સિગ્નેચર પોયમ્સ/રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ
Jump to navigation
Jump to search
અવિનાશ વ્યાસ
રાખનાં રમકડાં
મ્હારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે
... રાખનાં રમકડાં.
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મ્હારું, આ ત્હારું કહીને એકબીજાને ભાંડે રે.
... રાખનાં રમકડાં.
હે... કાચી માટીની કાયા માથે
માયા કેરા રંગ લગાયા (૨)
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં. ત્યાં તો વીંજણલા વીંઝાયા રે!
... રાખનાં રમકડાં.
અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ!
... રાખનાં રમકડાં.