સહરાની ભવ્યતા/જયંતિ દલાલ
‘ઢ સદાયનો’ નામની રચનામાં ઉમાશંકરે ‘સહરા માત્ર ભૂગોળમાં જ નહિ, દરેક માનવીને હૈયે છે.’ એમ કબૂલીને એ વાતનું દુ:ખ કર્યું છે કે માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી.
આ વ્યાપ્તિ સામે વાંધો ઉઠાવીને મેં અપવાદ શોધી આપેલો: શ્રી જયંતિ દલાલ સહરાની ભવ્યતા ધરાવે છે. મારા આ વિધાનનો કોઈએ વિરોધ કર્યો નથી. જયંતિભાઈ ત્યારે હતા. એક જુદું અમદાવાદ હતું. થોડા વખત પહેલાં શેઠ શ્રી કસ્તુરભાઈનું અવસાન થયું. જૂનીપરંપરના છેલ્લા શ્રેષ્ઠીએ વિદાય લીધી. જયંતિભાઈ નાગરિક હતા. એવા ‘નાગરિક’ જેમાં આખો ‘નગર’ શબ્દ સમાય અને સુરક્ષિત રહે. એ અમદાવાદના જાણકાર હતા, ચાહક હતા, એથેન્સમાં જેમ સૉક્રેટિસ હતા. 1963ના મે માસ દરમિયાન વલસાડમાં મળેલ વાર્તાકારસંમેલનમાં મેં એમની વાર્તાઓમાં ઘટનાતત્ત્વની ચર્ચા કરતાં ઐતિહાસિક સંદર્ભમાં પ્રસંશા કરી હતી. એવામાં જ જ્યોતિષ જાનીએ એમનુંનામ જેંતિભાઈ રાખીને પોતાની રીતે વિવેચન કરેલું. પરિચયનો એ આરંભિક તબક્કો હતો અને હું પ્રશંસક હતો છતાં જયંતિભાઈ ગુસ્સેમારા પર થયેલા. વિરોધ કે પ્રશંસાના મૂળમાં મુગ્ધતા જ હોય તો એમને મન સરખું હતું. એમના ઠપકાથી મને રીતસર ખોટું લાગેલું. એમનેસમજતાં વાર થયેલી. પછી તો એમના વ્યક્તિત્વની એક ખૂબી પણ હાથ લાગેલી.
કોઈ સાહિત્યિક–રાજકીય વ્યક્તિત્વ વિશે જયંતિભાઈનો અભિપ્રાય જાણવા ઇચ્છનારે શરૂઆત એની પ્રશંસાથી કરવાની રહેતી. વક્તાનેતુરત વિપરીત અભિપ્રાય સાંભળવા મળતો. જયંતિભાઈનું સત્ય વિરોધમાં પ્રગટતું. એમનો અવાજ નકારમાં પ્રબળ બનતો, વિશ્વાસ રણકીઊઠતો.
કીર્તિના માધ્યમથી કોઈ એમને પ્રભાવિત કરી શકતું નહીં. સર્વવ્યાપી સિદ્ધિઓને એમણે સરેરાશ ઉદારતાથી કે સભાના વિવેકથી સ્વીકારીલીધી નથી. અને પોતાની નિષ્ફળતાઓને જીવનના એકાંત ખૂણે પણ ઉધાર પાસે નોંધી નથી. એમના અવસાનના ચારેક વર્ષ પહેલાં‘આધુનિક નારી ગૃહિણી તરીકે નિષ્ફળ નીવડી છે.’ નામના પરિસંવાદમાં એમના મિત્ર આચાર્યશ્રી એસ. આર. ભટ્ટે પરિચય આપતાં કહેલુંકે દલાલ કોઈપણ પ્રવૃત્તિ શરૂ કરીને એમાં પોતાની સઘળી શક્તિઓ કામે લગાડે છે અને પ્રવૃત્તિ સફળ થવાની સ્થિતિએ પહોંચે કે એનેછોડી દે છે.
ઉમેરવું જોઈએ કે એ માટે પછી પસ્તાવો પણ નહોતા કરતા. મોટાભાગના સમીક્ષકોનાં ધોરણો બીજાઓ પર પ્રયોજાતાં રહેવાને લીધે ઊંચાંરહી શકતાં હોય છે. દલાલ પોતે જ પોતાનું દૃષ્ટાંત બનીને વાત કરનાર દૃષ્ટા હતા. પોતે જ પોતાનું પ્રમાણ બનીને લખનાર અને જીવનારએમના જેવા લેખકો ત્યારે પણ આંગળીને વેઢે ગણાય એટલા હતા.
એ ઊંચા હતા. મોટા મજબૂત ખભાના માણસ, ‘ખભા પરથી સહેજ તમારા તરફ નમતું માથું.’ ચાલવાના શોખીન. સફેદ ઝભ્ભો–લેંઘોપહેરે. શોભે, સાદગીથી. આમ તો એ સાહ્યબીના વિરોધી પણ ઘરમાં અને મિત્રોમાં ‘સાહેબ’ કહેવાતા. એ હુલામણું સંબોધન નાટકમંડળીનાપ્રેમાળ નટો દ્વારા સાંપડેલું. તા. 18-11-1909, વિક્રમ સંવત 1965ની કારતક સુદ પાંચમે એટલે કે લાભપાંચમે કે જ્ઞાનપંચમીએ એમનો જન્મથયેલો, નાગોરી શાળામાં આવેલા નાટ્યમંડળીના મકાનમાં. આમ, વાસ્તવિક અર્થમાં પણ એમનો જન્મ રંગભૂમિમાં થયો હતો. પિતાઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ના સંચાલક હતા. જયંતિભાઈનું શૈશવ જૂની રંગભૂમિના નજીકના સંપર્કમાં વીત્યું. પછી પણ એ નાટ્યપ્રવૃત્તિસાથે કેટલા બધા સંકળાયેલા રહ્યા એ સુવિદિત છે. પણ એ પ્રવૃત્તિને કારણે આવી જતી સુંવાળપ કે સૂક્ષ્મ પ્રકારની બેજવાબદારીથી એસદંતર બચ્યા છે. ગુજરાત કૉલેજમાં ભણતા ત્યારે યુવાનોની ચળવળનું નેતૃત્વ લીધેલું. 1928ના અરસામાં પ્રિન્સિપાલ શિરાઝ સામેહડતાલ પડાવેલી. રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા 1930માં કૉલેજ છોડી.
એમણે ભજવેલા નાટક ‘વીણા–વેલી’માં મેં એમને કરમચંદની ભૂમિકામાં અમદાવાદના ટાઉન હૉલમાં જોયેલા. કહે છે કે પૂર્વે એમણે એનાટકની મુખ્ય ભૂમિકા પણ કરેલી. આકાશવાણીનાં નાટકોમાં પણ અભિનય–દિગ્દર્શનની જવાબદારી ઉપાડતા રહેતા. રંજનબહેન સાથેનોશરૂઆતનો પરિચય પણ નાટકને કારણે. ઉમાશંકર–કૃત એકાંકી ‘દુર્ગા’માં એમની મુખ્ય ભૂમિકા અને જયંતિભાઈનું દિગ્દર્શન. લગ્ન આઠેકવર્ષ પછી 1947માં કર્યાં. આ વિલંબ પણ એમના વ્યક્તિત્વનો પરિચય આપી રહે છે. એ અરસામાં મોટાભાઈના કુટુંબની જવાબદારીઆવી પડી હતી, ધૈર્યપૂર્વક અદા કરતા રહ્યા ને પછી જ પોતાની જવાબદારી વધારી. કહે છે કે રંજનબહેન ત્યારે બહુ સુંદર અને તેજસ્વીલાગતાં હતાં એ સાચું હશે. પણ એમનું આ પુનર્લગ્ન હતું. એ જમાનામાં પણ પુનર્લગ્ન માટે જરૂરી હિંમત પૂરી પાડીને એ દંપતીએસામાજિક સુધારાનું કેવું મોટું દૃષ્ટાંત પૂરું પાડ્યું હશે? એથી પણ મોટી વાત તો બીજી છે. રંજનબહેનને બે બાળક હતાં. એ બાળકો અટકદલાલ ન લખે. એમના પિતાની લખે એમ ઇચ્છવું એટલું અશક્ય ન લાગે. પરંતુ પોતાનાથી બાળકો ન હોય એમ ઇચ્છવું ને એવા સંકલ્પથીજીવવું વિરલ છે. લાગણીની વહેંચણીનો પ્રશ્ન જ ઊભો ન થાય. આ અશ્રદ્ધાનો પ્રશ્ન નથી કે નથી માત્ર સાવચેતી. કોઈક વિરલો જ સિદ્ધકરી શકે એવો આદર્શ છે. એમની નિર્ભયતા સાથે એમના અનન્ય પ્રેમતત્ત્વને યાદ કરતાં ઉમાશંકરે અંજલિ આપતાં કહેલું: “અમે લોકોયુવાવસ્થામાં કહેતા કે જયંતિભાઈ એટલે ‘સનશાઈન’, સૂર્યનો ખુશનુમા તડકો, હૃદયની ઉષ્મા. દલાલ હોય અને આસપાસ કોઈ પણમાણસ વિષાદમય હોય એ બની શકે નહિ.” આ અનુભવ એમના અનેક સમકાલીનોનો હતો.
શ્રી બી. કે. મઝૂમદાર સાથે એમને બેએક વાર જીવન અને જગતની ચર્ચા કરતા સાંભળ્યા છે. સમકાલીન જગતના બધા જ પ્રશ્નો જીભનેટેરવે. વાત ક્યાંથી ક્યાં પહોંચે? માહિતી અને જ્ઞાન બંનેમાં રસ. સમાજવાદી દૃષ્ટિબિંદુથી દરેક વસ્તુને જોવાની ટેવ, વૈજ્ઞાનિક અભિગમ.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગુજરાતી રંગભૂમિની સવાશતાબ્દી ઊજવી ત્યારે આ નગરની કેટલીક ઉજ્જ્વળ પરંપરાઓ વિશે વાતકરતાં મને જયંતિભાઈ સાંભરેલા. મહાગુજરાત આંદોલન ચાલતું હતું એ દિવસોમાં હું વિસનગરના સેવાદળ છાત્રાલયમાં રહું. ઉપવાસપછી મોરારજીભાઈની સભા વખતે સેવાદળના સૈનિકો સાથે આવવાનું થયેલું. એ આંદોલન દરમિયાન એમનું નામ સામે પક્ષે ગાજતું થયેલું. ક્રૉન્ગ્રેસીઓ ઘણાં આંદોલનકારીઓની ટીકા કરતા પણ જયંતિભાઈ વિશે એલફેલ બોલવાની કોઈની હિંમત ન હતી. એમની રાજકીયપ્રતિભા નિષ્કલંક હતી. લેખક તરીકે આગલા વર્ષે જ જોયેલા. મુનશી સામે શાંત અને દૃઢ પ્રતિકાર કરીને ગુજરાતી સાહિત્ય પરિષદનેલોકશાહી બંધારણ આપવામાં એમનો પણ ફાળો હતો. પછી એ થોડાંક વર્ષ પરિષદના મંત્રી પણ રહેલા. પણ આ તો એ પહેલાંની વાત છે. ઉમાશંકર દ્વિભાષી મુંબઈ રાજ્યમાં પ્રજાનું સવિશેષ હિત જોતા હતા. જયંતિભાઈ મહાગુજરાતની લડતમાં સક્રિય હતા. ’56 પછી પણકેટલીક જવાબદારીઓ એમણે સંકલ્પપૂર્વક અદા કરી. શહીદ સ્મારક અને એ માટેના લોક આંદોલનને એમણે સમય આપ્યો. સાહિત્યપરિષદ ટેકો આપતો ઠરાવ કરે એમ પણ ઇચ્છ્યું. મતભેદ પડ્યો. અન્ય લેખકોને લાગ્યું કે ઠરાવનું સ્વરૂપ રાજકીય બની જશે. જયંતિભાઈએ તત્કાળ આગ્રહ જતો કર્યો પણ પછી પરિષદની કાર્યવાહીમાં તટસ્થ થતા ગયા. એ અરસામાં મહાગુજરાત શહીદ સ્મારકનાઆંદોલનને એમણે જે અહિંસક નેતૃત્વ પૂરું પાડ્યું હતું એને ઉમાશંકરે ઐતિહાસિક સંદર્ભમાં મૂલવી એમાં જયંતિભાઈના જાહેર જીવનનીસુવર્ણક્ષણ જોઈ છે:
‘અમદાવાદના મહાજનમાં શાંત તાકાત છે. શેઠ શાંતિદાસે શાહજહાન પાસેથી ન્યાય મેળવીને, ઔરંગઝેબે ઝૂંટવી લીધેલું મંદિર ફરી પાછુંસોંપવા માટે ફરમાન કઢાવેલું, એ અમદાવાદના મહાજનની મહાન પરંપરા જાણે ફરી સજીવન થયેલી જોવા મળતી. એકવાર ત્રણ દરવાજાઆગળ દલાલ પચાસ હજાર ઉપરાંતની મેદની સાથે ઊભા હતા અને સંપૂર્ણ શાંતિ જળવાય એ રીતે આખી વસ્તીનું નેતૃત્વ એમણે લીધુંહતું તે એમના જીવનની એક સુવર્ણ ક્ષણ હતી.’ (પૃ. 165, હૃદયમાં પડેલી છબીઓ-1)
પેટલીકર સામાજિક પ્રશ્નોમાં રસ લે કે દર્શક લોકોની સાથે કામ કરતાં કરતાં લખે એ વલણો જયંતિભાઈની દૃષ્ટિએ આવકાર્ય લેખાવાંજોઈએ. પરંતુ આદર્શવાદને એ મુગ્ધતા માનતા. અને ભલભલા બૌદ્ધિકોમાં પણ એમને મુગ્ધતા દેખાતી. એમને વિશે પણ પરસ્પર વિરોધીવિધાનો થઈ શકે એમ હતાં. રૂઢ અર્થમાં એમને શ્રદ્ધાળુ કહી શકાય તેમ નથી અને છતાં શ્રદ્ધા વિશે એમણે અભિનિવેશથી લખ્યું છે. બધાંઅજવાળાં અલોપ થઈ જાય પછી પણ ચાલતા રહેવાની શક્યતા એમનામાં જોઈ શકાતી. એમને સ્વતંત્ર ભારતના એક બૌદ્ધિકમાં જરૂરમૂકી શકાય પણ બુદ્ધિને — વ્યવહારુ બુદ્ધિને દેખાયેલી દિશામાંથી એ ક્યારે લાગણીના વળાંકે વળી જશે એ કહેવું મુશ્કેલ હતું. એમને‘સીનિકલ’ કહેવા જતાં એમની અપેક્ષાઓને–ધોરણોને ન સમજવા જેવું થાય. એ માત્ર વંધ્ય પ્રવૃત્તિઓના જ નહીં, વંધ્ય ટીકાઓના પણવિરોધી હતા. એ માત્ર નકારાત્મક પ્રતિભાવો આપનાર માણસ ન હતા. મુદ્દા કહેનાર વિચારક હતા. જયંતિભાઈ વક્તા તરીકે તો પ્રભાવકહતા જ પણ ક્યારેય એમણે માત્ર વાણીની છટાઓ પર નભવાનું આવતું નહીં. લખવામાં કે બોલવામાં ‘એમની પાસે વિચારો વધારે હોય.’ સજ્જતાવાળા વાચકો અને શ્રોતાઓ એમને સતત આદરથી જોઈ શકતા. હું બહુ સારો શ્રોતા નથી. ગમે તેને સાંભળતી વખતે આડ–વિચારેચઢી જાઉં પણ જયંતિભાઈને સાદ્યંત સાંભળી શકતો. થોડીક આત્મસ્તુતિ થશે છતાં કહું કે એમને સમજી પણ શકતો.
જયંતિભાઈ જાણતા કે ન સમજવા જેવું તો થતું જ રહેવાનું. માણસ માણસ વચ્ચે સંવાદની ઘટેલી શક્યતા અંગે એમણે આ યુગનાસંદર્ભમાં લખ્યું છે. સ્વગતોક્તિની બલ્કે આત્મોક્તિની અનિવાર્યતા એમણે સ્વીકારી છે. આ અર્થની સૂક્ષ્મતામાં એ વ્યક્તિવાદી છે. એમનાલેખનમાં ઊંડા ઊતરનારને લાગશે કે સમાજ વચ્ચે રહીને આકારતા જે માણસને એ આલેખે છે એ વ્યક્તિ મટી જતો નથી. જયંતિભાઈપોતે સમાજવાદી ન હતા, તેથી કોઈ વર્ગ–વિશેષનું એકમ ન હતા, વ્યક્તિ હતા. વ્યક્તિત્વ હતા, પ્રતાપી વ્યક્તિત્વ. મુનશીને ‘મહાવ્યક્તિ’ કહી શકાયા હોય તો દલાલ માટે આ એક વિશેષણ જરૂર ઉમેરી શકાય. પ્રતાપી! પ્રતાપ તાપ વિના તો ક્યાંથી હોય? પણ એમના તાપનામૂળમાં સ્નેહ હતો, અનૌપચારિક સ્નેહ. સમકાલીનોને ‘સનશાઈન’નો અનુભવ કરાવનાર અનુગામીઓ માટે તો નર્યા વત્સલ હતા. વિમુખકરી દે એવા અભિપ્રાયો, પરંતુ ખેંચી રાખે એવો સ્નેહ! એમની સાથે જિજ્ઞાસાથી ગયેલાને જલદ વિધાનો સાથે ઊંડો નિર્મળ સ્નેહ સાંપડે.
સાતમા દાયકાના નવલેખકોની ઘણી કૃતિઓની એમની સાથે ચર્ચા થઈ છે. સહેજ પણ ક્ષમતા વર્તાય તો વાંચ્યા વિના રહે નહીં. ચર્ચા કરે. મારી પહેલી નવલકથા ‘પૂર્વરાગ’ વિશે એમની સાથે જે ચર્ચા થઈ છે! એમણે મધુ રાયની શરૂઆતની કૃતિઓ પણ વાંચેલી. સુરેશ જોષીવિશે તો વારંવાર ચર્ચા થતી. લેખન અને સામાજિક પ્રવૃત્તિ વચ્ચે પણ એ સર્જાતા સાહિત્યના વાચન માટે સારો એવો સમય ફાળવી શકતા. ટેવ હતી. એનાં મૂળ ઊંડાં હતાં.
1939-40ની વાત છે. ‘રેખા’ માસિક શરૂ કર્યું. એની સાથે નવલેખકોની ગોષ્ઠી પણ આરંભી: રેખામંડળ. ‘નાનકડી એ ઑફિસ અને એનીબહારની ખુલ્લી જગામાં એ વખતના બૌદ્ધિકો, લેખકો, કલાકારો, સામાજિક કાર્યકરોનો અડ્ડો જામતો.’ એમાં ભાગ લેનાર લેખકો આજેયએની વાત કરતાં થાકતા નથી. જયંતિભાઈને આદરથી યાદ કરે છે. એમના વ્યક્તિત્વને કારણે એ શક્ય બનેલું. પાયામાં આ પ્રવૃત્તિ હોઈપછી સહજ રીતે જ એ નવલેખનમાં રસ લેતા હશે. કહો કે ટેવ. પોતે પ્રોત્સાહન આપીને ઉપકાર કરે છે એવા કશા ખ્યાલ વિના જ, શક્યહતું તે થતું. આમ તો પાછા એ દુરારાધ્ય હતા. એક લેખકે આગ્રહ કરીને પ્રસ્તાવના લખાવેલી. એમણે મહેનત કરીને લખી આપી. પેલાલેખક તો સ્તબ્ધ થઈ ગયા. પ્રસ્તાવનામાં કૃતિના દોષોની પણ ચર્ચા થશે એવું એમણે ધાર્યું ન હતું. જયંતિભાઈએ તો લાગ્યું હતું એ લખેલું. પેલા ભાઈ પ્રસ્તાવના છાપી ન શક્યા. જયંતિભાઈએ પછી સ્વતંત્ર લેખ તરીકે એ છપાવી હતી.
પ્રતિભા કહે છે કે જયંતિભાઈ દલાલને તોફાની છોકરાં ખૂબ જ ગમતાં. એ આંબાવાડીના ફ્લૅટમાં રહેતા હતા ત્યારે નીચે એક પટેલકુટુંબરહેતું હતું. એનાં બાળકોમાંના એકને સહુ જાડિયો કહે. આ જાડિયા સાથેનો જયંતિભાઈનો નાતો ભૂલ્યો ભુલાય તેમ નથી.
એક દિવસ એ શાકભાજીની થેલીમાં કુરકુરિયાં ભરી લાવે છે અને જયંતિભાઈની સામે જ થેલી ઠાલવીને એમને રમાડવા લાગે છે. એને માટેકશું જ બંધન નથી. કેવળ સ્નેહ છે, તેથી તો દલાલકુટુંબ શહેરમાં જીવણપોળના મકાનમાં રહેવા આવે છે પછી પણ જાડિયો અઠવાડિયેએક વાર તો મળવા આવે જ છે. એને ઘેર લગ્નપ્રસંગ આવ્યો અને ‘તું ભણતો નથી ને કૂતરાની સાથે રમ્યા કરે છે તો કૂતરાને મોતેમરીશ’ એમ કહીને ધમકાવતી માએ તે દિવસે એને પ્રેમથી સમજાવ્યો. એ કૂતરાને એની બોડમાં મૂકી આવવા રાજી થયો. પણ રસ્તામાંકૂતરાં લડ્યાં અને એક એને કરડી ગયું. આઠ દિવસ પછી એની અસર થઈ. મા સમજી ગઈ કે વાંચવું ન પડે માટે જાડિયો ઢોંગ કરે છે. પણપછી તો હકીકતે આઘાતજનક રૂપ ધારણ કર્યું, ડૉક્ટરી સારવાર લેવામાં મોડા પડ્યા હતા. હડકવા કાબૂ બહાર હતો એ દશામાં પણજાડિયાએ કહ્યું કે મારે જયંતિભાઈને મળવું છે. સમાચાર મળતાં જ એ હૉસ્પિટલ પહોંચી ગયા. એમને જોતાં જ જાડિયાની આંખમાંથીઆંસુ વહેવા લાગ્યાં. જયંતિભાઈ એને ભેટી પડ્યા. એક બિસ્કિટ ખવરાવવા પ્રયત્ન કર્યો પણ ગળે ઊતર્યું નહીં. એણે એમની હાજરીમાં, બલકે છાયામાં દેહ છોડ્યો.
તીખા તમતમતા વ્યંગ કટાક્ષ માટે જાણીતા જયંતિભાઈની અંતરંગ છબિ પેલા બુલબુલ સાથેની માયા પણ સૂચવી રહે છે. સામેનાઆસોપાલવ પરથી ઊડી આવીને જયંતિભાઈના હાથમાંથી કેળું ખાતું બુલબુલ એક દિવસ નિરાશ થઈને પાછું જાત પણ જયંતિભાઈ છેકટાઉન હૉલ સુધી ચાલતા જઈને એને માટે કેળું લઈ આવે છે. પ્રતિભાનું અનુમાન છે કે ‘મનનો માળો’ વાર્તાના મૂળમાં આ પ્રસંગ હોય.
રાધેશ્યામે અન્ય સંદર્ભે જયંતિભાઈના આ સ્વરૂપને વધુ છતું કર્યું છે: ‘તેમને રાજકારણમાં કે સાહિત્યકારણમાં અનેક વ્યક્તિઓ સાથેમતભેદ પડતા અને મતભેદો હોય જ, કેમકે તેમનો પોતાનો સ્વતંત્ર મત હંમેશા રહેતો. 1960ની આસપાસ એક વેળા ડૉ. રામમનોહરલોહિયા અમદાવાદની જીવણપોળમાં દલાલને મળ્યા ત્યારે કહે, ‘તુમ એક્ટીવ હો જાઓ!’ લોહિયાથી નારાજ દલાલે મર્મમાં ‘હં… ક્યાદાક્તર…’ કહ્યું કે લોહિયાએ ‘ચલ જયંતિ પતંગ ચગાયે’ કરી વાત પલટી નાખેલી. પ્રથમ દૃષ્ટિએ દલાલ ઉન્નતભ્રૂ લાગે પણ એવા એમણે‘હાઈબ્રાઉ’ની ઝાટકણી કાઢતાં શેહશરમ નથી અનુભવી. એ તેમનું આત્મવિવેચન હતું. એક રિક્ષાવાળો તેમનાં સલાહ–સૂચન લેવા–સાંભળવા આવેલો ત્યારે તેમની હમદર્દીનું અપ્રકટ પોત અને પાસું આ લખનારે અનુભવેલું.’
આ પ્રસંગો પછી શ્રી નિરંજન ભગતે જયંતિભાઈ માટે પ્રયોજેલાં વિશેષણોમાં અતિશયોક્તિ નહીં પણ કરકસર લાગશે.
જયંતિભાઈ સરલ ઉદાર હૃદયના સજ્જન હતા. સરલ એટલે બાળક જેવા સરલ અને તોય સંકુલતા સહિતના સરલ. સરલ થવું એ સરલનથી. આથી જ જયંતિભાઈમાં સાહસ હતું પણ તે નિ:સ્વાર્થ સાહસ. નિર્દોષ સાહસ. અભયનું સાહસ. જે ભયો — આક્રમકતા, ક્રૂરતા, દ્વેષ, વેર, હિંસા આદિ — સર્જે છે એની પ્રત્યે પણ એમનામાં અભય હતું, અભયનું સાહસ હતું. એથી જ એ એક વીર્યવંત વીરપુરુષનું જીવનજીવી ગયા. પ્રતીતિનું જીવન જીવી ગયા. જીવવું તો પોતાની શરતે જીવવું. કોઈનીયે શેહશરમ વિના જીવવું. નિ:સંકોચ, નિશ્ચલ, નિર્ભયજીવવું. મરદાનગીથી જીવવું. મુક્ત જીવવું, મૃત્યુમાં જીવવું, મરજીવવું. પોતાને જે સાચું અને સારું લાગ્યું — પછી ભલે બીજાને ગમે એટલુંખોટું અને ખરાબ લાગ્યું હોય — એને સંપૂર્ણપણે સ્વીકારીને જીવવું. વિચાર, વાણી અને વર્તનના અભેદ્ય, ઐક્યથી જીવવું. બૌદ્ધિકપ્રામાણિકતાથી જીવવું. ગાંધીજીનો સત્યાગ્રહ હોય કે સ્વયંસંચાલિત મહાગુજરાત આંદોલન હોય, સમાજવાદ હોય કે ગુજરાતી સાહિત્યપરિષદ હોય — પ્રજાજીવનમાં જયંતિભાઈનું જે કર્મ હતું એ સાહસનું કર્મ હતું. સ્વાર્થનું, સ્વરક્ષણનું કે સગવડિયા સમાધાનનું કર્મ ન હતું.
શબ્દ અને કર્મના અભેદ જેવો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે વતન સાથેના ઐક્યનો. નિરંજનભાઈ ડિકન્સની નવલકથાઓમાં જીવંત લંડનનોદાખલો આપીને જયંતિભાઈ કૃત ‘શહેરની શેરી’ની વિશેષતાઓ જણાવે છે. વિનોદિની નીલકંઠ કહે છે કે ‘ઉત્તરાયણના દિવસેજીવણપોળના મકાનની અગાસી ઉપર જાણે મોટો મેળો જ ભરાતો. અન્નપૂર્ણા સમાં રંજનબહેનના રસોડામાંથી જથ્થાબંધ નાસ્તો ઉપરઆવતો જે બધાં મોજથી આરોગતાં.’ ખાવા કરતાં ખવડાવવામાં વધુ રસ પડતો અને આજે પણ ઘણાને એ અનુભવ રંજનબહેન કરાવે છે. પિનાકિન ઠાકોરે તો નાટકનાં સંસ્મરણો લખવાં હતાં પણ એ આતિથ્ય પર ભાર મૂક્યા વિના રહી શકતા નથી. સાચે જ આ દંપતિની સૌથીમોટી સાહ્યબી છે આતિથ્ય.
મારે જાણવું હતું જયંતિભાઈના ગુસ્સા વિશે. જેના કટાક્ષ મર્મભેદી હોય એ પ્રતાપી પુરુષ અંગત જીવનમાં કેવી રીતે વર્તતા હશે એવો પ્રશ્નકરતાં રંજનબહેને કહેલું કે મને યાદ નથી કે સાહેબ મારા પર ગુસ્સે થયા હોય. મને એમ કે સદ્ગત પતિ પ્રત્યેના આદરને કારણેરંજનબહેન આવી શિષ્ટતા દાખવતાં હશે. તેથી પ્રશ્નોત્તરી વખતે ભારપૂર્વક પૂછ્યું તો કહે: ‘સાહેબને મેં ગુસ્સે ભરેલા ચહેરામાં જોયા જનથી. એક વખત પણ મારી પર ગુસ્સે થવા જેવું બન્યું હોત, તો હું દૃષ્ટાંત આપી શકત કે સાહેબ ક્યારે, કેવી રીતે ગુસ્સે થયા હતા. તેઓતો મને એવી રીતે સાચવતા કે જાણે હું ફૂલની કળી હોઉં.’ જયંતિભાઈ ક્યારેક અપવાદરૂપે ગુસ્સા થયેલા છે એ હકીકત શ્રી મહેન્દ્રભાઈદેસાઈના લેખમાંથી જાણવા મળી. મુંબઈ રાજ્યના કેળવણીખાતાનાં નિર્મળા રાજેએ ધારાસભ્યોના જવાબમાં ‘તમારું સૂચન ધ્યાનમાં છે જ— વિચારાશે.’ કહીને જ જવાબદારી અદા કરી છતાં તેથી એમનો ઉપહાસ કરવા કેટલાક ધારાસભ્યોની તજવીજથી શ્રી પી. સી. પટેલેપૂછ્યું: ‘માનનીય નાયબ મંત્રીશ્રી અમને આમ ક્યાં સુધી ધવડાવ્યા કરશે?’ ગુજરાતી જાણનારાઓના હાસ્યથી આખું સભાગૃહ ગાજીઊઠેલું પણ જયંતિભાઈ નહોતા હસ્યા. ગુસ્સેથી લાલ લાલ થઈ સભાગૃહ છોડી ગયા હતા.
જયંતિભાઈના જીવનમાં જે માનવમૂલ્યો ઉપસ્યાં છે એમાં આ સ્ત્રીપુરુષની સમાનતાની સમજણથી હું સવિશેષ પ્રભાવિત છું. વસુબહેનકરતાં પણ વધુ આ અંગે વિચારતા લાગે છે કે મૂળ વાત તો જીવનસંખ્યાના દાખલામાં દેખાય છે એથીયે વધુ મોટી છે. જયંતિભાઈ કોઈનાપર ગુસ્સે થયા નથી. પેલાં મહિલા મંત્રી સામે શ્લેષની રમત રમાઈ એમાં બધા હાસ્યથી જોડાઈ ગયા, ત્યાં જયંતિભાઈ જુદા તરી આવ્યા. કેવો વિવેક, કેવો સંયમ! એમણે કેળવેલો સંયમ એ સૂચવે છે કે એ મોટા ગજાના માણસ હતા. આ સંયમ એ એમના વ્યાપક પ્રભાવનું એકકારણ હોઈ શકે. કેવો હતો એ પ્રભાવ? વિનોદ અધ્વર્યુ લખે છે: ‘વિનોબાજીને સભામાં — લોકભીડમાં થઈને મંચ સુધી કેમ પહોંચાડવાતેની મૂંઝવણમાં કાર્યકરો ચિંતિત હતા ત્યારે દલાલના સહેજ ઇશારે આત્મશિસ્તથી લોકોને ભીડ વચ્ચે આપોઆપ ગલી પાડી દેતા જોયાછે, ડર લાગે એવા દેખાતા માણસને, દલાલનું નામ ઉચ્ચારતાં ચોરેલી ચીજ પરત કરી દેતા જાણ્યા છે. દલાલની સહેજ નજરને ઠપકેપત્નીને પીડતા દારૂડિયા પતિને શરમાતો સાંભળ્યો છે, તો દલાલનેય માણકચોકની લૂંટાયેલી, બાળેલી દુકાનને, કોઈની રહેંસી નાખેલી લાશજોઈએ તેમ લાગણીપૂર્વક નિહાળતા જોયા છે.
દલાલ આ બધાં કારણે પ્રજાપુરુષ તરીકે જુદા પડે છે. જાહેર જીવનમાં પડેલા માણસો જાણે કે એકપાર્શ્વી (વન ડાયન્મેન્શનલ) હોય, એવીછાપ પડે છે. જયંતિભાઈ જીવનની સઘળી વિધેયાત્મક સંકુલતા ધરાવતા પ્રજાપુરુષ હતા એ હકીકત અહીંના અનેક સંસ્મરણો દ્વારા પુષ્ટથાય છે. ભારતમાં લોકશાહી સમાજના વિકાસમાં કેવા પ્રજાપુરુષો સવિશેષ ફાળો આપી શકે એનો એક ઉત્તર જયંતિભાઈ હતા. શ્રીપુરુષોત્તમ માવળંકરે ‘વિરોધ–અસંમતિમાં પ્રગટતું સત્ય’ નામના લેખમાં જણાવ્યું છે તેમ જગતના લોકશાહી દેશોના પ્રશ્નો અને એને લગતીજ્ઞાનગોષ્ઠીમાં જયંતિભાઈ રોજેરોજ રસ લેતા. મનુષ્ય એની તુચ્છતાઓમાંથી બહાર આવી વિચારપૂર્વક જીવતો થાય, અહિંસા અને પ્રેમદ્વારા વિશ્વચેતના સાથે જોડાય એવી શક્યતા સ્વીકારીને ચાલનાર એ એક સ્વપ્નદૃષ્ટા હતા. એ વિરાટ મેદનીમાં ઊભા છે અને અનાગતપ્રકાશ ભણી એમની નજર છે.
એ સર્વસ્વીકૃત હકીકત છે કે જયંતિભાઈ મોટા ગજાના માણસ હતા. દેશમાં જે સ્થાન જયપ્રકાશજીનું હતું એવું સ્થાન ગુજરાતમાંજયંતિભાઈનું હતું. શ્રી સનત મહેતાએ નોંધેલો એક પ્રસંગ અહીં યાદ આવે છે. જયપ્રકાશજીને સાંભળવા આવેલી વિશાળ મેદનીને એમણેકેટલી સહજ શ્રદ્ધાથી જીતી લીધી! ગમે તેવી કટોકટીભરી પરિસ્થિતિને સ્વસ્થતાથી હલ કરવાની અજબ તાકાત જયંતિભાઈમાં હતી.
મેં વાર્તાસંગ્રહ ‘આકસ્મિક સ્પર્શ’ એમને બીજા બે લેખકો સાથે અર્પણ કરેલો. એમને ઘેર કે પ્રેસ પર વારંવાર જાઉં પણ વાર્તાસંગ્રહ લઈજવાનું ચૂકી જાઉં. એ વાતને બેએક વરસ થઈ ગયાં હશે. ટાઉન હૉલ પાસે કશીક વાત નીકળી ને મેં કહ્યું: ‘એ સંગ્રહ પહોંચાડવાનું રહીગયું.’ કહે: હવે તો આખું બંડલ લઈને આવજો. ‘બંડલ’ પરનો શ્લેષ સમજાય એવો કાકુ. હું કંઈક વધુ ઝડપથી લખું છું એવી છાપ પડીહશે. ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’ પહેલી આવૃત્તિમાં ભેગાં છાપેલાં. એમની સાથે લાભશંકરનો પત્ર મૂક્યો હતો. ‘આ નિમિત્તે તમારીમૈત્રી સંધાઈ એ સારું થયું.’ — એક કહીને લેખન સાથે માનવસંબંધને એમણે ભારપૂર્વક જોડેલો. હું ને લાભશંકર દ્વારકામાં લડેલા ત્યારેયઅને એની આગળપાછળ નજીકના મિત્રો રહ્યા છીએ એ જાણીને રાજી થયેલા. ‘અશોકવન’ વિશે ચર્ચા કરવા મને બોલાવેલો. એમનેકેટલીક સંદિગ્ધતાઓ દેખાયેલી. ‘નાટક વિશે’ એમના મરણોત્તર પ્રકાશનમાં એ લેખ છે, અધૂરો… એ એમનો છેલ્લો વિવેચન–લેખ છે. અવસાનના ત્રણ દિવસ પૂર્વે 22મી ઑગસ્ટે એ અધૂરો લેખ ‘ગ્રંથ’ના તંત્રીને મોકલતાં સાથેના પત્રમાં એમણે લખાવ્યું હતું: ‘થોડું ઘણું લખ્યુંઅને પછી તો તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે એટલા માટે ‘ગ્રંથ’નું રોકી રાખવું મુનાસિબ નથી. જો બન્ને નાટક બીજા કોઈનેઆપી શકો તો એક દૃષ્ટિ સાંપડે, ને મને એમાં જરાકે ઓછું નહીં લાગે. જેટલું લખેલું છે તેટલું આ સાથે બીડ્યું છે. ઠીક લાગે તો ઉપયોગકરશો, નહિ તો કાઢી નાખજો.’ (પૃ. 162, નાટક વિશે) મુદતી કામોને અગ્રતા આપી પૂરાં કરવાની એમની ચીવટ અનેક પ્રસંગે વરતાતી.
નાટ્યપ્રવૃત્તિ સાથે એ સાદ્યંત સંકળાયેલા રહ્યા. નાટક જોવા જવાનો એમને થાક ન હતો. પ્રયોગશીલ કે અમુક કક્ષાની ફિલ્મો પણ એ અચૂકજોતા. 1934ના અરસામાં એમણે એક ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું: ‘બિખરે મોતી’. ટિકિટબારી પર ન ચાલ્યું. ઉમાશંકરને એમણે કહેલું: ‘આમાં ખરી મજા તો થિયેટરવાળાની છે. એ કહે છે કે મારા થિયેટરને કલંક લાગ્યું.’ જયંતિભાઈ સમજતા કે સારી વસ્તુ માટે સહનકરવાની, ખોટ ખાવાની તૈયારી બહુ ઓછાની હોય છે. કોઈ ન હોય ત્યારે છેવટે એ એકલા પોતાનો ખભો ધરવા તૈયાર હતા.
ભારતીય ભાષાઓમાં બોલતાં ચલચિત્રોનો આરંભ 1930થી થયો. એમાંય પ્રથમ કથાચિત્ર તો 1931માં ઊતર્યું. ગુજરાતીની પહેલી ફિલ્મ‘નરસી મહેતા’ 1932માં ઊતરી અને 1934માં જયંતિભાઈ કલાનો પ્રયોગ કરવા ગયા!
મહાગુજરાત આંદોલનના અરસામાં રાજકીય કેસની ઊલટતપાસમાં વકીલ પૂછે કે ‘બિખરે મોતી’ના વાર્તાલેખક, મુખ્ય અભિનેતા, દિગ્દર્શકએ બધું તમે પોતે જ હતા? તો જયંતિભાઈનો આ જ જવાબ હોય! ‘હા જી, અને બે દિવસ પછી એનો પ્રેક્ષક પણ હું એકલો જ હતો!’ નાનામોટા ઘણાનો અનુભવ છે કે જયંતિભાઈની ઉત્તમ મજાકો એમના પોતાના ભોગે જ હોય!
આવી એક ઉત્તમ મજાક તે એમનું ધારાસભામાં હારવું! એક વાર ચૂંટાઈને સુંદર કામગીરી કર્યા પછી 1962ની ચૂંટણીમાં એ હાર્યા હતા! કોઈ કહેતાં કોઈ કારણે એમણે હારવા જેવું ન હતું. મતદારો પણ કાચા અને પછાત ન હતા. છતાં એ હારેલા એ હકીકત છે. અમદાવાદમાંના એમના મતદાર વિસ્તારની એકેએક પોળથી એ પરિચિત હતા. એ કોને નહોતા ઓળખતા? મવાલીઓ, મજૂરો, લારીવાળાઓ, નાનામોટા દુકાનદારો, ઘડિયાળના કાંટે જીવતા મુનીમજીઓ, નાટકવાળા, છાપાંવાળા, લખનારા, લખવાનું છોડી ચૂકેલા જુદાજુદા રાજકીય પક્ષોના કાર્યકરો — સહુને એ ઓળખે, માત્ર નામથી નહીં, એમના જીવનની નાની વિગતો સાથે. કોણ ક્યારે મરી ગયું એપણ એમને યાદ હોય. ખબર કાઢવા ન જઈ શક્યા હોય તો છેવટે સ્મશાને તો જઈ આવ્યા હોય જ.
સર્જનને એ લેખકના વ્યક્તિત્વનો આવિષ્કાર માનતા. લેખકના વ્યક્તિત્વમાં સમકાલીન સમાજ એની સંકુલતા સાથે સમાયો હોય. તટસ્થતાપૂર્વકના તાદાત્મ્યની વાતમાં રહેલો ઉપકારક અંશ એ સ્વીકારતા પણ સર્જકે એની સૃષ્ટિમાં ગેરહાજર રહેવું જોઈએ એવું એમાનતા નહીં. સર્જક અને સર્જનનો નાતો સ્વીકારતા, સર્જનના સ્વાતંત્ર્ય સાથે જે સર્જાયું એમાં લેખક પ્રતિબદ્ધ છે એમ પણ એ કહેતા.
એ લોકાભિમુખ તો સંકલ્પથી જ હતા પણ એમની લોકાભિમુખતા કોઈ પ્રચારકની ન હતી, એક સર્જકની હતી. સમકાલીનોને સર્જક દલાલઅઘરા પડ્યા છે. મેઘાણી જેવા મેઘાણી પણ જયંતિભાઈની નવલકથા ‘ધીમુ અને વિભા’ને ફુલાવેલી વાર્તા કહી બેઠેલા. એ અરસામાં આકૃતિમાં અદ્યતન નવલકથાનો આરંભ તો કોઈ વિવેચકને દેખાયો નથી. કેટલાકે પછી પશ્ચાત્દર્શન કર્યું છે. ‘પાદરનાં તીરથ’માં માનવવાસનાનુંનક્કર ચિત્રણ ભૂલ્યું ભુલાય તેમ નથી. વાર્તા અને એકાંકીમાં એમની પહેલ સ્વીકારાઈ છે. વાર્તાકાર તરીકે એમની સિદ્ધિઓ મોટી છે. નિબંધપ્રકારના લેખનમાં એમની ભાષાશક્તિ સાથે એમનાં વ્યક્તિત્વનાં લક્ષણો પ્રગટે છે. સહેજ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે ગુજરાતીભાષા એમને બરોબર આવડે છે. એક જ લેખ પરથી એમના અધ્યયનનો ખ્યાલ મેળવવો હોય તો એગેમેમ્નોનના અનુવાદ સાથેની એમનીપ્રસ્તાવના જોવી.
એમણે કરેલા અનુવાદોની શલાકાપરીક્ષા કરી કોઈએ અર્થચ્છાયાના વિકલ્પો સૂચવ્યા હશે. એ ખરું કે એ ઝડપથી અનુવાદ કરતા. લખવાનીઝડપ જ વિરલ. અક્ષર સુંદર. એમની કેટલીક ટૂંકી વાર્તાઓ અને નાટક ‘જાણતે છતે’ એમના અક્ષરમાં વાંચવા મળેલાં. અનુવાદો થતા અનેછપાતા. પણ તૉલ્સ્તૉય કૃત ‘યુદ્ધ અને શાંતિ’ જેવી મહાનવલનો અનુવાદ કરવાનો એમને વિચાર આવ્યો અને આરંભ કરી દીધો. ગુજરાતીઓએ પર્વતારોહણ તો પછી શરૂ કર્યું. કદાચ ભારતીય ભાષાઓમાં આ પ્રથમ અનુવાદ છે. ગંજાવર કામો પણ એમની શક્તિઓનેઅનુકૂળ હતાં.
જેનું નામ પાછળથી ‘નિરીક્ષક’ નક્કી થયું એ સાપ્તાહિકની પૂર્વયોજનાની પહેલી બેઠકમાં એ જતા હતા. વસંત પ્રેસમાંથી અમે ચાલતાનીકળેલા. મને સૂઝ્યું તે કહ્યું: ‘તમે તંત્રી થાઓ તો સાપ્તાહિક સારું ચાલે.’ એ જરા ઊભા રહ્યા. બોલ્યા: ‘એવી જવાબદારી સ્વીકારી શકુંતેમ નથી. માથે દેવું છે અને વારસામાં હું દેવું મૂકી જવા માગતો નથી.’
એ પૂર્વે અનેકવાર મળેલો. અંગત વાતો પણ થયેલી. ખ્યાલ આવેલો નહીં કે એમને માથે દેવું હશે. હું એમ જ માનતો હતો કે એજીવણપોળમાં રહે છે એ ત્રણ માળનું, પુસ્તકોના વજનવાળું મકાન, પ્રેસની જગા અને આ ઘેલાભાઈની વાડીનો વિસ્તાર — એ બધું એમનેવારસામાં મળ્યું હશે. આ બધામાંથી એમનું કશું જ નથી એ હકીકત મને વાજબી ન લાગી. બલ્કે સહેજ આંચકો લાગ્યો.
અવસાનના ત્રણેક વર્ષ પહેલાં 1967માં એમણે લાંબી બીમારી ભોગવી. એલોપથી માટે સલાહો તો મળી જ હશે, કોઈકે આગ્રહપૂર્વક કહ્યુંહશે, પણ એમણે હોમિયોપથી ન છોડી. ખૂબ ધીમી ગતિએ સ્વાસ્થ્ય પાછું મળ્યું. કહેતા હતા કે હવે જે વર્ષો મળ્યાં છે એ મારાં નથી, આલોકોનાં છે — રંજનબહેન અને કુટુંબીજનોની ગેરહાજરીમાં સારવાર વિશે કહેતા હતા.
એમને થતું કે એક દાયકો એમની પાસે છે. બધી ગ્રીક ટ્રેજેડી ગુજરાતીમાં ઉતારવી હતી. ગુજરાતી ભાવકોને કરુણ ભવ્યનો અનુભવઆપતા જવું હતું. પણ દસમાંથી સાત વરસ સિલકમાં રાખીને એમણે વિદાય લીધી.
એમના અવસાનના દિવસે હું મારે ગામ ગયેલો હતો. આવ્યા પછી પણ એ બાજુ જવાની હિંમત ન ચાલી. એમના વિનાના અમદાવાદના એવિસ્તારમાં પગ મૂકવો એટલે વાતશૂન્ય અવકાશમાં શ્વાસ લેવા પ્રયત્ન કરવો.