સાહિત્ય પલ્લવ – ભાગ ૩/માગું જનમોજનમ અવતાર રે

૭. માગું જનમોજનમ અવતાર રે

નરસિંહ

ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે;

પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે.
ભૂતળ૦


હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મોજન્મ અવતાર રે;

નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નીરખવા નંદકુમાર રે.
ભૂતળ૦


ભરતખંડ ભૂતળમાં જનમી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે;

ધન ધન રે એનાં માતપિતાને, સફલ કરી એણે કાયા રે.
ભૂતળ૦


ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે;

અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે.
ભૂતળ૦


એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે;

કાંઈ એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈંયો ભોગી રે.
ભૂતળ૦