે હાસ્યરસમાં પણ ક્ષતિ થાય છે, તે માટે, હાસ્યપાત્ર મનુષ્યને એકેએક દોષથી ભરેલો વર્ણવવો ન જોઈએ. એવો મનુષ્ય કોઈ હોતો નથી. ગમે તેવો દુષ્ટ મનુષ્ય પણ કેટલાક દોષથી મુક્ત હોય છે. તેથી, મનુષ્યના સ્વભાવનું બંધારણ લક્ષમાં લેતાં જે જાતના મનુષ્યમાં જેવા દોષ સંભવે તે જાતનો નમૂનો માત્ર તેવા દોષ માટે જ હાસ્યપાત્ર થતો ચીતરવો જોઈએ.

તેમ જ વળી, બીજો એક નિયમ છે કે જે વિષય દીર્ઘ કાળ સુધી જનસમાજના લક્ષમાં આવે એવા હોય તે તરફ જ કટાક્ષકથનની પ્રવૃત્તિ હોવી જોઈએ. વર્તમાન સમયની જે જૂજ બાબતો થોડા વખતમાં ભુલાઈ જાય તેવી હોય તેનો સાહિત્યમાં સંગ્રહ થઈ શકતો નથી, અને, કટાક્ષકથનમાં પણ એ જ નિયમ પ્રવર્તે છે. માર્ક પેટિસન કહે છે તેમ ‘બધી ક્ષુદ્ર વસ્તુઓમાં ક્ષુદ્ર કલહ જેવું બીજું કાંઈ હોતું નથી.’ વ્યક્તિઓ વચ્ચેના ક્ષુદ્ર કલહથી કટાક્ષકથનનું સાહિત્ય રચી શકાતું નથી.

જનસમાજના ઇતિહાસમાં લાંબી મુદ્દત સુધી પહોંચતા વિષયોમાંના દોષ તરફ કટાક્ષકથન ઉપર પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, તેથી એવી લાંબી મુદ્દત દરમિયાન એવા દોષને વળગી ગયેલા વિચારો અને લાગણીઓ ઉપર પણ કટાક્ષકથન પ્રહાર કરે છે. કાંટાવાળો કે ઝેરી ઝોડ જમીમાં ઊગ્યા પછી લાંબી મુદ્દત ટકે છે ત્યારે તેના મૂળ સાથે જમીનમાંનો કેટલોક ભાગ સજ્જડ વળગે છે અને તે છોડ કાઢી નાખતાં જમીનમાંના એવા ભાગની પણ ઊથલપાથલ કરવી પડે છે, તે પ્રમાણે, અમુક પ્રકારની મૂર્ખતા, દુર્ગુણ, દુરાચાર કે અનિષ્ટતા જનસમાજમાં લાંબી મુદ્દત સુધી વસવાથી તેને કેટલાંક આવરણ સજ્જડ વળગે છે, અને એ આવરણનો વિચ્છેદ થોડાઘણા કષ્ટ વિના થઈ શકતો નથી. તેમ જ વળી, લાંબા પરિચયથી એ મૂર્ખતા એ દુર્ગુણ દુરાચાર કે અનિષ્ટતા જનસમાજના નાના કે મોટા ભાગને પ્રિય થઈ પડેલાં હોય છે અને એ પ્રીતિ તોડાવ્યા વિના છૂટકો હોતો નથી. તેથી, જે વિચારો, લાગણીઓ, સંસ્થાઓ કે વસ્તુઓ જનસમાજને લાંબા પરિચયથી પ્રિય થઈ પડી હોય તે ઉપર કટાક્ષકથનનો પ્રહાર ન કરવો એવો નિયમ થઈ શકતો નથી. એ વિષયોમાં દોષ હોય તો તેના પર કટાક્ષકથનના પ્રહાર આવશ્યક થાય છે, કેમ કે, તેથી એ દોષ ઉપર જનસમાજનું ધ્યાન બહુ સબળ રીતે ખેંચાય છે. અપાત્ર ઉપર પ્રીતિ થઈ હોય ત્યાં એ પ્રીતિ મુકાવવા માટે તે અપાત્રની હાસ્યાસ્પદતા દર્શાવવી એના જેવો બીજો ઉપાય હોતો નથી. સ્પેનમાં ‘શિવલરી’ને નામે ગાંડાં કાઢવાનો પ્રચાર બહુ વધી ગયો હતો અને જનસમાજના મોટા ભાગની એ મૂર્ખતા ઉપર રુચિ બંધાઈ હતી તેથી ડૉન ક્વિશૉટની કથા રચી સર્વેન્ટિસે એ પ્રચાર અને રુચિ પર કટાક્ષકથનના પ્રહાર કર્યા હતા. રોમન કેથોલિક પંથમાં જેસ્યુઇટ મંડળે અસદાચારનો બચાવ કરનારા મિથ્યાવાદ (casuistry) બહુ ફેલાવ્યાથી અને તે ઉપર લોકોની શ્રદ્ધા બેઠેલી હોવાથી પાસ્કલે ‘પ્રોવિન્શિલ લેટર્સ’ લખી એ મિથ્યાવાદના કલ્પિત નમૂના રચી કટાક્ષકથનની પદ્ધતિએ એ વાદનો ઉપહાસ કર્યો હતો. જે ભ્રમ બહુ વિસ્તાર પામ્યો હોય અને લોકોના પક્ષપાતને પાત્ર થયો હોય તે એ કારણોથી હાસ્યાસ્પદતામાંથી મુક્ત થઈ શકતો નથી, પણ, તે ભ્રમ દૂર કરાવવા સારુ તેની હાસ્યસ્પદતા દર્શાવવાની ખાસ જરૂર પડે છે. અલબત્ત, જેમાં દોષ નથી હોતો તેમાં હાસ્યસ્પદતા નથી હોતી. એવી વસ્તુનો ઉપહાસ કરવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે; અને, તેને હાસ્યાસ્પદતામાંથી બચાવવાનો નિયમ કરવાની જરૂર રહેતી નથી. હેઝલિટ કહે છે કે Ridicule is the test of truth (‘ઉપહાસ એ સત્યની કસોટી છે’) એ ઉક્તિ એવા અર્થમાં ખરી છે કે સત્યના કટાક્ષકથનની ઉપહાસ કરવા જતાં એવો પ્રયત્ન નિષ્ફળ જાય છે તથા તેમાં હસવા સરખું શું છે તે પણ સ્પષ્ટ થતું નથી, અને એ રીતે સત્યની સત્યતા સાબિત થાય છે.

આ નિયમો લાંબો કાળ ટકતી સંસ્થાઓને લાગુ પડે છે તેમ ઐતિહાસિક વ્યક્તિઓનો પણ લાગુ પડે છે. ઐતિહાસિક વ્યક્તિઓના લક્ષણમાં કોઈ હાસ્યાસ્પદ અંશ હોય તો હાસ્યપાત્ર નમૂના કલ્પવામાં એવા અંશ ઉપાદાન તરીકે વાપરી શકાય છે. ઉદાત્તતા અને સાધુતાને માટે ઇતિહાસમાં સંસ્મરણીય થયેલી વ્યક્તિઓનાં જીવનચરિત્રમાં હાસ્યપાત્ર લક્ષણો હોતાં નથી. પરંતુ, કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તેમનામાં કેટલાક મોટા ગુણ હોવા છતાં લોભ કે ક્રોધ કે ઈર્ષ્યા કે અભિમાન કે એવો કોઈ અવગુણ હોય છે અથવા સ્વભાવનું કોઈ જાતનું કઢંગાપણું હોય છે, અને, એવા અંશ હાસ્યપાત્ર થાય છે. એ વ્યક્તિઓ ઇતિહાસમાં પ્રતિષ્ઠા પામેલી હોય છે એ હકીકતથી તેમના એ અંશથી હાસ્યપાત્રતા જતી રહેતી નથી. આ રીતે, હાથી અને શિયાળની વાતમાં, રાજ્યલોભને વશ થતાં શિયાળથી દોરાઈ તેણે બતાવેલા માર્ગે દોડનાર અને એ રીતે આખરે કાદવમાં પડનાર હાથી કર્પૂરતિલક તે કોઈ સામાન્ય મનુષ્યનો નમૂનો નથી, પણ, કેટલાક સુપ્રસિદ્ધ યોદ્ધાઓ અને રાજાઓનો નમૂનો છે. રાજ્યલોભ મોટી પદવીના મનુષ્યોમાં ઉદ્‌ભૂત થાય છે. તે દર્શાવવા કર્પૂરતિલકને હાથી કલ્પ્યો છે, અને, એવા મનુષ્યો હલકા અને લુચ્ચા સલાહકારોની બુદ્ધિએ ચાલી ઠગાય છે, એ દર્શાવવા તેને દોરી જનારને શિયાળ કલ્પ્યું છે. મોટા માણસોના દોષ પ્રશંસા કરવા યોગ્ય હોતા નથી, પણ, ત્યાજ્ય કરવા માટે ધડો લેવા યોગ્ય હોય છે, એ વાત જનસમાજના લક્ષ આગળ રાખવાની જરૂર હોય છે.

જનસમાજમાં પ્રવર્તતા અનિષ્ટ અંશ સુધારવા માટે જ કટાક્ષકથનનો ઉપયોગ થઈ શકે છે, તેથી, કટાક્ષકથનનો ઉપયોગ કરનારના અંતઃકરણમાં એવા સુધારા માટે ખરેખરી ઉત્કંઠા હોવી જોઈએ; જનસમાજનો અપરાધ કરનારને જનસમાજ તરફથી એવી શિક્ષા કરવાનો અધિકાર સામાજિક સુધારણાની ખરેખરી તીવ્ર ઇચ્છા ધારણ કરનારને જ મળે છે. એવી ઉત્કંઠા અને તીવ્ર ઇચ્છાથી જનસમાજમાંના અનિષ્ટ અંશના સ્વરૂપ વિશે ચિત્તમાં વિમર્શન થાય છે, અને, તેને પરિણામે એ સ્વરૂપ પર સખ્ત અરુચિ ઉત્પન્ન થતાં જનસમાજની સખ્ત અરુચિને એકઠી કરી એ સ્વરૂપ તરફ વાળવાની પ્રવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિથી કટાક્ષકથનનો ઉદ્‌ભવ થાય છે. ટેઈન કહે છે, ‘કઈ મનોવ્યાપાર વિમર્શન કરતાં કટાક્ષકથનને વધારે અનુકૂળ નથી. વિમર્શન એટલે ધ્યાનની એકાગ્રતા, અને, ધ્યાનની એકાગ્રતા અંતર્ભાવના વેગ તથા સ્થાયીપણાને સોગણાં વધારે છે. દુર્ગુણ વિશે ચિંતન કરવામાં જે મગ્ન થાય છે તેને દુર્ગુણ તરફ ધિક્કાર આવે છે. અને, તેનું ચિંતન જેમ ઉગ્ર તેમ તેનો ધિક્કાર વધારે ઉગ્ર હોય છે. આવી સ્થિતિ હોય છે ત્યારે ગંભીર વક્રોકિતનું શસ્ત્ર સહુથી વધારે સ્વાભાવિક થઈ પડે છે, કારણ કે, એકાગ્ર થયેલા ધિક્કારથી તે સાક્ષી પૂરે છે. જે એવી વક્રોકિતનો ઉપયોગ કરે છે તે પોતાની પ્રથમ પ્રવૃત્તિને દાબી રાખે છે; પોતાની સામે પોતે ભાષણ કરતો હોય એવો તે ડોળ કરે છે, અને, પોતાને પોતાના વિરોધીનો વેશ ભજવવાની ફરજ પાડે છે. બીજી તરફથી જોતાં માલૂમ પડે છે કે આ દુઃખભરી સ્થિતિનો જાણી જોઈ કરેલો અંગીકાર તે ચિત્તમાંનો અત્યંત તિરસ્કાર સૂચવે છે, વિરોધીને આપેલું શરણ તે તેનું સહુથી સખ્ત અપમાન હોય છે.’ (હિસ્ટરી ઑફ ઇંગ્લિશ લિટરેચર.) હાસ્યના પાત્રમાં ખરેખરા દોષ હોય ત્યારે જ આ તિરસ્કાર અને અપમાન યથાર્થ થાય છે. હેઝલિટ કહે છે તેમ ‘સહુથી ભારે બદનક્શી સત્યથી થાય છે અને વાક્‌ચાતુર્યનાં શલ્ય ખચકા (કર્ણ)વાળાં થાય છે તે સત્યથી થાય છે.’ (લેકચર્સ ઑન ધિ ઇંગ્લિશ કૉમિક રાઇટર્સ.)

કટાક્ષકથનનો એક ઉપપ્રહાર એવો છે કે તેમાં હાસ્યપાત્ર વસ્તુનાં કેટલાંક અંગ કે કેટલીક ખાસિયતો પરસ્પર પ્રમાણ સાચવ્યા વગર એવી રીતે વધારી દેવામાં આવે છે કે તેથી સમસ્ત વસ્તુના સ્વરૂપને મળતાપણું કાયમ રહે છે, પણ, એકંદર દેખાવ અસંગત અને હસવા સરખો થાય છે. હાસ્યપાત્ર વસ્તુની કેટલીક રેખાઓ આમ મોટી થઈ જવાથી તે રેખાઓમાં રહેલું મૂળ તરેહવારપણું ખાસ પ્રાદુર્ભૂત થાય છે, એ રેખાઓમાં વસતી હાસ્યાસ્પદતા સ્પષ્ટ રીતે બહાર પડે છે, અને તેથી, કેટલીક રેખાઓની વિકૃતિ થયા છતાં તથા બીજી રેખાઓ અસલ પ્રમાણે એમની એમ રહ્યા છતાં વસ્તુનું એકંદર સ્વરૂપ વધારે સારી રીતે નજર આગળ આવે છે. અમુક નમૂનાના મનુષ્યોમાં કે તેમણે પ્રિય માનેલી સંસ્થાઓમાં રહેલી મૂર્ખતાની, અનિષ્ટતાની કે દુષ્ટતાની રેખાઓ આ રીતે મોટા અને અનિયમિત પ્રમાણમાં વધારવાથી અને તેમના સ્વરૂપની બાકીની રેખાઓ મૂળ પ્રમાણમાં રહેવા દીધાથી જે વિરૂપતા થાય છે તે ચિત્તને હાસ્યાનુકૂલ વૃત્તિમાં આણીને અને સ્વરૂપમાં રહેલી હાસ્યમયતાને વિરોધ દ્વારા આગળ પાડીને હાસ્યરસને વિશેષ રીતે પુષ્ટ કરે છે. આ ઉપપ્રકારને અંગ્રેજીમાં caricature કહે છે. આપણી ભાષામાં તેને માટે યથાર્થ શબ્દ યોજવો કઠણ છે. કદાચ ‘અતિકથા,’ ‘અતિચિત્ર’ ‘અતિરેખાવર્ણન’ કે એવો કોઈ શબ્દ ખાસ લક્ષણા કરીને યોજી શકાય. ‘ઢોંગસોંગ’ શબ્દ આવી નવી લક્ષણાથી વાપરવો એ વધારે ઘટતું લાગે છે, અને, એમાં શબ્દાર્થ તથા વ્યાકરણનો અનાદર થતો હોય તો બીજો એવો કોઈ સૂચક શબ્દ નક્કી કરવો જોઈએ કે જેથી અર્થનો પ્રકાશ સારો થાય.

આ ઉપપ્રકારનાં સંક્ષિપ્ત ઉદાહરણ આપવાં મુશ્કેલ છે, કેમ કે, આખું વર્ણન વાંચ્યા પછી જ વધારી દીધેલી રેખાઓની વિકૃતિ ધ્યાનમાં આવે છે. કદાચ નીચેનાં ઉદાહરણોમાં એવી વિકૃતિ દૃષ્ટિગોચર થશે :

‘બંદીવાનો દોદળા ગામના રહીશ છે. એમાં કેટલાક ગરાશીઆ છે, કેટલાક વાણીઆ છે, કેટલાક બ્રાહ્મણ છે, કેટલાક કણબી વગેરે છે. એમના ગામમાં ધાડ પડી તે વારે એ સર્વે બાયલા, કાયર થઈ રડવા લાગ્યા. કોઈ સંતાઈ ગયા, કોઈ નાશી ગયા, તેથી ચોર સુખે ચોરી કરી ચાલ્યા ગયા. કેદીઓ કહે, “મહારાજ! એમાં અમારો શો અપરાધ છે? અમે લૂંટાયા, અમારો માલ ગયો. ચોરને બદલે અમને ઝાલી આણ્યા છે.” રાજા કહે, “મેં કાયદો કર્યો છે કે મારા મૂલકમાં જે કાયર માલૂમ પડે તેને સજા કરવી. તમારા ગામમાં બચાવ તમે નહિ કરો તો કોણ કરશે? શું ગામો ગામ ફોજ રાખું?” ગરાશીઆ નીચું જોવા લાગ્યા; પણ બ્રાહ્મણ વાણીઆ આદિને આ વચન નવાઈનાં લાગ્યાં. તે નિર્લજો કહે, “તો શું અમારો દંડ લીધે અમે શૂરા થવાના છીએ?” વનરાજ કહે, “હું તમને દંડ નહિ કરું, ને કેદે નહિ બેસાડું, તમને ચૂડા પહેરાવી બે વરસ બાઈડીને વેશે રહેવાની સજા કરીશ. મંત્રી! ચૂડા મંગાવો.” રજપૂતોની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં, વાણીઆ બે હાથે સલામો કરતા કહે, ‘મહારાજ! આ ગરાશીઆ તો ઘરમાં બે વરસ ભરાઈ બેઠા ગરાશ વડે પેટ ભરશે. એમને ખેતરાં છે તેનો દાણો આવે છે, પણ અમારે તો હાટ માંડી બેસવું, ગુજરીમાં જવું, માલ ખરીદવો ને વેચવો, તેથી બાઈડીને વેશે ને ચૂડાવાળે હાથે અમારી બહુ ફજેતી થશે, લોક હસશે ને છોકરાં તાળીઓ પાડશે!” બ્રાહ્મણો કહે, “મહારાજ! અમારે પણ ભિક્ષાવૃત્તિ તેથી કરવા જવું, વળી સરાવવા જવું, હોમ કરાવવા; અમારે તો એ સજાથી લાજી મરવાનું થશે!” કણબીઓ કહે, “મહારાજ! અમે બાયડીનાં લુગડાં ને ચૂડા પહેરી ખેતી કેમ કરીશું? ગાડાં ભરી ધાન્ય વેચવા કેમ જઈશું? અમે મૂછોવાળા બાયડીના ઘાથરા સાડલા કે ચૂડા પહેરવાથી બહુ કઢંગા દેખાઈશું! આટલો ગુનોહ માફ કરો બાપજી!” વનરાજ કહે, “તો હવે હિમ્મત પકડી લડશો?” બંદીવાનો કહે, “બાપજી! જીભથી તો લડીએ, ને જો એવો બંદોબસ્ત કરો કે સામાવાળા અમને ના મારે તો વળી હથીઆરથી જરા અજમાશ કરીએ.”

વનરાજ ચાવડો.
‘બગલું ઓ આવે ઓ જાય રે; બગલું ફોકટ ફેરા ખાય રે;
બગલું કયી વહુને લઈ જાય રે? પાછળ કયા ભાઈ દોડ્યા જાય રે?
બગલું મોતીવહુને લઈ જાય રે; પાછળ દીનાભાઈ દોડ્યા જાય રે.
ઓ મારી બઈરીને લઈ જાય રે; મારું પણતર ફોકટ થાય રે;
ઓ મારા પૈસા રાયગળ જાય રે; (મારો મનખો વાંઢો થાય રે.)
ઓ હું તો પરણ્યો તે થયું ફોક રે; મારાં નાણાં બેઠાં રોક રે.’
રાંદેલ. (રન્નાદેવી)નાં ગીત.

પહેલા ઉદાહરણમાં, બીકણ ને કાયર માણસો પોતાનો સાધારણ ધંધો કરતા હોય તે વેળા તેમના કાયરપણાની રેખાઓ અતિશય વધારો કરીને દેખાડી હોય તો એકંદર ચિત્ર કેવું હાસ્યજનક થાય તે દર્શાવ્યું છે; તેમ જ, એવા મનુષ્યો કેવા નિર્લજ્જ થઈ પોતાના કાયરપણાને ઠેઠ સુધી વળગી રહે છે તે પણ એવા સ્વભાવની રેખાઓનો વિસ્તાર કરીને દર્શાવ્યું છે. બીજા ઉદાહરણમાં કન્યા શોધી કહાડવામાં પડતી મહેનતથી અને લગ્નમાં થતા ખર્ચથી વહુની કિંમત કરનાર અને તે કારણથી વહુની સલામતી માટે અધીરો થઈ ફરનાર માણસ વહુ ખોવાઈ જાય ત્યારે કેવો ઘેલો અને બેબાકળો થઈ જાય છે તે તેના એ સ્વભાવની રેખાઓ બહુ મોટા પ્રમાણમાં વધારીને દર્શાવ્યું છે અને એ રીતે એ સ્વભાવમાં રહેલી હાસ્યપાત્રતા પ્રકટ કરી છે.

આ ઉદાહરણોની પરીક્ષા કરતાં એક વાત એ લક્ષમાં આવશે કે આવી રીતે કલ્પેલા હાસ્યમય પ્રસંગો વિચારમાં લેતાં ચિત્ત આગળ તેમનું મૂર્તિમંત ચિત્ર ઊભું થાય છે અને તે ચિત્રમાં પ્રમાણ ઉપરાંત વધી ગયેલી રેખાઓનો સાક્ષાત્કાર થાય છે. રેખાઓના વિસ્તાર અને પ્રમાણની વિષમતા આવા પ્રસંગને ખાસ કરી ચિત્રયોગ્ય બનાવે છે. પહેલા ઉદાહરણમાંનું વર્ણન વાંચતાં મૂછો દેખાતા થતાં સાલ્લા ઘાઘરા અને ચૂડા પહેરી દુકાને તોળતા તથા બજારમાં સોદો કરતા વાણિયા, શેરીઓમાં ઝોળી લઈ ફરતા તથા નદી કિનારે ક્રિયા કરાવતા બ્રાહ્મણો, અને હળ ફેરવતા તથા ગાડાં હાંકતા કણબીઓનાં ચિત્ર નજર આગળ આવે છે; તેમ જ એક તરફ યુદ્ધમાં હિંમત ધરી લડવાની આજ્ઞા કરતો વનરાજ અને બીજી તરફ ‘અમને સામાવાળા ના મારે તો હથિયાર અજમાવીએ’ એવું કહેતા બંદીવાનો એમ સામસામા ઊભેલાનું ચિત્ર નજર આગળ આવે છે. બીજા ઉદાહરણમાં, સ્ત્રીને ઉપાડી લઈ જતું બગલું (=સ્ત્રીનો કોઈ અગમ્ય રીતે વિનાશ થઈ જશે એવી બીક ભરેલી કલ્પના) અને, તેની પાછળ ‘ઓ મારી બઈરીને લઈ જાય રે, મારું પરણેતર ફોકટ થાય રે’ એવી બૂમ પાડી દોડ્યો જતો મનુષ્ય : એવું ચિત્ર નજર આગળ આવે છે. એ રીતે ‘કેરીકેચર’નું કલાવિધાન ચિત્રરચનાને ઘણું અનુકૂળ છે, અને તેથી, એ વિધાનની વ્યાખ્યામાં ચિત્રરચનાનો પણ સમાવેશ કરવામાં આવે છે. ‘કેરિકેચર તે કટાક્ષકથનના પ્રયોજન માટે કઢંગી રચનાનો ઉપયોગ કરવાની કળા છે. તેમાં ચિત્ર ચીતરીને કે મૂર્તિ ઘડીને હાસ્યમય રેખાઓ પ્રદર્શિત કરવામાં આવે છે.’ (કેરીકેચર વિશે લેખ, એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા, અગિયારમી આવૃત્તિ.)

‘કેરિકેચર’માં રહેલી આ ચિત્રયોગ્યતાને લીધે કેટલીક વાર એ શબ્દથી માત્ર ‘ચિત્ર દ્વારા પ્રકટ કરેલું કટાક્ષકથન’ એટલો જ અર્થ ઉદ્દિષ્ટ કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં એવાં ચિત્રનો પ્રથમ વિધાયક હોગાર્થ નામે ચિત્રકાર ઈસવી સનના અઢારમા સૈકામાં થઈ ગયો. તેણે જનસમાજમાં પ્રવર્તતી મૂર્ખતા અને દુષ્ટતાનો ચિત્રો દ્વારા ઉપહાસ કર્યો છે, અર્થાત્‌ અમુક પ્રસંગોમાં આવેલા મૂર્ખ અને દુષ્ટ મનુષ્યોનાં કલ્પિત ચિત્ર ચીતરી એવા નમૂના પર કટાક્ષ કર્યો છે. એવા મનુષ્યોના ચરિત્રમાં એક પછી એક એક આવતા વિવિધ પ્રસંગોમાં જુદાં જુદાં ચિત્ર ચીતરી તે સમસ્ત વડે તેણે ચિત્રમય નાટક રચ્યાં છે, અને તેમાં હાસ્યરસનું દર્શન કરાવ્યું છે.

‘કેરિકેચર’નાં ચિત્રનો (cartoon) ‘કાર્ટૂન’ નામે પેટા પ્રકાર વર્તમાન સમયમાં ઉત્પન્ન થયો છે. લોકોના મનમાં રમી રહેલા ચાલતા વિષયોનો એવા ચિત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એ ચિત્રોમાં બહુધા રાજકીય બાબતો સંબંધે હાસ્યમય ટીકા કરવામાં આવે છે. એમાં જાણીતા પ્રસંગો ચીતરવામાં આવે છે, તેથી, નમૂનારૂપ વ્યક્તિઓ નહિ પણ ખરેખરી વ્યક્તિઓ ચીતરવામાં આવે છે. એક વેળા એવાં ચિત્ર વડે બહુ દ્વેષભર્યા હુમલા કરવામાં આવતા, પરંતુ હવે એવો ડંખ એ ચિત્રોમાંથી નીકળી ગયો છે. ઇંગ્લૅન્ડમાં હાસ્યરસનાં ચિત્ર દ્વારા જાહેર સવાલોની ચર્ચા કરનારાં અનેક વર્તમાનપત્રો પ્રસિદ્ધ થાય છે, તેમાં રાજકાર્યોના અગ્રેસરોને અમુક કલ્પિત પ્રસંગમાં આવેલા અને સંભાષણ કરતા ચીતરી તે પ્રસંગ દ્વારા તેમની કૃતિઓ તથા વિચારોનો મંદ ઉપહાસ કરવામાં આવે છે, અને, એ ઉપહાસ વડે તે કૃતિઓ તથા વિચારોની યોગ્યાયોગ્યતાની ચર્ચા કરવામાં આવે છે. ‘એ સર્વમાન્ય છે કે “કાર્ટૂન”નો કંઈક ઉદ્દેશ હોવો જોઈએ. ભાવાર્થ રૂપે રહેલા વિચારનું તેમાં સ્પષ્ટ રીતે દર્શન થવું જોઈએ, અને બને તો, તે દર્શનથી હાસ્ય ઊપજવું જોઈએ; અને એ રીતે વિચાર દર્શાવતાં ગમે તેટલી મર્યાદા કે અંકુશ રાખ્યાં હોય તોપણ, અને તેમાં પ્રસંગોપાત્ત પ્રોત્સાહક કાવ્ય સરખી ભાવના હોય તો પણ, વર્તમાનપત્રમાં વિવેચનનો મુખ્ય લેખ (leading article) ચિત્રમય બનાવ્યો હોય એવું તેનું સ્વરૂપ હોવું જોઈએ.’ (એનસાઇક્લોપીડિયા, બ્રિટાનિકા, અગિયારમી આવૃત્તિ, કાર્ટૂન વિશે લેખ.) આવાં ચિત્રમાં વ્યક્તિઓ ખરેખરી લેવામાં આવે છે, પણ, તે વ્યક્તિઓએ કરેલાં કાર્ય કલ્પિત પ્રસંગોના રૂપમાં મૂકવામાં આવે છે. આ કલ્પિત પ્રસંગો સાધારણ વ્યવહારમાં બનતા અથવા ઐતિહાસિક પ્રસંગોમાં કે વાર્તાઓમાં આવેલા બનાવોના હોય છે. ખરી વ્યક્તિઓને તે પ્રસંગને અનુકૂળ વેશમાં ચીતરવામાં આવે છે, અને તેથી તેમ જ તેના મુખમાં મૂકેલાં વચનથી, ચિત્ર હાસ્યમય થાય છે. ઇસપનીતિમાંના તથા તેના જેવી બીજી વાર્તાઓમાંના પ્રસંગ લઈ ખરી વ્યક્તિઓને પશુ રૂપે પણ ચીતરવામાં આવે છે. લંડનમાં નીકળતું ‘પંચ’ પત્ર આ પ્રકારનાં ચિત્ર દ્વારા ચર્ચા કરનાર વર્તમાનપત્રોમાં મુખ્ય છે.

વિલક્ષણ રેખાઓ વધારવાથી થતા ‘કેરિકેચર’ને ચિત્રનું રૂપ આપી શકાય છે તે પ્રમાણે વાણી વડે કે અંગ વડે અનુકરણ કરીને પણ એ કાર્ય થઈ શકે છે. કેટલાક મનુષ્યોની ઘાંટો કાઢવાની કે વાક્યરચનાની રીતમાં તેમના સ્વભાવનું તરેહવારપણું રહેલું હોય છે, અને, તેની નકલ વધારેલા રૂપમાં કરી એ તરેહવારપણામાં રહેલી હાસ્યમયતા દર્શાવવામાં આવે છે. તેમ જ, સ્વભાવનું એવું તરેહવારપણું આંખ, મોં, કે હાથની કઢંગી ચેષ્ટા કરવાની ટેવમાં હોય ત્યારે તેવી ચેષ્ટા મોટા રૂપમાં કરી તેની હાસ્યમયતા દર્શાવવામાં આવે છે. ફક્ત ‘ચાળા પાડવાથી’ આ કાર્ય થઈ શકતું નથી.

અલબત્ત, આ રીતે મનુષ્યના સ્વભાવની કઢંગી રેખાઓ વધારી દઈને પ્રકટ કરવામાં એવા સ્વભાવનું યથાર્થ સ્વરૂપ દરેક રીતે જળવાય એમ હમેશ બનતું નથી. કોઈક વેળા કેટલીક રેખાઓ હોય તેના કરતાં વધારે હાસ્યપાત્ર ચિતરાય છે, અને, કોઈક વેળા કેટલીક રેખાઓ હોય તેના કરતાં ઓછી હાસ્યપાત્ર ચિતરાય છે. આ પ્રકાર જ એવો છે કે તેમાં સમતા બરાબર જળવાતી નથી. પ્રો. બર્ગસન કહે છે તેમ હાસ્યરસ દ્વારા મનુષ્યોના દોષ માટે દંડ કરતાં યથાર્થતા ઝીણવટથી સાચવી શકાતી નથી, પણ, એકંદરે પરિણામમાં સરેરાશ ઇન્સાફ (‘average of justice’) થાય છે.

હાસ્યમય કૃતિનો બીજો એક પ્રકાર તે parody (‘પરિહાસમય અનુકરણ’) છે. એ પ્રકાર એવો છે કે ગંભીર વિષયના કોઈ લેખમાંનાં વચનો કે શૈલીની નકલ હલકા વિષયના વર્ણનમાં આવે છે, અને, એ રીતે ગંભીરતા તથા લઘુતાને પાસે પાસે મૂકીને તે બેના વિરોધ વડે હાસ્ય ઉપજાવવામાં આવે છે. આ રીતે,

(અસલ)
જીવને શ્વાસતણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ;
બાપ કહે છે બેટો અમારો, માતા મંગળ ગાઈ;
બેની કહે છે બંધવ અમારો, ભીડ પડે ત્યારે ભાઈ.
જીવને શ્વાસતણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.
લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢ્યા રે વેળા થઈ;
અડશો માં તમે અભડાશો એમ લોક કરે ચતુરાઈ રે;
જીવને શ્વાસતણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.

(નકલ)
લાડુને દાળતણી સગાઈ, મુખમાં ઘડી ન થાય જુદાઈ;
જીભ કહે છે લાગે અમારો, દાંત રહ્યા મલકાઈ;
પેટ કહે ભક્ષ અમારો, ડુંડ વધે ત્યારે મોટાઈરે;
લાડુને દાળતણી સગાઈ, મુખમાં ઘડી ન થાય જુદાઈ.
રેડ્યું ને ઢોળ્યું ઘી ઘણું, ને ચાવ્યા રે વેળા થઈ;
બોલશો મા તમે ચૂકી જાશો, એમ ભૂખ કરે ચતુરાઈ રે,
લાડુને દાળતણી સગાઈ, મુખમાં ઘડી ન થાય જુદાઈ.

અહીં મૃત્યુના ગંભીર વિષય માટે વાપરેલી શબ્દરચના અને શૈલીની નકલ મિષ્ટાન્નભોજનનો સ્થૂલ વિષય વર્ણવવામાં લાગુ પાડતાં, બેનો વિરોધ હાસ્ય ઉત્પન્ન કરે છે, નકલનાં વચનો વાંચતાં અસલનું સ્મરણ થતું ન હોય તો વિષયોના વિરોધનું ભાન ન થાય, અને નકલ જાતે હાસ્યમય હોય તોપણ અસલની સરખામણીથી થતી વિરોધની તીવ્રતાની ખામી રહે.

વિરોધની આવી તીવ્રતા આ પ્રકારમાં આવશ્યક છે તે ઉપરથી લી હન્ટ કહે છે કે, “પેરડી”થી અસલ પર કટાક્ષ થતો નથી, પણ ઊલટું અસલમાં ગુણોત્કર્ષ છે એમ પ્રદર્શિત થાય છે; અસલની “પેરડી” થઈ શકે છે એ તેનો ગુણોત્કર્ષ સિદ્ધ કરવાની કસોટી છે.’ (વિટ એન્ડ હ્યુમર.) લી હન્ટના કહેવાનું તાત્પર્ય એ છે કે “પેરડી”માં અસલ અને નકલ વચ્ચે એવો તીવ્ર વિરોધ હોવો જોઈએ. અસલ ગુણવંત અને નકલ ગુણહીન એમ બે વચ્ચે એવો લાંબો તફાવત હોવો જોઈએ કે ગુણહીન નકલ થઈ શકે છે એટલા જ પરથી જણાઈ આવે કે અસલ ગુણવંત જ હોવું જોઈએ. લી હન્ટનો આ મત એટલે સુધી ખરો છે કે ઉપર આપેલાં ઉદાહરણ પેઠે જ્યાં માત્ર વિનોદ માટે નકલ કરવામાં આવી હોય ત્યાં નકલ સાથે સરખામણીમાં અસલનું ચઢિયાતાપણું જ નજર આગળ આવે છે. પરંતુ, અસલ અને નકલ વચ્ચે જે વિરોધ છે તે ગુણવત્તા અને ગુણહીનતા વચ્ચેનો નથી, પણ, ગંભીરતા અને લઘુતા વચ્ચેનો છે. વિનોદ માટે કરેલી નકલ કરતાં અસલનું જે ચિઢયાતાપણું દેખાય છે તે તેની ગંભીરતાનું હોય છે. જ્યાં અસલમાં કોઈ વિષય ગંભીરતાથી ચર્ચેલો હોય તે છતાં તેમાં પ્રકટ કરેલા વિચારમાં દોષ હોય અને તે દોષ ઉપર કટાક્ષ કરવા સારુ તેની “પેરડી” કરવામાં આવે ત્યાં અસલમાં ગંભીરતા છતાં તેના દોષને લીધે તેનું ઊતરતાપણું જણાય છે. અને, નકલ ગમે તેટલી વધુ છતાં એ દોષ ઉઘાડા પાડનાર તરીકે તે ચઢિયાતી જણાય છે. જેમ કે,

(અસલ)
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,
તો કેમ કરૂં જુદાઈનાં દુખનો એલાજ,
કવિતા! કાંહ ભરાઈ બેઠી છે આજ?
માહરી મજેહ.
(નકલ)
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,
તો કેમ કરૂં જુદાઈનાં દુખનો એલાજ,
શાહી! કાંહ ભરાઈ બેઠી છે આજ?

અહીં, અસલ લખાણનો ઉદ્દેશ ગંભીર છે પણ તે લખાણમાં કાંઈ કાવ્યત્વ નથી, અને તેથી, નકલ કરતી વેળા અસલમાંનું બીજું બધું કાયમ રાખી ફક્ત ચોથી લીટીમાં ‘કવિતા’ ને ઠેકાણે ‘શાહી’ શબ્દ મૂકી ‘પેરડી’ કરવાથી એ અર્થ ફલિત થાય છે કે શાહી અને કલમ હોય તો આવાં લખાણ ગમે તેટલાં જથાબંધ લખી શકાય છે, અને એવાં લખાણ માટે જોઈતી ‘દાબડીમાંની દવા’ તે કવિત્વ નહિ પણ શાહી જ છે. અસલ લખાણ કવિતાને એવું પ્રતિકૂલ છે કે ફક્ત એક શબ્દ બદલવાથી તે આખું લખાણ ખડિયો ન ઊઘડવાથી લખવાની ક્રિયા અટકી પડવાના સાધારણ પ્રસંગને લાગુ પડતું થઈ જાય છે. નકલમાં વિચારની વિશેષતા કાંઈ નથી, ખડિયો ઊઘડતો નથી તેથી લખાતું નથી એમાં કવિતા લખવા જેવું કાંઈ નથી; પણ, અસલ પેઠે નકલમાં ઊંચા વિષયનો નીરસ વચનો સાથે કઢંગો સંયોગ કરેલો નથી, નકલમાં વિષય પણ નીરસ અને વચનો પણ નીરસ છે એટલી નકલની દોષરહિતતા છે, એ રીતે, નકલ અસલનું કઢંગાપણું બહાર પાડે છે, તથા નીરસ વચનો વડે ઊંચો વિષય વર્ણવવાના પ્રયત્નથી અસલમાં જે દોષ આવ્યો છે તે નકલ દર્શાવી આપે છે. આવા પ્રસંગમાં ‘પેરડી’ની શક્યતાથી અસલનો ઉત્કર્ષ પ્રતિપાદન થતો નથી.

‘પેરડી’ વિચારની થઈ શકે છે તેમ જ શૈલીની પણ થઈ શકે છે. ઉપર આપેલાં બન્ને ઉદાહરણમાં અસલની ઇબારતનું ખોખું કાયમ રાખી અર્થ ફેરવી નાખવા જેટલા શબ્દ બદલી નકલ કરવામાં આવી છે તેથી અસલના વિચાર સાથે અસલની શૈલીની પણ ‘પેરડી’ થઈ છે. એકલી શૈલીની જ ‘પેરડી’ કરવાની હોય ત્યાં અસલમાંનાં કોઈ વાક્ય લેવામાં આવતાં નથી, અને, અસલમાંના કોઈ શબ્દ બદલી નકલ બનાવવામાં આવતી નથી, પણ, અસલની શૈલીનું અનુકરણ કરી નવાં જ વાક્ય જોડવામાં આવે છે. ‘માહરી મજેહ’ની શૈલીની ‘પેરડી’

‘આહા! આ દેખાયછ કેવું સારૂં,
જાણે કરી લઉં બધું મારૂં!’

(કવિતા અને સાહિત્ય, છન્દ અને પ્રાસ, આ. ૧લી, પૃષ્ઠ ૨૮૮.)

એવી નકલ જોડી કાઢીને કરતાં અસલમાંના કોઈ વાક્ય કે વિચારનો આશ્રય લેવો પડતો નથી. શૈલીની ‘પેરડી’ પણ વિનોદ માટે થઈ શકે, તેમ જ અસલમાંના દોષ દર્શાવવા માટે થઈ શકે.

યુરોપમાં પ્રાચીન ગ્રીક સાહિત્યના સમયથી ‘પેરડી’નો પ્રચાર જોવામાં આવે છે. અર્વાચીન સમયમાં ‘પેરડી’નો વિશિષ્ટ લેખ તે Rejected Addresses (‘નાપસંદ થયેલાં મંગલાચરણ’) નામે ગ્રંથ છે. સને ૧૮૧૨માં લંડનમાં ‘ડ્રૂરી લેઈન થિયેટર’ નામે નાટકગૃહનું વાસ્તુ કરવાનું હતું ત્યારે એ સંસ્થાના વ્યવસ્થાપકોએ જાહેર ખબર છપાવી હતી કે એ પ્રસંગે વાંચવા માટે સહુથી સારૂં એડ્રેસ’ (મંગલાચરણ) લખી મોકલનારને ઇનામ આપવામાં આવશે. આ ઉપરથી જેમ્સ સ્મિથ અને હોરેસ સ્મિથ નામે બે ભાઈઓએ ‘રિજેકટેડ એડ્રેસીસ’ નામે એક કાવ્યસંગ્રહ બહાર પાડ્યો. તેમાં વડર્‌ઝવર્થ, સધી, કોલેરિજ, સ્કોટ, ક્રેબ, વગેરે તે સમયના વર્તમાન કવિઓની શૈલીમાં એ પ્રસગનાં જુદાં જુદાં મંગલાચરણ રચેલાં હતાં, અને, એ સર્વ ઇનામની હરીફાઈમાં નાપસંદ થયાં છે એમ જણાવ્યું હતું. અલબત્ત, એ બધાં કાવ્ય એ બે ભાઈઓએ પોતે જ રચ્યાં હતાં, પણ, એ કવિઓની શૈલીનું તેમણે એવું આબાદ અનુકરણ કર્યું હતું કે એ કૃતિ હાસ્યનિમિત્ત કરેલી છે એમ જેઓ સમજ્યા નહિ. તેમણે એ કાવ્યો ખરેખરાં એ કવિઓનાં લખેલાં છે એમ માન્યું અને આ બધાં કાવ્ય શા માટે નાપસંદ થયાં એમ કેટલાકે આશ્ચર્ય સાથે પ્રશ્ન પણ કર્યો.

Mock-heroic (‘વ્યાજવીર’) નામે હાસ્યમય કૃતિનો પ્રકાર છે. ‘પેરડી’ને એટલે અંશે મળતો આવે છે કે તેમાં પણ અનુકરણ હોય છે. પરંતુ એ અનુકરણ કોઈ અમુક લેખનાં કે લેખકનાં વચનોનું કે શૈલીનું હોતું નથી. પણ વીરરસના અનુકરણથી વ્યાજવીરરસ બને છે. વીરરસને ઉચિત નહિ એવા સામાન્ય કે ક્ષુદ્ર પ્રસંગમાં વીરત્વનો ઉત્સાહ દાખલ કરવાનો આડંબર કરવાથી અને તે પ્રસંગને વીરરસની ગંભીર શૈલીથી વર્ણવવાથી આ કૃતિ હાસ્યમય થાય છે. આ રીતે, જે વિષયમાં કવિત્વનો ઉત્કર્ષ ન હોય તે વિષયને વીરરસના રૂપમાં ગોઠવી તેમાં ઉત્કર્ષનો પરિહાસમય આરોપ કરવાથી આ પ્રકારની કૃતિ થાય છે, તેથી, લી હન્ટ એવી વ્યાખ્યા કરે છે કે ‘મોક-હીરોઇક તે એક પ્રકારની વ્યાજોક્તિ છે અને તેમાં કવિત્વમય ઉત્કર્ષને રૂપે પરિહાસ કરવામાં આવે છે.’ (વિટ ઍન્ડ હ્યુમર.) જૂના અલંકારો, જૂની અતિશયોક્તિઓ, અને પ્રાચીન ભાષાઓમાં રૂઢ થયેલી રીતિની ઉક્તિઓ અર્વાચીન ભાષામાં વાપરવી એ વ્યાજવીરરસ ઉપજાવવાનો એક પ્રકાર છે, તેથી, કવિતામાં જ્યાં ત્યાં ‘પ્રાચીન શિષ્ટ રીતિ’નો ઉપયોગ કરનારને લી હન્ટ ચેતવણી આપે છે કે એવા લેખકો ઘણી વાર અજાણ્યે વ્યાજવીરરસની કૃતિઓ બનાવી પોતે જ હાસ્યપાત્ર થાય છે.

થોડાં ઉદાહરણથી આ પ્રકારનું સ્વરૂપ દર્શાવીશું.

‘ઊંચો કરીને ભુજદંડ તેણે,
એકાગ્રાચિત્તે અનિમેષ નૈને,
ચાંચલ્ય ધારી પ્રતિઅંગ વ્યાપ્યું,
છરી વતી દૂધિનું દીટું કાપ્યું’

જે ક્રિયા શૌર્યવાળું પરાક્રમ કરવામાં થાય તે ક્રિયા શાક સમારવામાં વાપરેલી વર્ણવ્યાથી અહીં વીરરસ મશ્કરી ખાતર વપરાયો છે અને તેથી આ ઉક્તિ વ્યાજવીરરસની છે.

‘કર્ણ સુધી પહોંચતાં વિશાળ અને કમળ જેવાં લાલ નયનો વિકસાવી, જાળ પેઠે ગૂંથાયેલી અંગુલીઓવાળો અને પ્રભાતે ખીલેલા પંકજસમ પ્રફુલ્લ થયેલો કર ગોલાયમાન કરી, કામદેવનો સંહાર કરવા શિવ પોતાનું ત્રીજું લોચન ઉઘાડતા હોય, હનુમાનને ગળી જવા સુરસા સાપણ પોતાનું મોં ઉઘાડતી હોય, ધન જોઈ નયન તૃપ્ત કરવા કુબેર પોતાનો ભંડાર ઉઘાડતો હોય, મુચુકુન્દ રાજા ઉપર ઢાંકેલું પીતાંબર કાલયવન ઉઘાડતો હોય, એવી શોભા ધારણ કરી, તેણે અનેક કિરણોથી સ્ફુરિત થઈ રહેલા નખનો ટકોરો મારી છીંકણીની દાબડી ઉઘાડી.’

જાણે વીરરસના ઉત્સાહથી ભરેલો અને ગાંભીર્યવાળો કોઈ મોટો પ્રસંગ વર્ણવવાનો હોય તેમ અલંકારોનો આડંબર કરી અને ગૌરવવાળી ભાષા વાપરી આખરે એ સર્વ છીંકણીની દાબડી ઉઘાડવાના વ્યાપારને લાગુ પાડવાથી આ વર્ણનનો બધો ઉત્કર્ષ દાંભિક તથા પરિહાસમય માલૂમ પડે છે. લી હન્ટ જે ‘પ્રાચીન શિષ્ટ રીતિ’ વિશે ચેતવણી આપે છે તે આ ઉદાહરણમાં વિશેષે કરી સમાયેલી છે. આ ઉદાહરણમાં રીતિનો હાસ્ય ખાતર ઉપયોગ કરવાથી જેમ વ્યાજવીરરસની ઉત્પત્તિ થઈ છે, તેમ એવી રીતિથી ગૌરવ આવે છે તથા ઉક્તિ સુશોભિત થાય છે એમ માની એવી રીતિનો ઉપયોગ કરવાથી લેખકના ઇરાદા વિના લેખ વ્યાજવીરરસવાળો બની જાય અને લેખક હાસ્યપાત્ર બને છે.

‘નદી તટે ઉભો શો આ પ્રાસાદ ગગને જતો!
ભવ્યતા જોઈને જેની નદીનો વેગ થોભતો.
રાજા મ્હોટો વસે કોઈ, ને ડાહ્યા મંત્રિ કોઈ ત્યાં,
ભર્યા ભંડાર તેઓએ, થાય તેની રસોઈ જ્યાં.’

મહેલની ભવ્યતાનું વર્ણન તેમાં વસનારનો મહિમા દર્શાવવા કર્યું છે. પણ, એ મહિમા એટલો જ છે કે તેમણે ભરેલા ભંડારની રસોઈ થાય છે, અને એ રીતે વીરરસની શૈલીનો અનુચિત ઉપયોગ હાસ્ય ઉત્પન્ન કરે છે.

‘મોક-હીરોઇક’ કૃતિઓમાં સહુથી વિશિષ્ટ તે અંગ્રેજી કવિ પોપનું રચેલું The Rape of the Lock (‘લટનો બલાત્કાર’) નામે કાવ્ય છે. ( ફ્રેન્ચ કવિ બ્લૉઈલોકૃત ‘લ્યુટ્રિન’ નામે કાવ્યના નમૂના ઉપરથી પોપે આ કાવ્ય રચેલું, પરંતુ, ‘લ્યુટ્રિન’ કરતાં ‘રેઈપ ઑફ ધ લૉક’ વધારે ખૂબીદાર છે.) એ કાવ્યમાં એક સુંદરીના કેશની એક લટ એક સાહસિક ઉમરાવે બળાત્કારે કાપી લીધાની કથા મહાકાવ્ય (epic)ની રીતિએ વિસ્તારથી વર્ણવી છે. કાવ્યના પાંચ સર્ગ છે. તેમાં, નાયિકા શૃંગાર શી રીતે સજે છે, કૉફી શી રીતે પીએ છે, એ અને એવા પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યા છે. તેની મંડળી પાનાંનો ખેલ રમે છે તે જાણે હથિયારોથી નિશાનબાજી રમવાની ક્રીડા હોય તેવી ગંભીરતાથી ઝીણી ઝીણી વિગતો સાથે વર્ણવ્યો છે. કેટલાંક સૂક્ષ્મ દેહધારી હવાઈ ભૂતોને નાયિકાનો પક્ષ લઈ લટ કાપવાનું કાર્ય અટકાવવા પ્રવૃત્ત થયેલાં વર્ણવ્યાં છે. એ કાવ્યમાંના થોડા છૂટક ભાગના સારરૂપ ભાષાન્તર પરથી એની શૈલીનો કાંઈક ખ્યાલ આવશે,

‘કામનાં બાણ વાગે ત્યાં કેવા ઉત્પાત ઉપજે,
વસ્તુઓ ક્ષુદ્રને લીધે કેવા વિગ્રહ ત્યાં મચે;
વર્ણવું એ હું આ કાવ્યે, મોટો વિષય તો નથી;
કીર્તિની આશ તો મ્હોટી, પાત્ર એવાં મહારથી,
સરસ્વતી! તને દેવી! વિનવું ભેદ તું કહે,
ધીર અમીર તે એવો તું શો ચિત્તમાં લહે,
કે હુમલો કરે જેથી કોમલ સુન્દરી પરે?
અને અમીર મ્હોટાને સુન્દરી શાથી ના વરે?
અને અલ્પ મનુષ્યોથી એવાં સાહસ શક્ય છે?
મૃદુ જે હૃદયો તેમાં ચઢે ક્રોધ કદી વસે?

ઉગે પ્રભાતે રવિકાન્તિ જેવી
સમુદ્રપીઠે, ઝળકાંતિ તેવી
રૂપેરિ સ્રોતે અધિરૂઢ નાવે
પ્રભાતને સુન્દરિ તે દિપાવે.
લીલાભરેલી ગતિ તેનિ સર્વ.
માધુર્ય એવું નહિ લેશ ગર્વઃ
કો સ્ત્રીત્વનો દોષ કદી જણાય,
તો વકત્ર જોતાં ભુલી તે જવાય.

આ અપ્સરાએ લટ બે અનેરી
મનુષ્યનાશાર્થે હતી ધરેલી;
લાવણ્યથી તે ગુંચળાં વળેલી.
બે બાજુ પૂઠે લટકી રહેલી.
શોભાપુરે ઉજવલ કુન્તલો તે,
કૈં ગૌરવર્ણી મૃદુ સ્નિગ્ધ ડોકે.
એ વાંકીચુંકી ગલિમાંહિ ભૂલ્યા
છે કામદેવે કંઈ કેદિ પૂર્યાઃ
પ્રતાપિ વીરો અતિશક્તિમાન
બાંધ્યા ઝિણી બેડિથિ બંદિમાન.
સુકેશ જેવી બહુ ઝીણી જાળે
પક્ષી અને મીન ફસાય કાળે;
મનુષ્યકેરી અતિભવ્ય જાતિ
સુકેશપાશે સઘળી ફસાતિ.
સૌન્દર્યમધ્યે બળ શું સમાય,
કે એક કેશે પુરુષો તણાય!
સાહસિક અમીરે તે લટ જોઈ પ્રભામયી;
પામ્યો સાનંદ આશ્ચર્ય, આકાંક્ષા તેહની થઈ.
કર્યો સંકલ્પ લેવાનો, ચિત્તે ઉપાય ચિન્તવ્યા,
લેવી કાંતો બલાત્કારે અથવા છલ યોજવાં.
પ્રયત્નો કરતાં જ્યારે સાફલ્ય પ્રેમને મળે,
પૂછતું નથિ કોઈ કે છળે મેળવ્યું કે બળે.
પ્રભાતે ઉઠીને કીધી પ્રાર્થના દેવ સર્વની;
મદદ સહુની માગી વિશેષે કામદેવની.
કામ માટે રચી વેદી તેની આરાધના કરી;
અર્પી પ્રેમકથા બાર મેખલા ત્રણ ત્યાં ધરી.
મૃદુ મન્મથ લેખેથી ચેતવ્યાં પછિ ઈન્ધન;
નિસાસા ત્રણ મૂકીને પ્રગટાવ્યો હુતાશન.
સાષ્ટાંગ દંડવત્‌ કીધા પ્રણામ બહુ ભાવથીઃ
સતૃષ્ણ લોચને માગી લટ તે અવિલંબથી,

આકાશગામી ગણના અધીશે,
વિશેષ ચિન્તા ઉરમાં ધરી છે;
બોલાવીને ત્યાં અનુયાયી સંઘ,
આજ્ઞા સુણાવી સહુને અલંઘ્ય;
“અનિષ્ટ એવા શુકનો જણાય,
સ્ત્રીરત્નને સંકટ તેથિ થાય;
આપત્તિ કિંવા અપમાન થાશે,
કિંવા બલાત્કાર કંઈ જણાશે.
અગમ્ય એ સંકટનો પ્રકાર;
અદૃશ્ય છે એ વિધિનો પ્રહાર;
શું કોઈ દેવી કુડું પાડશે કે?
ચીરો થશે કો બરણી વિશે કે?
કે શું થશે લાંછિત ડાઘ લાગી
કાં આબરૂ કે નવિ તેનિ સાડી?
ખોશે શું તે ઉત્સવને પ્રસંગે
કાં હૈયું કે ભૂષણ ધર્યું અંગે?
જાઓ ત્વરાથી રહિ જાગરૂત
રક્ષા કરો તે અબલાનિ ખૂબ.
કો સાચવો કુંડલ, કંકુ કોઈ,
ને કોઈ બેસો લટ સામું જોઈ.’

પ્યાલા ને ચમચા કેરી શોભા ત્યાં બનિ છે ખરે,
કડૂકડ બુન્દના દાણા થાય છે ઘંટિ જ્યાં ફરે.
રસેલી વેદિઓ માંહે ભભુકે અગ્નિ ઉજ્જવલ;
રૂપાનાં નાળચાંમાંથી વહે છે રસ મંજુલ.
પ્યાલા અનેક પૂરાયા સુગંધ પસરી જહીં.
સુમાર ના કશાનો ત્યાં, મિજબાની ખિલી રહી.
સુન્દરીની બધી બાજુ હવાઈ ભૂત ત્યાં ફરે;
કેશ પર ભમે કોઈ સાડીની ચોકિ કો કરે.
રાજના મંત્રિઓ કેરી જે કાવો બુદ્ધિ ખીલવે,
અર્ધ મીંચેલી આંખોમાં સર્વનું તત્ત્વ દાખવે.
તે કાવાના ચડ્યા ધૂમ મગજે તે અમીરના,
યુક્તિઓ લટ લેવાની ધૂમે નવીન ઘૂમમાં.

રણે ચડે કો ભડવીર જ્યારે,
સ્ત્રીઓ સજાવે હથિયાર ત્યારે;
તેવી ઉભી કો સહકારિ નારી,
બે પાનનું શસ્ત્ર સ્વહસ્ત ધારી.
સ્વીકારી તે આદરથી અમીરે,
તે યંત્ર ન્હાનું લીધું આંગળીએ;
જ્યાં સુન્દરી કવાથ પિતી નમીને,
ઉભો પછાડી ફળ બે ધરીને.
સહસ્ર ભૂતો તહિં દોડિ આવે,
પાંખો હલાવી લટને હઠાવે,
ચેષ્ટા કરે ભૂત અદૃશ્ય રીતે,
તથાપિ ના ચેતતિ સુન્દરી તે.
કાનેથિ ખેંચ્યું ત્રણ વાર મોતી,
ને તે પછાડી ત્રણ વાર જોતી;
સમીપ આવી રિપુ દૂર જાય,
એવી રિતે ત્યાં ત્રણ વાર થાય.
ભૂતેશ ચિન્તા ધરીને નિહાળે,
તે સુન્દરીના મનમાં શું ચાલે;
એવે સમે કાં પુરુષાર્થ પ્રીતિ
નિગૂઢ તેના ઉરમાંહી દીઠિ.
આશ્ચર્યથી વ્યાકુલ તે બને છે.
સ્વશક્તિ કેરો લય તે જુવે છે,
નિઃશ્વાસ મૂક્યો નહિ જ્યાં ઉપાય,
ભૂતેશ*[4] થાતો તહિંથી વિદાય.
અમીર ત્યાં કાતર તે ઉઘાડે,
ને ઘેરવાને લટ તેહ માંડે;

બે તીક્ષ્ણ ધારા મળિ તેનિ પૂર્વે
કો ભૂત પેઠો બનિ મૂર્ખ વચ્ચે.
ગયો કપાઈ ક્ષણમાં દ્વિધા તે
સંધાઈ પાછો પછિ ત્યાંથિ નાસે.
ધારા મળી ને લટ તે કપાઈ,
થઈ સદાની શિરથી જુદાઈ.
નિસ્તેજ આંખો થઈ સુન્દરીની,
આક્રંદ જોરે નભ નાખ્યુ ચીરી;
એવી ચિસો માત્ર ક્વચિત્‌ સુણાય.
દયાર્દ્ર દેવો પણ જેથી થાય;
વિદેહ થાતા ધણિ જેહ વેળા,
કે પક્ષિઓ ને પશુઓ હળેલાં,
કે પાત્ર ચીનાઈ વિશીર્ણ થાય,
ત્યારે જ એવી ચીસ સંભળાય.

નર વિજયિ વદે છે, ‘પ્હેરૂં હું પુષ્પમાળ,
ધન યશથિ ભર્યું આ મ્હારૂં છે સર્વ કાળ;
જહિં સુધિ જલસ્રોતે મીનનું હોય ધામ,
જગતમહિં રહેશે ત્યાં સુધી મ્હારૂં નામ.
જહિં સુધિ મહિલાઓ મ્હાલશે લગ્નગાળે,
દ્યુતિ ભરિ વસુધામાં ભૂષણે ને મશાલે;
જહિં સુધિ અબળાનિ જીભમાં પૂર્ણ હામ,
જગતમહિં રહેશે ત્યાં સુધિ મ્હારૂં નામ.’

પોપ કવિએ કેવા ચતુર અને રમણીય કલાવિધાનથી વીરરસના ઉત્સાહ માટે ઉત્પન્ન કરેલી મનોવૃત્તિ આગળ ક્ષુદ્ર વસ્તુઓનાં વર્ણન રજૂ કર્યાં છે, અને, એ રીતે ઉદાત્ત તથા પ્રાકૃત તત્ત્વોના વિરોધથી હાસ્યરસ ઉપજાવ્યો છે તેનો યથાર્થ સાક્ષાત્કાર કરાવવા સારુ આ ભાષાંતર આટલા વિસ્તારથી કર્યું છે. કેશની લટ કાપવાની નજીવી કથાને આપેલું મહાકાવ્યનું સ્વરૂપ mock (હાસ્યત્વ) અને heroic (વીરત્વ)નો વિરોધ પરિપૂર્ણ રીતે પ્રકટ કરે છે. કોઈ વિશિષ્ટ પ્રેમપ્રસંગથી થયેલા ઉત્પાતની ઐતિહાસિક કથા કહેવાની હોય એવી રીતે મહાકાવ્યની શૈલીથી આરંભ કરવામાં આવ્યો છે, અને, મનુષ્યસ્વભાવના ભેદ સમજાવવા સરસ્વતીનું આવાહ્‌ન કરવામાં આવ્યું છે. શૈલીનો પ્રવાહ ગંભીરતાથી વધતો જાય છે, તે છતાં, વચમાં વચમાં ‘સ્ત્રીજાતિના દોષ વકત્ર જોતાં ભૂલી જવાય’, ‘કેશની લટ મનુષ્યનાશાર્થ ધરેલી હતી,’ ‘પુરુષો એક કેશથી તણાય છે,’ એવાં લઘુવૃત્તિનાં વચનો મૂકી પ્રૌઢતાના પ્રવાહને સ્ખલિત કર્યો છે. કેશના સૌંદર્યથી પુરુષોને મોહિત કરવાની કામદેવની શક્તિનું વર્ણન જેવું લાલિત્યવાળું છે તેવું જ હાસ્યકર છે. કામની આરાધના માટે કરેલી યજ્ઞક્રિયાની વિગતો જેવી નકામી છે તેવી જ હાસ્યોત્પાદક છે. આવતી આપત્તિના સ્વરૂપ વિષે કરેલી કલ્પનાઓમાં દેવીને કુડું પડશે કે બરણીમાં ચીરો પડશે કે આબરૂને ડાઘ લાગશે કે નવી સાડીને ડાઘ લાગશે; એવી કેટલીક ખરી આપત્તિઓ અને કેટલાક સામાન્ય અકસ્માતો એક પંક્તિમાં મૂકી તેમના વિરોધની તીવ્રતા દર્શાવી છે, તેમ જ, સ્ત્રીઓ કેટલાક સામાન્ય અકસ્માતોને મોટું રૂપ આપી દે છે તે ઉપર ટકોર કરી છે. કૉફી પીવાના પ્રસંગનું વર્ણન પણ નિરર્થક વિસ્તારવાળું હોઈ હાસ્ય ઉપજાવે છે અને રાજના મંત્રીઓના મોજશોખ પર કટાક્ષ કરે છે. લટ કાપવાનો છેવટનો પ્રસંગ રણસંગ્રામની ઉપમાથી શરૂ થઈ, અમીરે કાતર શી રીતે લીધી, તેમાં આંગળાં શી રીતે મૂક્યાં, તે શી રીતે ધરી, તે શી રીતે ઉઘાડી, તે શી રીતે બંધ કરી, એવી એવી ક્ષુદ્ર વિગતના વર્ણનથી હાસ્યરસ બહુ ખૂબી સાથે ચીતરાયો છે. લટ કપાયા પછીનો આક્રોશ વર્ણવતાં સ્ત્રીના ધણીના મરણ વખતની ચીસોને પાળેલાં જનાવરના મરણ વખતની તથા ચીનાઈ માટીનાં વાસણ ભાગવા વખતની ચીસોના જેવી ગણાવી સ્ત્રીઓની ચીસો પ્રસંગની ભયંકરતાના પ્રમાણમાં નથી હોતી એવો આક્ષેપ કર્યો છે. નાયકનાં વિજયદર્શક વચનોમાં પણ ‘યાવચ્ચન્દ્રદિવાકરૌ’ જેવી ઉક્તિને બદલે સામાન્ય વસ્તુઓને કાયમની ગણી તે વસ્તુઓ રહેશે ‘ત્યાં સુધી મારું નામ રહેશે’ એવો ગર્વ નાયક પાસે કરાવી ઉપહાસ કર્યો છે. આ રીતે ગંભીર અને લઘુ ભાવોને સરખી પદવીમાં પાસે પાસે મૂકીને તથા કાવ્યના મહત્ત્વનું પોષણ કરનાર વૃત્તાન્તના વર્ણન સાથે કેવળ નકામી અને નજીવી વિગતો વિસ્તારથી કહીને અપકૃષ્ટને ઉત્કૃષ્ટ કરવાનો દાંભિક પ્રયત્ન કરી હાસ્યરસ ઉત્પન્ન કયો છે. હાસ્યરસનો પ્રસંગ ન હોય ત્યાં આવી પ્રાકૃત હકીકત અને નજીવી વિગતો કવિતામાં રસની સર્વથા ક્ષતિ કરનારી થઈ પડે. એવી હકીકત અને વિગતો જાતે રસહીન છે, અને, માત્ર રસમય સાથે વિરોધ ઉપજાવવા હાસ્ય રસના લેખમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની કૃતિઓમાં રહેલી હાસ્યરસની કલામાં ‘વિટ’ નથી હોતું પણ ‘હ્યુમર’ હોય છે. વાક્‌ચાતુર્યથી નહિ પણ ભાવચાતુર્યથી હાસ્યરસ દર્શાવવામાં આવે છે તે સ્થિતિ આ કાવ્યમાં વિવિધ ભાવની કરેલી રચનાની સમીક્ષાથી સમજાશે.

સ્વ. નવલરામ કૃત ‘જનાવરની જાન’ નામની ગરબીમાં મોકહીરૉઇક’ કાવ્યનું સ્વરૂપ છે :

‘જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે,
બકરી બાઈનો બેટડો પરણે છે આજે.’

એ વગેરે વર્ણનમાં હલકી વાતને આરોપેલું ગૌરવ અપકૃષ્ટને ઉત્કૃષ્ટ સમાન ચીતરે છે; પરંતુ એ ગરબી વીરરસની શૈલીમાં નથી તથા મહાકાવ્યના સ્વરૂપમાં નથી. તેથી ‘મૉક-હીરોઇક’નું પૂરેપૂરું સ્વરૂપ તેમાં ઉદ્‌ભૂત થયું નથી.

મિશ્રણમય રચનાવાળા હાસ્યરસના લેખનો બીજો એક પ્રકાર Serio- comic નામે છે; તેમાં ગાંભીર્ય અને હાસ્યની સંસૃષ્ટિ હોય છે. એવા લેખમાં કેટલોક ભાગ ગંભીર વિચારવાળો હોય છે અને કેટલોક ભાગ હાસ્યોત્પાદક હોય છે. એ બન્ને ભાગનાં સ્વરૂપ એક બીજાથી ભિન્ન રહેલાં હોય છે; અર્થાત્‌, ગાંભીર્ય હાસ્યનું પોષણ કરનાર નથી હોતું અને હાસ્ય ગાંભીર્યનું પોષણ કરનાર નથી હોતું; ગાંભીર્યને કે હાસ્યને એકબીજાની અપેક્ષા નથી હોતી, એકનો ઉદય બીજાથી થાય, અને એ એકનો ઉદય થતાં બીજું ગૌણ થાય-એમ નથી હોતું. ‘મૉક-હીરોઇક’ લેખમાં જેમ ઉદ્દેશ હાસ્યરસનો હોય છે અને તે ઉદ્દેશ સિદ્ધ કરવા વીરરસનો દંભ કરવામાં આવે છે, તેમ ‘સીરિઓકોમિક’માં ગાંભીર્યનો દંભ હોતો નથી, અને હાસ્ય ઉપજાવવા સારુ ગાંભીર્યનો આશ્રય લેવામાં આવતો નથી; ગાંભીર્ય અને હાસ્ય બન્ને જુદે જુદે પ્રસંગે પ્રવર્તે છે. પરંતુ એ બે ભિન્ન અંશથી લેખમાં વિસંવાદ પ્રવર્તતો નથી, બેના મિશ્રણથી સમગ્ર લેખ એકાકાર બની રહે છે. સમગ્ર લેખમાં રહેલું વક્તવ્ય યથાર્થ રીતે પ્રકટ કરવા સારુ ગાંભીર્યની પણ જરૂર હતી અને હાસ્યની પણ જરૂર હતી ઉદ્દિષ્ટ વિષયના સ્વરૂપમાં જ ગાંભીર્ય અને હાસ્ય અંતર્ભૂત રહેલાં છે, અને તે બેમાંથી એકનું જ વર્ણન કર્યું હોત તો વિષયનો નિર્દેશ અપૂર્ણ રહેત એવી પ્રતીતિ આખો લેખ વાંચતાં થાય છે. ‘મૉક- હીરૉઇક’માં વીરરસના સ્વરૂપનું અને શૈલીનું અનુકરણ હોય છે તેમ ‘સીરિઓકૉમિક’માં ગાંભીર્યનું અનુકરણ નથી હોતું; ગાંભીર્યના પ્રસંગમાં ખરેખરું ગાંભીર્ય હોય છે. અને, હાસ્યરસનો પ્રસંગ ગંભીર ભાષામાં વર્ણવેલો નથી હોતો. અલંકારશાસ્ત્રની સંસ્કૃતિ પરિભાષાનો ઉપયોગ કરતાં એમ કહી શકાય કે ‘મૉક-હીરૉઇક’માં બે પ્રકારનો એકબીજા સાથે અંગાંગીભાવ હોય છે; એક અનુગ્રાહ્ય હોય છે, બીજો અનુગ્રાહક હોય છે; તેથી, તેમાં બે પ્રકારોનો ‘સંકર’ હોય છે; ‘સીરિઓ-કૉમિક’માં અન્યોન્યની નિરપેક્ષા હોય છે અને માત્ર બન્નેનો એક જ અર્થમાં સમવાય હોય છે તેથી તેમાં બે પ્રકારોની ‘સંસૃષ્ટિ’ હોય છે.

એકલા હાસ્યરસવાળી કૃતિ કરતાં આ ગાંભીર્ય અને હાસ્યના મિશ્રણવાળી કૃતિમાં વિશેષતા એ હોય છે કે હાસ્યરસના પોતાના પ્રદેશની અંદર વિરોધી અંશોનું જે સંઘટ્ટન હોય છે તે ઉપરાંત આવા મિશ્રણવાળી કૃતિમાં સમસ્ત હાસ્યરસનું ગાંભીર્ય સાથે સંઘટ્ટન થાય છે. માનવ સંસારમાં તેમ જ મનુષ્યવ્યક્તિના ચિત્તમાં એકલું ગાંભીર્ય વ્યાપી રહેલું નથી હોતું, અને એકલું હાસ્ય વ્યાપી રહેલું નથી હોતું. પરંતુ, આ બન્ને વૃત્તિઓનાં મૂળ હોય છે, અને એ બન્ને વૃત્તિઓ ઊગી નિકળવાના પ્રસંગ આવે છે. એ હકીકત લક્ષમાં લેતાં માલૂમ પડે છે કે ગાંભીર્ય અને હાસ્યનું આ મિશ્રણ મનુષ્યજીવનના એક અંશનું યથાર્થ ચિત્ર બતાવવામાં સહાયભૂત થાય છે.

કવિ દલપતરામકૃત ‘વેનચરિત્રમાં’ આ પ્રકારનું ગાંભીર્ય અને હાસ્યનું મિશ્રણ રુચિકર રીતે થયેલું છે. વિધવાવિવાહ અને બીજા સંસારસુધારાના પ્રશ્નોના ગંભીર વિવેચનમાં વચ્ચે વચ્ચે કવિએ હાસ્યના પ્રસંગો ગોઠવ્યા છે. રાજકુંવર વેનના કહેવાથી રાજગુરુ વિધવાવિવાહ કરનાર નાતોમાં જઈ કહે છે કે ‘હવે પછી વિધવાઓનાં પુનર્લગ્ન કરવાં નહિ’ તે ઉપરથી એ નાતોમાં થયેલા ક્ષોભનું વર્ણન હાસ્યરસથી ભરેલું છે :

‘ગુરૂને દેખી કણબણ સહુને, રીસ રૂદેમાં વ્યાપીજી.
કહે ગોર તેં રાજકુંવરને, ઉંધી મત્ય કેમ આપીજી,
ચોટલાવાળી ચતુરાને માથે, કરવા બેઠો મુંડાજી;
આ શું સૂઝ્યું ને તેં આ શો ગજબ કર્યો ગોર ભુંડાજી.’
‘આ શો ગજબ કર્યો ગોર ભુંડા, કર્યા અંતરના ઘા ઉંડા, આ શો૦
ઘેર અમે ઘરધણીને કહેતાં, એને દક્ષણા આપો;
આજ તું અમને દેવા બેઠો, બળબળતો રંડાપો આ શો૦
જમડા ચૂડો ભાગે તો, અમે નવો પહેરતાં ચૂડો,
તેં તો આખા ભવનો ભાગ્યો, ભાઈ તું જમથી ભૂંડો. આ શો૦
****
ગૌર પધારે ધન્ય જાણતાં, કરતાં કંસાર કલવા;
અપશકનના તું હવે આવજે, મડદાં મોક્ષ મોકલવા. આ શો૦
રાજકુંવરને જઈ તું કહેજે, લેજે નામ અમારૂં;
અબળાનું અંતર બાળીશ તો, ઉજડ વળશે તારૂં. આ શો૦
‘વસ્તીના લોકે વિપ્ર સાથે પાડ્યો વાંધો;
કહે કોઈ દ્વિજનું કામ ન કરવું બંધી એવી બાંધો રે. વસ્તી૦
ઘર ઘરથી ભેળા થઈને સહુ, મુખથી બોલ્યા માળી,
પુષ્પ પત્ર દ્વિજને નહિ દઈએ, અમે ગાંઠ એ વાળી રે. વસ્તી૦
કહે સુતાર અમે કોપ્યા તો, ભોગ ભટોના મળશે;
ઘંટીનો ખીલડો ભાગે તો, દાણા શેણે દળશે રે. વસ્તી૦
ઘાંચી કહે અમે નહિ દઈએ, દીવેલ દીવા સારૂ;
દીવા વિના ઘર દેખાશે જેમ, અપાશરે અંધારૂં રે. વસ્તી૦
***
મોચી કહે અમે કોપ્યા તો, ઊડશે એના આટા;
ખરે બપોરે જવું પડે તો, પગે બાંધશે પાટા રે. વસ્તી૦

કહે હજામ હવે બ્રાહ્મણના, કદીએ વાળ ન લેવા.
ડાઢાં વધવાથી દેખાશે, બધાય બકરા જેવા રે. વસ્તી૦

કહે લુવાર કરો એવું કે, તરત જ તેઓ થાકે;
લોઢી કે કડછી નહિ દેવી, છો પછી આટો ફાકે રે. વસ્તી૦

કહે ભરવાડ હવે બ્રાહ્મણનાં, નહિ ચોરીએ ઢોર;
ભણવું ગણવું ભૂલી ગાયો, ચરાવશે જઈ ગોર રે. વસ્તી૦
કહે કુંભાર ન દેવાં વાસણ, તેથી તરત અકળાશે;
હાથે હાંલ્લાં ઘડશે તો, બ્રાહ્મણ ઓઝા કહેવાશે. વસ્તી૦

ઘર ચણવા માટીના ગુણા, દીધાની વાત હવે શી;
માટીખાણે માટી લેવા, જશે ગધેડે બેસી રે. વસ્તી૦

ધોબી કહે છે વસ્ત્ર ન ધોવાં, પછી કકળશે કેવા;
ગોર બધા મેલા ગંધાશે, જતી ઢુંઢીયા જેવા રે. વસ્તી૦’

‘વેનચરિત્ર’માં હાસ્યના બીજા પણ પ્રસંગ છે. કન્યા ન મળવાથી નિરાશ થયેલો વાંઢો નવરંગી પોતાનું વૃત્તાન્ત વર્ણવે છે કે,

‘પનઘટ ઉપર પ્રભાતમાં જઈ, બગની પેરે બેસું;
વિધવિધના વિચાર કરૂં પણ, એથી અર્થ સરે શું.
રસ્તે જાતી રામાઓનાં, ટોળેટોળાં દેખું;
નિરખીને નીસાસા નાખું, અભાગ્ય મારાં લેખું.
પછી ઘેર જઈ પોતાને હાથે, નીર ઉકાળી નાહાવું;
બળ્યા બળ્યા ભાખરા બનાવી, ખાંત વિનાનું ખાવું.
સ્મશાન સરખું ઘર ભાસે ને, ચિતા સળગતી સજ્યા;
અધિક અંતરની વાત ઉચરતાં, લાગે છે મન લજ્યા,
વાસણની ઉતરેવડને એક, રાતું વસ્ત્ર ઓઢાડું;
ઉભાં છો વહુ એમ કહી, મારા મનને હું રમાડું.
એની જોડે ઉભો રહીને, એમ વિચારૂં આપ;
આ જેવડી કન્યા આવે તો વળતી શા સંતાપ.
એક દોરડું લઈ, તેની, વરમાળા બેશ બનાવી;
મારા ને ઉતરેવડના મેં કંઠ વિષે પહેરાવી.
કહ્યું ચાલો વહુ ચોરીમાં, તમને આપીશ સુખ માગ્યું.
ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજને વાગ્યું.’

‘વેનચરિત્ર’ની સમગ્ર કૃતિ હાસ્યપરાયણ નથી, અને, તેમાં ઘણો ભાગ ગંભીર વૃત્તિનો છે. પુસ્તકમાં

‘બાલપણમાં બાળનાં, નવ કરવાં લગન;
જો કરીએ જાણી જોઈને, વડું ઉપજે વિઘન. બાળ૦
***
માબાપની મુરખાઈનો, એ તો છે આડો આંક;
વાંકું થએ પછી વેવલાં, કાઢે કર્મનો વાંક. બાળ૦
લહાવો લેવાની લાલચે, કંઈ લાજને કાજ;
આંખો મિચીને ઉંડે કુવે, પડો કરી પતરાજ; બાળ૦
‘વિપતી વેળાએ,
ધીરજ અંતર ધરીએ,
કોટી પ્રકારે કષ્ટ પડે પણ
મુંઝાઈ નવ મરીએ રે.”

આવાં કાંઈ પણ હાસ્યમય અંશ વિનાનાં અને કેવળ ગંભીર ભાવવાળાં પદ્યોના સમૂહમાં વચ્ચે વચ્ચે ઉપર કહ્યું તેમ હાસ્યના પ્રસંગો ગૂંથ્યા છે. એકંદર પુસ્તક વાંચતાં ગાંભીર્યથી હાસ્યની વૃત્તિ ઉત્પન્ન થતી લાગતી નથી અને હાસ્યથી ગાંભીર્યની વૃત્તિ ઉત્પન્ન થતી લાગતી નથી; પરંતુ, એ પ્રતીતિ થાય છે કે જીવનમાં ગાંભીર્ય અને હાસ્યની સંસૃષ્ટિ હોય છે.

ગાંભીર્ય અને હાસ્યનું મિશ્રણ કરવાનું પ્રાવીણ્ય પ્રેમાનંદની કૃતિઓમાં ઠેર ઠેર નજરે પડે છે. ગંભીર પ્રસંગો વર્ણવતાં હાસ્યરસની તેને વિસ્મૃતિ થતી નથી. તેનાં કાવ્યો પ્રતીતિ કરાવે છે કે ગાંભીર્ય અને હાસ્ય વચ્ચે એવું અંતર નથી કે એક આખ્યાનમાં એ બન્નેનો પ્રાદુર્ભાવ ન હોઈ શકે. ‘મામેરું’ અને ‘હૂંડી’ એ બન્ને અનન્ય ભક્તિનું : મહત્ત્વ દર્શાવવાના ગંભીર ઉદ્દેશવાળાં હોવા છતાં લગભગ સરખે ભાગે હાસ્યમય અને ગાંભીર્યમય છે. દમયંતીના સ્વયંવરનો ‘નગરી અમરા’ સરખો ભભકો વર્ણવતાં ‘બોલે દુંદુભીના બહુ ડંક, અકળામણનો વળ્યો અંક’ એવી ઉત્તેજિત વૃત્તિમાં આવ્યા પછી પણ મનુષ્યસ્વભાવમાં રહેલી નિર્બળતાની હાસ્યપાત્રતા દર્શાવવાનું તેને અપ્રાસંગિક લાગતું નથી.

‘વર થઈ બેઠા પ્રાણી માત્ર, સમાં કર્યાં છે વરવાં ગાત્ર.
શરીર ક્ષુદ્ર કાષ્ટનાં ખોડ, તેને દમયંતી પરણ્યાના કોડ.
બાળક યૌવન ને વળી વૃદ્ધા, તેને દમયંતી પરણ્યાની શ્રદ્ધા.
કો તો મોટા ઘરના કુંઅર, કો કહે આદ્ય અમારૂં ઘર.
આશા અભિમાને ભર્યા નર, વાંકા મુગટ ધર્યા શિર પર.
ઘરડા થયા નાહાના વર, વતાં કરાવતાં વાગા છર.
તન મન કન્યાને અરપણ, આગળથી નહીં ટાળે દરપણ.
કેટલા કરે તિલકના રેષ, કેટલા કરે માંહોમાંહે દ્વેષ.
કેટલા કરે પૂછણપૂછ, હું કેહેવો કહી મરડે મૂછ.
જેના મુખ માંહે નહીં દંત, તેને પરણવાનું ચંત.
કેવલ વૃદ્ધ ડાચાં ગયાં મળી, તે બેઠા ટુંપાવી પળી.
જોશીની પ્રણીપત્ય કરી, દેખાડે હાથ ને જન્મોતરી.

એ રીતે સ્વયંવર સરખા ઉચ્ચ પ્રોત્સાહનના પ્રસંગમાં પણ પ્રેમાનંદ જ્યાં હાસ્યમયતા ભેળે છે ત્યાં બન્ને ભાવ યથાસ્થિત છે એમ વાંચનારને લાગ્યા વિના રહેતું નથી. એક જ વર્ણનમાં ઘડીમાં ગાંભીર્ય અને ઘડીમાં હાસ્ય દર્શાવનારી રચનાનો નમૂનો ‘સુદામાચરિત્ર’માંથી લઈશું. કૃષ્ણને મળવા આવેલો સુદામો બારણે ઊભો રહી ખબર કહેવડાવે છે તે વેળા,

“સુતા શજાયે શ્રી અવિનાશ રે, અષ્ટ પટરાણિયો છે બે પાસ રે.
રૂકમણી તળાંસે પાય રે, મિત્રવંદા ઢોળે છે વાય રે.
ધર્યું દર્પણ ભક્ત નારી રે, જાંબુવતિયે ગ્રહી જળઝારી રે.
X X X X
ચંગ ઉપંગ મૃદંગ ઘણાં ગાજે રે, શ્રીમંડળ વેણા વાજે રે.
ગાંધર્વી કળા કોઈ કરતી રે, શુભ વાયક મુખ ઊચરતી રે.
ચતુરા નવ ચુકે તાળી રે, બોલે વચન મરમાળી રે.
જેથી રીજે પ્રાણઆધાર રે, એમ થઈ રહ્યો થેઈ થેઈકાર રે.
એવે દાસી ધાતી આવી રે, જોઈ નાથે પાસે બોલાવી રે.
બોલી સાહેલી શિર નામી રે, દ્વારે દ્વિજ આવ્યો કોઈ સ્વામી રે.
ન હોય નારદ અવશ્યમેવ રે, નહીં વસિષ્ટ ને વામદેવ રે.
ન હોય દુર્વાસા ને અગસ્ત રે, મેં તો રૂષિ જોયા છે સમસ્ત રે.
નથી વિશ્વામિત્ર કે અત્રી રે, નથી લાવ્યો ચીઠી કે પત્રી રે.
દુખી દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબીપાત્ર છે પાસે રે.
પિંગળ જટા ભમે ભરિયો રે, ક્ષુધા રૂપી નારીને વરિયો રે.
શેરિયે શેરિયે થોકાથોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે.
તેણે કહાવ્યું કરી પ્રણામ રે, મારૂં વિપ્ર સુદામો છે નામ રે.
એમ દાસી કહે કર જોડરે, ખરો ખરો કહે રણછોડ રે.
મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે.
ઉઠી ધાયા જાદવરાય રે. નવ પેહેર્યાં મોજાં પાય રે.
પીતાંબર ભૂમિ ભરાય રે, રાણિ રૂકમણિ ઉંચાં સાય રે,
અતિ આનંદે ફુલી કાય રે, હરિ દ્રોડે ને શ્વાસે ભરાય રે.
પડે આખડે બેઠા થાય રે, એક પળ તે જુગ જેવી જાય રે.
સ્ત્રિયોને કહી ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે.
હું જે ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે.’

કડવું દ્વારકાધીશના શનયગૃહના વૈભવના વિલાસમય વર્ણનથી શરૂ થાય છે, અને, તેનું વર્ણન થઈ રહે છે ત્યાં સુદામાના હસવા લાયક દીદારનું વર્ણન આવે છે; એ હાસ્યમય વર્ણન પૂરું થાય છે ત્યાં સુદામાના આગમનથી કૃષ્ણને ઉત્પન્ન થયેલી સ્નેહોર્મિનું હૃદયસ્પર્શી વર્ણન આવે છે; તે વર્ણનમાંથી કૃષ્ણના ક્ષોભની કાંઈક હાસ્યમય વર્ણનમાં સંક્રાન્તિ થાય છે, અને તે પછી સુદામા તરફના કૃષ્ણના પૂજ્યભાવનું ગંભીર વર્ણન આવે છે. એ રીતની ગાંભીર્ય અને હાસ્યની ફૂલગૂંથણી ચિત્રને મનોરમ કરે છે, એટલું જ નહીં પણ, ગાંભીર્ય અને હાસ્યનું નિકટપણું બતાવે છે, અને, તે બન્ને સ્રોત આખરે એક જ મૂળમાંથી નીકળે છે એ વસ્તુસ્થિતિની પ્રતીતિ કરાવે છે. વર્ણનમાં જ્યાં ગાંભીર્ય છે ત્યાં તે વ્યાજરૂપે નથી, હાસ્ય ઉપજાવવા માટે ગંભીરતાનો ત્યાં ડોળ કરેલો નથી, પણ, ખરેખરી ગંભીર વૃત્તિને લીધે ગાંભીર્ય ઉદ્દિષ્ટ થયું છે; અને જ્યાં હાસ્ય છે ત્યાં તે ખોટા આભાસ રૂપે નથી પણ ખરેખરું વિવિક્ષિત છે.

ગાંભીર્યમાં કરુણરસનો પણ સમાવેશ થાય છે, તેથી. tragicomic (કરુણ હાસ્યમય) લેખ તે serio-comicનો એક ઉપપ્રકાર જ છે. પરંતુ, કરુણરસના મહત્ત્વને લીધે આ ઉપપ્રકારને જુદા નામથી ઓળખવામાં આવે છે; કરુણ અને હાસ્યનો તીવ્ર વિરોધ છતાં તે બન્નેનો એક જ રચનામાં સમાવેશ શી રીતે થાય એમ પ્રથમ દૃષ્ટિએ શંકા થાય, પરંતુ, મનુષ્યજીવનના પ્રસંગો એવા હોય છે કે તે બન્નેનો એક જ સમયે અવકાશ હોઈ શકે છે. શેક્સપિયરનાં કરુણરસ નાટકોમાં આવતો હાસ્યનો અંશ આ સ્થિતિની પ્રતીતિ કરાવે છે, તેમ જ, હાસ્યરસના સહવર્તનથી કરુણરસની ગાઢતાનો યથાર્થ અનુભવ થાય છે એ વાત દર્શાવે છે. મનુષ્યજીવનમાંની આ વિષમતાને લીધે જ ‘વેનચરિત્ર’માં ઉપર કહેલા હાસ્યરસના પ્રસંગો બાળવિધવાઓનાં દુઃખની કથા સાથે સ્થાન પામે છે.

જ્યાં કથાનું પાત્ર પોતાની વિચિત્ર મૂર્ખતાને લીધે વિપત્તિમાં આવે છે ત્યાં પ્રથમ કહ્યું છે તેમ અનુકંપાનો અવકાશ ન હોય તો કરુણરસને બદલે હાસ્યરસનો ઉદ્‌ભવ થાય છે. આવા પ્રસંગ કદી એવા પણ હોય છે કે પ્રથમ કરુણરસનો ઉદ્‌ભવ થાય છે અને તે શમ્યા પછી કારણભૂત મૂર્ખતાનું દર્શન થતાં હાસ્યરસનો ઉદ્‌ભવ થાય છે.

હાસ્યરસપ્રધાન નાટકને અંગ્રેજીમાં comedy કહે છે. એ પ્રકારની રચનામાં અમુક જાતના મનુષ્યોના દોષ અને મૂર્ખતાનું, જનસમાજમાં ચાલતી રૂઢિઓમાંના અવગુણનું અને જીવનમાં આવતા પ્રસંગો તથા અકસ્માતોની વિચિત્રતાનું હાસ્યમય ચિત્ર પ્રકટ કરવામાં આવે છે. પરંતુ ‘કૉમેડી’ શબ્દ હમેશ આ અર્થમાં વાપરવામાં આવતો નથી. જે નાટકમાં કરુણરસ ન હોય અને કથાનું પરિણામ સુખમય હોય તેને પણ કેટલીક વાર ‘કૉમેડી’ કહેવામાં આવે છે. ‘કોમેડી’માં હાસ્યરસનું પ્રાબલ્ય કેટલું હોવું જોઈએ એ વિશે જુદા જુદા જમાનામાં વિધવિધ મત પ્રવર્ત્યાથી ‘કૉમેડી’નું સ્વરૂપ વખતોવખત બદલાયું છે, તોપણ, ‘કૉમેડી’માં વિનોદનો કંઈક અંશ હોવો જોઈએ એ મત કાયમ રહ્યો છે, અને ઉપર કહેલી સુખમય પરિણામવાળી રચનામાં પણ વિનોદનો કોઈક પ્રકારનો અંશ આવ્યા વિના રહેતો નથી. ‘કૉમેડી’નો ઉદ્‌ભવ મૂળ ગ્રીક સાહિત્યમાં થયેલો છે. પ્રાચીન ગ્રીસમાં અમુક ઉત્સવોના પ્રસંગોએ ગામડાંમાં મદ્યપાનના તોફાન સાથે હાસ્યવાળાં ગીત ગાવાનો રિવાજ હતો, અને, તેને પરિણામે ગામડા (kome)ના અથવા પાનોત્સવ (komos)ના ગીત (ode) ઉપરથી ક્રમશઃ ‘કૉમેડી’ની રચના ઉદ્‌ભવ પામી છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં એ રચનાનાં રૂપાંતર થયાં છે, તેમ જ, અર્વાચીન યુરોપિયન સાહિત્યમાં પણ તેનાં રૂપાંતર થયાં છે. ફ્રાન્સમાં ‘કૉમેડી’માં અમુક જાતના મનુષ્યોની વિલક્ષણતાનો અંશ પ્રધાનતા પામ્યો છે, અને, ઇંગ્લૅંડમાં કૉમેડીમાં વસ્તુરચનાની વિચિત્રતાનો અંશ પ્રધાનતા પામ્યો છે. ઇંગ્લૅંડની ‘કૉમેડી’માં એ અંશ સ્પેનની ‘કૉમેડી’માંથી ઊતર્યો હતો. શેક્સપિયરની કૃતિઓથી ‘કૉમેડી’નું ઉચ્ચ સ્વરૂપ બંધાયું હતું. પરંતુ, તે પછી ‘રેસ્ટોરેશન’ના સમયે પ્રવર્તેલી અનીતિથી તે કાલે ‘કૉમેડી’નું સ્વરૂપ પણ અનીતિમય બની ગયું હતું.

હાસ્યના ઉદ્દેશથી રચાયેલું નાટક જ્યારે સુવ્યવસ્થા તથા સુઘડતા વગરનું હોય છે, અને, તેમાંના હસવા સરખા અંશ ઘણા હલકા પ્રકારના હોય છે, ત્યારે એવી રચનાને farce(‘ફાર્સ’)નું નામ આપવામાં આવે છે. ‘ફાર્સ’માં ખરો હાસ્યરસ જામતો નથી અને આખી કૃતિ દમ વગરની તથા મૂલ્ય વગરની હોય છે; મનુષ્યસ્વભાવની વિલક્ષણતાનું કે સંસારવ્યવહારની વિચિત્રતાનું યથાર્થ ચિત્ર ‘ફાર્સ’માં પ્રદર્શિત થતું નથી. ‘ફાર્સ’ રચનાર અને ભજવનારનું અજ્ઞાન જ ઘણી વાર હાસ્ય ઉત્પન્ન કરનારું થઈ પડે છે.

હલકી ઠઠ્ઠાબાજી (buffoonery)થી પણ હાસ્યરસ જામતો નથી. તમાશામાં પોતાના ગાલ ફૂલાવી પછી તે પર તમાચા મારી એકાએક અવાજ કરવાનું કામ ‘બફૂન’ પડેલું, અને તે પરથી હલકી જાતનું ઠોળિયાપણું કરનાર માટે એ શબ્દ અંગ્રેજીમાં રૂઢ થયો છે. અંગના ગાંડાઈ ભરેલા ચાળા કરી હસાવવાનો પ્રયત્ન કરવાથી હલકી ઠઠ્ઠાબાજી થાય છે, તે જ પ્રમાણે, વાણીના ગાંડાઈ ભરેલા ચાળા કરી હસાવવાનો પ્રયત્ન કરવાથી હલકી ઠઠ્ઠાબાજી થાય છે, વાણીના એવા ચાળા વિદૂષકના કે રંગલાના મુખમાં મૂકેલાં વચનોથી પ્રકટ કરવામાં આવે છે અથવા તો લેખકના પોતાના ઉદ્‌ગારરૂપ વચનોથી પ્રકટ કરવામાં આવે છે. આવી રચનામાં હાસ્યની રસિકતા હોતી નથી, અને લેખક ‘બફૂન’ની પદવીમાં આવી પોતાની અશક્તિ અને અજ્ઞાન દર્શાવી પોતે હાસ્યપાત્ર બને છે. એવી રચનામાં લેખક પોતાની તરફનાં વચન કહે છે ત્યારે કેટલીક વાર પોતાને માટે ‘બંદા’ કે ‘સેવક’ કે એવાં ઉપનામ જે પ્રકારે કલ્પે છે તે પોતે વિદૂષક બન્યાનું તેને ભાન થયાનું દર્શાવી આપે છે.

સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં ‘નાટક’ વગેરે દશ પ્રકારનાં ‘રૂપક’ (પાત્રનાં સ્વરૂપ નટ દ્વારા દર્શાવનાર દૃશ્ય કાવ્ય) ગણાવ્યાં છે તેમાંના એક પ્રકારનું નામ ‘પ્રહસન’ છે. પ્રહસનમાં હાસ્યરસ પ્રધાન હોય છે. તેમાં નિંદ્ય જનોનાં કલ્પિત વૃત્તાન્ત, લોકરૂઢ વાર્તાઓ અને દંભયુક્તિઓ આવે છે. એવી કૃતિમાં તપસ્વી, સંન્યાસી, બ્રાહ્મણ ઇત્યાદિ વર્ગના ધૃષ્ટ નાયક હોય છે, અને સાથે નીચ પુરુષો સામેલ થાય છે તથા પરિહાસવાળાં ભાષણ હોય છે; અથવા તો, વેશ્યાઓ, દાસદાસીઓ, હિજડા, લુચ્ચાઓ લંપટ પુરુષો, અધમ સ્ત્રીઓ ઇત્યાદિ પાત્ર હોય છે, અને, તેમને ઘટે તેવા વેશ, વાચા, ચેષ્ટા વગેરે યોજેલાં હોય છે. પ્રહસનનું સ્વરૂપ સંસ્કૃત ગ્રંથોની આ વ્યાખ્યાથી વધારે વિસ્તારવાળું થઈ શકે છે, અને પાત્રોના સંબંધમાં અમુક વર્ણ, આશ્રમ, ધંધો કે પ્રવૃત્તિના નિયમની આવશ્યકતા નથી. અલબત્ત, કેટલીક કોમના કે કેટલાક ધંધાના માણસોને હાસ્યરસ માટે ખાસ પસંદ કરવાનો રિવાજ વાર્તાઓ અને નાટકોમાં હાલ પણ પ્રવર્તે છે, પરંતુ, સંસ્કૃત અલંકારશાસ્ત્રોમાં ગણાવેલી નાતો અને પ્રવૃત્તિઓ ઉપરાંત બીજી નાતો (કોમો) અને પ્રવૃત્તિઓ પણ હાસ્યરસ માટે પાત્ર પૂરાં પાડે છે. જેમ હાસ્યરસ વધારે કેળવાય છે અને હાસ્યરસના લેખકવર્ગની શક્તિ વધારે ઉલ્લાસ પામે છે તેમ મનુષ્યજીવનમાંથી હાસ્યરસનાં મૂળ વધારે ને વધારે જડી આવે છે.

હાસ્યરસની કૃતિઓનાં ઉપર કહેલા પ્રકાર સિવાય વાર્તા, સંવાદ, પ્રસંગવર્ણન, પ્રવાસવર્ણન, દેશવર્ણન સરખી રચનાઓ હાસ્યમય થઈ શકે છે. નિબંધ (essay)ની રચના ગંભીરતાવાળી હોય છે, પરંતુ, તેમાં જ્યાં જ્યાં માનવ અંશ આવતો હોય, અર્થાત્‌ મનુષ્યના સ્વભાવ, અનુભવ કે વૃત્તાન્તનું કોઈ પ્રકારનું કથન આવતું હોય ત્યાં ત્યાં હાસ્યરસનો અવકાશ હોઈ શકે છે. પર્વત કે સમુદ્રના કુદરતી સ્વરૂપ વિશેના નિબંધમાં હાસ્યરસનું સ્થાન ન હોય, પણ, મનુષ્યવર્તન સાથે સરખામણી કરવાનો કોઈ પ્રસંગ આવે કે મનુષ્યના વિચાર અથવા કૃત્યની સરખામણી કરવાનો પ્રસંગ આવે તો એવા નિબંધમાં પણ હાસ્યરસનું સ્થાન ઉદ્‌ભૂત થઈ શકે છે.

હાસ્યમય કૃતિ માટે ગદ્ય પેઠે પદ્યનો ઉપયોગ થઈ શકે છે. એવી કૃતિઓનાં ઉપર જે ઉદાહરણ આપ્યાં છે તેમાં કેટલાંકમાં ગદ્યરચના છે, અને કેટલાંકમાં પદ્યરચના છે. પદ્યમાં ગદ્ય કરતાં શૈલીની વિશેષ નિયમિતતા હોય છે, અને, પદ્ય કવિતાનું વાહક હોવાથી પદ્યમાં ભાવની ઉચ્ચતા તથા સૌંદર્ય પ્રદર્શિત કરવાનું સામર્થ્ય રહેલું છે. હાસ્યરસમાં શૈલીની એવી નિયમિતતાની જરૂર હોતી નથી, તેમ જ ભાવની ઉચ્ચતા કે સૌંદર્યનું સ્થાન હોતું નથી. પરંતુ એ જ કારણથી પદ્ય હાસ્ય સ્પષ્ટ પ્રકટ કરવામાં કેટલીક વાર વિશેષે કરી ઉપયોગી થઈ પડે છે. આકૃતિ અને વસ્તુ વચ્ચેનો-શૈલી અને વક્તવ્ય વચ્ચેનો-વિરોધ પદ્યમય હાસ્યકથનમાં સમાય છે; અને એ વિરોધ હાસ્યમાં રહેલા વિરોધને વધારે તીવ્ર કરે છે.

કવિતાના સ્વરૂપનો ડોળ હાસ્યરસમાં આ રીતે મનોરંજક થાય છે. પરંતુ એ જ વસ્તુસ્થિતિને લીધે કવિતામાં પ્રદેશમાં હાસ્યરસનું સ્થાન બહુ ઊતરતું હોય છે. હાસ એ સ્થાયી ભાવ છે અને તેના સાક્ષાત્કારથી હાસ્યરસ નિષ્પન્ન થાય છે, એ ઉપર કહ્યું છે, અને, એટલે અંશે હાસ્યરસ કવિતાના મંડલમાં આવે છે. પરંતુ, કવિતાના બીજા રસમાં આવી ભાવની ઉચ્ચતાનું અને સૈંદર્યનું જે દર્શન થાય છે તે હાસ્યરસમાં થતું નથી, અને, છંદથી બીજા રસમાં કવિતાનું જે રુચિકર રૂપ થાય છે તે હાસ્યરસમાં થતું નથી. લી હન્ટ કહે છે, ‘નર્મયુક્ત વાક્‌ચાતુર્ય (wit) તે અતિશય અનિયંત્રિત રૂપનો તરંગ (fancy) છે, અને, ખરી રીતે જોતાં એવા તરંગમાં કવિત્વનો અંશ સહુથી ઓછો હોય છે; અર્થાત્‌ વિચારોના જે અર્થ સાધારણ વ્યવહારમાં હોય છે તે ઉપરાંત કોઈ અર્થ ‘વિટ’માં ગ્રહણ થતો નથી. એ વિચારોનું તત્ત્વ “વિટ’માં ગ્રહણ થતું નથી, પરંતુ એ વિચારોને એકઠા કરી માત્ર ચતુરાઈ દર્શાવવાનો હેતુ “વિટ’માં હોય છે. કવિતામાં એ વિચારસંયોગ દાખલ થાય, પરંતુ, કવિતામાં એ વિચારસંયોગ ઉન્નતિ પામે છે, તેનું અનિયંત્રિતપણું જતું રહે છે, અને તેનું રૂપ બદલાઈ જઈ કંઈ શ્રેષ્ઠતાનું દર્શન થાય છે.’ (વિટ એન્ડ હ્યુમર.) કવિતા અને હાસ્ય વચ્ચેનો ભેદ દર્શાવતાં હેઝલિટ કહે છે, ‘કવિતા અથવા કલ્પનાના અંતઃસ્વરૂપમાં વાક્‌ચાતુર્ય (“વિટ”) કરતાં ચઢિયાતાપણું રહેલું છે તેની એક સાબિતી એ છે કે કવિતા અથવા કલ્પનામાં માત્ર શબ્દોના સંયોગને સ્થાન મળતું નથી. એવા સંયોગ કવિતા અથવા કલ્પનામાં જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં સદૈવ તે દોષરૂપ હોય છે. સાનંદ આશ્ચર્યની કે ઉત્કટ ભાવની ઉત્પત્તિ માટે શબ્દસંયોગ કરતાં કાંઈ વધારે સસાર અને તત્ત્વમય વસ્તુની જરૂર હોય છે. કલ્પનાની એવી વ્યાખ્યા કરી શકાય કે જે વસ્તુઓ સાધારણ રીતે સરખા સ્વરૂપની હોય અથવા જે વસ્તુઓને આધારે સાધારણ રીતે સરખી લાગણીઓ થતી હોય તે વસ્તુઓમાં રહેલું સામાન્ય તત્ત્વ કલ્પના શોધી કાઢે છે; પરંતુ, “વિટ”નો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે જે વસ્તુઓમાં સામાન્ય તત્ત્વ રહેલું હોવાની ધારણા જ થઈ ન હોય અર્થાત્‌ જે વસ્તુઓ એકબીજાથી તદ્દન ઊલટી હોય તે વસ્તુઓ વચ્ચે સરખાપણાનો આભાસ શોધી કાઢવો અથવા ક્ષણ વાર સરખાપણાની વંચના ઊભી કરવી. નર્મયુક્ત વાક્‌ચાતુર્ય (“વિટ”) તથા સમર્મ હાસ્યરસ (“હ્યુમર”)ની કવિતા સાથે સરખામણી કરતાં અને બન્ને પક્ષનાં છેક છેડે ગયેલાં સ્વરૂપ લેતાં એમ કહી શકાય કે “વિટ” અને “હ્યુમર”નો આધાર આપણા આળસ, આપણા અભિમાન, આપણી નિર્બળતા અને આપણી મૂર્ખતા ઉપર રહેલો છે. પરંતુ, ગંભીર અને ભાવપૂર્ણ કવિતાનો આધાર આપણા સામર્થ્ય, આપણા ચિત્તની ઉદારતા, આપણા સદ્‌ગુણ અને આપણી ભૂતાનુકંપા ઉપર રહેલો છે.’ (લેકચર્સ ઑન ધી ઇંગ્લિશ કૉમિક રાઇટર્સ.)

પ્રાસ (rhyme), અનુપ્રાસ (alliteration), ઝડઝમક, શ્લેષ (pun), ઇત્યાદિ યુક્તિઓ પણ હાસ્યમય રચનાઓમાં ઉપયોગી થાય છે.

‘મેલો ઘેલો પેલો જુઓ આગ ખેલમાં ઉભેલો,
ગોદડે ગુંથેલો એવો આવે હનુમાનજી;* [5]
કાળા હાથ દારૂવાળા, દાઢી મોઢું દીસે કાળું,
પાઘડીનો પલ્લો પુંઠે પૂંછડા સમાનજી;
લોક નાસાનાસ કરે ત્રાસ પામી તેને ઠામે,
એને નાવે આંચ જેના રામજી જમાનજી;
ઠેકી ઠામ ઠામ આગ લગાડીને આઘો ખસે,
હશે હનુમાનજી કે મુલ્લાં સુલેમાનજી.’
દલપત કાવ્ય.

વિચિત્ર વેશે દોડતા અને દારૂખાનું સળગાવતા હોરાની લંકામાં આગ લગાડતા હનુમાનની સાથે કરેલી આ સરખામણીની હાસ્યજનકતામાં અનુપ્રાસથી અને ઝડઝમકથી ઉમેરો થાય છે, અને, ‘હનુમાનજી’, ‘સમાનજી’ અને ‘જમાનજી’ સાથે પ્રાસ આણવા સારુ હોરાનું નામ ‘સુલેમાનજી’ હોવાની કરેલી અટકળ એ સહુને છેડે આવતાં રચનાની હાસ્યમયતા તીવ્ર થઈ ઘણી રમૂજ ઉત્પન્ન કરે છે.

દ્વિઅર્થી શબ્દો ગોઠવી શ્લેષ કરવો એ લેખનકળામાં ભૂષણરૂપ હોતું નથી. શ્લેષ એ માત્ર હિકમત છે, અને, જ્યાં વિચારની ઉન્નતિ હોય કે ભાવની ઊંડાઈ હોય ત્યાં હિકમત દાખલ થતી નથી. આ કારણથી, ગંભીર વિચારના ગદ્યલેખમાં કે રસમય કવિતામાં શ્લેષને સ્થાન મળી શકતું નથી. કવિતામાં વાચ્ય અર્થ ઉપરાંત વ્યંગ્ય અર્થ કાંઈ ગૂઢ રહેલો હોય ત્યારે કવિતા ખૂબીવાળી હોય છે, તે ઉપરથી, કેટલાક લેખકો એના એ શબ્દના બે વાચ્ય અર્થ હોય તો ખૂબી આવે એમ ભ્રાન્તિથી માની લઈ શ્લેષની રચના કરે છે. પરંતુ, શ્લેષથી થતો બીજો અર્થ તે વ્યંગ્ય અર્થ હોતો નથી, અને શ્લેષથી કવિતામાં અપકર્ષ જ થાય છે. સત્યના અને સૌંદર્યના દર્શનમાં ગૂંથાયેલું ચિત્ત દ્વિઅર્થીપણાની જાદુગીરી તરફ વળતું નથી. શેક્સપિયરના સમયમાં અંગ્રેજી સાહિત્યમાં શ્લેષનો પ્રચાર હતો તેને લીધે શેક્સપિયરના ગ્રંથોમાં પણ શ્લેષ દાખલ થયેલા નજરે પડે છે. પરંતુ, એ સંબંધે જર્વાઇનસ કહે છે, ‘(શેક્સપિયરે નિર્મેલાં પાત્રોમાં) માત્ર અમુક જાતનાં માણસો જ વાક્‌ચાતુર્ય અને શ્લેષનો વ્યવહાર કરે છે, અને જો એમ કહેવામાં આવતું હોય કે શ્લેષ તે મૃગતૃષ્ણિકા છે અને તેની પાછળ જનાર કવિને તે રેતીના ખાડામાં જ ઉતારે છે તો એ સ્થિતિ એવા શ્લેષ કરનાર પાત્રોની છે, પણ, શક્સપિયરની નથી. શેક્સપિયર તો કહે છે કે “વસ્તુની અવગણના કરી શબ્દની હિકમત કરનારા મૂર્ખ હોય છે.” અને એ મતનો સ્વીકાર કરનારા કોઈએ મૃગતૃષ્ણિકાથી ભુલાવામાં પડે તેમ નથી.’ (શેક્સપિયર કોમેનટરીઝ.)

વિચારની ગંભીરતાના અને રસની ગાઢતાના પ્રસંગો હોય ત્યાં શ્લેષનો અવકાશ હોતો નથી, પણ, લઘુભાર (light) મનોવૃત્તિનો પ્રસંગ હોય ત્યાં શ્લેષનો અવકાશ હોઈ શકે છે, તેથી, હાસ્યરસમાં શ્લેષને સ્થાન મળે છે. શ્લેષથી માત્ર વાક્‌ચાતુર્યનો વ્યવહાર થઈ શકે છે, એક શબ્દના થતા બે અર્થની ભેળસેળ અને ભુલભુલામણી થઈ શકે છે; પણ કોઈ અવસ્થામાં ઊંડું રહેલું હાસ્યમય અર્થ દર્શાવવાનું કાર્ય શ્લેષથી થઈ શકતું નથી; તેથી, શ્લેષનો ઉપયોગ ‘વિટ’માં થઈ શકે છે. ‘હ્યુમર’ થઈ શકતો નથી. શ્લેષનું વાક્‌ચાતુર્ય પણ સાધારણ પ્રકારનું હોય છે; વાક્‌ચાતુર્ય યોજનાર શબ્દનું દ્વિઅર્થીપણું નવું બનાવતો નથી, તે માત્ર દ્વિઅર્થીપણાનો પ્રસંગ આણે છે; અને, શબ્દના અર્થોનો વિવિધ વસ્તુસ્થિતિઓના વિરોધ જેટલો લાંબો ટકતો નથી તેથી દ્વિઅર્થીપણાના વિરોધથી થયેલું આશ્ચર્ય થોડી વારમાં શમી જાય છે. એક શબ્દના બે અર્થ હોવાથી ખરી રીતે બે જુદા જુદા અર્થવાળા જુદા જુદા પદાર્થ છે એ ભાન થતાં વિરોધનો ચમત્કાર જતો રહે છે. શ્લેષનું ચાતુર્ય આવું સાધારણ હોવાથી એડિસન શ્લેષને false wit (‘ખોટું વાક્‌ચાતુર્ય’) કહે છે, અને, તે એવો નિયમ સૂચવે છે કે અમુક ‘વિટ’વાળી ઉક્તિની પરીક્ષા કરવા સારુ તે ઉક્તિનો બીજી ભાષામાં તરજુમો કરવો અને જો તરજુમો કર્યા પછી તે ઉક્તિમાંનું ચાતુર્ય કાયમ રહે તો તેમાં ખરું ‘વિટ’ છે એમ સમજવું. અને, જો તરજુમો કર્યા પછી તે ઉક્તિમાંનું ચાતુર્ય જતું રહેલું માલૂમ પડે તો તેમાં માત્ર શ્લેષ છે એમ સમજવું. (સ્પેકટેટર, અંક ૬૧.) શબ્દનું દ્વિઅર્થીપણું નિત્યના વ્યવહારમાં અને વાતચીતમાં જાણીતું થયેલું ન હોય પણ કંઈક અપરિચિત હોઈ એકાએક દૃષ્ટિ આગળ આવે અને વિચિત્રતાથી આશ્ચર્ય પમાડે ત્યારે શ્લેષથી વિનોદ ઉત્પન્ન થઈ શકે છે. નાનાં છોકરાં રમત રમતાં કહે છે કે ‘આપણે ઉજાણી ગયાં ત્યાં પવન આવ્યો ને બધું ઊડી ગયું; તેમાં મારાં મરચાં ગયાં ને તારાં મરી ગયાં;’ એમાં ‘મરી’ શબ્દથી થતો શ્લેષ (“તારાં મરી ઊડી ગયાં” અને “તારાં સગાંવહાલાં મરી ગયાં”) એટલો પ્રાકૃત અને સાધારણ છે કે તેથી વાક્‌ચાતુર્યનો વિનોદ થતો નથી. પરંતુ,

‘જળદ જગતમાં મેઘ છે, ફળદ બાગનો ફાલ;
પણ નિર્બળ નર નારનો, બળદ ભોજ ભૂપાળ.’
દલપત કાવ્ય.

એ ઉક્તિમાં ‘બળદ’ શબ્દનો શ્લેષ (“બળ આપનાર” અને “બળદ જનાવર”) રહેલો છે તે ગોઠવવાનું વાક્‌ચાતુર્ય સમજાતાં વિનોદ ઉત્પન્ન થાય છે.

વસ્તુઓ, સ્થિતિઓ અને પ્રસંગોમાં રહેલી વિલક્ષણતા બહાર આણી હાસ્ય ઉપજાવવાનો મનોવ્યાપાર તે તર્કવ્યાપાર (judgment) નથી. મનોરંજનના એ પ્રયાસમાં લઘુભાર (light) ભાવવ્યાપાર રહેલો છે. દલીલ અને અનુમાનનો તેમાં સમાવેશ થતો નથી. હેઝલિટ કહે છે કે : હૉબ્સ અને લૉક સરખાપણાના નિરીક્ષણને ‘વિટ’ કહે છે તથા ભિન્નતાના નિરીક્ષણને તર્કવ્યાપાર કહે છે તે ભૂલ છે. ‘વિટ’માં પણ સરખાપણું તથા ભિન્નતા બન્ને સાથેનો વ્યવહાર હોય છે. ‘હર્મ્સના કર્તા હૅરિસે દર્શાવ્યું છે કે ‘લોકની આ વ્યાખ્યા ખરી હોય તો કાટખૂણાવાળા ત્રિકોણના ત્રણ ખૂણા બે કાટખૂણાની બરોબર હોય છે એ સાબિત કરવું તે તર્કવ્યાપાર કે બુદ્ધિવ્યાપાર નહિ પણ ‘વિટ’ કહેવાય, અને, યુક્લિડનો ભૂમિતિનો ગ્રંથ તે વાક્‌ચાતુર્ય સંગ્રહ કહેવાય.” યુક્તિ અથવા દલીલ અને ‘વિટ’ વચ્ચે ફેર એ છે કે ‘વિટ’ વસ્તુઓમાંથી એવો આકસ્મિક અને એકપક્ષી સંજોગ શોધી કાઢે છે કે તેને વસ્તુઓના સ્વરૂપ સાથે સંબંધ હોતો નથી, અથવા બીજું કંઈ નહિ તો, એવા સંજોગોમાં વસ્તુઓના સ્વરૂપ સાથે આવશ્યક સંબંધ પ્રસ્તુત હોતો નથી; અને શ્લેષ, સમસ્યા, અનુપ્રાસ વગેરે સરખા શબ્દોની રમતથી અથવા અપ્રાસંગિક તરંગથી વસ્તુઓ વચ્ચે દેખાતું સરખાપણું ‘વિટ’ બલાત્કારે ઊભું કરે છે. આવા બધા પ્રસંગમાં હાસ્યમય સામ્યથી વિનોદ થાય છે. (લેક્ચર્સ ઑન ધી ઇંગ્લિશ કૉમિક રાઇટર્સ.) ઉપર કહ્યું છે તેમ અંગ્રેજી ભાષામાં ‘વિટ’ શબ્દનો મૂળ અર્થ ‘બુદ્ધિ’ હોવાથી તે વ્યુત્પત્તિની રેખાઓ ‘વિટ’ના વર્તમાન અર્થની વ્યાખ્યામાં પણ દાખલ થાય છે. હૉબ્સ અને લોકની વ્યાખ્યાઓમાં જે વાંધા ભરેલો અંશ રહેલો હેઝલિટ દર્શાવે છે તે આ કારણથી દાખલ થયો છે. પરંતુ, તર્કવ્યાપાર એ ‘વિટ’થી (તેમજ ‘હ્યુમર’થી) ભિન્ન છે એ વિશે મતભેદ નથી.

હાસ્યરસમાં તર્કવ્યાપાર નથી હોતો, પરંતુ, હાસ્યરસ મનુષ્યચિત્તને પ્રસન્ન કરી સ્વસ્થ રાખે છે, અને એ રીતે તર્કવ્યાપારનું સામર્થ્ય જાળવવામાં સહાયભૂત થાય છે, એ સ્થિતિ લક્ષમાં રાખવા યોગ્ય છે. અનેક જાતના ભાર નીચે દબાઈ નમી જતા ચિત્તને હાસ્યરસ એ ભાર ઓછો કરી ઊંચે આવવાની શક્તિ આપે છે. વિષમ પ્રસંગો અને વિપત્તિઓને સમયે પણ સંસારઘટનામાં રહેલું હાસ્યનું મર્મ અનુભવતાં ચિત્તને સંકટોથી પરાભવ ન પામવાનો, વિહ્‌વલતાને દૂર રાખવાનો, અને દુઃખો ધૈર્યથી સહન કરવાનો પ્રયાસ કરવામાં અનુકૂલતા પ્રાપ્ત થાય છે. દ્વેષ કરનાર અને અન્યાય કરનારની મૂર્ખતા અને હાસ્યપાત્રતા જોઈ વિનોદ મેળવતાં દ્વેષ અને અન્યાયથી થતો ખેદ ઘટી જાય છે. સર્વત્ર હાસ્યનું ઊંડું મર્મ પારખી કાઢવાના અભ્યાસથી તત્ત્વચિંતનની અને સમદર્શિત્વની એવી વૃત્તિ બંધાય છે કે માણસોની ભિંડની વચ્ચે એવા અભ્યાસવાળું ચિત્ત એકાંતનો અનુભવ કરી શકે છે, અને અમુક આવેશથી ઉશ્કેરાયેલા મંડળના સંગમાં છતાં શાન્ત અને અક્ષુબ્ધ રહી શકે છે. એવા અભ્યાસવાળો મનુષ્ય, પોતે પણ મૂર્ખતાથી વર્તે તો તે મૂર્ખતા હાસ્યપાત્ર થવી જોઈએ એ પ્રતીતિને લીધે, એકદેશીય તથા સંકુચિત વિચારોથી આગળ વધી સાધારણ માણસો કરતાં વધારે ઉદાર અને વધારે નિષ્પક્ષપાતી દૃષ્ટિએ નિરીક્ષણ કરી શકે છે. હાસ્યરસ પારખવાની શક્તિથી એવી સમતોલનની વૃત્તિ પ્રાપ્ત થાય છે કે જીવનના વિવિધ પ્રસંગોનું તાત્પર્ય સાધારણ સમજ (common sense)ની નજરથી જોતાં આવડે છે, અને, પાંડિત્યદંભમાં, સ્થૂલ દુરાગ્રહમાં તથા નિર્મર્યાદ ઉત્સુકતામાં મગ્ન થતાં અટકવાનું સામર્થ્ય મળે છે. કૃષ્ણના જીવનના આલેખનમાં કવિઓએ પરમ તત્ત્વજ્ઞાન સાથે હાસ્યરસના પ્રસંગો દર્શાવ્યા છે તે હાસ્યરસના આ સમસ્ત પ્રયોજનને લીધે. ઈસુ ખ્રિસ્તનાં વચનોનો અભ્યાસ કરતાં તેમાં ‘હ્યુમર’ રહેલો જણાઈ આવે છે એમ દર્શાવી ટી. આર. ગ્લોવર કહે છે, “હ્યુમર”નું સહુથી ઉચ્ચ સ્વરૂપ મનની અંતઃશાન્ત સ્થિતિ દર્શાવે છે; તે સ્થિતિ એવી હોય છે કે જીવનમાં વિરોધ કે વિપક્ષતા બંધ ન થયા છતાં એ વિરોધ અને વિપક્ષતાથી કર્કશતાની ઉત્પત્તિ થતી બંધ પડી હોય છે. એ સ્થિતિમાં મન એ વિરોધ અને વિપક્ષતા જરૂરનાં અને સહેતુક છે એમ માની તેમનો સ્વીકાર કરી લે છે. એ વિરોધ અને વિપક્ષતાથી ઊંચે જઈ તે પર દૃષ્ટિ કરતાં તે જીવનને રુચિકર કરે છે એમ મન એવી સ્થિતિમાં માની લે છે. પ્લેટો જેને “જીવનનું આખું કરુણરસમય અને હાસ્યરસમય નાટક” કહે છે તે જોવાની શક્તિ તે–તેનાં એ બે અંગ એકબીજામાં ઓતપ્રોત થયેલાં જોવાની શક્તિ–તે “હ્યુમર” છે.” (ધ કૉનફ્લિક્ટ ઑફ રિલિજીઅન્સ ઇન ધ રોમન એમ્પાયર એ ગ્રંથમાંનું જીસસ ઑફ નેઝેરથ વિશેનું પ્રકરણ.) નાટકની રંગભૂમિ ઉપર પ્રકટ થતા કરુણરસમાં, તેમ જ, મનુષ્યજીવનમાં પ્રકટ થતા કરુણરસમાં પણ હાસ્યરસનું મર્મ રહેલું છે એ સાક્ષાત્કારથી કરુણનું કરુણત્વ જતું રહેતું નથી; પણ કરુણથી પડતી ગૂંચ છોડવવાની કૂંચી એ સાક્ષાત્કારથી જડે છે. બીજા બધા રસમાં પણ જ્યાં ગૂંચ પડે છે ત્યાં હાસ્યનું મર્મ હાથ આવતાં એ ગૂંચ છોડવવાની કૂંચી હાથ આવે છે.

હાસ્યરસની આ પ્રમાણે મીમાંસા કર્યા પછી ગુજરાતી સાહિત્ય તરફ નજર કરી જોઈશું કે તેમાં હાસ્યરસ પ્રકટ થયેલો છે કે કેમ. એ દૃષ્ટિપાતને પરિણામે કબૂલ કરવું પડશે કે ગુજરાતના સાહિત્યમાં હાસ્યરસ બહુ જ થોડો છે, લગભગ નહિ જેટલો છે. અલબત્ત, એનું એક કારણ એ છે કે ગુજરાતના અર્થાત્‌ પાધર ગુજરાતના-ચુંવાળથી લાટ દેશ સુધીના ગુજરાતના–લોકો વિચક્ષણ, વ્યવહારકુશળ, ડાહ્યા અને વેપારમાં સાહસિક છે. પણ, હાસ્યવૃત્તિમાં કંઈક મોળા છે. કાઠિયાવાડીઓ “ઓય માળોઓઓઅ” જે લહેકાથી કહે છે તેટલું હાસ્યભર્યું વાક્‌ચાતુર્ય પણ તળ ગુજરાતીઓની વાણીમાં નજરે પડતું નથી. તેમનું સાહિત્ય તેમની વૃત્તિઓ પ્રમાણે હોય એ સ્વાભાવિક છે.

જૂના ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું સેવન ફક્ત પ્રેમાનંદે કર્યું છે. પ્રેમાનંદનું હાસ્ય ઠાવકું હતું. તેની કૃતિઓ વાક્‌ચાતુર્યથી ઊછળતી નથી. વિનોદમય પ્રસંગો આવતાં હાસ્યમર્મ શોધી કાઢી તે ધીરે ધીરે પ્રદર્શિત કરવું એ તેની શૈલી છે. સાધારણ દૃષ્ટિએ ગંભીર જણાતા પ્રસંગોમાંથી પણ તેને હાસ્યમૂલ જડી આવે છે. સ્ત્રીઓની હાસ્યશક્તિ તેણે ઘણી વાર મનોહર રીતે દર્શાવી છે. ‘મામેરા’માં પ્રેમાનંદે નાગર સ્ત્રીઓને નરસિંહ મહેતાના દારિદ્ર્યની ટોળ કરતી વર્ણવી છે. ‘માંધાતાખ્યાન’માં તપોવનની યજ્ઞશાળામાંનું અભિમંત્રિત જળ ભૂલમાં પીતાં ગર્ભવંત થયેલા યુવનાશ્વ રાજાનું વૃત્તાન્ત વર્ણવતાં પ્રેમાનંદે રાણીઓને અને નગરની નારીઓને રાજાના ગર્ભની મશ્કરી કરતી વર્ણવી છે.

જૂના સમયમાં બીજા કોઈ લેખકો હાસ્યસેવી થયા નથી. હાસ્યરસવાળા નાટ્યપ્રસંગો ‘ભવાઈ સંગ્રહ’માં જોવામાં આવે છે; તેના કર્તા કોણ હતા તે જડી શકે તેમ નથી, પણ, એ સાહિત્ય ભવાઈઓની રંગભૂમિ ઉપર જ ઉત્પન્ન થયું હતું અને વિદ્વાન ગ્રંથકારોનો તેમાં કાંઈ હાથ નહોતો એ નિઃસંદેહ છે. એ કારણથી, હાસ્યરસનું એ સાહિત્ય શિષ્ટતા વગરનું રહ્યું છે; અને, તેની અસર સામાન્ય સાહિત્ય પર થઈ નથી. હાસ્યરસ ખીલવનારની પણ નાત થઈ ગઈ. ભાંડ ભવૈયા સિવાય બીજા હાસ્યરસનો વ્યવહાર કરનારા ન રહ્યા, અને તેથી, તેનો વિસ્તાર કે વિકાસ થયો નહિ.

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસના આલેખનનો આરંભ કરનાર કવિ દલપતરામ છે. તેમની કૃતિઓમાં નર્મયુક્ત વાક્‌ચાતુર્ય છે તેમ જ સમર્મ હાસ્યરસ છે. તેમણે પ્રદર્શિત કરેલો સમર્મ હાસ્યરસ ઘણો ખરો છૂટક પ્રસંગોમાં છે, અને, મનુષ્યસ્વભાવના કે જનસમાજના મોટા પ્રશ્નોનું પૃથક્કરણ કરી તેમાંથી હાસ્યરસ શોધી કાઢવાનો પ્રયાસ તેમણે કર્યો નથી. તોપણ ગુજરાતી ભાષામાં તેમણે ખીલવેલો હાસ્યરસ હમેશ રુચિકર રહેશે. તેમના લેખમાંથી કેટલાંક ઉદાહરણ ઉપર આપ્યાં છે.

કવિ નર્મદાશંકરની કૃતિમાં હાસ્યરસ છે જ નહિ. તેમને હાસ્યરસની પરીક્ષા બિલકુલ હતી નહિ. તેમના મિત્ર રા. નવલરામને તેમની કલ્પનાશક્તિનો પૂર્ણ પરિચય હતો, અને નવલરામે રચેલા, ‘ભટના ભોપાળા’માં અસંભવિતપણાનો દોષ છે અને હાસ્યરસ છે જ નહિ એવો અભિપ્રાય નર્મદાશંકરે દર્શાવ્યો ત્યારે, નવલરામે તેમને કહ્યું હતું કે ‘કવિ, તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી.’ (‘હાસ્યરસ’ વિષે નિબંધ).

રા. નવલરામને હાસ્યરસની કુશળ પરીક્ષા હતી. તેમણે રચેલું ‘ભટનું ભોપાળું’ મોલિયરના ‘મૉક ડૉક્ટર’ નામના ગ્રંથનો અનુવાદ છે. તોપણ, તેમાં તેમની સ્વતઃકલ્પિત હાસ્યરચના ઘણી છે.

આ સિવાય રા. સા. મહીપતરામકૃત ‘સાસુ વહુની લઢાઈ’, ‘વનરાજ ચાવડો’ અને ‘સધરા જેશંગ’, રા. બ. હરગોવિંદદાસકૃત ‘અંધેરી નગરીનો ગર્ધવસેન,’ મિ. જહાંગીર અરદેશર તાલેયારખાંકૃત ‘મુદ્રા અને કુલીન’, (અપ્રસિદ્ધ લેખકકૃત) ‘પટેલ પોથી’, એ ગ્રંથોમાં હાસ્યરસનું પ્રસંગોપાત્ત આલેખન છે. ‘દેશીમિત્ર’ના મર્હુમ અધિપતિ રા. મંછારામ ઘેલાભાઈકૃત ‘મૂર્ખા’ અને ચતુરસિંહ’ એ બે કથાઓ હાસ્યના પ્રસંગોથી બનેલી છે, પરંતુ, તેમાં ખામી એ છે કે ઠેકાણે ઠેકાણે હાસ્યરસ ખૂટ્યો છે અને કૃત્રિમતા દાખલ થઈ છે.

રા. ગણેશજી જેઠાભાઈએ પ્રસિદ્ધ કરેલા ‘કૌતકમાળા અને બોધવચન’ નામના વાર્તાસંગ્રહમાં ઠેકાણે ઠેકાણે હાસ્યરસના પ્રસંગો છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભ પછી કેટલાક સમય સુધી નાટકો લખાતાં ત્યારે નાટકમાં આવતા વિદૂષકના મુખમાં હાસ્યવચનો મૂકવાનો પ્રયત્ન થતો, પણ એવી કોઈ કૃતિમાં હાસ્યરસ જામ્યો નથી. સંસ્કૃત નાટકોમાંના વિદૂષક અને ભવાઈઓમાંના રંગલા દ્વારા હાસ્યરસની પ્રથા જળવાઈ છે એટલો લાભ હાસ્યરસ માટે એક જુદું પાત્ર નક્કી કરવાથી થયો છે. પરંતુ, એ પાત્ર સિવાય અન્યત્ર પણ હાસ્યરસનો અવકાશ છે એ વાત લક્ષમાં ન રાખ્યાથી હાસ્યરસનો વિકાસ થતો અટકે છે, તેમ જ, એ પાત્રને હલકી ઠઠ્ઠાબાજી માટે ઉપયોગમાં લીધાથી હાસ્યરસના ઉલ્લાસને હાનિ થઈ છે.

રા. નવલરામે ઉપર કહેલા નિબંધમાં ‘રમૂજે દિલપસંદ’ અને ‘લાલબુજરંગ’ નામે બે પુસ્તકો ગણાવ્યાં છે તે હવે પ્રચારમાં રહ્યાં નથી. ફારસી કે ઉર્દૂ પરથી તે ભાષાંતર રૂપે થયેલાં હશે એમ લાગે છે. એ નિબંધમાં બીરબલની વાતો અને લૌવાની મજાકોનો નિર્દેશ કર્યો છે; અને, એ પ્રસંગોના સંગ્રહ પણ પ્રસિદ્ધ થયા છે. એ પુસ્તકોમાં વાક્‌ચાતુર્યનું દર્શન કરાવેલું છે. અલબત્ત, બીરબલને વિદૂષક રૂપે અને અકબરને મૂર્ખ રૂપે વર્ણવનારી વાતોમાં ઐતિહાસિક સત્ય રહેલું નથી.

પારસી લેખકોએ હાસ્યરસનું સાહિત્ય વધારવામાં કિંમતી મદદ કરી છે. અલબત્ત, તેમનાં એ વિષયનાં પુસ્તકો ‘વિટ’નાં છે, ‘હ્યુમર’નાં નથી, તોપણ, તેમણે ઉત્પન્ન કરેલું એ સાહિત્ય મનોરંજક છે અને તેનો જથ્થો વધતો જાય છે. મિ. જહાંગીર બહેરામજી મર્ઝબાને રચેલાં ‘કૌતુક સંગ્રહ’, ‘ખુશ દર્પણ’ અને ‘ટોચકા સંગ્રહ’નાં પુસ્તકો રમૂજ અને વિનોદથી ભરેલાં છે. ચાર્લ્સ ડિકન્સકૃત પ્રખ્યાત ‘પિકવિક પેપર્સ’નો અનુવાદ ‘અક્કલના સમુદર’ના નામથી તેમણે પ્રસિદ્ધ કર્યો છે. ‘મોદીખાનેથી માર્સેલ્સ’ના નામથી તેમણે પોતાની યુરોપની મુસાફરીનો હેવાલ પ્રકટ કર્યો છે તેમાં ‘હ્યુમર’ની છાયા વખતોવખત નજરે પડે છે. તેમણે ‘ગપ-સપ’ નામે હાસ્યના ઉદ્દેશવાળું પત્ર કાઢવું શરૂ કરેલું તે બહોળો પ્રચાર પામ્યું છે. હાલ તે પત્ર તેમના પુત્ર મિ. પિરોજશાહ ચલાવે છે. તે દર પખવાડિયે નીકળે છે. હિંદુ લેખકો તરફથી ગુજરાતીમાં એવું એકે પત્ર નીકળતું નથી.

કેટલાંક સાપ્તાહિક અને માસિક પત્રોમાં હાસ્યરસને નામે ફકરા પ્રસિદ્ધ કરવામાં આવે છે તે એવા હાસ્યરસશૂન્ય હોય છે કે તેનો પ્રચાર ખરા હાસ્યરસની કદરને નુકસાન કરે છે. તેમાં માત્ર ઉપર કહ્યા તેવા ‘વાણીના ગાંડાઈ ભરેલા ચાળા’ હોય છે, અને તોછડાઈ, ધૃષ્ટતા, નિંદા, અસત્યકથન, વગેરે કલંકોથી આવા લેખ જેમ જાહેર પત્રોની સંસ્થાને વગોવે છે તેમ હાસ્યની રસિકતાને વગોવે છે. હાસ્યરસનો છોડ સ્વચ્છ હવામાં વિકાસ પામી શકે તે સારુ આવાં ઝેરી અને ઉપદ્રવકારક ઝાંખરાં જડમૂળમાંથી ઉખેડી નાખવાની જરૂર છે. ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ માટે બીજા અંશોની સાથે હાસ્યરસના ઉદયની પણ આવશ્યકતા છે. મનુષ્યના ચારિત્ર્યના ઉલ્લાસ માટે જેમ હાસ્યરસની જરૂર છે. તેમ મનુષ્યોના વાઙ્‌મયના ઉલ્લાસ માટે હાસ્યરસની જરૂર છે. શેક્સપિયર વિશેનું યથાર્થ જ્ઞાન તેના હાસ્યરસના જ્ઞાન વિના અપૂર્ણ રહે છે એ દર્શાવતાં એડવર્ડ ડાઉન કહે છે, “જે માણસમાં હાસ્યરસની દૃષ્ટિએ દુનિયાનું નિરીક્ષણ કરવાની શક્તિ રહેલી છે તેનું ચારિત્ર્ય અને તેના આધ્યાત્મિક જીવનનો ઇતિહાસ, જે માણસનો સ્વભાવ એવી ભાવનાઓથી બંધાયો હોય છે કે પ્રસન્નતાથી ઊપજતા હાસ્યની લહેરો તે પર કદી પથરાતી નથી, તેનાથી પ્રત્યેક અંશે અને સર્વથા જુદો હોવો જ જોઈએ.’ (શેક્સપિયર, હિઝ માઇન્ડ ઍન્ડ આર્ટ.) સાહિત્યમાં પણ આ નિયમ પ્રવર્તે છે. હાસ્યરસ વગરનું સાહિત્ય સૃષ્ટિના અભ્યાસમાં ન્યૂન રહે છે, અને મનુષ્યચિત્તનો પરિપૂર્ણ વિકાસ પ્રકટ કરી શકતું નથી. કેટલાક હાસ્યમીમાંસકોનું માનવું છે કે મનુષ્યમાં હાસ્યની શક્તિ ન હોય તો સમભાવથી અથવા દ્વેષથી મનુષ્ય એવો એક દિશામાં દોરાઈ જાય કે તેને પરિણામે ક્ષીણતા થાય, અને, એ કારણથી હાસ્યશક્તિ પોતાના રક્ષણ માટે ઉપયોગી જણાયાથી મનુષ્યોએ તે જાળવી રાખેલી હોવી જોઈએ. જ્ઞાનના આરંભકાળમાં મનુષ્યજાતિને પોતાની હાસ્યશક્તિ કેવી લાગી હશે એ કલ્પનાનો વિષય છે, પરંતુ, મનુષ્યજાતિ ઘડાઈને જેવી થઈ છે તે સ્થિતિમાં મનુષ્યજીવનના સુખ અને વિકાસ માટે હાસ્ય આવશ્યક છે એમાં શક નથી. અને તે જ પ્રમાણે, મનુષ્યજાતિના વિચાર અને ભાવની ઘટના પણ એવી છે કે તેના સંસ્કારમાં હાસ્યનો ભાવ સ્થાયી થયેલો છે, અને, તેનો સાક્ષાત્કાર હાસ્યરૂપે થાય નહિ તે વિના રસિકતાનો વિષય પરિપૂર્ણ થતો નથી, તથા મનુષ્યસ્વભાવ વિશે યથાર્થ કલ્પના થતી નથી.

ગુજરાતી સાહિત્ય જેમ વૃદ્ધિ પામતું જશે તેમ હાસ્યથી ઊછળતું અને મલકાતું જશે એ અભિલાષ નિરાધાર નથી.

૦ ૦ ૦


  1. * ‘જ્ઞાનસુધા’ માસિક પત્રના નવેંબર ૧૯૧૧થી ઑગસ્ટ ૧૯૧૩ સુધીના અંકોમાં છપાયેલો નિબંધ.
  2. + હાથીમાં હાસ્યવૃત્તિ છે એનું ઉદાહરણ થોડા વખત ઉપર મળી આવ્યું છે. એક નાની છોકરી પોતાની ગામમાં આવેલા ‘સરકસ’નાં પશુઓ જોવા ગઈ. પશુઓને ખવડાવવા સારુ થોડાં ફળ તે સાથે લેતી ગઈ. પરંતુ, ‘સરકસ’માંના હાથીઓ આગળ વધતાં તે એટલી બીધી કે તે પોતે તેમને ફળ આપી શકી નહિ. આ ઉપરથી ‘સરકસ’ના વ્યવસ્થાપકે ફળની ટોપલી પોતાના હાથમાં લીધી અને ટોપલીમાં નારંગીઓ હતી તેમાંની એક એક હાથીને એક પછી એક આપવા માંડી. છ હાથીઓ હતા તેમને એ રીતે છ નારંગી આપી, તે પછી ટોપલીમાં બીજી વધી. છઠ્ઠા હાથીથી નારંગીઓ ફરી આપવાનું તે શરૂ કરે તો બીજા હાથીઓને પ્રથમ એમ લાગે કે છઠ્ઠાને એકલાને બે આપી. આવી ઈર્ષ્યા અટકાવવા વ્યવસ્થાપકે ફરીથી પહેલા હાથી પાસે જઈ ત્યાંથી એક પછી એક નારંગીઓ આપવાનું શરૂ કર્યું. આમ બીજી વાર છ નારંગીઓ આપી રહ્યા પછી પણ ટોપલીમાં એક વધી. બીજો કાંઈ ઉપાય ન રહ્યો તેથી વ્યવસ્થાપકે તે નારંગી હાથમાં લઈ હાથ ઊંચો કરી બધા હાથીઓને બતાવ્યું કે હવે એક જ નારંગી રહી છે; પછી, હાથ નીચો લઈ નારંગી ધીમે રહીને ફોલી વ્યવસ્થાપક પોતે તે ખાઈ ગયો. આ જોઈ હાથીઓને રમૂજ પડી હોય તેમ સહુ પોતાના ખભા ખૂબ હલાવીને ડોલ્યા.
  3. * પ્રખ્યાત હાસ્યરસલેખક સ્વિફટ જન્મારામાં કદી હસ્યો જ નહોતો એમ કહેવાય છે. પરંતુ, સ્વિફટને હમેશ એવો ભય રહેતો કે મારા કુટુંબમાંનું ગાંડપણ મારામાં પ્રકટ થશે, અને, આખરે તે ગાંડો થઈને મરી ગયો. એ તેના સ્વભાવની ખાસ હકીકત સાધારણ સ્થિતિથી જુદી પડે છે.
  4. * ભૂતેશે તે સુંદરીને સ્વપ્ન દીધું હતું કે કોઈ પુરુષ માટે પ્રેમ ધરવાથી હાનિ છે.
  5. (* ‘એવો આવે હનુમાનજી’ને ઠેકાણે ‘એવું આવે અનુમાનજી’ એવો પાઠ પ્રથમ હોવાનું આ લખનારને સાંભરે છે. પણ, તે વિશે ખાતરી નથી. છેલ્લી લીટીમાં ‘એ હનુમાનજી હશે કે મુલ્લાં સુલેમાનજી હશે’ એવો સંદેહ મૂક્યાથી જે ખૂબી આવે છે તે ‘એવો આવે હનુમાનજી’ એવું નિશ્ચયાર્થ રૂપક અહીં મૂક્યાથી ઘટી જાય છે. રૂપક અલંકારથી અભેદ દર્શાવ્યા પછી સંદેહ અલંકાર શોભતો નથી, ‘એવું આવે અનુમાનજી’ એવો પાઠ હોય તો સંદેહની એ ખૂબી જળવાય.)