સાફલ્યટાણું/૩. વિનીત થયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. વિનીત થયો

અસહકારની શરૂઆતના એ દિવસો યાદ કરતાં જેમ કોઈ ઊંચા ગિરિશિખર પરથી કે વિમાનમાંથી ધરતીના જુદા જુદા ભૂમિખંડો એકબીજામાં ગૂંથાઈ ગયેલા દેખાય તેમ વિગતો જાણે કે પૂર્વાપર સંબંધ ઓગાળી નાખી એકબીજામાં ઓતપ્રોત થયેલી મનમાં ઊભરાય છે. અસહકારના પંચવિધ બહિષ્કારના કાર્યક્રમ પૈકી શાળા-મહાશાળાઓના બહિષ્કારના આહ્વાને મને અસહકારના રંગથી રંગ્યો. એમાં ગાંધીજીના વ્યક્તિત્વનું આકર્ષણ સૌથી મોટું હતું, પણ બીજાં પણ કેટલાંય ગુરુત્વાકર્ષણોથી જાણે કે દેશની કાયા પલટાઈ રહી હતી. એ આહ્વાને અનેક વિભૂતિઓને નેતૃત્વનો બોજ આપી દેશ સમક્ષ ધરી દીધી. કલુ-દલુ જો આપણા ઘરઆંગણાના ચેતનફુવારા હતા તો ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરતા અનેક ભવ્ય સ્રોતો દેશના જુદા જુદા ભાગમાંથી આપણે ત્યાં વહેતા થયા હતા.

અખૂટ ચેતના ને પ્રેરણાના એવા એક ભાવનાસભર સ્રોત હતા આચાર્ય ગિદવાણી. મારી આ જીવનયાત્રામાં મારા પર એમનું કેવું ભારે ઋણ છે તેનો અંદાજ કાઢવાનું મારી શક્તિ બહાર છે. એમને પહેલવહેલા મેં ક્યાં સાંભળ્યા ભરૂચ કે સુરતમાં તે યાદ નથી. એમને એ વખતની જાહેરસભાઓમાં કેટલી વાર સાંભળ્યા તેનો પણ કશો હિસાબ આપી શકાય એમ નથી; પણ આજે જ્યારે એ વખતની સ્મૃતિઓ તાજી થાય છે ત્યારે પ્રાચીન રોમની સેનેટનો કોઈ પ્રતિભાવંત સેનેટર આપણે ત્યાં ઊતરી આવ્યો હોય એવી શ્વેત ખાદીના ઝભ્ભા ઉપર જનોઈઢબે શાલ-વેષ્ટિત એક ભવ્ય આકૃતિ અડધી સદીના કાળના પડદાને હટાવી દૃષ્ટિગોચર થાય છે, આર્ષવાણીની ઝાંખી કરાવે એવી ગિરા ફરીથી પ્રાણમાં ગુંજી ઊઠે છે, ને તે દ્દિ નો વિસા તા: એવો એક ઉદ્ગાર મનમાંથી નીકળી જાય છે. એમના મુગ્ધ શ્રોતા અમે સૌ કિશોર ને તરુણો એમની વાક્છટા ને ભાષાવૈભવના રસિયા હતા. અંગ્રેજીનો અમારે મન ભારે મહિમા હતો. દર અઠવાડિયે' યંગ ઈંડિયા'માં આવતાં ગાંધીજીનાં લખાણોનું ગદ્ય, એમની વેધકતા ને ભાષા ઉપરનું એમનું પ્રભુત્વ અમે વધુ ને વધુ મુગ્ધતાથી એમાંનાં વાક્યો ને લાક્ષણિક શબ્દપ્રયોગો મોઢે થઈ જાય એ રીતે ચર્ચતા. એવી જ ભૂરકી ગિદવાણીજીએ પણ અમારા પર નાખી.

ગિદવાણીજીની વાણીનું વશીકરણ કેવું ભારે હતું એ શબ્દોથી ભાગ્યે જ દાખવી શકાશે. સંભવ છે કે એ વખતની એક સભાના નિર્દેશથી એનો કંઈક ખ્યાલ આવશે.

કોઈ પ્રચંડ ધોધ પડતો હોય એવી અસ્ખલિત એમની વાણી સાંભળતા અમે એ સભામાં બેઠા હતા. એમને શબ્દે શબ્દે જાતને ભૂલી એ જેમ દોરે તેમ જાણે કે અમે દોરવાયે જતા હતા. એ શબ્દો બધા તો ક્યાંથી યાદ રહ્યા હોય! પણ જે થોડુંઘણું યાદ છે તે પૈકી કેટલુંક આ પ્રકારનું હતું: “When Mother India is in bondages will you cling to these institutions * and hug the chains that bind her? How long will you suffer the humiliation and indignity of having on your _person foreign clothes, buttons, pens, watches etc. that are poisoning your mind and soul like venomous reptiles? અર્થાત્ ભારતમાતા પરાધીનતાની બેડીમાં છે ત્યારે ક્યાં સુધી એ બેડીઓને આલિંગતા તમે આ સંસ્થાઓને વળગી રહેશો? ક્યાં સુધી ઝેરી સર્પોની જેમ તમારા મન અને આત્માને દૂષિત કરતાં વિદેશી વસ્રો, બટન, પેન, ઘડિયાળ આદિને તમારા અંગ પર રાખવાની ક્ષુદ્રતા ને હીણપત તમે વેઠશો? એમનાં આ વાક્યો પૂરાં થાય ન થાય ત્યાં તો મારી પાસે બેઠેલા ઈન્ટર આર્ટ્સની પરીક્ષા માટે તૈયારી કરતા મારા એક મિત્રે થોડા જ દિવસ પહેલાં ખરીદેલી દોઢસો રૂપિયાની તે જમાનામાં ખૂબ કીમતી લેખાય એવી કાંડાઘડિયાળ જમીન પર પછાડી ફગાવી દીધી! ગજબનું હતું એ વશીકરણ. સુંદરમ્‌ને સત્યાગ્રહની લડત વખતે ‘સાફલ્યટાણું'માં લાધેલું દર્શન રોજ રોજ નજર આગળ ભજવાતું અમે જોતા અને એના વધતા જતા અદમ્ય નશામાં અમે એકબીજા સાથે ત્યાગની હોડમાં ઊતરતા. ગિદવાણીજીને સાંભળ્યા પછી એમના સાંનિધ્યની ઝંખના પ્રબળપણે મારા મનમાં જાગી અને હું એ માટેની તક શોધવા લાગ્યો.

એમનું નામ સૂચવે છે તેમ ગિદવાણીજી મૂળે સિંધી. અસહકાર વખતે દિલ્હીની રામજસ કૉલેજના આચાર્યપદે એ હતા. શાળા-કૉલેજના બહિષ્કારની હાકલના જવાબમાં આચાર્યપદનો ત્યાગ કરી પોતાની જાત તેમણે ગાંધીજીને ચરણે ધરી દીધી હતી ને ગાંધીજીએ તેમને ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકપદની ને ગુજરાત મહાવિદ્યાલયના આચાર્યપદની જવાબદારી સોંપી હતી. એમની આયોજનશક્તિ ને સર્જક પ્રતિભા કેવી અમોઘ હતી તે પ્રચંડ ઝંઝાવાતમાં પણ એની અપૂર્વશ્રી સાથે દૃષ્ટિગોચર થવા લાગ્યું. ગુજરાત મહાવિદ્યાલયનું ગ્રંથાલય એનું એક ઉત્તમ પ્રતીક બન્યું.

એ ગ્રંથાલય જ્યારે જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું ત્યારે કોઈ અપૂર્વ સંવેદના મેં અનુભવી. શક, હૂણ આદિ વિદેશીઓનાં આક્રમણોને ખાળતા પ્રચંડ ધનુષટંકારોથી પોતાની ચોમેરની સીમાઓ જ્યારે ગાજી રહી હતી ત્યારે એ ધનુષટંકારથી પોતાના મનની સ્વસ્થતાને વિચલિત થવા દીધા વિન રઘુકુળના દિગ્વિજયને અમર કવિતામાં ઉતારતા કાલિદાસની સારસ્વત ચેતન જાણે ત્યાં ચોમેરના સ્વાધીનતા માટેના તુમુલ ઝંઝાવાતોમાં નવપલ્લવિત થતી સુષમાભરી વિલસી રહી હતી. ગિદવાણીજીના જ્ઞાનનું ફલક કેવું વિશાળ હતું એનો જોતાંવેંત જ ખ્યાલ આવે એવો વૈભવવંતો એ ગ્રંથભંડાર એટલા ટૂંકા સમયમાં એ કેવી રીતે એકઠો કરી શક્યા હશે એ નવાઈ પમાડે એવું હતું. ખુલ્લી છાજલી (open shelf) વાળી એની યોજના મારે માટે તદ્દન નવી ને ભારે કુતૂહલપ્રેરક હતી, કોઈની પણ રોકટોક વિના ગમે તે છાજલી પરથી પુસ્તક ઉપાડી ત્યાં બેસી તમે વાંચી શકો ને જરૂરી નોંધ કરી શકો એ માટેની સગવડો ત્યાં પૂરતા પ્રમાણમાં ઊભી કરવામાં આવી હતી. ત્યાં અભ્યાસમાં નિમગ્ન વિદ્યાર્થીઓ ને પંડિતોને જોવા એ કોઈ તીર્થભૂમિમાં આવેલા મંદિરની શાંતિ ને શુચિતામાં પ્રવેશ્યા જેવી અનુભૂતિ હતી.

અને જો વિદ્યાપીઠના ગ્રંથાલયમાં આપણને જ્ઞાનોપાસના માટેના ગિદવાણીજીના યોગનું આ દર્શન લાધતું હતું તો વિદ્યાપીઠના મકાનથી થોડે દૂર કોચરબ આશ્રમ પાસે ગિદવાણીજીએ સ્થાપેલા સ્વરાજ આશ્રમમાં એમના યોગનું બીજું એવું પ્રાણવાન પાસું જોવા મળતું હતું. સ્વરાજ માટે ગાંધીજીની અધીરાઈને સીમા ન હતી. એક વર્ષમાં દેશને સ્વરાજ મેળવી આપવાનો એમણે કોલ આપ્યો હતો. ‘એક વર્ષમાં સ્વરાજ' શબ્દપ્રયોગે જાણે કે એક પ્રકારની મંત્રશક્તિ મેળવી લીધી હતી. આ ભવ્ય રાષ્ટ્રયજ્ઞમાં આપણે રખે રહી જઈએ એ ઝંખના આબાલવૃદ્ધ લાખો ને કરોડો લોકોનાં હૈયામાં થનગની ઊઠી હતી. એક કરોડનો ટિળક ફાળો, કૉંગ્રેસના કરોડ સભ્યો ને વીસ લાખ રેંટિયાના ગુંજારવથી દેશને ભરી દેવાના કાર્યક્રમને પાર પાડવા અસંખ્ય જણે પોતપોતાની શક્તિને રુચિ અનુસાર ઝંપલાવ્યું હતું. શાળા-પાઠશાળા છોડી આવેલા વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની સગવડ વિદ્યાપીઠોની સ્થાપના કરી ગાંધીજીએ ઊભી કરી આપી. પણ તેમના લોભને થોભ ન હતો. સ્વરાજ તેમને સૂતરના તાંતણામાં દેખાતું થયું હતું. એમના અહિંસક યુદ્ધમાં તોપ, બંદૂક, ટેંક, બોમ્બર, સબમરીન આદિ જે કંઈ તે વખતનાં પ્રચલિત યુદ્ધશસ્રો હતાં તે બધાં તેમને મન રેંટિયામાં સમાઈ ગયાં હતાં. દેશ રેંટિયાને અપનાવી લે ને ઘેરઘેર રેંટિયા ગુંજતા થઈ જાય તો જોતજોતામાં અંગ્રેજોને અહીંથી ઉચાળા ભરી વિલાયત જતા રહેવું પડે એવું ચિત્ર તેમનાં વ્યાખ્યાનોમાં તે દોરતા. આના જવાબમાં વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં કાંતણને સ્થાન મળ્યું. પહેલાં તો લગભગ ચાર કલાક જેટલો સમય એમાં આપવાનું નક્કી થયું; પણ વ્યવહારમાં લાકેક જેટલું જ અમલમાં મુકાવા માંડ્યું. એટલે ગાંધીજીએ યુદ્ધ સમયના વિદ્યાર્થીધર્મની વાત શરૂ કરી. યુદ્ધમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પુસ્તકોને અભરાઈએ ચડાવી શસ્ર સજી રણભૂમિ પર ધસી જતા હોય છે. રવિબાબુ સાથે એમને આ અરસામાં જે સંવાદ થયો તેમાં પણ આ જ વાત ભારપૂર્વક કરતાં એમણે કહ્યું કે, “When the house is on fire the poet lays aside his lyre.' ઘર જ્યારે ભડકે બળતું હોય ત્યારે વીણાને બાજુએ મૂકી દઈ પાણીની ડોલ ભરી આગ ઠારવા દોડી જવાના કવિધર્મની વાત તેમણે કહી. ગિદવાણીજીએ ગાંધીજીની વાતનો આ તંતુ પકડી લઈ શાળા-પાઠશાળા છોડી આવેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓ આખો વખતના રચનાત્મક કાર્યક્રમમાં જોડાઈ જઈ સ્વાધીનતાના સૈનિક થવા માગતા હોય તેમને માટે અલગ સંસ્થાની સ્થાપનાનો વિચાર કર્યો ને એ માટે ગાંધીજીની અનુમતિ મેળવી કોચરબ આશ્રમ નજીક આવેલા ડાહ્યાભાઈ ઈજતરામના બંગલામાં તેમણે સ્વરાજ આશ્રમની સ્થાપના કરી ને ત્યાં પોતાનું નિવાસસ્થાન પણ બનાવ્યું. સ્વરાજ આશ્રમમાં એક જ કાર્યક્રમ હતો – કાંતવાનો ને કાંતણ શીખવવાનો. ને એ રીતે તૈયાર થયેલા વિદ્યાર્થીઓને ગામડાંઓમાં પ્રચાર અર્થે મોકલવાનો. એ વખતે કાંતવાની પ્રવૃત્તિએ આશ્ચર્યજનક આકર્ષણ જમાવ્યું હતું. એમાં જ જાણે મુક્તિની અમોધ શક્તિ હોય એવી પ્રાણવાન હવા એણે ઊભી કરી હતી, એટલે એ પ્રવૃત્તિના પોતાના આગવા આકર્ષણ ઉપરાંત ગિદવાણીજીના વ્યક્તિત્વનું પણ ભારે મોટું વશીકરણ હતું. સ્વરાજ આશ્રમમાં રહેનારા એમના સાચા અંતેવાસી બન્યા. ગ્રંથના શબ્દોને સ્થાને કાર્યમાંથી અનુભવાતાં મૂલ્યો ને સત્યોથી આર્ષતાને પામતી તેમની વાણીની એ આશ્રમના અંતેવાસીઓ માટે ડગલે ને પગલે લહાણ થવા માંડી ને આશ્રમ” શબ્દની સાર્થતા ત્યાં સિદ્ધ થતી હોવાનું અનુભવાતું થયું.

આ બધી વાતો અમારા સુધી પહોંચતાં ભટ્ટાચાર્યે મને સ્વરાજ આશ્રમમાં જઈ કાંતણ શીખી આવવાનું સૂચન કર્યું. મારે માટે એ સરલ ન હતું. અમદાવાદ જવા માટેનું ગાડીભાડું, ત્યાં જતાંવેંત ઊતરવાનું સ્થાન એ બધા મૂંઝવે એવા મહાપ્રશ્નો હતા, પણ ભટ્ટાચાર્યે વાતવાતમાં એનો તોડ કાઢ્યો. એમણે પોતે પણ આ બધું નજરોનજર જોવાનું વિચાર્યું. રાતે રાત ખાદીનો લાંબો ઝભ્ભો તેમણે પણ સિવડાવી લીધો ને અમે બંને અમદાવાદ પહોંચ્યા.

અમદાવાદ એમના કોક સંબંધીને ત્યાં અમે ઊતર્યા. એ કઈ જગ્યા હતી તે યાદ નથી; પણ અમદાવાદની પહેલી છાપ મારા મન પર સારી પડી નહિ. એના કરતાં તો ભરૂચ મને અનેક દરજ્જે સારું લાગ્યું. ઘરઆંગણે જ વહેતી ખુલ્લી ગટરો, તેમાંના ગંદા પાણી પરના મચ્છરો, ઘરમાં પ્રવેશતાં ઓટલા પરનું જાજરૂ-એ બધું ભારે અણગમો ઉત્પન્ન કરે એવું હતું. એ વખતના સુરતમાં રહેનાર માટે આ નવું ન હતું પણ સુરતમાં જ્યારે જ્યારે મારે જવાનું થતું ત્યારે અનાવલ આશ્રમમાં જ ઉતારો થતો હોવાથી શહેરની ગટરોનો લાભ મને મળ્યો ન હતો. કિશોરાવસ્થામાં મામા સાથે થોડા દિવસ પારેખ ટેકનિકલ સ્કૂલના છાત્રાલયમાં રહેલો ત્યારે પણ નગર-સંસ્કૃતિનાં આ બધાં દૂષણો મારી નજરે ચડ્યાં ન હતાં. એટલે અમદાવાદે મને જાણે કે એક મોટો આંચકો આપ્યો.

અમે કેટલા દિવસ અમદાવાદ રહ્યા તે યાદ નથી, ને એ વખતે જે કંઈ અનુભવ્યું તેમાંનું બહુ જ ઓછું સ્મરે છે; પરંતુ એક ઘટના મારા મનમાં કાયમને માટે અંકિત થઈ ગઈ અને આ લખું છું ત્યારે તે હૂબહૂ સ્મૃતિમાં ઊપસી આવે છે.

એ ઘટના આ પ્રમાણે બની: અમદાવાદમાં એ વખતે લક્ષ્મીવિલાસ હોટલની બોલબાલા હતી. મને ખબર નથી શાથી; પણ છેક બાલ્યકાળથી મને હોટલનું ભારે આકર્ષણ રહેતું આવ્યું હતું. બનવાજોગ છે કે પહેલવહેલું આઈસક્રીમ મેં સુરતની એક હોટલમાં ખાધેલું ને ત્યારે મને તેમાં દેવોના અમૃતનો સ્વાદ જણાયેલો, એથી હોટલ માટે મારા મનમાં અહોભાવ બંધાયો હોય. એટલે તો મામા સાથે પહેલવહેલો હું મુંબઈ ગયો ત્યારે ત્યાં કઈ હોટલ ઘણી જાણીતી છે એની પૂછપરછ કરી તે બતાવવા તેમને મેં વીનવેલા. તેમણે ત્યારે ગોખલે હોટલનું નામ આપેલું ને એમાં રોજનો હજારોનો વકરો થતો હોવાની વાત કરેલી, એટલે સ્વરાજ આશ્રમના અંતેવાસી થવા આવેલા મને અમદાવાદમાં લક્ષ્મીવિલાસ હોટલ જોવાનું કુતૂહલ સ્વરાજ આશ્રમના દર્શન કરવા કરતાં ઓછું ન હતું. એથી પહેલી તકે ભટ્ટાચાર્ય સાથે હું લક્ષ્મીવિલાસમાં ગયો.

એ કોઈ નવી જ દુનિયા હતી, ‘પાશેર આવે’, ‘ગુલાબી આવે!’ એવા રાગડા તાણી થતા ‘ઑર્ડરો’થી આખી હોટલ ગાજતી હતી. આજે પાશેર કે ગુલાબી શબ્દો વપરાય છે કે કેમ તેની ખબર નથી; પણ એ બધા ચાના માપ ને ગુણવત્તાના સૂચક હતા. અમે ચા મંગાવી. ચાના કપ અમારી સામે મુકાયા ન મુકાયા ત્યાં અમારી આસપાસનાં ટેબલો પર રમૂજ ને ઠઠ્ઠાવિનોદ શરૂ થઈ ગયાં. ‘મહાત્મા ચાના રસિયા છે,' એવાં કટાક્ષવચનો અમારે કાને પડ્યાં. ભટ્ટાચાર્યના મુખ પર ચીતરાતી લજ્જા મેં જોઈ. ધરતી માગ આપે તો સમાઈ જવા જેવી મારા મનની સ્થિતિ એ શબ્દો કાને પડતાં જ થવા માંડી હતી, એટલે કેબીમાં ચા રેડી એનો ઘૂંટ લીધા વિના હું ઊભો થઈ ગયો. ભટ્ટાચાર્ય મારી ગ્લાનિ સમજી ગયા. તે પણ ઊભા થયા, ને ચા પીધા વિના ચાના પૈસા આપી અમે હોટલમાંથી નીકળી ગયા.

આ ઘટના પાછળ તે વખતની નૈતિક હવા હતી. ગાંધીજીએ અસહકારની લડતને ધાર્મિક લેખી શકાય એવી ભૂમિકા પર મૂકી હતી. એ માટેની એમની પ્રયોગશાળા સત્યાગ્રહ આશ્રમ. ત્યાં તેઓ જાતે પોતાના પર અસંખ્ય બંધનો લાદતા ને સાથીઓને પણ પોતાના સહભાગી બનાવતા. જેમ આપણે ત્યાં ભગવાં વસ્ત્ર સાથે અમુક આચારવિચારની અપેક્ષા રહે છે તેમ તાજેતરમાં જ વપરાશમાં આવવા માંડેલી દોટી અથવા ખાદીના પાદરીઓના ડગલા જેવા ઢંગધડા વનાના લાંબા ઝભ્ભા રમૂજભર્યું કુતૂહલ પ્રેરવા ઉપરાંત ઊંચાં નૈતિક મૂલ્યોનાં પણ પ્રતીક બનવા માંડ્યાં હતાં. વિદેશી કાપડના બહિષ્કારની જેમ ચાના બહિષ્કારની પણ સ્વરાજની લડતના એક અંગ તરીકે હાકલ કરવામાં આવી હતી. ચાના બગીચાઓમાં ગોરાઓ તરફથી થતા અમાનુષી અત્યાચારોની આઘાતજનક વિગતો આપી ‘ચા પીવે એ મજૂરોનું લોહી પીવા બરોબર છે' એવાં આકરાં વિધાનો નાનીમોટી બધી પ્રચારસભાઓમાં થતાં. આ સંજોગોમાં ‘અમે ભલે ચા પીએ, પણ ખાદીધારી થઈને તમે!' એવો ભાવ કોઈ ખાદીધારીને ચા પીતો જોતાં લોકોનાં મોં પર તરી આવતો. ગિદવાણીજીએ પણ ચા સામેની જેહાદ આદરી હતી. એટલે લક્ષ્મીવિલાસમાં જઈ અમે જાણે ક્યાંક ભેરવાઈ પડ્યા હોઈએ-ફસાઈ ગયા હોઈએ એવી નામોશી અનુભવી.

વ્યસનમુક્તિ ઇચ્છનીય, આવકારલાયક, આદરણીય ને આચારનું જરૂરી અંગ હોવા સાથે એ માટેનો આગ્રહ જે ઝનૂન ને અસહિષ્ણુતાને પ્રેરે છે તે અંગે આગળ ઉપર મારા મનમાં જે વિચારો ઘોળાતા થયા તેવું લક્ષ્મીવિલાસમાં બનેલી આ ઘટના વખતે મને લાગ્યું ન હતું. ત્યારે તો સ્વાધીનતાની જે તમન્ના ચિત્તનો કબજો કરી બેઠી હતી તેણે મને આત્મનિરીક્ષણ કરવા પ્રેર્યો ને મેં મનોમન સ્વીકાર્યું કે ગાંધીજીને માર્ગે જવું હોય તો વિચાર, આચાર ને સાધન એ બધાં શુદ્ધ હોવાં જોઈએ. એ દિવસે મને લાગ્યું કે મેં કાયમ માટે ચા છોડી છે.

સ્વરાજ આશ્રમનું વાતાવરણ કોઈ અજબ રંગે રંગાયું હતું. ત્યાંના રેંટિયાના ગુંજારવમાંથી એક નવી જ સ્વરસૃષ્ટિ સર્જાતી હોય એવી મુગ્ધતા ત્યાંના વાતાવરણમાં ઓતપ્રોત થયેલી મેં અનુભવી. હું પણ રેંટિયા ચાલવાથી થતા અવાજોમાં, સંગીતનું મને જ્ઞાન ન હોવા છતાં, કોઈ મધુર સંવાદની સૃષ્ટિનું સર્જન કરતા સંગીતના સૂરો જોવા મંડ્યો. મારી આ યાત્રા કાંતતાં શીખવા માટેની હોઈ તરત હું કામ પર ચડી ગયો. હાથનો ઉપયોગ કરવા ટેવાયેલો નહિ હોઈ ને નાનપણથી જ બેઠાડું જીવનની ટેવો સાથે પોતે કામ કર્યા વિના બીજા પાસે કામ લેવામાં મોટાઈ લેખવા ટેવાયેલો હોવાથી કાંતણની પ્રવૃત્તિમાં મારી અણઘડતા તરત જ છતી થવા માંડી ને ગાંધીજીએ કાંતણને ઘણું મહિમાવંત બતાવી મૂકેલું હોવા છતાં, ને એમનાં એ વિધાનોમાં મને શ્રદ્ધા હોવા છતાં કાંતવાની ક્રિયા માટે ઉમળકો કેળવવાનું મને મુશ્કેલ લાગવા માંડ્યું. કાંતતાં તૂટે, સૂતર જાડું પાતળું નીકળે ને સપાટાભેર કોકડું ભરી દેતા “બીજા રેંટિયામાંથી નીકળતા એકધારા સુરેખ તાર પર નજર પડતાં જે લઘુતાગ્રંથિ હું અનુભવું તે મને મારી પૂરી નિષ્ઠા છતાં સાચા અર્થમાં કદી કાંતણ અભિમુખ કર્યો નહિ; ને બુનિયાદી શિક્ષણના એક આજીવન પુરસ્કર્તા તરીકે એ કારણે મારામાં ઘણી મોટી ઊણપ રહેવા પામી. એથી વિદ્યાવિહારે ઉદ્યોગોને રોજના અભ્યાસક્રમમાં જે ગૌરવભર્યું સ્થાન આપ્યું છે તેના સંચાલન માટેની મારી પાત્રતા લેખવામાં હું ભારે મૂંઝવણ અનુભવતો રહ્યો છું. આ મર્યાદા જો મારામાં ન હોત તો મને પૂરો વિશ્વાસ છે કે વિદ્યાવિહારના એ અખતરાનાં જે નોંધપાત્ર પરિણામો તજ્ઞોનું ધ્યાન ખેંચતાં આવ્યાં છે તે એના કરતાં પણ અનેકગણી વિશેષતાવાળા બની શક્યાં હોત.

સ્વરાજ આશ્રમમાં મોટે ભાગે તો કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓ હોઈ હું એ સૌની સરખામણીમાં છોકરડા જેવો હતો, ને જે અલ્પ સમય મારે ત્યાં રહેવાનું થયું તેમાં કોઈ કાયમી સંબંધ બંધાવા પામ્યો નહિ; પરંતુ ત્યાંના વિચાર, વર્તન ને વાણીમાં જે અદમ્ય ઉત્સાહ, ભાવનાશીલતા અને ત્યાગની ભાવના હતી તેમાં ડગલે ને પગલે સર્વાંગ તરબોળ થવા જેવી અનુભૂતિ આહ્લાદક રીતે ચિત્તનો કબજો કરી લઈ વિકસતી રહેતી. રાત્રે ગીતો, લોકનૃત્યો, જુદા જુદા દેશોની સ્વાધીનતાની લડતની વાતો, આપણે ત્યાંના ક્રાંતિકારીઓના જીવનની રોમાંચક કહાણીઓ વગેરેથી મન ભર્યું ભર્યું બની જતું. એ વખતના ગિદવાણીજીના સૌથી સ્મૃતિપાત્ર અંતેવાસી તરીકે ભાઈ પરીક્ષિતલાલ મજમુદાર હોવાની મારા મન પર છાપ રહી છે. અહિંસક યુદ્ધના સૈનિકો માટેનો એ એક પ્રકારનો તાલીમશિબિર હતો ને ત્યાંથી તૈયાર થઈ વિદ્યાર્થીઓ ગામડે પ્રચાર અર્થે જતા અથવા નવી સ્થપાતી રાષ્ટ્રીય શાળાઓમાં અધ્યાપન માટે જતા.

સ્વરાજ આશ્રમમાં જઈ આવ્યા પછી ભરૂચમાં વિદ્યાર્થી નેતા તરીકેનો મારો દરજ્જો વધ્યો. સ્વરાજનો સંદેશો ઘેર ઘેર પહોંચાડવાની કીમતી કામગીરી મને સોંપાઈ. ખભે બગલથેલો નાખી મને સોંપવામાં આવેલાં ગામોની યાદી ગજવામાં રાખી પગપાળો હું નીકળી પડ્યો. ક્યાંય પરાયાપણાની લાગણી અનુભવવી પડી નહિ. જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં બધે ભાવભર્યો આવકાર હતો. કોને ત્યાં ઊતરવું, શું ખાવું વગેરે કશી જ ચિંતા કરવાપણું ન હતું. એમાં સદ્ભાગ્યે મને એક સમર્થ મુરબ્બીનો એકબે ગામ પૂરતો સાથ મળી ગયો. એ હતા ઈન્દુલાલ યાજ્ઞિક-ઈન્દુચાચા. ગિદવાણીજીની પ્રતિભાથી જેમ હું અંજાયો હતો તેમ જ એમના વ્યક્તિત્વથી પણ પ્રભાવિત થયો. ઊંચી તેજસ્વી કાયા, મેધાની ચમકવાળી ને સ્નેહનીતરતી ભાવનાશાળી આંખો, સાંભળતાં કદી ધરાઈએ નહિ એવી અમૃત જેવી મીઠી ને વીજળી જેવી ધારદાર ઉદ્બોધક વાણી અને એમાં રહેલી હૃદયંગમ નાગરિકતા એ બધાની મારા મન પર ઊંડી છાપ રહી છે. અને જ્યારે ટિળક સ્વરાજફાળાની ટિકિટો પર એમની સહી મેં જોઈ ત્યારે એમની સાથે જે દિવસ ગાળવાની તક મળી હતી તેનો મારે મન ઘણો મહિમા રહ્યો. અમે કયા ગામે ભેગા થઈ ગયા હતા ને ક્યાં ક્યાં સાથે ફર્યા તે પૈકી માત્ર એક જ વાત યાદ રહી છે, અને તે ‘વિલાયત' નામના ભરૂચના એક ગામે અમે સાથે રાત ગાળેલી તે. એ નામ કેવી રીતે પડ્યું હશે તેની ખબર નથી; પણ એ સાંભળતાં મનમાં જે રમૂજની લાગણી થઈ હતી તે ભુલાઈ નથી.

ગામડાંઓમાં ફરવાનું મળ્યું તે એક પ્રકારની ઘનિષ્ઠ તાલીમ જેવું હતું. એમાં સાચું દેવદર્શન હતું. આપણા લોકોનાં સુખદુઃખ સાથે તાદાત્મ્ય સાધવાની ને તેમને ઓળખવાની એમાં વિપુલ તકો હતી. ભરૂચ ઉપરાંત સુરત જિલ્લાનાં ગામોમાં પણ ફરવાની મને તક મળી. લગભગ બધાં જ ગામે પગપાળા જવાનું થતું. લોકો સવારી ગાડી, ગાડું, ડમણિયું વગેરે આગ્રહ કરીને આપતા, પણ કોઈને બોજા રૂપ ન થવાની સ્વયંસેવકોમાં સાર્વત્રિક બનેલી લાગણી હંમેશ એ આગ્રહ સામે વિજ્યી બનતી અને દેવદર્શન કરતા, એની વૈવિધ્યસભર ભૂરચના જોતા, લોકોના મનન વિવિધ સ્તરોમાં દૃષ્ટિ કરતા અમે એક ગામથી બીજે જતા ને જ્યાં જઈએ ત્યાં કોઈ પરમ આત્મીય હોઈએ એવો ભાવભર્યો સત્કાર પામતા.

એ વખતનો એક અનુભવ નોંધવા જેવો છે. અમે એક નાનકડા ગામે ગયા. ત્યાં કહેવાતા ઉજળિયાતોનાં બે જ ઘર હતાં. બાકીનાં ઘરો વસવાયાં વગેરેનાં હતાં. એ બે ઘરો પૈકી અમે એક ઘેરે ગયા. ત્યાં અમારો બહુ ઉમળકાભર્યો સત્કાર થયો, ને અમારું આખું ગામ તમારી સાથે છે એવું વચન અમને મળ્યું. ત્યાંથી ઊઠી અમે પેલા બીજા ઘરે ગયા. ત્યાં ઉંબરામાં પગ મૂકતાં જ અમને જાકારો મળ્યો, ‘તમે પેલા ઘેર ગયા હતા ને? જાઓ, તે તમને મદદ કરશે. જોઉં છું અહીંથી એના સિવાય તમારી પડખે કોણ ઊભું રહે છે તે!’ અમે તો ડઘાઈ ગયા. એ વખતે આપણા દેશની પાયાની નબળાઈનું મને જે દર્શન થયું તે, ખાસ્સી અડધી સદીની આપણા લોકોને એકધારી દોરવણી આપીને ગાંધીજી ગયા હોવા છતાં તેવી ને તેવી જ રહી છે – બલકે સ્વરાજ આવ્યા પછી તો વધી છે. આપણું ભાગ્યે જ એવું ગામ હશે જ્યાં લોકોમાં તડ ન હોય. આ તે કેવી મોટી નબળાઈ!

અસહકારમાં જોડાયા પછી એક વર્ષ ભણવાનું મુલતવી રાખવાની યોજના અનુસાર આ રીતે કામ કરતાં મને ઘણું નવું જાણવાનું ને જોવાનું મળ્યું. અનેક પીઢ કાર્યકર્તાઓનો પરિચય થયો, તેજસ્વી યુવાનોનો સાથ સાંપડ્યો ને બહુજનસમાજની વધુ નિકટ આવવાનું બન્યું.

એમ કરતાં વિનીતની પરીક્ષાનું પરિણામ જાહેર થવાનો દિવસ આવી પહોંચ્યો. હું એ વખતે ભરૂચના કોઈ ગામડામાં હતો. ત્યાંથી બપોરે ચારેક વાગ્યે ભરૂચ આવ્યો ને છાપામાંથી પરિણામ મેળવવા દાદાભાઈ નવરોજી લાઈબ્રેરીમાં ગયો. પરિણામ પર મેં નજર કરી, નામ શોધ્યું, તે મળ્યું નહિ. મોં પડી ગયું ને સ્વસ્થતા મેળવવા પ્રયત્ન કરતો હતો ત્યાં એક ભાઈએ મને પૂછ્યું, ‘તમે જ ઝીણાભાઈ ને?' મેં કહ્યું, ‘હા.’

‘ખૂબ ખૂબ અભિનંદન!'

‘શાથી?’

બીજે નંબરે પાસ થયા છો તે માટે.’

મેં કહ્યું, ‘ના, હું નાપાસ થયો છું. મારું નામ આ યાદીમાં નથી.’

એ ભાઈએ મારા હાથમાંથી છાપું લઈ લીધું ને માર્ક સાથે અપાયેલી એ યાદીમાંથી ને પહેલાં દસ નામના તારણમાંથી મારું નામ તેમણે મને બતાવ્યું. પહેલે નંબરે થોરિયા હતા (એ પાછળથી જર્મની જઈ પીએચ.ડી. થઈ આવ્યા હતા.) ને બીજો નંબર મારો હતો. મને અપાર આનંદ થયો ને એ ભાઈનો મેં આભાર માન્યો. હવે હું વિનીત બન્યો. કેટલી બધી સૂચક છે આ સંજ્ઞા!

લાઈબ્રેરીમાં હું સીધો હરિભાઈ ઝવેરભાઈ અમીનને ઘેરે ગયો. અમારા જેવા કાર્યકર્તાઓ માટે એ ઉષ્માભર્યું ઘર હતું. ત્યાં ઉંબરામાં પગ મૂકતાં જ મારા પર ઉમળકાભર્યા અભિનંદનની ઝડી વરસી. સામે દોડી આવી મુ. હિરભાઈએ મને બાથમાં લઈ લીધો. તેમની ને મુ. કાશીભાઈની ચરણરજ મેં લીધી.

એ પછી તરત જ હું દોડ્યો મુ. ભટ્ટાચાર્ય ને મુ. છોટુભાઈ પાસે. સદ્ભાગ્યે એ બંને એ દિવસે ભરૂચમાં જ હતા. બેઉ ખૂબ રાજી થયા. છોટુભાઈની આંખમાં તો ઝળઝળિયાં આવી ગયાં. એ વખતે મારી શાળા પૂરેપૂરી રાષ્ટ્રીય થઈ સ્વાધીનતાની લડતના કેન્દ્ર જેવી બની ગઈ હતી એટલે મારી સિદ્ધિ સંસ્થાની સિદ્ધિરૂપ પણ બની.

જેમની પ્રેરણાથી હું આ મેળવી શક્યો તે મુ. દયાળજીભાઈ અને પૂ. બાના આશીર્વાદ મેળવવા બીજે જ દિવસે સવારે હું સુરત પહોંચ્યો. પૂ. કાશીબાને તારથી ખબર આપી, ને વહેલામાં વહેલી તકે ચીખલી પહોંચું છું એમ જણાવ્યું. આ આટલી વિગત એથી લખવાનું મન થાય છે કે આપણે જગતમાં ભલે એકલા આવતા હોઈએ ને એકલા જતા હોઈએ-પણ એ આગમન ને વિદાય વચ્ચેના ગાળામાં કેટલો બધો સદ્ભાવ, કેટલો બધો નિઃસ્વાર્થ પ્રેમ ને કેટલી બધી ઉષ્મા આપણને સાંપડે છે! પરિચિત-અપરિચિત, સ્વજન-પરજન એવા કેટલા બધા લોકોને આપણા સદ્ભાગ્યમાં રાચવાનું ગમે છે!