સાફલ્યટાણું/૪. ઋષિઓના વંશજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. ઋષિઓના વંશજ

અસહકારે દેશમાં જે નવી હવા ઊભી કરી એનો થોડોક ઉલ્લેખ આ પહેલાં આવી ગયો છે. એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક ‘નવજીવન'નો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડિયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતા, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દૃષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. આ હું લખું છું ત્યારે એ અરસામાં ‘નવજીવન'માં આવેલા સહી વિનાના એક લેખનું શીર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ.’ એ વખતે અમારો ખ્યાલ એવો હતો કે એ લેખ મહાદેવભાઈએ લખ્યો હોવો જોઈએ, અથવા તો એમની પ્રેરણા હેઠળ લખાયો હોવો જોઈએ. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. ઘણે દિવસે બહાર કામગીરી બજાવી આશ્રમમાં પાછાં વળતાં લેખકે આશ્રમમાં જો કે કોઈ નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી. એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્ત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યું તે નાખી નજર ન પહોંચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં અમે લહેરાતી જોતા. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક-યુવતીઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દીપ્તિ નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી જે કોઈ વ્યક્તિને-કિશોરોથી માંડી વૃદ્ધો સુધી-જે મળવાનું થતું તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓના બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા એ જીવનનો એક અણમોલ લહાવો હતો. આ લખતી વખતે મારા મન સમક્ષ એ વખતનાં કેટકેટલાં સ્મૃતિચિત્રો ઊપસી આવે છે! એમાંથી થોડાંકનો અછડતો ઉલ્લેખ કરી શબ્દોમાં જેને અભિવ્યક્તિ આપી શકાય એમ નથી એવી મારી સંવેદનાને આંશિક રીતે પણ જો વ્યક્ત કરી શકું તો હું કૃતકૃત્યતા અનુભવીશ. નાથુભાઈનો ઉલ્લેખ આ પહેલાં હું કરી ગયો છું. અતિ તેજસ્વી ને ભાવનાશાળી વિદ્યાર્થીઓમાં એમની દીપ્તિમય મેધાને લઈને એમણે પોતાની આસપાસ સારું એવું આકર્ષણ જન્માવ્યું હતું. મારા ગાઢ મિત્ર હોવા ઉપરાંત એ મારા બનેવી હતા. અમારે સૌએ અલ્પ સાધનથી વિદ્યાક્ષેત્રે ઉન્નતમાં ઉન્નત શૃંગો સર કરવાં હતાં. નાથુભાઈ ચીખલીની શાળામાં નવ શ્રેણી સુધીનો અભ્યાસ પૂરો કરી આગળ અભ્યાસ કરવા સુરતના. અનાવિલ આશ્રમમાં દાખલ થયા હતા. સુરતના ભણતરનો આર્થિક બોજ જે અમારે માટે વધુ લેખાય એવો હતો તે એમના પિતા બહુ ઉમળકા ને આશા સાથે ઉપાડતા હતા. તેમની ગણતરી હતી કે એ બોજ તેમને બે-એક વર્ષ ઉપાડવો પડશે-એ પછી તો નાથુભાઈ સ્વશક્તિથી મુંબઈની જી. ટી. બોર્ડિંગમાં સ્થાન મેળવી પોતાના ભણતરનો બધો બોજ જાતે ઉપાડતા થઈ જશે. નાથુભાઈના પિતાની આ ગણતરી બિલકુલ યથાર્થ હતી. મારે માટે પણ કાશીબાના મનમાં આ પ્રકારનો વિશ્વાસ હું જન્માવી શક્યો હતો ને મારા ચિ. નાનાભાઈ ગુલાબને પણ મૅટ્રિક પછી આ તક (જે એને પાછળથી ખરેખર મળી હતી તે) મળવાની જ એવો અમારા સૌનો વિશ્વાસ હતો. આમ અલ્પસાધન વિદ્યાર્થીઓ હોવા છતાં અમે અમારી જાતને સમર્થ લેખતા. જી. ટી. બોર્ડિંગની ભવ્ય પરંપરાઓથી અમે પૂરેપૂરા પરિચિત હતા. એમાં અમારા નિશ્ચિત સ્થાન અંગે અમારા કે અમારા વડીલોના મનમાં લેશમાત્ર શંકા ન હતી; પરંતુ અસહકારે બાજી પલટાવી દીધી. પિતા અને પુત્ર વચ્ચે ઠેર ઠેર સોરાબ-રુસ્તમી જામી, જેને લીધે અનેક કુટુંબોમાં હતાશાનાં વાદળોના ઘટાટોપ છવાયા. નાથુભાઈના પિતા વલ્લભભાઈને દીકરો પોતાની તેજસ્વી કારકિર્દી આમ વેડફી નાખે તે ગમ્યું નહિ. તેમણે મેટ્રિક થયા પછી જે કંઈ કરવું હોય તે કરવા સંમતિ આપી; પણ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષાને તો હજુ દોઢ વર્ષની વાર હતી. નાથુભાઈને તો વર્ષમાં સ્વરાજ મળવાનું છે ને પોતે એમાં ફાળો આપ્યા વિનાના રહે એ વિચાર અસહ્ય હતો. તેમણે દસમીમાંથી વિનીતની પરીક્ષા આપવા માટે બીડું ઝડપ્યું ને મારાથી એક વર્ષ પાછળ હતા તે અંતર ભૂંસી નાખી મારી સાથે વિનીત પરીક્ષામાં બેઠા ને બહુ યશસ્વી રીતે ઉત્તીર્ણ થયા. વલ્લભભાઈને તો એથી પોતાના આગ્રહમાં વધુ મક્કમ બનવાની પ્રેરણા મળી. જો એક વર્ષમાં બે ચોપડી આટલી સફળતાથી કરવાની નાથુભાઈમાં શક્તિ હતી તો મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ સ્થાન તે અવશ્ય મેળવી શકે એવું તેમને સ્પષ્ટપણે દેખાવા લાગ્યું અને એમની એ માન્યતા ભૂલભરેલી પણ ન હતી. પણ નાથુભાઈ કેમે કરીને અસહકારના માર્ગમાંથી ચલિત થવા તૈયાર ન હતા. આથી પિતાને ઘણું માઠું લાગ્યું, ઘણી વેદના થઈ. પિતા દુભાયા છે એની વેદના નાથુભાઈને ઓછી ન હતી; પણ તે નિરુપાય હતા. પિતાપુત્ર વચ્ચેનો આ મતભેદ કડવાશમાં પરિણમે એ નાથુભાઈ ટાળવા ઇચ્છતા હતા. તે ચીખલી આવ્યા ને પિતાને સમજાવી ઘરઆંગણે રહી લડતનું કામ કરવાની યોજના કરવા માંડ્યા. પિતાએ હવે નવો મોરચો શરૂ કર્યો-જો પ્રચલિત શિક્ષણપ્રથા છોડવી હોય તો શરીરશ્રમ વિના રોટલો નહિ મળી શકે એ વાત નાથુભાઈના મન પર ઠસાવવા તેમણે પ્રયત્ન કર્યો. નાથુભાઈએ એનો પ્રતિકાર ન કર્યો એટલું જ નહિ વિદ્યા વેચીને ધન કમાવા કરતાં શરીરશ્રમથી મેળવેલો રોટલો વધુ મીઠો છે એવી પોતાની માન્યતાને તેમણે દૃઢતાથી વ્યક્ત કરી. પિતાએ એને વળતો જવાબ આપી એ વાત સાબિત કરી આપવાનું જાણે કે આહ્વાન આપ્યું. નાથુભાઈએ એ ઝીલી લીધું કે ને અસહકારના કામ સાથે પોતાના ઘરની ખેતીની ધૂંસરી તેમણે ઉપાડી લીધી. એ કુમળી વયે મળસકે ચાર વાગ્યે ઊઠી તે પોતાને ખેતર જઈ કોસ ઢાળવા લાગ્યા ને લોકો ચકિત બને એવી સહનશક્તિ ને ખમીર દાખવતાં એમણે પિતાને જાણે કે નિઃશસ્ત્ર કરી મૂક્યા. પિતાપુત્ર વચ્ચેનો આ ગજગ્રહ કેટલો લાંબો ચાલત તે અંગે તો કેવળ અટકળ જ કરવી રહી, કારણ કે ગાંધીજીની ગિરફતારી થતાં અસહકારની લડતમાં એક પ્રકારની ઓટ આવી. જે લાખો વિદ્યાર્થીઓએ શાળા-પાઠશાળા છોડી હતી ને જેમણે વકીલાત છોડી હતી તેમાંના ઘણા મૂળ સ્થાનોએ પાછા ફર્યા. આ સંજોગોમાં વલ્લભભાઈ વધુ આગ્રહી બન્યા ને જ્યારે નાથુભાઈ સરકારી સંસ્થામાં અભ્યાસ ન કરવાના પોતાના નિર્ણયમાં અફર રહ્યા ત્યારે એક સ્નેહી સાથે મસલત કરી નાથુભાઈ માટે આફ્રિકામાં તેમણે કામગીરી શોધી કાઢી. એ વખતે દેશમાં ગાંધીજીની ગેરહાજરીમાં પં. મોતીલાલ નહેરુ, દેશબંધુ દાસ, વિઠ્ઠલભાઈ આદિએ સ્વરાજ પક્ષની સ્થાપના કરી અસહકારના, ધારાસભા બહિષ્કારના કાર્યક્રમને પડતો મૂકવાનું ઠરાવ્યું હતું. આ સંજોગોમાં વિદ્યાપીઠમાં ભણવાની પિતા રજા ન આપે તો અસહકારના કાર્યક્રમને વળગી રહેવાથી પોતાના માર્ગમાં જે અનેક મુશ્કેલીઓ આવવાની હતી તેનો નાથુભાઈને ખ્યાલ આવી ગયો હતો. તેથી તેમણે ખેતીનું જે કામ ઉપાડી લીધું હતું તેને જ વળગી રહી ખેડૂત બનવાનો નિર્ણય કર્યો; પરંતુ પિતાએ જ્યારે આફ્રિકા જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પરિસ્થિતિમાં પલટો આવ્યો. ને પિતા જો એથી રાજી થતા હોય તો નાથુભાઈએ, અસહકારમાંથી ચલિત બની ફરીથી સરકારમાન્ય સંસ્થામાં અભ્યાસ કરવાને બદલે આફ્રિકા જવાનું પસંદ કર્યું ને એમ તેમના જીવનમાં એક જુદો જ વળાંક આવ્યો. આવું ઠેર ઠેર બન્યું. અનાવિલ આશ્રમમાં મને મનુભાઈ નાયક નામના એક તેજસ્વી વિદ્યાર્થીનો પરિચય થયો જે તરત જ મૈત્રીમાં પરિણમ્યો. પ્રાથમિક શાળાના એક નિવૃત્ત અને ખ્યાતનામ આચાર્ય જલાલપોરના શ્રી મકનજી નાયકના એ પુત્ર. કુશાગ્ર બુદ્ધિ અને પ્રયત્ન વ્યવસ્થિત એટલે મૅટ્રિકમાં પહેલા પચાસમાં આવી ૧૧મા નંબરનું સ્થાન પ્રાપ્ત કરી એ.જી.ટી. બોર્ડર બનેલા. એ પ્રિવિયસમાં હતા ને અસહકારની હાકલ થઈ. જે તક વિરલ લેખાય ને જે મળતાં જીવન ધન્યતા અનુભવે એવી જી. ટી. બોર્ડરની તકને ઠુકરાવીને જ અસહકાર કરી શકાય. આ ત્યાગ નાનોસૂનો ન હતો. ભાવિ ઉજ્જવળ કારકિર્દી માટેની કેટલી બધી શક્યતાઓ મનુભાઈ સમક્ષ હતી, પણ તે બધી જતી કરી તેઓ અસહકારી બની લડતમાં જોડાવા સુરત આવ્યા. પિતાને સખત આઘાત લગાડ્યા વિના આ પગલું ભરાય એમ ન હતું. પિતા આદર્શવાદી હતા; પણ તે સાથે વાસ્તવિકતાનો પૂરો ખ્યાલ તે કરી શકતા. મનુભાઈ જો પોતાનો અભ્યાસ પૂરો કરે તો દેશસેવા માટેની વધુ ઉજ્જવળ તકો તેમને મળવાની શક્યતાઓ તે જોતા, ને મનુભાઈને એ વાત સમજાવવા તેમણે બનતી મથામણ કરી. પણ મનુભાઈ અડગ રહ્યા.[ મનુભાઈના પિતાની આ વ્યવહારદૃષ્ટિમાં ઠીક ઠીક વજૂદ હતું એનાં અનેક પ્રમાણો પાછળથી મળ્યાં. ૧૯૨૦ માં જે તેજસ્વી વિદ્યાર્થીઓએ અસહકાંર કરી યુનિવર્સિટીમાંની પોતાની ઉજ્જવલ કારકિર્દી હોમી દીધી તેના કરતાં તેમનાથી નીચલે નંબરે રહેનાર વિદ્યાર્થીઓ પૈકી કેટલાક યુનિવર્સિટીની ડિગ્રી મેળવી સરકારી નોકરીમાં કે અન્યત્ર જોડાઈ ૧૯૩૦ ની લડત વખતે નોકરી છોડી લડતમાં આવ્યા તેમના ત્યાગ વધુ મોટા લેખાયા! ] આ રીતે પિતાપુત્ર વચ્ચે મન ઊંચાં થયાં તે વાત ઘરઘરની કહાણી જેવી બની ગઈ હતી અને એની જો પિતાને વેદનાઓ હતી તો પુત્રને ઓછી ન હતી.’ ૩૦-૩૨ ની સત્યાગ્રહની લડત દરમિયાન લખાયેલા ઉમાશંકરના કાવ્ય ‘પિપાસા’માં આ સંવેદના બહુ સારી રીતે વ્યક્ત થયેલી છે. કવિ ગાય છે- ઓ! યુગતરસ્યા જગ કંઠ! જરી તું પુકાર કરજે ધીરે. આ જાગી જશે અંધાર વીંધાતાં તવ રવ-કંપ સમીરે.

હું જાણું તારી તરસ, કરું છું ભીષજ્ઞતમ તૈયારી;
તું ધીમે સાદ પુકાર, ક્યારની સુન્ની મેં કરુણ સિતારી.
જો! જાગી જશે મુજ માતા!
નિજ અંગ પછાડી પંથે મારા ચરણ રંગશે રાતા!

આ મહાન રાષ્ટ્રીય ઉત્થાને આપણામાં જે કંઈ શ્રેષ્ઠ હતું તે બધાને અખૂટ ચેતનાથી ભરી દીધું હતું. રામકૃષ્ણ, વિવેકાનંદ, રામતીર્થ, દયાનંદ સરસ્વતી આદિ આપણા સંતોએ જે ભાવનાઓનું સિંચન લોકમાનસમાં કર્યુ હતું તે આ વખતે પાંગરી ઊઠી. અનાવિલ આશ્રમના એ વખતના મારા જે કોઈ સાથી પર નજર પડતી તેની આંખોમાં આ ભાવનાની ચમક સહેજે વરતાઈ આવતી. મનુભાઈએ તો શરીર ઉપર આત્માનું વર્ચસ્વ અનુભવવું હોય તેવો યોગ જ આદર્યો હતો. અસહકાર કર્યો એટલે શીલવંતોના સમૂહમાં પ્રવેશ્યા એવી જે અપેક્ષા એ વખતે ઊભી થઈ હતી અને જેનો ઉલ્લેખ આ પહેલાં લક્ષ્મીવિલાસ હોટલના પ્રસંગમાં આવી ગયો છે તે અપેક્ષા જો પૂર્ણપણે પાર પાડવી હોય એવી મનુભાઈની સાધના હતી. સ્વાદજ્જય માટે એમણે અનેક અખતરા શરૂ કરી દીધા હતા. કડવું, ખાટું, તીખું, તૂરું, મીઠું એવા સ્વાદના જુદા જુદા પ્રકારોની અસરથી પર થવાની એમની સાધના હતી. નકોરડા ઉપવાસ કરવા એ એમને મન રમતવાત હતી. કલાકોના કલાકો ખુલ્લે શરીરે સૂર્યનાં આકરાં કિરણો ઝીલતાં બેસવું ને મનની પ્રફુલ્લતા પૂરેપૂરી જાળવવી એવા એમના પ્રયોગોથી અમે બધા ઘણા મુગ્ધ બન્યા હતા. શ્રી અરવિંદના એ ભક્ત હતા અને એમની પાસેથી શ્રી અરવિંદની યોગ પરની પુસ્તિકા ‘યોગિક સાધન' મેળવી શ્રી અરવિંદની વિચારભૂમિકામાં મેં પહેલવહેલો પ્રવેશ કર્યો. ‘આર્ય’ના પણ એ ગ્રાહક હતા અને એમની પાસેથી મેળવી એના કેટલાક અંકો પર પણ મેં નજર નાખી. આ બધું અમારે માટે અસહકારની લડતની આડપેદાશ જેવું હતું. નાનાલાલનો વધુ પરિચય મને મનુભાઈ મારફત થયો. અવારનવાર એમને ગમતાં કાવ્યોમાંથી ખૂબ ઉમળકાથી અને એમાં રહેલા ભાવને આકાર આપતા હોય તેમ મને તે સંભળાવતા.

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે–
રજનીની ચૂંદડીના છેડાના હીરલા શા
ડબે છે તારલા ધીમે ધીમે!

પંક્તિઓ ગાતી વખતે ધીમે ધીમે શબ્દને તે એ રીતે અભિવ્યક્તિ આપતા કે પ્રભાત આપણી દૃષ્ટિ સમક્ષ જાણે એની સકલ શ્રી સાથે ઊઘડી રહ્યું હોય. કાવ્યમાં કલ્પનો (images) નો આસ્વાદ કરતાં હું ક્યારથી શીખ્યો તે યાદ નથી પરંતુ ‘ગિરનારને ચરણે' જ્યારે ભટ્ટાચાર્યે મને પહેલવહેલું સંભળાવ્યું ત્યારે એમાંથી જે કલ્પનોની હારમાળા મારી સ્મૃતિમાં કંડારાઈ ગઈ તે કલ્પનાના આસ્વાદની મારી સંભવતઃ પ્રથમ સ્મૃતિ હશે. મનુભાઈએ એમાં ઘણો બધો ઉમેરો કર્યો-

જો જો પ્રકાશકેરે પોપચે ઉઘાડી મીટ

પંક્તિ જ્યારે મેં સાંભળી ત્યારે જે આનંદ મેં અનુભવ્યો તે અસીમ હતો. આ પહેલાં ‘ગીતાંજલિ' હું વાંચી ચૂક્યો હતો ને એમાંનાં અનેક કલ્પનોથી મારું મન સભર હતું. પણ મનુભાઈ પાસેથી નાનાલાલનાં કાવ્યો એની પૂરી ગેયતા સાથે સાંભળવા મળ્યાં ત્યારે ગુજરાતી બાનીની અનેક નવી ભંગિઓ સાથે મારી કલ્પનામાં એક નવી સૌંદર્યસૃષ્ટિ ઊઘડી ને એણે આગળ જતાં મારી કવિતાને જ નહિ પણ અધ્યાપક તરીકેની મારી દષ્ટિને પણ સારા એવા વળાંક આપ્યા. મનુભાઈ સાથેનો મારો સંપર્ક અનેકવિધ સઘન અનુભૂતિઓમાં પરિણમ્યો, જેની મારા જીવન ઉપર કાયમની અસર રહેવા પામી છે. આવો જ બીજો એક સંપર્ક થોડા જ વખત પર વિદેહ થયેલા હોમિયોપાથ ડૉક્ટર મગનલાલનો થયો. મારાથી એ ચારેક વર્ષે નાના-અને ત્યારે તો ઘણા નાના લેખાય એવી એ ઉંમર-હું સત્તર-અઢારનો, એ તેર-ચૌદના. એમને જોતાંવેંત જ જાણે કોઈ ચિરપરિચિત પ્રિય સ્વજનને લાંબા વિયોગ પછી મળવાનું થતું હોય એવું મેં અનુભવ્યું. અત્યંત સુકુમાર ને સુંદર એવી એમની મુખમુદ્રા, મધુર સ્મિત ને અખૂટ સ્નિગ્ધતા અજાણ્યાને પણ તરત એમના તરફ આકર્ષ્યા વિના નહિ રહે. અમે મળ્યા ન મળ્યા ત્યાં તો બંને પૂરા આત્મીય બની ગયા. જે દિવસે મને એમનો પ્રથમ પરિચય થયો તે મારી સ્મૃતિમાં કાયમ માટે કંડારાઈ ગયો છે. એ દિવસે સાંજની પ્રાર્થનામાં એમણે તાજેતરમાં જ ‘નવજીવન'માં છપાયેલું ખબરદારનું બારડોલી પરનું કાવ્ય અતિ ભાવવાદી સૂરે ગાયું ને વાતાવરણને અખૂટ ચેતનાથી ભરી દીધું. એમાંની પંક્તિઓ-

વાટે ઘટે છાતી ફાટે થાય સ્મશાની દુનિયા


નવલખ આંખે વ્યોમ રુએ પણ પાછું જુએ ન મરણિયા!

સાંભળતાં પ્રાર્થનાસભા જાણે મંત્રમુગ્ધ થઈ ચિત્રવત્ બની ગઈ. ક્યાંય સુધી એ આખું કાવ્ય મારી સ્મૃતિમાં રમતું જ રહ્યું ને જે ઊર્મિથી મેં મારું પ્રથમ જોડકણું

જાગો જાગો ભારતવાસી ભાઈ
હવે તો પ્રભાત થયું રે

લખેલું તેનાથી અનેકગણા પ્રચંડ તરંગ ઉપર એણે મને ફંગોળ્યો ને હું અસહકારનો જાણે કે વૈતાલિક બની રોજ નવાં કાવ્યો લખી મિત્રસમૂહમાં ને જાહેરસભાઓમાં લલકારવા માંડ્યો. એ મુજબ લખાયેલાં મારાં કાવ્યોમાંથી એક જે આખું આજે મને યાદ નથી તેમાંની કેટલીક પંક્તિઓ નીચે એ આશાએ ઉતારું છું કે આથી એ વખતની અમારી ઊર્મિઓનો કાંઈક ખ્યાલ આવી શકે: કાળ અહો! કરવટ બદલે છે

યુગ આખો પલટાય–
સૂતા જાગી કમર કરે છે
રણશીંગાં ફૂંકાય!
વાટઘાટ સૌ ભાટ ગાવે
ફાટ ફાટ ઉર થાય-
ધીર વીર સૌ ચીર કરી
સરિયાં રણમાં ધાય!
ગંગસરીખો રંગ ઊછળે
જંગ કરે મન દંગ —
અંગ અંગમાં ઉમંગ વ્હે છે
અરિ બને ઉરભંગ.
મરદ ચૂકે ના શરત હવે તો
હરખ ઉરે ખૂબ થાય-
કાળઝાળ બની ભારતવીરો
અરિદળમાં ફેલાય–

આ પંક્તિમાં ઝડઝમક છે એવું એ સાંભળતાં જ દયાળજીભાઈએ કહ્યું ત્યારે એ શબ્દ પહેલવહેલો મેં સાંભળ્યો. વર્ણસગાઈ શબ્દ તો એ પછી બેત્રણ વર્ષે મારે કાને પડ્યો; પણ જ્યારે કોકે મને કહ્યું કે ઝડઝમક વગેરે તો ભાટચારણોની શબ્દચાતુરી છે ને ઉમદા કવિતામાં તો એ દોષરૂપ જ લેખાય ત્યાં મારો આ કવિતા લખાયા પછીનો આનંદ એટલો બધો ઓસરી ગયો કે આના કરતાં નબળી લેખાય એવી કોઈ કોઈ, કૃતિઓને મેં ‘અર્થ'માં સ્થાન આપ્યું પણ આ કૃતિ લીધી નહિ, જે થોડી કડી મને યાદ રહી છે તે અહીં ઉતારતાં આજે મને લાગે છે કે એમાં રહેલી ઝડઝમક આ કવિતામાં ભલે કાવ્યજ્ઞની દૃષ્ટિએ દોષરૂપ લેખાય, પણ એની શરૂઆતની કડી પૂરતી પણ એ અર્ધ્યમાં સચવાઈ રહી હોત તો એ સંગ્રહની જે કંઈ યોગ્યતા છે તે ઓછી થઈ હોત નહિ. આ પછી તો ભાઈ મગનલાલ પાસેથી અને એમના મોટાભાઈ મોહનલાલ પાસેથી મેં અનેક ગીતો સાંભળ્યાં. મોહનલાલ મારા સમવયસ્ક. એ ખૂબ તેજસ્વી ને લાગણીપ્રધાન. એ જો લાંબું જીવી શક્યા હોત તો આપણી સ્વાધીનતાની લડતમાં એમણે જરૂર નોંધપાત્ર ફાળો આપ્યો હોત, પણ સ્વાધીનતાની લડતની શરૂઆતના દિવસોમાં જ કાળે અતિ કઠોર રીતે એમને ઝડપી લીધા ને ભાઈ મગનના કિશોર શિર પર વિધવા માતા, વિધવા ભાભી ને બે બહેનોનો બોજ આવી પડ્યો. આથી એમને બહુ નાની ઉંમરે અભ્યાસ અધૂરો રાખી પોતાની અને કુટુંબની આજીવિકા રળવા માટે કલકત્તા જવું પડ્યું. ત્યાં પોતાના એક સાથી સાથે વેપાર કરતાં કરતાં હોમિયોપથીનો અભ્યાસ તેમણે શરૂ કર્યો ને જોતજોતામાં તેમાં તેમણે સારી એવી નિપુણતા મેળવી. ભાઈ મગનલાલ સાથેનો સંપર્ક અમારી વચ્ચે કૌટુંબિક સંબંધમાં પરિણમ્યો. એમણે ને એમની નાની બહેનો રંજનબહેન ને શાંતાએ, એમને મારાથી ઉંમરે મોટા માસિયાઈ ભાઈઓ હોવા છતાં, મને મોટાભાઈ તરીકે અપનાવી લીધો. આજ તો નથી મગન, નથી શાંતા, પણ સદ્ભાગ્યે અમારી પચાસ વર્ષની અનેક પ્રેરક સ્મૃતિઓના પ્રતીક જેવાં રંજનબહેન મોજૂદ છે ને સાથે છે અનેક આઘાતો વેઠી પુત્રો, દીકરી ને જમાઈને ગુમાવી સત્યાગ્રહની લડતમાં ‘આઝાદ માતા’ને નામે લોકહૃદયમાં આદરપાત્ર બની મોટી પ્રસિદ્ધિને વરેલાં, લગભગ નવ દાયકાનાં એમનાં માતુશ્રી.* રંજનબહેનની અનેક સ્મૃતિઓ આલેખવી મને ગમે; પણ અહીં તો એ કાળની એમની જે છબી મારા મનમાં અંકિત થયેલી છે તે જ પ્રગટ કરું. એ બાર-તેર વર્ષનાં હશે ત્યારે એમના પરિચયમાં હું આવ્યો. એ વખતે એમના પ્રથમ લગ્નના અત્યંત ભાવિક ને પ્રેમાળ પતિ સાથે એ ઉધના રહેતાં હતાં. રેલવેના ક્વાર્ટર્સમાં એમને રહેવાનું મળ્યું હતું. એમને જોતાંવેંત જ મારી નાની બહેન પાર્વતી મને યાદ આવી, ને એ જ ક્ષણથી મારા હૈયામાં બહેન તરીકેનું સ્થાન એમણે લઈ લીધું. નાની વયમાં લગ્ન થયેલું હોઈ ભણતર અધૂરું રહેલું, પણ બન્ને ભાઈઓ અને એમના મિત્રોના ઉષ્માભર્યા ગાઢ સંપર્કને લઈને શાળા જાણે એમના ઘરમાં આવીને વસી. સુરતી બોલીની કેટલીક લાક્ષણિકતાઓ બાદ કરતાં એમની વાતચીતમાં એ ચીવટપૂર્વક ભાષાશુદ્ધિ જાળવતાં થયાં. ભાઈઓ પાસેથી ગાવાનો શોખ ને સુંદર ગીતોનો વારસો મળ્યો. લડતે જે ભાવનાનો જુવાળ પ્રેર્યો હતો તેમાં એ પૂરેપૂરા ફંગોળાયાં ને ત્યારથી એમણે ખાદી અપનાવી તે આજ પર્યંત એમની સાથે રહી છે. એ કિશોર વયે પણ ઘેલછા લેખી શકાય એવા એમના ખવડાવવા પિવડાવવાના ઉમળકાઓ ને એમના સ્નિગ્ધ વ્યક્તિત્વે મગનના અનેક સાથીઓને મધમાખીની જેમ ખેંચી લાવી એમના ઘરને મધપૂડા જેવું બનાવવા માંડ્યું. નિર્વ્યાજ સ્નેહની એ પરંપરા આજ પણ, જયંતિભાઈની કે મગનલાલની એમને ઓથ નહિ રહી હોવા છતાં, ચાલુ છે. લડતના સૈનિક તરીકે કામગીરી બજાવતાં જ્યારે છુટ્ટી મળતી ત્યારે અમે ઉધના દોડી જતા ને અનેક રેલપાટા ઓળંગી એમને ઘેર પહોંચતાં અમે અખૂટ આનંદ અનુભવતા. નાની શાંતિ પણ એ વખતે ત્યાં આવતી ને તેનાં કલ્લોલભર્યાં ગીતોથી વાતાવરણમાં ઊર્મિઓની છાલકો ઉછાળતી. આમ અસહકારની લડતો સ્વજનોની એક નવી જ સૃષ્ટિ સર્જી-જેમાં પ્રેમ હતો, વાત્સલ્ય હતું, ઉષ્મા હતી ને આભિજાત્યની અખંડિત અભિવ્યક્તિ હતી.

[1] આ બધી સ્મૃતિઓમાં ભાઈ કીકુભાઈના ઉલ્લેખ વિના એ વખતનું ચિત્ર અધૂરું જ રહે. દયાળજીભાઈના એ પ્રીતિપાત્ર અંતેવાસી. એમની સાહિત્ય માટેની સૂક્ષ્મ અભિરુચિ જોતાં દયાળજીભાઈએ એમને શાંતિનિકેતન જવા પ્રેરણા આપેલી. ત્યાં તે બંગાળી શીખ્યા ને બંગાળી બાઉલ ગીતોની અદ્ભુત સૃષ્ટિમાં આનંદયાત્રા કરી આવ્યા. ક્ષિતિબાબુના એ ધણા પ્રીતિપાત્ર બન્યા ને એમનો અભ્યાસ ત્યાં અત્યંત તેજસ્વી રીતે ચાલતો હતો; પણ અસહકારની હાકલ પડતાં એ અધૂરો મૂકી લડતમાં જોડાવા તે અનાવલિ આશ્રમમાં પાછા આવી ગયા. મારાથી ઉંમરે મોટા, અભ્યાસમાં પણ ઘણા આગળ, ને એમના વિશાળ વાચનને લઈને મારે માટે જાણે એ આદર્શરૂપ બની ગયા. એમના અક્ષર સુરેખ ને મોતીના દાણા જેવા, વક્તવ્ય છટાદાર ને કાવ્યપઠન અતિ આકર્ષક – આ બધાથી પ્રભાવિત બની કીકુભાઈ સાથે બંગાળી સાહિત્યની હું ઠીક ઠીક ચર્ચા કરવા માંડ્યો. એમની પાસેથી ટાગોરનાં અનેક બંગાળી કાવ્યો ને બાઉલ ભજન મને સાંભળવા મળ્યા. એની મારા મન પર એવી ઊંડી અસર થવા પામી કે જ્યારે મેં કાવ્યો લખવા માંડ્યાં ત્યારે બંગાળી ભાષા કે પિંગળનો મને કશો જ ખ્યાલ ન હોવા છતાં મારાં અનેક કાવ્યોમાં બંગાળી ગીતોના લય પ્રવેશ્યા. કીકુભાઈ પોતે બંગાળી ગીતોના મૂળ છંદમાં ગુજરાતી ભાષાંતર કરતો ને મને તે સંભળાવતા. એમાંનું એક હજુ સુધી મને મને ત્રુટક ત્રુટક યાદ રહ્યું છે. એ કંઈક આ પ્રકારનું હતું–

સખિ, પ્રતિદિન આવી હાય! પાછો જાય તે,
મારી વેણીમાંનું એક તેને કુસુમ દેજે!
પૂછે, ‘આપ્યું કોણે? કયા ફૂલોદ્યાને?’
મારા શમ-મારું નામ કે’તી તેને રખે!

એ વખતે તેમની પાસેથી જે બાઉલ ભજનો સાંભળવા મળ્યાં તેમાં રહેલા કાવ્યતત્ત્વની મારા મન પર કાયમની અસર રહેવા પામી છે ને નેવું વર્ષના એક બાઉલનું અંતિમ ગીત અને એ ગીતને સાર્થક કરનારી તેના જીવનની ઘટના આજ પણ મને પ્રેરણા આપે છે. એ વૃદ્ધ બાઉલ બાઉલોના એક સંઘમાં પર્યટન કરી રહ્યો હતો. આવા સંઘોમાં જોડાઈ બાઉલ ગીતો ભેગાં કરવાનો ક્ષિતિબાબુને શોખ. એ આ સંઘ ભેળા હતા ને આ વૃદ્ધે તેમને ઘણા આકર્ષિત કર્યા. એક રાતે એ બાઉલ ભક્તે પોતે રચેલા એક ભજનની ધૂન મચાવી તેનો ભાવ કંઈક આ પ્રકારનો હતો – “હું અધરસ્તે આવી થાકીને લોથપોથ થઈ પડ્યો છું. ઓ શ્રીહરિ, મારાં અંગો ભાંગ્યાં છે, હવે એક પણ ડગલું આગળ ભરવાની મારી શક્તિ નથી. આ બધો વખત હું એકલો જ ચાલ ચાલ કરતો રહ્યો છું-તારે કશું જ કરવાપણું નથી? તને મારી કોઈ જ ગરજ નથી? જો એમ હોય તો હજુ બહુ મોડું નથી થયું. મને કહી દે કે તને મારે માટે નવરાશ નથી, મને મળવાની તને કોઈ ઈન્તેજારી નથી-ભલે મારાં અંગો વિકળ હોય; પણ હું તારા તરફ પીઠ કરી ઢસડાતો ઢસડાતો તારાથી જેટલો દૂર જઈ શકું તેટલો જઈશ-* એ વૃદ્ધ આખી રાત આ ભજન ગાતો રહ્યો ને ગાતાં ગાતાં વહેલી પરોઢે એણે દેહત્યાગ કર્યો. કીકુભાઈની જેમ અનાવિલ આશ્રમમાં મને બીજા જે મિત્રો મળ્યા તેમાં દિલ્હીના સરદાર વલ્લભભાઈ વિદ્યાલયના આચાર્ય ડૉ. રઘુભાઈ નાયકનો પણ સમાવેશ થાય છે. એ મારાથી ઉંમરે નાના મગનલાલના સમવયસ્ક. એમનો લાગણીપ્રધાન સ્વભાવ ને એમની એ વખતે રહેતી નાજુક તબિયત મને એમની નિકટ લઈ ગયાં – ને એમની સાથે એવી આત્મીયતા કેળવાઈ કે મારી સલાહ સ્વીકારી તે મારી સાથે નિસર્ગોપચાર માટે મુંબઈ જવા તૈયાર થયા. એ વખતે બંધાયેલા આ બધા સંબંધો ચિર મૈત્રીમાં પરિણમ્યા. આ બધો વખત ભણવા મૂકવાનું તો નામ જ લેવાતું ન હતું – ને છતાં કોઈ યુનિવર્સિટીમાં ભાગ્યે જ મળે એવી જ્ઞાનલહાણ અમને અનાયાસે ડગલે ને પગલે મળતી જ રહેતી. આથી જ્યારે ‘નવજીવન'માં સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીઓને ‘ઋષિઓના વંશજ’ તરીકે બિરદાવતા મેં વાંચ્યા ત્યારે મને લાગ્યા વિના નહિ રહ્યું કે હું પણ અનાવિલ આશ્રમમાં આવી ઋષિઓના વંશજોની દુનિયામાં પ્રવેશવા ભાગ્યશાળી બન્યો હતો. [2]





  1. હવે વિદેહ.
  2. મૂળ ભજનનો અલ્પાંશ પણ આમાં ઊતર્યો નથી; પણ આ ભાવ ને એમાં રહેલી ભક્તની મસ્તી, ખુમારી ને શ્રદ્ધામાં આપણી સંસ્કૃતિનું એ સાંભળતાં જે દર્શન થયું તેનાથી હું ખૂબ પ્રભાવિત બન્યો છું.