સુરેશ જોશી/૩. નિબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩. નિબંધ

કવિતા પરત્વેના સુરેશ જોષીના આ પક્ષપાતને કારણે તેમજ યુરોપીય સાહિત્યિક ચેતનાના સંસ્પર્શથી શુદ્ધકલાની અને કલાની સ્વાયત્તતાની વિકસેલી વિભાવનાને કારણે કાવ્યતત્ત્વનું અન્ય સ્વરૂપો પર આક્રમણ થાય એ સ્વાભાવિક હતું. આત્મનિર્ભરતા તરફ, સ્વનિર્દેશિતા તરફ વળેલી કવિતાની વિભાવનાઓએ અન્ય સ્વરૂપોની વિભાવનાઓ પર મોટો પ્રભાવ પાડ્યો. સાહિત્યક્ષેત્રે ભાષા અને રૂપનિર્મિતિ સર્વેસર્વા બન્યાં. અન્ય સ્વરૂપો કવિતાની ખૂબ લગોભગ આવી પહોંચ્યાં. કવિતાનું સ્વરૂપ એ અન્ય સાહિત્યસ્વરૂપો માટે એક આદર્શ બન્યું. સુરેશ જોષી સંદર્ભે એક એવી હકીકત જોઈ શકાય છે કે કવિતાના સ્વરૂપમાં એમની સિદ્ધિ અનન્ય ન બની. પરંતુ કવિતાના સ્વરૂપને અને એની વિભાવનાને અખત્યાર કરતાં એમનાં નિબંધ અને ટૂંકીવાર્તાનાં સ્વરૂપો અંગેની પરિણતિ વધુ નોંધપાત્ર બની. એમાં સહાયક કલ્પનકરણની પ્રક્રિયાની વધુ માત્રા નિબંધક્ષેત્રે અને કપોલકલ્પિતકરણની વધુ માત્રા ટૂંકીવાર્તા ક્ષેત્રે જોઈ શકાય છે. આ બંને ક્રિયાઓનાં મૂળ એમના બાલ્યકાળ સાથે સંકળાયેલાં છે. મોટે ભાગે મૂંગા રહેતા દાદા અને બહેરીમૂંગી ફોઈના સંસર્ગમાં બહારની પ્રકૃતિનો અદ્ભુત ભયાનકપરિવેશ એમની ઇન્દ્રિયોનો વિષય બને એ જેમ સહજ છે તેમ બહારના પ્રત્યાયનની ભાગ્યે જ તક મળી હોય એવા વાતાવરણમાં મનની સાથેનું પ્રત્યાયન વધુ તીવ્ર બને, તરંગો વધુ તીવ્ર બને એ પણ સહજ છે. ઉપરાંત આદિવાસી પ્રજાના સંસર્ગે સાંપડેલી મૂર્તતાની દીક્ષાએ પણ ભાગ ભજવ્યો છે. આ બધાનું ઉત્તમ રસાયણ ટૂંકીવાર્તા કરતાં પણ નિબંધક્ષેત્રે વિશેષ જોઈ શકાય છે. અલબત્ત ‘જનાન્તિકે’ (૧૯૬૫) ‘ઈદમ્ સર્વમ્’ (૧૯૭૧) ‘અહો બત કિમ આશ્ચર્યમ્’ (૧૯૭૬) ‘રમ્યાણિ વીક્ષ્ય’ (૧૯૮૭) ‘પ્રથમ પુરુષ એકવચન’ (૧૯૭૯) ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) જેવા સંચયોમાં નિબંધોની સંખ્યા વિપુલ છે. ઘણાબધા નિબંધો વર્તમાનપત્રોની કોલમરૂપે લખાયેલા છે. કેટલાક પ્રાસંગિક છે, કેટલાકમાં કલ્પનોની ભરમાર છે, કેટલાકમાં પુનરાવૃત્તિઓ સારા પ્રમાણમાં છે. વળી નિબંધની સામગ્રી પણ પ્રમાણમાં સીમિત છે. ચાર દીવાલ, એક બારી અને એક મેદાનની આસપાસ વારંવાર એમની ચેતના મંડરાયા કરે છે. તેઓ લખે છે : ‘હું બારી પાસે તકિયાને અઢેલીને આરામથી બેઠે બેઠો લખું છું’ ક્યાંક કહે છે : ‘એક અનુકૂળ ખૂણો તો ઘ૨માં ય મળી રહેશે’ વળી ઉમેરે છે : ‘વ્યાધિ સાથે ઝૂઝતાં લખવું પડે છે એ બધું અનિવાર્ય જ હતું એમ તો નહિ કહું' પણ આવી સીમિત પરિસ્થિતિ વચ્ચે સુરેશ જોષી જે માનસયાત્રા આરંભે છે. પ્રકૃતિના બદલતા રંગો પ્રમાણે મનના જે રંગો બદલે છે, મનના રંગોને પ્રકૃતિના રંગો પર જે રીતે આરોપિત કરે છે, મનમાં વિચારના તંતુઓને જે રીતે વળ ચઢાવે છે અને આ બધું કરીને દૂરના સમય અને આજના સમયની વચ્ચે જે રીતે સેતુ બાંધવા મથે છે, એનું વશીકરણ એમના કેટલાક નિબંધોમાં અનોખું છે :

  • ‘રસ્તાની ધારે પડેલો પથ્થર રાતે પંખી થઈને અંતરીક્ષમાં દૂર દૂર ઊડી આવીને હજી હમણાં જ પાંખો સંકેલીને ઠાવકો થઈને બેસી ગયો છે.’

(‘પ્રથમ પુરુષ એકવચન' પૃ. ૨૭)

  • ‘આજુબાજુનાં મકાનો કાણે આવેલી પ્રૌઢાઓના ટોળાની જેમ ઘૂંટણ વાળીને બેઠાં છે. ખાબોચિયામાં જાણે આકાશ આપઘાત કરવા તૂટી પડ્યું છે.’

(‘પ્રથમ પુરુષ એકવચન’ પૃ. ૨૯)

  • ‘રાતે એકાએક વાદળમાંથી અર્ધોપર્ધો ચન્દ્ર દેખાઈ જાય છે ત્યારે કોઈ પંખી જાળમાં ફસાઈને એમાંથી છૂટવા માટે એકસરખી પાંખો ફફડાવતું હોય એવો ધ્વનિ મારે કાને આવે છે.’

(‘પ્રથમ પુરુષ એકવચન’ પૃ. ૨૯)

  • ‘આ શહેરમાં તો જ્યાં જાઓ ત્યાં હંમેશાં સાથે જાણે એક કાળી બિલાડી ફરતી રહે છે. ખિસકોલી રેડિયોની અંદર ભરાઈ જાય છે. ચકલાં પુસ્તકો બગાડે છે. કબૂતરો એની મૂર્ખાઈથી આખો દિવસ પજવે છે. કાબરનું કકલાણ આખો દિવસ ચાલ્યા કરે છે.’

(‘રમ્યાણિ વીક્ષ્ય’ પૃ. ૯૧)

આમ તો નિબંધના જનક મોન્તેનની અવસ્થાની ખૂબ નજીક સુરેશ જોષીની અવસ્થા છે. સુરેશ જોષીનું આસન જો બારી પાસે છે, મેદાન સામે છે, તો મોન્તેનનું આસન જે A Seat of his domination- ‘શાસનપીઠ’ તરીકે ઓળખાયું છે તે શાતોના ત્રીજે માળે ગ્રંથાલયમાં છે. મોન્તેન એ શાસનપીઠની ઊંચાઈથી દરવાજા પર, રસ્તા પર, ઘરના બગીચા પર નજર રાખતા, તો સુરેશ જોષી પણ બારીબહારના જગતને, મેદાનને અને એની પ્રકૃતિને નજરમાં ભર્યા કરે છે. સુરેશ જોષી પણ કહે છે કે બારી પાસેનો ખાટલો જ મારું સિંહાસન. ત્યાંથી તેઓ સામગ્રીને નજરમાં ભરે છે પણ સક્રિય કે નિષ્ક્રિય રીતે એનું ગ્રહણ કરીને નહીં પરંતુ મોન્તેનની જેમ એ સર્વ સામગ્રી સાથે સક્રિય સંવાદ (Active conversation) રચીને.

  • ફૂલની કળીનો અનાવરણવિધિ સૂર્યની આંગળીઓથી થતો જોઉં છું, ત્યારે એ સમારંભમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ પામીને હું ગૌરવ અનુભવું છું.

(‘રમ્યાણિ વીક્ષ્ય’ પૃ. ૭૬)

  • કોઈ વાર સૂર્યને પટાવી-ફોસલાવીને પાછો કાઢવાનું મન થાય છે પણ પાળેલા કૂતરાની જેમ એ આખો દિવસ પાછળ પાછળ ફર્યા કરે છે. એની સુંવાળી રુંવાટી, એની ઉષ્મા, એના દાંતની તીક્ષ્ણતા અને એનાં નિઃશબ્દ પગલાં બધું ખૂબ ખૂબ પરિચિત છે.’

(‘અહો બત કિમ આશ્ચર્યમ્' પૃ. ૭૩)

  • ‘સામેના મકાનના છાપરા પર તોફાનની આંગળીઓ ફરી વળે છે. હવામાં વીંઝેલા ચાબુકના જેવો કડાકો થાય છે. વૃક્ષો કોઈ જુલ્મગાર આગળ ઝૂકીને કુરનિશ બજાવે છે. કમાટીબાગ આખો કોઈ દારૂડિયાની જેમ લથડિયાં ખાય છે. મ્યુઝિયમમાં આરસપહાણમાં કેદ થઈને સૂતેલું શિશુ સળવળે છે. વિશ્વામિત્રી પરનો પુલ પોતાના પગ વાળીને સહેજ વાર ઉભડક બેસવાનું વિચારે છે.’


(‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' પૃ. ૮૮)

  • એક પંતગિયું ફિલસૂફની ગંભીરતાથી ચોપડી પર બેસે છે. એના રંગોની માયાના મિથ્યાપણાનો એ મૂક બનીને પ્રચાર કરે છે.

(‘ઈદમ્ સર્વમ્’ પૃ. ૧૦૩)

સુરેશ જોષી, મોન્તેનની જેમ નિબંધોમાં એક બાજુ અભિવ્યક્ત થતી જતી પોતાની સ્વૈચ્છિક છટાઓ સાથેની વૈયક્તિક ભૂમિકાથી અને બીજી બાજુ અન્ય સર્જકોનાં અવતરણો, ઉદાહરણો, ઉલ્લેખોથી રચાતી પારંપરિક ભૂમિકાથી તણાવ રચે છે. આ રીતે વ્યક્તિભાષા સાથે સંડોવાતી જતી સમાજભાષા અનુવાદો, અવતરણો, ઉદાહરણો તેમજ લેખકની બદલાતી મનોમુદ્રાઓથી અંકિત રહે છે. આ કારણે મોન્તેનના નિબંધોની જેમ સુરેશ જોષીના નિબંધો પણ વાચકને અ-રૈખિક વાચન (non linear reading) તરફ અને એનું લાક્ષણિક વિશ્લેષણ કરતા તરફ વાળે છે.

  • આ ઋતુમાં રિલ્કેની જેમ ઈશ્વરની પ્રાર્થના કરવાનું મન થાય : ‘રે ઐશ્વર્યવાન, મને રાતે સ્વપ્નો આપ, દિવસે ગીત’ પણ આ ઋતુમાં મારી રાત શ્વાસ સાથેના સંઘર્ષમાં વીતે છે.

(‘રમ્યાણિ વીક્ષ્ય’ પૃ. ૪૭)

  • બારી પાસે બેઠો બેઠો જગતને કેવળ જોઈ રહ્યો હોઉં છું ત્યારે પરદેશવાસી ફેન્ચ લા ફોર્ગ મને યાદ આવે છે. હું તો ધૂમ્રપાન કરતો નથી. હું તો કેવળ લીમડાની હથેળીમાં ઝિલાયેલી હવાનું જ સેવન કરું છું. પણ મારી સામે એ ફ્રેન્ચ કવિની ધૂમ્રપાન કરતી છબિ અંકાઈ જાય છે.

(‘રમ્યાણિ વીક્ષ્ય’ પૃ.૬૭)

  • ટોમસ હાર્ડીએ કહ્યું હતું કે બાળપણમાં છોડેલા ગામમાં ફરી કદી પગ મૂક્યો નહિ. પણ કોઈક વાર કોઈને મારી આજુબાજુ બાળપણનું એ અરણ્ય દેખાઈ જાય છે.

(‘રમ્યામિ વીક્ષ્ય' પૃ. ૮૩)
vશરદ તો ગઈ, હેમંત પણ જશે અને હવે આવશે શિશિર. આ શિશિરના કવિ છે જીવનાનન્દ દાસ. આ આપણી ચિરપરિચિત પૃથ્વી કશીક પ્રાગૈતિહાસિક ધૂસરતાના અવતરણમાં લપાઈ જશે. (‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' પૃ. ૮૬)

  • મોન્તાલેએ એની એક કવિતામાં નોંધ્યું છે કે કવિતા તો ઈશ્વર સુધી પહોંચવાની સોપાનપરંપરા છે એવું કહીને એ તરત જ એકરાર કરે છે કે એની કવિતા વાંચનારને એવું લાગવાનો સંભવ નથી. મને ય વિચાર આવે છે કે જે ઈશ્વર સુધી પહોંચે તે ઈશ્વરને જેવો ને તેવો મૂકીને શા માટે પાછો આવે ? ઈશ્વર તે કાંઈ બીજા માળ પછીનું કાતરિયું છે ?

(‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' પૃ. ૮૮)
મોન્તેન શાતોની શાસનપીઠમાં બેઠો બેઠો જાતનો અભ્યાસ, જાતનાં અંગત નિરીક્ષણો કરે છે, તો સુરેશ જોષી પણ વારંવાર સ્મૃતિપરાયણ આત્મપરાયણ બનતા રહે છે. એટલું જ નહીં, મોન્તેનની જેમ જ પોતાનો ઈતિહાસ, પોતાનું ચરિત્ર, પોતાનું સ્વાસ્થ્ય, પોતાની ટેવો, પોતાની ગ્રંથિઓને નિરૂપતા આવે છે. મોન્તેનના નિબંધોની જેમ, સુરેશ જોષીના નિબંધોની પણ એ જ મોહિની છે :

  • બળતો માણસ બળતાં વસ્ત્રથી છૂટવા ઇચ્છે તેમ હું સ્મરણોથી છૂટવા ઈચ્છું છું.

(‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' પૃ. ૮૬)

  • કબાટના ચોરખાનામાં સંતાડેલી મારી છબિમાંથી જાણે વિષાદના ફુવારા ઊડે છે. આથી હું શ્રદ્ધાવાન થઈ શકતો નથી.

(‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' પૃ. ૨૨૨)

  • આપણને આપણા પ્રિયજનથી છૂટા પાડનાર દૂરતાને સંકેલીને પાતળા ધાતુના તાર જેવી બનાવીને આંગળીએ વીંટીની જેમ પહેરી લીધી હોય તો ?

(‘રમ્યાણિ વીક્ષ્ય’ પૃ. ૨૦)

  • બાળપણમાં સાંભળેલો અવાજ એકાએક મારે કાને પડે છે. સવારના ચૂલો સળગાવ્યો છે. એમાંનું એક સળગેલું લાકડું બળતાં બળતાં ફાટે છે તેનો એ અવાજ છે. એ અવાજ અહીં ક્યાંથી ભૂલો પડ્યો તે વિચારું છું.

(‘રમ્યાણિ વીક્ષ્ય’ પૃ. ૧૨૧)

મોન્તેનના નિબંધલેખનના મૂળમાં યુવાવયે ગુમાવેલા આત્મસાથી (Soul mate) જેવા મિત્ર લા બોઈતીનું મૃત્યુ છે. મિત્રના અભાવમાં મોન્તેને પોતાની સાથે વાતચીતનો દોર આરંભેલો. સુરેશ જોષીના નિબંધલેખનના મૂળમાં પણ એક અભાવ રહ્યો છે. સુરેશ જોષી માને છે : ઈશ્વરે જે અખંડ રચ્યું તે લીલામાં આપણને સંડોવવા ખાતર વળી વિભક્ત કરીને મૂકી દીધું. આથી અર્ધું આપણી બહાર રહી ગયું અને અર્ધું આપણી અંદર. આ ‘અન્ય’ના અભાવમાં જ સુરેશ જોષીએ ઇન્દ્રિયવિહાર કર્યો છે. હેમલેટની સમસ્યા એ હતી કે હોવું કે ન હોવું. પણ સુરેશ જોષીની સમસ્યા છે : હોવું અને ન-હોવું. આપણામાંનું ‘હોવું’ એ ‘ન-હોવું’ની શોધમાં નીકળે છે. આમે ય મેલિનિ કલાય્ન જેવી પ્રસિદ્ધ મનોવિશ્લેષકે કહ્યું છે કે બાળક જન્મતાવેંત એના મોંમાં સ્તનનો અભાવ અનુભવે છે અને આના અભાવમાં પેલું બાળક જીવન સાથે પોતાનો સંબંધ બાંધે છે. જીવનની શરૂઆતમાં જો મનુષ્ય પોતામાં આ પ્રકારના અભાવને જોતાં આગળ વધતો હોય તો અપૂર્ણતાની લાગણીનો મનુષ્યની ચેતનાના સ્પષ્ટ અંશ તરીકે સ્વીકાર થવો જોઈએ. આનો અર્થ એ થયો કે આપણા અસ્તિત્વનું રૂપ જ એવું છે કે આપણે સતત એવી લાગણી રહ્યા કરે છે કે આપણું જીવાતુભૂત, આપણી રહસ્યગર્ભિતતા, આપણું ‘અન્ય’ સંપૂર્ણપણે આપણી અંદર નથી, એ કશેક બીજે છે. અજાણ્યાં સ્થળોમાં, અણઓળખાયેલા સમયોમાં આપણી આંખથી ઓઝલ રહે છે. આ ‘અન્ય’નાં અસંખ્ય રૂપો છે; અસંખ્ય ચહેરાઓ છે. આ ‘અન્ય’ પરત્વે પહોંચવાના પણ અસંખ્ય માર્ગો છે. સુરેશ જોષી વારંવાર ઇન્દ્રિયોને માર્ગે પ્રકૃતિ પાસે જાય છે. એ એમનું ‘અન્ય’ છે. એમનું માનવું છે : ‘પ્રકૃતિનું જે રૂપ તે તો અર્ધું ખંડરૂપ છે. એને પૂર્ણ બનાવનારું રૂપ જ્યારે આપણામાં સંભવે ત્યારે જ એ રૂપ પ્રગટ કરવા જેવું થાય. જો એમ નહીં બને તો આપણી અપૂર્ણતાને કારણે આપણે પ્રકૃતિને નિંદાપાત્ર બનાવીએ. આ જ કારણે સુરેશ જોષીનું ચિત્ત પ્રકૃતિની પડછે જ ઉદ્ભાસિત થઈ ઊઠે છે. અને આ જ કારણ એમના નિબંધોમાં અંદર-બહારનો અદૃશ્ય આલેખ રજૂ થાય છે. ઇન્દ્રિયોનો સ્વભાવ બહિર્ગામી છે. પરંતુ ઇન્દ્રિયોનું ગાય જેવું છે. એ બહાર જાય છે પણ ચરીને પાછી આવે છે. જગતવિહાર કરીને પાછી ફરે છે અને જગતવિહાર કરીને ઇન્દ્રિયો પાછી ફરે છે ત્યારે એમાં ઘર ભણી પાછા વળવાનું Homing weight ઉમેરાયું હોય છે. સુરેશ જોષીને રિલ્ક જેવા કવિનો મોટો મહિમા છે. રિલ્કને થયેલા એક પ્રશ્નને એમણે રજૂ કર્યો છે : આપણે દડો ઊંચો નાખીએ છીએ ત્યારે હાથને એનું જે વજન લાગે છે તે જ વજન એ ઊંચેથી પાછો વળીને આપણા હાથમાં આવે છે ત્યારે હોય છે ખરું ? સુરેશ જોષીની ઇન્દ્રિયો પણ નવું વજન લઈને પાછી ફરતી હોય એવા અનેકવિધ અણસાર એમના નિબંધોમાં મળે છે :

  • ‘ભાદરવામાં પિતૃલોકનું અવતરણ થાય છે. ભાતના પિણ્ડ જેવાં વાદળોમાંથી એઓ ઘરમાં ઊતરે છે. ઘરની હવામાં એમના શ્વાસ ફરફરે છે. કોઈક વાર કપાળે કોઈનો હાથ ફર્યો હોય એવો આભાસ થાય છે. આપણી આગળ હમણાં જ કોઈ ચાલી ગયું એમ જાણીને આપણે ઉતાવળે પગલે જોવા નીકળીએ છીએ.

(‘પ્રથમ પુરુષ એકવચન’ પૃ. ૯૫)

  • સફાળા જાગીને મેં જોયું તો છતમાંથી ટીપાં ટપકતાં હતાં. મને રાજા ગોપીચન્દ યાદ આવી ગયો. મને લાગ્યું કે કોઈ ગત સ્વજન એનાં આંસુથી મને જગાડી રહ્યું છે.

(‘પ્રથમ પુરુષ એકવચન' પૃ. ૧૦૯)

  • સમુદ્રની વચ્ચે ભેંસોનું ધણ નાહવા પડ્યું હોય એમ થોડાક ખડકો છે. એમની જળનીતરતી ભુરાશ પડતી ત્વચા સૂર્યમાં ધાતુની જેમ ચળકે છે. થોડી ક્ષણ સુધી જળમાં ડૂબી જઈને એઓ ફરી માથું બહાર કાઢે છે. નાના શિશુને હોઠે દૂધનાં ફીણ વળગી રહ્યાં હોય તેમ એ ખડકની ચારેબાજુ ફીણ છે. દૂરની ટેકરીઓ જાણે ચંચળ બનીને સમુદ્રમાં પ્રવેશવા ઇચ્છે છે.

(‘૨મ્યાણિ વીક્ષ્ય’ પૃ. ૯૫)

  • સમુદ્રના પવને આ વૃક્ષના ખભા પર બેસીને ઝૂલ્યા કર્યું છે તેથી વૃક્ષો બહુ ઊંચાં વધી શક્યાં નથી. તેમ છતાં પોતાની જવાબદારી સમજીને ખૂબ ગંભીરતાથી તેઓ આકાશને આધાર આપી રહ્યાં છે. એમના હાલતા જળમાં પડતાં ધ્રૂજતાં પ્રતિબિંબ ધરતીકંપથી ધ્રૂજી ઊઠેલા કોઈ મહાનગરનો આભાસ ઊભો કરે છે.

(‘રમ્યાણ વીક્ષ્ય’ પૃ. ૯૬)
ઈન્દ્રિયોના આ વ્યાપાર અંગે સુરેશ જોષીએ ઔદાસીન્યનો નહીં પણ તાદાત્મ્યનો માર્ગ સ્વીકાર્યો છે. લોર્કાની જેમ ‘ઈન્દ્રિયોના પાંચ પાંચ ખંજરોથી ઘવાયા’ છે. આથી દિલચોરી કર્યા વિના જે બને છે તેમાં પૂરેપૂરા અનુસ્યૂત રહેવાનો પ્રયત્ન કરે છે; અને આવા તાદાત્મ્યના માર્ગને કારણે બધામાં ઓતપ્રોત થઈ અહંકારની માત્રાને ઘટાડી શકે છે :

  • કોઈક વાર એવું લાગે છે કે જાણે આખો દેશ મારામાં ઊગી નીકળે છે. વિષુવવૃત્તના કોઈ પણ અરણ્યથી વધુ નિબિડ હું બની ઊઠું છું. મંદિરોનાં શિખરો અને ગોપુરમ્ મારામાં ઊંચે ને ઊંચે વધ્યે જાય છે. મારા શ્વાસોચ્છ્વાસમાં આરતીટાણાના ઘંટારવ રણકી ઊઠે છે. શતાબ્દીઓની સળ મારામાં ઉખેળાતી આવે છે. અનેક યુદ્ધોની રણભેરી મારામાં ગાજી ઊઠે છે. સંસ્કૃતિનાં ઉત્થાનપતનનાં આંદોલનોથી હું વિક્ષુબ્ધ બની જાઉં છું.

(‘પ્રથમ પુરુષ એકવચન' પૃ. ૬૮)

તેઓ કહે છે : ‘આંખ બંધ કરીને ધ્યાન ધરવાનો માર્ગ મને ઝાઝો ફાવ્યો નથી. આંખોને માર્ગે થઈને આખું જગત મારી ચેતનામાં વ્યાપી જાય છે અને એથી એ વ્યાપ્તિનો અનુભવ થાય’ છે. તેઓ કહે છે : ‘હું એકીસાથે ઉદ્ભિજ છું, ખનિજ છું, અંડજ છું, જળચર છું ને સ્થળચર પણ છું.’ જેમ એમની ઈન્દ્રિયો બહારનું અંદર લે છે તેમ એમની ઈન્દ્રિયો અંદરનું બહાર મોકલે છે.’ તેઓ કહે છે : ‘હું મારામાંથી અનેક રૂપે રેલાઈ જાઉં છું. આથી મારી અંદર ઈશ્વરના પરિમાણને સમાવવા જેટલો શૂન્યાવકાશ રચાઈ જાય છે.’ આમ, નિબંધોમાં પ્રતિક્ષણ સુરેશ જોષી ક્યારેક બહારથી અંદર જાય છે, ક્યારેક અંદરથી બહાર આવે છે. એમ અંદરબહારને સંયોજિત કર્યા કરે છે. એમની સૃષ્ટિની ત્રિજ્યા દૂર સુધી વિસ્તરે છે તો દૂર દેશના કોઈ નવા કવિની સૃષ્ટિને જઈને અડે છે પણ કેટલીક વાર એમના ઘરની આજુબાજુના થોડાક જ વિસ્તારમાં એમને લખલૂંટ આનંદ મળી રહે છે :

  • લીમડાની ડાળ પર એક કાગડો કાળા રંગના ડૂચા જેવો બેસી રહ્યો છે. કાગળની હોડીઓ પણ હવે તરી શકે એમ નથી જાણીને શિશુઓ ઘરમાં પુરાઈ ગયાં છે. રસ્તાનાં પાંસળાં નીકળી આવ્યાં છે.

(‘ભાવયામિ’ પૃ. ૧૨૧)

  • આંગણામાં થોડો ચોળાયેલો, વાસી લાગતો તડકો પડ્યો છે. એકાદ સમડી એને ચાંચમાં લઈને ઊડી જવા ચાહે છે. પવનને પણ જાણે લીલ બાઝી છે.

(‘ભાવયામિ' પૃ. ૨૦૩)

  • બંધાઈને શહીદ થયેલા ગલગોટા બારણે જલી રહ્યા છે. દૂર ઘાસ પર પડેલા ઝાકળબિન્દુને એઓ કશો સંદેશ મોકલે છે. પણ એ સંદેશો, હવે સૂરજને ક્યારે પહોંચે !

(‘ઈદમ્ સર્વમ્’ પૃ. ૧૦૪)
એમનું મન ફિનોમિનોલોજીની સીડી ઉપર ચડઊતર કરે છે. એક એક અનુભૂતિને, નાનામાં નાનાં સંવેદનને પ્રત્યક્ષ કરવા મથે છે. પ્રત્યક્ષતાનું એમને ભારે આકર્ષણ છે :

  • હેમન્તના, રાત્રિવેળાના આકાશમાંની તારાની હીરાકણી જાણે અવકાશને કાપતી હોય એવું લાગે છે. હેમન્ત બારીબારણાં બંધ કરાવી દેતી નથી.

(‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' પૃ. ૫૧)

  • ક્યાંક ખેતરમાં ડાંગરની પાણીથી ભરેલી ક્યારીઓમાં થોડાંક વાદળો તરતાં હશે. ત્યાં ઊભો ઊભો કોઈ ધોળો મોર પોતાના જ પ્રતિબિંબને ચાંચ મારતો હશે. કાળા ગ્રેનાઈટના પથ્થરમાંથી કંડારેલા સદીઓજૂના મંદિર જેવી ભેંસ પાસેની તળાવડીમાં પડી હશે.

(‘અહો બત કિમ્ આશ્ચર્યમ્' પૃ. ૮૭)

  • કોક વાર વાળેલી મુઠ્ઠીઓ ખોલતાં એમાંથી એકાએક શૂન્યને ઘૂઘવી ઊઠતું સાંભળું છું. પદાર્થોની ભીડ અવકાશને હડસેલ્યા કરે છે.

(‘પ્રથમ પુરુષ એકવચન' પૃ. ૯૦)

  • યૌવનના પ્રારંભમાં એકાંત શહેનશાહના હુક્કાની જેમ માણવાની વસ્તુ હતી.

(‘રમ્યાણ વીક્ષ્ય’ પૃ. ૯૩)

  • ગઈકાલે આથમેલા સૂર્યનાં કેટલાંય બીજ ઝાકળમાં રોળાઈ ગયાં છે. પ્રકાશમાં ડૂબી જતા અંધકારના પ્રચંડ ઓઘનો અવાજ સાંભળીને હું જાગી ઊઠું છું.

(‘રમ્યાણિ વીક્ષ્ય’ પૃ. ૭૪)

પ્રકૃતિ એમને બે રીતે ઉદ્દીપ્ત કરે છે. એક તો પ્રત્યક્ષ તરફ સંવેદનશીલ બનાવે છે અને વર્તમાનને આંદોલિત કરે છે. બીજું, વારંવાર એમને બાલ્યકાળ તરફ હડસેલે છે; અને ભૂતકાળને આંદોલિત કરે છે. નિબંધોમાં સુરેશ જોષીનું વારંવાર બાળપણમાં પહોંચી જવાનું વલણ તેઓ પોતે જ સૂચવે છે એવું શૈશવકાલીન પ્રત્યાવર્તન (Infantile regression) કે મનોબંધન (Fixation) હોઈ શકે. એના મૂળમાં કોઈ અભિઘાત (Trauma) પણ હોઈ શકે. પરંતુ એ વલણથી વિષાદને અંકે કરી વર્તમાન અને ભૂતકાળને સંયોજીને ઊભો થતો કલ્પનવેગ એમના નિબંધોને ઉત્તમ કલાત્મકતાની ભોંય પર ખડા કરે છે. એનું એક કારણ એ પણ છે કે એમનું મન વિભાવના ઘડાય એ પહેલાંની ચેતનાની સંકુલ અને સમૃદ્ધ સ્થિતિમાંથી પોષણ મેળવે છે. ચીલાચાલુ રેઢિયાળ ઇન્દ્રિયપ્રત્યક્ષોને તોડીફોડીને અસ્તવ્યસ્ત કરે છે અને એનું આલેખન ફિલસૂફની જેમ જ્ઞાનની પરિભાષામાં નહીં પણ શિશુના ભાષાહીન જગત સુધી પહોંચી જવાનું ગજું ધરાવતા શબ્દોમાં કરે છે :

  • ઉપરકોટના કિલ્લામાં ફરતાં ફરતાં જોયું તો એક જગ્યાએથી પથ્થર ખસી ગયો હતો. એ બાકોરામાંથી નીચે જોયું તો નવું પોલાણ હતું. સૂર્યથી અસ્પૃષ્ટ શુદ્ધ અંધકારથી ભરેલું. ઉપર જોઈને ચાલતા હોઈએ - અસાવધ હોઈએ તો પગ એમાં પડે. નીચે સરી જવાય. હવે જિન્દગીમાં પણ એવું જ લાગે છે. ક્યાં બાકોરું આવી ચઢશે તે કહેવાય નહીં. એ હોય છે તો માત્ર એક જ ડગલાનો સવાલ પણ પગ સર્યો એટલે બધું સરી જાય - આકાશ, સૂર્ય કશું નહીં રહે.

(‘ઇદમ્ સર્વમ્’ પૃ. ૧૫૪)

સુરેશ જોષી પૂર્વે કાકા કાલેલકર નિબંધોમાં બાલ્યભાવ સુધી પહોંચી ચિંતનાત્મક ગંભીર ગદ્યને હળવું કરી શકેલા, પણ સુરેશ જોષી બાલ્યકાળ સુધી પહોંચીને હળવા ગદ્યને વધુ ગરવું કરી શક્યા છે. એ જ રીતે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોની સહાયથી ઉપયોગલક્ષીને બદલે ઉપભોગલક્ષી ગદ્યને કાલેલકર જે લલિતની સીમ સુધી ખેંચી શકેલા એને સુરેશ જોષી કલ્પનોની ઊર્જાથી લલિતનો બૃહદવિસ્તાર આપી શક્યા છે. આમાં સુરેશ જોષી પરનો રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ કાર્યક્ષમ નીવડ્યો હોવાની સંભાવના છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે કાલેલકરનું ગદ્ય લલિત બનવા છતાં એકસંવેદી (monovalent) હતું, ત્યારે સુરેશ જોષીનું લલિતગદ્ય બહુસંવેદી (Polyvalent) છે. ગુજરાતી ભાષાની અભિવ્યક્તિની ક્ષમતાઓનો સુરેશ જોષીએ નિબંધો દ્વારા વિસ્તાર કર્યો છે, એમાં બેમત ન હોઈ શકે. ‘પ્રથમ પુરુષ એકવચન' (૧૯૮૭) નામક એમના નિબંધસંગ્રહોમાંનો ચૌદમો નિબંધ ‘નામ’ (શીર્ષક મેં આપ્યું છે)ને નજીકથી જોવાનો પ્રયત્ન કરીએ. નિબંધ મોટે ભાગે કોઈ એક ઘટના કે વસ્તુ અંગેના ક્ષણિક અનુભવ સાથેનો તાત્કાલિક વિમર્શ હોય છે. આપણે જાણીએ છીએ કે ઘટના પછી ઘટના આવે તો કથન રચાય, વસ્તુ પછી વસ્તુ આવે તો વર્ણન રચાય. અને વિચાર પછી વિચાર આવે તો તાર્કિક દલીલ રચાય. નિબંધમાં ઘટના અને વિમર્શ, વસ્તુ અને વિચાર પરસ્પરમાં ગૂંથાયેલાં રહે છે; અને એકબીજાને આગળ વધતાં અટકાવે છે. વિચાર પણ અનુભૂત વિચારની રીતે કે અનુભવાતા વિચારરૂપે રજૂ થાય છે. બીજી રીતે કહીએ તો વસ્તુ અને ઘટના પરત્વે તત્ક્ષણ પ્રતિક્રિયા આપતો વિચાર એમાં વ્યવસ્થિત કરાયેલો કે ગોઠવાયેલો હોતો નથી. નિબંધના આ નિરાળા સ્વરૂપને લલિતનિબંધનું નામ આપો કે ન આપો, સુરેશ જોષી એને બરાબર અખત્યાર કરે છે. નિબંધની પહેલી પંક્તિ જ ઘટનાનો નિર્દેશ કરે છે : ‘મારા નામની બહાર નીકળી જઈને જીવવાનું પર્વ શરૂ થયું છે.' માત્ર ઘટના નથી એના પરત્વેની પ્રતિક્રિયા અને વિમર્શ પણ છે. પછી તરત જ આખા પરિચ્છેદમાં ‘નામ’નું વિવિધ રીતે વર્ણન આવે છે, જેમાં ઘટનાનો ક્યારેક પુટ પણ બેસતો આવે છે. જેમ કે ‘મારા નિન્દકો એને કોઈ તૂરા ફળની જેમ ચાખે છે ને તુષ્ટ થાય છે.’ અથવા ‘કોઈ વાર નિદ્રાધીન રાતે દૂરથી આવતી શિરીષની ક્ષીણ ગન્ધની જેમ એને હું અનુભવું છું' પહેલા પરિચ્છેદની વર્તમાન ક્ષણ ૫૨થી નિબંધકાર બીજા પરિચ્છેદમાં બાલ્યકાળમાં પહોંચે છે. મનની ચંચળતા વચ્ચે નામની પરિસ્થિતિને તપાસે છે અને આછો વિમર્શ રચે છે. ત્રીજા પરિચ્છેદમાં કથન ઊભું કરે છે : ‘શિક્ષક ‘૫’ પતંગનો ‘૫’ બોલે ત્યારે પેલો ‘૫’ તો બિચારો દેખાતો જ નહોતો. એને નજર આગળથી ખસેડી નાખીને શિશુ-ચિત્તના આકાશમાં તો પેલો પતંગ જ ઊડવા માંડતો.' અને કથનને આંતરીને ફરીને પરિચ્છેદને અંતે વર્ણનને માર્ગ આપે છે : ‘ત્યારે ચરણો હળવાં હતાં. પૃથ્વી પરથી ઊંચકાઈ જતાં એમને ઝાઝી વાર નહીં લાગતી. લીમડી જોઈ રહેતાં ફિલસૂફની જેમ નહીં, પણ કવિની જેમ પ્રવેશવાની એ વય હતી.’ આ પછીનો ચોથો પરિચ્છેદ ફરીને કથન અને કથાતત્ત્વને દાખલ કરે છે. થોડુંક નાટક રચે છે. અહીં કાકુમાં ગંભીર ટીખળ પણ દાખલ થાય છે. ‘શિક્ષક ચિઢાઈને કહેતા એ ય, તારું ધ્યાન ક્યાં છે?’ આના પછી નિબંધકાર ઉમેરે છે ‘આ પ્રશ્ન તો નર્યો દાર્શનિક.' પાંચમો પરિચ્છેદ ચોથા પરિચ્છેદના સાતત્યમાં શરૂમાં ચાલુ રાખી પછી વિમર્શને જગા કરી આપે છે : ‘પ્રિય વસ્તુના પર માલિકીના ભાવથી આપણું નામ અંકિત થઈ શકતું નથી. ભમરડા પર કે લખોટી પર કોઈ દિવસ મારું નામ કોતર્યા-લખ્યાનું મને યાદ નથી.' પાંચમા પરિચ્છેદના વિમર્શને નિયંત્રિત કરી છઠ્ઠો પરિચ્છેદ વર્ણનના અંશોને ઊપસાવે છે : ‘કોઈ વાર કૂંપળની જેમ ફૂટ્યું તો કોઈ વાર ઊંડા કૂવામાંની છાયાની જેમ રહસ્ય બની ગયું. કોઈ વાર એણે મને સાવ ઢાંકી દીધો તો કોઈ વાર એની સાથેનો મારો સંબંધ મિત્ર જેવો રહ્યો. કોઈક વાર મારે માટે એ અભેદ્ય દીવાલ જેવું બની રહ્યું.' સાતમા પરિચ્છેદમાં બાળપણા અને લેખકપણા વચ્ચેના સંઘર્ષ સાથે કથન દાખલ કર્યું. છેલ્લા આઠમા પરિચ્છેદમાં ફરીને જાણે કે પહેલા પરિચ્છેદની પહેલી પંક્તિના સળ પર આવતા હોય તેમ પંક્તિ ઉમેરે છે : ‘હવે હું મારા નામની બહાર નીકળી ગયો છું' ફરી વિમર્શ, ક્યાંક વર્ણન ક્યાંક કથન અને અંતે અનુભૂત વિચાર : ‘નામમાંથી છુટકારો મેળવવો એ જ મોક્ષ.’ સુરેશ જોષીના આ નિબંધો નજીકથી જોવાનો પ્રયાસ દર્શાવે છે કે ‘નામ' એ કોઈ નિબંધનો મુદ્દો કે ચર્ચાનો વિષય નથી. પણ નામને મિશે, નામને બહાને તેઓ પોતાની ચેતનાને, ભાષાને અને અભિવ્યક્તિને કામે લગાડે છે. નામને કારણ બનાવી બદલાતા સંદર્ભો, સંજોગો, બદલાતી વ્યક્તિત્વની રેખા કે બદલાતા ભાવજગતની આડકતરી પ્રસ્તુતિ કરે છે. અહીં કોઈ તાર્કિક માંડણી નથી. કથાસાહિત્યમાં આવતી સંબદ્ધ ઘટનાઓ (Connected events)ની જેમ અહીં નિબંધમાં સંબદ્ધ સાહચર્યસંવેદનો છે. અને આ સાહચર્યપરક સંબદ્ધ સંવેદનોને કા૨ણે કશુંક કહેવાતું હોય એવું નહીં પણ કશુંક બની રહ્યું હોય એવું પ્રતીત થાય છે. નામ જાણે કે વ્યક્તિમાં પલટાઈ જાય છે. વિચારો જાણે કે ભૌતિક પદાર્થો બની જાય છે. નામ જેવા અમૂર્ત તત્ત્વને અહીં ચારેબાજુથી મૂર્ત કર્યું છે. એમાં એકત્વ ઓછું પણ માવજત વિશેષ જોવા મળે છે. કદાચ એમના નીવડેલા નિબંધોને એ વાત લાગુ પડે છે.

***