સાફલ્યટાણું/૫. ગાંધીજી અને એમના અનુયાયી
૧૯૨૦-૨૧ના અરસાના જે દિવસોની સ્મૃતિઓને હું તાજી કરી રહ્યો છું તે અંગે હું નોંધી ગયો છું તેમ એ બધી એવી તો ભેળસેળ થઈ ગયેલી છે કે કાલાનુક્રમ જાળવી આલેખન કરવું મુશ્કેલ છે. એ બધા દિવસો નવી નવી વ્યક્તિઓના પરિચયના, નવા ઉન્મેષોના ને નવી જ્ઞાનક્ષિતિજોના ઉઘાડના ને અદમ્ય ઉત્સાહના હતા. અનાવિલ આશ્રમમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ જતો જ્યારે કોઈ નવી વ્યક્તિનું દર્શન થતું નહિ. આમ તો લડતના સૈનિકો ને સ્વયંસેવકોની અવરજવર નાનીસૂની ન હતી; પણ એમાં આપણને સહેજે આકર્ષે એવી વ્યક્તિઓની કમીના ન હતી. એ બધી અસહકારની મોહિનીથી દૂર દૂરથી આકર્ષાતી અહીં એકઠી થતી. એમાં જો દક્ષિણ આફ્રિકાથી આવેલા ઝીણાભાઈ નાયક હતા, તો નર્મદાની પરકમ્મામાંથી આવેલા અવધૂત જેવા નર્મદાશંકર પંડ્યા પણ હતા. એ સૌ પોતપોતાની સાથે પોતાની દુનિયાનું આગવું વાતાવરણ લઈને આવતા, ને એ વાતાવરણમાં ડોકિયું કરવાનો ને એમાં ગરક થઈ જવાનો અમને લહાવો આપતા.
એ બધી સ્મૃતિઓ તો ધૂંધળી બની ગઈ છે, વિગતો ભુલાઈ ગઈ છે; પણ જે કંઈ થોડુંઘણું યાદ રહી ગયું છે, તે નોંધવું ગમે એવું છે. ઝીણાભાઈ એ વખતે ‘ભાઈ ઝીણાભાઈ'ના નામે પ્રકાશમાં આવ્યા હતા. એ મૂળ બારડોલી તાલુકાના તરભણના વતની. એમનું આખું નામ ઝીણાભાઈ ભીખાભાઈ નાયક. ધંધાર્થે નાની ઉંમરે આફ્રિકા ગયેલા અને સાહસિક પ્રકૃતિને લઈને પોતાના વ્યવસાય ઉપરાંત બીજી અનેક ચિત્રવિચિત્ર પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થઈ ગયેલા. મૅટ્રિકથી આગળ ભણવાની સગવડ નહિ અને આપણા દેશમાં કમાણીનાં સાધનો ટાંચાં એવા કોઈક ખ્યાલથી અધૂરે ભણતરે ને બહુ નાની ઉંમરે તે વિદેશ ગયેલા. તે મુલકોની, તેમના પ્રવાસોની, ને તેમણે જે જુદા જુદા વેશ ભજવેલા તેની વાતો રોમાંચક હતી. આફ્રિકામાં ગાંધીજીના સમાગમમાં પણ તે આવેલા. આફ્રિકા બહાર યુરોપ-અમેરિકા આદિ પ્રદેશોમાં પણ એ ગયેલા. વગર પૈસે સફરો કરવાનો કીમિયો તેમણે કેવી રીતે મેળવેલો તેના રસિક હેવાલો તે આપતા. માનવસ્વભાવના તે અચ્છા જાણકાર હતા અને માણસની કેટલીક સહજ નબળાઈનો લાભ લઈ કેમ કમાણી થઈ શકે એના કેટલાક નુસખા તેમણે શોધી કાઢયા હતા. દાખલા તરીકે આવતી કાલે આપણું શું થવાનું છે, એ જાણવાની વૃત્તિ ને તેમાંથી આવતી પામરતામાંથી ભાગ્યે જ કોઈ મુક્ત છે એવું તેમનું મંતવ્ય હતું. ભારતીયો ભવિષ્યકથનની વિદ્યામાં પારંગત હોવાની માન્યતા એ વખતે વિદેશોમાં ખૂબ પ્રચલિત હતી. એટલે એમણે જ્યોતિષ, હસ્તરેખાશાસ્ર, મસ્તિષ્કશાસ્ત્ર આદિ શાસ્ત્રોને નામે કમાણીનું એક નવું ક્ષેત્ર પોતાને માટે ઊઘાડ્યું.
આ બધી વિદ્યાઓની એમની વાત રસભરેલી બનતી. એ કહેતા, હાથની રેખા જોઈ તમે કોઈને કહો કે તમે નિરાશાવાદી છો, તો સહેજ વિચાર કરતાં તે પોતાની જાતને તે એવી જ જોશે ને તે માટે પ્રસંગો પણ ખોળી કાઢશે. જો તમે એથી ઊલટું જ કહો તો તે પણ તેને સાચું જ લાગવાનું ને તે માટેના પ્રસંગો પણ તેને મળી આવવાના. આમ માણસના ચંચળ મનનો પૂરેપૂરો લાભ ભવિષ્યવેત્તાઓ લેતા હોય છે એવી એમની પાસેથી પ્રાથમિક ભૂમિકા મેળવી અમે પણ કેટલાક મિત્રોએ તેમની પાસેના શીરોના હસ્તરેખા પરના વિખ્યાત ગ્રંથ પર નજર ફેરવી સૂંઠને ગાંગડે ગાંધી થવાની રમત આદરી. એ પુસ્તકમાં એ જમાનાનાં કેટલાંક વિખ્યાત સ્રીપુરુષોના હાથના પંજાની આકર્ષક છાપ આપવામાં આવી હતી. તેના અવલોકનમાં અમે રચ્યાપચ્યા રહેવા લાગ્યા. એમાં સ્વામી વિવેકાનંદ અને શ્રીમતી એની બેસંટના હાથના પંજાની પણ મુદ્રા હતી. એ બધી જોઈએ ને અમારા હાથની રેખાઓ સાથે એનું કાંઈક સામ્ય જણાય તો ઝીણાભાઈને બતાવીએ ને તે અમને પ્રોત્સાહિત કરે.
આ સાધનોનો લાભ લઈ તે કેવા કેવા વેશ ભજવતા તે વાતોમાં અમને રમૂજ પડતી. તેમને એક વખત વિચાર આવ્યો કે દુનિયાની મુસાફરીએ ઊપડવું; પણ એટલા પૈસા લાવવા ક્યાંથી? તરત જ એમણે પ્રયોગ શરૂ કરી દીધો. છાપામાં સમાચાર આપ્યા કે ભારતથી એક મહાન જ્યોતિષી અમેરિકાની સફરે જતાં અહીં થોભ્યા છે. એ જાહેરાત કંઈક આ પ્રકારની હતી.
Prof. J. B. Nayak, Professional Astrologer Palm-reader and Phrenologist from the East on tour to America.
એ સાથે સ્થળ અને મુલાકાતનો સમય આપવામાં આવ્યો હતો. એ જાહેરાતે જાણે એમને માટે ચમત્કાર સર્જ્યો. માણસોની ઠઠ જામવા માંડી! એમની આ કરામતનો અનુભવ અમને પણ સુરતમાં યોજાયેલા એક પ્રદર્શનમાં થયો.
અસહકારની લડતે જે નવી હાર ઊભી કરી હતી તેમાં સ્વદેશી ભાવનાનો વેગ ઘણો મોટો હતો. વિદેશી વસ્તુઓના બહિષ્કારના ખંડનાત્મક કાર્યક્રમ સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર માટે અદમ્ય ઉત્સાહ જન્મ્યો હતો અને એ સ્વદેશી વસ્તુઓના પ્રદર્શનમાં પરિણમ્યો. એવું એક પ્રદર્શન એ અરસામાં સુરતમાં યોજાયું એમાં સ્વયંસેવક તરીકે અમે ઉત્સાહથી જોડાયા. યાદ નથી, કોના ને કઈ વસ્તુઓના સ્ટૉલ પર મને કામગીરી મળી હતી; પણ એ વખતની બે ઘટના બરોબર યાદ રહી ગઈ છે.
એમાંની એક મારે લગતી છે. અસહકારના પાયામાં પ્રેમ અને અહિંસા રહેલાં છે, એ વાત શરૂ શરૂમાં એટલી સ્પષ્ટ ન હતી. ત્યારે તો સરકારને સાથ આપવો બંધ કરી તેનું કામ થંભાવી દઈ તંગ કરી, સ્વરાજ આપવાની તેને ફરજ પાડવા પૂરતી જ સામાન્ય સમજ હતી; પરંતુ મને ખબર નથી કેવી રીતે પહેલેથી જ લાગેલું કે આ લડત અનોખી છે, એની પાછળ પ્રેમનું બળ છે. અસહકારના રંગે રંગાયા પછી એ ભાવના મારા મનમાં વધુ સુરેખ રીતે આકાર લેતી બની ને સરકારને સાથ આપતા હિંદીઓ માટે જે રોષની લાગણી થતી તેનો સામનો કરી એ સૌના હ્રદયપલટા માટે આપણે મોટાં બલિદાન આપવાં જોઈએ એવું હું માનતો થયો. આથી લડતનો રંગ જ્યારે પૂરેપૂરો જામ્યો ને સરકા ૨ી નોકરોના ઘૃણાજનક બહિષ્કારની હિલચાલ ઊપડી ત્યારે હું ઘણો વ્યથિત રહેતો. મારી વ્યથાને ૧૯૩૨ ની સાલમાં સાબરમતી જેલમાં લખાયેલી મારી નવલિકા * ‘બાબાજાન'માં અસંદિગ્ધ રીતે-તે વખતે એમ કરવામાં રહેલા જોખમનો મને ખ્યાલ હોવા છતાં-મેં વ્યક્ત કરેલી છે. મારી મનોભૂમિકામાં આટલું ડોકિયું કરી લઈ આપણી માન્યતાઓ ને આપણા વ્યવહાર વચ્ચે સુમેળ જાળવવામાં આપણે કેવી કેવી પછાડ ખાઈએ છીએ તેના નિર્દેશ પૂરતી પ્રદર્શન વખતની ઘટના આલેખી લઉં. પાછળથી એ ‘ગાતા આસોપાલવ'માં ગ્રંથસ્થ પણ થઈ છે.
પેરિક્લીઝ યુગના ઍથેન્સનું વર્ણન કરતાં એક ઇતિહાસકારે નોંધ્યું છે કે એ વખતે ઍથેન્સે પેરિક્લીઝનો ચહેરો પહેરી લીધો હતો. મીઠાના સત્યાગ્રહ વખતે આપણા એક હિંદી કવિએ પણ ગાંધીજીને ઉલ્લેખી ગાયું હતું કે ‘ગાંધી, તું આજ હિંદકી એક શાન બન ગયા!' જે પ્રદર્શનનો હું ઉલ્લેખ કરી રહ્યો છું તે આખું પ્રદર્શન એ વખતે ગાંધીમય બની ગયું. ગાંધીપૂજાનો અમને જાણે નશો ચડ્યો હતો. એવી અમારી મનોદશામાં એક રાતે પ્રદર્શનના બધા સ્ટૉલ બંધ થતા હતા ને અમે કામમાંથી નવરા પડી ગપાટા હાંકવાની શરૂઆત કરતા હતા ત્યાં અમારી નજીકના એક સ્ટૉલવાળાએ ગાંધીજીને લગતું કંઈક ઘસાતું કહ્યું. એ સાંભળતાવેંત જ મારી આંખ લાલ બની; પણ જાત પર કાબૂ રાખી મેં તેને કોઈ એલફેલ વચનો ન બોલવા જણાવ્યું. પણ તે એથી બમણા ઉત્સાહમાં આવ્યો. તે કોઈ સામાન્ય વેપારી કે તેનો નોકર હશે ને મારે એના બોલવા પર ધ્યાન આપવું જોઈતું ન હતું એવું આજે ભલે હું કહું; પણ ત્યારે તો મારો મિજાજ માઝા વટાવી ગયો. બટુકનાથ વ્યાયામશાળાના અંતેવાસી બનીને મોટી ભરતી વખતે પણ તરીને રેવાજી પાર કરી મારાં અંગોને મેં જે રીતે કસ્યાં હતાં તે બધાંમાં લોહી જાણે ધગધગતા સીસા જેવું બની ગયું; ને જ્યારે તે ‘તુંતાં’ પર આવી ગયો ત્યારે મને ખબર પણ પડે તે પહેલાં વાવાઝોડાની જેમ હું તેના પર ધસી ગયો ને તેને પટકી છાતી પર ચડી બેઠો. આજુબાજુના સ્ટૉલવાળા દોડી આવ્યા. ઝીણાભાઈ પણ તે વખતે ત્યાં જ હતા. તે પણ વચ્ચે પડ્યા, પેલાને ગળે ભરાયેલી મારા હાથની આંટી તેમણે મહા પરાણે છોડાવી. એ પહેલાંના મારા જીવન પર નજર કરતાં આવું ઝનૂન ક્યારેય દાખવ્યાનું મને યાદ નથી.
આના સંદર્ભમાં મારા નાના ભાઈ ચિ. ગુલાબ સાથેના એક પ્રસંગની યાદ તાજી થાય છે. તે ત્યારે પાંચેક વર્ષનો હશે અને હું આઠ-નવનો. એક વાર “તું તો કાળો” એમ કહી મેં તેને ઘણો ચીડવ્યો. આથી મિજાજ ગુમાવી હાથમાં એક સળિયો ઉપાડી લઈ તે મને મારવા દોડ્યો. હું ભાગ્યો ને તેણે મારો પીછો પકડ્યો. કાશીબાએ એ જોયું ને તેમની તબિયત ઠીક ન હોઈ તેમણે અમારી કામ કરનારી અંબીને એના હાથમાંથી સળિયો લઈ લેવા દોડાવી. અંબીએ ચિ. ગુલાબને પકડ્યો. તેણે ધમપછાડા કર્યા ને એથી અકળાઈ કાશીબાએ તેને ધીબ્યો ત્યારે ગુસ્સામાં તે કૂવામાં પડતું મૂકવા દોડ્યો ને અંબીએ તેને પકડી લીધો. એને એ વખતથી ‘તીખું મરચું’નું ઉપનામ મળ્યું. પ્રદર્શનમાંનું મારું વર્તન બરોબર આ જ પ્રકારનું હતું. એ પ્રસંગ મને યાદ આવતો ત્યારે હું ભારે ગ્લાનિ અનુભવતો. આ ઘટનાની વિગતો મુ. દયાળજીભાઈ પાસે પહોંચી ને પ્રદર્શનમાં સ્વયંસેવક તરીકે જવાની મારી કામગીરી બંધ કરવામાં આવી.
ગાંધીભક્તિ આવા ઝનૂનમાં પરિણમે એ અપવાદરૂપ ન હતું. અસહકારની લડત જેમ જેમ વેગ પકડતી ગઈ તેમ તેમ એના વિરોધીઓ પ્રત્યેનો અસહિષ્ણુતાનો પારો પણ ઊંચે ચડતો ગયો. નેતાઓનાં ભાષણોમાં પણ ઘણું ઝનૂન પ્રવેશતું. લાલા લજપતરાયે તો ‘જે અમારી સાથે નથી તે અમારી સામે છે’-Those who are not with us are against us-· એવું સૂત્ર આપ્યું ને અમે અમારાં વ્યાખ્યાનોમાં એને વેદવાક્યની જેમ ટાંકી એના પરના ભાષ્યમાં વાણીને અંકુશવિહોણી બનાવી દેતા. આપણા દેશમાં અતિ વગોવાયેલું ને અનેક વાર સામાજિક અત્યાચારોમાં પરિણમેલું ન્યાતબહાર મૂકવાનું શસ્ત્ર પણ અવારનવાર વપરાવા લાગ્યું ને કેટલીક વાર તે ઘોર હિંસામાં પણ સરી પડતું. ચૌરીચૌરામાં એણે એનું અતિ વરવું સ્વરૂપ દાખવ્યું.
આમ અસહકારનો અખતરો ઘણો મુશ્કેલ હતો. માણસના સ્વભાવગત રાગદ્વેષ પર વિજય મેળવી માનવતાનો, પ્રેમનો ને અહિંસાનો મહિમા માનવ હૃદયમાં વધારવાનો હતો અને એ કાર્ય ગાંધીજીએ અમારા જેવા અસંખ્ય અપૂર્ણ કે પાંગળાં સાધનો દ્વારા સાધવાનું હતું!
માનવ સાધનોની મર્યાદા કેવી કેવી રીતે અસહકારની લડતને જુદા જુદા વળાંક આપતી હતી એનું એક બીજું ઉદાહરણ પ્રદર્શન વખતની ભાઈ ઝીણાભાઈની કામગીરી છે. એમણે એ વખતે સંન્યાસીનો સ્વાંગ સજ્યો. સંન્યાસીનાં ભગવાં ઉપરાંત મુંડન સાથે ભવિષ્યવેત્તા ને ધર્મોપદેશકનો વેશ ભજવતાં પ્રદર્શનમાં એ ભારે આકર્ષણનું ભાજન થઈ પડ્યા. હાથની ને મુખની રેખાઓ ને આકાર પરથી એ જે ભવિષ્યકથન કરતો તેનો લાભ લેવા જિજ્ઞાસુઓની અખંડિત હાર જામવા માંડી. એમાં વિશેષ આકર્ષણ એ રહેતું કે કોઈ પણ જાતની ફી લીધા વિના એ ભવિષ્યકથન કરતા, સિવાય કે જિજ્ઞાસુ પાસે સ્વદેશીનું વ્રત તે લેવડાવતા ને એ નિમિત્તે પ્રદર્શનમાંથી ખાદી અથવા ખાદીની બનેલી થેલી કે ટોપી જેવી ગમે તે એક વસ્તુ તે ખરીદશે એવું વચન તેમની પાસેથી લેતા. આ બધું આમ તો બરાબર હતું, ભવિષ્યકથનનું તો એક નાટક જ હતું-અને ભાઈ ઝીણાભાઈ જ નહિ અમે પણ એ બરોબર જાણતા. એનાથી ઉપલક રીત કોઈને કશી હાનિ ન હતી ને સ્વદેશી ભાવનાને ઉત્તેજન મળતું હતું એમ જણાતું હતું, પણ ગાંધીજીની સાધનશુદ્ધિ સાથે એ બંધબેસતું ન હતું. એ અંગે મારા વિચારો સ્પષ્ટ હોઈ એ વિશે મેં વિરોધનો સૂર કાઢવા પ્રયત્ન કર્યો ત્યારે મારી વાત દૂધમાંથી પોરા કાઢવા જેવી લેખાઈ. યુગોથી બંધાયેલી મનુષ્યની ટેવોમાં ક્રાંતિકારી પલટો લાવવાનું સહેલું નથી-ને એ ક્રમે ક્રમે જ સાધી શકાય, એટલે ગાંધીજી જે અહિંસાનો આદેશ આપતા હતા તે સ્થિતિએ પહોંચતાં માનવજાતને દસ હજાર વર્ષ પણ કદાચ લાગી જાય તો તે જગતના ઇતિહાસમાં સમયનો કંઈ મોટો ગાળો નહિ લેખાય, આવી આવી અનેક દલીલો અમારાં સ્ખલનોની વાહરે આવતી ને અસહકારની ઉદાત્ત ભૂમિકામાંથી અનેક વાર ઘણી નીચલી સપાટીએ અમે ઊતરી જતા.
અમે તો હજુ કિશોરાવસ્થામાંથી માંડ બહાર આવેલા તરુણો હતા ને અમે અતિ ઉત્સાહમાં પ્રમાદી બનીએ તે સમજાય એવું લેખાય; પણ નેતાઓ આમાં અપવાદરૂપ ન હતા. એક કિસ્સાના ઉલ્લેખથી આ સ્પષ્ટ થશે:
અખાત્રીજના જુવાળ જેવી અસહકારની ભરતીનાં મોજાં આખા દેશ પર ફરી વળ્યાં હતાં ને એ સૌમાં સુરત જિલ્લો ભારે આકર્ષણનું કેન્દ્ર થઈ પડ્યો હતો. દલુ-કલુની જોડીએ જાણે જિલ્લા આખામાં ચમત્કાર સર્જ્યો હતો ને એ જોડીમાંથી વહેતા પ્રેરણાસ્રોતો પાછળ જે અનેક નામી-અનામી વ્યક્તિઓની કલ્પકતા હતી તે પૈકી કલ્યાણજીભાઈના મોટાભાઈ કુંવરજીભાઈનો કંઈક પરિચય મને થયો હતો. મિલન કે વિદાયનું એમનું ‘રામકબીર' અમારે માટે ચેપી નીવડ્યું હતું ને ખાસ કરીને એમને તો અમે રામકબીરા નામે જ વધાવતા. એમની ભાષા તળપદી ને સુરતી બોલીમાં રહેલાં અનેક પ્રાણવાન કલ્પનોથી સભર. આથી આમજનતા પર એમની વાણીનું વશીકરણ ભારે હતું. આદિવાસી વિસ્તારમાં લોકસમૂહ સાથે વાત કરવાની કળામાં સંભવતઃ એ અજોડ હતા. એમણે અસહકાર પહેલાંથી લોકજીવનને ઊર્ધ્વગામી કરવા જે સમાજસુધારાની પ્રવૃત્તિ હાથ ધરી હતી અને તે માટે એક સામયિક ‘પટેલબંધુ' પણ તે ચલાવતા હતા તે પ્રવૃત્તિને વધુ વેગવંત બનાવવાની તક અસહકારના કાર્યક્રમમાંથી એમણે ઝડપી લીધી ને મનિષેધ પર પોતાની ઘણી શક્તિ કેન્દ્રિત કરી. હું જે પ્રસંગને અનુલક્ષીને આ નોંધું છું તેમાં એમનું કર્તૃત્વ કેટલું હશે તે નક્કી કરવું મુશ્કેલ છે ને એકાદ વખત તેમની આગળ મેં એનો ઉલ્લેખ કરેલો ત્યારે એમણે હસીને એ વાત ઉડાવી દીધી હતી; પરંતુ એ ઘટનાના એ સૂત્રધાર હતા વા નહિ એનો નિર્ણય નહિ કરતાં એટલું નોંધવું પૂરતું છે કે આવી ઘટનાના અનેક કલ્પનાશીલ સર્જકો અમારી વચ્ચે હતા ને તેમણે એક નવું જ બળ ઊભું કર્યું હતું.
એનો પરિચય મને આ રીતે થયો: ગાંધીજીની ગિરફતારી પછીનો આ પ્રસંગ છે. ઘણે દિવસે હું ચીખલી આવ્યો ને તે વખતના રિવાજ મુજબ ભાડાની ઘોડાગાડીમાંથી તળાવ આગળ હું ઊતર્યો તો ત્યાં લોકોનું એક મોટું ટોળું જમા થયેલું મેં જોયું. એમાં ઉજળિયાતોથી માંડી બધી વરણનાં સ્રીપુરુષો હતાં. ‘મહાત્મા ગાંધીની જય'ના નારાઓ, ગાંધીગીતો, ને ઝાંઝ પખાજ, ઢોલત્રાંસા આદિ વાદ્યોથી કોઈ મોટા ધાર્મિક ઉત્સવનું વાતાવરણ સર્જાતું હતું. કેટલાંક સ્રીપુરુષો ધૂણતાં હતાં ને લોકોમાંથી ‘બાપુ, ખમા કરો-ખમા કરો!' એવ ધ્વનિ ઊઠતા હતા. પહેલાં તો મને કશું સમજાયું નહિ; પણ થોડી જ વારમાં મેં જાણ્યું કે જે સ્રીપુરુષો ધૂણતાં હતાં તેમની ‘સેરમાં’ ગાંધીજી આવ્યા હતા. ભૂત-પ્રેત, દેવ-દેવી આદિ સેરમાં આવ્યાની એ જમાનામાં નવાઈ ન હતી અને ભૂવાનો ધંધો પણ આવી રીતે ચાલતો હતો. આ ટોળામાં ભૂવાઓ પણ હતા અને તેઓ એમની વિદ્યાનો પરચો બતાવવા કરવા જેવું બધું જ કરી રહ્યા હતા. આ બધું કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને બેચેન કરવા પૂરતું હતું; પણ ત્યાં તો એવી સંવેદનાને સ્થાને જાણે કોઈ વશીકરણ-hypnotic spell ની અસર હેઠળ એ માનવમેદની, કૉંગ્રેસી કાર્યકરો ને સ્વયંસેવકો હોય એવું લાગતું હતું. થોડાક નારા બાદ એ મેદની સરઘસના રૂપમાં પલટાઈ ને ગીતો ગાતું ને મહાત્મા ગાંધીની જયઘોષણા બોલાવતું ટોળું ગામમાં પ્રવેશી બજારમાં થઈ નદી ઉપર પહોંચ્યું. ત્યાં ધૂણવાની ક્રિયા વધુ વેગવંત બની. સેરમાં આવેલા મહાત્મા ગાંધીએ લોકોને સખત રીતે ધમકીઓ આપી. દારૂતાડી પીવાનું જો લોકો ન છોડે તો ભગવાનના કેવા કોપ ઊતરશે તેનાં બિહામણાં ચિત્રો પણ રજૂ થયાં. લોકોએ પ્રતિજ્ઞા કરી. મહાત્મા પ્રસન્ન થયા. નાળિયેર વધેરાયાં, પ્રસાદ વહેંચાયો, ને મઘનિષેધની પ્રવૃત્તિનો જયજયકાર કરતું ટોળું વિખેરાયું. એ પહેલાં સત્યનારાયણની કથાને અંતે આવતી દસ અવતારની આરતી હાર પહેરાવેલી ગાંધીજીની છબી આગળ ભારપૂર્વક ગવાઈ. એ આરતીમાં અગિયારમા અવતાર તરીકે મોહન ને મહાદેવ ઉલ્લેખાયા. તે કંડિકા આ પ્રકારની હતી–
અગિયારમે મોહન ને મહાદેવ
આરતી અંતરમાં ધરશો–
ભાવે ભૂધરને ભજતાં
ભવસાગર તરશો!
એ પછી તો મેં જાણ્યું કે જયાં જયાં જ્યાં સત્યનારાયણની કથા હોય ત્યાં અચૂક રીતે આ કડી ગવાતી ને મોહનદાસ કરમચંદ ગાધી ને મહાદેવ દેસાઈનાં અવતારકૃત્યોની ચમત્કારિક વાતો પણ ચર્ચાતી. એક કૂવામાં કરોળિયાએ જાળાં કર્યાં છે ને તેમાં રેંટિયો કાંતતા ગાંધીજી દર્શન આપે છે એવી એવી અનેક વાતો પણ મેં સાંભળી.
આ બધી વાતોની અસર કેટલી વ્યાપક હતી તે પણ નોંધવા જેવું છે. દારૂતાડીનાં પીઠાંના ઈજારદાર મુખ્યત્વે પારસીઓ હતા. વાંસદા ધરમપુરનાં જંગલોમાં તો એ પીઠાંવાળાઓ નાના નાના રાજા જેવા હતા. સંપત્તિ ને ઐશ્વર્યના તે સ્વામી હતા ને આસપાસની રાની પરજ વસ્તી તેમની ગુલામ જેવી હતી. મનિષેધની જે વાતો ગાંધીને નામે તેમની પાસે પહોંચી તેણે જાણે મોટો ચમત્કાર સર્જ્યો. ગાંધીજીએ આશ્રમવાસીઓ સમક્ષ બ્રહ્મચર્યનો જે આદર્શ મૂક્યો હતો, અહિંસાનું જે વ્રત આશ્રમવાસીઓ લેતા તેની લોકભોગ્ય કલ્પનો દ્વારા આ આદિવાસી વસ્તીમાં વાતો વહેતી થઈ ને લોકના મન ઉપર એનું ભારે વશીકરણ થયું. અહીં લોકોની સેરમાં દેવી આવવા માંડી ને તેણે ગાંધીજીને નામે લોકોને આદેશ આપવા માંડ્યા. જંગલની એ ગભરુ ભોળી પ્રજાએ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમની બ્રહ્મચર્યના આદર્શ સહિતની હાકલો ઉપાડી લીધી. સ્રીઓ પોતાના પતિથી અલગ થઈ જુદી ઝૂંપડીઓ પાડી રહેવા લાગી. મરઘાં ફૂંકડાં ઉડાડી મૂકી અહિંસા વ્રતનું પાલન તેમણે આદર્યું. પીઠાંવાળાઓનો સખત બહિષ્કાર પોકારી મનિષેધની પ્રવૃત્તિને જાણે કે ચપટી માત્રમાં તેમણે સફળ બનાવી દીધી! હું તો એ વખતે વિદ્યાર્થી હતો એટલે કાચી ઉંમરનો લેખાઉં; પણ આ ઘટનાઓએ મારા મનને ખળભળાવી મૂક્યું. હિંસક સંગ્રામમાં સિપાઈઓને ચર્ચા કરવાપણું હોતું નથી તેમ અહિંસક લડતમાં પણ એની કોઈક શિસ્ત હોવી જોઈએ એવું અમને જણાવાતું, ને સાધનો અંગેની વ્યર્થ ચિંતામાં ન પડવાની શિખામણ અપાતી. અસહકારના કાર્યક્રમને જે અસાધારણ સફળતા મળી રહી હતી, જે પ્રચંડ લોકજાગૃતિ થઈ હતી તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમારે તો અમારી ફરજ બજાવ્યે જવી ને લડતમાં જે કંઈ આડુંઅવળું નજરે પડે તે સુધારી લેવા જેવી અખૂટ શક્તિવાળા નેતાઓ આપણી પાસે છે તેથી નિશ્ચિંત રહી વ્યર્થ ચર્ચામાં સમય બરબાદ ન કરવાનો અમને જાણે કે આદેશ અપાતો. આથી જે દશ્યોથી હું બેચેન હતો તેની સામે હરફ સરખો પણ ઉચ્ચારવો એ અસહકારની લડતનો દ્રોહ કરવા રૂપ લેખાતું. સાધ્ય-સાધન-શુદ્ધિની વાત તો કેવળ ગાંધીજી જ આચરી શકે, આપણે માટે તો સાધ્ય શુદ્ધ હોય એ પૂરતું છે એવું બહુ આત્મસંતોષપૂર્વક અમારા નેતા અમને કહેતા ને જે માર્ગે અસહકારને સફળ બનાવી શકાય તે માર્ગે અમારી બધી શક્તિ વાળવાની અમને સલાહ આપતા.
સામૂહિક વશીકરણની આ ક્રિયામાંથી પોતાને ઘણા પ્રગતિશીલ ને સમજુ લેખતા વાણિયાબ્રાહ્મણ પણ મુક્ત ન હતા. મારાં પોતાનાં જ સ્વજનોમાં બનેલા આવા એક કિસ્સાના ઉલ્લેખથી આ સ્પષ્ટ થશે.
ગાંધીજી એમની ભારતવ્યાપી ઝંઝા જેવી યાત્રામાં ચીખલીને પણ ભૂલ્યા ન હતા. અમારા ગામના સૂકાઈ ગયેલા તળાવના વિશાળ પટમાં ૧૯૨૧ ના એપ્રિલમાં એક પ્રચંડ સભા યોજવામાં આવી હતી. હું પણ એ આયોજનમાં એક કાર્યકર્તા હતો. મારાં માશીબા (કાશીબાનાં મોટાંબહેન) એ સભા માટે વલસાડથી આવ્યાં હતાં. એ આવ્યાં હતાં ગાંધીજીને નામે લીધેલી બાધા ઉતારવા! એ વાત એમણે મને કહી ને ગાંધીજી પાસે એમને લઈ જવાનું કામ મને સોંપ્યું. મારી મૂંઝવણનો પાર રહ્યો નહિ. બાધા એ મતલબની હતી કે એમની દીકરી-મારી મસિયાઈ નાની બહેનનો કાન પાકતો હતો. તે કેમે કરીને મટતો ન હતો ત્યારે માશીબાએ ગાંધીજીની માનતા રાખી ને કાન સાજો થઈ ગયો! મારી ગમે તેવી ઘેલછાભરી ગાંધીભક્તિ છતાં કેમે કરીને આ વાત મારે ગળે ઊતરે નહિ ને મેં આવા બધા વહેમોમાં નહિ માનવાનું માશીબાને કહ્યું ત્યારે તેમણે ‘તમે બધા ભણેલા તો નાસ્તિક છો. તમને આમાં સમજણ નહિ પડે.’ એમ કહી મારી સાથે ચર્ચા કરવાની ના પાડી ને હું તેમને ગાંધીજી પાસે લઈ જાઉં એ વાત જીદપૂર્વક પકડી રાખી.
માશીબાને હું ગાંધીજી પાસે લઈ ગયો. ગાંધીજીને પગે લાગી માશીબાએ સવા રૂપિયો ને નાળિયેર તેમની આગળ ધર્યાં. એ શા માટે છે એવા સહજ પ્રશ્નના જવાબમાં બાધાનો ઉલલેખ થયો. સ્મિત કરતાં ગાંધીજીએ પૂછ્યું, ‘તમે બાધા રાખી ને મટી ગયું? *
માશીબા: હા, બાપુજી.
ગાંધીજી: મારામાં એવી બધી શક્તિ છે?
માશીબા: કેમ ન હોય? તમે તો ભગવાન છો.
ગાંધીજી: તો પછી ભગવાન આ દેશને માટે સ્વરાજ કેમ નથી
માશીબા: એ તો ભગવાન વરસમાં અપાવવાના જ છે ને!
ગાંધીજીએ પણ આ જવાબ નહિ કલ્પ્યો હોય. ‘એક વર્ષમાં સ્વરાજ’ શબ્દોએ જાણે કે મંત્રશક્તિ પ્રાપ્ત કરી હતી ને તેણે લોકમાનસ ઉપર જે અજબ ભૂરકી નાખી હતી તેનું આ ઉદાહરણ હતું. ગાંધીજીએ વાતને બહલાવી. મારી બહેનના કાન માટે માશીબાએ કયા કયા ઉપચાર કર્યા હતા તેની ઝીણી ઝીણી વિગતો તેમણે પૂછી. પહેલાં વલસાડના મિશન દવાખાનામાં, પછી મુંબઈ, એમ જે જુદી જુદી જગ્યાએ ઉપચાર થયા હતા તેની કડીબદ્ધ વિગતો એકઠી કરી એમાં જે રૂપિયા ખરચાયાં હતા તેની માશીબાને મોંએ જ વાત કહેવડાવી. ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું: ‘ડૉક્ટરોને ખોબા ભરીને રૂપિયા આપ્યા ને મને તો તમે સવા રૂપિયો ને નાળિયેરમાં જ પતાવી દીધો!'
માશીબા: ભગવાન તો ભાવનાના ભૂખ્યા હોય છે-તેમને થોડી જ નાણાંની ભૂખ હોય?
ગાંધીજી: તો બધેબધ હું ફાળો ઉઘરાવતો શાથી ફરું છું? આજની સભામાં તમે હતાં ને?
માશીબા: હા, મેં મારી વીંટી તરત જ કાઢી આપી હતી.
એ વખતે ગાંધીજી દરેક સભામાં સ્વરાજફાળો એકઠો કરતા ને લોકો પાસેથી નાણાં ઉપરાંત ઘરેણાં ને કીમતી વસ્તુઓનાં દાન માગતા. દરેક સભામાં ઘરેણાંનો જાણે વરસાદ વરસતો. એ બધાંનું પછી લિલામ થતું ને એ નિમિત્તે પણ સારો ફાળો એકઠો થતો ને ઘરેણાં ગાંધીજી પાસે અનામત રહેતાં. મણિલાલ કોઠારીએ તો આ પ્રવૃત્તિને એક નકશીદાર કળા તરીકે ખીલવી એનું જાણે કે શાસ્ત્ર રચ્યું હતું. માશીબાનો ઉત્તર સાંભળી ગાંધીજી ફરીથી મલક્યા.
ગાંધીજી: સભામાં પણ તમે મને છેતર્યો.
માશીબા: એવું કેમ કહો છો, બાપુજી?
ગાંધીજી: જુઓને, જે વધુ મોંઘાં છે એ તો તમે તમારી પાસે રાખ્યાં. સ્વરાજ માટે એક નાનકડી વીંટી-
ગાંધીજી વધુ બોલે તે પહેલાં તો માશીબાએ પોતાના હાથ પરની બંગડી ઉતારી ગાંધીજી આગળ ધરી દીધી ને ગળામાંની સોનાની સેર કાઢવા મંડ્યાં એટલે ગાંધીજીએ કહ્યું: ‘બહેન, તમે વીંટી આપી તે ઘણું છે. તમારી બંગડી ને બીજાં ઘરેણાં મને ખૂબ કામમાં આવે એમ છે; પણ તમે મને ભગવાન સમજીને એ આપો ને હું લઉં તો ભગવાનનો ગુનેગાર થાઉં. હું ભગવાન નથી, તમારા જેવો જ માણસ છું.’
પણ ગાંધીજીના શબ્દોની માશીબા ઉપર કંઈ અસર થઈ નહિ. ‘ભગવાન થોડા જ કહે કે હું ભગવાન છું?' એમ કહી તેમણે ગાંધીજીની વાત કાને ધરી નહિ.
ગાંધીજીને આવું ડગલે ને પગલે અનુભવતાં કેવી વેદનાઓ જીરવવી પડતી હશે તેની તો અટકળ જ કરવી રહી. આ તો માત્ર મારા ગામમાં મને થયેલા અનુભવની વાત થઈ; પણ ભારત જેવો વિરાટ દેશમાં ગાંધીજીના નામે શું શું થયું હશે તેનો કેવી રીતે અંદાજ કાઢી શકાશે? આદિવાસીઓથી માંડી ભણેલા, ચબરાક ને નાસ્તિક લોકો સુધીના જે અનેક ગાંધીજીની જયઘોષણા કરી દેશને ગજાવતા હતા તે સૌથી આપણા પ્રજાજીવન ઉપર કયા સંસ્કારની મુદ્રા અંકિત થઈ હશે!
ગાંધીજીને પોતાની મહત્તાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી હશે તેનાં અનેક ઉદાહરણો આપી શકાય. એક પ્રસંગ છે બીજી રાઉન્ડ ટેબલ પરિષદમાં ગાંધીજી ગયા તે વખતનો. સ્ટીમર મારફતે વિલાયત જવા ગાંધીજી જે ગાડીમાં મુંબઈ જવા નીકળ્યા તે સુરત સ્ટેશનથી રાતે લગભગ ત્રણના અરસામાં પસાર થવાની હતી. એ વખતે હું સુરતની સિટી કૉંગ્રેસ કમિટીનો પ્રમુખ હતો. અમે બધા એમને સફળ સફર ઇચ્છવા સ્ટેશને ગયા. સ્ટેશન પર તો માણસોની પ્રચંડ મેદની જમા થઈ હતી, ને ગાંધીજીની જયઘોષણાથી આખું સ્ટેશન ધમધમી ઊઠ્યું હતું. ગાડી સ્ટેશનમાં પ્રવેશતાં તો જયઘોષણાનો ઘોંઘાટ માઝા વટાવી ગયો. ગાંધીજી જે ડબ્બામાં હતા તેની બારીઓ બંધ હતી, પણ પાસેના કંપાર્ટમેન્ટમાંથી મહાદેવભાઈ બહાર ડોકું કાઢી લોકોને અવાજ ન કરવા વીનવતા હતા. બાપુ ઊંઘી નથી શક્યા એવું બહુ આર્દ્ર સ્વરે લોકોને સમજાવવા તેમણે ઘણી મથામણ કરી, પણ ગાંડા લોકોએ ગાંધીજીના કમ્પાર્ટમેન્ટની બારી હચમચાવી દીધી. બારી ખોલી ગાંધીજીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવ્યું, ‘કેવો અવિનય! પરોઢે ભગવાનનું નામ હોય કે ગાંધીની જય?' ને એટલામાં મારા પર નજર પડતાં તેમનો અવાજ વધુ સખત બન્યો, ‘તમે પણ આવ્યા છો? તમારે તે આવવાનું હોય કે અહીં આવતા લોકોને રોકવાનું હોય? આ રીતે તમે સ્વરાજ લાવવાના છો!' અમારી લજ્જા ને ગ્લાનિની સીમા રહી નહિ. શુભેચ્છા માટે આણેલા સૂતરના હાર હાથમાં રહ્યાં ને ધરતી માગ આપે તો સમાઈ જઈ આમાંથી છુટકારો મેળવીએ એવી મનની સ્થિતિ થઈ.
આ તો એક સ્ટેશન પરના અત્યાચારની વાત થઈ. આવું ભરૂચ, વડોદરા આદિ સ્ટેશનોએ તો થયું જ હતું; પણ જે જે સ્ટેશને એ ગાડી ઊભી રહી તે દરેક સ્ટેશને આ હેરાનગતિ વેઠવી પડી હતી!
પણ આ તો એક સ્થૂળ બાબત હતી. એમાં રહેલા લોકોના મોહ ને પ્રેમને રચનાત્મક માર્ગે વાળવાનું ગાંધીજી જેવા માટે મુશ્કેલ ન હતું, પણ એમની મોટી મુશ્કેલી તો આ દેશના અનેક સારાનરસા વારસાવાળી વિરાટ જનતામાં નૈતિક મૂલ્યો માટેની ભૂમિકા સર્જવાની હતી ને તેમાં ડગલે ને પગલે એક સાંધતાં તેર તૂટે એવી સ્થિતિનો સામનો કરવાનો હતો. ગાંધીજી કરતાં સહેજ પણ ઓછી શક્તિવાળી વ્યક્તિ આવા વિષમ સંજોગોમાં ભાંગી પડ્યા વિના ભાગ્યે જ રહી શકી હોત. પોતાને એક અમોઘ શસ્ત્ર લાધ્યું હતું; પણ જેમના હાથમાં મૂક્યા વિના પોતે આગળ ડગ ભરી શકે એમ ન હતું ને જે હાથમાં એ મુકાય તે હાથમાં એ માટેની ઓછી પાત્રતા હતી એ, જગતના અન્ય મહાન પયગંબરોની જેમ, ગાંધીજીના જીવનની મોટી કરુણતા હતી.
- ↑ આ પ્રસંગ સ્મૃતિને આધારે આલેખ્યો છે. એમાંનો સંવાદ લગભગ એ જ રીતે ત્યારે થયો હતો; પણ શબ્દો જેવા બોલાયેલા તેવા જ અહીં ઉતાર્યા છે એમ નહિ કહી શકાય. એ સંવાદમાં તત્ત્વ જળવાઈ રહ્યું છે એટલું નમ્રતાપૂર્વક નોંધું છું.