સિગ્નેચર પોયમ્સ/મીઠા ઉજાગરા – પ્રભુલાલ દ્વિવેદી
Jump to navigation
Jump to search
પ્રભુલાલ દ્વિવેદી
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે...
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે...
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથે ત્યાં,
વેરણ હીંડોળાખાટ રે...
ઘેરાતી આંખડીને દીધા સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે...
આજના તો જાગરણે આતમા જગાડ્યો.
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે...
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.