સોરઠી સંતવાણી/5

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માનવ-અવતાર

માનવ-દેહને વિશે ગવાતી ભજનવાણી બહોળી છે. એને ‘પાણીનો પરપોટો’, ‘કાગળની કોઠી’ એવી એવી ઉપમાઓથી ક્ષણભંગુર, તકલાદી, મેલી ને ગંદી બેશક કહી છે, પણ એથી યે અધિક પ્રમાણમાં તો માનવ-દેહને મનોહારી મોરલો, દીપક-જલતું દેવળ, ફૂલની વાડી, અમર આંબાની ભૂમિ, પ્રેમનું ખેતર, પ્રભુ-ધણીરૂપી મહાન શેઠ સ્વામીની સુંદર સમૃદ્ધ નગરીરૂપે વર્ણવી છે : શરીરની અવહેલના, અવગણના કે નફરત ન કરતાં ભજનિકોએ એની સ્તુતિ કરી છે. ભજનોમાં માનવજન્મરૂપી મોરલાનું મૃત્યુલોકમાં અવતરતાં સ્વાગત છે. ને પછી કાયા-નગરીનું ભભકેદાર વર્ણન છે. હે માનવજીવ રૂપી વણિક વાણોતર! તું ભૂલીશ નહીં કે તારો શેઠ — માલિક પ્રભુ — આ કાયા-નગરીમાં હાજર છે. માટે ગફલત કરીશ નહીં. તારે જે કાંઈ ઝવેરાત મૂલવવું હોય તે આ ‘શેઠ’ની કને જઈને વહોરજે. જો તો ખરો, તારા સ્વામીની નગરી આ કાયા! અંદર દેવ-કચેરી બેઠી છે. વાદ્યો વાગે છે, ઊર્મિઓરૂપી નર્તિકાઓ નાચે છે, નાડીઓરૂપી નદીઓ વહે છે. દિલરૂપી દરિયા લહેરાય છે. તું અંદર જઈ પહોંચ ને હીરારત્ન પરખી લે. પ્રભુરૂપી શેઠ આ નગરીમાં જ છે. આ ભજનોમાં દેહને પવનનો બનાવેલ ચરખો કહી વર્ણવ્યો છે. એ ‘ધૂડના ઢગલા’માં જીવનની જ્યોત જલતી બતાવી છે, અને ઠપકો દીધો છે, કે આ પોતાના જ દેહરૂપી ઘરને દીવે જો અગમ્ય તત્ત્વની સૂઝ ન પડી, તો પછી ઉધારાં પારકાં જ્ઞાન-ઉપદેશથી શું ‘એના ઘરનો’ ભેદ ઉકેલાવાનો છે?