સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કેણી પેરે ભરીએ આછાં નીર?

૨. કેણી પેરે ભરીએ આછાં નીર?

નરસિંહ

કેણી પેરે ભરીએ આછાં નીર રે, જમનાને આરે વા’લા?
ધુતારા છે ગોકુળિયાના લોક રે, શામળિયા વા’લા.
સોના રૂપાનો મારો ઘડ્યો રે ઘડૂલો વા’લા,
ઊંઢણીએ છે રતન જડાવ રે, શામળિયા વા’લા.
તાણ મા તાણ મા હાર, રે મારો તૂટે વા’લા,
મોતીડાં વેરાશે ગિરધર લાલ રે જમનાને આરે વા’લા.
માથે મટુકી ગોપી રે, વનડામાં રોકી વા’લા,
જાય છે મારી સહિયરોનો સાથ રે, શામળિયા વા’લા.
નરસૈંયાનો સ્વામી રે મને મળિયો વા’લા,
ઉતાર્યાં છે ભવ પાર રે શામળિયા વા’લા.