સોરઠી બહારવટિયા ભાગ-2/મુજાવર મુરાદશા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મુજાવર મુરાદશા

ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે અને એ ઝાડીની અંદર ત્રણ-ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર-સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે. એક દિવસ સાંજ નમે છે. બુઢ્ઢો મુજાવર મુરાદશા એક નળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે. ગામમાંથી હિંદુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે. એવામાં ઓચિંતો એ ઝાડીમાં એક બંદૂકનો ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો! કીયો! એવી કારમી કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઊડ્યો. ઊડતો ઊડતો — ઊડવાની તાકાત નહોતી તેથી અરધોપરધો હવાની ઉપર જ તરતો તરતો — મોરલો નીચે ઊતર્યો. અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્ઢા મુજાવર મુરાદશાહના પહોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો. ધોળી દાઢી ને માથે સેંથો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફનીવાળો સાંઈ મૌલા ચમકી ઊઠે છે. મોરલાના મસ્ત શરીરમાંથી ધખધખતા લોહી વડે એની લીલી કફની લાલચોળ બનવા લાગે છે ને પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે ચાંપી લઈ, એની મખમલ-શી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે, અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીનો બેબાકળો બની પૂછે છે કે “અરે! અરે બચ્ચા મોતિયા! તીજે ક્યા હુવા! ઓ મેરા પ્યારા! કોન શયતાનકા બચ્ચાને તીજે ઝખમી કિયા! મોતિયા! મોતિયા! મોતિયા!” ત્યાં તો ઝાડીમાં ખખડાટ થયો; “મેલી દે એય સાંઈ!” એવી ત્રાડ પડી : ને હાથમાં સળગતી જામગરીવાળી લાંબી બંદૂક હીંડોળતો એક મદોન્મત્ત સંધી પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસભર્યો આવ્યો. આવીને એણે ફરી વાર હાકલ દીધી કે “મેલી દે મોરલાને!” “અરે કમબખ્ત! તીને યે મોરલા પર ગોલી ચલાયા! ધનંતરશા પીરકા સવારી કરને કા યે દુલદુલ પર ગોલી ચલાયા! તીને ઇસ જગામેં શિકાર કિયા, હેવાન?” “હવે મેલ મેલ, હેવાનના દીકરા! ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ.” “અરે જાલિમ! યે પીરકા મોરલા!” “હવે પીરનો મોરલો કેવો, ઉલ્લુ? ઝાડીનો વગડાઉ મોરલો હતો ને આજ રોજાં ખોલવાં છે તે શાક કરવા સારુ શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે? મેલી દે!” એટલું બોલીને સંધીએ જોરાવરીથી મોરલાને મુજાવરના ખોળાની બહાર ખેંચ્યો. મોરલાની છેલ્લી તગતગતી આંખો મુજાવરના મોં સામે જોઈ રહી. પોચે પોચે હાથે એ જખમી પક્ષીને ઝાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી, પણ શિકારીએ મોરલાની ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો. “ધનંતરશા! પીર ધનંતરશા! ઓલિયા ધનંતરશા!” એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુજાવર પીરની દરગાહ સામે ઘૂંટણિયે પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધૂપ ગોટેગોટ ધુમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાંને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુજાવરના અવાજથી થરથરી ઊઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડ નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઊઠ્યું. અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુજાવરે ત્રાડ દીધી કે “ઓ પીર! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલદુલ મોતિયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કકળતી આંતરડીની કદુવા પોકારું છું, ઓ બાપ, કે મોરલો એના પેટમાં હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય, તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લાહ નહિ!” એવા શાપ ઉચ્ચારીને મુજાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં જર્જરિત આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસેય આંગળીના ટેરવાંમાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ! દડ! દડ! દડ! પડવા લાગી. પચાસ સંધી સિપાહીઓ, ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂમસામ બનીને ઘૂંટણભર બેઠો જ રહ્યો. થોડી વારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવ-સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતાં કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે તે ધનંતરશા પીરની જ એ સવારી નીકળે છે. “હવે એવા ફકીરડા તો બચારા કૈંક રખડે છે. એવાને તો રોવાકૂટવાની ટેવ પડી. એવાની કદુવાયું તે ક્યાંય લાગતી હશે?” દાંત કાઢતા કાઢતા સંધીઓ માંહોંમાંહે વાતો કરવા મંડ્યા. “હા, હા, એલા તમતમારે ઝટ મોરલાને વનારી નાખો. ઝટ શાક રાંધીને રોજાં છોડીએ, પેટમાં લા લાગી ગઈ છે. ને હજુ તો પંથ બહુ લાંબો પડ્યો છે.” એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા-તરસ્યા બંદૂકદાર સંધીઓએ પાપની રસોઈ પકાવી. સહુએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા. ફક્ત એક જ સંધીએ મોરલાનું માંસ ન ચાખ્યું. એ પચાસ ઘોડાંનો પડાવ કોનો હતો? કોણ હતા આ સંધી સિપાહીઓ? એ હતા ભાવનગર રાજના પગારદાર સંધીઓ. એનો આગેવાન હતો ઇસ્માઈલ સંધી. ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાનાં ચોરાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઇસ્માઈલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે ઝૂઝતા હતા. કરડો, કદાવર અને નિમકહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઇસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી પચાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસૂલ લેવા જાય છે, રમજાન મહિનો ચાલે છે, સહુ સંધીઓ રોજા રહ્યા છે. તે દિવસની રાત ફીફાદ ગામમાં ગાળવા તમામ ઊતરી પડે છે. તે વખતે ધનંતરશા પીરની ઝાડીમાં આ બનાવ બને છે, અને ઇસ્માઈલ પોતે પણ પોતાના તકદીરનો ભુલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી. આખી રાત ફીફાદ ગામમાં રહી પરોઢિયે સરગી કરી જમાદાર ઇસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો. પણ એને તો જરાયે ઓસાણ નથી કે આસપાસ પચીસ ગાઉમાં ક્યાંયે બહારવટિયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો જમાદાર ઘોડો હાંક્યે જાય છે. એમાં બરાબર ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી. અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઊગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવા લાગતાં સોએક ભાલાં ઝળેળાટ કરી ઊઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ જવાબ દીધો કે “ઇસ્માઈલ જમાદાર! કાઠીઓ આવે છે.” “અરે હોય નહિ.” “હોય નહિ શું! લ્યો, ત્યારે એ આ કટક વરતાણું.” “ફરક નહિ. આપણે ખંભે એકાવન બંદૂક પડિયું છે, ને ઈ બચારાં આડહથિયારા છે. હમણાં વીંધી લઈએ. જામગરિયું ચેતાવો ઝટ!” પલકમાં તો ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગરીઓ ઝબૂકી ઊઠી. “હાં ફૂંકી દ્યો!” એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત ભુજાઓમાં ઊપડી અને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ, તીણી આંખો પોતપોતાના વડિયાની સામે નિશાન લઈ રહી. સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણછેરણ થઈ ગયાં. કોઈ પોતપોતાની ઘોડીઓના પેટાળે ઊતરી ગયા, કોઈએ ઘોડીઓની ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તરવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગરી દાબે છે, ત્યાં તો સરૂરૂરૂ થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો! શું કારણ બન્યું હતું? પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની સરત નહોતી રહી, કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવા નક્કી થઈ ચૂકેલો હતો. એકાવનેય બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીઓએ ઘોડીઓ ચાંપી. ચકર! ચકર! સહુના હાથમાં ભાલાં ફરવા લાગ્યાં. અગ્નિઝરતાં કોઈ કૂંડાળાં સળગતાં હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ, ભાગવા માંડ્યું. કાઠીઓએ જોયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાને આંબવા નહિ આપે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે “એલા, જોજો હો, જો સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જાશે ને, તો આપણને મારી પાડશે હો! પછી આપણી કારી નહિ ફાવે.” ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું : સાંભળતાંની વારે જ સંધીઓના કાન ચમક્યા. સાચેસાચ જાણે એ પાણી વગરના ભાડિયા કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે, એવી ભ્રમણામાં આંધળાંભીંત બનીને એ એકાવનેય જણાએ એ સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરી વાર બંદૂકો તોળી જામગરી ચાંપી, પણ કાન પી ગયેલી બંદૂકો ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઊભા રહીને ભાલાં, બરછી તેમ જ તરવારોના ઘા કરી સંધીઓનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઊંચો થયો. એક સંધી અણિશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઊભો થયો. “અરે આ શું કૌતુક! આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો?” “જીવતો છું એટલું જ નહિ, જોગા ખુમાણ! પણ આ ડિલને માથે નજર તો કર! તારો એક ઘાયે ક્યાંય ફૂટ્યો ભાળછ?” બહારવટિયો થંભીને જોઈ રહ્યો. “જોગીદાસ ખુમાણ! આ પચાસને માર્યા તેના તને ઝાઝા રંગ! પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારનાં પેટમાં તારાં ભાલાં પરોવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. ને આંહીં જો! મેં મોરલો નો’તો ખાધો, મને એક પણ જખમ નથી ફૂટ્યો!” “ક્યાં છે મુરાદશા?” “આ ફીફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુમાં પડી જા — જો બહારવટે જશ લેવો હોય તો!” જેને મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભૃકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયેલું દીસે છે, એવો સૂરજમુખો બહારવટિયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફીફાદની ઝાડીમાં પીરને ઓટે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બનેલા બુઢ્ઢા મુજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા. એનાં પાળેલાં કબૂતરો, ખિસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતાં હતાં. એક ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો. પોતાના બન્ને હાથ બહારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ! બચ્ચા! પીર ધનંતરશા તારાં રખવાળાં કરશે.”