સોરઠી સંતવાણી/વચનની શક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વચનની શક્તિ

સાનમાં સાન એક ગુરુજીની કહું, પાનબાઈ!
જેથી ઊપજે આનંદના ઓઘ રે
સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે;
તેને મટી જાય માયા કેરો ક્ષોભ. — સાનમાં.
ભાઈ રે! ચૌદ લોકથી વચન છે ન્યારું, પાનબાઈ,
તમે તેની કરી લિયો ઓળખાણ,
જથારથ બોધ વચનનો જોતાં, પાનબાઈ,
મટી જાય મનની તાણાવાણ. — સાનમાં.
ભાઈ રે! વચન થકી ચૌદ લોક રચાણા,
વચન થકી ચંદા ને સૂર,
વચન થકી માયા ને મેદની, પાનબાઈ!
વચન થકી વરસે સાચાં નૂર. — સાનમાં.
વચન જાણ્યું તેણે સરવે જાણ્યું, પાનબાઈ!
તેને કરવું પડે નૈ બીજું કાંઈ,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તેને નડે નહીં માયા કેરી છાંઈ. — સાનમાં.

[ગંગાસતી]