સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/એકરાષ્ટ્રતાના સ્થંભો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એકરાષ્ટ્રતાના સ્થંભો

રોઈદાસજી અહીં સોરઠધરામાં આવ્યા હશે, રહ્યા હશે, એ તો સંભવિત વાત છે. રાષ્ટ્ર આખો રાજશાસનને હિસાબે તો કોઈક જ વાર એક છત્ર તળે હતો; પણ એની એકરાષ્ટ્રતા તો સંસ્કારજીવનની હતી. સંસ્કારદૃષ્ટિએ રાષ્ટ્ર એક અને અખંડિત હતું, એક અને અવિભાજ્ય હતું, એક અને સુગઠિત હતું. શાસનની એકતાને તો બ્રિટિશ રાજ આવ્યા પૂર્વે હિન્દે ઘણાં વર્ષો સુધી ઝાઝી જાણી નહોતી. એ વાતને છુપાવવાથી શો ફાયદો છે? એકરાષ્ટ્રતા એકરાષ્ટ્રતા એવા જાપ જપવાની રાજદ્વારી દલીલબાજીનો તો કશો અર્થ જ નથી. સાચી એકરાષ્ટ્રતા જે સંસ્કારની હતી, તેના સ્થાપકો રાજપુરુષો, પત્રકારો ને મુસદ્દીઓ નહોતા, પણ આ ‘બાવા’ નામે અળખામણા ને ‘ભગતડા’ નામે ભૂંડા દેખાડવામાં આવેલા સંતો હતા.